Friday, September 20, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : ટાઈટેનિક

Mumbai Samachar - Matinee -  20 Sept 2013

હૉલીવુડ હન્ડ્રેડ  : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ચલ દરિયા મેં ડૂબ જાએ...

જગતમાં પ્રેમ જેવું કંઈ છે જ નહીં એવું થવા લાગે ત્યારે ‘ટાઈટેનિક’ જોઈ લેવી. પ્રેમની લાગણીમાં ફરીથી વિશ્ર્વાસ બેસી જશે. 



 ફિલ્મ ૪૦ : ટાઈટેનિક

જેમ્સ કેમેરોનની ‘ટાઈટેનિક’ ફિલ્મ આપણે સૌએ જોઈ છે. એક કરતાં વધારે વખત જોઈ છે. ફિલ્મનું કથાનક આપણે જાણીએ છીએ એટલે એના વિશે સાવ ટૂકમાં વાત કરી લઈને બીજા મુદ્દા પર આવી જઈએ.

૧૦ એપ્રિલ ૧૯૧૨ની વાત છે. ‘ટાઈટેનિક’ નામનું ભવ્યાતિભવ્ય જહાજની આજે પહેલી સફર છે. આ જહાજનો યુએસપી એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ એ છે કે તે ‘અનસિન્કેબલ’ છે. મતલબ કે તે કોઈ કાળે દરિયામાં ડૂબી ન શકે એવું સૌનું માનવું છે- જહાજ બનાવનારાઓ, એના માલિક સહિત તેમાં સફર કરી રહેલા તમામ ૨૨૧૯ લોકોનું. ડૉક પર પત્તા રમી રહેલો જેક ડૉસન (લિઓનાર્ડો ડિકેપ્રિયો) નામનો ગરીબ યુવાન બાજી જીતી જતાં દોસ્ત સાથે ‘ટાઈટેનિક’માં સફર કરવાનો હકદાર બને છે. જહાર પર જેકનું ધ્યાન રોઝ ડીવિટ (કેટ વિન્સલેટ) પર પડે છે. સત્તર વર્ષની રુપકડી રોઝ સમાજના ઉચ્ચ વર્ગનું ફરજંદ છે, જેણે ફરજિયાત કેલેડન હોકલી (બિલી ઝેન) નામના અતિ ધનાઢ્ય પણ ભારે ઘમંડી અને છીછરા યુવાન સાથે લગ્ન કરી લેવા પડે એમ છે. રોઝને થાય છે કે આવા માણસને પરણીને આખી જિંદગી પીડાવા કરતાં આપઘાત કરીને જીવ ટૂંકાવી દેવો સારો. એ દરિયામાંથી છલાંગ લગાવવાની અણી પર હોય છે ત્યાં જેક એને બચાવી લે છે. પોતાની ફિયોન્સેની બચાવી લેવા બદલ કેલએનો આભાર માને છે અને ઔપચારિકતા ખાતર ડિનર પર આમંત્રણ આપે છે. રોઝ અને કેલ રહ્યાં ફર્સ્ટ-ક્લાસનાં પેસેન્જર્સ. અહીં બધાં અતિ ચાંપલા, અતિ સોફિસ્ટીકેટેડ લોકો છે. જેક ક્ધયાને ગુપચુપ પોતાના થર્ડ-ક્લાસના વિભાગમાં લાવેછે. અહીં શિષ્ટાચારની ઐસીતૈસી કરીને સૌ નાચવા-ગાવામાં ને મજા કરવામાં રમમાણ છે. જિંદગીમાં ક્યારેય ન પડ્યો હોય એટલો જલસો રોઝને આ માહોલમાં પડે છે. જેક અને રોઝનો એકમેક પ્રત્યેનો પ્રેમ ઘૂંટાતો જાય છે. જેક મૂળ આર્ટિસ્ટ છે એટલે રોઝ એની સામે સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને પોતાનો ન્યુડ સ્કેચ બનાવડાવે છે, જેકને પોતાનું શરીર પણ સોંપે છે.



સંવનનનો નશો હજુ ઊતર્યો પણ નહોતો ત્યાં ‘ટાઈટેનિક’ એક વિરાટ હિમશીલા સાથે ટકરાઈ જાય છે. ‘ટાઈટેનિક’ માટે થયેલા દાવા પોકળ પૂરવાર થાય છે. થોડી કલાકોમાં જહાજનું ડૂબવું નિશ્ર્ચિત છે. જહાજ પર ભયાનક અંધાધૂંધીનો માહોલ સર્જાય છે, પણ આ ધમાલ વચ્ચેય રોઝ અને જેકના પ્રેમના ઘાંઘા થઈ ગયેલા કેલ પર ભૂત સવાર છે. જહાજ પરની ગણીગાંઠી લાઈફબોટ્સ થોડાક જ મુસાફરો સમાવી શકે તેમ છે. રોઝ સહીસલામત નીકળી જવાને બદલે જહાજના સાવ તળિયે એક કેબિનમાં બાંધી દેવામાં આવેલા જેકનો જીવ બચાવે છે. આખરે ‘ટાઈટેનિક’ વચ્ચેથી ચીરાઈને દરિયામાં જળસમાધિ લઈ લેછે ત્યારે લાકડાના ટુકડા પર રોઝને ચડાવીને જેક પોતાનો જીવનું બલિદાન આપે છે.

કથા પહેલાંની અને પછીની

‘ટાઈટેનિક’ ફિલ્મ એક સિનેમેટિક વંડર છે. ભૂતકાળમાં ‘એલિયન્સ’, ‘અબીઝ’, ‘ટર્મિનેટર’ અને ‘ટ્રુ લાઈઝ’ જેવી સુપરડુપર હિટ ફિલ્મો આપનાર જેમ્સ કેમરોન આ તમામ કરતાં ચાર ચાસણી ચડી જાય તેવી ‘ટાઈટેનિક’ જેવી માસ્ટરપીસ ફિલ્મ આપશે એવું કદાચ હોલીવૂડે પણ કલ્પ્યું નહોતું. હીરોના રોલ માટે એમણે ઘણા એસ્ટાબ્લિશ્ડ એક્ટરોનું ઓડિશન લીધું હતું, ઈવન ટોમ ક્રુઝને આ રોલમાં એમાં રસ પડેલો, પણ આ બધા ઉંમરમાં મોટા પડતા હતા. આખરે બાવીસ વર્ષના લિઓનાર્ડો દકેપ્રિયોની વરણી કરવામાં આવી ને એની લાઈફ બની ગઈ. નાયિકા રોઝની ભુમિકા માટે જેમ્સ કેમેરોને ઓડ્રી હેપબર્ન (‘રોમન હોલીડે’, ‘માય ફેર લેડી’) ટાઈપની એક્ટ્રેસ જોઈતી હતી. ગીનીથ પેલ્ટ્રો સહિતની ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પણ કશાક કારણસર કોઈએ ફિલ્મ સ્વીકારી નહીં. કેટ વિન્સલેટ નામની બાવીસ વર્ષની બ્રિટિશ એક્ટ્રેસને જોકે આ રોલમાં બહુ રસ પડી ગયો હતો. એ જેમ્સ કેમરોનની રીતસર પાછળ પડી ગઈ હતી. ઈંગ્લેન્ડમાં બેઠી બેઠી એ ડિરેક્ટરને ફોન પર ફોન કર્યા કરે, એકધારા કાગળો લખે, ફુલોના બુકે મોકલતી રહે. આખરે અમેરિકા તેડાવીને એનું ઓડિશન લેવામાં આવ્યું. જેમ્સ કેમેરોનને એનું પર્ફોર્મન્સ ગમ્યું તો ખરું,પણ તેઓ હજુ અવઢવમાં હતાં. એક વાર લિઓનાર્ડો સાથે એની સહિયારી સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવી. લિઓનાર્ડોના અભિનયથી કેટ એટલી પ્રભાવિત થઈ કે એણે જેમ્સ કેમેરોનને કહ્યું: ‘સર, ગજબનો છે આ છોકરો. તમે મને હિરોઈન તરીકે લો કે ન લો, પણ આ છોકરાને હીરો તરીકે જરુર લેજો!’ જેમ્સ કેમરોને લિઓનાર્ડો અને કેટ વિન્સલેટ બન્નેને લીધાં.
                                              
વિખ્યાત ફિલ્મ સમીક્ષક રોજર ઈબર્ટની વાત બિલકુલ સાચી છે કે, ‘ટાઈટેનિક’ પ્રકારની ફિલ્મ ઉત્તમ રીતે બનાવવાનું કામ માત્ર કઠિન નહીં, પણ લગભગ અશક્ય કહેવાય એવું છે. એનાં ટેક્નિકલ પાસાં જ એટલાં કોમ્પ્લીકેટેડ છે કે તમને થાય કે ફિલ્મમેકર એ બધી કડાકૂટની વચ્ચે લવસ્ટોરીને અને ઐતિહાસિક તથ્યોને કેવી રીતે ન્યાય આપશે? અગાઉ ટાઈટેનિક જહાજની દુર્ઘટના પર બારથી તેર ફિલ્મો ઓલરેડી બની ચૂકી હતી. ડિરેક્ટર જેમ્સ કેમરોનનને એવી ફિલ્મ બનાવવી હતી કે જેમાં ઐતિહાસિક તથ્યો અકબંધ રહે અને સાથે સાથે ઓડિયન્સને ઈમોશનલ લેવલ પર પણ સ્પર્શી શકાય.



કેમરોને અગાઉ એટલાન્ટિક સમુદ્રના તળિયે પડેલા અસલી ટાઈટેનિકના ભંગારનું પુષ્કળ શૂટિંગ કરીને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી. આ ડોક્યુમેન્ટી બનાવતી વખતે જ એમને ટાઈટેનિક જહાજમાં આકાર લેતી લવસ્ટોરી બનાવવાનો આઈડિયા આવ્યો હતો. બેઝિક રિસર્ચ તો ડોક્યુમેન્ટરી બનાવતી વખતે જ થઈ ગયું હતું. હવે વિગતોમાં ઓર ઊંડા ઊતરવાનું હતું. કેમરોનને એવું કશું જ સ્ક્રીનપ્લેમાં નહોતું લખવું જે અસલી ટાઈટેનિક જહાજ પર સંભવ ન હોય. ઉદાહરણ તરીકે, રોઝ અને જેકનાં પાત્રો ભલે કાલ્પનિક છે, પણ જહાજના ભંડકિયામાં જે કારની પાછલી સીટ પર તેઓ સંવનન કરે છે તે કાર ખરેખર અસલી ટાઈટેનિક જહાજમાં અસ્તિત્ત્વ ધરાવતી હતી (૩૫ હોર્સપાવરની ટુરિંગ કાર, ૧૯૧૧નું મોડલ, હોલ્ડ નંબર ટુ). કોઈ વિલિયમ સી. કાર્ટર નામના પ્રવાસીની એ ગાડી હતી. ૩૫૦૦ ડોલરમાં એનો વિમો ઉતરાવવામાં આવ્યો હતો. અસલી ટાઈટેનિક ડૂબી ત્યારે જે થોડાઘણા ભાગ્યશાળી લોકો બચી ગયા એમાં આ વિલિયમ સી. કાર્ટર પણ હતા. તેમને વિમાના પૈસા પણ મળી ગયા હતા. આ કારનો અવશેષો હજુયસમુદ્રના તળિયે ટાઈટેનિકના ભંગારમાં અટવાયેલો પડ્યા છે.

હવે એક સ્ટીલના એક વિરાટ સ્ટ્રક્ચર પર જહાજનો તોસ્તાનછાપ સેટ બનાવવાનો હતો જેને પાણીમાં ઉપર-નીચે કરી શકાય. પાણી ક્યાં છે? તો કહે, વિશાળ હોજમાં. ક્યા હોજમાં? હોજ તૈયાર નથી, તે પણ બનાવવાનો છે. આ બધું ક્યાં બનાવવાનું છે? સ્ટુડિયોમાં. પણ હોલીવૂડમાં તે વખતે એવો એક પણ સ્ટુડિયો નહોતો જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ હોય. તો? બનાવો સ્ટુડિયો! પાંચ સાઉન્ડ સ્ટેજવાળો એક અલાયદો સ્ટુડિયો ખાસ ‘ટાઈટેનિક’ માટે ઊભો કરવામાં આવ્યો. સિનેમાના ઈતિહાસમાં શૂટિંગ માટે પાણીની આટલો વિરાટ હોજ ક્યારેય બાંધવામાં નહોતો આવ્યો. ગિનેસ બુકે રીતસર એની નોંધ લીધી છે.


                                                                                                                       
જૂન ૧૯૯૬માં ટ્વેન્ટીએથ સેન્ચુરી સ્ટુડિયોએ ‘ટાઈટેનિક’ ફિલ્મ બનાવવા માટે લીલી ઝંડી દેખાડી. જુલાઈ ૧૯૯૭માં ફિલ્મ રિલીઝ કરી દેવાની હતી. મતલબ કે વચ્ચેના બાર મહિનામાં શૂટિંગ અને પોસ્ટ-પ્રોડક્શન પૂરું કરી નાખવાનું હતું. માર્ચ ૧૯૯૭માં સહિત સૌને સમજાઈ ગયું કે બોસ, આપણે શેડ્યુલ કરતાં ક્યાંય પાછળ છીએ. જુલાઈમાં કોઈ કાળે ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે. કેમેરોને કહ્યું: ડેટ પાછળ ઠેલો. આપણે જુલાઈને બદલે ક્રિસમસમાં ફિલ્મ રિલીઝ કરીશું! ફિલ્મ ચાર-પાંચ મહિના પાછળ ઠેલવાનો મતલબ એ થયો કે ૧૩૦ મિલિયનના મૂળ બજેટમાં ફિલ્મ નહીં જ બને. બજેટનો નવો આંકડો મૂકાયો - ૨૦૦ મિલિયન ડોલર્સ! સ્ટુડિયોના માલિકોએ સમજાઈ લીધું કે આટલી મોંઘીદાટ ફિલ્મ કોઈ કાળે પ્રોફિટ નહીં કરી શકે! તેઓ કેમરોનને કહેવા માંડ્યા: ભાઈ, કરકસર કરવી પડશે. પૈસા બચાવવા પડશે. એટલે સ્ક્રિપ્ટમાંથી આ કાઢી નાખો, પેલું કાઢી નાખો. કેમરોને કહ્યું: ‘જો હું ફલાણું કાઢીશ તો ઢીંકણું પણ કાઢવું પડશે અને ઢીંકણું કાઢીશ તો આ-આ-આ પણ કાઢી નાખવું પડશે કારણ કે બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. એના કરતાં જે છે એમ રહેવા દો.’ પ્રોજેક્ટ પાસ થાય તે માટે કેમરોને શરુઆતથી જ ડિરેક્ટર તરીકેની પોતાની ફી અડધી કરી નાખી હતી. બજેટ વધતું ગયું એટલે કેમરોને કહ્યુ: તમે મને હવે અડધી ફી પણ ન આપતા. જો તમને કમાણી થાય તો અને તો જ થોડાઘણા પૈસા આપજો, નહીં તો નહીં! મતલબ કે ધારો કે ફિલ્મ ન ચાલી તો કેમરોનની ત્રણ વર્ષની મહેનત બદલ ફદિયું પણ ન મળે!

ફિલ્મ બની. જે રીતે બનાવવી હતી તે રીતે જ બની...અને એટલી અદભુત બની કે દુનિયાભરના દર્શકો અભિભૂત થઈ ગયા. સવા ત્રણ કલાકની આ ફિલ્મમાં જહાજ તૂટવાના અને ડૂબવાના ગજબનાક કમ્પ્યુટર-જનરેટેડ દશ્યો હતાં જ, પણ કંઈ એને કારણે ફિલ્મની સુપરડુપર સફળતા મળી નથી. ફિલ્મની સફળ થઈ એની ટકોરાબંધ સ્ક્રીપ્ટ, નાનામોટાં તમામ પાત્રોનાં સુરેખ આલેખન અને ખાસ તો કદી ન ભુલી શકાય તેવી લવસ્ટોરી અને ફિલ્મના ઓવરઓલ ઈમોશનલ પંચને કારણે. છેલ્લે જેકની લાશ પાણીમાં ડૂબી જાય છે ત્યારે અને બીજાં કેટલાંય દશ્યોમાં દર્શકની આંખોમાંથી આંસુ છલકાઈ ઊઠતાં. સેલિન ડિઓનનું ‘માય હાર્ટ વિલ ગો ઓન’ગીત પણ કેટલું અદભુત. ‘ટાઈટેનિકે’ બોક્સઓફિસને ધ્રુજાવી દીધી. ૨૦૦ મિલિયનમાં બનેલી આ ફિલ્મે ૨૧૮૫ મિલિયન એટલે કે આજના હિસાબે ૧૩૮ અબજ રુપિયાની અધધધ કમાણી કરીને સિનેમાના ઈતિહાસની સૌથી સફળ તરીકે પોતાનું નામ અંકિત કરી દીધું. ૧૧ ઓસ્કર સહિત દુનિયાભરના અવોર્ડઝનો વરસાદ વરસી ગયો. 
જગતમાં પ્રેમ જેવું કંઈ છે જ નહીં એવું થવા લાગે ત્યારે ‘ટાઈટેનિક’ જોવી લેવી. પ્રેમની લાગણીમાં તમારો વિશ્ર્વાસ ફરી બેસી જશે.                                      o o o

‘ટાઈટેનિક’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર-લેખક: જેમ્સ કેમરોન

કલાકાર: લિઓનાર્ડો દકેપ્રિયો, કેટ વિન્સલેટ

રિલીઝ ડેટ : ૧૯ ડિસેમ્બર ૧૯૯૭

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, પિક્ચર, આર્ટ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફી, કોસ્ચ્યુમ ડિઝાઈન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, એડિટિંગ, મ્યુઝિક, સોંગ, સાઉન્ડ અને સાઉન્ડ એડિટિંગના ઓસ્કર અવોર્ડઝ

Tuesday, September 17, 2013

ટેક ઓફ : અપરાધશૂન્ય સમાજની કલ્પનાનો પણ હવે ભાર લાગે છે

Sandesh - Ardh Saptahik purti - 18 Sept 2013

ટેક ઓફ 


અશુભ ભૂંસાતું નથી, પડછાયાની જેમ. એ માત્ર એંગલ અને આકાર બદલાવતું રહે છે. જ્યાં સુધી શુભનું અસ્તિત્વ છે ત્યાં સુધી અશુભ પણ જીવતું રહેવાનું, જુદી ભ્રમણકક્ષામાં, જુદી તીવ્રતા સાથે.

દિલ્હીના ગેંગરેપ-કમ-મર્ડર કેસનો ચુકાદો આવી ગયો છે. ચારેય ગુનેગારોને ફાંસી ફરમાવી દેવાઈ છે. હવે લોકોની દલીલો, રાડારાડ ને લોહીઉકાળા ધીમે ધીમે શાંત પડી રહ્યા છે. કાનૂને ધારો કે બાકીના ચાર ગુનેગારોની જેમ પેલા અન્ડરએજ અપરાધીને ત્રણ વર્ષ માટે અંદર કરી દેવાને બદલે ફાંસીએ લટકાવી દે તો પણ એક કરપીણ સત્ય આપણે સૌ જાણીએ છીએ. આ બધું જ- રેપ, ગેંગરેપ,રેપ વત્તા મર્ડર બધું જ ફરી પાછું થવાનું છે, થતું રહેવાનું છે, ફક્ત પાત્રો બદલાતાં જશે, સ્થળ બદલાતાં જશે, પણ હેવાનિયતનું નર્કનૃત્ય ચાલતું રહેશે.

અશુભ ભૂંસાતું નથી, પડછાયાની જેમ. એ માત્ર એંગલ અને આકાર બદલાવતું રહે છે. જ્યાં સુધી શુભનું અસ્તિત્વ છે ત્યાં સુધી અશુભ પણ જીવતું રહેવાનું, જુદી ભ્રમણકક્ષામાં, જુદી તીવ્રતા સાથે. માત્ર સમાજ નહીં, આપણા જેવા 'સારા અને નોર્મલ' માણસોની ભીતર પણ શુભ અને અશુભનું દ્વંદ્વ ચાલતું હોતું નથી શું?
દિલ્હીનો ગેંગરેપ કમ મર્ડરનો કિસ્સો અને તે પછીની હો હા બાદ શું બન્યું? ગણતરીના દિવસોમાં દિલ્હી નજીક ફરિદાબાદમાં બારમા ધોરણમાં ભણતી છોકરી પર રેપ કરી ખૂન કરી નાખવામાં આવ્યું (જાન્યુઆરી ૨૦૧૩). ભારત ફરવા આવેલી એક સ્વિસ મહિલા પર મધ્યપ્રદેશમાં આઠ પુરુષોએ એના પતિની સામે ગેંગરેપ કરી નાખ્યો (માર્ચ ૨૦૧૩). હરિયાણાના સાકેત્રીના જંગલમાં ત્રણ યુવાનોએ (જેમાંના બે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હતા) સગીર છોકરી પર ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). ઉત્તરપ્રદેશના રામકોટમાં પાંત્રીસ વર્ષની મહિલા પર ચાર પુરુષોએ ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). બિહારના સમસ્તીપુરમાં ૨૭ વર્ષની એક મહિલા પર બે પુરુષોએ ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). નર્સિંગનું ભણી રહેલી ૧૯ વર્ષની યુવતી પર ત્રણ પુરુષોએ બેંગલોર નજીક ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). જબલપુર નજીક ત્રણ માઇનોર છોકરાએ ૧૨ વર્ષની બાળકી પર ગેંગરેપ કર્યો (એપ્રિલ ૨૦૧૩). છત્તીસગઢમાં એક માઇનોર છોકરી પર ગેંગરેપ થયો (મે ૨૦૧૩). ઓરિસાની ૧૬ વર્ષની છોકરીને ૭૦૦૦ રૂપિયામાં વેચી નાખી એના પર ગેંગરેપ કરવામાં આવ્યો અને આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું (જુલાઈ ૨૦૧૩). ખ્રિસ્તી સાધ્વી બનવાની તાલીમ લઈ રહેલી ઓરિસાની યુવતી પર ત્રણ પુરુષોએ ગેંગરેપ કર્યો, જેમાંના બે એના કઝિન હતા (જુલાઈ ૨૦૧૩). મુંબઈની ફોટોજર્નલિસ્ટ પર પાંચ માણસોએ ગેંગરેપ કર્યો (ઓગસ્ટ ૨૦૧૩).
અહીં અમુક જ કિસ્સા ટાંક્યા છે, પણ નિર્ભયાનો કેસ જે રીતે મીડિયામાં અભૂતપૂર્વ રીતે ઊછળ્યો તે પછી શા માટે એવી અસર ઊપજે છે કે બળાત્કારોના બનાવો પર બ્રેક લાગવાને બદલે ઊલટાના ગેંગરેપના કિસ્સા વધી ગયા? આવું લાગવાનું એક દેખીતું કારણ એ છે કે નિર્ભયા કેસ પછી પોલીસ સ્ટેશનોમાં નોંધાતા મોલેસ્ટેશનના કેસની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. એકલા દિલ્હીમાં ૨૦૧૨માં મોલેસ્ટેશનના ૧૩૯ કેસ નોંધાયા હતા, જ્યારે ૨૦૧૩માં ૧૫ એપ્રિલ સુધીમાં જ આવા ૯૩૭ કેસ રજિસ્ટર થઈ ગયા હતા. મીડિયા આવી ઘટનાઓ વિશે વધારે બોલકું બન્યું છે તે બીજું કારણ છે. ધારો કે ઊલટી પરિસ્થિતિ પેદા થઈ હોત, બળાત્કારના કિસ્સા ઘટી ગયા હોત તોપણ અણિયાળું સત્ય એ છે કે આંકડો ક્યારેય શૂન્ય બનવાનો નથી.
કેમ આમ બને છે? ગેંગરેપના ભયાનક બનાવો પછી જે રીતે બૂમરાણ મચે છે તેનાથી અધમ માણસને શૂરાતન ચડતું હશે? એની અંદર રહેલી વિકૃતિને એક પ્રકારનું કન્ફર્મેશન મળી જતું હશે? ડરી જવાને બદલે એની હેવાનિયત ટ્રિગર થઈ જતી હશે?અપરાધીઓની વાત જવા દઈએ, પણ અમુક 'નોર્મલ' કહેવાતા લોકોમાં પણ શેતાની કૃત્યની ગંભીરતાને ખંખેરી નાખીને 'ઠીક હવે, સમજ્યા મારા ભાઈ' પ્રકારના એટિટયૂડ શી રીતે આવી જતા હશે?


નિર્ભયા કેસ પછી મુંબઈના બોનોબો નામના એક સ્ટાઇલિશ બારના મહામૂર્ખ માલિકોએ 'બલાત્કારી' નામનું ડ્રિંક ઇન્ટ્રોડયુસ કરી નાખ્યું હતું. યો-યો હની સિંહ નામના સિંગરનું 'મૈં બલાત્કારી' ગીત એકદમ પ્રકાશમાં આવી ગયું હતું. વિવાદ થયો એટલે આ ગીત મારું નથી એમ કહીને એ સરકી ગયો, પણ આ થર્ડ રેટ ઘટિયા સિંગરે સ્ત્રી-પુરુષનાં ગુપ્તાંગ માટેની ગાળોને વણી લેતાં, સ્ત્રી સાથે બળાત્કારની કક્ષાની સેક્સ એક્ટ કરવી એ જાણે હીરોગીરીનું કામ છે એવી અસર ઊભી કરતાં બીજાં કેટલાંક ગીતો લખ્યાં છે, ગાયાં છે ને પર્ફોર્મ કર્યાં છે. આ ગીતોની હલકટ કક્ષા સ્તબ્ધ બનાવી દે તેવી છે. સંગીતનું આ કયું તળિયું છે? વધારે અસ્થિર કરી મૂકે એવી વાત તો આ છે - જુવાનિયાઓમાં યો-યો હની સિંહ ખૂબ પોપ્યુલર છે. યો-યોએ હાર્મલેસ ગીતો પણ ગાયાં હશે ભલે, પણ જે 'કલાકાર' આવા એકાદ હલકા ગીતને પણ પબ્લિકમાં મૂકવાની ચેષ્ટા કરી શકતો હોય તે ખરેખર તો ફેંકાઈ જવો જોઈતો હતો. એને બદલે બન્યું શું? વિવાદ પછી એનું સેલિબ્રિટી સ્ટેટસ ઊલટું ઊંચકાઈ ગયું. હાઈ-પ્રોફાઇલ શોઝમાં પર્ફોર્મન્સ આપવા એને આમંત્રણ મળવા લાગ્યું. શાહરુખ ખાન અને અક્ષયકુમાર જેવાઓએ એને પોતાની ફિલ્મોમાં ગીતો ગવડાવીને સ્ટાર બનાવી દીધો. 'મૈં બલાત્કારી' ગીતની કન્ટ્રોવર્સી કોઈકને ઉપર ચડાવી શકે છે એ સફળતાનું ગણિત આજનું વાસ્તવ છે. મજા કરવા માટે રેસ્ટોરાંમાં જઈને 'બલાત્કારી' ડ્રિંક પીતાં પીતાં થ્રિલ અનુભવતા લોકોનું હોવું એ આપણા સુધરેલા સમાજનું વાસ્તવ છે. ગેંગરેપ કરી નાખતા નરાધમોની કક્ષા કરતાં આ કહેવાતા સોફિસ્ટિકેટેડ લોકોની કક્ષા અલગ જરૂર છે, પણ કશુંક નઠારું તત્ત્વ તેમની વચ્ચે કોમન જરૂર છે. માત્ર તીવ્રતા અને અભિવ્યક્તિ જુદાં છે, બસ.
નઠારાપણું સમાજમાંથી ક્યારેય જડમૂળથી નાબૂદ થતું નથી. ઊલટાનું એને અનિવાર્ય, અનિષ્ટ ગણીને હળવાશથી સ્વીકારતા જવાની વૃત્તિ સમાજમાં સૂક્ષ્મપણે આકાર લેવા માંડે છે. અપરાધશૂન્ય સમાજ એક કલ્પના છે અને હવે તો આ કલ્પનાનો પણ ભાર લાગે છે.                            0 0 0 

Saturday, September 14, 2013

મલ્ટિપ્લેક્સ : અ લંચ વિથ ઈરફાન

Sandesh - Sanskaar Purti - 15 July 2013


મલ્ટિપ્લેક્સ 

'ધ લંચબોક્સ' ફિલ્મમાં ઉષ્માહીન માહોલમાં જીવી રહેલાં બે એકલવાયાં પાત્રો વચ્ચે વિકસતા પ્રેમની વાત છે. ઓસ્કરમાં  સંભવિત ભારતીય એન્ટ્રી તરીકે 'શિપ ઓફ થિસિઅસ'ની સાથે હવે એનું નામ પણ ચર્ચાય છે.

ઈરફાન ખાન અને એની ફિલ્મે ફરી એક વાર ધ્યાન ખેંચ્યું છે. પહેલાં ઈન્ટરનેશનલ ર્સિકટમાં અને હવે ઘરઆંગણે. ફિલ્મનું ટાઈટલ છે, 'ધ લંચબોક્સ' અથવા તો હિન્દીમાં 'ડબ્બા'. રિતેશ બત્રા નામના યુવાને આ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. રિતેશને એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો અનુભવ છે, પણ 'ધ લંચબોક્સ' એની પહેલી ફુલલેન્થ ફીચર ફિલ્મ છે. સૌથી પહેલાં આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું, પછી ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં અને ત્યારબાદ અમેરિકાના ટેલ્યુરાઈડ નામના પ્રમાણમાં ઓછા જાણીતા પણ મહત્ત્વના ફિલ્મ ફેસ્ટિવલમાં તે દેખાડવામાં આવી. હવા બંધાવાની શરૂઆત પહેલાં સ્ક્રીનિંગ વખતથી જ થઈ ગઈ હતી. ટેલ્યુરાઈડ ફેસ્ટિવલમાં એના ચાર શોઝ પ્લાન થયેલા, પણ ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે આયોજકોએ બીજા ત્રણ શોઝ વધારવા પડયા. અનુરાગ કશ્યપે કો-પ્રોડયુસ કરેલી આ ફિલ્મને ભારતમાં કરણ જોહર અને યુટીવી એને આવતા શુક્રવારે રિલીઝ કરી રહ્યા છે.
શંુ છે 'ધ લંચબોક્સ'માં? સાજન (ઈરફાન ખાન) નામનો એક સીધોસાદો આધેડ માણસ મુંબઈની કોઈ ઓફિસમાં કારકુની કરે છે. એ વિધુર છે, એકલો છે. નિવૃત્ત થવામાં હવે એને ઝાઝી વાર નથી. હજારો ઘરોમાંથી ટિફિન કલેક્ટ કરીને આખા મુંબઈમાં ફેલાયેલી ઓફિસોમાં ડિલિવરી કરતા ડબ્બાવાળાનું પરફેક્શન આમ તો દુનિયાભરમાં જાણીતું છે પણ એક વાર સાજન પાસે ભૂલથી બીજા કોઈનું ટિફિન આવી જાય છે. આ લંચબોક્સ ખરેખર તો ઈલા (નિમરત કૌર, જેને તમે કેડબરી ચોકલેટની એડમાં જોઈ છે) નામની કોઈ અજાણી મહિલાએ પોતાના પતિ માટે મોકલ્યું હતું. ઈલાનો પતિ અને લગ્નજીવન બન્ને સરખાં છે - ઉષ્માહીન. લંચબોક્સની ગરબડને લીધે આકસ્મિક રીતે સાજન અને ઈલા એકમેકના સંપર્કમાં આવે છે. આવડા મોટા મહાનગરમાં એકલતા અનુભવતાં આ બે માનવપ્રાણીઓ વચ્ચે એક હૂંફાળો અને સંવેદનશીલ સંબંધ વિકસે છે. ફિલ્મમાં હૃદયસ્પર્શી લાગણીઓના ચઢાવઉતાર છે અને યોગ્ય માત્રામાં હ્યુમર પણ છે. નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મમાં ઈરફાનના સાથી કર્મચારીનો રોલ કરે છે.

ભારત તરફથી આગામી ઓસ્કરમાં જનારી સંભવિત ફિલ્મોનું લિસ્ટ ઉત્સાહીઓ ઓલરેડી તૈયાર કરવા લાગ્યા છે. 'શિપ ઓફ થિસિઅસ' આ લિસ્ટમાં હજુ હમણાં સુધી ટોચ પર હતી. હવે અચાનક 'ધ લંચબોક્સ'નું નામ ચર્ચાવા લાગ્યું છે. 'લંચબોક્સ'નો એક મહત્ત્વનો પ્લસ પોઈન્ટ ઈરફાન ખાન છે. 'સ્લમડોગ મિલિયોનેર', 'ધ નેમસેક', 'લાઈફ ઓફ પાઈ' અને 'ધ અમેઝિંગ સ્પાઈડરમેન' જેવી ફિલ્મો તેમજ 'ઈન ટ્રીટમેન્ટ' જેવી અમેરિકન ટીવી સિરીઝને કારણે ઈરફાનનું નામ, કામ અને ચહેરો ઈન્ટરનેશનલ સર્કિટમાં ઓલરેડી જાણીતાં છે. ગયા વર્ષે ઈરફાનની જ 'પાનસિંહ તોમર' ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે સૌથી લાયક ફિલ્મ હોવા છતાં એનું સિલેક્શન નહોતું થયું. આ વર્ષે 'ધ લંચબોક્સ'નો નંબર લાગે છે કે કેમ એ તો સમય જ બતાવશે. ભારતની સંભવિત ઓસ્કર એન્ટ્રીની રેસમાં 'શિપ ઓફ થિસિઅસ' અને 'ધ લંચબોક્સ'ને હરીફાઈ આપવા કેટલીક ઉત્તમ રિજનલ ફિલ્મો પણ હોવાની.
ઈરફાન ખાન હજુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણી રહ્યા હતા ત્યારે મીરાં નાયરે એમને શોધી કાઢયા હતા. એક ડિપ્લોમા ફિલ્મમાં ઈરફાનનું પર્ફોર્મન્સ જોઈને મીરાંની આંખો ચમકી ઊઠી હતીઃ ધિસ ઈઝ ધ બોય! તેઓ 'સલામ બોમ્બે' (૧૯૮૮)માં ઈરફાનને મેઈન રોલ આપવા માગતાં હતાં, પણ કોઈક કારણસર તે શક્ય ન બન્યું. ઈરફાનના ભાગે આ ફિલ્મમાં કાગળ લખી આપતા માણસનો એક ટચૂકડો રોલ આવ્યો. 'સલામ બોમ્બે' ઈરફાન અને મીરાં નાયર બન્નેની સર્વપ્રથમ ફિલ્મ. 'સલામ બોમ્બે' માં જે નહોતું થઈ શક્યું તે વર્ષો પછી ૨૦૦૭માં 'ધ નેમસેક'માં થયું. મીરાં નાયરે આમાં ઈરફાનને નાયકનો રોલ કરાવીને જ સંતોષ માન્યો.

"સાચું કહું, 'ધ નેમસેક'ના મામલામાં હું શ્યોર નહોતો," ઈરફાન એક ઈન્ટરવ્યૂમાં કહે છે, "આમાં મારો રોલ એક સીધાસાદા પતિ અને પિતાનો હતો, જે મારે એવી રીતે ભજવવાનો હતો કે ફિલ્મમાં આ કિરદારનો સહેજ પણ ભાર ન વર્તાય. આસિફ કાપડિયાની'ધ વોરિયર' (૨૦૦૧) કર્યા પછી ઈન્ટરનેશનલ સર્કિટ માટે હું એ ટાઈપના મર્દાના રોલ્સ કરવા માગતો હતો, જ્યારે 'ધ નેમસેક'ની ભૂમિકા એના કરતાં સાવ વિરુદ્ધ હતી પણ મને મીરાંની કાબેલિયત પર ભરોસો હતો. મારે જમ્પા લાહિરીએ (કે જેમની નવલકથા પરથી આ ફિલ્મ બની હતી) કરેલાં પાત્રાલેખનને ન્યાય આપવો હતો. હું એક એક્ટર તરીકે મીરાંને સંપૂર્ણપણે તાબે થઈ ગયો અને જે પરિણામ આવ્યું તે કમાલનું હતું. 'ધ નેમસેક' જોઈને હું ચકિત થઈ ગયો હતો."
કોઈ ભૂમિકા ઓફર થાય ત્યારે નેરેશન સાંભળીને મન ના પાડતું હોય છતાં પણ એ ફિલ્મ કરીને છેવટે ઊંડા સંતોષની લાગણી અનુભવી હોય એવો અનુભવ અદાકારોને અવારનવાર થતો હોય છે. ઈરફાન ઉમેરે છે, "ઈવન 'ધ લંચબોક્સ' વખતે પણ એવું જ થયું. સ્ટોરી સાંભળીને હું અવઢવમાં હતો કે આ ક્લાર્ક ટાઈપનો રોલ કરવો કે નહીં. મને ઓફિસોના ટિપિકલ નીરસ માહોલથી આમેય ત્રાસ થતો હોય છે. આઈ મીન, એકના એક લોકો સાથે વર્ષો સુધી એકનું એક કામ કર્યે જવાનું... કેટલું બોરિંગ હોય છે આ બધું. મને થતું હતું કે એક્ટર તરીકે આમાં કશું એક્સાઈટિંગ કરવા જેવું તો છે જ નહીં પણ મને વાર્તાના ઈમોશનલ ગ્રાફમાં રસ પડયો, મને લવસ્ટોરીં ગમી ગઈ ને મેં હા પાડી."
The Lunchbox team with the director, Ritesh Batra at Cannes 2013
આ વખતે પણ જે રિઝલ્ટ મળ્યું છે તે એવું કમાલનું છે. માહોલ ગમે તે હોય, પાત્રો ગમે તે ભાષા બોલતાં હોય પણ પ્રેમ, એકલતા અને હૂંફની લાગણીઓ સાર્વત્રિક છે. એની સાથે જેટલો ભારતીય દર્શક કનેક્ટ થશે એટલો જ અમેરિકન-યુરોપિયન કે જાપાનીઝ પ્રેક્ષક પણ આઈડેન્ટિફાય કરી શકશે.
ઈરફાન ખાન એક તગડો અભિનેતા છે તે સૌ સ્વીકારે છે. દેશ-વિદેશની ફિલ્મોમાં એની કરિયર જે રીતે ગતિ કરી રહી છે તે ખરેખર ઈન્ટરેસ્ટિંગ છે. એની આગામી ફિલ્મોમાં એક તરફ 'સિદ્ધાર્થ' અને 'કિસ્સા' જેવી ફેસ્ટિવલ ફિલ્મો છે, તો સામે પક્ષે 'હંગામે પે હંગામા' (ડિરેક્ટર નીરજ વોરા) અને 'ગુંડે' (યશરાજ બેનર) જેવી મસાલા કર્મશિયલ ફિલ્મો પણ છે. ઈરફાનની વર્સેટાલિટી અને રેન્જનું આ ઉદાહરણ છે. 
શો-સ્ટોપર

બસ, બહુ કરી લીધી એક્ટિંગ. હવે મારે પૈસા જોઈએ છે. બોલિવૂડમાં સૌ કોઈ ચિક્કાર પૈસા બનાવી રહ્યા છે તો અમારા જેવા એક્ટરોએ શું ગુનો કર્યો છે?
- મનોજ બાજપાઈ

Thursday, September 12, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : રોઝમેરી’ઝ બેબી

Mumbai Samachar - Matinee Supplement - 13 Sept 2013


હૉલીવુડ હન્ડ્રેડ  : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આયેગા આનેવાલા...

 રોઝમેરી કેવા ચક્રવ્યુહમાં ફસાઈ ગઈ હતી? એના બાળકનું પછી શું થયું? શું ખરેખર એની આસપાસ અસુરી તત્ત્વોમાં માનતા લોકોની જમઘટ થઈ ગઈ હતી? કે પછી આ બધો રોઝમેરીના મનનો વહેમ હતો? ભેદભરમથી ભરપૂર ‘રોઝમેરી’ઝ બેબી’ રોમન પોલન્સ્કીની ઉત્તમ કૃતિઓમાંની એક છે. 
                           


ફિલ્મ 39. ‘રોઝમેરી’ઝ બેબી’.

ક્લાસિક ફિલ્મો મોટે ભાગે બોરિંગ, અટપટી અને ઢીલીઢાલી જ હોય એવી એક છાપ છે. ખોટી છાપ છે. તમને સીટ સાથે ચોંટાડી રાખે એવી હોરર ફિલ્મ પણ સિનેમેટિક કલાનો ઉત્તમ નમૂનો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આજની ફિલ્મ, ‘રોઝમેરી’ઝ બેબી’.

ફિલ્મમાં શું છે?

એક સરસ મજાનું યંગ અમેરિકન કપલ છે. પતિ ગાય વૂડહાઉસ (જોન કેસેવેટ્સ) વ્યવસાયે અભિનેતા છે. ઘણાં ટીવી-નાટકો અને જાહેરાતોમાં અભિનય કર્યો છે. હવે મોટા અને મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં કામ કરવાની એની મહત્ત્વાકાંક્ષા છે. પત્ની રોઝમેરી (મિઆ ફેરો) સ્વભાવે સીધીસાદી, ભોળી અને આજ્ઞાકિંત હાઉસવાઈફ છે. ફિલ્મની શરુઆતમાં જ બન્નેને ન્યુયોર્ક શિફ્ટ થતાં દેખાડાય છે. એક ખૂબસૂરત અપાર્ટમેન્ટનો વિશાળ ફ્લેટ તેમને ગમી જાય છે. અગાઉના ભાડૂઆતે યા તો મકાનમાલિકે કોણ જાણે કેમ એક જગ્યાએ તોતિંગ આલમારી વિચિત્ર રીતે ગોઠવેલી હતી. આ આલમારીની પાછળ દીવાલમાં બનાવેલો ઓર એક કબાટ છે. હચ (મોરિસ ઈવાન્સ) નામનો તેમનો દોસ્ત ચેતવણી આપે છે કે આ બિલ્ંિડગમાં ભુલેચુકેય રહેવા ન જતા... એમાં કંઈક થાય છે. કહે છે કે એમાં માનવભક્ષીઓનો વાસ છે! રોઝમેરી અને ગાય આ વાતને હસી કાઢે છે. શું પાગલ જેવી વાત કરે છે. મેનહટન જેવા ધમધમતા વિસ્તારમાં માનવભક્ષીઓ ક્યાંથી આવવાના. બન્ને બિન્દાસ નવા ફ્લેટમાં શિફ્ટ થઈને પોતાના ટેસ્ટ પ્રમાણે આકર્ષક ઈન્ટિરીયર કરાવીને ઘરને મસ્ત ચમકાવી દે છે.

                                                               


એક દિવસ ટેરી નામની ખુશમિજાજ પાડોશણ સાથે રોઝમેરીની દોસ્તી થાય છે. કમનસીબે ઓળખાણ થઈ એના થોડા જ દિવસોમાં ટેરી ફ્લેટની બારીમાંથી કૂદીને આપઘાત કરી નાખે છે. ટેરી બાજુના ફ્લેટમાં એક વૃદ્ધ દંપતી સાથે રહેતી હતી. રોમન (સિડની બ્લેકમેર) અને મિની (રુથ ગોર્ડન) નામનાં આ સિનિયર સિટીઝન એક દિવસ રોઝમેરી-ગાયને ડિનર માટે આમંત્રણ આપે છે. પાડોશીઓ સાથે સંબંધ રાખવો જોઈએ એમ વિચારી બન્ને એમને ત્યાં જાય છે. વૃદ્ધ કપલ જરા વધારે પડતા પ્રેમાળ અને ઉત્સાહી છે. ખાસ કરીને ડોસીમા. એક દિવસ ગાયને પ્રોડક્શન ટીમમાંથી ફોન આવે છે કે મેઈન હીરો બનનાર એક્ટર ઓચિંતો આંધળો થઈ ગયો છે એટલે એ રોલ હવે તારે કરવાનો છે. ગાય રાજી રાજી થઈ જાય છે. એ એકદમ જ ઘોષણા કરે છે: રોઝમેરી, આપણે બચ્ચું પેદા કરી નાખીએ! રોઝમેરી એમ વિચારીને ખુશ થાય છે કે ચાલો, મારો વર બાપ બનવા માટે રેડી થઈ ગયો. બન્ને જેવા સંવનનમાં મગ્ન થાય છે કે કશોક વિચિત્ર અવાજ આવે છે. એમને થાય છે કે હશે કંઈક. સાંજે પાડોશમાં રહેતા ડોસીમા ડિઝર્ટ જેવી આઈટમ બનાવીને આપી જાય છે. ગાય તો ફટાફટ ખાઈ જાય છે, પણ રોઝમેરીને એનો સ્વાદ કંઈ વિચિત્ર લાગે છે. અડધુંપડધું ખાઈને એ ડિઝર્ટને કચરામાં પધરાવી દે છે. એકદમ જ રોઝમેરીને ચક્કર આવવા લાગે છે. બેહોશીની સ્થિતિમાં એ ભયાવક સપનું જુએ છે. જાણે કે એ કોઈ શિપમાં જઈ રહી છે. એને સંપૂર્ણ નગ્ન હાલતમાં બિસ્તર સાથે બાંધી દેવામાં આવે છે. આજુબાજુ ભેગા થઈ ગયેલા લોકો પણ નિર્વસ્ત્ર છે. કશોક મંત્રોચ્ચાર કરતા કરતા તેઓ રોઝમેરીના શરીર પર લોહીના નિશાન બનાવે છે. દરમિયાન ભયાનક દેખાવ ધરાવતા અર્ધમાનવ જેવું કશુંક આવે છે અને રોઝમેરી પર પાશવી બળાત્કાર કરે છે.

                                                                     


રોઝમેરી જાગી જાય છે. દુ:સ્વપ્ન તો ગાયબ થઈ ગયું, પણ રોઝમેરીના શરીર પર ભેદી નિશાન પડી ગયા છે. ગાય કહે છે કે સોરી રોઝી, તું બેભાન હતી ત્યારે મેં તને ભોગવી હતી. ખેર, આ ભોગવટો સફળ થાય છે. રોઝમેરી ગર્ભવતી બને છે. પતિ-પત્ની ખુશખુશ છે. બાજુમા રહેતાં પેલું વૃદ્ધ દંપતી પણ રાજી થાય છે. ડોસીમા દિવસમાં પાંચ વખત રોઝમેરી પાસે ચક્કર લગાવી જાય, એના હાલચાલ પૂછે, એના માટે વિટામિન ડ્રિન્કસ બનાવી લાવે. માજીના વધારે પડતા અટેન્શનથી રોઝમેરી ક્યારેક અકળાઈ જાય છે, પણ પછી વિચારે કે ભલેને કરે, મારા ભલા માટે જ કરે છેને. રોઝમેરી જેને ક્ધસલ્ટ કરે છે તે ડોક્ટર અબ્રાહમ ન્યુયોર્કના શ્રેષ્ઠ ગાયનેક ગણાય છે. એ કહે છે કે તારી પાડોશી તને જે વિટામિન ડ્રિન્ક્સ આપે છે એ તો પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે ઉત્તમ છે. તું બિન્દાસ પી.

જેમ જેમ મહિના વીતતા જાય છે તેમ તેમ રોઝમેરીની બેચેની વધતી જાય છે. એના ચહેરા પરથી નૂર ઊડી ગયું છે. ક્યારેક સખ્ખત દુખાવો ઉપડે, પણ ડોક્ટર સહિત સૌ કોઈ કહ્યા કરે છે કે ડોન્ટ વરી, પ્રેગનન્સીમાં તો આવું બધું થયા કરે. એક વાર રોઝમેરી ઘરે પાર્ટી રાખે છે ત્યારે બહેનપણીઓને એની હાલત જોઈને ચિંતામાં પડી જાય છે. એ સલાહ આપે છે કે તું ડોક્ટર બદલી નાખ, સેક્ધડ ઓપિનિયન લે. જોકે પતિદેવ આ વાત સાંભળવા બિલકુલ તૈયાર નથી. એક દિવસ એમના પેલો જૂનો મિત્ર હચ મળવા આવે છે. પછી સમાચાર મળે છે કે એેકાએક કોમામાં સરી પડ્યા બાદ હચનું મૃત્યુ થયું છે. હચ રોઝમેરી માટે એક પુસ્તક રાખતો હતો ગયો. પુસ્તકનું નામ છે, ‘ઓલ ઓફ ધેમ વિચીસ’ અર્થાત આ સૌ ડાકણ યા તો મેલી વિદ્યા કરનારા નઠારા માણસો છે. આ સૌ એટલે કોણ? પુસ્તકનાં પાનાં ફરતાં જાય છે તેમ તેમ રોઝમેરીના હોશકોશ ઊડતા જાય છે...

                                                                                 


બસ, હવે આગળની વાર્તા નહીં કહીએ. રોઝમેરી અને એના બાળકનું પછી શું થયું? એ કેવા ચક્રવ્યુહમાં ફસાઈ ગઈ હતી? શું ખરેખર એની આસપાસ અસુરી તત્ત્વોમાં માનતા લોકોની જમઘટ થઈ ગઈ હતી? કે પછી આ બધો રોઝમેરીના મનનો વહેમ હતો? આ સવાલોના જવાબ મેળવવા માટે તમારે ડીવીડી પર આખેઆખી ફિલ્મ જોવી પડે.


કથા પહેલાંની અને પછીની

આ સાઈકોલોજિકલ હોરર ફિલ્મ ઈરા લેવિને લખેલી અને ૧૯૬૭માં પ્રકાશિત થયેલી આ જ નામની નવલકથા પર આધારિત છે. જોકે પેરેમાઉન્ટ સ્ટુડિયોના સાહેબોએ પુસ્તક બહાર પડે તે પહેલાં જ એના પ્રૂફ વાંચી લીધા હતા. એટલું જ નહીં, આના પરથી મસ્ત મજાની કમર્શિયલ ફિલ્મ બની શકે એમ છે તેવું લાગતાં લેખિકા પાસેથી એના અધિકારો પણ ખરીદી લીધા. નવલકથાનાં છૂટાં પાનાં પછી ઉત્તમ યુરોપિયન ફિલ્મમેકર તરીકે પ્રસ્થાપિત થઈ ચુકેલા રોમનપોલન્સ્કીને મોકલવામાં આવ્યાં. એમને વાર્તામાં એવો રસ પડ્યો કે આખી રાત જાગીને વાંચી ગયા. ‘રોઝમેરી’ઝ બેબી’ એમની પહેલી અમેરિકન ફિલ્મ. કોઈ પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો પણ આ પહેલો અનુભવ.

                                                                               


સ્ક્રિપ્ટ રોમન પોલન્સ્કીએ સ્વયં લખી છે. મૂળ નવલકથાને તેઓ ખાસ્સા વફાદાર રહ્યા છે. કેટલાય સંવાદો પુસ્તકમાંથી સીધી લેવાયા છે. ઈવન ફ્લેટના ઈન્ટીરિયરની કલર સ્કીમ તેમજ પાત્રોનાં કપડાં પણ પુસ્તકના વર્ણન પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યાં હતાં. પુસ્તક હજુ બેસ્ટસેલર બન્યું નહોતું એટલે પોલન્સ્કીની ઈચ્છા હતી કે મેઈન હિરોઈન તરીકે કોઈ જાણીતો ચહેરો લેવો કે જેથી એના નામે ઓડિયન્સ થિયેટર તરફ ખેંચાઈ આવે. જોકે રોઝમેરી તરીકે કાસ્ટિંગ આખરે મિઆ ફેરોનું થયું. એની હજુ સુધી એક જ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમાંય એ મેઈન લીડ નહોતી. જોકે એક હિટ ટીવી સિરિયલ અને પોપ્યુલર સિંગર-એક્ટર ફ્રેન્ક સિનાત્રા સાથે લગ્ન કરવાથી એને સેલિબ્રિટી સ્ટેટસ જરુર મળી ગયું હતું. મિઆએ આ ફિલ્મ સ્વીકારી તે ફ્રેન્ક સિનાત્રાને જરાય ગમ્યું નહોતું. એ નહોતા ઈચ્છતા કે પત્ની એક્ટ્રેસ તરીકેની કરીઅર આગળ ધપાવે. ‘રોઝમેરી’ઝ બેબી’નું શૂટિંગ હજુ ચાલતું હતું તે દરમિયાન સેટ પર જ સિનાત્રાએ મિઆને ડિવોર્સના કાગળિયાં મોકલી આપ્યાં હતાં!

હીરોના પાત્ર માટે રોબર્ટ રેડફોર્ડ (‘ઈન્ડીસન્ટ પ્રપોઝલ’)પહેલી ચોઈસ હતા. જેક નિકોલસન સાથે પણ મિટીંગ થઈ, પણ એમનો દેખાવ જ ‘દુષ્ટ માણસ’ જેવો છે એટલે પોલન્સ્કીએ વાત આગળ ન વધારી (યાદ કરો સ્ટીફન કિંગની નવલકથા પરથી સ્ટેન્લી ક્યુબ્રિકે બનાવેલી અફલાતૂન હોરર ફિલ્મ ‘ધ શાઈનિંગ’માં જેક નિકોલસનનો શેતાની અભિનય). નાયક તરીકે પછી સ્વીટ, નોર્મલ દેખાવ ધરાવતા જોન કેસેવેટ્સને લેવામાં આવ્યા.

                                                                   


‘રોઝમેરી’ઝ બેબી’ રિલીઝ થતાં જ સુપરહિટ થઈ. એટલું જ નહીં, સર્વકાલીન શ્રેષ્ઠ હોરર ફિલ્મોમાં એનું સ્થાન નિશ્ર્ચિત થઈ ગયું. આ ફિલ્મની મજા એ છે કે એમાં શરુઆતથી જ ઓડિયન્સને કહેતા રહેવામાં આવે છે કે રોઝમેરીની આસપાસ કંઈક રમત રમાઈ રહી છે. ફિલ્મ અડધી ખતમ થાય ત્યાં સુધીમાં આપણને પાક્કી ખાતરી થઈ ચુકી હોય છે કે નક્કી બાજુુના ફ્લેટમાં કોઈક ભેદ છે. ફિલ્મના એન્ડમાં સસ્પેન્સ ખુલે ત્યારે આપણને ધક્કો નથી લાગતો, પણ શૉક લાગે છે કે મારું બેટું જેનો ડર હતો એવું જ નીકળ્યું! આ ફિલ્મની પછી સિક્વલ પણ બની - ‘લૂક વોટ્સ હેપન્ડ ટુ રોઝમેરી’ઝ બેબી’. ઓસ્કર નોમિનેટેડ એડિટર સેમ ઓ’સ્ટીને તે ડિરેક્ટ કરી હતી.

‘રોઝમેરી’ઝ બેબી’ જોજો. તમે એક મિનિટ માટે પણ તમે ચસકી નહીં શકો એ વાતની ગેરંટી.       0 0 0

ફેક્ટ ફાઈલ                                         

ડિરેક્શન - સ્ક્રીનપ્લે : રોમન પોલન્સ્કી

મૂળ નવલકથાકાર : ઈરા લેવિન

કલાકાર : મિઆ ફેરો, જોન કેસવેટર્સ, રુથ ગોર્ડન, સિડની બ્લેકમેર

રિલીઝ ડેટ : ૧૨ જૂન ૧૯૬૮

મહત્ત્વના અવોર્ડઝ : રુથ ગોર્ડનને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર

Wednesday, September 11, 2013

ટેક ઓફ : પ્રેરણાદાયી પુસ્તકો વાંચવાં કે ન વાંચવાં?

Sandesh - Ardh Saptahik Purti - 11 Sept 2013

ટેક ઓફ 

આપણને કેમ આટલી બધી પ્રેરણાની જરૂર પડવા લાગી છે? કદાચ રોજેરોજ ભ્રષ્ટાચાર, કૌભાંડો, બળાત્કાર,સાધુબાબાઓનાં કરતૂતો અને યુદ્ધોના સમાચારો સાંભળીને આપણે એટલા ત્રાસી ગયા છીએ કે આ નેગેટિવિટીને બેલેન્સ કરવા માટે આપણે ડગલે ને પગલે પ્રેરણા અને પોઝિટિવિટીનાં ઇન્જેક્શન લેવાં પડે છે.


તમે સવારે ઊઠો અને ફ્રેશ થાઓ ત્યાં સુધીમાં તમને ગુડમોર્નિંગ કહેતાં કમ સે કમ પાંચથી છ પ્રેરણાદાયી એસએમએસ કે વોટ્સઅપ મેસેજીસ મોબાઇલ પર ઝબકી જાય છે. ચા પીતાં-પીતાં છાપાંનો થપ્પો લઈને બેસો એટલે ફીચર્સ સેક્શનના બે-ચાર લેખો તમને સમજાવે કે ઉત્તમ જીવન કેવી રીતે જીવવું અને સુખી કેવી રીતે થવું? તૈયાર થઈ ઓફિસે પહોંચીને તમે કમ્પ્યુટર ઓન કરો એટલે સુંદર સુવાક્યો અને સરસ મજાના વિઝ્યુઅલ્સથી શોભતા એટલિસ્ટ પાંચ-સાત ઈમેલ્સ તમારી રાહ જોઈને બેઠા જ હોય. હજુ તો સવાર છે. આખા દિવસ દરમિયાન ફેસબુક પર અને એસએમએસ ફોરવર્ડ્સમાં પ્રેરણાદાયી વાતોની જે રમઝટ બોલવાની છે, એ જોવાનું તો હજુ બાકી છે. રાત્રે પરવારીને જે વાંચતાં વાંચતાં તમે નિદ્રાધીન થાઓ છો તે પુસ્તક પણ શક્ય છે કે પ્રેરણાદાયી પ્રકારનું જ હોવાનું.
બીજી સવાર. બીજો દિવસ. ફરી પાછો પ્રેરણાનો નવો ડોઝ. લોકો સોશિયલ મીડિયા અને મોબાઇલ પર પ્રેરણાની રીતસર તડી બોલાવે છે. પ્રેરણાનો આવો પ્રચંડ વરસાદ અગાઉ ક્યારેય નહોતો ભાળ્યો. આપણને કેમ આટલી બધી પ્રેરણાની જરૂર પડવા લાગી છે? કદાચ આપણે બહુ જ પાગલ કે જોખમી જમાનામાં જીવી રહ્યા છીએ, એ કારણ છે. કદાચ રોજેરોજ ભ્રષ્ટાચાર, કૌભાંડો, બળાત્કારો, સાધુબાબાઓનાં કરતૂતો, યુદ્ધોના સમાચારો સાંભળીને આપણે એટલા ત્રાસી ગયા છીએ કે આ નેગેટિવિટીને બેલેન્સ કરવા માટે આપણે ડગલે ને પગલે પ્રેરણા અને પોઝિટિવિટીનાં ઈન્જેક્શન લેવાં પડે છે.
આજે મોટિવેશનલ કે સેલ્ફ હેલ્પને લગતાં પુસ્તકો સૌથી વધારે વેચાય છે એ જાણીતી હકીકત છે. ગુજરાતીમાં અને બીજી ભાષાઓમાં આ પ્રકારનાં પુસ્તકોનો અનુવાદ કરી કરીને બજારમાં ઠાલવતા જવાનો ઉદ્યોગ દિવસ-રાત ધમધમી રહ્યો છે. બુકશોપ્સમાં મોટિવેશનલ અને સેલ્ફ હેલ્પની ચોપડીઓનું સેક્શન તરત નજરે ચડે એ રીતે ગોઠવાય છે. અલબત્ત, પ્રેરણાદાયી પુસ્તકો કંઈ હમણાં હમણાંથી છપાવાનાં શરૂ થયાં નથી. સેલ્ફ હેલ્પ પુસ્તકોનો ટ્રેન્ડ ડેલ કાર્નેગીએ ૧૯૩૬માં શરૂ કર્યો, 'હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લ્યુઅન્સ પીપલ' પુસ્તક લખીને. નાનપણમાં આપણે સૌએ આ ચોપડી વાંચી હોય છે. આજ સુધીમાં દુનિયાભરની વિવિધ ભાષાઓમાં એની દોઢ કરોડ કરતાંય વધારે નકલો વેચાઈ ચૂકી છે. છેલ્લી ખૂબ ગાજેલી મોટિવેશનલ કિતાબ છે, 'ધ સિક્રેટ'જેની ૪૬ ભાષાઓમાં ૧ કરોડ ૯૦ લાખ નકલો ખપી ગઈ છે. માર્ચ ૨૦૧૨માં લગાવવામાં આવેલા અંદાજ પ્રમાણે એકલા અમેરિકાની 'સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ ઇન્ડસ્ટ્રી'નું આર્થિક કદ ૧૧ બિલિયન ડોલર્સ એટલે કે આશરે ૭૨૬ અબજ રૂપિયાનું છે. આમાં પુસ્તકો ઉપરાંત ઓડિયો અને વીડિયો સીડી ઉપરાંત મોંઘાદાટ સેમિનાર પણ આવી ગયા.


મહત્ત્વનો સવાલ આ છેઃ પ્રેરણાદાયી પુસ્તકો વાંચીને આપણા પર ખરેખર કશી અસર થાય છે ખરી? જીવન ધરમૂળથી બદલાઈ જવાની વાત તો દૂર રહી, આપણામાં થોડો ઘણો ફેરફાર પણ થતો હોય છે ખરો? મોટિવેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટને લગતાં પુસ્તકો વાંચવાનો તબક્કો ઘણું કરીને તરુણાવસ્થા યા તો પ્રારંભિક યુવાનીમાં આવી જતો હોય છે. એ ઉંમરે આવું બધું વાંચવાની બહુ જ મજા આવે. મુગ્ધાવસ્થામાં મન એવા ભ્રમમાં હોય કે બસ, આ ચોપડીઓમાં જે લખ્યું છે એનો અમલ શરૂ કરી દઈશું એટલે બંદા સુપરમેન બની જવાના, પણ આ પ્રકારનાં પાંચ-દસ પુસ્તકો વંચાઈ જાય એટલે ધરાઈ જવાય. ધીમે ધીમે સમજાવા માંડે કે ચોપડીઓમાં જે ફન્ડા સમજાવવામાં આવ્યા છે એનો અમલ-બમલ કંઈ થઈ શકતો નથી. સરવાળે આ ચોપડીઓ વાંચીને ટાઈમપાસ જ થયો. આપણે તો એવા ને એવા જ રહી ગયા ને કૂતરાની પૂંછડી સીધી ન થઈ તે ન જ થઈ. બસ, આવું બ્રહ્મજ્ઞાન લાધે એટલે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની ચોપડીઓને આઉટ-ગ્રો કરવાનું, એના વળગણમાંથી બહાર આવવાની ક્રિયા શરૂ થઈ જાય.
કોઈનું સરસ ક્વોટ છે કે જો તમે સેલ્ફ હેલ્પ કરવા માગતા હો તો બીજા કોઈએ લખેલું પુસ્તક શા માટે વાંચવું જોઈએ? આને ફક્ત હેલ્પ કહેવાય, સેલ્ફ હેલ્પ નહીં. મોટિવેશનલ ગુરુઓના સેમિનારોની ફી ક્યારેક તમ્મર ચડી જાય એટલી ઊંચી હોય છે. પશ્ચિમમાં આ પ્રકારના સેમિનાર અટેન્ડ કરવાનો ચાલ છે. તકલીફ એ છે કે ઘણાં લોકોને પ્રેરણાદાયી પુસ્તકો અને સેમિનારોનું સખત બંધાણ થઈ જાય છે. આવું બધું વાંચતાં, સાંભળતાં રહે તો જ એમની બેટરી ચાર્જ રહે. જેવું બંધ કરે કે જિંદગી અર્થહીન લાગવા માંડે, ડિપ્રેશનવાળા વિચારો આવવા માંડે. આ સ્થિતિથી બચવું જોઈએ.



પ્રેરણાદાયી પુસ્તકો અને સેમિનારોમાં જે શીખવવામાં આવે છે તે ખરેખર કેટલું ઉપયોગી બને છે તે વિશે મનોવૈજ્ઞાનિક પરીક્ષણો થતાં રહે છે. વચ્ચે વિદેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો હતો,જેમાં લો સેલ્ફ એસ્ટીમ અને હાઈ સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાના વિશે નીચો અને ઊંચો અભિપ્રાય ધરાવતા લોકોને બે જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે હું મારી જાતને જેવી છું તેવી સ્વીકારું છું. હું બહુ જ મજાનો માણસ છું એ વાક્ય વારેવારે દોહરાવતા રહો. સેલ્ફ હેલ્પની ચોપડીના ફન્ડા પ્રમાણે આ પ્રકારના પુનરુચ્ચારણથી માણસમાં સરસ લાગણી જાગવી જોઈએ, પોઝિટિવ ફીલ કરવું જોઈએ. પણ આ પ્રયોગને અંતે કંઈક જુદું જ જાણવા મળ્યું. મનોવૈજ્ઞાનિકોએ જોયું કે આ રીતે તો લો સેલ્ફ એસ્ટીમ ધરાવતી વ્યક્તિ ઊલટાની વધારે મૂડલેસ થઈને નેગેટિવ ફીલ કરવા લાગી હતી.

તો શું સમજવાનું?પ્રેરણાદાયી સાહિત્ય ઉપયોગી છે કે નથી? આનો જવાબ સૌએ જાતે નક્કી કરી લેવાનો છે. હા, એટલું નક્કી કે આ સાહિત્ય જીવનના કોઈ તબક્કે મનને વિચારવા માટે નવી દિશા જરૂર ખોલી આપે છે ને સારાં ઉદાહરણો પૂરાં પાડે છે. જો કશુંક વાંચવાથી આપણા મનમાં ભલે બે-ચાર ક્ષણો માટે પણ પોઝિટિવ માહોલ ઊભો થતો હોય તો શું ખોટું છે? પ્રેરણાદાયી પુસ્તકો કે કોલમ્સ તમને આતંકવાદી બનવાની સલાહ તો આપતાં નથી. હા, માત્ર પ્રેરણાદાયી સાહિત્ય વાંચવાથી સંઘ કાશીએ નહીં પહોંચે, હાથ-પગ હલાવવા પડશે, નિષ્ઠાથી એકધારા પ્રયત્નો કરવા પડશે, તો જ સંબંધો સુધરશે અને જીવનની ગુણવત્તા ઊંચી આવશે.
એક મિનિટ, વેઇટ. આહા, એક મસ્ત પ્રેરણાદાયી ક્વોટ છે. હમણાં જ તમારા મોબાઇલ પર ફોરવર્ડ કર્યું, તમે વાંચ્યું?                                                                        0 0

Saturday, September 7, 2013

મલ્ટિપ્લેક્સ : ડેડલી દીપિકા

Sandesh - Sanskar Purti - 8 Sept 2013
મલ્ટિપ્લેક્સ
દીપિકા પદુકોણે સારી ફિલ્મો પણ કરી છે અને 'બોકવાસ' ફિલ્મો પણ કરી છે. છ વર્ષની કરીઅરમાં એ હિન્દી ફિલ્મોની હિરોઇન નંબર વન કેવી રીતે બની ગઇ?


દીપિકા પદુકોણ નવી નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કલ્પ્યું નહોતું કે હાઇટના મામલામાં બોલિવૂડના કેટલાય હીરોને કોમ્પ્લેક્સ આપતી આ લંબૂસ કન્યા જોતજોતામાં નંબર વન પોઝિશનની દાવેદાર બની જશે. એણે 'ઓમ શાંતિ ઓમ'માં શાહરુખ ખાનની નાયિકા તરીકે શરૂઆત કરી હતી. કેટલી નવોદિત હિરોઇનના નસીબમાં પહેલી જ ફિલ્મમાં શાહરુખની હિરોઇન બનવાનું (અને એ પણ ડબલ રોલમાં) લખાયું હોય છે? છ વર્ષ પછી 'ચેન્નાઈ એક્સપ્રેસ'માં એ બીજી વાર શાહરુખની સામે ચમકી અને જાણે એક વર્તુળ પૂરું થયું. 'ઓમ શાંતિ ઓમ'ની નવોદિત એક્ટ્રેસ 'ચેન્નાઈ એક્સપ્રેસ' આવતાં સુધીમાં બોલિવૂડના ટોપ પોઝિશન પર ગોઠવાઈ ચૂકી હતી.
'રેસ ટુ', 'યે જવાની હૈ દીવાની' અને 'ચેન્નાઈ એક્સપ્રેસ' - આ ત્રણેય ૨૦૧૩ની હિટ ફિલ્મો. દીપિકાએ જે કાબેલિયતથી હેટ ટ્રિક ફટકારી છે તે જોઈને બીજી હિરોઇનો હાંકી બાંકી થઈ ગઈ છે. હજુ હમણાં સુધી કરીના કપૂર, કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા નંબર વનના બિરુદ માટે બથ્થંબથ્થા કરી રહી હતી. કરીના પરણી ગઈ એટલે આપોઆપ રેસમાંથી બહાર થઈને અલગ કેટેગરીમાં મુકાઈ ગઈ છે ઐશ્વર્યા રાયની જેમ. કેટરીનાની 'જબ તક હૈ જાન' પાસેથી ઊંચી ઉમ્મીદો હતી. આ ફિલ્મે તો નિરાશ કર્યા જ, પણ એમાં કેટરિનાના પર્ફોર્મન્સે ઓડિયન્સને વિશેષ નિરાશ કર્યા. 'જબ તક હૈ જાન'માં એનો રોલ એવો હતો જેમાં ખૂબ ભાવપ્રદર્શનની જરૂર પડે. કેટી પાસે 'હમ ભી કુછ કમ નહીં' એવું પુરવાર કરવાની ભરપૂર તક હતી. થયું એનાથી ઊલટું. કેટરીનાનું રૂપકડું થોબડું ઇમોશનલ સીનમાંય આપણા પીએમ સાહેબ મનમોહનસિંહની જેમ કોરુંધાકોડ રહ્યું. કેટરિનાની મર્યાદાઓ બહુ ખરાબ રીતે એક્સપોઝ થઈ ગઈ આ ફિલ્મમાં.
પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો એને છાકો પાડી દેવાના ઘણા ચાન્સ મળ્યા હતા. આપણને હતું કે 'સાત ખૂન માફ' અને 'વોટ્સ યોર રાશિ'? જેવી સુપર ડિરેક્ટરોએ બનાવેલી ફિલ્મોમાં પ્રિયંકા કોણ જાણે કેવીય કમાલ કરી દેખાડશે! અહીં પણ બન્યું એનાથી ઊલટું. આ બંને ફિલ્મો ઊંધા મોંએ પછડાઈ. પ્રિયંકા સારી પર્ફોર્મર છે એ સૌ સ્વીકારે છે, પણ એક હદ પછી એના મેનરિઝમમાં અને બોડી લેંગ્વેજમાં કૃત્રિમતા પ્રવેશી જાય છે. 'બરફી'માં એણે સરસ કામ કર્યું, પણ આ ફિલ્મનો સૌથી વધારે ફાયદો રણબીરને જ થયો, જે યોગ્ય પણ હતું. કોણ જાણે કેમ, પણ પ્રિયંકા માટે જાણે એક ફૂટી ચૂકેલી બંદૂક જેવી ફીલિંગ આવ્યા કરે છે. એ જાણે કે પોતાનાં ભાથાંમાં રહેલાં લગભગ બધાં તીર વાપરી ચૂકી છે. એની સારી ફિલ્મો જરૂર આવશે, પણ પ્રિયંકા હવે મોટા પાયે ધમાલ મચાવી મૂકશે એવું લાગતું નથી. વિદ્યા બાલનની અલગ જ ભ્રમણકક્ષા છે, અલગ ઊંચાઈ છે. પોતાની રેસ એ એકલી દોડી રહી છે.
તો પાછળ બચ્યું કોણ? દીપિકા પદુકોણ.

With celebrity sportsman dad, Prakash Padukone

જ્યારે બીજી હિરોઇનો લગ્ન કરી રહી હતી અને સારી-માઠી ફિલ્મો કરીને સફળ-નિષ્ફળ જઈ રહી હતી ત્યારે દીપિકા ચૂપચાપ ધીમે ધીમે પણ મક્કમ રીતે આગળ વધી રહી હતી. ફ્લોપ કે નબળી ફિલ્મો એણેય ઓછી નથી કરી. ( યાદ રાખો 'ચાંદની ચોક ટુ ચાયના', 'દેશી બોયઝ' વગેરે) દીપિકા શ્રેષ્ઠ ફિગર ધરાવતી અને મોટાભાગની ફિલ્મોમાં લગભગ એકસરખી દેખાતી એક ગ્લેમરસ એક્ટ્રેસ હતી. એને ઝાઝી ગંભીરતાથી જોવામાં આવતી નહોતી. અભિનય કે ફિલ્મો કરતાં એ બોયફ્રેન્ડ્ઝને કારણે વધારે ચર્ચામાં રહેતી હતી, પણ એને ઇમ્તિયાઝ અલી અને સૈફ અલી ખાન બરાબર ફળ્યા. પહેલાં 'લવ આજ કલ'માં અને પછી કોકટેલમાં. એમાંય 'કોકટેલ'માં એ દારૂ ઢીંચીને પછી ભાંગી પડે છે તે સીન વળાંકરૂપ સાબિત થયો. એકાએક જાણે ફિલ્મમેકરો અને ઓડિયન્સનું ધ્યાન ગયું કે આ છોકરી કોમ્પ્લેક્સ કેરેક્ટરને બુદ્ધિપૂર્વક આત્મસાત્ કરીને પૂરેપૂરા કન્વિક્શન અને કોન્ફિડન્સ સાથે ભજવી શકે છે. 'કોકટેલ' પછી 'રેસ ટુ' (હિટ) આવી, 'યે જવાની હૈ દીવાની' આવી (સુપરહિટ) અને 'ચેન્નાઈ એક્સપ્રેસ' (સુપરહિટ) આવી. આ તો માત્ર અલ્પવિરામ છે. સંજયલીલા ભણસાલીની 'રામલીલા' અને રજનીકાંત સાથેની સાઉથ ઇન્ડિયન ફિલ્મ તો હજુ આવવાની બાકી જ છે. આ બે પછી શાહરુખ સાથેની ઔર એક ફિલ્મ 'હેપી ન્યૂ યર' આવશે. આ ત્રણેય ફિલ્મો હિટથી સુપરડુપર હિટ સુધીની કોઈ પણ કેટેગરીમાં મુકાઈ શકે એમ છે. ટૂંકમાં, દીપિકાનો સિતારો હજુ એટલિસ્ટ એકાદ વર્ષ સુધી બુલંદી પર ટકી રહેવાનો છે.
Deepika (right) with family

દીપિકા કંઈ માધુરી નથી. એ કાજોલ કે વિદ્યા બાલન પણ નથી. એ મેઇનસ્ટ્રીમ કોર્મિશયલ ફિલ્મો કરી રહેલી સ્ટાર છે, જે ખુદને સ્ટાર-એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત કરવાની સફળ કોશિશ કરી રહી છે. એ સેલિબ્રિટી સ્પોર્ટ્સમેનની દીકરી છે. એના મગજમાં રાઈ ભરાઈ જાય એવી શક્યતા લગભગ નથી. સંબંધોમાં એ ઓલરેડી ઘણી ભાંગતૂટ જોઈ ચૂકી છે. એટલે અફેરના નામે આંધળુંકિયાં કરે એવી પણ એ નથી. એ હજુ સત્તાવીસ વર્ષની જ છે એટલે ઉંમર એના પક્ષમાં છે. ટૂંકમાં, દીપિકા ઠીક ઠીક સમય સુધી જોરમાં રહી શકે તેમ છે. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવેલી કન્યાને સટ-સટ-સટ કરતી મેઇન સ્ટ્રીમ બોલિવૂડની ટોચ સુધી પહોંચતી જોવી ગમે છે. 
મોર પાવર ટુ ડિપ્પી.                                                      0 0 0 

Friday, September 6, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : લોલિટા

Mumbai Samachar - Matinee Supplement - 6 Sept 2013

હૉલીવુડ હન્ડ્રેડ - મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આધેડ વયનો પુરુષ પોતાની તૈર-ચૌદ વર્ષની સાવકી દીકરીના પ્રેમમાં પડે, એ ચંચળ છોકરી પણ આદમી તરફ આકર્ષાય અને બન્ને વચ્ચે સેક્સ્યુઅલ રિલેશનશિપ બંધાય ત્યારે શું થાય? ‘લોલિટા’ જેવી ફિલ્મ વિવાદાસ્પદ ન બને તો જ આશ્ર્ચર્ય પામવું પડે. 

ફિલ્મ ૩૮ - લોલિટા



સૈયાં બૈયાં છોડના... કચ્ચી કલિયાં તોડ ના

સીધા વિષય પર જ આવી જઈએ. ફિલ્મની શરૂઆત એક મર્ડર સીનથી થાય છે. સખત દારુ ઢીંચેલા ક્લેર ક્વિલ્ટી (પીટર સેલર્સ) નામના એક લેખકના અસ્તવ્યસ્ત ઘરમાં હમ્બર્ટ (જેમ્સ મેસન) નામનો માણસ ઘૂસી આવે છે. સખત તૂ-તૂ-મૈં-મૈં પછી આગંતુક નાસવાની કોશિશ કરી રહેલા લેખકને ગોળીથી ઉડાવી દે છે. ત્યાર પછી ફ્લેશબેકમાં મુખ્ય વાર્તા શરૂ થાય છે. 

હમ્બર્ટ મૂળ ફ્રેન્ચ કવિતાનો પ્રોફેસર છે. અમેરિકાના રેમ્સડેલ નામના નગરની એક કોલેજમાં પ્રોફેસર તરીકે અપોઈન્ટ થયો છે. એની ઉંમર હશે ૪૫-પ૦ વર્ષ. ડિવોર્સી છે. એકલારામ છે. રેમ્સડેલમાં એને સારું ભાડાંનું ઘર જોઈએ છે. એક મકાનમાં એ પૂછપરછ માટે ગયો તો ખરો પણ એની અતિ ઉત્સાહી માલિકણ શાર્લોટ હેઝ (શેલી વિન્ટર્સ)ના ચાંપલા વર્તાવથી હેરાન થઈ ગયો. શાર્લોટ વિધવા છે ને પાછી ફ્રેસ્ટ્રેટેડ છે. પુરુષના સંગાથમાં જિંદગીને માણવાના એના ઓરતા અધૂરા રહી ગયા છે. હમ્બર્ટને તરત સમજાઈ જાય છે કે જો હું અહીં રહેવા આવીશ તો આ બાઈ મારા ગળે પડશે. એ રફૂચક્કર થવાની તૈયારીમાં જ હતો ત્યાં શાર્લોેટ એને ધરાર ઘરની પાછળ આવેલો બગીચો જોવા લઈ જાય છે. અહીં પગ મૂકતાં જ હમ્બર્ટ થંભી જાય છે. એ જુએ છે કે સામે લૉન પર કુમળી કળી જેવી રૂપકડી છોકરી ટુ-પીસ બિકીની પહેરીને અદાથી બેઠી બેઠી હૂંફાળા તડકામાં સનબાથ લઈ રહી છે. એ લોલિટા (સ્યૂ લ્યોન) છે. શાર્લોટની દીકરી. ઉંમર હશે માંડ તેર-ચૌદ વર્ષ. હમ્બર્ટ તરત કહી દે છે: મેડમ, મને તમારું ઘર પસંદ છે. બોલો, ક્યારે રહેવા આવું? શાર્લોટને નવાઈ લાગે છે કે હજુ હમણાં સુધી હા-ના-હા-ના કરી રહેલા પ્રોફેસરસાહેબને ઓચિંતા ઘર કેમ પસંદ પડી ગયું? 




હમ્બર્ટ બેગબિસ્તરા લઈને પેઈંગગેસ્ટ તરીકે રહેવા આવી જાય છે. એક બાજુ હરખપદૂડી શાર્લોટ હેમ્બર્ટને રીઝવવા ઘેલી ઘેલી થઈ રહી છે, બીજી બાજુ હેમ્બર્ટ વર્જિન બ્યુટી લોલિટા તરફ ખેંચાઈ રહ્યો છે. લોલિટા પણ કંઈ ઓછી નથી. એ ઋતુકાળમાં પ્રવેશી ચૂકેલી નખરાળી તરુણી છે. પોતાના પિતાની ઉંમરના હેમ્બર્ટ તરફ એ વિજાતીય આકર્ષણ અનુભવી રહી છે. એના વ્યક્તિત્ત્વમાં નિર્દોષતા અને કામુકતાનું ખતરનાક કોમ્બિનેશન છે. એની ચેષ્ટાઓથી હમ્બર્ટ ઓર ઉશ્કેરાતો રહે છે. લોલિટા પ્રત્યેની રંગીન લાગણીઓને અને શાર્લોટ પ્રત્યેના ઉપહાસયુક્ત વિચારોને એ પર્સનલ ડાયરીમાં ઉતારતો રહે છે. 

વેકેશન પડતાં શાર્લોટ દીકરીને સમર કેમ્પમાં મૂકવા જાય છે. જતાં જતાં હમ્બર્ટ માટે ચિઠ્ઠી મૂકતી જાય છે, જેમાં પોતાના પ્રેમનો ઈઝહાર કરીને લખ્યું છે કે હું સાંજે પાછી આવું ત્યાં સુધીમાં તું ઘર ખાલી કરીને જતો રહ્યો નહીં હોય તો હું સમજી જઈશ કે તું પણ મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા તૈયાર છે! આ કાગળ વાંચીને હેમ્બર્ટ મોટેથી હસી પડે છે. ખેર, ઘરને (અને લોલિટાને) છોડીને જતા રહેવાનો એનો કોઈ ઈરાદો નથી. એ કમને શાર્લોટનો સ્વીકાર તો કરી લે છે, પણ આવું કઢંગું લગનગાડું ક્યાં સુધી ચાલવાનું. લોલિટાની ગેરહાજરીમાં હમ્બર્ટ કોચલામાં પુરાતો જાય છે, જ્યારે શાર્લોટ વધુને વધુ રઘવાઈ થતી જાય છે. એક વાર અચાનક એના હાથમાં હમ્બર્ટની ડાયરી આવી જાય છે. લોલિટા વિશેના કામુક ખયાલો તેમ જ પોતાના વિશેના ઘૃણાભર્યા વિચારો વાંચીને શાર્લોટ પાગલ થઈ જાય છે. એ ઘરની બહાર દોટ મૂકે છે ને કારની હડફેટમાં આવી જતાં ત્યાં જ મૃત્યુ પામે છે. 





હમ્બર્ટ માટે તો જાણે માર્ગ મોકળો થઈ ગયો. લોલિટાને સમરકેમ્પમાંથી તેડી લાવીને વળતા રસ્તામાં એક હોટલમાં બન્ને ચેક-ઈન કરે છે. ચંચળ લોલિટા સાથે અહીં પહેલી વાર એનો શરીરસંબંધ બંધાય છે. માના મોતના સમાચાર સાંભળીને લોલિટા ખૂબ રડે છે. હમ્બર્ટ એને શાંત કરે છે, હૂંફ આપે છે. કદાચ લોલિટાની લાચારી અને અસહાયતા જોઈને હમ્બર્ટની લાલસા ઓર તીવ્ર થતી હશે. લોલિટા હમ્બર્ટની ગોદમાં લપાઈને કહે છે: સગીર અનાથ બાળકો માટેની સંસ્થામાં મારે નથી જવું... એના કરતાં તમારી સાથે રહેવું સારું.

હમ્બર્ટ બીજા કોઈ શહેરમાં નોકરી શોધીને લોલિટા સાથે રહેવા લાગે છે. જાહેરમાં બન્ને એકમેકને બાપ-બેટી તરીકે વર્તે છે, પણ અસલિયતમાં તેમની વચ્ચે કેવો સંબંધ છે એ તો તેઓ જ જાણે છે. લોલિટા રહી ઉદ્ંડ છોકરી. એનો ચંચળ સ્વભાવ થોડો બદલાવાનો છે? હમ્બર્ટ હવે એના પર સતત શંકા કર્યા કરે છે. પિયાનો ક્લાસ બન્ક કરીને ક્યાં ગાયબ થઈ ગઈ હતી, બોલ? કેમ ઘરે આવતાં મોડું થયું? કેમ મવાલી છોકરાઓ સાથે વાતો કરે છે? નાટકમાં ઊતરવાની જરૂર જ શી છે? બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગે છે. હમ્બર્ટ અને લોલિટાના સંબંધમાં કંઈક ગરબડ છે એવી ગંધ ધીમે ધીમે સૌને આવવા લાગે છે. લોલિટાનું એબનોર્મલ વર્તન જોઈને સ્કૂલના કાઉન્સેલરોની ટીમ હમ્બર્ટને મળવા માગે છે. ફરી પાછા બન્ને ઉચાળા ભરીને ભાગે છે. રસ્તામાં એક્સિડન્ટ થતાં લોલિટાને દવાખાનામાં એડમિટ કરવામાં આવે છે, પણ અહીંથી ડિસ્ચાર્જ લઈને એ ગુપચુપ પોતાના કોઈ અંકલ સાથે ગાયબ થઈ જાય છે. લાંબા અરસા પછી ઓચિંતા 
હમ્બર્ટને લોલિટાનો કાગળ મળે છે. એણે કોઈની સાથે લગ્ન કરી લીધાં છે, એ પ્રેગનન્ટ છે ને એને પૈસાની જરૂર છે. પૈસા મોકલી આપવાને બદલે હમ્બર્ટ ખુદ લોલિટાના ઘરે પહોંચી જાય છે. અહીં આવીને એ જુએ છે કે... બસ, આખેઆખી વાર્તા નથી કહેવી. લોલિટા કોને પરણી? પેલો અચાનક ફૂટી નીકળેલો અંકલ કોણ હતો? ફિલ્મની શરૂઆતમાં પેલું જે ખૂન થતું દેખાડ્યું હતું એ શું હતું? હમ્બર્ટ-લોલિટાનું પછી શું થયું? આ બધા સવાલોના જવાબ તમારે જાતે શોધી લેવાના. 

કથા પહેલાંની અને પછીની

‘આ લોકોએ ‘લોલિટા’ જેવી ફિલ્મ બનાવી કેવી રીતે?’ એકાવન વર્ષ પહેલાં આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એના પોસ્ટર પર આ વાક્ય છાપવામાં આવતું. વિષય આજેય વિવાદાસ્પદ લાગે છે તો અડધી સદી પહેલાં તો કેટલો ક્ધટ્રોવર્શિયલ લાગવાનો. ફિલ્મનો આધાર વ્લાદિમીર નેબોકોવ નામના લેખકની આ જ શીર્ષક ધરાવતી નવલકથા છે. આ પુસ્તકે પણ ખાસ્સો હોબાળો મચાવેલો. ડિરેક્ટર સ્ટેન્લી ક્યુબ્રિક વિશ્ર્વસિનેમાના મહારથી તો પછી બન્યા (એમની ‘૨૦૧૦- અ સ્પેસ ઓડિસી’ નામની ફિલ્મ વિશે આપણે આ કોલમમાં ચર્ચા કરી ચૂક્યા છીએ), પણ આ ફિલ્મ બનાવતી વખતે એમનું એટલું હજુ એટલું બધું નામ થયું નહોતું. ‘લોલિટા’ પુસ્તક અમેરિકામાં પ્રકાશિત થઈને બેસ્ટસેલર બને તે પહેલાં જ સ્ટેન્લી ક્યુબ્રિકે દોઢ લાખ ડોલરમાં એના રાઈટ્સ ખરીદી લીધા હતા. ફિલ્મનો સ્ક્રીનપ્લે એમણે મૂળ લેખક પાસે જ લખાવ્યો. ઓરિજિનલ પટકથા ૪૦૦ પાનાંની હતી. જો એના પરથી બેઠી ફિલ્મ બનાવવામાં આવે તો એ સાત કલાકની બનત! સ્ટેન્લીએ કડક થઈને કાતર ચલાવીને લગભગ પોણા ભાગનું મટિરિયલ ઉડાડી દીધું. છતાંય ફિલ્મ જોતી વખતે તમને લાગશે કે દશ્યો બહુ લાંબાં લાંબાં છે. મોટા ભાગના સ્ટુડિયોએ આવી જોખમી સ્ક્રિપ્ટને હાથ લગાડવાની ના પાડી દીધી હતી. આખરે માંડ એમજીએમ સ્ટુડિયોએ તૈયારી બતાવી. હોલીવૂડમાં એ વખતે સેન્સરશિપના કાયદા કડક હતા. શૂટિંગ દરમિયાન અંતરાય ઊભા ન થાય તે માટે સ્ટેન્લીએ મોટા ભાગનું શૂટિંગ ઈંગ્લેન્ડમાં આટોપ્યુંં. 




એક મધ્યવયસ્ક પુરુષનો પોતાની સાવકી દીકરી સાથેનો વિકૃતિની કક્ષાએ પહોંચી જતો આડો સંબંધ ફિલ્મના કેન્દ્રમાં છે, છતાં સ્ક્રીન પર પ્રગટપણે કશું જ દેખાડવામાં આવ્યું નથી. બન્ને મુખ્ય પાત્રો વચ્ચેની સેક્સ્યુઅલ રિલેશનશિપને ફક્ત સૂચક રીતે પેશ કરવામાં આવી છે. લોલિટાનું મુખ્ય પાત્ર અફલાતૂન રીતે પેશ કરનાર ‘બાળકલાકાર’ સ્યૂ લ્યોન શૂટિંગ વખતે ૧૪ વર્ષની હતી. ફિલ્મનું પ્રિમિયર યોજાયું ત્યારે એને થિયેટરમાં એન્ટ્રી આપવામાં નહોતી આવી, કેમ કે ફિલ્મ ‘કેવળ પુખ્ત વયનાઓ માટે’ જ હતી! 

સ્ટેન્લીએ આ ફિલ્મને એક ટ્રેજેડી તરીકે ટ્રીટ નથી કરી, બલકે ફિલ્મનો ટોન હલકોફૂલકો રહે છે. સામાજિક નીતિમૂલ્યોને કારણે ગૂંગળાઈ ગયેલા આદમીની આ વાત છે. સ્ટેન્લી કયુબ્રિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘ફિલ્મ બનાવતી વખતે મારા પર સેન્સર બોર્ડનું અને ધાર્મિક વડાઓનું એટલું બધું પ્રેશર હતું કે હું હમ્બર્ટ અને લોલિટાના સંબંધનું સેક્સ્યુઅલ પાસું ખાસ ઉજાગર કરી ન શક્યો. તેને લીધે ફિલ્મ જોતી વખતે શરૂઆતથી જ એવું લાગવા માંડે છે કે છોકરીને જોઈને હમ્બર્ટની ડાગળી ચસકી ગઈ છે એ તો જાણે બરાબર છે, પણ એ છોકરીને હૃદયથી પ્રેમ પણ કરે છે. ખરેખર એવું નથી. પુસ્તકમાં આ પ્રેમવાળી વાત છેક એન્ડમાં આવે છે.’ ફિલ્મ રિલીઝ થયા પછી સરસ ચાલી. અમુક સમીક્ષકોએ તેને સાવ વખોડી નાખી, અમુક આફરીન પોકારી ગયા. હોલીવૂડના સેન્સરના નિયમોને હળવા બનાવવામાં આ ફિલ્મની સફળતાનો મોટો ફાળો છે. ૧૯૯૭માં આ ફિલ્મની રિમેક બની હતી, જે ખરાબ રીતે પીટાઈ ગઈ. ‘લોલિટા’ સ્ટેન્લી ક્યુબ્રિકની માસ્ટરપીસ સમાન ફિલ્મ કદાચ નથી, પણ ફિલ્મનાં બન્ને કિરદાર એમણે સ્ક્રીન પર સર્જેલા સૌથી યાદગાર અને ચર્ચાસ્પદ પાત્રોમાં જરૂર સ્થાન પામે છે. જોજો, મજા પડશે.                               0 0



લોલિટાફેક્ટ ફાઈલ


ડિરેક્ટર: સ્ટેન્લી ક્યુબ્રિક

મૂળ નવલકથા અને સ્ક્રીનપ્લેના લેખક: વ્લાદિમીર નેબોકોવ 

કલાકાર : જેમ્સ મેસન, સ્યૂ લ્યોન, પીટર સેલર્સ, શેલી વિન્ટર્સ 

રિલીઝ ડેટ: ૧૩ જૂન ૧૯૬૨ 

મહત્ત્વના એવૉર્ડઝ: બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કરનું નોમિનેશન