Saturday, February 2, 2013

સત્ય વચન!


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 3 ફેબ્રુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 સરસ કલાકારો, સુંદર પર્ફોર્મન્સીસ અને આહલાદક શહેરી માહોલ. તાજી તાજી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ આપણી ભાષામાં એક સરસ વસ્તુ જોયાનો ભરપૂર સંતોષ જન્માવે છે. 



મધ્યમવયસ્ક મોડર્ન ગૃહિણી છે. ખૂબ પ્રેમાળ અને માયાળુ છતાંય મક્કમ. અતિ સંવેદનશીલ છતાંય સિદ્ધાંત ખાતર વજ્ર જેવી સખત. ધનાઢ્ય પુુરુષની પત્ની છે, પણ સતત ગુજરાતી સાડી પહેરી રાખે છે. ઈવન, ઈવનિંગ વોક કરતી વખતે પણ સાડી નીચે વોકિંગ શુઝ ચડાવી લે છે. અમેરિકામાં ભણતી અને લાંબા વીકએન્ડ પૂરતી ઈન્ડિયા આવેલી યુવાન દીકરી સાથે એ આત્મીય સખીની જેમ દિલથી અંતરંગ વાતો વાતો શર કરે છે. એને વાતવાતમાં ટપારી પણ લે છે, ‘ભણવામાં ધ્યાન આપજે. ફેસબુક ઓછું કરી નાખજે.’ એ સ્વાતિ છે. ડો. સ્વાતિ સંઘવી.

એ સક્સેસફુલ બિઝનેસમેન છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડો રુપિયાનાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. બિઝનેસ વિસ્તારતા જવામાં એને ભલે સૌથી વધારે ‘કિક’ લાગતી હોય, પણ એનું વ્યક્તિત્ત્વ શુષ્ક બિલકુલ નથી. જરુરતમંદને એ ફટાક કરતો તગડા ચેક પર સહી કરીને આપવાની ચેષ્ટા કરે ત્યારે એમાં સમસંવેદન ઓછું અને રુઆબ વધારે છલકે છે. જોેકે પૈસાએ એને બગાડ્યો નથી. પાક્કો પત્નીવ્રતો છે. બાપ તરીકે પણ એટલો જ પ્રેમાળ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેટી સાથે વાત કરતી વખતે લાગણીશીલ બની જાય છે. એ સિદ્ધાર્થ છે. સિદ્ધાર્થ સંઘવી.

સ્વાતિ અને સિદ્ધાર્થ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી: આઠમું વચન’નાં મુખ્ય પાત્રો છે. અહીં ‘ગુજરાતી’ શબ્દ નીચે જાડ્ડીપાડ્ડી અન્ડરલાઈન કરેલી છે એમ કલ્પી લો. થેન્ક ગોડ, આપણે જેની કલ્પના કરતાં પણ થરથર કાંપી ઉઠીએ છીએ એવી  ટિપિકલ અને ભયાનક ગુજરાતી ફિલ્મોથી ‘સપ્તપદી’ જોજનો દૂર છે. ગામડાં, પાઘડાં, રાસડા, ટાયલાં - આમાંનું કશું જ અહીં નથી. આ એક નખશિખ સોફિસ્ટીકેટેડ અને શહેરી ફિલ્મ છે. એનું સાદું કારણ એ છે કે ફિલ્મને બનાવનારી ટીમ સોફિસ્ટીકેટેડ, શહેરી અને ક્રિયેટીવ છે. સરસ મજાની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાનો આઈડિયા જયા બચ્ચનને આવ્યો અને એક પ્રક્રિયા શરુ થઈ. વાર્તા બોસ્ટનવાસી કવિ-નાટ્યકાર ચંદ્રકાંત શાહનાં છે. એમણે અને સેલિબ્રિટી લેખિકા કાજલ ઓઝા-વૈદ્યે ફિલ્મના સંવાદો લખ્યા છે. મિસ ઈન્ડિયા અને રંગભૂમિ-હિન્દી ટીવી સિરિયલોમાં સુપરહિટ ભુમિકાઓ કરી ચુકેલાં સ્વરુપ સંપટ ફિલ્મનાં નાયિકા છે. સફળતમ ટીવીસ્ટાર્સમાં સ્થાન પામી ચુકેલા માનવ ગોહિલ ‘સપ્તપદી’ના હીરો છે. ફિલ્મના નેશનલ અવોર્ડવિનર ડિરેક્ટર નિરંજન થાડે ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના ગ્ર્ોજ્યુએટ છે. તેઓ ભલે મરાઠી રહ્યા, પણ ગુજરાતી સંસ્કૃતિથી સુપરિચિત છે. સંગીતકાર રજત ધોળકિયાએ ગીતો તૈયાર કયાર્ર્ં છે. પીયૂષ કનોજિયાએ અસરકારક બેકગ્ર્ાઉન્ડ મ્યુઝિક આપ્યું છે.  



ફિલ્મની હૃદયસ્પર્શી કહાણી એક કરતાં વધારે સ્તરો પર આગળ વધે છે. પતિ-પત્ની સાપુતારામાં આવેલાં એમના હોલીડે હોમમાં રજાઓ ગાળવા ગયાં છે. (જે કામ ગુજરાત ટુરિઝમ નથી કરી શક્યું એ સંભવત: આ ફિલ્મ કરી બતાવશે. અહીં સાપુતારા એટલું રુપાળું દેખાય છે કે ફિલ્મ પછી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા ચોક્કસપણે વધી જવાની.) સ્વાતિની મુલાકાત મોહસીન નામા એક મુસ્લિમ કિશોર સાથે થાય છે. દસ-બાર વર્ષના આ નિર્દોષ છોકરો સતત આતંકિત અને ગભરાયેલો રહે છે. બાળમાનસની અભ્યાસુ સ્વાતિ સહજપણે મોહસીન તરફ ખેંચાય છે. ભયાનક દુર્ઘટનાનો સાક્ષી અને શિકાર બની ગયેલા મોહસીનને કોઈ પણ ભોગે સ્વસ્થ કરવો તે સ્વાતિનું મિશન બની જાય છે. સ્વાતિનો આશય ઉદાત્ત છે, પણ એને ક્યાં ખબર હતી કે છોકરાને સાજો કરવાના પ્રયત્નોને કારણે એનાં લગ્નજીવનમાં ભૂકંપ આવી જવાનો છે? એવું તે શું બન્યું હતું મોહસીન સાથે? સ્વાતિ શી રીતે પોતાનાં સ્વમાન અને લગ્નજીવન વચ્ચે સંતુલન સાધે છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

‘સપ્તપદી’ની મજા એ છે કે એણે ગુજરાતી ફિલ્મોની ગંદીગોબરી, લગભગ ડાયનોસોરના જમાનાથી ઢસડાઈ આવેલી દુષ્ટ ફોમ્યુલાની પૂંઠ પર કચકચાવીને લાત મારીને ક્યાંય દૂર ફગાવી દીધી છે. આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ મલ્ટિપ્લેક્સમાં જતાં અને ઈન્ટરવલમાં મોજથી બર્ગર-પોપકોર્ન-નાચોઝ ખાતા શહેરી દર્શકો છે. શું આ પ્રેક્ષકો ‘સપ્તપદી’ સાથે, એના માહોલ અને પાત્રો સાથે આઈડેન્ટિફાય કરી શકે છે? હા, બિલકુલ. ફિલ્મની આ પહેલી સૌથી મોટી સફળતા છે.



ટ્રોમા અનુભવતા બાળકની સારસંભાળ અને એનું પુનર્વસન - પહેલી નજરે આ વિષય આમ તો ડોક્યુમેન્ટરીનો લાગે. પણ ફિલ્મના બે મુખ્ય પ્લોટ પોઈન્ટ્સમાંનો તે એક છે. ડિરેક્ટરે એકધારાં રહસ્ય અને લગ્નજીવનનાં વિવિધ રંગો સાથે આ મુદ્દાને સરસ રીતે ભેળવીને એક આકર્ષક મિશ્રણ તૈયાર કયુર્ર્ં છે. ફિલ્મ કડક છે, જકડી રાખે છે. પ્રોડક્શન વેલ્યુ પણ મજાની છે. આ આપણે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ તે વાતનું કૌતુક થોડી જ મિનિટોમાં શમી થઈ જાય છે અને પછી તમે કોઈ એક સારી, વેલ-ઈન્ટેશનલ ફિલ્મ જોઈ રહ્યા છો એ જ લાગણી છવાયેલી રહે છે. ‘સપ્તપદી’ની આ બીજી સૌથી મોટી સફળતા છે.

તમામ મુખ્ય કલાકારોએ સરસ અભિનય કર્યો છે. સ્વરુપ સંપટે નિર્વિવાદપણે વધારે ફિલ્મો કરવી જ જોઈએ. મોહસીન બનતા હિત સોમાણી પાસેથી ડિરેક્ટરે સરસ અભિનય કરાવ્યો છે. ખાસ કરીને અંતિમ ઘટસ્ફોટ વખતે. ઉત્કર્ષ મઝુમદાર ખૂબ સરસ. પોલીસ કમિશનરના રોલમાં હોમી વાડિયા થોડી જ મિનિટો માટે પડદા પર આવે છે, છતાંય પ્રભાવશાળી છાપ છોડી જાય છે. ઉત્તમ, ઘડાયેલા કલાકારોની વરણી કરવાનો આ જ ફાયદો છે. ફિલ્મનો હુકમનો એક્કો, અલબત્ત, માનવ ગોહિલ છે. અસરકારક અભિનય, સુંદર ડાયલોગ ડિલીવરી, ચામિર્ંંગ (charming) પર્સનાલિટી અને સુપર્બ સ્ક્રીન પ્રેઝન્સ. થ્રી ચિયર્સ ફોર માનવ ગોહિલ!



અલબત્ત, ‘સપ્તપદી’માં ક્ષતિઓ છે જ. ફિલ્મનો પ્રવાહમાં વચ્ચે અણધાર્યા જમ્પ આવી જાય છે. તેને લીધે કેટલીક બાબતોમાં પ્રસ્થાપિત થઈ શકતી નથી. જેમ કે, આ કપલ મુંબઈનું છે કે અમદાવાદનું?  જો તે મુંબઈનું હોય તો હીરો ધુંઆફુંઆ થતો સાપુતારા ધસી આવે છે ત્યારે એની મર્સિડીઝ પર ગુજરાતની નંબરપ્લેટ શા માટે છે? આ તો જોકે નાની વાત થઈ, પણ એકબીજા પર મેનહટ્ટન-મણિનગર ઓવારી જતાં પતિ-પત્ની આટલી ઝડપથી અને આસાનીથી કેવી રીતે વિખૂટાં પડી ગયાં? લગ્નજીવનમાં પેદાં થતી કટોકટી માટે જરુરી બિલ્ડ-અપ અહીં મિસિંગ છે. આતંકવાદી બનતા રાજેન્દ્ર ગુપ્તા ખોટું ગુજરાતી બોલીને મજા બગાડી  નાખે છે. આખી ફિલ્મના સંવાદોમાં અંગ્રેજી ભાષાનો પ્રચુર માત્રામાં પ્રયોગ થયો તે બરાબર છે, મોટા ભાગનાં દશ્યોમાં તે સરસ પણ લાગે છે, પણ હીરો દુખી દુખી થઈ ગયો હોય ત્યારે બેકગ્ર્ાઉન્ડમાં એકાએક ‘લોનલીનેસ.... શું છે આ લોનલીનેસ...’ કરતું જે ગીત વાગે છે તે  સાવ કૃત્રિમ લાગે છે. ખેર.

થોડા અરસા પહેલાં આશિષ કક્કડેબેટર હાફ(ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા) નામની અર્બન માહોલવાળી સરસ ફિલ્મ બનાવી હતી ત્યારે લાગતું હતું કે ચલો, ગુજરાતી સિનેમામાં કંઈક બન્યું ખરું. થોડા શૂન્યાવકાશ પછી અભિષેક જૈને ગયા વર્ષે ‘કેવી રીતે જઈશ?’ નામની અફલાતૂન અને સુપરહિટ બનાવીને આપણને સૌને પુલકિત કરી દીધા. તે પછી, આ જ ઢાળમાં હવે ‘સપ્તપદી’ આવી છે. ‘કેવી રીતે જઈશ?’નું આ તગડું ફોલો-અપ છે.  
 
‘સપ્તપદી’ ભલે પરફેક્ટ ફિલ્મ નથી, પણ એની ક્ષતિઓને અવગણીને તેને માણી શકાય છે. તમે એક સરસ ફિલ્મ જોઈ, અને એ પણ આપણી પોતાની ભાષામાં, તે વાતનો ભરપૂર સંતોષ ‘સપ્તપદી’ જન્માવે છે. આ શુક્રવાર-શનિવાર દરમિયાન તમે આ ફિલ્મ ઓલરેડી જોઈ લીધી હોય તો અલગ વાત છે, બાકી આજે રવિવારે તમારે શાનો પ્રોગ્ર્ાામ બનાવવાનો છે તે કહેવાની જરુર ખરી?

શો-સ્ટોપર 

એક વાર અક્ષયકુમારે મને પૂછેલું કે તું કેમ ક્યારેય મારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી? મેં એને જવાબ આપ્યો કે જો ભાઈ, હું કોઈનો ચમચો નથી. હું કામ માગવા માટે નથી કોઈને આજીજી કરતો કે નથી કોઈ હીરોના પગના તળિયા ચાટતો.

- અનિલ કપૂર

 

મૈં હૂં ના!

                                                           A personalized article from the book 
                                                           Love You Pappa compiled by Raj Bhaskar


મારા પપ્પા મારા હીરો કેમ નથી?

સમજણો થયો અને પપ્પા હયાત રહ્યા લગભગ ત્યાં સુધી આ પ્રશ્ન મારા મનમાં જાગતો રહ્યો. સતત નહીં, પણ ક્યારેક. સાવ નાનો હતો ત્યારથી સાંભળતો-વાંચતો-જોતો આવ્યો છું કે સામાન્ય રીતે છોકરાનો પહેલો આદર્શ, પહેલો રોલમોડલ એના પિતા હોય છે. મોટા થઈ રહેલા, સ્કૂલે જઈ રહેલા છોકરાને સૌથી પ્રભાવિત કરનારો પહેલો પુરુષ એટલે એના પિતા. છોકરો ધીમે ધીમે સમજદાર થતો જાય છે, એ ગાંધીજી અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે પાઠ્યપુસ્તકોમાં ભણે છે, અમિતાભ બચ્ચનની ફિલ્મો એને એ ગાંડો ગાંડો થઈ જાય છે,  સ્કૂલની કોમ્પીટીશનમાં એ કિશોરકુમારનાં ગીતો ગાતો થઈ ગયો છે, સુનિલ ગાવસ્કર અને કપિલદેવનો એ જબરદસ્ત ફેન છે, ભલે, પણ સૌથી પહેલાં તો એને પપ્પા જેવા બનવું છે. પપ્પાની બિહેવિયર પેટર્ન, પપ્પાની વાતો, પપ્પાની સિદ્ધિઓ... આ બધું દિલ-દિમાગના પોઝિટિવ વર્તુળમાં ગોઠવાતું જાય છે. આગળ જતાં છોકરાનું દિમાગ ઓર ખૂલે, એ વિચારતો થાય, એક્સપોઝર વધે, કંઈકેટલાય પ્રતિભાશાળી પુરુષોની અસર ઝીલતો થાય, પણ પપ્પા એટલે પપ્પા. એનું સ્થાન અચળ. એની સામે કોઈ શરતો નહીં. કોઈ તોલમાપ નહીં. પપ્પા જિંદગીના પહેલા રોલમોડલ છે તે સત્ય સાથે કોઈ બાંધછોડ નહીં.  
...પણ મારા પપ્પા મારા રોલમોડલ કેમ નથી?

હું બીજા દીકરાઓને જોતો ત્યારે આ પ્રશ્ન મને ક્યારેક સતાવતો. સતાવતો નહીં, પણ મૂંઝવતો. પપ્પા મને હદ બહારનો પ્રેમ કરે છે, એ મહેનતકશ છે, એમની રીતે સફળ છે, અત્યંત ચોખ્ખા અને ચારિત્ર્યવાન માણસ છે, પરિવાર માટે ખુવાર થઈ જવાની એમની તાસીર છે... પણ તોય કેમ ક્યારેય એવું ન લાગ્યું કે પપ્પા મારા હીરો છે અને મારે એમના જેવા બનવું છે?

કેમ?

આનો કશો જ તાર્કિક જવાબ ન મળતો. અને પછી એ પ્રશ્ન પણ ખરીને કશેક ઊડી જતો. જવાબ શોધવા માટે હવાતિયાં મારવાનો સવાલ જ નહોતો કારણ કે આ સવાલ જ મારા માટે ક્યારેય મહત્ત્વનો નહોતો. એનું કશું વજન નહોતું. આ લાગણી ક્યારેક આગિયાની જેમ ઝબકી જતી એટલું જ. પછી પળવારમાં બૂઝાઈ જતી. ભૂલાઈ જતી. બીજા સેંકડો-હજારો વિચારો મનના અફાટ દરિયામાં ઊપસીને વિલીન થઈ જતા હોય છે, એમ.

આજે પપ્પા નથી. 2012ના માર્ચ મહિનામાં એમનાં મૃત્યુને છ વર્ષ પૂરાં થયાં છે ત્યારે કંઈક સમજાઈ રહ્યું છે, ઊઘડી રહ્યું છે. શું છે તે?

                                     0   0   0
તુલસીદાસ.
 
મારા પપ્પાનું નામ તુલસીદાસ હતું. અથવા છે. તુલસીદાસ મોહનદાસ રામાવત. નાનો હતો ત્યારે સ્કૂલની નોટબુક પર લેબલમાં નામના ખાનામાં લખતો: જીતેન ટી. રામાવત. મારું મૂળ નામ જીતેન છે. ક્યારેક રામાવત જીતેન ટી. એમ પણ લખતો. મને મારું નામ જરાય ન ગમતું. જીવ કરતાંય વહાલા બાળપાક્ષિક ‘ચંપક’માં એ વર્ષોમાં શિશિર વિક્રાંત નામના કોઈ લેખકની બાળવાર્તાઓ છપાતી. એ મને ગમતી.  વાર્તાઓ કરતાં પણ મને શિશિર નામ બહુ ગમતું. આથી છઠ્ઠા-સાતમા ધોરણમાં મેં લેવાદેવા વગર ઉપનામ ધારણ ઠઠાડી લીધું અને પછી સ્કૂલનાં ચોપડાં પર મોટે ઉપાડે લખતો: જીતેન ટી. રામાવત ‘શિશિર’. ધીમે ધીમે શિશિર ટી. રામાવત પર આવી ગયો.

ઓરિજિનલ નામની જેમ મને મારી અટક પણ ન ગમતી. હું પપ્પાને કહેતો: પપ્પા, મારે અટક બદલવી છે, ‘રામાવત’ની ‘રામાનુજ’ કરવી છે. પપ્પા હસી પડતા: ‘કાલે ઉઠીને તું કહીશ કે આ વચ્ચે ‘ટી.’  આવે છે એ પણ મને પસંદ નથી. તો શું બાપનું નામ પણ બદલી નાખીશ?’ હું મોઢું બગાડીને નાસી જતો.

‘આકાર’ નવલકથાનો નાયક યશ જેલમાંથી પે-રોલ પર છૂટે છે પછી ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે: ‘...અને એ યશ ન. શાહ. યશ અને શાહની વચ્ચે લાગી ગયેલો ‘ન.’નો ખીલો. એ અને નિહાર (ભાઈ) અને લીરા (બહેન) બધા એ ‘ન.’થી બંધાયેલાં હતાં. છૂટાં છૂટાં, દૂર દૂર અને એકબીજાં સાથે બંધાયેલાં...’

યશ તો ખેર, કાલ્પનિક માણસ છે, પણ અમારા પરિવારમાં મારા દાદાજી મોહનદાસ રામાવતનો ‘એમ.’નો ખીલો હતો, જેનાંથી પૂરાં એક ડઝન સંતાનો બંધાયેલાં હતાં. છ પહેલી પત્નીનાં, છ બીજી પત્નીનાં. મારા પપ્પા પહેલી પત્નીનું સંતાન. કહે છે કે મારાં દાદીને એ જમાનામાં દીકરીનો બહુ મોહ હતો. પુત્રીના મોહમાં ને મોહમાં પાંચ પુત્રોની કતાર ખડી કરી દીધા પછી આખરે છઠ્ઠા ક્રમે દીકરીનું મોઢું જોયું. સૌરાષ્ટ્રમાં મોરબી નજીક અંબાળા નામના સાવ ખોબા જેવડા કથોરા ગામમાં પપ્પાનો જન્મ. એ એમનું વતન. દાદા રામજી મંદિરની પૂજા કરતા અને ગામધણી તરીકે ઓળખાતા દરબાર માટે મહેતાજીનું કામ કરતા. દાદી ગુજરી ગયાં ત્યારે પપ્પા આઠેક વર્ષના હશે. હવે આટલા બધા ભાઈભાંડુ કેવી રીતે સાચવવા?  પપ્પાને એમના સૌથી મોટા ભાઈ વજુઅદા પાસે ટંકારા મોકલી આપવામાં આવ્યા. ટંકારા એટલે સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. પપ્પા ટંકારામાં ભણ્યા, રહ્યા. મા વગરનો, બાપના અટેન્શન વિનાનો છોકરો મોટો થતો ગયો.

અત્યારે આ વિચારું છું ત્યારે અસ્થિર થઈ જવાય છે. મેં મા ગુમાવી ત્યારે હું ત્રીસ વર્ષનો હતો, પપ્પા ગુમાવ્યા ત્યારે ચોત્રીસનો. મારી એકતાલીસ વર્ષની જિંદગીનો મોટો હિસ્સો મા-બાપના અત્યંત મજબૂત અને અત્યંત અદભુત સુરક્ષાકવચ વચ્ચે પસાર કર્યો છેે. મા-બાપ ન હોવાની સ્થિતિ કેટલી દાહક હોઈ શકે છે તે હું સ્વાનુભાવે જાણું છું. આજે વિચારું છું કે પપ્પાનું બાળપણ કેવું વીત્યું હશે? મા વગરના, બાપના અટેન્શન વગરના, ઢગલાબંધ ભાઈબહેનોવાળા કિશોરનું બાળપણ કેવું વીતી શકે?  

પછી તો ઘણું બધું બન્યું એમના જીવનમાં. જિંદગીમાં વિકાસ કરવો હશે તો ગામ છોડીને શહેરમાં જવું પડશે તે સત્ય એમને નાની ઉંમરે સમજાઈ ગયું હતું. પીટીસી કર્યા પછી કોઈ ગામડાની નિશાળમાં શિક્ષકની નોકરી કરતા હતા. તેમાં રાજીનામું આપીને, લોખંડના મોટા ટ્રંકમાં સામાન ભરીને તેઓ જામનગર આવી ગયા (આ ટ્રંક પછી દાયકાઓ સુધી સચવાઈ રહ્યો હતો). ભાડે ઘર શોધી, કોલેજમાં એડમિશન લીધું અને બી.એ.નું ભણવા માંડ્યા. કોઈનો આર્થિક ટેકો નહીં એટલે ટ્યુશનો કરી કરીને જાતે ખર્ચ કાઢવાનો. પપ્પાના મકાનમાલિક એટલે મમ્મીના દાદા. એમણે જોયું કે છોકરો પાણીદાર છે. એમની વિધવા વહુની મોટી દીકરી માટે  યોગ્ય મુરતિયો છે. આ રીતે પંદર વર્ષની હરીચ્છા સાથે પચ્ચીસ વર્ષના તુલસીદાસનાં લગ્ન થયાં.

લગ્ન પછી એક ભાડાની નાનકડી ઓરડીમાં તેઓ રહેવા આવી ગયાં હતાં.  લગ્ન વખતે અને લગ્ન પછી પણ એમની પાસે કશું જ નહોતું. ચાની તપેલી પણ નહીં.  લગ્ન થયાં પછી પહેલા જ દિવસે પપ્પા સૌથી પહેલાં તો થોડાં વાસણ અને કરિયાણું ખરીદી લાવ્યાં. સ્ટ્રગલ ચાલતી રહી. ભણવામાં પપ્પા શ‚આતથી તેજસ્વી હતા. તેઓ ગ્ર્ોજ્યએટ થઈ ગયા. ટીચર તરીકે ઘણી સ્કૂલોમાં નોકરીઓ કરી. બદલીઓ થઈ. અંતે હેલ્થ ડિપાર્ટમેન્ટની ગર્વમેન્ટ જોબમાં સ્થિર થયા. દરમિયાન બે વર્ષના અંતરે બે દીકરીઓ જન્મી, મારી બન્ને બહેનો - મોટી દક્ષા, નાની સુધા. સુધા ચાર વર્ષની થઈ પછી પપ્પાએ મમ્મીને આગળ ભણાવી. મમ્મીએ શાળાંતની પરીક્ષા પાસ કરી, પીટીસી કર્યું. એ જ અરસામાં મારો જન્મ થયો.

   પપ્પા મને લકી ગણતા તેનું એમની દષ્ટિએ ત્રણ કારણો હતાં. હું જન્મ્યો એ જ અરસામાં એમનું એમ.એ.નું સંતોષકારક રિઝલ્ટ આવ્યું. મમ્મી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની સરકારી નોકરીએ ચડી. અત્યાર સુધી ભાડાનાં નાના નાના ઘરોમાં જીવાતું હતું. મારા જન્મ પછી જામનગરમાં પટેલ કોલોની વિસ્તાર નજીક રાંદલનગર સોસાયટીમાં પપ્પાએ નાનું પણ કમ્ફર્ટેબલ ટેનામેન્ટ ખરીદ્યુંં અને પરિવાર ત્યાં શિફ્ટ થયો. હવે ઘરમાં બે સરકારી પગારો આવતા હતા. પગારો ભલે તોતિંગ નહોતા, પણ સંઘર્ષના અને અછતના તબક્કા પર ઓફિશિયલી પૂર્ણવિરામ મૂકી દે એટલા બળવાન જ‚ર હતા. એ આર્થિક સ્થિરતાના, નિશ્ચિત આવકમાંથી પેદા થતી સુરક્ષાના દિવસો હતા, જે છેક સુધી જળવાઈ રહ્યા. ભલે દર મહીનાની આખર તારીખોમાં પગારની આતુરતાપૂવર્ક રાહ જોવાનું શ‚ થઈ જતું હોય, પણ મધ્યમ-મધ્યમવર્ગીય સુખસુવિધાઓની અને નાના નાના મોજશોખની શ‚આત થઈ ચૂકી હતી. અછત કે આથિર્ંક તંગી કે ગરીબી મેં ક્યારેય ન જોયા.

હું બે દીકરીઓ પછી છ વર્ષે જન્મેલો મોંઘેરો દીકરો હતો. પરિવારનો લાડકો મુન્નો. પપ્પાને હું બહુ વહાલો હતો એમ કહેવું એ તો અલ્પોક્તિ થઈ. હકીકત એ હતી કે પપ્પાને મારી ઘેલછા હતી. મારા પર એમનો પિતૃપ્રેમ તીવ્રતાથી વરસ્યો, વરસતો રહ્યો, જીવનની અંતિમ ક્ષણ સુધી. તેઓ ખુદ નાનપણમાં વાત્સલ્યની ભીનાશથી વંચિત રહી ગયા હતા કદાચ તેની આ પ્રતિક્રિયા હતી. મારે કોઈ વાતનું કષ્ટ ઊઠાવવું ન પડે તે માટે તેઓ સતત સતર્ક રહેતા. જે કઠણાઈઓ સહેવાની હતી તે મેં સહી લીધી, હવે મારા મુન્ના પર કોઈ વાતની તકલીફનો પડછાયો પણ ન પડવો જોઈએ - આ તેમની માનસિકતા હતી. સામાન્યપણે ઘરનો છોકરો નજીકની દુકાનોમાંથી નાનીમોટી ચીજવસ્તુઓ લાવવા માટે, ઘરનાં રુટિન કામકામ માટે  દોડાદોડી કરતો હોય છે, પણ મારા કેસમાં જૂદું હતું. મારાં પેન્સિલ-રબર ખલાસ થઈ ગયાં હોય તો પપ્પા બહેનોને કહેશે: ‘જાવ તો જરા, સ્ટેશનરીની દુકાનમાંથી મુન્નાને જે જોઈએ છે તે લઈ આવો તો!’ બહેનો કહેશે: ‘પણ મુન્નાને જ મોકલોને.’ પપ્પા કહેશે: ‘ના, ના. એને હેરાન નથી કરવો. એને ભણવા દો.’

પપ્પાએ મને જામનગરની તે વખતે સર્વશ્રેષ્ઠ ગણાતી સ્કૂલ સેન્ટ ઝેવિયર્સમાં દાખલ કર્યો હતો. મારું સ્કૂલનું ભણતર પપ્પા માટે સતત ગર્વનું, રાધર, અતીશય ગર્વનું કારણ બની રહ્યું. પહેલા નંબરે પાસ થવા બદલ પ્રિન્સિપાલે લખલા અભિનંદનના શબ્દોવાળી મારી માર્કશીટ્સ અને સ્ટેજ તેમજ કલ્ચરલ એક્ટિવિટીઝ માટે મળતા સર્ટિફિકેટ્સ જોઈને પપ્પાનો હરખ છલકાઈ જતો. આ બધું જ, હું જાણે ‘બોય વન્ડર’ હોઉં તેમ, મહેમાનો અને સગાસંબંધીઓ અને પાડોશીઓ સામે નિયમિતપણે પ્રદર્શિત થતું. મને સખ્ખત ક્ષોભ થઈ આવતો. હું ચીડાતો, ગુસ્સો કરતો. પપ્પા હસ્યા કરતા.

પપ્પા દસ વર્ષની ઉંમરે એમના ગ્ર્ાામ્ય-દોસ્તો સાથે બીડી પીવા લાગ્યા હતા. સ્મોકિંગની એમની કુટેવ પાછલી ઉંમરે હૃદયરોગ લાગુ પડ્યો ત્યાં સુધી રહી. હું નાનો હતો ત્યારે ધુમાડાની ગંદી વાસથી બૂમો પાડતો. એ ગંધથી મને એટલી બધી નફરત હતી કે પપ્પા હજુ તો દીવાસળી સળગાવે તો પણ હું ભરઊંઘમાંથી જાગી જતો ને પપ્પાને ધબ્બા મારવા લાગતો. પપ્પા હસતા ‚મમાંથી બહાર નીકળી જતા. પપ્પાની આદતને કારણે મને નાનપણથી સ્મોકિંગ પ્રત્યે તીવ્ર અણગમો રહ્યો છે. મોટા થયા પછી સ્મોકિંગ કરનારા મિત્રો સાથે ઘનિષ્ઠતા કેળવાઈ, પણ મેં પોતે ક્યારેય સિગારેટને હાથ સુધ્ધાં નથી લગાડ્યો. અખતરા ખાતર પણ નહીં. હોસ્ટેલમાં સ્મોકર દોસ્તો મારા જક્કી વલણથી ચીડાતા. હું કહેતો: પપ્પાનો વાંક છે. એ જો સ્મોકિંગ ન કરતા હોત હું ચેઈન-સ્મોકર હોત!      

સદભાગ્યે વાંચવા-લખવામાં એવું ન થયું. પપ્પાનો આ શોખ મેં દિલથી અપનાવ્યો અને વિકસાવ્યો. વાંચન અને લેખનના ‘જીન્સ’ મને પપ્પા તરફથી મળ્યા છે. મારા વાંચનના શોખને પપ્પા સતત પોષતા. મને વાર્તાની ચોપડીઓ અને બાળસામયિકો અપાવતી વખતે કે તેનાં લવાજમો ભરતી વખતે ક્યારેય મહિનાની આખર તારીખ વચ્ચે ન આવતી. પપ્પા ક્યારેક રેડિયો-નાટક અને ‚પકો પણ લખતાં. હું બાળસામયિકોમાં અને છાપાંના બાળવિભાગોમાં ‘વાચકોના પત્રો’ અને નાની નાની કૃતિઓ મોકલતો. તે પ્રગટ થતું ત્યારે મારું નામ છપાયેલું જોઈને હું રાજી રાજી થઈને કૂદકા મારતો.

My late parents...

મમ્મી ઓછું બોલ, ચૂપ રહે, કજિયાથી દૂર રહે, જતું કરે... પણ પપ્પા સ્વભાવે ઉગ્ર્ા. મિજાજ ભડકતો. જીવનના સંઘર્ષોએ તેમને ખૂબ સ્વમાની અને કોન્ફિડન્ટ બનાવ્યા, સાથે સાથે એમના વ્યક્તિત્વમાં થોડી કડવાશ પણ ઉમેરી આપી. પપ્પાની સેન્સ-ઓફ-હ્યુમર કાતિલ હતી. ઈન ફેક્ટ, એમના નવેનવ ભાઈઓની રમૂજવૃતિ કમાલની છે. પપ્પા સગાંવહાલાં-પરિચિતોની સરસ મિમિક્રી કરે. આખી દુનિયા માટે પપ્પાનો સ્વભાવ ખૂબ આક્રમક, પણ મારી સામે  એ સાવ ‚ જેવા પોચા. અલબત્ત, નાનો હતો ત્યારે મેં ેં એમણે ઉગ્ર્ા થવું પડે તેવાં કારણો પણ નહોતાં આપ્યાં. હું મારાં મા-બાપનું ‘પેટ ઠારે’ એવું સંતાન હતો. ખૂબ ડાહ્યો, ભણેશરી અને એક્ટિવ દીકરો (મારી એક્ટિવિટીઝમાં જોકે સ્પોર્ટસનું નામોનિશાન ક્યારેય નહોતું). અનહદ લાડકો અને ચાગલો, પણ બગડેલો જરાય નહીં. બલકે આદર્શવાદી અને ચોખલિયો.    

                                0 0 0


ણ સ્કૂલજીવન પૂરું થતાં જ બધું બદલાયું. આંચકો લાગે એટલી હદે બદલાયું. પેલો તેજસ્વી, સિન્સિયર, સતત પહેલો નંબર લાવતો છોકરો જાણે જામનગરમાં જ દફન થઈ ગયો. વડોદરાની એન્જિનીયરિંગ કોલેજમાં દાખલ થયેલો જુવાનિયો કોઈ બીજો જ હતો, ઓળખી ન શકાય એવો જુદો. અત્યાર સુધી ભણતર સ્વ-પરિચયનો અને ગર્વનો સૌથી મોટો સ્ત્રોત હતો, પણ એન્જિનીયરીંગમાં પ્રવેશતાંની સાથે જ, એક સેકન્ડમાં પડદા પરનું ચિત્ર પલટી જાય તેમ, ભણતર એકદમ જ ભયાનક આઈડેન્ટિટી ક્રાઈસિસનું કારણ બની ગયું. કોલેજ-લાઈફ શું હોય છે તે મને ક્યારેય સમજાયું નહીં, પણ કોલેજ-ડેથની અનુભૂતિ મને પળે પળે થયા કરતી હતી.

           પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી હતી કે વડાદરાના મારા પોલિટેક્નિક કેમ્પસ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર હું રાત્રે એકલો જતો, રેલિંગ પાસે ઊભા રહીને નીચે ધડધડાટ કરતી ટ્રેનોને આવ-જા કરતી જોયા કરતો. ઉપરથી છલાંગ મારીને સીધા પાટા પર ફેંકાઈને ધસમસતી ટ્રેન નીચે કપાઈ મરવાની તીવ્ર ઈચ્છાનો જીવલેણ ઉભરો આવતો... પણ એ ક્ષણ પાછી અંદર ખેંચાઈ જતી. હું અટકી જતો અને પાછો હોસ્ટેલ તરફ વળી જતો.

મારાં જીવનના આ સૌથી પીડાદાયી તબક્કો... અને પપ્પા મારો મુન્નો એન્જિનીયર બનવાનો છે એ વિચારે જામનગરમાં ફૂલાયા કરતા. કોલેજમાં વ્યક્તિત્વ ઓર ખીલવાને બદલે હું રુંધાતો જતો હતો, ભયાનક માનસિક યાતનાના ભારથી કુંઠિત થઈ રહ્યો હતો...  અને ઘરેથી નિયમિતપણે દર વીસ-પચ્ચીસ દિવસે પપ્પાએ મોકલેલા પૈસા આવી જતા હતા. હોસ્ટેલના બીજા છોકરાઓના સરેરાશ માસિક ખર્ચ કરતાં થોડા વધારે પૈસા. મુન્નાને જરાય તકલીફ ન પડવી જોઈએ, યુ સી!

હું  હચમચી જતો એ વિચારે કે મને ચિક્કાર પ્રેમ કરતાં મારા મા-બાપને કશું દેખાતું નથી? મારી યાતના તેમના સુધી પહોંચતી કેમ નથી? હું એન્જિનીયરિંગમાં મારી મરજીથી ગયો હતો એ બરાબર છે, પણ શૈક્ષણિક નિષ્ફળતાની જે પરંપરા સર્જાઈ ગઈ છે તે જોયા પછી પણ એ સમજતાં નથી કે ક્યાંક કશુંક ખોટું થઈ રહ્યું છે? રજાઓમાં હું ઘરે જતો, મારા ‚મમાં પૂરાઈ રહેતો,  ચૂપ રહેતો, અંદર ને અંદર ધૂંધવાયા કરતો. એન્જિનીયરિંગનાં ચોપડાના ઘા કરીને હું ડાયરી લખવા બેસી જતો, ગુજરાતી સાહિત્યનાં પુસ્તકો અને છાપાં-સામયિકોની દુનિયામાં જબરદસ્ત પેશનથી ખોવાઈ જતો. મને સમજાતું નહીં કે હું કેમ આમ કરું છું? હું સખ્ખત મૂંઝાયેલો હતો, અપરિપક્વ હતો, બોલી શકતો ન હતો. મને કોઈનો હાથ જોઈતો હતો જે મને ખેંચીને બહાર કાઢી લે. હું ઈચ્છતો હતો કે કોઈ મને પામી લે અને પછી મને પણ સમજાવે કે ક્યાં શું અટકે છે. મમ્મી તો બિચારી એટલી બધી સરળ અને ભોળી હતી કે કંઈ વિશ્લેષણ ન કરી શકે, પણ પપ્પા? એ પણ કશું તારવી શકતા નથી?

આ નિભ્રાન્તિની પળ હતી. મને થતું કે આ કેવું વાત્સલ્ય? આ કેવો માતૃપ્રેમ ને પિતૃપ્રેમ? હું અંદરથી ભાંગીને ભૂક્કો થઈ રહ્યો છું એ હું સ્પષ્ટ શબ્દોમાં કહું તો જ એમને ખબર પડે? ન બોલું તો ન જ ખબર પડે? મારાં મા-બાપ, મારા જન્મદાતા મને વાંચી કેમ ન લે? જે મને દેખાતું નથી એ તેઓ કેમ જોઈ ન લે અને પછી મને કેમ રસ્તો ન ચીંધે? સંતાન દુખી હોય તો મા-બાપને ભણકારા વાગે, ટેલીપથી થઈ જાય... એ બધું શું છે? મને સમજાયું કે સંતાન કશીક મુસીબતમાં મૂકાય અને જોજનો દૂર મા ઊંઘમાંથી સટ્ટાક કરતી જાગી જાય એવું માત્ર ફિલ્મોમાં બને છે. વાસ્તવમાં દીકરો મૃત્યુની ધાર સુધી ફેંકાઈ ગયો હોય તો પણ ચોખ્ખા શબ્દોમાં કહે નહીં ત્યાં સુધી મા-બાપને ખબર પડતી નથી.

શું મારી અપેક્ષાઓ વધારે પડતી હતી? ખબર નથી. શું મેં સામેથી કમ્યુનિકેટ ન કયુર્ર્ં તે મારી એટલી મોટી ભૂલ હતી? મને નથી લાગતું.

ખેર, મમ્મી તો મમ્મી છે. એની સામે ફરિયાદનો વિચાર સુધ્ધાં ન હોય, પણ આ ઘટનાચક્રને લીધે કદાચ પપ્પા સાથે  માનસિક અંતર વધી ગયું હતું. પુત્રમોહમાં વહ્યા કરવાને બદલે એમણે મારું તટસ્થ મૂલ્યાંકન કરતા રહેવાની  વાસ્તવિક દષ્ટિ કેળવી હોત તો તે મારા માટે વધારે કલ્યાણકારી બનત. ક્યારેક એવો પણ વિચાર આવે છે કે પપ્પાએ મને એકાદ વાર કચકચાવીને લાફો ખેંચી દીધો હોત તો મારામાં ખોટી હવા ન ભરાત અને હું સીધો થઈ ગયો હોત. મારા પર પપ્પાની ધાક ક્યારેય નહોતી. આ ફીલિંગ હું ક્યારેક મિસ પણ કરતો. પુત્રપ્રેમ બરાબર છે પણ દીકરાને પિતાનો થોડો ડર જ‚ર હોવો જોઈએ.

ખેર, કાળી અંધારી ટનલનો છેડો આખરે આવ્યો. વેદનાનો તબક્કો ઓગળતો ગયો અને ક્રમશ: માનસિક સ્પષ્ટતા સપાટી પર આવતી ગઈ કે એન્જિનીયરિંગ મારા માટે છે જ નહીં. હું તો શબ્દોનો સાથી છું. મારે લખવું છે, પત્રકારત્વમાં જવું છે. આ વાત, આ નિર્ણય છેલ્લે છેલ્લે મમ્મી-પપ્પાને લાંબો વિગતવાર પત્ર લખીને કમ્યુનિકેટ પણ કર્યો. ભલે જૂની થઈ ગઈ હતી તોય મારી આત્મઘાતી વૃત્તિની, ફ્લાયઓવર બ્રિજવાળી વાત પણ કાગળમાં લખી હતી. એ વાંચીને મમ્મી-પપ્પા પર જાણે પહાડ તૂટી પડ્યો. આતંકિત થઈને તેઓ જામનગરથી વડોદરા ધસી આવ્યાં. પપ્પાએ કહ્યું: ‘તેં કહ્યું કેમ નહીં? અમને ખબર હોત કે તને એન્જિનીયરિંગ પસંદ નથી તો એ જ ઘડીએ તને પાછો બોલાવી લીધો હોત.’

હું કશું ન બોલ્યો. શું બોલું? જે નુક્સાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. જિંદગીના જે કઠિન પાઠ શીખવાના હતા તે મોટી કિંમત ચૂકવીને કદાચ શીખાઈ ગયા હતા. થોડા દિવસો પછી એન્જિનીયરિંગના છેલ્લા-આઠમા સેમેસ્ટરની થિયરી એક્ઝામ બન્ક કરીને હું મારી રીતે મુંબઈ આવી ગયો. જીવનનો પત્રકારત્વનો અને લેખનનો એક સંતોષકારક અધ્યાય આ રીતે શ‚ થયો.

                                          0  0  0

સ્થળાંતર પપ્પાની જેમ મેં પણ કયુર્ર્ં. પપ્પા નાના ગામડામાંથી જામનગર આવ્યા અને પોતાનો સંસાર વસાવ્યો હતો, તો હું નાના શહેરમાંથી મુંબઈ આવ્યો અને સેટલ થયો, પણ આ બન્નેમાં મને આસમાન-જમીનનો ફર્ક દેખાય છે. પપ્પાને જીવનમાં જે કર્યું તે મા-બાપના સપોર્ટ વગર કયુર્ર્ં, હૂંફ વગર કર્યું, આકરો સઘર્ષ કરીને મેળવ્યું. મારી પરિસ્થિતિ બિલકુલ વિપરિત હતી. હું મોઢે ચડાવેલો એકનો એક દીકરો હતો અને મારાં પેરેન્ટ્સ સતત મારી સાથે હતા. મુંબઈ આવ્યા પછી મને મારા કામ અને કરીઅર સિવાય બીજી કોઈ વાતમાં રસ નહોતો. પપ્પા-મમ્મીએ જો ધક્કા માર્યા ન હોત અને વઢ્યા ન હોત તો ઘર ખરીદવાનો વિચાર સુધ્ધાં આવ્યો ન હોત. એમનું લોજિક સાવ સાદું હતું: મુંબઈમાં રોટલો મળે, ઓટલો ન મળે. ઘરનું ઘર હોય તો તારું માગું લઈને આવતાં દીકરીઓનાં મા-બાપોને બહુ ધરપત રહે!

મુંબઈ આવ્યો એના ત્રીજા વર્ષે બેન્કની લોનથી અને પપ્પાની મદદથી દહીંસર વિસ્તારમાં મારો પહેલો ‘ઓટલો’ ખરીદાયો. થોડા વર્ષો પછી, પિંકી સાથે મારાં લગ્ન થઈ ગયાં પછી, પહેલું ઘર વેચીને અંધેરીમાં બીજો ફ્લેટ ખરીદ્યો. વધારે મોટો, વધારે સારો. દહીંસરથી અંધેરી બહુ મોટો જમ્પ હતો, પણ પપ્પા કહે: ‘વાંધો નહીં. લઈ લે!’ પપ્પા ભલે આ શબ્દોમાં બોલ્યા નહીં, પણ એમનું કહેવાનું એમ હતું કે, ‘પૈસાની ચિંતા ન કરતો. તું અટકી પડીશ તો... મૈં હૂં ના!’

બાપ સંતાનને શું આપી દેતો હોય છે? આ ‘મૈં હૂં ના’ની ધરપત. આ અંતિમ વિસામો છે. આ વજ્ર જેવું નક્કર આશ્વાસન છે. મરતા સુધી અનુભવાતી નિરાંત છે. મૈં હૂં ના! હું છું ને! જીવનમાં ગમે તેવા ભીષણ ઉતારચડાવ આવે, સંતાન અંદરથી જાણતો હોય છે કે મારો બાપ બેઠો છે, મને પડતો અટકાવવા માટે. હું દુનિયાનો સૌથી મોટો પાપી બની જઈશ તો પણ હું જેવો છું એવો સ્વીકારી લેવા માટે...

  મુંબઈ આવ્યા પછી જોકે મેં પાપો નહીં, પુરુષાર્થ કર્યો. પત્રકારત્વમાં મને મળી ગયેલી ત્વરિત સ્વીકૃતિ જોઈને પપ્પા અત્યંત રાજી હતા. શ‚આતના પહેલા કે બીજા વર્ષે એમણે મને એક લાંબો પત્ર લખ્યો હતો, મારા માટે તેઓ કેટલો ગર્વ અનુભવે છે તે લાગણી વ્યક્ત કરતો. એમને મારા એન્જિનીયરીંગમાં નહીં, મારી ખુશીમાં રસ હતો. મને યાદ છે, તે કાગળ વાંચીને હું મોંફાટ રડ્યો હતો. વડોદરાના નિષ્ફળ, દુખદાયી વર્ષો પછી હું ફરી પાછો એક વાર પપ્પાના ગર્વનું કારણ બની રહ્યો હતો. મેં તેમને નિરાશ કર્યા હતા, દુખી કર્યા હતા, મા-બાપની પરસેવાની કમાણી મેં વેડફી હતી, હું નાલાયક દીકરો બનીને ઉભર્યો હતો... પણ એ બધું હવે એક બાજુ ધકેલાઈ ગયું હતું. મને લાગે છે કે તે રુદનમાં પપ્પા સામેની મારી તમામ ફરિયાદો ધોવાઈ ગઈ, અપ્રસ્તુત બની ગઈ. પપ્પાને ફરી પાછી એમની ફેવરિટ એક્ટિવિટી મળી ગઈ હતી- દીકરાની ક્ષુલ્લક વાતનીય બીજાઓ સામે ઢોલનગારાં પીટી પીટીને વખાણ કરવાની. પણ હવે હું ચીડાતો નહોતો. મને સમજાતું કે પપ્પા એમના મુન્નાથી કમસે કમ વ્યથિત નથી. બહુ મોટી વાત હતી આ મારા માટે.

મમ્મીના મૃત્યુ પછી ભયાનક એકલતા અનુભવી રહેલા પપ્પાનો સ્વભાવ પાછલાં વર્ષોમાં બગડતો ગયો હતો. તેમની તાસીરની જલદતા પિંકીએ પણ સહેવી પડી હતી, પણ મારા પ્રત્યેનું એમનું વલણ ક્યારેય ન બદલાયું. એન્જિનીયરિંગવાળો એપિસોડ અને બીજા એકાદ-બે અપવાદોને બાદ કરતાં પપ્પા મારાથી કાયમ સંતુષ્ટ રહ્યા. તેમને મારાથી સંતોષ હતો તે સત્યની પ્રતીતિ મારા જીવનનો મોટો આનંદ છે. જીવનમાં કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી હોય તેવો આનંદ.

                                               0  0  0

Family: Shantau, Pinky and me


બાપને સારી રીતે સમજવા માટે જાતે બાપ બનવું પડતું હોય છે? પિતૃત્વના મેઘધનુષી રંગોમાંથી પસાર થયા વગર પિતૃત્વ પૂરેપૂરું સમજાતું હોતું નથી? કદાચ, હા. આજે શાંતનુ, મારો દીકરો, નવ વર્ષનો છે અને પપ્પા મને હવે વધારે સમજાય છે. પપ્પાની જે વાતોથી મને ગુસ્સો આવતો તે તમામ ‘દુર્ગુણો’ હું મારામાં જોઉં છું. પપ્પાને મારા માટે ઘેલછા હતી, મને શાંતનુ માટે મહા-ઘેલછા છે. પુત્રપ્રેમ વ્યક્ત કરવામાં પપ્પા એક્સપ્રેસિવ હતા, હું ઓવર-એક્સપ્રેસિવ છું. પપ્પાને મારી બહુ ફિકર થતી અને મને તો શાંતનુની અકારણ એટલી બધી ચિંતા રહે છે કે ક્યારેક સવાલ જાગે કે આ કોઈ  માનસિક બીમારી છે કે શું? હું બહુ વળગ-વળગ કરું એટલે શાંતનુ મોઢું બગાડે, ચીડાય, દૂર નાસી જાય... અને એ જોઈને મારાથી સ્મિત થઈ જાય છે. હવે પાસાં પલટાયાં છે. એક ચક્ર પૂરું થયું છે અને જિંદગીએ નવા સ્વ‚પમાં નવો ચકરાવો શ‚ થયો છે.

મમ્મી-પપ્પાને કોઈ અંગત મહત્ત્વાકાંક્ષા કે ધ્યેયો ક્યારેય નહોતાં. અમે ત્રણ સંતાનો સુખી રહીએ એ જ એમનું ધ્યેય. ક્યારેક ગિલ્ટ થઈ આવે છે. પપ્પા મને જીવનભર - અને મર્યા પછી પણ - સતત આપતા રહ્યા. મેં શું કર્યું પપ્પા માટે?  એવા તે ક્યાં સુખ આપી દીધા એમનેે? હવે સમજાય છે કે મા-બાપને કશુંય આપી શકવાની સંતાનની ક્યારેય હેસિયત હોતી જ નથી. સંતાન પોતાના જન્મની સાથે મા-બાપ માટે પ્રચંડ સુખ અને ધન્યતા લેતું આવે છે,  તેને મોટા થતા જોવાની પ્રક્રિયા પાર વગરની ખુશી અને સાર્થકતા પેદા કરે છે. બસ, સંતાન આટલું જ આપી શકતું હોય છે પોતાના જન્મદાતાને. સંતાને મા-બાપને જે આપવાનું છે તે કદાચ સમજણા થતા પહેલાં જ આપી દેતું હોય છે.

આજે હું વિચારું છું કે આટલા બધા અભાવો અને સંઘર્ષ વચ્ચે દાયકાઓ વીતાવ્યા પછી પણ પપ્પાએ મારા માટે જે કર્યું તે બધું, એટલી કક્ષાનું, હું મારા દીકરા માટે કરી શકીશ? એમનું વિઝન, તેમની આયોજનશક્તિ મારામાં છે? મને લાગે છે કે પ્રેરણા માટે આમતેમ હવાતિયાં મારવાની, ‘મોટા મોટા માણસો’ને અનુસરવાની  કે પ્રેરણાનાં પુસ્તકો  ઊથલાવવાની કશી જ‚ર જ નથી. મારા પોતાના પિતા, એમનું જીવન કાફી છે મને જિંદગીના પાઠ શીખવવા માટે. એમની ભૂલોમાંથી પણ શીખવાનું છે. હા, મને ખબર છે  તે શાંતનુ માટે ગમે તેટલી ઘેલછા કેમ ન હોય, પણ તેને તટસ્થતાથી સમજતા રહેવાની મારી ક્ષમતાને હું ક્યારેય પાંગળી થવા નહીં દઉં.  

લાગણીના સ્તરે પપ્પા કરતાં મમ્મીથી હંમેશા વધારે નિકટ રહ્યો છું, પણ આજે જ્યારે બન્ને હયાત નથી ત્યારે, કોણ જાણે કેમ, પપ્પાને વધારે મિસ કરુ છું. કશુંક સરસ બને ત્યારે, ફ્લેટ રિનોવેટ કર્યો ત્યારે, કાર ખરીદી ત્યારે પપ્પા અત્યારે હોત તો કેટલા રાજી થયા હોત એ કલ્પના બહુ મીઠી લાગે છે. પણ મમ્મી-પપ્પા મૃત્યુ પામ્યાં પછીય ક્યાંય જતાં નથી. તેમની છત્રછાયા હંમેશા માથા પર હોય છે, તેમનું ‘મૈં હૂં ના’ હંમેશા સાથે રહે છે. તેઓ હંમેશા હોય છે તમારી રક્ષા કરવા માટે, કોઈ તમારું અહિત ન કરી જાય તે જોવા માટે. આ વાત મેં કેટલીય વાર અનુભવી છે.

કેટલીય વાર મૂંઝાઉં ત્યારે મનોમન મમ્મી-પપ્પાની સલાહ લઉં છું અને તેઓ જાણે મારું માગદર્શન કરતા હોય તેવું નક્કરપણે અનુભવું છું. મૃત્યુ પામેલાં મા-બાપ મારા ‘પર્સનલ ગૉડ’ છે. મારા દીકરાના સુખી ભવિષ્ય માટે મારે શું શું કરવાનું છે તેની સમજણનું જીવનભરનું ભાથું જાણે કે પપ્પાએ મને આપી દીધું છે. એક પિતા તરીકે મારે મારા પપ્પાની કક્ષાએ પહોંચવાનું છે. તે સિવાય પણ એમના જેવી બીજી કેટલીય કાબેલિયત મારે કેળવવાની છે. જીવનમાં અમુક સાચા નિર્ણયો લઈ શક્યો તેનું કારણ પપ્પાના સંસ્કારો અને વારસો હતો એવું તે વખતે નહોતું સમજાતું, હવે સમજાય છે...

...અને એ પણ સમજાય છે કે અભાનપણે મેં પપ્પાને હંમેશા મારા રોલમોડલ તરીકે સ્વીકાર્યા હતા, પણ અકારણ ગુમાનમાં, બેવકૂફીભરી ગુરુતાગ્ર્ાંથિની ગરમીમાં મને એ સમજાતું નહોતું. હવે સ્પષ્ટપણે સમજાઈ રહ્યું છે.

આજે સભાનપણે કબૂલાત કરી શકું છું કે પપ્પા મારા રોલમોડલ છે... મારા પહેલા અને અંતિમ રોલમોડલ.                                                                                                                    0 0 0



                                                             











Tuesday, January 29, 2013

મણિનગરથી મેનહાટન સુધી


ચિત્રલેખા - અંક તા. 28 January 2013

કોલમ: વાંચવા જેવું


                                                                                                                              
વાન્ડા નામની એક વેશ્યા છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહે છે. કાળી પણ કામણગારી છે. બે છોકરાની માતા છે. એનામાં ધમધમતો રુઆબ પણ છે અને પાંત્રીસ વર્ષની ઉંમરમાં ભેગો થઈ ગયેલો સિત્તેર-એંસી વર્ષનો થાક પણ છે. એ નાની હતી ત્યારે મા-બાપ બેય કોકેન વેચવાનો ધંધો કરતાં. બાર વર્ષની થઈ ત્યારે શિયાળાની એક રાત્રે સગા બાપે એનો ઉપભોગ કર્યો, એક રાક્ષસની જેમ. આ સિલસિલો લાગલગાટ બે વર્ષ ચાલ્યો. એક રાતે બાપ બે દોસ્તારોને લઈને એના રુમમાં પ્રવેશ્યો. વાન્ડા બારીમાંથી ભુસકો મારીને છટકી ગઈ. ભયે એને ભાગતી કરી મૂકી. આખરે હારી થાકીને વેશ્યા બની.

બે દાયકા પછી પેન્સિલવેનિયાની સ્ટેટ જેલમાંથી સંદેશો આવે છે કે તમારો એઈડ્સગ્રસ્ત બાપ મરવા પડ્યો છે. જો કોર્ટમાં અરજી કરશો તો જીવનના છેલ્લા દિવસો એ કુટુંબ સાથે ગાળી શકશે. વાન્ડાને થાય છે કે જેવો છે એવો, બાપ છે મારો, લાચાર છે. એ કાનૂની વિધિ કરે છે, બાપને છોડાવે છે, એના છેલ્લા દિવસો સુખથી ભરી દે છે. બાપ કબૂલે છે કે દીકરી, મેં તારી જિંદગી છૂંદી નાખી, પણ તેં તો મારું મોત સુધારી દીધું. તું મારી દીકરીને બદલે સાક્ષાત મા બની ગઈ. બની શકે તો મને માફ કરજે. આટલું કહીને બાપ હંમેશ માટે આંખો મીંચી દે છે

સુચિ વ્યાસે લખેલી આ હૃદયદ્વાવક સત્યકથનાત્મક કહાણી આનંદયાત્રા - ગુર્જરી ડાયજેસ્ટના પચીસ વર્ષ પુસ્તકનો એક અંશ છેગુર્જરી ડાયજેસ્ટ એટલે, મધુ રાયના શબ્દોમાં કહીએ તો, અમેરિકાવાસી ગુજરાતી લેખકોને લાડ કરતું અને પોષણ આપતું કોડીલું મેગેઝિન. આ પુસ્તક એટલે અમેરિકામાં વસતા ગુજરાતી લેખકોના પચીસ વર્ષનો માટીડા જેવો જુવાન ચહેરો. પચીસ વર્ષની યાત્રા દરમિયાન આ સામયિકમાં છપાયેલા અસંખ્ય અભ્યાસલેખો, વાર્તાઓ, કવિતાઓ, નિબંધો અને પ્રતિભાવોમાંથી ઉત્તમ સામગ્રી ચૂંટીને એનો આખેઆખો બૂફે પુસ્તકમાં પેશ કરવામાં આવ્યો છે

કેટકેટલા લેખકો અને કેટકેટલી કલમો. મધુ રાયની હરિયા શ્રેણીની અફલાતૂન નવલિકા જુઠ્ઠાઈ તરત ધ્યાન ખેંચે છે. મન-હૃદયના ભાવો અને લાગણીઓને યથાતથ કમ્યુનિકેટ કરવા માટે શબ્દો અને ભાષા ટૂંકા પડે છે એની આમાં વાત છે. લેખક એમની લાક્ષણિક શૈલીમાં ભગવાનના મોઢે હરિયાને ઉદ્ેશીને બોલાવડાવે છે કે, જુઠ્ઠાઈ તો સંબંધોની સિમેન્ટ છે, ગાંડા. એના વિના દુનિયા ન ચાલે, જુઠ્ઠાઈ વિના બધું કડડભૂસ થઈને ભાંગી પડે. ધોતિયામાં બધા નાગા! ગગા, શબ્દો જુઠ્ઠાઈનાં ધોતિયાં પહેરે છે.



કિશોર રાવળ લિખિત ટુ બી ઓર નોટ ટુ બીમાં સ્કૂલટીચર મિસિસ રુથ ઈઝો કેટલી સરસ વાત કરે છે: જીવનના સોગઠાં અવળાં પડે કે માણસ ગમે તેટલી ભુલ કરી બેસે તે છતાં એને આનંદ માણવાનો હક સૌને પૂરો છે અને કોઈએ એ જતો કરવો ન જોઈએ.  કન પટેલમાં ભોળી પત્નીને ભૂલી જઈને અમેરિકનને પરણી જતા અને પછી અહીંનું અહીં જ ભોગવતા પ્રોફેસરની કહાણી છે.

કવિતા વિભાગમાં ગીત, છંદોબદ્ધ, અછાંદસ, ગઝલ એવાં રીતસર વિભાજન થયાં છે. ચંદ્રકાન્ત શાહ અહીં ડિઝાઈનર લેબલ્સનું ગીત ગાય છે. વિજય દોશી શ્રદ્ધાંધને કોલોરોડોની કોતરોમાં પાર્વતીના નર્તનનો ઝણકાર સંભળાય છે, તો હિમાંશુ પટેલ ન્યુયોર્કના મેનહાટનને એના દાંતાવાળા મિશ્રણ સહિત સ્વીકારે છે ને ચાહે છે. વિરાફ કાપડિયાએ પોતાની કવિતામાં એક સુંદર શબ્દપ્રયોગ કર્યો છે- ભૂમિસ્વામીત્વ. પ્રશાંત પટેલ કલ્પના કરે છે કે જુગટું હાર્યા પછી પાંડવો દેશવટો ભોગવવા અમેરિકા આવ્યા છે

પ્રીતિ સેનગુપ્તા કર્મભૂમિ-મર્મભૂમિ લેખમાં સ્વાનુભાવને ટાંકતા કહે છે કે, શરુઆતમાં અમેરિકામાં કાંઈ ગમતું નહીં. દેશઝુરાપો અને દેશપ્રેમ તો એવો કે હું સાવ અન્યાયી અને એકપક્ષી બની ગઈ હતી. અમેરિકાનું બધું જુદું તો લાગતું જ, પણ ખરાબ પણ લાગતું. જાણે કશું ન ગમાડવાનો નિર્ણય કર્યો હતો. પણ પછી તો એ ખૂબ ઘુમ્યાં. અમેરિકાની વિસંગતીઓમાં તર્કયુક્તતા જોતાં થયાં. એકસમાન દેખાતી બાબતોમાં પણ આંખો પહોળી થઈ જાય એટલું વૈવિધ્ય જોઈ શક્યાં. આમ કરતાં કરતાં દેશની કંઈક સમજણ પડી. ગમી જાય એનો આનંદ માણી શકાય, અને ન ગમે તેને સહન કરી શકાય એવી સમજણ. લેખિકા ઉમેરે છે કે, ભારતમાં કદાચ એવો ખ્યાલ પ્રવર્તે છે કે અમેરિકામાં આવી વસનારાં બધાં બદલાઈ જતાં હોય છે - રીઢા, ધનપ્રેમી અને ભૌતિકવાદી થઈ જતા હોય છે. અહીં બધા બદલાય છે એવું નથી હોતું, ને તે જ રીતે ભારતમાં રહેનારું કોઈ બદલાતું જ નથી તેવું પણ નથી હોતું.



આ ડાયાસ્પોરા સાહિત્ય છે. પુસ્તકમાં એનઆરઆઈ સાથે સંકળાયેલાં ક્લિશે એટલે કે બીબાંઢાળપણું ક્યાંક ક્યાંક જરુર ડોકાય છે. એ જોકે સ્વાભાવિક પણ છે. મજાની વાત એ છે કે લાગણીના આવેશમાં કંડારાયેલા લખાણમાંથી સાહિત્યિક પીઢતા તરફની ગતિ પણ સ્પષ્ટ વર્તાય છે. સંપાદક કિશોર દેસાઈ આ મામલે પૂરેપૂરા સભાન છે. તેથી જ એક જગ્યાએ એ નોર્થ અમેરિકન લેખકોને ઉદ્દેશીને લખે છે:

ભારતનું વાતાવરણ, ઘરઝુરાપો અને એવા માહોલમાં લખવાના આકર્ષણને દેશવટો આપો. તમારા કથાનાયક કે નાયિકાને બોરીવલીથી ચર્ચગેટ કે વડોદરાથી અમદાવાદને બદલે ન્યુયોર્કથી ટોરન્ટો કે લોસ એન્જલસથી લાસ વેગાસ કે સાન ફ્રાન્સિસ્કો જેવા સ્થળે વિહરવા દો. ગોકુળ કે વૃંદાવનની કુંજગલીઓમાં વિહરતા કાનજીને થોડા સમય માટે વિરામ આપો અને અહીંની હડસન, મિસીસિપી કે કોલોરાડો જેવી નદીઓમાં છબછબિયા કરવા દો... આ માત્ર તમારી જવાબદારી જ નહીં, પણ સમયની માગ પણ છે.

આ દળદાર પુસ્તક જહેમતપૂર્વક તૈયાર થયુંં છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓની માનસિકતા અને ભાવવિશ્વને સમજવા માટે એ  દૂરબીન અને માઈક્રોસ્કોપ બન્નેનું કામ કરે છે. વાંચવું અને મમળાવવું ગમે એવું સુંદર પુસ્તક.                                                                                        ૦ ૦ ૦


                                                            આનંદયાત્રા                                
સંપાદકકિશોર દેસાઈ
        પ્રકાશકગુર્જરી ચેરિટેબલ સોસાયટીમુંબઈ-૯૨
વિક્રેતા:  રંગદ્વાર પ્રકાશનઅમદાવાદ-
ફોન: (૦૭૯૨૭૯૧ ૩૩૪૪
કિંમત:  ૨૦૦ /
પૃષ્ઠ૫૯૮





Saturday, January 19, 2013

એન્ડ ઓસ્કર ગોઝ ટુ...


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 20 જાન્યુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 ઓસ્કરની સિઝન જામી ચૂકી છે. આ વખતે કઈ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે?  



વર્ષે ઓસ્કરની બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નવ ફિલ્મો સામેલ છે. કઈ ફિલ્મ બાજી મારી જશે? શું છે આ ફિલ્મોમાં? પ્રત્યેકની વાત કરીએ, વન-બાય-વન.



લિંકન: ફિલ્મમાં શું હશે એ સમજવા માટે સિર્ફ નામ હી કાફી હૈ. આપણા સૌના ફેવરિટ સ્ટીવન સ્પીલબર્ગ એના ડિરેક્ટર-પ્રોડ્યુસર છે. ડોરિસ ગુડવિન નામની લેખિકાએ ‘ટીમ ઓફ રાઈવલ્સ’ નામના પુસ્તકમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની જીવનકથા આલેખી હતી, જે આ ફિલ્મનો મુખ્ય આધાર છે. ફિલ્મને 12 ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. ‘લિંકન’ને જોકે સાત-સાત ગોલ્ડન ગ્લોબ નોમિનેશન્સ પણ જાહેર થયાં હતાં, પણ જીત્યો ફક્ત એક - બેસ્ટ એક્ટર (ડેનિયલ ડે-લેવિસ), ટાઈટલ રોલ માટે. જોઈએ, ઓસ્કરમાં આ ફિલ્મ કેવુંક જોર કરે છે.



લાઈફ ઓફ પાઈ: એન્ગ લીની આ અફલાતૂન ફિલ્મ લગભગ ભારતીય છે, ‘સ્લમડોગ મિલિયોનેર’ની જેમ. ફિલ્મમાં તબુ છે, ઈરફાન ખાન છે, નવોદિત સૂરજ શર્મા છે, બેંગાલી ટાઈગર છે અને ‘જેને રામ રાખે એને કોણ ચાખે’ પ્રકારની આધ્યાત્મિક ફિલોસોફી પણ છે. એક તરુણ અને ખૂંખાર વાઘ ભરદરિયે જે રીતે લાગલગાટ 227 દિવસ સુધી જીવસટોસટની બાજી ખેલે છે  તે વાત એટલી સરસ રીતે પેશ થઈ છે કે દર્શકની આંખો ચાર થઈ જાય. આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં નિરાંતે વાત કરી ચૂક્યા છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 18 નવેમ્બર 2012) અને ઘણા વાચકો બિગ સ્ક્રીન પર તેને માણી પણ ચૂક્યા છે. આ વર્ષના ઓસ્કરમાં ‘લાઈફ ઓફ પાઈ’ મોસ્ટ ફેવરિટ ગણાય છે. જોકે તે એક જ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ જીતી શકી છે -  બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો. ‘સ્લમડોગ મિલિયોનર’ને દસ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. એમાંથી આઠ અવોર્ડ એણે જીતી લીધેલાં. ‘લાઈફ ઓફ પાઈ’ને 11 નોમિનેશન્સ મળ્યાં છે. તે ‘સ્લમડોગ...’ જેવો સપાટો બોલાવી શકશે? લેટ્સ સી.



સિલ્વર લાઈનિંગ્સ પ્લેબૂક: આ એક સરસ મજાની રોમેન્ટિક કોમેડી છે. ફિલ્મનો હીરો તાજો તાજો પાગલખાનામાંથી છૂટ્યો છે.  એણે પોતાની પત્નીના પ્રેમીને બરાબરનો ધીબેડ્યો હતો. પછી નિદાન થયું કે હીરો બાપડો બાયપોલર ડિસઓર્ડર નામના માનસિક રોગથી પીડાય છે. એ પાગલખાનામાંથી મા-બાપ પાસે આવી તો ગયો પણ એનું પાગલપણું પૂરેપૂરું ગયું નથી. એને હવે કોઈ પણ ભોગે પત્ની પાછી જોઈએ છે. દરમિયાન એનો ભેટો એક અતરંગી સ્ત્રી સાથે થાય છે. એ તો આના કરતાંય મોટી પાગલ છે. ‘હેંગઓવર’ ફેમ બ્રેડલી કૂપર મુખ્ય ભુમિકામાં છે. એના પિતાના રોલમાં રોબર્ટ દ નીરોને જોવા એક લહાવો છે. ફિલ્મમાં અનુપમ ખેર પણ છે, ગુજરાતી માનસચિકિત્સકના રોલમાં. ઓસ્કર નોમિનેશન્સની સંખ્યા? આઠ. હિરોઈન જેનિફર લોરેન્સ ઓલરેડી બેસ્ટ એક્ટ્રેસનો ગોલ્ડન ગ્લોબ જીતીને બેઠી છે.



લે મિઝરેબલ્સ: ખાસ નોંધ. આ ફિલ્મના ફ્રેન્ચ ટાઈટલનું સાચું ઉચ્ચારણ કેમેય કરીને ગુજરાતી લિપિમાં લખી શકાય એમ નથી એટલે હાલપૂરતું ‘લે મિઝરેબલ્સ’થી ચલાવજો. મૂળ આ વિક્ટર હ્યુગોની નવલકથાનું નામ છે. બિનફ્રેન્ચો જોકે ઘણું કરીને એ આ જ રીતે બોલે છે. એની વે. આ એક હળવી મ્યુઝિકલ ફિલ્મ છે. ઓગણીસમી સદીના લગભગ પ્રારંભમાં જ્યોં નામનો એક કેદી ઓગણીસ વર્ષના જેલવાસ પછી મુક્ત થાય છે. ધીમે ધીમે એ પોતાની ઓળખ ઊભી કરે છે. પોતાની અનૌરસ દીકરીની સંભાળ લેતા લેતા ફ્રાન્સના એક નગરનો મેયર સુદ્ધાં બને છે. જોકે એક પોલીસ ઈન્સપેક્ટર (અદભુત રસલ ક્રો) એની પાછળ આદુ ખાઈને પડ્યો છે. રાજકીય ઉથલપાથલના પશ્ચાદભૂમાં આકાર લેતી આ કથા 17 વર્ષના અંતરાલમાં ફેલાય છે. આ ફિલ્મને આઠ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. એણે ચાર મહત્ત્વનાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ ઓલરેડી જીતી લીધા છે.



અર્ગો: આ એક અમેરિકન થ્રિલર છે. હેન્ડસમ હીરો બેન એફ્લેક એનો ડિરેક્ટર છે. 2007માં પ્રકાશિત થયેલા એક લેખના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. વાત એમ હતી કે 1979માં ઈરાન ખાતની અમેરિકન એમ્બેસી પર સ્થાનિક ક્રાંતિકારીઓએ હલ્લો કરીને કેટલાય અમેરિકનોને બંદી બનાવીને લઈ ગયા હતા. છ અમેરિકનો જોકે છટકવામાં સફળ રહ્યા. એમને ઈરાનમાંથી બહાર કેવી રીતે કાઢવા? સીઆઈએ એક દિલધડક પ્લાન ઘડી કાઢે છે. કેનેડિયન ફિલ્મના શૂટિંગના બહાને સીઆઈએની ટોળકી ઈરાન પહોંચી જાય છે. એમનો ઉદ્દેશ એક જ છે - શૂટિંગનું નાટક કરતા રહીને પેલા છ અમેરિકનોનું  ‘સ્મગલિંગ’ કરીને દેશભેગા કરવા.  આ ફિલ્મને સાત ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.



જેન્ગો અનચેઈન્ડ: આ ફિલ્મના હોટશોટ ડિરેક્ટર છે, ક્વેન્ટિન ટેરેન્ટિનો. ‘ટાઈટેનિક’ ફેમ લિયોનાર્ડો દકેપ્રિયો અહીં નેગેટિવ રોલમાં છે. વાર્તાનો સમયગાળો ઓગણીસમી સદીનો છે. જેન્ગો એક મુક્ત થઈ ગયેલો ગુલામ છે, જેની પત્ની એક ક્રૂર અને ધનવાન આદમી (લિઓનાર્ડો)ના સકંજામાં છે. જેન્ગોનું મિશન છે, કોઈ પણ ભોગે પત્નીને છોડાવવી. આ ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. તાજેતરમાં ઘોષિત થયેલા ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝમાં આ ફિલ્મે બેસ્ટ સપોટિર્ંગ એક્ટર (ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ) અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટેના પુરસ્કાર ઓલરેડી જીતી લીધા છે.



આમોર: અહા, આ અદભુત ફ્રેન્ચ વિશે આપણે આ કોલમમાં વિગતવાર વાત કરી ચૂક્યાં છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 4 નવેમ્બર 2012). એંસીના દાયકામાં પ્રવેશી ચુકેલાં પતિ-પત્ની છે. પેરિસનાં એક નાનકડાં પણ સરસ મજાના ફ્લેટમાં એકલાં રહે છે. બન્ને વચ્ચે ગજબનો મનમેળ છે. અચાનક ડોસીમાનું અડધું શરીર પેરેલાઈઝ્ડ થઈ જાય છે. એમનું શાંત, ગોઠવાયેલું જીવન વેરવિખેર થઈ જાય છે. બીમારી એટલી હદે તીવ્ર બની જાય છે કે... આ હૃદયદ્રાવક ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. આ વર્ષે ઓસ્કરમાં બેસ્ટ એક્ટ્રેસની રેસમાં એક છેડા પર ‘બીસ્ટ્સ ઓફ સધર્ન વાઈલ્ડ’ની નવ વર્ષની બાળ અભિનેત્રી છે તો તદ્ન વિરુદ્ધ અંતિમ પર ‘આમોર’નાં 85 વર્ષીય ઈમેન્યુએલ રીવા છે. બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર માટે નામાંકિત થનારાં એ અત્યાર સુધીનાં સૌથી સિનિયર અભિનેત્રી છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ ઓલરેડી મળી ચૂક્યો છે.



ઝીરો ડાર્ક થર્ટી: આ એક સ્પાય-થ્રિલર છે. અમેરિકાએ જે રીતે ઓસામા બિન લાદેનનો ખાત્મો કર્યો એનું આ ફિલ્મમાં દિલધડક ચિત્રણ છે. ઓસ્કર વિનર ‘ધ હર્ટ લોકર’નાં ડિરેક્ટર કેથરીન બિગેલોએ  આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું સારું એવું શૂટિંગ ભારતમાં પણ થયું હતું. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. એણે ચાર ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ ઓલરેડી જીતી લીધા છે.




બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઈલ્ડ: આ એક ફેન્ટસી ફિલ્મ છે, જે ‘જ્યુસી એન્ડ ડેલિશિયસ’ નામના એકાંકી પર આધારિત છે. આ ફિલ્મમાં એક તામસી સ્વભાવના બાપ અને એની છ વર્ષની દીકરીની વાત છે. તેઓ ધરતીના સાવ છેડે ધ્રુવપ્રદેશમાં રહે છે. બરફ પીગળે ત્યારે ઓરોચસ નામના ખૂંખાર જનાવર ગાંડા થાય છે, જેમનાથી કેવી રીતે બચવું એ અહીં સ્કૂલોમાં બચ્ચાઓને શીખવવામાં આવે છે. બને છે એવું કે બાપ સખ્ખત માંદો પડે છે. એ હવે ઝાઝું જીવે એમ નથી. આવી હાલતમાં દીકરી પોતાની વિખૂટી પડી ગયેલી માને શોધવા નીકળી પડે છે. આ ફિલ્મને ચાર ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. દીકરીનો રોલ કરનાર ક્વેન્ઝહેન વોલિસ માત્ર નવ વર્ષની બેબલી છે, પણ એનેે બેસ્ટ એક્ટ્રેસ માટેનું નોમિનેશન મળ્યું છે! ઓસ્કારના ઈતિહાસમાં આટલી નાની એક્ટ્રેસનું અગાઉ ક્યારેય નામાંકન થયું નથી.

85મા ઓસ્કર અવોર્ડ સમારોહ 24 ફેબ્રુઆરીના રોજ લાઈવ ટેલિકોસ્ટ થશે. તમારી ડાયરીમાં નોંધી રાખજો.

શો-સ્ટોપર

મારી કેટલીય ફિલ્મો એવી છે જે પચાસ વર્ષ પહેલાં બની હોત તો પણ ચાલી જાત. એટલા માટે તો હું કહું છું કે હું થોડો જુનવાણી માણસ છું.

- સ્ટીવન સ્પીલબર્ગ (ફિલ્મમેકર)

Friday, January 18, 2013

હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૬: ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’ : ગાતા રહે મેરા દિલ...


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૧૬ જાન્યુઆરી ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આપણી ફિલ્મોનાં સોંગ એન્ડ ડાન્સ રુટિન માટે આપણે જરાય સંકોચ અનુભવવાની જરુર નથી, કારણે કે હોલીવૂડ જ્યારે મ્યુઝિકલ બનાવે છે ત્યારે ગીતોનો રીતસર વરસાદ વરસાવી દે છે. જેમકે, આ યાદગાર અમેરિકન ફિલ્મમાં પૂરાં ૩૦ ગીતો છે!




ફિલ્મ નંબર ૬: ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક
જે એક અફલાતૂન મ્યુઝિકલ ફિલ્મની વાત કરીએ. તે મારિયા વોન ટ્રેપ લિખિત પુસ્તક ધ સ્ટોરી ઓફ ધ ટ્રેપ ફેમિલી સિંગર્સ પર આધારિત છે. આ પુસ્તક પરથી પહેલાં બ્રોડવે પર ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક નામનું હિટ મ્યુઝિકલ બન્યું અને પછી એ જ નામની ફિલ્મ બની. મા વગરનાં સાત બચ્ચાં, કડક બાપ, બાળકોની સારસંભાળ માટે લાવવામાં આવતી પતંગિયા જેવી નટખટ આયા અને ક્રમશ: બદલાતું જતું ઘરનું વાતાવરણ - આ થીમ અને એના પરથી બનેલી ફિલ્મ બન્ને એવરગ્રીન છે.

ફિલ્મમાં શું છે?

વાત ઓસ્ટ્રિયાના ખૂબસૂરત શહેર સાલ્ઝબર્ગની છે. કેપ્ટન વોન ટ્રેપ (ક્રિસ્ટોફર પ્લમર) એક વિધુર અને રિટાયર્ડ નેવલ ઓફિસર છે. એમને સાત બાળકો છે. મિજાજ લશ્કરી ધરાવતા કેપ્ટને ઘરમાં પણ વધુ પડતી શિસ્તનું વાતાવરણ લાદી દીધું છે. સંતાનો એનાથી ફફડે છે. બીજી બાજુ, મારિયા (જુલી એન્ડ્રુઝ) નામની ચુલબુલી યુવતી છે, જે એક કોન્વેન્ટમાં નન બનવા માટે તાલીમ લઈ રહી છે. મારિયાની હાલત પણ પેલાં છોકરાંવ જેવી છે. એનો મૂળ સ્વભાવ હસતાં-ગાતાં રહેવાનો છે, પણ ખ્રિસ્તી સાધ્વી બનવાનું છે એટલે એણે ધરાર ડિસીપ્લીનમાં રહેવું પડે છે. કેપ્ટન ટ્રેપને સંતાનો માટે આયાની જરુર છે. એ વડાં સાધ્વી એટલે કે મધર અબેસ (પેગી વૂડ)ને વાત કરે છે. વડાં સાધ્વી મારિયાને કેપ્ટનનાં ઘરે મોકલી આપે છે.

મારિયા તરત નોંધે છે કે કેપ્ટનને સંતાનો સાથે પ્રેમાળ બાપ જેવું વર્તન કરતાં આવડતું જ નથી. એ ઘરમાં ય વ્હીસલ મારે છે, કડકાઈથી આદેશ છોડે છે અને છોકરાઓ સેઈલર-સુટનો યુનિફોર્મ પહેરે એવો આગ્રહ રાખે છે. શરુઆતમાં પલટનને આયા દીઠી ગમતી નથી, પણ મારિયા કુનેહપૂર્વક સૌથી સાથે દોસ્તી કરી લે છે. સૌથી મોટી સોળ વર્ષની દીકરીને (જેને એક બોયફ્રેન્ડ પણ છે) એ કહે છે કે તને આ ઉંમરે ભલે ગર્વનેસની જરુર ન હોય, પણ હું તારી ફ્રેન્ડ તો બની જ શકુંને! મારિયા સૌને ગાતાં શીખવે છે, વાદ્યો વગાડતાં શીખવે છે. અત્યાર સુધી શુષ્કતા વચ્ચે જીવી રહેલાં ભાઈબહેનોનું જાણે જીવન પલટાઈ જાય છે. ઘરનો માહોલ બદલે છે. કેપ્ટન પણ સંતાનોની નિકટ આવે છે. કેપ્ટનને સમજાય છે કે મારિયાએ પોતાનાં સંતાનોને આઝાદીનો જે અહેસાસ કરાવ્યો છે એ કેટલો મૂલ્યવાન છે.



ક્ેપ્ટનના જીવનમાં એક સ્ત્રી પણ છે - પૈસાદાર અને સોફિસ્ટીકેટેડ સોશ્યલાઈટ બેરોનેસ (ઈલેનોર પાર્કર), પણ કેપ્ટન હવે મારિયા તરફ  ઢળી રહ્યા છે. એ મારિયાના પ્રેમમાં પડે છે. મારિયા પણ કેપ્ટન તરફ ખેંચાઈ રહી છે. એણે તો સાધ્વી બનવાનું છે. એ કોઈ પુરુષના પ્રેમમાં કેવી રીતે પડી શકે? મૂંઝાયેલી મારિયા ઘર છોડીને પાછી કોન્વેન્ટમાં આવી જાય છે. મધર અબેસ એને સમજાવે છે કે તું પરિસ્થિતિથી ભાગ નહીં, એનો સામનો કર. મધર જાણે છે કે મારિયામાં નન બનવાનાં લક્ષણ આમેય પહેલેથી જ નહોતાં! મારિયા પાછી કેપ્ટનના ઘરે આવે છે, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું છે. પેલી સોશ્યલાઈટ બેરોનેસ સાથે કેપ્ટને સગાઈ કરી નાખી છે. કેપ્ટન જોકે બેરોનેસ પાસે નિખાલસતાથી કબૂલે છે કે પોતે મારિયાને પ્રેમ કરે છે. બેરોનેસ કહે છે: મને તો પહેલાંથી આ વાતની ગંધ આવી ગઈ હતી. એ સગાઈ તોડી નાખે છે. મારિયા અને કેપ્ટનનાં ધામધૂમથી લગ્ન થાય છે

ના, આ ઍન્ડ નથી. પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત. વરઘોડિયાં હનીમૂન માટે પેરિસ ઉપડી જાય છે. પાછળ બચ્ચેલોગ સાલ્ઝબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલની તૈયારીમાં બિઝી થઈ જાય છે. કેપ્ટન અને મારિયા પાછાં ફરે છે ત્યાં સુધીમાં દેશની પરિસ્થિતિ બદલાઈ ચૂકી હોય છે.  



કેપ્ટનને આદેશ મળે છે કે તમારે બને એટલા જલદી જર્મન નેવલ હેડક્વાર્ટરમાં હાજર થઈ જવાનું છે. નાઝીવાદના વિરોધી એવા કેપ્ટનની આ આદેશને અનુસરવાની બિલકુલ ઈચ્છા નથી. જોકે નાઝી ગાર્ડસની નજરમાંથી બચવું મુશ્કેલ છે. કેપ્ટન એમને કહે છે કે આજે રાતે યોજાયેલા સાલ્ઝબર્ગ મ્યુઝિક ફેસ્ટિવલમાં મારા આખા પરિવારે ભાગ લીધો છે અને અમારું ત્યાં જવું જરુરી છે. એમને કહેવામાં આવે છે કે કે ઠીક છે, તમારું પર્ફોર્મન્સ પતાવી લો અને પછી સત્વરે જર્મની માટે રવાના થઈ જાઓ. ફેસ્ટિવલમાં તેઓ જે ગીત પર્ફોર્મ કરે છે એની કોરિયોગ્રાફી એવી છે કે એક પછી એક સૌને છટકતા જવાનો મોકો મળે છે. વિજેતાઓની ઘોષણા થાય છે એ દરમિયાન સૌ ગાયબ થઈ જાય છે. પહેલાં તેઓ કોન્વેન્ટમાં છુપાય છે, નાઝી સૈનિકો સાથે થોડો સંઘર્ષ પણ થાય છે, પણ મધર અને અન્ય સાધ્વીઓની મદદથી ભાગવામાં સફળ થાય છે. ફિલ્મના અંતિમ દશ્યમાં તેઓ આલ્પ્સના પહાડી રસ્તે સ્વિત્ઝર્લેન્ડ તરફ જતાં દેખાય છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મની ઓફર થઈ ત્યારે ડિરેક્ટર રોબર્ટ વાઈઝે પહેલાં તો ના પાડી દીધી હતી. એમને આ ફિલ્મની વાર્તા વધુ પડતી મીઠી અને સુષ્ઠુ સુષ્ઠુ લાગી. એમના ઈન્કાર પછી રોમન હોલીડેવાળા વિલિયમ વાઈલરને પસંદ કરવામાં આવ્યા. કોઈક કારણસર તેમણે પ્રોજેક્ટ છોડ્યો અને તેમના સ્થાને પાછા રોબર્ટ વાઈઝ ગોઠવાઈ ગયા. એક્ટ્રેસ જુલી એન્ડ્રુઝે અગાઉ માય ફેર લેડીના બ્રોડવે વર્ઝનમાં કામ કર્યું હતું. ેમેઈન હિરોઈન તરીકે રોબર્ટ વાઈઝની ફર્સ્ટ ચોઈસ એ જ હતી. ફિલ્મી દુનિયામાં જુલી હજુ નવી હતી. એની પહેલી ફિલ્મ મેરી પોપિન્સ હજુ સુધી રિલીઝ થઈ નહોતી.



ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક રિલીઝ થઈ ત્યારે ખાસ કરીને બ્રોડવેના વિવેચકોએ દેખીતા કારણોસર એને વખોડી કાઢી હતી, પણ ફિલ્મ ચાલી, ખૂબ ચાલી. તીવ્ર નાણાભીડ અનુભવી રહેલો ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ આ ફિલ્મને કારણે તરી ગયો. હોલીવૂડની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોમાં એની ગણતરી થાય છે. દુનિયાભરની કેટલીય ફિલ્મો પર ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક વત્તીઓછી અસર જાઈ શકાય છેહોલીવૂડની કલ્ચરલી, હિસ્ટોરિકલી અને એસ્થેટિકલી સિગ્નીફિક્ધટ ફિલ્મોમાં તેનું નિશ્ચિત સ્થાન છે. ફિલ્મનું મ્યુઝિક આલ્બમ પણ ધૂમ વેચાયું. દસ ઓસ્કર નોમિનેશન્સ ઉપરાંત તેને ગ્રેમીનું આલ્બમ ઓફ ધ યરનું નોમિનેશન પણ મળ્યું.   

ધ સાઉન્ડ ઓફ મ્યઝિક રિલીઝ થઈ ત્યારે જે પુસ્તક પર તે આધારિત છે એની લેખિકા મારિયા વોન ટ્રેપને ન કોઈએ પ્રિવ્યુ શો માટે બોલાવ્યાં કે ન પ્રિમીયરમાં. મારિયા ટ્રેપે સામેથી સ્ટુડિયોના સાહેબોનો સંપર્ક કર્યો અને ડરતાં ડરતાં કહ્યું: હું પણ પ્રીમિયરમાં આવવા માગું છું. આવુંને? પ્રોડ્યુસરે ધડ દઈને કહી દીધું: સોરી, બધી સીટ્સ ફુલ થઈ ચુકી છે! શું બોલીવૂડ કે શું હોલીવૂડ, લેખકો બાપડાએ પહેલેથી જ સંઘર્ષ કરતા આવ્યા છે

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર-પ્રોડ્યુસર : રોબર્ટ વાઈઝ
કલાકાર          : જુલી એન્ડ્રુઝ, ક્રિસ્ટોફર પ્લમર  
મૂળ લેખિકા      : મારિયા વોન ટ્રેપ  
ગીત-સંગીત      : રિચર્ડ રોજર્સ, ઓસ્કર હેમરસ્ટીન સેક્ધડ
દેશ               : અમેરિકા
રિલીઝ ડેટ        : ૨ માર્ચ, ૧૯૬૫
અવોર્ડઝ         : દસ ઓસ્કર નોમિનેશન્સમાંથી પાંચમાં વિજયી (બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ    એડિટિંગ                                                        ૦ ૦ ૦