Tuesday, July 17, 2018

સ્વામી વિવેકાનંદઃ આ પણ.. પેલા પણ!


સંદેશ – અર્ધસાપ્તાહિક પૂર્તિ – 11 જુલાઈ 2018 
ટેક ઓફ
હું પુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ!

સૌથી પહેલાં તો નીચેનો ફકરો વાંચી જાઓ.   

'કશાથી ડરો નહીં. ડર નિર્બળતાની નિશાની છે. આસપાસનાં લોકો ભલે વ્યંગબાણ છોડયા કરે, સમાજ ભલે ઉતારી પાડેમાણસે સૌની અવગણના કરીને ખંતપૂર્વક પોતાની ફરજ બજાવતા રહેવાની છે. માણસનાં અવમૂલ્યનનું એક મજબૂત કારણ ભય છે. ભયથી મોટું કોઈ પાપ નથી. ભય પીડાનું કારણ બને છે. ભય મૃત્યુનું પણ કારણ બને છે. ભયને લીધે જ અનિષ્ટ તત્ત્વો પનપે છે, જે ક્ષણે તમે ભય પામો છો તે ક્ષણે તમે મામૂલી બની જાઓ છો. માણસને મૃત્યુ કરતાંય પ્રતિષ્ઠા ગુમાવવાનો વધારે ડર લાગે છે. મેં જોયું છે કે જે વધારે પડતા ચેતીચેતીને ચાલે છે એને દરેક પગલે પછડાવું પડે છેજે સતત આબરૂ અને માનપાનની ચિંતા કરે છે એને માત્ર અવહેલના જ મળે છે. જે નુકસાનીથી ડર્યા કરે છે એને નુકસાન થાય જ છે. શાનો ડર? શા માટે ડરઆપણે સૌ સર્વશક્તિમાન સમ્રાટ એવા ઈશ્વરના વારસદાર છીએ. આપણા સૌમાં ઈશ્વરનો અંશ છે. અદ્વૈતવાદ તો કહે છે કે આપણે ઈશ્વરનું જ સ્વરૂપ છીએ. સમસ્યા એ છે કે આપણે ખુદની અસલિયત ભૂલીને ખુદને મામૂલી ઇન્સાન સમજવા લાગ્યાં છીએ, જો આપણામાં ભગવાનો અંશ હોયજો આપણે ખુદ ભગવાનનું એક સ્વરૂપ હોઈએસ્વયં ભગવાન આપણું રક્ષણ કરતા હોય તો આપણે ડર શાનોઆપણે તો ડરથી પર થઈને જીવી જવાનું હોય. ડર-બર ભૂલી જાઓ અને ચૂપચાપ કામે ચડો. સતત પોતાની જાતને કહેતા રહો : મને કશાનો ડર નથી. હું નિર્ભય છું!'

ઢીલાપોચા માણસને પણ પાનો ચડાવી દે એવી આ વાણી છે, ખરું? હવે આ ફકરો વાંચોઃ
હું અતિશય થાકી ગયો છું. આ પ્રાંત એવા ઈર્ષ્યાળુ અને નિર્દય લોકોથી ભરેલો છે કે તેઓ મારું કાર્ય તોડી પાડવા એકે ઉપાય બાકી નહીં રાખે. પરંતુ જેમ જેમ વિરોધ વધે છે તેમ તેમ મારામાંનો રાક્ષસ જાગી ઉઠે છે. સંસારની આ માથાકૂટો અને ઝઘડાઓ માટે હું સર્જાયો ન હતો. સ્વભાવે જ હું સ્વપ્નશીલ અને વિશ્રાન્તિપ્રિય છું. હું તો એક જન્મજાત આદર્શવાદી છું અને સ્વપ્નોની દુનિયામાં જ હું રહી શકું છું. વાસ્તવિકતાનો સ્પર્શ સરખોય મારાં સ્વપ્નોમાં ભંગ પાડે છે, અને પરિણામે હું દુખી થઈ જાઉં છું.

કોઈ ત્રસ્ત, દયા આવી જાય એવા અને બેચેન માણસના આ શબ્દો લાગે છે, રાઇટ? હવે અંદાજ લગાવો કે લેખની શરૂઆતમાં તમે જે જોશીલી વાણી વાંચી એ કોની હોઈ શકે. આ મર્દાનગીભરી, ઉર્જાથી છલછલતી પ્રેરણાદાયી વાણી ઉચ્ચારનાર સ્વામી વિવેકાનંદ સિવાય બીજું કોઈ ન હોઈ શકે. બહુ જ આઇડેન્ટિફાયેબલ વાણી અને વ્યક્તિત્ત્વ છે સ્વામીજીનાં.

હવે ભેગાભેગું એ પણ કહો કે પેલી બીજા નંબરની દુખી વાણી ઉચ્ચારનાર વિષાદગ્રસ્ત માણસ કોણ હોઈ શકે. શક્ય છે કે આનો જવાહ તમને કદાચ ન મળે. તમે કહેશો કે આ પ્રકારનું ફ્રસ્ટ્રેશન બહુ કોમન છે. આવી લાગણી અનુભવનારા કેટલાય લોકોને તમે કદાચ ઓળખતા હશો. શક્ય છે કે તમે ખુદ આ પ્રકારનો વિષાદ ક્યારેક, કોઈક સ્તરે અનુભવી ચુક્યા હો. આમ છતાં પણ અનુમાન કરી જુઓ કે એક્ઝેક્ટલી કોણે બોલ્યો હશે ફકરો નંબર ટુ?
જવાબ છેઃ સ્વામી વિવેકાનંદ. જી, બિલકુલ. સાવ સામસામા મિજાજના આ બન્ને ફકરામાં ઝીલાયેલી વાણી સ્વામી વિવેકાનંદની છે! નાનપણથી આપણે એમનાં પુસ્તકો, લેખો વાંચતા આવ્યા છીએ. વિવેકાનંદને આપણે હંમેશા જોશ, આદર્શવાદ અને મર્દાનગીથી ભરેલા તેમજ મુદડાલ માણસમાં પણ સંકલ્પસિદ્ધિનું ઝનૂન ભરી દે એવો કરિશ્મા ધરાવતા રાષ્ટ્રવાદી સ્વામી તરીકે કલ્પ્યા છે. સ્વામી વિવેકાનંદ એટલે વર્ષના બારે મહિના, અઠવાડિયાના સાતેય દિવસ અને દિવસના ચોવીસે કલાક સતત પોઝિટિવ એનર્જીથી છલકતા અને લગભગ સુપરહ્યુમન કક્ષાના માણસ એવી એક છાપ પડી ગઈ છે. અલબત્ત, સ્વામી વિવેકાનંદ આપણા માટે સર્વકાલીન શ્રેષ્ઠોત્તમ મહાનાયક હતા, છે અને રહેવાના. સાથે સાથે એ વાત પણ સાચી છે કે સ્વામીજીના વ્યક્તિત્ત્વનાં  બીજાં કેટલાંક પાસાં ખાસ પ્રકાશમાં આવ્યા નથી.

સ્વામીજીની પર્સનાલિટીની અનોખી અથવા ઓછી જાણતી બાજુને જાણવી હોય તો પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલા સંપાદિત કરેલા વિવેકાનંદ પત્રપરાગનામના પુસ્તકમાંથી પસાર થવું જોઈએ. આ પુસ્તક વાંચતાં વાંચતાં આપણી સામે જે સ્વામી વિવેકાનંદ ઊભરે છે એ એમની પોપ્યુલર ઈમેજકરતાં ઘણા અલગ છે. સ્વામી વિવેકાનંદ 1863ની બારમી જાન્યુઆરીએ કલકત્તામાં જન્મ્યા હતા અને 1902ની ચોથી જુલાઈએ બેલુરમાં મૃત્યુ પામ્યા હતા. ગયા બુધવારે એમની 116મી પુણ્યતિથિ હતી. તેઓ 39 વર્ષ જીવ્યા. ફક્ત 39 વર્ષ! એમની આટલી નાની જિંદગી ભરપૂર ઘટનાપ્રચુર પૂરવાર થઈ. પોતાના જીવનકાળ દરમિયાન એમણે પુષ્કળ વિદેશભ્રમણ કર્યું હતું. એ જમાનામાં સૌના હાથમાં મોબાઇલ ફોન કે ઇન્ટરનેટ જેવું તો કશું હતું નહીં. દૂર વસતા સ્વજનો-મિત્રોના સંપર્કમાં રહેવા માટે લોકો પત્રવ્યવહાર કરતા. આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ પોતાની વિદેશી શિષ્યાઓને લખેલા અંતરંગ અને લાગણીસભર એવા ૨૦૮ પત્રોનું સૂઝપૂર્વક સંપાદન થયું છે. એ વાંચતી વખતે  આપણને સમજાય કે સ્વામી વિવેકાનંદ પણ થાકી શકે છે, કંટાળી શકે છે, સેન્ટીમેન્ટલ થઈ શકે છે, નકારાત્મક ટીકાઓથી સહેજ ચિંતિત થઈ શકે છે અને સામાન્ય માનવીની જેમ નાણાભીડ પણ અનુભવી શકે છે!     


જેમ કે, ઈઝાબેલ નામનાં શિષ્યાને સ્વામીજી ૨૬ એપ્રિલ ૧૮૯૪ના રોજ ન્યુયોર્કથી એક કાગળમાં લખે છે કે, ‘ગઈ રાતે મેં વ્યાખ્યાન આપ્યું. મિસિસ સ્મિથે બે ડોલરની એક લેખે ટિકિટો વેચી હતી. સભાનો ઓરડો જોકે નાનો હતો પણ તે ભરાઈ ગયો હતો. હજુ મને તે પૈસા મળ્યા નથી, પણ સાંજ સુધીમાં તે મળવાની આશા રાખું છું. લીન (નામના સ્થળે) મને સો ડોલર મળ્યા. હું તે મોકલતો નથી કેમ કે મારે નવો ઝબ્બો કરાવવો છે અને બીજી પરચૂરણ ચીજો લેવી છે. બોસ્ટનમાં કંઈ પૈસા મળવાની આશા નથી.બીજા કાગળોમાં સ્વામીજી કહે છે કે,   ‘જો હું પુષ્કળ પ્રમાણમાં પૈસા પ્રાપ્ત કરી શકું તો હું બહુ રાજી થાઉં... મારી મુસાફરી માટેનું ખર્ચ મળી રહે છે. જો કે તેઓ મને વધારે આપી શકતા નથી, તો પણ થોડુંઘણું તો આપે જ છે. અને સતત કામ કરીને મારો ખર્ચ કમાઈ લેવા જેટલું હું મેળવી લઈશ, ગમે તેમ કરીને બસોચારસો મારા ખીસામાં પણ રાખીશ. તેથી તમારે મારી લેશ માત્ર ચિંતા ન કરવી.

સામાન્ય માનવીની શી વાત કરવી, વજ્ર જેવું મનોબળ ધરાવતો સ્વામી વિવેકાનંદ જેવો પુરુષ પણ કંટાળી શકે છે, તૂટનનો અનુભવ કરી શકે છે. સ્વામીજીએ અપરાધીભાવનો બોજ પણ સહ્યો છે. પોતે માતાની ઉપેક્ષા કરી છે, અન્યાય કર્યો છે એવું ગિલ્ટ સ્વામીજીના એક કરતાં વધારે પત્રોમાં છલકાયું છે. એક પત્રમાં તેઓ લખે છેઃ
આવતે અઠવાડિયે હું મારા માતુશ્રીને યાત્રાએ લઈ જવાનો છું.... મારી જિંદગી આખી હું બિચારી મારી માતાને દુખરુપ થયો છું. તેનું આખું જીવન સતત દુખમય રહ્યું છે. જો શક્ય હોય તો મારો છેલ્લો પ્રયાસ તેને થોડી સુખી કરવાનો હોવો જોઈએ.

પૌરુષથી છલોછલ હોવું એનો અર્થ એવો નહીં કે સ્વભાવે કઠોર કે નિષ્ઠુર હોવું. મર્દાનગીભર્યું વ્યક્તિત્ત્વ અને સંવેદનશીલતા એ કંઈ પરસ્પર વિરોધાભાસી કે મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ બાબતો નથી.  સ્વામી વિવેકાનંદના આ શબ્દો આશ્ર્ચર્ય ઊપજાવે એવા છે:

હું પુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ!

1896માં મેરી નામની પોતાની શિષ્યાએ તેઓ લખે છેઃ

આ દુનિયામાં બે પ્રકારના માનવીઓ છે. એક પ્રકાર છે મજબૂત છાતીના શાંત, પ્રકૃતિને નમતું આપવાવાળા, અતિ કલ્પનાશીલ નહીં છતાં ભલા, માયાળુ, મીઠા વગેરે. આ દુનિયા આવા માણસો માટે છે. એકલા તેઓ જ સુખી થવાને સરજાયેલા છે. વળી, બીજા પ્રકારના છે તેઓ આવેગશીલ, અસાધારણ કલ્પનાશીલ, અતિ માત્રામાં લાગણીપ્રધાન, સદાયે એક ક્ષણમાં આવેશમાં આવી જતા અને બીજી ક્ષણે શાંત પડી જતા... એ લોકો માટે સુખ નથી. જેમને આપણે પ્રતિભાશાળી વ્યક્તિઓ કહીએ છીએ તેઓ આ બીજા પ્રકારમાંથી જ નીકળે છે.

આ કાગળમાં સ્વામીજી પોતાની લાક્ષાણિક શૈલીમાં મેરીને એમ પણ કહે છે કે, તારામાં મહાન બનવાની મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઈએ. વિવેકાનંદના આ પત્રો વાંચતા જઈએ તેમ તેમ એમની લાર્જર-ધેન-લાઈફ ઈમેજમાં જુદા જુદા શેડ્ઝ ઊમેરાતા જાય છે. મજાની વાત એ છે કે એને લીધે આપણા ચિત્તમાં અંકાયેલી વિવેકાનંદની મૂળ છબી જરાય નબળી પડતી નથી. ઊલટાનું, વિવેકાનંદ વધારે માનવીય, વધારે આપણા જેવાલાગતા જાય છે. આપણને સમજાય છે કે જીવનમાં પરેશાન કરી મૂકતી કઠણાઈઓ ઝીંકાયા કરતી હોય અને દિમાગ ખરાબ કરી નાખે એવી પરિસ્થિતિઓ પેદા થયા કરતી હોય તો પણ વિરાટ કાર્યો થઈ શકે છે, જો સ્વામી વિવેકાનંદની માફક વજ્ર જેવી ઇચ્છાશક્તિ, જબરદસ્ત સંકલ્પશક્તિ અને પ્રચંડ પુરુષાર્થ કરવાની ક્ષમતા ખુદમાં વિકસાવી હોય તો!

0 0 0 



Tuesday, July 10, 2018

વિકી કૌશલઃ અબ રોક સકો તો રોક લો!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - તારીખ 8 July 2018 

મલ્ટિપ્લેક્સ                   

2018માં વિકી કૌશલ એકાએક બોમ્બની જેમ ફાટ્યો છે. બોલિવૂડ હવે જ્યારે નવા નવા વિષયો પર હિંમતભેર ફિલ્મો બનાવી રહ્યું છે ત્યારે વિકી કૌશલ જેવા તગડા અને વર્સેટાઇલ યુવા અભિનેતાનું આ રીતે ઉદય થવું એ બધા માટે ગુડ ન્યુઝ છે.


સાંજ ઢળી ચૂકી છે. વારાણસીના કોઈ ઘાટ પાસે ચારેક જુવાનિયા ખુલ્લામાં દારૂ પીતા બેઠા છે. દૂર બ્રિજ પરથી ટ્રેન પસાર થઈ રહી છે અને એની બારીમાંથી ઝબકતાં પ્રકાશનાં નાનાં નાનાં ધાબાં ધીરે ધીરે સરકી રહ્યાં છે. આ ચારમાંથી દીપક નામના યુવાને પોતાની પ્રેમિકા શાલુની ચિતા થોડા દિવસ પહેલાં જ જલાવી હતી. દીપકના દલિત પરિવારનું કામ જ આ છે - મૃતકોનાં શબની અંતિમ ક્રિયા કરાવી આપવાનું.  શાલુ એના પરિવાર સાથે જાત્રાએ ગઈ હતી. એમની બસનો એક્સિડન્ટ થઈ ગયો. જે મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવામાં આવ્યાં એમાં એક દેહ શાલુનો પણ હતો. દીપક આઘાતથી મૂઢ થઈ ચુક્યો છે. દોસ્તારો એની ઉદાસી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છેઃ કેમ ક્યારનો ચુપ બેઠો છે? કંઈક તો બોલ યાર...

દીપક જાણે કોઈ જ જુદા જ સમતલ પર મૂકાઈ ગયો હોય તેમ એ નશાની હાલતમાં બબડવા લાગે છેઃ 'એને શાયરી બહુ ગમતી... તૂ રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં... એ કહેતી, તારી સાથે લગ્ન કરવા ભાગવું પડશેને તો ભાગી નીકળીશ...' 

પીડા ગઠ્ઠો થઈને છાતીમાં ભરાઈ ગઈ છે. એનો કઈ રીતે નિકાલ કરવો એ જુવાનને સમજાતું નથી. એ ચિત્કારી ઉઠે છેઃ

'સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા બે...'

- અને જાણે ભયાનક જોશ સાથે જમા થયેલું પાણી ડેમની દીવાલ તોડીને ધડધડાટ કરતું વહેવા માંડે એમ જુવાન બેફામ આક્રંદ કરી ઉઠે છે. દોસ્તોને સમજાતું નથી કે એને છાનો કેવી રીતે રાખવો. જુવાનના હૃદયભેદક કલ્પાંતથી જાણે બનારસનો આખો ઘાટ રડી ઉઠે છે.

'મસાન' (2015) ફિલ્મનું આ યાદગાર દશ્ય છે. કોઈ પણ જાણીતા સિતારા કે ગ્લેમર વગરની આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. એનું આ અઢી મિનિટનું દશ્ય અને એમાંય દીપક બનતો અદાકાર એટલી જબરદસ્ત ઇમ્પેક્ટ ઊભી કરે છે કે ઓડિટોરિયમમાં બેઠેલો સંવેદનશીલ દર્શક કિરદારની પીડાથી કાંપી ઉઠતો હતો.

એ શામળો, સાધારણ દેખાવનો યુવા અદાકાર એટલે વિકી કૌશલ. તાજેતરમાં 'સંજુ' ફિલ્મને કારણે એ એકાએક બોમ્બની જેમ ફાટ્યો છે. 'સંજુ'માં એ સંજય દત્તનો ગુજરાતી દોસ્તાર બન્યો છે. રણબીર કપૂર અને પરેશ રાવલની સાથે વિકી કૌશલના અભિનયની પણ ભરપૂર - અને બિલકુલ યોગ્ય રીતે - પ્રશંસા થઈ રહી છે.

એક એક્ટર તરીકે વિકી કેટલો મજાનો છે એ તો 'મસાન'થી જ પૂરવાર થઈ ચૂક્યું હતું. નેશનલ અવોર્ડવિનિંગ 'મસાન'ના પેલા યાદગાર દશ્ય વિશે ફિલ્મના લેખક વરૂણ ગ્રોવરે સરસ વાત કહી છે. મૂળ સ્ક્રિપ્ટમાં આ દશ્ય આપણે ફિલ્મમાં જોઈએ છીએ એના કરતાં સાવ જુદી રીતે લખાયેલું હતું.  સ્ક્રિપ્ટમાં એવું હતું કે દીપક પોતાની પ્રેમિકાને યાદ કરતાં કરતાં લાંબો પ્રલાપ કરશે અને અંતમાં 'સાલા યે દુખ કાહે ખતમ કયું નહીં હોતા'  વાક્ય સાથે મોનોલોગ પૂરો કરશે. દીપકે આ સીનમાં રડવાનું હતું જ નહીં. લેખક વરૂણ ગ્રોવર અને ડિરેક્ટર નીરજ ઘેવાન બન્નેએ નક્કી કરેલું કે જુવાનિયો આખી ફિલ્મમાં એક જ વાર રડશે, ફિલ્મના અંતિમ હિસ્સામાં, પોતાની પ્રેમિકાને ભેટમાં આપેલી વીંટી ગંગા નદીમાં પધરાવતી વખતે.

વિકી કૌશલ અસલી જીવનમાં દારૂ પીતો નથી. કમસે કમ, 'મસાન' વખતે તો નહોતો જ પીતો. સામાન્યપણે દારૂ પીવાનાં દશ્યોમાં અદાકારોને શરાબ જેવું દેખાતું શરબત પિરસવામાં આવતું હોય છે, પણ વિકીએ કહ્યું કે ના, આ દશ્ય બહુ જ ઇન્ટેન્સ છે એટલે તમે મને અસલી દારૂ જ આપો, હું મેનેજ કરી લઈશ.



શૂટિંગ શરૂ થયું. વિકીએ લાંબો મોનોલોગ બોલવાનું શરૂ કર્યું. કાગળ પર લખાયેલા શબ્દોને વળગી રહેવાને બદલે એ ઇમ્પ્રોવાઇઝ કરતો ગયો. લગભગ આઠેક મિનિટ સુધી એ બોલતો રહ્યો. યોગાનુયોગ એ જ વખતે દૂર પુલ પરથી ટ્રેન નીકળી એટલે વિકીએ પોતાની રીતે 'તૂ રેલ સી ગુઝરતી હૈ, મૈં કિસી પૂલ સા થરથરાતા હૂં' લાઇન વણી લીધી. વિકી આ દશ્યમાં, દીપકના પાત્રની પીડામાં એટલો ઊંડો ઉતરી ગયો હતો કે અંતમાં 'સાલા યે દુખ કાહે ખતમ નહીં હોતા' વાક્ય બોલ્યા પછી અટકી જવાને બદલે એ છાતી ફાડીને રડ્યો. આ કંઈ એણે પહેલેથી વિચારેલું નહોતું. આ સહજપણે, સ્પોન્ટેનિયસલી બની ગયું. એનું હૈયાફાટ રુદન એટલું અસરકારક હતું કે સેટ પર હાજર રહેલા સૌની આંખો ભીંજાઈ ગઈ. માત્ર રાઇટર-ડિરેક્ટર જ નહીં, પણ જેમને સ્ક્રિપ્ટીંગ પ્રોસેસ ખાસ કંઈ લેવાદેવા ન હોય એવા ટેક્નિશીયનોની આંખો પણ છલકાઈ ગઈ.

લેખકને હંમેશાં પોતે લખેલા શબ્દો પ્રત્યે માયા હોવાની. વરૂણ ગ્રોવર ભલે વિકીનું પર્ફોર્મન્સ જોઈને દ્રવી ઉઠ્યા હતા, પણ એમને હજુય એવું જ લાગતું હતું કે આ સીનમાં રુદનની જરૂર જ નથી. જોકે ડિરેક્ટર નીરજ ઘેવાલે કદાચ શૂટિંગ વખતે જ વિચારી લીધું કે વિકીના રુદન માટે ફિલ્મમાં આ જ જગ્યા પરફેક્ટ છે. ફિલમનો ફર્સ્ટ કટ જોયા પછી વરૂણે પણ તે સ્વીકારવું પડ્યું. વરૂણ ગ્રોવરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છેઃ

'હું જ્યારે સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો ત્યારે આ સીન મારો મોસ્ટ ફેવરિટ હતો. આજની તારીખે ફિલ્મ જોઉં છું ત્યારે પણ આ સીન મને સૌથી વધારે ગમે છે. રનવે પર પૂરપાટ દોડીને વિમાન જેમ ઉડાન ભરે એમ વિકી કૌશલ પણ આ સીનમાં મેં લખેલાં મૂળ લખાણ પર દોટ મૂકીને પોતાની રીતે આકાશમાં ઉડ્યો છે.'

એક પ્રતિભાશાળી અને બુદ્ધિમાન અદાકારની આ ખાસિયત હોય છે. લેખકે અને ડિરેક્ટરે વિચારેલા-લખેલા-ડિઝાઇન કરેલાં દશ્ય કે સંવાદનું પોતાની રીતે અર્થઘટન કરીને એ એના પર પોતાની સજ્જડ છાપ છોડી દેશે. 'મસાન' માટે વિકી કૌશલને ખૂબ બધા મેલ ડેબ્યુ અવોર્ડઝ મળ્યા. અલબત્ત, સૌથી પહેલાં બિગ સ્ક્રીન પર એની એન્ટ્રી 2012માં થઈ ચુકી હતી, 'લવ શવ તે ચિકન ખુરાના' નામની ફિલ્મમાં એણે ટચુકડો રોલ કર્યો હતો. અનુરાગ કશ્યપની સુપર ફ્લોપ 'બોમ્બે વેલ્વેટ'માં પણ એ પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં હતો. 'મસાન'ના આ રોલ માટે મૂળ રાજકુમાર રાવની પસંદગી થઈ હતી, પણ છેલ્લી ઘડીએ ડેટ્સની ગરબડ થતાં એણે ખસી જવું પડ્યું. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એના એક જ મહિના પહેલાં વિકી કૌશલને આ ભુમિકામાં કાસ્ટ કરવામાં આવ્યો. 'મસાન'ના ડિરેક્ટર નીરજ ઘેવાલ સાથે આમ તો વિકીની જૂની દોસ્તી હતી. 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં નીરજ અને વિકી બન્નેએ અનુરાગ કશ્યપના આસિસ્ટન્ડ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

વિકીના પિતા શામ કૌશલ હિન્દી ફિલ્મોના જાણીતા એક્શન ડિરેક્ટર છે. વિકી જોકે કોઈ પણ સાધારણ નોન-ફિલ્મી પરિવારના ફરજંદ જેમ ઉછર્યો છે. સ્કૂલિંગ કર્યા પછી એણે એન્જિનીયરિંગની ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન બ્રાન્ચમાં એડમિશન લીધું હતું, પણ સેકન્ડ યરમાં જ એને બ્રહ્મજ્ઞાન લાધી ગયું કે આપણે ખોટી લાઈનમાં આવી ગયા છીએ. અલબત્ત, એણે ભણતર પૂરું કરીને ડિગ્રી તો મેળવી જ. પછી થિયેટર જોઈન કર્યું, નસીરુદ્દીન શાહ અને માનવ કૌલ સાથે નાટકો કર્યાં, કિશોર નમિત કપૂરનો એક્ટિંગનો કોર્સ કર્યા. ત્યાર બાદ, અગાઉ કહ્યું તેમ, અનુરાગ કશ્યપના આસિસ્ટન્ટ બનીને ફિલ્મમેકિંગનો ફર્સ્ટહેન્ડ એક્સપિરિયન્સ લીધો.  

'મસાન' પછી 2016માં 'ઝુબાન' નામની ફિલ્મમાં વિકીએ એવા યુવાનનો રોલ કર્યો જેને સંગીતથી ડર લાગે છે! આ ફિલ્મ જોકે ફ્લોપ થઈ ગઈ. ત્યાર બાદ આવી અનુરાગ કશ્યપની 'રમન રાઘવ 2.0'. નવાઝુદ્દીન સિદ્દીકી જેવો સુપર એક્ટર મુખ્ય ભુમિકામાં હોવા છતાં પોલીસ ઇન્સપેક્ટરના રોલમાં વિકીએ ધ્યાન જરૂર ખેંચ્યું.

2018નું વર્ષ વિકીને સોલિડ ફળ્યું છે. સૌથી પહેલાં તો 'લવ પર સ્કેવર ફૂટ' નામની રોમેન્ટિક કોમેડી નેટફ્લિક્સ પર ઓનલાઇન રિલીઝ થઈ. અત્યાર સુધી જોનારાઓએ વિકીને ગંભીર ભુમિકાઓમાં જ જોયો હતો, પણ આ હલકીફૂલકી એન્ટરટેનિંગ ફિલ્મમાં વિકીનું એક એક્ટર તરીકેનું નવું જ પાસું જોવા મળ્યું. ત્યાર બાદ આવી, મેઘના ગુલઝાની 'રાઝી'. આલિયા ભટ્ટ બધી વાહવાહી ઉઘરાવી ગઈ હોવા છતાં એના પાકિસ્તાની પતિના રોલમાં વિકી કૌશલના પણ વખાણ થયા.

નેટફ્લિક્સ પર થોડાં અઠવાડિયાં પહેલાં રિલીઝ થયેલી 'લસ્ટ સ્ટોરીઝ'માં કરણ જોહરવાળી વાર્તામાં વિકીએ પત્નીની શારીરિક જરૂરિયાત ન સમજી શકતા બાઘ્ઘા પતિનો રોલ પણ કેટલો સરસ રીતે ભજવ્યો છે. 'સંજુ' પછી સપ્ટેમ્બરમાં હવે 'મનમર્ઝિયાં' નામની ફિલ્મ આવશે. અનુરાગ કશ્યપનું ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં વિકી-અભિષેક બચ્ચન-તાપસી પન્નુ વચ્ચે લવ-ટ્રાયેન્ગલ છે. હાલ વિકી ઉડી અટેક પર આધારિત 'ઉડી' નામની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આમાં એ ડુપ્લિકેટની મદદ લીધા વિના અસલી સ્ટંટ્સ કરવાનો છે.

ટૂંકમાં, 2018માં ઓડિયન્સ એકાએક વિકી કૌશલ નામના આ 29 વર્ષના એક્ટરને જુદા જુદા અવતારમાં જોઈ રહ્યું છે અને એની પ્રતિભાથી તેમજ અભિનયની રેન્જથી પ્રભાવિત થઈ રહ્યું છે. બોલિવૂડ હવે જ્યારે નવા નવા વિષયો પર હિંમતભેર ફિલ્મો બનાવી રહ્યું છે ત્યારે વિકી કૌશલ જેવા તગડા અને વર્સેટાઇલ એક્ટરનું આ રીતે ઉદય થવું એ બધા માટે ગુડ ન્યુઝ છે. વિકીની ગાડી હવે સ્પીડ પકડી ચુકી છે. અબ રોક સકો તો રોક લો!     


 000

Wednesday, July 4, 2018

ઇસ રૂટ કી સભી લાઇનેં વ્યસ્ત હૈ...


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 4 જુલાઈ 2018

ટેક ઓફ   
                   
જિંદગી આપણી સામે સફળતાના એક નિશ્ચિત સ્તર સુધી પહોંચવા માટે ક્યારેક ચુપચાપ રૂટ '' ને બદલે રૂટ 'બી'નું સાઇનબોર્ડ મૂકી દેતી હોય છે. મામલો દિમાગ ખુલ્લું રાખવાનો છે, ફ્લેક્સિબલ બનવાનો છે. એક વિચાર, આઇડિયા કે સ્ટ્રેટેજીને જડતાથી વળગી રહેવાને બદલે નવી શક્યતાઓ અને નવી પરિસ્થિતિ પ્રત્યે આપણે સજાગ રહેવું જોઈએ.




1960ના દાયકાની વાત છે. જપાનની હોન્ડા કંપની અમેરિકન માર્કેટમાં પગપેસારો કરવામ માગતી હતી. એ વખતે અમેરિકામાં હાર્લી-ડેવિડસન કંપનીની બાઇક્સનો દબદબો હતો. તોતિંગ કદ, અતિ પાવરફુલ અને ખૂબ મોંઘી એવી હાર્લી-ડેવિડસન બાઇક ચાલવનારાઓ અમેરિકામાં પ્રમાણમાં ઓછા હતા, પણ એનું સ્ટેટસ ખૂબ ઊંચું હતું. આપણે ત્યાં હાર્લી-ડેવિડસન આજની તારીખે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે અને આ બાઇક ચલાવનારા જમીનથી ચાર વેંત અધ્ધર ચાલે છે. હાર્લી-ડેવિડસન સિવાય યુરોપથી ઇમ્પોર્ટ થયેલી ટ્રાયમ્ફ જેવી કેટલીક બાઇક્સ પણ અમેરિકન રસ્તાઓ પર તે અરસામાં દેખાતી. હોન્ડાએ નક્કી કર્યું કે આપણે હાર્લી-ડેવિડસન અને ટ્રાયમ્ફ જેવી તોતિંગ ક્લાસી બાઇક્સ બનાવીને અમેરિકન બજારમાં મૂકવી ને એની કિંમત ખાસ્સી ઓછી રાખવી. આ રીતે અમેરિકામાં યુરોપિયન માર્કેટમાંથી જેટલી બાઇક્સ ઇમ્પોર્ટ યાય છે એનો કમસે કમ દસ ટકા હિસ્સો પોતાના નામે કરી નાખવો.

હોન્ડા કંપનીએ મોટા ઉપાડે હડમદસ્તા જેવી બાઇક્સ અમેરિકામાં લોન્ચ તો કરી, પણ શરૂઆતના વર્ષોનું પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યું. હોન્ડા બાઇકના લેવાલ બહુ ઓછા મળ્યા. કિંમત ઓછી હોવાને કારણે તે 'ગરીબ માણસોની મોટરસાઇકલ' ગણાવા લાગી. અધૂરામાં પૂરું, જો હોન્ડા બાઇકને હાઇ સ્પીડમાં લોન્ગ ડ્રાઇવ પર લઈ જવામાં આવે તો એમાંથી ઓઇલ લીક થવા લાગતું હતું. અમેરિકનો તો હાઇ સ્પીડ અને લોન્ગ ડ્રાઇવ આ બન્નેના શોખીન. તેઓ આ ક્ષતિ શી રીતે ચલાવી લે? હોન્ડાના ડીલરો પાસે ફરિયાદ આવવા માંડી. ખાટલે મોટી ખોડ એ હતી કે અમેરિકામાં આ ખામી દુરસ્ત થઈ શકે એવી કોઈ વ્યવસ્થા નહોતી. આથી ખામીયુક્ત બાઇક્સને કાર્ગો પ્લેનમાં નાખીને છેક જપાન લઈ જવામાં આવતી. ત્યાં હોન્ડાના વર્કશોપમાં અનુભવી મિકેનિકોનો હાથ ફરે પછી બાઇક્સને કાર્ગો પ્લેનમાં પાછી અમેરિકા લઈ જવાની. કલ્પના કરો કે હોન્ડા કંપનીને એક બાઇક રિપેર કરી આપવાનું કેટલું મોંઘું પડતું હશે! હોન્ડાનું અમેરિકન ડિવિઝન કંગાળ થવા માંડ્યું, છતાંય મેનેજમેન્ટે કહ્યું કે વાંધો નહીં, આપણે આપણી ઓરિજિનલ સ્ટ્રેટેજીને વળગી રહીશું.

હવે બન્યું એવું કે હોન્ડા કંપનીએ શરૂઆતમાં મોટી બાઇક્સની સાથે પોતાની સુપર કબ નામની નાની બાઇક્સ પણ અમેરિકાના લોસ એન્જલસ શહેરના શોરુમમાં મોકલી હતી. જપાનના ખાસ કરીને માલસામાનની ડિલીવરી કરનારાઓ સુપર કબ બાઇક વાપરતા. સાંકડા, ભીડભાડવાળા અને વારે વારે ટ્રાફિક જામમાં અટવાઈ જતા જતા રસ્તાઓ પર આ ટચુકડી સુપર કબ બાઇક ચલાવવી આસાન પડતી. હોન્ડા કંપનીમાં સૌએ માની લીધું હતું કે અમેરિકનોને કંઈ આવી નાની બાઇકમાં રસ પડવાનો નથી.  અમેરિકામાં હોન્ડોનો ગજ વાગતો નહોતો અને નાણાભીડ વધતી જતી હતી એટલે લોસ એન્જલસ ખાતેના શોરૂમના સાહેબોએ નિર્ણય લીધો કે શહેરમાં નાનાં-મોટાં ઓફિશિયલ કામ કરવા માટે સ્ટાફના લોકોએ મોંઘી ટેક્સી ન કરવી, એને બદલે આ નાનકડું સુપર કબ બાઇક લઈને જવું-આવવું. આમેય આ બાઇક્સ ધૂળ ખાતી પડી છે. પડી પડી ખરાબ થઈ જવાને બદલે કમસે કમ આ રીતે કંઈક તો કામમાં આવશે.



એક વાર એક વીકએન્ડમાં લોસ એન્જલસ શહેરના હોન્ડા શોરૂમના સ્ટાફે પિકનિક પર જવાનું પ્લાનિંગ કર્યું. એમણે વિચાર્યું કે શહેરની બાજુમાં નાની ટેકરી છે ત્યાં સુપર કબ બાઇક્સ લઈને જઈએ. હાર્લી-ડેવિડસન કે હોન્ડાની મુખ્ય બાઇક જેવાં ભારેભરખમ ટુ-વ્હીલરને ચલાવવા માટે પાક્કા રોડ જોઈએ, પણ ટેકરીઓ પર કે કાચા, ધૂળ-માટીવાળા રસ્તાઓ પર દોડાવવા માટે તો કદમાં નાની અને વજનમાં હલકીફૂલકી બાઇક જ જોઈએ. તે દિવસે હોન્ડાની ટીમને ટેકરી પર સુપર કબ બાઇક ચલાવવાની મજા પડી ગઈ. એમના માટે આ અનુભવ સાવ નવો હતો.

પછીના વીકએન્ડમાં એમણે પોતાના દોસ્તોને આમંત્રણ આપ્યું કે તમેય અમારી સાથે ચાલો. ટેકરીના ઘુમાવદાર રસ્તા, ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ અને ચડ-ઉતરીયા ઢાળ પર બાઇક ચલાવવાનો જલસો પડશે. એવું જ થયું. એમાંના કેટલાક તો માંડ્યા સ્ટંટ કરવા. સાંજ સુધીમાં અમુક જુવાનિયાઓ એટલી હદે રોમાંચિત થઈ ચુક્યા હતી કે એમણે રીતસર પૃચ્છા કરીઃ અમારેય આ 'ડર્ટ બાઇક્સ' જોઈએ છે. તે વેચાતી મળે ખરી?
શોરૂમના સાહેબોનો નવાઈ લાગી. અમેરિકનોને ડર્ટ બાઇક્સમાં રસ પડ્યો કે શું? ડર્ટ બાઇક એટલે કાચા, ધૂળમાટીવાળા, ઊંચાનીચા, ઢાળવાળા રસ્તા પર દોડી શકે એવી કદમાં નાની અને હલકીફૂલકી બાઇક. એ વખતે તો ખેર, બધી ડર્ટ બાઇક (એટલે કે સુપર કબ) કર્મચારીઓને આપી દેવામાં આવી હતી. આથી હોન્ડાના જપાન સ્થિત હેડક્વાર્ટરને ઓફિશિયલ લેટર મોકલવામાં આવ્યોઃ થોડીક સુપર કબ પ્લેનમાં ચડાવીને લોસ એન્જલસ મોકલી આપો, અહીં એની ડિમાન્ડ નીકળી છે!

થોડા સમયમાં સિઅર્સ નામના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પૃચ્છા આવીઃ અમે તમારા કર્મચારીઓને લોસ એન્જલસના રસ્તાઓ પર નાની સુપર કબ બાઇક્સ ચલાવતા જોયા છે. જો તમે તૈયાર હો તો અમારા કેટેલોગમાં અમે સુપર કબને સામેલ કરવા માગીએ છીએ. હોન્ડા શોરૂમવાળા વિચારમાં પડી ગયા. આ તો કંઈ ભળતું જ થઈ રહ્યું છે. હોન્ડા કંપની તો મોટી વજનદાર બાઇક્સને હર્લી-ડેવિડસનની હરીફ તરીકે અમેરિકામાં પ્રસ્થાપિત કરવા માગે છે. એમાં તો સફળતા મળે એવું દૂર દૂર સુધી દેખાતું નથી. તેને આ નાની સુપર કબ બાઇક્સ લોકોના નજરમાં આવી રહી છે. જો સુપર કબ બીજાઓને વેચવા આપીશું તો બિઝનેસ ડાઇવર્ટ થવા માગશે. જોકે સાહેબોને પછી લાગ્યું કે નાની બાઇક તો નાની બાઇક, એ વેચાય તો છેને. કમસે કમ આપણા શોરૂમનું ભાડું ને લાઇટ-પાણીના ખર્ચા તો નીકળશે!



આમ, ધીમે ધીમે ડર્ટ બાઇક તરીકે ઓળખાતી નાની સુપર કબ બાઇક્સ અમેરિકામાં પોપ્યુલર બનવા લાગી. એડવન્ચર-સ્પોર્ટસના શોખીનોને કાચા, ઢાળવાળી ટેકરીઓ પર ડર્ટ બાઇકને હવામાં ઊછાળતા, ગુંલાટ ખવડાવતા અને પછી સફળતાપૂર્વક લેન્ડ થતાં દશ્યો તમે જરૂર જોયા હશે. યાદ રહે, હોન્ડાની ઓરિજિનલ સ્ટ્રેટેજી તો હાર્લી-ડેવિડસન જેવી ભારે બાઇક વેચવાની હતી. નાની સુપર કબ બાઇકનું માર્કેટ તો બિલકુલ અણધાર્યું અને આકસ્મિકપણે ખૂલી ગયું હતું. આખરે હોન્ડાના મેનેજમેન્ટે સ્વીકાર્યું કે અમેરિકામાં મોટી બાઇક વેચવાના ધખારા છોડી દઈને નાના બાઇક પર ફોકસ કરવામાં જ શાણપણ છે. હાર્લી-ડેવિડસન કરતાં ચોથા ભાગની કિંમત ધરાવતા સુપર કબને વ્ચવસ્થિતપણે પ્રમોટ કરવાની શરૂઆત કરવામાં આવી. ક્લાસી ક્સ્ટમર નહીં, પણ ઓફ-રોડ બાઇકર્સ તરીકે ઓળખાતો એક નવો વર્ગ હોન્ડાનું નવું ટાર્ગેટ ઓડિયન્સ બન્યું.

'હાઉ વિલ યુ મેઝર યોર લાઇફ?' નામના પુસ્તકમાં આ કિસ્સો ટાંકીને લેખક ક્લેટન ક્રાઇસ્ટન્સન કહે છે, 'ખરેખર તો મોટી બાઇક વેચાતી નહોતી એટલે એનું ફ્રસ્ટ્રેશન દૂર કરવા લોસ એન્જલસની હોન્ડા ટીમ શહેરની બહાર ટેકરી પર નાની બાઇક ચલાવવા ગઈ હતી... ને એમાંથી એમને એક નવી દિશા મળી ગઈ! ડર્ટ બાઇક એ એક ચાન્સ આઇડિયા હતો. આ બાઇક ચલાવવી તે જે જોતજોતામાં લાખો અમેરિકનોની ફેવરિટ ટાઇમપાસ હોબી બની ગઈ. હોન્ડાએ લોન્ગ ડ્રાઈવના શોખીન પરંપરાગત બાઇકમાલિકોને આર્કષવાની મહેનત કરવાનું બંધ કર્યું. પરંપરાગત મોટરબાઇક ડીલર્સના નેટવર્કમાંથી બહાર આવીને સ્પોર્ટ્સનો માલસામાન વેચતી દુકાનો દ્વારા નાની મોટરસાઇકલ વેચવાનું શરૂ કર્યું, જેમાં હોન્ડાને જબ્બર સફળતા મળી.'

અમેરિકામાં હોન્ડાની એન્ટ્રી આ રીતે થઈ! આપણા જીવનમાં પણ ક્યારેક આવું બનતું હોય છે, ખરું? આપણે જે વસ્તુ કરવા ધારી હોય તેમાં સફળતા ન મળે, પણ એ વસ્તુ કરવાના પ્રયત્નોમાંથી કશીક નવો જ આઇડિયા ફૂટી નીકળે જે સોલિડ સક્સેસ અપાવે! મામલો દિમાગ ખુલ્લું રાખવાનો છે, ફ્લેક્સિબલ બનવાનો છે. એક વિચાર, આઇડિયા કે સ્ટ્રેટેજીને જડતાથી વળગી રહેવાને બદલે નવી શક્યતાઓ અને નવી પરિસ્થિતિ પ્રત્યે આપણે સજાગ રહેવું જોઈએ. જિંદગી આપણી સામે સફળતાના એક નિશ્ચિત સ્તર સુધી પહોંચવા માટે ચુપચાપ રૂટ '' ને બદલે રુટ 'બી'નું સાઇનબોર્ડ મૂકી દેતી હોય છે. આ નવા રૂટને પારખી લઈને વેળાસર નવી દિશામાં આગળ વધવાનું શીખી જઈએ એટલે ભયો ભયો!               
         

 0 0 0 

Tuesday, July 3, 2018

વર્લ્ડ-ક્લાસ ડોક્યુમેન્ટરી બનાવવાની કળા


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 1 જુલાઈ 2018
મલ્ટિપ્લેક્સ
'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' ડોક્યુ-સિરીઝનો કેન્દ્રિય ભાવ 'ફિઅર ઓફ અધર્સ' છે. જે પોતાના જેવા નથી એવા અજાણ્યા લોકો તરફથી ઊભો થતો કલ્પિત કે વાસ્તવિક ભય. રજનીશના અનુયાયીઓ અને સ્થાનિક અમેરિકનો એમ બન્ને જૂથના લોકો દઢપણે માનતા રહ્યા કે પોતે  સાચા અને નિર્દોષ છે, બદમાશ તો સામેની પાર્ટી છે. બન્નેમાંથી કોઈએ છેક સુધી નમતું ન જોખ્યું. પરિણામે કલ્પી ન શકાય એવો મોટો કાંડ થઈ ગયો.  
બિલકુલ. રાજકુમાર હિરાણી-રણબીર કપૂરની 'સંજુ' અત્યારે જોરદાર ન્યુઝમાં છે તે કબૂલ, પણ આપણે ગયા રવિવારે ઓશો રજનીશના 'અમેરિકન' જીવન પર બનેલી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની અદભુત ડોક્યુમેન્ટરી વિશે વાત માંડી હતી તે પહેલાં પૂરી કરીએ. નેટફ્લિક્સ પર આ અંગ્રેજી ડોક્યુ-સિરીઝના એક-એક કલાકના છએ છ તબલાતોડ એપિસોડ્સ અવેલેબલ છે અને દુનિયાભરના લોકો જેને અધ્ધર શ્વાસે જોઈ ગયા છે અથવા જોઈ રહ્યા છે. જેની ગુણવત્તા સો ટચના સોના જેવી છે એવી આ ડોક્યુ-સિરીઝમાં છે શું તે થોડું રિવાઇન્ડ કરીને જોઈ લઈએ.
1980ના દાયકા પ્રારંભમાં રજનીશ (તે વખતે તેઓ ઓશો નહીં પણ 'ભગવાન' હતા) અને એમના અનુયાયીઓ માનવજાત માટે આદર્શ કહી શકાય એવી દુનિયાનું સર્જન કરવા માગતા હતા. આ માટે એમણે અમેરિકાના ઓરેગોન રાજ્યની 64 હજાર એકરમાં ફેલાયેલી ઉજ્જડ જમીન પસંદ કરી. અહીં તેમણે શાનદાર રજનીશપુરમ નામનું નગર ઊભું કર્યું. એમનો શુભ આશય તો એવો હતો કે અહીં માત્ર પ્રેમ, કરૂણા, મૈત્રી, સદભાવના અને આઝાદીનું રાજ ચાલતું હોય. હકીકતમાં થયું એનાથી બિલકુલ ઊલટું. સેક્સ કલ્ટ તરીકે બદનામ થઈ ગયેલા આ સમુદાયના કેટલાક લોકો પર સેમી-ઓટોમેટિક હથિયારો ધરાવવા, સ્થાનિક અમેરિકનોને, ખાસ કરીને એન્ટેલોપ નામના પાડોશમાં આવેલા ટચુકડા ગામના રહેવાસીઓને નુક્સાન પહોંચાડવા માટે વોટર પોઇઝનિંગ, ફૂડ-પોઇઝિનંગ, સ્થાનિક ચૂંટણીમાં ઘાલમેલ, ઇવન હત્યાનો પ્રયાસ વગેરે જેવા સંગીન અપરાધો કરવાનો આરોપ લાગ્યો. રજનીશીઓ અને સ્થાનિક અમેરિકનો વચ્ચે જંગ ફાટી નીકળ્યો. અદાલતમાં કેસ ચાલ્યા.  સરવાળે રજનીશે પોતાના નિકટના અનુયાયીઓ સાથે રાતોરાત જીવ બચાવીને નાસવું પડ્યું. રજનીશપુરમ હતું ન હતું થઈ ગયું. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'માં આ સમગ્ર ઘટનાક્રમ કમાલની અસરકારકતાથી પેશ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ બાબત એ છે કે રજનીશપુરમવાસીઓ અને સ્થાનિક અમેરિકનોમાંથી કોણ કેટલું સાચું હતું કે ખોટું હતું એનો નિર્ણય કરવાનું કામ ઓડિયન્સ પર છોડી દેવામાં આવ્યું છે.
આ ડોક્યુ-સિરીઝ ચેપમેન વે અને મેક્લેઇન વે નામના પચીસ-ત્રીસ વર્ષના બે સગા અમેરિકન ભાઈઓએ બનાવી છે. એમને આ વિષય પર કામ કરવાનું શી રીતે સૂઝ્યું? બન્યું એવું કે 2014માં તેઓ 'ધ બેટર્ડ બાસ્ટર્ડ્સ ઓફ બેઝબોલ' નામની ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા, જે અમેરિકાના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડ શહેરની 1970ના દાયકાની એક બેઝબોલ ટીમ પર આધારિત હતી. આ ડોક્યુમેન્ટરી માટે જરૂરી રિસર્ચ કરવા બન્ને ભાઈઓ ફિલ્મ આર્કાઇવ્ઝમાં જઈને તે જમાનાનું ફૂટેજ શોધવા ખાંખાંખોળા કરતા. આ સમયગાળા દરમિયાન એમની નજરે 'ભગવાન રજનીશ', 'રજનીશપુરમ' વગેરે જેવાં મથાળાંવાળી ચિક્કાર ટેપ્સ નજરે ચડી. ચેપમેન અને મેક્લેઇને જિંદગીમાં અગાઉ ક્યારેય રજનીશનું નામ સુધ્ધાં નહોતું સાંભળ્યું.
Dicector duo: Chapman Way and Maclain Way
એક વાર એમણે એમ જ કોઈ ટેપ પ્લે કરી.  એમને થયું કે કોણ છે આ પોતાને સંન્યાસી કહેડાવતા લાલ કપડાંવાળા વરણાગી લોકો? ઓરેગોનના ઉજ્જડ રણમાં તેઓ શું કરી રહ્યા છે? ભાઈઓને કુતૂહલ થયું એટલે તેઓ વધુ ને વધુ ટેપ્સ જોતા ગયા. રજનીશ એટલે કોણ, એમના અનુયાયીઓ કોણ છે, રજનીશપુરમ એટલે શું અને આ બધો હોબાળો શા માટે છે એ ધીમે ધીમે એમને સમજાતું ગયું. એમણે પામી લીધું કે આના પરથી જબરદસ્ત ડોક્યુમેન્ટરી બની શકે તેમ છે0 એમને નવાઇ એ વાતની લાગી રહી હતી કે માન્યામાં ન આવે એટલી હદે ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ ધરાવતી આ સત્યઘટનાને આજનું અમેરિકા ભૂલી કેવી રીતે ગયું?
ભાઈઓએ સારા માંહ્યલો પ્રોડ્યુસર શોધી કાઢ્યો. બેઝબોલવાળી ડોક્યુમેન્ટરીનું કામ પૂરું થતાંની સાથે જ તેમણે 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' બનાવવાનું કામ શરૂ કરી દીધું. છ એપિસોડની આ ડોક્યુ-સિરીઝ બનાવતાં એમને ચાર વર્ષ લાગ્યા! જૂના ફૂટેજના મામલામાં તેઓ ખરેખર લકી પૂરવાર થયા. 1980ના દાયકામાં, બીટાકેમ પ્રચલિત બન્યા એની પહેલાં સ્થાનિક ટીવી સ્ટેશનો યુ-મેટિક ટેપ્સ પર શૂટિંગ કરતાં. ખર્ચ બચાવવા માટે એકની એક ટેપ ઉપર વારે વારે રેકોર્ડિંગ કર્યા કરતા. આગલા દિવસના ન્યુઝ જૂના થઈ જાય એટલે એની ટેપ પર નવા દિવસનું ફૂટેજ 'છાપવામાં' આવતું. સદભાગ્યે ટીવી સ્ટેશનવાળાઓને તે વખતે રજનીશપુરમની સ્ટોરી રુટિન કરતાં ઘણી વેગળી અને મહત્ત્વની લાગી. આથી રજનીશપુરમવાળું ફૂટેજ ધરાવતી યુ-મિટક ટેપ્સ પર કશુંય ઓવરરાઇટ કરવાને બદલે એમણે એ સઘળી ટેપ્સ જાળવી રાખી. આને લીધે ચેપમેન અને મેક્લેઇનને જુદા જુદા લોકલ ટીવી સ્ટેશનોએ રજનીશપુરમની અંદર જઈને શૂટ કરેલું કુલ 300 કરતાં વધારે કલાકનું કિમતી ફૂટેજ મળી ગયું. રજનીશપુરમની સાવ અડીને રહેલા સ્થાનિક અમેરિકનો સાથે ટીવી પત્રકારોએ કરેલી વાતચીતનું ફૂટેજ પણ ખરું. રજનીશપુરમ વિશે પચાસેક જેટલાં પુસ્તકો લખાયાં હતાં તે અને એ સિવાયના રજનીશ વિશેના બને એટલાં વધારે પુસ્તકો આ ડોક્યુમેન્ટ્રીમેકર ભાઈઓએ વાંચી કાઢ્યા.
તમે ડોક્યુ-સિરીઝ જોશો તો સમજાશે કે એમાં બે પ્રકારનાં દશ્યો વારાફરતી આવ્યાં કરે છે. એક, 1980ના દાયકામાં બનેલી દિલધડક ઘટનાઓનું એક્ચ્યુઅલ ફૂટેજ. બીજું, આ બધું જ જોઈ-અનુભવી ચુકેલા અને સમગ્ર ઘટનાક્રમનો હિસ્સો રહી ચુકેલાં માનવપાત્રોના અત્યારના ઇન્ટરવ્યુઝ. આ ડોક્યુ-સિરીઝ માટે ભૂતપૂર્વ રજનીશીઓ અને સ્થાનિક અમેરિકનોમાંથી કોઈ આસાનીથી ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર નહોતું થયું. સૌને ખૂબ મનાવવા પડ્યા હતા.

રજનીશપુરમના આખા કાંડમાં સૌથી શક્તિશાળી પાત્ર તરીકે મા આનંદ શીલા ઉપસે છે. મા આનંદ શીલા એટલે વધારે પડતા આત્મવિશ્વાસથી છલછલતી, કોઈ પણ સંજોગોમાં હાર ન માનવાવાળી, ગજબની ભારાડી એવી રજનીશની પર્સનલ સેક્રેટરી. સમજોને કે રજનીશપુરમનો સમગ્ર કારભાર રજનીશે એને જ સોંપી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીનો એક મોટો પ્લસ પોઇન્ટ એ છે કે મા આનંદ શીલાને શોધીને એમની પાસેથી સ્ફોટક વાતો કઢાવવામાં ચેપમને અને મેક્લેઇન વે સફળ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા એના બીજા જ દિવસે બન્ને ભાઈઓએ મા આનંદ શીલાને મળવા યુરોપની ફ્લાઇટ પકડી હતી. એમને મળતાંની સાથે જ મા આનંદ શીલાએ બન્નેને રીતસર ધમકાવી નાખેલાઃ તમને અમેરિકનોને શું થઈ ગયું છે? તમારામાં સેન્સ-ઓફ-કલ્ચર જેવું કશુંય બચ્યું નથી? સાવ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસને તમે દેશનો પ્રેસિડન્ટ કેવી રીતે બનાવી શકો?
મા આનંદ શીલા સાથે ચેપમેન અને મેક્લેઇને પાંચ દિવસ ગાળ્યા. પહેલો એક-દોઢ દિવસ તો મા આનંદ શીલા ખાસ ખુલ્યાં કે ખીલ્યા નહીં. સદભાગ્યે ચેપમેન અને મેક્લેઇને વૃદ્ધ બની ગયેલા સ્થાનિક ઓરેગોનવાસીઓના તાજા ઇન્ટરવ્યુઝ ઓલરેડી કરી નાખ્યા હતા. એમાં એમણે રજનીશીઓ પર નવેસરથી બેફામ આરોપો લગાવ્યા હતા. આ ફૂટેજ મા આનંદ શીલાને બતાવવામાં આવ્યું. એક સમયના જાની દુશ્મન એવા સ્થાનિક અમેરિકનોની તાજી આક્ષેપબાજી સાંભળીને મા આનંદ શીલા સખત  ભડક્યાં... અને પછી જે એમની વાચા ફૂટી છે!        
રજનીશપુરમનો ભલે ફિયાસ્કો થયો, બાકી મોટા ભાગના સંન્યાસીઓ આજની તારીખે પણ રજનીશપુરમમાં એમને જે આંતરિક સમૃદ્ધિનો અનુભવ થયેલો તે બદલ ધન્યતા અનુભવે છે. ડિરેક્ટરોને ભાગ્યે જ એવો કોઈ સંન્યાસી મળ્યો (અથવા મળી) જે રજનીશ માટે ઘસાતું બોલતું હોય. હા, અમુક સંન્યાસીઓને મા આનંદ શીલા પ્રત્યે ગુસ્સો જરૂર છે. રજનીશની ફિલોસોફી અને વિઝનમાં આજની તારીખે પણ એમને ભરપૂર શ્રદ્ધા છે. રજનીશે જાહેરમાં મા આનંદ શીલાને ખૂબ ખરીખોટી સંભળાવી હતી, પણ મા આનંદ શીલા આજે પણ એમને પોતાના ગુરૂ ગણે છે અને એમને યાદ કરીને રડી પડે છે.
આ ડોક્યુ-સિરીઝનો કેન્દ્રિય ભાવ ફિઅર ઓફ અધર્સ છે. જે પોતાના જેવા નથી એવા લોકો તરફથી ઊભો થતો કલ્પિત કે વાસ્તવિક ભય. એવું કશું મટીરિયલ ખરું જે આ છ એપિસોડમાં સમાવી ન શકાયું હોય? હા, ઘણું બધું. એમાં 'ધ ડે ઇન લાઇફ' નામનું સેક્શન મુખ્ય છે. રજનીશપુરમમાં રહેતો સરેરાશ સંન્યાસી દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો એ દર્શાવતી એક આખી સિકવન્સ તૈયાર કરવામાં આવેલી, જે એડિટિંગ ટેબલ પર ઉડાવી દેવી પડી. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'ની ડીવીડી બહાર પડશે ત્યારે એકસ્ટ્રા ફિચર યા તો ડિરેક્ટર્સ કટમાં 'ઘ ડે ઇન લાઇફ' જરૂર સામેલ કરવામાં આવશે.    
સો વાતની એક વાત. નેટફ્લિક્સની 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' ડોક્યુ-સિરીઝ જો હજુ સુધી ન જોઈ હોય તો જોઈ કાઢજો. ગુડ ન્યુઝ એ છે કે જો સઘળું સમુસૂતરું પાર પડશે તો આપણને વહેલા-મોડી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' સિક્વલ પણ જોવા મળશે. ટચવૂડ! 

000