Wednesday, April 10, 2013

હોલીવૂડ હંડ્રેડ: ફિલ્મ નંબર ૧૭. ગુડફેલાઝ :ગોલી માર ભેજે મેં...


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) - તા. ૧૦ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ગેંગસ્ટર વિશેની ફિલ્મોની ચર્ચા ‘ગુડફેલાઝ’ વગર અધૂરી રહી જાય. અમુક ફિલ્મી પંડિતોના મતે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનું આટલું પરફેક્ટ ડિટેલિંગ ‘ધ ગોડફાધર’માં પણ થયું નથી. 



ફિલ્મ નંબર ૧૭. ગુડફેલાઝ 

હોલીવૂડના સૌથી તેજસ્વી ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા માર્ટિન સ્કોર્સેઝીની આ લેખમાળામાં આજે પહેલી એન્ટ્રી છે. આગળ પણ એક કરતાં વધારે વખત થશે. ‘ગુડફેલાઝ’માં સ્કોર્સેઝીએ એક ગેંગસ્ટરના જીવનનાં ત્રીસ વર્ષોનો રોમાંચક ગ્રાફ દોર્યો છે. આ ફિલ્મ જોતી વખતે તમને ‘સત્યા’, ‘કંપની’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મો જરુર યાદ આવવાની.

ફિલ્મમાં શું છે?

અંધારી રાત છે. ત્રણ માણસો કારમાં હાઈવે પર કશેક જઈ રહ્યા છે. અચાનક કયાંકથી ઠક...ઠક...ઠક અવાજ આવે છે. કારને રસ્તાની એક બાજુ ઊભી રાખી સાવચેતીપૂર્વક ડિકી ખોલવામાં આવે છે. અંદર ભયાનક રીતે લોહીલુહાણ થઈ ગયેલો માણસ કણસાતો પડ્યો છે. ઠક...ઠક અવાજ એ જ કરતો હતો. એને જોઈને ત્રણેય આદમીઓના ચહેરા તંગ થઈ જાય છે: આ હજુય મર્યો નથી, સાલો? એક માણસ આગળ આવીને પેલાનાં મુડદાલ શરીરમાં ખચ્ચ ખચ્ચ કરતા છરાના ઉપરાછાપરી ઘા કરે છે. આટલાથી જાણે સંતોષ થયો ન હોય એમ બીજો એના પર ચાર-પાંચ ગોળી છોડે છે. માંડ માંડ અટકી રહેલો માણસનો જીવ ઝાટકા સાથે ઊડી જાય છે. ત્રણમાંથી સૌથી જુવાન દેખાતા આદમીનો ચહેરો સ્ક્રીન પર સ્થિર થાય છે અને બેકગ્રાઉન્ડમાં એનો અવાજ સંભળાય છે: ‘મન યાદ છે ત્યાં સુધી... મારે હંમેશા ગેંગસ્ટર જ બનવું હતું.’

ફિલ્મનો આ પહેલો પ્રોપર ડાયલોગ. આ વાક્ય અને લોહિયાળ ઓપનિંગ સિકવન્સ આખા ફિલ્મનો મૂડ સેટ કરી નાખે છે. વાર્તા હવે ફ્લેશબેકમાં ખૂલે છે. પેલા જુવાન આદમીનું નામ હેનરી હિલ (રે લિઓટા) છે. ન્યુયોર્કમાં ઈટાલિયન લોકોની બહુમતીવાળા વિસ્તારમાં તે પોતાનાં પરિવાર સાથે રહે છે. નાનો હતો ત્યારેથી એને પોતાના એરિયાના પૉલ સિસેરો (પૉલ સોરવિનો) નામના ગુંડાની વૈભવી લાઈફસ્ટાઈલ અને દબદબાનું ભારે આકર્ષણ હતું. ૧૯૫૫ની આ વાત. પોકેટમની માટે જોબ કરવાના બહાને તે સિસેરોની ક્લબમાં નાનાંમોટાં કામ કરવા લાગે છે. હેનરીની ક્રિમિનલ તરીકેની જિંદગીની શરુઆત આ રીતે થાય છે. ફિલ્મના પહેલાં સીનમાં એના જે બે સાથીઓ દેખાયા હતા તે જિમી કોનવે (રોબર્ટ ડી નિરો) અને ટોમી ડિવીટો (Joe પેશી) સાથે એનો ભેટો અહીં જ થાય છે. જિમીને કિમતી માલસામાન ભરેલા વાહનો ચોરવામાં ભારે મોજ પડે છે. ટોમીની તાસીર એવી છે કે સાવ ધૂળ જેવી વાતમાં એ સામેના માણસ પર ગોળી ચલાવી દેતાં એક પળનો પણ વિચાર ન કરે.





હેનરી જુવાન થાય છે. એરપોર્ટ પર કાર્ગો પ્લેનમાંથી કરોડો ડોલરનાં નકદ નાણાંની ઉપાચત કરવાનાં એક ઓપરેશનમાં હેનરીને સફળતા મળતા જ બોસ સિસેરોનોે એના પર ભરોસો બેસી જાય છે. જોકે હેનરી જાણે છે કે પોતે ગમે મોટાં પરાક્રમ કરી બતાવશે તો પણ બોસના  સૌથી અંગત વર્તુળમાં એ ક્યારેય સ્થાન પામી શકવાનો નથી. તે માટે પૂરેપૂરા ઈટાલિયન હોવું જરુરી છે, જ્યારે હેનરી હાફ-ઈટાલિયન, હાફ-આઈરિશ છે. જિમી પણ હાફ-ઈટાલિયન છે. ખેર, હેનરી આ લપ્પનછપ્પનમાં પડ્યા વિના આગળ વધતો જાય છે. કરેન (લોરિએન બ્રેકો) નામની સીધીસાદી જ્યુઈશ યુવતીના પ્રેમમાં પડે છે. માબાપ વિરોધ ન કરે તે માટે કરેન ખોટેખોટું કહી દે છે કે હેનરી હાફ-જ્યુઈશ છે.

સમય વીતતાં હેનરી, જિમી અને ટોમી ત્રણેય વધુને વધુ ખૂંખાર બનતા જાય છે. હેનરીનું લગ્નજીવન કથળી રહ્યું છે. એની કારણ એની  રખાત છે. એક વાર કોઈ કારનામામાં હેનરી અને જિમીને ચાર વર્ષની જેલ થઈ જાય છે. હેનરી જેલમાં રહીને નશીલી દવાનો ધંધો કરવા લાગે છે. આ લાઈનમાં બહુ પૈસા હોવાથી જેલમાંથી બહાર આવ્યા બાદ તે ડ્રગ્ઝની હેરાફેરી વધારી દે છે. ડ્રગ્ઝને લગતા કાયદા ખૂબ કડક છે એટલે બોસ સિસેરો એને ચેતવે છે, પણ એનું સાંભળે કોણ. ઊલટાનો એ તો જિમી, પોતાની પત્ની અને રખાતને પણ આ કામમાં લગાડી દે છે.

ખૂનખરાબાનો સિલસિલો સમાંતરે ચાલતો રહે છે. માફિયાઓના આંતરિક સંબંધોમાં હવે બદલાવ આવવા માંડે છે. સિસેરોના માણસો ટોમીની ઠંડે કલેજે હત્યા કરી નાખે છે. ૧૯૮૦માં ડ્રગ્ઝના એક ઓપરેશન દરમિયાન હેનરી પાછો પકડાઈ જાય છે. એ ખુદ ડ્રગ એડિક્ટ બની ચૂક્યો છે. કરેન એને જામીન પર છોડાવે છે. કરેને ગભરાઈને ઘરમાં નશીલી દવાનો મોંઘોદાટ જથ્થો હતો તેનો નાશ કરી નાખ્યો હતો. હેનરી પાસે હવે ફૂટી કોડી પણ બચી નથી. સિસેરો મોં ફેરવી લે છે. જિમીના રંગઢંગ પણ બદલાઈ ગયા છે. હેનરી નિર્ણય લે છે કે પોતાની અને ખુદના પરિવારની સલામતી માટે એફબીઆઈના ખબરી બની જવું. તે અદાલતમાં જિમી અને અન્યો વિરુદ્ધ જુબાની આપે છે. ફિલ્મનો આ ક્લાઈમેક્સ છે. હેનરીનો હવે માફિયાગીરી સાથેનો નાતો સંપૂર્ણપણે કપાઈ ગયો છે. બસ, હવે જિંદગીના વધ્યાઘટ્યાં વર્ષો સડક પરના કોઈ પણ મામૂલી માણસની જેમ બોરિંગ અને બીબાંઢાળ ઢબે જીવી નાખવાનાં છે. આ કેફિયત પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની 

‘ગુડફેલાઝ’ સાચુકલાં પાત્રો અને બનાવો પર આધારિત ફિલ્મ છે. નિકોલસ પિલેગી નામના ન્યુયોર્કના એક ક્રાઈમ રિપોર્ટરે ‘વાઈઝ ગાય’ નામનું નોન-ફિક્શન પુસ્તક લખ્યું હતું. તેમાં અસલી હેનરીએ ગેંગસ્ટર તરીકે જીવેલાં જીવન વિશેનું ગજબનું ઝીણવટભર્યું લખાણ હતું. ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝીએ પહેલાં પુસ્તકનો રિવ્યુ વાંચ્યો, પછી આખું પુસ્તક વાંચી ગયા. માફિયાઓ વિશેનું આટલું અધિકૃત લખાણ ેએમણે અગાઉ ક્યારેય નહોતું વાંચ્યું. પુસ્તક પરથી ફિલ્મ બનાવવાનો ત્વરિત નિર્ણય લઈ એમણે લેખક નિકોલસને ફોન જોડ્યો: ‘મને એવું લાગે છે કે જાણે હું આખી લાઈફ આ જ પુસ્તકની રાહ જોઈ રહ્યો હતો.’ નિકોલસે તરત સામો જવાબ આપ્યો: ‘...અને મને એવું લાગે છે કે આખી લાઈફ હું આ જ ફોનની રાહ જોઈ રહ્યો હતો!’



સૌથી પહેલું કાસ્ટિંગ રોબર્ટ ડી નીરોનું થયું. સ્કોર્સેઝી ખરેખર તો અલ પચીનોને જિમીના રોલમાં લેવા માગતા હતા, પણ પચીનોએ ના પાડી. આ ઈનકારનો અફસોસ પછી એમને જિંદગીભર રહ્યો! પ્રોડ્યુસર ઈરવિન વિન્કલરના મનમાં મેઈન હીરો-હિરોઈન તરીકે એટલે કે પાત્ર માટે બે નામ હતાં: ટોમ ક્રુઝ અને પોપસ્ટાર મડોના. શૉન પેનનું નામ પણ વિચારાયું હતું. આખરે રોબર્ટ ડી નીરોએ રે લિઓટા નામના પ્રમાણમાં ઓછા જાણીતા એક્ટરનું નામ સૂચવ્યું. લિઓટાએ ખુદ આ રોલ માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા. પ્રોડ્યુસરની જરાય ઈચ્છા નહોતી કે લિઓટાને લેવામાં આવે. એક વાર તેઓ રેસ્ટોરાંમાં જમી રહ્યા હતા ત્યારે લિઓટા વગર કહ્યે એમને મળવા પહોંચી ગયો. ‘સર, મન તમારી ફક્ત બે મિનિટ જોઈએ છે’ કહીને એણે પ્રોડ્યુસર સામે એવી જોરદાર રજૂઆત કરી કે બીજા દિવસે પ્રોડ્યુસરે સ્કોર્સેઝીને કહી દીધું: હીરોના રોલમાં લિઓટાનું ડન કરી નાખો!

મૂળ પુસ્તકના લેખક નિકોલસ પિલેગીએ સ્ક્રિપ્ટના બાર ડ્રાફ્ટ્સ લખ્યા હતા. માર્ટિન સ્કોર્સેઝીએ એક્ટરોને દશ્યોને પોતપોતાની રીતે  ભજવવાની પૂરેપૂરી છૂટ આપી હતી. ખૂબ રિહર્સલ્સ થતાં, ઈમ્પ્રોવાઈઝેશન્સ થતાં. એક્ટરો નવી લાઈનો ઉમેરતા. આમાંથી જે કંઈ શ્રેષ્ઠ નીપજે તેને સ્કોર્સેઝી મૂળ સ્ક્રિપ્ટમાં સામેલ કરી દેતા. લિઓટા અને જા પેશીનો એક ‘યુ થિન્ક આઈ એમ ફની?’વાળો એક સીન છે, જે સંભવત: ફિલ્મનું સૌથી યાદગાર અને શ્રેષ્ઠ દશ્ય છે. તે આ જ રીતે ઈમ્પ્રોવાઈઝ થયું હતું. સ્કોર્સેઝી આખી ફિલ્મને અઢી કલાકના ટ્રેલર જેવી ફાસ્ટ-પેસ્ડ બનાવવા માગતા હતા. તેમના હિસાબે તો જ માફિયાઓની લાઈફસ્ટાઈલ અને વરણાગીપણું વ્યવસ્થિતપણે ઝીલી શકાય એમ હતું. સ્કોર્સેઝી જાણે ઓડિયન્સનો હાથ પકડીને માફિયાઓના જીવનમાં, તેમનાં ઘરોમાં લઈ જાય છે. ફિલ્મમાં પાર્ટીઓ, ખાણીપીણી, જુગાર અને ફક્કડ લાઈફસ્ટાઈલનાં દશ્યોને ખૂનામરકી અને હિંસાનાં દશ્યો જેટલું જ મહત્ત્વ મળ્યું છે.

‘ટેક્સી ડ્રાઈવર’ અને ‘રેજિંગ બુલ’ ફિલ્મો બનાવીને માર્ટિન સ્કોર્સેઝીએ હોલીવૂડમાં પોતાની સજ્જડ છાપ ઊભી કરી હતી. ‘ગુડફેલાઝ’થી આ છાપ ઓર મજબૂત થઈ. ફિલ્મના ટ્રાયલ દરમિયાન આશ્ચર્ય થાય એટલા બધા ખરાબ પ્રતિભાવ મળ્યા હતા, પણ તે રિલીઝ થયા પછી ઓડિયન્સ અને સમીક્ષકો એના પ્રેમમાં પડી ગયા. હોલીવૂડની ઓલટાઈમ ગ્રેટ ગેંગસ્ટર્સ મુવીઝમાં ‘ગુડફેલાઝ’નું નિશ્ચિત સ્થાન છે. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં: બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ રાઈટિંગ, બેસ્ટ એડિટિંગ, બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ (લોરિએન બ્રેકો) અને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (જા પેશી). Joe પેશી અવોર્ડ જીતી ગયા. આ ફિલ્મનું કોઈ એક પાત્ર જો સૌથી યાદ રહી જતું હોય તો તે છે Joe પેશીનું વાતવાતમાં ભડકી ઉઠતા ટોમીનું જ છે. ફિલ્મમાં ગાળોની રમઝટ છે. ‘એફ’ પરથી શરુ થતી અંગ્રજી ગાળ ૨૯૬ વખત બોલાય છે. મતલબ કે દર ૨.૦૪ મિનિટે એક વાર. આમાંથી અડધોઅડધ વખત એફ-વર્ડ Joe પેશીનું કિરદાર બોલે છે!

 ‘ગુડફેલાઝ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : માર્ટિન સ્કોર્સેઝી
Original લેખક   : નિકોલસ પિલેગી
સ્ક્રીનપ્લે          : નિકોલસ પિલેગી અને માર્ટિન સ્કોર્સેઝી
કલાકાર           : રોબર્ટ ડી નીરો, રે લિઓટા, Joe પેશી, લોરિએન બ્રેકો  
રિલીઝ ડેટ        : ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૦
મહત્ત્વના અવોર્ડઝ: Joe પેશીને બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલનો ઓસ્કર

૦૦૦૦૦૦૦૦૦

Saturday, April 6, 2013

નોટ ડન, નસીર!


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 7 એપ્રિલ 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

સુખ-સુવિધાઓ અને સારી લાઈફસ્ટાઈલ માટે કમર્શિયલ ફિલ્મો કરવાની અને પછી તેને ગાળો આપવાની. ફિલ્મોમાં એક્ટિંગ કરી કરીને હું બોર થઈ ગયો છું એવું તેઓ કહ્યા કરવાનું, પણ કચરાછાપ ફિલ્મોમાં નબળા રોલ્સ કરવાનું બંધ નહીં કરવાનું. નસીરુદ્દીન શાહનું આ સગવડીયું સમીકરણ છે.



સીરુદ્દીન શાહ હિંદુસ્તાનના સૌથી ઉત્કૃષ્ટ અભિનેતાઓ પૈકીના એક છે. કબૂલ. નસીરુદ્દીન એક્ટિંગની હરતીફરતી ટેકસ્ટબુક છે. કબૂલ, સાડી સત્તરવાર કબૂલ. પણ પ્લીઝ કોઈ એ સમજાવશે કે આ મહાન અદાકાર ‘સોના સ્પા’ જેવી વાહિયાત, કઢંગી અને સી-ગ્ર્ોડનાં જોણાં જેવી અસર ઊભી કરતી ફિલ્મમાં કામ કરવાનું શી રીતે પસંદ કરી શકે?

નસીરુદ્દીન શાહ તરત સમજાય એવા માણસ નથી. એમની કડવાશ, એમના બખાળાં ઘડીકમાં સમજાતા નથી. વિશાલ ભારદ્વાજે તાજેતર એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે લોકો ‘મકબૂલ’ને મારી બેસ્ટ ફિલ્મ ગણે છે, પણ નસીરુદ્દીન શાહને આ ફિલ્મ જરાય નહોતી ગમી (નસીરે તેમાં નાનકડો રોલ કર્યો હતો). વિશાલની ‘સાત ખૂન માફ’ જેવી પ્રમાણમાં નબળી ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ટીવી ઈન્ટવ્યુમાં નસીરે લેશમાત્ર કંપ વગર કહેલું, ‘અમિતાભ બચ્ચને એમની કરીઅરમાં એકપણ ગ્ર્ોટ ફિલ્મ કરી નથી. ‘શોલે’ને હું ગ્ર્ોટ ફિલ્મ ગણતો જ નથી. હા, ‘શોલે’ મજેદાર જરુર છે, પણ ગ્ર્ોટ એક પણ એંગલથી નહીં. એમ તો દારા સિંહની ‘થીફ ઓફ બગદાદ’ પણ મજેદાર હતી. પણ તેથી શું?’

નસીરુદ્દીનને મીઠું મીઠું બોલતા જરાય આવડતું નથી. ‘પા’ રિલીઝ થઈ હતી તે ગાળામાં (આ ફિલ્મ જોયા પહેલાં) તેમણે બચ્ચન વિશે કહેલું, ‘અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બન્યા તે પહેલાંની ફિલ્મોમાં અસાધારણ હતા. મેં તેમની શરુઆતની બધી જ ફિલ્મો જોઈ છે- ‘સાત હિંદુસ્તાની’, ‘બંસી બિરજુ’, ‘બંધે હાથ’, ‘રેશમા ઔર શેરા’ અને ‘પરવાના’. એમાંય બચ્ચનને એમની કરીઅરની પહેલી જ ફિલ્મ ‘સાત હિંદુસ્તાની’માં જોઈને હું તો છક્ક થઈ ગયો હતો. આવો કોઈ એક્ટર મેં હિંદુસ્તાની ફિલ્મોમાં જોયો નહોતો. એમના અભિનયમાં શું સચ્ચાઈ હતી! ‘આનંદ’ અને ‘નમકહરામ’માં પણ તેઓ સુપર્બ હતા... અને તે પછી તેઓ સુપરસ્ટાર બની ગયા. એમની એક્ટિંગમાં હવે મિટ્ટી કી ખૂશ્બૂ આવતી નથી. એમનો અભિનય મને હવે ઓથેન્ટિક (સાચુકલો) લાગતો નથી. તેમની ગ્લેમરસ ઈમેજ મને આંજી શકતી નથી. બચ્ચન ઓર્ડિનરી માણસ રહ્યા નથી એટલે મને શંકા છે કે તેઓ હવે ઓર્ડિનરી માણસનો રોલ ભજવી શકે કે કેમ. ’

નસીરુદ્દીન શાહ એક્ટિંગુરુને ટાંકતા તેઓ કહે છે કે અભિનેતા ટેલેન્ટનું માપ એ જે પ્રકારનું કામ પસંદ કરે છે તેના પરથી નીકળે છે. એની ખરી મહાનતા એની ચોઈસમાં છે. નસીર ઉમેરે છે, ‘દિલીપકુમારે એમની કરીઅરના ચોક્કસ સમયગાળામાં જ એક્સેલન્ટ કામ કર્યું, પણ પછી તેઓ ગુણવત્તા જાળવી ન શક્યા. દેવ આનંદનું પણ એવું જ થયું. આ હું તેમને ઉતારી પાડવા નથી કહેતો, પણ એક સિનેમાપ્રેમી તરીકે મારું ઓબ્ઝર્વેશન પેશ કરું છું. ભવિષ્યમાં દિલીપકુમાર યાદ રહેશે, પણ અમિતાભ બચ્ચન ઘણું કરીને ભુલાઈ જશે.’



અમિતાભ બચ્ચન જેવા મેગાસ્ટાર આવનારા સમયમાં ભુલાઈ જવાના? ભુંસાઈ જવાના?! બહુ ભારે વાત કરી નાખી નસીરસાહેબે. તેઓ કહેવાનો મતલબ એવો નીકળે છે કે અમિતાભની ફિલ્મોની ચોઈસ ટકોરાબંધ નથી તેથી તેમની ટેલેન્ટને પણ ટકોરાબંધ ન ગણી શકાય.

નસીરની ઓથેન્ટિક અભિનયવાળી કમેન્ટ વિશે અમિતાભે કેવી પ્રતિક્રિયા આપી? એમણે કહ્યું: ‘હું નસીરનો જબરદસ્ત પ્રશંસક છું. તેમણે મારા વિશે જે વાત કરી છે તેનો હું વિરોધ તો શું, નાની સરખી ટિપ્પણી પર કરી ન શકું. જ્યારે નસીરના લેવલનો કલાકાર કમેન્ટ કરે ત્યારે તમારે હાથ પાછળ ભીડીને માત્ર ઊભા રહેવાનું હોય અને એ જે કંઈ કહે તે ચુપચાપ સાંભળી લેવાનું હોય.’

અમિતાભના આ શબ્દોમાં કેટલો વ્યંગ છે અને કેટલી સચ્ચાઈ છે એ તો એ જ જાણે. બાકી નસીરુદ્દીન શાહે ‘ચોઈસ’ની વાત કરતી વખતે પોતાના બાયોડેટા પર નજર જરુર રાખવી જોઈએ. ‘સોના સ્પા’ કંઈ એમણે કરેલી પહેલી વાહિયાત ફિલ્મ નથી, ભૂતકાળમાં તેઓ એકાધિક ખરાબ ફિલ્મો કરી ચૂક્યા છે (ઉદાહરણ તરીકે, ‘બોમ્બે બોય્ઝ’, ‘મેરી બીવી સે મુઝે બચાઓ’ વગેરે). નસીરસાબ કરીઅરની શરુઆતમાં શ્યામ બેનેગલ પ્રકારના ડિરેક્ટરોની ફિલ્મો કરીને આર્ટ સિનેમાના અગ્ર્ોસર એક્ટર બન્યા. થોડાં વર્ષો પછી તેમને આર્ટ ફિલ્મોની આખી મુવમેન્ટ જ હંબગ અને દંભી લાગવા માંડી એટલે તેઓ પેરેલલ સિનેમાને ભાંડવા લાગ્યા. ધીમી ધીમે તેઓ બોલીવૂડની કમર્શિયલ ફિલ્મો કરવા લાગ્યા. પછી ‘હિન્દી ફિલ્મોમાં કામ કરવું એ તો આત્માનું ખૂન કરવા બરાબર છે’ એવું બોલીબોલીને ગાળો આપવા લાગ્યા.

‘બેન્ક બેલેન્સનું તળિયું દેખાવા લાગે એટલે હું એકાદ બિગ બજેટ મસાલા ફિલ્મ કરી નાખું. શું થાય. ઘર તો  ચલાવવું જ પડેને. કમર્શિયલ ફિલ્મોમાં કામ કરીને મેં ઘણા પૈસા બનાવ્યા છે. મેં ધાર્યા નહોતા એટલા બધા.’ આટલું કહીને બેશરમીથી તેઓ ઉમેરી દે છે, ‘આઈ એક્સપ્લોઈટ હિન્દી સિનેમા.’



સુખ-સુવિધાઓ અને સારી લાઈફસ્ટાઈલ જોઈએ છે એટલે કમર્શિયલ ફિલ્મો કરવાની અને પછી તેને ગાળો આપવાની. ફિલ્મોમાં એક્ટિંગ કરી કરીને હું બોર થઈ ગયો છું એવું તેઓ કહ્યા કરવાનું, પણ કચરાછાપ ફિલ્મોમાં નબળા રોલ્સ કરવાનું બંધ નહીં કરવાનું. નસીરનું આ સગવડીયું સમીકરણ છે. જો મસાલા ફિલ્મો સામે વાંધો જ હોય તો પછી એના તરફ નજર ઉઠાવીને જોવું પણ ન જોઈએ. પોતાને શોભે એવા રોલ માટે ચાર વર્ષ રાહ જોવી પડે તો જોવાની. રંગભૂમિ પર જ મહાસંતોષ મળતો હોય તો પછી પૃથ્વી થિયેટરમાં ચુપચાપ નાટકો કરતાં રહેવાનાં. પણ ના. નસીરને બધું જ જોઈએ છે અને પછી ફ્રસ્ટ્રેટ થઈને બખાળા પણ કાઢવા છે.

આદર્શ સ્થિતિ જેવું ક્યારેય હોતું નથી. જે કામમાં આપણું પેશન હોય એ જ ક્ષેત્રમાં કાર્યરત હોઈએ તો એના પ્લસ-માઈનસ પોઈન્ટ સહિત, એ જેવું છે એવું સ્વીકારી લેવું જોઈએ. એનો અર્થ એવો નથી કે આંખ-કાન બંધ કરી દેવા કે સતત ગુલાબી ચશ્માં પહેરીને બધું સારું સારું છે તેવી મુગ્ધતામાં રમમાણ રહેવું. આસપાસ જે કંઈ બની રહ્યું છે તે વિશે સતર્ક તો રહેવું જ પડે, પણ જે ક્ષેત્ર બે ટંક ખાવાનું ઉપરાંત સરસ મજાની લાઈફસ્ટાઈલ પણ આપે છે તે ક્ષેત્ર વિશે આદરભાવ સાથે વાત થવી જોઈએ. સિસ્ટમને એક્સપ્લોઈટ કરતાં રહીને પોતે બીજા કરતાં બહુ અલગ અને ઊંચા છે એવી મુદ્રા ધારણ કરવી બરાબર નથી.

ખેર, નસીરમિયાંના એટિટ્યુડમાં કશો જ ફેરફાર થવાનો નથી. એ આવા જ એટલા માટે રહેશે કે આ જ તેમની તાસીર છે. કરપ્ટ થઈ રહેલા માંહ્યલા વિશે કેવળ કબૂલાત કરીને નહીં, પણ તે સ્થિતિમાંથી બહાર આવવાના મામલે જો તેઓ સક્રિય બનશે તો આપણને જરુર વધારે વહાલા લાગશે.

શો-સ્ટોપર 

આમિર ખાનને મારી જરુર જ શી છે? મારા કરતાં એ અનેકગણો બહેતર ફિલ્મ-ડિરેક્ટર છે.

- રામગોપાલ વર્મા



Tuesday, April 2, 2013

વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ : દુનિયા પાગલ હૈ યા ફિર મૈં દીવાના


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૩ એપ્રિલ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

આ ફિલ્મમાં પાગલપણાની ધાર પર ફેંકાઈ ગયેલા માણસોની રોમાંચક કથા છે. જેક નિકોલસન શા માટે મહાન અભિનેતા ગણાય છે તે સમજવા માટે પણ આ ફિલ્મ જોવા જેવી છે. 







ફિલ્મ નંબર ૧૬. વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ 

સમજણા થયા હોઈએ ત્યારથી અમુક ક્લાસિક ફિલ્મોનાં નામ સતત કાને પડતાં હોય છે અથવા વાંચવામાં આવતાં હોય છે. આખરે તે જોવાની તક મળે ત્યારે સમજાય કે શા માટે આ ફિલ્મ આટલી મહત્ત્વની ગણાય છે. ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ આવી જ એક ફિલ્મ છે.

ફિલ્મમાં શું છે? 

એક પાગલખાનું છે. અહીં જાતજાતના પાગલોને રાખવામાં આવ્યા છે. તેમને સમયસર દવા આપવામાં આવે,  એક્સરસાઈઝ કરાવવામાં આવે. નિયમો અને શિસ્તના નામે તેમના પર કેટલાય પાબંદીઓ લગાડવામાં આવી છે. એક દિવસ રેન્ડલ મેકમરફી (જેક નિકોલસન) નામના ‘દર્દી’ને અહીં લાવવામાં આવે છે. તે સાથે જ પાગલખાનાનો આખો માહોલ બદલાઈ જાય છે. મેકમરફી ભારાડી માણસ છે. ભૂતકાળમાં કેટલાય ગુના કરી ચુક્યો છે. એને જેલવાસની સજા કરવામાં આવી હતી, પણ આ સજા ભોગવવી ન પડે તે માટે એ પોતાની જાતને ચક્રમ જાહેર કરે છે. એની ગણતરી એવી છે કે  ભલે ગાંડા ગણાઈએ પણ મેન્ટલ હોસ્પિટલમાં પ્રમાણમાં આરામદાયક જીંદગી તો જીવવા મળે. પાગલખાનાના સાહેબોએ નક્કી કરવાનું છે કે મેકમરફી ખરેખર કેટલો પાગલ છે.



રેચેડ (લુઈસ ફ્લેચર) નામની મહિલાનું મેન્ટલ હોસ્પિટલમાં સૌથી વધારે ઉપજે છે. એને તમે નર્સ, કાઉન્સેલર, હેડ મેટ્રન કે કંઈ પણ કહી શકો. વર્તાવ અને દેખાવે તો એ શરુઆતમાં સૌમ્ય લાગે છે, પણ ધીમે ધીમે એના અસલી રંગ બહાર આવતા જાય છે. દર્દીઓ પર એની ખૂબ ધાક છે. એવા કેટલાય દર્દીઓ એવા છે, જે પાગલપણામાંથી બહાર આવી ગયા હોવા છતાં સ્વેચ્છાએ અહીં હીણપતભર્યું જીવન જીવે છે. દેખીતું છે કે મેકમરફી જેવો ટપોરી નર્સ રેચેડને તાબે ન જ થાય. હવે શરુ થાય છે નર્સ રેચેડ અને મેકમરફી વચ્ચેની ચડસાચડસી. જેમ કે, એક વાર કાઉન્સેલિંગ સેશનમાં મેકમરફી માગણી કરે છે કે અમારું શેડ્યુલ બદલવામાં આવે કે જેથી અમે ટીવી પર બેઝબોલની વર્લ્ડ સિરીઝ જોઈ શકીએ. આ માગણી પૂરી થતી નથી તો એ ધરાર આઠ-દસ પાગલોને બહાર ભગાડીને કારનામા કરે છે.

પાગલખાનાના દર્દીઓ પ્રત્યે મેકમરફીને સાહજિક હમદર્દી છે. તેમની સાથેના એના સંબંધો ધીમે ધીમે ગાઢ બનતા જાય છે. તેમાંથી એક છે ચીફ બ્રોમડેન (વિલ સેમ્પસન) નામનો સાડા-છ ફૂટીયો અને બહેરો-મૂંગો આદમી. એનો પથરીલો ચહેરો કાયમ ભાવશૂન્ય રહે છે. મેકમરફી એને સરસ રીતે વોલીબોલ રમાડતો કરી દે છે. એક વાર પાગલખાનામાં ધમાલ થઈ જાય છે. તોફાનીઓને ઈલેક્ટ્રિક શૉક આપવા લઈ જવામાં આવે છે ત્યારે મેકમરફીને ખબર પડે છે કે ચીફ તો મારો બેટો શકે છે. મૂક-બધિર હોવાનું એ ખાલી નાટક કરી રહ્યો છે!



મેકમરફીનો ઉત્પાત વધતો જાય છે. નર્સ રેચેડ નક્કી કરે કે મેકમરફી ભલે સડતો રહે અહીં પાગલખાનામાં. સાલો એ જ લાગનો છે. એક પછી એક કેટલીય ઘટનાઓ બનતી જાય છે. મેકમરફી અને ચીફ અહીંથી છટકીને કેનેડા નાસી જવાનો પ્લાન કરે છે. આ પ્લાનિંગના ભાગરુપે મરફી નાઈટ-ડ્યુટી કરતા વોર્ડબોયને ફોડે છે અને પોતાની બે મહિલા-મિત્રોને શરાબની ખૂબ બધી બાટલીઓ લઈને મેન્ટલ હોસ્પિટલમાં બોલાવે છે. પાગલખાનામાં પાર્ટીનો માહોલ ઊભો થાય છે. બિલી (બ્રેડ ડોરિફ) નામના  તોતડા અને યુવાન પાગલને એક યુવતી ગમી જાય છે. મેકમરફી બન્નેને એક ઓરડીમાં ધકેલે છે:  જાઓ, ઍશ કરો તમતમારે. બન્ને ઍશ કરીને બહાર આવે તે પહેલાં દારુ ઢીંચેલા પાગલો, મેકમરફી, વોર્ડબોય સહિત સૌ ઊંધી જાય છે. નાસી જવાના પ્લાન પર દારુ ફરી વળે છે. સવારે નર્સ રેચેડ કમઠાણ જોઈને ચોંકી ઉઠે છે. દર્દીઓની ગણતરી કરવામાં આવે છે. બિલી ક્યાંય દેખાતો નથી. શોધખોળ કરતાં ખબર પડે છે કે એ તો નગ્નાવસ્થામાં કોઈ સ્ત્રી સાથે પથારીમાં  પડ્યો છે. નર્સ રેચેડ એને ધધડાવી નાખે છે: શરમ નથી આવતી તને? તારી મા મારી જૂની બહેનપણી છે. કહી દઉં એને કે અહીં તું કેવા ધંધા કરે છે? બિલી ફફડી ઉઠે છે: ના ના, મારી માને કંઈ ન કહેતા, પ્લીઝ. રડતા-કકડતા બિલીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. બિલી ગ્લાસ ફોડી એના કાચથી કાંડાની નસ કાપી નાખે છે. એનો જીવ ઉડી જાય છે. મેકમરફીને ભયાનક ગુસ્સો આવે છે. તે રેચેડ પર હિંસક હુમલો કરી એનું ગળું દબાવી દે છે. જોકે છેલ્લી ઘડીએ રેચેડને બચાવી લેવામાં આવે છે.

ફિલ્મ હવે ક્લાઈમેક્સ પર પહોંચી ચૂકી છે. મેકમરફી ગાયબ છે. પાગલ દોસ્તોને કશી જ ખબર નથી કે એનું શું થયું. એક રાત્રે અચાનક બે વોર્ડબોય મેકમરફીને લાવીને એના પલંગ પર સૂવડાવી દે છે. ચીફનું ધ્યાન જતાં એ ઊભો થઈને મેકમરફી પાસે આવે છે. એ શું જુએ છે? મેકમરફીને ઈલેક્ટ્રિક શૉક આપી આપીને જીવતી લાશ જેવો બનાવી દેવામાં આવ્યો છે. ચીફનો જીવ કકડી ઉઠે છે. આ  શું હાલત કરી નાખી છે મારા દોસ્તની? અમે તો અહીંથી મુક્ત થઈને કેનેડા જતા રહેવાનાં સપનાં જોયા હતા. ચીફ કશુંક વિચારી લે છે. અહીંથી કોઈપણ હાલતમાં મુક્ત થવાનું છે એ તો નક્કી છે. ચીફ હવે એક અકલ્પ્ય અને હેબતાવી દે એવું પગલું ભરે છે. ચીફ એક્ઝેક્ટલી શું કરે છે અને બન્ને દોસ્તારોને કેવી રીતે મુક્તિ મળે છે તે અમે નહીં કહીએ. એ તમારે ડીવીડી પર જોઈ લેવાનું.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મ કેન કેસી નામના લેખકે ૨૬ વર્ષની ઉંમરે લખેલી નવલકથા પર આધારિત છે. ન્યુ અમેરિકન લાયબ્રેરીના બેસ્ટસેલર લિસ્ટમાં તે લાગલગાટ ૨૫૮ અઠવાડિયાં સુધી અડીખમ ટકી રહી હતી. જોકે અભિનેતા કર્ક ડગ્લસે (એક્ટર અને આ ફિલ્મના પ્રોડ્યુસર માઈકલ ડગ્લસના પપ્પા) નવલકથા છપાઈ તે પહેલાં જ વાંચી લીધી હતી અને તેના થિયેટ્રિકલ રાઈટ્સ પણ ખરીદી લીધા હતા. નવલકથા પરથી પહેલાં તો ૧૯૬૩માં નાટક બન્યું. ત્યાર બાદ ફિલ્મ તો છેક બાર વર્ષ પછી બની. મહેનતાણાના મામલામાં કેન કેસીને તીવ્ર અસંતોષ રહી ગયો હતો. ચેકોસ્લોવેકિયન ડિરેક્ટર મિલોસ ફોરમેનને આ ફિલ્મ થકી હોલીવૂડમાં પ્રવેશ કરવાની તક દેખાતી હતી.



મેકમરફીની મુખ્ય ભુમિકા અન્ય એકાદ એક્ટર સહિત માર્લોેન બ્રાન્ડોને પણ ઓફર થઈ હતી, પણ આખરે જેક નિકોલસન ફાયનલાઈઝ થયા. એ વખતે હોલીવૂડના તેઓ ઝપાટાભેર ઊપસી રહેલા તેજસ્વી સિતારા હતા. નર્સ રેચેડનું ‘પોલિટિકલી ઈનકરેક્ટ’ કિરદાર આગળ પડતી પાંચ અભિનેત્રીઓએ નકારી કાઢ્યું હતું. શેલી ડુવોલને છેલ્લી ઘડી સુધી સ્ટેન્ડ-બાય તરીકે રાખવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું ત્યાર બાદ તેને લીલી ઝંડી દેખાડવામાં આવી હતી. સૌથી કઠિન કાસ્ટિંગ ચીફનું હતું. સારી અભિનય કરી શકતો હોય એવો મહાકાય એેક્ટર ક્યાંથી શોધવો? લગભગ ચમત્કારિક રીતે ડિરેક્ટરને વિલ સેમ્પસન મળી ગયા, જે ખરેખર તો ટ્રક ડ્રાઈવર અને હોર્સ-ટ્રેડર હતા. આ ફિલ્મની જબરદસ્ત વાત એ છે કે માત્ર મુખ્ય પાત્રો જ નહીં, પણ નાનાંમોટાં તમામ પાત્રો માટે અફલાતૂન કાસ્ટિંગ થયું છે. ડિરેક્ટર એક વાતે બહુ સ્પષ્ટ હતા કે તમામ પાગલોના દેખાવ એકબીજા કરતાં સાવ જુદાં તેમજ જોતાં જ યાદ રહી જાય તેવાં હોવાં જોઈએ. એવું જ થયું. અમેરિકાભરમાંથી સેંકડો એક્ટરોના ઓડિશન લેવામાં આવેલાં. બિલીના પાત્રમાં દેખાતા બ્રેડ ડોરિફ સહિતના કેટલાય અેક્ટરો રંગભૂમિના કલાકારો છે.  ફિલ્મને અધિકૃત લૂક મળે તે માટે ઓરેગોનની એક સાચુકલી મેન્ટલ હોસ્પિટલમાં શૂટિંગ કરવામાં આવ્યું. બેકગ્રાઉન્ડમાં દેખાતાં કેટલાંક પાગલો એક્ટરો નથી બદલે ખરેખરા દર્દી છે. તબક્કાથી જ દરમિયાન કલાકારો સેટ પર જ પડ્યા-પાથર્યા રહેતા અને અસલી દર્દીઓનો વર્તન-વ્યવહારનો ઝીણવટભેર અભ્યાસ કરતા. એક મજાની આડવાત. આપણા ફેવરિટ મધુ રાયે આ ફિલ્મ પરથી ગુજરાતી નાટક લખ્યું હતું, જેનું નામ હતું ‘ચાન્નસ’. કેતન મહેતાએ તે ડિરેક્ટ કરેલું. રંગભૂમિના કેટલાય ધુરંધર એક્ટરોએ તેમાં કામ કરેલું. જેક નિકોલસનવાળો રોલ પરેશ રાવલે ભજવેલો.

દુનિયાભરના ઓડિયન્સે ‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’ને જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો. ઓસ્કરની નવ-નવ કેટેગરીમાં તે નોમિનેટ થઈ. જેક નિકોલસનને અગાઉ ચાર વાર નોમિનેશન્સ મળી ચુક્યાં હતા, પણ જીત્યા ક્યારેય નહોતા. ઓસ્કર સમારોહમાં આવવાની આ વખતે એમની જરાય ઈચ્છા નહોતી. અવોર્ડ ફંક્શન શરુ થયું. શરુઆતની એક પછી એક કેટેગરીમાં ફિલ્મ હારતી ગઈ. પણ પછી જોરદાર સપાટો બોલ્યો. તમામ મહત્ત્વના અવોર્ડઝ આ ફિલ્મ તાણી ગઈ. ‘ઈટ હેપન્ડ વન નાઈટ’ પછી ચાલીસ વર્ષ બાદ પહેલી વાર એવું બન્યું કે કોઈ એક ફિલ્મે પાંચેપાંચ મેજર ઓસ્કર (બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે, પિક્ચર) જીતી લીધાં હોય. ક્લાસિક ફિલ્મોના શોખીનો માટે આ ફિલ્મ મસ્ટ-વોચ છે. શરુઆતથી અંત સુધી સતત જકડી રાખતી આ ફિલ્મ પૂરી થઈ ગયા પછીય  ક્યાંય સુધી તમારા મનમાં ઘુમરાયા કરશે. એમાંય પાગલપણાની ધાર પર પહોંચી ગયેલા આદમીનાં પાત્રમાં જેક નિકોલસનની અદભુત એક્ટિંગ જોઈને તમે, વેલ, પાગલ થઈ જશો.

‘વન ફ્લ્યુ ઓવર કકૂ’ઝ નેસ્ટ’  ફેક્ટ ફાઈલ 




ડિરેક્ટર           : મિલોસ ફોરમેન
મૂળ નવલકથાકાર  : કેન કેસી
સ્ક્રીનપ્લે          : લોરેન્સ હોબેન, બો ગોલ્ડમેન
કલાકાર           : જેક નિકોલસન, લૂઈસ ફ્લેચર, વિલ સેમ્પસન
રિલીઝ ડેટ        : ૧૯ નવેમ્બર, ૧૯૭૫
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, એક્ટ્રેસ, ડિરેક્ટર, સ્ક્રીનપ્લે અને પિક્ચરના ઓસ્કર અવોર્ડઝ

૦૦૦૦૦૦૦૦૦

Saturday, March 30, 2013

‘ચશ્મે બદ્દૂર’: ક્લાસિક એટલે ક્લાસિક


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 31 માર્ચ 2013 

કોલમ: મલ્ટિપ્લેક્સ

સઈ પરાંજપેની ફિલ્મોમાં બધું જ માપસરનું અને જરુર પૂરતું જ હોય. એક્સપ્રેશન્સ, સંવાદો, વાર્તાની ગતિ, બધું જ. ‘ચશ્મે બદ્દૂર’ અને ‘કથા’ જેવી ફિલ્મોમાં હ્યુમર અફલાતૂન પણ હતું અને સંયમિત પણ. 




તો આવતા શુક્રવારે જૂની ક્લાસિક ‘ચશ્મે બદ્દૂર’ સામે ડેવિડ ધવનની નવી ‘ચશ્મે બદ્દૂર’ની લડાઈ થવાની છે. આને જોકે લડાઈ કેવી રીતે કહેવાય. નવી ‘ચશ્મે બદ્દૂર’ આખા દેશમાં વ્યવસ્થિત રીતે રિલીઝ થશે, જ્યારે જૂની ‘ચશ્મે બદ્દૂર’ની ફક્ત 40 પ્રિન્ટ્સ મૂકાવાની છે. જે શહેરોમાં ઓરિજિનલ ફિલ્મ રિ-રિલીઝ થવાની છે તેમાં મુંબઈ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતનો પણ સમાવેશ થાય છે.

મૂળ ક્લાસિકનાં સિનિયર ડિરેક્ટર સઈ પરાંજપે પોતાની ફિલ્મની રિમેક સામે સ્પષ્ટ અને તીવ્ર અણગમો જાહેર કરી ચુક્યાં છે. એની સામે જૂની જોડી ફારુખ શેખ અને દીપ્તિ નવલનો અભિગમ ઉદાર છે. એમનું કહેવું છે કે ભલેને ફિલ્મ ફરીથી બને. ભૂતકાળમાંય કેેટલીય ક્લાસિક્સની રિમેક બની જ છેને. જોકે સઈ પરાંજપેનો બળાપો અને ડર બન્ને સાચા છે. પ્રોમો પરથી જ એંધાણ મળી જાય છે કે ઓરિજિનલ ફિલ્મમાં જે નિર્દોષતા અને સાદગી છે તેનો ડેવિડ ધવન કચ્ચરઘાણ વાળી નાખ્યો હશે.   અનુરાગ કશ્યપે જેમ ‘દેવ.ડી’માં દેવદાસની આગલી ફિલ્મોની કુમાશની વાટ લગાડી દીધી હતી, તેમ.

જૂની ‘ચશ્મે બદ્દૂર’ 1981માં રિલીઝ થઈ હતી. સઈ પરાંજપેની ફિલ્મમેકર તરીકેની કરીઅર મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સરસ આગળ વધી રહી હતી. 1980માં તેમણે હિન્દી સિનેમામાં અદભુત શરુઆત કરી - ‘સ્પર્શ’થી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહે અંધ વ્યક્તિનો યાદગાર અભિનય કર્યો હતો. ‘સ્પર્શ’ જેવી સંવેદનશીલ અને ગંભીર ફિલ્મની તરત પછી સઈ પરાંજપેએ ‘ચશ્મે બદ્દૂર’ જેવી રોમેન્ટિક કોમેડી બનાવી. ફારુક શેખને હીરો તરીકે ચમકાવતી ‘નૂરી’ બે વર્ષ પહેલાં આવી ચૂકી હતી. તે પછી ફારુક શેખ પર ‘નૂરી’ ટાઈપની જ સારી-ખરાબ ફિલ્મોની ઓફર આવવા માંડેલી, પણ તેમણે એકેય સ્વીકારી નહોતી.  ‘નૂરી’ જેવી હિટ ફિલ્મ આપ્યા પછી તેઓ બબ્બે વર્ષ સુધી રીતસર ઘરે બેકાર બેસી રહેલા. સઈ પરાંજપેએ તેમનો સંપર્ક કર્યો. સ્ક્રિપ્ટ સંભળાવી. ફારુક શેખે તરત જ હા પાડી દીધી. દીપ્તિ નવલે ન્યુયોર્કથી ફાઈન આર્ટ્સનું ભણીને મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી લીધો હતો. એની ‘એક બાર ફિર’ અને ‘જૂનુન’ જેવી બે-ચાર ફિલ્મો આવી ચૂકી હતી. વાસ્તવમાં દીપ્તિની કરીઅરની સૌથી પહેલી ફિલ્મ ‘એક બાર ફિર’માં ફારુક શેખ હીરો બનવાના હતા, પણ તારીખોમાં છેલ્લી ઘડીએ થયેલા ફેરફારોને કારણે પછી પ્રદીપ વર્મા નામના કોઈ અજાણ્યા એક્ટર તેમની જગ્યાએ ફિટ થઈ ગયા. ‘ચશ્મે બદ્દૂર’ની ‘મિસ ચમકો’ના રોલમાં દીપ્તિ અને દોસ્તારો તરીકે Ravi વાસવાની તેમજ રાકેશ બેદીની વરણી થઈ એટલે મુખ્ય કાસ્ટિંગ પૂરું થયું.



આ એ જમાનો હતો જ્યારે આર્ટ ફિલ્મો અથવા તો ઓછા બજેટની પેરેલલ ફિલ્મો ઓલરેડી બનવા માંડી હતી. નસીરુદ્દીન શાહ ઉપરાંત ઓમ પુરી, સ્મિતા પાટિલ અને શબાના આઝમી પેરેલલ ફિલ્મોનાં સુપરસ્ટાર્સ હતાં. ફારુક  શેખ અને દીપ્તિ પણ આ જ મંડળીનાં સભ્યો હતાં. પોડ્યુસર ગુલ આનંદનું મૂળ આયોજન તો એવું હતું કે દિલ્હી જઈને એક મહિનામાં ‘ચશ્મે બદ્દૂર’નું શૂટિંગ આટોપી લેવું. શિયાળાના દિવસો હતા. ફિલ્મ પૂરી થતાં એકને બદલે બે મહિના થયા. શૂટિંગ દરમિયાન માહોલ હલકોફૂલકો અને મજાકમસ્તીનો રહેતો. એ વખતે કોઈને કલ્પના સુધ્ધાં નહોતી કે આપણે જે ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ તે આગળ જતા ક્લાસિક કે કલ્ટ ફિલ્મ બની જવાની છે.



ફિલ્મ રિલીઝ થઈ. વખણાઈ. ‘ંચશ્મે બદ્દૂર’ રિલીઝ થઈ તે વર્ષે બીજી કઈ કઈ મોટી હિન્દી ફિલ્મો આવી હતી? બચ્ચનસાહેબની ‘લાવારિસ’, ‘નસીબ’, ‘યારાના’ અને ‘કાલિયા’, કમલ હાસનની ‘એક દૂજે કે લિયે’, હેમા માલિનીની રાજેશ ખન્ના સાથે ‘કુદરત’, મનોજ કુમાર સાથે ‘ક્રાન્તિ’ અને જિતેન્દ્ર સાથે ‘મેરી આવાઝ સુનો’ તેમજ નવા નિશાળિયા સંજય દત્તની ‘રૉકી’ અને કુમાર ગૌરવની ‘લવસ્ટોરી’!  સુપરહિટ થઈ ચુકેલી આ ફિલ્મોની સાથે એ જ વર્ષે ‘36 ચૌરંધી લેન’ અને શ્યામ બેનેગલની ‘કલયુગ’ જેવી આર્ટ ફિલ્મો પણ આવેલી. આ બધા વચ્ચે સીધી સાદી ‘ચશ્મે બદ્દૂર’ પોતાની જગ્યા બનાવી શકી. બોક્સઓફિસ પર પણ તે ઠીક ઠીક ચાલી એટલે પછી ફારુક શેખ - દીપ્તિ નવલની જોડી જામી ગઈ.  ‘ચશ્મે બદ્દૂર’ પછી આ જોડીની કેટલીક ફિલ્મો આવી- ‘સાથ સાથ’, ‘એક બાર ચલે આઓ’, ‘કથા’, ‘રંગબિરંગી’, ‘કિસી સે ના કહના’, ‘ફાસલે’ અને પછી છેક 28 વર્ષ બાદ ‘ટેલ મી ઓ ખુદા’ તેમજ ‘લિસન અમયા’. સઈ પરાંજપે ફિલ્મનાં ડિરેક્ટર ઉપરાંત રાઈટર પણ હતાં. ફારુક શેખ ‘ચશ્મે બદ્દૂર’ની સફળતાનો 80 ટકા જશ એકલાં સઈ પરાંજપેને આપે છે. ફારુખ-દીપ્તિની ત્રણ સૌથી મહત્ત્વની ફિલ્મો ‘ચશ્મે બદ્દૂર’, ‘કથા’ અને ‘સાથ સાથ’માંથી બે સઈએ બનાવી છે.
Sai Paranjpye

આ મહિનાની 19 તારીખે સઈ પરાંજપેએ 75 વર્ષ પૂરાં કર્યાં. સઈ પ્રગતિશીલ પરિવારનું ફરજંદ છે. એમનાં  માતાજી શકુંતલા પરાંજપેએ કેમ્બ્રિજમાંથી ડિગ્ર્ાી મેળવી હતી. તેઓ જિનીવામાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનમાં કામ કરતાં. ફેમિલી પ્લાનિંગના ક્ષેત્રમાં કરેલાં નોંધપાત્ર કામ બદલ ભારત સરકારે તેમને (એટલે કે માતાજીને) પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. જોકે માતાજીનું ખુદનું ફેમિલી ડામોડોળ હતું. રશિયન પતિ (જે અચ્છા પેઈન્ટર હતા) સાથેનું એમનું લગ્નજીવન બરાબર જામ્યું નહીં એટલે દીકરી સઈ નાના-નાની પાસે પુનામાં મોટી થઈ. મોસાળ સંપન્ન અને પ્રેમાળ હતું એટલે સઈનું બાળપણ સાહ્યબીમાં વીત્યું. ‘કથા’માં જોકે તેમણે ચાલ સિસ્ટમમાં રહેતા મધ્મય-મધ્યમ કે નિમ્ન મધ્યમવર્ગીય વર્ગના મજાના મહારાષ્ટ્રિયનો દેખાડ્યા છે. હિન્દી સિનેમામાં અધિકૃત તેમજ સુંદર રીતે મરાઠી કલ્ચર ઉપસાવનારા ગણ્યાગાંઠ્યા ફિલ્મસર્જકોમાં સઈ પરાંજપે મુખ્ય છે.

સઈ પરાંજપેને કમર્શિયલ સિનેમામાં બધું ‘વધું પડતું’ લાગતું - વધુ પડતી એક્ટિંગ, વધુ પડતો મેકઅપ, વધુ પડતા નાચગાના. હીરો -હિરોઈન પણ બનાવટી લાગે. તેથી સઈ હંમેશા ‘પોતાના પ્રકાર’ની ફિલ્મો બનાવતાં રહ્યાં, જેમાં એ સફળ પણ રહ્યાં. તેમને મિનીમલિસ્ટીક અપ્રોચ સૌથી વધારે માફક આવે છે. તેમની ફિલ્મોમાં બધું જ માપસરનું અને જરુર પૂરતું જ હોય. એક્સપ્રેશન્સ, સંવાદો, વાર્તાની ગતિ, બધું જ. ‘ચશ્મે બદ્દૂર’ અને ‘કથા’ જેવી ફિલ્મોમાં અફલાતૂન હ્યુમર હતું પણ તેની માત્રા પણ માફકસરની જ હતી. તેથી જ સઈ પરાંજપેની ફિલ્મોના અઠંગ ચાહકો ભુલચુકેય ફૂવડ કોમેડી માટે જાણીતા ડેવિડ ધવનની ‘ચશ્મે બદ્દૂર’ જોશે તો ચોક્કસપણે તેમના પર સિનેમેટિક અત્યાચાર થઈ જવાનો. અમે તો અત્યારથી નક્કી કરી નાખ્યું છે કે આવતા શુક્રવારે જૂનું ક્લાસિક ‘ચશ્મે બદ્દૂર’ જ જોવા જઈશું. તમે?

શો-સ્ટોપર 

હું ભલે ટોપની હિરોઈન ગણાઉં, પણ મારા જીવને સંતોષ નથી. મારે પ્રયત્નપૂર્વક મારી જાતને કહેવું પડે કે કેટરિના, તું સક્સેસફુલ છો, તેં સરસ ફિલ્મો કરી છે, જરા પોતાની જાતની કદર કરતાં શીખ. પછી પાંચ મિનિટ માટે જરા શાંતિ જેવું લાગે, પણ છઠ્ઠી મિનિટે પાછું મગજ ભમવા માંડે.

- કેટરિના કૈફ


Tuesday, March 26, 2013

બ્રેક કે બાદ


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 20 જાન્યુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

પ્રેમમાં હોય ત્યારે સામેના પાત્ર માટે સતત જતું કરવું, આપતા રહેવું એ બિપાશા બસુની મૂળભૂત તાસીર છે, પણ સંબંધોમાં એક કરતાં વધારે વખત પછડાટ ખાધા પછી એ હવે દિલના મામલામાં ‘પ્રેક્ટિકલ’ થવા માગે છે.






તીવ્રતાથી જોડાયેલા અને વર્ષો સુધી વહેતા રહેલા સંબંધની ગુણવત્તા શી રીતે નક્કી થાય? આવા સંબંધ પર પૂર્ણવિરામ મૂકાય ત્યારે શું થાય? માણસ કદાચ તૂટી જાય. જીવલેણ પીડાના ભાર નીચે કચડાઈ જાય. પણ ધીમે ધીમે બધું શાંત પડતું જાય. શક્ય છે કે સંબંધવિચ્છેદ પછી વ્યક્તિ ઊલટાની વધારે ખીલે, વધારે ખૂલે. પ્રેમના નામે અટકી રહેલો સંબંધ ખરેખર તો કેટલો નુક્સાન કરી રહ્યો હતો તે પછી સ્પષ્ટ થાય. પ્રેમ અને સંબંધોના મામલામાં બિપાશા બસુ ઘણું બધું જોઈ ચૂકી છે, અનુભવી ચુકી છે. જોન અબ્રાહમ સાથેનો તેનો જગજાહેર સંબંધ નવેક વર્ષ ચાલ્યો. તેમના બ્રેક-અપને પણ હવે તો દોઢ-બે વર્ષ થવા આવશે. જોન સાથેની પોતાની રિલેશનશિપને બિપાશા હવે કઈ રીતે જુએ છે?

‘પ્રેમભંગની પ્રક્રિયામાંથી પસાર થયા પછી તમે માણસ તરીકે ગ્ર્ાો થતા હો છો,’ એક મુલાકાતમાં બિપાશા કહે છે, ‘હાર્ટબ્રેક તમારી પર્સનાલિટીમાં એક પ્રકારનું ઊંડાણ ઉમેરી દે છે. તમારામાંથી છીછરાપણું કે આછકલાઈ ઓછાં થઈ જાય છે. તમે આસપાસના લોકોની અને પરિસ્થિતિઓની વધારે કદાર કરતા થઈ જાઓ છો. ખાસ તો તમારી જાતની. તમને સમજાય છે કે તમારા માટે સૌથી કોઈ મૂલ્યવાન હોય તો તે તમે પોતે જ છો. હું ‘લવ યોરસેલ્ફ’ની ફિલોસોફીમાં માનતી થઈ ગઈ છું. મારી મમ્મી આ જ રીતે પોતાની જિંદગી જીવી છે. પહેલાં મને તે સમજાતું નહોતું, પણ હવે જ્યારે હું પોતે કઠણાઈ અને પીડામાંથી પસાર થઈ ચુકી છું ત્યારથી મને આ ગુરુમંત્ર એકદમ સમજાવા લાગ્યો છે. સંબંધમાં હતી તે દરમિયાન મેં મારી જાતને સતત બીજા નંબર પર મૂકી. પહેલાં મારી રિલેશનશીપ, પહેલાં મારો બોયફ્રેન્ડ, પછી હું! પણ જ્યારથી મેં ખુદને ટોપમોસ્ટ પ્રાયોરિટી આપવાનું શરુ કર્યું છે ત્યારથી જાણે લાઈફ પલટાઈ ગઈ છે. હું વધારે ખુશ રહું છું. વધારે ખુશ દેખાઉં છું. આઈ એમ અ હેપીઅર પર્સન... અને લોકો મને જે રીતે રિએક્ટ કરે છે તે પરથી સમજાઈ રહ્યું છે કે આ આંતરિક સુખ મારા ચહેરા પર અને પર્સનાલિટીમાં પણ ઝળકવા લાગ્યું છે.’



આ વાતનો સીધો અર્થ એ થયો કે બિપાશા પ્રેમસંબંધના છેલ્લા તબક્કા દરમિયાન અંદરથી મુરઝાવા માંડી હશે. એ અને જોન સાથે હતા ત્યારે એક જોઈન્ટ ઈન્ટરવ્યુમાં બન્નેને પૂછવામાં આવેલું કે તમને કપલ તરીકે આઠ-આઠ વર્ષ થઈ ગયાં... ક્યારેય આ રિલેશનશિપમાંથી છુટકારો મેળવી લેવાનો વિચાર આવે ખરો? બન્નેએ બહુ જ નિખાલસતાપૂર્વક જવાબ આપ્યો હતો: હા, એવો વિચાર ક્યારેક ક્યારેક જરુર આવી જાય છે. જોને કહેલું, ‘તમે એક વ્યક્તિ સાથે આટલાં બધાં વર્ષો પસાર કર્યાં હોય એટલે કોઈ ને કોઈ સ્વરુપમાં પ્રેમ ટકેલો હોય, રિસ્પેક્ટ હોય, જવાબદારીની ભાવના હોય. રિલેશનશિપમાં ઘણા તાણાવાણા ગૂંથાયેલા હોય છે. તમે આ બધું ખંખેરીને ઊભા ન થઈ શકો.’

પણ કદાચ એક હદ પછી બધા તાણાવાણા તૂટી જતા હોય છે. અથવા તોડવા પડતા હોય છે. બિપાશાએ કહેલું: ‘સ્ત્રી અને પુરુષની પ્રેમ કરવાની રીતમાં ફર્ક હોય છે. મને ઘણી વાર થાય કે હું જોન માટે આટઆટલું કરું છું, પણ એ કેમ મારા માટે એવું બધું કરતો નથી, કેમ મને લાડ લડાવતો નથી. પણ પછી મને ભાન થયું કે જોન, જોન છે. એ મારી જેમ વિચારે કે વર્તે એવી અપેક્ષા હું શા માટે રાખું છું? એણે મને ચોખ્ખું કહી દીધું કે જો, મારા માટે આ જ પ્રેમ છે, હું આનાથી વધારે કરી શકું તેમ નથી. જો તને પ્રેમ દેખાતો ન હોય તો આપણા સંબંધ પર પૂર્ણવિરામ મૂકી શકે છે.’

આ વાતના અનુસંધાનમાં જોન અબ્રાહમે કહ્યું હતું, ‘એક તબક્કો એવો આવી ગયો હતો કે હું એકદમ સ્વાર્થી અને સ્વકેન્દ્રી બની ગયેલો. મેં બિપાશાને સ્પષ્ટપણે કહ્યું કે મારી ટોપમોસ્ટ પ્રાયોરિટી મારું કામ છે, આપણો સંબંધ નહીં. મારી વાત બિપાશાને ખૂબ ચોંટી ગઈ... પણ પછી એણે બહુ સરસ રીતે આખો મામલો હેન્ડલ કરી લીધો.’

બિપાશાએ મામલો હેન્ડલ કરવાની ભરપૂર કરી હશે, પણ એક હદ પછી ઈનફ ઈઝ ઈનફ કરીને એણે હથિયાર હેઠાં મૂકી દેવા પડ્યાં હશે. સંબંધ તોડી નાખે એવી કોઈ એક જ વસ્તુનું નામ આપવાનું હોય તો તે કઈ? આ સવાલના જવાબમાં બિપાશા કહે છે, ‘બેવફાઈ. પીઠ પાછળ થતી દગાબાજી. ચીટીંગ ઈઝ ધ બિગેસ્ટ ડીલબ્રેકર.’

બિપાશા કે જોન બેમાંથી કોઈએ ક્યારેય સ્પષ્ટ શબ્દોમાં સંબંધવિચ્છેદનું કારણ જણાવ્યું નથી, પણ બિપાશાએ આડકતરી હિન્ટ્સ જરુર આપી છે. પ્રેમભંગ થવાથી માણસ ક્યારેક નિર્ભ્રાન્ત થઈ જતો હોય છે. સંબંધો પરથી એનો ભરોસો ઉઠી જાય છે. સદભાગ્યે બિપાશામાં એવી કોઈ કડવાશ આવી નથી. એ કહે છે, ‘મારાં મમ્મી-પપ્પા અને બહેન-બનેવીના ઉદાહરણ મારી આંખ સામે છે. અમે ત્રણેય બહેનો આટલી મોટી થઈ ગઈ તોય મારાં પેરેન્ટ્સનો રોમાન્સ ખતમ થયો નથી. તેઓ એયને જલસાથી જીવે છે. એકબીજાની કંપની તેઓ ખૂબ એન્જોય કરે છે, અવારનવાર વેકેશન ગાળવા બહારગામ ઉપડી જાય છે. મેં ખરાબ લગ્નો પણ જોયાં છે, પણ સાથે સાથે મારાં મમ્મી-પપ્પા જેવાં મજબૂત કપલ્સ પણ જોયા છે. ના, લગ્નસંસ્થા પરથી મારો ભરોસો જરાય ઉઠ્યો નથી. તમને તમારો સાચો સૉલમેટ મળી જાય તો સંબંધ આજીવન ટકી રહે છે.’



તકલીફ એ છે કે સૉલમેટ યા તો જીવનસાથી સાચો (કે સાચી) છે કે તકલાદી તે ચહેરા પર લખાયેલું હોતું નથી. બિપાશા અત્યારે તો પોતાના સિંગલ સ્ટેટસમાં મોજ કરે છે. બોયફ્રેન્ડ કે પ્રેમી કે પતિને એ જરાય મિસ કરતી નથી. એ કહે છે, ‘બેઝિકલી, આઈ એમ અ ગિવર. સંબંધમાં હું હંમેશાં સામા પાત્રને આપતી રહું છું, જતું કર્યા કરું છું. આ મારી મૂળભૂત તાસીર છે... પણ હવે મારામાં આપતા રહેવાની તાકાત નથી રહી. હવે મારી લાઈફમાં જે કોઈ આવશે, એણે મારી રિધમ પ્રમાણે સેટ થવું પડશે. હું હવે મારી જાતને ફરી પાછી નવા ઢાંચામાં નહીં ઢાળું. હકીકત તો એ છે કે સ્ત્રી ખુદની કદર ન કરે કે ખુદની લાગણીઓની અવગણના કર્યા કરે તો એ કોઈને કશું આપી શકતી નથી. એટલે સ્ત્રી પોતાની જાતને ફર્સ્ટ પ્રાયોરિટી આપે તે મહત્ત્વનું છે. આ કંઈ ફેમિનિસ્ટ બનવાની વાત નથી. હું ફેમિનિસ્ટ છું પણ નહીં. પણ હું હવે ટીનેજરની જેમ વિચારી ન શકું. હું ત્રીસીમાં પહોંચી ગઈ છું. મારે હવે પ્રેમમાં પ્રેક્ટિકલ બનવું પડશે. ચલો જોઈએ, મને પ્રેમમાં પ્રક્ટિકલ થતા આવડે છે કે નહીં!’

બિપાશાનો ‘પ્રેક્ટિકલ’ બનવાનો મતલબ ક્યાંક એવો તો નથીને કે બોલીવૂડની બીજી હિરોઈનોની જેમ માલદાર પુરુષને પકડીને પરણી જવાનું? પછી એ બીજવર કે ત્રીજવર હોય તો પણ ચાલે. ખેર, એ તો દૂરની વાત થઈ, બાકી જોનથી છૂટા પડ્યા પછી બિપાશાએ ફિટનેસ પર ફોકસ કર્યું છે. ફ્રેન્ડ્સ સાથે ટોળટપ્પાં મારવાને બદલે એ જિમમાં જવાનું પસંદ કરે છે. બિપાશા અત્યારે જેટલી ફિટ છે એટલી અગાઉ ક્યારેય નહોતી. એણે ફિટનેસને લગતી ડીવીડી પણ બહાર પાડી છે, જે ખાસ્સી વખણાઈ છે. કરીઅરની વાત કરીએ તો એની ‘રાઝ-થ્રી’ સરપ્રાઈઝ હિટ પૂરવાર થઈ. આ શુક્રવારે ‘આત્મા’ નામની એક ઑર ભૂતપ્રેતની ફિલ્મ આવી છે. હોલીવૂડની એની ‘સિંગ્યુલારિટી’ નામની અટકી પડેલી ફિલ્મ ગમે ત્યારે રિલીઝ થાય એમ છે. ખાનત્રિપુટી કે મોટા બેનર્સ કે કોઈ કેમ્પના હિસ્સા બન્યા વગર બિપાશા બોલીવૂડમાં અત્યાર સુધી ટકી રહી છે.

સો વાતની એક વાત. બોયફ્રેન્ડ સહિત કે બોયફ્રેન્ડ વગર જિંદગી તો ચાલતી રહેવાની.

શો-સ્ટોપર 

અમુક વસ્તુઓ મેં હવે સ્વીકારી લીધી છે. જેમકે અમુક સ્ટાર્સ માત્ર એટલા માટે ડિમાન્ડમાં રહેવાના કે તેનામાં એક પ્રકારનો કરિશ્મા છે. પછી એનામાં ટેલેન્ટ હોય કે ન પણ હોય.

- મનોજ બાજપાઈ
 

‘લ્યો સાહેબ, આ રહ્યો સમાચારનો પુરાવો!’


ચિત્રલેખા - અંક તા. ૨૫ માર્ચ ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું


Devendra Patel

ચિમનભાઈ પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન હતા તે વખતની આ વાત છે. ભાવનગર જિલ્લાના દડવા ગામમાં દિનેશપુરી ગોસ્વામી નામનો એક પૂજારી રહે. એની પત્ની ભારે રુપાળી. નીતા એનું નામ. ગામના બદમાશોની લાંબા સમયથી એના પર કુદષ્ટિ. એક વાર લાગ જોઈને એ નીતાને ઉઠાવી ગયા. ગામની સીમમાં એના પર સામૂહિક બળાત્કાર કર્યો. લફંગાઓ એવા લોંઠકા કે પછી ચાર-ચાર દિવસ સુધી નીતાના વરને ઘરની બહાર પગ ન મૂકવા દીધો. આખરે માંડ માંડ દિનેશપુરીએ ઉમરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કોશિશ કરી તો પૂજાનો સામાન વેચતી એની દુકાન સળગાવી દેવામાં આવી. ભાવનગર ડીએસપીની મદદ માગવા ગયા તો એનું ખોરડું જલાવી દીધું. પરિવારને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો. ત્રસ્ત થઈ ગયેલાં પતિ-પત્ની આત્મહત્યા કરવાની અણી પર પહોંચી ગયાં. કોઈએ એેમને સમજાવીને ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ સ્થિત ઓફિસે મોકલ્યા. અખબારના વરિષ્ઠ પત્રકારે એનો ઈન્ટરવ્યુ લઈ તેમને કોઈ અજુગતું પગલું ન ભરવાની સલાહ આપી. નીતાએ હિંમતપૂર્વક કહ્યું કે મારું જે નુક્સાન થવાનું હતું એ તો થઈ ગયું. તમતમારે મારા નામ અને ફોટા સાથે છાપજો!

લેખ છપાયો ને હોબાળો મચી ગયો. બળાત્કારની ભોગ બનેલી યુવતીની તસવીર સાથે અહેવાલ છપાયો હોય તેવું ગુજરાતી પત્રકારત્વનો આ સંભવત: પહેલો કિસ્સો હતો. બળાત્કારીઓ અને તેમને સાથ આપનાર ૧૮ માણસોની ધરપકડ થઈ. વર્ષો સુધી હાઈકોર્ટે તેમને જામીન ન આપ્યા. નીતા અને તેના પતિને ન્યાય મળ્યાનો સંતોષ થયો. અલબત્ત, વાત અહીં પૂરી થતી નથી. થોડા અરસા પછી અમદાવાદમાં એ સિનિયર જર્નલિસ્ટના પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. મંચ પર ચિમનભાઈ પટેલ, ‘ગુજરાત સમાચાર’ના માલિક-તંત્રી શાંતિભાઈ શાહ અને સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી બિરાજમાન હતા. બક્ષીબાબુને એમની તાસીર મુજબ મંચ પરથી ચિમનભાઈ વિરુદ્ધ ભાષણ ઠપકાર્યું. પછી ચિમનભાઈનો વારો આવ્યો. બક્ષી ઈતિહાસના પ્રોફેસર હતા એટલે ચિમનભાઈએ ઠેકડી ઉડાવતા કહ્યું કે, ‘ઈતિહાસ લખનારા લખ્યા કરે અને ઈતિહાસ રચનારા રચ્યા કરે.’ અહીંથી ન અટકતા તેમણે મિડીયાને પણ હડફેટમાં લીધા: ‘સમાચાર લખનારાઓએ ક્યાં પૂરાવા રજૂ કરવાના હોય છે?’

છેલ્લે લેખકનો વારો આવ્યો. તેમણે પોતાના વકતવ્યમાં નીતા ગોસ્વામીની કહાણી વર્ણવીને ઉમેર્યું કે ચિમનભાઈ, તમારા પૂરાવા જ જોઈએ છેને, તો મેં હમણાં જેની વાત કહી એ નીતા અત્યારે ઓડિયન્સમાં જ બેઠી છે! નીતાને બોલવવામાં આવી. નીતા આત્મવિશ્વાસપૂર્વક માથા પર સાડીનો છેડો ઢાંકીને મંચ પર આવી. લેખકે કહ્યું: ‘લ્યો સાહેબ, આ રહ્યો પુરાવો!’ હૉલમાં પહેલાં સ્તબ્ધતા છવાઈ અને પછી તાળીઓનો ગડગડાટ થઈ ગયો. આ જ નીતા ગોસ્વામી પછી એક અવોર્ડવિનિંગ ડોક્યુમેન્ટરી બની. એટલું જ નહીં, જે ગામમાં એના પર ગેંગરેપ થયો હતો એ જ ગામની એ સરપંચ પણ બની!

જેમાં નીતાનો કિસ્સો જેમાં છપાયો એ અત્યંત લોકપ્રિય કોલમ એટલે ‘કભી કભી’ અને એ વરિષ્ઠ પત્રકાર એટલે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ. આજનાં પુસ્તક ‘આંતરક્ષિતિજ’માં એમની રોમાંચક અને ઘટનાપ્રચુર જર્નલિસ્ટિક કરીઅરના આવા તો કંઈકેટલાય રસપ્રદ કિસ્સાઓ આલેખાયા છે. ‘આંતરક્ષિતિજ’ પુસ્તક રીતસર આત્મકથા ભલે ન હોય, પણ આત્મકથાનાત્મક તો છે જ. સાબરકાંઠાના આકરુન્દ નામના ગામડામાં વીતેલાં તોફાની બાળપણથી લઈને ૪૫ વર્ષની પ્રલંબ કારકિર્દીના આલેખ ઉપરાંત તેમનું જીવનદર્શન પણ અહીં ઝીલાયું છે.




લેખક યોગ્ય જ કહે છે કે પત્રકારત્વ કંઈ ગ્લેમરસ ફિલ્ડ નથી. આ કોઈને ડરાવવા-ધમકાવવાનો કે વટ પાડી દેવાનો વ્યવસાય પણ નથી. પુષ્કળ પરિશ્રમ માંગી લે છે આ ફિલ્ડ. અહીં જોખમ પણ એટલું જ છે. ૧૯૮૦ના દાયકામાં ગુજરાતમાં ફાટી નીકળેલાં હિંસક અનામત આંદોલનનું જ ઉદાહરણ લો. દેવેન્દ્ર પટેલ પોતાની ‘વોહી રફ્તાર’ કોલમમાં પોલીસના જુલમનું બિન્ધાસ્ત વર્ણન કરતા. યોગાનુયોગે એ જ અરસામાં અંગત કારણસર એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા થઈ ગઈ. આ ઘટના માટે ‘ગુજરાત સમાચાર’ને જવાબદાર ઠેરવવામાં આવ્યું. કેટલાંક અસામાજિક તત્ત્વો પણ કામે લાગી ગયાં. અખબારની ઈમારતને સળગાવી મૂકવામાં આવી. તોફાની ટોળું દેવેન્દ્ર પટેલના ઘરને પણ આગ ચાંપવા માગતું હતું. લેખક કે એના પરિવાર પાસે કોઈ પોલીસ પ્રોટેક્શન નહીં, પણ એમના નસીબ સારા કે કોઈ દુર્ઘટના ન ઘટી. વ્યાવસાયિક સાહસ કે દુ:સાહસના પછીય એકાધિક કિસ્સા બન્યા.

આ પુસ્તકમાં સૌથી ધ્યાન ખેંચતી ઑર એક બાબત હોય તો એ છે લેખકનો ગુજરાતના જુદાજુદા મુખ્યપ્રધાનો સાથેના લેખકના અંતરંગ સંબંધ. આ સંબંધ માત્ર વ્યાવસાયિક ન રહેતા અંગત સ્તર સુધી વિસ્તરતો. અમરસિંહ ચૌધરી અને તેમનાં પ્રેમિકા નિશાબહેન ગામીત બન્ને પરિણીત હતાં. એક દિવસ નિશાબહેને લેખકને કહ્યું કે તમે તમારા મિત્રને સમજાવો કે મારી સાથેનાં (બીજાં) લગ્નની વાત જાહેર કરી દે. અમરસિંહે દલીલ કરી કે એમ કરું તો તો મારી રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય. લેખકે સમજાવ્યું કે તમારા સંબંધ વિશે આમેય ગુજરાતના આગેવાનો જાણે જ છે. તમે લગ્નને કાયદેસરનું રુપ આપી દેશો તો ગોસિપ બંધ થઈ જશે. વળી, તમે બન્ને જે આદિવાસી સમાજમાંથી આવો છે એમાં આમેય આ પ્રકારનાં લગ્ન માન્ય ગણાય છે. આખરે ફ્રન્ટપેજ સ્ટોરી છપાઈ: ‘નિશા સાથેના પ્રણયને પરિણયમાં ફેરવતા અમરસિંહ.’ અહેવાલની બાયલાઈન દેવેન્દ્ર પટેલની હોવાની અમરસિંહનાં પ્રથમ પત્ની ગજરાબહેન જોેકે એમના પર નારાજ થઈ ગયેલાં.



૨૦૦૭થી ‘સંદેશ’ અખબાર સાથે સંકળાયેલા દેવેન્દ્ર પટેલ ‘ચિત્રલેખા’ને કહે છે કે, ‘આ પુસ્તકનો હેતુ કંઈ સનસનાટી સર્જવાનો નથી. કેટલાય શક્તિશાળી નેતાઓની અંતરંગ વાતો હું જાણું છું, પણ એ વાતો તેમણે મારા પર વિશ્વાસ રાખીને એક મિત્ર તરીકે share કરી છે. એ વાતો હું ક્યારેય જાહેર ન કરું. આ પુસ્તક મેં કેવળ પાંત્રીસ દિવસમાં લખ્યું છે. મેં જીવનમાં ક્યારેય ડાયરી કે નોંધો લખી નથી. પુસ્તકમાં આલેખાયેલી તમામ ઘટના તેમજ વિગતો મેં સ્મૃતિના આધારે લખી છે.’

એક જ બેઠકમાં પૂરું કરી શકાય એટલું રસાળ બન્યું છે આ પુસ્તક. ગુજરાતી પત્રકાત્વના જુદા જુદા રંગો ઝીલતાં પુસ્તકો બહુ ઓછા લખાયાં છે એવી સ્થિતિમાં નવયુવાન પત્રકારો તેમજ જર્નલિઝમમાં જોડાવા માગતા યંગસ્ટર્સ માટે આ પુસ્તક એક તગડું રેફરન્સ મટિરિયલ બની રહેશે એ તો નક્કી.        000

                                                                               
આંતરક્ષિતિજ

લેખક: દેવેન્દ્ર પટેલ

પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧

ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમત:  ૨૦૦ /
પૃષ્ઠ: ૨૪૪ 



                                                                                     





‘’

Tuesday, March 19, 2013

હોલીવૂડ હંડ્રેડ: ક્રેમર વર્સસ ક્રેમર : ના તુમ હમેં જાનો... ના હમ તુમ્હેં જાને


 મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૨૦ માર્ચ ૨૦૧૨  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પતિ-પત્નીના સંબંધમાં તિરાડ પડે તે ઘટનાની સૌથી ભયાનક અસર સંતાન પર પડે છે. તેનો કોઈ વાંક-ગુનો હોતો નથી, તો પણ. અલબત્ત, વિચ્છેદ પછી પણ કશુંક બાકી રહી જતું હોય છે. ક્રેમર વર્સસ ક્રેમરમાં આવા તૂટેલા પરિવારની વાત અત્યંત હૃદયસ્પર્શી રીતે પેશ થઈ છે.



ફિલ્મ નંબર ૧૫. ક્રેમર વર્સસ ક્રેમર
હોલીવૂડ એક બાજુ ચિત્રવિચિત્ર પ્રાણીઓ, એલિયન્સ, હથોડાછાપ મારામારી અને સ્પેશિયલ ઈફેક્ટ્સની રમઝટ બોલાવતી ફિલ્મો પ્રોડ્યુસ કરે છે, તો બીજી બાજુ, માનવસંબંધનાં સંવેદનશીલ પાસાંને રજૂ કરતી લાગણીભીની ફિલ્મો પણ બનાવે છે. ક્રેમર વર્સસ ક્રેમર બીજા પ્રકારની ફિલ્મ છે. બિનજરુરી મેલોડ્રામાથી ક્યાંય દૂર રહેતી આ યાદગાર ફિલ્મ દર્શકના દિલ-દિમાગ પર તીવ્ર અસર છોડી  જાય છે.

ફિલ્મમાં શું છે?

એક શહેરી કપલ છે. પતિ ટેડ (ડસ્ટિન હોફમેન), પત્ની જોઆના (મેરિલ સ્ટ્રીપ) અને સાત વર્ષનો રુપકડો દીકરો બિલી (જસ્ટિન હેનરી).  નાનકડા સરસ મજાના ફ્લેટમાં તેઓ રહે છે. ટેડ કોઈ કંપનીમાં એડવર્ટાઈઝિંગ એક્ઝિક્યુટિવ છે. અતીશય કામઢો છે. પોતાની જોબ પાછળ એટલો બધો સમય ખર્ચી નાખે છે કે એનું લગ્નજીવન ભંગાણ તરફ ધકેલાઈ રહ્યું છે એના તરફ તેનું ધ્યાન પણ નથી. એક સાંજે એ ઘરે આવે છે ત્યારે પત્ની જોઆના આક્રમક મૂડમાં છે. ટેડ, હું તને છોડીને જઈ રહી છું... એના અવાજમાં નિશ્ચયાત્મક રણકો છે, મારાથી હવે તારી સાથે એક છત નીચે નહીં રહી શકાય. આ રહી ઘરની ચાવીઓ, આ રહી બેન્કની પાસબુક, આ રહ્યાં ક્રેડિટ કાર્ડસ. હું મારી સાથે ફક્ત બે હજાર ડોલર લઈને જાઉં છું, કારણ કે આપણાં લગ્ન થયાં ત્યારે એટલી રકમ મારા ખાતામાં પડી હતી.

ટેડ હાંકોબોંકો થઈ જાય છે. એ જોઆનાને સમજાવવાની બહુ કોશિશ કરે છે, પણ પેલી કશું સાંભળવા તૈયાર નથી. ટેડ કહે છે, અને દીકરો? એનું શું? જોઓના કહે છે, દીકરાને હું તારી પાસે છોડતી જાઉં છું. એને તારે સાચવવાનો છે. જોઆના જતી રહે છે. સાત વર્ષના લગ્નજીવન પર એકઝાટકે પૂર્ણવિરામ મૂકાઈ જાય છે.



હવે બાપ-દીકરાના સંબંધમાં એક નવો અધ્યાય શરુ થાય છે. ઘરમાં પત્ની નથી, માતા નથી. બિલી મૂંઝાઈ ગયો છે. ટેડ દીકરાને હિંમતભેર કહે છે: મમ્મી નથી તો શું થઈ ગયું? હું છું ને! બોલ, શું ખાઈશ નાસ્તામાં? ટેડને બહુ જલદી સમજાય જાય છે કે  નાનકડા છોકરાને એકલા હાથે ઉછેરવો એ લોઢાના ચણા ચાવવા કરતાંય અઘરું કામ છે. બિલી વાતવાતમાં જીદ કરે છે, ડેડીની વાત માનતો નથી. ફિલ્મમાં એક બહુ અસરકારક સીન છે, જેમાં ટેડ ના પાડે છે તોય ટેણિયો ભરેલી થાળીને તરછોડીને ધરાર ફ્રિજ ખોલીને આઈસક્રીમ ખાવા લાગે છે. ટેડની કમાન છટકે છે. દીકરાને ઊંચકીને પથારી પર પટકે છે. દીકરો ચિલ્લાઈ ઉઠે છે: આઈ હેટ યુ, ડેડ!

ખેર, ધીમે ધીમે બાપ-બેટા વચ્ચે અનુકૂળ સમીકરણ રચાવા લાગે છે. દીકરાને સારી રીતે સાચવવાની લાહ્યમાં ટેડ ઓફિસના કામમાં પૂરતું ધ્યાન આપી શકતો નથી. સારી નોકરી ગુમાવીને એણે ઓછા પગારવાળા નોકરીમાં ગુજારો કરવો પડે છે. વચ્ચે વચ્ચે કટોકટી પણ પેદા થાય છે. જેમ કે, એક વાર બિલી પાર્કમાં રમતા રમતા પડી ગયો હતો. ટેડે લોહીલુહાણ દીકરાને ઊંચકીને ગાંડાની જેમ ભરટ્રાફિકમાં હોસ્પિટલ તરફ ભાગવું પડ્યું હતું. પાડોશમાં માગાર્રેટ (જેન એલેક્ઝાન્ડર) નામની ડિવોર્સી મહિલા રહે છે. તે પણ સિંગલ પેરેન્ટ છે. બિલીને સાચવવામાં એ હંમેશાં ટેડને ઘણી મદદ કરે છે.



પંદર મહિના પછી જોઆના ઓચિંતા પાછી પ્રગટે છે. એ કહે છે, હું મારા દીકરાને સાથે લઈ જવા આવી છું. ટેડ ભડકી ઉઠે છે: તને બિલી નહીં મળે. એને મારી સાથે રહેેવું છે. જોઆના કહે છે: તું શી રીતે ખાતરીપૂર્વક કહી શકે કે બિલીને મારી સાથે નથી રહેવું? હવે શરુ થાય છે બિલીની કસ્ટડી માટે પીડાદાયી કોર્ટકેસ. (ટેડની અટક ક્રેમર છે. ક્રેમર વર્સસ ક્રેમર એટલે અદાલતમાં ક્રેમર દંપતી વચ્ચે થતી અથડામણ.) બન્નેના વકીલ કાબેલ છે. જાતજાતની દલીલબાજી થાય છે, સાવ અંગત વાતો જાહેરમાં ઉછળે છે. ચારિત્ર્ય પર આંગળી ચીંધાય છેટેડ જોઆનાને કહે છે: જો, તું ગઈ પછી બહુ તકલીફ સહીને મેં અને દીકરાએ નવેસરથી માળો બાંધ્યો છે. તું મહેરબાની કરીને એને પાછી વીંખતી ન નાખતી. દીકરો બહુ મુશ્કેલીથી નવી પરિસ્થિતિથી ટેવાયો છે. તું બીજી વાર એના પર ઘા ન કરતી... આંખો ભીની કરી દે એવું આ દશ્ય છે આ. ટેડનો વકીલ એકવાર જોઆનાને ભીંસમાં લે છે: તમે માનો છો કે એક પત્ની તરીકે, એ મા તરીકે તમે સદંતર નિષ્ફળ ગયાં છો? જોઆના રડી પડે છે. એનાથી ટેડ તરફ જોવાઈ જાય છે. ટેડ સહાનુભૂતિપૂર્વક એને તાકી હ્યો છે. તે નકારમાં માથું હલાવીને સંકેતમાં કહે છે: ના પાડ, જોઆના. પત્ની તરીકે તું નિષ્ફળ નથી ગઈ! અદભુત છે આ મોમેન્ટ. બન્ને એકબીજા સામે યુદ્ધે ચડ્યાં છે, છતાંય બન્ને વચ્ચે કશુંક બચી ગયું છે. અદાલતના ઝેરીલા માહોલમાં પણ પતિને વિખૂટી પડી ચૂકેલી પત્નીની ગરિમાની પરવા છે!




ખેર, અદાલત આખરે જોઆનાની તરફેણમાં ચુકાદો આપે છે. ટેડ ભાંગી પડે છે. જોઆના દીકરાને તેડવા ઘરે આવે છે. સાવ છેલ્લી ઘડીએ  જોઆના આંસુભરી આંખે કહે છે, ટેડ, મને સમજાય છે કે બિલીનું સાચું ઘર આ જ છે. એ અહીં જ ખુશ રહેશે, તારી પાસે. ના, હું બિલીને સાથે નહીં લઈ જાઉં... ટેડ એને ભેટી પડે છે. જોઆના એક વાર બિલીને મળી લેવા માગે છે. લિફ્ટમાં જતી વખતે એ આંસુ લૂછી નાખે છે, વાળ ઠીક કરે છે. ટેડને પૂછે છે, કેવી લાગું છું હું? ટેડ મલકીને કહે છે, ટેરિફિક! આનંદિત થઈ ગયેલી જોઆનાને લઈને લિફ્ટ ઉપર ચડે છે. આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની

ક્રેમર વર્સસ ક્રેમર એવરી કોર્મન નામના લેખકે લખેલી નવલકથા પર આધારિત છે. સિત્તેરના દાયકામાં અમેરિકાના સામાજિક માળખામાં પરિવર્તન આવી રહ્યું હતું. માતૃત્વ અને પિતૃત્વની વ્યાખ્યાઓ બદલાઈ રહી હતી. આ ફિલ્મમાં આ બદલાતો સામાજિક પરિવેશ અસરકારક રીતે ઝીલાયો છે. આ ફિલ્મ બની તે અરસામાં મેરિલ સ્ટ્રીપની અભિનેત્રી તરીકે નવી અને પ્રમાણમાં અજાણી હતી. મૂળ તેને ડસ્ટિન હોફમેન જેની સાથે વન-નાઈટ-સ્ટેન્ડ કરે છે તે સ્ત્રીના પાત્રમાં કાસ્ટ કરવામાં આવી હતી, પણ પછી ડસ્ટિનની પત્નીનો રોલ આપવામાં આવ્યો. ફિલ્મમાં ડસ્ટિન અને મેરિલ બન્નેનો અભિનય હૃદયસ્પર્શી બન્યો છે એનાં અંગત કારણો પણ છે. ડસ્ટિન હોફમેન ખુદ તે વખતે ડિવોર્સની કાનૂની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા, જ્યારે મેરિલનો પ્રેમી મૃત્યુ પામ્યો હતો. તે હજુ એના દુખમાંથી પૂરેપૂરી બહાર નહોતી આવી. બન્ને કલાકારોની અંગત વેદના તેમના અભિનયમાં એટલી હૃદયસ્પર્શી રીતે ઝિલાઈ કે બન્ને ઓસ્કર અવોર્ડના હકદાર બન્યા. મેરિલની કરીઅરનો તે પ્રથમ ઓસ્કર.



ફિલ્મના મેકિંગ દરમિયાન કેટલાંય દશ્યો સેટ પર ઈમ્પ્રોવાઈઝ થયાં. જેમ કે, મેરિલ પહેલી વાર દીકરાની કસ્ટડીની માગણી કરે છે ત્યારે ડસ્ટિન ક્રોધે ભરાઈને દીવાલ પર કાચના ગ્લાસનો ઘા કરી દે છે. આ સીનમાં હું આવી કંઈક ચેષ્ટા કરવાનો છું એવું ડસ્ટિને એકમાત્ર કેમેરામેનને જ ક્હ્યું હતું. ગ્લાસ ફેંકાતા મેરિલ જે રીતે હેબતાઈ જતી દેખાડવામાં આવે છે તે એનું કુદરતી રિએક્શન હતું! કોર્ટમાં પત્ની જુબાની આપે છે એ ડાયલોગમાં મેરિલને મજા નહોતી આવતી. બીજે દિવસે એ ઘરેથી જાતે, પોતાની ભાષામાં તે સંવાદ લખીને આવી. રાઈટર-ડિરેક્ટર રોબર્ટ બેન્ટનને તે ડાયલોગ એટલો પસંદ પડ્યો કે સહેજ પણ કાપકૂપ વગર યથાતથ શૂટ કર્યો. બાપ-દીકરાનો આઈસ્ક્રીમવાળો સીન પણ મૂળ સ્ક્રિપ્ટમાં નહોતો. તે ડસ્ટિને બાળકલાકાર જસ્ટિન સાથે સેટ પર ઈમ્પ્રોવાઈઝ કર્યો હતો. આ આઠ વર્ષના ટાબરિયાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં ઓસ્કર નોમિનેશન એનાયત થયું હતું. આટલી નાની ઉંમરે ઓસ્કરની કોઈ પણ કેટેગરીમાં નોમિનેશન મેળવનાર તે વિશ્વનો પહેલો એક્ટર હતો!

ક્રેમર વર્સસ ક્રેમર પરથી આપણે ત્યાં અકેલે હમ અકેલે તુમ નામની ફિલ્મ બની છે તે તમે જાણો છો. આમિર ખાન અને મનીષા કોઈરાલાએ તેમાં અભિનય કર્યો હતો. અંગ્રેજી ઓરિજિનલની બેઠ્ઠી નકલ હોવા છતાં અકેલે હમ અકેલે તુમ સારી ફિલ્મ બની હતી. કોર્ટરુમ ડ્રામા ધરાવતી હોલીવૂડની ટોપ ટેન ફિલ્મોમાં ક્રેમર વર્સસ ક્રેમરનો સમાવેશ થાય છે. માનવસંબંધોનું નાજુક નિરુપણ કરતી ફિલ્મોમાં રસ પડતો હોય તો ક્રેમર વર્સસ ક્રેમર જોવી તમારા માટે અનિવાર્ય છે.  

ક્રેમર વર્સસ ક્રેમર ફેક્ટ ફાઈલ

રાઈટર-ડિરેક્ટર      : રોબર્ટ બેન્ટન 
મૂળ નવલકથાકાર   : એવરી કોર્મન
કલાકાર           : ડસ્ટિન હોફમેન, મેરિલ સ્ટ્રીપ, જસ્ટિન હેનરી   
રિલીઝ ડેટ        : ૧૭ ડિસેમ્બર ૧૯૭૯
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે માટેના ઓસ્કર અવોર્ડઝ