Thursday, May 16, 2013

Cine Sandesh: સની શા માટે નર્વસ છે?


Sandesh - Cine Sandesh Supplement - 17 May 2013 

બોલિવૂડ એક્સપ્રેસ 

કરણ દેઓલ અને સાશા આગા... સ્ટાર-સંતાનોના નવાનક્કોર ફાલ માટે રેડી થઈ જાઓ!


બોલિવૂડ બોય ઉર્ફે બો-બો હાજર છે, ખૂબ મસાલેદાર ફિલ્મી ખબરો સાથે! પહેલા ન્યૂઝ છે સની દેઓલ વિશે. તમે કહેશો કે બો-બો,મસાલેદાર વાતો જ કરવી હોય તો સની લિઓનીના ન્યૂઝ સંભળાવ. ખખડી ગયેલા સની દેઓલની વાતમાં શું મસાલો હોઈ શકે? હમ્મ્મ્મ્... વાત તો સાચી. એક્ચ્યુઅલી વાત સની પાજીના જુવાનજોધ દીકરા કરણની છે, જે આવતા વર્ષે હીરો તરીકે લોન્ચ થઈ રહ્યો છે. અમે જ્યારે પહેલી વાર સાંભળેલું કે ઢાઈ કિલો કા હાથ ધરાવતા આ સન ઓફ સરદારનો દીકરો બાળકલાકાર તરીકે નહીં, પણ જુવાનજોધ હીરો તરીકે આવવાનો છે ત્યારે નવાઈનો પાર નહોતો રહ્યો. ટાઇમ કેવો ઝપાટાભેર પસાર થાય છે નહીં?
સની કહે છે, 'મારા ડેડીએ મને 'બેતાબ'માં લોન્ચ કર્યો હતો ત્યારે હું તો રિલેક્સ્ડ હતો, પણ એ ખૂબ નર્વસ હતા. હવે કરણ સોલો હીરો તરીકે લોન્ચ થવાનો છે ત્યારે હું નર્વસ છું અને એ રિલેક્સ્ડ છે!'


સની હાલ દીકરાને હાઇક્લાસ ટ્રેનિંગ આપી રહ્યો છે. એનું માનવું છે કે જિમમાં મજૂરી કરીને સિક્સ પેક બનાવી નાખો એટલે કંઈ તમે એક્ટર ન થઈ જાઓ. એટલે જ આવતા મહિને રિલીઝ થઈ રહેલી 'યમલા પગલા દીવાના-૨'માં કરણને આસિસ્ટન્ટ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યો હતો. એક ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે 'વાયપીડી-ટુ'ની સ્ટોરી સનીની વાઇફ લિન્ડાએ લખી છે. હવે એવું ન પૂછતા કે સનીની વાઇફનું નામ તો પૂજા હતું, આ લિન્ડા ક્યાંથી આવી ગઈ? સનીએ પત્ની બદલી નાખી ને આપણને ખબર પણ ન પડી? કાન ખોલકર સુન લોઃ પૂજા અને લિન્ડા એક જ છે. પૂજાના પાસપોર્ટમાં આજની તારીખેય લિન્ડા નામ બોલે છે. પહેલી વાર એવું બન્યું છે કે દેઓલ ખાનદાનની વહુએ બંગલાની લોખંડી દીવાલોમાંથી બહાર આવીને કોઈ ફિલ્મની સ્ટોરી લખી હોય. મતલબ કે 'યમલા પગલા વોટેવર'ના સેટ પર બાપ, બેટો, વહુ, સસરો, દિયર... ઇનશોર્ટ, લગભગ આખું ફેમિલી સાથે મળીને કામ કરી રહ્યું હતું. સ્વીટ!
                                             * * *



નીની વાત નીકળી છે તો સાથે સાથે બોલિવૂડનાં ઔર એક 'મહિલા ડાયનોસોર'ની વાત પણ કરી જ લઈએ. સલમા આગા યાદ છે? જેના દિલ કે અરમા આંસુઓમાં વહી ગયાં હતાં? એની નીલી નીલી આંખોવાળી રૂપકડી દીકરી સાશા 'ઔરંગઝેબ'માં અર્જુન બોની કપૂરની હિરોઇન બની છે. જોકે સાશાને શૂટિંગ દરમિયાન ખાસ ધમાલમસ્તી કરવાની તક નહોતી મળી, કારણ કે સલમા-મમ્મી સેટ પર સતત હાજર રહેતી હતી. સલમા આગાનો સ્વભાવ એટલો કડક છે કે અર્જુન એની આંખોમાં ગુસ્સાની લકીર જોતાં જ ફફડી ઊઠતો હતો. સાશાની મસ્તી કરવાની તો વાત જ બાજુએ રહી, એ સાશાની બાજુમાં પણ ફરકતો નહોતો.

 'તલાક' ફિલ્મથી ફેમસ બનેલી સલમા આગાએ અસલી જીવનમાં તલાકનો અનુભવ લેવો પડયો છે, યુ સી. એના પહેલા પતિ રહેમત ખાન જાણીતા સ્ક્વોશ કોચ હતા. મિન્સ કે છે. સલમા કહે છે, 'લગ્ન ટકે, ન ટકે એ નસીબની વાત છે. જુઓને, હું રહેમતને પૂરેપૂરી વફાદાર હતી, રહેમત પણ મારા પ્રત્યે સંપૂર્ણ વફાદાર હતા. એક્સ્ટ્રા-મેરિટલ અફેર જેવું કશું હતું જ નહીં, છતાંય અમને એકબીજા સાથે ન ફાવ્યું ને અમારા તલાક થઈ ગયા. પતિ-પત્ની છૂટાં પડે ત્યારે સૌથી વધારે સહન કરવાનું બાળકોના ભાગે આવે છે. કોઈ મને પૂછે તો હું તો હવે એ જ સલાહ આપું છું કે ભાઈસાબ, પડયું પાનું નિભાવી લો, પણ કમસે કમ તમારાં બચ્ચાં ખાતર ડિવોર્સ તો ન જ લો.'
સાશા અને એનો નાનો ભાઈ અલી બન્ને રહેમતનાં સંતાનો છે. તલાક પછી સલમા અને રહેમત બન્નેએ બીજાં લગ્ન કર્યાં. સલમાનો હાલનો પતિ મન્ઝર શાહ દુબઈમાં બિઝનેસમેન છે. સલમા બાળકો સાથે મુંબઈમાં રહે છે. મતલબ કે એમના લોન્ગ-ડિસ્ટન્સ મેરેજ છે. 'સાચું કહું, અમે બન્ને અલગ-અલગ દેશમાં રહીએ છીએ એટલે જ સુખી છીએ!' સલમા હસી પડે છે, 'સુખી લગ્નજીવનની આ ચાવી છે. એકબીજાથી જેટલા દૂર રહેશો એટલી સંબંધમાં મીઠાશ જળવાઈ રહેશે.'
લો બોલો, કંઈ કહેવું છે તમારે?
                                                      * * *

લમા આગાના જે ફન્ડા હોય તે, સોહા અલી ખાન તો લગ્ન પહેલાં જ પોતાના ભાવિ પતિ સાથે બિન્ધાસ્ત એક છત નીચે રહેવા લાગી છે. બન્ને પ્રેમસંબંધમાં તો લાંબા સમયથી હતાં, હવે તેઓ લિવ-ઇન પાર્ટનર બન્યાં છે. લોકોની ભ્રમર વંકાવાની જ. આ બન્ને સોએ સો ટકા એકબીજાને પરણવાનાં તો ખરાં જને?
'હોપફુલી!' કુણાલ કહે છે.
હોપફુલી એટલે? અત્યારે અમે ભલે ભેગાં રહીએ, પણ ભવિષ્યમાં અમે લગ્ન કરીએ કે ન પણ કરીએ, એમ? 
કુણાલ ઉમેરે છે, 'અત્યારે તો અમારી વચ્ચે બધું સરસ જઈ રહ્યું છે અને લગ્ન કરવાની ઉતાવળ શી છે?'
સોહાના પરિવારે કુણાલને આમ તો સ્વીકારી લીધો છે. જુઓને, સંભવિત સાળા સૈફ અલી ખાને 'ગો ગોવા ગોન' પ્રોડયુસ કરી તો એમાં કુણાલને લીધો જ ને. સોહા-કુણાલ દિલ્હી જાય ત્યારે સંભવિત સાસુ શર્મિલા ટાગોરને જરૂર મળે છે. શર્મિલા મુંબઈ આવે ત્યારે પણ મળવાનું થાય. અત્યારે તો ઓલ ઇઝ વેલ છે. આગળ જતાં પણ આની આ સ્થિતિ જળવાઈ રહે અને ઘીના ઠામમાં ઘી પડી રહે એટલે ભયો ભયો. બોલિવૂડની અંદરનાં તેમજ બહારનાં તમામ પ્રેમી-પંખીડાંને બો-બોના બેસ્ટ ઓફ લક! 00

Wednesday, May 15, 2013

ટેક ઓફ : પ્રવાસઃ ભયનો, આત્માનો, શરીરનો અને ક્રિએટિવિટીનો!


Sandesh - Ardh Saptahik Purti - 15 May 2013

ટેક ઓફ 

ટૂરિઝમ એટલે માત્ર હિલ સ્ટેશન્સ કે દરિયાકિનારા કે મ્યુઝિયમો-મંદિરો-મહેલો-કિલ્લા જ નહીં. દુનિયામાં પ્રવાસના નામે જાતજાતના ફિતૂર થાય છે. પ્રવાસને વધારે યાદગાર બનાવવા થોડાઘણા હેરાન થવું જરૂરી છે!


ડેનિયલ કેનેમન નામના એક ઈઝરાયલી-અમેરિકન મનોવિજ્ઞાની'બિહેવિયર ઈકોનોમિક્સ' વિષય પર નોબેલ પ્રાઈઝ જીતી ચૂક્યા છે. તેમની ગણના વિશ્વના સૌથી તેજસ્વી સાઇકોલોજિસ્ટ્સમાં થાય છે. એક ઈન્ટરેસ્ટિંગ થિયરી છે તેમની. ડેનિયલ કહે છે કે આપણાં વ્યક્તિત્વના બે હિસ્સા હોય છે - એક હિસ્સો એ છે જે અનુભવ કરે છે (એક્સપીરિયન્સિંગ સેલ્ફ) અને બીજો હિસ્સો જે યાદ રાખે છે (રિમેમ્બરિંગ સેલ્ફ). ધારો કે તમે ઉનાળાની રજાઓમાં બે વીક માટે લેહ-લડાખના પ્રવાસ પર જાઓ છો અને બન્ને વીક દરમિયાન તમને એકસરખી મજા આવે છે. આ ટૂર એક જ વીકની હોત તો એની તુલનામાં તમે બે અઠવાડિયાંમાં બમણી મજા કરી એમ કહી શકાય. આ એક્સપીરિયન્સિંગ સેલ્ફની અનુભૂતિ છે. રિમેમ્બરિંગ સેલ્ફનો દૃષ્ટિકોણ જુદો છે. રિમેમ્બરિંગ સેલ્ફ માટે આ પ્રવાસ એક વીકનો હોત કે બે વીકનો એનાથી કશો ફર્ક પડતો નથી. શા માટે?કારણ કે બીજા વીક દરમિયાન મજાનું તત્ત્વ યથાવત્ રહ્યું છે. તમારી સ્મૃતિમાં મજા સિવાયની બીજી કોઈ લાગણી ઉમેરાઈ નથી. જો તમે બીજા વીક દરમિયાન હેરાન થયા હોત, પડયા-આખડયા હોત, બીમાર થયા હોત, હોમ-સીક થયા હોત કે આનંદ સિવાયના બીજા કોઈ 'શેડ'ની ફીલિંગ અનુભવી હોત તો વાત જુદી હોત. તો તમને વેકેશન વધારે યાદ રહેત! ટૂંકમાં, પ્રવાસને વધારે યાદગાર બનાવવો હોય તો થોડાઘણા હેરાન થવું જરૂરી છે!
ઉનાળાની સીઝન આવતાં જ ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી હોર્મોન્સનાં ઈંજેક્શન લીધેલા બૉડીબિલ્ડરના શરીરસૌષ્ઠવની જેમ એકાએક ખીલી ઊઠે છે. ૧૯૯૦થી ૨૦૧૧ દરમિયાન ભારતમાં ટૂરિઝમ સેક્ટર ૨૨૯ ટકા વિકસ્યું એવો એક અંદાજ છે. વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલી ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીઝમાં ભારતનો ક્રમ પાંચમો છે. ૨૦૧૧માં ભારતમાં લગભગ ૬૩ લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. તેમાંથી સૌથી વધારે કુલ ૨૮.૬ ટકા જેટલા અમેરિકા અને ઈંગ્લેન્ડથી આવ્યા હતા. આમાં અફકોર્સ, ગ્રીનકાર્ડ ધારણ કરીને સુશીલ-સંસ્કારી-ગોરી કન્યાને પરણવા આવેલા મુરતિયાઓ સહિતના બિનનિવાસી ભારતીયોનો સમાવેશ પણ થઈ ગયો.
૨૦૧૦માં પ્રવાસીઓ જે રાજ્યોમાં સૌથી વધારે માત્રામાં ગયા હતા એ ટોપ ટેન સ્ટેટસ ઊતરતા ક્રમમાં આ રહ્યાં: આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને છેક છેલ્લે દસમા નંબરે આપણું ગુજરાત.

પણ ટૂરિઝમ એટલે માત્ર હિલ સ્ટેશન્સ કે દરિયાકિનારા કે મ્યુઝિયમો-મંદિરો-મહેલો-કિલ્લા અને જંગલો જ નહીં. યુરોપ-અમેરિકામાં ટૂરિઝમમાં પણ જાતજાતના ફિતૂર ફૂટી નીકળ્યા છે. તમે સ્કેર (સ્કેર એટલે ડર, ખોફ) ટૂરિઝમનું પેકેજ બુક કરો એટલે તમને વીણી વીણીને ભૂતિયાં ખંડેરો અને ડરામણી જગ્યાઓએ લઈ જવામાં આવે. પ્રવાસ દરમિયાન તમારા અપહરણનું નાટક પણ થાય! ખાસ ક્રોસવર્ડના શોખીનો માટે કેરેબિયન ક્રૂઝનું આયોજન થાય છે. એયને દરિયામાં તર્યા કરો ને આડા-ઊભા ચોકઠાં ભર્યાં કરો. ગ્રેવ સાઇટ ટૂરિઝમમાં તમને જોન એફ. કેનેડી, માર્ટિન લ્યુથર કિંગ, એલ્વિસ પ્રિસ્લી વગેરે જેવી પ્રસિદ્ધ વ્યક્તિઓની કબરોની મુલાકાતે લઈ જવામાં આવે. ભારતમાં આયુર્વેદ ટૂરિઝમ ખાસ્સું પોપ્યુલર બની રહ્યું છે. ખાસ કરીને દક્ષિણનાં રાજ્યોમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ માટેના રિસોર્ટ જેવાં ખૂબ બધાં સેન્ટરો ઊભાં થઈ ગયાં છે. વેકેશનમાં લોકો અહીં આઠ-દસ દિવસ રહે છે, વહેલી સવારે ઊઠીને યોગ-સાધનાની તાલીમ લે છે, પંચકર્મ ચિકિત્સા અને બૉડીમસાજ કરાવે છે, સાવ સાદું ડાયટ ફૂડ ખાય છે અને શરીરને ડી-ટોક્સિફાય એટલે કે દૂષિત તત્ત્વોથી મુક્ત કરી, તાજામાજા થઈ પોતપોતાના ઘરે પાછા જાય છે. સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ એટલે હરિદ્વાર-ઋષિકેશ કે અન્ય કોઈ સ્થળે આશ્રમમાં થોડા દિવસ રહેવાનું અને મેડિટેશન કે વિપશ્યના જેવી ક્રિયાઓ દ્વારા મન પર બાઝી ગયેલાં બાવાજાળાંને સાફ કરી મન શાંત કરવાનું. બેંગકોક્ - પટાયા - ફુકટના ભમરાળાં પ્રવાસોથી તૃપ્તિ થઈ ગઈ હોય તો આયુર્વેદિક અને સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ જેવાં પ્રવાસનનાં સાત્ત્વિક્ સ્વરૂપો અજમાવવાં જેવાં છે!
Elizabeth Gilbert
આ સિવાય પણ એક ટૂરિઝમ છે જેનો લાભ અત્યંત ઓછા નસીબવંતોને મળે છે. એ છે ક્રિએટિવ ટૂરિઝમ! આ કઈ ચીડિયાનું નામ છે ભલા? વિદેશમાં પ્રકાશકો એમના ચુનંદા લેખકોને ટૂર સ્પોન્સર કરે છેઃ જાઓ, ફરી આવો દુનિયા... જુઓ, ઓબ્ઝર્વ કરો, રિસર્ચ કરો અને પછી પાછાં આવીને હાઈક્લાસ બેસ્ટસેલર પુસ્તક લખી આપો! એલિઝાબેથ ગિલ્બર્ટ નામની અમેરિકન લેખિકા બહુ જ મુશ્કેલ ડિવોર્સ પછી લગભગ ભાંગી પડી હતી. એના પબ્લિશરે એને એક આખાં વર્ષ (યેસ, વન ફુલ યર!)ની વર્લ્ડ ટૂર સ્પોન્સર કરી આપી. એલિઝાબેથ ઈટાલી, ભારત અને બાલીમાં ચાર-ચાર મહિના રહી. વિચારોનું, લાગણીઓનું અને અનુભવોનું સમૃદ્ધ ભાથું લઈ એ પાછી અમેરિકા ફરી. પછી 'ઈટ, પ્રે, લવ' નામનું  અફલાતૂન આત્મકથનાત્મક પુસ્તક લખ્યું, જે સુપરડુપર હિટ થયું. લાગલગાટ ૧૮૭ વીક એટલે લગભગ પોણા વર્ષ સુધી તે 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામતું રહ્યું. પછી તો તેના પરથી જુલિયા-રોબટ્ર્સને લઈને બિગબજેટ ફિલ્મ પણ બની.
ગુજરાતી લેખકો માટે આવી સ્પોન્સર્ડ ક્રિએટિવ ટૂરનું સપનું જોવું પણ વર્જ્ય છે! પ્રકાશકો બહુ બહુ તો એને કહેશેઃ અમદાવાદમાં કોર્પોરેશનનો પુસ્તકમેળો થવાનો જ છે, આઈ જજોને સાહેબ! પછી પોતાનાં કાઉન્ટર પર એને ખડો કરી દેશે. આવી ધખધખતી ગરમીમાં ગરીબ ગુજરાતી લેખકને એરકંડિશન્ડ તંબૂની હવા ફ્રીમાં ખાવા મળે એ પણ કંઈ નાનીસૂની વાત થોડી છે!   0 0 0 

Saturday, May 11, 2013

મલ્ટિપ્લેક્સ : યે ઝોમ-કોમ ઝોમ-કોમ ક્યા હૈ?


Sandesh - Sunday Sanskaaar Purti - 12 May 2013

મલ્ટિપ્લેક્સ 

ઝોમ્બી એટલે કબર ફાડીને બહાર આવેલો અર્ધમૃત માણસ, જે અત્યંત ભયાનક અને ડરામણો છે, જેના ગંધાતા શરીરમાંથી માંસ બહાર લટકી રહ્યું છે અને જેના ચીતરી ચડે એવા ઘામાંથી લોહી ટપકી રહ્યું છે. યુરોપ-અમેરિકાના પોપ્યુલર કલ્ચરના મનોરંજક હિસ્સા એવા ઝોમ્બીએ હવે બોલિવૂડમાં દેખા દીધી છે


સૈફ અલી ખાનની 'ગો ગોવા ગોન'નું બોક્સઓફિસ પર જે થાય એ પણ આ ફિલ્મે બોલિવૂડની ડિક્શનરીમાં એક નવો શબ્દ જરૂર ઉમેરી દીધોઃ 'ઝોમ-કોમ'. ઝોમ-કોમ એટલે ઝોમ્બી વત્તા કોમેડી. રોમેન્ટિક કોમેડી માટે જે રીતે 'રોમ-કોમ' અને સિચ્યુએશનલ કોમેડી માટે 'સિટ-કોમ' શબ્દ વપરાય છે તેમ ઝોમ્બી કોમેડી માટે 'ઝોમેડી' શબ્દનો પ્રયોગ પણ થાય છે. ઝોમ્બીઓ વિશેની અંગ્રેજી ફિલ્મો તો આપણે વર્ષોથી જોઈએ છીએ પણ હિન્દી સિનેમા માટે આ નવો પ્રકાર છે.
આપણે ત્યાં જેમ ભૂતપ્રેત અને ચુડેલ છે તેમ યુરોપિયન-અમેરિક્ન લોકસંસ્કૃતિમાં ભૂત-પ્રેત-ચુડેલ ઉપરાંત ઝોમ્બી પણ છે. ઝોમ્બી એટલે અર્ધમૃત માણસ, જે કબર ફાડીને બહાર આવ્યો છે, જે અત્યંત ભયાનક અને ડરામણો છે, જેના તૂટી ગયેલા ગંધાતા શરીરમાંથી માંસ બહાર લટકી રહ્યું છે અને જેના ચીતરી ચડે એવા ઘામાંથી લોહી ટપકી રહ્યું છે. ઝોમ્બી સ્ત્રી પણ હોઈ શકે છે. ઝોમ્બી માનવભક્ષી છે. જાણે હિપ્નોટાઇઝ થઈ ગયો હોય એમ એ સાજાસારા માણસ તરફ ધીમે ધીમે ડચકાં ખાતો ચાલે છે અને એના પર હુમલો કરીને સૌથી પહેલાં એનું મગજ આરોગી જાય છે અથવા એને દૂષિત કરી નાખે છે. આ રીતે દૂષિત થઈ ગયેલો માણસ સ્વયં ઝોમ્બી બની જાય છે.વેમ્પાયર અલગ ચીજ છે. એ સામાન્ય સ્થિતિમાં નોર્મલ માણસ જેવો માણસ દેખાતો હોય પણ'વેમ્પાયર મોડ'માં આવે ત્યારે એની આંખોમાં રતાશ ધસી આવે, આગલા બે દાંત લાંબા થઈ જાય અને શિકારના - જે ઘણું કરીને મોહિત થઈ ચૂકેલી ખૂબસૂરત સ્ત્રી હોય - એની લિસ્સી ગરદન પર લોહી ખૂંચાડી ખૂન ચૂસી લે છે.
ઝોમ્બી વિશેની સર્વપ્રથમ ફિલ્મ સંભવતઃ ૧૯૩૨માં અમેરિકામાં બની. એનું નામ હતું 'વ્હાઈટ ઝોમ્બી'પછી હોલિવૂડ અને અન્યત્ર ઝોમ્બીઓને કેન્દ્રમાં રાખીને ઢગલાબંધ ફિલ્મો બનતી ગઈ. દેખીતું છે કે આ ફિલ્મોનો પ્રકાર હોરર હોવાનો. આપણામાંથી ઘણાએ નાનપણમાં 'એવિલ ડેડ' સિરીઝની ડરામણી ફિલ્મો જોઈ છે. ધીમે ધીમે હોરરમાં બીજા રંગો ઉમેરાવા લાગ્યા. ઝોમ્બીઓને લઈને કોમેડી ફિલ્મ બનાવવાની શરૂઆત ૧૯૪૧માં 'કિંગ ઓફ ઝોમ્બીઝ'થી થઈ. સામ રાઈમીએ બનાવેલી 'એવિલ ડેડ-ટુ' હોરર હોવા છતાં એમાં થોડી કોમેડી પણ હતી. માઈકલ જેકસનનું લગભગ ઐતિહાસિક બની ગયેલું 'થ્રિલર' સોંગ યાદ કરો. એના વીડિયોમાં ઝોમ્બીઓ કોફિન ફાડીને બહાર આવે છે અને ધમાકેદાર મ્યુઝિકના તાલે માઈકલ જેકસન સાથે ડાન્સ કરવા લાગે છે. ઝોમ્બીઓને પોપ્યુલર બનાવવામાં માઈકલ જેકસનનો મોટો ફાળો છે. ઝોમ્બીનો આઇડિયા એટલો બધો એન્ટરટેઇનિંગ છે કે એના પર કેટલાંય પુસ્તકો લખાયાં છે, વીડિયો અને કમ્પ્યુટર ગેઇમ્સ બની છે. બચ્ચાંઓને ઝોમ્બીને લગતી ગેઇમ્સ રમવાની ખૂબ મજા આવે છે.

ઝોમ્બી-કોમેડીમાં ઠીક ઠીક વાર્તા-વૈવિધ્ય જોવા મળ્યું છે. જેમ કે, 'શૌન ઓફ ધ ડેડ' નામની બ્રિટિશ ફિલ્મ રોમેન્ટિક ઝોમ્બી કોમેડી છે. શૌન નામના યુવાન સાથે એની ગર્લફ્રેન્ડ છેડો ફાડી નાખે છે. એક વાર દોસ્તાર સાથે ખૂબ ઢીંચીને શૌન ઊંઘમાંથી જાગીને જુએ છે કે આસપાસ ઝોમ્બીઓ મંડરાઈ રહ્યા છે. એને ખબર નથી એ પોતે પણ એક ઝોમ્બી બની ગયો છે! 'ઝોમ્બીલેન્ડ' નું ફોર્મેટ એક રોડ-મૂવીનું છે. 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' જેવી સુપરહિટ સિરીઝ બનાવનાર પીટર જેકસને અગાઉ 'ડેડ-અલાઈવ' નામની ઝોમ-કોમ બનાવી હતી, જે સૌથી વિકૃત અને લોહિયાળ ઝોમ્બી ફિલ્મોમાંની એક ગણાય છે. તમને યાદ હોય તો 'પોલ્ટરજીસ્ટ' નામની હોરર ફિલ્મ એક સમયે ખૂબ ગાજી હતી. એના ટાઈટલ પરથી ટીખળ કરીને 'પોલ્ટ્રીજીસ્ટ'નામની રમૂજી ઝોમ્બી ફિલ્મ બની છે. એમાં માણસ નહીં પણ મરઘાં ઝોમ્બી છે! એક પોલ્ટ્રીફાર્મનો નાશ કરીને તેની જગ્યા પર રેસ્ટોરાં ઊભી કરી દેવામાં આવે છે. જમીન નીચે દટાઈ ગયેલાં મરઘાં પછી ઝોમ્બી બનીને ત્રાટકે છે અને વિલનો સાથે ચુક ચુક કે બદલા લે છે! 'ફિડો' નામની ઝોમ-કોમમાં સાયન્સ ફિક્શનનાં તત્ત્વો ઉમેરવામાં આવ્યાં હતાં. 'નાઈટ ઓફ ક્રિપ્સ'માં પણ ઝોમ્બીના કોન્સેપ્ટમાં સાયન્સ ફિક્શનનો વઘાર કરવામાં આવ્યો હતો. 'ડેડ નાઉ' નામની ઝોમ-કોમમાં નાઝી ઝોમ્બીઓની વાત છે!
સામાન્યપણે ઝોમ્બીવાળી હોરર ફિલ્મોને ખાસ ગંભીરતાથી લેવામાં આવતી નથી. એ આપોઆપ 'બી' કે 'સી' ગ્રેડની ફિલ્મ ગણાઈ જાય છે. આપણે ત્યાં જેમ રામસે બ્રધર્સની ભૂતિયા ફિલ્મોને સિરિયસલી લેવામાં આવતી નહોતી એમ પણ 'સ્લમડોગ મિલિયોનર'જેવી મલ્ટિપલ ઓસ્કર વિનર ફિલ્મ બનાવનાર ડેની બોયલે '૨૮ ડેઝ લેટર' નામની ફાંકડી ઝોમ્બી ફિલ્મ બનાવી હતી. વિલ સ્મિથને ચમકાવતી 'આઈ એમ લેજન્ડ'માં ઝોમ્બીનો કોન્સેપ્ટ જરા જુદી રીતે એક્સપ્લોર થયો છે. ઝોમ્બી આમ તો ડોલતાં ડોલતાં ચાલતા હોય પણ 'આઈ એમ લેજન્ડ'માં એ તીરવેગે દોટ મૂકે છે. 'રેસિડેન્ટ એવિલ' સિરીઝની ઝોમ્બી ફિલ્મો વધારે અસરકારક લાગે છે તેનું કારણ એ છે કે તેને એકવીસમી સદીની ટેક્નોલોજીનો લાભ મળ્યો છે. સામાન્યપણે ઝોમ્બી એટલે કશું વિચારી-સમજી ન શકતાં જીવતાં મડદાં જેને લોહી-માંસ ખાવા સિવાય બીજી કોઈ વાતની ગમાગમ પડતી ન હોય પણ અમુક ફિલ્મોમાં ઝોમ્બીઓને લુચ્ચા અને વિલનોની જેમ રીતસર ષડ્યંત્રો ઘડતા પણ બતાવવામાં આવ્યા છે!

ઝોમ્બી મૂવીઝમાં અસરકારક મેકઅપનો સિંહફાળો હોવાનો, કારણ કે આ પ્રકારની ફિલ્મોની અપીલ જ ઝોમ્બીઓના વિકરાળ અને કુત્સિત દેખાવ પર રહેલી છે. 'ગો ગોવા ગોન' લો-બજેટ હોવા છતાં પ્રોડયુસર સૈફ અલી ખાને મેકઅપ આર્ટિસ્ટ્સ ખાસ વિદેશથી તેડાવ્યા હતા. વેલ, આ ફિલ્મ જેવી બની હોય તેવી, પણ એનાં માથાં પર બોલિવૂડની સર્વપ્રથમ ઝોમ્બી ફિલ્મ હોવાનું છોગું તો લાગી જ ગયું. ભવિષ્યમાં ઝોમ્બીઓને લઈને કોમેડી અને હોરર બન્ને પ્રકારની ઘણી હિન્દી ફિલ્મો બનશે એ તો નક્કી.
શો-સ્ટોપર 
આજે શો-સ્ટોપરમાં કેટલાક ઝોમ્બી જોક્સઃ
૧. ઝોમ્બી ઘરની બહાર નીકળતો હોય ત્યારે એની પત્ની શું કહેશે?
'અજી સુનતે હો... તમે તમારી બોડી પર માથું ફિટ કરવાનું તો ભૂલી જ ગયા.'
૨. ઝોમ્બીઓનો ફેવરિટ સ્વિમિંગ પૂલ કયો? 
ડેડ-સી.
૩. ઝોમ્બી ફેસબુક પર નવા ફ્રેન્ડ્સ કેમ બનાવતા નથી?
કેમ કે ફ્રેન્ડ્સ લિસ્ટમાંના કેટલાક જૂના ફ્રેન્ડ્સ હજુ ખાવાના બાકી છે! 0 0 0 

Friday, May 10, 2013

Cine Sandesh: રાનીનો રુતબો, જ્હોનની જમાવટ


Sandesh - Cine Sandesh Supplement - 10 May 2013

બોલિવૂડ એક્સપ્રેસ 

ઘણાં લોકોને લગ્નો ફળતાં હોય છે, ઘણાંને બ્રેકઅપ. બિપાશા બાસુથી છૂટા પડયા પછી જ્હોનનો સિતારો ચડતી કળાએ છે!

બો-બો ઇઝ બેક! બો-બો એટલે - યુ આર રાઇટ - બોલિવૂડ બોય! બો-બો આવે એટલે તમારે સુપરહોટ ફિલ્મસ્ટાર્સના ખટમીઠા આમરસ જેવી સ્વાદિષ્ટ વાતો સાંભળવા માટે રેડી થઈ જવાનું હોય રાઇટ?
સુપરહોટ ફિલ્મસ્ટાર્સનાં લિસ્ટમાં આમ તો કેટરીનાઓ, પ્રિયંકા ચોપરાઓ અને રણબીર કપૂરોનાં નામ આવે, પણ 'બોમ્બે ટોકીઝ'જોતી વખતે અમને તો ચોક્કસ લાગ્યું કે રાની મુખર્જી જેવી 'જૂની'હિરોઇન પણ કંઈ સાવ ચોકડી મૂકી દેવા જેવી નથી. લાલચટ્ટાક સાડી અને એવી જ મેચિંગ લિપસ્ટિકમાં રાની કેટલી મસ્ત લાગે છે નહીં! સુના હૈ કિ આજકાલ રાની અને ગુજરાતણ વૈભવી મર્ચન્ટ ભેગાં મળીને ભવ્ય પ્લાન કરી રહ્યાં છે. વૈભવી મર્ચન્ટ એટલે બોલિવૂડની સફળ કોરિયોગ્રાફર, જેણે 'ક્રિશ', 'ધૂમ-ટુ', 'એક થા ટાઇગર' જેવી કેટલીય હિટ ફિલ્મોમાં સુપરહિટ ડાન્સ બેસાડયા છે. રાની અને વૈભવી પાક્કી બહેનપણીઓ છે. વૈભવી હવે જાડુડી પાડુડી ફરાહ ખાનની જેમ કોરિયોગ્રાફરમાંથી ફિલ્મ ડિરેક્ટર બનવા માગે છે. રાની તો લડી લેવાના મૂડમાં છે જ. એક ધમાકેદાર ફિલ્મમાં લીડ હિરોઇન તરીકે ત્રાટકીને એ ગર્જના કરવા માગે છે કે હલો હલો... આઈ એમ વેરી મચ હિઅર, ખબરદાર મને ફરજિયાત રિટાયર કરી નાખી છે તો! રાનીએ બાપડીએ 'ઐયા'માં પોતાની ચરબીદાર કાયા ધ્રુજાવી ધ્રુજાવીને બહુ થમ્પિંગમ પમ્પિંગમ કરી જોયું હતું,પણ ફિલ્મનું સુરસુરિયું થઈ ગયું હતું, એની વે.
પ્લાન એવો છે કે રાની યશરાજ બેનરમાં વૈભવી મર્ચન્ટને ડિરેક્ટર તરીકે ચાન્સ આપવાની જોરદાર સિફારિશ કરે... અને વૈભવી જે ફિલ્મ બનાવે એમાં રાની મુખ્ય ભૂમિકામાં ચમકીને અભિનયનાં એવાં જોરદાર અજવાળાં પાથરે કે ચારે બાજુ પાછં રાની... રાની થઈ જાય. યશરાજના બિગ બોસ આદિત્ય ચોપડા અને રાની મુખર્જી ક્યારનાં પૈણું પૈણું કરે છે તે હવે ઓપન સિક્રેટ છે. જાણભેદુઓ તો ત્યાં સુધી કહે છે કે બન્ને ક્યારનાં ગુપચુપ પરણી ચૂક્યાં છે. યશરાજના ટીખળી સ્ટાફવાળા રાનીને ખાનગીમાં'ભાભી' કહીને બોલાવે છે. પણ આદિત્ય ચોપડા કંઈ માત્ર રાની કહે એટલે આંખ બંધ કરીને પ્રોજેક્ટ પાસ ન કરી દે. એ તેલ જોશે, તેલની ધાર જોશે પછી નિર્ણય કરશે. જોઈએ, રાની - વૈભવીની પ્રપોઝલને ગ્રીન સિગ્નલ મળે છે કે નહીં.
                                              0 0 0 

દિત્ય ચોપડા કાબો બિઝનેસમેન છે એ તો જાણે બરાબર છે, પણ જ્હોન અબ્રાહમ જેવો જ્હોન અબ્રાહમ ખુદને બોલિવૂડમાં સ્માર્ટ પ્રોડયુસર તરીકે એસ્ટાબ્લિશ કરવામાં કામિયાબ બન્યો છે એ કંઈ જેવીતેવી વાત નથી. પોતે પ્રોડયુસ કરેલી 'વિકી ડોનર' આટલી બધી વીર્યવાન સાબિત થશે એની જ્હોને ખુદ કલ્પના નહોતી કરી. આ ઓફબીટ ફિલ્મ બોક્સઓફિસ પર પણ ચાલી અને નેશનલ એવોર્ડ સુધ્ધાં જીતી લાવી. એમાંય ગયા શુક્રવારે રિલીઝ થયેલી 'શૂટઆઉટ એટ વડાલા'માં જ્હોનના પરફોર્મન્સનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે એટલે એની ઓલરેડી ફૂલેલી છાતી ઔર પહોળી થઈ ગઈ છે. 'શૂટઆઉટ...'નાં વખાણના ગોળીબારમાં 'આઈ, મી ઔર મૈં' જેવી જોનની આગલી નિષ્ફળતા ભુલાઈ ગઈ છે. ગુડ ફોર હિમ.
"અરે, 'વિકી ડોનર' અને 'શૂટઆઉટ...' આ તો કંઈ નથી!" અર્ધ ખ્રિસ્તી - અર્ધ ગુજરાતી જ્હોન થનગન થનગન થતો કહે છે, "એક વાર મારી નેક્સ્ટ ફિલ્મ 'મદ્રાસ કાફે' આવવા દો. ધમાલ મચી જશે! ભારતમાં જ નહીં, વિદેશમાં પણ. વિદેશ એટલે હું ફક્ત એનઆરઆઈ ઓડિયન્સની વાત નથી કરતો, બલકે અસલી અમેરિકન-યુરોપિયન માર્કેટની વાત કરું છું. તમે લખી રાખો!"
તમારે લખવાની જરૂર નથી. બો-બોએ ઓલરેડી અહીં લખી નાખ્યું છે. 'મદ્રાસ કાફે' સારી બની શકે એવું માનવાનું મહત્ત્વનું કારણ એ છે કે 'વિકી ડોનર'વાળા ટેલેન્ટેડ ડિરેક્ટર સુજિત સરકાર તે બનાવવાના છે. આમેય છેલ્લા કેટલાક સમયથી, સાચું પૂછો તો બિપાશા બાસુથી અલગ થયા પછી જ્હોનનો સિતારો ચડતી કળાએ છે. ઘણાં લોકોને લગ્નો ફળતાં હોય છે, ઘણાંને બ્રેકઅપ, કેવં કહેવાય નહીં!
                                              0 0 0

'મદ્રાસ કાફે' માટે ચિંતા થવાનું એક કારણ છે. એ છે એની હિરોઇન નરગિસ ફખરી, જેનો ચહેરો ડો. મનમોહનસિંહ જેવો કોઈ પણ જાતના એક્સપ્રેશન વગરનો છે અને જેના હોઠ ઊંટ જેવા ઓવર-સાઇઝ્ડ છે. 'રોકસ્ટાર'માં એનું બેકાર પરફોર્મન્સ જોઈને આપણે કપાળ કૂટયું હતું.
જોકે, સુજિત સરકારને નરગિસ પર જબરો કોન્ફિડન્સ છે. તે કહે છે, "તમે એક વાર 'મદ્રાસ કાફે' આવવા તો દો. નરગિસને મેં એમાં સાવ નવા જ અવતારમાં પેશ કરી છે. તમને કદાચ ખબર નહીં હોય પણ તેને સૌથી પહેલાં મેં ડિરેક્ટ કરી હતી એક એડફિલ્મમાં. તે વખતથી હું એને કહેતો આવ્યો છું કે ફખરી, એક દિવસ હું તને મારી ફિલ્મની હિરોઇન જરૂર બનાવીશ!"
બો-બોએ હમણાં કોઈક જગ્યાએ નરગિસ ફખરીનું મહાન ક્વોટ વાંચ્યું, "પ્રેમ એક બંધાણ છે... સેક્સ જેવું!" કાશ, ભવિષ્યમાં ક્યારેક નરગિસને સારી એક્ટિંગનું પણ બંધાણ થાય. ટચવૂડ!
                                                                                                 0 0 0 0

Wednesday, May 8, 2013

મડિયા શા માટે ઉમાશંકરથી નારાજ થયા?


 ચિત્રલેખા - અંક તા. ૬ મે ૨૦૧૩ 
                         
કોલમ: વાંચવા જેવું 





                                                                                   
Umashankar Joshi
માશંકર જોશીને એક વાર એક વિદ્યાર્થીનો કાગળ મળે છે. છોકરો આમ તો કોમર્સનો વિદ્યાર્થી છે, પણ સાહિત્યનો પ્રેમી છે. એનામાં મુગ્ધતા પણ છે, ઉત્સુકતા છે અને પાછો રોષ પણ છે. લખે છે:

‘તમારા ‘શ્રાવણી મેળો’ વાર્તાસંગ્રહનો આનંદ માણ્યો, પણ એ વાર્તાઓના આસ્વાદથી લોભાઈને બીજો સંગ્રહ વાંચવા લીધો ત્યારે ખૂબ નિરાશા સાંપડી. એટલી બધી કે સેક્ધડ હેન્ડ પુસ્તકોની દુકાનમાં ઝટઝટ એ વેચીને દોઢ રુપિયામાંથી અગિયાર આના પાછા મેળવી લીધા! હું વાર્તા લખવામાં રસ ધરાવું છું. સમય આપશો?’

આ આક્રમક છતાંય પ્રેમભૂખ્યો વિદ્યાર્થી એટલે ચૂનીલાલ મડિયા! આગળ જતા
Chunilal Madia
આ ‘છોકરો’ સાહિત્યનો કેટલો મોટો બંદો બન્યો તે આપણે જાણીએ છીએ. મડિયાનો આ મસ્તમજાનો પ્રસંગ - અને આવી તો કેટલીય વાતો - ખુદ ઉમાશંકર જોશીએ ‘મડિયારાજા’ નામના અફલાતૂન લેખમાં લખ્યો છે. આજના પુસ્તકમાં આવા કેટલાય સુંદર વ્યક્તિચિત્રો વીણી વીણીને એકત્રિત કરવામાં આવ્યા છે.

માણસને - પછી એ ગમે તે હોય, ગમે તેવો હોય - શબ્દોમાં પકડી શકાય? હા. આ પુસ્તકમાંથી પસાર થતા દઢપણે અનુભૂતિ થશે કે લખનારો જો શબ્દસ્વામી હોય તો ગણતરીના વાક્ય-લસરકાથી માણસનું જીવતું-ઘબકતું ચિત્ર ઊપસાવી શકે છે. અલબત્ત, આમ કરતી વખતે સંતુલન અને સમગ્રતા જાળવી રાખવાનું કામ સહેલું હોતું નથી. આ પ્રકારના લખાણની મજા એ છે કે જેના વિશે લખાયું છે તે વ્યક્તિ ઉપરાંત લેખકની ખુદની પર્સનાલિટીના અમુક રંગો સીધી કે આડકતરી રીતે વાચક સામે આવતા રહે છે. જેમ કે, કવિ દયારામ વિશેના નર્મદના લેખમાં આ બન્ને મહાનુભાવોના વ્યક્તિત્ત્વની ઝલક ભાવકને મળે છે. નર્મદ લખે છે:


Naarmad
‘કવિનો સ્વભાવ... મળતાવડો પણ પ્રસંગોપાત ઘણો જ ચીડિયો હતો - એટલો કે વખતેે જે પડ્યું હોય તે લઈને મારવાને ચૂકતો નહી. આકળો ઘણો હતો. કોઈ એને વિશે ખોટું બોલતું  તરત એ ચીડાઈ જતો ને સારું બોલતું તો ખુશ થતો... હું દયારામના ધર્મસંબંધી વિચારને બિલકુલ પસંદ નથી કરતો, હું એના ક્રોધી તથા અભિમાની સ્વભાવની દયા ખાઉં છઉં તોપણ એની દરદી કવિતાને અને એની તમામ કવિતાની ભાષાને વખાણું છઉં.’

સ્વામી આનંદ મુંબઈના એક તબેલાવાળાનું અદભુત શબ્દચિત્ર તૈયાર કર્યું છે. નામ એનું દાદો ગવળી. માવડિયું એટલે કે ગાયોની માવજત એ જ એનું જીવન. ઘરાકના વાસણમાં દૂધ ઠાલવતા ઠાલવતા એ બોલતા જાય:
                                                                                             
Swami Anand
‘કઈ માવડીનું દૂધ આવ્યું? આ તો મારી રઢિયાળીનું, આ તો મારી લાખેણીનું, આ આવ્યું મારી ભાગવંતીનું, આ સતવંતીનું, ચંદરણીનું, રુપેણીનું!... ખાઓ મારા બાપલા! ખાવ મારી માવડિયુંનું દૂધ, ને થાવ તાજા. મારી ભાગવંતિયુંનાં દૂધ એટલે શું સમઝો છ? બસ ઘર ને બહાર બધે તમારી બરકત જ બરકત.’ વચ્ચે વચ્ચે પાછા સૂચનાય આપતા જાય:

‘અલા જો છ કે? ઓલી સતવંતિયે પોદળો કર્યો. કાઢ ઝટ. ઈ તો માવડિયું કે’વાય, એકોએક.... કાઢ, કાઢ ઝટ પોદળો. તબેલા ને ગમાણ્યું બધાં કેવાં આભલા જેવા રેવા જોવે, રાત ને દી. હા, ઈમાં ફેર નો પડવો જોવે.’

વ્યક્તિચિત્ર દોરવાનું હોય એટલે જે-તે માણસની નકરી સારી સારી વાતો જ મધમીઠી જબાનમાં લખવી એવું કોણે કહ્યું. ૧૯૭૭માં વિનોદ ભટ્ટે એમની લાક્ષાણિક શૈલીમાં લાભશંકર ઠાકર વિશે લખ્યું હતું:

Labhshankar Thakar
‘આ લા.ઠા.ને હું લગભગ વીસ વર્ષથી જાણું છું. ઓળખું છું એવું નહીં કહી શકું. એવું તો કોઈપણ નહીં કહી શકે. ખુદ લા.ઠા. પણ નહીં. બહુ જ સૌમ્ય, રુજુહૃદયી, સ્નેહાળ, નમ્ર ને વિવેકી લા.ઠા.ને મેં જોયેલા. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે ઉદ્દંડ હોવું જોઈએ ત્યારે એ ઉંમરે તે શાંત ધીરગંભીર હતા. હવે ઠાવકા થવાની ઉંમરે પહોંચ્યા છે ત્યારે તોફાને ચડી જાય છે- ક્યારેક... આ   માણસ ક્યારે શું કરશે તે કહેવાય નહીં.  અનપ્રિડિક્ટેબલ. એક વાક્ય પૂરું કરે પછી બીજું વાક્ય ફલાણું જ આવશે એવું તમે છાતી ઠોકીને કહી ન શકો. ધરાર ખોટા પડો.’

વિનોદ ભટ્ટે દોેરેલા ખૂબ બધા સાહિત્યકારોના રમતિયાળ (અને જોખમી!) રેખાચિત્રો ખૂબ લોકપ્રિય બન્યા છે. આ પુસ્તકમાં માત્ર વ્યક્તિગત નહીં, પણ સંબંધગત ચિત્રો પણ છે. જેમ કે ઈશ્વર પેટલીકરે સાસુમા-ઈન-જનરલ વિશે લખ્યું છે. કહે છે, ‘માથી પરણાતું નથી એટલે છોકરાને પરણાવે છે. પણ એથી મૂરખો છોકરો વહુ પોતાની
Vinod Bhatt
સમજી બેસે છે - ને મૂરખી વહુ પણ પોતાના મૂળ ધણીને ઓળખ્યા વિના દેખાવ પૂરતા મંગળફેરા ફરનારને સાચમાચ પતિ માની લે છે ને ભવાટવીમાં ભૂલાં પડે છે. તેમાંય ‘પોતાનો છોકરો તો ડાહ્યોડમરો હતો પણ રાંડ વહુએ જ એને ભૂલો પાડ્યો’ એવી પાક્કી માન્યતાથી સાસુનો બધો રોષ વહુ ઉપર જ ઊતરે છે.’

સંપાદિકા ડો. પન્ના ત્રિવેદી પ્રસ્તાવનામાં યોગ્ય જ લખે છે કે આપણે ત્યાં કથાસાહિત્ય જેટલી ચર્ચા વ્યક્તિચિત્રો વિશે થઈ નથી. આ સાહિત્યપ્રકાર પ્રમાણમાં ઓછો ખેડાયેલો છે. આ પુસ્તકમાં બાવીસ લેખકોએ આલેખાયેલા કુલ ૩૬ રેખાચિત્રો સંગ્રહાયા છે. અહીં એક બાજુ મહારાજ સયાજીરાવ (લેખક ન્હાનાલાલ) અને મેઘાણી (ઉમાશંકર) છે તો સામી બાજુ, ચકલો ભગત (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ), કાલુ ગોળવાળો (પ્રફુલ્લ રાવલ) અને જીવો વણકર (મણિલાલ હ. પટેલ) પણ છે. આ બધાની વચ્ચે ‘શહેરની શેરી’ (જયંતિ દલાલ) સુંદર હોવા છતાંય મિસફિટ લાગે છે. જુદા જુદા કાળખંડમાંથી પસાર થતી ગુજરાતી ભાષાની કંઈકેટલીય આકર્ષક છટા આ પુસ્તકમાં ઝિલાઈ છે. પુસ્તકનું વાંચન ખૂબ સંતોષકારક અને આનંદપ્રદ પૂરવાર થાય છે તેનું સૌથી મોટું કારણ આ જ.

સાહિત્યના અઠંગ રસિયાઓ ઉપરાંત જેમને સામન્યપણે કેવળ નવલિકા અને નવલકથામાં જ રસ પડતો હોય છે તેવા વાચકોને પણ ચોક્કસપણે વાચવો ગમે તેવો સંગ્રહ.      


ગુજરાતી રેખાચિત્રો

સંપાદન: ડો. પન્ના ત્રિવેદી

પ્રકાશક: રન્નાદે પ્રકાશન, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૧ ૦૦૮૧, ૨૨૧૩ ૦૦૬૪
કિંમત:   ૩૩૫ /
પૃષ્ઠ: ૨૫૦

૦ ૦ ૦ 

Tuesday, May 7, 2013

હોલીવૂડ હંડ્રેડ: ૮ ૧/૨ : ઉફ્ફ... અબ મૈં ક્યા કરું?


 મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ  -  તા. ૮ મે ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 ક્રિયેટિવ માણસનું દિમાગ આઈડિયાઝ પેદા કરવાનું એકાએક બંધ કરી દે તો? પોતે જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે તેમાં કેવી રીતે આગળ વધવું તે કેમેય કરીને ન સૂઝે તો? ફેડરિકો ફેલિનીએ આ માસ્ટપીસમાં ‘ડિરેક્ટર્સ બ્લોક’થી પરેશાન થઈ ગયેલા એક ફિલ્મમેકરની વાત કરી છે.



ફિલ્મ નંબર ૨૧.  ૮ ૧/૨ (એઈટ એન્ડ  હાફ)

હાન ફિલ્મમેકર ફેડરિકો ફેલિની આજે પહેલી વાર ‘હોલીવૂડ હંડ્રેડ’ શૃંખલામાં એન્ટ્રી કરી રહ્યા છે.  આ સુપર ટેલેન્ટેડ  ઈટાલિયન ફિલ્મમેકર (જન્મ: ૧૯૩૦, મૃત્યુ: ૧૯૯૩)થી માત્ર દર્શકો અને સમીક્ષકો જ નહીં, બલકે ઈન્ગમાર બર્ગમેન, સ્ટેન્લી કુબ્રિક, માર્ટિન સ્કોર્સેઝી, વૂડી એલન, ત્રુફોં, બનાર્ડો બર્ટોલુસી જેવા દિગ્ગજ ડિરેક્ટરો સુધ્ધાં પ્રભાવિત થયા છે. વાસ્તવ અને કલ્પનાનું ગજબનું કોકટેલ હોય છે ફેલિનીની ફિલ્મોમાં. બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં પાંચ-પાંચ વખત ઓસ્કર અવોર્ડ જીતીને તેમણે ઈતિહાસ સર્જ્યો છે. આજે આપણે જેની વાત કરવાના છીએ તે  ‘૮ ૧/૨’ યા તો ‘એઈટ એન્ડ અ હાફ’ ફેલિનીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ઘણે અંશે આ એક આત્મકથનાત્મક ફિલ્મ છે. યાદ રહે, પહેલી વાર આ ફિલ્મ જોતી વખતે તમને ‘આહા! જલસો પડી રહ્યો છે...’ એવી લાગણી ન પણ જાગે. ઊલટાનું, શક્ય છે કે તમે ગૂંચવાઈ જાઓ, ફિલ્મ અઘરી લાગે, ‘કવિ’ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે તે સમજાય નહીં. ફેલિનીની ફિલ્મો આમેય ધીરજપૂર્વક જોવી પડે, એક કરતાં વધારે વખત જોવી પડે, એ માટેનો ટેસ્ટ કેળવવો પડે. પણ એક વાર ફેલિનીની શૈલી સાથે ટ્યુનિંગ થઈ જશે પછી એક જુદી જ અનુભૂતિ થયા વગર રહેશે નહીં. તો પેશ છે...

 ફિલ્મમાં શું છે? 

ગુઈડો અન્સેલ્મી (માર્સેલો મેસ્ટ્રોઈઆની) ૪૩ વર્ષનો સેલિબ્રિટી ફિલ્મમેકર છે. સિનેમાજગતમાં ગુઈડોનું બહુ મોટું નામ છે. એની છેલ્લી ફિલ્મ સુપરડુપર હિટ થઈ છે, પણ પ્રચંડ સફળતા પછીય એના જીવને નિરાંત નથી. એની સાથે કામ કરી ચુકેલા આર્ટિસ્ટો સતત પૃચ્છા કરી રહ્યા છે કે સર, વોટ નેકસ્ટ? કાસ્ટિંગ કરતા હો ત્યારે આપણને ભુલતા નહીં, હં. ઈવન ઓડિયન્સ અને વિવેચકો પણ ગુઈડોની હવે પછીની ફિલ્મની અધ્ધર જીવે રાહ જોઈને બેઠા છે. ગુઈડોએ એક સાયન્સ ફિક્શન પર કામ કરવાનું શરુ પણ કરી દીધું છે, પણ કોણ જાણે કેમ અચાનક એનું દિમાગ જાણે કે કામ કરતું બંધ થઈ ગયું છે. એની ક્રિયેટિવિટીને અણધાર્યાં તાળાં લાગી ગયાં છે. નવા આઈડિયાઝ સૂઝતા જ નથી. લેખકો જેમ ક્યારેક ‘રાઈટર્સ બ્લોક’ અનુભવતા હોય છે તેમ ગુઈડો ‘ડિરેક્ટર્સ બ્લોક’ અનુભવી રહ્યો છે.

ફિલ્મની શરુઆતમાં જ એક પ્રતીકાત્મક સિકવન્સ છે. કોઈ ટનલમાં સખ્ખત ટ્રાફિક જામ થઈ ગયો છે. ગુઈડો પોતાની કારમાં ગુંગળાઈ રહ્યો છે. એ શ્વાસ લઈ શકતો નથી. ઘાંઘો થઈને એ કાચ પર હાથ ઠોકતો બહાર નીકળવાનો મરણિયો પ્રયત્ન કરી રહ્યો છે. આજુબાજુનાં વાહનોમાં બેઠેલા લોકો નિર્લેપ નજરે એને ચુપચાપ જોઈ રહ્યા છે. પછી એકાએક ગુઈડો આકાશમાં ઉડવા માંડે છે. એના પગે દોરડું બાંધેલું છે જેનો બીજો છેડો નીચે જમીન પર ઊભેલા એના આસિસ્ટન્ટના હાથમાં છે. પતંગની દોર ખેંચતો હોય તેમ એ ગુઈડોને આકાશમાંથી જમીન પર ખેંચી લાવે છે. એક કલાકાર તરીકેની ગુઈડોની રુંધામણ આ સિકવન્સમાં આબાદ ઉપસી છે.



ગુઈડો અટકી પડ્યો છે એનું કારણ કદાચ એ છે કે તે સ્ક્રીન પર જૂઠ્ઠું બોલવા માગતો નથી. એની પર્સનલ લાઈફ પણ ગૂંચવાયેલી છે. આ બધી સમસ્યાઓથી છૂટવા તે થોડા દિવસો માટે શહેરથી દૂર એક રિસોર્ટ જેવી હોટલમાં ચેક-ઈન કરે છે. અહીં એને ભૂતકાળની - ખાસ તો બચપણની - યાદો ઘેરી વળે છે. એના ચિત્તમાં કંઈ કેટલીય ફેન્ટસીઓ આકાર લેવા માંડે છે. આ ફેન્ટસીમાં વાસ્તવિકતાની સેળભેળ થતી રહે છે. હોટલમાં એનો પ્રોડ્યુસર, રાઈટર, પત્ની, રખાત અને અભિનેત્રીઓ વગેરે આવી ગયાં છે, જે સતત ગુઈડોની આસપાસ ઘુમરાતાં રહે છે. પત્ની લુઈસા (એનોક એઈમી) સાથેનું લગ્નજીવન બંધિયાર થઈ ચૂક્યું છે. બન્ને વચ્ચે મિસકમ્યુનિકેશનના અને ગેરસમજણના ભયંકર પ્રોબ્લેમ્સ છે. રખાત કાર્લા (સેન્ડ્રા મિલો) ખરેખર તો ખીજ ચડે એવી વિચિત્ર બાઈ છે, પણ ગુઈડોનું પુરુષાતનને ભડકાવી મૂકવાની એનામાં આવડત છે. ગુઈડોને આશાનું કિરણ એકમાત્ર ક્લોડિયા (ક્લોડિયા કાર્ડિનેલ) નામની અભિનેત્રીમાં દેખાય છે.

સપનાં અને સચ્ચાઈની ઘમાચકડી ચાલતી રહે છે. ફિલ્મની એક ફેન્ટસી સિકવન્સમાં ગુઈડોના જીવનમાં આવેલી તમામ સ્ત્રીઓ એકસાથે દેખાય છે. જાણે જનાનખાનું જોઈ લો. કોઈ સ્ત્રી એને કરગરી રહી છે, કોઈ ગુસ્સો ઓકી રહી છે, કોઈ ગુઈડોનો બચાવ કરી રહી છે. ગુઈડો પછી ચાબૂક લઈને આ નારીવૃંદને ધીબેડવા લાગે છે. આ બધાં પ્રતીકાત્મક દશ્યો છે. ફેલિનીની ફિલ્મોમાં પડદા પર દેખાતી ઈમેજીસ હંમેશા ખૂબ પાવરફુલ હોય છે. ગુઈડો ખરેખર શું ઈચ્છે છે? આનો જવાબ છેલ્લેે આવે છે. એ કહે છે કે કોઈ હર્ટ ન થાય તે રીતે સત્ય કહેવાની તાકાત મને જોઈએ છે. ફિલ્મના અંતમાં ઉલ્લાસમય માહોલ રચાય છે. ગુઈડોના જીવનમાં આવેલા બધા જ મહત્ત્વના લોકો, એની આગલી ફિલ્મના કલાકારો વગેરે એકમેકનો હાથ પકડીને કતારમાં ડાન્સ કરતા દેખાય છે. ગુઈડોની ક્રિયેટિવ ક્રાઈસિસ કદાચ ખતમ થઈ રહી છે....

કથા પહેલાંની અને પછીની  




આ ફિલ્મ બનાવી ત્યારે ફેલિનીની ઉંમર ફિલ્મના નાયક જેટલી જ હતી - ૪૩ વર્ષ. તેઓ છ ફીચર ફિલ્મો, બે શોર્ટ ફિલ્મ્સ અને બીજા એક ડિરેક્ટરની સંગાથમાં ઓર એક પ્રોડક્શન કરી ચૂક્યા હતા. છેલ્લી ત્રણ આઈટમોને ગણીએ તો કુલ ડિરેક્ટોરિઅલ કામ થયું સાડા સાત. એમાં આ ફિલ્મ ઉમેરાઈ. તેથી ફિલ્મનું ટાઈટલ રાખવામાં આવ્યું ‘૮ ૧/૨’ એટલે કે સાડાઆઠ યા તો એઈટ-એન્ડ-અ-હાફ. ફિલ્મનું વર્કિંગ ટાઈટલ જોકે ‘ધ બ્યુટીફુલ confusion’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફેલિની કેમેરાના કાચ પાસે એક ચીઠ્ઠી ચોંટાડી રાખતા, જેમાં લખ્યું હોય: ‘રિમેમ્બર, ધિસ ઈઝ અ કોમેડી ફિલ્મ’. ફાયનલ પ્રોડક્ટ જોકે કોમેડી ફિલ્મ જેવી જરાય નથી બની તે અલગ વાત છે. મેઈન હીરો તરીકે તેઓ લોરેન્સ ઓલિવિયરને લેવા માગતા હતા, પણ તેમનો મેળ ન પડ્યો એટલે માર્સેલો મેસ્ટ્રોઈઆનીને કાસ્ટ કર્યા, જે ફેલિનીની ઓર એક માસ્ટરપીસ ‘લા ડોલ્ચ વિતા’માં પણ હીરો રહી ચુક્યા હતા.

ફેલિનીએ આ ફિલ્મનો આઈડિયા સ્વાનુભાવ પરથી મળ્યો હતો. સ્ક્રિપ્ટ પૂરી લખાય તે પહેલાં જ કામ શરુ દેવાની ફેલિનીની આદત હતી. એક વાર બન્યું એવું કે કોઈ ફિલ્મના પ્રિ-પ્રોડક્શન દરમિયાન અચાનક તેઓ અટકી પડ્યા. બહુ મથ્યા પછીય તેમને યાદ જ ન આવ્યું કે આગળ શું કરવાનું વિચાર્યું હતું. દરમિયાન પોતાના કેમેરા ઓપરેટરની બર્થડે પાર્ટીમાં જવાનું થયું. આ પાર્ટીમાં એકદમ જ તેમને નવો આઈડિયા સૂઝ્યો: અત્યારે હું જે મૂંઝવણ અનુભવું છું તેના પર જ ફિલ્મ બનાવું તો? એમણે પ્રોડ્યુસરને વાત કરી. જૂનો પ્રોજેક્ટ પડતો મૂકાયો અને ક્રિયેટિવ બ્લોક અનુભવતા ડિરેક્ટરની થીમ પર નવેસરથી કામ શરુ થયું.

‘૮ ૧/૨’ રિલીઝ થતાં જ સૌએ એકીઅવાજે તેને વધાવી લીધી. કોઈએ ફેલિની માટે લખ્યું: ‘અ જીનિયસ પઝેસ્ડ ઓફ અ મેજિક ટચ’. ફિલ્મની એકેએક સિકવન્સમાંથી, એકેએક ફ્રેમ અને ડાયલોગમાંથી અર્થો તારવવાની સિનેમાપ્રેમીઓને તેમજ વિવેચકોને મજા પડી ગઈ. કોઈને આ ફિલ્મ એક બ્રિલિયન્ટ ઈમ્પ્રોવાઈઝેશન જેવી લાગી. ફેલિનીની સિનેમેટિક લેંગ્વેજ અને સિગ્નેચર સ્ટાઈલ આટલાં પ્રભાવશાળી  અગાઉ કદાચ ક્યારેય નહોતાં લાગ્યાં. મહત્ત્વના કહેવાય એવા ત્રણ-ચાર ટોચના રિવ્યુઅર્સને આ ફિલ્મ ‘ડિઝાસ્ટર’ લાગી એ વાત પણ સાચી. જોેકે સમયની સાથે નેગેટિવ રિવ્યુઝ અપ્રસ્તુત બની ગયા. ‘૮ ૧/૨’ એક માસ્ટરપીસ તરીકે વર્લ્ડ સિનેમાના ઈતિહાસમાં અંકિત થઈ ગઈ. આ ફિલ્મ ઢગલાબંધ અવોર્ડઝ તાણી ગઈ. ‘૮ ૧/૨’ની અસર હેઠળ પછી તો કેટલીય ફિલ્મો બની, પણ આજની તારીખેય ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ થીમવાળી આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફેલિનીની ઓર એક માસ્ટરપીસ ‘લા ડોલ્ચ વિતા’ વિશે પણ વાત વિગતે કરીશું, પણ આવતા બુધવારે નહીં, ફરી ક્યારેક.

 ‘૮ ૧/૨’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર, વાર્તાકાર : ફેડરિકો ફેલિની
કલાકાર           : માર્સેલો મેસ્ટ્રોઈઆની, એનોક એઈમી, સેન્ડ્રા મિલો, ક્લોડિયા કાર્ડેનેલ
દેશ               : ઈટાલી
રિલીઝ ડેટ        : ૧૪ ફ્રેબ્રુઆરી ૧૯૬૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) માટેના ઓસ્કર અવોર્ડઝ  ૦ ૦ ૦