Saturday, August 28, 2010

વરઘોડો અને છૂટાછેડા

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ તા. ૨૯ ઓગસ્ટ ૨૦૧૦ માં પ્રકાશિત




મલ્ટિપ્લેક્સ



‘શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરધોડો’ ફિલ્મ અને ‘છૂટાછેડા’ સિરિયલ - ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની એક ઘટના મોજ કરાવે છે, જ્યારે બીજી વિચારવા પ્રેરે છે.


--------------------------------------


પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો લઈને સ્ટાઈલિશ મલ્ટિપ્લેકસમાં આરામથી મુવીઝ જોવાની ટેવ ધરાવતા શહેરી ગુજરાતીઓ માટે ગુજરાતી સિનેમા ક્ષિતિજરેખાની બહાર ફેંકાઈ ગયેલી વસ્તુ છે. છતાંય એક ગુજરાતી ફિલ્મ બને છે, જેને આ શહેરી ઓડિયન્સ પણ જુએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. અપેક્ષા રાખી શકવાનું મુખ્ય કારણ આ ફિલ્મ સાથે સંકળાયેલું એક નામ છે શાહબુદ્દીન રાઠોડ. આ નામ એવું છે જેની સાથે આજની કોન્વેન્ટ જનરેશન સિવાયના ગુજરાતીઓ તરત કનેક્ટ થઈ શકે છે ગ્રામ્ય, શહેરી, એનઆરઆઈ, સૌ. ફિલ્મનાં ટાઈટલમાં જ એમનું નામ વણી લેવામાં આવ્યું છે ‘શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય વરઘોડો’.



વાત વનેચંદની જ છે. ફિલ્મમાં તેનું નામ વિઠ્ઠલ કરી નાખવામાં આવ્યું છે. એનો ચહેરો સતત સપાટ અને ભાવશૂન્ય રહે છે. તે ચાલે ત્યારે શરીર વિચિત્ર રીતે ટટ્ટાર થઈ જાય છે. તેનું બાઘ્ઘાપણું લગભગ મંદબુદ્ધિની કક્ષાને સ્પર્શી જાય છે. ‘વનેચંદનો વરઘોડો’ આપણે ઓડિયો કેસેટ કે સીડીમાં એટલી બધી વાર માણ્યો છે કે તેના પ્રસંગો અને રમૂજો આપણને લગભગ ગોખાઈ ગયાં છે. ‘પાપડ પોળ’ સિરિયલમાં ભલે ખૂબ બધી છૂટછાટ લેવામાં આવી હોય, પણ આ ફિલ્મ મૂળ પ્રસંગો અને પાત્રોને વફાદારીપૂર્વક વળગી રહે છે.



ટીંગાટોળી કરીને નિશાળે લઈ જવાતો વિઠ્ઠલ, બહારવટે ચડતા માસ્તરો, અંગ્રેજોનો ડામ સહન કરનાર દરજી લાભુ મેરાઈ, સવારના પાંચ વાગામાં કન્યાના ગામે પહોંચી જતી જાન, ભડાકે દેવા પડે એટલા કઠણ લાડવા, ઘેટાબકરાની જેમ મોટરમાં ઠાંસી દેવાતા જાનૈયા ફિલ્મમાં આ બધું જ છે. સવાલ એ છે કે આ બધું કેવુંક ઉપસ્યું છે? શાહબુદ્દીન રાઠોડની લાક્ષાણિક શૈલીમાં આ વર્ણનો સાંભળતી વખતે આપણે ખૂબ હસ્યા છીએ, પણ સ્ક્રીન પર તે જોઈને હસવું આવે છે ખરું?



ફિલ્મ શરૂ થાય અને ઈન્ટરવલ પડી જાય ત્યાં સુધીમાં આ પ્રશ્નનો એક જ જવાબ મળતો રહે છેઃ ‘ના.’ અતિશય લાંબાં દશ્યો, દશ્યનાં મૂડ સાથે જરાય સુસંગત ન હોય તેવું વિચિત્ર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લાઉડ અને અસરહીન એક્ટિંગ આ બધું જોઈસાંભળીને લાગે કે જેને આપણે ખૂબ ચાહ્યો છે તે વનેચંદના વરઘોડાની ફિલ્મમાં કતલ થઈ રહી છે. પ્રોડકશન વેલ્યુની તો વાત જ નહીં કરવાની. શક્ય છે કે તમે ઈન્ટરવલ પછી સેકન્ડ હાફ જોવાની હિંમત જ ન કરો.



...પણ એવી ભુલ ન કરશો! ફિલ્મ સેકન્ડ હાફમાં પ્રવેશે ને જાણે ચમત્કાર થયો હોય તેમ, લગભગ નાટ્યાત્મક કહેવાય એવી રીતે, ફિલ્મ એકદમ જીવંત બની ઉઠે છે. એ જ કલાકારો છે, એ જ પરિવેશ છે, છતાં રમૂજની અસરકારકતાનું સ્તર એટલી ગજબનાક રીતે ઊંચકાય છે કે ન પૂછો વાત. તમે અંકુશમાં રાખી ન શકો એટલું, ક્ષોભ થઈ આવે એવું મુશળધાર હસવું આવશે. મજબૂત ઉત્તરાર્ધ ફિલ્મને આબાદ બચાવી લે છે.



શાહબુદ્દીન રાઠોડના ગામ થાનમાં જ ફિલ્મ શૂટ થઈ છે. છેલ્લી ઘડીએ વનેચંદ યા તો વિઠ્ઠલના રોલ માટે પસંદ કરવામાં આવેલો એક્ટર ફસકી ગયો. ડેની તરીકે વધારે જાણીતા કે. અમર સોલંકીએ એકસ્ટ્રાનો રોલ કરતા મહંમદ ભૂંગરને વિઠ્ઠલ બનાવી દીધો અને બે કલાક પછી શૂટિંગ શરૂ કરી દીધું! મહંમદ રાજકોટમાં શેરી નાટકો કરે છે. વિઠ્ઠલના પાત્રમાં તેનું પરફેક્ટ કાસ્ટિંગ થયું છે. ફિલ્મમાં શાહબુદ્દીન રાઠોડે એમની લાક્ષાણિક કાઠિયાવાડી શૈલીમાં માત્ર કોમેન્ટ્રી જ આપી નથી, તેમાં એક્ટિંગ પણ કરી છે.
જતીન જાની અને મુકેશ પટેલે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ આવતા મહિને પહેલાં મુંબઈમાં અને પછી ગુજરાતમાં રિલીઝ થશે.



છૂટાછેડા એટલે વરઘોડાના સાવ વિરુદ્ધ અંતિમ છેડા પર આવેલી ઘટના. યોગાનુયોગે ડિવોર્સના કિસ્સાઓની છણાવટ કરતી એક નોંધપાત્ર સિરિયલ ‘છૂટાછેડા’ આ સોમવારથી ઈટીવી ગુજરાતી ચેનલ પર શરૂ થઈ છે. સિરિયલનું ફોર્મેટ ઈન્ટરેસ્ટિંગ છે. દર સોમવારે છૂટાછેડાની ધાર સુધી પહોંચી ગયેલા એક દંપતીનો કિસ્સો શરૂ થાય અને શુક્રવારે પૂરો થાય. દર અઠવાડિયે નવું યુગલ, નવી વાર્તા, નવી પરિસ્થિતિ, નવું વિષ્લેષણ. શોનાં પ્રોડ્યુસર મીના ઘીવાલા કહે છે, ‘પતિપત્ની વચ્ચે વિખવાદ થાય ત્યારે બંને પાસે કંઈ અનિવાર્યપણે અલગ અલગ મુદ્દા હોતા નથી. મુદ્દા સમાન હોય છે, માત્ર તેને જોવાનો બંનેનો દષ્ટિકોણ જુદો જુદો હોય છે. આ શોમાં અમે સ્ત્રી અને પુરુષ બણેના પોઈન્ટ-ઓફ-વ્યુ રજૂ કરવાની કોશિશ કરી છે. એક વાર્તામાં અમે સાઈકોએનેલિસ્ટને પણ લાવ્યા છીએ. આ શો દ્વારા અમે ઓડિયન્સને સીધી સલાહ આપતા નથી. સલાહ અપાય ત્યારે સામેની વ્યક્તિની ભીતર ક્યારેક એક સાહજિક વિરોધ અથવા તો અસ્વીકૃતિનો ભાવ જાગતો હોય છે, પણ શક્ય છે કે આ શો જોઈને દર્શક કોઈ પાત્ર સાથે ખુદને આઈડેન્ટિફાય કરી શકે અને વિચાર કરવા પ્રેરાય.’



આ શો જેટલો વિચારપ્રેરક છે તેટલો જ તાજગીભર્યો પણ બની રહેવાનો. તેનું કારણ છે. દર સપ્તાહે તેમાં નવા ચહેરા જોવા મળવાના. ‘એક વાર્તા માટે માંડ છસાત દિવસનું શૂટિંગ કરવું પડતું હોવાથી હું સારામાં સારા ગુજરાતી કલાકારોને શોમાં લાવી શકી છું,’ કહીને મીના ઘીવાલા હસે છે, ‘પણ આ ફોર્મેટનો માઈનસ પોઈન્ટ એ છે કે અમારા પર કાસ્ટિંગનું ટેન્શન સતત ઝળુંબતું રહે છે!’



જોકે સૂત્રધારની ભુમિકા અદા કરી રહેલાં અમી ત્રિવેદી (સિનિયર) દરેક વાર્તામાં દેખાશે. સામાન્યપણે હિન્દી સિરિયલોમાં બિઝી રહેતાં લેખિકા હર્ષા જગદીશે ‘છૂટાછેડા’ લખવામાં માટે ખાસ રસ લીધો છે. ‘ડિરેક્ટર મિલન અજમેરાનું ઈન્વોલ્વમેન્ટ પણ કમાલનું છે,’ મીના ઘીવાલા કહે છે.



સંબંધોની વાતો સૌને એકસરખી સ્પર્શે છે. મીના ઘીવાલા ડાયનેમિક પ્રોડ્યુસર છે. સૌથી પહેલી ગુજરાતી જ નહીં, સૌથી પહેલી તેલુગુ અને ઓરિયા ડેઈલી સોપ પણ તેમના નામે બોલે છે. ભારતની લગભગ તમામ પ્રમુખ ભાષાઓમાં તેઓ સિરિયલો બનાવી ચૂક્યાં છે. ‘છૂટાછેડા’ સિરિયલનું કૌવત વાસ્તવમાં આખા દેશના ઓડિયન્સને આકર્ષે તેવું છે. જો કોઈ મેઈનસ્ટ્રીમ હિન્દી ચેનલ આ પ્રકારનું ફોર્મેટ અજમાવવાનું જોખમ લે અને ‘છૂટાછેડા’ની હિન્દી આવૃત્તિ નેશનલ લેવલ પર અવતરે તો આશ્ચર્ય નહીં!



શો સ્ટોપર

આમિર ખાને ભુજમાં ‘લગાન’નું શૂટિંગ કર્યું ને ત્યાં ભૂકંપ આવ્યો, આમિરે લેહમાં ‘થ્રી ઈડિયટ્સ્ર’ શૂટિંગ કર્યું ને ત્યાં આકાશ ફાટ્યું. હવે પીપલીનું શું થશે? આમિરને એની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા દુશ્મન દેશમાં મોકલી આપવો જોઈએ!

- એક ફની એસએમએસ

સ્વામી સચ્ચિદાનંદની લેટેસ્ટ બુક કેવી છે?

ચિત્રલેખા અંક તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ



શહીદોની ક્રાંતિગાથાઓ

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

 
ઠંડા લોહીવાળી પ્રજા ડાહી થઈને વ્યાપારધંધો કરીને પેટ ભરવાના કામમાં લાગેલી રહી છે. તે પેટભરા ભૂંડ જેવા મોટી ફાંદ તો વધારી શકે છે, પણ ક્રાંતિની જ્વાળા પ્રગટાવી શકતા નથી. અરે, સમય આવ્યે ક્રાંતિની મશાલમાં બે પળી તેલ પણ રેડી શકતા નથી.



આવી તીખી તમતમતી ભાષા સ્વામી સચ્ચિદાનંદની જ હોય! સાઠેક જેટલા જાણીતાઓછા જાણીતાઅજાણ્યા ક્રાંતિકારીઓ વિશેના આ પુસ્તકમાં સ્વામીજી ખૂબ ખીલ્યા છે. ભારતને આઝાદી અપાવનાર શહીદો વિશે ખૂબ લખાયું છે, સતત લખાયું છે, પણ આ પુસ્તક અલગ ભાગ ઊપસાવે છે. તેનું કારણ એ છે કે અહીં માત્ર ઈતિહાસની શુષ્ક વિગતોનો ખડકલો નથી. અહીં વાત ચોક્કસ દષ્ટિકોણ સાથે અને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં વાચક સામે મૂકાઈ છે. ક્રાંતિકારીઓ વિશે વાત કરતાં કરતાં સ્વામીજી પોતાની લાક્ષાણિક શૈલીમાં ટિપ્પણીઓ કરતા જાય છે, જે પુસ્તકને જીવંત અને ખૂબ રસપ્રદ બનાવી મૂકે છે.



ક્રાંતિકારીઓ અંગ્રેજ કાળમાં જ કેમ પેદા થયા? સ્વામીજી આના ત્રણ સંભવિત કારણો બતાવે છે. એક તો, ભારતની પ્રજા શિક્ષિત બની અને વિલાયત ગઈ. વિલાયત ગયેલા આપણા વિદ્યાર્થીઓ અંગ્રેજી શિક્ષણની સાથે આઝાદીનો પવન પણ લેતા આવ્યા. ગુલામી વિલાયતથી આવી તો આઝાદી પણ વિલાયતથી જ આવી! બીજું કારણ, ધાર્મિક તેમજ સામાજિક સુધારાઓ થવા લાગ્યા અને ત્રીજું, અંગ્રેજોની દેશી રજવાડાંઓને ખાલસા કરવાની નીતિને કારણે ખૂબ અસંતોષ પેદા કર્યો. કેટલાંય રજવાડાં માટે ક્રાંતિના માર્ગે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.



સરદાર ભગતસિંહ વિશેના પ્રકરણમાં લેખક એક આડવાત કરતાં કરે છે, ‘સ્વામી દયાનંદ સરસ્વતી મૂળ ગુજરાતના, પણ ગુજરાત તેમને ઓળખી ન શક્યું. પચાવી ન શક્યું. ગુજરાતને બહારના ધર્મગુરૂઓ કોઠે પડી ગયા છે... સ્વામીજી પછી ગુજરાત આવ્યા હતા અને બે વાર પથરા ખાઈને પાછા પંજાબ ચાલ્યા ગયા હતા. કદાચ એટલે જ કહેવાયું હશે કે ‘ઢોંગી કો ગુજરાત’. ઉત્તમમાં ઉત્તમ બીજ પણ ઉત્તમ ધરતીની અપેક્ષા રાખે છે. એવું લાગે છે કે ફરીથી સ્વામીજી ગુજરાત આવ્યા નહીં. ગુજરાતને તેનો કદી અફસોસ થયો જાણ્યો નથી.’



અંગ્રેજોને વાંધો હતો ક્રાંતિકારીઓથી, ભારતની તથાકથિત અધ્યાત્મિકતામાં રત રહેનારાઓથી નહીં. ક્રાંતિકારીઓનો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો નારો ‘અહં બ્રહ્માસ્મિ’ કરતાં વધુ ખતરનાક હતો. ‘આત્માવાળા ક્રાંતિકારીઓથી દૂર રહેતા હતા,’ એમ કહીને સ્વામીજી ઉમેરે છેઃ ‘આ આત્માવાળોઓને તો આપણે ભલા ને આપણો આત્મા ભલો, કોઈ ખતરો તો નહીં. આત્માના નામે જલસા કરો. સંસારને ભાંડતા જાવ અને મન મૂકીને ભોગવતા જાવ. આ થયું અધ્યાત્મ. આવું અધ્યાત્મ તો દુશ્મનોને જ ગમે.’



આઝાદીની લડતમાં માત્ર સવર્ણ હિંદુઓ જ ફાંસીએ ચડ્યા નથી. કેટલાક આદિવાસીઓ પણ આ યજ્ઞવેદીમાં આહૂતિ પામ્યા છે. દેશ ગુલામ હતો ત્યારે ઝારખંડમાં આઝાદી માટેની ચળવળ શરૂ થયેલી. અહીં મુંડા નામની આદિવાસી જાતિમાં બિરસાનો જન્મ થયો હતો. તેનાં માબાપ વટલાયેલાં ખ્રિસ્તીઓ હતાં. બાહ્ય સંપર્ક વિનાની આદિવાસી પ્રજા સ્થગિત થઈ ગઈ હતી. ત્યાં શૂન્યાવકાશ સર્જાયો, જેનો લાભ ખ્રિસ્તી મિશનરીઓએ લીધો... પણ આદિવાસી
બિરસા મુંડાએ યુવાનવયે જ પાછો હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો. તેનાં આ પગલાંથી આદિવાસીઓમાં એક મોજું ફેલાઈ ગયું. અંગ્રેજો અને બિરસાની આદિવાસી ટુકડી સામસામે આવી ગયા. અંગ્રેજોની તોપો અને બંદૂકોએ ચારસો જેટલા મુંડાઓનો જીવ લઈ લીધો. સ્વામી સચ્ચિદાનંદે દંતાલી ખાતેના એમના નવા મંદિરની પ્રદક્ષિણામાં બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે!



ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરતાથી આપણે વાકેફ છીએ, પણ મધ્યભારતના રામગઢ સ્ટેટની રાણી અવંતીબાઈ તેના કરતાં સહેજે ઓછી બહાદૂર નહોતી. કમનસીબે તેને લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ ન મળી. લક્ષ્મીબાઈના તોપચીની પત્ની ઝલકારીને પણ ક્યાં ખાસ યાદ કરાય છે? ૧૮૫૭ના વિદ્રોહ દરમિયાન ઝલકારી લક્ષ્મીબાઈ પાસે પહોંચી ગઈ અને નમ્રતાથી કહ્યું, ‘બાઈસાહેબ, તમારું અને કુંવરનું રક્ષણ થાય તે બહુ જરૂરી છે. આપનાં વસ્ત્રો, મુગટ વગેરે મને પહેરાવો. એક દરવાજેથી હું તમારું રૂપ ધારણ કરીને નીકળંુ અને બીજા દરવાથેથી સાદાં વસ્ત્રોમાં તમે વિદાય થઈ જાવ...’ આ યોજનાનો અમલ કરવામાં આવ્યો. પછી તો ઝલકારી પોતેય પણ ખૂબ લડી. તોપચી પતિને ગોળી વાગતા ઝલકારીએ તોપ સંભાળી અને ‘જય ભવાની...!’ની ગર્જના કરતાં કરતાં એવા ગોળા છોડ્યા કે અંગ્રેજ સેનામાં હાહાકાર મચી ગયો.



ઝલકારી જેવી ‘મર્દ’ સ્ત્રીઓ ઉપરાંત સ્ત્રી જેવા દેખાવ ધરાવતા મર્દ વસંતકુમાર વિશ્વાસની કથા પણ જાણવા જેવી છે. દહેરાદૂનમાં વનવિભાગમાં પટાવાળાની નોકરી કરતો વસંતકુમાર વિશ્વાસને જુઓ તો જાણે કોઈ છોકરીએ પુુરુષનો કપડાં પહેરી લીધા હોય તેવું લાગે. એક વાર દિલ્હીમાં હાથી પર વાઈસરોય લોર્ડ હાર્ડંિગની ભવ્ય સવારી નીકળી. સાથે પત્ની પણ હતી. આ સવારી જોવા ટોળે વળેલી મેદનીમાં વસંતકુમાર બુરખો પહેરીને ભળી ગયો મોકો જોઈને વાઈસરોય પર હાથબોમ્બ ફેંક્યો! નાસભાગ થઈ ગઈ. હાર્ડંિગ અને તેની પત્ની તો બચી ગયાં, પણ અંગરક્ષકના રામ રમી ગયા. વસંતકુમારની ધરપકડ થઈ અને તેને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો. તે વખતે તેની ઉંમર હતી ફક્ત ૨૩ વર્ષ!



દક્ષિણ ભારતમાં ક્રાંતિકારીઓ પ્રમાણમાં ઓછા પેદા થયા છે, પણ
વાંચી અય્યર તેમાં અપવાદરૂપ છે. પંચમ જ્યોર્જ શહેનશાહ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ક્રાંતિકારીઓએ તેમને જોરદાર આંચકો આપવાનું નક્કી કર્યું. ટીનેવેલી નગરનો અત્યાચારી કલેક્ટર રોબર્ટ વિલિયમ એશ એક વાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના સલૂન જેવા ડબામાં રૂઆબથી બેઠો હતો ત્યારે વાંચી અય્યરે તેના પર રિવોલ્વરની બે ગોળી છોડી. રોબર્ટ એશનું ત્યાં જ ઢીમ ઢળી ગયું. અંગ્રેજોના હાથે પકડાવું ન પડે તે માટે અય્યરે નાળચું પોતાના લમણા પર તાક્યું અને ટ્રિગર દબાવી દીધું. આત્મહત્યા મહાવીરતા કે મહાબલિદાન પણ હોઈ શકે છે!



પુસ્તકમાં આવા કેટલાય અજાણ્યા જાબાંઝોની દાસ્તાન આલેખાયેલી છે. ગુજરાતના શહીદો વિશે અલાયદું પ્રકરણ છે. સ્વામીજી પાસે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ તેમજ વૈશ્વિક સત્યોના પાક્કા સંદર્ભો છે, રસાળ ભાષાશૈલી છે અને મૌલિક ચિંતન છે. તેમનાં અમુક નિરીક્ષણો ખાસ ધ્યાન ખેંચે છેઃ ‘ક્રાંતિમોજાંને ઠંડું પાડવામાં સરકારી દમને જે કામ કર્યું તેથી વધુ ગાંધીજીના પ્રભાવે કામ કર્યું... કડવું સત્ય તો એ છે કે અંગ્રેજો સિવાય ક્યાંય ગાંધીવાદી આંદોલનો સફળ થયાં ન હતાં, એટલે ગાંધીવાદી સફળતામાં અંગ્રેજો પોતે પણ તેટલા જ કારણરૂપ છે.’



પુસ્તકમાં ક્યારેક એક જ વાતનું અવારનવાર પુનરાવર્તન થતું જરૂર લાગે, જેને ટાળી શકાયું હોત. સાવ સાદી પ્રોડકશન વેલ્યુ ધરાવતું આ વિચારોત્તેજક પુસ્તક તમારા અંગત પુસ્તકાલયનું આભૂષણ બની રહેવાનું.



(શહીદોની ક્રાંતિગાથાઓ

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશકઃ ગૂર્જર સાહિત્ય ભવન,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૪૪૬૬૩, ૨૬૫૬૪૨૭૯
કિંમતઃ રૂ. ૧૦૦/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૬૪)

૦૦૦૦

Friday, August 27, 2010

ફિલ્મ રિવ્યુઃ અંતરદ્વંદ્ર

મિડ-ડે, તા. ૨૯ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત



માન ન માન, તૂ મેરા દામાદ


વિષય એકદમ નવો, પણ માવજત બીબાઢાળ. ગ્રામ્ય ભારતનો એક ઈન્ટરેસ્ટિંગ ચહેરો રજૂ કરતી આ ફિલ્મ ઘણી વધારે ધારદાર બની શકી હોત


રેટિંગ ઃ બે સ્ટાર



આજ ચાય મિલેગા ક્યા....?

પુરુષપાત્રોની આવી ત્રાડો અહીં થોડી થોડી સંભળાતી રહે છે. મહિલાઓ ટ્રેમાં કપરકાબીનાસ્તા ટ્રેમા ં ગોઠવીને, સાડીનો છેડો માથા પર ગોઠવતી ગોઠવતી આમથી તેમ ફરતી રહે છે. સામંતી પુરુષો દારૂની પાર્ટીઓ કરતાં રહે છે અને ઘરની સ્ત્રીઓ મછલી ફ્રાય તળી તળીને એમને પીરસતી રહે છે. અહીં હવેલી જેવાં ઘરોમાં ફાંકડું રાચરચીલું છે ને બહાર મોટર પણ પાર્ક થયેલી છે, પણ વીજળી હજુ સુધી આવી નથી. અહીં સમય લગભગ થીજી ગયો છે. વહુદીકરીઓને ઘરના આદમીલોગ સામે હરફ સુધ્ધાં ઉચ્ચારવાનો હક નથી. અહીં બાપ એવા જડભરત છે કે દીકરીનું ભલું કરી નાખવાની લાહ્યમાં લાયક મુરતિયાને રીતસર કિડનેપ કરાવી લે છે, મારી મારીને એના હાડકાં ખોંખરા કરી નાખે છે અને પછી બેહોશ હાલતમાં એને મંડપમાં ઢસડી જઈ અગ્નિ ફરતે ફેરા ફરાવી દે છે. હા, આવી ઘટનાઓ બિહારના અંતરિયાળ હિસ્સામાં આજે પણ થાય છે. આ એક એવો વિષય છે, જે ‘અંતરદ્વંદ્વ’ પહેલાં ક્યારેય ફિલ્મી પડદા પર નહોતો આવ્યો. સંપૂર્ણપણે નવો સબ્જેક્ટ તે આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે.



જબરન શાદી



દિલ્હીમાં રહીને આઈએએસ એક્ઝામની તૈયારી કરી રહેલો હીરો (રાજસિંહ ચૌધરી) એકાદ દિવસ માટે બિહારમાં પોતાના ગામ આવે છે અને દુર્ભાગ્યે એ જ વખતે બાજુના ગામનો ધનિક આદમી (અખિલેન્દ્ર મિશ્રા) એને ઉઠાવી લે છે. બાપડાને ગંધાતી ગમાણ જેવી જગ્યામાં પૂરી દઈને તેના પર ગુંડા ટાઈપ પહેલવાનો દ્વારા ત્યાં સુધી અત્યાચાર થતો રહે છે, જ્યાં સુધી પેલો પોતાની દીકરીને પરણવા માટે હા ન પાડી દે. માણસોને સૂચના અપાય છેઃ આના મોઢા પર બહુ નહીં મારવાનું, નહીં તો લગ્નનાં ફોટા સારા નહીં આવે! હીરોને દિલ્હીમાં ઓલરેડી એક ગર્લફ્રેન્ડ છે, જ પ્રેગનન્ટ છે. બેહોશ અવસ્થામાં આખરે તેનાં લગ્ન જાનકી (સ્વાતિ સેન) સાથે કરાવી દેવામાં આવે છે. જબરન શાદી પછી ‘મહેમાન’ને બહેતર કમરામાં શિફ્ટ કરવામાં આવે છે, પણ હજુય તે નજરકેદ જ છે. જાનકી નિર્દોષ અને પ્રેમાળ છોકરી છે, પણ હીરો એને સ્પર્શ સુધ્ધાં કરતો નથી. પરિસ્થિતિ ઘુંટાય છે. એક દિવસ હીરો લાગ જોઈને નાસી જાય છે અને....



ખરબચડો વિષય, કૂણી ભાષા



સૌથી પહેલાં તો, હિન્દી સિનેમામાં વિષયોનો કારમો દુકાળ ચાલતો હોય ત્યારે તદ્દન વણખેડાયેલો વિષય લાવવા બદલ ડિરેક્ટર સુશીલ રાજપાલ અને તેમની ટીમની પીઠ થાબડવી પડે. છોકરાને ઉઠાવી જઈને જબરદસ્તી પરણાવી દેવાની વાત સાંભળાવામાં બહુ રમૂજી લાગે, પણ તે મામલો ગંભીર છે અને ફિલ્મમાં પણ તેને પૂરી ગંભીરતાથી જ ટ્રીટ કરવામાં આવ્યો છે. સત્યઘટનાઓ પર આધારિત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ (સોશ્યલ ઈશ્યુઝ) માટેનો નેશનલ અવોર્ડ મળ્યો છે તે સમજી શકાય તેવું છે. આ એક વાત થઈ. આ ફિલ્મના અન્ય ડિપાર્ટમેન્ટ્સ શાબાશી આપવા પડે તેવા મજબૂત નથી તે બીજી વાત થઈ.



બહુ જ ટાંચા સાધનો વડે, યારદોસ્તો પાસેથી પૈસા ઉધાર માગીને, નવોદિત એક્ટરો પાસે ફ્રીમાં કામ કરાવીને આ ફિલ્મ બની છે. આ બધું સ્ક્રીન પર વર્તાય છે. ફિલ્મ એક નિશ્ચિત ગતિથી આગળ વધતી જાય છે. જુદા જુદા પ્રસંગો ક્રમ પ્રમાણે બનતા જાય છે. વિષય નવો હોવા છતાં ડિરેક્ટરે ફિલ્મની માવજત કોણ જાણે કેમ તદ્ન બીબાઢાળ રીતે કરી છે. ટેન્શનનાળો સીન આવે એટલે બેકગ્રાઉન્ડમાં ઘડિયાળનું ‘ટિક ટિક’ શરૂ થઈ જવું, દોરી પર ભીનાં કપડાં સૂકવ્યાં કરતી ભાભી, ચાંપલી બહેનપણીઓ, પીળા દાંતવાળા ગામવાસીઓ... આ ટિપિકલ ઈમેજીસ આપણે અસંખ્ય વખત જોઈ ચૂક્યા છીએ. અહીં તે બધું જેમનું તેમ રજુ કરી દેવામાં આવ્યું છે. સંવાદોમાં મજા નથી. એમાંય હીરો અને એની દિલ્હીવાસી ગર્લફ્રેન્ડનાં દશ્યો તેમજ સંવાદો સૌથી નબળાં છે. નાયકનું આંતરિક દ્વંદ્વ હજુ બહેતર રીતે પેશ થઈ શક્યું હોત. માનો યા ન માનો, પણ ફિલ્મમાં એક આઈટમ સોંગ પણ છે. ફિલ્મની સિનેમેટિક લેંગ્વેજ ખરેખર તો એના ખરબચડા વષયને અનુરૂપ તીવ્ર અને ધારદાર હોવી જોઈતી હતી.



અખિલેન્દ્ર મિશ્રા અને વિનય પાઠક એક્ટરોની બટાલિયનમાં સૌથી આગળ રહે છે. નાયક રાજસિંહ ચૌધરીએ આખી ફિલ્મ એક જ એક્સપ્રેશનમાં ખેંચી કાઢી છે. નાયિકા સ્વાતિ સેન હીરોની તુલનામાં આશાસ્પદ છે.



આ ‘ઈન્ડિપેન્ડન્ટ’ ફિલ્મ છે, જેના મેકિંગમાં એેક પ્રકારની નિષ્ઠા વર્તાય છે. ‘આશાયેં’ની જેમ આ ફિલ્મ પણ વર્ષોથી ડબામાં બંધ પડી હતી. ‘અંતરદ્વંદ્ર’ જેવી ફિલ્મો જેટલી વધારે જોવાય તેટલું સુશીલ રાજપાલ જેવા ફિલ્મસાહસિકોને વધારે પ્રોત્સાહન મળે. આ ફિલ્મ ‘પીપલી (લાઈવ)’ જેટલી સ્માર્ટ નથી. ‘પીપલી (લાઈવ)’ તેટલી એન્ટરટેનિંગ વેલ્યુ પણ તેનામાં નથી. જો ગ્રામ્ય ભારતનો એક અજાણ્યો અને ઈન્ટરેસ્ટિંગ ચહેરો જોવામાં રસ હોય તો આ ફિલ્મ જોવી. અન્યથા દૂર રહેવું.



૦૦૦૦૦૦૦૦૦

ફિલ્મ રિવ્યુઃ આશાયેં

મિડ-ડે, તા. ૨૮ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત


નિરાશાજનક

નબળી પટકથાના પ્રતાપે હ્યદયસ્પર્શી પ્રિમાઈસિસ અને પ્રમાણમાં સારાં પર્ફોર્મન્સીસ ધરાવતી આ ફિલ્મ  નિરાશ કરે છે

રેટિંગ ઃ દોઢ સ્ટાર





એક સત્તર વર્ષની કેન્સર પેશન્ટ તેના કરતાં બમણી ઉંમરના બીજા કેન્સર પેશન્ટ પ્રત્યે આકર્ષાયેલી છે. છોકરીની એક જ અંતિમ ઈચ્છા છેઃ મરતા પહેલાં પેલા પુરુષ સાથે સહશયન કરવાનું. પુરુષ એની ઈચ્છા પૂરી કરે તે પહેલાં જ છોકરી જીવ છોડી દે છે. પુરુષ એને વળગીને વિલાપ કરે છેઃ મુઝે એક મૌકા ઔર દે દો....



ઓનપેપર આ દશ્ય આંખોમાંથી આંસુ ખેંચી લાવે તેવું, હ્યદય વીંધી નાખે એવું લાગતું હશે, પણ સ્ક્રીન પર તેને જોતી વખતે કારુણ્યનો અનુભવ કરવાને બદલે દર્શકને ખીજ ચડે છે. કોઈ ચાવીરૂપ સિકવન્સ પ્રેક્ષકમાં એકને બદલે ભળતી જ, લગભગ વિરુદ્ધ પ્રતિક્રિયા પેદા કરે ત્યારે માત્ર તે દશ્ય જ નહીં, બલકે આખી ફિલ્મનો મૃત્યુઘંટ વાગી જતો હોય છે. નાગેશ કુકુનૂરની ‘આશાયેં’માં આવાં એક નહીં, અનેક દશ્યો છે.



‘આશાયેં’ રેડી થઈને લાંબા સમયથી ડબામાં પડી હતી અને રિલીઝ થવાનું નામ નહોતી લેતી. આ ખરાબ સંકેત છે, છતાંય મનમાં આશા જરૂર હતી કે ફિલ્મ એટલી બધી ઢીલી તો નહીં જ હોય. ફિલ્મ જોયા પછી, રાઘર, જોતી વખતે જ સમજાય છે કે ફિલ્મે ડબામાંથી બહાર આવીને ખાસ કોઈ કાંદા કાઢી લીધા નથી.



મૃત્યુ મરી ગયું



એકચ્યુઅલી, ‘આશાયેં’ ટુકડાઓમાં સરસ છે. આખો દિવસ સિગાારેટ ફૂંકયા કરતા જોન અબ્રાહમને લંગ કેન્સર છે. એની પાસે હવે ત્રણ જ મહિના જેટલંુ જીવન બાકી છે. ગર્લફ્રેન્ડ સોનલ સેહગલને છોડીને તે સાવ મરણોન્મુખ હોય તેવા દર્દીઓ માટેની નામની સંસ્થામાં તે દાખલ થઈ જાય છે. અહીં એક વૃદ્ધ (ગિરીશ કર્નાર્ડ) છે, જેને ગળાનું કેન્સર છે. એક બુઢી વેશ્યા (ફરીદા જલાલ, બહુ જ ખરાબ) જેને એઈડ્સ થયો છે. સત્તર વર્ષની પદ્મા (અનાહિતા નૈયર, બ્રિલિયન્ટ) છે, જે તેનાં માતાપિતા સામે સતત વિદ્ગોહ કરતી રહે છે. એક કિશોર છે, જે સુપરનેચરલ પાવર ધરાવે છે. જોન અબ્રાહમના આ બધા સાથેના સંબંધો ફિલ્મનો મુખ્ય હિસ્સો રોકે છે.



અળવીતરી એબ્સર્ડ ટ્રીટમેન્ટ



નાગેશ કુકુનૂરની આ ફિલ્મનો રેફરન્સ પોઈન્ટ હ્યષિકેશ મુખર્જીની ‘આનંદ’ છે. ફિલ્મમાં વાસ્તવમાં એક સીન છે, જેમાં જોન અબ્રાહમ, અનાહિતા ઐયર અને ફરીદા જલાલ બેઠા બેઠા ‘આનંદ’ની ડીવીડી પૉઝ કરતાં કરતાં, હસતાં હસતાં ફિલ્મ અને પોતપોતાની જીવલેણ બિમારીઓ ડિસ્કસ કરી રહ્યાં છે. ફિલ્મનો વિષય, નેચરલી, વિષાદભર્યો છે. ‘આનંદ’ની જેમ અહીં પણ જીવનને છેલ્લી ક્ષણ સુધી હસતા હસતા માણી લેવાની વાત છે. ‘આશાયેં’નો આશય ઉત્તમ છે, પણ એટલું પૂરતું નથી. ફિલ્મી નૈયા નદી હેમખેમ પાર કરી શકે તે માટે તેનું સ્ક્રીપ્ટ નામનું લાકડું અને ડિરેકશન નામનો શઢ પણ મજબૂત હોવા જોઈએ. અહીં નાગેશભાઈ અડધે રસ્તે પહોંચ્ચ્યા પછી એટલા ગૂંચવાયા છે કે ન પૂછો વાત. જોન અબ્રાહમ અને અનાહિતા અન્ય દર્દીઓની આખરી ફેન્ટસી પૂરી કરવા માગે છે. બસ, અહીંથી જ લોચા પડવાનું શરૂ થાય છે. જોન પોતે મોટી હેટ અને કાઉબોય જેવા કપડાં પહેરી, ઈન્ડિયાના જોન્સ બની ખજાનો શોધવા માગે છે. તે પછી ઓચિતાં ઈન્ડિયાના જોન્સની ભયંકર લાંબી ડ્રીમ સિકવન્સ શરૂ થાય છે, જેમાં મોઢે સફેદ રંગના લપેડા લગાડેલા ગાંડા જેવા ભૂતડા ને કોણ જાણે શું શું આવે છે. ઈન્ડિયાના જોન્સ કઈ ચિડિયાનું નામ છે તે હિન્દી ફિલ્મો જોતા સરેરાશ ઓડિયન્સમાંથી કેટલા જાણતા હશે? અહીંથી ફિલ્મ રિઅલિસ્ટીક ટેક્સચર બદલાઈને એકદમ એબ્સર્ડ થઈ જાય છે. આખી વાત એટલી જુદી દિશામાં ફંટાઈ જાય છે અને આપણને થાય કે હવે ફિલ્મ પણ પેલા દર્દીઓની જેમ હવે મરવાની થઈ છે.



નાગેશ કુકુનૂરને એકસાથે ઘણું બધું કહી દેવું છે. ખાટલે મોટી ખોડ એ છે કે તેઓ કશું જ સંપૂર્ણપણે કહી શકતા નથી. ફિલ્મને ક્યાં પૂરી કરવી તે મુદ્દે પણ તેઓ કનફ્યુઝડ લાગે છે. ફિલ્મ અંત તરફ એટલી બધી લંબાયા કરે છે કે દર્શકના દિલમાં પાત્રો પ્રત્યે જાગેલી સહાનુકંપા ધોવાઈ જાય છે તેનું સ્થાન કંટાળો અને બગાસાં લઈ લે છે.



નાયકનું પાત્ર કોઈ પણ અદાકારને આકર્ષે, તેની અંદર બેઠેલા કલાકારને પોષણ આપે તેવું છે. ફિલ્મના મોટા ભાગના હિસ્સામાં જોન અબ્રાહમનો અભિનય મજાનો છે. જોકે ક્લાઈમેક્સ તરફ એની એક્ટિંગની ગુણવત્તાનો ગ્રાફ સહેજ નીચે ઉતરી જાય છે. તેણે એક ઈન્ટરવ્યુમાં દાવો કરેલો કે ‘આશાયેં’ના શૂટિંગ દરમિયાન મારું પાત્ર જેમ જેમ મૃત્યુ તરફ આગળ વધતું જાય તેમ મેં શરીરનું વજન ક્રમશઃ પંદર કિલો જેટલું ઘટાડી નાખેલું. ફિલ્મ જોતી વખતે આવુ વર્તાતું નથી તે અલગ વાત છે. ‘આશાયેં’ ભલે જેવી હોય તેવી, પણ જોનની કરીઅર અને બાયોડેટામાં મહત્ત્વની બની રહેવાની.



‘આશાયેં’નું સૌથી પસંદ પડે તેવું કોઈ પાસું હોય તો તે છે, અનાહિતા ઐયર. તે ફિલ્મની ચેતના છે. કમાલ છે તેનું પર્ફોર્મન્સ. અગાઉ આપણે તેને ‘ચક દે! ઈન્ડિયા’માં જોયેલી. આ અભિનેત્રી ખૂબ આશા જગાવે છે. એક કપલ તરીકે જોન અને અનાહિતા ઓકવર્ડ લાગે તો પણ તેમની કેમેસ્ટ્રી ખૂબ સરસ છે. એકાધિક સંગીતકારોએ પીરસેલું સંગીત કાનને ગમે તેવું છે.



સરસ પ્રિસાઈસિસ અને સારાં પર્ફોર્મન્સીસવાળી ફિલ્મને કેવા કેવા વિચિત્ર રોગ લાગી શકે અને તે શી રીતે દર્શકોની નિરાશ કરી શકે તેની ડોક્ટરી તપાસ કરવી હોય તો જ ‘આશાયેં’ જોવી.


૦૦૦

Wednesday, August 25, 2010

Gandhi - From The Eyes Of a 7 Year Old

It is interesting to know how a 7 year old perceives Mahatma Gandhi. The other day Shantanu, my son, asked me: ‘Do you know why Gandhiji is so famous?’


I was amused by the way he used the word ‘famous’.


‘No!’ I answered, ‘You tell me…’


‘Because they beat him up with lathi, locked him up in jail, still he remained positive and he had angel thoughts,’ the kid explained.



I smiled some more. Shantanu has learnt about ‘angel thoughts’ and ‘devil thoughts’ in his EQ class.


I gave him a bear hug.


His kiddy perception and understanding of Gandhi was just perfect!


 (in pictures: Shantanu at home – the mobile pics taken some two years ago)

0 0 0

Monday, August 23, 2010

સૌરભ શાહનું સંબંધશાસ્ત્ર

‘ચિત્રલેખા’ અંક તારીખ ૨૭ ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત



કોલમઃ વાંચવા જેવું




તૂટે તે સંબંઘ, ટકે તે વ્યવહાર









સંંબંધો વિશે સમજતા રહેવાની અને જુદાં જુદાં સત્યો સુધી પોતાની રીતે પહોંચવાની પ્રક્રિયા આજીવન ચાલતી રહે છે. આ પ્રક્રિયાને વધારે ઝડપી અને વધારે સ્પષ્ટ બનાવી દે તેવાં માધ્યમની તલાશ હોય તો સૌરભ શાહ લિખિત ‘સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ’ની છ સંકલિત પુસ્તિકાઓ પાસે જવા જેવું છે. માનવસંબંધો વિશે મૌલિક લખવું ખૂબ કઠિન છે, પણ સૌરભ શાહે આ વિષય પર સતત લખ્યું છે અને ઉત્તમ લખ્યું છે.



‘જે પ્રેમ એ પ્રેમ સિવાયની ક્ષણોને પણ સમૃદ્ધ બનાવે તે ખરો પ્રેમ’ એવી વ્યાખ્યા બાંધીને લેખક પછી ઉમેરે છેઃ ‘પ્રેમમાં ખુવાર થવાનું ન હોય. પ્રેમ પામવા જતાં જિંદગી પોતે જ બરબાદ થઈ જવાની હોય તો એ પ્રેમનો અર્થ શો?’



આદર્શ સંબંધ કોને કહેવાય? ‘એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં રહેલી ઉત્તમોત્તમ ભાવનાઓ પ્રગટાવી શકે ત્યારે આદર્શ સંબંધની શક્યતાઓ સર્જાય. દરેક માણસમાં પોતે દાનવ બની શકે એવો કાચો માલ સંઘરાયેલો હોય છે અને એ દેવ જેવું વ્યક્તિત્વ ખીલવી શકે એવું રો મટીરિયલ પણ એનામાં પડેલું હોય છે. સામેની વ્યક્તિ તમારી આ બે શક્યતાઓમાંથી કઈ શક્યતાને ઉછેરી શકે એ જોવાનું છે.’



... પણ એક સમયે જેને ઉત્તમ માની લીધી હતી તે વ્યક્તિ સાથેનો સંબંધ શ્રેષ્ઠતાની સપાટી પર સતત તરતો રહે તે જરૂરી નથી. તેથી જ ‘તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર’ લેખમાં લેખક લખે છે, ‘કોઈ ચોક્કસ સમયે અને કોઈ એક ચોક્કસ સ્થળે જન્મેલો સંબંધ કાયમ ત્યાં ને ત્યાં રહી શકતો નથી. સમય અને સ્થળની સાથે સંબંધની તીવ્રતામાં, એના આવેશમાં વધઘટ થતી રહેવાની.’



વૈચારિક સ્પષ્ટતા અને કન્વિકશન એ સૌરભ શાહનાં લખાણોનાં સૌથી મોટાં પ્લસ પોઈન્ટ્સ છે. ગોળગોળ નહીં, પણ ચોટદાર અને લક્ષ્યવેધી વાત. તેઓ કહે છેઃ ‘બેઉ વ્યક્તિ એકસરખી તીવ્રતાથી એકબીજાને ચાહતી હોય ત્યારે જ પ્રેમની માત્રામાં ઉત્તરોત્તર વધારો થાય. બેમાંથી એક વ્યક્તિની તીવ્રતામાં ઓટ આવ ે ત્યારે પ્રેમ સ્થગિત થઈ જવાને બદલે કથળવા માંડે. એક વ્યક્તિ અત્યંત ઉત્કટતાથી ચાહતી હોય તો પણ ચાહતમાં વળતાં પાણી આવવાનાં.’



પ્રેમ અને સંબંધોનું વિષ્લેષણ કરતી વખતે સુષ્ઠુ સુષ્ઠુ વાતો કરવામાં લેખકે કોઈ રસ નથી. તેઓ લેશમાત્ર કંપ અનુભવ્યા વગર લખે છેઃ ‘લગ્નમાં ક્યારેય બેઉ વ્યક્તિ વચ્ચે ફિફ્ટીફિફ્ટી જવાબદારી હોઈ શકે નહીં. વાસ્તવિકતા એ છે કે લગ્નમાં પતિ યા પત્ની બેમાંથી એકની લગન્ ટકાવવાની જવાબદારી વધુ અને બીજાની ઓછી આપોઆપ થઈ જતી હોય છે.’



લેખકે એક વાર સાહિત્યકાર મધુ રાયને પૂછેલુંઃ પત્નીના પિતાને ફાધરઈનલો, એની માતાને મધરઈનલો, અને એના ભાઈને બ્રધરઈનલો કહેવાય તો પત્નીના પુરુષ મિત્રને ફ્રેન્ડઈનલો કહેવાય કે નહીં? મધુ રાયે ખડખડાટ હસતા પહેલાં ગંભીર ચહેરે જવાબ આપેલોઃ ના, એને તો ‘સાલા, હરામખોર’ કહેવાય!



વાત સંબંધોમાં સલામતીની છે. લેખક કહે છેઃ ‘ સંબંધમાં નિરાંત અનુભવતા હો ત્યારે જ તમે એ સંબંધને જાળવવાની ચિંતામાંથી મુક્ત બની એને વિકસાવવાની શરૂઆત કરી શકો... સંબંધમાં અસલામતીની ભાવનાનું મુખ્ય કારણ સામેની વ્યક્તિના વિચારો કે એનું વર્તન નહીં પણ પોતાના જ વિચારો તથા પોતાનું જ વર્તન હોઈ શકે એવું ભાગ્યે જ કોઈ માનતું હોય છે.’



૧૬ ઓગસ્ટે પ્રગટ થયેલા ‘અબ્સોલ્યુટ ખુશવંતઃ ધ લોડાઉન ઓન લાઈફ, ડેથ એન્ડ મોસ્ટ થિંગ્ઝ ઈનબિટવીન’ નામનાં પુસ્તકમાં ૯૫ વર્ષીય ખુશવંત સિંહે લખ્યું છેઃ ‘સુખી થવા માટે અંડરસ્ટેન્ડિંગ સાથીદાર હોવો જરૂરી છે, પછી તે જીવનસાથી હોય કે મિત્ર હોય. જો તમારા જીવનમાં ખૂબ બધી ગેરસમજણો હશે તો માનસિક શાંતિ હણાઈ જશે. આખો વખત ઝઘડતા રહેવા કરતા ડિવોર્સ લઈને છૂટા પડી જવું સારું.’



સૌરભ શાહ આ વાતને આવી રીતે મૂકે છેઃ ‘સંઘર્ષથી સંબંધ મજબૂત નથી બનતો, થાકી જાય છે. જેને જાળવવા સતત સંઘર્ષ કરવો પડે એવા સંબંધોમાં અંતે હારી જવાનું હોય છે.’ અલબત્ત, ડિવોર્સ તો અંતિમ વિકલ્પ થયો, બાકી લેખક કહે છે તેમ, ‘સામાન્ય પરિસ્થિતિમાં લગન્જીવન જેમને ત્રાસભર્યું અને ભારરૂપ લાગતું હોય તેમણે વિચારવું જોઈએ ક્યા ડિવોર્સીને તમે સુખી, ખુશ અને આનંદી જોયા?’



આ સંપુટની પુસ્તિકાઓનાં શીર્ષકો જ ઘણંુ બધું કહી દે છેઃ ‘પ્રેમ એટલે ખુલ્લા પરબિડીયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર’, ‘પ્રેમ, સેક્સ અને સંબંધો’, ‘સંબંધમાં સલામતીની ભાવનાઃ સારી ક્યારે, ખરાબ ક્યારે’, ‘લગ્નજીવનમાં પતિપત્નીની જવાબદારી સરખે હિસ્સે વહેંચી શકાય નહીં,’ ‘લગ્નેતર સંબંધો અને સંબંધેતર લગ્નો’ અને ‘સાથે રહેવાનાં કારણો ખૂટી પડતાં લાગ ત્યારે’. ટીનેજર્સ અને નવયુવાનો આ પુસ્તિકાઓને આ જ ક્રમમાં વાંચે તે બરાબર છે, બાકી ‘જિંદગી જોઈ ચૂકેલાઓ’ કોઈ પણ પુસ્તિકાનું કોઈ પણ પાનું ઉથલાવીને વાંચવાનું શરૂ કરે તો પણ શક્ય છે કે તેમને મનમાં કોઈ ઉઘાડ થાય, કોઈ સ્પષ્ટતા થઈ જાય યા તો મૂંઝવી રહેલા કોઈ સવાલનો જવાબ મળી જાય. બહુ ઓછાં પુસ્તકો આવો દુર્લભ ગુણ ધરાવતા હોય છે!



‘વાત પહેલાં લખાય અને તેને સંલગ્ન અનુભવ પછી થાય તે શક્ય છે,’ સૌરભ શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘અથવા કહો કે, નવી પરિસ્થિતિમાં લખાણનું અર્થઘટન જુદી રીતે થાય. લખાણ માત્ર સ્વાનુભાવોમાંથી નહીં, પર્સેપ્શનમાંથી પણ આવતું હોય છે.’



પુસ્તિકાઓનું કન્ટેન્ટ જેટલું સત્ત્વશીલ છે એટલું જ આકર્ષક તેનું પેકેજિંગ છે. છયે પુસ્તિકાઓને સમાવી લેતાં એેક નહીં, પણ બે ગિફ્ટબોક્સ ખરીદવાં, કારણ કે આટલી સુંદર પુસ્તિકાઓ કોઈને ભેટમાં આપી દેતાં તમારો જીવ ચાલવાનો નથી એ તો નક્કી!





(સંબંધોની સુવર્ણમુદ્રા સિરીઝ
લેખકઃ સૌરભ શાહ

પ્રકાશકઃ ભારતી પ્રિન્ટ એન્ડ પબ્લિશિંગ હાઉસ,
સેટેલાઈટ, અમદાવાદ૩૮૦૦૦૯
વિક્રેતાઃ બુકમાર્ક, ૭એ, ચીનુભાઈ ટાવર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯
ફોનઃ (૦૭૯) ૨૬૫૮ ૨૪૪૮
છ પુસ્તિકાઓની કુલ કિંમતઃ રૂ. ૪૬૦/
કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૬૪૦)




0 0 0























પાઉલો કોએલ્હોનું ટિ્વટ ટિ્વટ

અહા! જિંદગી’ મેગેઝિન,

ઓગસ્ટ ૨૦૧૦માં પ્રકાશિત

 
 
ફલક




‘મારે પૈસાદાર થવુ છે’ એ વાક્યનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે... પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો.’ - પાઉલો કોએલ્હો





૧૩ જુલાઈ ૨૦૧૦ના બપોરે એકઝેટ પાંચ વાગ્યે બ્રાઝિલમાં રહેતા પાઉલો કોએલ્હોના દિમાગમાં એક વિચારતણખો ફૂટે છે. તેઓ ફટાફટ પોતાના કમ્પ્યુટર પર ટાઈપ કરે છેઃ

જીવન બહુ ટૂંકું છે. કોઈના પ્રત્યે દિલમાં રહેલી લાગણીની અભિવ્યક્તિને મુલતવી રાખવાનો આપણી પાસે સમય જ નથી.

બ્રાઝિલથી હજારો કિલોમીટર દૂર ભારતમાં તેમના ચાહકોની કમ્પ્યુટર સ્ક્રીન પર એ જ ક્ષણે આ શબ્દો ઊપસી આવે છે. અલબત્ત, ભારતમાં તે વખતે રાતનો દોઢ વાગ્યો છે. પોતાના પ્રિય લેખકનું આ ક્વોટેબલ ક્વોટ વાંચીને સૌના ચહેરા પર સાગમટે નાનકડું સ્માઈલ ફરકે છે.

આ ટિ્વટરની કમાલ છે. ૨૦૦૬માં જેક ડોરસીએ ટિ્વટર નામની આ સોશ્યલ નેટવર્કંિગ અને માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ક્રિયેટ કરી ત્યારે તેણે કલ્પના સુદ્ધાં કરી હશે ખરી કે ચાર જ વર્ષમાં દુનિયાભરના ૧૯ કરોડ કરતાંય વધારે લોકો એનો ઉપયોગ કરતાં થઈ જશે અને એમાં સુપર સેલિબ્રિટીઝ પણ સામેલ હશે? પાઉલો કોએલ્હો ઓલટાઈમબેસ્ટ સેલિંગ પોર્ટુગીઝ લેખક છે. તેમની નવલકથાઓનો ગુજરાતી સહિત ૬૭ ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે. દુનિયાભરના ૧૫૦ દેશોમાં તેમનાં પુસ્તકોની દસ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે.

પાઉલો કોએલ્હો સત્તર વર્ષના હતા ત્યારે તેમનાં માતાપિતાએ તેમને મેન્ટલ હોસ્પિટલમાં મૂકવા પડ્યા હતા. ત્રણ વર્ષર્ અહીં રહીને તેઓ બહાર આવ્યા અને જિપ્સી બનીને અમેરિકા, આફ્રિકા અને યુરોપમાં ખૂબ રખડ્યા. પછી પાછા બ્રાઝિલ આવીને પુસ્તકો લખવા લાગ્યા. સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે મોટા થઈને મારે લેખક થવું છે. પોતાનાં સપનાંને, પોતાની બિલીફને કદીય ન છોડવા એવો સંદશો આપતી તેમની ‘ધ અલ્કેમિસ્ટ’ નવલકથા સર્વાધિક લોકપ્રિય બની છે.



જિપ્સી લાઈફ જીવી રહ્યા હતા ત્યારે કોએલ્હો ડ્રગ્ઝના રવાડે ચડી ગયા હતા. આજકાલ તેઓ ટિ્વટરને રવાડે ચડ્યા છે! એક તાજી ટિ્વટમાં તેમણે ‘ધ અલ્કેમિસ્ટ’ જેવી જ વાત કહી છેઃ

‘મારે પૈસાદાર થવુ છે’ એ વાક્યનું તમે મંત્રની જેમ હજાર વખત રટણ કરશો તો કશો અર્થ નહીં સરે... પણ જો તમે તમારાં સપનાંને પકડી રાખશો તો ગરીબ તો નહીં જ રહો.

લેખક માટે અનુભવોની સમૃદ્ધિ અનિવાર્ય છે. અત્યંત ઘટનાપ્રચૂર જીવન જીવેલા કોએલ્હો એટલે જ કહે છે -

એન ઈન્ટેન્સ લાઈફ નીડ્સ અ ટચ ઓફ મેડનેસ. તીવ્રતાથી જીવવા માટે થોડું પાગલપણું જરૂરી છે.

તમને જીવનમાં જે ફટકા પડ્યા છે તેનાથી શરમાઓ નહીં, ગર્વ અનુભવો (કે આટઆટલી પીડા સહ્યા પછી પણ તમે ટકી રહ્યા છો).


મારામાં એક પ્રકારની આંતરિક ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) છે, જે રોજ શ્રદ્ધા, અંતઃસ્ફૂરણા અને શિસ્તના માપદંડથી મને જણાવે છે કે હું ક્યાં ઊભો છું.


પોતાની લેટેસ્ટ નોવેલ ‘ધ વિનર સ્ટેન્ડ્સ અલોન’માં કોએલ્હો કહે છે, ‘વૃદ્ધાવસ્થાને અભિશાપ ગણાય છે, ડહાપણની જમાવટ નહીં. લોકો ધારી લે છે કે માણસ પચાસ વર્ષનો થઈ જાય એટલે ઝપાટાભેર બદલાતા જમાના સાથે તાલ મિલાવી શકવાની ક્ષમતા ખતમ થઈ જાય...’ પણ ૬૩ વર્ષના કોએલ્હોએ સમય સાથે બરાબર સમરસ થઈ ગયા છે. આખી દુનિયામાં હાલ જેનો જબરદસ્ત ક્રેઝ છે તે ટિ્વટર પર તેઓ એટલા એક્ટિવ છે, જાણે વીસ વર્ષનો ઉત્સાહી કોલેજિયન જોઈ લો! પોતાના વાંચકો સાથે સંવાદ સાધવા માટે તેઓ ટિ્વટરનો ફાંકડો ઉપયોગ કરે છે. કોઈ વાચકે કોએલ્હોને ટિ્વટ મોકલીને કહ્યું કે સર, મેં તમારી ‘ઈલેવન મિનિટ્સ’ નોવેલ વાંચવાનું શરૂ કર્યું છે. કોએલ્હોએ સામી ટિ્વટ મોકલીને એને આગોતરી ચેતવણી આપીઃ

આશા રાખું કે તમને ‘ઈલેવન મિનિટ્સ’માં મજા આવે... પણ મારાં વર્ણનો વાંચીને આઘાત ન પામતા, પ્લીઝ!


‘ઈલેવન મિનિટ્સ’ની પ્રમાણમાં શોકિંગ થીમ ધરાવતી નવલકથામાં સાચા પ્રેમની શોધમાં નીકળી પડેલી એક બ્રાઝિલિયન યુવતી સ્વેચ્છાએ વેશ્યા બની જાય છે. કોએલ્હોએ ટિ્વટર પર હમણાં જ કહ્યંુ છે કે -

મારામાં કંઈ વાંચન કે સમયને લીઘે પરિવર્તન નથી આવ્યું. હું તો બદલાયો છું પ્રેમને કારણે.

પણ ‘ઈલેવન મિનિટ્સ’ કોએલ્હોએ સાવ સામા છેડાની વાત કરી છે. નવલકથાનો હીરો એક જગ્યાએ કહે છે,‘કોઈ લેખકે લખ્યું છે કે માણસ નથી સમયને લીધે બદલાતો, નથી જ્ઞાન એને બદલી શકતું, એક જ વસ્તુ છે જે માણસ મન બદલી શકે અને તે છે પ્રેમ. વોટ નોનસેન્સ! હા, માણસના સમગ્ર જીવન પર અસર કરી શકે તેવી કેટલીક બાબતોમાં પ્રેમનો સમાવેશ થાય ખરો, પણ આ સિક્કાની બીજી બાજુ પણ છે. એક લાગણી જેનામાં માણસના જીવનનો પ્રવાહ તદ્દન જ પલટી નાખવાની તાકાત છે તે છે આશાભંગ. કોઈના જીવનમાં પરિવર્તન આણવાનું કામ પ્રેમ કરતાં આશાનું તૂટી જવું ઘણી વધારે ઝડપથી કરી શકે છે...’

હવે આ બેમાંથી કઈ વાત સાચી માનવી? ચોપડીમાં લખેલી વાત કે લેટેસ્ટ ટિ્વટવાળી વાત?

ફિફા વર્લ્ડ કપની ધમાલ થોડા સમય પહેલાં જ આટોપાઈ. ફૂટબોલના શોખીન કોએલ્હોએ પણ ફિફા બરાબર માણ્યું. એક ટિ્વટમાં તેમણે લખેલું -

હું રોજ પાંચપાંચ કલાક ટીવી સામે કાઢું છું, પણ મને એે વાતનું જરાય ગિલ્ટ નથી!

‘ઈલેવન મિનિટ્સ’માં કોએલ્હોએ સ્પોર્ટ્સ વિશે એક ઈન્ટરેસ્ટંગ વ્યાખ્યા બાંધી છે. તેમણે લખ્યું છેઃ ‘સ્પોર્ટર્સ એટલે બીજું કંઈ નહીં, પણ એકબીજાને સમજતાં હોય તેવાં બે (કે બેથી વધારે) શરીરો વચ્ચેનો સંવાદ!’

ટિ્વટરની મજા એ છે કે એ તમારામાં લાઘવનો ગુણ આપોઆપ વિકસાવી દે છે! તમારા સંદેશો એટલે કે ટિ્વટ વધુમાં વધુ ૧૪૦ અક્ષરોનો હોઈ શકે. આ મર્યાદામાં રહીને તમારે જે કંઈ કહેવું હોય તે લખી નાખવું પડે. પાઉલો કોએલ્હોના ઈશ્વર વિશેના ટિ્વટ્સ પણ મજાના છે. જુઓ -

આઈપોડ બનો અને આઈગોડ સાથે કનેક્ટ થઈ એના શબ્દોને ડાઉનલોડ કરો (આ માટે કોઈ પાસવર્ડની જરૂર નથી!).


થ્રીડી = ડિસઅપોઈન્ટમેન્ટ (નિરાશા) વત્તા ડિફીટ (પરાજય) વત્તા ડિસ્પેર (વિષાદ). આપણને સાચી દિશા બતાવવા માટે ઈશ્વર ક્યારેક આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરતો હોય છે.


તમે કોરી નોટબુક બનો અને ભગવાનને પેન બનવા દો.


તમને મંઝિલ તરફ જવાનો રસ્તો મળી ગયો હોત તો ભગવાન પર ભરોસો રાખો, ઝાઝા સવાલો ન પૂછો.

અલબત્ત, જિંદગી પાર વગરના પ્રશ્નો આપણી તરફ ફેંકે જ છે. એના ઉત્તરો પૂરેપૂરા ક્યારેય મળતા નથી, કારણ કે -

મને જેવું લાગે કે બધા જ જવાબો મળી ગયા છે, તરત સવાલો બદલાઈ જાય છે!


જો તમને જિંદગી પૂરેપૂરી સમજાઈ ગઈ છે એવું લાગે, તો ખાતરી રાખજો કે તમને મળેલી કેટલીય માહિતી ખોટી છે...

0 0 0

Saturday, August 21, 2010

સુરેશ જોશી સાથે એક સંગીતમય સાંજ

‘આ શનિવારે હું રેકોર્ડંિગ કરી રહ્યો છું. આવજો, મજા આવશે...’



ચારેક દિવસ પહેલાં સુરેશ જોશીએ આમ કહ્યું ત્યારે જ મનોમન ‘શનિવાર કી સાંજ સંગીત કે નામ’ કરી નાખી હતી. સુરેશ જોશી ફેવરિટ સંગીતકારગાયક રહ્યા છે. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં તેમણે ઉત્તમ કામ કર્યું છે. તેમનું લેટેસ્ટ આલ્બમ ‘ગીત પંચમી’ (અવિનાશ પારેખનાં કૃષ્ણગીતો) સાંભળો. મણિભાઈ નભુભાઈ દ્વિવેદીની શોકિંગ જીવની પર આધારિત મનોજ શાહના નાટક ‘જલ જલ મરે પતંગ’નું સંગીત સાંભળો. રોમાંચિત થઈ જશો. ઈન ફેક્ટ, સુરેશભાઈને મારી હંમેશા ફરિયાદ રહી છે કે નાટકમાં ભલે આખેઆખાં ગીતોનો ઉપયોગ ન થાય, પણ તમે ગાયકો પાસે ‘જલ જલ...’નાં ગીતોના માત્ર મુખડા જ કેમ ગવડાવ્યાં? આ ગીતોનું કેટલું સુંદર અલાયદુ ઓડિયો આલબમ તૈયાર થઈ શક્યું હોત! સુરેશભાઈ પાસે, અલબત્ત, આ સવાલનો તાર્કિક જવાબ છે જ!



વિલે પાર્લે (ઈસ્ટ)ની એક શાંત બાયલેનમાં ઊભલા શ્રીનિવાસ નામના રેસિડેન્શિયલ બિલ્ડિંગને જુઓ તો અંદાજ ન આવે અહીં એક કરતાં વધારે રેકોર્ડંિગ સ્ટુડિયોઝ ધમધમતા હશે. ગઈ કાલ સુરેશ જોશીએ અહીં જયદેવ રચિત ‘ગીત ગોવિંદ’પર આધારિત તૈયાર થઈ રહેલા એક ડાન્સડ્રામા માટે કેટલીક રચનાઓ કંપોઝ કરી. કવિ જયદેવ તેરમી સદીમાં ઓરિસ્સામાં થઈ ગયા. સંસ્કૃત મહાકાવ્ય ‘ગીત ગોવિંદ’ તેમની પ્રમુખ કૃતિ ગણાય છે. પાર્થિવ ગોહિલનું રેકોર્ડંિગ બપોર સુધીમાં પૂરું થઈ ગયું હતું. મને રેખા ત્રિવેદીની ગાયકી માણવાનો લહાવો મળ્યો. રેખા ત્રિવેદી, અગેન, ગુજરાતી સુગમ સંગીતનું એક ઉત્કૃષ્ટ નામ છે. સુરેશ જોશીએ કંપોઝ કરેલું અને રેખા ત્રિવેદીએ ગાયેલું ‘ગીતપંચમી’નું ગીત ‘સોનારૂપા...’ પ્રિય રચના છે.



કોઈ પણ ક્રિએટીવ પ્રોસેસના તારતાર છુટ્ટા કરીને, એને આંખની સાવ પાસે લઈ જઈને જોવામાં, તેના જુદાજુદા પાસાં સમજવામાં હંમેશા ખૂબ રસ પડ્યો છે. તેમાંય સંગીતનું પ્રત્યક્ષ સર્જન થતું નિહાળવામાં એક અલગ જ મજા છે. ટેકનોલોજીને કારણે સંગીતસર્જનના ડાયનેમિક્સ બદલાઈ ગયા છે. હવે તો ગીતના એકએક શબ્દને, એકએક હરકતને, એકએક લયકારીને છુટ્ટાં પાડી તેના પર નક્સીકામ થઈ શકે છે.



સુરેશ જોશી કહે છે, ‘‘ગીત ગોવિંદ’ની સંસ્કૃત રચનાઓના શબ્દો લોકોને ભલે ન સમજાય, પણ મેં કમ્પોઝિશન્સ એકદમ સરળ રાખ્યાં છે. વળી, ડાન્સડ્રામા લોકભોગ્ય બને તે માટે પૂરક ગુજરાતી લોકગીતો પણ ઉમેર્યાં છે.’ તેમનું નિરીક્ષણ એવું છે કે ‘ગીત ગોવિંદ’ વિશે ગુજરાતી સાહિત્યમાં જે વિવેચનો અને સ્વરૂપાંતરો થયા છે તે એટલાં ક્લિષ્ટ અને દુર્બોધ છે કે ભાવકને મૂળ કૃતિની નિકટ લઈ જવાને બદલે ઊલટાના ડરાવી દે!



સુરેશભાઈ આઠમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીત કંપોઝ કરવા માંડેલાં. અત્યાર સુધીમાં તેમનાં કંપોઝિશન્સનો સ્કોર ૮૦૦ના આંકડાને વટાવી ગયો છે.... અને હા, સુરેશ જોશી સિવિલ એન્જિનીયર છે! તેઓ હસતા હસતા કહે છે, ‘મેં જોયું છે કે આર્ટ્સ કરતાં સાયન્સના સ્ટુડન્ટ્સ વધારે રસિક અને કલાપ્રેમી હોય છે!’ આ તેમનું બીજું નિરીક્ષણ છે!



‘ગીત ગોવિંદ’ ડાન્સડ્રામા તૈયાર કરી રહેલા પ્રોડ્યુસર રાજેશ પટેલ મજાના માણસ છે. અગાઉ તેમણે કલાપી વિશેનું ફુલલેન્થ પ્લે પ્રોડ્યુસ કરેલું. પછી કલાપીની રચનાઓની ચાર ઓડિયો સીડીનો સેટ પણ લોન્ચ કર્યો. સાહિત્યિક ગુણવત્તા ધરાવતા આ પ્રકારના પ્રોજેક્ટ્સ માટે તેમનામાં ગજબનું પેશન અને ધીરજ છે.



‘ગીત ગોવિંદ’ આખરે કેવો આકાર અને રંગરૂપ ધારણ કરે છે તે જોવાની મજા આવશે... 000

રિવ્યુઃ લફંગે પરિંદે

"મિડ- ડે", તા. 21 ઓગસ્ટ 2010માં પ્રકાશિત


ડિઝાઈનર ડિંડવાણું

અફલાતૂન બની શકવાનું કૌવત ધરાવતી આ ફિલ્મ સરેરાશ બનીને રહી ગઈ છે

રેટિંગ ઃ બે સ્ટાર

--------------------------------------------

ફિલ્મના હીરોની બેબી પિંક કલરની સ્કિન પર ડાર્ક બ્રાઉન રંગની દાઢી ઊગે છે. સફાચટ શેવિંગ કર્યું હોય તો તેનો ચહેરો છાલ ઊતારી લીધેલા બાફેલા ઇંડા જેવો લાગે. દર શુક્રવારે એ કુસ્તી કરવા મેદાનમાં ઉતરે ત્યારે થોડી વાર તો સામેના માણસનો માર ખાશે. અમુક વિકૃત માણસોમાં જેમ પટ્ટે પટ્ટે માર ખાધા પછી સેક્સનો પાવર જાગે તેમ આનેય લોહીલુહાણ થયા પછી એવું તો શૂરાતન જાગે કે એક જ ઘુસ્તામાં સામેવાળાને ચીત કરી દે છે. બસ્તીવાળાઓએ એટલે જ તેનું નામ ‘વનશોટ નંદુ્’ રાખ્યું છે. તે સડકછાપ ટપોરી છે, પણ મોબાઈલ હાઈકલાસ બ્લેકબેરીનો વાપરે છે. શું થાય? યશરાજ બેનરની ફિલ્મ છે. બધું ડિઝાઈનર રાખ્યા વગર છૂટકો છે? એટલે જ સડકછાપ ટપોરીના રોલમાં યુરોપિયન જેવો દેખાતો હીરો લેવામાં આવ્યો છે. હિરોઈન નાનકડી ખોલીમાં રહે છે, પણ એનાં કોસ્ચ્યુમ તાત્કાલિક નવો ફેશન ટ્રેન્ડ શરૂ કરી દે તેવા છે. દીપિકા પદુકોણ મૂળ સુપરમોડલ ખરીને. યશરાજની જેમ બિચારી તે ય ડિઝાઈનર આદતથી મજબૂર છે.



‘દેખને કે લિએ આંખ નહીં, કીડા મંગતા,’ હીરો નીલ નીતિન મૂકેશ ફિલ્મમાં દીપિકા સામે આવો ડાયલોગ ફેંકે છે. દીપિકા તો પ્રજ્ઞાચક્ષુ છે, પણ ઓડિયન્સ પાસે આંખ, કાન અને નવી ફિલ્મ જોવાના કીડા બધું જ છે. આથી તેને બરાબર સમજાય છે કે ઓનપેપર આ ફિલ્મ કેટલી દમદાર લાગતી હશે. કમનસીબે એક સારો આઈડિયા સ્ક્રીન પર પહોંચે ત્યાં સુધીમાં ડિરક્ટર પ્રદીપ સરકાર અને તેમના સાથીઓ ઘણું બધું જોવાનું ચૂકી ગયા છે. પરિણામે અફલાતૂન બની શકવાનું કૌવત ધરાવતી આ ફિલ્મ સરેરાશ બનીને રહી ગઈ છે.



ડાન્સ બિના ચેન કહાં રે

એક વંચિતા જેને ખૂબ બધું હાંસલ કરવું છે. મુંબઈના નિમ્ન વર્ગમાં મોટી થયેલી દીપિકા સારું ફિગર સ્કેટિંગ કરી જાણે છે અને પોતાની આ ટેલેન્ટના જોરે તેને કશુંક કરી બતાવવું છે. તે સપનું પૂરું કરી શકે તે પહેલાં જ અકસ્માત (અતિ કંગાળ વિઝયુઅલ ઈફેક્ટ)માં તેની આંખો જતી રહે છે. તેને સાથ મળે છે વનશોટ નંદુ એટલે કે નીલનો. પહેલાં ફાઈટર નીલ તેને અંધાપા સામે લડતા શીખવે છે. હવે દીપિકાનો વારો. ના ના, તે ફાઈટિંગ કરવાનું શરૂ કરી દેતી નથી ડોન્ટ વરી બલકે તે નીલને સ્કેટિંગ કરતાં કરતાં ડાન્સ કરવાનું શીખવે છે. જડભરત શીખી પણ જાય છે. પછી બણે ‘ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ નામના રિયાલિટી શોમાં ભાગ લે છે. આ ટેલેન્ટ શોનું શું પરિણામ આવે છે તેની કલ્પના કરવા માટે કોઈ ટેલેન્ટની જરૂર નથી.



મોકો ખોઈ નાખ્યો

યશરાજ ફિલ્મ્સ ટીવી માટે સોફ્ટવેર પ્રોડ્યુસ કરે તેમાં કોઈને શો વાંધો હોય, પણ ભાઈસા’બ, તમારી ફિલ્મને ટીવી શો શા માટે બનાવી દો છો? હજુ હમણાં તો ‘રબને બના દી જોડી’માં તમે ‘નચ બલિયે’ ટાઈપની કોમ્પિટીશન બતાવી હતી અને હવે ‘લફંગે પરિંદે’માં ‘ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ ઘુસાડ્યું? તે પણ આટલી નબળી રીતે? રિયાલિટી શોનાં દશ્યોમાં તાળી પાડતું ઓડિયન્સ અને હાથમાં વોકીટોકી લઈને ‘જલદી કરો... જલદી કરો’ કરતા પ્રોડકશનના માણસ સિવાયની બીજી કશી જ વિગતો જ નથી. વાસ્તવમાં આ આખેઆખી ફિલ્મ ડિટેલિંગના અભાવથી સખ્ખત પીડાય છે. નીલની સ્ટ્રીટ ફાઈટિંગ હોય, મુંબઈની બસ્તીઓમાં જીવાતું જીવન હોય, દીપિકાનો અંધાપા સામેનો સંઘર્ષ હોય કે સ્કેટ શૂઝ પહેરીને થતી ડાન્સ પ્રેકિટસ હોય આ તમામ પાસાને ઉપરછલ્લી રીતે સ્પર્શવામાં આવ્યાં છે. સૂક્ષ્મતાઓનું ચતુરાઈથી નક્સીકામ કરવાની અને દર્શકને આકર્ષી લે તેવી નાની નાની વિગતોમાં પડવાની સરકારસાહેબે તસ્દી જ લીધી નથી.



એક્ટર માત્રને આંધળા માણસનું પાત્ર ભજવવાના કીડા હોય છે. ટેક્નિકલી, આ ફિલ્મમાં દીપિકાને ખાસ્સો ચેલેન્જિંગ રોલ મળ્યો ગણાય. દીપિકા ધીમે ધીમે પણ મક્કમ રીતે વિકસી રહેલી એક્ટ્રેસ છે અને આ ફિલ્મમાં પણ તેણે પોતાનાથી બનતા ઉત્તમ પ્રયત્નો કર્યા છે. તોય અમુક દશ્યોમાં તે અંધ હોવાની એક્ટિંગ નહીં, પણ અંધ હોવાનંુ નાટક કરી રહી હોય તેવું લાગતું હોય તો તેનો દોષ દીપિકા કરતાં ડિરેક્ટરનો વધારે છે. વાસ્તવમાં સ્કેટિંગ કરતાં કરતાં ડાન્સ કરવાની અંધ છોકરીની જીદ અને જીત ફિલ્મનો આ ફોકલ પોઈન્ટ હોવો જોઈતો હતો, પણ કોણ જાણે કેમ આ વાતને ઘૂંટવામાં આવી નથી. દીપિકાની ભીષણ પીડા, તેણે કરવો પડેલો પાર વગરનો સંઘર્ષ, આ બધામાંથી તેણે શોધેલો માર્ગ અને આખરે હ્યુમન સ્પિરિટનો વિજય વગેરે પાસાઓનું યોગ્ય ખેડાણ થયું હોત તો આ એક હ્યદય વીંધી નાખે એવી, આંખમાંથી આંસું ખેંચી કાઢે એવી અને ઓડિયન્સનો પાનો ચડાવી દે એેવી યાદગાર ફિલ્મ બની શકી હોત. કમનસીબે, મારામારી કરતો હીરો, પોલીસ ઈન્વેસ્ટિગેશન, લોકલ ભાઈ વગેરે બાબતોને લીધે ફિઙ્ખલ્મની રિધમ વેરવિખેર થઈ ગઈ છે અને ફિલ્મે એક ઉત્તમ મોકો ખોઈ નાખ્યો છે.



નીલમાં ‘મોટા બેનરની ફિલ્મ હાથમાં આવી છે, કંઈક કરી બતાવવું છે’ તે પ્રકારનો એટિટ્યુડ દેખાય છે, જે સારી વાત છે. આમિર ખાન જેવો કાબેલ એક્ટર ચોકલેટી બોય જેવો દેખાવ ધરાવતો હોવા છતાં ‘રંગીલા’માં સડકછાપ ટપોરી કે ‘સરફરોશ’માં જાંબાઝ પોલીસ ઓફિસર તરીકે બહુ કન્વિન્સિંગ દેખાઈ શકે છે. નીલનું હજુ એ પ્રકારનું ગજું નથી. તેથી વનશોટ નંદુના પાત્રને નિષ્ઠાપૂર્વક ઊપસાવવાની કોશિશ કરી હોવા છતાં તેને પૂરેપૂરા માર્ક્સ આપી શકાતા નથી. હા, ફિગર સ્કેટિંગમાં દીપિકા અને નીલ બનેએ પુષ્કળ મહેનત કરી છે, જે છેક ક્લાઈમેક્સમાં દેખાય છે. સ્કેટ શૂઝ પહેરીને અઘરા લિફ્ટ્સ સાથેના કોમ્પિલીકેટેડ ડાન્સ કરવા ખાવાના ખેલ નથી. થ્રી ચિયર્સ ફોર ડેડલી ડાન્સિંગ!



ફિલ્મનું સંગીત (આર. અનંત) ઠીકઠાક છે. નીલદીપિકાના દોસ્તો બનતા કલાકારો ફિલ્મને એક પ્રકારની જીવંતતા બક્ષે છે. કે કે મેનનને અહીં અક્ષમ્ય રીતે વેડફી નાખવામાં આવ્યો છે. પીયૂષ મિશ્રા હંમેશ મુજબ અસરકારક છે. પોલીસની છાનબીનવાળો ટ્રેક આખી ફિલ્મમાં નડતો રહે છે. ફિલ્મના અંત તરફ નીલ અને દીપિકા વચ્ચે થતા કીટ્ટાબુચ્ચામાં પણ ગોટો વાળી દેવામાં આવ્યો છે. ફિલ્મની પરાકાષ્ઠા પાની કમ ચાય જેવી છે, જે ખરેખર તો ઓડિયન્સ નખ ચાવી નાખે તેવી દિલધડક બનવી જોઈતી હતી. ફિલ્મનો આ એક મોટો માઈનસ પોઈન્ટ છે.



યશરાજ બેનરની એક ઓર નબળી ફિલ્મ. જોકે ફિલ્મની યુથફુલ એનર્જી યુવા વર્ગને અપીલ કરી શકે. જો બહેતર વિકલ્પ ન હોય તો અને તો જ આ ફિલ્મ જોઈ નખાય. બાકી ટીવી પર ખરેખરો ‘ઈન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટ’ શો ફ્રીમાં જોવાની કોણે મનાઈ કરી છે?

૦૦૦