Sunday, August 11, 2013

મલ્ટિપ્લેક્સ : શાહરુખમાં 'કંઇક' છે!


Sandesh - Sanskaar Purti - 11 August 2013

Column : મલ્ટિપ્લેક્સ 

આ 'કંઈક'ને તમે ઓરા અથવા અદૃશ્ય આભા કહી શકો. ઓરાને પેદા કરી શકાતી નથી, એ માણસમાં હોય કાં તો ન હોય. શાહરુખની ફિલ્મો ગમે તેવી હોય, પણ એનું પોતાનું એક વિશિષ્ટ વાતાવરણ છે, જે એની આસપાસ સતત વીંટળાયેલું રહે છે.

શાહરુખ ખાન અને એની ફિલ્મો આ બન્ને તદ્દન જુદી વસ્તુઓ છે. એની ફિલ્મો અફલાતૂનથી મીડિયોકરથી બોરિંગ સુધીની કોઈ પણ કેટેગરીમાં મુકાઈ શકે છે, પણ શાહરુખ ખાન સ્વયં બડો ચાર્મિંગ માણસ છે. શાહરુખમાં 'કંઈક' છે. એવું કંઈક જે બીજા સુપરસ્ટાર્સમાં નથી. આ 'કંઈક'ને એના સ્ટેટસ સાથે કે ઇમેજ સાથે બહુ લાગતું-વળગતું નથી. તીક્ષ્ણ દિમાગ, વિચારોને શબ્દોમાં મૂકવાની સહજ આવડત, રમૂજવૃત્તિને કારણે એની પર્સનાલિટીને એક ધાર જરૂર મળે છે, પણ પેલું 'કંઈક' આ બધાથી ઉપર છે, અલગ છે. એને તમે ઓરા અથવા અદૃશ્ય આભા કહી શકો. ઓરાને પેદા કરી શકાતી નથી, એ માણસમાં હોય કાં તો ન હોય. શાહરુખનું પોતાનું એક વાતાવરણ છે, જે એની આસપાસ સતત વીંટળાયેલું રહે છે.
શાહરુખ વચ્ચે 'તારક મહેતા કા ઉલટા ચશ્માં' શોના ચારેક એપિસોડમાં દેખાયા હતા. 'તારક મહેતા...'માં શ્રીમતીજી અંજલિની ભૂમિકા ભજવનાર નેહા મહેતા કહે છે, "શાહરુખ વિશે અગાઉ હું કંઈક જુદું વિચારતી હતી, પણ 'ચેન્નાઈ એક્સપ્રેસ'ના પ્રમોશન માટે એ અમારા સેટ પર આવ્યા અને અમારી સાથે પાંચેક કલાક શૂટિંગ કર્યું. તે પછી એમના વિશેના મારા તમામ ખ્યાલ સદંતર બદલાઈ ગયા. એવું નહોતું કે એમણે અમારી સાથે ખૂબ ગપ્પાં માર્યાં હતાં કે બહુ મસ્તી કરી હતી, બટ આઈ ડોન્ટ નો... હી વોઝ મેસ્મેરાઇઝિંગ! શાહરુખના હોવામાત્રથી તમે જાણે વશીભૂત થઈ જાઓ છો. 'તારક મહેતા...'નાં પાંચ વર્ષ દરમિયાન જોન અબ્રાહમથી લઈને અજય દેવગણ સુધી અને અભિષેક બચ્ચનથી લઈને રણબીર કપૂર સુધીના કેટલાય સ્ટાર્સ સેટ પર આવી ચૂક્યા છે અને અમારી સાથે શૂટિંગ કરી ચૂક્યા છે, પણ શાહરુખે જે અસર છોડી, એની હાજરીમાં જે જાદુનો અનુભવ થયો એવો અગાઉ ક્યારેય નથી થયો. શાહરુખની હાજરીમાં જે વેવ્ઝ (તરંગો)નો અનુભવ થયો એ કંઈક જુદો જ હતો."
On the set of Tarak Mehta ka Oolta Chashma : Shahruk Khan greeting Neha Mehta as other actors look on
'એક્સ-ફેક્ટર' નામનો એક શબ્દપ્રયોગ અવારનવાર થાય છે. શો બિઝનેસમાં સફળ થવા માટે, બીજાઓથી અલગ તરી આવવા ટેલેન્ટ અને નસીબ ઉપરાંત કદાચ આ એક્સ-ફેક્ટરની પણ જરૂર પડતી હોય છે. ઓરા (આભા) અને એક્સ-ફેક્ટર પાસપાસેના શબ્દો છે. કદાચ અનુભવે દરેક સફળ સ્ટાર પોતાની ઓરાનો કેવી રીતે મહત્તમ ઉપયોગ કરવો તે શીખી લેતા હોય છે. નેહા કહે છે, "જુઓ, શાહરુખ એના ઘરની ચાર દીવાલો વચ્ચે શું કરે છે એની આપણને ખબર નથી. કોઈ પણ સેલિબ્રિટી અથવા તો વ્યક્તિ પોતાના ઘરમાં કેવી રીતે બિહેવ કરે છે એની આપણને ખબર હોતી નથી, પણ એ બીજા નંબરની વાત છે. મને એટલું સમજાયું છે કે શાહરુખને 'સ્ટાર શાહરુખ' પાસેથી સરસ કામ લેતા આવડે છે. સવારે શાવર લઈ, તૈયાર થઈને કામ પર જવા માટે ઘરની બહાર નીકળે અને પછી રાતે ઘરે પાછા ફરીને સૂતા પહેલાં શાવર લે. મને લાગે છે કે આ બે પળની વચ્ચેના તમામ સમય દરમિયાન એ 'સ્ટાર શાહરુખ'ને સતત પોતાના કંટ્રોલમાં રાખે છે. માત્ર એક્ટિંગ કરી લેવાથી સ્ટાર બની જવાતું નથી. સ્ટાર અ-લા-કાર્તે (મેનુમાં જોઈને ઓર્ડર કરવામાં આવતી છૂટક વાનગી) નહીં, પણ બુફે જેવો હોય છે. જેટલું કહેવામાં આવે એટલું જ કરવાનું,એમ નહીં. શાહરુખ જેવા સ્ટારનો એટિટયૂડ એવો હોય છે કે મારી પાસે બધું જ છે, ખાઈ લો તમારામાં તાકાત હોય એટલું. બુફે જેવા સ્ટાર હોવાનો મતલબ માત્ર વર્સેટાઇલ એક્ટર હોવું એમ પણ નહીં. બુફે જેવા હોવાનો અર્થ છે તમારું કામ કરવા ઉપરાંત આજુબાજુના લોકો અને ગતિવિધિઓ સાથે કનેક્ટેડ રહેવું, જાગ્રત રહેવું, આસપાસના વાતાવરણને સ્વીકારી તેમાં પોઝિટિવિટી ઉમેરતાં જવું. મને લાગે છે કે શાહરુખ આ સરસ કરી શકે છે અને એમની પાસેથી આ શીખવા જેવું છે."
અલબત્ત, શાહરુખે પણ નબળી પળોમાંથી પસાર થવું જ પડે છે. એ જાહેરમાં સ્ટેડિયમના સિક્યોરિટીના માણસ સાથે ગાળાગાળી કરી ધમાલ કરી શકે છે અને પાર્ટીમાં કોઈની ટીખળ સહન ન થતાં એને લાફો ઠોકી શકે છે. ઠીક છે, ભૈ માણસ છે. મિડ-લાઇફ ક્રાઇસીસ અને નિષ્ફળતાની અસર એને પણ થવાની જ. શાહરુખે ચાલીસ વર્ષની ઉંમરથી વાળને ડાય કરવાનું શરૂ કરી દીધું હતું,પણ મિડ-લાઇફ ક્રાઇસીસમાં એ માનતા નથી. અત્યારે એની ઉંમર ૪૭ વર્ષ છે. વચ્ચે એક વાર પોતાના દીકરા આર્યન સાથે એણે રેસ લગાડી. આર્યન વધારે ઝડપથી દોડીને જીતી ગયો. આ કિસ્સો યાદ કરીને શાહરુખ એક મુલાકાતમાં કહે છે, "આર્યનનું જીતવું સાવ અણધાર્યું હતું. એ મારા કરતાં વધારે ફાસ્ટ દોડી શક્યો એ જોઈને મને સારું લાગ્યું, પણ સાથે સાથે મને તકલીફ પણ થઈ ગઈ! નેક્સ્ટ ટાઇમ હું એને હરાવી દઈશ. હું પચાસનો થઈશ ત્યારેય મારો એટિટયૂડ આવો જ રહેશે!'
આર્યન પંદર વર્ષનો છે, દીકરી સુહાના તેર વર્ષની છે. સૌથી નાનો અબ્રાહમ તો હજુ ઘોડિયામાં ઝૂલે છે. શાહરુખ કહે છે, "મારાં મમ્મી-પપ્પા બહુ જલદી મૃત્યુ પામ્યાં, પણ એમની ખોટ આર્યન અને સુહાના પૂરી કરે છે. મને ઘણી વાર થાય કે જાણે એ બન્ને મારાં પેરેન્ટ્સ છે. નાની ઉંમરે અનાથ બની જવાથી કદાચ હું પરિપક્વ થયો જ નથી. મારાં બાળકોઓની સરખામણીમાં હું વધારે ચાઇલ્ડિશ છું, નાદાન છું. માણસ તરીકે એ બન્ને મારા કરતાં વધારે સારાં છે. મારાં સંતાનોએ ક્યારેય મારી મજબૂત બાજુ જોઈ નથી. એમણે મને દુઃખી જોયો છે, વાનખેડે સ્ટેડિયમમાં ધમાલ કરતો જોયો છે, પિક્ચર ફ્લોપ થયું હોય ત્યારે ધૂંધવાયેલો જોયો છે, 'રા.વન' માટે રાત-દિવસ મહેનત કરવા છતાંય નિષ્ફળ થતા જોયો છે. હું આર્યન સાથે મારા પ્રોબ્લેમ્સની ચર્ચા કરી એની સલાહ પણ લઉં છું. સારી વાત એ છે કે મારાં સંતાનો મારી નબળાઈઓને હળવાશથી લઈ શકે છે, એના પર હસી શકે છે. મને લાગે છે કે એ બન્નેએ મારી કમજોરીઓ જોઈ છે એટલે એમનામાં સારો સેલ્ફ કંટ્રોલ વિકસી ગયો છે. એક વાર મેં કહ્યું કે ચાલો, આપણે ફ્રેન્ડ્ઝને ઘરે બોલાવીને પાર્ટી કરીએ. આ સાંભળી આર્યન-સુહાનાએ તરત કહ્યું, તમારે ફ્રેન્ડ્ઝ છે જ નહીં, પાપા! મારાં સંતાનો જ એવાં છે જેમની સામે હું સંપૂર્ણપણે ખુશ, ખુલ્લો, પ્રામાણિક, બેશરમ અને ઇગોલેસ રહી શકું છું... અને એ બન્ને મારી સારામાં સારી કાળજી લે છે.'


'ચેન્નાઈ એક્સપ્રેસે' કેટલો ઉત્તમ યા તો અપેક્ષા કરતાં ઓછો બિઝનેસ કર્યો એના આંકડા આવવા માંડયા છે. આ ફિલ્મ કેટલી મીડિયોકર યા તો એન્ટરટેઇનિંગ છે એની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. હવે ફરાહ ખાનની 'હેપી ન્યૂ યર'નું કામ પૂરજોશમાં આગળ વધશે. છેલ્લા એક વર્ષથી શાહરુખ સાથે આશુતોષ ગોવારિકરની અલગ અલગ વિષયો ડિસ્કસ કરવા મિટિંગ થઈ રહી છે. સંજયલીલા ભણસાલી પાસે શાહરુખ માટે એક નહીં, પણ બે ફિલ્મોના આઇડિયા છે, જેમાંથી એક શાહરુખને ઓલરેડી બહુ પસંદ પડી ગયો છે. આ સિવાય વિશાલ ભારદ્વાજ છે, મનીષ શર્મા ('બેન્ડબાજાં બારાત') છે, રાહુલ ધોળકિયા ('પરઝાનિયા'વાળા... ઓહ નો!) છે. એમની સાથે પણ શાહરુખની ચર્ચા થતી રહે છે. અનુરાગ કશ્યપ સુધ્ધાં શાહરુખને લઈને ફિલ્મ બનાવવા માગે છે. શાહરુખે એને કહ્યું છે કે તારે ફિલ્મ બનાવવી હોય એના બે મહિના પહેલાં મને કહી દેજે કે મારા કેટલા દિવસ તારે જોઈશે. ફિલ્મની સ્ટોરી ન કહેતો, કારણ કે હું ઇચ્છું છું કે તું તારા ટાઇપની ફિલ્મ બનાવે, મારા ટાઇપની નહીં!
શાહરુખ જેવા સુપરસ્ટાર સાથે કામ કરવાની ઇચ્છા કયા ડિરેક્ટરને ન હોય! ઉપર જે નામો ગણાવ્યાં એમાંથી અમુકની ફિલ્મો બનશે, અમુકની નહીં બને. જે ફિલ્મો બનશે એમાંથી અમુક સારી ચાલશે, વખણાશે, અમુક ભોંયભેગી પછડાશે, એના પર માછલાં ધોવાશે. સફળતા મળે ત્યાં સુધી તો ઠીક છે, પણ નિષ્ફળતા મળશે એટલે શાહરુખ ફરી કમજોરી અનુભવશે, ઘાંઘો થશે, પોતાનાં સંતાનો સામે 'નબળા માણસ' જેવું વર્તન કરશે, પણ આ અસલી શાહરુખ છે, સવારના શાવર પહેલાંનો અને રાતના શાવર પછીનો. પોતાના ઘરમાં, પોતે જેવો છે એવો વ્યક્ત થતો શાહરુખ. આર્યન અને સુહાના કદાચ ફરી પાપાને શાંત કરશે, એમને સધિયારો આપશે. આ સગાં સંતાનો છે અને સંતાનોએ બાપની આભા કે એક્સ-ફેક્ટરનું પિષ્ટપેષણ કરવાની જરૂર હોતી નથી!
શો-સ્ટોપર

રણબીર કપૂર મારા કરતાં ચડિયાતી ફિલ્મો કરતો હોય તો એનાથી મને શું ફરક પડે છે? રણબીરના હાથમાં અત્યારે વધારે સારી ફિલ્મો છે એવું કહેવાનો શું મતલબ છે? હું મારા કામથી ખુશ છું. બીજા કોઈના કામ સાથે મને શું લાગેવળગે?
- ઇમરાન ખાન

Friday, August 9, 2013

વાંચવા જેવું : ઈવન સ્વામી વિવેકાનંદ પણ થાકી-હારી-ત્રાસી-કંટાળી શકે છે!


ચિત્રલેખા - અંક તા. ૨૨ જુલાઈ ૨૦૧૩

કોલમ: વાંચવા જેવું 


                                                                               

‘આ દુનિયામાં બે પ્રકારના માનવીઓ છે. એક પ્રકાર છે મજબૂત છાતીના શાંત, પ્રકૃતિને નમતું આપવાવાળા, અતિ કલ્પનાશીલ નહીં છતાં ભલા, માયાળુ, મીઠા વગેરે. આ દુનિયા આવા માણસો માટે છે. એકલા તેઓ જ સુખી થવાને સરજાયેલા છે. વળી, બીજા પ્રકારના છે તેઓ આવેગશીલ, અસાધારણ કલ્પનાશીલ, અતિ માત્રામાં લાગણીપ્રધાન, સદાયે એક ક્ષણમાં આવેશમાં આવી જતા અને બીજી ક્ષણે શાંત પડી જતા... એ લોકો માટે સુખ નથી. જેમને આપણે પ્રતિભાશાળી વ્યક્તિઓ કહીએ છીએ તેઓ આ બીજા પ્રકારમાંથી જ નીકળે છે.’

આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. ૧૮૯૬માં મેરી નામની પોતાની શિષ્યાને એક પત્રમાં આ પ્રમાણે લખીને એમણે ઉમેરવાનું ચુક્યા નથી  કે, ‘તારામાં મહાન બનવાની મહત્ત્વાકાંક્ષા હોવી જ જોઈએ.’ વેલ, વિવેકાનંદને આપણે હંમેશા જોશ, આદર્શવાદ અને મર્દાનગીથી ભરેલા, મુદડાલ માણસમાં પણ સંકલ્પસિદ્ધિનું ઝનૂન ભરી દે એવો કરિશ્મા ધરાવતા રાષ્ટ્રવાદી સ્વામી તરીકે કલ્પ્યા છે. આજે જેની વાત કરી રહ્યા છીએ તે ‘વિવેકાનંદ પત્રપરાગ’ પુસ્તકમાં એમના એવાં પાસાં સામે આવે છે જે એમની ‘પોપ્યુલર ઈમેજ’ કરતાં જુદાં છે. સ્વામીજી (જન્મ: ૧૮૬૩, મૃત્યુ: ૧૯૦૨)એ પોતાના ૩૯ વર્ષના જીવનકાળમાં પુષ્કળ વિદેશભ્રમણ કર્યું હતું. એ જમાનામાં એકબીજાના સંપર્કમાં રહેવા માટેનુંં મુખ્ય માધ્યમ પત્રવ્યવહાર જ હતો. અહીં સ્વામીજીએ પોતાની વિદેશી શિષ્યાઓને લખેલા અંતરંગ અને લાગણીસભર ૨૦૮ પત્રોનું સૂઝપૂર્વક સંપાદન થયું છે. એ વાંચતી વખતે  આપણને સમજાય કે સ્વામી વિવેકાનંદ પણ થાકી શકે છે, કંટાળી શકે છે, સેન્ટીમેન્ટલ થઈ શકે છે, નકારાત્મક ટીકાઓથી સહેજ ચિંતિત થઈ શકે છે અને સામાન્ય માનવીની જેમ નાણાભીડ પણ અનુભવી શકે છે!    



Swami Vivekanand at World Religions Parliament, Chicago, 1893


જેમ કે, ઈઝાબેલ નામનાં શિષ્યાને એ ૨૬ એપ્રિલ ૧૮૯૪ના રોજ ન્યુયોર્કથી એક કાગળમાં લખે છે કે, ‘ગઈ રાતે મેં વ્યાખ્યાન આપ્યું. મિસિસ સ્મિથે બે ડોલરની એક લેખે ટિકિટો વેચી હતી. સભાનો ઓરડો જોકે નાનો હતો પણ તે ભરાઈ ગયો હતો. હજુ મને તે પૈસા મળ્યા નથી, પણ સાંજ સુધીમાં તે મળવાની આશા રાખું છું. લીન (નામના સ્થળે) મને સો ડોલર મળ્યા. હું તે મોકલતો નથી કેમ કે મારે નવો ઝબો કરાવવો છે અને બીજી પરચૂરણ ચીજો લેવી છે. બોસ્ટનમાં કંઈ પૈસા મળવાની આશા નથી.’ બીજા કાગળોમાં સ્વામીજી કહે છે કે,   ‘જો હું પુષ્કળ પ્રમાણમાં પૈસા પ્રાપ્ત કરી શકું તો હું બહુ રાજી થાઉં... મારી મુસાફરી માટેનું ખર્ચ મળી રહે છે. જો કે તેઓ મને વધારે આપી શકતા નથી, તો પણ થોડુંઘણું તો આપે જ છે. અને સતત કામ કરીને મારો ખર્ચ કમાઈ લેવા જેટલું હું મેળવી લઈશ, ગમે તેમ કરીને બસોચારસો મારા ખીસામાં પણ રાખીશ. તેથી તમારે મારી લેશ માત્ર ચિંતા ન કરવી.’

સામાન્ય માનવીની શી વાત કરવી, વજ્ર જેવું મનોબળ ધરાવતો પુરુષ પણ કંટાળી શકે છે, તૂટનનો અનુભવ કરી શકે છે. વિવેકાનંદના આ શબ્દો સાંભળો: ‘બોસ્ટનમાં મજા પડશે તેવી આશા છે, માત્ર ત્રાસજનક ભાષણો આપીઆપીને કંટાળી ગયો છું ...હું અતિશય થાકી ગયો છું. આ પ્રાંત (કલકત્તા) એવા ઈર્ષ્યાળુ અને નિર્દય લોકોથી ભરેલો છે કે તેઓ મારું કાર્ય તોડી પાડવા એકે ઉપાય બાકી નહીં રાખે. પરંતુ તમે જાણો છો કે જેમ જેમ વિરોધ વધે છે તેમ તેમ મારામાંનો રાક્ષસ જાગી ઉઠે છે.’

એકધારો સંઘર્ષ લડાયક મિજાજ ધરાવતો માણસને વ્યથિત કરી શકે છે. એક જગ્યાએ એટલે જ સ્વામીજીએ લખ્યું  એ કાગળોમાં લખે છે કે, ‘સંસારની આ માથાકૂટો અને ઝઘડાઓ માટે હું સર્જાયો ન હતો. સ્વભાવે જ હું સ્વપ્નશીલ અને વિશ્રાન્તિપ્રિય છું. હું તો એક જન્મજાત આદર્શવાદી છું અને સ્વપ્નોની દુનિયામાં જ હું રહી શકું છું. વાસ્તવિકતાનો સ્પર્શ સરખોય મારાં સ્વપ્નોમાં ભંગ પાડે છે, અને પરિણામે હું દુખી થઈ જાઉં છું.’

Swami Vivekand with his devotees at South Pasedena, USA 


પોતે માતાની ઉપેક્ષા કરી છે, અન્યાય કર્યો છે એવું ગિલ્ટ વિવેકાનંદના એક કરતાં વધારે પત્રોમાં છલકાયું છે. જુઓ: ‘આવતે અઠવાડિયે હું મારા માતુશ્રીને યાત્રાએ લઈ જવાનો છું.... મારી જિંદગી આખી હું બિચારી મારી માતાને દુખરુપ થયો છું. તેનું આખું જીવન સતત દુખમય રહ્યું છે. જો શક્ય હોય તો મારો છેલ્લો પ્રયાસ તેને થોડી સુખી કરવાનો હોવો જોઈએ.’

મર્દાના વ્યક્તિત્ત્વ હોવું એનો અર્થ એવો નહીં કે સ્વભાવે કોમળ કે નિષ્ઠુર હોવું. સ્વામી વિવેકાનંદના આ શબ્દો આશ્ર્ચર્ય ઊપજાવે એવા છે:

‘હું પુુરુષ કરતાં સ્ત્રી જેવો વિશેષ છું. હું હંમેશાં વિના કારણે બીજાનું દુખ મારા મન પર લઉં છું, એને તે પણ બીજાનું કશું ભલું કર્યા વિના. જેવી રીતે સ્ત્રીઓ, તેમને જો બાળક ન હોય તો તેઓ પોતાનો પ્રેમ બિલાડાં પર ઢોળે છે, તેમ!’

Swami Vivekanand with his devotees at Advaita Ashram, Culcutta


વિવેકાનંદના પત્રો વાંચતા લાગે કે પોતાના મૃત્યુની છાયા અથવા તો પૂર્વાભાસ એમણે ખૂબ અનુભવ્યો હતો. ૩૭ વર્ષની વયે, મૃત્યુના બે વર્ષ પહેલાં, મિસ મેકલાઉડ નામની શિષ્યાને એ લાગણીશીલ થઈને લખે છે કે, ‘યુદ્ધોમાં ખૂબ હાર્યો છું અને જીત્યો પણ છું. મેં મારું બધું સંકેલી લીધું છે. હવે તો મહાન મુક્તિદાતાની રાહ જોઉં છું... મારાં કાર્યો પાછળ મહત્ત્વાકાંક્ષા છુપાયેલી હતી, મારા પ્રેમ પાછળ અંગત ભાવ હતો, મારી પવિત્રતા પાછળ ભય હતો, મારી દોરવણી પાછળ સત્તાની ભૂખ હતી! હવે તે બધું અદશ્ય થાય છે અને હું ઉપર તરું છું, મા! હું આવું છું, હું આવું છું!’

વિવેકાનંદે પોતાની શિષ્યાઓને લખેલા પત્રો વાંચતા જઈએ તેમ તેમ એમની લાર્જર-ધેન-લાઈફ ઈમેજમાં જુદા જુદા શેડ્ઝ ઊમેરાતા જાય છે. મજાની વાત એ છે કે એને લીધે વિવેકાનંદનું ચિત્ર નથી નબળું પડતું કે નથી એમના વ્યક્તિત્ત્વની તીવ્રતા ઓછી થતી. ઊલટાનું આ બધું વાંચતી વખતે વિવેકાનંદ વધારે માનવીય, વધારે ‘આપણા જેવા’ લાગતા જાય છે. સામાન્ય માણસને પરેશાન કરતી કઠણાઈઓ અને ભાવસ્થિતિઓમાંથી પસાર થયા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેટલું વિરાટ કામ કરી શક્યા એ વાત વધારે ઘૂંટાય છે. બહુ જ સરસ પુસ્તક. અ મસ્ટ-રીડ!


વિવેકાનંદ પત્રપરાગ 

સંપાદક: પ્રસાદ બ્રહ્મભટ્ટ
પ્રકાશક: હર્ષ પ્રકાશન, પાલડી, અમદાવાદ-૭
વિતરક : ગૂર્જર સાહિત્ય મંદિર, ગાંધીરોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમત:   ૧૭૦ /
પૃષ્ઠ: ૨૩૬


હોલીવૂડ હંડ્રેડ: ગ્લેમર કે દલદલ મેં, ગોસિપ મેં, સ્કેન્ડલ મેં...


મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ - તા. ૯ ઓગસ્ટ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 બોલિવૂડનાં ગીત અને નૃત્યવાળી ફિલ્મોની હાંસી કરતું હોલિવૂડ ખુદ જ્યારે મ્યુઝિકલ બનાવે છે ત્યારે સોંગ-એન્ડ-ડાન્સની રેલમછેલ કરી દે છે. ‘શિકાગો’ની આવી ૧૬ અફલાતૂન સિકવન્સમાં એટલી બધી એનર્જી છલકાય છે કે ન પૂછો વાત.



ફિલ્મ નંબર ૩૪. શિકાગો

વર્ષ ૧૯૨૪. અમેરિકાના શિકાગો શહેરમાં જાઝ કલ્ચર પૂરબહારમાં ખીલી ચુક્યું છે. રોક્સી હાર્ટ (રીની ઝેલવેગર) નામની એક રુપકડી સ્ટ્રગલર યુવતી શહેરની કોઈ નાઈટક્લબમાં  કોરસ-ગર્લ તરીકે કામ કરે છે. એમોસ (જોન રીલી) નામના માણસની એ પત્ની છે. રોક્સી બડી ઉસ્તાદ છે, જ્યારે એમોસ લગભગ બોરિંગ કહી શકાય એટલી હદે ભોળોભટાક છે. અતિ મહત્ત્વાકાંક્ષી રોક્સીને એક્સ્ટ્રા કલાકાર બની રહેવામાં રસ નથી. એને તો સ્ટેજ પર મેઈન ડાન્સર બનીને પર્ફોર્મન્સ આપવાં છે, વેલ્મા કેલી (કેથરીન ઝેટા-જોન્સ) જેવા ગ્લેમરસ સ્ટાર બનવું છે. રોક્સીનો એક ચલતોપૂર્જો પ્રેમી છે. હું તને મોટો બ્રેક અપાવીશ એમ કહીને એણે રોક્સીને ફસાવી રાખી છે. એક દિવસ રોક્સીનો ઉપભોગ કરી લીધા પછી પ્રેમી ચોખ્ખું કહી દે છે: સાંભળ, તું ધારે છે એવા મારા કોઈ કોન્ટેક્ટ્સ નથી એટલે મહેરબાની કરીને સ્ટાર બનવાનાં સપનાં જોવાનું બંધ કર. રોક્સીને ભયંકર ગુસ્સો ચડે છે. ડ્રોઅરમાંથી રિવોલ્વર કાઢીને એ પેલાના જિસસ રમાડી દે છે. રોક્સીની નફ્ટાઈ જુઓ. એ પોતાના વર એમોસને પટાવે છે કે ખૂનનો ગુનો તું તારા માથા પર લઈ લે. કહેજે કે આ માણસ ઘરમાં ધાડ પાડવા આવેલો. ફિકર કરવાની જરુર જ નથી. તું જલદી જેલમાંથી છૂટી જઈશ! એમોસ માની જાય છે. એ તો છાનબીન કરી રહેલા ડિટેક્ટિવે પક્ડી પાડ્યું ત્યારે એને ખબર પડી કે એની પીઠ પાછળ રોક્સી આ માણસ સાથે  રંગરેલીયા મનાવતી હતી. એમોસમાં એટલી અક્કલ તો છે કે બેવફા પત્નીનો ગુનો પોતાના માથે ન ઓઢાય. રોક્સી ખૂનના આરોપસર જેલભેગી થાય છે.



યોગાનુયોગે રોક્સી જેના જેવી બનવા માગતી હતી એ ડાન્સિંગ સ્ટાર વેલ્મા પણ એ જ જેલમાં છે. વેલ્માને ખબર પડી કે પોતાના પતિ અને સગી બહેન વચ્ચે અફેર ચાલે છે. વેલ્માએ બન્નેને પતાવી નાખ્યાં. ડબલ મર્ડર કેસમાં એને અંદર કરી દેવામાં આવી છે. જેલની મેટ્રન મોર્ટન ઉર્ફ ‘મામા’ (ક્વીન લતીફા) એક નંબરની ભ્રષ્ટ ઔરત છે. એ કેદીઓ પાસેથી લાંચ લઈને એમને સિગારેટ અને બીજી ચીજવસ્તુઓ પૂરી પાડે છે. વેલ્માનો વકીલ બિલી ફ્લીન (રિચર્ડ ગિઅર) બાહોશ માણસ છે. એ બિન્દાસ કહે છે કે જો જિસસ ક્રાઈસ્ટ શિકાગોમાં રહેતા હોત અને મને વકીલ તરીકે રોક્યો હોત તો બાઈબલની કહાણી કંઈક જુદી જ હોત! બિલી જોકે વકીલ કરતા સેલિબ્રિટી પી.આર. વધારે છે. શહેરનાં સનસનાટીભર્યાં ટેબ્લોઈડ્સ એટલે કે અડધિયાં છાપાંના રિપોર્ટરોને એ વેલ્મા વિશે જાતજાતનો મસાલો આપ્યા કરે છે. છાપાં તે બધું છાપ્યાં કરે છે જેના લીધે વેલ્મા સતત ન્યુઝમાં રહે છે. ચતુર રોક્સી તરત સમજી જાય છે કે જો વક્ીલ કરવો જ હોય તો આ બિલીબોયને જ હાયર કરવો જોઈએ. એ પતિદેવને નવેસરથી પટાવે છે. પતિદેવ રોક્સીનો કાનૂની કેસ લડવા બિલીને રોકે છે. હવે બિલી અને રોક્સી મળીને નવી સ્ટ્રેટેજી ઘડી કાઢે છે. પ્રેસ કોન્ફરન્સમાં રોક્સી જાણે શોષિત નારી હોય એવું ચિત્ર બિલી ઊપસાવે છે. છાપાંવાળા અને રેડિયોવાળાઓને મજા પડી જાય છે. એમને તો રોક્સીના રુપમાં નવું ગ્લેમરસ ‘રમકડું’ મળી ગયું છે.



રોક્સીની ઊપજાવી કાઢેલી દર્દભરી કહાણીઓ વાંચી વાંચીને શિકાગો એના પ્રેમમાં પડી જાય છે. દેખીતું છે કે વેલ્માના પેટમાં તેલ રેડાવાનું જ. એક તો, મિડીયાનું ધ્યાન હવે એના પરથી હટીને રોક્સી પર જતું રહ્યું છે. બીજું, વકીલ બિલી પણ હવે એને પહેલાં જેવું અટેન્શન આપતો નથી. ઘાંઘી બનેલી વેલ્મા રોક્સી સાથે બહેનપણા કરવાની કોશિશ કરે છે. એ કહે છે: ‘રોક્સી, મારા શોમાં મારી બહેન પણ પર્ફોર્મ કરતી હતી, પણ હવે એ રહી નથી એટલે એની જગ્યા ખાલી પડી છે. એક વાર આપણે છુટી જઈએ પછી મારી બહેનનો રોલ તું કરજે. આપણે બન્ને સાથે મળીને ધમાલ મચાવીશું.’ પણ હવે રોક્સીને વેલ્મામાં રસ રહ્યો નથી!

આ બન્ને વચ્ચે ચડસાચડસી ચાલી રહી હતી ત્યાં જેલમાં ઓર એક માથાભારે સ્ત્રીની એન્ટ્રી થાય છે. એ ટ્રિપલ મર્ડર કેસમાં અંદર થઈ છે - એણે પતિ અને એની સાથે સાગમટે શય્યા સુખ માણી રહેલી બે સ્ત્રીઓ આ ત્રણેયને ઉડાવી દીધા છે! મિડીયા હુડુડુડુ કરતું હવે એની પાછળ પડે છે. સૌનું ધ્યાન પોતાની તરફ ટકાવી રાખવા રોક્સી પ્રેગનન્ટ હોવાનું નાટક કરે છે. પ્રેગનન્સી ટેસ્ટ કરવા આવેલા ડોક્ટરને પણ એણે પટાવી લીધો છે. રોક્સીનો કેસ જાહેર જોણું બની ગયો છે. બિલી એવી કંઈક કરામત કરે છે કે જેને લીધે રોક્સી અને વેલ્મા બન્નેનેે જેલમાંથી મુક્તિ મળે છે, પણ ત્યાં સુધીમાં રોક્સીમાંથી લોકોનો રસ ઓછો થઈ ગયો છે. ભોળા પતિદેવને ખબર પડે છે કે પોતે કંઈ બાપ બનવાનો નથી, આ તો રોક્સીનું નાટક હતું. એ રોક્સીને છોડી દે છે. રોક્સી સ્ટેજ ડાન્સર-સિંગર તરીકેની પોતાની કરીઅર પાછી શરુ તો કરે છે, પણ એને ધારી સફળતા મળતી નથી. વેલ્માની કરીઅર પણ ઠંડી છે. એ ફરી રોક્સીને પૂછે છે: હવે બોલ, સાથે કામ કરવું છે? રોક્સી પાસે હવે હા પાડવા સિવાય છુટકો નથી. બન્ને ખૂની બાઈઓ સાથે પર્ફોર્મન્સ આપવાનું શરુ કરે છે અને જોરદાર સફળતા મેળવે છે. સ્ટેન્ંિડગ ઓવેશનના દશ્ય પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

ચકાચાૌંધ કરી દેતાં કુલ ૧૬ જેટલાં ડાન્સ અને ગીતોવાળી ‘શિકાગો’ ફિલ્મ આ જ નામના બ્રોડવે મ્યુઝિકલ પર આધારિત છે. ન્યુયોર્કમાં ૧૯૭૫માં ઓપન થયેલા આ સક્સેસફુલ મ્યુઝિકલે ૯૩૬ શોઝ કર્યા હતા. ખૂનના આરોપમાં સપડાઈ ચુકેલી બે અસલી જાઝ સિંગર-ડાન્સર્સની જીંદગી પરથી મ્યુઝિકલ તૈયાર કરવામાં આવ્યું હતું. બોબ ફોસ નામના વિખ્યાત ડિરેક્ટર-કોરિયોગ્રાફરે એને ઘાટ આપ્યો હતો. વાસ્તવમાં આ ફિલ્મનું ડિરેક્શન પણ બોબ ફોસ જ કરવાના હતા, પણ એમનું મૃત્યુ થતા બોબ માર્શલને પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો.



ફિલ્મમાં આજથી ૯૦ વર્ષ પહેલાંના અમેરિકાની વાત છે, પણ સનસનાટી પેદા કરતા સમાચારોની પાછળ ભૂખ્યા વરુની જેમ દોડતું મિડીયા, પબ્લિસિટી મેળવવા માટે કોઈ પણ સ્તરે ઊતરી જતા માણસો, શો બિઝનેસનું છળકપટ વગેરે તત્ત્વો આજે પણ એટલા જ રિલવન્ટ છે. ફિલ્મમાં ડગલે ને પગલે ડાન્સ-ગીતો આવતાં રહે છે. આજ સુધીમાં બોલિવૂડની કોઈ ફિલ્મે કોર્ટમાં ડાન્સ દેખાડવાની હિંમત કરી નથી, પણ ‘શિકાગો’માં તો અદાલતની કારવાઈવાળાં સીનમાં વકીલ બનેલો રિચર્ડ ગિઅર રીતસર ટપ-ડાન્સ કરવા લાગે છે. ભારે ક્યુટ લાગે છે રિચર્ડ આ સિક્વન્સમાં! ટપ ડાન્સ શીખવા માટે એણે ત્રણ મહિના રીતરસ ટ્રેનિંગ લીધી હતી. ‘શિકાગો’માં તો જેલમાં પણ ડાન્સ છે અને પ્રેસ કોન્ફરન્સમાં પણ ડાન્સ છે. અલબત્ત, આ નૃત્યો પ્રતીકાત્મક છે યા તો ફેન્ટસી તરીકે પેશ થાય છે. ફિલ્મનો પ્રકાર મ્યુઝિકલનો છે એટલે એમાં ગીત-સંગીત-નૃત્યોની રેલમછેલ હોવાની જ. ‘ઓલ ધેટ જાઝ’, ‘રેઝલ-ડેઝલ’, ‘વ્હેન યુ આર ગુડ ટુ મામા’ અને ‘ઓલ આઈ કેર અબાઉટ’ ગીતો સૌથી વધારે યાદ રહી જાય એવાં છે. નૃત્યો અને કોરિયોગ્રાફીનું સ્તર દેખીતી રીતે જ અવ્વલ દરજ્જાનું છે.  જે રીતે ડાન્સ સિકવન્સીસનું શાર્પ એડિટિંગ થયું છે એ કમાલનું છે. આપણને થાય કે હિન્દી ફિલ્મોમાં  આ પ્રકારના ડાન્સ પડદા પર પેશ થાય છે એમાં આ સ્તરની અસર કેમ ઊભી થતી નથી. મધુર ભંડારકરની ‘હિરોઈન’ થોડા મહિના પહેલાં આવી હતી. સંજય છેલે બડી ખૂબસુરતીથી લખેલાં એનાં ટાઈટલ સોંગની કોરિયોગ્રાફીમાં એક જગ્યાએ ‘શિકાગો’ની નકલ થઈ છે. ‘શિકાગો’માં એક સાથે અનેક અરીસામાં ડાન્સ કરી રહેલી રીની ઝેલવેગરનાં પ્રતિબિંબ ઝીલાય છે, તો ‘હિરોઈન’નાં ગીતમાં આવું ડિટ્ટો કરીના કપૂરનું વિઝ્યુઅલ છે.



રોક્સી બનતી રીની ઝેલવેગર ઉત્તમ ડાન્સર નથી, પણ એની આ ‘કમજોરી’ ફિલ્મના વિષય સાથે બંધબેસતી હતી. રોક્સીનું પાત્ર પણ પૂરી પ્રતિભા ન હોવા છતાં સ્ટાર બનવાના સપનાં જુએ છે. એન્જેલીના જોલીએ વેલ્માના કિરદાર માટે ઓડિશન આપેલું. મડોનાનો પણ વિચાર થયેલો, પણ રોલ મળ્યો ખૂબસૂરત કેથરીન ઝેટા-જોન્સને. કેથરીન ટ્રેઈન્ડ ડાન્સર છે. ડિરેક્ટરની ઈચ્છા વિરુદ્ધ જઈને કેથરીને આ ફિલ્મમાં ટૂંકા બોબ્ડ હેર રાખ્યા છે. એનો તર્ક એવો હતો કે કોમ્પ્લીકેટેડ ડાન્સ સિકવન્સીસમાં મારો ચહેરો કેમેરામાં સ્પષ્ટ દેખાવો જોઈએ. વાળ લાંબા હશે અને ચહેરો ઢંકાઈ જશે તો ઓડિયન્સ એવું જ માની લેશે કે ડાન્સનાં અઘરાં સ્ટેપ્સ ડુપ્લિકેટ પાસે કરાવવામાં આવ્યાં છે! આ રોલ માટે કેથરીને ઓસ્કર જીતી લીધો. રોક્સીની ભુમિકા માટે નિકોલ કિડમેન, ગીનેથ પેલ્ટ્રો, ગોલ્ડી હૉન તેમજ જેલર ‘મામા’ માટે વૂપી ગોલ્ડબર્ગ તેમજ કેમરોન ડિઆઝનાં નામો કન્સિડર થયાં હતાં. કરપ્ટ જેલરનો રોલ આખરે ક્વીન લતીફાએ એવા કોન્ફિડન્સ અને છટાથી ભજવ્યો કે એ ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ ગણાઈ. વકીલ બિલીનો રોલ ડાન્સિંગ સ્ટાર જોન ટ્રવોલ્ટાએ રિજેક્ટ કર્યો હતો, જે પછી રિચર્ડ ગિઅરને મળ્યો. ટ્રવોલ્ટાએ રિજેક્ટ કરેલો અને રિચર્ડ ગિઅરે અપનાવેલો આ ચોથો રોલ છેે. (આગલી ત્રણ ફિલ્મો: ‘અમેરિકન જિગોલો’, ‘ડેઝ ઓફ હેવેન’, ‘અન ઓફિસર એન્ડ અ જેન્ટલમેન’.) જોન ટ્રવોલ્ટાએ જોકે પછી ‘શિકાગો’ છોડ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

ઝાકઝમાળ અને એનર્જીથી છલકાતી ‘શિકાગો’ બોક્સઓફિસ પર સુપરહિટ થઈ. હોલિવૂડની અત્યાર સુધીની શ્રેષ્ઠ મ્યુઝિકલ ફિલ્મોમાં એનું નામ ગર્વભેર શામેલ થયું. ફિલ્મને ૧૩ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી છ તેણે જીતી લીધાં. ફિલ્મ જોતી વખતે ગીતો આવે ત્યારે કંટાળીને સિગારેટ પીવા બહાર નીકળી જતા ઔરંગઝેબ પ્રકૃતિ ધરાવનારાઓએ ‘શિકાગો’થી દૂર જ રહેવું. બાકી જો તમને સોંગ-એન્ડ-ડાન્સમાં જલસો પડતો હોય તો વારેવારે જોવાનું મન થયા કરે એટલી માતબર આ ફિલ્મ છે.

‘શિકાગો’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર-કોરિયોગ્રાફર: રોબ માર્શલ
મૂળ મ્યુઝિકલ     : બોબ ફોસનું ‘શિકાગો’
સ્ક્રીનપ્લે          : બિલ કોન્ડન
કલાકાર           : રીની ઝેલવેગર, કેથરીન ઝેટા-જોન્સ, રિચર્ડ ગિઅર, ક્વીન લતીફા
રિલીઝ ડેટ        : ૨૭ ડિસેમ્બર ૨૦૦૨
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ પિક્ચર, સપોર્ટિંગ એક્ટર (કેથરીન ઝેટા-જોન્સ), આર્ટ ડિરેક્ટર, કોસ્ચ્યુમ ડિઝાઈન, એડિટિંગ અને સાઉન્ડ મિક્સિગં માટેના ઓસ્કર અવોર્ડ્ઝ

Wednesday, August 7, 2013

ટેક ઓફ : બિકીનિ કલ્ચર : ટેન્કીની, મોનોકીની, બુર્કીની અને એવું બધું...


Sandesh - Ardh Saptahik Purty - 7 August 2013

Column : ટેક ઓફ 

બિકીનિ એટલી પાતળી અને નાની હોવી જોઈએ કે આંગળીમાં પહેરવાની વીંટીમાંથી પસાર થઈ જાય. જે વીંટીમાંથી પસાર થઈ શકતી નથી એ બિકીનિ નથી! 


પૂજા ચૌહાણ. આ નામ સાંભળીને દિમાગમાં કોઈ બત્તી થાય છે?યાદ કરો, છ વર્ષ પહેલાં રાજકોટમાં આ યુવાન પરિણીત સ્ત્રી કપડાં ઉતારીને, કેવળ બ્લેક પેન્ટી અને વ્હાઈટ બ્રેસિયરમાં, હાથમાં બેઝબોલનું બેટ પકડીને ભરબજારે નીકળી પડી હતી. શા માટે? પતિ અને સાસરિયાં વધારે દહેજ લાવવા માટે અને દીકરાને બદલે દીકરી જણી તે માટે સતત માનસિક-શારીરિક ત્રાસ આપતાં હતાં એનો વિરોધ કરવા! પૂજા ચૌહાણને એકાએક યાદ કરવાનું કારણ કેટરીના કૈફ છે. થોડા દિવસો પહેલાં કેટરીના સ્પેનના દરિયાકિનારા પર બોયફ્રેન્ડ રણબીર કપૂરના સંગાથમાં દેખાઈ હતી. આ પાપારાઝી ફોટોગ્રાફ પ્રિન્ટ-ટીવી અને સોશિયલ મીડિયામાં ખૂબ ગાજ્યો. મુદ્દો એ છે કે રૂઢિચુસ્ત રાજકોટની સડકો પર પૂજા ચૌહાણ બ્લેક પેન્ટી-સફેદ બ્રામાં જેટલી અણઘડ લાગતી હતી એટલી જ અણઘડ કેટરીના આ તસવીરમાં દેખાય છે. એ બિકીનિને બદલે માથામેળ વગરના મિસ-મેચ્ડ અન્ડર-ગારમેન્ટ્સમાં દરિયા પર દોડી ગઈ હતી કે શું? લાલ પેન્ટી અને વ્હાઈટ બ્રા? આટલી મોટી હિરોઈનથી આટલી મોટું ફેશન ફો પા (faux pas) એટલે કે ફેશનનું પાપ કેવી રીતે થયું?

Pooja Chauhan (top); (below) Katrina Kaif

આપણે ત્યાં શો બિઝનેસ અને કિંગફિશરના કેલેન્ડર સિવાય બિકીનિ કલ્ચર ખાસ વિકસ્યું નથી. પશ્ચિમમાં બિકીનિ એ સ્ત્રી માટે બેશર્મીનું નહીં, પણ દેહ પ્રત્યેના આત્મવિશ્વાસનું પ્રતીક છે. ઈશ્વરે જે શરીર આપ્યું છે અથવા મહેનત કરીને જે રીતે પોતાના શરીરને તરાશ્યું છે તેને દરિયાકાંઠે બેધડક, સેંકડો માણસોની હાજરીમાં એ ખુલ્લું કરી શકે છે! ઊછળતાં મોજાં છે, નીલું સ્વચ્છ પાણી છે, એમાં જલક્રીડા કરીને પછી ગોગલ્સ ચડાવીને, સરસ ઝીણી રેતી પર લંબાવીને સૂર્યપ્રકાશ ઝીલતાં ઝીલતાં ચામડીને 'ટેન' કરવાની છે. બિકીનિ અંતઃવસ્ત્ર નથી, એ આઉટરવેર છે. બિકીનિ અને બ્રા-પેન્ટીમાં ફર્ક છે. બન્નેના હેતુ જુદા છે. બ્રામાં હૂક હોય છે, જાડી પટ્ટીઓ હોય છે, સ્તનોને ઢાંકતો ભાગ પહોળો હોય છે. બિકીનિમાં વપરાતું મટીરિયલ પાતળું હોય છે. એ ઝડપથી સુકાય છે. એ સ્વિમિંગ માટે છે, ટેનિંગ માટે છે. બ્રાનો ધર્મ સ્તનોને સપોર્ટ કરવાનો છે, પણ બિકીનિ પર આવી કોઈ જવાબદારી નથી! બિકીનિની સ્પષ્ટ વ્યાખ્યા છે. બિકીનિ એટલી પાતળી અને નાની હોવી જોઈએ કે આંગળીમાં પહેરવાની વીંટીમાંથી પસાર થઈ જાય. જે વીંટીમાંથી પસાર થઈ શકતી નથી એ બિકીનિ નથી! આ વ્યાખ્યા આધુનિક બિકીનિના 'પિતામહ' ગણાતા લુઈ રિઅર્ડ નામના ફ્રેન્ચ માણસે બાંધી છે, જે વ્યવસાયે ફેશન ડિઝાઈનર નહીં પણ ઓટોમોબાઈલ એન્જિનિયર હતો.
આપણે ત્યાં જાતજાતની વોટર રાઈડ્સ ધરાવતા વોટર પાર્ક્સમાં લજ્જાશીલ સન્નારીઓને જે વસ્ત્રો ભાડા પર આપવામાં આવે છે એમાં હાથ અને ગોઠણથી નીચેના પગ સિવાયનું બાકીનું બધં જ ઢંકાયેલં રહે છે. એ બિકીનિ તો નથી જ નથી, એને સ્વિમવેર પર કહી શકાય કે નહીં તે પ્રશ્ન છે! આ વસ્ત્રો ધારણ કરીને અદોદળાં અંગઉપાંગોવાળી જાડ્ડીપાડ્ડી ગુજરાતી સન્નારીઓ પછી છબછબિયાં કરે છે અને રમરમાટ કરતી લસરપટ્ટી પર સરકીને પાણીમાં ધુબાકા મારે છે. ગુજરાતી પુરુષોની તો વાત જ નહીં કરવાની. લાંબા ઘાટઘૂટ વગરના ચડ્ડા પહેર્યા હોય, એમાંથી બહાર લચી પડેલી તોતિંગ ચરબીદાર ફાંદ ધ્રૂજ્યા કરતી હોય અને શરીર પર ચારે બાજુ ફૂટી નીકળેલા વાળ પાણીમાં હિલોળા લેતા હોય!



અલબત્ત, પશ્ચિમમાં સૌનાં શરીર ગ્રીક દેવીદેવતાઓ જેવાં ચુસ્તદુરસ્ત હોય છે એવું બિલકુલ નથી. ત્યાં જાડિયાપાડિયાઓનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે, પણ ત્યાં બીચ કલ્ચર વિકસી ચૂક્યું હોવાને કારણે છરહરા શરીરવાળી માનુનીઓ સુંદર બિકીનિમાં પ્રગટ થઈને માહોલને રમણીય બનાવી મૂકે છે! ડિઝાઈન અને સ્ટાઈલના મામલામાં વન-પીસ અને ટુ-પીસ બિકીનિમાં રીતસર આંખો ચાર થઈ જાય એટલું વૈવિધ્ય છે. નાજુક દોરીવાળી સ્ટ્રિન્ગ બિકીનિ છે, ટેન્કીની અથવા કેમિકીની છે. ટેન્કીની એટલે ટેન્ક-ટોપ વત્તા બિકીનિ. એમાં ઉપરનું વસ્ત્ર ટોપ જેવું હોવાથી પેટ અને પીઠનો ભાગ ઢંકાય છે. થોન્ગ બિકીનિમાં નીચેના વસ્ત્રમાં ઓછામાં ઓછું, કેવળ જનનાંગ ઢંકાય એટલું કપડું વપરાતું હોવાથી બંને નિતંબ લગભગ આખા ખુલ્લા રહે છે, સુમો પહેલવાનની જેમ. ફ્લોરિડા (અમેરિકા)ના મેલબોર્ન બીચ અને અન્ય કેટલીક જગ્યાએ થોન્ગ બિકીનિ પહેરવા પર પ્રતિબંધ છે. જો તમે મોટા ઉપાડે નિતંબ પ્રદર્શન કરતી બિકીનિ પહેરો તો દંડ યા તો જેલ થઈ શકે છે! વચ્ચે મોનોકિની પ્રક્ારની એક બિકીનિ  ઈન્ટ્રોડ્યુસ થઈ હતી, જેણે અમેરિકાના બિન્દૃાસ મિજાજ લોક્ોને પણ ધ્રૂજાવી મૂક્યા હતા. એમાં ગળા નીચેથી પસાર થતા પટ્ટા (સ્ટ્રેપ) સાથે કમર નીચેનું વસ્ત્ર જોડાયેલું હોય અને બંને સ્તનો તદ્દન ખુલ્લાં હોય.  વિવાદૃ થઈ જવો સ્વાભાવિક્ હતો. આ પ્રક્ારનું સ્વિમવેર ક્ેવળ એક્ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનીનું રહી ગયું.  વ્યાવહારિક ઉપયોગ ઓછો હોવાથી મોનોકિનીને આઉટ-ઓફ-સ્ટાઈલ થતાં વાર ન લાગી.
જાહેરમાં જલક્રીડા કરવા માગતી મુસ્લિમ સ્ત્રીઓ માટે એક લેબનીઝ-ઓસ્ટ્રેલિયન ડિઝાઈનરે ૨૦૦૭માં બુર્કીની ઈન્ટ્રોડયુસ કરી હતી. બુર્કીની એટલે બુરખા વત્તા બિકીનિ! બુર્કીની સ્વિમવેર કરતાં સ્પોર્ટ્સવેર જેવી વધારે દેખાય છે. ઢીલું, ફુલ-સ્લીવવાળું અને અતિ લાંબું ટોપ, નીચે પગની પાની સુધી પહોંચતું ટ્રેકસુટ જેવું પહેરણ અને માથા સાથે ચપ્પટ ચીપકી જતું હેડ-ગિયર. ટૂંકમાં,બુર્કીનીમાં સ્ત્રીનું કપાળ પણ ખુલ્લું રહેતું નથી. પેરિસના એક સ્વિમિંગ પુલમાં બુર્કીની પહેરીને નહાવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. અધિકારીઓનું કહેવું હતું કે આ ફુલબોડી સ્વિમસુટ સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે!

Burka plus Bikini = Burkini! 

એક અંદાજ પ્રમાણે સ્વિમવેર ઈન્ડસ્ટ્રીનું આંતરરાષ્ટ્રીય માર્કેટ ૧૩.૨૫ બિલિયન ડોલર એટલે કે આશરે ૮૦૬ અબજ રૂપિયા જેટલું અધધધ આર્થિક કદ ધરાવે છે. જેમાં ૭૦ ટકા હિસ્સો સ્ત્રીઓનાં સ્વિમવેરનો છે. એકલી અમેરિકન સ્ત્રીઓ જ વર્ષેદહાડે ૮ બિલિયન ડોલર એટલે કે લગભગ ૪૮૭ અબજ કરતાંય વધારે રૂપિયા ટુ-પીસ બિકીનિ પાછળ ખર્ચી નાખે છે. બ્રાઝિલની બિકીનિ સૌથી સેક્સી ગણાય છે.  બ્લુ રંગની બિક્ીની સૌથી વધારે પહેરાય છે. અલબત્ત, સ્વિમવેરની સૌથી વધારે નિક્ાસ ચીન કરે છે. સનગ્લાસ, હેટ, બીચ-બેગ,  બિકીનિ વેકસ વગેરે જેવી સ્વિમવેર એસેસરીઝનું પાછું અલગ માર્ક્ેટ છે. ટાપટીપ અને ફેશનના મામલામાં પુરુષો સ્ત્રીઓથી જોજનો પાછળ રહેવા જ સર્જાયા છે. પુરુષોનાં બોરિંગ સ્વિમવેર કુલ માર્ક્ેટના ૧૭ ટકા અને બાળક્ો ૧૩ ટકા ભાગ રોકે  છે. 
આજે બિકીનિ રાઉન્ડ વગરની બ્યુટી ક્ોન્ટેસ્ટની ક્લ્પના થઈ શક્તી નથી. મિસ વર્લ્ડ contestની શરુઆત ૧૯૫૧માં થઈ ત્યારે એનું ઓફિશિયલ નામ હતું, ફેસ્ટિવલ Bikini Contest!  પણ ટુ-પીસ બિકીનિમાં ક્ન્યાઓને લટક્મટક્ ચાલતી જોઈને વિવાદૃ પેદૃા થઈ ગયો હતો. તેથી મિસ વર્લ્ડ ક્ોન્ટેસ્ટમાં બિકીનિ પર પ્રતિબંધ મૂકાઈ ગયો, જે વીસ વર્ષ સુધી ટક્ી રહ્યો. 
સ્ત્રી હોય કે પુરુષ, શરીર ઘાટીલું હોય તો સ્વિમવેર શાનથી પહેરી શકાય છે, શાનથી પહેરવું જોઈએ. કેટરીના કૈફે પોતાના સ્ટેટસ અને ફિગરને શોભે એવી ઢંગની બિકીનિ પહેરવાને બદલે ફૂવડ જેવી બ્રા-પેન્ટી પહેરીને ભારતના શૂન્યવત્ બિકીનિ કલ્ચરની મોટી કુ-સેવા કરી નાખી છે! બાય ધ વે, રાજકોટવાસી પૂજા ચૌહાણ શું કરે છે આજકાલ?                             0 0 0 

Saturday, August 3, 2013

મલ્ટિપ્લેક્સ (Sandesh) : હંસના જરૂરી હૈ!


Sandesh - Sanskaar Purti - 4 August 2013
મલ્ટિપ્લેક્સ
કપિલ શર્મા માત્ર હાસ્યકલાકાર નથી, એ પોતાના શોનો સફળ પ્રોડયુસર પણ છે. ટીવીનો આ કોમેડિયન નંબર વન મૂળ તો ગંભીર નાટકો કરતો થિયેટર એક્ટર છે.


આને કહેવાય ટીવી ઇન્ડસ્ટ્રીનું 'બ્રેઇન ડ્રેઇન'. સોની ટીવીએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્માને 'કોમેડી સરકસ' શોનું તગડું પ્લેટફોર્મ આપ્યું, અનુભવ અને એક્સપોઝર આપ્યા, લગાતાર પાંચ-પાંચ સીઝનમાં વિનર બનાવ્યા. પરિણામ શું આવ્યું? કપિલ શર્માએ સોનીને અલવિદા કહી કલર્સ ચેનલ પર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'નામનો સુપરહિટ શો શરૂ કરી ચેનલનો ટીઆરપી વધારવાનું શરૂ કરી દીધું! હજુ ગઈ સીઝન સુધી 'ઝલક દિખલા જા'નું એન્કરિંગ એક મહિલા અને એક પુરુષની જોડી કરતી હતી. આ વખતે પહેલી વાર મનીષ પોલને કો-એન્કર તરીકે રૂપકડી કન્યાને બદલે કપિલ શર્માની ભાગીદારી આપવામાં આવી. શનિ-રવિ દરમિયાન કલર્સ પર 'ઝલક...' અને 'કોમેડી નાઇટ્સ' જેવા બેક-ટુ-બેક બે શોઝ કરીને કપિલ શર્મા લાગલગાટ લગભગ અઢી કલાક સુધી રીતસર છવાઈ જાય છે. એક સમયે ટીવી પર કોમેડીના મામલામાં રાજુ શ્રીવાસ્તવનો જે દબદબો હતો તે આજકાલ કપિલ શર્માનો છે. ઇન ફેક્ટ, રાજુ કરતાંય એ બે ડગલાં આગળ નીકળી ગયા છે.'કોમેડી નાઇટ્સ'માં એ માત્ર રમૂજના દારૂગોળા નથી ફોડતા, તેઓ આ શોના પ્રોડયુસર પણ છે.
પોતાની રમૂજ દ્વારા લાખો લોકોને એન્ટરટેઇન કરતો આ પંજાબી યુવાન મૂળ ગંભીર ભૂમિકાઓ કરતો થિયેટર એક્ટર છે તે કલ્પી શકાય છે. વતન અમૃતસરમાં એણે બાર વર્ષ સુધી રંગભૂમિ પર ગંભીર નાટકો કર્યાં છે. સ્વભાવ મશ્કરો અને રમૂજવૃત્તિ ધારદાર એટલે રિહર્સલ દરમિયાન અને બેક સ્ટેજમાં એમની કમેન્ટ્સ અને જોક્સથી સાથીઓ હસી-હસીને પાગલ થઈ જાય. દોસ્તો કહેતાં કે અરે યાર, તારી સેન્સ-ઓફ-હ્યુમર આટલી તગડી છે તો તું ટીવી શોમાં ભાગ કેમ લેતો નથી? તે અરસામાં સ્ટાર પ્લસ પર 'લાફ્ટર ચેલેન્જ' હિટ થયા પછી એક પંજાબી ચેનલ પર આ જ પ્રકારનો શો શરૂ થયો હતો. કપિલે તેમાં ભાગ લીધો. આ શોમાં પર્ફોર્મન્સ વખણાયું એટલે સ્ટારપ્લસની 'લાફ્ટર ચેલેન્જ' ઉપાડી. આ સીઝન-થ્રીની વાત છે. કપિલ તેમાં વિજેતા બન્યા. ત્યાર બાદ એક પછી એક શોઝની કતાર થઈ ગઈ, જેમાં એણે કાં તો સ્ટેન્ડ-અપ કોમેડી કરી અથવા એન્કરગિં કર્યું. આ શોઝ હતા 'પંજાબી ચક દે', 'છોટે મિયાં', 'લાફ્ટર નાઇટ્સ' અને 'ઉસ્તાદોં કે ઉસ્તાદ'. ત્યારબાદ આવી 'કોમેડી સરકસ'ની શૃંખલા, જેણે કપિલને ઘરેઘરમાં જાણીતા કરી દીધા.


'મને સેન્સ-ઓફ-હ્યુમર મારી મમ્મી તરફથી વારસામાં મળ્યું છે,' કપિલ એક મુલાકાતમાં કહે છે, 'હું અમૃતસરમાં મોટો થયો છું. કામધંધો તો ખાસ કંઈ હોય નહીં. ખા લિયા, પી લિયા, હંસ લિયા એવી લાઇફ હતી. હું થિયેટર કરતો હતો એ ખરું, પણ મારે ગાયક બનવું હતું. એ વખતે પંજાબમાં પૈસાદાર શોખીનો ખિસ્સામાંથી પાંચ-દસ લાખ રૂપિયા ખર્ચીને ખુદનાં આલબમ લોન્ચ કરતા. મારી પાસે એટલા પૈસા ક્યાંથી હોવાના. હું મ્યુઝિક કંપનીઓના સાહેબોને મળીને કહેતો કે ભાઈ, મેરા આલબમ લોન્ચ કર દો, પણ કોઈને મારામાં રસ ન પડયો.'
પણ કપિલના ગાવાના અભરખા ઝી ટીવીના 'સ્ટાર યા રોકસ્ટાર' નામના શોએ સંતોષ્યા. કોમેડિયન તરીકે સફળ થયા પછી કપિલે આ સેલિબ્રિટી સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો, જેમાં એ રનર-અપ બન્યા. તેઓ હસે છે, 'ઝીવાળાઓએ મને ગાવાની તક આપી, બીજા નંબરનો વિજેતા બનાવ્યો અને ઉપરથી પૈસા પણ આપ્યા, બોલો. આને કહેવાય નસીબ!'
લોકોને હસાવવા કંઈ સહેલા નથી. કોઈ પણ અદાકાર માટે કોમેડી કરવી એક પડકાર હોય છે. 'કોમેડી સરકસ'માં કપિલની પ્રોસેસ કંઈક આવી રહેતી. સૌથી પહેલાં તો લેખક સ્ક્રિપ્ટ આપે એટલે એના પર ઝપાટાભેર નજર ફેરવી જવાની. પછી જે પંચલાઇન્સ યા તો રમૂજી વાક્યો જામતાં ન હોય એ હટાવી દેવાનાં. લખાણનો ૫૦-૬૦ ટકા હિસ્સો તો આમ જ ઊડી જાય. પછી પોતાની રીતે નવાં વાક્યો અને ગેગ્સ ઉમેરવાનાં કે જેથી આઇટમમાં ચમક આવે ને એમાંથી હાસ્યનાં તીર છૂટે. મઠારવાનું કામ પૂરું થાય પછી ફાઇનલ સ્ક્રિપ્ટ યાદ કરવાની. કપિલને કોમેડીનો મહાવરો એટલો તગડો છે કે અંતિમ લખાણ પર બે-ત્રણ વાર નજર ફેરવી લે એટલે લાઇન્સ યાદ રહી જાય. મંચ પર ગયા પછી આમેય ઇમ્પ્રોવાઇઝેશન તો થવાનું જ.
'કોઈની ટાંગ ખેંચીને રમૂજ પેદા કરવાની હોય તો એ કામ એવી રીતે થવું જોઈએ કે સામેની વ્યક્તિને માઠું ન લાગે.' કપિલ કહે છે, 'રમૂજ એવી હોવી જોઈએ કે જેની મજાક થઈ રહી હોય તે વ્યક્તિને ખુદને પણ હસવું આવી જાય. જોકે મજાક સહન કરવાની સૌની ક્ષમતા જુદી જુદી હોય છે. 'કોમેડી સરકસ'માં અમે સૌ અર્ચના પુરણસિંહ પર ખૂબ જોક્સ બનાવતા. કોઈક આઇટમમાં એ આખેઆખું ઘેટું ખાઈ જાય એવું બતાવીએ, તો કોઈમાં એને દારૂડિયણ તરીકે પેશ કરીએ. હકીકતમાં અર્ચના સંપૂર્ણ શાકાહારી છે અને આલ્કોહોલથી જોજનો દૂર છે, પણ હાસ્ય પેદા કરવા માટે અમે અર્ચનાની ભળતી જ ઇમેજ ઊભી કરી હતી. મજાની વાત એ છે કે અર્ચનાએ ક્યારેય એની સામે વાંધો લીધો નથી. એ જાણે છે કે આ બધું અમે ફક્ત મજાકમસ્તી માટે અને લોકોને હસાવવા માટે કરીએ છીએ.'

વચ્ચે કલર્સ ચેનલે 'નૌટંકી ધ કોમેડી થિયેટર' નામનો શો કર્યો હતો, જેમાં તુષાર કપૂર અને નેહા ધૂપિયા જજ હતા, ટેલેન્ટેડ આર્ટિસ્ટોની ટીમ હતી, પ્રોડક્શન વેલ્યૂ ખૂબ સારી હતી, પણ આ શો તદ્દન ફ્લોપ થઈ ગયો હતો. એક સવા કલાકના લાંબા સળંગ નાટક જેવું ફોર્મેટ લોકોએ રિજેક્ટ કરી નાખ્યું. 'નૌટંકી'ની નિષ્ફળતાએ જે નુકસાન કરી નાખ્યું હતું એની સંપૂર્ણ કસર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલે' પૂરી કરી નાખી. પહેલા જ એપિસોડથી આ શો ક્લિક થઈ ગયો. શોને આટલી હદે ઇન્સ્ટન્ટ સક્સેસ મળશે એવી કલ્પના કપિલ કે કલર્સ બન્નેમાંથી કોઈએ નહીં કરી હોય. શોનું ફોર્મેટ સ્માર્ટ, વેરાઇટીવાળું અને ટીવી સામે બેઠેલા દર્શકોને બાંધી રાખે એવું ગતિશીલ છે. 'નૌટંકી'ની માફક અહીં પણ પતિ-પત્ની, દાદી, ફોઈ, નોકર અને પૂરક પાત્રો કોઈક મુદ્દો લઈને દરેક એપિસોડમાં 'નાટક' જરૂર ભજવે છે, પણ એ સિવાય એમાં બીજો ઘણો મસાલો હોય છે. દર અઠવાડિયે ફિલ્મસ્ટારો પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આવે ત્યારે હાસ્યનું હુલ્લડ સર્જાય છે. કપિલે આ શોને ઇન્ટરેક્ટિવ બનાવ્યો છે. લાઇવ ઓડિયન્સ સેલિબ્રિટીઓને પ્રશ્નો પૂછી શકે છે. કપિલ આ પ્રશ્નો પૂછનારાઓની અને મહેમાન બનીને આવેલાં હીરો, હિરોઇન, ડિરેક્ટરની જોરદાર ખીંચાઈ કરે છે. બાકીની કસર દાદી બનેલા અલી અસગર અને ફોઈ બનતાં ઉપાસના સિંહ પૂરી કરે છે. વચ્ચે વચ્ચે નવજોતસિંહ સિદ્ધૂ પોતાના આગવા અંદાજમાં શેરો-શાયરી છાંટતા રહે છે. આ શોમાં ગેસ્ટ બનીને આવતા સેલિબ્રિટીઓને ખરેખર પોતાની સેન્સ ઓફ હ્યુમર સતર્ક રાખવી પડે છે, કારણ કે અહીં એમની સાથે કંઈ પણ થઈ શકે છે! 'કોમેડી વિથ કપિલ'નું હ્યુમર કંઈ ઉચ્ચ કક્ષાનું રિફાઇન્ડ હ્યુમર નથી, એમાં ક્યારેક ભદ્દાપણું જરૂર આવી જાય છે. આમ છતાં એ ઓડિયન્સને એન્ટરટેઇન કરવામાં સફળ થયું છે.
કપિલ શર્માનો સિતારો અત્યારે બુલંદી પર છે. શાહરુખ ખાનની 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને સલમાન ખાનને ચમકાવતી 'શેરખાન'માં (આ ફિલ્મ જો અને જ્યારે બને તો) કપિલ દેખાશે. ફિલ્મોમાં પણ કપિલનું નસીબ જોર કરે છે કે કેમ એ તો સમય બતાવશે. બાકી ટીવી પર તો હાલ એણે કોમેડીસમ્રાટનું બિરુદ હકથી ધારણ કરી લીધું છે એ તો નક્કી.
શો-સ્ટોપર

મહાન માણસોની આત્મકથામાં ફર્સ્ટ હાફ હંમેશાં સેકન્ડ હાફ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ હોય છે.
- અનુપમ ખેર

Tuesday, July 30, 2013

ટેક ઓફ : અધ્યાત્મ અને અનુભૂતિ : બુદ્ધિના સીમાડાની પેલે પાર...


Sandesh - Ardh Saptahik Purty - 1 August 2013

Column: ટેક ઓફ

'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો. મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. નાથાભાઈ જોશીએ કહ્યું: હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો છે.'


ગુરુપૂર્ણિમાના પર્વ પર આ વખતે કેટલાય ગુજરાતીઓએ ગોંડલવાસી નાથાભાઈ જોશીની ગેરહાજરી તીવ્રતાથી અનુભવી હશે. નાથાભાઈ એટલે કશુંક 'ભાળી ચૂકેલો' આત્મા. પ્રસિદ્ધિથી જોજનો દૂર રહેલા અત્યંત લો-પ્રોફાઈલ આધ્યાત્મિક ગુરુ, જેમનું મે મહિનામાં નિધન થયું. નાથાભાઈના શિષ્યોમાં (એમને તો 'શિષ્ય' શબ્દ સામે પણ વિરોધ હતો) પત્રકારો અને પ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં નામ બોલે છે, છતાંય જાહેર માધ્યમોમાં તેમના વિશે ભાગ્યે જ કશુંક લખાયું છે કે ચર્ચાયું છે. તેમના વિશે ઝાઝી વાત પણ ન કરવાની એક સ્વયંશિસ્ત અનુયાયીઓએ પાળી છે.
જોકે નાથાભાઈના જીવનકાળ દરમિયાન એમના વિશે સ્વર્ગસ્થ કવિ મકરંદ દવે સહેજ ખૂલીને બોલ્યા હતા, સુરેશ દલાલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં. આ સોળેક વર્ષ પહેલાંની વાત છે. મકરંદ દવે વાત કરી શક્યા એનું કારણ એ હશે કે નાથાભાઈ સાથે તેમનો મૈત્રીનો સંબંધ હતો, ગુરુ-શિષ્યનો નહીં. બંનેની પહેલી મુલાકાત જે સંજોગોમાં થઈ હતી તે આખો કિસ્સો ભારે રસપ્રદ છે. તર્કને જરા એક બાજુ પર મૂકીને સાંભળવા જેવી આ અલૌકિક વાત છે.
Nathabhai Joshi (Gondal)

મકરંદ દવે યુવાનીમાં રાજકોટના એક અખબારમાં સબ-એડિટર તરીકે કામ કરતા હતા. એક વાર રાતે બે વાગ્યે અચાનક તેમની નાભિમાંથી અવાજ આવ્યોઃ 'હરિ બોલ... હરિ બોલ.' મકરંદ દવે ચમકી ગયા. થોડું પાણી પીધું ને આમતેમ આંટા માર્યા એટલે એ અવાજ, એ અનુભૂતિ જતા રહ્યા. બીજા દિવસે રાત્રે ફરી પાછો આ અનુભવ થયો. કવિ મૂંઝાઈ ગયા. દિવસે ઓફિસમાં તો બરાબર કામ થાય છે, પણ રાતે અચાનક શું થઈ જાય છે? નર્વસ બ્રેકડાઉન થઈ ગયો કે શું? ધીમે ધીમે એ સ્થિતિ આવી ગઈ કે દિવસ દરમિયાન પણ એકાએક'હરિ બોલ' અવાજ સંભળાવા લાગ્યો. મકરંદ એના તરફ ધ્યાન ન આપે, ઇચ્છાશક્તિથી અનુભૂતિને દબાવી દે, પણ એક રાત્રે ફરી પાછું નાભિમાંથી 'હરિ બોલ' સંભળાયું ને મકરંદ ભયંકર ચીસ પાડી ઊઠયા. એવું લાગતું હતું કે જાણે મગજની નસો ફાટી જશે. સવારે જાગ્યા ત્યારે વિસ્ફોટ પછીની શાંતિ અનુભવાઈ, પરંતુ રાતે ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું ત્યારે મકરંદ કાબૂ ગુમાવી બેઠા. એમને અવાજ સંભળાયોઃ "તમે ગોંડલ જાઓ. એક માણસ તમને મળશે. એ બધું સમજાવશે." મકરંદે કહ્યું: "મારા પર દૈનિકની જવાબદારીઓ છે. કામ મૂકીને કેવી રીતે જાઉં?" અવાજ આવ્યોઃ "તમે જાઓ. તમારે જવું જ પડશે."
બીજા દિવસે અખબારના માલિક અને તંત્રી વચ્ચે મતભેદ થઈ ગયો. માલિકે તંત્રીને છૂટા કર્યા. તંત્રીને અન્યાય થઈ રહ્યો છે એવું લાગતા સાથી પત્રકારોએ સામૂહિક રાજીનામું આપી દીધું. મકરંદ દવે પરથી ચમત્કારિક રીતે કામની જવાબદારીઓ જતી રહી! હવે ધારે તો તેઓ ગોંડલ જઈ શકે એમ હતા, પણ એ રહ્યા બુદ્ધિવાદી માણસ. આ જે અવાજો સંભળાય છે એ કેવળ ભ્રમણા કે માનસિક બીમારી હોય તો? તર્કની શક્તિમાં વિશ્વાસ હોવા છતાં મકરંદ મૂંઝાયા કરે. ભૂખ-તરસ જાણે મરી ગઈ. ગિરનાર જઈને કોઈ યોગીને મળવાની ઇચ્છા થયા કરે. જોકે એમને જૂનાગઢ જવાની જરૂર જ ન પડી. એક દિવસ એક મિત્રે કહ્યું કે જૂનાગઢથી નાથાભાઈ જોશી નામના એક કૃષ્ણભક્ત આવ્યા છે. જૂનાગઢનું નામ પડતાં મકરંદ દવેના કાન ચમક્યા. નાથાભાઈને મળવા ગયા ત્યારે ઘણા માણસો બેઠા હતા. મકરંદ દવેએ કહ્યું: "એક પ્રશ્ન પૂછવો છે. કશુંક જાણવું છે મારે. તમને ખબર પડે?" જવાબ મળ્યોઃ "ભાઈ, આજે તો ઘણા લોકો છે, કાલે આવજો."

બીજા દિવસે સવારે નવ વાગ્યે નાથાભાઈ બારણે રાહ જોતા ઊભા હતા. મકરંદ દવેને ઓરડામાં લઈ જઈ બારણાં બંધ કર્યાં. નાથાભાઈ કહે, "તમે કશું કહેશો નહીં. હું કહું છું." પછી 'હરિ બોલ'ના અવાજથી માંડીને મકરંદ દવેને જે કંઈ અનુભવો થયા હતા તે બધા જ નાથાભાઈ બોલી ગયા. ત્યારબાદ ઉમેર્યું: "આ બધું જ સાચું છે, ભ્રમણા નથી, કલ્પના નથી. ભગવાનનો આ અનુગ્રહ છે. તમે એનો સ્વીકાર કરો.' મકરંદ દવે કહેઃ "મારી આજીવિકાનું શું? બા-કુટુંબનું શું?" નાથાભાઈએ જવાબ આપ્યો કે ભગવાનનું નામ લો, બાકીની ચિંતા મા જગદંબા પર છોડી દો. મકરંદ દવેના મનનું સમાધાન થઈ ગયું. પ્રશ્નો દૂર થયા. શાંતિનો અનુભવ થયો.
આ રીતે નાથાભાઈ સાથે બંધાયેલો સંબંધ ઘનિષ્ઠ થતો ગયો અને મૃત્યુપર્યંત જળવાઈ રહ્યો. બંને ભેગા થાય એટલે ગંભીર વાતો વચ્ચે હાસ્યના ફુવારા ઊડે અને હાસ્ય શમે ત્યાં અંતર્લીન, ભાવમસ્ત અવસ્થા આવી જાય. મકરંદ દવે કહે છે, "અધ્યાત્મ અને અંગત પ્રાપ્તિની એવી કોઈ ભૂમિકા નહીં હોય જેના વિશે અમે ઝીણી નજરે ન જોયું હોય. ઘણા પડદા હટાવીને અંતરંગ વાતો થઈ છે, સંવેદના અનુભવી છે."
મકરંદ દવે આપણી ભાષાના શ્રેષ્ઠતમ કવિઓમાંના એક છે. એ જ્યારે કશુંક ગંભીરતાથી કહેતા હોય ત્યારે આપણા વૈજ્ઞાાનિક મિજાજને ઝટકો લાગે તો પણ સાંભળવું જોઈએ. એક વખત નાથાભાઈ સાથે મકરંદ દવે શક્તિપાત વિશે ચર્ચા કરી રહ્યા હતા. શક્તિપાત એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિમાં પવિત્ર મંત્ર, દૃષ્ટિ કે સ્પર્શથી આધ્યાત્મિક શક્તિનું આરોપણ કરે એ. સામાન્યપણે આ ઘટના ગુરુ-શિષ્ય વચ્ચે બનતી હોય છે. મકરંદ દવેએ કહ્યું કે હું કંઈ શક્તિપાતમાં માનતો નથી. વ્યક્તિએ સ્વયં પોતાની જાતને પ્રગટ કરવી જોઈએ. નાથાભાઈ કહે, "ના, એવી શક્તિ છે. એ શક્ય છે. ભગવદ્ શક્તિ દ્વારા એ ઉત્પન્ન થઈ શકે." મકરંદના ગળે વાત ન ઊતરી. નાથાભાઈ ઊભા થઈને મકરંદ પાસે આવ્યા. એમના મસ્તક પર હાથ મૂક્યો. કંઈક અજબ ચમક હતી નાથાભાઈની આંખોમાં. એ વખતે તો કશું થયું નહીં, પણ સાંજ થતા પરિસ્થિતિ પલટાઈ ગઈ.


'મને સાગર જેવો ઘૂઘવતો અવાજ સંભળાયો,' મકરંદ દવે કહે છે, "મારા ઉપર જાણે પ્રકાશનો દરિયો ફેલાઈ આવ્યો. હું તેમાં ડૂબી ગયો. જાણે નક્કર જગતનો લોપ થઈ ગયો. મને વિચાર આવ્યો કે આ મને શું થઈ ગયું છે? હું નાથાભાઈને કહેવા ગયો. એમણે મને પૂરી અને દહીં ખવડાવ્યાં. ત્યારબાદ શાંતિ થઈ ગઈ. તેમણે કહ્યું: "હવે શંકા કરશો નહીં. માએ તમને શક્તિનો અનુભવ કરાવ્યો." આ જગતના કેન્દ્રમાં એક શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ પ્રકાશ છે. જ્ઞાાનનો પ્રકાશ છે. પ્રકાશનાં આવર્તનો છે. અમારો સંબંધ ભગવતી શક્તિના ખોળામાં ખીલ્યો છે. 'મા' એટલે સર્વસ્વ. 'મા'ને આમ જીવંત, જાગ્રત રીતે અનુભવવી તે મને જીવનનો સાર લાગ્યો છે."
સઘળું તર્કની ફૂટપટ્ટીથી માપી શકાતું નથી. બધું જ ઈન્દ્રિયોના જોરથી સમજી શકાતું નથી. બુદ્ધિના સીમાડાની પેલે પાર એવું કશુંક હોય છે જેની પાસે કેવળ શ્રદ્ધાના માધ્યમ થકી જ પહોંચી શકાય!
                                           0 0 0 

Saturday, July 27, 2013

મલ્ટિપ્લેક્સ : 'શિપ ઓફ થિસિયસ' : યે હુઈ ન બાત!


Sandesh - Sanskaar Purti - 28 July 2013, Sunday

મલ્ટિપ્લેક્સ 

એક તરફ આર્ટ સિનેમાના નામે ઘટિયા ફિલ્મો બને છે અને બીજા છેડે તેજસ્વી ગુજરાતી યુવાન આનંદ ગાંધીએ બનાવેલી 'શિપ ઓફ થિસિયસ' જેવી ઉત્તમ ફિલ્મ ઊભી છે,જેને જોઈને સંવેદનશીલ દર્શકને જાણે ભીતર શાંત વિસ્ફોટ થયો હોય એવી અનુભૂતિ થાય છે.

આજકાલ આપણે ત્યાં જીવને ઠંડક થાય એવી ફિલ્મી ઘટનાઓ બની રહી છે. કંઈકેટલાય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તરખાટ મચાવનાર 'શિપ ઓફ થિસિયસ' ફેસ્ટિવલ સર્કિટમાં જ ચૂપચાપ ઘૂમરાયા કરીને પછી ચૂપચાપ ઢબુરાઈ ગઈ હોત, જો એને આમિર ખાનના સ્ટાર-પાવરનો સ્પર્શ થયો ન હોત. આમિર કરતાં ખાસ તો એની પત્ની કિરણ રાવનો. એક ફિલ્મ ફેસ્ટિવલમાં 'શિપ ઓફ થિસિયસ' જોઈને કિરણ એટલી પ્રભાવિત થઈ કે આ ફિલ્મને કમર્શિયલ ફિલ્મોની જેમ વ્યવસ્થિતપણે થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લઈ લીધો. આમિરે આખા બોલિવૂડ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ ગોઠવ્યું. એક સુંદર ફિલ્મને પ્રોત્સાહન આપવાનો ઇરાદો હોય કે પછી આમિરની ગૂડ બુક્સમાં રહેવાની ઝંખના હોય, પણ આખી ઇન્ડસ્ટ્રી આ ફિલ્મ જોવા ઊમટી પડી હતી. એક 'આર્ટ ફિલ્મ'નો આવો ગ્લેમરસ દબદબો આપણે અગાઉ ક્યારેય ભાળ્યો નથી. ૧૯ જુલાઈએ મોટાં શહેરોનાં ચુનંદા થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ. શોઝ મર્યાદિત હતા, પણ આમ દર્શકો મલ્ટિપ્લેક્સમાં જઈને બીજી કોઈ પણ મેઇનસ્ટ્રીમ ફિલ્મની માફક પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ઝાપટતાં ઝાપટતાં 'શિપ ઓફ થિસિયસ' માણી શક્યા તે બહુ મહત્ત્વની વાત છે.
Anand Gandhi
આપણને આનંદિત કરે એવી બીજી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ આનંદ ગાંધી નામના તેજસ્વી મુંબઈવાસી ગુજરાતી યુવાને લખી છે અને ડિરેક્ટ કરી છે. હિન્દી અને અંગ્રેજી મિશ્ર ભાષામાં બનેલી 'શિપ ઓફ થિસિયસ'ની આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે પ્રશંસા થઈ છે તે ચકિત થઈ જવાય એવી છે. ઇંગ્લેન્ડના ક્રિટિક્સ સર્કલે આ ફિલ્મને 'ફિફ્ટીન લાઇફ-ચેન્જિંગ ફિલ્મ્સ ઓફ ઓલ-ટાઇમ'એટલે કે આપણી જિંદગીને જોવાની-સમજવાની દૃષ્ટિ સમૂળગી પલટી નાખે એવી સર્વકાલીન શ્રેષ્ઠતમ પંદર ફિલ્મોના લિસ્ટમાં મૂકી છે. કોઈએ એને 'ભારતીય સિનેમાનું છુપાયેલું રત્ન' તરીકે ઓળખાવી છે. કોઈએ લખ્યું છે કે ચાલો, ઇન્ટરનેશનલ સર્કિટમાં છાતી કાઢીને શાનથી ઊભી રહી શકે એવી ભારતીય ફિલ્મ મોડી તો મોડી પણ આવી ખરી! ફિલ્મમેકર શેખર કપૂરે 'શિપ ઓફ થિસિયસ' જોઈને આનંદપૂર્વક કહ્યું, હાશ ચાલો હવે હું નિશ્ચિંત થઈને સંન્યાસ લઈ શકીશ!
'શિપ ઓફ થિસિયસ' ટાઇટલનો અર્થ શો છે? પ્લુટાર્ક નામના એક ગ્રીક ફિલોસોફર હતા. એમણે એક પાવરફુલ થિયરી રજૂ કરી હતી. ધારો કે જૂના થઈ ગયેલા કોઈ જહાજને રિપેરિંગની જરૂર છે. માનો કે જહાજનું કાલ્પનિક નામ 'દરિયાદેવ' છે. એની બનાવટમાં વપરાયેલા એક-એક લાકડાના પાટિયાને કાઢતા જઈને એની જગ્યાએ નવાં પાટિયાં ફિટ કરતા જઈએ તો એક સ્થિતિ એવી આવે કે જહાજમાં એક પણ જૂનું પાટિયું ન બચે. એનાં બધેબધાં પાટિયાં રિપ્લેસ થઈ ગયાં હોય. તો શું હજુય આ વહાણને'દરિયાદેવ' જ ગણવું? કલ્પના થોડી આગળ વધારો અને માની લો કે ફેંકી દેવામાં આવેલાં પેલાં જૂનાં પાટિયાંને ભેગાં કરીને એમાંથી ફરી એક વહાણ બનાવવામાં આવે છે. આ નવા બનાવેલા જહાજની ઓળખ શી? બન્ને વહાણમાંથી કયા જહાજને ઓરિજિનલ 'દરિયાદેવ' ગણવું? આ ફિલોસોફિકલ પેરાડોક્સ અથવા તો વિરોધિતા 'શિપ ઓફ થિસિયસ' તરીકે જાણીતી થઈ છે.


જો ડિફાઇન કરવી જ હોય તો કહી શકાય કે આ ફિલ્મ એક 'ફિલોસોફિકલ ડ્રામા'   છે. તેમાં જહાજની જગ્યાએ માનવશરીર છે અને પાટિયાંની જગ્યાએ શરીરનાં જુદાં જુદાં અંગો છે. ફિલ્મમાં ત્રણ જુદી જુદી વાર્તાઓ છે. પહેલી વાર્તા એક અંધ ફોટોગ્રાફર યુવતીની છે. એકલી એકલી સંપૂર્ણ કોન્ફિડન્સ સાથે એ મુંબઈમાં ફર્યા કરે ને કેવળ ધ્વનિ તેમજ આંતરિક સમજના આધારે ફોટોગ્રાફી કરતી રહે. એણે ખેંચેલી અફલાતૂન તસવીરોનું એક્ઝિબિશન પણ ગોઠવાય છે. એક દિવસ એની નિર્જીવ આંખમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. એ દેખતી તો થાય છે, પણ હવે એ ફોટોગ્રાફી કરી શકતી નથી. એ તો કાળા અંધકાર વચ્ચે ફક્ત અવાજોના જોરે તસવીરો ખેંચવા ટેવાયેલી હતી. આંખો મળતાં જ એની તસવીરો ખેંચવાની આંતરસૂઝ નષ્ટ થઈ ગઈ! બીજી વાર્તા એક મધ્ય વયસ્ક સાધુની છે. સાધુ એક્ઝેક્ટલી જૈન નથી. ડિરેક્ટરે અહીં નામ દઈને ધર્મને ડિફાઇન કર્યો નથી, તે જરૂરી પણ નથી. સાધુ વિચક્ષણ છે, ધારદાર તાર્કિક દલીલો કરી શકે છે. ગંભીર બીમારીમાં એ ધરાર દવા લેતા નથી, કેમ કે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા બજારમાં મૂકતા પહેલાં નિર્દોષ પ્રાણીઓ પર જે રીતે અત્યંત ક્રૂર પદ્ધતિથી અખતરા કરતી હોય છે તેની સામે એમનો તીવ્ર વિરોધ છે. આત્યંતિક અહિંસાવાદી કહી શકાય એવા આ સાધુ લગભગ મૃત્યુની ધાર સુધી ફેંકાઈ જાય છે. તો હવે શું કરવાનું? દવા લીધા વગર મરી જવાનું? કે જિંદગીભર જે મૂલ્યોને નજર સામે રાખ્યાં છે એની સાથે સમાધાન કરી લેવાનું? 

ત્રીજી વાર્તા આખો દિવસ શેરબજારમાં રમમાણ રહેતા યુવાનની છે. એણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડી છે. એને ખબર પડે છે કે મુંબઈમાં ગરીબ દર્દીઓની જાણબહાર એનાં શરીરમાંથી કિડની કાઢી લઈને વેચી મારવાનું કૌભાંડ ચાલે છે. આવા એક કેસનું પગેરુ શોધવા એ છેક સ્વિડન પહોંચે છે. ફિલ્મના ક્લાઇમેક્સમાં આ ત્રણેય વાર્તાઓ એકબીજામાં જે રીતે પરોવાય છે તે ખરેખર અદ્ભુત છે. ખરેખર તો ફિલ્મમાં એક ચોથી વાર્તા પણ પ્લાન થઈ હતી, જેમાં નસીરુદ્દીન શાહ કામ કરવાના હતા, પણ લંબાઈ વધી જવાના ડરે આ ટુકડો પડતો મૂકવામાં આવ્યો.
'શિપ ઓફ થિસિયસ' જોઈને સંવેદનશીલ દર્શકની ભીતર જાણે શાંત વિસ્ફોટ થાય છે. આ ફિલ્મ વિચારતા કરી મૂકે છે. આપણે જેને 'પોતાપણું' કહીએ છીએ તે એક્ઝેક્ટલી શું છે? આ પરિવર્તનશીલ સૃષ્ટિમાં સ્વ-ઓળખને કેવી રીતે વ્યાખ્યામાં બાંધવી? ફિલ્મ ઇન્ટરનેશનલ સર્કિટમાં બોમ્બની જેમ ફૂટી પછી કિરણ રાવે ફિલ્મમેકર આનંદ ગાંધીનો હાથ પકડયો. તે પછી આ બત્રીસેક વર્ષના યુવાનના ઇન્ટરવ્યૂઝનો વરસાદ વરસી ગયો. એક જગ્યાએ આનંદ કહે છે, 'આ કંઈ આર્ટ ફિલ્મ નથી. અમુક ફોર્મ્યુલામાં બંધાઈને બનતી એક્સપેરિમેન્ટલ ફિલ્મ પણ નથી. આમાં ક્લિયર-કટ સ્ટોરીલાઇન છે. પાત્રો અને પરિસ્થિતિઓ વચ્ચે પેદા થતો ટકરાવ છે અને એમાંથી જન્મતા પ્રશ્નો તેમજ મૂંઝવણો છે. સાહિત્યકૃતિ કે સિનેમા પાસે જવાનો હેતુ શો હોય છે? રાધર, શો હોવો જોઈએ?આપણી દૃષ્ટિ ખૂલે, મનની ક્ષિતિજો વિસ્તરે એવું કશુંક માણવા મળે એ. કમનસીબે આ વસ્તુ ભુલાઈ જતી હોય છે. મેં કોશિશ કરી છે કે 'શિપ ઓફ થિસિયસ' જોઈને દર્શકને કશુંક એવું મળે જે સત્ત્વશીલ હોય, નવું હોય, વિચાર કરવા પ્રેરે તેવું હોય.'
Anand Gandhi with his cinematographer, Pankaj Kumar

હું ખરેખર કોણ છું, મારા હોવા ન હોવાથી શું ફરક પડે છે, મારું વજૂદ શું છે, શું સાચું ને શું ખોટું, શું સત્ય સનાતન છે, સમય અને સંજોગો પ્રમાણે જે બદલાઈ શકે છે એને સત્ય કહેવાય? આ પ્રશ્નો ભલે ફિલોસોફિકલ ગણાય, પણ આપણા સૌના મનમાં તે ક્યારેક ને ક્યારેક નથી ઊઠતા શું? 'શિપ ઓફ થિસિયસ'ની મજા એ છે કે જરાય ભાષણબાજીમાં પડયા વિના કે ઉપદેશાત્મક થયા વિના આ કશમકશને સુંદર રીતે પેશ કરે છે. અહીં બાળસહજ વિસ્મય પણ છે અને એક પ્રકારની ફીલ-ગુડ ક્વોલિટી પણ છે. તમામ અદાકારોના અભિનય બેનમૂન છે. સિનેમેટોગ્રાફી પણ કમાલ છે. સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે 'શિપ ઓફ થિસિયસ' બોર કરતી નથી. એ આગવી રીતે એન્ટરટેઇનિંગ છે અને તમને વચ્ચે વચ્ચે હસાવી પણ નાખે છે. આનંદ ગાંધીની હવે પછીની ફિલ્મનું નામ ન સમજાય એવું છે, 'તુમબડ'. એક ઔર ફિલ્મની પ્રોસેસ શરૂ થઈ છે, જે ઘણું કરીને કિરણ રાવ પ્રોડયુસ કરશે. આનંદ ગાંધીની કરિયર હવે જે રીતે આગળ વધશે તે જોવાની બહુ મજા આવશે.


હા-હા-હી-હી બ્રાન્ડ માઈન્ડલેસ અને સેન્સલેસ ફિલ્મો સિવાયનું બીજું કશું જ જોઈ ન શકનારા કે કદર ન કરી શકનારા લોકોએ આ ફિલ્મથી દૂર જ રહેવું. શુક્રવારે ફિલ્મો બદલાતાં જ ‘શિપ ઓફ થિસિયસ'  મુંબઈના થિયેટરોમાંથી એક ઝાટકે અદશ્ય થઈ જશે એવો ડર હતો, પણ ગુડ ન્યુઝ એ છે કે અહીં એનું બીજું વીક ચાલી રહ્યું છે. લોકો ફિલ્મને માણી રહ્યા છે. ઓર મજાની વાત એ છે કે અમદાવાદ અને વડોદરામાં પણ આ શુક્રવારે રિલીઝ થઈ છે. સંભવત: એ ધીમે ધીમે અન્ય મોટાં શહેરોમાં પણ જશે.  જેમને ખરેખર કશુંક નવું જોવું છે, ઉત્કૃષ્ટ જોવું છે તેમણે આ ફિલ્મ છોડવા જેવી નથી. એમાંય ડીવીડીને બદલે મોટી સ્ક્રીન પર તે જોવા મળે તો એનાથી ઉત્તમ બીજું કશું નહીં. 


શો-સ્ટોપર

અત્યાર સુધી હું મારા ડિરેક્ટરોનો ગુલામ હતો. એક રીતે એ સારું જ હતું. સૌ પોતપોતાની મુનસફી પ્રમાણે વર્તવા માંડે તો સરવાળે કશું જ સિદ્ધ થતું હોતું નથી.
- એ. આર. રહેમાન