Monday, December 24, 2018

2018... ઝક્કાસ!


 દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 23 ડિસેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
આ વર્ષે રિલીઝ થયેલી અને વખાણાયેલી ફિલ્મોએ ફરી એક વાર પૂરવાર કર્યું કે, કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ! ઓડિયન્સને સુંદર રીતે કહેવાયેલી મસ્તમજાની કહાણી જોવામાં સૌથી વધારે રસ પડે છે, સ્ટાર્સને જોવામાં નહીં.


લો, તો 2018નું વર્ષ પૂરું પણ થઈ ગયું. વેલ, ઓલમોસ્ટ. તો કેવું રહ્યું ટ્વેન્ટી-એઇટીન, બોલિવૂડની દષ્ટિએ? એક જ શબ્દમાં કહેવું હોય તો, ઝક્કાસ! કેટલી સુંદર ફિલ્મો ને કેટલું બધું વૈવિધ્ય. આ વર્ષે રિલીઝ થયેલી અને વખાણાયેલી ફિલ્મોએ ફરી એક વાર પૂરવાર કર્યું કે, કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ! ઓડિયન્સને સુંદર રીતે કહેવાયેલી મસ્તમજાની કહાણી જોવામાં સૌથી વધારે રસ છે, સ્ટાર્સને જોવામાં નહીં.

સામાન્યપણે જાન્યુઆરી મહિનાને બુંદિયાળ ગણવામાં આવે છે, પણ આ વખતે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ‘પદ્માવત’ ફિલ્મે 586 કરોડ રૂપિયા જેવો જંગી બિઝનેસ કર્યો. હા, આ ફિલ્મને લીધે લોહીઉકાળા ખૂબ થયા હતા, પણ અંગ્રેજીમાં પેલું કહે છેને કે, ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ. અંત ભલા તો સબ ભલા. ‘પદ્માવત’ સંજય લીલા ભણસાલીની ઉત્તમ ફિલ્મોમાં સ્થાન નથી જ પામતી, ઇવન, સંજય ભણસાલી-દીપિકા પદુકોણના કોમ્બિનેશનવાળી ‘બાજીરાવ મસ્તાની’ અને ‘રામ-લીલા’ પણ આના કરતાં પ્રમાણમાં બહેતર હતી, પણ ફિલ્મ હિટ થઈ એટલે કરણી સેનાના કારસ્તાન ભુલાઈ ગયા. જાન્યુઆરી મહિનામાં જ અનુરાગ કશ્યપની અસરકારક અને ખાસ્સી અન્ડરરેટેડ ફિલ્મ રિલીઝ થઈ - ‘મુક્કાબાઝ’. એના એક્ટર વિનીત કુમાર સિંહે (જે અસલી જીવનમાં એમબીબીએસ  ડિગ્રીધારી ડોક્ટર છે) સૌનું ધ્યાન ખેંચ્યું.

ફેબ્રુઆરીમાં અક્ષયકુમાર – આર. બાલ્કીની ‘પેડમેન’ આવી. હિટ! દાયકા પહેલાં શું, ઇવન પાંચ વર્ષ પહેલાં પણ આપણે કલ્પ્યું હતું ખરું કે મહિલાઓના સેનિટરી પેડ જેવા વિષય પર બોલિવૂડના સુપરસ્ટારને લઈને મેઇનસ્ટ્રીમ ફિલ્મ બની શકે? ફિલ્મના ક્લાઇમેક્સમાં અક્ષય કુમાર તૂટીફૂટી ઇંગ્લિશમાં અસરકારક સ્પીચ આપે છે. અક્ષયે જેમાં સારો અભિનય કર્યો હોય એવાં જે થોડાંઘણાં ઉદાહરણો છે એમાં આ સ્પીચને મૂકવી પડે. નીરજ પાંડેની વૉર-ફિલ્મ ‘ઐયારી’ (મનોજ બાજપાઈ, સિદ્ધાર્થ મલ્હોત્રા)એ નિરાશ કર્યા, પણ કાર્તિક આર્યનની ‘સોની કે ટિટુ કી સ્વિટી’એ ઓડિયન્સને મજા કરાવી. આ ફિલ્મે બોલિવૂડમાં કાર્તિકનું સ્થાન મજબૂત કરવાનું કામ કર્યું. ‘બે યાર’ અને ‘કેવી રીતે જઈશ?’વાળા ગુજરાતી ફિલ્મમેકર અભિષેક જૈન હાલ કાર્તિકને લઈને એક હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે એ પણ ભેગાભેગું નોંધી લઈએ? 

માર્ચ મહિનામાં રાની મુખર્જીની કમ-બેક ફિલ્મ આવી - ‘હિચકી’. ટુરેટ સિન્ડ્રોમ જેવા સાવ નવા વિષય
પર બનેલી હીરો વગરની આ ફિલ્મ સરસ ચાલી. સત્યઘટના પર આધારિત અજય દેવગણની ‘રેઇડ’ અને ટાઇગર શ્રોફની મારધાડથી ભરપૂર ‘બાગી-ટુ’ને પણ ઓડિયન્સે સ્વીકારી.  

એપ્રિલ મહિનો ઓફ-બીટ ફિલ્મોનો રહ્યો. ઇરફાનની બ્લેક કોમેડી ‘બ્લેકમેઇલ’, શૂજિત સરકારના ડિરેક્શનમાં બનેલી અને વરૂણ ધવનના અભિનયવાળી સંવેદનશીલ ફિલ્મ ‘ઓક્ટોબર’ તેમજ  આંતરરાષ્ટ્રીય સ્તરે જેમનું બહુ મોટું નામ છે એવા ઇરાનીઅર ડિરેક્ટર મજીદ મજિદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ – આ ત્રણેય ફિલ્મો એપ્રિલમાં આવી. શાહિદ કપૂરના ટેલેન્ટેડ લઘુબંધુ ઈશાન ખટ્ટરે આ ફિલ્મથી અભિનયની કરીઅરનો પ્રભાવશાળી શુભારંભ કર્યો.

મે મહિનો ઇવેન્ટફુલ રહ્યો. શરૂઆત ઉમેશ શુક્લના દિગ્દર્શિત, સૌમ્ય જોશી લિખિત ‘102 નોટ આઉટ’થી થઈ. આ ફિલ્મે પૂરવાર કર્યું કે ઘરડા ખખડી ગયેલા બે બુઢાઓ પર પણ આખેઆખી મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મ બની શકે છે ને પ્રેક્ષકો તેને એન્જોય પણ કરી શકે છે. મેઘના ગુલઝારે બનાવેલી ‘રાઝી’માં આલિયા ભટ્ટે કમાલ કરી. આમાં વિકી કૌશલનો રોલ ભલે નાનો હતો, પણ મજાનો હતો. જોન અબ્રાહમની ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ એના વિષયવસ્તુને કારણે ધ્યાન ખેંચી શકી.



જૂન મહિનો તો મે કરતાંય વધારે ઘટનાપ્રચુર પુરવાર થયો. આપણે સૌ જેની અધ્ધર શ્વાસે રાહ જોતા હતા એ રાજકુમાર હિરાણીની ‘સંજુ’ આ મહિનામાં રિલીઝ થઈ. ઘણા લોકોને આ ફિલ્મ સામે સૈદ્ધાંતિક વાંધો પડ્યો (‘સંજય દત્ત જેવા દેશદ્રોહના આરોપી રહી ચૂકેલા નશાબાજ માણસને શા માટે ગ્લોરીફાય કે જસ્ટિફાય કરવો જોઈએ?’), પણ ‘સંજુ’ 2018ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પૂરવાર થઈ. રણબીર કપૂરે ફરી એક વાર પૂરવાર કરી આપ્યું કે અભિનયના મામલામાં એ પોતાની જનરેશનના બીજા હીરોલોગ કરતાં ક્યાંય આગળ છે. આ જ મહિનામાં ચાર-ચાર જોગમાયાઓને ચમકાવતી ‘વીરે દી વેડિંગ’ આવી. સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! આ ફિલ્મ સફળ રહી. હંડ્રેડ કરોડ ક્લબમાં સ્થાન મેળવીને તેણે સૌને ચમકાવી દીધા. સલમાન ખાનની ‘રેસ-થ્રી’ને ધીબેડવાની, ટ્રોલ કરવાની અને એના જોક બનાવવાની લોકોને મજા આવી ગઈ. ખૂબ બધી ગાળો ખાઈનેય આ ફિલ્મે 303 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, બોલો.

જુલાઈમાં શ્રીદેવીપુત્રી જ્હાનવીને ચમકાવતી ‘ધડક’ આવી. ઓરિજિનલ ‘સૈરાટ’ની તુલનામાં આ ફિલ્મ સાવ મોળી હતી, પણ લોકોને જ્હાનવી અને ઈશાન ખટ્ટર બન્ને ગમ્યાં. ઓગસ્ટમાં બે સુંદર ફિલ્મો આવી – કમ્યુનલ આઇડેન્ટિટી જેવો સંવેદનશીલ વિષય ધરાવતી ‘મુલ્ક’ અને હિટ કોમેડી-હોરર ‘સ્ત્રી’. રીમા કાગતીના ડિરેક્શનમાં બનેલી અને દેશપ્રેમના સરસ વઘારવાળી સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગોલ્ડ’ (અક્ષય કુમાર) એક વર્ગને ખૂબ ગમી. ઇરફાન, સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર દુલકર સલમાન અને ચુલબુલી મિથિલા પાલકરને ચમકાવતી રોડ-ટ્રિપ મૂવી ‘કારવાં’ એક સ્વીટ ફિલ્મ હતી.

સપ્ટેમ્બર પર ફરી એક વાર ઓફબીટ ફિલ્મો છવાયેલી રહી. મનોજ બાજપાઈની ‘ગલી ગુલીયાં’, વેશ્યાવાડે વેચાઈ જતી નિર્દોષ છોકરીઓ અથવા કહો કે હ્યુમન ટ્રાફિકિંગ જેવા વિષય પર બનેલી ‘લવ સોનિયા’, નંદિતા દાસે ડિરેક્ટ કરેલી નવાઝુદ્દીન સિદ્દીકીવાળી ‘મન્ટો’ તેમજ વિશાલ ભારદ્વાજની બે ઝઘડાળુ બહેનોવાળી ‘પટાખા’ આ મહિને રિલીઝ થઈ. એમ તો વરૂણ ધવન-અનુષ્કા શર્માવાળી સ્વીટ ‘સુઈ ધાગા’ અને અનુરાગ કશ્યપની ‘મનમર્ઝિયાં’ પણ સપ્ટેમ્બરમાં જ આવી. ‘સંજુ’માં આપણને ઓલરેડી પ્રભાવિત કરી ચુકેલો વિકી કૌશલ ‘મનમર્ઝિયાં’થી નવેસરથી છવાઈ ગયો. તાપસી પન્નુની તો વાત જ શી કરવી. આ વખતે બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડના દાવેદાર તરીકે આલિયા ‘રાઝી’ ભટ્ટ અને તાપસી ‘મનમર્ઝિયાં’ પન્નુ વચ્ચે જોરદાર તાણખેંચ થવાની છે, તમે જોજો.     

ઓક્ટોબરમાં એક નહીં, પણ ત્રણ-ત્રણ સોલિડ ફિલ્મો આવી. એમાંથી બે તો ફક્ત આયુષ્યમાન ખુરાનાની હતી – સસ્પેન્સ થ્રિલર ‘અંધાધુન’ અને સોશિયલ કોમેડી ‘બધાઈ હો’. આ બે ફિલ્મોએ અત્યાર સુધી અમોલ પાલેકરના આધુનિક વર્ઝન જેવા દેખાતા આયુષ્યમાનને ફટાક કરતો ટોપ સ્ટાર બનાવી દીધો છે. જેનો પ્રકાર નક્કી કરવામાં તકલીફ થઈ જાય એવી ‘તુંબાડ’ જોઈને ફિલ્મપ્રેમીઓ ખુશ થઈ હતા. કાજોલની ‘હેલિકોપ્ટર ઈલા’એ જોકે ઓડિયન્સને નિરાશ કર્યા.
  
નવેમ્બર. આ વર્ષનો સૌથી મોટો હથોડો આપણને દિવાળીના શુભ અવસરે જ પડ્યો, ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ના રૂપમાં. ફિલ્મ એટલી બધી ખરાબ નીકળી કે આમિરે જાહેરમાં માફી માગવી પડી. રજનીકાંત-અક્ષયકુમારની ‘2.0’ ટેક્નિકલી હિન્દી ફિલ્મ ન કહેવાય, પણ એના હિન્દીમાં ડબ થયેલા વર્ઝને ઘણી કમાણી કરી છે. સંભવતઃ એ આ વર્ષની સૌથી વધારે બિઝનેસ કરનારી ત્રીજી ‘હિન્દી’ ફિલ્મ ગણાશે.

ડિસેમ્બરમાં સારા અલી ખાન નામની ક્યુટ અને કોન્ફિડન્ટ કન્યાએ બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી. ‘કેદારનાથ’ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી, પણ સારાને સૌએ એક અવાજે વધાવી લીધી. આ વર્ષનો બેસ્ટ ડેબ્યુ – ફિમેલનો અવોર્ડ કોઈ પણ દલીલબાજી કર્યા વગર સારાને આપી દઈએ? બેસ્ટ ડેબ્યુ - મેલનો અવોર્ડ ઈશાન ખટ્ટરને મળવો જોઈએ.

શાહરૂખ ખાનની અતિ મહત્ત્તવાકાંક્ષી ‘ઝીરો’ આ શુક્રવારે રિલીઝ થઈ. આ ફિલ્મ ઝીરો પૂરવાર થઈ કે હીરો એ આ લેખ તમે વાંચતા હશો ત્યાં સુધીમાં સ્પષ્ટ થઈ ચુક્યું હશે. આવતા શુક્રવારે તાજ્જા તાજ્જા પરણેલા રણવીર સિંહની ટિપિકલ મસાલા ફિલ્મ ‘સિમ્બા’ આવશે. આ બે ફિલ્મો ઉપરાંત ‘2.0’ને હાલ પૂરતી ગણનામાં ન લઈએ તો 2018ની સૌથી વધારે કમાણી (નેટ નહીં પણ ગ્રોસ ઇન્કમ) કરનારી ટોપ-ટેન ફિલ્મો ઊતરતા ક્રમમાં આ રહીઃ ‘સંજુ’, ‘પદ્માવત’, ‘રેસ-થ્રી’, ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’, ‘બાગી-ટુ’, ‘હિચકી’, ‘બધાઈ હો’, ‘રાઝી’, ‘સ્ત્રી’ અને ‘પેડમેન’.  

દુનિયાભરની ભાષાઓમાં બનતી ફિલ્મો વિશેની જાણકારી માટે એમેઝોનની માલિકીની આઇએમડીબી (ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ) નામની વેબસાઇટ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. એણે સૌથી વધારે રેટિંગ મેળવનાર (એટલે કે ઓડિયન્સે સૌથી વધારે પસંદ કરેલી) 2018ની ટોપ ટેન ઇન્ડિયન ફિલ્મ્સનું લિસ્ટ પાડ્યું છે. એમાં હિન્દી ફિલ્મો ચાર જ છે. નંબર વન પોઝિશન પર ‘અંધાધુન’ છે. પાંચમા, છઠ્ઠા અને આઠમા ક્રમે અનુક્રમે ‘બધાઈ હો’, ‘પેડમેન’ અને ‘સ્ત્રી’ છે. બધાઈ હો, આયુષ્યમાન!  

0 0 0

ગાંધીજીથી અંબાણીઃ વેવાઈની કક્ષા કેવી હોય?

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 ડિસેમ્બર 2018 
ટેક ઓફ
‘તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પત્રવ્યવહાર પણ કરવાનો નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું.’
Gandhiji and C.Rajagopalachari

લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી છે. માત્ર સેલિબ્રિટી દુલ્હા-દુલ્હનો જ નહીં, પણ એમના પિતાઓ અને વેવાઈઓ પણ એકાએક ન્યુઝમાં આવી ગયા છે. જેમ કે, મુકેશ અંબાણીએ પોતાના કરતાં ‘નાના’ ઘરમાં દીકરી ઈશાને પરણાવી છે. મુકેશભાઈની મિલકતનો આંકડો 3,71,000 કરોડને સ્પર્શે છે, જ્યારે વેવાઈ અજય પિરામલની મિલકત મુકેશ અંબાણી કરતાં દસમા ભાગની છે - માત્ર   38,900 કરોડ રૂપિયા! ‘ફોર્બ્સ’ મેગેઝિને તૈયાર કરેલાં ભારતના સૌથી ધનિક લોકોનાં લિસ્ટમાં મુકેશ અંબાણી પહેલા નંબરે છે, વેવાઈ ચોવીસમા નંબરે છે અને નાનો ભાઈ અનિલ અંબાણી 44મા નંબરે છે! 

દીપિકા પદુકોણના પપ્પા પ્રકાશ પદુકોણ ખુદ એક સેલિબ્રિટી છે. 1980માં તેઓ બેડમિન્ટનમાં વર્લ્ડ ચેમ્પિયન હતા. એમના વેવાઈ એટલે કે રણવીર સિંહના હેન્ડસમ પિતા  જગજિતસિંહ ભાવનાની ‘સાદા’ બિઝનેસમેન છે. પ્રિયંકા ચોપડા ડોક્ટર માતા-પિતાની દીકરી છે. પ્રિયંકાના  સસરા  પૉલ જોનસ એક સમયે ચર્ચમાં સંગીત વગાડતા અને ગીતો પણ લખતા. જમાઈ નિક જોનસમાં પપ્પાના ગુણો આવ્યા છે. એ વાત અલગ છે કે પ્રિયંકાના શ્વસુરજી હાલ રિઅલ એસ્ટેટનું કામકાજ કરે છે અને એક મિલિયન ડોલરનું દેવું કરીને બેઠા છે.

આ તો થયા એકવીસમી સદીના વેવાઈઓ. આજે ગઈ સદીની એક અફલાતૂન વેવાઈ-જોડીની વાત કરવી છે. એ છે ગાંધીજી અને સી. રાજગોપાલાચારી. સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીની જન્મજયંતિ અને પુણ્યતિથિ બન્ને આ મહિનામાં પડે છે (જન્મઃ 10 ડિસેમ્બર 1878, મૃત્યુઃ 25 ડિસેમ્બર 1972). ‘રાજાજી’ અથવા ‘સી.આર.’ના ટૂંકા નામે ઓળખાતા રાજગોપાલાચારીની એક પુત્રી લક્ષ્મી ગાંધીજીના સૌથી નાના દીકરા દેવદાસને પરણી હતી.

ગાંધીજી અને રાજાજી એકમેકના પ્રત્યક્ષ પરિચયમાં શી રીતે આવ્યા? 1919માં રાક્ષસી જલિચાંવાલા બાગ હત્યાકાંડનો ભારતમાં ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હતો. મદ્રાસમાં આ વિરોધ પ્રદર્શનની જવાબદારી રાજાજીએ લીધી હતી. ગાંધીજી સાથે રાજાજીની પહેલી મુલાકાત આ રીતે થયેલી, 1919માં. ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું પ્રચંડ હતું કે સાવ અદના માણસથી માંડીને પ્રખર બુદ્ધિજીવીઓ સુધીના સૌ કોઈ એમનાથી પ્રભાવિત થઈ જતા. રાજાજી પણ આમાં અપવાદ નહોતા.  રાજાજી પર ગાંધીજીએ એટલી તીવ્ર અસર છોડી કે એમણે વકીલાતને તિલાંજલિ આપી દીધી કે જેથી આઝાદીની લડતમાં  સંપૂર્ણ સમય અને શક્તિ ખર્ચી શકાય. 



રાજાજીએ હોમરૂલ આંદોલન અને અસહકાર આંદોલન એમ બન્નેમાં  ભાગ લીધો હતો. સરકારે ગાધીજીની ધરપકડ કરીને જેલમાં પૂર્યા ત્યારે ‘યંગ ઇન્ડિયા’ સામયિકનું સંપાદનકાર્ય રાજાજીએ સંભાળી લીધું. અંગ્રેજ સરકારે પછી રાજાજીને પણ જેલમાં પૂર્યા. આ હતી એમને પહેલી જેલયાત્રા. ક્રમશઃ રાજાજીની ગણના ગાંધીજીના નિકટના શિષ્ય તરીકે થવા માંડી. જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને રાજાજી  - આ ત્રિપુટી ગાંધીજીનાં મસ્તક, હૃદય અને હાથ તરીકે ઓળખાવા લાગી. કોઈપણ ગાંધીપ્રેમી માટે આ સ્તર પર પહોંચવું એ બહુ મોટી વાત ગણાય.

ગાંધીજી સાથેની રાજાજીની નિકટતા હવે અલગ કક્ષાએ પહોંચવાની હતી. ગાંધીપુત્ર દેવદાસની નજરમાં રાજાજીની દીકરી લક્ષ્મી વસી ગયેલી. લક્ષ્મીને પણ દેવદાસ પસંદ હતો. બન્ને પ્રભુતામાં પગલાં પાડવાં માગતાં હતાં. ગાંઘીજી રહ્યા ગુજરાતી વૈષ્ણવ વાણિયા, જ્યારે રાજાજી સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણ.  આમ, આ લગ્ન માત્ર આંતરજ્ઞાતીય જ નહીં, આંતરપ્રાંતીય પણ ગણાય. બન્ને સમાજમાંથી વિરોધ થઈ શકે એમ હતો.  યાદ રહે, આ આપણે આજથી નેવું-સો વર્ષ પહેલાંના ભારતની વાત કરી રહ્યા છીએ. પરંતુ ગાંધીજી અને રાજાજી જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતા નાત-પ્રાંતના બંધનોમાં થોડા પડે? તેમને સૌથી વધારે ફિકર એ વાતની હતી કે દેવદાસ એ વખતે 28 વર્ષના હતા ને લક્ષ્મી માંડ પંદરની હતી. તે જમાનામાં સગીર વયની દીકરીને પરણાવવી સામાજિક રીતે સ્વીકાર્ય ગણાતું હતું, પણ ગાંધીજી અને રાજાજીએ આવું પગલું ન ભર્યું.  

એમણે દેવદાસ અને લક્ષ્મીને પાસે બેસાડીને કહ્યુંઃ જુઓ, તમે લગ્નસંબંધથી જોડાઓ તેની સામે અમને કશો વાંધો નથી, પણ અમારી એક શરત છે. તમારે પાંચ વર્ષ સુધી એકમેકથી સંપૂર્ણપણે અંતર રાખવું પડશે. પ્રસંગોપાત મળવાનું પણ નહીં અને પત્રવ્યવહાર પણ નહીં. પાંચ વર્ષ પછી પણ જો તમારી એકબીજા પ્રત્યેની લાગણી અકબંધ હશે તો અમે તમારાં લગ્ન માનભેર કરાવી આપીશું. 

0 0 0 

Sunday, December 16, 2018

એક હતા ઓશો...


દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 12 ડિસેમ્બર 2018, બુધવાર 
ટેક ઓફ 
અમેરિકામાં ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!



ઓશો રજનીશ જો જીવતા હોત તો એમના અનુયાયીઓએ ગઈ કાલે એમનો 87 જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હોત. ઓશો (જન્મઃ 11 ડિસેમ્બર 1931, મૃત્યુઃ 19 જાન્યુઆરી 1990) 61મા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. અત્યંત મેધાવી, ઓરિજિનલ અને અસાધારણ ઓશોનું માત્ર જીવન જ નહીં, મૃત્યુ પણ વિવાદાસ્પદ પૂરવાર થયું.

ઓફિશિયલ જાહેરાત તો એવી થઈ હતી કે ઓશોનું મોત હાર્ટ-અટેકથી થયું છે, પણ શું આ સાચું કારણ હતું? નેટફ્લિક્સની જબરદસ્ત વખણાયેલી ‘વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી’ નામની ડોક્યુમેન્ટરી સિરીઝમાં ઓશોનાં મૃત્યુ ફરતે ઘેરાયેલાં પ્રશ્નોનાં વાદળને સ્પર્શવામાં જ આવ્યાં નથી. ઓશોના શંકાસ્પદ મોતને કેન્દ્રમાં રાખીને એકાધિક પુસ્તકો લખાયાં છે. અભય વૈદ્ય લિખિત ‘હુ કિલ્ડ ઓશો?’ અને મા આનંદો (મૂળ નામ સૂ એપલટન) લિખિત ‘વોઝ ભગવાન શ્રી રજનીશ પોઇઝન્ડ બાય રોનાલ્ડ રેગન્સ અમેરિકા?’ – આ બન્ને પુસ્તકોનો સૂર એક જ છેઃ અમેરિકન સત્તાવાળાઓએ ઓશોની હકાલપટ્ટી કરી એની પહેલાં જ્યારે એમને ધીમું ઝેર આપ્યું હતું. આ ઝેર જ ઓશોનાં મોતનું કારણ બન્યું.

ઓશોના મૃત્યુ વિશે, ખેર, ઘણી કોન્સિપરસી થિયરી ઘડાઈ છે. એક સમયે ઓશોથી સૌથી નિકટ ગણાતાં એમનાં પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાથી માંડીને સ્વામી દેવરાજ (પર્સનલ ફિઝિશીયન) અને સ્વામી આનંદ જયેશ (કેનેડિયન માઇકલ ઓ’બાર્ની, જે ઓશોના કેટલાંય ટ્રસ્ટ સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા હતા) જેવાં ઘણા લોકો તરફ આંગળી ચીંધાઈ, પણ આ તમામ થિયરીમાં ઝેરવાળી થિયરી સૌથી વજનદાર છે. ઓશોના નિધન બાદ એમના પૂનાસ્થિત આશ્રમમાંથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ ઝેરને જ મોતનું કારણ ગણાવવામાં આવ્યું હતું.

એક્ઝેક્ટલી શો હતો આ ઝેરનો મામલો? અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી વકીલાત કરી ચુકેલાં સૂ એપલટન, કે જે પછી ઓશોનાં અનુયાયી બનીને મા આનંદો બની ગયાં હતાં, એમણે પોતાનાં પુસ્તકમાં આ મુદ્દાને માઈક્રોસ્કોપ નીચે મૂકીને ચકાસ્યો છે. અમેરિકામાં રજનીશ અને એમના અનુયાયીઓ વિરુદ્ધ તીવ્ર હવા બની ચુકી હતી ત્યારની આ વાત છે. (‘ઓશો’ નામ રજનીશે અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ ધારણ કરેલું.) એમણે કરેલાં કથિત કૃત્યો વિરુદ્ધ સરકાર કડક હાથે કામ ચલાવશે એ સ્પષ્ટ થઈ ચુક્યું હતું. આખરે 28 ઓક્ટોબર 1985ના રોજ નોર્થ કેરોલિના સ્ટેટ સ્થિત શાર્લોટ શહેરમાં રજનીશની ધરપકડ કરવામાં આવી. સરકારી અધિકારીઓએ ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરી કે કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!

એમને સાત દિવસ સરકારી હિરાસતમાં રાખવામાં આવ્યા. રજનીશને પોર્ટલેન્ડ લઈ જવાના છે એવું કહીને 4 નવેમ્બર 1985ના રોજ એમને સશસ્ત્ર પહેરા હેઠળ કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોર્ટલેન્ડ એ અમેરિકાના ઓરેગોન રાજ્યનું સૌથી મોટું શહેર છે. રજનીશપુરમ નામનું રજવાડું ઓરેગોનમાં જ વિકસાવવામાં આવ્યું હતું. શાર્લોટથી પ્લેનમાં પોર્ટલેન્ડ પહોંચતાં માંડ પાંચ કલાક થાય, પણ રજનીશને આટલું અંતર કાપતાં ત્રણ દિવસે લાગ્યા. કેમ આમ થયું? 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન રજનીશ ક્યાં અદશ્ય થઈ ગયા હતા? જો ઝેરવાળી કન્સિપરસી થિયરીને સાચી માનવામાં આવે, તો જે કોઈ કાંડ થયો તે આ ત્રણ દિવસ દરમિયાન થયો હતો. 

રજનીશના વકીલોએ આ ત્રણ દિવસનો હિસાબ માગ્યો ત્યારે અમેરિકાના સરકારી અધિકારીઓએ કશી જ વિગત આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એ તો પાછળથી ઓકલાહોમા સ્ટેટના એક ઓફિસરે માહિતી આપી કે રજનીશને 4 નવેમ્બર 1985ની રાતે ઓકલાહોમાની એક ગ્રામ્ય જેલમાં રાખવામાં આવ્યા હતા. મજા જુઓ. આ જેલના ઇન-ચાર્જે કહી દીધું કે અમારી જેલમાં તે રાતે રજનીશ નામની કોઈ વ્યક્તિ આવી જ નહોતી. રજનીશના વકીલે તંત ન મૂક્યો. એણે જેલના વોલ્ટરૂમમાં જઈને ત્યાં કામ કરતા ક્લર્કને વિનંતી કરી. ખાંખાખોળા કરતાં એક દસ્તાવેજ જડી આવ્યો. એમાં લખ્યું હતું કે 4 નવેમ્બર 1985ના રોજ રાતે 8 વાગીને 35 મિનિટે રજનીશપુરમમાં વસતા ડેવિડ વોશિંગ્ટન નામના માણસને જેલમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે બપોરે સવાત્રણે એને છોડી મૂકવામાં આવેલો. ફોર્મના નીચેના ભાગમાં સહીની જગ્યા ઉપર સફેદ પ્રવાહી લગાડીને એ માણસના હસ્તાક્ષર મિટાવી દેવામાં આવ્યા હતા. પ્રવાહીના સફેદ ડાઘા ઉપર ‘વોશિંગ્ટન ડેવિડ’ એવું ટાઇપ કરવામાં આવ્યું હતું!  

જેલમાંથી બહાર કાઢ્યા પછી રજનીશને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? ઓકલાહોમાની બહાર ગુનેગારો માટેના સુધારણા-કેન્દ્રમાં. પાંચમી અને છઠ્ઠી નવેમ્બર રજનીશે અહીં ગાળી. રજનીશની યાદશક્તિ કેટલી પ્રચંડ હતી તે આખી દુનિયા જાણે છે, પણ રજનીશને 5 અને 6 નવેમ્બર 1985ની રાત યાદ જ નહોતી! એમને 4 ડિસેમ્બરની ઓકલાહોમાના જેલમાં વીતાવેલી રાત જ યાદ હતી. તેમણે કહેલું કે મને તે રાતે બહુ જ સરસ ઊંઘ આવેલી. બસ, આટલું જ. તે પછીના બે દિવસ અને બે રાતની તમામ વિગતો એમના દિમાગમાંથી સમૂળગી ભૂંસાઈ ગઈ હતી, અથવા કહો કે, ભૂંસી નાખવામાં આવી હતી.

આ ઘટનાક્રમ પછી રજનીશને સખત ચક્કર અને ઉબકા આવવા, માથું દુખવું, ભૂખ ન લાગવી જેવી શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. 14 નવેમ્બર 1985ના રોજ ચોપન વર્ષીય રજનીશને અમેરિકા છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. કેટલાય દેશોમાંથી જાકારો મળ્યા બાદ તેઓ આખરે ભારત પાછા ફર્યા. રજનીશ અગાઉ કડેધડે હતા, પણ હવે એમને નાનીમોટી બીમારીઓ લાગુ પડવા માંડી. વાળ ઊતરવા માંડ્યા, આંખે ઝાંખપ આવવાને કારણે વાંચવાનું ઉત્તરોત્તર ઓછું થતું ગયું, હાથ અને ખભાના સાંધા દુખવા લાગ્યા. 1987ના જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે રજનીશે નાદુરસ્ત તબિયતને કારણે 91 દિવસ પ્રવચન કેન્સલ કરવા પડ્યા.

એક વાર રજનીશના કાનમાં ઇન્ફેક્શન થઈ ગયું. ટ્રીટમેન્ટ શરૂ થયા પછી સામાન્યપણે સાતેક દિવસમાં આ તકલીફ દૂર થઈ જવી જોઈતી હતી. એને બદલે કાન ઠીક થતાં દોઢ મહિનો લાગ્યો. ડોક્ટરો ચેતી ગયા. એમને સમજાયું કે મામલો ગંભીર છે. રજનીશનાં વાળ-લોહી-પેશાબનાં નમૂના, હાડકાંના એક્સ-રે વગેરે લંડન મોકલવામાં આવ્યાં. સારામાં સારી લેબોરેટરીઓમાં કેટલાંય પરીક્ષણો થયાં. તે પછીય ડોક્ટરો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચી ન શક્યા, પણ એમણે ત્રણ સંભાવના જરૂર વ્યક્ત કરીઃ રજનીશનાં શરીરમાં જે લક્ષણો જોવા મળે છે એવા કાં તો કેન્સરને લીધે હોય, કાં રેડિયેશનના સંપર્કના કારણે હોય અથવા થેલિયમ પોઇઝનિંગને કારણે હોય. કેન્સર અને રેડિયેશનના વિકલ્પો બંધ બેસતા નહોતા એટલે બચ્યો માત્ર થેલિયમ પોઇઝનિંગવાળો વિકલ્પ.

થેલિયમને ઉંદર મારવાની દવામાં નાખવામાં આવે છે. ઉંદર જ નહીં, માનવહત્યા માટે પણ દુનિયાભરમાં તેનો ઉપયોગ થાય છે. તે રંગહીન, ગંધહીન તત્ત્વ છે, પાણીમાં આસાનીથી ભળી જાય છે. થેલિયમ માણસની ચેપ વિરુદ્ધની પ્રતિકારક્ષમતા સાવ ઘટાડી નાખે છે. થેલિયમનો હેવી ડોઝ આપવામાં આવે તો એ જીવ ખેંચી લે, પણ નાના નાના ડોઝથી માણસની નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર) ધીમે ધીમે ક્ષીણ થઈને આખરે સાવ ખતમ થઈ જાય. થેલિયમ અપાયું હોય તો પણ ત્રણથી છ મહિના બાદ શરીરમાં એની કોઈ નિશાની પકડાતી નથી. એક લીટર પ્રવાહીમાં થેલિયમની માઇક્રોગ્રામથી કરતાં વધારે માત્રામાં હોય તો જ તેને પકડી શકાય. રજનીશનાં પરીક્ષણો તો અમેરિકા છોડ્યા બાદ બહુ મોડાં શરૂ થયેલાં. દેખીતું છે કે જુદી જુદી ટેસ્ટ્સમાં થેલિયમની હાજરી ન જ વર્તાય. 
  
ધારો કે થેલિયમવાળો વિકલ્પ સાચો હોય તો સવાલ એ ઉઠે કે રજનીશને તે કોણે અને ક્યારે આપ્યું? આનો ઉત્તરમાં માત્ર અટકળ થઈ શકે અને તે એ કે 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન અમેરિકામાં સરકારી તંત્ર દ્વારા રજનીશને જે રીતે ગાયબ કરી દેવામાં આવેલા ત્યારે આ કુચેષ્ટા થઈ હોવી જોઈએ. અમેરિકાના રૂઢિચુસ્ત વર્ગને  રજનીશ આંખના કણાની જેમ ખૂંચતા હતા. રજનીશના ક્રાંતિકારી અને બોલ્ડ વિચારો એમને ખ્રિસ્તી-વિરોધી લાગતા હતા. થેલિયમના ડોઝ સંભવતઃ રજનીશને અપાયેલી ઓફ-ધ-રેકોર્ડ સજા હતી!   

અગાઉ નોંધ્યુ તેમ, રજનીશના અત્યંત નિકટના અનુયાયીઓએ જ એમનો કાંટો કાઢી નાખ્યો હોય એવી થિયરી પણ છે જ. રજનીશનાં નિધનના ફક્ત 41 દિવસ પહેલાં એમની ખૂબ વિશ્વાસુ ગણાતાં કેર-ટેકર મા પ્રેમ નિર્વાણોનું ભેદી સંજોગોમાં મોત થઈ ગયું હતું. મા પ્રેમ નિર્વાણો ફ્કત ચાલીસ વર્ષનાં હતાં ને એકદમ સાજાસારા હતાં.    
  
અમુક પ્રશ્નો અનુત્તર રહી જવા સર્જાયા હોય છે. અચાનક ત્રાટકેલું અથવા અસ્પષ્ટ રહી જતું મોત અસામાન્ય વ્યક્તિનું કદ વધારે લાર્જર-ધેન-લાઇફ બનાવી દેતું હોય છે. ઓશોની જેમ...

0 0 0