‘ચિત્રલેખા’ અંક તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત
કોલમઃ વાંચવા જેવું
તૂટે તે સંબંઘ, ટકે તે વ્યવહાર
સંંબંધો વિશે સમજતા રહેવાની અને જુદાં જુદાં સત્યો સુધી પોતાની રીતે પહોંચવાની પ્રક્રિયા આજીવન ચાલતી રહે છે. આ પ્રક્રિયાને વધારે ઝડપી અને વધારે સ્પષ્ટ બનાવી દે તેવાં માધ્યમની તલાશ હોય તો સૌરભ શાહ લિખિત ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’ની છ સંકલિત પુસ્તિકાઓ પાસે જવા જેવું છે. માનવસંબંધો વિશે મૌલિક લખવું ખૂબ કઠિન છે, પણ સૌરભ શાહે આ વિષય પર સતત લખ્યું છે અને ઉત્તમ લખ્યું છે.
‘જે પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે તે ખરો પ્રેમ’ એવી વ્યાખ્યા બાંધીને લેખક પછી ઉમેરે છેઃ ‘પ્રેમમાં ખુવાર થવાનું ન હોય. પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો અર્થ શો?’
આદર્શ સંબંધ કોને કહેવાય? ‘એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં રહેલી ઉત્તમોત્તમ ભાવનાઓ પ્રગટાવી શકે ત્યારે આદર્શ સંબંધની શક્યતાઓ સર્જાય. દરેક માણસમાં પોતે દાનવ બની શકે એવો કાચો માલ સંઘરાયેલો હોય છે અને એ દેવ જેવું વ્યક્તિત્વ ખીલવી શકે એવું રો મટીરિયલ પણ એનામાં પડેલું હોય છે. સામેની વ્યક્તિ તમારી આ બે શક્યતાઓમાંથી કઈ શક્યતાને ઉછેરી શકે એ જોવાનું છે.’
... પણ એક સમયે જેને ઉત્તમ માની લીધી હતી તે વ્યક્તિ સાથેનો સંબંધ શ્રેષ્ઠતાની સપાટી પર સતત તરતો રહે તે જરૂરી નથી. તેથી જ ‘તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર’ લેખમાં લેખક લખે છે, ‘કોઈ ચોક્કસ સમયે અને કોઈ એક ચોક્કસ સ્થળે જન્મેલો સંબંધ કાયમ ત્યાં ને ત્યાં રહી શકતો નથી. સમય અને સ્થળની સાથે સંબંધની તીવ્રતામાં, એના આવેશમાં વધઘટ થતી રહેવાની.’
વૈચારિક સ્પષ્ટતા અને કન્વિકશન એ સૌરભ શાહનાં લખાણોનાં સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે. ગોળગોળ નહીં, પણ ચોટદાર અને લક્ષ્યવેધી વાત. તેઓ કહે છેઃ ‘બેઉ વ્યક્તિ એકસરખી તીવ્રતાથી એકબીજાને ચાહતી હોય ત્યારે જ પ્રેમની માત્રામાં ઉત્તરોત્તર વધારો થાય. બેમાંથી એક વ્યક્તિની તીવ્રતામાં ઓટ આવ ે ત્યારે પ્રેમ સ્થગિત થઈ જવાને બદલે કથળવા માંડે. એક વ્યક્તિ અત્યંત ઉત્કટતાથી ચાહતી હોય તો પણ ચાહતમાં વળતાં પાણી આવવાનાં.’
પ્રેમ અને સંબંધોનું વિષ્લેષણ કરતી વખતે સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવામાં લેખકે કોઈ રસ નથી. તેઓ લેશમાત્ર કંપ અનુભવ્યા વગર લખે છેઃ ‘લગ્નમાં ક્યારેય બેઉ વ્યક્તિ વચ્ચે ફિફ્ટીફિફ્ટી જવાબદારી હોઈ શકે નહીં. વાસ્તવિકતા એ છે કે લગ્નમાં પતિ યા પત્ની બેમાંથી એકની લગન્ ટકાવવાની જવાબદારી વધુ અને બીજાની ઓછી આપોઆપ થઈ જતી હોય છે.’
લેખકે એક વાર સાહિત્યકાર મધુ રાયને પૂછેલુંઃ પત્નીના પિતાને ફાધરઈનલો, એની માતાને મધરઈનલો, અને એના ભાઈને બ્રધરઈનલો કહેવાય તો પત્નીના પુરુષ મિત્રને ફ્રેન્ડઈનલો કહેવાય કે નહીં? મધુ રાયે ખડખડાટ હસતા પહેલાં ગંભીર ચહેરે જવાબ આપેલોઃ ના, એને તો ‘સાલા, હરામખોર’ કહેવાય!
વાત સંબંધોમાં સલામતીની છે. લેખક કહે છેઃ ‘ સંબંધમાં નિરાંત અનુભવતા હો ત્યારે જ તમે એ સંબંધને જાળવવાની ચિંતામાંથી મુક્ત બની એને વિકસાવવાની શરૂઆત કરી શકો... સંબંધમાં અસલામતીની ભાવનાનું મુખ્ય કારણ સામેની વ્યક્તિના વિચારો કે એનું વર્તન નહીં પણ પોતાના જ વિચારો તથા પોતાનું જ વર્તન હોઈ શકે એવું ભાગ્યે જ કોઈ માનતું હોય છે.’
૧૬ ઓગસ્ટે પ્રગટ થયેલા ‘અબ્સોલ્યુટ ખુશવંતઃ ધ લોડાઉન ઓન લાઈફ, ડેથ એન્ડ મોસ્ટ થિંગ્ઝ ઈનબિટવીન’ નામનાં પુસ્તકમાં ૯૫ વર્ષીય ખુશવંત સિંહે લખ્યું છેઃ ‘સુખી થવા માટે અંડરસ્ટેન્ડિંગ સાથીદાર હોવો જરૂરી છે, પછી તે જીવનસાથી હોય કે મિત્ર હોય. જો તમારા જીવનમાં ખૂબ બધી ગેરસમજણો હશે તો માનસિક શાંતિ હણાઈ જશે. આખો વખત ઝઘડતા રહેવા કરતા ડિવોર્સ લઈને છૂટા પડી જવું સારું.’
સૌરભ શાહ આ વાતને આવી રીતે મૂકે છેઃ ‘સંઘર્ષથી સંબંધ મજબૂત નથી બનતો, થાકી જાય છે. જેને જાળવવા સતત સંઘર્ષ કરવો પડે એવા સંબંધોમાં અંતે હારી જવાનું હોય છે.’ અલબત્ત, ડિવોર્સ તો અંતિમ વિકલ્પ થયો, બાકી લેખક કહે છે તેમ, ‘સામાન્ય પરિસ્થિતિમાં લગન્જીવન જેમને ત્રાસભર્યું અને ભારરૂપ લાગતું હોય તેમણે વિચારવું જોઈએ ક્યા ડિવોર્સીને તમે સુખી, ખુશ અને આનંદી જોયા?’
આ સંપુટની પુસ્તિકાઓનાં શીર્ષકો જ ઘણંુ બધું કહી દે છેઃ ‘પ્રેમ એટલે ખુલ્લા પરબિડીયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર’, ‘પ્રેમ, સેક્સ અને સંબંધો’, ‘સંબંધમાં સલામતીની ભાવનાઃ સારી ક્યારે, ખરાબ ક્યારે’, ‘લગ્નજીવનમાં પતિપત્નીની જવાબદારી સરખે હિસ્સે વહેંચી શકાય નહીં,’ ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’ અને ‘સાથે રહેવાનાં કારણો ખૂટી પડતાં લાગ ત્યારે’. ટીનેજર્સ અને નવયુવાનો આ પુસ્તિકાઓને આ જ ક્રમમાં વાંચે તે બરાબર છે, બાકી ‘જિંદગી જોઈ ચૂકેલાઓ’ કોઈ પણ પુસ્તિકાનું કોઈ પણ પાનું ઉથલાવીને વાંચવાનું શરૂ કરે તો પણ શક્ય છે કે તેમને મનમાં કોઈ ઉઘાડ થાય, કોઈ સ્પષ્ટતા થઈ જાય યા તો મૂંઝવી રહેલા કોઈ સવાલનો જવાબ મળી જાય. બહુ ઓછાં પુસ્તકો આવો દુર્લભ ગુણ ધરાવતા હોય છે!
‘વાત પહેલાં લખાય અને તેને સંલગ્ન અનુભવ પછી થાય તે શક્ય છે,’ સૌરભ શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘અથવા કહો કે, નવી પરિસ્થિતિમાં લખાણનું અર્થઘટન જુદી રીતે થાય. લખાણ માત્ર સ્વાનુભાવોમાંથી નહીં, પર્સેપ્શનમાંથી પણ આવતું હોય છે.’
પુસ્તિકાઓનું કન્ટેન્ટ જેટલું સત્ત્વશીલ છે એટલું જ આકર્ષક તેનું પેકેજિંગ છે. છયે પુસ્તિકાઓને સમાવી લેતાં એેક નહીં, પણ બે ગિફ્ટબોક્સ ખરીદવાં, કારણ કે આટલી સુંદર પુસ્તિકાઓ કોઈને ભેટમાં આપી દેતાં તમારો જીવ ચાલવાનો નથી એ તો નક્કી!
(સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ
લેખકઃ સૌરભ શાહ
પ્રકાશકઃ ભારતી પ્રિન્ટ એન્ડ પબ્લિશિંગ હાઉસ,
સેટેલાઈટ, અમદાવાદ૩૮૦૦૦૯
વિક્રેતાઃ બુકમાર્ક, ૭એ, ચીનુભાઈ ટાવર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૨૪૪૮
છ પુસ્તિકાઓની કુલ કિંમતઃ રૂ. ૪૬૦/
કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૬૪૦)
0 0 0
ah, this is great! i'm really flattered!
ReplyDeleteShishir, Nice... Keep it up, it really helps..
ReplyDeleteશિશિરભાઇ, અભિનંદન અને શુભેચ્છાઓ- આગળ વધવા માટે!
ReplyDeleteThanks Yatrik and Birenbhai..
ReplyDeleteone suggestion: upload ur blog stories on facebook 2.
ReplyDelete