Friday, November 12, 2010

પોતપોતાનો એવરેસ્ટ

ચિત્રલેખા ૨૨ નવેમ્બર ૨૦૧૧માં પ્રકાશિત




પોતપોતાનો એવરેસ્ટ

સ્લગઃ વાંચવા જેવું

----------------------------------------------------------------



જિંદગીનું ચુમાલીસમું વર્ષ આમ તો ફાંદાળા સદ્ગૃહસ્થો માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ વિશેની વિચારણા શરૂ કરવાનું યા તો સંભવિત મેલ મેનોપોઝ વિશે ઓફિશિયલી ચિંતા કરી શકવાનું વર્ષ ગણાય. પણ અતુલ કરવલની ચિંતાઓ જરા જુદા પ્રકારની હતી. જેમ કે, ઓક્સિજનનું વધારાનું સિલિન્ડર ખતમ થઈ ગયું તો ૨૪,૦૦૦ હજાર ફીટથી વધારે ઉચાઈ પર કેવી રીતે પહોંચવું? અથવા તો, લગભગ આટલી જ ઉચાઈએ ભયંકર જોખમી ઢોળાવ પર દોરડાની મદદથી માંડમાંડ લટકતા રહીને એમ વિચારવું કે મને જીવનમરણ વચ્ચે ઝુલતો અટકાવી શકે એવો કોઈ માઈનો લાલ દેખા દેશે ખરો?



માણસ જ્યારે એવરેસ્ટનું શિખર સર કરવા નીકળ્યો હોય ત્યારે તેની ચિંતાઓ આ જ પ્રકારની હોવાની ને!



અલબત્ત, ‘થિન્ક એવરેસ્ટ’ પુસ્તકમાં અતુલ કરવલના આ ટેન્શન વિશે વાંચતી વખતે તમે સુપર એક્સાઈટેડ હશો, કારણ કે તમે એ જ પાના પર વાંચો છો કે કોઈ બીજી ટીમનો અજાણ્યો શેરપા ચમત્કારિક રીતે પોતાનું વધારાનું ઓક્સિજન સિલિન્ડર તેમને આપી દે છે અને પેલા ઢોળાવ પર થોડી જ મિનિટોમાં સાથી શેરપા આવીને તેમની મદદ કરે છે. પુસ્તકનાં પાનાં પર લેખક જેમ જેમ એવરેસ્ટના શિખરની નજીક પહોંચતા જાય છે તેમ તેમ ઉત્તેજનાના માર્યા તમારો શ્વાસ અધ્ધર થતો જાય છે અને જેવા એ પોતાની રકસેકમાંથી તિરંગો કાઢીને લહેરાવે છે કે તમને છળીને સીટી મારવાનું મન થાય છે. દુનિયાના સર્વોચ્ચ પર્વતારોહણ વિશેના ઉત્કૃષ્ટ લખાણનો આ જાદુ છે!




Atul Karwal : તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...
 અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક)ના પદ પરથી ૨૨ મે ૨૦૦૮ના રોજ એવરેસ્ટ પર સફળ આરોહણ કરનાર અતુલ કરવલ ગુજરાતના અને સમગ્ર ઓલ ઈન્ડિયા સવિર્સીઝના સૌપ્રથમ સાહસિક છે. પ્રસ્તુત પુસ્તકમાં આ સાહસકથા તેમણે પોતાનાં પત્ની અનિતા કરવલની મદદથી અત્યંત રસપ્રદ રીતે આલેખી છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે અહીં પર્વતારોહણની દિલધડક કેફિયત ઉપરાંત તેમની આધ્યાત્મિક અંતર્યાત્રાનો આલેખ પણ છે. તસવીરો બ્લેક-એન્ડ-વ્હાઈટ હોવા છતાં પુસ્તકને જીવંત બનાવી દે છે. વાતનો પ્રવાહ એક કરતાં વધારે સ્તરો પર સતત ફ્લેશબેક - ફ્લેશ ફોરવર્ડ થયા કરે છે. લેખકે મનની શક્તિઓને વિસ્તારવાની, તેને અતિક્રમી જવાની વાત એટલી આસરકારક રીતે કરી છે કે વાચકને પાનો ચડી જાય. તેઓ લખે છે, ‘પર્વતારોહણ સમયે પણ જિંદગીમાં ઉતારવા જેવા સાદાસીધા અને સૌથી અગત્યના પુરવાર થતા પાઠ કેટલી સરળતાથી ભણવા મળે છેઃ ઝડપ તમને શિખર સુધી લઈ જતી નથી, એના માટે ખંત જોઈએ, દઢ નિર્ધાર જોઈએ, સતત આગળ વધતા રહેવાની મક્કમતા જોઈએ. કહેવાય છે ને કે તમે કેટલા ઝડપથી ચાલો છે એ અગત્યનું નથી, તમે કેટલે દૂર સુધી પહોંચી શકો છો એ મહત્ત્વનું છે...’



માણસ તીવ્રતાથી જે ઈચ્છતો હોય છે તે આખરે થઈને રહેતું જ હોય છે. ચંદીગઢમાં ઉછરેલા અને ફિઝિકલ ફિટનેસના દીવાના અતુલ કરવલનું પર્વતો પ્રત્યેનું તીવ્ર પેશન આખરે તેમને એવરેસ્ટના શિખર સુધી દોરી ગયું. લેખક માહિતી આપે છે કે વિશ્વમાં ૮,૦૦૦ મીટર (અથવા ૨૬,૦૦૦ ફૂટ) કરતાં ચા ૧૪ પર્વતો છે, જે તમામ હિમાલયમાં સ્થિત છે. બોલચાલની ભાષામાં તે ‘આઠ હજારી’ તરીકે ઓળખાય છે. તેમાંથી સૌથી જોખમી અણપૂર્ણા છે. તેનું આરોહણ કરનારાઓમાંથી ત્રીજા ભાગના પર્વતારોહકો પાછા ફરતા નથી. તે પછી કંચનજંગા અને કે-ટુનો વારો આવે. બણેનો મૃત્યુદર ૨૦ ટકાથી પણ વધુ. એવરેસ્ટનો મૃત્યુદર ૮થી ૯ ટકા જેટલો છે.




Atul Karwal: તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં
 લેખક લખે છેઃ ‘હું શીખ્યો કે કુદરતની અસીમ તાકાતનો ભય મનમાંથી કાઢી નાખવો હોય તો કુદરતનો ભરપૂર આદર કરતાં શીખી જવું જોઈએ... કુદરતનું પણ માનવસંબંધો જેવું જ છે. જો તમે કુદરતને ચાહશો, એનું માન જાળવશો તો એના પડઘારૂપે પોઝિટિવ આંદોલનો તમારા સુધી પહોંચવાના જ છે.... શેરપાઓ અને મહારથી ગણાતા ભલભલા પર્વતારોહકો પણ કંઈક આવું જ માનતા હોય છે કે તમે પર્વત નથી ચડતા, પર્વત તમને ચડવા દે છે. એ નક્કી કરે છે કે તમે શિખર સુધી પહોંચશો કે નહીં.’



પુસ્તકમાં માત્ર શ્વાસ અધ્ધર કરી દે તેવાં વર્ણનો જ નથી, ખડખડાટ હસી પડાય તેવી વાતો પણ છે. જેમ કે, હિમાલયની વિષમ પરિસ્થિતિમાં લઘુ અને ગુરૂશંકાના નિવારણ વિશેની વિગતો. ૧૭,૫૦૦ ફીટની ઉચાઈ પર ટોયલેટ માટેના તંબૂમાં સરકસના ખેલાડીઓની જેમ સંતુલન જાળવીને પીપડા પર બેસી પ્રાતઃક્રિયા પતાવતી વખતે ધ્યાન રાખવાનું કે પેશાબ પીપડાની બહાર પડે. પીપડું ભરાઈ જાય ત્યારે એને સીલબંધ પેક કરીને કાઠમંડુ પાછું મોકલી દેવાનું! આ પ્રકારની પરેશાનીઓનો અનુભવ એવરેસ્ટ આરોહણ માટેની કસોટીઓ અને તાલીમ દરમિયાન જ મળી ગયો હતો. સિક્કિમના એડવાન્સ બેઝ કેમ્પમાં એક વખત લેખકે ટ્રેનરને પૂછેલુંઃ અરે, અહીં તો ક્યાંય ખાલી જગ્યા દેખાતી નથી. સવારે ટોયલેટ જવા માટે કઈ તરફ જવાનું? જવાબ મળ્યોઃ ‘સર, ઉપર જવાનું, ઝાડ પર... કોઈ મજબૂત ડાળી જોઈને બેસી જવાનું અને કામ પતી જાય એટલે સાચવીને નીચે તરી જવાનું!’



આંશિક રીતે રોજનીશીના સ્વરૂપમાં લખાયેલા આ પુસ્તકમાં લેખકનું સંવેદનશીલ આંતરિક વ્યક્તિત્વ અને એનર્જેટિક બાહ્ય પર્સનાલિટી જ નહીં, બલકે તેમનો પારિવારિક માહોલ અને જીવનશૈલી પણ આકર્ષક રીતે પસતાં જાય છે. તેને લીધે પુસ્તક ઓર ભરેલુંભરેલું બન્યું છે. પુસ્તકનું ફલક એટલું વિશાળ છે કે તે માત્ર ટ્રેકિંગ કરવાના શોખીનોને જ નહીં, પણ સૌ કોઈને સ્પર્શી જશે. લેખક કહે છે, ‘એક પાઠ જે હું વારંવાર શીખતો રહ્યો છું તે એ કે મનની કોઈ સીમાઓ હોતી નથી, માત્ર મર્યાદાઓ હોય છે... મને લાગે છે કે દરેક વ્યક્તિ પાસે જિંદગીમાં પોતપોતાનો એક ‘એવરેસ્ટ’ હોવો જોઈએ, જેથી આપણે માની લીધેલી મર્યાદાઓમાંથી બહાર આવીએ, સરહદો તોડીને અને આપણે જે બનવું જોઈએ કે જે બનવું છે તે બનીએ.’



પુસ્તકનો અનુવાદ નહીં પણ અનુસર્જન (ટ્રાન્સક્રિયેશન) કેવી રીતે થવું જોઈએ તેનું ‘થિન્ક એવરેસ્ટ’ ઉત્તમ ઉદાહરણ છે. ઓરિજિનલને બદલે અનૂદિત પુસ્તક વાંચવાની ભલામણ કરવાનું મન થાય તેવાં સત્ત્વશીલ પુસ્તકો રોજ રોજ ક્યાં પ્રકાશિત થાય છે! સૌરભ શાહે પુસ્તકના ગુજરાતી અવતારને પોતાની શૈલીથી વધારે સમૃદ્ધ બનાવ્યો છે. તેમણે પુસ્તકમાં જેમનાં સતત ઉલ્લેખો થતા રહે છે તે ક્રેમ્પોન અને કેરબીનર જેવી પર્વતારોહણ માટે જરૂરી સામગ્રીને લગતી સચિત્ર સમજૂતી સમાવી લીધી છે (જે પુસ્તકની શરૂઆતમાં જ આવી ગઈ હોત તો વધારે સારું થાત), સરસ મજાની ફોટો કેપ્શન્સ આપી છે અને એક વધારાનું પ્રકરણ પણ ઉમેર્યું છે. ‘થિન્ક એવરેસ્ટ’ માટે આ ત્રણ જ શબ્દો કાફી છેઃ અ મસ્ટ રીડ!

Watch Atul Karwal Interview. Click on http://www.youtube.com/watch?v=MMR5nrjz-Ak
Watch a film on Atul Karwal. Click on http://www.youtube.com/watch?v=Itz6n82mqtE




(થિન્ક એવરેસ્ટ

લેખકોઃ અતુલ કરવલ - અનીતા કરવલ

અનુવાદકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર,

દેરાસર પાસે, ગાંધી માર્ગ,

અમદાવાદ ૩૮૦૦૦૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩

કિંમતઃ રૂ. ૨૭૫/

પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૦ )

4 comments:

  1. Really a great article. Indeed a good book to read which is translated by Saurabh Shah. I like Saurabh Shah's articles.

    ReplyDelete
  2. મેં અંગ્રેજી પુસ્તક આવ્યું ત્યારે વાંચ્યું હતું અને રીવ્યુ પણ લખ્યો હતો. મજા આવે એવું છે. ઘેરબેઠા ગંગા તો નહિ પણ ગંગા જેમાંથી નીકળે એ હિમાલયની સારી યાત્રા થઇ જાય!

    ReplyDelete
  3. Lalit, I reffered English version as well before writing this piece. It is intersting to see that, even it is an extremely difficult task, technology and other support system has made things relatively convenient for Everest climbers. Like, they have tents, ladders, ropes etc ready as they go along. How difficult it would be for climbers decades ago when there was no such system in place!

    ReplyDelete
  4. Mr.Atul Karval એક અદ્ભુત પ્રતિભા છે. આ બુકને શબ્દો એમના બેટર હાફ Mrs.Anita Karval e આપ્યા છે અને અદ્ભુત લેખક છે. એક વખત એમને બંને જણને સંભાળવાનો લ્હાવો મળ્યો હતો. હજીયે યાદ છે. સેમીનાર માઉન્ટ એવરેસ્ટ કેવી રીતે ચડ્યા એના અનુભવો પરનો જ હતો અને અદ્ભુત presentation હતું. એક વખત એક photography exhibition જોવા પણ આવેલા ત્યારે દુરથી જોયેલા. પણ એક વસ્તુનો ખુબ આનંદ થયેલો કે પોલીસ ડીપાર્ટમેન્ટ માં હોવા છતાં અને regular સ્ટ્રેસ નીચે હોવા છતાં પણ આ બધી વસ્તુઓ માટે ટાઈમ કાઢી શકે એ બહુ અદ્ભુત વાત છે. ખુબ જ માન છે એમના માટે તો ! Mrs. Karval માટે એમનાથી પણ વધારે !!!

    ReplyDelete