કોલમ ઃ મલ્ટિપ્લેક્સ
અજિત મર્ચન્ટે કંપોઝ કરેલાં અને દિલીપ ધોળકિયાએ ગાયેલાં ‘તારી આંખનો અફીણી’ ગીતની ટ્યુન પછી એક કરતાં વધારે હિન્દી ગીતોમાં વપરાઈ હતી, જેમાનું એક ગીત લતાએ ગાયું હતું. આમાંનું એક પણ ગીત ન ચાલ્યું અને ‘તારી આંખનો અફીણી’ અમર થઈ ગયું. ચાલીસ વ્યક્તિઓએ આ ગીતને પોતાના નામ ચડાવવાની ચેષ્ટા કરી છે!
૧૯૫૦માં રિલીઝ થયેલી ‘દીવાદાંડી’ નામની એક ફ્લોપ ગુજરાતી ફિલ્મ તમે જોઈ નથી, પણ એનું એક ગીત તમે સાંભળ્યું જ નહીં, રોમેન્ટિક મૂડમાં હો ત્યારે લલકાર્યું પણ છે. દેશવિદેશમાં ફેલાયેલા ગુજરાતીઓનું તે મહાફેવરિટ છે અને આ ગીત દાયકાઓથી એકધારું સંભળાતું અને પર્ફોર્મ થતું રહ્યું છે. એ છે, વેણીભાઈ પુરોહિતે લખેલી યાદગાર રચના ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’. અજિત મર્ચન્ટનું કમ્પોઝિશન અને દિલીપ ધોળકિયાનો સ્વર. પ્રચંડ લોકપ્રિયતાએ આ ગીતને લગભગ લોકગીતની કક્ષાએ મૂકી દીધું છે.
આ ગીતને આજે યાદ કરવાનું ખાસ કારણ છે. ચાર દિવસ પછી, એટલે કે ૩૦ ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટ બન્નેને મુનશી સન્માન વડે પુરુસ્કૃત કરવામાં આવશે. એરકન્ડીશન્ડ ઓડિટોરિયમમાં સંગીત અને સ્મૃતિઓની છાકમછોળ ઉડશે. કેટલી બધી સ્મૃતિઓ! આ ગીત કંપોઝ થયું તે દિવસે દિલીપ ધોળકિયા અને અજિત મર્ચન્ટ બન્ને સ્ટ્રેન્ડ સિનેમામાં ફિલ્મ જોવા ગયેલા. શો પછી અજિતભાઈ કહેઃ દિલીપ, એકએક પેગ લગાવીએ અને પછી બેસી જઈએ કંપોઝ કરવા. દિલીપ ધોળકિયા કહેઃ ના, ઘરે તો જવું પડશે! તેઓ સાંતાક્રુઝ સ્થિત પોતાના ઘરે ગયા, ફ્રેશ થઈને પાછા અજિત મર્ચન્ટને મળ્યા અને પછી બન્નેએ આ ગીત પર કામ કર્યું. રેકોર્ડંિગ વખતે એક જ ટેકમાં દિલીપ ધોળકિયાએ ગીત ગાઈ નાખ્યું હતું.
ફિલ્મ તો ખરાબ રીતે પિટાઈ ગઈ, પણ એચએમવી મ્યુઝિક કંપનીએ ગીતોનું આલબમ બહાર પાડતાં જ ગીતે તરખાટ મચાવ્યો. ઘણાએ એમ માની લીધું કે આ ગીત મુકેશે ગાયું છે! તે દિવસોમાં મુકેશે ગાયેલાં કેટલાંક અન્ય ગુજરાતી ગીતો ઓલરેડી લોકપ્રિય થઈ ચૂક્યાં હતાં. અજિત મર્ચન્ટના ફ્લેટની નીચે જ મુકેશ રહેતા. મુકેશનાં પત્ની સરલાબેન ગુજરાતી એટલે મર્ચન્ટ પરિવાર સાથે સારો એવો ઘરોબો. અજિતભાઈનાં બા પાસે સરલાબેન ઘણી વાર બેસવા આવે.
Ajit Merchant |
સફળ ચીજ તરફ સારીનરસી બધી બાબતો આકર્ષાય છે. બેપાંચ નહીં, પણ પૂરી ચાલીસ વ્યક્તિઓએ ‘તારી આંખનો અફીણી’ને પોતાના નામ ચડાવ્યું છે! ‘તારી આંખનો અફીણી’ અજિત મર્ચન્ટનું ખુદનું પર્સનલ ફેવરિટ નથી, પણ હસતારમતાં રચાઈ ગયેલાં આ ગીતે એવા વિક્રમો સર્જ્યા કે તેમના બાયોડેટામાં સર્વોચ્ચ સ્થાને હકથી બિરાજમાન થઈ ગયું.
Dilip Dholakia |
આ બન્ને મહારથીઓની રાજુ દવે અને નંદિની ત્રિવેદીએ અલગ અલગ લીધેલી મુલાકાતો વાંચવા જેવી છે. ૨૫-૩૦ ફિલ્મોમાં સંગીત પિરસનાર દિલીપ ધોળકિયા સરસ વાત કરે છે, ‘ટેક્નિકલી હું સારો સંગીતકાર કહેવાઉં. ટેક્નિકલી સારા હોવું અને આર્ટિસ્ટિકલી સારા હોવું આ બન્ને વચ્ચે ફર્ક છે. સંગીત એટલે માત્ર ગાવુંબજાવું નહીં. એનું પ્રેઝન્ટેશન પણ જરૂરી છે. સંગીતની ટેક્નિકાલિટીને કારણે આનંદ આપતા આર્ટિસ્ટિક તત્ત્વની બાદબાકી થઈ જતી હોય છે. સંગીતના મિકેનિઝમમાં ઘૂસો એટલે કંપોઝિશનનો આનંદ જતો રહે. ફિલ્મલાઈનમાં હું સારું કમાયો, પણ એક સંગીતકાર તરીકે બહુ ગુમાવ્યું. ખાસ કરીને, આનંદ.’
અજિત મર્ચન્ટ અને સઆદત હસન મન્ટો વચ્ચે મિત્રતા હતી. મન્ટો ઘણી વાર અજિતભાઈના ઘરે પહોંચી જતા અને કહેતાઃ બોલ, પીતા હૈ યા પીલાતા હૈ? એક વાર સાયગલને મળવા અજિત મર્ચન્ટ એમના વિસ્તારમાં ગયા તો સાયગલ બહાર ખુલ્લામાં ટેક્સીના બોનેટ પર બેઠા બેઠા ગઝલો ગાતા હતા. કલાકારનો નિજાનંદ અને બેફિકરી આને જ કહેતા હશે!
ઘણી બધી યાદો છે. આ ગુરુવારે જ્યાં સન્માન સમારોહ યોજાયો છે તે ભારતીય વિદ્યા ભવન સાથે ઘણા કલાકારોની મધુર યાદ સંકળાયેલી છે. એક સમયે ભવન્સમાં દર મહિને ‘આ માસના ગીત’ નામનો સંગીતમય કાર્યક્રમ યોજાતો. એક વખત અજિત મર્ચન્ટે આ પ્રોગ્રામ કર્યો, જેમાં અજિત શેઠ-નિરૂપમા શેઠે વેણીભાઈએ લખેલાં ‘તારી આંખનો અફીણી’ અને ‘ઘનશ્યામ ગગનમાં ટમ ટમ તારા ટમકી ને રાત અચાનક મલકી’ ગીતો સંુદર રીતે ગાયાં. તે વખતે અજિત-નિરૂપમા બન્ને હજુ કુંવારાં હતા, પણ આ કાર્યક્રમના થોડા સમય બાદ તેઓ પરણી ગયાં. આ જ ઈવેન્ટમાં નાટ્યકર્મી કાંતિ મડિયા ઉપરાંત નીતિનાબહેને પણ ભાગ લીધો હતો. બસ, કાર્યક્રમ બાદ એ બન્ને પણ પતિપત્ની બની ગયાં. ‘તારી આંખનો અફીણી’ની જબરદસ્ત રોમેન્ટિક અપીલનાં આના કરતાં ચડિયાતાં ઉદાહરણો બીજાં કયાં હોવાનાં!
શો સ્ટોપર
જબ રેશમા કી જવાની આઈ તબ હમ બચ્ચેં થે. અબ શીલા કી જવાની આઈ તબ હમારે બચ્ચેં હૈં. યે લડકીયાં સહી વક્ત પે જવાન ક્યું નહીં હોતી?
- એક તોફાની એસએમએસ