Wednesday, May 8, 2013

મડિયા શા માટે ઉમાશંકરથી નારાજ થયા?


 ચિત્રલેખા - અંક તા. ૬ મે ૨૦૧૩ 
                         
કોલમ: વાંચવા જેવું 





                                                                                   
Umashankar Joshi
માશંકર જોશીને એક વાર એક વિદ્યાર્થીનો કાગળ મળે છે. છોકરો આમ તો કોમર્સનો વિદ્યાર્થી છે, પણ સાહિત્યનો પ્રેમી છે. એનામાં મુગ્ધતા પણ છે, ઉત્સુકતા છે અને પાછો રોષ પણ છે. લખે છે:

‘તમારા ‘શ્રાવણી મેળો’ વાર્તાસંગ્રહનો આનંદ માણ્યો, પણ એ વાર્તાઓના આસ્વાદથી લોભાઈને બીજો સંગ્રહ વાંચવા લીધો ત્યારે ખૂબ નિરાશા સાંપડી. એટલી બધી કે સેક્ધડ હેન્ડ પુસ્તકોની દુકાનમાં ઝટઝટ એ વેચીને દોઢ રુપિયામાંથી અગિયાર આના પાછા મેળવી લીધા! હું વાર્તા લખવામાં રસ ધરાવું છું. સમય આપશો?’

આ આક્રમક છતાંય પ્રેમભૂખ્યો વિદ્યાર્થી એટલે ચૂનીલાલ મડિયા! આગળ જતા
Chunilal Madia
આ ‘છોકરો’ સાહિત્યનો કેટલો મોટો બંદો બન્યો તે આપણે જાણીએ છીએ. મડિયાનો આ મસ્તમજાનો પ્રસંગ - અને આવી તો કેટલીય વાતો - ખુદ ઉમાશંકર જોશીએ ‘મડિયારાજા’ નામના અફલાતૂન લેખમાં લખ્યો છે. આજના પુસ્તકમાં આવા કેટલાય સુંદર વ્યક્તિચિત્રો વીણી વીણીને એકત્રિત કરવામાં આવ્યા છે.

માણસને - પછી એ ગમે તે હોય, ગમે તેવો હોય - શબ્દોમાં પકડી શકાય? હા. આ પુસ્તકમાંથી પસાર થતા દઢપણે અનુભૂતિ થશે કે લખનારો જો શબ્દસ્વામી હોય તો ગણતરીના વાક્ય-લસરકાથી માણસનું જીવતું-ઘબકતું ચિત્ર ઊપસાવી શકે છે. અલબત્ત, આમ કરતી વખતે સંતુલન અને સમગ્રતા જાળવી રાખવાનું કામ સહેલું હોતું નથી. આ પ્રકારના લખાણની મજા એ છે કે જેના વિશે લખાયું છે તે વ્યક્તિ ઉપરાંત લેખકની ખુદની પર્સનાલિટીના અમુક રંગો સીધી કે આડકતરી રીતે વાચક સામે આવતા રહે છે. જેમ કે, કવિ દયારામ વિશેના નર્મદના લેખમાં આ બન્ને મહાનુભાવોના વ્યક્તિત્ત્વની ઝલક ભાવકને મળે છે. નર્મદ લખે છે:


Naarmad
‘કવિનો સ્વભાવ... મળતાવડો પણ પ્રસંગોપાત ઘણો જ ચીડિયો હતો - એટલો કે વખતેે જે પડ્યું હોય તે લઈને મારવાને ચૂકતો નહી. આકળો ઘણો હતો. કોઈ એને વિશે ખોટું બોલતું  તરત એ ચીડાઈ જતો ને સારું બોલતું તો ખુશ થતો... હું દયારામના ધર્મસંબંધી વિચારને બિલકુલ પસંદ નથી કરતો, હું એના ક્રોધી તથા અભિમાની સ્વભાવની દયા ખાઉં છઉં તોપણ એની દરદી કવિતાને અને એની તમામ કવિતાની ભાષાને વખાણું છઉં.’

સ્વામી આનંદ મુંબઈના એક તબેલાવાળાનું અદભુત શબ્દચિત્ર તૈયાર કર્યું છે. નામ એનું દાદો ગવળી. માવડિયું એટલે કે ગાયોની માવજત એ જ એનું જીવન. ઘરાકના વાસણમાં દૂધ ઠાલવતા ઠાલવતા એ બોલતા જાય:
                                                                                             
Swami Anand
‘કઈ માવડીનું દૂધ આવ્યું? આ તો મારી રઢિયાળીનું, આ તો મારી લાખેણીનું, આ આવ્યું મારી ભાગવંતીનું, આ સતવંતીનું, ચંદરણીનું, રુપેણીનું!... ખાઓ મારા બાપલા! ખાવ મારી માવડિયુંનું દૂધ, ને થાવ તાજા. મારી ભાગવંતિયુંનાં દૂધ એટલે શું સમઝો છ? બસ ઘર ને બહાર બધે તમારી બરકત જ બરકત.’ વચ્ચે વચ્ચે પાછા સૂચનાય આપતા જાય:

‘અલા જો છ કે? ઓલી સતવંતિયે પોદળો કર્યો. કાઢ ઝટ. ઈ તો માવડિયું કે’વાય, એકોએક.... કાઢ, કાઢ ઝટ પોદળો. તબેલા ને ગમાણ્યું બધાં કેવાં આભલા જેવા રેવા જોવે, રાત ને દી. હા, ઈમાં ફેર નો પડવો જોવે.’

વ્યક્તિચિત્ર દોરવાનું હોય એટલે જે-તે માણસની નકરી સારી સારી વાતો જ મધમીઠી જબાનમાં લખવી એવું કોણે કહ્યું. ૧૯૭૭માં વિનોદ ભટ્ટે એમની લાક્ષાણિક શૈલીમાં લાભશંકર ઠાકર વિશે લખ્યું હતું:

Labhshankar Thakar
‘આ લા.ઠા.ને હું લગભગ વીસ વર્ષથી જાણું છું. ઓળખું છું એવું નહીં કહી શકું. એવું તો કોઈપણ નહીં કહી શકે. ખુદ લા.ઠા. પણ નહીં. બહુ જ સૌમ્ય, રુજુહૃદયી, સ્નેહાળ, નમ્ર ને વિવેકી લા.ઠા.ને મેં જોયેલા. વિદ્યાર્થી અવસ્થામાં જ્યારે ઉદ્દંડ હોવું જોઈએ ત્યારે એ ઉંમરે તે શાંત ધીરગંભીર હતા. હવે ઠાવકા થવાની ઉંમરે પહોંચ્યા છે ત્યારે તોફાને ચડી જાય છે- ક્યારેક... આ   માણસ ક્યારે શું કરશે તે કહેવાય નહીં.  અનપ્રિડિક્ટેબલ. એક વાક્ય પૂરું કરે પછી બીજું વાક્ય ફલાણું જ આવશે એવું તમે છાતી ઠોકીને કહી ન શકો. ધરાર ખોટા પડો.’

વિનોદ ભટ્ટે દોેરેલા ખૂબ બધા સાહિત્યકારોના રમતિયાળ (અને જોખમી!) રેખાચિત્રો ખૂબ લોકપ્રિય બન્યા છે. આ પુસ્તકમાં માત્ર વ્યક્તિગત નહીં, પણ સંબંધગત ચિત્રો પણ છે. જેમ કે ઈશ્વર પેટલીકરે સાસુમા-ઈન-જનરલ વિશે લખ્યું છે. કહે છે, ‘માથી પરણાતું નથી એટલે છોકરાને પરણાવે છે. પણ એથી મૂરખો છોકરો વહુ પોતાની
Vinod Bhatt
સમજી બેસે છે - ને મૂરખી વહુ પણ પોતાના મૂળ ધણીને ઓળખ્યા વિના દેખાવ પૂરતા મંગળફેરા ફરનારને સાચમાચ પતિ માની લે છે ને ભવાટવીમાં ભૂલાં પડે છે. તેમાંય ‘પોતાનો છોકરો તો ડાહ્યોડમરો હતો પણ રાંડ વહુએ જ એને ભૂલો પાડ્યો’ એવી પાક્કી માન્યતાથી સાસુનો બધો રોષ વહુ ઉપર જ ઊતરે છે.’

સંપાદિકા ડો. પન્ના ત્રિવેદી પ્રસ્તાવનામાં યોગ્ય જ લખે છે કે આપણે ત્યાં કથાસાહિત્ય જેટલી ચર્ચા વ્યક્તિચિત્રો વિશે થઈ નથી. આ સાહિત્યપ્રકાર પ્રમાણમાં ઓછો ખેડાયેલો છે. આ પુસ્તકમાં બાવીસ લેખકોએ આલેખાયેલા કુલ ૩૬ રેખાચિત્રો સંગ્રહાયા છે. અહીં એક બાજુ મહારાજ સયાજીરાવ (લેખક ન્હાનાલાલ) અને મેઘાણી (ઉમાશંકર) છે તો સામી બાજુ, ચકલો ભગત (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ), કાલુ ગોળવાળો (પ્રફુલ્લ રાવલ) અને જીવો વણકર (મણિલાલ હ. પટેલ) પણ છે. આ બધાની વચ્ચે ‘શહેરની શેરી’ (જયંતિ દલાલ) સુંદર હોવા છતાંય મિસફિટ લાગે છે. જુદા જુદા કાળખંડમાંથી પસાર થતી ગુજરાતી ભાષાની કંઈકેટલીય આકર્ષક છટા આ પુસ્તકમાં ઝિલાઈ છે. પુસ્તકનું વાંચન ખૂબ સંતોષકારક અને આનંદપ્રદ પૂરવાર થાય છે તેનું સૌથી મોટું કારણ આ જ.

સાહિત્યના અઠંગ રસિયાઓ ઉપરાંત જેમને સામન્યપણે કેવળ નવલિકા અને નવલકથામાં જ રસ પડતો હોય છે તેવા વાચકોને પણ ચોક્કસપણે વાચવો ગમે તેવો સંગ્રહ.      


ગુજરાતી રેખાચિત્રો

સંપાદન: ડો. પન્ના ત્રિવેદી

પ્રકાશક: રન્નાદે પ્રકાશન, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૧ ૦૦૮૧, ૨૨૧૩ ૦૦૬૪
કિંમત:   ૩૩૫ /
પૃષ્ઠ: ૨૫૦

૦ ૦ ૦ 

Tuesday, May 7, 2013

હોલીવૂડ હંડ્રેડ: ૮ ૧/૨ : ઉફ્ફ... અબ મૈં ક્યા કરું?


 મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ  -  તા. ૮ મે ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

 ક્રિયેટિવ માણસનું દિમાગ આઈડિયાઝ પેદા કરવાનું એકાએક બંધ કરી દે તો? પોતે જે પ્રોજેક્ટ હાથમાં લીધો છે તેમાં કેવી રીતે આગળ વધવું તે કેમેય કરીને ન સૂઝે તો? ફેડરિકો ફેલિનીએ આ માસ્ટપીસમાં ‘ડિરેક્ટર્સ બ્લોક’થી પરેશાન થઈ ગયેલા એક ફિલ્મમેકરની વાત કરી છે.



ફિલ્મ નંબર ૨૧.  ૮ ૧/૨ (એઈટ એન્ડ  હાફ)

હાન ફિલ્મમેકર ફેડરિકો ફેલિની આજે પહેલી વાર ‘હોલીવૂડ હંડ્રેડ’ શૃંખલામાં એન્ટ્રી કરી રહ્યા છે.  આ સુપર ટેલેન્ટેડ  ઈટાલિયન ફિલ્મમેકર (જન્મ: ૧૯૩૦, મૃત્યુ: ૧૯૯૩)થી માત્ર દર્શકો અને સમીક્ષકો જ નહીં, બલકે ઈન્ગમાર બર્ગમેન, સ્ટેન્લી કુબ્રિક, માર્ટિન સ્કોર્સેઝી, વૂડી એલન, ત્રુફોં, બનાર્ડો બર્ટોલુસી જેવા દિગ્ગજ ડિરેક્ટરો સુધ્ધાં પ્રભાવિત થયા છે. વાસ્તવ અને કલ્પનાનું ગજબનું કોકટેલ હોય છે ફેલિનીની ફિલ્મોમાં. બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં પાંચ-પાંચ વખત ઓસ્કર અવોર્ડ જીતીને તેમણે ઈતિહાસ સર્જ્યો છે. આજે આપણે જેની વાત કરવાના છીએ તે  ‘૮ ૧/૨’ યા તો ‘એઈટ એન્ડ અ હાફ’ ફેલિનીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ઘણે અંશે આ એક આત્મકથનાત્મક ફિલ્મ છે. યાદ રહે, પહેલી વાર આ ફિલ્મ જોતી વખતે તમને ‘આહા! જલસો પડી રહ્યો છે...’ એવી લાગણી ન પણ જાગે. ઊલટાનું, શક્ય છે કે તમે ગૂંચવાઈ જાઓ, ફિલ્મ અઘરી લાગે, ‘કવિ’ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે તે સમજાય નહીં. ફેલિનીની ફિલ્મો આમેય ધીરજપૂર્વક જોવી પડે, એક કરતાં વધારે વખત જોવી પડે, એ માટેનો ટેસ્ટ કેળવવો પડે. પણ એક વાર ફેલિનીની શૈલી સાથે ટ્યુનિંગ થઈ જશે પછી એક જુદી જ અનુભૂતિ થયા વગર રહેશે નહીં. તો પેશ છે...

 ફિલ્મમાં શું છે? 

ગુઈડો અન્સેલ્મી (માર્સેલો મેસ્ટ્રોઈઆની) ૪૩ વર્ષનો સેલિબ્રિટી ફિલ્મમેકર છે. સિનેમાજગતમાં ગુઈડોનું બહુ મોટું નામ છે. એની છેલ્લી ફિલ્મ સુપરડુપર હિટ થઈ છે, પણ પ્રચંડ સફળતા પછીય એના જીવને નિરાંત નથી. એની સાથે કામ કરી ચુકેલા આર્ટિસ્ટો સતત પૃચ્છા કરી રહ્યા છે કે સર, વોટ નેકસ્ટ? કાસ્ટિંગ કરતા હો ત્યારે આપણને ભુલતા નહીં, હં. ઈવન ઓડિયન્સ અને વિવેચકો પણ ગુઈડોની હવે પછીની ફિલ્મની અધ્ધર જીવે રાહ જોઈને બેઠા છે. ગુઈડોએ એક સાયન્સ ફિક્શન પર કામ કરવાનું શરુ પણ કરી દીધું છે, પણ કોણ જાણે કેમ અચાનક એનું દિમાગ જાણે કે કામ કરતું બંધ થઈ ગયું છે. એની ક્રિયેટિવિટીને અણધાર્યાં તાળાં લાગી ગયાં છે. નવા આઈડિયાઝ સૂઝતા જ નથી. લેખકો જેમ ક્યારેક ‘રાઈટર્સ બ્લોક’ અનુભવતા હોય છે તેમ ગુઈડો ‘ડિરેક્ટર્સ બ્લોક’ અનુભવી રહ્યો છે.

ફિલ્મની શરુઆતમાં જ એક પ્રતીકાત્મક સિકવન્સ છે. કોઈ ટનલમાં સખ્ખત ટ્રાફિક જામ થઈ ગયો છે. ગુઈડો પોતાની કારમાં ગુંગળાઈ રહ્યો છે. એ શ્વાસ લઈ શકતો નથી. ઘાંઘો થઈને એ કાચ પર હાથ ઠોકતો બહાર નીકળવાનો મરણિયો પ્રયત્ન કરી રહ્યો છે. આજુબાજુનાં વાહનોમાં બેઠેલા લોકો નિર્લેપ નજરે એને ચુપચાપ જોઈ રહ્યા છે. પછી એકાએક ગુઈડો આકાશમાં ઉડવા માંડે છે. એના પગે દોરડું બાંધેલું છે જેનો બીજો છેડો નીચે જમીન પર ઊભેલા એના આસિસ્ટન્ટના હાથમાં છે. પતંગની દોર ખેંચતો હોય તેમ એ ગુઈડોને આકાશમાંથી જમીન પર ખેંચી લાવે છે. એક કલાકાર તરીકેની ગુઈડોની રુંધામણ આ સિકવન્સમાં આબાદ ઉપસી છે.



ગુઈડો અટકી પડ્યો છે એનું કારણ કદાચ એ છે કે તે સ્ક્રીન પર જૂઠ્ઠું બોલવા માગતો નથી. એની પર્સનલ લાઈફ પણ ગૂંચવાયેલી છે. આ બધી સમસ્યાઓથી છૂટવા તે થોડા દિવસો માટે શહેરથી દૂર એક રિસોર્ટ જેવી હોટલમાં ચેક-ઈન કરે છે. અહીં એને ભૂતકાળની - ખાસ તો બચપણની - યાદો ઘેરી વળે છે. એના ચિત્તમાં કંઈ કેટલીય ફેન્ટસીઓ આકાર લેવા માંડે છે. આ ફેન્ટસીમાં વાસ્તવિકતાની સેળભેળ થતી રહે છે. હોટલમાં એનો પ્રોડ્યુસર, રાઈટર, પત્ની, રખાત અને અભિનેત્રીઓ વગેરે આવી ગયાં છે, જે સતત ગુઈડોની આસપાસ ઘુમરાતાં રહે છે. પત્ની લુઈસા (એનોક એઈમી) સાથેનું લગ્નજીવન બંધિયાર થઈ ચૂક્યું છે. બન્ને વચ્ચે મિસકમ્યુનિકેશનના અને ગેરસમજણના ભયંકર પ્રોબ્લેમ્સ છે. રખાત કાર્લા (સેન્ડ્રા મિલો) ખરેખર તો ખીજ ચડે એવી વિચિત્ર બાઈ છે, પણ ગુઈડોનું પુરુષાતનને ભડકાવી મૂકવાની એનામાં આવડત છે. ગુઈડોને આશાનું કિરણ એકમાત્ર ક્લોડિયા (ક્લોડિયા કાર્ડિનેલ) નામની અભિનેત્રીમાં દેખાય છે.

સપનાં અને સચ્ચાઈની ઘમાચકડી ચાલતી રહે છે. ફિલ્મની એક ફેન્ટસી સિકવન્સમાં ગુઈડોના જીવનમાં આવેલી તમામ સ્ત્રીઓ એકસાથે દેખાય છે. જાણે જનાનખાનું જોઈ લો. કોઈ સ્ત્રી એને કરગરી રહી છે, કોઈ ગુસ્સો ઓકી રહી છે, કોઈ ગુઈડોનો બચાવ કરી રહી છે. ગુઈડો પછી ચાબૂક લઈને આ નારીવૃંદને ધીબેડવા લાગે છે. આ બધાં પ્રતીકાત્મક દશ્યો છે. ફેલિનીની ફિલ્મોમાં પડદા પર દેખાતી ઈમેજીસ હંમેશા ખૂબ પાવરફુલ હોય છે. ગુઈડો ખરેખર શું ઈચ્છે છે? આનો જવાબ છેલ્લેે આવે છે. એ કહે છે કે કોઈ હર્ટ ન થાય તે રીતે સત્ય કહેવાની તાકાત મને જોઈએ છે. ફિલ્મના અંતમાં ઉલ્લાસમય માહોલ રચાય છે. ગુઈડોના જીવનમાં આવેલા બધા જ મહત્ત્વના લોકો, એની આગલી ફિલ્મના કલાકારો વગેરે એકમેકનો હાથ પકડીને કતારમાં ડાન્સ કરતા દેખાય છે. ગુઈડોની ક્રિયેટિવ ક્રાઈસિસ કદાચ ખતમ થઈ રહી છે....

કથા પહેલાંની અને પછીની  




આ ફિલ્મ બનાવી ત્યારે ફેલિનીની ઉંમર ફિલ્મના નાયક જેટલી જ હતી - ૪૩ વર્ષ. તેઓ છ ફીચર ફિલ્મો, બે શોર્ટ ફિલ્મ્સ અને બીજા એક ડિરેક્ટરની સંગાથમાં ઓર એક પ્રોડક્શન કરી ચૂક્યા હતા. છેલ્લી ત્રણ આઈટમોને ગણીએ તો કુલ ડિરેક્ટોરિઅલ કામ થયું સાડા સાત. એમાં આ ફિલ્મ ઉમેરાઈ. તેથી ફિલ્મનું ટાઈટલ રાખવામાં આવ્યું ‘૮ ૧/૨’ એટલે કે સાડાઆઠ યા તો એઈટ-એન્ડ-અ-હાફ. ફિલ્મનું વર્કિંગ ટાઈટલ જોકે ‘ધ બ્યુટીફુલ confusion’ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફેલિની કેમેરાના કાચ પાસે એક ચીઠ્ઠી ચોંટાડી રાખતા, જેમાં લખ્યું હોય: ‘રિમેમ્બર, ધિસ ઈઝ અ કોમેડી ફિલ્મ’. ફાયનલ પ્રોડક્ટ જોકે કોમેડી ફિલ્મ જેવી જરાય નથી બની તે અલગ વાત છે. મેઈન હીરો તરીકે તેઓ લોરેન્સ ઓલિવિયરને લેવા માગતા હતા, પણ તેમનો મેળ ન પડ્યો એટલે માર્સેલો મેસ્ટ્રોઈઆનીને કાસ્ટ કર્યા, જે ફેલિનીની ઓર એક માસ્ટરપીસ ‘લા ડોલ્ચ વિતા’માં પણ હીરો રહી ચુક્યા હતા.

ફેલિનીએ આ ફિલ્મનો આઈડિયા સ્વાનુભાવ પરથી મળ્યો હતો. સ્ક્રિપ્ટ પૂરી લખાય તે પહેલાં જ કામ શરુ દેવાની ફેલિનીની આદત હતી. એક વાર બન્યું એવું કે કોઈ ફિલ્મના પ્રિ-પ્રોડક્શન દરમિયાન અચાનક તેઓ અટકી પડ્યા. બહુ મથ્યા પછીય તેમને યાદ જ ન આવ્યું કે આગળ શું કરવાનું વિચાર્યું હતું. દરમિયાન પોતાના કેમેરા ઓપરેટરની બર્થડે પાર્ટીમાં જવાનું થયું. આ પાર્ટીમાં એકદમ જ તેમને નવો આઈડિયા સૂઝ્યો: અત્યારે હું જે મૂંઝવણ અનુભવું છું તેના પર જ ફિલ્મ બનાવું તો? એમણે પ્રોડ્યુસરને વાત કરી. જૂનો પ્રોજેક્ટ પડતો મૂકાયો અને ક્રિયેટિવ બ્લોક અનુભવતા ડિરેક્ટરની થીમ પર નવેસરથી કામ શરુ થયું.

‘૮ ૧/૨’ રિલીઝ થતાં જ સૌએ એકીઅવાજે તેને વધાવી લીધી. કોઈએ ફેલિની માટે લખ્યું: ‘અ જીનિયસ પઝેસ્ડ ઓફ અ મેજિક ટચ’. ફિલ્મની એકેએક સિકવન્સમાંથી, એકેએક ફ્રેમ અને ડાયલોગમાંથી અર્થો તારવવાની સિનેમાપ્રેમીઓને તેમજ વિવેચકોને મજા પડી ગઈ. કોઈને આ ફિલ્મ એક બ્રિલિયન્ટ ઈમ્પ્રોવાઈઝેશન જેવી લાગી. ફેલિનીની સિનેમેટિક લેંગ્વેજ અને સિગ્નેચર સ્ટાઈલ આટલાં પ્રભાવશાળી  અગાઉ કદાચ ક્યારેય નહોતાં લાગ્યાં. મહત્ત્વના કહેવાય એવા ત્રણ-ચાર ટોચના રિવ્યુઅર્સને આ ફિલ્મ ‘ડિઝાસ્ટર’ લાગી એ વાત પણ સાચી. જોેકે સમયની સાથે નેગેટિવ રિવ્યુઝ અપ્રસ્તુત બની ગયા. ‘૮ ૧/૨’ એક માસ્ટરપીસ તરીકે વર્લ્ડ સિનેમાના ઈતિહાસમાં અંકિત થઈ ગઈ. આ ફિલ્મ ઢગલાબંધ અવોર્ડઝ તાણી ગઈ. ‘૮ ૧/૨’ની અસર હેઠળ પછી તો કેટલીય ફિલ્મો બની, પણ આજની તારીખેય ‘ફિલ્મ વિધિન ફિલ્મ’ થીમવાળી આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફેલિનીની ઓર એક માસ્ટરપીસ ‘લા ડોલ્ચ વિતા’ વિશે પણ વાત વિગતે કરીશું, પણ આવતા બુધવારે નહીં, ફરી ક્યારેક.

 ‘૮ ૧/૨’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર, વાર્તાકાર : ફેડરિકો ફેલિની
કલાકાર           : માર્સેલો મેસ્ટ્રોઈઆની, એનોક એઈમી, સેન્ડ્રા મિલો, ક્લોડિયા કાર્ડેનેલ
દેશ               : ઈટાલી
રિલીઝ ડેટ        : ૧૪ ફ્રેબ્રુઆરી ૧૯૬૩
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન (બ્લેક એન્ડ વ્હાઈટ) માટેના ઓસ્કર અવોર્ડઝ  ૦ ૦ ૦

ટેક ઓફ: ટાગોર અને વિક્ટોરિયા.... પ્રેમ, મૈત્રી, ઈગો, સર્જન!


Sandesh - Ardh Sapatahik Purti - 8 May 2013

કોલમ: ટેક ઓફ 

વયસ્ક પુરુષ અને ઉંમરમાં ખૂબ નાની સ્ત્રી વચ્ચેના સંબંધમાં કયાં ઈમોશનલ,ઈન્ટેલેક્ચુઅલ, ક્રિએટિવ, ફાયનાન્સિયલ અને સેક્સ્યુઅલ સમીકરણો કામ કરતાં હોય છે?

Rabindranath Tagore and Victoria Ocampo
જિંદગીમાં લવઅફેર મોડામાં મોડું કઈ ઉંમરે થઈ જવું જોઈએ? અને કઈ ઉંમરની સ્ત્રી સાથે? જો તમે મહાન પેઇન્ટર પાબ્લો પિકાસો હો તો ૭૩ વર્ષની ઉંમરે ૪૫ વર્ષ નાની મોડલ સાથે પ્રેમમાં પડી શકો છો. જો તમે નોબેલપ્રાઈઝ વિજેતા મહાન નેતા નેલ્સન મંડેલા હો તો ૨૭ વર્ષ નાની સ્ત્રીના પ્રેમમાં પડી ૮૦મા બર્થડે પર ત્રીજાં લગ્ન કરી શકો છો. મીડિયા મોગલ રૂપર્ટ મર્ડોકે ૩૨ વર્ષનાં લગ્નજીવન પછી ડિવોર્સ લઈને સત્તર જ દિવસમાં પોતાની આસિસ્ટન્ટ સાથે લગ્ન કરી લીધાં હતાં. બન્ને વચ્ચે વયમાં ૩૮ વર્ષનો ફર્ક હતો. ક્યાં ઈમોશનલ, ઈન્ટેલેક્ચુઅલ, ક્રિએટિવ, ફાયનાન્સિયલ અને સેક્સ્યુઅલ સમીકરણો કામ કરતાં હોય છે આ પ્રકારના સંબંધોમાં? અલબત્ત, જરૂરી નથી કે માત્ર કલાકારો કે સેલિબ્રિટીઓ જ પોતાના કરતાં વયમાં ઘણી નાની સ્ત્રીના પ્રેમમાં પડતા હોય છે ને પરણતા હોય છે. સ્ત્રીનું પોતાના પિતાના હમઉમ્ર પુરુષ પ્રત્યેના આકર્ષણનું મોટું કારણ સામાન્યપણે પાવર, પોઝિશન અને પરિપક્વતા હોવાનું. સામે પક્ષે પ્રેમથી છલકતી નાની સ્ત્રી આદમીમાં ચેતના ભરી દે છે, જાણે ચાબૂક વીંઝાઈ હોય તેમ એની બૌદ્ધિક અને ક્રિએટિવ ક્ષમતા સતર્ક થઈ જાય છે.   
રવીન્દ્રનાથ ટાગોર જીવતા હોત તો ગઈ કાલે, સાતમી મેએ, આપણે એમનો ૧૫૨મો બર્થ ડે ઊજવ્યો હોત. ૬૩ વર્ષની ઉંમરે તેમના જીવનમાં એક આર્જેન્ટિનિયન સ્ત્રી આવી હતી, વિક્ટોરિયા ઓકામ્પો, જે ૩૪ વર્ષની હતી. ટાગોરની પ્રચંડ પ્રતિભાથી પ્રભાવિત આ માનુની આર્જેન્ટિનામાં એમની યજમાન બની હતી. મૂળ આયોજન પ્રમાણે નદીકિનારે આવેલા એક આવાસમાં ટાગોર બે અઠવાડિયાં મહેમાન બનીને રહેવાના હતા, પણ રોકાણ બે મહિના સુધી ખેંચાયું - નવેમ્બર અને ડિસેમ્બર, ૧૯૨૪.

વિક્ટોરિયા સાથેની બે મહિનાની પ્રત્યક્ષ મૈત્રી પછી ટાગોર બીજાં સત્તર વર્ષ જીવ્યા. આ સમયગાળા પર વિક્ટોરિયાની દોસ્તીની મહેક વીંટળાયેલી રહી ઓક્સિજનના આવરણની જેમ. વિક્ટોરિયા ભારત કદી ન આવી પણ બન્ને વચ્ચે પત્રવ્યવહાર ચાલતો રહ્યો. ટાગોરના જીવનના અંતિમ તબક્કામાં વિક્ટોરિયા એક મહત્ત્વનું પ્રેરકબળ બની રહી. ટાગોરે પોતાની નવલકથા 'પૂરબી' વિક્ટોરિયાને અર્પણ કરી છે. કેતકી કુશારી ડાયસન નામનાં બ્રિટનમાં સ્થાયી થયેલાં બંગાળી લેખિકા-રિસર્ચરે પુષ્કળ મહેનત કરીને,આર્જેન્ટિનાના જે ઘરમાં ટાગોર - વિક્ટોરિયાની મૈત્રી જન્મી હતી એની મુલાકાત લઈને, બન્નેની રિલેશિનશિપ તેમજ પત્રવ્યવહાર પર 'ઇન યોર બ્લોસોમિંગ ફ્લાવર-ગાર્ડન' નામનું પુસ્તક લખ્યું છે. આ સિવાય એક બંગાળી પુસ્તક તેમજ 'ઓન ધ ટ્રાયલ ઓફ રવીન્દ્રનાથ ટાગોર એન્ડ વિક્ટોરિયા ઓકામ્પો' નામનો વિસ્તૃત લેખ લખ્યો પણ છે. ટાગોર-વિક્ટોરિયાના પત્રવ્યવહારના ચૂંટેલા અંશોનો ગુજરાતીમાં મહેશ દવેએ સરસ અનુવાદ કર્યો છે.
ટાગોર પ્રત્યેની વિક્ટોરિયાની ઉત્કટતા એટલી તીવ્ર હતી કે પોતાના મોંઘેરા મહેમાન બનેલા ગુરુદેવ સાથે દિવસનો મોટો ભાગ પસાર કરવા છતાં રાતે કે વહેલી સવારે એમને કાગળો લખતી. આવા એક પત્રમાં એ લખે છેઃ "તમારા આગમનના ઉલ્લાસે એવી તો ઉત્તેજના વ્યાપી છે કે રાતે હું જાગતી રહું છું અને દિવસે સપનાં જોયાં કરું છું. હરખની વર્ષાથી હૃદય ભરાઈ ગયું છે ને આશંકાથી ફફડી રહ્યું છે. મારો પ્રેમ એવો ગહન અને પાગલ છે, એવો સમજદાર ને નમ્ર છે કે તમારા માટે હું સાવ નકામી તો નહીં જ નીવડું. તમારા માટે કંઈક ને કંઈક કરતા રહેવું મને ગમે. તમે આવ્યા તે પહેલાં હું તમને ચાહતી હતી. તમે જશો પછી પણ તમને પ્રેમ કરતી રહીશ. એથી વિશેષ હું કરી પણ શું શકવાની?"

ટાગોર અને વિક્ટોરિયા વચ્ચેનો સંબંધ ફક્ત પ્લેટોનિક નહોતો. એક સીમારેખાની અંદર રહીને તેમાં શારીરિક અભિવ્યક્તિનું તત્ત્વ પણ સામેલ હતું. વિક્ટોરિયા સાથે ભેટો થયો તેનાં વીસ વર્ષ પહેલાં ગુરુદેવનાં પત્ની ગુજરી ચૂક્યાં હતાં. વિક્ટોરિયાનું લગ્નજીવન તૂટી ચૂક્યું હતું. ડિવોર્સ લેવામાં ધર્મ વચ્ચે આવી જતો હતો એટલે એ પતિથી અલગ ઘરમાં રહેતી હતી. ટાગોરની માફક વિક્ટોરિયા પણ ઉમરાવ પરિવારમાં જન્મી હતી. એ કેવળ ટાગોરની મુગ્ધ ચાહક ન હતી, એ વિદુષી હતી, લેખિકા હતી, ઉચ્છભ્રૂ સાહિત્યિક સામયિકની પ્રકાશક હતી. ક્રમશઃ તે પોતાના સમયની સૌથી નોંધપાત્ર લેટિન અમેરિકન મહિલા તરીકે ઉભરી.
એક કાગળમાં વિક્ટોરિયા કહે છેઃ "કોઈક માટેના અત્યંત તીવ્ર પ્રેમથી આપણે છલકાતા હોઈએ ત્યારે એ પ્રિયપાત્ર આપણા તરફ સ્નેહ વહાવતો હોય તોપણ તેના પ્રત્યે આપણે અંધ અને બધિર બની જઈએ તેમ બને. આપણા પોતાના સ્નેહભાવથી હૃદય એટલું બધું ભરાઈ ચૂક્યું હોય છે કે બીજાની લાગણી માટે જગ્યા રહેતી નથી. અન્યના પ્રેમની ઝંખનાનો અર્થ એટલો જ કે પ્રેમથી આપણે પૂરેપૂરા ભર્યાભર્યા નથી અને બાકી બચેલા ખાલીપાને ભરવા આપણે કોશિશ કરી રહ્યા છીએ. આપણી ખુદની પ્રીતિ પૂર્ણ હોય ત્યારે કશાયની જરૂર રહેતી નથી."
ટાગોર વિક્ટોરિયાને 'વિજયા' કહીને બોલાવતા. એક કાગળમાં ગુરુદેવે વિજયાને લખ્યું છેઃ "સંપૂર્ણ નમ્રતાથી જણાવું છું કે ઈશ્વરે મને જીવનના અનંત ચક્રમાં રઝળવા નથી મોકલ્યો, પણ એણે મને કોઈ ખાસ યોજના મુજબ મોકલ્યો છે, તેથી જ માનું છું કે તારો પ્રેમ કોઈક રીતે ઈશ્વરની યોજના પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તારી મૈત્રી અણધારી જ આવી. મારા સાચા તત્ત્વને તું પામીશ અને મારા જીવનનો ગૂઢાર્થ તું સમજીશ ત્યારે એ મૈત્રી પૂર્ણરૂપે પામીશ. નવી મૈત્રી થાય ત્યારે મને દહેશત થાય છે, પણ હું નિયતિનો સ્વીકાર કરું છું. તારામાં પણ તે નિયતિ પૂર્ણપણે સ્વીકારવાની હામ હોય તો આપણે જીવનભર મિત્રો બની રહીશું." 
એવું જ થયું. ૮ જૂન, ૧૯૪૦ના પત્રમાં વિક્ટોરિયા ઓકામ્પો લખે છેઃ "વહાલા ગુરુદેવ, આખો દિવસ તમને અને આપણે સાથે ગાળેલા સુખી દિવસોને યાદ કરું છું." આના જવાબમાં એક મહિના પછી ટાગોર લખે છેઃ "આટલા લાંબા સમય પછી પણ તું મને યાદ કરે છે એ મારા તરફની તારી મીઠી લાગણી છે. નિકટતા બંધાઈ હોય એવા મિત્રો માટે હૃદય તલસે છે. સમય જેમ જેમ વીતતો જાય છે તેમ તેમ સ્મરણોનું મૂલ્ય વધતું જાય છે."

૭૯ વર્ષે જો પુરુષનું હૃદય તલસાટ અનુભવી શકતું હોય તો એ જરૂર ભાગ્યશાળી છે. સ્ત્રીનો, એમાંય ઉંમરમાં ઘણી નાની સ્ત્રીનો પ્રેમ પુરુષના ઈગો માટે ગજબનાક ટોનિકનું કામ કરે છે. આહ્લાદક તૃપ્તિથી તર-બતર રહેતો પૌરુષિક અહમ આદમીને વધારે જિવાડી નાખે એમાં કશું આશ્ચર્ય ખરું?               0 0 0

Monday, May 6, 2013

મલ્ટિપ્લેક્સ : એકતા ક્પૂરમાં એવું તે શું છે?

Sandesh - Sanskaar - Sunday Supplement - 5 May 2013

મલ્ટિપ્લેક્સ 
સરખેસરખા આઠ-દસ ભેજાંબાજ માણસો સાથે મળીને કરે એટલું કામ એકલા હાથે કરવાનો સ્ટેમિના અને હાથમાં લીધેલાં કામ પાછળ પાગલની જેમ મચી પડવાની ભયાનક્ તાકાત એકતામાં છે. સાસ-બહૂ સિરિયલોને ગાળો આપવામાં એકતાની અસાધારણ કાર્યક્ષમતાની નોંધ લેવાનું ચૂકાઈ ગયું છે



હુ સહેલું હોય છે કોઈને ઉતારી પાડવું કે હસી કાઢવું. એમાંય એ માણસ સફળ હોય ત્યારે તો ખાસ. એ સકસેસફુલ વ્યક્તિ જો પરિચિત હોય યા તો પોતાનાં વર્તુળની હોય તો એની ઠેકડી ઉડાડતી વખતે એક પ્રકારની લઘુતાગ્રંથિ કે દ્વેષગ્રંથિ ડોકાઈ જતી હોય છે,પણ જો એ વ્યક્તિ જુદી જ દુનિયાની હોય કે સેલિબ્રિટી હોય ત્યારે દેખીતાં કે વ્યક્તિગત કારણ વગર લોકો એને ધીબેડી નાખતા હોય છે. એકતા કપૂરના કેસમાં આવું જ બન્યું છે. એકતા કપૂરે (કે બીજા કોઈએ) પ્રોડયુસ કરેલી સિરિયલોને ન ગમાડવી કે તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરવો એ કોઈ પણ દર્શકનો અધિકાર છે જ, પણ થયું છે એવું કે બાલાજીની હિરોઈનોના કપાળ પરના ચાંદલા અને એકનાં એક એક્સપ્રેશન્સને ગાળો દેવામાં લોકો એટલા બિઝી બિઝી થઈ ગયા કે એકતા કપૂરની વ્યક્તિ તરીકેની કાબેલિયત તરફ ધ્યાન આપવાની તસ્દી જ ન લીધી.
અત્યંત કઠિન છે ભારત જેવા વિરાટ દેશમાં ટીવી એન્ટરટેઈન્મેન્ટનાં સમીકરણો સપાટામાં બદલી નાખવાં. બહુ અઘરું છે ટેલિવિઝન જેવા અત્યંત સ્પર્ધાત્મક ક્ષેત્રમાં દાયકા સુધી એકચક્રી શાસન કરવું. આજે કોઈ પ્રોડયુસરનો માંડ એકાદ શો ટીવી પર ચાલતો હોય તો પણ એનાથી પહોંચી વળાતું નથી. એ હાંફી જાય છે, ઘાંઘો થઈ જાય છે. કલ્પના કરો કે એક સમયે એકતાના આઠઆઠ-દસદસ ડેઈલી શોઝ જુદી જુદી ચેનલો પર ધમધમતા હતા, ઊંચા ટીઆરપી લાવતા હતા. એકતા એકલે હાથે પોતાના તમામ શોઝનું ક્રિએટિવ કામકાજ સંભાળતી હતી. આ શોઝની બૌદ્ધિક કક્ષા ઊંચી નહોતી એ બીજા-ત્રીજા નંબરની વાત થઈ. મુદ્દો એ છે કે આ શોઝ અત્યંત સફળ હતા, દેશના લાખો લોકોને એન્ટરટેઈન કરતા હતા. આટલી બધી સિરિયલોનાં ઢગલાબંધ પાત્રોના કંઈકેટલાય ટ્રેક્સ એકલા હાથે ચલાવવા માટે ગજબનાક સ્ટેમિના જોઈએ. સરખેસરખા આઠ-દસ ભેજાંબાજ માણસો સાથે મળીને કરે એટલું કામ એકતા એકલા હાથે કરતી રહી. આ એકસ્ટ્રા-ઓર્ડિનરી,રિપીટ, એકસ્ટ્રા-ઓર્ડિનરી વાત છે. એકતામાં રાત-દિવસની પરવા કર્યા વગર એક પાગલની જેમ એકધારા કામ કરતા રહેવાની ભયાનક તાકાત છે. એની મેડનેસમાં ચોક્કસ મેથડ કામ કરતી હોય છે. સાસ-બહૂ સિરિયલોને ગાળો આપવામાં એકતાની અસાધારણ કાર્યક્ષમતાની નોંધ લેવાનું ચુકાઈ ગયું.


ખેર, એકતાએ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેણે પોતાની જાતને એક જુદી ભ્રમણકક્ષામાં મૂકી દીધી છે. ટેલિવિઝન-ક્વીનનો ખિતાબ પામેલી એકતા હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નિશ્ચિત સ્થાન બનાવવા માગે છે. શરૂઆતમાં ટીવી પ્રોડયુસર તરીકેની સફળતા ઊલટાની તેના માટે અવરોધરૂપ બની રહી. બોલિવૂડના લોકોએ લગભગ એવું જ માની લીધું કે એકતાને સાડીઓ અને જ્વેલરીમાં ખબર પડે, બહુ બહુ તો એ માથામેળ વગરના ફેમિલી ડ્રામા કરી જાણે, એને સિનેમામાં શું સમજ પડે? બાલાજીની પ્રારંભિક ફિલ્મો ('કૃષ્ણા કોટેજ', 'શઅઅઅ...' વગેરે) તદ્દન નબળી અને નગણ્ય પુરવાર થઈ એટલે એકતાને સિરિયસલી ન લેવાનું બોલિવૂડવાળાઓ માટે આસાન થઈ ગયું હતું. ફિલ્મી પરિવારનું ફરજંદ હોવાને લીધે એનાં કનેક્શન ખૂબ સારાં. હીરોલોગ પ્રોત્સાહન ખૂબ આપે, 'ના ના, તારે ફિલ્મો કરવી જ જોઈએ' એવું બોલેય ખરા, પણ એકતા ફિલ્મની ઓફર લઈને જાય તો આડાઅવળાં બહાનાં ધરીને ના પાડી દે. બોલિવૂડની 'બિગ બોય્ઝ ક્લબ'માં ઘૂસવું અઘરું પડી રહ્યું હતું એટલે એકતાએ 'ઓયે લકી! લકી ઓયે' અને 'ખોસલા કા ઘોંસલા' જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર દિબાકર બેનર્જી સાથે હાથ મિલાવીને 'લવ, સેક્સ ઔર ધૌખા' જેવી સાચા અર્થમાં હટકે કહી શકાય એવી ફિલ્મ બનાવી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકતાની ચડતી કળા આ ફિલ્મથી શરૂ થઈ.
જોકે, 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'નું કાસ્ટિંગમાં કરવામાં એકતાને તોય બહુ વાર લાગી હતી. સદ્ભાગ્યે એંસીના દાયકા જેવી સોલિડ ડાયલોગબાજી ધરાવતી આ ગેંગસ્ટર મૂવિ બોક્સઓફિસ પર હિટ થઈ. એકતાનો કોન્ફિડન્સ વધ્યો. તે પછી આવી 'ધ ડર્ટી પિક્ચર'. આ પ્રોજેક્ટ તો ઔર ચેલેન્જિંગ હતો. ઉત્સાહી સલાહકારોએ એકતાને ચેતવી હતીઃ એકતા, હિરોઈન-સેન્ટ્રિક ફિલ્મ બનાવવાનું રહેવા દે, ઊંધા મોંએ પછડાઈશ, પણ એકતાનું કન્વિક્શન મજબૂત હતું. 'ધ ડર્ટી પિક્ચર' બની અને આ ફિલ્મે બોલિવૂડમાં છાકો પાડી દીધો. આવા જોખમી વિષય પર સરસ ફિલ્મ બનાવવા બદલ એકતાને શાબાશી પણ મળી. 'વન્સ અપોન...' અને 'ધ ડર્ટી પિક્ચર'ની બેક-ટુ-બેક સફળતાને કારણે બોલિવૂડના બંધુઓએ એકતાને ફિલ્મ પ્રોડયુસર તરીકે ગંભીરતાથી લેવાનું આખરે શરૂ કરવું જ પડયું. ત્યારબાદ આવી 'એક થી ડાયન' અને હવે 'શૂટઆઉટ એટ વડાલા' રિલીઝ થઈ છે. એ પછીની ફિલ્મો પણ ઈન્ટ્રેસ્ટિંગ છે - 'લૂટેરા' (જેમાં અનુરાગ કશ્યપ કો-પ્રોડયુસર છે અને સુપર ટેલેન્ટેડ આદિત્ય મોટવાણેએ ફિલ્મ ડિરેક્ટ કરી છે), 'શાદી કે સાઈડ ઈફેક્ટસ પાર્ટ ટુ' (જેમાં વિદ્યા બાલન અને ફરહાન અખ્તરની ધમાકેદાર જોડી છે), 'વન્સ અપોન અ ટાઈમ પાર્ટ ટુ', 'રાગિણી એમએમએસ પાર્ટ ટુ' વગેરે.


"જુઓ, ટેલિવિઝન પર બાલાજીની મોનોપોલી ખતમ થઈ ગઈ હતી. અમારું પ્રોફિટ માર્જિન ઘટી ગયું હતું. કોઈ પણ નિર્માતાને આ ન જ પરવડે," એક ગ્લોસી મેગેઝિનને આપેલી મુલાકાતમાં એકતા કહે છે, "મારે મારી કંપનીમાં વેલ્યુ એડિશન કરવું જ પડે. તેથી મેં ફિલ્મોમાં ઝંપલાવ્યું. સાચું પૂછો તો ફિલ્મોમાં હું છેલ્લાં ત્રણ વર્ષથી જ પૂરેપૂરી ઈન્વોલ્વ્ડ છંું. મોટા પડદા પર પોઝિશન બનાવવા મારે મારું સર્વશ્રેષ્ઠ આપી છૂટવું છે. સિરિયલોમાં મને ઘણી મર્યાદાઓ નડતી હતી. ટીવી પર અમુક જ વસ્તુઓ બતાવી શકાય. અમુક બાબતોથી દૂર જ રહેવું પડે. ફિલ્મોમાં આવું કોઈ બંધન નડતું નથી."
તેથી જ સિરિયલોમાં હિરોઈનોને પગથી માથા સુધી ઢાંકી રાખીને પારિવારિક મૂલ્યોની વાતો કરતી એકતા ફિલ્મોમાં તદ્દન વિરુદ્ધ અંતિમ પર ઊભી રહીને સેક્સ, ક્રાઈમ અને હોરર જેવાં તત્ત્વોને એક્સપ્લોર કરી રહી છે. 'વન્સ અપોન...' અને 'ધ ડર્ટી પિક્ચર'જેવી પાવરફુલ ફિલ્મોની સાથે સાથે એણે 'ક્યા કૂલ હૈ હમ' જેવી વાહિયાત સેક્સ-કોમેડી બનાવીને દાટ પણ વાળ્યો છે. એના પ્રોજેક્ટસ જોકે દર વખતે ટિપિકલ કમર્શિયલ નથી હોતા. જેમ કે, 'ધ ડર્ટી પિક્ચર' ભયાનક રીતે ફ્લોપ જઈ શકી હોત.

 એકતા કહે છે,"એમ તો હું સ્માર્ટ પ્રોડયુસર છું. હું ત્રણ પ્રોજેક્ટસ એવા પસંદ કરીશ જેમાં મને પ્રોફિટ થાય કે જેથી ચોથા પ્રોજેક્ટ તરીકે ઓફબીટ ફિલ્મ બનાવી શકું. જોરદાર પેશન હોય એ જ કામ કરવું જોઈએ તે બરાબર છે, પણ સાથે સાથે પૈસા પણ જોઈએને! એકલા પેશનના સહારે જીવી શકાતું નથી. તમે બે-ત્રણ ગણી મહેનત કરો તો જ વચ્ચે વચ્ચે તમારું પેશન સંતોષાય એવા પ્રોજેક્ટસ હાથમાં લઈ શકો."
એકતાના ભયાનક ક્રોધી સ્વભાવ વિશે જાતજાતની વાત સંભળાય છે. એક બોસ તરીકે એ એક નંબરની ત્રાસવાદણ છે એવું પણ કહેવાય છે. હકીકત એ છે કે આ બધી જ વાતો સાચી છે!

 'પણ છેલ્લાં બે વર્ષમાં મારા સ્વભાવમાં ૭૦ ટકા જેટલો સુધારો થઈ ગયો છે." એકતા હસે છે, "ક્રોધી સ્વભાવનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે કે તમે ખોટા ન હો તો પણ તમારા વર્તાવને લીધે લોકો સામે ખોટા દેખાઓ છો. ગુસ્સાથી ફાટી પડવું એ એક પ્રકારની લાચારી અને અસહાયતાની નિશાની છે. એના કરતાં ચતુરાઈથી કામ શું કામ ન લેવું."
ચાલો, મોડું તો મોડું એકતાને બ્રહ્મજ્ઞાન લાધ્યું ખરું. એકતાના વ્યક્તિત્વમાં ખરેખર સમતા આવી હશે તો બોલિવૂડમાં ધાર્યાં નિશાન પાર પાડવાના ચાન્સ ઔર વધી જવાના.
શો-સ્ટોપર

શાહરૂખ ખાનમાં કશુંક તો અત્યંત પાવરફુલ કહી શકાય એવું તત્ત્વ હોવાનું જ. તો જ એ આજે જે પોઝિશન પર છે ત્યાં પહોંચ્યો હોયને! 

- અમિતાભ બચ્ચન 

Thursday, May 2, 2013

Cine Sandesh : ઇન્ડસ્ટ્રીની આંકડાબાજી


Sandesh - 3 May 2013 - Cine Sandesh 

લેખાંજોખાં 

વર્ષે અબજો રૂપિયાની ઊથલપાથલ કરી નાખતા ભારતીય સિનેઉદ્યોગનું કદ પરીકથાના રાજકુમારની જેમ સતત વધી રહ્યું છે. 

ભારતીય સિનેમાના ઇતિહાસમાં ૨૦૧૩ની સાલ ભારતીય સિનેમાના શતાબ્દી વર્ષ તરીકે નોંધાશે, તો સાથે સાથે ૨૦૦૧ની સાલ પણ એક સીમાચિહ્નરૂપ ઘટના માટે ખાસ ઉલ્લેખ પામશે. ૨૦૦૧માં મોશન પિક્ચર સેક્ટરને ભારત સરકારે મોડો તો મોડો પણ 'ઇન્ડસ્ટ્રી' અથવા તો 'ઉદ્યોગ'નો દરજ્જો આપ્યો ખરો. આ બહુ મોટી રાહત હતી ફિલ્મમેકર્સ માટે. હવે ફિલ્મો બનાવવા માટે તેમને સંસ્થાકીય ફાઇનાન્સ મળવાનું આસાન બની ગયું.
દુનિયામાં સૌથી વધારે ફિલ્મો ભારત બનાવે છે તે જાણીતી હકીકત છે. વર્ષેદહાડે ભારત અંદાજે ૧૨૦૦ ફુલલેન્થ ફીચર ફિલ્મો બનાવી નાખે છે. મતલબ કે દર મહિને ૧૦૦ ફિલ્મો અને રોજની સરેરાશ સવા ત્રણ ફિલ્મો! ધ્યાન રહે કે ભારતીય સિનેમા એટલે કેવળ બોલિવૂડ નથી. બોલિવૂડ યા તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વર્ષમાં ફક્ત ૨૦૦ ફિલ્મો જ બનાવે છે. ભારતમાં ગુજરાતી, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, ભોજપુરી વગેરે મળીને કુલ ૨૫ પ્રાદેશિક ભાષાઓમાં ફિલ્મો બને છે. ભારતમાં દર વર્ષે ફિલ્મોની ત્રણ અબજ જેટલી ટિકિટો વેચાય છે. જો ગ્લોબલ બોક્સઓફિસ રેવન્યૂ ધ્યાનમાં લઈએ તો ભારતીય સિનેમાનો ફાળો માંડ સાત ટકા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંદાજે ૧૯ લાખ લોકોને રોજીરોટી આપે છે.
ભારતીય સિનેમા ઉદ્યોગના આર્થિક કદ વિશે અલગ અલગ આંકડા ઉછળતા રહે છે. એક અંદાજ પ્રમાણે ૨૦૧૧માં ભારતીય સિનેઉદ્યોગનું આર્થિક કદ ૯૦ અબજ રૂપિયા જેટલું હતું. જો ફિક્કી અને અર્ન્સ્ટ એન્ડ યંગ એજન્સીના આંકડાને આધારભૂત ગણીએ તો ૯ ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથરેટ (સીએજીઆર) સાથે ૨૦૧૪ના અંત સુધીમાં ભારતીય સિનેઉદ્યોગનું આર્થિક કદ સંભવતઃ રૂ.૧૩૭ અબજને ઓળંગી જશે! આટલાં જંગી નાણાંનો કારભાર કરતું ક્ષેત્ર કાયદેસર રીતે ઇન્ડસ્ટ્રી બન્યું તે પહેલાં ઊભડક ધોરણે કામ કરતું હતું. ફિલ્મો બનાવવા માટે પૈસાનું રોકાણ યશરાજ બેનર જેવા મોટા સ્ટુડિયોના માલિકો ઉપરાંત પ્રાઇવેટ ફાઇનાન્સરો કરતા,હજુય કરે છે. બેન્કો ને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટયૂશન્સ ફિલ્મલાઇનને દૂરથી જ પ્રણામ કરી દેતી. આવી સ્થિતિમાં ફિલ્મલાઇનમાં કેટલી હદે કાળું નાણું ફરતું હશે તેની કલ્પના કરી જુઓ. મુંબઈના અન્ડરવર્લ્ડનો પૈસો પણ એક મોટો સ્ત્રોત બની ગયો હતો. કંઈકેટલાય નિર્માતા, ડિરેક્ટર્સ ને હીરો-હિરોઇનોએ અન્ડરવર્લ્ડનાં મોટાં માથાં સામે કુરનિશ બજાવવી પડતી એનું કારણ આ જ.


૧૯૯૫માં અમિતાભ બચ્ચન કોર્પો.લિ. (એબીસીએલ) સ્થાપીને બિગ બીએ કોર્પોરેટ કલ્ચર લાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાપડા ઊંધા માથે એવા પછડાયા હતા કે ઘા રુઝાતાં વર્ષો લાગી ગયાં. ૨૦૦૦ના દાયકાની શરૂઆત થયા પછી બોલિવૂડમાં કોર્પોરેટ કલ્ચરનો વિધિવત્ ઉદય થયો અને ચિત્ર બદલાવા માંડયું. ૨૦૦૩ સુધીમાં ૩૦ જેટલી ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ. મોટા હોલિવૂડ સ્ટુડિયો બોલિવૂડની ફિલ્મોમાં સહનિર્માતા બને તે ટ્રેન્ડ ૨૦૦૭માં સંજય લીલા ભણસાલીની 'સાંવરિયા'થી શરૂ થયો. કોલમ્બિયા ટ્રાઇસ્ટાર મોશન પિક્ચર્સ સ્ટુડિયો આ ફિલ્મનો કો-પ્રોડયુસર હતો. ૨૦૦૮માં વોલ્ટ ડિઝનીએ યશરાજ સાથે હાથ મિલાવીને પોતાની પહેલી હિન્દી ફિલ્મ બનાવી - 'રોડસાઇડ રોમિયો'. વોલ્ટ ડિઝનીએ કમલ હાસન સાથે બે તમિલ ફિલ્મો પણ બનાવી. ૨૦૦૯માં વોર્નર બ્રધર્સે રમેશ સિપ્પીની સાથે 'ચાંદની ચોક ટુ ચાઇના' પ્રોડયુસ કરી અને 'સાસ, બહૂ ઔર સેન્સેક્સ'નું ડિસ્ટ્રીબ્યુશન કર્યું. ખાટલે મોટી ખોડ એ થઈ કે આ ચારેય ફિલ્મો ફ્લોપ થઈ ગઈ. મોશન પિક્ચર્સ એસોસિયેશન (એશિયા-પેસિફિક)ના પ્રેસિડન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર માઇકલ એલિસે તે વખતે કહેલું, "જુઓ, કોઈ પણ વસ્તુની શરૂઆત થાય એટલે પ્રારંભિક સમસ્યાઓ તો સર્જાવાની જ. પહેલા જ પ્રયત્ને સફળતા મળી જાય તે જરૂરી થોડું છે? હોલિવૂડના સ્ટુડિયોઝ શીખી રહ્યા છે. કમ સે કમ આ ફિલ્મોને કારણે હોલિવૂડે ભારતીય ઇન્ડસ્ટ્રીમાં રસ લેવાનું શરૂ કર્યું છે એટલી તો સૌને ખબર પડી."
હોલિવૂડે ભારતમાં રસ લેવો જ પડે તેમ હતો. હોલિવૂડની અંગ્રેજી ફિલ્મો આંતરરાષ્ટ્રીય સ્તરે બોક્સઓફિસ પર જે કમાણી કરે છે તેમાંથી ભારતમાંથી કમાયેલાં નાણાંનો ફાળો માંડ સાતેક ટકા જેટલો જ હોય છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, જાપાન અને મેક્સિકોમાં હોલિવૂડનો શેર ચાલીસ-ચાલીસ ટકા જેટલો તોતિંગ હોય છે. હોલિવૂડને સમજાયું કે સરેરાશ ભારતીય દર્શકને દેશી ફિલ્મોમાં જ વધારે રસ પડે છે. હોલિવૂડના સ્ટુડિયો-માલિકોને એ પણ ભાન થયું કે સ્થાનિક કન્ટેન્ટ માટે સ્થાનિક નિર્માતાઓ સાથે હાથ મિલાવ્યા વગર ચાલવાનું નથી. હોલિવૂડે ભારતમાં નાણું તો ઠાલવ્યું, પણ ગરબડ એ થઈ ગઈ કે ફિલ્મોની પસંદગી કરવામાં તેઓ થાપ ખાઈ ગયા. જોકે પ્રારંભિક નિષ્ફળતાથી ગભરાયા વિના તેમણે યશરાજ, એક્સેલ, વિનોદ ચોપરા ફિલ્મ્સ વગેરે સાથે સંયુક્ત સાહસો કરવાનું ચાલુ રાખ્યું. આનાં સારાં પરિણામો આવ્યાં. આને કારણે હવે બોલિવૂડમાં પરિસ્થિતિ બદલાઈ જરૂર છે, પણ હોલિવૂડની કક્ષાનું કોર્પોરેટ કલ્ચર વિકસતા બહુ વાર લાગવાની છે.
ભારતમાં સૌથી પહેલું આધુનિક મલ્ટિપ્લેક્સ ૧૬ વર્ષ પહેલાં આવી ગયેલું. એ હતું નવી દિલ્હીના સાકેત વિસ્તારમાં શરૂ થયેલું પીવીઆર (પ્રિયા વિલેજ રોડ શો)નું મલ્ટિપ્લેક્સ. ૨૦૦૦ના દાયકામાં આઇનોક્સ, એડલેબ્સ, સિનેમેક્સ, ફન રિપબ્લિક, બિગ સિનેમાઝ જેવા કેટલાય ખેલાડીઓ આવ્યા અને ભારતમાં ફિલ્મ એક્ઝિબિશનનું ચિત્ર નાટયાત્મક રીતે બદલાવા માંડયું. થોડા મહિનાઓ પહેલાં પીવીઆરે મુંબઈસ્થિત કાણકિયા ફેમિલી પાસેથી ૩૯૫ કરોડ રૂપિયામાં સિનેમેક્સ ચેઇન ખરીદી લીધી. ફિલ્મી એક્ઝિબિશનના ક્ષેત્રમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે. પીવીઆર આજની તારીખે ૩૫૧ સ્ક્રીન્સ સાથે ભારતની નંબર વન મલ્ટિપ્લેક્સ ચેઇન છે.

ભારતમાં આજની તારીખે આશરે ૧૦,૫૦૦ જેટલાં સિંગલ સ્ક્રીન થિયેટરો છે. દાયકા પહેલાં આ આંકડો ૧૩,૭૦૦ હતો. મલ્ટિપ્લેક્સ અસોસિયેશન ઓફ ઇન્ડિયાની ગણતરી પ્રમાણે દેશમાં આજની તારીખે મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં કુલ ૯૦૦ સ્ક્રીન્સ ધમધમે છે. આવતા એપ્રિલ સુધીમાં આ આંકડો ૧૩૫૦ થઈ જશે એવો અંદાજ છે. 'ઓહોહો... આટલાં બધાં મલ્ટિપ્લેક્સ!' એવું તમને લાગતું હોય તો જાણી લો કે ભારત કરતાં અમેરિકાની વસ્તી કયાંય ઓછી છે, છતાંય એકલા યુએસએમાં ૫૦૦૦ મલ્ટિપ્લેક્સની ૪૦,૦૦૦ સ્ક્રીન્સ ધમધમે છે... અને આ ૨૦૧૦નો આંકડો છે. ભારતમાં ૧ લાખ લોકોદીઠ ૧ સ્ક્રીન છે, જ્યારે અમેરિકામાં ૧ લાખ લોકોદીઠ ૧૨ સ્ક્રીન્સ છે. આપણા કરતાં અમેરિકનો થિયેટરમાં જઈને ફિલ્મો જોવાના વધારે શોખીન છે!         000

Wednesday, May 1, 2013

ટેક ઓફ: બચપણમાં બધું જ ગુલાબી ગુલાબી નથી હોતું


Sandesh - Ardh Saptahik Purti - 1 May 2013

ટેક ઓફ 

બાળપણમાં જાતીય શોષણનો ભોગ બની ચૂકેલાં સ્ત્રી-પુરુષો પોતાની ગોઠવાઈ ગયેલી જિંદગીમાં, રમરમાટ વહેતા સમયની ગતિમાં નોર્મલ બનીને જીવતાં તો હોય છે પણ તેમનાં મન-હૃદય પર એક ડાઘ ચોક્કસ રહી ગયો હોય છે.


બિટ્ટુની ઉંમર હશે માંડ ચાર-સાડા ચાર વર્ષ. ક્યુટ, મીઠડો, પરાણે વહાલો લાગે એવો બાબલો. રોજ સવારે રંગીન કપડાં પહેરાવીને,બેગમાં મિકી માઉસવાળું ટિફિનબોક્સ ભરીને, ગળામાં વોટરબેગ લટકાવીને મમ્મી એને કિંડરગાર્ડન મૂકી સીધી પોતાની ઓફિસે નીકળી જાય. પપ્પા તો સવારે નીકળીને છેક મોડી સાંજે ઘરે આવે અને દાદીમાની તબિયત નરમગરમ રહ્યા કરે. બિટ્ટુને સ્કૂલેથી તેડવા જવાનો પ્રશ્ન ઊભો થવા લાગ્યો. બિલ્ડિંગના ગ્રાઉન્ડફ્લોર પર રહેતી સાઉથ ઈન્ડિયન આન્ટીના સત્તર-અઢાર વર્ષના દીકરા વિષ્ણુએ સામેથી ઓફર મૂકીઃ બિટ્ટુને સ્કૂલેથી હું લઈ આવીશ. બિટ્ટુનાં મમ્મી-પપ્પાને નિરાંત થઈ ગઈઃ હાશ. રાહુલ સિન્સિયર છોકરો છે. બિટ્ટુને સાચવીને લઈ આવશે. (આ લેખમાં ઉલ્લેખ પામેલાં બધાં નામ બદલાવી નાખવામાં આવ્યાં છે.) 
વિષ્ણુ બિટ્ટુને પોતાની બાઈક્ પર બેસાડીને તેડી આવે. ક્યારેક્ રસ્તામાં આઈસક્રીમ ખવડાવે. ઘરે આવીને પોતાનાં ક્મ્પ્યુટર પર વિડીયો ગેમ રમાડે. ક્યારેક્ પોતાની સાથે જમવા પણ બેસાડી દૃે. બિટ્ટુનાં મમ્મી-પપ્પા રાજી થતાં: આપણો બિટ્ટુ વિષ્ણુ સાથે ક્ેવો હળી ગયો છે, નહીં! તેમને ક્લ્પનાય ક્યાંથી હોય ક્યાંથી હોય કે વિષ્ણુ કમરો અંદરથી બંધ કરીને પોતાના માસૂમ બચ્ચા સાથે રોજ અકુદરતી સંબંધ બાંધે છે. બિટ્ટુ ગભરાતો, રડતો, 'દુખે છે... દુખે છે' કરતો પણ વિષ્ણુ એને પહેલાં ફોસલાવતો અને પછી આંખ લાલ કરીને ધમકાવતોઃ કોઈને કહેવાનું નહીં, હં! બિટ્ટુએ ક્યારેય કોઈને કશું કહ્યું નહીં. દોઢ વર્ષ પછી બિટ્ટુનું ફેમિલી બીજા એરિયામાં નવા ઘરે શિફ્ટ થયું ત્યાં સુધી આ સિલસિલો લાગલગાટ ચાલતો રહ્યો. બિટ્ટુ આજે પાંત્રીસ વર્ષનો છે. ભારે તકલીફ પછી એની પત્ની પ્રેગ્નન્ટ થઈ છે. નાનપણનો પેલો ઘટનાક્રમ હજુય એના મનમાં ક્યારેક ફૂંકાઈ જાય છે, શાંત કોલાહલ બનીને, અને એ ગમગીન થઈ જાય છે.
બીજો ક્સ્સિો.. સત્તાવીસ વર્ષની એક્ ટેલેન્ટેડ આર્ક્ટિેકટ યુવતી પોતાના ક્લીગ સાથે લવમેરેજ ક્રે છે. સરસ, ખુશહાલ ક્પલ છે, પણ બેડરુમના અંધક્ારમાં ક્યારેક્ પીડાદૃાયી પરિસ્થિતિ પેદૃા થઈ જાય છે.સમાગમની ક્ષણ નિકટ આવતાં જ યુવતી એકાએક ફફડી ઊઠે, ચીસ પાડી ઊઠે, પતિને ધક્કો મારીને દૂર હટાવી દે. પતિ સમજદાર છે. તે ગમ ખાઈ જાય, સમય સાચવી લે. તે જાણે છે કે પત્ની નાનપણમાં સેક્સ્યુઅલી એબ્યુઝ થઈ હતી પપ્પાના કઝીન દ્વારા.  પત્નીએ જ આ વાત શર ક્રી હતી એની સાથે. આખા પરિવારમાં એ અંક્લની છાપ ‘પ્રેમાળ અને હોશિયાર માણસની હતી. ક્ેટલું વહાલ ક્રતા બાળક્ોને. યુવતી સાત વર્ષની હતી ત્યારે વેકેશનમાં આ અંક્લના ઘરે રોક્ાવા ગઈ હતી. પાછી આવી ત્યારે દાયક્ાઓ સુધી ન રુઝાય એવો ઘા પોતાના ક્ુમળા મન પર લેતી આવી. યુવતી હવે મા બનવા માગતી નથી. અત્યાર સુધી ખૂબ સમતા રાખી ચૂકેલા પતિને આ વાત બિલકુલ સ્વીકાર્ય નથી. હસબન્ડ-વાઇફ વચ્ચે આ મુદ્દે વિકટ સમસ્યા ખડી થઈ ગઈ છે.

આજે દિલ્હીની પાંચ વર્ષની ગુડિયા અને મધ્યપ્રદેશની ચાર વર્ષની બાળકી પર થયેલી હેવાનિયતના સમાચારો વાંચતી કે સાંભળતી વખતે વેદનાથી આપણી આંખો બંધ થઈ જાય છે. આ બાળકીઓ પર જે સિતમ થયો એ તો આત્યંતિક કક્ષાનો હતો પણ આપણી આસપાસ બિટ્ટુ કે પેલી આર્કિટેક્ટ યુવતી જેવા અસંખ્ય લોકો છે જે બાળપણમાં કોઈ ને કોઈ સ્તરે સેક્સ્યુઅલ એબ્યુઝનો ભોગ જરૂર બન્યા છે. ગોઠવાઈ ગયેલી જિંદગીમાં, રમરમાટ વહેતા સમયની ગતિમાં તેઓ નોર્મલ બનીને જીવતાં હોય છે પણ તેમનાં મન-હૃદય પર એક ડાઘ ચોક્કસ રહી ગયો હોય છે. જો નસીબ સારું હોય તો અતીતનો એ ટુકડો અસરહીન થઈ ચૂક્યો હોય છે પણ જો ઘા ઊંડા હોય તો નાનપણની તે પીડાદાયી સ્મૃતિ વર્તમાનની સપાટી સુધી ખેંચાઈને ઉલ્કાપાત મચાવી શકતી હોય છે. આ વેદનાની સામે શરીર એક માયા છે, એક દિવસ તે નાશ પામવાનું છે, શરીર સાથે જે કંઈ થાય તેનો શું હરખશોક રાખવાનો. આવી બધી સૂફિયાણી ફિલોસોફી અર્થહીન અને અપ્રસ્તુત બની જાય છે.
મિનિસ્ટ્રી ઓફ વીમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટે પાંચેક વર્ષ પહેલાં કરેલું સર્વેક્ષણ કહે છે કે ભારતમાં ૫૩.૨૨ ટકા બાળકો, મતલબ કે દર બીજું બાળક,જેમાં છોકરી અને છોકરો બન્ને આવી ગયાં - સેક્સ્યુઅલ એબ્યુઝનો ભોગ બનેલું હોય છે. આપણે આંક્ડાબાજીમાં ન પડીએ તો પણ એ સત્ય છે ક્ે બાળક્ો પર થતાં જાતીય શોષણનું પ્રમાણે આપણે ધારીએ છીએ તેના ક્રતાં ભયજનક્ હદૃે વધારે છે.  સામાન્ય રીતે પોતાની સાથે નાનપણમાં જાતીય સિતમ થઈ ચૂક્યો છે એ હકીકત લોકો આત્મીયજનો સાથે પણ શેર કરી શકતા હોતા નથી, કારણ કે તેઓ એક તેઓ એક્ પ્રક્ારનું ગિલ્ટ અને શરમિંદગી અનુભવતા હોય છે.  તેમના વ્યક્તિત્વ પર આત્મવિશ્વાસનો અભાવ ઝળુંબતો હોય છે. તેઓ ક્યારેક લઘુતાગ્રંથિનો શિકાર બની જાય છે. વર્ષોનાં વર્ષો સુધી પીડા ઊંડે ઊંડે ભંડારી રાખે એટલે મન-હૃદય પરનો ભાર હળવો ન થાય અને ડિપ્રેશન આવી જાય, શૂન્યતા અનુભવાય, લાઈફસ્ટાઈલ બેફામ છૂટછાટવાળી બની જાય. આત્મઘાતી વૃત્તિ લબકારા મારવા લાગે એવું પણ બને.
ટેલિવિઝન પર્સનાલિટી ઓપ્રાહ વિન્ફ્રેનો ચેટ શો દુનિયાના ૧૪૫ દેશોમાં પ્રસારિત થાય છે. ગરીબ આફ્રિકન-અમેરિકન પરિવારમાં જન્મેલી ઓપ્રાહ બાળપણમાં સેક્સ્યુઅલ એબ્યુઝનો ભોગ બની ચૂકી છે એવું એણે સ્વયં જાહેરમાં ક્બૂલ્યું છે. વચ્ચે તેણે પોતાના શોમાં ૨૦૦ એવા પુરુષોને એકત્રિત કર્યા, જેમનું નાનપણમાં જાતીય શોષણ થઈ ચૂક્યું હોય. પુરુષો આવ્યા, પોતાની પત્ની કે પાર્ટનર સાથે, પરિવાર સાથે. આ રીતે જાહેરમાં આવવું એ પ્રત્યેક પુરુષ માટે મોટું પગલું હતું. હાજર રહેલા પુરુષોમાંથી ૮૦ ટકા આદમીઓએ એકરાર કર્યો કે પત્ની કે પાર્ટનર સાથે માનસિક-શારીરિક સ્તરે અંતરંગ સંબંધ વિકસાવવામાં એમણે સંઘર્ષ કરવો પડે છે.  લેખની શરુઆતમાં જેની વાત ક્રી છે તે આર્ક્ટિેકટ યુવતીની જેમ. 
સકસેસફુલ ક્રીઅર ધરાવતા યુવાને પોતાની વાત કે, ‘કેટલીય વાર એવું બને કે હું ડ્રાઈવ ક્રી રહ્યો હોઉં ને અચાનક્ એ જૂનું યાદૃ આવવા લાગે. મન એક્ાએક્ છલક્ાઈ જાય. મારે ક્ાર રસ્તાની સાઈડ પર પાર્ક્ ક્રી દૃેવી પડે. અને પછી હું ધ્રુસકે ને ધ્રુસકે રડું. આવું કે લીય વાર બનતું. આખરે મેં સારા સાઈક્ોલોજિક્લ ક્ાઉન્સેલરની મદૃદૃ લીધી. ધીમે ધીમે હું આ પીડામાંથી બહાર આવતો ગયો.'  

ચાઇલ્ડ એબ્યુઝ સાથે કેટલીક જૂઠી માન્યતાઓ પણ ફેલાયેલી છે. જેમ કે, જાતીય શોષણનો ભોગ બનેલો છોકરો મોટો થઈને હોમોસેક્સ્યુઅલ બની જાય છે અથવા તો જાતીય શોષણનો ભોગ બનેલો છોકરો પુખ્ત થયા પછી ખુદ બીજાં બાળકોને સેક્સ્યુઅલી એબ્યુઝ કરવા લાગે છે. મનોચિકિત્સકો આ થિયરીને નકારી કાઢે છે. તેઓ કહે છે કે સૌથી પહેલાં તો પોતાની જાત સાથે પ્રામાણિક બનો. ભૂતકાળથી દૂર ન ભાગો, એનો સ્વીકાર કરો. જેના પર પૂરેપૂરો ભરોસો હોય એવા આત્મીયજન સાથે જે કંઈ બન્યું છે તે શેર કરો. એવું કોઈ ન મળે તો છેવટે પ્રોફેશનલ માનસચિકિત્સક સાથે કાઉન્સેલિંગનું સેશન ક્રો. આ પહેલું પગલું છે. બહુ જ મોટું અને મહત્ત્વનું પગલું. વ્યકિતમાં વાત શર ક્રવાની િંહમત આવી તેનો મતલબ એમ કે  હવે તે પોતાના હવે ઘા પર મલમપટ્ટા ક્રવા માટે તેઓ રેડી થઈ ગઈ છે. ઘા રુઝાવાનો પ્રારંભ થઈ ગયો છે.

વિદેશમાં સમદુઃખિયાઓનાં જાતજાતનાં સપોર્ટ ગ્રૂપ્સ ચાલતાં હોય છે. જેમનું સંતાન મૃત્યુ પામ્યું હોય તેવા વાલીઓનું સપોર્ટ ગ્રુપ, દારુનું બંધાણ છોડવાની ક્ોશિશ ક્રી રહેલા  લોકોનું સપોર્ટ ગ્રુપ, વાત વાતમાં પિત્તો જતો હોય તો એંગર મેનેજમેન્ટ સંબંધિત ટ્રીટમેન્ટ લઈ રહેલા  લોકોનું સપોર્ટ ગ્રુપ, જાતીય શોષણનો ભોગ બનેલા લોકોનું સપોર્ટ ગ્રુપ, વગેરે. આવા ગ્રુપમાં સમયાંતરે લોક્ો મળે, પોતાનો અનુભવ અને લાગણીઓ વ્યકત ક્રે, એક્મેક્ને સહાનુભૂતિપૂર્વક્ સાંભળે, સધિયારો આપે, પીડામાંથી શી રીતે બહાર નીક્ળવું તેની ચર્ચા ક્રે. આપણે ત્યાં હજુ આવું કલ્ચર ખાસ વિકસ્યું નથી, પણ બાળપણમાં જાતીય શોષણનો ભોગ બની ચૂકેલા સ્ત્રી-પુરુષોએ એક વાત સમજી લેવી જોઈએ કે તેઓ એકલાં નથી. અસંખ્ય લોકો તેમના જેવી અથવા તેમના કરતાંય ભયાનક પીડામાંથી પસાર થઈ ચૂક્યા છે. નાનપણમાં જે કંઈ થયું તેની નકારાત્મક અસરોમાંથી મુક્ત થઈને બિલકુલ નોર્મલ રીતે ખુશહાલ જીવન જીવી શકાય છે.

 સો વાતની એક વાત. જીવન કોઈ પણ સંઘાતને લીધે અટકી પડવું ન જોઈએ. જે વહેતું રહે છે એનું નામ તો જીવન છે.
                                                          0 0 0