Thursday, June 13, 2013

Cine Sandesh : શાહરુખ-કરણના દોસ્તાનાને કોની નજર લાગી ગઈ?


Sandesh - Cine Sandesh supplement - 14 June 2013
બોલિવૂડ એક્સપ્રેસ 


સીઝનની પહેલી-પહેલી બારિશમાં તરબોળ થઈને, ભીની-ભીની માટીની ખુશબૂ નાસિકા વાટે શરીરમાં ઉતારીને બોલિવૂડ બોય ઉર્ફ બો-બો પુલકિત-પુલકિત થઈ ગયો છે, તેથી જ આજે એ સૌથી પહેલાં પુલકિત સમ્રાટ વિશે વાત કરવાનો છે. પુલકિત સમ્રાટ એટલે આજે રિલીઝ થયેલી ફિલ્મ 'ફુકરે'માં જે પેલા ચાર લઠ્ઠ જેવા છોકરાઓ દેખાય છે એમાંનો એક. વર્ષો પહેલાં ટીવી પર 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી' નામની સિરિયલ આવતી હતી. એમાં પુલકિત નામનો આ ન્યુકમર સ્મૃતિ ઇરાની મિન્સ કે તુલસીનો દીકરો બન્યો હતો. એ એટલો બધો રૂડોરૂપાળો લાગતો હતો અને એની સ્ક્રીન પ્રેઝન્સ એટલી જબરદસ્ત હતી કે બો-બો બધાને કહ્યા કરતો કે તમે જોજો, આ છોકરો વહેલોમોડો બોલિવૂડનો હીરો બનશે જ, એવું જ થયું. એકતા કપૂર સાથે લડી-ઝઘડીને એણે સિરિયલ છોડી. 'બિટ્ટુ બોસ' (૨૦૧૨) નામની ફિલ્મમાં સોલો હીરો બન્યો. ફિલ્મ તો ન ચાલી, પણ પુલકિતનું કામ વખણાયું.
'બિટ્ટુ બોસ'ની રિલીઝ વખતે સલમાન ખાન જે રીતે પુલકિતને પ્રમોટ કરતો હતો એ જોઈને સૌને નવાઈ લાગતી હતી. એનો રાઝ પછીથી ખૂલ્યો. સલ્લુ મિયાં પુલકિતના સાળા થાય. પૂછો કઈ રીતે? વાત એમ છે કે પુલકિત એક પ્રેમિકા ધરાવે છે. નામ એનું શ્વેતા રોહિરા. શ્વેતા અગાઉ જર્નાલિસ્ટ હતી. એક વાર પુલકિતનો ઇન્ટરવ્યૂ લેવા 'ક્યોંકિ...'ના સેટ પર ગયેલી. બન્ને વચ્ચે દોસ્તી થઈ ઔર દોસ્તી પ્યાર મેં બદલ ગઈ. આ શ્વેતા નાની હતી ત્યારે એક વાર સલમાન ખાનના ઘરમાં ઘૂસી ગઈ હતી. સલમાનને કહેઃ સર, હું તમને રાખડી બાંધવા માગું છું! સલમાને જવાબ આપ્યોઃ છોકરી, આજે એક વાર રાખડી બાંધીશ તો પછી તારે આખી જિંદગી દર વર્ષે રક્ષાબંધન પર મને રાખડી બાંધવા આવવું પડશે. બોલ, કરી શકીશ? શ્વેતાએ લાડવા જેવું મોઢું કરીને કહ્યું: શ્યોર, સર! આમ, શ્વેતા સલ્લુ મિયાંની ધરમની બહેન બની ગઈ અને પુલકિત, બાય ડિફોલ્ટ, ધરમનો બનેવી. એ અલગ વાત છે કે પુલકિત-શ્વેતાનાં હજુ લગ્ન થયાં નથી. "લગ્નની શું જલદી છે? એ તો ખાલી ફોર્માલિટી છે." આટલું કહીને પુલકિત મરક મરક થઈને ઉમેરે છે, "બાકી અમે તો પતિ-પત્નીની જેમ સાથે રહેવાનું ક્યારનું શરૂ કરી દીધું છે!"
વાહ રે પુલકિત! લગ્ન કરવાની કોઈ જલદી નથી, પણ સલમાન ખાનને સાળા તરીકે ઓળખાવાની ઉતાવળ ફાટી નીકળી છે!
                                                          0 0 0 

લમાન ખાનના પાડોશી અને હરીફ નંબર વન શાહરુખ શું કરે છે આજકાલ? સાંભળ્યું છે કે પોતાની આગામી ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ'ના તમામેતમામ ડિપાર્ટમેન્ટ્સમાં ઊંડો રસ લઈ રહ્યો છે. જેમ કે, આ ફિલ્મનું એક આઇટમ સોંગ એડિટ થઈને આવ્યું ત્યારે એ જોઈને શાહરુખને મજા ન આવી. એણે ડિરેક્ટર રોહિત શેટ્ટીને કહ્યું: નથી જામતું બોસ, ફરીથી શૂટ કરીએ. તરત જ મ્યુઝિક ડિરેક્ટર વિશાલ-શેખરને બોલાવીને ગીતને વધારે મસ્તીભર્યું બનાવવામાં આવ્યું અને આખેઆખું ગીત નવી કોરિયોગ્રાફી સાથે રિ-શૂટ કરવામાં આવ્યું.
આ બધું તો જાણે બરાબર છે, પણ આજકાલ ઇન્ડસ્ટ્રીમાં એક નવો ગણગણાટ સંભળાય છે કે એક જમાનામાં જેમની વચ્ચે પાક્કા દોસ્તાના હતા એવા શાહરુખ અને કરણ જોહર વચ્ચે હવે પહેલાં જેવું નથી રહ્યું. કરણની 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં શાહરુખ કો-પ્રોડયુસર હતો, પણ કોણ જાણે કેમ આ ફિલ્મને એણે જરાય પ્રમોટ ન કરી. એવું પણ વિચારવામાં આવેલું કે કરણની લેટેસ્ટ ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'ની સાથે 'ચેન્નાઈ એક્સપ્રેસ'નું ટ્રેલર પણ રિલીઝ કરવું. શાહરુખે આમાં પણ ઠાગાઠૈયા કરી બહાનું ધરી દીધું કે 'ચેન્નાઈ એક્સપ્રેસ'નું ઘણું શૂટિંગ હજુ બાકી છે એટલે ટ્રેલર રિલીઝ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. શાહરુખની આ બેરુખીને કારણે કરણ સાથે એના કિટ્ટા ચાલે છે એવી અફવાને વધારે પુષ્ટિ મળી. આશા રાખીએ કે આ અફવા ખરેખર અફવા જ હોય અને શાહરુખ-કરણ વચ્ચે પહેલાં જેવા જ દોસ્તાના, ઉફ્ફ, દોસ્તી કાયમ હોય.
તમે જોયું, દોસ્તાના જેવો મજાનો શબ્દ કેવો બદનામ થઈ ગયો છે? વાંક કરણ જોહરનો જ છે. અભિષેક-જોન અબ્રાહમવાળી પેલી 'દોસ્તાના' નામની ભમરાળી ફિલ્મ એણે જ પ્રોડયુસ કરેલી!
                                               0 0 0 

ભિષેક પરથી યાદ આવ્યું કે સૈફ અલી ખાને હમણાં એક ઇન્ટરવ્યૂમાં એનાં વખાણ કર્યાં. સૈફ કહે, "હું અને કરીના કરિયરના શિખર પર છીએ તો પણ લગ્ન કરવામાં વાર ન લગાડી. અમારાં સિવાય એકમાત્ર અભિષેક અને ઐશ્વર્યા જ એવાં છે, જેણે ટોપ પર હોવા છતાં પરણવામાં વિલંબ નહોતો કર્યો." 
એક્સક્યુઝ મી! અભિષેક બચ્ચન 'ટોપ' પર ક્યારે હતો? તમને ખબર પડે તો બો-બોને જરૂર જાણ કરજો. ચાલો ત્યારે, શુભ શુક્રવાર!       
                                                     0 0 0 

Tuesday, June 11, 2013

ટેક ઓફ: બેકપેકર્સ - અલ્લડ થઈને ફરવા માટે એક મિજાજ જોઈએ!


Sandesh - Ardh Saptahik purti - 12 June 2013
Column: ટેક ઓફ
આ વિદેશી યંગસ્ટર્સ પાંચ-છ મહિના કમાઈને બાકીના મહિનાઓમાં ખભે થેલો ચડાવીને અડધી દુનિયા જોઈ આવે છે. સસ્તામાં સસ્તી જગ્યાઓ પર કરકસરપૂર્વક રહેતા અને પોતાના લઘરવઘર દીદારની પરવા ન કરતા આ બેકપેકર્સ પ્રવાસીઓ તરીકે કદાચ વધારે ઓથેન્ટિક છે.

દયપુરના સિટી પેલેસમાં બાવીસ-પચીસ વર્ષની એક વિદેશી યુવતી હાથમાં કેમેરા લઈને ઘૂમી રહી છે. એણે ભારતીય શૈલીનાં સાદાં પણ લાલચટ્ટાક સલવાર-કમીઝ પહેર્યાં છે. ફરતાં ફરતાં વચ્ચે વચ્ચે તમારી સામે નજર પડે ત્યારે એ હૂંફાળું, મૈત્રીભર્યું સ્મિત કરી લે છે. તમારી પત્ની નોંધે છે કે આ છોકરી ગ્રૂપમાં નથી આવી,એકલી જ છે. પત્ની એની સાથે સ્ત્રીસહજ ઔપચારિક વાતચીત શરૂ કરે છે. યુવતી અમેરિકન છે, એનું નામ છે આઝાદે. એ સિએટલ શહેરમાં રહે છે. એણે હજુ સુધી ન્યૂ યોર્ક જોયું નથી, પણ ભારત સહિત એશિયાના કેટલાક દેશો જોવાની એને ભારે હોંશ છે. એ કહે છે, ન્યૂ યોર્કનું મને જરાય આકર્ષણ નથી. આઝાદે ઘર છોડયું એને અત્યારે ત્રીજો મહિનો ચાલે છે. તમારી પત્ની એને આમંત્રણ આપે છે, આજે અમે પણ ઉદયપુર ફરવાના છીએ, યુ કેન જોઈન અસ! આઝાદે તરત તૈયાર થઈ જાય છે. તે આખો દિવસ તમારા પરિવાર સાથે સાઇટ-સીઇંગ કરતી કરતી આનંદપૂર્વક વાતો કરતી રહે છે.
"હું અમેરિકન સૈન્યમાં કામ કરતી હતી-ક્રિપ્ટોગ્રાફિસ્ટ તરીકે." આઝાદે કહે છે, "મને અરેબિક ભાષા આવડે છે. હું ઇરાકમાં છ મહિના રહી આવી છું. મારા હસબન્ડ સાથે ઇરાકમાં જ મારો પરિચય થયો હતો." આઝાદે પરણેલી છે. પતિને ઘરે મૂકીને એ એકલી દુનિયા ઘૂમવા નીકળી પડી છે. "કેમ? એમાં શું? એ બિઝી હતો, મારી સાથે ટ્રાવેલ કરી શકે એમ નહોતો એટલે હું એકલી જ નીકળી પડી." આઝાદે સ્વાભાવિકતાથી કહે છે. રાજસ્થાનથી એ પછી ઉત્તર ભારત તરફ જવાની છે. તમે એને કહો છો કે મુંબઈ આવે ત્યારે હોટલમાં રહેવાની જરૂર નથી, તું અમારી મહેમાન બની શકે છે. ચારેક અઠવાડિયાં પછી ખરેખર એનો ફોન આવે છે, "હાઈ! હું મુંબઈ આવી ગઈ છું, તમારા ઘરે આવુંને? પ્રવાસમાં એક કેનેડિયન સાથે મારી દોસ્તી થઈ ગઈ છે. એને પણ મારી સાથે લાવી શકું?" તમે કહો છો, શ્યોર! અને એ કોલાબાથી ટેક્સી કરીને તમારા આંટીઘૂંટીવાળા એડ્રેસ પર પહોંચી જાય છે. એની સાથે સ્ટીવ નામનો જે શરમાળ યહૂદી દોસ્ત છે એ તો છ મહિનાથી દુનિયા ખૂંદવા નીકળ્યો છે. ચારેક દિવસ સુધી બન્ને તમારા પરિવારના સદસ્ય બનીને મોજથી રહે છે, હરેફરે છે, રાંધવાના અખતરા પણ કરે છે. સામાનના નામે બન્નેની પાસે ફક્ત એક-એક બેકપેક જ છે.
આ બેકપેકર્સ છે, ટિપિકલ ટૂરિસ્ટો નહીં. 'બેકપેકર ટૂરિઝમ' નામની વસ્તુ વિકસી ચૂકી છે. ફેન્સી હોટલ કે રિસોર્ટમાં ચેક-ઇન કરીને,એરકન્ડિશન્ડ કારમાં પ્રચલિત ટૂરિસ્ટ સ્પોર્ટ્સ પર ઊડતી મુલાકાત લઈને, પાછા હોટલ પર શરાબની સિપ લેતાં લેતાં સ્વિમિંગ પુલમાં છબછબિયાં કરીને પછી મોંઘું ડિનર લઈને ટીવી જોતાં જોતાં સૂઈ જવામાં એમને રસ નથી. તેમની પાસે આ બધા વૈભવ માટે પૈસા પણ હોતા નથી. તેઓ 'બજેટ ટ્રાવેલર્સ' છે. રહેવા-ખાવા-પીવામાં ખર્ચ કરવાને બદલે સસ્તામાં સસ્તી જગ્યાઓ પર કરકસરપૂર્વક રહીને આ વિદેશી યુવાન-યુવતીઓ વધુમાં વધુ સ્થળોએ ફરવાનો, જે-તે દેશની ભૂગોળ અને પ્રકૃતિને બને એટલા નજીકથી જોવાનો આશય ધરાવતાં હોય છે. સાઉથ મુંબઈમાં અમુક ડોરમેટરી જેવી 'હોસ્ટેલ' છે, જેમાં સુવિધાના નામે માત્ર બે માળિયા પલંગ જ હોય. આ બેકપેકર્સ આવી સસ્તી હોસ્ટેલ શોધી કાઢીને એમાં નિવાસ કરે છે. આ સ્માર્ટ ટ્રાવેલર્સ એક જ થેલામાં સમાય એટલો સામાન સમજી-વિચારીને ભરીને અડધી દુનિયા રખડી આવે છે. પોતે લઘરવઘર દેખાતા હોય તો એની એમને કોઈ પરવા હોતી નથી. આ બેકપેકર્સ કદાચ વધારે ઓથેન્ટિક પ્રવાસીઓ છે!

હિમાચલ પ્રદેશ જતી વખતે ટ્રેનના એસી કંપાર્ટમેન્ટમાં તમને આવું એક લઘરવઘર પણ તરવરિયું રશિયન કપલ મળી જાય છે. છોકરા-છોકરી બન્નેએ આઠેક વર્ષથી વાળ કપાવ્યા નથી. લાંબી સીંદરી જેવા વાળને તેમણે માથા પર જટાની જેમ બાંધી દીધા છે. મુંબઈ, ગોવા, હૈદરાબાદ, ઔરંગાબાદ, હેમ્પી (કર્ણાટકમાં આવેલા અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સ્થાન પામેલાં આ મંદિરોનાં નગર પ્રત્યે આપણને ખાસ આકર્ષણ નથી, પણ પશ્ચિમી બેકપેકર્સના લિસ્ટમાં હેમ્પી ટોચ પર હોય છે), કેરળ, વારાણસી, રાજસ્થાન તેઓ ઓલરેડી ફરી ચૂક્યાં છે. હવે તેઓ હિમાલયની પર્વતમાળામાં વસેલાં અફલાતૂન ટુરિસ્ટ સ્પોટ ધરમશાલા જઈ રહ્યાં છે. રશિયન યુવાનનું નામ એલન છે. એની મા ખ્રિસ્તી છે, પિતા મુસ્લિમ છે. "મને આ બન્ને ધર્મના કોન્સેપ્ટ ગમે છે, પણ હું એક પણ ધર્મ પાળતો નથી," એલન સરસ અંગ્રેજીમાં કહે છે, "હું મારો ધર્મ શોધી રહ્યો છું. છેલ્લાં પાંચ વર્ષથી અમે ઇન્ડિયા આવીએ છીએ. અહીં અમારા કેટલાય દોસ્તો છે." આ અપરિણીત યુગલને રશિયાનો કાતિલ શિયાળો પસંદ નથી, તેથી નવેમ્બરથી મે દરમિયાન તેઓ દેશ છોડીને નીકળી પડે,દુનિયા જુએ. સેન્ટ પીટ્સબર્ગમાં એમનો ફ્લેટ છે. જેટલા મહિના વિદેશ હોય એટલો સમય ફ્લેટ ભાડે આપી નાણાં ઊભાં કરી લે.
તમે મનાલીમાં નવ હજાર ફૂટની ઊંચાઈ પર એક ટ્રેકિંગ કેમ્પમાં છો, જ્યાં ભારતીયો લઘુમતીમાં છે. તમારી આસપાસ ટેન્ટ્સમાં યુવાન બ્રિટિશ, જર્મન અને ફ્રેન્ચ બેકપેકર્સ છે. પ્રવાસ દરમિયાન દોસ્ત બની ગયેલા આ જુવાનિયા આપસમાં ટ્રાવેલ ટિપ્સ એક્સચેન્જ કરશે, હિમાલયના બર્ફીલા પહાડો પર ટ્રેકિંગ કરશે, મનાલીથી લેહના અદ્ભુત પહાડી રસ્તા પર બાઇકિંગ કરશે,ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ કરશે, જિમ કોર્બેટના જંગલમાં રખડશે અને તાજમહાલનું માનવસર્જિત સૌંદર્ય જોઈને ચકિત થશે.

આ બેકપેકર્સ પેલા બેજવાબદાર ગંજેરી હિપ્પી જેવા નથી અને પૈસાવાદી તો બિલકુલ નથી. ડિગ્રી લઈને, ફટાફટ નોકરીએ ચડીને જોરદાર કરિયર બનાવવાના એમને ધખારા હોતા નથી. તેમને કદાચ ગોઠવાયેલી જિંદગી જીવવી નથી. જીવન પ્રત્યેનો તેમનો એપ્રોચ જુદો છે. તેમને દુનિયા જોવી છે, જુદી જુદી લોકસંસ્કૃતિઓ સમજવી છે. ઠરીઠામ થવાની ઉતાવળ કોને છે? તેઓ છ-આઠ મહિના કામ કરીને કમાઈ લેશે, બચત કરશે, પછી બાકીના મહિના ખભે થેલો ચડાવીને ફરવા ઊપડી જશે. ભારત જેવા દેશોમાં ફરવું તેમને ખૂબ સસ્તું પડે છે. અહીં એમનો રોજિંદો સરેરાશ ખર્ચ માંડ ૨૦થી ૩૦ ડોલર જેટલો આવે છે. ખિસ્સામાં હજાર ડોલર હોય તો પાંચ-છ અઠવાડિયાં આરામથી ખેંચી શકે છે. કમનસીબે આપણે આવું કરી શકતાં નથી. આપણે યુરોપ-અમેરિકા જવું હોય તો રૂપિયામાં કમાઈને ડોલરમાં ગુણાકાર કરતા રહેવું પડે. 
અલબત્ત, પૂરતા રૂપિયા હોય તોપણ આ રીતે અલ્લડ થઈને ફરવા માટે એક મિજાજ જોઈએ. આ બેકપેકર્સ પાસે ફરવાની કળા શીખવા જેવી છે, ખરેખર!                                 0 0 0 

Sunday, June 9, 2013

મલ્ટિપ્લેક્સ: અલવિદા, રિતુદા..


Sandesh - Sanskaar Purti - 9 June 2013
Column: મલ્ટિપ્લેક્સ
ઉત્કૃષ્ટ બંગાળી ફિલ્મમેકર ઋતુપર્ણો ઘોષના અણધાર્યા નિધને ભારતીય સિનેમાનાં સો વર્ષના સેલિબ્રેશન પર બ્રેક લગાવી દીધી છે. રિતુદાના સ્ત્રૈણ હાવભાવ, સ્ત્રૈણ ટાપટિપ,સેક્સ્યુઆલિટી બધું જ ભુલાઈ જશે. જે વસ્તુ યાદ રહેવાની છે એ છે એમનું નામ અને કામ, બસ.

ક મધ્યવયસ્ક સ્ત્રી છે. વનલતા એનું નામ. બાપડી દુખિયારી છે. જેની સાથે એનાં લગ્ન થવાનાં હતાં એ માણસનું એકાએક અપમૃત્યુ થઈ ગયું હતું. બસ, એ ક્ષણથી એના જીવનમાં પુરુષનું સ્થાન જાણે કમનસીબે લઈ લીધું. કોલકાતામાં એનું વિશાળ ઘર છે, જેમાં એ સાવ એકલવાયું જીવન ગાળે છે. ક્યાંય બહાર જવાનું નહીં, કોઈ ઘરે આવે નહીં. પણ એક વાર વનલતા પોતાના ઘરને એક ફિલ્મના શૂટિંગ માટે ભાડે આપવા તૈયાર થાય છે અને પરિસ્થિતિ નાટયાત્મક રીતે પલટે છે. અત્યાર સુધી જ્યાં કેવળ સૂનકાર છવાયેલો રહેતો હતો એ ઘરમાં હવે ચહલપહલ થઈ જાય છે. હિરોઈન સુદેષણા જેટલી ગ્લેમરસ સ્ત્રી છે એટલો જ ફિલ્મનો ડિરેક્ટર દીપાંકર ચાર્મિગ માણસ છે. શરૂઆતમાં તો વનલતા આ બધાથી બહુ અકળાય છે, પણ ધીમે ધીમે સ્માર્ટ દીપાંકર તરફ આકર્ષાવા લાગે છે. એ જાણે છે કે દીપાંકર પરિણીત છે, તો પણ. દીપાંકર પણ એને સામો પ્રતિસાદ આપતો રહે છે. વનલતાને ફિલ્મમાં નાનકડો રોલ સુધ્ધાં ઓફર કરે છે. વર્ષોથી શૂન્ય જીવન જીવી રહેલી વનલતા એકાએક ચેતનવંતી બની જાય છે. એક દિવસ શૂટિંગ પૂરું થાય છે. ફિલ્મનું યુનિટ માલસામાન સમેટીને જતું રહે છે. ઘર પાછું ખાલી થઈ જાય છે. ફરી પાછી એ જ ઘોર એકલતા અને એ જ વીંધી નાખતી ઉદાસી...
Bariwali

વર્ષો પહેલાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં આ 'બારીવાલી' નામની આ યાદગાર બંગાળી ફિલ્મ જોઈ હતી. બારી એટલે આપણી ભાષામાં કહીએ તો વાડી અથવા મોટું ઘર. બારીવાલી એટલે મોટા મકાનની માલિકણ. કિરણ ખેરે આ ટાઈટલ રોલ કર્યો હતો. ફિલ્મના રાઈટર-ડિરેક્ટર હતા ઋતુપર્ણો ઘોષ. ઘોષબાબુએ ૧૭ વર્ષની તેજસ્વી કરિયરમાં ૨૧ ફિલ્મો બનાવી અને 'બારીવાલી' એમાંની ચોથી ફિલ્મ. ફિલ્મોનો આંકડો ઘણો આગળ વધી શક્યો હોત, જો ૪૯ વર્ષની કાચી ઉંમરે એમના આયુષ્ય પર અણધાર્યું પૂર્ણવિરામ મુકાઈ ગયું ન હોત તો. ૩૦મી મેએ એમને અચાનક મેસિવ હાર્ટ એટેક આવી ગયો. આંતરરાષ્ટ્રીય કક્ષા પર છાતી કાઢીને ઊભી રહેતી ફિલ્મો બનાવતા રિતુદાનું જીવન અને કર્મ બન્ને અધૂરાં રહી ગયાં.

હિન્દી ફિલ્મો જોતાં આમ દર્શકો ઋતુપર્ણો ઘોષના કામથી ખાસ પરિચિત કે પ્રભાવિત નથી, કેમ કે એમણે હિન્દીમાં બનાવેલી એક જ ફિલ્મ રિલીઝ થઈ છે. તે છે ઐશ્વર્યા રાય અને અજય દેવગણને ચમકાવતી અને ઓ. હેનરીની વાર્તા પર આધારિત 'રેઈનકોટ' (૨૦૦૪). કેટલી અદ્ભુત ફિલ્મ. કોઈક કારણસર વિખૂટાં પડી ગયેલાં પ્રેમીઓ ઐશ્વર્યા અને અજય વર્ષો પછી મળે છે. ઐશ્વર્યાનાં લગ્ન થઈ ચૂક્યાં છે. એ એવું દેખાડવાની કોશિશ કરે છે કે પોતે બહુ ખુશ છે, સુખી છે, જીવનમાં કોઈ સમસ્યા નથી. હકીકત તદ્દન વિપરીત છે. ઐશ્વર્યાને બાપડીને ખાવાના સાંસાં છે. ઘરમાં હાલ્લાં કુસ્તી કરે છે. એ અજય માટે ખાવાનું લેવા બહાર જાય છે. પાછળથી મકાનમાલિક આવીને અજયને હકીકતની જાણ કરે છે. જો ઐશ્વર્યાનો વર ભાડું નહીં ભરે તો પતિ-પત્નીએ રસ્તા પર આવી જવં પડશે. કામની શોધમાં શહેર આવેલા બેકાર અજયનો જીવ કકળી ઊઠે છે. એ પોતાની પાસે જે કંઈ પૈસા હતા એ મકાનમાલિકને આપી દે છે. ઐશ્વર્યા પાછી આવે છે. પડીકાં ખોલીને અજયને જમાડે છે. અજય વિદાય લે છે ત્યારે ઐશ્વર્યા એને પોતાનો રેઈનકોટ આપી દે છેઃ 'બહાર વરસાદ છે, તું રાખ, નાહકનો પલળતો નહીં.' અજય દુઃખી થતો ચૂપચાપ નીકળી જાય છે. થોડી વાર પછી એ રેઈનકોટ પહેરીને ખિસ્સામાં હાથ નાખે છે તો એને સોનાની બે બંગડીઓ અને ચિઠ્ઠી મળે છે. ઐશ્વર્યાએ એમાં લખ્યું છેઃ "તું ભલે બોલતો નથી, પણ મને ખબર છે કે તું તકલીફમાં છે. મારો વર તો બહુ રૂપિયાવાળો છે. મારે ક્યાં દરદાગીનાનો તૂટો છે. તું આ સોનાની બંગડીઓ વેચી નાખજે. પૈસા રાખી લેજે. તને કામ આવશે." સચ્ચાઈ પર ઢાંકપિછોડા કરી રહેલાં બન્ને ભૂતપૂર્વ પ્રેમીઓ ભીષણ ગરીબીમાં પણ એકમેકની તકેદારી લેવાનું ચૂકતાં નથી. ઐશ્વર્યા રાયને કાયમ પ્લાસ્ટિકની પૂતળી... પ્લાસ્ટિકની પૂતળી... કહીને ધીબેડતા રહેતા લોકોએ 'રેઈનકોટ'માં એનો સંવેદનશીલ અભિનય જોવો જોઈએ.
માનવસંબંધોની સૂક્ષ્મતો તથા મનના, લાગણીઓના જટિલ આરોહ-અવરોહને અસરકારક રીતે રજૂ કરવામાં ઋતુપર્ણો ઘોષની માસ્ટરી હતી. સિનેમા એમનું પેશન પણ હતો અને અભિવ્યક્તિ પણ. અલબત્ત, પોતાના કામ પ્રત્યે ફક્ત ઝનૂન હોય એ પૂરતું નથી, શ્રેષ્ઠતા પામવા માટે છલોછલ પ્રતિભા પણ જોઈએ. રિતુદામાં આ બન્ને તત્ત્વોનું કોમ્બિનેશન થયું હતું. ફિલ્મી કલાકારો આખી જિંદગી ખર્ચી નાખે છે છતાં એક નેશનલ અવોર્ડ નસીબ થતો નથી, જ્યારે રિતુદાની બીજી જ ફિલ્મ 'ઉનીશે એપ્રિલ'એ બબ્બે નેશનલ અવોર્ડ જીતી લીધા હતા. એ વખતે રિતુદાની ઉંમર હતી ફક્ત ૩૧ વર્ષ. પછી તો નેશનલ એવોર્ડ્ઝની કતાર થઈ ગઈ. એમણે બાર-બાર રાષ્ટ્રીય પારિતોષિકો જીત્યાં. એમની ફિલ્મોમાં કામ કરનારાં અભિનેતા-અભિનેત્રીઓએ જીતેલાં નેશનલ એવોર્ડ્ઝ તો અલગ.
રિતુદાના પિતાજી ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર હતા. માતા પણ સિનેમા સાથે જ સંકળાયેલાં હતાં. આથી મોટા થઈને કરિયરની પસંદગીની બાબતમાં મૂંઝાવાનો સવાલ જ નહોતો. સત્યજિત રાય, ઋત્વિક ઘટક, મૃણાલ સેન અને તપન સેનથી અંજાયેલા રિતુદાએ એમની પરંપરાને ઉત્તમ રીતે આગળ વધારી. સિનેમાના મામલામાં ખૂબ જ્ઞાની માણસ હતા રિતુદા. સેટ પર એ કોઈની સાથે ચર્ચા કરતા હોય તો આસપાસ લોકો એમને સાંભળવા ઊભા રહી જતા. તેઓ ડિરેક્ટર ઉપરાંત લેખક અને એક્ટર પણ હતા. ફિલ્મના એકેએક પાસાનું કમાલનું ડિટેલિંગ કરતા.
Rituda with Amitabh Bachchan on the sets of Last Lear

તેમની ગે જીવનશૈલી ખાસ્સી ચર્ચાસ્પદ રહી. રિતુદાની 'મેમરીઝ ઓફ માર્ચ' અને 'ચિત્રાંગદા' જેવી પાછલી ફિલ્મોમાં સેક્સ્યુઅલ આઈડેન્ટિટીની થીમ ઉત્તરોત્તર સશક્ત બનતી ગઈ. તેમણે પોતાની સેક્સ્યુઆલિટીને છુપાવી નહીં, બલકે પોતાની ફિલ્મો થકી એને એક પ્રકારની ગરિમા આપવાની કોશિશ કરી. તેમના હાવભાવ અને અંગભંગિમાઓ સ્ત્રી જેવાં હતાં, પણ પોતે પુરુષના શરીરમાં સપડાઈ ગયેલી સ્ત્રી છે એવી લાગણી એમને કદી થઈ નહીં. તેઓ ક્રોસ-ડ્રેસર હતા. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં સ્ત્રીઓની જેમ સલવાર-કમીઝ-દુપટ્ટો ધારણ કરીને જતા, ચાંદલો અને આંજણ કરતા, ઘરેણાં પહેરતા. પોતે જે છે, જેવા છે એવા જ વ્યક્ત થવાની હિંમત એમણે દેખાડી ખરી, પણ એમની જાતીયતાએ એમને ખૂબ પીડા આપી, એમને એકલવાયા કરી મૂક્યા. ખાસ કરીને માતાના અવસાન પછી તેઓ ખૂબ એકલા પડી ગયા હતા. એક વાર એક બોલિવૂડ સુપરસ્ટારના ઘરે તેઓ મિટિંગ માટે ગયેલા. સુપરસ્ટારના દીકરાએ રિતુદાને સંભળાય એમ પૂછયું: "ડેડી, આમને હું રિતુઅંકલ કહું કે રિતુઆન્ટી?" એ વખતે તો રિતુદા મોટેથી હસી પડયા હતા, પણ અંદરખાને આ પ્રકારની ટિપ્પણીઓથી તેઓ ઘવાઈ જતા. સ્વાભાવિક છે. ખાસ કરીને બોલિવૂડના હીરો સાથે કામ કરતી વખતે એમને કોઈ ખોટાં સિગ્નલ ન મળે તે માટે રિતુદા બહુ જ સભાન રહેતા. એમની 'લાસ્ટ લિઅર'માં અમિતાભ બચ્ચન અને અર્જુન રામપાલે કામ કર્યું હતું. સાંજ પડતાં એ વહેલા શૂટિંગ પતાવી નાખતા. કોઈ હીરોની હોટલરૂમમાં ચર્ચા કરવા કે બીજા કોઈ કામ માટે તેઓ ક્યારેય જતા નહીં. 
રિતુદાની બીજી હિન્દી ફિલ્મ 'સનગ્લાસ'માં નસીરુદ્દીન શાહ, જયા બચ્ચન, કોંકણા સેન શર્મા અને માધવન જેવું અફલાતૂન કાસ્ટિંગ છે. આશા રાખીએ કે અભરાઈ પર ચડી ગયેલી આ ફિલ્મ વ્યવસ્થિત રીતે રિલીઝ થઈને આપણા સુધી પહોંચે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં રિતુપર્ણો ઘોષ એક સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયેલું નામ છે. એમના સ્ત્રૈણ હાવભાવ, સ્ત્રૈણ ટાપટિપ,સેક્સ્યુઆલિટી બધું જ ભુલાઈ જશે. જે વસ્તુ યાદ રહેવાની છે એ છે એમનું નામ અને કામ, બસ.
શો-સ્ટોપર

મને જીવનમાં એક જ અફસોસ રહી ગયો છે અને તે એ કે હું માધુરી દીક્ષિત સાથે કામ ન કરી શક્યો.
ઋતુપર્ણો ઘોષ 

Friday, June 7, 2013

Hollywood 100: The Seven Year Itch : ઊઈ અમ્મા ઊઈ અમ્મા... તૂ હૈ મેરી ફેન્ટસી!


Mumbai Samachar - Matinee supplement - 7 June 2013 


મેરિલીન મનરોમાં એવું તે શું દાટ્યું હતું? જો આ સવાલ તમારા મનમાં ખદબદ્યા કરતો હોય તો એનો જવાબ મેળવવા આ ફિલ્મ જોઈ લેવી.

Column: હોલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો 



 ફિલ્મ ૨૫ : ધ સેવન યર ઈચ 


ચ્ચીસ અઠવાડિયાથી લાગલગાટ ચાલી રહેલી ‘હોલીવૂડ હન્ડ્રેડ’ શૃંખલાની, ફિલ્મી ભાષામાં કહીએ તો, આજે સિલ્વર જ્યુબિલી છે. આ અવસર પર થોડી ઝાકઝમાળ તો થવી જોઈએ અને મેરિલીન મનરો કરતાં વધારે ઝાકઝમાળ બીજું કોણ કરી શકવાનું. આજે એની ‘ધ સેવન યર ઈચ’ ફિલ્મ વિશે વાત કરીશું. અહીં ‘ઈચ’ એટલે ઈ-એ-સી-એચ ઈચ (પ્રત્યેક) નહીં, પણ આઈ-ટી-સી-એચ ઈચ અર્થાત ખણ આવવી, ખુજલી થવી.

ફિલ્મમાં શું છે? 


આ એક અમેરિકન રોમેન્ટિક કોમેડી છે. રિચર્ડ શર્મન (ટોમ ઈવેલ) નામનો એડવર્ટાઈઝિંગની લાઈનમાં કામ કરતો એક મધ્યમવર્ગીય, મધ્યવયસ્ક આદમી છે. એને પત્ની છે, બચ્ચું છે. મિડલાઈફ ક્રાઈસિસમાંથી પસાર થઈ રહેલો રિચર્ડ પરિવારપ્રેમી છે અને પત્નીને સંપૂર્ણપણે વફાદાર છે. કમસે કમ અત્યાર સુધી તો ખરો જ. એક ઉનાળામાં ન્યુયોર્કની ગરમીથી બચવા પત્ની અને દીકરો બહારગામ જતાં રહે છે. ઘરે એકલો પડેલો રિચર્ડ પહેલી રાતે ટેસથી બાલ્કનીમાં રેડિયો સાંભળતો હોય છે ત્યાં ઉપલા માળેથી એક કૂંડું લગભગ એના માથાં પર પડતું પડતું રહી જાય છે. આ ગરબડ ઉપરના ફ્લેટ પર રહેવા આવેલી નવી પાડોશણે કરી હતી. સોરી... સોરી કહી રહેલી પાડોશણ (મેરિલીન મનરો) ભારે ઈન્ટરેસ્ંિટગ ઔરત છે - યુવાન, સેક્સી, માદક. રિચર્ડનો ગુસ્સો ગાયબ થઈ જાય છે. પાડોશીધર્મ નિભાવવા એ ક્ધયાને ડ્રિન્ક માટે આમંત્રણ આપે છે. આખી ફિલ્મમાં મેરિલીનનાં પાત્રનું અનામી રહે છે. એનો ઉલ્લેખ ‘ધ ગર્લ’ તરીકે થતો રહે છે. આપણે એેને પાડોશણ કહીશું. એનાં નખરાં જોઈને રિચર્ડના અરમાન જાગી ઉઠે છે. એ ખુદને અપરિણીત તરીકે ઓળખાવે છે. વાતવાતમાં પાડોશણનો હાથ પકડી લે છે અને બન્ને ભફાંગ કરતાં પિયાનોની બેન્ચ પરથી નીચે પટકાય છે. રિચર્ડ છોભીલો પડી જાય છે, પણ પાડોશણ કહે છે કે એમાં શું, આવું તો મારી સાથે હંમેશાં થતું રહે છે.



રિચર્ડ માટે ‘પત્ની પિયર લાઈન ક્લીઅર’ જેવો ઘાટ છે. વાઈફની ગેરહાજરીમાં પાડોશણ સાથેની એની નજદિકીયાં વધતી જાય છે. આ નજદિકીયાં જોકે અસલી કરતાં કાલ્પનિક વધારે છે.

રિચર્ડ મનોમન ઘોડા દોડાવતો રહે છે. પાડોશણ પર એના કહેવાતા ચાર્મની કોઈ અસર થતી નથી. પત્ની બહારગામથી ફોન પર ફોન કરતી રહે છે, પણ રિચર્ડભાઈને એમાં ક્યાંથી રસ હોય. એને ડર લાગે છે કે આ પાડોશણ મેનકાના પ્રલોભનને વશ થઈને એ ક્યાંક એક હી ભુલ ન કરી બેસે. એ માનસચિકિત્સકની મદદ સુધ્ધાં લે છે, પણ પરિસ્થિતિમાં કશો ફરક પડતો નથી. એની ફેન્ટસીઓ વધુ ને વધુ ‘વાઈલ્ડ’ બનતી જાય છે. ખેર, આખરે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. રિચર્ડની સાન ઠેકાણે આવે છે. કોઈ કાંડ કરી બેસે તે પહેલાં જ એ ડાહ્યોડમરો થઈને ન્યુયોર્ક છોડીને પત્ની-બચ્ચા પાસે પહોંચવા ટ્રેન પકડી લે છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ આ જ ટાઈટલ ધરાવતા બ્રોડવેના એક ત્રિઅંકી નાટક પરથી બની છે. ફિલ્મ બે બાબતો માટે યાદગાર બની ગઈ છે. એક તો, સિનેમાના ઈતિહાસમાં અવિસ્મરણીય બની ગયેલી મેરિલીન મનરોની પેલી ઈમેજ, જેમાં એ ખિલ-ખિલ કરતી બિન્દાસ ઊભી છે અને એનું સફેદ સ્કર્ટ હવામાં ઉડી રહ્યું છે. મેચિંગ અંત:વસ્ત્ર આખેઆખું દેખાઈ ન જાય એ માટે એણે આડો હાથ દઈ દીધો છે. મેરિલીનની આ અદાની આજ સુધીમાં અઢળક નકલ થઈ ચુકી છે. (યાદ કરો, ‘જો જીતા વહી સિકંદર’ની પૂજા બેદી.) બીજી વસ્તુ છે, ફિલ્મનું ટાઈટલ ‘ધ સેવન યર ઈચ’ જેને અંગ્રેજી ભાષામાં રુઢિપ્રયોગ કક્ષાની વ્યાપક સ્વીકૃતિ મળી ચૂકી છે. લગ્નજીવનમાં કે પ્રેમસંબંધમાં સાત વર્ષ જેવો લાંબો ગાળો પસાર થઈ જાય એટલે મનમાં ખુજલી ઉપડે, સાથી બોરિંગ લાગવા માંડે, મન ચંચળ થઈ જાય, નજર આમતેમ ભટકવા માંડે અને તક મળતાં જ થોડી-સી યા તો જ્યાદા બેવફાઈ કરવા માટે અધીરાઈ પેદા થઈ જાય. આ સ્થિતિને ‘સેવન યર ઈચ’ કહે છે. માનસચિકિત્સકો પણ આ શબ્દપ્રયોગ છૂટથી કરે છે. 


ફિલ્મના ડિરેક્ટર બિલી વાઈલ્ડર છે. ગયા સપ્તાહે જેની વાત કરેલી તે ‘સનસેટ બુલેવાર્ડ’ ફિલ્મ પણ એમણે જ બનાવેલી. ‘ધ સેવન યર ઈચ’ નાટક પરથી ફિલ્મમાં રુપાંતરણ કરતી વખતે પ્લોટમાં એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો. નાટકમાં હીરો અને પાડોસણ સહશયન કરે છે, જ્યારે ફિલ્મમાં નાયકને ફક્ત ફેન્ટસીમાં જ રાચતો બતાવ્યો છે. નાટકના નાયક ટોમ ઈવેલને જ ફિલ્મમાં મેરિલીનનો હીરો બનાવવામાં આવ્યો. નાટકના ૧૧૪૧ શોઝ થયા હતા. ફિલ્મ રિલીઝ થઈ એના બે મહિના પછી નાટક ક્લોઝ કરવામાં આવ્યું. 



આ ફિલ્મ સ્વીકારી તે વખતે મેરિલીન મનરો લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચી ચુકી હતી. પેલો ઊડતા સ્કર્ટવાળો સીન ન્યુયોર્કની એક સડક પર મોડી રાતે શૂટ કરવામાં આવેલો. મેરિલીનની આ મારકણી અદાનો નઝારો લેવા પ્રેસ ફોટોગ્રાફરો સહિત હજારો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. શૂટનો ઉદ્દેશ જ એ હતો- ફિલ્મની પબ્લિસિટી કરવાનો. મેરિલીનનો એ વખતનો પતિદેવ જા ડિમેગીઓ (જે જાણીતો બેઝબોલ સ્ટાર હતો) પણ શૂટ વખતે હાજર હતો. પોતાની પત્ની આ રીતે જાહેરમાં પેન્ટી દેખાઈ જાય એ રીતે સ્કર્ટ ઉડાડતી હોય અને લોકોનું ટોળું તે જોઈને સીટીઓ મારતું હોય ને ચિચિયારીઓ પાડતું હોય એ કયા પતિથી સહન થાય. શૂટ પછી પતિ-પત્ની વચ્ચે જોરદાર તૂ-તૂ-મૈં-મૈં થઈ ગઈ હતી. એક મહિના કરતાંય ઓછા સમયમાં બન્ને વચ્ચે ડિવોર્સ પણ થઈ ગયા.

જોકે ફિલ્મમાં જે શોટનો ઉપયોગ થયો છે એનું શૂટિંગ તો પાછળથી સેટ પર કરવામાં આવ્યું હતું. મેરિલીનનું ડિપ્રેશન આ ગાળામાં શરુ થઈ ચુક્યું હતું. શૂટિંગ દરમિયાન એ વારેવારે લાઈનો ભૂલી જતી. સ્કર્ટવાળો શોટ ઓકે કરાવવા એણે ચાળીસ જેટલા રીટેક્સ આપવા પડ્યા હતા. ‘ધ સેવન યર ઈચ’નું પ્રિમીયર યોજાયું ત્યારે મેરિલીનના ઉડતા સ્કર્ટવાળી અદાનું બાવન ફૂટ ઊંચાઈવાળું તોતિંગ કટ-આઉટ થિયેટરની ઉપર ગોઠવવામાં આવ્યું હતું. કમબખ્તી જુઓ કે ફિલ્મમાં જે સીન છે એમાં ઊડતા સ્કર્ટવાળી આખેઆખી મેરિલીન દેખાડાતી નથી.

સીન એવી રીતે એડિટ કરવામાં આવ્યો છે કે પહેલાં મેરિલીનના ખુલ્લા પગ દેખાય અને પછી રિએક્શન શોટસ આવે. મેરિલીનના આ વ્હાઈટ ડ્રેસની જૂન ૨૦૧૧માં લિલામી થઈ હતી. એક ચાહકે ૪.૬ મિલિયન ડોલર (વર્તમાન ભાવ પ્રમાણે લગભગ ૨૬ કરોડ કરતાંય વધારે રુપિયા) જેટલી અધધધ રકમ ચૂકવીને એ વર્ષોજૂનું કોસ્ચ્યુમ ખરીદી લીધું. આ એક વર્લ્ડ રેકોર્ડ છે.

‘ધ સેવન યર ઈચ’ રિલીઝ થતાં જ સુપરડુપર હિટ થઈ. ઓડિયન્સ ઉપરાંત સમીક્ષકાને પણ ફિલ્મ ગમી. મૂળ નાટક વધારે બોલ્ડ હતું, પણ સેન્સરના કડક નિયમોને કારણે ફિલ્મના સેક્સ્યુઅલ ક્ધટેન્ટને મંદ કરી નાખવું પડ્યું હતું. એમાંય આજની સેક્સ કોમેડીના ધારાધોરણ પ્રમાણે તો આ ફિલ્મ તદ્દન ફિક્કી લાગે. લોકોએ મેરિલીન મનરોનું નામ અસંખ્ય વખત સાંભળ્યું-વાંચ્યું હોય છે, પણ એની ફિલ્મો જોઈ હોતી નથી. જો તમારા મનમાં સવાલ ખદબદ્યા કરતો હોય કે મેરિલની મનરોમાં એવું તે શું દાટ્યું હતું, તો એનો જવાબ મેળવવા ‘ધ સેવન યર ઈચ’ જોઈ શકાય. તે સમરકંદ-બુખારા ઓવારી જવાનું મન થાય એવી ક્લાસિક ફિલ્મ નથી, તો પણ.                                                                                                         0 0 0


ફેક્ટ ફાઈલ 



* ડિરેક્ટર : બિલી વાઈલ્ડર 

* મૂળ નાટ્યલેખક : જ્યોર્જ એક્સલોર્ડ 
* સ્ક્રીનપ્લે: બિલી વાઈલ્ડર, જ્યોર્જ એક્સલોર્ડ 
* કલાકાર : મેરિલીન મનરો, ટોમ ઈવેલ 
* રિલીઝ ડેટ : ૩ જૂન ૧૯૫૫
 * મહત્ત્વના અવોર્ડઝ : ટોમ ઈવેલને બેસ્ટ એક્ટર - 
મોશન પિક્ચર મ્યુઝિકલ ઓર કોમેડી માટેનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ

Tuesday, June 4, 2013

ટેક ઓફ : એન્ડ ઈટ લાઈક બેકહમ!


Sandesh - Ardh Saptahik purti - 5 June 2013 
Column: ટેક ઓફ
"સંતાન ગમે એવડું ભડભાદર થઈ ગયું હોય તો'ય મા-બાપના ડિવોર્સ એને તોડી નાખે છે. એક વાતની મેં ગાંઠ વાળી લીધી છે કે હું જે માનસિક પીડામાંથી પસાર થયો છું એવી પીડાનો ભોગ મારાં સંતાનોને ક્યારેય નહીં બનવા દઉં. મારાં લગ્નજીવનમાં ડિવોર્સની સ્થિતિ હું ક્યારેય નહીં આવવા દઉં"



ઈંગ્લેન્ડના વિખ્યાત ફૂટબોલ પ્લેયર ડેવિડ બેકહમે થોડા દિવસો પહેલાં નિવૃત્તિ જાહેર કરી દીધી. હાઈ પ્રોફાઇલ સ્પોર્ટ્સમાં એક તબક્કે ખેલાડી ક્યારે અલવિદા કરશે તે વિશે અટકળો શરૃ થઈ જતી હોય છે. આ પ્રકારની ચર્ચા ક્યારેક ક્ષોભજનક બની જતી હોય છે. ખેલાડી અને તેની આસપાસ જે તેજવર્તુળ રચાયું હોય છે તે બન્ને માટે. સચીન તેંડુલકરના કિસ્સામાં આપણે આ સ્થિતિ જોઈ ચૂક્યા છીએ. પોતાની કરિયરના શિખર પર પહોંચી ચૂકેલા ૩૮ વર્ષના ડેવિડ બેકહમે શાલીનતાથી નિવૃત્તિનો મામલો હેન્ડલ કર્યો છે.
ડેવિડ બેકહમ એક ગ્લોબલ આઈકન છે. રોલમોડલ છે. ભલભલા સુપર સેલિબ્રિટીઓને સંકોચ થઈ આવે એવી ગ્લેમરસ એની લાઈફસ્ટાઇલ છે. ૨૦૦૭માં લોસ એન્જલસ ગેલેક્સી ટીમ સાથે જોડાઈને એણે ૨૫૦ મિલિયન પાઉન્ડ એટલે કે ૧૧ અબજ કરતાંય વધારે રૃપિયાનો પાંચ વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. બીજે જ વર્ષે 'ફોર્બ્સ' મેગેઝિને વિશ્વની સૌથી પાવરફુલ ૧૦૦ વ્યક્તિઓની યાદીમાં બેકહમને પાંચમા ક્રમે મૂકી દીધો. આવક, મીડિયા કવરેજ, ચાહકવર્ગ વગેરે જેવા માપદંડના આધારે પાવરફુલ સેલિબ્રિટીઓનું આ લિસ્ટ તૈયાર થતું હોય છે.
કુદરતે બેકહમને ભરપૂર પ્રતિભા ઉપરાંત હોલિવૂડના હીરો જેવું રૃપ આપ્યું છે. એ માત્ર એની રમતને કારણે નહીં, પણ એના સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે પણ જાણીતો છે. એ હેરસ્ટાઇલ બદલે તોપણ અખબારોમાં હેડલાઈન બને છે. 'તારે જમીં પર'માં આમિર ખાને સ્પાઈક્સ તરીકે ઓળખાતી વચ્ચેથી ઊભા વાળવાળી હેરસ્ટાઈલ રાખી હતી, જે આપણે ત્યાં હજુય ફેશનમાં છે. આ હેરસ્ટાઇલ મૂળ ડેવિડ બેકહમની છે. ડેવિડને હેરસ્ટાઇલ બદલ્યા કરવાના શોખનું એક કારણ એ છે કે એની મમ્મી સેન્ડ્રા હેરડ્રેસર છે. એકે સમયે સ્પાઈસ ગર્લ્સ તરીકે પાંચ છોકરીઓના પોપ ગ્રૂપે દુનિયાભરમાં ધૂમ મચાવી હતી. આ પાંચમાંની એક વિક્ટોરિયા સાથે બેકહમે લગ્ન કર્યાં એટલે એનો ગ્લેમર ક્વોશન્ટ ઔર ઊંચકાઈ ગયો. ડેવિડ-વિક્ટોરિયાએ ચાર બચ્ચાં પેદા કર્યાં. ત્રણ દીકરા, એક દીકરી. પશ્ચિમમાં જાતજાતના સર્વે થતા હોય છે, જેનાં પરિણામોમાં ડેવિડ બેકહમ સતત ચમકતો રહે છે. મીડિયાએ એને કેટલાંય બિરુદ આપ્યાં છે - બેસ્ટ મેલ બોડી, બેસ્ટ ડ્રેસ્ડ મેલ, મોસ્ટ પોપ્યુલર ડેડ, ધ સેક્સીએસ્ટ ડેડ વગેરે. ડેવિડ પારિવારિક મૂલ્યોમાં માનતો ઘરરખ્ખુ માણસ છે. ચિક્કાર સફળતા, ધનદોલત અને પ્રખ્યાતિ પછી પણ એણે સિગારેટનું વ્યસન પાળ્યું નથી. શરાબ ક્યારેક જ લે છે. આબરૃના ધજાગરા ઊડી જાય એવું વર્તન ક્યારેય કરતો નથી. ખાસ તો, ઈંગ્લેન્ડની જનતા એને એક આદર્શ પિતા તરીકે જુએ છે. મહત્ત્વની વાત એ છે કે આ માત્ર કાળજીપૂર્વક ઊભી કરેલી પબ્લિક ઇમેજ નથી.
David Beckham with his children

ડેવિડ બેકહમ પર એના પિતાની તીવ્ર અસર છે. પિતા ટેડ બેકહમ ખુદ ફૂટબોલના ખૂબ શોખીન હતા. એમને જોઈને નાનકડા ડેવિડને પણ ફૂટબોલથી રમવાનું મન થતું. એ હજુ ત્રણ વર્ષનો પણ થયો નહોતો ત્યારથી ટેડ બેકહમે એને ફૂટબોલ શીખવવાનું શરૃ કરી દીધું હતું. એ રસોડાનાં ઉપકરણોની મરમ્મત કરવાનું કામ કરતા. સાંજે ઘરે આવે પછી દીકરાને ઘરના પાછળના કમ્પાઉન્ડમાં ફૂટબોલ રમાડતા. ધીમે ધીમે નજીકમાં આવેલા પાર્કમાં કલાકોના કલાકો સુધી પ્રેક્ટિસ કરવાનું શરૃ કર્યું. નાનકડા ડેવિડની પિદૂડી નીકળી જતી, પણ પપ્પા એને બક્ષતા નહીં. આ જ બધું ડેવિડ બેકહમને આગળ જતાં ખૂબ કામ આવ્યું. ડેવિડ સ્કૂલમાં હતો ત્યારથી એની ફૂટબોલ પ્લેયર તરીકેની કરિયરનું જડબેસલાક પ્લાનિંગ ટેડ બેકહમે શરૃ કરી દીધું હતું.
ઘણાં હરખપદૂડાં મા-બાપો સંતાનો ધૂળ જેવી સિદ્ધિ મેળવે તો પણ ઘેલાં ઘેલાં થઈ જતાં હોય છે. આ પ્રકારનો અભિગમ એકધારો રહે તો લાંબા ગાળે સંતાનને નુકસાન થતું હોય છે. ટેડ બેકહમની વાત જુદી હતી. પ્રોફેશનલ ફૂટબોલર બની ગયા પછી ડેવિડ સરસ ગેમ રમે તોપણ ટેડ બેકહમ એને કહેતાં, 'તું સારું રમ્યો, પણ તોય તેં ફલાણી ફલાણી ભૂલો તો કરી જ.' એમાંય જો ડેવિડ ખરાબ પરફોર્મ કરે તો તો આવી જ બનતું. ટેડ બેકહમે દીકરામાં ક્યારેય હવા ભરાવા ન દીધી. એને સતત જમીન સાથે બાંધી રાખ્યો. પિતાની આંખમાં આવી જતી ચમક કે ક્યારેક એમના તરફથી મળી જતું વહાલભર્યું હળવું આલિંગન ડેવિડ માટે બહુ થઈ જતું. ટેડ બેકહમે પોતાના પનોતા પુત્ર પ્રત્યેના ગૌરવ અને હર્ષની સઘળી લાગણી વર્ષો પછી એક પુસ્તક લખીને એમાં ઠાલવી. પુસ્તકના શીર્ષકમાંથી જ કેટલો ગર્વ છલકાય છે - 'ડેવિડ બેકહમ - માય સન'!
David Beckham with his father

કમનસીબે પત્ની સાથેનો સંબંધ ટેડ બેકહેમ સફળતાપૂર્વક હેન્ડલ કરી શક્યા નથી. ૨૦૦૨માં સેન્ડ્રા અને ટેડ બેકહમે ડિવોર્સ માટે અરજી દાખલ કરી હતી. જોકે કોઈ પણ કારણસર છૂટાછેડા થયા નહીં. ડિવોર્સની અરજીનાં પાંચ વર્ષ બાદ ટેડ બેકહમને હાર્ટ એટેક આવ્યો. એ પછી પતિ-પત્ની પાછાં બુચ્ચા કરીને સાથે રહેવા લાગ્યાં. એક ઇન્ટરવ્યૂમાં ડેવિડ બેકહમ કહે છે, "મારાં મમ્મી-પપ્પા છૂટાં પડી રહ્યાં હતાં ત્યારે હું ૨૭ વર્ષનો હતો, સફળ થઈ ચૂક્યો હતો છતાંય મારાથી એ વાત સહન થઈ શકતી નહોતી. સંતાન ગમે એવડું ભડભાદર થઈ ગયું હોય તોય મા-બાપના ડિવોર્સ એને તોડી નાખે છે. એક વાતની મેં ત્યારે જ ગાંઠ વાળી લીધી હતી કે હું જે માનસિક પીડામાંથી પસાર થયો છું એવી પીડાનો ભોગ મારાં સંતાનોને ક્યારેય નહીં બનવા દઉં. મારાં લગ્નજીવનમાં ડિવોર્સની સ્થિતિ હું ક્યારેય નહીં આવવા દઉં."
જિદ્દી સ્વભાવ અને ગરમ મિજાજ ડેવિડને પિતા તરફથી મળ્યા છે. એનામાં રહેલો છલકતો વાત્સલ્યભાવ મમ્મીનો વારસો છે. દીકરો અબજોપતિ છે તોય મા-બાપ હજુય એ જ જૂના ઘરમાં અઢાર વર્ષથી રહે છે. સેન્ડ્રા હજુય કેશકર્તન કરે છે અને ટેડ બેકહમ હજુય રસોડાનાં ઉપકરણો રિપેર કરવા જાય છે. લેટેસ્ટ ન્યૂઝ એવા છે કે ટેડ અને સેન્ડ્રા બેકહમે ફરી પાછી ડિવોર્સની કાર્યવાહી શરૃ કરી છે.
 સંતાનો ક્યારેક વડીલો કરતાં વધારે ડાહ્યાં હોય છે!!                                           0 0 0 

Saturday, June 1, 2013

મલ્ટિપ્લેક્સ : ટુ મણિસર વિથ લવ


Sandesh - Sanskar Purti - 2 June 2013
મલ્ટિપ્લેક્સ 

હોલિવૂડની નકલ કર્યા વિનાગીત-સંગીત-ડાન્સ જેવાં ભારતીયોને સ્પર્શતાં તત્ત્વોને અકબંધ રાખીને અને ટેકનિકલ ઊંચાઈ હાંસલ કરીને અદ્ભુત ફિલ્મો કેવી રીતે બનાવી શકાય એ મણિ રત્નમે્ ફિલ્મમેકરોની એક આખી પેઢીને શીખવ્યું છે

ણિ રત્નમ્નો આજે હેપી બર્થ ડે છે. આજે એમણે ૫૭ વર્ષ પૂરાં કર્યાં. સિનેમાના રસિયાઓને મણિ રત્નમ્ એટલે કોણ એ સમજાવવાનું ન હોય. હિન્દી ફિલ્મ જોતાં દર્શકોને મણિ રત્નમ્નાં નામ અને કામથી સૌથી પહેલો પરિચય ૧૯૯૨માં રિલીઝ થયેલી 'રોજા' નામની ડબ્ડ ફિલ્મથી થયો. આપણને ચકિત કરી નાખ્યા હતા આ ફિલ્મે. શું સ્ટોરીટેલિંગ!, શું વિઝ્યુઅલ્સ!, શું સંગીત! ત્યાર બાદ એક પછી એક ફિલ્મો આવતી ગઈ - 'બોમ્બે', 'દિલ સે','સાથિયા', 'યુવા', 'ગુરુ', 'રાવણ'. આ તો કેવળ હિન્દી ઓડિયન્સે જોયેલી ફિલ્મો થઈ. દક્ષિણ ભારતીય ભાષાઓમાં બનેલી ફિલ્મોને ગણતરીમાં લઈએ તો અત્યાર સુધીની મણિ રત્નમે્ કુલ ૩૧ ફિલ્મો બનાવી. ૩૦ વર્ષની કરિયરમાં ૩૧ ફિલ્મો.


બારદ્વાજ રંગન નામના નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ક્રિટિક અને પત્રકારે મણિ રત્નમ્ની પ્રલંબ મુલાકાતો લઈને એક અફલાતૂન પુસ્તક લખ્યું  છે - 'કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ્'. મણિસરની છાપ આમ તો ઓછાબોલા માણસ તરીકેની છે, પણ આ પુસ્તક માટે એમણે મન મૂકીને પોતાની ફિલ્મો વિશે વાતો કરી છે. પ્રસ્તાવના એ.આર. રહેમાને લખી છે. આપણા માટે 'રોજા' ખરેખર તો ડબલ બોનાન્ઝા જેવી પુરવાર થઈ હતી, કારણ કે આ ફિલ્મ થકી પેન-ઇન્ડિયન ઓડિયન્સને મણિ રત્નમ્ ઉપરાંત એ. આર. રહેમાન નામની એક ઔર સુપર ટેલેન્ટ પણ મળી હતી.

રહેમાનની આ સૌથી પહેલી ફિલ્મ 'રોજા'નાં ગીતો બનાવ્યાં ત્યારે એમની ઉંમર માંડ ૨૬ વર્ષ હતી. અગાઉ તેમણે જિંગલ્સ બનાવ્યાં હતાં અને ડોક્યુમેન્ટરી ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતું. અત્યાર સુધી મણિ રત્નમ્ની બધી ફિલ્મોમાં લેજેન્ડ ગણાતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું. આ વખતે પહેલી વાર તેઓ બીજા કોઈ સંગીતકારને ટ્રાય કરી રહ્યા હતા. રહેમાન જેવા નવાનિશાળિયા માટે 'રોજા' બહુ મોટો બ્રેક હતો. 'પણ મારે બહુ હરખાઈ જવું નહોતું કે જેથી મારાં ગીતો નાપાસ કરીને મણિસર બીજા કોઈ મ્યુઝિક કમ્પોઝર પાસે જતાં રહે તો બહુ દુઃખી ન થવું પડે,' રહેમાન કહે છે, 'હું રિજેક્શન માટે પૂરેપૂરો તૈયાર હતો.'
Mani Ratnam with A.R. Rehman

સદ્ભાગ્યે એવું ન થયું. બન્નેની ક્રિએટિવ એનર્જી ગજબનાક પરિણામ લાવી. 'રોજા' થકી રહેમાન ફિલ્મસંગીતના ક્ષેત્રમાં બોમ્બની જેમ ફાટયા. પછી જે થયં તે ઇતિહાસ છે. રહેમાને લગભગ 'ગજિની' સુધીની પોતાની તમામ ફિલ્મોનાં ગીતો ફાઇનલાઇઝ કરતાં પહેલાં મણિસરને મોકલ્યાં છે. એક શિષ્ય પોતાના ગુરુ પાસે પોતાની કૃતિ મોકલતો હોય એમ. એ ગીતો અન્ય ફિલ્મમેકરો માટે બનાવ્યાં હોય તોપણ મણિ રત્નમ્ ધ્યાનથી ગીતો સાંભળે,પોતાનો અભિપ્રાય આપે. 'આવું સરસ ગીત તેં મને કેમ ન આપ્યું?' કહીને મીઠી મજાક કરે અથવા તો 'નહીં, આ ગીત જામતું નથી, તું વધારે સરસ કરી શકે એમ છે' એવી ટિપ્પણી કરીને આને બદલે આ ટ્રાય કર, પેલું ટ્રાય કર એમ કહીને સૂચનો કરે. મણિ રત્નમ્ સાથે કામ કરતાં કરતાં રહેમાન ઘણી નવી વાતો શીખતા જતા હતા. જેમ કે,આ બન્ને એક વાતે સહમત થયા હતા કે 'બોમ્બે' ફિલ્મમાં 'હમ્મા હમ્મા' પ્રકારનું જોશીલું ગીત ઉમેરવું જ પડશે, કેમ કે તો જ 'કહના હૈ ક્યા' જેવું સંવેદનશીલ ગીતને સંતુલન મળશે. ગીતોમાં વેરાઇટી હોય, જુદા જુદા શેડ્ઝનાં કમ્પોઝિશન્સ હોય તો જ આલબમ વધારે વેચાય.


'દિલ સે'માં મણિ રત્નમે્ ઔર એક ક્રિએટિવ ટેલેન્ટ સાથે કામ કર્યું - ગુલઝાર. આ વખતે મણિ રત્નમ્ પહેલી વાર ફિલ્મ સીધી હિન્દીમાં શૂટ કરી રહ્યા હતા. સંવાદો તમિલમાં લખાયા હતા. એનું વાયા અંગ્રેજી થઈને હિન્દીમાં અનુવાદ થતો. હિન્દીકરણ કરવાનું કામ કરનાર ઉત્સાહી યુવાનનું નામ હતું, તિગ્માંશુ ધુલિયા! 'રોજા' અને 'બોમ્બે'ની જેમ 'દિલ સે'નાં ગીતો પણ આપણાં ફેવરિટ છે. મણિરત્નમ્નું આ પર્સનલ ફેવરિટ આલબમ છે. 'તૂ હી તૂ સતરંગી રે' ગીત તૈયાર કરતી વખતે તેમણે સાંજે રહેમાનને પ્રેમના સાત તબક્કા વિશે વાત કરી. સવારે ધૂન રેડી હતી! ગુલઝાર પણ ચેન્નાઈમાં જ ડેરા-તંબુ તાણીને બેસી ગયા હતા. એમણે ટયૂન પરથી ગીતના શબ્દો લખ્યા. ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચે કેમિસ્ટ્રી જામે એટલે જાદુ થવાનો જ.

મણિ રત્નમ્ને હિન્દીના આજની તારીખેય ફાંફાં છે, પણ ફિલ્મો બનાવતી વખતે અપરિચિત ભાષા ક્યારેય અંતરાય બનતી નથી. તમિલભાષી મણિ રત્નમ્ની પહેલી જ ફિલ્મ 'પલ્લવી અનુ પલ્લવી' કન્નડમાં હતી, જેણે એવોડ્ર્સ જીત્યા. 'દિલ સે' વખતે પોતાને એક્ઝેક્ટલી શું જોઈએ છે તે ગુલઝાર સાથે વ્યવસ્થિત રીતે કમ્યુનિકેટ કરી લેતા હતા. જેમ કે, ફિલ્મમાં વિસ્ફોટક માહોલમાં એક લવસોંગ આવે છે. મણિ રત્નમ્ ઇચ્છતા હતા કે ગીતમાં પ્રેમની વાત ભલે હોય, પણ તે સીધેસીધી ન આવવી જોઈએ. ગીતની પેટર્ન સહેજ અસુરેખ અને એબ્સટ્રેક્ટ હોવી જોઈએ. ભારતીયાર નામના એક રાષ્ટ્રવાદી તમિલ કવિ છે. મણિરત્નમે્ એમની કેટલીક કવિતાઓનો હિન્દી-અંગ્રેજીમાં અનુવાદ કરીને ગુલઝારને સંભળાવ્યો અને કહ્યું કે મારે આવું કશુંક જોઈએ છે. ગુલઝારસાહેબે પછી ગીત લખ્યું અને રહેમાને તે કમ્પોઝ કર્યું. આ ગીત એટલે 'દિલ સે રે... દિલ સે રે'.
રહેમાને લતા મંગેશકર પાસે એક સરસ ગીત ગવડાવ્યું - 'જિયા જલે', જે પ્રીતિ ઝિન્ટા પર ફિલ્માવાયું. આખી 'દિલ સે' ફિલ્મમાં હળવું સેક્સ્યુઅલ એલિમેન્ટ આ એક જ ગીતમાં આવે છે. શબ્દો આમ તો સીધાસાદા છે, પણ રહેમાને આ હિન્દી ગીતમાં મલયાલમ કોરસ ઉમેરી દીધું. તેને લીધે ગીત અનકન્વેન્શનલ અને 'હટકે' બની ગયું. 'દિલ સે'નું સૌથી પહેલું રેકોર્ડ થયેલું ગીત જોકે 'છૈયા છૈયા' હતું, જે એની ટયૂન, શબ્દો અને વિઝ્યુઅલ્સ ત્રણેયને કારણે યાદગાર બની ગયું છે.

મણિરત્નમ્ની છેલ્લી અભિષેક-ઐશ્વર્યાવાળી હિન્દી ફિલ્મ 'રાવણ' ખાસ જામી નહોતી. એમની આગામી હિન્દી ફિલ્મ વિશે જુદી જુદી વાતો સંભળાય છે. એક રિપોર્ટ એવો છે કે એમની હવે પછીની ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત હશે અને 'રંગ દે બસંતી'ના લેખક રેન્સિલ ડી સિલ્વા તે ઓલરેડી લખી રહ્યા છે. બીજી વાત એવી છે કે મણિરત્નમ્ની નેક્સ્ટ હિન્દી ફિલ્મ એકતા કપૂર પ્રોડયુસ કરવાની છે. ખેર, નવી હિન્દી ફિલ્મ આવે ત્યારે ખરી. દરમિયાન મણિસરની સાઉથ ઇન્ડિયન ફિલ્મો સબટાઇલ્સના સહારે ડીવીડી પર માણવા જેવી છે.

શો-સ્ટોપર

લગ્ન પહેલાં હું  સાવ વેરવિખેર માણસ હતો. લગ્ન પછી ટ્વિન્કલે મને નાના બાબાની જેમ 'ઉછેર્યો' છે! 

–અક્ષયકુમાર .

આલ્પ્સના ડુંગરા નજીકથી પણ રળિયામણાં!


 ચિત્રલેખા - અંક તા. જૂન ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું 

Interlaken
                                                                                   
ગુજરાતના પા ભાગ કરતાંય ઓછો એરિયા ધરાવતા, ફક્ત ૭૮ લાખની વસતીવાળા તેમજ જર્મની, ઓસ્ટ્રિયા, લીચટેનસ્ટેન, ઈટલી અને ફ્રાન્સની વચ્ચે વસેલા સ્વિત્ઝરલેન્ડમાં એવું તે શું છે કે દુનિયાભરના પ્રવાસીઓનું એ દાયકાઓથી મોસ્ટ ફેવરિટ છે? આ સવાલનો વિસ્તૃત જવાબ એટલે આજનું પુસ્તક. લેખકબેલડી અઠંગ વિશ્વપ્રવાસી છે. દુનિયાભરના દેશોમાં ઘુમીને પછી એનાં ઝીણવટભર્યા વર્ણનો કરતાં પુસ્તકો લખવાની એમની ખૂબસૂરત આદત છે. સ્વિત્ઝરલેન્ડના ઈન્ટરલેકન નગરની હેરિટેજ હોટલમાં રોકાણ કરીને એમણે લગભગ આખો દેશ ખૂંદી નાખ્યો. પછી દેશ પાછા ફરીને આ પુસ્તક પર કામ કરવાનું શરુ કરી દીધું.

ડો. સુધીર શાહ લખે છે કે સ્વિત્ઝરલેન્ડ તમારી સામે તમારી તાસીર પ્રમાણે બધું જ પીરસશે. જો તમને ચિત્રકલામાં રસ હોય તો અહીં અપ્રતિમ દશ્યો જોવા મળશે. સંગીતકાર બનવાની ઉત્કંઠા હોય તો અહીંના ઝરણાં અને પંખીઓ પોતાના સ્વરો દ્વારા  તમને સંગીત શીખવશે. કાવ્યો રચવા હોય તો આખો દેશ એ માટે પ્રેરણા પૂરી પાડશે. આર્કિટેક્ચરમાં રસ હોય તો અહીં તમને વર્ષો જૂનાં અને ફ્યુચરિસ્ટિક ડિઝાઈનો ધરાવતાં કંઈકેટલાય આવાસો જોવા મળશે. તમને એડવન્ચર અને સ્પોર્ટસમાં રસ હોય તો એને લગતી એક્ટિવિટીઝ માટે તો આ દેશ પંકાયેલો છે. ખાવાના શોખીન હો તો જીનીવા અને ઝ્યુરિક તમારી સામે દુનિયાભરની વાનગીઓનો અન્નકોટ ધરી દેશે. પીવાના શોખીન હો તો જાતજાતનાં સ્વાદિષ્ટ, માદક તેમજ નિદોર્ષ પીણાં તમને તર-બ-તર કરી મળશે. ટૂંકમાં, તમે કોઈ પણ બાબતમાં રુચિ ધરાવતા હો, આ દેશ એને સંતોષવાની અદભુત ક્ષમતા ધરાવે છે. કદાચ એટલે જ આખા વિશ્વના ટુરિસ્ટો માટે આ નંબર વન દેશ છે!

હિમાલયના પર્વતોને જોતા આધ્યાત્મિક અનુભૂતિ થાય, જ્યારે આલ્પ્સ પ્રવાસીઓને રોમાંચનો અનુભવ કરાવે. ઘણા પરદેશીઓ સ્વતંત્રપણે  સ્વિત્ઝરલેન્ડના પ્રવાસે ગયા હોય ત્યારે અડધા દિવસો ઈન્ટરલેકનમાં અને અડધા દિવસો લ્યુઝેનમાં રહેવાનું પસંદ કરે છે, જેથી આલ્પ્સની તળેટીમાં બબ્બે તળાવોની વચ્ચે વસેલા શાંત નગરના માહોલ અને જાતજાતની પ્રવૃત્તિઓથી ધમધમતા લ્યુઝેન શહેર, એમ બન્ને પ્રકારના વાતાવરણનો અનુભવ થઈ શકે.

Zurich


ઝ્યુરિકના બેનહોફ સ્ટ્રેસ નામના રસ્તા પર જોકે લેખિકા સંગીતા જોશીને અલગ અનુભૂતિ થઈ. એમને અચાનક યાદ આવ્યું કે આ રસ્તાની નીચે આવેલા અન્ડરગ્રાઉન્ડ લોકરોમાં દેશ-પરદેશના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓે અને ધનિકોના કાળા નાણાં અને એના વડે ખરીદાયેલા ઝરઝવેરાત, હીરા-મોતી, સોના-ચાંદીની લગડીઓ અહીં સંગ્રહાયેલા પડ્યા છે. એ લખે છે:

‘એ રસ્તા પર પગ મૂકતા જ જાણે કે મને વીજળીનો આંચકો લાગ્યો. હું પણ જાણે અબજોપતિ હોઉં એવું ત્યાંની ધરતી ઉપર પગ ઠેરવતા મેં અનુભવ્યું. જો પગ નીચેની દોલત માણસને આવો અનુભવ કરાવી શકે તો એ મિલકત એના ખિસ્સામાં હોય તો તો એ એને શું નું શું કરાવી શકે?’ આટલું કહીને લેખિકા હળવેથી ઉમેરી દે છે કે, ‘અન્ના હજારે જો સ્વિત્ઝરલેન્ડમાં જન્મ્યા હોત તો આ બેનહોફ સ્ટ્રેસ પર બેસીને જ કાળાં નાણાં વિરુદ્ધ ભૂખ હડતાળ આદરી હોત!’

સ્વિત્ઝરલેન્ડને ભારતીયોમાં પોપ્યુલર બનાવનાર જો કોઈ હોય તો એ છે યશ ચોપડા! એમણે પોતાની બેનરની ફિલ્મોનું અહીંના આંખ ઠારે એવાં લોકેશન્સ પર ચિક્કાર શૂટિંગ કર્યું છે. ૨૦૧૧માં એમને એમ્બેસેડર ઓફ ઈન્ટરલેકન તરીકેનું બહુમાન આપવામાં આવ્યું હતું. અહીંના એક પાર્કમાં યશ ચોપડાના નામની રીતસર તકતી મૂકાઈ છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ને કારણે માઉન્ટ ટિટલિસ ભારતીય પ્રવાસીઓમાં સુપરહિટ થઈ ગયું છે. આ પર્વતની ટોચ પર શાહરુખ-કાજોલનું પૂર્ણકદનું કટ-આઉટ સુદ્ધાં જોવા મળે છે! પ્રવાસીઓને શિખર સુધી લઈ જતી દુનિયાની સૌપ્રથમ રિવોલ્વિંગ કેબલકાર અહીં શરુ થઈ હતી. માઉન્ટ ટિટલિસની તળેટીમાં આવેલું એંગલબર્ગ શહેર તમને બર્ફીલા ઈગ્લૂમાં રહેવાની સુવિધા પૂરી પાડે છે.

Mount Titlis

કેટલી બધી જગ્યાઓ અને કેટલી બધી વાતો. યુરોપનો સૌથી ઊંચો પર્વત ઝુંગફ્રુજો (ઝંગફ્રુ શબ્દનો અર્થ છે, જુવાન છોકરી), હાર્ડર કુલ્મ, બેલનબર્ગ ઓપનએર મ્યુઝિયમ, બ્રિન્ઝ તળાવ, બર્ફીલા ગ્લેશિયરની ટૂર કરાવતી ટ્રેનો, જીનીવા લેકમાં આવેલો ૧૪૦ મીટર ઊંચાઈ સુધી પાણી ફેંકતો જેટ ડ્યુ ફાઉન્ટન, સિનિક પ્લેટ નામની રમણીય જગ્યા અને એવું તો કેટલુંય.

લેખકબેલડી પાસે ફિલ્ડ રિપોર્ટિંગ કરી રહેલા પત્રકાર જેવો મિજાજ છે. પ્રવાસ કરતી વખતે તેમની આંખ, કાન, નાક (અને જીભ પણ!) સતત સતેજ રહે છે. જે-તે સ્થળનું વર્ણન કરતી વખતે પાક્કા આંકડા અને વિગતો ટાંકીને સ્થાનિક તેમજ ઐતિહાસિક સંદર્ભ સ્પષ્ટ કરતા જાય છે. દુનિયાના કેટલાય દેશોમાં ઘુમ્યા છે એટલે એમની પાસે તુલનાત્મક દષ્ટિકોણ છે. જેમ કે એક જગ્યાએ એ કહે છે કે અમેરિકામાં તો જો તમે ટિપ ન આપો તો વેઈટરો, ટેક્સીડ્રાઈવરો, ટૂરગાઈડો તમને હડધૂત કરે કે રીતસર ગાળો આપે એવું સુધ્ધાં બને છે! અમેરિકા અને સિવાયના કેટલાંક યુરોપિયન દેશોમાં લોકો ટિપને પોતાનો હક માને છે, પણ સ્વિત્ઝરલેન્ડમાં રેસ્ટોરાંમાં બિલ ચુકવતી વખતે ટિપ આપવાનો રિવાજ નથી.

લેખકબેલડીનાં પ્રવાસકથાનાં પુસ્તકોમાં વાચકને આંજી નાખવાનો નહીં પણ હંમેશાં પોતાના આનંદને અને રોમાંચને શેર કરવાનો એટિટયુડ હોય છે. સ્થળોની વાતો કરતાં કરતાં એમની વચ્ચે થઈ ગયેલી તૂ-તૂ-મૈં-મૈં અને રોમેન્ટિક ક્ષણોની વાતો પણ બિલકુલ સહજભાવે ટાંકતા જાય છે. તેને લીધે પુસ્તક વધારે જીવંત અને હલકુફૂલકું બન્યું છે. ચિક્કાર ઉપયોગી ટિપ્સ ધરાવતાં આ પુસ્તકનું લખાણ સાદગીભર્યું અને અત્યંત પ્રવાહી છે. કાળાં ધાબાં જેવી બ્લેક-એન્ડ-વ્હાઈટ તસવીરો લગભગ નિરર્થક બની રહે છે, પણ એની કસર ખૂબસૂરત કલર તસવીરો પૂરી કરી નાખે છે. વાચકમાં મીઠી ઈર્ષ્યા જગાવી દે, તેને આનંદિત, ઉત્તેજિત અને બેચેન કરી નાખે એવું મજાનું પુસ્તક.                                                                                                                0 0 0


આલ્પ્સના ખોળામાં 

લેખકો: સંગીતા જોશી - ડો. સુધીર શાહ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧, મુંબઈ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩
કિંમત:  ‚. ૨૫૦ /

પૃષ્ઠ: ૨૩૦