Wednesday, February 15, 2017

રાજકીય નેતા અને ઉદ્યોગપતિ વચ્ચેના સંબંધની કક્ષા કેવી હોવી જોઈએ?

Sandesh - Ardh Saptahik Purti - 8 Feb 2017
ટેક ઓફ 
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શક્ય નહોતું, પણ આ બન્ને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. તેથી જ તેઓ ગાંધીજીના આર્થિક મહાબાહુ હોવાનું સન્માન મેળવી શક્યા. 
જમનાલાલ બજાજ  (ઉપર) અને ઘનશ્યામદાસ બિરલા  
ત્તાધારી રાજકારણી અને ધનાઢય ઉદ્યોગપતિ વચ્ચેની હૂંફળી નિકટતાને આજે આપણે વક્ર દષ્ટિએ જોઈએ છીએ, પણ એક જમાનામાં ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ જેવા અતિશ્રીમંતો મહાત્મા ગાંધીથી ખૂબ નજીક હતા. ખેર, એ જમાનો જુદો હતો, એ માણસો જુદા હતા, એમની માટી જુદી હતી અને અને એમના ઈરાદા જુદા હતા. બિરલા ગ્રૂપને ઊંચાઈ પર લઈ જનાર હસ્તી એટલે ઘનશ્યામદાસ બિરલા (જન્મઃ ૧૮૯૪, મૃત્યુઃ ૧૯૮૩). ટાટા અને બિરલા – આ બે અટકો આપણા દેશમાં રૂઢિપ્રયોગ બની ગઈ છે, પુષ્કળ ધનસંપત્તિના માલિક્ હોવાના અર્થમાં. અંબાણી તો પછી આવ્યા. ૧૯૨૬માં સ્થપાયેલા બજાજ ગ્રૂપનું નામ ભલે ટાટા-બિરલા-અંબાણીની સાથે એક શ્વાસમાં ન લઈ શકય, પણ તે ભારતીય ઉદ્યોગજગતનું એક મહત્ત્વનું નામ છે.
ઘનશ્યામદાસ બિરલા અને જમનાલાલ બજાજ એકાંગી ઉદ્યોગપતિ હોત તો ગાંધીજી સાથે એમનું કોઈ સંધાન શકય નહોતું, પણ આ બંને તો દેશદાઝથી છલોછલ માનવતાવાદી શ્રીમંતો હતા. દેશની આઝાદી માટે તેમણે શબ્દશઃ લોહી નહીં પણ ધન વહાવ્યું હતું, જેનું મહત્ત્વ ઓછું આંકવા જેવું નથી. બિરલા અને બજાજ ગાંધીજીના આર્થિક મહાબાહુ હતા. એક અંદાજ પ્રમાણે ઘનશ્યામદાસ બિરલાએ આઝાદી પહેલાં તત્કાલીન કોંગ્રેસ અને ગાંધીજીને એ જમાનાના કુલ વીસ કરોડ રૂપિયા જેટલી આર્થિક સહાય કરી હતી. એવું કહેનારાય હતા કે બિરલાએ ખરેખર તો દેશપ્રેમના નામે કોંગ્રેસ કનેક્શનનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધાર્યો હતો. આ થિયરીનો છેદ ઉડાડી દેતી દલીલ એ છે કે જો ફેવર જ જોઈતી હોત તો ઘનશ્યામદાસ બિરલાએ જવાહરલાલ નહેરુ સાથે પનારો પાડયો હોત, ગાંધી સાથે નહીં. હકીકત એ હતી કે ૧૯૪૭થી ૧૯૬૪ દરમિયાન દેશના વડાપ્રધાન રહેલા નહેરુજી ટાટાથી વિશેષ નિકટ હતા, બિરલાઝ સામાન્યપણે નહેરુથી અંતર જાળવતા.
ગાંઘીજી સાથે ઘનશ્યામદાસ બિરલા વચ્ચે પુષ્કળ પત્રવ્યવહાર થયો હતો. બાપુએ જાતે લખેલા પહેલાં જ પત્રમાં, બિરલાએ સ્વાતંત્ર્ય સંગ્રામની જુદી જુદી ગતિવિધિઓ માટે મોકલાવેલા પાંચ હજાર રૂપિયા બદલ આભાર માન્યો છે. બાપુએ આ જ પત્રમાં ઘનશ્યામદાસ બિરલાને તબિયત જાળવવાનું અને ‘મારે તમારી પાસેથી ઘણું વધારે કામ લેવું છે’ એવા મતલબનું લખાણ પણ લખ્યું છે. ગાંધીજી સાથે થયેલા પત્રવ્યવહારને ઘનશ્યામદાસ બિરલાએ પછી ‘બાપુઃ અ યુનિક એસોસિયેશન’ શીર્ષક હેઠળ ચાર ભાગમાં પ્રકાશિત કર્યો હતો. બિરલાએ લખેલા ‘બાપુ’ નામના ઓર એક સુંદર પુસ્તક વિશે આપણે ગયા બુધવારે વિગતે વાત કરી ગયા. મોહન દાંડીકરે ગુજરાતીમાં તેનો સુંદર અનુવાદ કર્યો છે.
Ghanshyamdas Birla with Gandhiji (exptreme right)  

જમનાલાલ બજાજ (જન્મઃ ૧૮૮૯, મૃત્યુઃ ૧૯૪૨) તો ગાંધીજીનો પાંચમો દીકરો કહેવાયા છે. ગાંધીજી આફ્રિકાથી ભારત પાછા ર્ફ્યા તે પહેલાં જ જમનાલાલના મનમાં એમના પ્રત્યે આદરભાવ પેદા થઈ ચૂકયો હતો. બાપુએ સ્વદેશાગમન કર્યા બાદ કોચરબ આશ્રમમાં નિવાસ કર્યો એ અરસામાં જમનાલાલ એમના નિકટના પરિચયમાં આવ્યા. એક દિવસ જમનાલાલે માગણી કરીઃ બાપુ, મને તમારા પાંચમા પુત્ર તરીકે સ્વીકારો! બાપુએ ઉલટભેર એમના પ્રેમભાવનો સ્વીકાર કર્યો.
જમનાલાલની ઇચ્છા હતી કે ગાંધીજી વર્ધામાં આશ્રમ સ્થાપીને ત્યાં જ નિવાસ કરે, કેમ કે ભૌગોલિક રીતે વર્ધા ભારતની મધ્યમાં પડે અને અમદાવાદની તુલનામાં વર્ધાથી દેશના કોઈપણ હિસ્સામાં આવવું-જવું આસાન સાબિત થાય. ગાંધીજી જોકે તે વખતે અમદાવાદનો આશ્રમ છોડી શકે તેમ નહોતા, પણ એમણે વિનોબાને આશ્રમ વિકસાવવાનું કામ જરૂર સોંપ્યું હતું. ૮ એપ્રિલ ૧૯૨૧માં વિનોબા છ સાથીઓ સાથે વર્ધા આવ્યા અને વિધિવત આશ્રમનું ઉદઘાટન કરેલું.
૧૯૩૦માં દાંડીકૂચ વખતે ગાંધીજીએ પ્રતિજ્ઞાા લીધી હતી કે કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના અમદાવાદ આશ્રમમાં પાછો નહીં ફરું. વર્ધા પાસે સેવાંગ નામના ગામમાં જમનાલાલ બજાજની જમીન હતી, જે તેમણે ગાંધીજીને દાનમાં આપી દીધી હતી. દાંડીકૂચ પછી ગાંધીજી આ ગામમાં સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરીને રહૃાા. ગાંધીજીની ઉપસ્થિતિને લીધે વર્ધા રાષ્ટ્રીય ગતિવિધિઓનું કેન્દ્ર બની ગયું હતું. ગાંધીજીને મળવા આવતા દેશભરના નેતાઓનો ઉતારો વર્ધામાં જમનાલાલની ઘરે રહેતો. વર્ધાના સંકુલમાં ગોપુરીની વસાહતમાં જ જમનાલાલનું ઘર હતું. આઝાદીના જંગનું કોઈપણ આંદોલન કે રચનાત્મક પ્રવૃત્તિનો શુભારંભ વર્ધાથી થવા લાગ્યો. જમનાલાલ બજાજ આ પ્રવૃત્તિઓ માટે છૂટથી ધન ખરચતા. સમજોને કે જમનાલાલ બાપુના ભામાશા બની ગયેલા. એમનાં પત્ની જાનકીદેવીએ પણ ગાંધીજીના સુધારાવાદી વિચારો અપનાવ્યા હતા. જમનાલાલ બજાજ એટલી હદે ગાંધીમય બની ગયા હતા કે ગૌસેવા, નઈ તાલીમ, ગ્રામોદ્યોગ, મહિલાશ્રમ, હરિજનસેવા, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે જેવાં કાર્યોમાં એમનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ મહત્ત્વનું સાબિત થતું.
Jamnadas Bajaj with Gandhi, Satyagraha Ashram, Wardha, 1934.

વર્ધામાં લક્ષ્મીનારાયણ મંદિરનું નિર્માણ કરીને તેમાં એમણે હરિજનોનો પ્રવેશ કરાવ્યો હતો. ગાંઘીબાપુને ‘નવજીવન’ સામયિક હિન્દીમાં પ્રકાશિત કરવાનો આગ્રહ કરનારા પણ જમનાલાલ જ હતા. ગાંધીજીએ એમની વાત માની પણ ખરી. ભારત ગૌસેવા સંઘના પ્રમુખ તરીકે જમનાલાલ વર્ષો સુધી સેવા સક્રિય રહૃાા હતા.
ગાંઘીજી ધનિકોને કહેતા કે તમારું ધન ભલે વારસાગત હોય કે તમારી ખુદની બુદ્ધિ અને મહેનતનું ફ્ળ હોય, એક વાત હંમેશાં યાદ રાખવી કે આ ધન કેવળ તમારા એકલાનું નથી. આ ધનનો એક હિસ્સો દરિદ્રો માટે અને સમાજકલ્યાણનાં કાર્યો માટે વપરાવો જ જોઈએ. તમારે તમારાં ધનના ટ્રસ્ટી બનવાનું છે. જમનાલાલ બજાજે ગાંધીજીની ટ્રસ્ટીશિપની આ સંકલ્પનાને પૂર્ણપણે અપનાવી લીધી હતી. ધનસંપત્તિથી તેઓ આશ્ચર્ય થાય એટલી હદે નિસ્પૃહ રહી શકતા હતા. ખુદ ઘનશ્યામદાસ બિરલાએ એક જગ્યાએ લખ્યું છે કે, ‘જમનાલાલ બજાજના વ્યકિતત્વનું સૌથી મોટી પાસું ધન પ્રત્યેની તેમની ઉદાસીનતા હતી. ખુદને માટે પૈસા ખર્ચવામાં તેઓ અત્યંત કૃપણ હતા. તેમની રહેણીકરણી સાદી અને કરકસરયુકત હતી.’
જમનાલાલ બજાજે માત્ર બાવન વર્ષની વયે દેહ છોડયો. દેશની આઝાદી જોવાનું તેમના નસીબમાં નહોતું. પોતાના વસિયતનામામાં તેઓ લખી ગયા હતા કે મારી સંપત્તિનો ત્રણ ચતુર્થાંશ (એટલે કે પોણો) ભાગ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ કામ કરતી પ્રવૃત્તિઓ પાછળ વાપરવો. ગાંધીજીએ જમનાલાલ બજાજને પોણા ત્રણસો જેટલા પત્રો લખ્યા હતા. કાકાસાહેબ કાલેલકરે તેનું સંપાદન કરીને તે પુસ્તક સ્વરૂપે છપાવ્યું હતું. આ પુસ્તકને એમણે નામ આપ્યું -‘પાંચમા પુત્રને બાપુના આશીર્વાદ’.
0 0 0 

Saturday, February 11, 2017

આ વખતે આ ગુજરાતી એકટર ઓસ્કર જીતશે?

Sandesh - Sanskaar purti - 12 Feb 2017
Multiplex
દેવ પટેલને મુખ્ય ભુમિકામાં ચમકાવતી 'લાયન' નામની વિદેશી ફિલ્મની ચર્ચા આજકાલ દુનિયાભરમાં ચાલી રહી છે. ઓસ્કરની છ કેટેગરીમાં નોમિનેટ થયેલી આ સત્યકથનાત્મક ફિલ્મનો વિષય હૃદય વલોવી નાખે એવો છે.
Dev Patel
જી, બિલકુલ. આ વખતે એક ગુજરાતી એક્ટર ઓસ્કરની રેસમાં ધમધમાટ કરતો દોડી રહૃાો છે. નામ છે એનું દેવ પટેલ. ‘લાયન’ નામની અફ્લાતૂન અંગ્રેજી ફ્લ્મિ માટે એને બેસ્ટ સપોર્ટિંગ એકટરનું ઓસ્કર નોમિનેશન મળ્યું છે. એના પપ્પા રાજ પટેલ અને મમ્મી અનિતા પટેલ મૂળ કેનિયાનાં. ૧૯૭૦ના દાયકામાં પ્રેસિડેન્ટ ઈદી અમીને ઉપાડો લીધો હતો ત્યારે કેનિયા-યુગાન્ડામાં વસતાં કેટલાય ભારતીયો સ્થળાંતર કરીને ઈંગ્લેન્ડ જતા રહેલા. એમાં અનિતા અને રાજ પટેલના પરિવારો પણ હતા. દેવ પટેલનો જન્મ અને ઉછેર બંને લંડનમાં થયા છે એટલે એને કેટલું ગુજરાતી આવડતું હશે તે એક સવાલ છે. ખેર, દેવ પટેલ વિશે વધારે વાત કરતાં પહેલાં એની લેટેસ્ટ ફ્લ્મિ ‘લાયન’ વિશે વિગતે વાત કરીએ. આજકાલ દુનિયાભરમાં ‘લાયન’ની ખૂબ ચર્ચા ચાલી છે. આંખો અને હૃદય બંનેને ભીંજવી નાખે એવી આ ફ્લ્મિ સત્યઘટના પર આધારિત છે.
સરુ નામનો એક પાંચ વર્ષનો મુસ્લિમ છોકરો છે. મધ્યપ્રદેશમાં ખંંડવા પાસે આવેલા કોઈ નાનકડા ગામમાં એ રહે છે. એના પિતાજી પરિવારને ત્યજીને જતાં રહૃાા હતા એટલે એની ગરીબડી મા કડિયાકામ કરીને ચાર-ચાર બાળકોનું પેટિયું ભરે છે. સરુથી મોટા બે ભાઈઓ છે – ગુડ્ડુ અને કલ્લુ. એક નાની બહેન છે – શકીલા. ઘરમાં ખાવાના સાંસા છે એટલે મોટા ભાઈઓ રેલવે સ્ટેશને જઈને કાં તો સ્ટોલ્સ પરથી ખાવાનું ચોરી લાવે અથવા ભીખ માગે. સરુ ઘરે રહીને નાની બહેનને સાચવે.   1986ની આ વાત છે. એક દિવસ સરુ જીદ કરીને મોટા ભાઈ ગુડ્ડુની સાથે રેલવે સ્ટેશન ગયો. બંને ભાઈઓ ખંડવાથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા બુરહાનપુર નામના ગામે જતી ટ્રેનમાં ચડી ગયા. બુરહાનપુર સ્ટેશને ઉતરીને સરુ પ્લેટફોર્મ પર પેસેન્જરો વધેલા બિસ્કિટ કે બીજું કંઈ ખાવાનું છોડી ગયા હોય તે વીણી વીણીને ખાવા લાગ્યો. થોડી વારમાં થાકી ગયો એટલે એક બેન્ચ પર લાંબો થયો. મોટા ભાઈએ કહૃાું: અહીં જ રહેજે. કયાંય આઘોપાછો થતો નહીં. આટલું કહીને ગુડ્ડુ જતો રહૃાો. સરુને ઊંઘ આવી ગઈ. આંખો ખૂલી ત્યારે રાત થઈ ગઈ હતી. ભાઈ આસપાસ કયાંય દેખાતો નહોતો. પ્લેટફોર્મ પર એક ટ્રેન ઊભી હતી. ભાઈ આ ટ્રેનમાં હશે? સરુ ટ્રેનમાં ચડી ગયો. આખી ટ્રેન ખાલી હતી. સરુ એક સીટ પર આડો પડયો. એને પાછી ઊંઘ આવી ગઈ.

ઊંઘ ઊડી ત્યારે સવાર પડી ગઈ હતી અને ટ્રેન ધડધડાટ કરતી કોણ જાણે કયાંથી પસાર થઈ રહી હતી. આખરે ગાડી ઊભી રહી. સરુ નીચે ઉતર્યો ત્યારે એને ખબર નહોતી કે એ પોતાના ગામથી ૧૫૦૦ કિલોમીટર દૂર છેક કોલકાતા પહોંચી ગયો છે! પાંચ વર્ષના આ ટેણિયાને પોતાના ગામનું શું, પોતાનું આખું નામ બોલતા પણ આવડતું નહોતું. એ ગભરાઈને ભીડથી છલકાતા હાવડા સ્ટેશને આમતેમ દોડતો રહૃાો. હવે ઘરે પાછા કેવી રીતે જવું? એ પ્લેટફેર્મ પર ઊભેલી કોઈપણ ટ્રેનમાં ચડી જાય, પણ આ ટ્રેનો હરીફરીને એને પાછો હાવડા જ લઈ આવે. સરુ પ્લેટફેર્મ પર સીંગદાણા કે એવું કંઈ વેરાયેલું હોય તે ખાઈ લે.
આ રીતે મહિનાઓ વીત્યા. નાનકડો સરુ કોલકાતાની સડકો પર ભટકતો રહૃાો. કોઈ ભલી બાઈએ એને રહેવા માટે આશરો આપ્યો, એને પોલીસ સ્ટેશન લઈ ગઈ, પણ સરુને પોતાનાં નામ-ઠામની કશી ખબર નહોતી એટલે એને કાયદેસર રીતે લાપતા ઘોષિત કરીને બાળસુધાર કેન્દ્રમાં મૂકી દેવામાં આવ્યો. અહીં જ એ બાળકો દત્તક અપાવવાનું કામ કરતી એક સંસ્થાની નજરમાં આવ્યો.

Saroo Brierley  - the real life hero of Lion

આ સંસ્થા પાસે એક યુવાન ઓસ્ટ્રેલિયન દંપતી આવ્યું. જોન બ્રાયર્લી અને સૂ બ્રાયર્લી એમનું નામ. મહિલાને એકવાર સપનાંમાં એક ઘઉંવર્ણા રંગનું બાળક દેખાયું હતું. બસ, ત્યારથી એના મનમાં વાત બેસી ગઈ હતી કે મારે ભારતમાંથી એક ઘઉંવર્ણા અનાથ બાળકને દત્તક લેવો છે. દંપતીએ સરુને કાયદેસર રીતે અડોપ્ટ કર્યો અને તેને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયા. એને સ્કૂલમાં બેસાડવામાં આવ્યો. હજુ હમણાં સુધી રેલવે પ્લેટફોર્મ પર કે રસ્તાઓ પર ભૂખ્યોતરસ્યો રખડ્યા કરતો સરુ ઓસ્ટ્રેલિયામાં વ્યવસ્થિત જીવન જીવવા લાગ્યો.
ઉપરવાળાએ સરુને ફોટોગ્રાફ્કિ મેમરી આપી હતી. એના સ્મરણપટ પરથી એની સગી મા, પરિવાર અને ગામ કદી ભૂસાયા નહીં. મોટા થયા પછી પણ એ પોતાના મૂળિયાં ભૂલ્યો નહીં. એને હંમેશાં થયા કરતું કે મારી સગી મા અને ભાઈ-બહેન શું કરતાં હશે? કયાં હશે? એમને મારે કઈ રીતે શોધવા? સરુને આનો જવાબ ગૂગલ અર્થમાંથી મળ્યો. ગૂગલ અર્થ એ કમ્પ્યૂટર પ્રોગ્રામ છે, જેમાં દુનિયાભરના ઠેકાણાંની સેટેલાઈટ તસવીરો તેમજ ભૌગોલિક માહિતી સંગ્રહાયેલા છે.
Saroo with his Australian parents - Sue Brierley and John Brierley

૨૦૧૧ની એક રાત્રે સરુ ગૂગલ અર્થ ખોલીને બેઠો હતો. એને પાણીની ઊંચી ટાંકી યાદ હતી. એક રિંગ રોડ હતો, એક ફુવારો હતો, એક નદી અને એની ઉપર પુલ હતો… અને મારા ગામનું નામ ગિનેસ્ટલે કે એવું કંઈક હતું. ગિનેસ્ટલે? આવું કંઈ નામ હોય? સરુ ભારતના નકશા પર રેન્ડમ સર્ચ કરતો રહૃાો. બંગાળ, ઝારખંડ, ઓરિસા, યુપી, એમપી… અચાનક એની નજરે ‘બુરહાનપુર’ નામ પડયું. બુરહાનપુર? નામ તો પરિચિત લાગે છે. ભાઈ જે રેલવે સ્ટેશન પરથી ગાયબ થઈ ગયો હતો એ સ્ટેશનનું નામ બુરહારપુર હતું? કે પછી બ્રાહમપુર, બહારામપુર, બિરામપુર, બેરામપુર… શું હતું? એણે વધારે સર્ચ કર્યું. બુરહાનપુરમાં પાણીનો ઊંચો ટાંકો દેખાય છે, રિંગ રોડ, ફ્ુવારો, નદી અને પુલ પણ દેખાય છે. શું આ જ એ ગામ હશે? બાજુમાં ખંડવા નામનું સ્ટેશન પણ દેખાય છે, પણ મારા ગામનું નામ તો ગિનેસ્ટલે કે એવું કશુંક હતુંને?
સરુની મદદે હવે ફેસબુક આવ્યું. એણે જોયું કે ફેસબુક પર ‘ખંડવાઃ માય હોમટાઉન’ નામનું એક પેજ છે. એણે મેસેજ મૂકયોઃ ‘કોઈ મને મદદ કરશે, પ્લીઝ? મારું વતન કદાચ ખંડવાની આસપાસ કયાંક છે, પણ ચોવીસ વર્ષથી હું ત્યાં ગયો નથી. શું ખંડવામાં કોઈ સિનેમાહોલ અને મોટો ફુવારો છે?’ 
કોઈએ જવાબ આપ્યોઃ ‘અહીં એક સિનેમાહોલની નજીકમાં બગીચો છે, પણ એમાં જે ફુવારો છે એ તો નાનો અમથો છે. સિનેમાહોલ પણ વર્ષોથી બંધ પડયો છે. વધારે કંઈક ઇર્ન્ફ્મેશન આપી શકો?’ 
Google Earth played an instrumental role in Saroo's life

સરુએ લખ્યું: ‘ખંડવાની નજીકમાં ‘જી’ અક્ષરથી શરૂ થતું કોઈ ગામ છે? મને એકઝેકટ નામ ખબર નથી, પણ ગિનેસ્ટલે કે એવા ટાઈપનો એનો ઉચ્ચાર થાય છે. તે ગામમાં એક બાજુ મુસ્લિમોની વસાહત હતી અને બીજી બાજુ હિંદુઓની વસાહત હતી. આવું કોઈ ગામ તમારા ધ્યાનમાં છે?’ 
જવાબ આવ્યોઃ ‘શું તમે ગણેશ તલાઈ ગામની વાત કરી રહૃાા છો?’
ગણેશ તલાઈ! યેસ, આ જ હોવું જોઈએ. ગિનેસ્ટલે નહીં પણ ગણેશ તલાઈ…
સરુને લાગ્યું કે એના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ છે. અગિયાર મહિના પછી સરુ ખંડવામાં હતો. અહીં પગ મૂકતાં જ સઘળું સપાટી પર આવવા લાગ્યું. એ જ ફુવારો, એ જ થાંભલા, એ જ રસ્તા જ્યાં એ રખડયા કરતો. એને પોતાના ઘરનો રસ્તો પણ યાદ આવી ગયો. એણે જોયું કે પોતે જ્યાં રહેતો હતો તે જગ્યા તો ખંડેર બની ગઈ છે. પાડોશમાં પૃચ્છા કરી. સરુ હિંદી સદંતર ભૂલી ચૂકયો હતો, પણ એણે ઓસ્ટ્રેલિયન અંગ્રેજીમાં સમજાવવાની કોશિશ કરવા માંડીઃ ‘હું સરુ. મારાથી મોટા બે ભાઈ હતા, કલ્લુ અને ગુડ્ડુ…’ 
સરુ પાસે ઓસ્ટ્રેલિયન મા-બાપે પાડેલા એના નાનપણના ફોટા હતા. એક માણસ આગળ આવીને કહેઃ ચાલ, મારી સાથે. 
એ સરુને થોડે દૂર એક ઘરમાં લઈ ગયો. સામે એક આધેડ સ્ત્રી ઊભી હતી. એને દેખાડીને કહેઃ 
આ રહી તારી મા!
Saroo with his real mother, Kamla Munshi 

સ્ત્રીએ ફોટો જાયો. એ સ્તબ્ધ થઈ ગઈઃ ‘આ તો મારા શેરુનો ફોટો…!’   મા-દીકરાનું કલ્પનાતીત મિલન થયું. સરુને હવે ખબર પડી કે આટલાં વર્ષોથી એ પોતાનું નામ પણ ખોટું ઉચ્ચારતો આવ્યો છે. એનું સાચું નામ ‘સરુ’ નહીં, પણ ‘શેરુ’ છે. શેરુ મુનશી ખાન! સરુને એ પણ ખબર પડી કે પચ્ચીસ વર્ષ પહેલાં બુરહાનપુર સ્ટેશને મોટો ભાઈ ગુડ્ડુ એને એકલો મૂકીને જતો નહોતો રહૃાો, પણ અકસ્માતે ટ્રેન નીચે આવી જવાથી કપાઈ ગયો હતો. બંને દીકરા લાપતા થઈ ગયા પછી બે દિવસે મા કમલાને ગુડ્ડુની લાશ મળી હતી. સરુ આખા પરિવારને મળ્યો. બીજો ભાઈ કલ્લુ એક ફેકટરીમાં કામ કરતો હતો. એને ત્રણ બચ્ચાં હતા. નાની બહેન શકીલા પણ બે બાળકોની મા બની ગઈ હતી.
આછીપાતળી સ્મૃતિઓ, ગૂગલ અર્થ અને ફેસબુકે ખરેખર કમાલ કરી દેખાડી. સરુનું આ રીતે પોતાના મૂળ પરિવાર સાથે મિલન થવું તે ઘટના કોઈ ચમત્કાર કરતાં સહેજે કમ નહોતી. મીડિયાએ પણ આ ઘટમાળને ખાસ્સું કવરેજ આપેલું. ઓસ્ટ્રેલિયા પાછા જઈને સરુએ પોતાના જીવનની આ અસાધારણ સફર વિશે આત્મકથનાત્મક પુસ્તક લખ્યું. એને નામ આપ્યું, ‘અ લોન્ગ વે હોમ’.
…અને આ પુસ્તક પરથી બનેલી ફ્લ્મિ એટલે ‘લાયન’!  
Dev Patel (right) with Lion's director, Garth Devis and screen mother, Nicole Kidman (below)

‘લાયન’માં નાનકડા સરુના રોલમાં સની પવાર નામના મુંબઈના એક ટેણિયાએ કામ કર્યુંં છે. બે હજાર બચ્ચાઓમાંથી સાવ સાધારણ ઘરના આ છોકરાને પસંદ કરવામાં આવ્યો હતો. છ (હવે આઠ) વર્ષના સનીએ આ ફ્લ્મિમાં એવું સરસ અને નેચરલ પરફેર્મન્સ આપ્યું છે કે એકલા હોલિવૂડનો જ નહીં, પણ ઇન્ટરનેશનલ મીડિયાનો પણ એ લાડકો બની ગયો છે. દુભાષિયો સાથે રાખીને આજકાલ એ અમેરિકન ટીવી ચેનલો પર મોજથી ઇન્ટરવ્યૂઝ આપી રહૃાો છે.
પુખ્ત વયના સરુનું કિરદાર છવીસ વર્ષીય દેવ પટેલે નિભાવ્યું છે. નિકોલ કિડમેન જેવી ટોચની હોલિવૂડ સ્ટાર દેવની ઓસ્ટ્રેલિયન મમ્મી બની છે.  'લાયન'માં નવાઝુદ્દીન સિદ્દીકી, દીપ્તિ નવલ, તનિષ્ઠા ચેટર્જી, પલ્લવી શારદા ('બેશરમ' ફિલ્મમાં રણબીર કપૂરની હિરોઈન બની હતી એ) અને પ્રિયંકા બોઝ જેવાં ભારતીય કલાકારોએ પણ નાના-મોટા રોલ કર્યા છે. 
Saroo with his real mother Kamla and adopter mother, Sue

દેવ પટલેને આપણે ‘સ્લમડોગ મિલિયોનેર’ (૨૦૦૮)માં સૌથી પહેલી વાર જોયો હતો, લીડ રોલમાં. દેવની એ પહેલી જ ફિલ્મ હતી. આ ફ્લ્મિે આઠ-આઠ ઓસ્કર એવોર્ડ્ઝ જીતી લઈને તરખાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ દેવ પટેલ ‘ધ લાસ્ટ એરબેન્ડર’, ‘ધ બેસ્ટ એકઝોટિક મેરીગોલ્ડ હોટેલ’, ‘ચેપી’, ‘ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી’ વગેરે ફ્લ્મિોમાં દેખાયો.
Dev Patel with Sunny Pawar who played young Saroo in Lion and real life Saroo

તમને યાદ હોય તો, થોડા અઠવાડિયા પહેલાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફ્ંકશનમાં અભિનયસમ્રાજ્ઞાી મેરીલ સ્ટ્રિપે લાઈફ્ટાઈમ એવોર્ડ સ્વીકારતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશીઓને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણ લાવતી નીતિ વિરુદ્ધ મારફાડ સ્પીચ આપી હતી. આ સ્પીચ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પ રાતાપીળા થઈ ગયા હતા. પોતાના આ વકતવ્યની શરૂઆતમાં મેરીલ સ્ટ્રિપે ખૂબ માનપૂર્વક દેવ પટેલનો ઉલ્લેખ કર્યો હતો. 
દેવ પટેલને ‘લાયન’ માટે ગોલ્ડન ગ્લોબ પછી હવે ઓસ્કર નોમિનેશન મળ્યું છે. હરીફાઈ તગડી છે, પણ નસીબ જોર કરતું હશે તો દેવ પટેલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઓસ્કર જીતી પણ શકે. હુ નોઝ? ખેર, ઓસ્કર નાઈટ આવે તેની પહેલાં, ચોવીસ ફેબ્રુઆરીએ, ગર્થ ડેવિસના ડિરેકશનવાળી ‘લાયન’ ભારતમાં રિલીઝ થઈ જશે. મિસ ન કરતા!
                                        0 0 0 

Thursday, February 9, 2017

મનોજ શાહ: ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર

અહા! જિંદગી - ફેબ્રુઆરી 2010 /  દિવ્ય ભાસ્કર - ઉત્સવ - દિવાળી 2011 

મનોજ શાહ એ મુંબઈની ગુજરાતી રંગભૂમિના એક મહત્ત્વના અને બહુ જ ગમતીલા શેડનું નામ છે. કમર્શિયલ રંગભૂમિને સમાંતર જિદપૂર્વક પોતાનો ચોકો બનાવીને તેઓ એક-એકથી ચઢિયાતાં સત્ત્વશીલ નાટકો આપતા જાય છે. આ ખુલ્લા દિલનો એક્ટર-ડિરેક્ટર-પ્રોડ્યુસર ખરેખર મળવા જેવો માણસ છે.

 
 

ત્રીજા માળે આવેલા એમના વન બેડ‚મ-હોલ-કિચનની કાળી પડી ગયેલી દીવાલો પર છેલ્લે કોણ જાણે કેટલાં વર્ષો પહેલાં રંગરોગાન થયા હશે. એમણે પહેરેલાં ચોળાયેલાં ટીશર્ટમાં દેખાતું છિદ્ર દીવાલોની દશા સાથે જાણે જુગલબંદી કરે છે. ના, આ છિદ્ર કોઈ ફેશન-સ્ટેટમેન્ટનો હિસ્સો નથી, બલકે એ ખરેખરુ જેન્યુઈન છિદ્ર જ છે. હૉલની મોટી બારી અને પુસ્તકોના વિશાળ કબાટ વચ્ચે બનતો ખૂણો એમની પ્રિય જગ્યા છે. અહીં આરામખુરશીમાં  પગ પર પગ ચડાવીને પુસ્તક વાંચતા વાંચતા તેઓ એકધારા કલાકો પસાર કરી શકે છે. બાજુમાં લેન્ડલાઈન ફોન બેઠો હોય અને એક તરફ સાદો મોબાઈલ ફોન ચાર્જ થતો પડ્યો હોય. પોતાની કરીઅરમાં તેઓ સતત સક્રિય છે એટલે બેઠાડુ જીવન જીવી રહ્યા છે એમ તો કેમ કહેવાય, છતાંય એમના પગના સાંધાનો દુખાવો લાંબા સમયથી શ‚ થઈ ગયો છે  જ. ‘ખાસ કરીને પણ દાદરા ઊતરતી વખતે તકલીફ થઈ જાય છે,’ તેઓ કહે છે, ‘જોકે રોજ જિમમાં જવાનું નિયમિત રાખ્યું છે.’

 અહીં ‘નિયમિત’ શબ્દના પ્રયોગ વિશે જરા શંકા કરવા જેવી ખરી! એ જે હોય તે, પણ તેઓ શરીર સાચવે તે જરૂરી છે. માત્ર પોતાની તબિયત માટે જ નહીં, ગુજરાતી રંગભૂમિના સ્વાસ્થ્ય માટે પણ.

 એ મનોજ સાકરચંદ શાહ છે. મુંબઈની ગુજરાતી રંગભૂમિના ફેવરિટ આઉટસાઈડર.

 હેય મુંબઈની ગુજરાતી રંગભૂમિ મરવા પડી છે.... હેય ગુજરાતી નાટકોમાં ક્વોલિટીના નામે મોટું મીંડું છે... હેય જાતજાતના જ્ઞાતિમંડળો સાથે આડા સંબંધો બાંધતી ફરતી ગુજરાતી રંગભૂમિ પાસે કેરેક્ટર જેવું કશું રહ્યું નથી... આ પ્રકારના આક્ષેપોના એકધારા વરસાદ વચ્ચે મનોજ શાહ નામનો આ માણસ જાણે કે જીદપૂર્વક પોતાની છત્રી ગુજરાતી તખ્તાની આબરુ પર ધરી રાખીને એને ધોવાઈ જતાં બચાવી રહ્યો છે. આઈડિયાઝ અનલિમિટેડ નામનું પોતાનું બેનર ઊભું કરીને એમણે છેલ્લાં 14 વર્ષોથી કમર્શિયલ રંગભૂમિને સમાંતર પોતાનો ચોકો ધરાર ધમધમતો રાખ્યો છે. ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ જેવાં કેટલાંય બેનમૂન નાટકો આપનાર આ નિર્માતા-નિર્દેશકે દર્શકોને ચકિત કરી નાખે એવા સુપર ટેલેન્ટેડ કલાકારો અભિનયની દુનિયાને સતત આપ્યા છે અને પોષ્યા છે.

 પ્રલોભનોને વશ ન થવું, મુખ્ય પ્રવાહ સાથે સડસડાટ વહેતા જતાં મનુષ્યપ્રાણીઓનાં મહેણાં-ટોણાં-અવગણનાને ગણકાર્યા વગર  ખુદના કન્વિક્શન પ્રમાણે કામ કરતાં રહેવું અને પોતે સર્જેલા વાતાવરણનું ઝનૂનપૂર્વક રક્ષણ કરવું... બહુ કઠિન હોય છે આ બધું.

 ‘હવે મારા ઓડિયન્સમાં સોલ્ડઆઉટ શો ખરીદનારા મંડળવાળા આવતા બંધ થઈ ગયા છે...’ મનોજ શાહ હસે છે, ‘હવે મારાં ઓડિયન્સમાં સાધુઓ, સ્વામીઓ, સંતો-મહંતો અને ટ્રસ્ટીઓ વધારે હોય છે!’

 વેલ, આ એક સારી નિશાની પણ છે અને કદાચ ચિંતાજનક સંજ્ઞા પણ છે. સાધુ-સંતો-મહંતો-સ્વામીઓને મનોજ શાહનાં નાટકો ઉપરાંત એમની ફકીરી પણ આકર્ષતી હશે? હોઈ શકે. મનોજ શાહ પોતાની ફકીરી સાથે, પોતાના ઘરની કાળી પડી ગયેલી દીવાલો સાથે, પોતાના ટીશર્ટમાં પડી ગયેલાં છિદ્ર સાથે મસ્ત થઈને જીવે છે. અલબત્ત, તેઓ પોતાની ફકીરીને નથી બહાદૂરીનું મેડલ બનાવીને છાતીએ લગાડતા કે નથી તેને ઢાલ તરીકે વાપરતા.

1955માં જન્મેલા મનોજ શાહની ફકીરી ઊકેલવા માટે એમની અમીરીની ઈતિહાસ જરા જોઈ લેવો જોઈએ.
 
‘મારો જન્મ ચોપાટીના દરિયાકાંઠે ઊભેલી એક હોસ્પિટલમાં થયો હતો,’ મુંબઈવાસી મનોજ શાહ કહે છે,  ‘મારાં મધર હંમેશા કહ્યા કરતાં કે તું દરિયાની સામે જન્મ્યો છે એટલે જ દરિયાના મોજાં જેવો થયો છે - કંટ્રોલ કરી ન શકાય એવો!’

 પિતાજી શિપિંગના ક્લીઅરિંગ ફોરવર્ડીંગ એજન્ટ હતા.  પહેલાં માટુંગામાં અને પછી લોઅર પરેલ-ચીંચપોકલી વચ્ચે ડિલાઈ રોડવાળા મકાનમાં મનોજ શાહનું બાળપણ અને જુવાની વીત્યાં. લોકાલિટીમાં એમનું ઘર સૌથી સમૃદ્ધ ગણાતું. ‘આખા એરિયાનો સૌથી પહેલો રેડિયો અને ટેલિફોન અમારે ત્યાં આવેલા. અમને ભાઈબહેનોને સાચવવા બે બાઈઓ રાખવામાં આવેલી. ત્રણ ગાડીઓ હતી. આજે તમારે કઈ ગાડીમાં સ્કૂલે જવું છે એવું પૂછવામાં આવતું,’ તેઓ કહે છે.

 સાકરચંદ શાહ અને સવિતા શાહનાં પાંચ સંતાનોમાં મનોજ શાહનો ક્રમ છેલ્લો. તેમનું હુલામણું નામ ‘રાજીયો’ હતું. રાજીયો અેટલે રાજા શબ્દનું અપભ્રંશ. દોમ દોમ સાહ્યબી રુઢિપ્રયોગનો અર્થ સમજવા માટે પાંચેય ભાઈબહેનોને સ્વાનુભાવ કાફી હતો તેમ અણધારી આપત્તિ કોને કહેવાય તે જાણવા માટે પણ દૂર જવું પડે તેમ નહોતું. મનોજ શાહ હજુ માંડ નવ વર્ષના હતા ત્યાં પિતાજીનું અવસાન થઈ ગયું. ઊકળતા પાણી ભરેલાં પાત્ર પરથી ઢાંકણું ખસેડતાં જ જેમ બાષ્પ હવામાં ભળવા માંડે તેમ શાહ પરિવારની સાહ્યબી ઝપાટાભેર વરાળ બનીને ઉડવા માંડી. યમદેવ જાણે ઘર ભાળી ગયું હોય તેમ મૃત્યની ઘટના સમયાંતરે પુનરાવર્તન પામવા માંડી.

 ‘મારી એક બહેન પણ હું નવ વર્ષનો હતો ત્યારે ગુજરી ગઈ હતી,’ મનોજ શાહ કહે છે, ‘હું તેર વર્ષનો થયો ત્યારે મારા કરતાં મોટો ભાઈ મૃત્યુ પામ્યો અને ઓગણીસ વર્ષની ઉંમરે મેં સૌથી મોટા ભાઈનું અવસાન જોયું...’

 સ્વજનોનાં આટલાં બધાં મૃત્યુઓએ કુમળા કિશોર મન પર તીવ્ર પીડા જન્માવી હશે, નહીં?

 ‘ના!’ મનોજ શાહ નવાઈ લાગે એવી વાત કરે છે, ‘કોણ જાણે કેમ મને ઘરનાઓના મોતથી બહુ દુખ કે અફસોસ નહોતા થતાં. મને કેમ આઘાત નહોતો લાગતો એ હજુય સમજાતું નથી. અમુક યાદો જ‚ર છે. જેમ કે, વચલો ભાઈ ડિટેક્ટિવ ચોપડીઓ બહુ વાંચતો. એ નવી ફિલ્મો હંમેશા ફર્સ્ટ ડે ફસ્ટ શો જોતો. મને સિનેમાનું ખાસ આકર્ષણ ન હતું. મને ડ્રોઈંગ ગમતું અેટલે મોટો ભાઈ મને આર્ટગેલેરીઓમાં લઈ જતો, ચિત્રકારો સાથે ઓળખાણ કરાવતો. એક વાર ગાયક-સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના કાર્યક્રમ વખતે મને બેકસ્ટેજ લઈ ગયો હતો. ’

 આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘...પણ તેમના અવસાન પછી ઊંડું  દુખ અનુભવાયું નહીં એનું કારણ કદાચ એ હતું કે મારામાં ઈમોશનલ સ્પેસ બહુ ડેવલપ નહીં થઈ હોય, કદાચ સમજણ ઓછી હશે. 14 વર્ષની ઉંમરથી કમાવાની જવાબદારી આવી પડી હતી તે કારણ પણ હોય. મારી પાસે કોઈને યાદ કરીને રડવાનો સમય જ નહોતો. આઈ હેડ ટુ ગો ઓન! સ્વજનોના મોતથી મને કેવું ફીલ થયું હતું તે હું અત્યારે યાદ કરી શકતો નથી. પણ આ બધું, સ્વજનોને ગુમાવવાની પીડા, હજુય મારી ભીતર ક્યાંક ધરબાયેલી પડી હશે કદાચ...’



 માત્ર પરિવારજનોનાં મોત જ નહી, અમીરીમાંથી ગરીબીમાં થઈ ગયેલું પરિવર્તન પણ મનોજ શાહના સંવેદનતંત્ર પર, કોણ જાણે કેમ, ખાસ નોંધાયું નહીં. ઘર ચલાવવાની જવાબદારી આવી પડી એટલે તેમણે જાતજાતનાં કામધંધા કરી જોયાં. રસ્તા પર ઊભા રહીને ડુપ્લિકેટ બ્લાઉઝ પીસ વેચ્યા, ફિનાઈલની ગોળીઓ સુધ્ધાં વેચી.

 ‘આવું બધું કરાય કે ન કરાય એવું વિચારવાનો અવકાશ જ નહોતો. સર્વાઈવલ ઈન્સટિંક્ટ્સ મારી પાસે આપોઆપ આ બધાં કામ કરાવતી હતી... પણ આ બધાં કામધંધાના અનુભવ મને આજે પણ કામ લાગે છે. આજે મને કોઈ પણ કામ કરવામાં શરમ કે નાનપની લાગણી થતી નથી.’

 મનોજ શાહને સ્કૂલની ચાર દીવાલો વચ્ચે અપાતું ભણતર ક્યારેય ચડ્યું નહીં. કોઈ સ્કૂલમાં તેઓ ઝાઝું ટકી શકતા જ નહીં. એમણે કુલ 14 સ્કૂલો બદલી, જેમાં નાઈટ-સ્કૂલ પણ આવી ગઈ અને અમદાવાદનું સી.એન. વિદ્યાલય પણ આવી ગયું. તે પછીય એસએસસી સુધી પણ પહોંચી શકાયું નહીં. કમાવાનું શ‚ કયુર્ર્ં પછી તો આમેય ન ભણવાનું સજ્જડ બહાનું હાથમાં આવી ગયું હતું.  અલબત્ત, વાંચનનો શોખ શ‚આતથી જ રહ્યો જે માતા તરફથી વારસામાં મળ્યો છે.
 
 ‘મારી બા ખૂબ વાંચતી. એને રોજ એક નવું પુસ્તક જોઈએ. મસ્જિદ બંદર વિસ્તારમાં આવેલી પાર્વતીબાઈ લાઈબ્રેરીમાંથી એ જાતજાતની ચોપડીઓ લઈ આવતી. એકવાર હું માતા-પિતા સાથે ઘોડાગાડીમાં બેસીને ભાંગવાડીમાં નાટક જોવા ગયેલો. સામાજિક નાટક હતું. મને એટલુ યાદ છે કે મંચ પર બે માળની બસ હતી, એક છોકરો તેની નીચે કચડાઈ ગયો હતો, લાકડીવાળી ડોસી કકળાટ કરે અને પછી એક કરુણ ગીત આવે...’

 મનોજ શાહના ચિત્ત પર થયેલો રંગભૂમિનો આ પહેલો નક્કર સ્પર્શ.

 ‘સાત-આઠ વર્ષનો હતો ત્યારે ગણેશોત્સવ વખતે જોયેલું એક મરાઠી નાટક પણ મને યાદ રહી ગયું છે. રાક્ષસનો વિશાળ ચહેરો હોય અને તેની જીભમાંથી એક પછી એક પાત્રો બહાર આવે, તલવારો વીંઝાય, લાઈવ મ્યુઝિક વાગે વગેરે. નવરાત્રિમાં અમારી લોકાલિટીમાં ભવાયા બહુ આવતા. વીસ-પચ્ચીસ ફૂટનો કાપડનો વિશાળ અજગર હોય, તેના પર દેવતાઓ બેઠા હોય... અને પછી ખેલ પૂરો થાય એટલે દેવતા બનેલા કલાકારો ઝોળી લઈને ઓડિયન્સમાં ફરે અને પૈસા માગે!’

 તરૂણાવસ્થા વીતી અને યુવાવસ્થાની શ‚આત થતાં જ ભાવજગતમાં નક્કર સ્પંદનો ઉઠવાના શ‚ થયાં. મનોજ શાહ કહે છે, ‘લોકોએ અમારી અમીરી જોયેલી અને પછી દરિદ્રતા પણ જોઈ. લોકોના મોઢે હું સાંભળતો કે અરેરે, બિચારા કેવા હતા ને કેવા થઈ ગયા... તે વખતે મને થતું કે ના, વી આર ધ બેસ્ટ! મારામાં એક વિદ્રોહી અટિટ્યુડ પેદા થઈ ગયો હતો. અઢાર-વીસ વર્ષની વયે મને થવા માંડ્યું કે મારે બીજાઓ કરતાં અલગ હોવું જ પડે. અલગ હોવું એટલે? કલાકાર હોવું! એટલે બીજા છોકરાઓ સામાન્યપણે ન કરે એવાં કામ હું કરતો. હું સરસ મહેંદી મૂકી આપું. રંગોળી કરી આપું. આ કામ માટે મને ખાસ બોલાવવામાં આવે એટલે મને બહુ ગમે, મારો અહમ્ સંતોષાય!’

 મનોજ શાહની ‘કલાકારીગીરી’ નવાં નવાં રંગ‚પ લેવા માંડી, જેમ કે પર્યૂષણ વખતે દેરાસરમાં ધાર્મિક ડાન્સ બેસાડી આપવો, પિક્ચરનાં ગીતો પરથી ધાર્મિક ગીતો લખવાં! ‘નદીયાં ચલે ચલે હૈ ધારા’ ગીતનાં શબ્દો બદલાઈને ‘મહાવીર ચલે ચલે હૈ દ્વારે’ થઈ જાય. આવાં ગીતો ભયાનક બેસૂરા અવાજે ગવાય. આ ગીતોની ચોપડીઓ છપાય અને ધૂમ વેચાય પણ ખરી!

 ‘મારો એક નાગીન ડાન્સ બહુ પોપ્યુલર થઈ ગયેલો. તે કદાચ મારું પહેલું પબ્લિક પર્ફોર્મન્સ!’ મનોજ શાહ આજે આ બધું યાદ કરીને ખડખડાટ હસી પડે છે, ‘મને યાદ છે, ‘નીલકમલ’ ફિલ્મ જોઈને હું ગાંડો ગાંડો થઈ ગયેલો. પછી ગણપતિ વખતે હું સ્ટેજ પરથી એક્ટર રાજકુમારની સ્ટાઈલમાં ડાયલોગ બોલું ને બધા તાળીઓ પાડે. હું રાજકુમારને ખાસ ફોલો કરતો. એક વાર વકતૃત્વ સ્પર્ધામાં  ‘કલમ ઔર તલવાર’  વિષય પર બોલવાનું હતું. એમાંય મેં રાજકુમારની નકલ કરી. ‘હીરરાંઝા’ ફિલ્મમાં એક ડાયલોગ હતો કે તુઝકો પાના જિંદગી હૈ મેરી... અહીં પણ મેં કલમ શબ્દ ફિટ કરી નાખ્યો: કલમ કો પાના જિંદગી હૈ મેરી! આખું ભાષણ આ રીતે ચલાવ્યું અને લોકોએ મોહિત થઈને ગડગડાટ કરી મૂક્યો. તાળીઓનો અવાજ કાનમાં ગૂંજવાથી આપણને થઈ ગયેલું કે આ કામ બેસ્ટ છે, આ જ કરાય, રેકગ્નિશન આમ જ મળે! પોપ્યુલર ક્લીશે એટલે કે વપરાઈને ચૂથ્થો થઈ ગયેલી છતાંય લોકપ્રિય હોય તેવી આઈટમોને કેવી રીતે પર્ફોર્મન્સમાં વણી લેવાય અને ઓડિયન્સની વાહ વાહ કેવી રીતે મેળવાય તેની સૂઝ મારામાં આવી ગઈ હતી... અને આ બધું ફ્રોડ છે, બનાવટી છે, નિમ્ન કક્ષાનું છે તે પણ અંદરખાને મને સમજાતું હતું.’

 મનોજ શાહ જ્યાં રહેતા તે ડિલાઈ રોડ પર મિલો હતી. મિલના કારીગરો દર શનિવારની રાતે ભેગા થઈને અભંગ ગાતા. એકસાથે મંજીરા વાગતા હોય અને સૂર રેલાતા હોય.

 ‘મને સમજાય કે આ સંગીત સાચું છે, જેન્યુઈન છે અને હું દેરાસરમાં જે કરું છું તે ખોટું છે, પણ મને પર્ફોર્મ કરવાનો ચાન્સ દેરાસરમાં જ મળતો. પેલાં ફ્રોડ ગીતો અને ડાન્સથી મને તાત્કાલિક વાહવાહી મળતી અને હું જાણે કે બીજાઓ કરતાં ચડિયાતો છું એવો સંતોષ થઈ જતો... મારી સ્ટ્રગલ તો ચાલુ જ હતી, પણ ધીમે ધીમે જિંદગીને જોવાની દષ્ટિ બદલાતી ગઈ. અભાનપણે મારી અંદર કશુંક બદલાતું જતું હતું. એ શું હતું તે જોકે મને સમજાતું નહોતું...’

 ધીમે ધીમે નવી ‘શોધો’ થતી જતી હતી. મનોજ શાહ તે અરસામાં કાંદા એક્સપોર્ટ કરવાનું કામ કરતા. કાંદા ખરીદવા તેઓ નાસિક નજીક પીંપળ ગામે જતા. તેઓ જે કથ્થાઈ રંગના કાંદા પસંદ કરતા તે છેક પેરિસ જતા.

 ‘ત્યાં મારી ઓળખાણ રામલિંગમ નામના એક મદ્રાસી સાથે થઈ,’ મનોજ શાહ વાત આગળ વધારે છે, ‘સવારના ચાર વાગ્યામાં તે કંઈક મંત્રોચ્ચાર કરતો. મને કશું સમજાય નહીં, પણ એનો ધ્વનિ બહુ ગમે. પછી મને ખબર પડી કે તે સુબ્બાલક્ષ્મીનું કર્ણાટક સંગીત હતું. સુબ્બાલક્ષ્મીને મેં આ રીતે ડિસ્કવર કર્યાં. તે જ રીતે પછી ભીમસેન જોષી મળ્યા.’

 મનોજ શાહ નાના હતા ત્યારે સ્કૂલ જવાના રસ્તે એક હનુમાન મંદિર આવે. ત્યાં રાત્રે ભજન મળે અને પ્રસાદમાં સ્વાદિષ્ટ શીરો મળે. આ પ્રસાદ  સાૌથી પહેલા લેવા માટે છોકરાઓ પડાપડી કરી મૂકે.

 ‘હું ગયો હોઉં શીરા માટે, પણ મળે ભજન... અને સાથે ગાંજા-ચરસ પણ મળે,’ કહીને મનોજ શાહ હસી પડે છે, ‘મેં કશું જ છોડ્યું નથી. ગાંજો, ચરસ, એલએસડી નામનો નશીલો પદાર્થ... 21 થી 25 વર્ષની વચ્ચે દેસી દારુ પણ આવી ગયેલો!’

 મનોજ શાહની છાપ ભલે ‘સિરિયસ નાટ્યકર્મી’ની હોય, પણ તેમની વાતોમાં એકધારા હાસ્ય-મજાક છલકતાં રહે છે. પોતાની જાતને ગંભીરતાથી લેવાની વાત તો જોજનો દૂર રહી, તેઓ સતત ખુદને હળવાશથી લેતા રહે છે, ખુદની મજાક કરતા રહે છે.

 ‘મારું ડાન્સ-ગીતોનું ફ્રોડ ખૂબ ચાલ્યું. મને જુદી જુદી જ્ઞાતિઓના મંડળો અને પછી કોલેજો તરફથી આમંત્રણો મળવા લાગ્યાં. કોઈકેને હું ગરબો બેસાડી આપતો તો કોઈકને ભાંગડા સેટ કરી આપતો. મને સમજાઈ ગયું હતું કે આ દુકાન ચલાવવી હશે તો મારે ડાન્સમાં આગળ વધવું પડશે. મારે સચીન શંકરના ટ્રુપમાં જોડાવું હતું. સચીન શંકર એટલે પંડિત રવિશંકરના ભાઈ અને ઉદય શંકરના શિષ્ય. વેસ્ટર્ન બેલેમાં સચીન શંકરે ખૂબ નામ કાઢ્યું હતું.’


 સચીન શંકરના ગ્ર્ાુપમાં જો કે મનોજ શાહને એન્ટ્રી ન મળી. એનું કારણ હતું. આખા દિવસ કમાવાની ભાંગજડમાં ડાન્સની તાલીમ માટે સમય ક્યાં મળવાનો હતો! જોકે સચીન શંકરે ઉદાર દિલે કહ્યું કે જુવાન, તું ઓફિશીયલી ભલે ન જોડાય પણ તું અહીં આવીને બેસી શકે છે, અમે જે કરીએ છીએ તે જોઈ શકે છે. મનોજ શાહને ‘ડાન્સની દુકાન’ ચલાવવામાં આ એક્સપોઝર ખૂબ કામ આવ્યું. સૌથી પહેલી વાર, લગભગ 1975-76માં, તેમને કે.સી. કોલેજ તરફથી ડાન્સ કોરિયોગ્ર્ાાફ કરાવવાનું આમંત્રણ મળ્યું. ત્યાં લતેશ શાહ સાથે ઓળખાણ થઈ (જે પછીથી સફળ રંગકર્મી બન્યા) અને ધીમે ધીમે તેમના ગ્ર્ાુપમાં સામેલ થઈને મનોજ શાહ એક્ટિંગ કરવા લાગ્યા.

 ‘મેં સૌથી પહેલી વાર ‘નપુંસક’ નામના એબ્સર્ડ નાટકમાં અભિનય કર્યો. ચાર છોકરાઓ યુનિવર્સિટી વિરુદ્ધ, એજ્યુકેશન સિસ્ટમ વિરુદ્ધ સૂત્રો પોકારતા હોય ને એવું બધું. હું એ ચાર છોકરાઓમાંનો એક હતો. મને મજા આવી આ નાટક કરવામાં. તે પછી બીજું એક નાટક કયુર્ર્ં, ‘ભારત હમારી માતા, બાપ હમારા હિજડા’. દેશમાં લદાયેલી કટોકટીનો વિરોધ કરતું આ સ્ટ્રીટ-પ્લે હતું. અમે એટલા બધા એક્સાઈટેડ અને મૂરખ હતા કે જુદા જુદા એરિયામાં એક દિવસમાં 21 શો કર્યા! અમારે કંઈક રેકોર્ડ-બેકોર્ડ બનાવવો હતો. લોકોને આ નાટકમાં ખૂબ મજા પડી ગઈ. જોકે પછી પોલીસ આવીને અમને પકડી ગયેલી.’

 કે.સી. કોલેજ પછી મનોજ શાહનો અડ્ડો બની ગઈ. રસિક દવે, હોમી વાડિયા, શફી ઈનામદાર અને બીજા ઘણા બધા અહીં બેસતા અને તેઓ અભિનયના પેશન બાબતે વધારે સ્પષ્ટ હતા. દરમિયાન મનોજ શાહે ઈપ્ટા (ઈન્ડિયન થિયેટર પીપલ્સ અસોસિયેશન) દ્વારા આયોજિત ઈન્ટરકોલેજિયેટ ફેસ્ટિવલ જોયું અને જાતજાતના એકાંકીઓ જોઈને ઘેલા ઘેલા થઈ ગયા. તેમને બ્રહ્મજ્ઞાન લાધ્યું: ડાન્સ-બાન્સને મારો ગોળી... લાઈફમાં કામ તો આ જ કરાય, નાટકનું! મહેન્દ્ર જોશીએ નૌશિલ મહેતા લિખિત નાટક ‘નૌશિલ મહેતા આત્મહત્યા કર રહે હૈ’ નામનું એકાંકી ડિરેક્ટ કર્યું. મનોજ શાહે મહેન્દ્ર જોશી સામે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. જોશીએ નામ પૂરતો રોલ આપ્યો, જેમાં એમણે એક જ વાક્ય બોલવાનું હતું અને તે પણ કોરસમાં.

 ‘તે વખતે મેં મનોમન ગાંઠ વાળી લીધી હતી કે જોશી આજે ભલે મને ખૂણામાં ખડો કરી દે, પણ એક દિવસ એવો આવશે જ્યારે મારી અભિનયપ્રતિભાથી આખું સ્ટેજ ચીરાઈ જશે!’ મનોજ શાહ ફરી એક વાર ખુદનો ઉપહાસ કરે છે અને ખડખડાટ હસી પડે છે, ‘રિચર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં કામ કયુર્ર્ં હતું ત્યારે સિનેમા માટે પણ મારા મનમાં આવો જ એટિટ્યુડ હતો - એક દિવસ એટલો મોટો ફિલ્મ-એક્ટર બનીશ કે મારી એક્ટિંગની આગથી થિયેટરનો પડદો સળગી જશે! દરેક જોશીલા નવોદિતના મનમાં આવા જ વિચારો રમતા હોય છે...’

 નાગિન ડાન્સ ને એવું બધું કરતી વખતે પબ્લિક પર્ફોર્મન્સનો એકડો તો આપોઆપ ઘૂંટાઈ ગયો હતો. હવે તેના પર પોલિશિંગ થવાનું શ‚ થયું. નૌશિલ મહેતા અને અન્યો સાથે દોસ્તી થઈ, તેમની સાથે સમય પસાર થવા લાગ્યો અને માનસિક વિશ્વ ખૂલવા માંડ્યું.

 ‘મનગમતા મિત્રોનું વર્તુળ આપોઆપ બનવા લાગતું હોય છે,’ મનોજ શાહ કહે છે, ‘મારું વાંચન વધતું ગયું. તમે એકદમ ઉત્સુક અને તૈયાર હો ત્યારે પુસ્તકો આપોઆપ તમારી પાસે આવવા માંડે છે. મને યાદ છે, તે અરસામાં મેં ડી. એચ. લોરેન્સની ‘ધ ફ્લુટ પ્લેયર’ નામની નોવેલ વાંચી હતી. તેમાં વેશ્યાઓ કવિને  કહે છે કે  તમે કમાવાની ચિંતા કર્યા વગર માત્ર કવિતાઓ લખો, અમે તમારો નિભાવ કરીશું. તમે કલાકાર છો તો કલાકાર જ બની રહો. તમે તમારો આત્મા ન વેચો, એ કામ અમારા પર છોડી દો! આ અદભુત મારા મનમાં ચોંટી ગઈ. વાંચનને કારણે મગજમાં બત્તીઓ થવા માંડી હતી. બીજાઓથી અલગ થવાનો જે મોહ હતો તે ઓગળતો ગયો. અત્યાર સુધી કળાના નામે મેં માત્ર બનાવટ કરી હતી તે સમજાતું ગયું.’

 તે પછી આઈએનટીની સ્પર્ધા માટે મનોજ શાહે ‘થિયેટર થિયેટર’ નામનું એક એકાંકી લખ્યું અને ડિરેક્ટ કર્યું. નાટકે ઈનામો તો ખેર ન જીત્યાં, પણ નિર્ણાયકોની પેનલમાં ચંદ્રકાંત બક્ષી હતા, જેમણે વ્યક્તિગત રીતે આ નાટકને ખૂબ વખાણ્યું. તે પછી ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં બંગાળી નાટકો જોવાયાં. ભાષા ન સમજાય, પણ અનુભૂતિ પૂરેપૂરી થાય. અરવિંદ દેશપાંડે અને અમોલ પાલેકરનાં નાટકો પણ માણ્યાં. આ કમાલનું એક્સપોઝર હતું. પ્રવીણ જોશી અને મહેન્દ્ર જોશી કરતાં ઉત્પલ દત્ત અને બાદલ સરકારનાં નાટકોએ ઘણાં વધારે મોહિત કરવા માંડ્યાં હતાં.  કે.સી. કોલેજની લાયબ્રેરીનો ભરપૂર ઉપયોગ થવા માંડયો (મનોજ શાહ કોલેજમાં એટલો બધો સમય વીતાવતા હતા કે સૌને થતું કે આ કોલેજનો જ વિદ્યાર્થી છે!) અને અહીં તેમણે પવનકુમાર જૈનનું ‘પ્રશિષ્ટ જર્મન સાહિત્ય’ જેવાં ઘણાં પુસ્તકો વાચ્યાં. પવનકુમાર જૈન સાથે પછી તો દોસ્તી પણ થઈ જેમના થકી વિશ્વ સાહિત્યનું એક્સપોઝર ખૂબ વધ્યું. પવનકુમાર અને મનોજ શાહ પછી સાથેસાથે સમજતા ગયા  કે સાહિત્યથી આટલા બધા આભા કે મુગ્ધ થવાની જ‚ર નથી, જીવન સ્વયં કોઈ પણ કલાપ્રકાર કરતાં અનેકગણું વધારે અદભુત છે!
 
 દરમિયાન અંજલિ કિચનવેર કંપનીનું માર્કેટિંગનું કામ ચાલતું રહ્યું, જેમાં સમય મેનિપ્યુલેટ થઈ શકતો હતો. 28 વર્ષની ઉંમરે મનોજ શાહનાં લગ્ન થયાં, કલ્પના શાહ સાથે. તેઓ કહે છે, ‘ઈન્ટરકોલેજિયેટમાં મેં ઘણાં નાટકો ડિરેક્ટ કયાર્ર્ં અને આખરે 1983-84માં સૌથી પહેલું ‘દેવકન્યા’ નામનું નાટક પ્રોડ્યુસ તેમજ ડિરેક્ટ કર્યું. શેફાલી શેટ્ટી (હવે શાહ), ચંદ્રકાંત ઠક્કર, કેનિથ દેસાઈએ તેમાં કામ કર્યું. બકુલ ઠક્કરે તે લખ્યું હતું. તેને મેં ફુલલેન્થ કમર્શિયલ નાટક તરીકે ટ્રીટ કયુર્ર્ં હતું પણ ગ્ર્ાાન્ડ રિહર્સલ દરમિયાન જ સમજાઈ ગયું આ ડિઝાસ્ટર છે. પાંચ-સાત શોમાં નાટક બંધ કરી દેવું પડ્યું. ખોટ ખાઈને ચલાવી શકાય એવી તાકાત નહોતી. આ નાટકની નોંધ જ ન લેવાઈ. મિત્રો વઢ્યા. પણ આ અનુભવે મને શીખવ્યું કે પૂરેપૂરી સ્પષ્ટતા હોવી જોઈએ - વિષય વિશેની, ટાર્ગેટ ઓડિયન્સ વિશેની અને જાત વિશેની.  ‘દેવકન્યા’એ મને આર્થિક રીતે અને બીજી બધી રીતે તોડી નાખ્યો. નાટક બનાવવાનો મોહ જાણે કે ખતમ થઈ ગયો. મને થયું કે આપણને હજુ નાટક કેમ બનાવવું એની સમજ પડવાની વાર છે.’

 અલબત્ત, થિયેટર સાથેનો નાતો જોડાયેલો રહ્યો. ‘અશ્વત્થામા’, ‘અત્યારે’, ‘કોઈ એક ફૂલનું નામ બોલો તો’ જેવાં નાટકોમાં ક્યારેક નાના રોલ કરી લેતા. ઈમેજ પબ્લિકેશન્સના કાર્યક્રમો માટે નાટકો તૈયાર કરતા, જે ફક્ત એક શો માટે ભજવવાનું હોય. રવિવારે તેઓ ચડ્ડીમાં જ હોય અને તેમના ખભે એક રેક્ઝિનનો થેલો હોય, જેમાં તમામ થિયેટરોનાનાં નામ અને કોન્ટેક્ટ નંબર્સ મોટા અક્ષરે લખ્યા હોય. તેમને એક ઉપનામ મળી ગયું-‘ચડ્ડી!’ તેઓ રશિયન ડાન્સ બેલે, કન્ટેમ્પરરી ડાન્સ, બંગાળી કે અન્યભાષી નાટકો ને એવું બધું જોવા જાય. બહુ સમજ ન પડે તો પણ જુએ. જોન મેથ્યુ મથાન (જેમણે પછી આમિર ખાનને લઈને ‘સરફરોશ’ ફિલ્મ ડિરેક્ટ કરી) સાથે ‘સ્મોધર્ડ વોઈસ’ નામની ફિલ્મ માટે કામ કર્યું. જાણીતા એનિમેટર ભીમસેન એના પ્રોડ્યુસર હતા અને  શ્યામ બેનેગલ ફિલ્મનું પ્રોડકશન હેન્ડલ કરવાના હતા. તે ફિલ્મ તો ખેર ન બની, પણ શીખવાનું ઘણું મળ્યું, મનની ગ્રંથિઓ ઓગળી ગઈ.

 દરમિયાન એક વાર મનોજ શાહે ‘બેગમ બર્વે’ નામનું એક મરાઠી નાટક જોયું અને તેને ગુજરાતીમાં લાવવાની ઈચ્છા થઈ ગઈ. જૂની રંગભૂમિ પર સ્ત્રીનો વેશ ભજવતા અને ખુદને સ્ત્રી સમજવા માંડેલા કલાકારની હૃદય વિંધી નાખે એવી તેમાં વાત છે. અમેરિકાવાસી કવિ-નાટ્યકાર ચંદ્ર શાહે નાટક લખવું શ‚ કયુર્ર્ં અને તેમની પ્રક્રિયા સાત વર્ષ ચાલી. આ નાટક એટલે ‘માસ્ટર ફૂલમણિ’!

‘માસ્ટર ફૂલમણિ’


 ‘નાટક તો લખાયું, પણ તે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવા માટે હું હજુ તૈયાર નહોતો,’ મનોજ શાહ યાદ કરે છે, ‘વળી, મારા નાટકમાં એક્ટિંગ કોણ કરે? આઈ વોઝ અ ફેઈલ્યોર! મેં ઘણા નામાંકિત કલાકારોને નાટક સંભળાવ્યું, પણ કશો મેળ પડતો નહોતો. એક વાર (જાણીતા અંગ્ર્ોજી નાટ્યકર્મી) રામુ રામુનાથનના ઘરે હું બેઠો હતો. એને અને તેની પત્ની કિન્નરીને મેં ‘ફૂલમણિ’ સંભળાવ્યું. બન્ને બહુ મજા પડી. કહે, તું આ કર, જલસો પડી જશે!  તેમની આવી પ્રતિક્રિયાથી મારામાં કોન્ફિડન્સ આવ્યો. તે પછી અમે નાટકની માત્ર િરડીંગ સેશન્સ ગોઠવવાની શ‚ કર્યું. પહેલું રીડીંગ પૃથ્વી થિયેટરમાં કર્યું. પૃથ્વીમાં પછી તો નાટકના રિડીંગનો ટ્રેન્ડ શ‚ થઈ ગયો હતો. કલાકારોની ટીમ ઓડિયન્સ સામે ‘માસ્ટર ફૂલમણિ’ના સંવાદોનું માત્ર ભાવવાહી પઠન કરે. આનો રિસ્પોન્સ બહુ જ સારો આવ્યો. લગભગ સાતેક રિડીંગ્સ થયાં હશે. ઓિડયન્સના રિએકશનના આધારે સુધારાવધારા સુઝે, ચંદુ સાથે વાત થાય અને ચંદુ અમેરિકાથી નવાં પાનાં ફેક્સ કરે.’

 મૂળ મનોજ શાહને ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ કરવાની ઈચ્છા હતી, પણ આ પ્રોસેસ દરમિયાન તેમને સમજાતું ગયું કે આ ભુમિકા માટે જે પ્રકારની પ્રકારની મુગ્ધતા, જે પ્રકારની સમર્પણવૃત્તિ જોઈએ તે પોતાની ભીતર રહી નથી. મુખ્ય રોલ હવે કોને આપવો? ચિરાગ વોરા નામના પરાગ વિજય દત્ત એક્ટિંગ એકેડેમીમાંથી આવેલા એક નવોસવો છોકરાને આ પ્રોજેક્ટમાં બહુ રસ હતો. અગાઉ કાંતિ મડિયાના કોઈ પ્લેમાં એકાદ નાનકડો રોલ પણ કર્યો હતો.

 ‘મેં ચિરાગને હા પાડતા પહેલાં ત્રણ વર્ષ રખડાવ્યો,’ મનોજ શાહ કહે છે, ‘પણ એ છોકરામાં એટલું બધું પેશન હતું કે સતત મને ફોલૉ કરતો રહ્યો. રિડીંગ દરમિયાન હું અને પરાગ ઝવેરી પહેલેથી હતા, જ્યારે ફૂલમણિ અને સુમન ભજવતા કલાકારો બદલાયા કરે. મેં ચિરાગને અમુક વાર ફૂલમણિનુું કિરદાર વાંચવા માટે આપેલું. સુમનના પાત્ર માટે મેં ઘણા કલાકારોને પૂછેલું. આખરે ઉત્કર્ષ મઝુમદાર મળ્યા અને બ-ત્રણ દિવસમાં એમણે હા પાડી. એમને કદાચ મારી કામ કરવાની શૈલી ગમી હશે.’

 મનોજ શાહ નાટકનું ડિરેકશન લતેશ શાહને સોંપવા માગતા હતા, પણ વાત જામી નહીં એટલે આખરે આ જવાબદારી તેમણે જ ઉઠાવવાનું નક્કી કર્યું. ‘માસ્ટર ફૂલમણિ’નો ટાઈટલ રોલ ચિરાગ વોરાને આપવામાં આવ્યો. નાટક મ્યુઝિકલ હતું એટલે ચારેય કલાકારોને ગાવાની તાલીમ આપવામાં આવી. ધીમે ધીમે ટીમ એકઠી થવા માંડી. નાટકમાં ભાંગવાડી એટલે કે જૂની ગુજરાતી રંગભૂમિનો માહોલ હતો એટલે ઊભું વાજું તો જોઈએ જ. ચંદ્ર ચૂડામણિ નામના દેશ-વિદેશમાં પર્ફોર્મ કરી ચૂકેલા એક મરાઠી સજ્જન નાટકમાં લાઈવ વાજું વગાડવા માટે તૈયાર થઈ ગયા. નાટકનું પશ્ચાદભૂ તૈયાર કયુર્ર્ં વિશ્વવિખ્યાત ચિત્રકારમિત્ર ભુપેન ખખ્ખરે. આખરે નાટકના પહેલા પ્રયોગની તારીખ આવી ગઈ - 11 નવેમ્બર, 1999. મતલબ કે ‘દેવકન્યા’ પછી પહેલું નાટક પ્રોડ્યુસ કરવામાં પંદર-સોળ વર્ષ લાગી ગયાં!

 મનોજ શાહ કહે છે, ‘લોકોને નાટક ગમશે કે નહીં તે બાબતે હું ચોક્કસ નહોતો, પણ મને પોતાને આખી પ્રોસેસમાં ખૂબ મજા આવી રહી હતી. પૃથ્વી ફેસ્ટિવલના ભાગ‚પે મુંબઈના હોર્નિમન સર્કલમાં નાટકનો પહેલો શો ભજવાયો. ઓડિયન્સ પાગલ થઈ ગયું. તે ઘડી ને આજનો દી’. લાગલગાટ બાર વર્ષથી ‘માસ્ટર ફૂલમણિ’ના શોઝ થઈ રહ્યા છે.’

 ‘માસ્ટર ફૂલમણિ’એ મનોજ શાહની કારકિર્દીને વેગ આપી દીધો. એમનું આઈડિયાઝ અનલિમિટેડ બેનર પ્રસ્થાપિત થઈ ગયું. ગુજરાતી રંગભૂમિને ચિરાગ વોરા નામનો ટેલેન્ટેડ કલાકાર મળ્યો. ઈવન ઉત્કર્ષ મઝુમદાર, જે અત્યાર સુધી મુખ્યત્ત્વે હિન્દી થિયેટરમાં સક્રિય હતા, તેમના તરફ પણ સૌનું ધ્યાન ખેંચાયું. મનોજ શાહ કહે છે, ‘આ નાટકે મને મારા પોતાના વિશે, મારા ક્રાફ્ટ વિશે દષ્ટિ આપી. મને લાગ્યું કે ભલે એક્ટર તરીકે નહીં તો ડિરેક્ટર-પ્રોડ્યુસર તરીકે હું મારા સપનાંને સાકાર થતાં જોઈ શકું છું.’

 મનોજ શાહનું ડિરેકશન અને પ્રોડકશન બન્ને સમાંતર રંગભૂમિના પરિઘમાં રહ્યાં. ઈન્ટરકોલેજિયેટના દિવસોમાં જ ઉત્પલ દત્ત, બાદલ સરકાર અને વિજયા મહેતાનાં નાટકોનાં એક્સપોઝરને લીધે મનોજ શાહના ચિત્તમાં કમર્શિયલ રંગભૂમિના કિંગ ગણાતા પ્રવીણ જોશી અને ઈવન મહેન્દ્ર જોશી ધીમે ધીમે જોશી પશ્ચાદભૂમાં જતા રહ્યા હતા. ‘માસ્ટર ફૂલમણિ’ની સફળતાએ મનોજ શાહની સફર આર્થિક સમૃદ્ધિની શક્યતાવાળા મુખ્ય પથ પર નહીં પણ એક સાંધે ત્યાં તેર તૂટે એવા એવા સમાંતર રસ્તા પર નિશ્ચિત કરી નાખી. તેઓ કહે છે, ‘મેં નાનપણમાં ભરપૂર સાહ્યેબી પણ જોઈ છે અને પછી પ્રલંબ ગરીબીમાં રસ્તા પર ઊભા રહીને બ્લાઉઝ પીસ અને ઉંદર મારવાની ગોળીઓ પણ વેચી છે. નાણાંનું હોવું અને ન હોવું આ બન્ને અંતિમો મેં જોયાં છે. તેથી જ સવાર-સાંજ ભરપેટ ખાવાનું મળે એટલું પૂરતું છે એવી આડકતરી સમજ કદાચ એ વખતથી મારામાં વિકસી ગઈ હશે અને તેથી જ સમાંતર રંગભૂમિ  તરફ મેં ગતિ કરી હશે.’

‘મરીઝ’


 ‘માસ્ટર ફૂલમણિ’ પછી 2004માં ઓર એક કીર્તિદા નાટક આવ્યું- ‘મરીઝ’. આ નાટક પણ એટલાં જ પેશન, રીચર્સ  અને મહેનતથી બન્યું. ‘મરીઝ’ સાથે પણ ઓર એક વિખ્યાત ચિત્રકાર સંકળાયા-ગુલામ મોહમ્મદ શેખ. આ નાટક સાથે ઓડિયન્સને ચકિત કરી દે તેવી ઓર એક ટેલેન્ટ સ્ફોટ સાથે ઉછળી, જેનું નામ હતું ધર્મેન્દ્ર ગોહિલ. વિનીત શુક્લ લિખિત ‘મરીઝ’ શોઝની ડિમાન્ડ આજે પણ રહે છે.

 તે પછી બીજાં કેટલાય પ્રોડકશન્સ થયા.  અલબત્ત, ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’ અને ‘અપૂર્વ અવસર’ તો અપવાદ‚પ નાટકો છે,  બાકી મોટા ભાગનાં પ્રોડકશન્સ આંગળીના વેઢે ગણી શકાય એટલા શોઝ પૂરતા સીમિત રહ્યાં. મનોજ શાહ કહે છે,  ‘મારાં પ્રત્યેક પ્રોડકશન પાછળ પુષ્કળ સમય અને શક્તિ ખચાર્ય, ખૂબ રિહર્સલ્સ થાય. તેના ગણ્યાગાંઠ્યા શોઝ જ થવાના છે તેવી સ્પષ્ટતા શ‚આતથી જ સૌના મનમાં હોય છતાંય કોઈના પેશનમાં સહેજ પણ કમી ન આવે. હું આ વાતને આ રીતે જોઉં છું: અમે કેટલા લકી છીએ કે અમારા મનમાં જે નાટકનું સપનું જોયું છે તે બે શો પૂરતું પણ સાકાર થઈ શકે છે! ખરેખરી મજા પ્રોસેસની છે. જો આ પ્રકારનો એટિટ્યુડ જ‚રી છે, કારણ કે એ નહીં હોય તો હું જે કરું છું તે પ્રવૃત્તિ થઈ જ ન શકે.’

 ‘બે શો એનસીપીએમાં કરીશું, બે શો પૃથ્વીમાં કરીશું અને પછી ભુલી જઈશું’ - શ્રીમદ રાજચંદ્ર પર આધારિત ‘અપૂર્વ અવસર’ની શ‚આત  આ જ પૂર્વધારણા સાથે થઈ હતી. ધર્મેન્દ્ર ગોહિલ, પુલકિત સોલંકી અને પ્રતીક ગાંધી - આ ત્રણ જ ટેલેન્ટેડ કલાકારો તેમાં હતા.  રાજુ દવે લિખિત (મનોજ શાહને નવા એક્ટરોની જેમ નવા રાઈટરોની પણ ગંધ આવે છે!) આ નાટકમાં સો-સવાસો વર્ષ પહેલાંની અત્યંત કઠિન ભાષા હતી.  નાટક ઓપન થયું અને તેને અણધારી સફળતા મળી. આઈડિયાઝ અનલિમિટેડના આ સૌથી મોટા હિટ નાટકના શોઝ આજે પણ દેશ-વિદેશમાં યોજાતા રહે છે.

 પછી તો કેટકેટલાં નાટકો -  પ્રાણીઓ પર અત્યાચારની વાત કરતું હૃદયવેધક ‘જીતે હૈં શાન સે’, રવીન્દ્રનાથ ટાગોરનું ‘અચલાયતન’, મણિલાલ નભુભાઈ દ્વિવેદીના વિવાદાસ્પદ જીવનવૃત્તાંત પર આધારિત ‘જલ જલ મરે પતંગ’ (જેમાં, અગેન, ઓર એક વિશ્વવિખ્યાત ચિત્રકાર અતુલ ડોડિયાએ સન્નિવેશ તૈયાર કર્યો હતો અને વેદીશ ઝવેરી નામનો સુપર ટેલેન્ટેડ અેક્ટર રંગભૂમિને પ્રાપ્ત થયો હતો), આચાર્ય હેમચંદ્ર આચાર્યના જીવન અને કાર્ય પર આધારિત ‘સિદ્ધહેમ’, રાજા ભરથરીની વાત વણી લેતું ‘અમર ફળ’, નરસિંહ મહેતાથી લઈને નર્મદ-મેઘાણી સુધીના મધ્યકાલીન મહાનુભાવોને આવરી લેતું ‘ગુજરાતની અસ્મિતા’, જર્મન ગ્ર્ાીપ શૈલીનું ધીરુબહેન પટેલ લિખિત લેટેસ્ટ ‘મમ્મી તું આવી કેવી?’ વગેરે. મનોજ શાહનાં  નાટકો મુંબઈની ગુજરાતી રંગભૂમિને અત્યંત આકષર્ક શેડ્ઝ અને ટેક્સચર આપે છે, મુંબઈની ગુજરાતી થિયેટર સર્કિટને એક-પરિમાણી બનતાં, તેને તસુએ તસુ ધંધાદારી હોવાના મહેણાંમાથી બચાવી લે છે.

 મનોજ શાહનાં ખુદના સૌથી ફેવરિટ ત્રણ નાટકો કયાં? તેઓ વિચારીને જવાબ આપે છે, ‘એક તો ‘અખો આખાબોલો’. તેનું નોન-લિનીઅર મ્યુઝિકલ ફૉર્મ મને ખૂબ ગમે છે. બીજું, ‘ગુજરાતની અસ્મિતા’. કેટકટલી વિભૂતિઓને હું આ નાટક થકી ઓળખી શક્યો, તેમની રચનાઓની નજીક રહી શક્યો અને લોકો સુધી પહોંચાડી શક્યો. ત્રીજું પિ્રય નાટક, અફકોર્સ, ‘માસ્ટર ફૂલમણિ’.’

 મનોજ શાહનાં મોટા ભાગનાં નાટકોમાં સશક્ત ઐતિહાસિક અને સાહિત્યિક આધાર હોય છે, સંગીત હોય છે, સમૃદ્ધ એસ્થેટિક્સ હોય છે, ચોક્કસ લય હોય છે. જો કે તેમના પર આરોપ છે કે તેઓ એક જ ઘરેડના, જૂનવાણી માહોલવાળા, વ્યક્તિવિશેષ આધારિત નાટકો કયર્ે જાય છે અને ટાઈપકાસ્ટ થતા જાય છે. ઈવન તેમના કલાકારો પણ ફરિયાદ કરતા હોય છે કે મનોજભાઈ,   અમારે હજું ક્યાં સુધી ધોતિયાં પહેર્યે રાખવાનાં છે? શું કહેવું છે મનોજ શાહનું આ વિશે?

 ‘જુઓ, ગવૈયાઓ ચોક્કસ રાગના રિયાઝમાં ત્રીસ-ત્રીસ વર્ષ કાઢી નાખતા હોય છે અને છતાં તેમાં પૂરેપૂરી મહારત હાંસલ કરી શકતા નથી,’ આટલું કહીને તેઓ સ્મિતપૂર્વક ઉમરે છે, ‘મને આખી જિંદગી વ્યક્તિવિશેષનો રિયાઝ કરવામાં કશો વાંધો નથી! આ એટલું મોટું કેનવાસ છે કે ચોર્યાસી ભવ પણ ઓછા પડે. નાટક માત્ર વ્યક્તિવિશેષનું નથી હોતું, બલકે એ પોતાની સાથે તે સમયનું કલ્ચર, નીતિમૂલ્યો, માહોલ, ભાષા આ બધું જ લઈને આવે છે. ખરાબ નાટકો કરવા કરતાં ટાઈકાસ્ટ થવું સારું.  હું મારો રસ્તો, મારું એક્સપ્રેશન શોધી જ લઉં છું. મને ટાઈપકાસ્ટ થઈ જવાનો ડર પણ નથી.’

 તેઓ પોતાની વાતને વધારે વિસ્તારપૂર્વક મૂકે છે, ‘આજે આપણા કાને અંગ્ર્ોજી, હિન્દી, મરાઠી અને બીજી કેટલીય ભાષાઓ પડે છે. ટીવી પર ત્રણસો ચેનલો આવે છે. આવી સ્થિતિમાં શ્રીમદ રાજચંદ્ર, અખો, નર્મદ અને મેઘાણીની ગુજરાતી ભાષા મારાં નાટકો થકી જીવંત રહેતી હોય તો મારા માટે ખૂબ ગર્વ વાત છે. આ મહાનુભાવોનાં કામ અને સાહિત્યની નજીક રહેવાનો લહાવો મને આ નાટકો વગર શી રીતે મળવાનો હતો? મને અને મારી આખી ટીમને આ વ્યક્તિવિશેષોની સાથે જીવવા મળે છે તે મોટા સન્માનની વાત છે. હું તો મેળામાં મારું ચકડોળ ચલાવું છું અને તેમાં અખાને પણ બેસાડું ને રાજા ભરથરીને પણ બેસાડું... ને વચ્ચે વચ્ચે ‘હૂતો હૂતી’ જેવાં નાટકોના લોલીપોપ પણ આપતો રહું!’

 સતત સમાંતર રગંભૂમિ પર રમમાણ રહેતા મનોજ શાહને વિશાળ પ્રેક્ષકવર્ગને સમાવી લેતી કમર્શિયલ રંગભૂમિ હજુય આકર્ષતી નથી? કે પછી કમર્શિયલ રંગભૂમિને મનોજ શાહ આકર્ષક લાગતા નથી? મનોજ શાહ જવાબ આપે છે, ‘ભાઈદાસ-તેજપાલના ઓડિયન્સ માટે નાટક કરવાં મને પુષ્કળ ગમે, અઢળક ગમે, પણ એવી કોઈ કૃતિ હાથવગી નથી.  2008-09માં મેં ‘નમી ગયા તે ગમી ગયા’ નામનું બીજા બેનરનું આઉટ-એન્ડ-આઉટ કમર્શિયલ પ્લે ડિરેક્ટ કર્યું હતું જેના દેશવિદેશમાં 350  શો થયા હતા. આ નાટક કરવાનું કારણ એ હતું કે મારે કલ્પના દીવાન જેવાં સિનિયર એકટ્રેસ સાથે કામ કરવું હતું, અેમની પાસેથી શીખવું હતું. બાકી, ‘જુઓ જુઓ... હું કમર્શિયલ નાટકો પણ સરસ કરી શકું છું’ એવું બીજાઓ સામે પૂરવાર કરવામાં મન રસ છે જ નહીં. મને તો વધારે લોકો, નવા લોકો નાટક જોવા આવે તેમાં રસ છે. જુઓ, દાયકા પહેલાં મારી પાસે માત્ર 30 કલાકાર-કસબીઓની ટીમ હતી, આજે 150ની ટીમ છે. હું જે પ્રકારનું કામ કરું છું તેમાં નવા પ્રેક્ષકો જ નહીં, નવા કલાકારો પણ જોડાય છે. આ મોટા આનંદની વાત છે.’

 એક બાજુ મેઈનસ્ટ્રીમ રંગભૂમિનાં નાટકો છે, જે વીસ-પચ્ચીસ દિવસમાં ઓપન થઈ જાય છે, મંડળોના સોલ્ડ-આઉટ શોઝના જોરે ચાલ્યા કરે છે અને આખી ટીમ સારાં અેવાં નાણાં રળી લે છે. તેની સામે મનોજ શાહ પોતાનાં નાટકો પાછળ મહીનાઓ સુધી પુષ્કળ રીસર્ચ કરે અને કરાવે, કલાકારો સાથે ખૂબ રીડીંગ-રિહર્સલ્સ કર્યા પછીય તેમની સામે પુષ્કળ સમય પસાર કરે. તે પછી કલાકાર-કસબીઓને જે મળે છે તે છે માત્ર સંતોષ, આનંદ અને તાલીમ. આર્થિક વળતરનો સંદર્ભ અહીં ખાસ હોતો નથી. છતાંય મેઈનસ્ટ્રીમ રંગભૂમિના કેટલાય કલાકારો મનોજ શાહ સાથે વચ્ચે વચ્ચે કામ કરવા ઉત્સુક રહે છે. તેની સામે એવાય કેટલાય આર્ટિસ્ટ્સ અને સ્ટાર્સ છે, જે મનોજ શાહની સમાંતર રંગભૂમિને ‘નોનસેન્સ એેક્ટિવિટી’ ગણે છે અને તેમના કામની નોંધ પણ લેતા નથી. શું કહેવું છે મનોજ શાહને તેના વિશે?

 ‘હું વધારે પ્રામાણિક છું કે કમર્શિયલ રંગભૂમિવાળા વધારે પ્રામાણિક છે, આ વધારે સારું કે પેલું વધારે સારું તે કોણ નક્કી કરે, દોસ્ત? કોઈની નિષ્ઠા વિશે ચુકાદો આપવો કે કોઈને જજ કરવા જેવું ફ્રોડ બીજું એકેય નથી. સૌનું પોતપોતાનું કન્વિકશન છે અને સૌ તે મુજબ કામ કરે છે. કેમ, હું પણ વચ્ચે વચ્ચે ‘વોટ્સ યોર રાશિ?’ કે ‘મૌસમ’ જેવી હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં નાનુંમોટું કામ કરી જ લઉં છું ને! તે વખતે ક્યાં જાય છે મારો આદર્શવાદ? ટૂંકમાં, બધા પોતપોતાની જગ્યા પર સાચા છે. ’

 પણ મનોજ શાહને બીજા નિર્માતાઓની જેમ સરસ કમાવાની ઈચ્છા નથી થતી? સાવ ફકીરી તો નહીં, ચુસ્તપણે મધ્યમ-મધ્યમવર્ગીય અવસ્થામાં સપડાયા છે તેમાંથી બહાર આવવાની અપેક્ષા જાગતી નથી?

 ‘ઓહો, મને આર્થિક અપેક્ષા તો પુષ્કળ છે!’ તેઓ પાછા મોટેથી હસી પડે છે અને મસ્તીપૂર્વક કહે છે, ‘ધારો કે કોઈ શેઠિયો આ લેખ વાંચીને મને મારી રીતે નાટકો કરવા માટે 32 કરોડ ‚પિયા ઓફર કરે અને તેમાંથી એક કરોડ ‚પિયા અંગત રીતે વાપરવાની છૂટ આપે તો સૌથી પહેલાં હું મારા ઘરની દીવાલોને કલર કરાવું!’



 અલબત્ત, લાલચ પેદા કરતી પરિસ્થિતિઓ ઊભી થતી રહે જ છે. જેમ કે, ‘સિદ્ધહેમ’ નાટક પછી એક ધાર્મિક વડાએ પ્રસ્તાવ મૂકેલો: જો તમારે ફંડ જોઈતું હોય તો હું શ્રેષ્ઠીઓને વાત કરું, પાંચેક કરોડ ‚પિયા તો ચપટી વગાડતા ઊભા થઈ જશે. મનોજ શાહે તેમના પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકારી કાઢ્યો હતો. તેઓ કહે છે, ‘કારણ, સૌથી પહેલાં તો તેઓ સાધુ હતા. એ કોઈને કહે અને થર્ડ પર્સન મને ફંડ આપે તે મને માન્ય નથી. આ તો મને દાન મળ્યું કહેવાય. દાનની સાથે શરતો પણ આવે જ. આ શરતો મને બાંધી દેશે, મારી પાસે બાંધછોડ કરાવશે, મને મારા મિજાજ પ્રમાણે કામ કરવા નહીં દે. તે મને સ્વીકાર્ય નથી. મારી પ્રવૃત્તિ અને મારી તાસીર જ મને જીવાડે છે. તેને હું મરવા દઈ ન શકું. હું કંઈ ત્યાગી કે શહીદ નથી. મારા પાળિયાં બંધાય એવી મારી કોઈ ખ્વાહિશ નથી. હું વાણિયાનો દીકરો છું અને જોતજાતના બિઝનેસ કરી ચૂક્યો છું. મારા કેટલાક શુભચિંતકો જ‚ર છે, જે મને કહેતા હોય છે કે મનોજભાઈ, તમે નાટક કરો, તે ચાલે કે ન પણ ચાલે, અમે બેઠા છીએ. પણ આવી સ્થિતિમાં હું બિલકુલ સ્પષ્ટ હોઉં છું.’

 મનોજ શાહનાં પત્ની કલ્પના શાહ અને યુવાન પુત્ર જનમ પણ તેમના પેશન અને મિજાજને સારી રીતે સમજે છે અને સ્વીકારે છે. ફિલ્મો બનાવવી એ મનોજ શાહની પ્રિય ફેન્ટસી છે. એમ તો તેઓ પોતાનું નાનકડું ઓડિટોરિયમ હોય તેવી ખ્વાહિશ પણ ધરાવે છે.

 ‘ઓહ યેસ! હું વર્ષોથી ભારતભરમાં ફરીને ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરું છું. ઈન કેસ, ભવિષ્યમાં ફિલ્મ બનાવવાનો મોકો મળે તો આ મારું હોમવર્ક છે!’ અને પછી ખડખડાટ હસીને મનોજ શાહ વાતચીતનું સમાપન કરે છે, ‘બાકી આપણે 32 કરોડ તો જોઈએ છે જ. ઓકે, 30 કરોડ પણ ચાલશે, બસ?’  

                                                           
                                                                     
                                                                 (સમાપ્ત)

UPDATE




મનોજ શાહનો ઉપરનો ઇન્ટરવ્યુ 2010માં લેવાયો હતો. આજે 2017માં તેમની નાટ્યયાત્રા ક્યાંય આગળ નીકળી ચુકી છે અને તેઓ એકએકથી ચડિયાતા બીજાં કેટલાંય નાટકો આપી ચુક્યા છે. કેટલાય નવા કલાકારો - લેખકો એમના વડે દીક્ષિત થઈ ચુક્યા છે... અને હા, ખુદનું નાનકડું ઓડિટોરિયમ બનાવવાની ખ્વાહિશ હજુય અકબંધ છે!

0 0 0 

Monday, February 6, 2017

‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે?’

Sandesh - Sanskar Purti - 5 Feb 2017
મલ્ટિપ્લેક્સ
એક જાડીયોપાડીયો, છોકરી જેવા હાવભાવ ધરાવતો અને પાર વગરની માનસિક ગ્રંથિઓથી ગ્રસ્ત રહેતો કરણ જોહર નામનો ઓકવર્ડ છોકરો શી રીતે બોલિવૂડનો સૌથી સફળ અને પાવરફુલ હસ્તીઓમાંનો એક બની ગયો?


ફિલ્મમેકર કરણ જોહરની આત્મકથા ‘એન અનસ્યુટેબલ બોય’ આજકાલ ન્યૂઝમાં છે. આ અંગ્રેજી પુસ્તકમાં એણે પોતાના જીવનના ચડાવ-ઉતાર, ફ્લ્મિી લોકો સાથેના સંબંધો, પોતાના સ્ત્રૈણ હોવા વિશે અને સેકસ્યુઆલિટી વિશે આશ્ર્ચર્ય થાય એટલી નિખાલસતાથી લખ્યું છે. પુસ્તકનો એક અંશ અહીં જોઈએ. વાત છે કરણ અગિયાર-બાર વર્ષનો ટાબરિયો હતો ત્યારની. ભણવામાં કે બીજી એકેય પ્રવૃત્તિમાં કશું જ ઉકાળી ન શકતા કરણને પંચગીનીની એક બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. એ રાજીખુશીથી જવા તૈયાર તો થઈ ગયો, પણ હોસ્ટેલમાં પગ મૂક્તાં જ એના દુઃખનો પાર ન રહૃાો. એણે ભાગી જવાની કોશિશ કરી, પકડાઈ ગયો, બધા વચ્ચે અપમાનિત થયો. પાંચ જ દિવસમાં એ ધોએલા મૂળાની જેમ પંચગીનીથી પાછો મુંબઈ આવી ગયો. હવે આગળની વાત એના શબ્દોમાં જ સાંભળો. ઓવર ટુ કરણ…
                                                 0 0 0 
ને બિસ્તરાં-પોટલાં સાથે પાછો આવેલો જોઈને મારી મમ્મી ગુસ્સે થઈ ગઈ. એણે ધક્કો મારીને પોતાના કમરાનો દરવાજો બંધ કરી દીધો ને ખુદ અંદર પૂરાઈ ગઈ. છેક સાંજે એણે મને પોતાની પાસે બોલાવ્યો. એમનું પહેલું જ વાકય આ હતું: ‘શું તારે આખી જિંદગી મીડિયોકર બનીને રહેવું છે? તું ભણવામાં મીડિયોકર છો, તને સ્પોર્ટ્સમાં જરાય રસ નથી, તું ફ્રેન્ડ્સ બનાવી શકતો નથી. શું મારે એવા છોકરાને ઉછેરીને મોટો કરવાનો છે જેના હોવા – ન હોવાથી દુુનિયામાં કોઈને કશો ર્ફ્ક પડતો ન હોય? તારે કશુંક કરી દેખાડવું કે નથી કરી દેખાડવું? દીકરા, તું કંઈપણ કર, પણ જે કરે તે સારામાં સારી રીતે કર. કાં તું સારું ગાતા શીખ અથવા મહેનતુ સ્ટુડન્ડ બનીને ભણવામાં સારામાં સારા માર્ક્સ લઈ આવ અથવા કોઈ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ વધ. તકલીફ એ  છે કે તું આમાંનું કશું જ કરતો નથી. કરવા માગતો જ નથી. તારે ખાલી આખો દિવસ મારી પાછળ પાછળ ફર્યા કરવું છે. જો, હું આ હવે બિલકુલ ચલાવી નહીં લઉં. મને એવા છોકરાની મા બનવામાં કોઈ રસ નથી જે તમામ ચીજોમાં ઢબુનો ઢ જેવો હોય.’ 
હું ચુપચાપ સાંભળતો રહૃાો.
‘તને શું સારું આવડે છે?’ મમ્મી પૂછતી રહી, ‘એવી કઈ વસ્તુ છે જેમાં તું આગળ વધી શકે એમ છે એમ તને લાગે છે?’
હું શું બોલું? મમ્મીએ કહેલી એકેએક વાત સાચી હતી. એ મને સ્પોર્ટ્સ કેમ્પમાં મોકલે, આર્ટ ક્લાસ જોઈન કરાવે, પણ હું બધું અડધેથી પડતું મૂકી દેતો. કોણ જાણે કેમ, મને કશું જ કરવાનું મન જ ન થતું. હું જાડીયો હતો, મારા હાવભાવ અને વાત કરવાની રીત છોકરી જેવાં હતાં. તેને લીધે મારા મનમાં એટલી બધી ગ્રંથિઓ ઘર કરી ગઈ હતી કે હું બહારની દુનિયા સાથે હળવાભળવાનું સતત ટાળ્યા કરતો.

મારી ગ્રીન લોન્સ સ્કૂલમાં મિસ ડોરિસ નામનાં ટીચર ઇન્ટરેકટ ક્લબ નામની એક કલબ ચલાવતાં, જેમાં વકતૃત્વ સ્પર્ધા, ડિબેટ, નાટક વગેરે જેવી એકિટવિટીઝ થતી. હું આ ક્લબની ગતિવિધિઓનેે જોયા કરતો, પણ હું એટલો શરમાળ હતો કે તેમાં ભાગ ન લઈ શકતો. એક દિવસ આ ક્લબ ચાલતી હતી તે કલાસની અંદર જવાને બદલે હું કાચના બારણાની બહાર ઊભો ઊભો ડોકિયાં કરી રહૃાો હતો. મારા પર ધ્યાન પડતાં મિસ ડોરિસે મને બોલાવ્યો. કહે, ‘કાં તો તું અંદર આવ અથવા ઘરે જતો રહે. આમ બહાર ઊભા ઊભા ડોકિયાં ન કર. બોલ, તારે ઇન્ટરેકટ કલબમાં જોઈન થવું છે?’
‘આઈ ડોન્ટ નો.’
‘કશો વાંધો નહીં. એક કામ કર. અંદર આવ. મારી સામે બેસ. આજની આપણી એકિટવિટી છે, ‘વન મિનિટ’.’
આ એકિટવિટીમાં એક મોટા બાઉલમાં નાની ચિઠ્ઠીઓ મૂકી હોય. સૌએ વારાફરતી એક-એક ચિઠ્ઠી ઊપાડવાની. પછી તેમાં જે શબ્દ લખ્યો હોય તે વિષય પર એક મિનિટ સુધી અટકયા વગર સડસડાટ બોલવાનું. ‘કુછ કુછ હોતા હૈ’માં પેલો એક મિનિટવાળો જે સીન છે તેની પ્રેરણા મને આના પરથી મળી હતી. એક પછી એક સૌ બોલતા ગયા. છેલ્લે મારો વારો આવ્યો. મારી ચિઠ્ઠીમાં લખ્યું હતું – મધર. ‘કુછ કુછ હોતા હૈ’માં નાની અંજલિની ચિઠ્ઠીમાંથી પણ આ જ શબ્દ નીકળે છે. મારા સંકોચનો પાર ન હતો, છતાંય કોણ જાણે કેમ મેં મા વિશે બોલવાનું શરૂ કરી દીધું. હું એકઝેકટલી શું બોલ્યો હતો તે મને અત્યારે યાદ નથી, પણ એટલું જરૂર યાદ છે કે મારું બોલવાનું પૂરું થયું પછી સૌએ તાળીઓ પાડી હતી. સૌએ પહેલી વાર મારો અવાજ સાંભળ્યો હતો. હું ઇન્ટરેકટ કલબમાં જોડાઈ ગયો.
એક વાર મને કાવ્યપઠનની ઇન્ટર-સ્કૂલ સ્પર્ધામાં ઉતારવામાં આવ્યો. મને અને બીજા એક છોકરાને ચર્ચગેટ પાસે વાયએમસીએમાં લઈ જવામાં આવ્યા. બોમ્બેની મોટી મોટી સ્કૂલોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અચાનક એક છોકરો મારી પાસે આવીને કહે, ‘હું બોમ્બે સ્કોટિશમાં ભણું છું. તું?’
‘ગ્રીન લોન્સમાં.’
આ છોકરાનો ચહેરો પરિચિત લાગતો હતો, પણ એને કયાં જોયો હતો તે યાદ આવતું નહોતું. એણે મને પૂછયું, ‘તું યશ અંકલ અને હીરુ આન્ટીનો દીકરો છેને?’
‘હા.’
‘હું યશ અંકલ અને પેમ આન્ટીનો દીકરો છું.’
‘ઓહ, તું આદિ છો!’
મને એકદમ યાદ આવ્યું કે બે વર્ષ પહેલાં કોઈ બર્થડે પાર્ટીમાં મેં એને જોયો હતો. યશરાજ બેનરના સર્વેસર્વા આદિત્ય યશ ચોપડા સાથે થયેલી આ મારી પહેલી વાતચીત.
હું અને આદિ બંને સ્પર્ધાના ફાયનલ રાઉન્ડ માટે કવોલિફાય થઈ ગયા, જોકે ફાયનલ કોમ્પિટિશન વખતે આદિની એક્ઝામ હોવાથી ભાગ નહોતો લીધો. એક મહિના પછી અમને સ્પીચ લખવાનું કહેવામાં આવ્યું. નશીલી ડ્રગ્સનું દૂષણ કે એવો કોઈક વિષય હતો. મને લખવાનું બહુ ગમતું. મેં મિશન બનાવી લીધું હતું કે સારામાં સારી સ્પીચ લખવી. આખરે સ્પર્ધાનો દિવસ આવ્યો. બોમ્બેની તમામ બેસ્ટ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને ટીચરો હાજર હતા. નિર્ણાયક તરીકે પર્લ પદમસી અને શેરનાઝ પટેલ જેવાં મોટા માથાં સામે બેઠા હતાં. સ્પર્ધાનું સ્ટાન્ડર્ડ ખરેખર ખૂબ ઊંચું હતું. બધા સ્પર્ધકો સરસ બોલ્યા. આખરે રિઝલ્ટની જાહેરાત થઈ. થર્ડ પ્રાઈઝ, સેકન્ડ પ્રાઈઝ અને છેલ્લે ર્ફ્સ્ટ પ્રાઈઝ.
‘એન્ડ ધ વિનર ઈઝ… ફ્રોમ ગ્રીન લોન્સ હાઈ સ્કૂલ… કરણ જોહર!’
હું શોકડ હતો. કોઈએ મને ધક્કો મારીને સ્ટેજ પર મોકલ્યો. હું ઝોમ્બીની જેમ ઉપર ગયો. મને તોતિંગ કપ આપવામાં આવ્યો. આ બધું સપનાં જેવું લાગતું હતું. ઘરે જઈને મમ્મી સામે કપ ધરીને મંે કહૃાું, ‘મમ્મી, હું ર્ફ્સ્ટ આવ્યો!’

મમ્મી રડવા લાગી. જિંદગીમાં હું પહેલી વાર હું કશુંક જીતીને લાવ્યો હતો. મારા હરખપદૂડા પપ્પાએ આખા ગામને ફોન કરી નાખ્યાઃ મારો દીકરો વકતૃત્વ સ્પર્ધામાં ર્ફ્સ્ટ આવ્યો! મમ્મી-પપ્પા બન્નેમાંથી કોઈને માન્યામાં નહોતું આવતું કે અમારો ડોબો દીકરો ખરેખર કોઈ સ્પર્ધામાં વિજેતા બન્યો છે. બીજે દિવસ સ્કૂલમાં એસેમ્બલી દરમિયાન અમારાં પ્રિન્સિપાલ મિસિસ બજાજે ગર્વભેર જાહેરાત કરી કે ઇન્ટર-સ્કૂલ ઇલોકયુશન કોમ્પિટિશનમાં આપણી સ્કૂલ વિજેતા બની હોય એવું આટલાં વર્ષોમાં પહેલી વાર બન્યું છે અને આ શકય બન્યું છે કરણ જોહર નામના સ્ટુડન્ટને લીધે. 
મને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો. હું ઇન્સ્ટન્ટ સ્ટાર બની ગયો. મારા નસીબે કરવટ બદલી હોય અથવા મારી લાઈફ્માં વિરાટ પરિવર્તન આવ્યું હોય તો તેનું કારણ આ કપ છે. બસ, તે પછી સ્કૂલમાં કે સ્કૂલની બહાર કોઈપણ સ્પર્ધા હોય – વકતૃત્વ, ડિબેટ, નાટક – એમાં હું હોઉં, હોઉં ને હોઉં જ, એટલું જ નહીં, વિજેતા પણ હું જ હોઉં. સ્પોર્ટ્સમેન તરીકે હું જે મેદાનમાં નહોતો કરી શકતો તે હું સ્ટેજ પર વક્તા તરીકે કરી શકતો હતો. મારી હિન્દી અને અંગ્રેજી બંને સ્પીચ સરસ હતી. મારી સ્પીચ હંમેશા રમૂજી રહેતી. મારામાં સ્ટેજ-ફિયર નહોતો. સ્ટેજ પર હોઉં ત્યારે સામે જાણે કોઈ જ બેઠું ન હોય તે રીતે હું પર્ફેાર્મ કરી શકતો. સમજોને કે સ્કૂલની એકસ્ટ્રા-કરિકયુલર એકિટવિટીઝ પર હું છવાઈ ગયો હતો. હું હજુય શરમાળ, અંતર્મુખ અને ઓકવર્ડ હતો, પણ સ્ટેજ પર બહુ જ કોન્ફ્ડિન્ટ બની જતો. મારી આખી પર્સનાલિટી બદલાઈ રહી હતી. હું વધારે ફ્રેન્ડલી બન્યો. મેદસ્વી અને સ્ત્રૈણ હોવાની જૂની સમસ્યાઓ એમની એમ હતી, પણ એની તીવ્રતા હવે ઘટી ગઈ હતી. મેં પણ કશુંક અચીવ કર્યું છે એ હકીકતના આનંદમાં આ સમસ્યાઓનું દુઃખ દબાઈ જતું. મારો આત્મવિશ્વાસ વધ્યો એની સીધી અસર પરીક્ષાના પરિણામો પર પણ પડી. મને હવે સરસ માર્ક્સ મળવા લાગ્યા. હવે ફ્રેન્ડ્ઝ ઘરે આવતા, મને તેઓ પોતાને ત્યાં બર્થડે પાર્ટી વગેરેમાં બોલાવતા. મને સ્પોટલાઈટમાં રહેવું ગમવા લાગ્યું.
આજે પાછું વળીને જોઉં છે ત્યારે મને સમજાય છે કે મારું બોર્ડિંગ હાઉસમાંથી પાછું ફરવું, મારી મમ્મીનું લેકચર સાંભળવું અને પહેલી વાર વક્તૃત્વ સ્પર્ધામાં કપ જીતવો – મારા જીવનની આ ડિફાઈનિંગ મોમેન્ટ્સ છે.

આખરે એક દિવસ આવ્યો જ્યારે હું સ્કૂલની વક્તૃત્વ સ્પર્ધામાં છેલ્લી વાર ભાગ લઈ રહૃાો હતો. મને યાદ છે, હું બોલવા ઊભો થયો ત્યારે અનાઉન્સરે કહૃાું હતું કે આજે આપણે છેલ્લી વાર કરણ જોહરની સ્પીચ સાંભળીશું. હું સુપરસ્ટાર સ્પીકર બની ચૂકયો હતો. મારી છેલ્લી સ્પીચ પણ સરસ રહી. સૌએ તાળીઓ પાડીને મને વધાવી લીધો. મને યાદ છે, સ્ટેજ પરથી નીચે ઉતરી રહૃાો હતો ખબર નહીં કેમ, મને એકાએક એવું ફીલ થયું કે મારી અંદર ખાસ પ્રકારની એનર્જી, વાઈબ્રેશન્સ અથવા આભા પેદાં થઈ ચૂકયાં છે. તે વખતે મારી ભીતર એક લાગણી જાગી, મને તીવ્રતાથી અહેસાસ થયો કે જિંદગીમાં આગળ જઈને હું ખૂબ ફેમસ બનવાનો છું…
                                            0 0 0 
વું જ થયું. કરણ જોહરે પચ્ચીસ-છવીસ વર્ષની ઉંમરે સુપરહિટ ‘કુછ કુછ હોતા હૈ’ બનાવી ત્યારથી એ ફેમસ માણસ છે. તમને અંગત રીતે એની ફ્લ્મિો ગમે કે ન ગમે, એની વાત કરવાની રીત, એના ટીવી શોઝ, એન્કરિંગ વગેરે પસંદ પડે કે ન પડે, પણ કરણ જોહર છેલ્લાં પંદર-વીસ વર્ષોથી હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ પાવરફુલ પોઝિશન ધરાવે છે તે હકીકત છે. એની કંપની ધર્મા પ્રોડકશન્સ આજે બોલિવૂડના સૌથી સફ્ળતમ બેનર્સમાં સ્થાન પામે છે. કરણે કેટલાય એકટરો અને ડિરેકટરોને લોન્ચ કરીને તેમની કરિયર બનાવી છે. સ્ત્રૈણ હોવા છતાં, એની સેકસ્યુઆલિટી વિશે સતત મજાકો થતી હોવા છતાં કરણે હતાશ થઈને પોતાના જીવનને જાતજાતની ગ્રંથિઓમાં ગૂંચવી નાખ્યું નથી. એ પોતાની પ્રતિભા અને આત્મવિશ્વાસના જોરે સતત વિકસતો ગયો છે. કરણ જોહરને કમસે કમ આ બાબત પૂરતો જશ તો આપવો જ જોઈએ. એક ફ્લ્મિમેકર અને સેલિબ્રિટી તરીકે એ તમને મીડિયોકર લાગતો હોય, તો પણ.
0 0 0 

Thursday, February 2, 2017

અહિંસાવાદી ગાંધીજીએ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને સાથ કેમ આપ્યો?

Sandesh - Ardh Saptahik purti - 1st Feb 2017 
Take off

‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે.'

Gandhi during WWI, as organizer of the Indian Volunteer Corps, London, 1914

દુનિયાને અહિંસા જેવા અદ્ભુત શસ્ત્રની ભેટ આપનાર મહાત્મા ગાંધીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને દિલપૂર્વક ટેકો આપ્યો હતો તે વળી કેવું! ચોથી ઓગસ્ટ ૧૯૧૪ના રોજ ફર્સ્ટ વર્લ્ડ વોરની જાહેરાત થઈ હતી અને તેના બે દિવસ પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ઈંગ્લેન્ડ જવા નીકળ્યા હતા. લંડન પહોંચીને એમણે ત્યાં વસતા ભારતીયોની મિટિંગ બોલાવી. ગાંધીજીએ કહૃાું કે જે ભારતીયો ઈંગ્લેન્ડમાં રહે છે તેમણે અંગ્રેજ સરકારને આ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાનાથી થાય એટલી સઘળી મદદ કરવી જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓની માફ્ક ઈંગ્લેન્ડમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ લશ્કરમાં ભરતી થવું જોઈએ. સ્વાભાવિક રીતે જ તરત સામી દલીલ થઈ કે, ‘અંગ્રેજો માલિક છે, આપણે ગુલામ છીએ. ગુલામે શા માટે  માલિકને સહકાર આપવો જોઈએ? જે ગુલામ સ્વતંત્ર થવા માગે છે એના માટે તો પોતાનો માલિક સંકટમાં હોય તે જ સારું ગણાયને! આ તો આપણા માટે સારો અવસર આવ્યો ગણાય. આપણે આવા સમયે જ અંગ્રેજો સામે આપણી માગણી રજૂ કરવી જોઈએ.’
પણ આ દલીલોની ગાંધીજી પણ કોઈ અસર થઈ નહોતી. ગાંધીજી સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ  બિરલાએ ‘બાપુ’ નામના પુસ્તકમાં ગાંધીજીના આ વિરોધીભાસી વલણ વિશે આખું પ્રકરણ લખ્યું છે. બિરલા નોંધે છે કે સૌથી પહેલાં તો, બાપુને નહોતું લાગતું કે ભારતીયો ગુલામીની કક્ષાએ પહોંચી ગયા છે. વળી, ગાંધીજીને એવો વિશ્વાસ હતો કે જો આપણે અંગ્રેજોનો પ્રેમ સંપાદન કરી શકીશું તો જ પરિસ્થિતિમાં ફેરફાર થશે. સંકટમાં આવી પડેલા અંગ્રેજોને મદદરૂપ થઈશું તો શકય છે કે એમનું હ્ય્દયપરિવર્તન થાય અને ભારતીયો પ્રત્યેનો એમનો વ્યવહાર બદલાય.
આખરે પ્રથમ વિશ્વયુદ્ધના માહોલ વચ્ચે લંડનમાં ભારતીય સ્વયંસેવકોની એક ટુકડી તૈયાર કરવામાં આવી. મજા જુઓ. આ ટુકડીની મદદ સ્વીકારવા માટે તે વખતના ભારતમંત્રી લોર્ડ ક્રૂ તૈયાર નહોતા! ખૂબ બધી આનાકાની પછી માંડ તેમણે ભારતીય વોલેન્ટિયર્સની સેવા સ્વીકારવાની હા પાડી. દક્ષિણ આફ્રિકામાં વસતા ગાંધીજીના સાથીદારોએ આ સાંભળ્યું ત્યારે એમની નવાઈનો પાર ન રહૃાો. એક બાજુ ગાંધીજી અહિંસાની ઉપાસના કરે છે અને બીજી બાજુ ભારતીયોને વિશ્વયુદ્ધમાં સામેલ કરે છે! આ તો વળી કેવી બેવડી નીતિ! આ વિશે ગાંધીજીએ કરેલી સ્પષ્ટતા કંઈક આવી હતીઃ


‘યુદ્ધ અને અહિંસાનો કદી મેળ નથી ખાતો, પણ ધર્મ શું છે અને અધર્મ શું છે એનો નિર્ણય કરવો તે એટલું સરળ નથી. સત્યના ઉપાસકને કયારેકને કયારેક અંધકારમાં પણ ભટકવું પડે છે. અહિંસા એક વિશાળ ધર્મ છે. માણસ એક પણ ક્ષણ જાણે-અજાણ્યે હિંસા કર્યા વિના જીવિત રહી શકતો નથી. જીવિત રહેવાની ક્રિયામાત્ર – ખાવુંપીવું, હલનચલન કરવું – જીવન હનન કરે છે. ભલે એ જીવ અણુ જેટલો સૂક્ષ્મ કેમ ન હોય. એટલે જીવન પોતે જ હિંસા છે. અહિંસાનો પૂજારી પોતાના ધર્મનું યથાર્થ પાલન એવી સ્થિતિમાં જ કરી શકે જ્યારે એના તમામ કર્મોનો એક જ સ્ત્રોત હોય. એ સ્ત્રોત છે દયા. જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે અહિંસાના ઉપાસકનો પ્રથમ ધર્મ છે યુદ્ધ બંધ કરાવવું. જો યુદ્ધ રોકવાની શકિત નથી તો ભલે યુદ્ધમાં કદાચ સામેલ હોય, પણ સાથેસાથે એ રાષ્ટ્રોને, દુનિયાને અને પોતાની જાતને યુદ્ધથી મુકત રાખવાનો પ્રયત્ન પણ નિરંતર કર્યા કરે છે.’
ગાંઘીજીએ ન યુદ્ધ વિરુદ્ધ બગાવત કરી, ન ઈંગ્લેન્ડની સરકાર તેની નીતિનો ત્યાગ ન કરે ત્યાં સુધી સત્યાગ્રહ કે અસહકાર કર્યો કે ન કાનૂનભંગ કરીને જેલમાં ગયા. આ બધું કરવા માટે તેઓ પોતાની જાતને અયોગ્ય માનતા હતા. આથી તેમણે અંગ્રેજોને સાથ આપવાનો રસ્તો અપનાવ્યો. ઘનશ્યામદાસ બિરલા અહીં સ્પષ્ટ શબ્દોમાં લખે છેઃ
‘ગાંધીજીનો આ તર્ક કંઈક લૂલો લાગે છે, પણ ગાંધીજી કઈ રીતે નિર્ણય પહેલાં કરે છે અને દલીલો પછીથી ઊપજાવી કાઢે છે તેની ચર્ચા પછીથી કરીશું. તર્ક મજબૂત ન હોય તો ભલે ન હોય, પણ ગાંધીજીના આત્માને જે સમયે જે સત્ય લાગ્યું તેની જ પાછળ તેઓ ચાલ્યા. એમના તર્કોમાં જાણી જોઈને આત્મવંચના નથી હોતી. મૂળ વાત એમ હતી કે એમને બ્રિટિશ શાસનપદ્ધતિમાં અનહદ શ્રદ્ધા હતી.’
ગાંધીજીએ વાઈસરોય ચેમ્સફેર્ડને પત્રમાં લખ્યું હતું કે, ‘હું માનું છું કે આ (વિશ્વયુદ્ધ જેવા) ભયંકર સમયે બ્રિટિશ રાષ્ટ્રને, જેના અમે અન્ય રાષ્ટ્રોની જેમ અત્યંત નજીકના ભવિષ્યમાં ભાગીદાર બનવાની આશા રાખીએ છીએ, તેને પ્રસન્નતાપૂર્વક અને સ્પષ્ટ મદદ કરવી જોઈએ. એ પણ સત્ય છે કે અમારી આ ઇચ્છાની પાછળ એ આશા છે કે એમ કરવાથી અમે અમારા (ભારતને આઝાદ કરવાના) ધ્યેય સુધી ઝડપથી પહોંચી શકીશું… હું એવું ઇચ્છું છું કે ભારત દરેક સશકત યુવાનોને બ્રિટિશ રાષ્ટ્રના રક્ષણ માટે હોમી દે… મારા દેશબાંધવોેને હું પ્રતીતિ કરાવવા માગું છું કે જો આપણે (બ્રિટિશ) સામ્રાજ્યની સેવા કરીશું તો એ ક્રિયામાંથી જ આપણને સ્વરાજ્ય મળી ગયું એમ સમજવું.’

Gandhi (circled) with the Indian Ambulance Corps

ગાંધીજીને આટલો બધો ભરોસો હતો અંગ્રેજો પર! બ્રિટિશ સામ્રાજ્યના રક્ષણ માટે ભારતે પોતાના યુવાનોનું બલિદાન આપ્યું, ધન આપ્યું. ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પણ ભારતને સ્વતંત્રતા તો ન જ મળી, ઊલટાનું, ૧૯૧૯ની તેરમી એપ્રિલે અમૃતસરના જલિયાવાલા બાગમાં ભયાનક હત્યાકાંડ થઈ ગયો. અંગ્રેજો પર ગાંધીજીને  જે વિશ્વાસ હતો તેના પર કારમો ઘા થયો. જોકે ગાંધીજીના વ્યવહારમાં કોઈ ફરક ન પડયો. વર્ષો વીત્યાં. ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ગાંધીજીને આ વખતે અંગ્રેજો પર શ્રદ્ધા નહોતી. એમણે અસહકારનું આંદોલન ચાલુ રાખ્યું, પણ આ સંકટના સમયમાં ઈંગ્લેન્ડની પરેશાની ન વધે તેનો ખ્યાલ પણ રાખ્યો. પોતાના લેખો, ભાષણો અને તત્કાલીન વાઈસરોય સાથેની મુલાકાતો દરમિયાન ગાંધીજીએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે આ વખતે ભારતીયો અંગ્રેજોને ફ્કત નૈતિક સ્તરે જ ટેકો આપશે, ભૌતિક સ્તરે નહીં.
બીજા વિશ્વયુદ્ધ વખતે આપણે એટલા બધા પરાધીન નહોતા. નવેક પ્રદેશોમાં પ્રાંતીય સ્વરાજ્ય સ્થપાઈ ચૂકયું હતું. કેન્દ્રમાં પણ સ્વરાજ્યનું વચન અપાઈ ગયું હતું. આપણે પૂર્ણ સ્વરાજ્ય તરફ્ આગળ વધી ચૂકયા હતા. ગાંધીજીની દષ્ટિએ અહિંસાની જીવંત કસોટીનો સમય હવે આવી ગયો હતો. અહિંસાના પ્રયોગની સફ્ળતાનું પ્રદર્શન કરવું હોય તો આ ઉત્તમ અવસર હતો. એવું જ થયું. ભયંકર હિંસાનો પ્રતિકાર અહિંસા જેવા આધ્યાત્મિક અને ચમત્કારિક શસ્ત્રથી થઈ શકે છે તે એમણે દુનિયા સામે પુરવાર કરી બતાવ્યું.
ઘનશ્યામદાસ બિરલા ઉપરાંત જમનાલાલ બજાજ પણ ગાંધીજી સાથે આત્મીયતાભરી નિકટતા ધરાવતા હતા. આ બંને અત્યંત ધનાઢય ઉદ્યોગપતિઓ ગાંધીજીના  આર્થિક મહાબાહુ તરીકે ઓળખાતા હતા. તેમના વિશે વધારે વાતો આવતા અઠવાડિયે.

0 0 0