Saturday, July 13, 2013

મલ્ટિપ્લેક્સ : ધ બેડ રોડ


Sandesh - Sanskaar Purti - 14 July 2013

Column: મલ્ટિપ્લેક્સ 

'ધ ગુડ રોડ' નામની ગુજરાતી ફિલ્મે નેશનલ એવોર્ડ જીતી લીધો તે એક વાત થઈ અને તે જોઈને બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે તે તદ્દન જુદી વાત થઈ. શું આવી કંગાળ અને કળાશૂન્ય ફિલ્મ ગુજરાતી સિનેમાની શ્રેષ્ઠતાનું માપ નક્કી કરશે?



'સાંભળો, સાંભળો, સાંભળો. એક અદ્ભુત ઘટના ઘટી છે. છેલ્લાં વીસ વર્ષમાં ક્યારેય ઘટી ન હોય એવી. એક રત્ન સાંપડયું છે, અત્યંત કીમતી. જાણકારો આ રત્નને જોઈને દંગ થઈ ગયા છે. એમની આંખો ફાટી ગઈ છે. નિષ્ણાતોએ ઘોષિત કર્યું છે કે આપણી ધરતીમાંથી આવું મહામૂલું રત્ન પ્રાપ્ત થવું એ દુર્લભ ઘટના છે. તો ગીતડાં ગવડાવો, ઢોલ પર દાંડી પીટો, વાજાં વગડાવો અને આ રત્નના પ્રકાશમાં નહાઓ!'
આવી પ્રચંડ ઘોષણા સાંભળીને તમે સ્વાભાવિક રીતે જ ઉત્સુક થઈ જવાના, ખુશ પણ થવાના. તમને થાય કે ઓહોહો, શું વાત છે? ચાલો જરા જોઈએ તો ખરા કે કેવુંક રત્ન છે. તમે થનગન થનગન થતા પ્રદર્શનમાં મૂકવામાં આવેલા રત્નને નિહાળવા પહોંચી જાઓ છો, પણ રત્નને જોતાં જ તમે ઘા ખાઈ જાઓ છો. આ? કાચના નિર્જીવ ટુકડાને આ લોકો રત્ન કહે છે? કીમતી, મહામૂલું, દુર્લભ આવાં બધાં વિશેષણો આ નકામી અને રદ્દી વસ્તુ માટે વપરાયાં હતાં? તમે ક્રોધિત થઈ ઊઠો છો. તમારા મનમાં છેતરાઈ ગયાની તીવ્ર લાગણી જાગે છે.
હવે આ 'રત્ન'ના સ્થાને 'ધ ગૂડ રોડ' નામની ગુજરાતી ફિલ્મને મૂકો. વાહવાહીના સ્થાને નેશનલ એવોર્ડનું લેબલ ચીપકાવી દો. નિષ્ણાતોની જગ્યાએ ભેદી મનુષ્ય-પ્રાણીઓથી બનેલી સિલેક્શન પેનલને ફિટ કરી દો. વાત એ જ રહે છે. ત્રીજી મે, ૨૦૧૩ના રોજ ૬૦મા નેશનલ ફિલ્મ એવોર્ડ્ઝ સેરિમનીમાં 'ધ ગૂડ રોડ'ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ ને સિલ્વર લોટસ (રિજનલ કેટેગરી)નો નેશનલ એવોર્ડ એનાયત થયો. અગાઉ  1980માં કેતન મહેતાની ભવની ભવાઈને બે અને ત્યાર બાદ 1993માં ઉપેન્દ્ર ત્રિવેદીની માનવીની ભવાઈને એક નેશનલ અવોર્ડ મળી ચૂક્યા છે.  વચ્ચેનાં વર્ષો બિલકુલ ખાલી ગયાં હતાં. 'ધ ગુડ રોડ' નામની આ અજાણી તો અજાણી પણ ગુજરાતી ફિલ્મને રાષ્ટ્રીય સન્માન મળ્યાના સમાચાર આવ્યા ત્યારે એક સિનેમાપ્રેમી તરીકે હરખ થયો હતો. વળી, ફિલ્મના સાઉન્ડ ડિઝાઇનર તરીકે ઓસ્કર વિનર રસુલ પુકુટ્ટી તેમજ મ્યુઝિક ડિરેક્ટર તરીકે રજત ધોળકિયા જેવાં મહત્ત્વનાં નામ જોડાયેલાં હોવાથી આ એક સિન્સિયર ફિલ્મ હશે એવી ખાતરી બેસતી હતી,પણ થોડા દિવસો પહેલાં આ ફિલ્મ જોવાની તક મળી ને એમ સઘળો હરખ એક ઝાટકામાં ગાયબ થઈ ગયો. ઊલટાની બેવકૂફ બની ગયાની અને છેતરાઈ ગયાની લાગણી જાગી. નેશનલ એવોર્ડનો નશો ઝાટકામાં ઊતરી ગયો. મદહોશ થઈને ઝૂમી રહેલા દારૂડિયાને કચકચાવીને લાફો મારવાથી એ એકાએક ભાનમાં આવી જાય તેમ.


લાંબા સમયથી ડબામાં પુરાઈ રહેલી આ ફિલ્મ હવે આવતા શુક્રવારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં રિલીઝ થઈ રહી છે. શું છે આ ફિલ્મમાં? ફિલ્મ કચ્છની ભૂમિ પર આકાર લે છે. મુંબઈનું એક યુગલ કારમાં વતન જઈ રહ્યું છે. સાથે આઠ-દસ વર્ષનો દીકરો છે. રસ્તા પર ધાબા જેવી જગ્યાએ ચંચળ છોકરો ઊતરી જાય છે અને મા-બાપ ભૂલથી એને ત્યાં જ છોડીને આગળ નીકળી જાય છે. પછી દીકરો ગાયબ છે એવી ખબર પડતાં ઘાંઘાં થાય છે. ટેણિયો મમ્મી-પપ્પાની રાહ જોવાને બદલે કોઈ ટ્રક ડ્રાઇવર સાથે નીકળી પડે છે. ઔર એક ટ્રેક દસેક વર્ષની બાળકીનો છે. તે રસ્તા પર શરીર વેચતી વેશ્યાઓની ગેંગનો હિસ્સો બની જાય છે. છેલ્લે અફકોર્સ, સૌ સારા વાના થઈ જાય છે.
ફિલ્મ એનએફડીસી (નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા)ના ફંડિંગથી બની છે. મુંબઈવાસી ડિરેક્ટર જ્ઞાન કોરિયા મૂળ એડવર્ટાઇઝિંગના માણસ છે. એ મૂળ ગોવાના. રસુલ પુકુટ્ટી અને રજત ધોળકિયા જેવાં વજનદાર નામ સંકળાયેલાં હોય એવા પ્રોજેક્ટના હાલહવાલ કરી નાખવા માટે ખરેખર જ્ઞાનભાઈ જેવી 'સુપર ટેલેન્ટ' જોઈએ! નથી ડિરેક્શનનાં ઠેકાણાં, નથી અભિનયમાં ભલીવાર. સોનાલી કુલકર્ણી અને પપ્પાનો રોલ કરતો અજય ગેહી (જે સીધાં ગુજરાતી વાક્યો પણ બોલી શકતો નથી)ને બાદ કરતાં ડિરેક્ટરસાહેબે નોન-એક્ટર્સને લેવાનો આગ્રહ રાખ્યો છે, ફિલ્મને 'રિયાલિસ્ટિક ફીલ' મળે તે માટે. મતલબ કે સ્થાનિક લોકોને પકડીને, તેમને ટ્રેનિંગ આપી, તેમને અલગ અલગ રોલમાં ફિટ કરીને અભિનય કરાવ્યો છે. સપાટ ભાવશૂન્ય ચહેરાવાળા, પથ્થરના ચેતનહીન ખડકલા જેવા આ 'એક્ટરો'નો અભિનય જોઈને કંપી ઉઠાય છે. ફિલ્મની વાર્તામાં આખેઆખા ટ્રક પસાર થઈ જાય એવડાં મોટાં ગાબડાં છે. આપણી સેન્સિબિલિટી પર સૌથી મોટો ઘા તો પેલી નાની બાળકીવાળો ટ્રેક કરે છે. આ ફિલ્મ આપણને માહિતી આપે છે કે કચ્છના કોઈક હાઈવે પાસે ખુલ્લા મેદાનમાં વેશ્યાઓનો મેળો ભરાય છે. રાત પડે એટલે શામિયાણા જેવું તૈયાર કરવામાં આવે, જેમાં દરવાજા હોય. હજુ કદાચ ઋતુકાળમાં પણ આવી ન હોય એવડી દસ-બાર વર્ષની માસૂમ બાળકીઓ ઉપરાંત તરુણીઓ બનીઠનીને, લાલી-લિપસ્ટિક કરીને કતારમાં ઊભી રહી જાય. આ બધી વેશ્યાઓ છે. સામે આડશની પેલી બાજુ પુરુષો ભીડમાં ઊભા હોય. જેને જે છોકરી પસંદ પડે એના તરફ ઇશારો કરે એટલે દલાલ છોકરીને ઘરાક સાથે તંબૂમાં મોકલી આપે. આ છોકરીઓ દિવસે રમતી હોય, કાનમાંથી કીડા ખરી પડે એવી ભૂંડાબોલી ગાળો બોલતી ઝઘડતી હોય (ફિલ્મમાં આ બધી ગાળો યથાતથ મૂકવામાં આવી છે) અને રાત પડે એટલે ધંધો કરવા ઊભી રહી જાય. કચ્છમાં ફોર ધેટ મેટર, ગુજરાતના કયા હિસ્સામાં આ રીતે મુંબઈના કમાઠીપુરાની જેમ વેશ્યાનાં બજારો ભરાય છે?
આ કયા ઓડિયન્સ માટે બનાવેલી ફિલ્મ છે? તે આમ જનતા માટે તો નથી જ, તો શું આ ફિલ્મ બનાવનારા એવા ભ્રમમાં હશે કે અમે તો 'ક્લાસ' માટે આર્ટ ફિલ્મ બનાવી રહ્યા છીએ? ખરેખર? આર્ટ ફિલ્મ ભૂલી જાઓ, 'ધ ગૂડ રોડ' સ્યુડો આર્ટ ફિલ્મ પણ નથી. હા, કળા અને ક્રિએટિવ એક્સપ્રેશન્સના નામે જે ભયાનક ખરાબ, ગંદાં, ગમાર અને નિકૃષ્ટ કક્ષાનાં જોણાં તૈયાર થાય છે એમાં તે જરૂર હકથી સ્થાન પામી શકે એમ છે. 'ધ ગૂડ રોડ'માં કચ્છનાં ગામોનો સતત નામોલ્લેખ થતો રહે છે. તે ભૂજ અને ધોરડો વચ્ચેના રોડ પર અને બન્નીના રણમાં ડોક્યુમેન્ટરી જેવી શૈલીથી શૂટ કરવામાં આવી છે. આ જ વિસ્તારમાં કચ્છનો રણોત્સવ ભરાય છે જે ધીમે ધીમે બિનગુજરાતીઓમાં પણ લોકપ્રિય બની રહ્યો છે. 'ધ ગૂડ રોડ' રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલોમાં દેખાડાય તે શક્ય છે. એક સવાલ એ પણ જાગે કે ફિલ્મમાં કચ્છનું જે કક્ષાનું વિકૃત નિરૂપણ થયું છે તે જોઈને બિનગુજરાતીઓ કે બિનભારતીયોમાં કેવી ઇમેજ બનશે?
આ કોઈ ન્યૂઝ રિપોર્ટ નહીં, પણ કાલ્પનિક કથા છે તે કબૂલ. આપણે એવા કંઈ સૂગાળવા પણ નથી કે વેશ્યાઓનાં સીન જોઈને કે ગાળો સાંભળીને આતંકિત થઈ જઈએ. પ્રશ્ન સિનેમેટિક ઓનેસ્ટિનો છે. તમે ફિલ્મને રિયાલિસ્ટિક બનાવવા જાતજાતના ઉધામા કરો છો, ઓથેન્ટિક લોકેશન પર જઈને શૂટ કરો છો અને પછી ફિલ્મને 'એક્ઝોટિક ફ્લેવર' મળે તે માટે આવો વેશ્યાઓનો માથામેળ વગરનો ટ્રેક ભભરાવી દો છો. ગાળો, સેક્સ આર્ટ ફિલ્મમાં આવું બધું હોવું જોઈએ, યુ સી. ખાટલે મોટી ખોડ એ છે કે વેશ્યાઓની વાર્તાને ફિલ્મના મુખ્ય નેરેટિવ સાથે કોઈ લેવાદેવા નથી. ખરેખર તો સંતાનને શોધી રહેલાં મા-બાપ, લાપતા છોકરાની રખેવાળી કરતો ટ્રક ડ્રાઇવર અને વેશ્યા બનતાં બનતાં રહી ગયેલી બાળકી- આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં આખરે પરોવાઈ જવી જોઈએ અને એક સુરેખ સંપૂર્ણ ચિત્ર ઊપસવું જોઈએ, પણ અહીં એવું અણઘડ એડિટિંગ-કટિંગ થયું છે કે વાર્તાઓના છેડા હવામાં અધ્ધર લટકતા રહી જાય છે. તેને લીધે વાત અધૂરી અને અધકચરી રહી જાય છે. અતિ ધીમી ગતિએ ચાલતી ફિલ્મ તમારી ધીરજની કસોટી કરતી રહે છે. 'ધ ગુડ રોડ'નું બજેટ અઢી કરોડનું કહેવાય છે. મતલબ કે રેગ્યુલર ગુજરાતી ફિલ્મો કરતાં લગભગ પાંચ ગણું. ફિલ્મની અતિ કંગાળ પ્રોડક્શન વેલ્યૂ જોઈને થાય કે અરેરે, આ ફિલ્મે અઢી કરોડ રૂપિયા ક્યાં ચાવી નાખ્યા હશે?

'ધ ગુડ રોડ'ની સાથે નેશનલ એવોર્ડની સ્પર્ધામાં 'કેવી રીતે જઈશ' અને 'સપ્તપદી' પણ હતી. આ બન્નેમાંથી કોઈ એક કેમ ક્વોલિફાઈ ન થઈ એ ઇશ્યૂ નથી. મહત્ત્વનો મુદ્દો એ છે કે 'ધ ગુડ રોડ' જેવી નબળી ફિલ્મ કયા જોરે નેશનલ એવોર્ડ માટે લાયક ઠરી? તે એનએફડીસીની ફિલ્મ છે અને એનએફડીસી ફિલ્મને એવોર્ડ-બેવોર્ડ મળતો રહેવો જોઈએ એવી કોઈ ગણતરી છે? જ્ઞાન કોરિયા અને રસુલ પુકુટ્ટી એફટીઆઈઆઈ (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા)ના ગ્રેજ્યુએટ્સ છે. નેશનલ એવોર્ડની સિલેક્શન પેનલના માનવંતા સભ્યોને એફટીઆઈઆઈવાળાઓ માટે બહુ પ્રેમ છલકાતો હોય છે તે એક પરિબળ છે?
'કેવી રીતે જઈશ' પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક પોઝિટિવ વાતાવરણ બન્યું હતું. આવામાં 'ધ ગુડ રોડ' જેવું 'નામ બડે ઔર દર્શન ખોટે' છાપ સુરસુરિયું માહોલને ડહોળી નાખે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, પણ નેશનલ એવોર્ડ એક કક્ષા નક્કી કરી નાખે છે, રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચૂકેલી ફિલ્મ એક રેફરન્સ પોઇન્ટ બની રહે છે. જેમ કે, 'ભવની ભવાઈ' ગુજરાતી સિનેમામાં એક સીમાચિહ્ન છે અને તેણે જીતેલા નેશનલ એવોર્ડને હંમેશાં યાદ કરવામાં આવે છે. 'ધ ગુડ રોડ' જેવી કળાશૂન્ય ફિલ્મ, કે જેમાંથી બેઈમાનીની વાસ આવ્યા કરે છે, તે શ્રેષ્ઠતાનું માપ શી રીતે બની શકે? નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે-તે ભાષાની સિનેમાનું અને જે-તે રાજ્યના પોપ્યુલર કલ્ચરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. આ મોટું ભયસ્થાન છે. 'ધ ગુડ રોડ' જેવી ફિલ્મો ગુજરાતી સિનેમાનું ભલું કરવાને બદલે નુકસાન કરી નાખે છે. ગુજરાતી સિનેમાને નેશનલ એવોર્ડ જીતી લેવાના કોઈ ધખારા છે. ભલે બીજાં પાંચ વર્ષ રાહ જોવી પડે, પણ કોઈ નકામી ફિલ્મ ભવિષ્યમાં બનનારી ફિલ્મો માટે ધારાધોરણ સ્થાપિત કરવાની કુચેષ્ટા કરે તે બિલકુલ ન ચાલે.                  0 0 0

Thursday, July 11, 2013

હોલીવૂડ હંડ્રેડ: ટ્વેલ્વ એન્ગ્રી મેન : માર દિયા જાય યા છોડ દિયા જાય...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ  -  તા. ૧૨ જુલાઈ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 કોણ કહે છે કે દર્શકોને રિઝવવા હોય તો ફેન્સી લોકેશનો પર શૂટિંગ કરવું પડે ને જાતજાતનાં નખરાં કરવાં પડે? ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ નામની બેનમૂન કોર્ટરુમ ફિલ્મ આ બીબાંઢાળ ખયાલને તોડીફોડી નાખે છે.



ફિલ્મ નંબર ૩૧. ટ્વેલ્વ એન્ગ્રી મેન

કોર્ટરુમ ડ્રામામાં સાહજિક રીતે જ એક થ્રિલનું તત્ત્વ વણાઈ જતું હોય છે. એમાંય જો સ્ક્રીનપ્લે અને ડિરેક્શન જબરદસ્ત હોય તો ફિલ્મને બીજાં કોઈ નખરાંની જરુર પડતી નથી. અલગ અલગ લોકેશન્સની પણ નહી. ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’એ પૂરવાર કર્યું છે કે શરુઆતથી અંત સુધી કેમેરા એક જ ઓરડામાં ફર્યા કરતો હોય છતાંય ઓડિયન્સ લગભગ અધ્ધર શ્ર્વાસે જકડાઈને બેસી રહે એટલી રસપ્રદ ફિલ્મ બનાવી શકાય છે.

ફિલ્મમાં શું છે? 

વાત કાનૂની કેસની છે, પણ તે કોર્ટરુમમાં નહી, પણ એક ૧૬ બાય ૨૪ ફૂટના કમરામાં આકાર લે છે. ન્યુયોર્કની કોઈ ઝુંપડપટ્ટીમાં રહેતા અઢાર વર્ષના છોકરાએ પોતાના સગા બાપને છાતીમાં છરો ભોંકીને મારી નાખ્યો છે. છોકરો અમેરિકન નહીં પણ ‘બહારનો’ છે. તે હિસ્પેનિક છે, ઈટાલિયન છે, ઈન્ડિયન છે કે બીજો કોઈ દેશનો તેની સ્પષ્ટતા છેક સુધી થતી નથી. મામલો અદાલતમાં પહોંેચ્યો, કેસ ચાલ્યો. ફિલ્મની શરુઆતમાં જજ બાર માણસોની બનેલી જ્યુરીને સૂચના આપે છે કે તમે બધા અંદરોઅંદર ચર્ચા કરીને તારણ પર પહોંચો કે છોકરો અપરાધી છે કે નહીં. જો સૌ સર્વાનુમતે છોકરાને ગિલ્ટી જાહેર કરશે તો છોકરાને મૃત્યુદંડની સજા થશે.



જ્યુરીના બારેબાર સભ્યો અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. બધા એકબીજા માટે અજાણ્યા છે. એક અલાયદા કમરામાં મોટા ટેબલ ફરતે બધા ધીમે ધીમે ગોઠવાય છે. વાતાવરણમાં સખત ઉકળાટ છે. ઓરડામાં એસી તો નથી જ, પણ ભીંત પર જે પંખો ટાંગ્યો છે તે પણ ચાલતો નથી. બધા વચ્ચે જે અલપઝલપ થતી વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યુરી મેમ્બરોએ માની જ લીધું છે કે છોકરો ગિલ્ટી છે. જે રીતે સાક્ષીઓએ કોર્ટમાં જુબાની આપી તે પરથી વાત એકને એક બે જેટલી સ્પષ્ટ છે. ઝાઝું પિષ્ટપેષણ કરવાની જરુર જ નથી. લગભગ બધાનું માનવું છે કે ફટાફટ વોટ લઈને વાત પૂરો કરો. આવી ગરમીમાં શા માટે નાહકના બફાતા રહીને સમય વેડફવો. બારમાંથી ફક્ત મેમ્બર નંબર આઠ (હેનરી ફોન્ડા)નો મત બધાથી જુદો પડે છે. એ કહે છે કે ભાઈઓ, એ છોકરાનું જીવન દાવ પર લાગેલું છે, આટલી ઉતાવળ શા માટે કરો છો? નિર્ણય પર કૂદી પડતા પહેલા જરા ચર્ચા તો કરો. મેમ્બર નંબર આઠ પાસે તર્કશુદ્ધ દલીલો છે. જેમ કે, કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે છોકરાએ જે છરાથી ખૂન કર્યું હતું તે દુર્લભ છે. મેમ્બર નંબર આઠ પોતાના ખિસ્સામાંથી સેમ-ટુ-સેમ છરો કાઢીને સૌને ચોંકાવી દે છે. આ છરો એને કોઈ દુકાનમાંથી આસાનીથી મળી ગયો હતો. મતલબ કે છરો દુર્લભ છે તે મુદ્દાનો છેદ ત્યાં જ ઉડી ગયો. મેમ્બર નંબર આઠ કહે છે કે તમે સૌ સાંયોગિક પૂરાવાઓના આધારે છોકરાને અપરાધી માની રહ્યા છો, મને ખુદને લાગી રહ્યું છે કે છોકરો ગિલ્ટી છે, પણ સાથે સાથે મને એમ પણ લાગે છે કે છોકરો નિર્દોષ હોય તેવી સંભાવના પણ છે જ.



ફરીથી વોટ લેવાય છે. આ વખતે ઓર એક મેમ્બર છોકરાને ‘નોટ ગિલ્ટી’ ગણાવે છે. મતલબ કે દસ વિરુદ્ધ બે વોટ. પ્રક્રિયા આગળ વધતી જાય છે. ત્રણ... ચાર... પાંચ... છોકરાને ‘નોટ ગિલ્ટી’ માનનારા સભ્યોની સંખ્યા ક્રમશ: વધતી જાય છે. સાંયોગિક પૂરાવાઓને એક પછી એક દલીલોની એરણ ચડાવવામાં આવે છે તેમ તેમ કેટલીય વાતો સ્પષ્ટ થતી જાય છે. ખૂન થયું ત્યારે બાજુમાંથી ટ્રેન પસાર થઈ રહી હતી. ટ્રેનના જોરદાર ઘોંઘાટમાં સાક્ષી બનેલા પાડોશીને મૃતકના ધબ કરતા પડેલાં શરીરનો અવાજ કેવી રીતે સંભળાયો? તે  વૃદ્ધ પાડોશીને કદાચ પહેલીવાર એને આટલો ધ્યાનથી સાંભળવામાં આવ્યો હતો, કદાચ પહેલી વાર એને આટલું બધું અટેન્શન મળ્યું હતું. શક્ય છે કે પોતાની મહત્તા સિદ્ધ કરવા બિલકુલ અભાનપણે એણે ખૂનની ઘટના વખતે અવાજો સાંભળવાની વાતો કોર્ટમાં ઊપજાવી કાઢી હોય! વળી, મૃતક બાપ કરતાં આરોપી દીકરાની હાઈટ ઓછી હતી. જે એંગલથી બાપની છાતીમાં છરો હૂલાવવામાં આવ્યો હતો તે ઓછી ઊંચાઈવાળા માણસ માટે શક્ય નહોતું. સાક્ષી બનેલી ઓર એક મધ્યવયસ્ક સ્ત્રીએ દૂર બારીમાંથી છોકરાને ‘રીતસર’ ખૂન કરતો જોયો હતો. આ ઘટના બની ત્યારે સ્ત્રીએ ચશ્માં પહેર્યાં નહોતાં. વગર ચશ્માએ એને કેવી રીતે ખબર પડી ગઈ કે ખૂન કરનારો માણસ આરોપી દીકરો જ હતો?



જેમ જેમ આરોપી ગિલ્ટી ન પણ હોય તેમ માનનારાઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ જ્યુરી મેમ્બરોના ખુદનાં વ્યક્તિત્ત્વના કેટલાક પાસાં અને માનસિકતા સામે આવતાં જાય છે. જેમ કે, એક મેમ્બર ખુદ ઝૂંપડપટ્ટીમાં ઊછરેલો હતો. એના પર આક્ષેપ થાય છે કે તું ખુદ સ્લમમાં મોટો થયો છે એટલે આરોપી છોકરા પ્રત્યે હમદર્દી દેખાડી રહ્યો છે! છેલ્લે બાજી તદ્દન પલટાઈ જાય છે. બારમાંથી અગિયાર જ્યુરી મેમ્બર છોકરા પરનો ખૂનનો આરોપ ખોટો હોઈ શકે છે તેમ માને છે, ફક્ત એક મેમ્બર (લી કોબ) એને ગિલ્ટી પૂરવાર કરવા મથી રહ્યો છે. એના ખુદના પુત્રએ એકવાર તેના પર અટેક કર્યો હતો એટલે અભાનપણે ‘દીકરાઓે સાલા આવા જ હોય’ પ્રકારની માનસિકતા અને ક્રોધ એની હઠાગ્રહ પાછળ કામ કરતાં હતાં. ખેર, આખરે તે પણ બાકીના જ્યુરી મેમ્બરો સાથે સહમત થાય છે. આરોપીએ ખૂન કર્યું હોય તેવી શંકા જરુર છે, પણ તે સોએ સો ટકા અપરાધી છે જ તે પૂરવાર થતું નથી - આ પ્રકારનો એકમત સધાતા સૌ વિખરાય છે. આખી ફિલ્મમાં એક પણ જ્યુરી મેમ્બરનાં નામનો ઉલ્લેખ થતો નથી, પણ છેલ્લાં દશ્યમાં કોર્ટના મકાનની બહાર બે મેમ્બર જતાં જતાં ઊભા રહીને એકબીજાનાં નામ પૂછે છે. પછી ‘ભલે ત્યારે’ કહીને છૂટા પડે છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.  

કથા પહેલાંની અને પછીની

કમાલની ફિલ્મ છે આ. આના પરથી બાસુ ચેટર્જી એક સરસ હિન્દી ફિલ્મ બનાવી ચુક્યા છે - ‘એક રુકા હુઆ ફૈસલા’, જે ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. ગુજરાતી રંગભૂમિના નાટ્યસમ્રાટ પ્રવીણ જોશી આ થીમ પરથી ‘માણસ નામે કારાગાર’ નામનું નાટક પણ બનાવી ચુક્યા છે, જેમાં તેઓ સ્વયં અભિનય પણ કરતા. જયંત પરીખે એડપ્ટ કરેલાં આ નાટકમાં અરવિંદ જોશી અને કે.કે. જેવા અભિનેતાઓ પણ હતા. વેલ, બ્લેક-એન્ડ-વ્હાઈટમાં બનેલી ફિલ્મ ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ મૂળ તો ટીવી માટે લખાયેલું આ જ નામનું નાટક જ હતુંને. તે અમેરિકામાં ૧૯૫૪માં ટેલીકાસ્ટ થયું હતું. પછી તે સ્ટેજ પર પણ ભજવાયું. નાટક સફળ રહ્યું એટલે લેખક રેગિનેલ્ડ રોઝે સ્વયં પ્રોડ્યુસર બનીને એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સિડની લ્યુમેટ નામના તદ્દન નવા નિશાળિયા ડિરેક્ટરને કેપ્ટન-ઓફ-ધ-શિપ બનાવવામાં આવ્યા.

શૂટિંગ શરુ કરતાં પહેલાં સિડનીએ કલાકારો પાસે બે અઠવાડિયાં સુધી રિહર્સલ કરાવ્યા હતા. શૂટિંગ ત્રણ વીક ચાલ્યું. ફિલ્મની લંબાઈ ૯૬ મિનિટ છે. શરુઆતમાં કોર્ટમાં ન્યાયાધીશ જ્યુરીને સૂચના આપે છે તે ત્રણ મિનિટને બાદ કરતાં બાકીની ૯૩ મિનિટની ફિલ્મ એક જ સાંકડા ઓરડામાં શૂટ થઈ છે. આપણે જાણે રીઅલ ટાઈમમાં ફિલ્મ જોતા હોઈએ એવી ફીલિંગ આવે છે. ફિલ્મમાં એક પણ વાર ખૂનની ઘટના દેખાડવામાં આવતી નથી. આરોપી છોકરાના ડરેલા અને આતંકિત ચહેરાનો સાયલન્ટ ક્લોઝઅપ એકવાર આવે છે, બસ. ખૂનકેસ વિશે ઓડિયન્સ માત્ર એટલું જ જાણે છે જેટલું જ્યુરીના ડિસ્કશનમાંથી બહાર આવતું જાય છે.



એક જ ઓરડામાં શૂટ થયેલી ફિલ્મમાં ઓડિયન્સ કંટાળી ન જાય? ઓડિયન્સને ચેન્જ ન જોઈએ? આ કંઈ સ્ટેજ પર ભજવાતું નાટક થોડું છે? ઈવન સ્ટેજ પર દશ્ય પ્રમાણે બેકગ્રાઉન્ડ અને સેટ બદલાતા હોય છે. આ જ તો ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની સૌથી મોટી ખૂબી છે. એક જ લોકેશન હોવા છતાં આ ફિલ્મ એટલી ગતિશીલ છે કે તમે એક પળ માટે પણ બોર થતા નથી. ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ની વિઝ્યુઅલ પેટર્ન અને કેમેરા એન્ગલ્સ વિશે ખૂબ ચર્ચા થઈ છે. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ ડિરેક્ટર એ પ્રકારે કેમેરાના લેન્સ વાપરતા ગયા કે જેથી ઓરડો વધુને વધુ સાંકડો દેખાય. સિનેમેટોગ્રાફીનું શાસ્ત્ર કહે છે કે ઊંચાઈ પર કેમેરા ગોઠવેલો હોય તો પાત્રો અન્ય કેરેક્ટર્સથી કે પરિસ્થિતિથી ડોમિનેટ થઈ ગયા હોય એવું લાગે, જ્યારે લૉ-એંગલ પર ગોઠવેલો કેમેરા નીચેથી ઉપર જોતો હોય ત્યારે કેરેક્ટર આધિપત્ય જમાવી રહ્યું હોય એવું લાગે. સિડની લ્યુમેટે શરુઆતની ત્રીસેક ટકા ફિલ્મ અબાઉ-આઈ-લેવલ શૂટ કરી છે, વચ્ચેનો ભાગ આઈ-લેવલથી અને છેલ્લો હિસ્સો આઈ-લેવલ કરતાં નીચેના એંગલથી શૂટ કરી છે. તેથી ક્લાઈમેક્સ નજીક આવતાં આવતાં ઓરડાની છત સ્ક્રીન પર દેખાવા લાગે છે. દીવાલો પણ પાત્રોથી નજીક ધસી આવી હોય એવું લાગે. આ બધાને લીધે આગળ વધતી વાર્તાના મૂડ પ્રમાણે બંધિયારપણું અને ટેન્શનની તીવ્રતા જાણે ઉત્તરોત્તર વધી રહી હોય એવી સૂક્ષ્મ અસર ઊભી થાય છે.  બારેય જ્યુરી મેમ્બરો સહમતી સાધીને છૂટા પડે ત્યારે છેલ્લા શોટમાં વાઈડ એંગલનો ઉપયોગ થયો છે. ‘હાશ... ગરમીમાંથી માંડ છૂટ્યા, હવે જરા ખુલ્લામાં શ્ર્વાસ લઈએ’ પ્રકારની અનાયાસ લાગણી વિઝ્યુઅલમાંથી પણ ઊભી થાય છે.

‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ રિલીઝ થતાં જ ખૂબ વખણાઈ. એને ક્લાસિકનો દરજ્જો મળ્યો. સર્વશ્રેષ્ઠ દસ અમેરિકન કોર્ટરુમ ડ્રામામાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. આ એવી ફિલ્મ છે, જે ઓડિયન્સને ઈન્ટેલિજન્ટ સમજે છે, એની બુદ્ધિમત્તાનું અપમાન નથી કરતી. ફિલ્મને ત્રણ ઓસ્કાર નોમિનેશન મળ્યાં હતાં, પણ આ ત્રણેય કેટેગરીમાં ‘ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ’ નામની ફિલ્મ વિજેતા બની. વેલ, ‘ધ બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ’ પણ અફલાતૂન ફિલ્મ છે. તેના વિશે પણ આ કોલમમાં વાત કરીશું.      0

 ‘ટ્વેલ્વ એન્ગ્રી મેન’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : સિડની લ્યુમેટ
મૂળ નાટ્યલેખક અને સ્ક્રીનપ્લે   : રેગિનેલ્ડ રોઝ
કલાકાર           : હેન્રી ફોન્ડા, લી કોબ  
રિલીઝ ડેટ        : ૧૩ એપ્રિલ ૧૯૫૭
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફિલ્મ, ડિરેક્શન અને સ્ક્રીનપ્લે માટેનાં ઓસ્કર નોમિનેશન્સ                               0 0 0

બોલિવૂડ એક્સપ્રેસ : ભાગ ધનુષ ભાગ !


Sandesh - Cine Sandesh Supplement - 12 July 2013

Column : બોલિવૂડ એક્સપ્રેસ 

ધનુષે 'રાંઝણા' રિલીઝ થાય તે પહેલાં જ એના ડિરેક્ટર આનંદ રાયની હવે પછીની ફિલ્મ સાઇન કરી નાખી હતી. ધનુષનું ખરું સપનું બોલિવૂડમાં ડિરેક્ટર બનવાનું છે.

અહા! 'રાંઝણા' રિલીઝ થઈ એ વાતને ત્રણ-ત્રણ અઠવાડિયાંનાં વહાણાં વાઈ ગયાં છે, છતાંય એના શ્યામલ હીરો ધનુષના નામના એવા પ્રચંડ જયજયકાર થઈ રહ્યા છે કે બોલિવૂડ બોય ઉર્ફ બો-બોના કાનમાં હવે રીતસર ત્રમ ત્રમ ત્રમ બોલવા માંડયું છે. એક વાત તો કહેવી પડે, ધનુષ આ પ્રશસ્તિવચનોના એકેએક અક્ષરનો હકદાર છે. ત્રીસ વર્ષીય ધનુષ અનુભવી માણસ છે. 'રાંઝણા'ની પહેલાં એ ઓલરેડી વીસ-પચીસ સાઉથ ઇન્ડિયન ફિલ્મો કરીને બેઠો હતો.'રાંઝણા'ના ડિરેક્ટર આનંદ રાયે એને સૌથી પહેલી વાર સ્ટોરી સંભળાવી ત્યારે એની પહેલી ફીલિંગ એ હતી કે હું કેટલીય તમિલ ફિલ્મોમાં લવરબોય-નેક્સ્ટ-ડોર બની ચૂક્યો છું એટલે 'રાંઝણા'માં કામ કરવાનું મને કંઈ અઘરું પડવાનું નથી. ફક્ત સ્થળ અને ભાષા બદલાઈ જવાનાં છે. ધનુષે ડિરેક્ટર પર ભરોસો મૂક્યો ને પરિણામ સૌની સામે છે. ધનુષ ખરેખર પારખું માણસ છે. આજે બોલિવૂડમાં ચારે કોર આનંદ રાય... આનંદ રાય થઈ રહ્યું છે, પણ ધનુષે 'રાંઝણા' રિલીઝ થાય તે પહેલાં જ આનંદ રાયની હવે પછીની ફિલ્મ સાઇન કરી નાખી હતી. મીન્સ કે ભવિષ્યમાં આપણને આનંદ રાય-ધનુષની જોડીની ઔર એક ફિલ્મ જોવા મળવાની. 
ધનુષનું ખરેખરું સપનું તો ખેર બોલિવૂડમાં ડિરેક્ટર બનવાનું છે. એણે ઓલરેડી બે સ્ક્રિપ્ટ તૈયાર રાખી છે. એક ફેન્ટસી-એડવેન્ચર છે, બીજી થ્રિલર. ધનુષનો ભાઈ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ફિલ્મ ડિરેક્ટર છે. ધનુષ એને એકાદ ફિલ્મમાં આસિસ્ટ પણ કરી ચૂક્યો છે. એ ડિરેક્ટર બને ત્યારની વાત ત્યારે, બાકી એક્ટર તરીકે ધનુષે જે રીતે બધાનું દિલ જીતી લીધું છે એ જોઈને બોલિવૂડના કેટલાય જલકૂકડી હીરોલોગ બળી બળીને બેઠા થઈ ગયા છે!
                                                   0 0 0 
રેડ હોટ 'રાંઝણા' હજુ ઠરવાનું નામ લેતી નથી ત્યાં સોનમ કપૂરને હિરોઇન તરીકે ચમકાવતી ઔર એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ આવી ગઈ- 'ભાગ મિલ્ખા ભાગ'. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ પણ જો ચાલી ગઈ તો તો સોનમ ઝાલી ઝલાશે નહીં. 
બાકી 'રાંઝણા'ના પ્રમોશન દરમિયાન સોનમે ધનુષને ખૂબ મદદ કરી હતી. ધનુષ રહ્યો બોલિવૂડ માટે સાવ નવો. સાઉથમાં ફિલ્મ રિલીઝ થાય ત્યારે પત્રકારોના ઢગલાને ઇન્ટરવ્યૂઝ આપી દો એટલે વાત પૂરી થઈ જાય, પણ બોલિવૂડની વાત જુદી છે. આપણે ત્યાં ફિલ્મ પ્રમોટ કરવાની એક્ટિવિટી પંદર-વીસ દિવસ ચાલે અને આ બધામાં સ્ટારલોકોએ એટલી બધી મહેનત કરવી પડે છે કે પિદૂડી નીકળી જાય. સોનમ ધનુષને સતત સલાહ આપતી રહેતી હતી કે પત્રકારો સામે શું બોલવું, શું ન બોલવું, કેટલું બોલવું. રિયાલિટી શોઝમાં પ્રમોશન માટે જવાનું હોય ત્યારે ધનુષે કેવાં કપડાં પહેરવાં તે પણ સોનમ નક્કી કરી આપે. ફેશન અને ટાપટીપમાં આમેય સોનમને કોણ પહોંચે? એની બાજનજરમાંથી એક વસ્તુ ન છૂટે. એને એ પણ ખબર હોય કે ધનુષના શર્ટ પર કરચલીઓ દેખાઈ રહી છે, એને ઇસ્ત્રી કરવાની જરૂર છે! ધનુષ ડાહ્યોડમરો થઈને સોનમની બધી વાત માની લેતો. અસલી જીવનમાં ધનુષ બહુ જ નમ્ર અને સીધોસાદો માણસ છે. સગા સસરા રજનીકાંત પાસેથી એ બે સરસ વસ્તુ શીખ્યો છેઃ સહજતા અને નમ્રતા. વાહ!
                                                0 0 0 
કંગના રનૌત (જી બિલકુલ, રાણાવાત નહીં, પણ રનૌત), સામે પક્ષે બીજું બધું હશે, પણ સીધીસાદી અને સરળ તો ધોળે ધરમેય નથી. એ ક્યારેય નહોતી. હા, નિખાલસ પૂરેપૂરી. એનો છેલ્લો બોયફ્રેન્ડ નિકોલસ નામનો કોઈ બ્રિટિશ છોકરો હતો. થોડા સમય પહેલાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. એક ફિલ્મી ગ્લોસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કંગનાએ જરાય શબ્દો ચોર્યા વગર સાફ સાફ કહ્યું છેઃ 'તમે કોઈને મળો, આનંદપ્રમોદ કરો એ બરાબર છે, પણ રિલેશનશિપની વાત ખોટી. મારાથી તો પ્રેમસંબંધો જળવાતા જ નથી. શરૂઆતમાં બધું સારું લાગે, પણ પછી બધું બહુ ઓકવર્ડ થઈ જાય. આઈ હેટ બીઇંગ ઇન રિલેશનશિપ. રિલેશનશિપમાં હોઉં ત્યારે મને સતત પ્રેશર રહ્યા કરે. સતત થયા કરે કે હે ભગવાન, હું મારા બોયફ્રેન્ડની અપેક્ષા પર ખરી ઊતરું છું કે નહીં. બહુ જ હોરિબલ ફીલિંગ હોય છે આ. બોયફ્રેન્ડ બદલાયા કરે, પણ હું ઓછી પડું છું એવી લાગણી કાયમ રહે. પછી બ્રેકઅપ થાય. હું દુઃખી દુઃખી થઈ જાઉં. થોડા દિવસ એવું લાગ્યા કરે કે અરેરે, મેં ભૂલ કરી નાખી, હું હવે પહેલાં જેવી ક્યારેય નહીં થઈ શકું, આ પુરુષો સાલા બધા જ સરખા, હવે હું ક્યારેય કોઈના પ્રેમમાં નહીં પડું વગરે વગેરે.... પણ આ બધું કંઈ લાંબું ન ચાલે. થોડા દિવસોમાં આ વિચારો વિખરાઈ જાય ને વાઇનની બે બોટલ ઢીંચી જાઉં એટલે પાછી હતી એવી ને એવી!'
બો-બોને સમજાતું નથી કે કંગનાની દયા ખાવી કે ન ખાવી. ખેર, કંગનાના ઉત્પાતિયા જીવને દયાની નહીં પણ શાંતિની જરૂર છે. ચાલો ત્યારે... શુભ શુક્રવાર!                  0 0 0

Tuesday, July 9, 2013

ટેક ઓફ : આસ્થાના ઇલાકામાં કશું જ ઓવરરેટેડ હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 10 July 2013

Column : ટેક ઓફ 

'જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે!'


ઉત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી હજુ હવામાં છે. મૃતક્ો અને લાપતા વ્યકિતઓના આંક્ડા હજુ વીંઝાયા કરે છે. આ દૃેવોની ભૂમિને પુન: નિર્માણ થાય ત્યારે ખરું, પણ આ ઘટનાની પશ્ર્ચાતઅસરના કાળા પડછાયા લંબાયા કરવાના. એક સુભાષિત જુઓ: 

ગંગા તરંગ હિમશીકર શીતલાનિ
વિદ્યાધરાધ્યુષિતતારુ શિલાતલાનિ
સ્થાનાનિ કિં હિમવતઃ પ્રલયં ગતાનિ
યત્સાવમાનપરપિંડરતા મનુષ્યાઃ

અર્થાત્ ગંગા નદીના બરફ જેવા ઠંડા છાંટાથી જે શીતળ થયા છે અને જે સુંદર શિલાતલ ઉપર વિદ્વાન લોકો બેઠેલા છે તેવા હિમાલયનાં સ્થાનોનો શું પ્રલય થઈ ગયો છે કે મનુષ્યોને અપમાનિત થઈને પારકાનાં અન્ન પર આધારિત રહેવું પડે?
ભર્તૃહરિએ સદીઓ પહેલાં આ સુભાષિત કયા સંદર્ભમાં લખ્યું હતું એ તો ખબર નથી, પણ ત્રણ સપ્તાહ પહેલાં બનેલી ઉત્તરાખંડની દુર્ઘટનામાં લોકો અન્ન અને પાણી માટે મોહતાજ થઈ ગયા હતા અને કેટલાય લોકોએ ભૂખથી જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં ભર્તૃહરિનું સુભાષિત કરુણ રીતે સાચું પડી ગયું છે. ઉજ્જૈનના રાજા ભર્તૃહરિ, વિક્રમાદિત્યના સાવકા ભાઈ થાય. પત્ની પિંગળાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે ભર્તૃહરિએ 'શૃંગારશતક' લખ્યું. પિંગળાએ દગાબાજી કરી નાખી એટલે રાજપાટ અને સંસાર છોડીને એ સાધુ બની ગયા. પછી તેમણે 'વૈરાગ્યશતક' લખ્યું. આ સિવાય એક 'નીતિશતક' પણ છે. ભર્તૃહરિની ત્રણેય કૃતિઓ અમર બની છે.
ચાર ધામની યાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે કે કેમ તે શ્રદ્ધાનો વિષય છે. ચાર ધામની યાત્રાથી પુણ્ય મળે કે ન મળે, પણ આ વખતે ચાર ધામના યાત્રાળુઓને અને ઉત્તરાખંડના અસંખ્ય સ્થાનિકોને જિંદગીભર ચાલે એટલી પીડા તો મળી જ ગઈ છે. ભર્તૃહરિ જ્ઞાની માણસોને તીર્થયાત્રા માટે લગભગ નિષેધ ફરમાવી દે છે. એક સુભાષિતમાં લખ્યું છે કે, 

'વેદ-ઉપનિષદના જ્ઞાતાઓ,ભાષ્યકારો, જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે! તીર્થસ્થાનોમાં વસવામાત્રથી નથી પાપો નાશ પામતાં કે નથી પુણ્ય પ્રાપ્ત થતું. કેમ? વેદોમાં કહેવાયું છે કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર બ્રહ્મવિદ્યા વડે કરવો. આત્મ સ્વરૂપનો પરિચય કરાવતી બ્રહ્મવિદ્યા તીર્થસ્થાનોમાં રહેલી છે તે બરાબર છે, છતાં પણ લોકો ત્યાં રહીને તપ કરવા ઇચ્છે છે તે આશ્ચર્ય ઉપજાવે છે.'
એક ઔર સુભાષિતમાં ભર્તૃહરિએ આ વાત ઔર ઘૂંટી છેઃ '

આપણું મન સ્વયં નિર્મળ જ્ઞાનરૂપી અમૃતથી ભરેલા સરોવર જેવું છે. આમ છતાં વિવેકહીન દુર્બુદ્ધિ બ્રાહ્મણો અને અન્યો તેમાં સ્નાન કરવાને બદલે તીર્થયાત્રાની ઇચ્છાથી દુઃખી થઈને જંગલોમાં આડાઅવળા ભટકે છે. છેવટે તો તેમણે દુઃખના ખાણરૂપી આ સંસારસમુદ્રમાં જ ડૂબી મરવું પડે છે. આ આખી વાત કેટલી કષ્ટદાયક છે.'
તીર્થભૂમિ પર આપણા ઋષિ-મુનિઓએ કઠિન આરાધના કરી હતી, તેથી આદર્શ રીતે તો આપણને અહીં સાત્ત્વિક સ્પંદનોનો અનુભવ થવો જોઈએ. હકીકતમાં થાય છે કશુંક જુદું જ. આ જ પાવક ધરતી પર બજારુ ઢોંગીઓ પૂજાપાઠ અને ક્રિયાકર્મ કરાવી આપવાના નામે યાત્રાળુ પર તીડનાં ટોળાંની જેમ તૂટી પડીને આતંક મચાવી દે છે. ભીખમંગાઓનો ત્રાસ અને ગંદકીનું તો પૂછવું જ શું! આ બધામાં પેલાં સાત્ત્વિક સ્પંદનોનો કચ્ચરઘાણ વળી જાય છે. ભર્તૃહરિએ લખ્યં છેઃ
'અરે ભાઈ! હે મિત્ર! કોઈ શાંત પર્વતના શિખર પર જઈને અથવા તો ઉનાળામાં કોઈ શાંત ગુફામાં બેસીને ઈશ્વરની આરાધના કરવાની તને ઇચ્છા હોય તો ત્યાં નહીં જતો. તું જ્યાં છે એ જગ્યાએ આવું કોઈ શાંત સ્થળ શોધી લઈ, મનને ભ્રમિત કરતા મહામોહરૂપી અનર્થકારક વિશાળ વૃક્ષને જડમૂળથી ઉખાડી નાખ.'
ભર્તૃહરિનાં શતકો નીલેશ મહેતાએ સરળ ભાષામાં અનુદિત કરી નાની પુસ્તિકાઓમાં સંપાદિત કર્યાં છે. સ્વામી સચ્ચિદાનંદે 'ભર્તૃહરિનાં બે શતકો' નામનું સુંદર પુસ્તક લખ્યું છે. સ્વામીજી વેદાંતનો અભ્યાસ કરવા લગભગ ૧૧ વર્ષ કાશીમાં રહ્યા હતા, પણ બન્યું એવું કે તેઓ ભણતા ગયા તેમ તેમ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો અને કોન્સેપ્ટ્સથી વિમુખ થતા ગયા. વેદાંત કહે છે કે તમામ દૃશ્ય અને અદૃશ્ય બ્રહ્માંડો માયાના તમોગુણથી રચાયાં છે. જો બધું જ તામસિક તત્ત્વોથી રચાયું હોય તો તીર્થક્ષેત્રો પણ તામસિક ગણાય. સ્વામી સચ્ચિદાનંદ પ્રશ્ન કરે છે કે તો આ તીર્થસ્થળોની સાત્ત્વિકતાનું શું? શું એનો અર્થ એ થયો કે આપણાં પવિત્ર ચાર ધામ પણ તામસિક છે?


'વૈરાગ્યશતક'નું એક સુભાષિત સમજાવતાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે પ્રલયકાળનો અગ્નિ પ્રગટે છે ત્યારે તેના પ્રચંડ પ્રહારથી સ્વયં મેરુ પર્વત પણ ઢળી પડે છે. આ અગ્નિપ્રલય છે. જે સમુદ્રમાં વિશાળ મગરો આદિ રહે છે તે સમુદ્ર પ્રલયકાળના વાયુમાં સુકાઈ જાય છે. સમગ્ર જળરાશિ પાણીની સાથે ઊડી જાય છે, આને વાયુપ્રલય કહે છે. પૃથ્વી પર્વતોનાં ચરણોથી દબાયેલી હોવાથી સ્થિર રહે છે. ભર્તૃહરિએ પર્વત માટે 'ધરણીધર' શબ્દ વાપર્યો છે. એટલે કે ધરતી પર્વતને નહીં, બલકે પર્વત ધરણીને એટલે કે પૃથ્વીને ધારણ કરે છે. આમ કહેવા પાછળનો તર્ક એ હોઈ શકે છે પર્વતોનું અસ્તિત્વ છે તો પૃથ્વીનું સંતુલન બની રહેવામાં, ઋતુચક્ર જળવાઈ રહેવામાં મદદ મળે છે. પૃથ્વીના પટ પર પહાડો જ ન રહે તો ઋતુચક્ર ખોરવાઈ જાય. ઉત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી પાછળનું એક મોટું કારણ પહાડોને અતિ મૂર્ખતાથી કોતરી નાખવામાં આવ્યા છે, તે છે.
સો મણનો સવાલ આ છેઃ શું ચાર ધામની યાત્રા ઓવરરેટેડ છે? એને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે? ખેર,શ્રદ્ધાની વાત આવે ત્યાં આ પ્રકારના પ્રશ્નો અપ્રસ્તુત થઈ જાય છે. આસ્થામાં ઇલાકામાં કશું જ 'ઓવરરેટેડ' કે 'વધારે પડતું' હોતું નથી!          0 0 0

Saturday, July 6, 2013

બોલિવૂડ એક્સપ્રેસ : બોલિવૂડના ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી ગયું !

Sandesh - Cine Sandesh - 5 July 2013

Column : બોલિવૂડ એક્સપ્રેસ 

સોનાક્ષી પાસેથી ન શીખવા જેવી વસ્તુ છે, શરીર જાડું નહીં થવા દેવાનું. એની પાસેથી શીખવા જેવી એક વસ્તુ પણ છે, લોકો એકધારી ટીકા કરતા હોય ત્યારે જાડી ચામડીના બનીને નિર્લેપ બની જવાનું!


ઢોલ બજાઓ, વાજાં વગડાવો, શરણાઈના સૂર છેડો. આ બહુ જુનવાણી લાગે છે? ઓલરાઇટ! તો ગિટારના તાર ટ્રિંગ ટ્રિંગ કરો, ડ્રમ સેટ્સ પર દાંડી પીટો, હાઇટેક કી-બોર્ડ પર ગાજવીજનું મ્યુઝિક જનરેટ કરો. બોલિવૂડ બોય ઉર્ફ બો-બો આવી ગયો છે, હાથમાં બોલિવૂડનું અર્ધવાર્ષિક પરિણામ લઈને. જાન્યુઆરીથી જૂન ૨૦૧૩ દરમિયાન મતવાલી ફિલ્મી દુનિયામાં કોણે શું ઉકાળ્યું? કોણ હિટ થયું, કોણ ફ્લોપ થયું, કોણ અધવચ્ચે અટકી ગયું? સાંભળો... 
બોક્સઓફિસના આંકડા કહે છે કે પહેલા છ મહિનામાં સૌથી વધારે માર્ક્સ લઈને પહેલા નંબરે પાસ થનારી ફિલ્મ છે- યસ, યુ આર રાઇટ - 'યે જવાની હૈ દીવાની'! (બેવફા બો-બોએ પોતાના મોસ્ટ ફેવરિટ હીરો તરીકે રિતિક રોશનને તગેડી મૂકીને નંબર વન પોઝિશન પર રણબીર કપૂરનો રાજ્યાભિષેક ઓલરેડી કરી નાખ્યો છે. એ જ પ્રમાણે, મોસ્ટ ફેવરિટ હિરોઇનોનાં લિસ્ટમાં કરીના અને પ્રિયંકાનાં નામ પર ચોકડી મૂકીને દીપિકા પાદુકોણનું નામ સૌથી ઉપર મૂકી દેવાનું ઓલમોસ્ટ નક્કી કરી નાખ્યું છે.) ૨૦૧૩ની બીજા નંબરની હિટ ફિલ્મ છે, શ્વેત વસ્ત્રધારી ગુજરાતી ડિરેક્ટરબંધુ અબ્બાસ-મસ્તાનની 'રેસ-ટુ'. તે પછી વારો આવે છે 'શૂટઆઉટ એટ વડાલા' અને'કાઈ...પો છે'નો. ૨૦૧૩ના હિટ લિસ્ટમાં 'ચશ્મે બદ્દુર'ની રિમેક, 'મર્ડર-થ્રી', 'સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ' તેમજ (લો-બજેટ હોવાને કારણે) 'બોમ્બે ટોકીઝ'નું નામ પણ બોલે છે. 'એબીસીડી', 'સ્પેશિયલ ૨૬', 'જોલી એલએલબી', 'આશિકી-ટુ', 'કમાન્ડો' અને 'ગો ગોવા ગોન' પણ સરસ ચાલી ગઈ. આ ફિલ્મોને ફિલ્મી પંડિતો 'સરપ્રાઇઝ હિટ'ની કેટેગરીમાં શા માટે મૂકતા હશે ભગવાન જાણે! થિયેટરોમાં હજુ હાલ ચાલી રહેલી 'ફુકરે' અને 'રાંઝણા' બન્ને હિટ થવાના પંથે છે.

કઈ ફિલ્મોને ઓડિયન્સે રિજેક્ટ કરી નાખી? 'જિલા ગાઝિયાબાદ', 'હિમ્મતવાલા' (આ વર્ષે સૌથી વધારે ગાળો આ ફિલ્મને પડી છે.), 'ઔરંગઝેબ', 'યમલા પગલા દીવાના-ટુ', 'ડેવિડ', 'આઈ મી ઔર મૈં' (આવી કોઈ ફિલ્મો રિલીઝ થઈ હતી તે યાદ સુધ્ધાં આવે છે?) અને 'આત્મા', 'નૌટંકી સાલા', 'મટરુ કી બિજલી કા મંડોલા' અને 'એક થી ડાયન' એવરેજ કેટેગરીમાં આવે છે. બો-બોને પર્સનલી એક ફિલ્મની નિષ્ફળતા માટે અફસોસ છે, તે છે રામગોપાલ વર્માની 'ધ અટેક્સ ઓફ ટ્વેન્ટિ સિક્સ-ઇલેવન'. ખરેખર સારી ફિલ્મ હતી આ!   
                                                    0 0 0
એમ તો આજે રિલીઝ થઈ રહેલી 'લૂટેરા' પણ ખરેખર સારી ફિલ્મ હશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. એ તો નીવડયે વખાણ. લૂટેરા'ની નાયિકા માટે ડિરેક્ટર આદિત્ય મોટવાણેની ફર્સ્ટ ચોઇસ કોણ હતી, જાણો છો? વિદ્યા બાલન. હિરોઇન તો જાડ્ડીપાડ્ડી જ જોઈએ એવો ડિરેક્ટરનો કદાચ આગ્રહ હશે, તેથી આ રોલ પછી સોનાક્ષી સિંહાને કાસ્ટ કરી. સોનાક્ષી જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારથી બધાં એને જાડી-જાડી કહીને ચીડવે છે. એમાં કહેનારાઓનો વાંક નથી. એ જાડી છે જ. એનાં બાવડાં સની દેઓલને શરમાવે એવાં તોતિંગ છે. એના શરીરનો ઘેરાવો અનુષ્કા શર્મા જેવી ત્રણ સુકલકડી હિરોઇનો સમાઈ જાય એટલો વિશાળ છે. 'હુ કેર્સ?' સોનાક્ષી કહે છે, "ટોચના પ્રોડયુસરો મને સાઇન કરી રહ્યા છે, મારી ફિલ્મો હિટ થઈ રહી છે, પછી મારે શું કામ ચિંતા કરવાની? હું નાની હતી ત્યારે કેટલી ભયાનક જાડી હતી તેની તમને ખબર નથી. તે વખતે લોકો જે રીતે મારી મશ્કરી કરતા હતા એની સરખામણીમાં અત્યારે જે ટીકા થઈ રહી છે એ તો કંઈ નથી. લોકોને જે કહેવું હોય તે કહે, મને કશો ફરક પડતો નથી. હવે હું જાડી ચામડીની થઈ ગઈ છું." લો બોલો. સોનાક્ષીની ચામડી પણ જાડી છે, એની તો આપણને ખબર જ નહોતી.
                                                   0 0 0 
આ બાજુ સોનાક્ષીના કો-સ્ટાર રણવીરસિંહને એ ખબર નથી કે છેલ્લા કેટલાય મહિનાઓથી જે ગંદી દાઢી-મૂછ લઈને ચારે બાજુ ફર્યા કરે છે એમાં એ કેટલો મોટો કાર્ટૂન દેખાય છે. આ તેનો સંજયલીલા ભણસાલીના ડિરેક્શનમાં બની રહેલી 'રામલીલા' ફિલ્મનો લુક છે. (ઓહ માય ગોડ! 'રામલીલા'માં અઢી-ત્રણ કલાક સુધી આવો ગંધારોગોબરો રણવીર કેવી રીતે સહન થશે ઓડિયન્સથી?)એ પોતાની ઔર એક ફિલ્મને લઈને પણ ભારે ઉત્સાહિત છે - યશરાજ બેનરની 'ગુંડે'. આમાં અર્જુન કપૂર એનો સાથી-ગુંડો બન્યો છે. રણવીર થનગન થનગન થતાં કહે છે, 'યુ નો વોટ, અર્જુન મારો મોસ્ટ ફેવરિટ કો-સ્ટાર છે. મારે એની સાથે હિટ જોડી બનાવવી છે. જે રીતે જય-વીરુની, અક્ષયકુમાર-સૈફની અને 'અંદાજ અપના અપના'માં આમિર-સલમાનની જોડી હતી એમ.' આશા રાખીએ કે કમસે કમ'ગુંડે'માં રણવીરે અર્જુનને ચક્રમ જેવા દાઢી-મૂછ રાખવાની પ્રેરણા આપી ન હોય. ચાલો ત્યારે, હેપી ફ્રાઇડે!       000

મલ્ટિપ્લેક્સ : કૌન સી ચક્કી કા આટા ખાયા હૈ ફરહાનને?


Sandesh - Sanskaar Purti - 7 July 2012
Column : મલ્ટિપ્લેક્સ
'ભાગ મિલ્ખા ભાગ' માટે ફરહાન અખ્તરે પોતાના શરીર પર જે ગજબનાક કર્યું છે તે જોઈને સૌ ચકિત થઈ ગયા છે. આ છ મહિનાની જબરદસ્ત શારીરિક મહેનત, સ્ટ્રિક્ટ ડાયટિંગ,તગડું મનોબળ અને પાક્કી શિસ્તનું પરિણામ છે. 

ફાઇનલી... ૨૦૧૩માં જેની સૌથી વધારે તીવ્રતાથી રાહ જોવાઈ રહી છે તેવી ફિલ્મોમાંની એક 'ભાગ મિલ્ખા ભાગ' આવતા શુક્રવારે રિલીઝ થઈ જવાની! ફરહાન અખ્તરે ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ એવી ઇમેજ ઊભી કરી દીધી છે કે તેની પાસેથી ઉત્તમ કરતાં ઓછાની અપેક્ષા રાખી શકતાં નથી. આ એક ઇચ્છનીય અને આદરણીય સ્થિતિ છે કોઈ પણ કલાકાર માટે. સામે પક્ષે, 'ભાગ મિલ્ખા ભાગ'ના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાનો બાયોડેટા મિશ્ર લાગણી જન્માવે છે. 'અક્સ' (ખરાબ), 'રંગ દે બસંતી' (ખૂબ સુંદર), 'દિલ્હી-સિક્સ' (નિરાશાજનક) અને 'તીન થે ભાઈ' (હા, આવા ટાઈટલવાળી પણ એક અતિ નબળી ફિલ્મ બે વર્ષ પહેલાં આવીને જતી રહી, જેના પ્રોડયુસર રાકેશ મહેરા હતા) એમના નામ પર બોલે છે. રાકેશ મહેરા ધાર્યું નિશાન પાર પાડશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી, છતાં ફરહાન અખ્તર જેવો સુપર ટેલેન્ટેડ માણસ 'ભાગ મિલ્ખા ભાગ' સાથે સંકળાયેલો હોવાથી ફિલ્મ પાસેથી ઊંચી ઉમ્મીદ બાંધવાનું આપણને મન થાય છે.
ફિલ્મના પ્રોમો જ્યારથી રિલીઝ થયા છે ત્યારથી ફરહાને જે રીતે પોતાના શરીર પર ગજબનાક કામ કર્યું છે તે જોઈને સૌ ચકિત થઈ ગયા છે. 'ભાગ મિલ્ખા ભાગ' વિખ્યાત ભારતીય દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે તે આપણે જાણીએ છીએ. કોમનવેલ્થ ગેઇમ્સ (૧૯૫૮) અને એશિયન ગેઇમ્સ(૧૯૫૮, ૧૯૬૨)માં ગોલ્ડમેડલ જીતી લાવેલા આ સ્પ્રિન્ટર જોકે ૧૯૬૦માં રોમમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં જરાક માટે બ્રોન્ઝ મેડલ જીતતાં જીતતાં રહી ગયા હતા. ખૂબ જવાબદારીભર્યું કામ હોય છે કોઈ પણ ક્ષેત્રના લેજન્ડ પર ફિલ્મ, ટીવી શો કે નાટક બનાવવું. એક્ટર માટે તો ખાસ. આ ફિલ્મ માટે મૂળ અક્ષયકુમારની પસંદગી થઈ હતી, પણ પછી કોણ જાણે શું થયું કે એના સ્થાને ફરહાન ગોઠવાઈ ગયો. રાકેશ મહેરાએ ફરહાનને 'રંગ દે બસંતી' પણ ઓફર કરેલી. તે વખતે ફરહાનની ફક્ત એક જ ફિલ્મ આવી હતી, 'દિલ ચાહતા હૈ' જે તેણે ડિરક્ટ કરેલી. એક્ટર તરીકેની કરિયર દૂર ક્ષિતિજમાં પણ દેખાતી નહોતી, પણ રાકેશ મહેરાને તે વખતે પણ લાગ્યા કરતું હતું કે આ છોકરો કેમેરાની પાછળ જ નહીં, કેમેરાની સામે પણ સરસ કામ કરી શકે એમ છે.
Milkha Singh : Reel and Real


'ભાગ મિલ્ખા ભાગ' માટે ફરહાને પોતાના સીધાસાદા શરીરને ઓલિમ્પિક કક્ષાના એથ્લેટિક જેવું બનાવવાનું હતું. આ સૌથી મોટી ચેલેન્જ હતી. સીધીસાદી દોડ લગાવવી એક બાબત છે અને પ્રોફેશનલ સ્પ્રિન્ટર બનવાની તાલીમ લેવી તે તદ્દન જુદી વસ્તુ છે. રાકેશ મહેરાએ પોતાની ટીમને એક જ બ્રિફ આપેલીઃ આપણે એક એક્ટરને તૈયાર નથી કરી રહ્યા, આપણે એક એથ્લેટને તૈયાર કરવાનો છે, જે આગામી ઓલિમ્પિક્સમાં ગોલ્ડમેડલ જીતવા માટે જી-જાન લગાડી દેવાનો છે!
મિલ્ખાના રોલ માટે ફરહાને છ મહિના માટે જબરદસ્ત મહેનત કરી. સવારે પોણાસાત વાગ્યાથી એની ટ્રેનિંગ શરૂ થઈ જતી. સેન્ટ્રલ રેલવેના એથ્લેટ્સને તૈયાર કરતા મેલ્વિન નામના ટ્રેનર એને ટ્રેનિંગ આપતા. પછી ફરહાનનો પર્સનલ ટ્રેનર સમીર જઉરા એને તાલીમ આપે. દિવસ દરમિયાન કુલ છ કલાક એ આઉટડોર અને ઈન્ડોર એક્સરસાઈઝ કરતો. શૂટિંગ નિકટ આવતું ગયું તેમ એક ઓલિમ્પિક ટ્રેનરને રોકવામાં આવ્યો, જે ફરહાનની સાંજની સેશન સંભાળતો. રનિંગ સિવાય પણ જાતજાતની એક્ટિવિટીઝ કરવાની રહેતી જેમ કે, હાઈપર ટ્રોફી, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફંક્શન ટ્રેનિંગ, ક્રોસ-ફિટ ટ્રેનિંગ, કિક બોક્સિંગ વગેરે.

માત્ર શારીરિક તાલીમ પૂરતી નથી, ડાયટિંગ પણ સ્ટ્રિક્ટ રાખવું પડે. આ છ મહિના ફરહાન લો-સુગર, લો-સોડિયમ ડાયટ પર હતો. રોટલી અને ભાત સામે જોવાનું પણ નહીં. બ્રેકફાસ્ટમાં ચાર ઈંડાંની આમલેટ, ઓટમીલ અથવા મુસલી અને સ્કિમ્ડ મિલ્ક. બે કલાક પછી પ્રોટીન શેક અને ફ્રૂટ્સ. લંચમાં સ્ટીમ્ડ ચિકલ બ્રોકોલી, બીન્સ અને મશરૂમ્સ. બે કલાક પછી ફરી એક વાર પ્રોટીન શેક. સાંજે એક ફળ. ડિનરમાં ફિશ અને ફ્રાઈડ શાકભાજી. આખા દિવસમાં ચારથી પાંચ લિટર પાણી પીવાનું ફરજિયાત. ફરહાને ગજબનાક શિસ્તથી એક્સરસાઈઝ તેમજ ખાવાપીવાનું રૂટિન એકધારું જાળવ્યું. કોઈ ઠાગાઠૈયા નહીં, કોઈ બહાનાંબાજી નહીં. આ કક્ષામાં નિષ્ઠા હોય ત્યારે પરિણામ પ્રભાવિત કરી દે તેવું આવવાનું જ. રાકેશ મહેરા ત્યાં સુધી કહે છે કે મિલ્ખાના રોલ માટે આ છોકરાએ એટલો બધો પરિશ્રમ કર્યો છે કે એના પર આખેઆખું પુસ્તક લખી શકાય!
મિલ્ખા સિંહ હાલ ૭૭ વર્ષના છે. અત્યંત ઘટનાપ્રચુર રહી છે એમની જિંદગી. ૧૧ વર્ષના હતા ત્યારે એમના આખા પરિવારની કતલ થઈ ગઈ હતી. નાનપણમાં એ ચોરી કરતા, ચાકુ ચલાવતા, પછી આર્મીમાં જોઇન થયા, દોડવીર બન્યા, દુનિયાભરમાં ૮૦ જેટલી રેસ દોડીને કેટલીય સિદ્ધિ મેળવી, પણ જીવનની સૌથી મહત્ત્વની મેચમાં જ પરાજય પામ્યા.
ફરહાન ફિલ્મની તૈયારીના ભાગરૂપે મિલ્ખા સિંહને એક કરતાં વધારે વખત મળ્યો હતો. ફરહાન કહે છે, "તમે આ પ્રકારનો રોલ કરતા હો ત્યારે જે-તે વ્યક્તિના દેખાવની કે હાવભાવની મિમિક્રી કરવાની ન હોય, બલકે તેના વ્યક્તિત્વની ખૂબીઓને સમજીને આત્મસાત્ કરવાની હોય. હું મિલ્ખા સિંહને મળ્યો ત્યારે મેં પ્રશ્નોનો મારો નહોતો ચલાવ્યો,બલકે તેઓ પોતાની લાઇફ વિશે બોલતા ગયા ને હું ફક્ત ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો. માણસ પોતાની જીવનકિતાબનાં પાનાં ખોલતો હોય ત્યારે તમને ખબર પડે કે કઈ વાત કરતા એમની આંખો ભીની થાય છે, શું યાદ કરતી વખતે એમના ચહેરા પર સ્માઇલ આવી જાય છે, એની બોડીલેંગ્વેજ કેવી રીતે બદલાય છે, વગેરે. આ બધું હું મનોમન નોંધતો ગયો, જે શૂટિંગ દરમિયાન એક્ટિંગ કરતી વખતે મને કામ આવ્યું."
રાકેશ મહેરાએ તાજેતરમાં મિલ્ખા સિંહના પરિવાર માટે 'ભાગ મિલ્ખા ભાગ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવ્યં હતું. જ્યારથી ફિલ્મ જોઈ છે ત્યારથી મિલ્ખા સિંહ ફરહાનનાં વખાણ કરતા થાકતા નથી. ગીતકાર તરીકે જાણીતા એડમેન પ્રસૂન જોશીએ સ્ક્રિપ્ટમાં મિલ્ખા સિંહની જીવનકથા આલેખતી વખતે જરૂર પડે ત્યાં ક્રિએટિવ લિબર્ટી લીધી છે. એમાં કશં ખોટું પણ નથી. પ્રસૂન જોશી પાસે એટલું બધું મટીરિયલ એકઠું થઈ ગયું છે કે તેઓ આ ફિલ્મની સિકવલ બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં પ્રોફેશનલ ગોલ્ફર પુત્ર જીવ સાથેના મિલ્ખા સિંહના સંબંધની વાત હશે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રસૂન ખુદ કરવા ધારે છે.

અલબત્ત, આ બધું તો શક્ય બને જો 'ભાગ મિલ્ખા ભાગ' હિટ થાય. મિલ્ખા સિંહની જીવનકથામાં એટલું બધું કૌવત છે કે જો 'ભાગ મિલ્ખા ભાગ' લક્ષ્યવેધ કરી શકશે તો તે સીમાચિહ્નરૂપ બની જશે. - ફરહાન, મહેરા અને પ્રસૂનની કરિયર માટે જ નહીં, પણ હિન્દી સિનેમા માટે પણ. 
ટચવૂડ!                               0 0 0

હોલીવૂડ હંડ્રેડ: ઍની હૉલ : પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ...

 મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - ૫ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. વૂડી એલનની સર્વશ્રેષ્ઠ ગણાતી ‘ઍની હૉલ’ નામની કોમેડી ફિલ્મનો આ મુખ્ય સૂર છે. 



ફિલ્મ નંબર ૨૯. ઍની હૉલ 

‘હોલિવૂડ હન્ડ્રેડ’ કોલમમાં આજે વૂડી એલનની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. વૂડી એલન ફક્ત મહત્ત્વના ક્ધટેમ્પરરી અમેરિકન ડિરેક્ટર જ નથી, તેઓ એક્ટર, લેખક અને પ્રોડ્યુસર પણ છે. તેમની ફિલ્મો રમૂજથી છલછલતી, હલકીફૂલકી અને જીવાતા જીવનથી નિકટ હોય છે. એમાંય  સંબંધો વિશેની ફિલ્મો બનાવવામાં એમની માસ્ટરી છે. આજે એમની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાતી ‘ઍની હૉલ’નો વારો.

ફિલ્મમાં શું છે?

ફિલ્મની શરુઆત ઓડિયન્સની આંખોમાં આંખ પરોવીને કબૂલાત કરી રહેલા એલ્વી સિંગર(વૂડી એલન)ના ક્લોઝ-અપથી થાય છે. એલ્વી ન્યુયોર્ક વસતો અને ચાલીસનો થવા આવેલો યહૂદી સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. નાનપણથી જ એ મહાવિચિત્ર છે. એકવાર સ્કૂલમાં એણે લેસન કરવાનું બંધ કરી દીધું હતું. શા માટે? બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે અને ભવિષ્યમાં એનો નાશ થઈ જવાનો છે એવી ખબર પડવાથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો એટલે! હજુ ટીનએજર પણ થયો નહોતો ત્યારે એ ક્લાસની છોકરીઓના ગાલ પર બચ્ચી ભરી લેતો. છોકરીઓ ભેંકડો તાણતી. ટીચર એલ્વીને ઊભો કરીને ખખડાવતા. મોટા થયા પછી એલ્વીએ બે વાર લગ્ન કર્યાં, બન્ને વખત ડીવોર્સ થઈ ગયા. ત્યાર બાદ ઍની હૉલ (ડીએન કીટન) નામની ગર્લફ્રેન્ડ બની. એની સાથેના સંબંધ પણ એક વર્ષ પહેલાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું. એલ્વીને સમજાતું નથી કેમ એની રિલેશનશિપ્સ, લવલાઈફ અને સેક્સલાઈફ સ્થિર કેમ રહી શકતા નથી. ફિલ્મની પહેલી દસ જ મિનિટમાં એલ્વીનું ઉત્પાતીયું, અધીરું, નિરાશાવાદી છતાંય રમૂજી વ્યક્તિત્ત્વ સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ જાય છે.

વાર્તા હવે ફ્લેશબેકમાં ગતિ કરે છે. એક રાતે એલ્વી પ્રેમ કરવાના મૂડમાં છે, પણ ઍની રસ દેખાડતી નથી. બન્ને એલ્વીની પૂર્વ પત્નીઓ વિશે ચર્ચા કરવા લાગે છે. પહેલી પત્ની સાથેની સેક્સલાઈફમાં ક્યારેય જમાવટ થઈ જ નહોતી. બીજી વધારે પડતી બૌદ્ધિક હતી. એની સાથે પણ લગભગ એવું જ થયું. પછી ઍની મળી. બન્નેની પહેલી મુલાકાત ટેનિસ કોર્ટ પર થઈ હતી. શરુઆતમાં ઍની બહુ નર્વસ રહેતી,  એનામાં આત્મવિશ્વાસની કમી હતી. બન્ને પ્રેમમાં પડ્યાં ને સાથે રહેવા લાગ્યાં. ઍની આગલી બન્ને સ્ત્રીઓ કરતાં જુદી હતી. સેક્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્ને હવે તર-બ-તર થઈ જવાય એવા હતા. એલ્વી જોકે માત્ર શરીર-કેન્દ્રી નહીં પણ ‘અર્થપૂર્ણ સંબંધ’  વિકસાવવા ઈચ્છતો હતો. એણે ધરાર ઍનીને કોલેજમાં કોઈક કોર્સ કરવા દાખલ કરી. મોટા થયા પછીય કંઈક ભણવાનું ચાલુ રાખીએ તો બુદ્ધિની ધાર નીકળતી રહે એવો તેનો તર્ક હતો. એેક વાર એલ્વીએ ઍનીને એના પ્રોફેસરના હાથમાં હાથ પરોવીને જતી જોઈ. પત્યું. એલ્વીએ દલીલ કરી કે આપણે એકબીજા સાથે ‘ફ્લેક્સિબલ’ રહેવાનું નક્કી કર્યું હતું, પણ ફ્લેક્સિબિલીટીનો અર્થ એવો નહીં કે તું પરપુરુષ સાથે ફર્યા કરે. બન્ને વચ્ચે બ્રેક-અપ થઈ જાય છે.



એલ્વી પાછો એકલો પડે છે. ફરી પાછું ડેટિંગ, ફરી નવા સંબંધોના અખતરા.  બાપડો ક્યાંય ઠરતો નથી. એક વાર મધરાતે અચાનક ઍનીનો  ફોન આવે છે: અબ્બી હાલ મારા ઘરે આવી જા. ઍની સખત ગભરાયેલી છે. એલ્વી ભાગે છે. ગયા પછી ખબર પડે છે કે ઍનીના બાથરુમમાં કરોળિયો ઘૂસી ગયો હતો તેથી એ ગભરાઈ ગયેલી! બન્ને વચ્ચે પાછા બુચ્ચા થઈ જાય છે. બન્ને નક્કી કરે છે કે ગમે તે થાય, આપણે હવે અલગ નહીં જ પડીએ. કમનસીબે એમની કુંડળીમાં સહજીવન લખાયું જ નથી. બન્નેને પ્રતીતિ થાય છે કે આપણી રિલેશનશિપમાં કંઈક ખૂટે છે. એમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. બન્ને પાછાં અલગ પડે છે. ઍની બીજા શહેરમાં શિફ્ટ થાય છે, કરીઅર બનાવે છે. એલ્વી એક વાર જઈને એેને મળે છે. એના મનમાં હજુય આશા છે. એ ઍની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ઍની ના ુપાડી દે છે. એલ્વી પોતાની બળતરા એક નાટક લખીને ઠાલવે છે. નાટક ઍની સાથેના એના સંબંધ પર આધારિત છે. નાટકમાં જોકે નાયિકા હીરોને હા પાડી દે છે. સમય વીતતો જાય છે. બન્ને પોતપોતાનાં જીવનમાં આગળ વધી ચુક્યાં છે. કદાચ બન્નેને નવા પાર્ટનર મળી ગયા છે. એલ્વીને સમજાય છે કે પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. બસ, એલ્વીના આ બ્રહ્મજ્ઞાન પર ફિલ્મ પૂરી થયા છે.

કથા પહેલાંની અને પછીની 

‘ઍની હૉલ’ની પહેલા વૂડી એલન નિતાંતપણે કોમેડી ફિલ્મો બનાવતા હતા. ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘એઈટ એન્ડ અ હાફ’થી ખૂબ પ્રભાવિત થઈને (આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં વાત કરી ચુક્યા છીએ. જુઓ ‘મુંબઈ સમાચાર’, ૮ મે ૨૦૧૩) તેમણે પોતાની આગલી ફિલ્મમાં રમૂજનો ડોઝ થોડો ઓછો કરવાનો તેમજ માનવસ્વભાવની વિચિત્રતાઓ અને સૂક્ષ્મતાઓ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. સહલેખક માર્શલ બ્રિકમેન સાથે તેઓ એકાંતરે ચર્ચા કરતા, નવા આઈડિયા વિચારતા, રિજેક્ટ કરતા. ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ વૂડી એલને ચાર દિવસમાં લખી નાખ્યો હતો. મૂળ વાર્તામાં મર્ડર મિસ્ટરી કેન્દ્રમાં હતી જેના પર રમૂજ અને રોમાન્સ સારી પેઠે ભભરાવવામાં આવ્યા હતા. પછી રહસ્યમય ખૂનવાળો પ્લોટ ગાળી નાખવામાં આવ્યો. વૂડી એલને પછી તેને ‘મેનહટન મર્ડર મિસ્ટરી’ નામની ફિલ્મમાં ઉપયોગમાં લીધો. ફિલ્મનું ટાઈટલ પણ ખૂબ બદલ્યું. પહેલાં નામ રાખવામાં આવ્યું હતું, ‘એન્હેડોનિયા’ (મતલબ કે ખુશ થઈ શકવાની અક્ષમતા). પછી ‘ઈટ હેડ ટુ બી જ્યુ’, ‘મી એન્ડ માય ગોડ’, ‘એન્ઝાઈટી’ અને‘એલ્વી એન્ડ મી’ જેવાં ટાઈટલ્સ વિચારાયાં. આખરે ‘ઍની હૉલ’ ટાઈટલ ફાયનલાઈઝ કરવામાં આવ્યું.



‘ઍની હૉલ’નાં પાત્રો ખાતાં, પીતાં, સૂતાં, પ્રેમ કરતાં કરતાં, ચાલતાં ચાલતાં, બગીચાના બાંકડે બેસીને, સીધા કેમેરાની સામે જોઈને વાતો જ કરતાં રહે છે. શોટ્સ પણ લાંબા લાંબા હોય. ૧૯૭૦ના દાયકાની હોલીવૂડની ફિલ્મોમાં એવરેજ શોટની લંબાઈ ૪ થી ૭ સેક્ધડ જેટલી રહેતી, જ્યારે ‘ઍની હૉલ’ના શોટ્સની સરેરાશ લંબાઈ ૧૪.૫ સેક્ધડ છે. વાર્તા કહેવાની શૈલીમાં વૂડી એલને કેટલાય અખતરા કર્યા છે. જેમ કે, નાયક ઓચિંતા સૂત્રધાર બની જાય. હિરોઈન સાથે વાત કરતાં કરતાં એ અચાનક ઓડિયન્સ સાથે વાતો કરવા લાગે. એકદમ જ એનિમેશન ફિલ્મ જેવી ચિત્રપટ્ટી શરુ થઈ જાય. હીરો-હિરોઈન મોઢેથી એેક વસ્તુ બોલતાં હોય, પણ મનમાં બીજું કંઈક ચાલતું હોય તો એમની મૂંઝવણ કે ગૂંચવણ ‘મેન્ટલ સબટાઈટલ્સ’ રુપે પડદા પર ફ્લેશ થવા માંડે. હવે તો જોકે આ ટેક્નિક્સ ખૂબ સામાન્ય બની ગઈ છે.

ઓસ્કર ફંકશનમાં ‘ઍની હૉલ’ અને ‘સ્ટાર વોર્સ’ વચ્ચે તગડો મુકાબલો હતો. સૌએ માની લીધું હતું કે તમામ મહત્ત્વના ઓસ્કર અવોર્ડ્ઝ ‘સ્ટાર વોર્સ’ તાણી જશે, પણ એવું બન્યું નહીં. ‘ઍની હૉલે’ બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર જીતી લઈને સપાટો બોલાવી દીધો. ‘ઍની હૉલ’ વૂડી એલનની કરીઅર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ  એવરગ્રીન ક્લાસિક ગણાય છે, પણ એલનને અસંતોષ રહી ગયો છે. તેઓ કહે છે કે, ‘મેં તો પ્રેમ અને સંબંધોને લઈને હીરોના મનમાં જે સતત ગડમથલ ચાલતી રહે છે તેને ફોકસમાં રાખ્યું હતું, આ ફિલ્મ તેના વિશે જ છે, પણ લોકો સુધી આ વાત બરાબર પહોંચી નહીં. તેમને હીરો-હિરોઈનના લવઅફેરમાં વધારે રસ પડી ગયો! હીરોનું માનસિક દ્વંદ્વ એકબાજુ રહી ગયું. મારી નિરાશાનું કારણ આ જ છે.’



ઐસા ભી હોતા હૈ. ક્લાસિક ફિલ્મનો મેકર સ્વયં પોતાનાં સૌથી મશહૂર સર્જનથી નાખુશ હોઈ શકે છે! ખેર, આપણને તો ‘ઍની હૉલ’ જોવાની ખરેખર બહુ મજા પડે છે. ફિલ્મની રમૂજ, સતત બબડાટ કરતા રહેતા હીરોની વિચિત્રતાઓની સાથે સાથે  સ્માર્ટ લખાણ, ધારદાર નિરીક્ષણો - આ બધામાં એન્ટરટેઈનમેન્ટ ઉપરાંત ઊંડાણ પણ છે. વૂડી એલનની ફિલ્મો એડિક્ટિવ છે, એની આદત લાગી જાય છે. એમની અન્ય યાદગાર ફિલ્મો વિશે ફરી ક્યારેક.

‘ઍની હૉલ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : વૂડી એલન

સ્ક્રીનપ્લે          : વૂડી એલન, માર્શલ બ્રિકમેન
કલાકાર           : વૂડી એલન, ડીએન કીટન  
રિલીઝ ડેટ        : ૨૦ એપ્રિલ ૧૯૭૭

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, ફિલ્મ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને એકટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડ્ઝ ૦૦૦