Monday, March 18, 2013

‘મને અંધારાં બોલાવે... મને અજવાળાં બોલાવે’... પુસ્તક સ્વરુપે

પુસ્તક આવી ગયું, ફાયનલી! મને આ વાત શર કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે કે ચિત્રલેખામાં ધારાવાહિક ફોર્મેટ છપાયેલી મારી નવલકથા મને અંધારાં બોલાવે... મને અજવાળાં બોલાવેપુસ્તક સ્વરુપે પ્રગટ થઈ ચુકી છે. પ્રકાશક છે, નવભારત સાહિત્ય મંદિર. નવલકથાનાં બે ભાગમાં ફેલાયેલી છે. ગુજરાતી ચોપડીઓ વેચતી ઘણીખરી બુકશોપ્સ પર પુસ્તક ઓલરેડી પહોંચી ગયું છે. નહીં પહોંચ્યું હોય તો બે-એક દિવસમાં પહોંચી જવાનું. booksonclick.com નામની સરસ મજાની વેબસાઈટ પર પણ તે ઉપલબ્ધ છે. 


મને રોમાંચ એ વાતને થઈ રહ્યો છે કે નવલકથા હવે પુસ્તકાકારે સાવ નવા વાચકવર્ગ સામે મુકાયું છે. હવે લેખક તરીકે નવા ભાવકો સાથે સંબંધ બંધાશે. મને સમજાઈ રહ્યું છે કે આ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંબંધ જ લેખકની સૌથી મોટી મૂડી હોય છે! કોઈ પણ કથાને હપ્તે હપ્તે વાંચવામાં અને સળંગ વાંચવામાં જુદી અનુભૂતિ થઈ હોય છે. બન્નેની આગવી મજા છે. પુસ્તક આવ્યું એટલે લાગે છે કે ચાલો, નવલકથા-લેખનની પ્રક્રિયા તેના લોજિકલ એન્ડ સુધી પહોંચી ગઈ. જાણે એક ચક્ર પૂરું થયું. પણ પ્રક્રિયા એમ ક્યાં પૂરી થતી હોય છે? કદાચ પ્રત્યેક નવો વાચક નવલકથાના ભાવવિશ્વમાં, એની ચેતનામાં કશુંક ઉમેરતો હોય છે! નવી પ્રતિક્રિયાઓનો, નવા ફીડબેકનો, નવા મંતવ્યોનો ઈંતજાર રહેશે... 0 0 0

Saturday, March 16, 2013

જોલી ગુડ ફેલો


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 17 માર્ચ 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 સાવ નાની ઉંમરે અનાથ થઈ ગયેલા અરશદ વારસીએ મુંબઈની ફટપાથો પર અને લોકલ ટ્રેનોમાં લાલી-લિપસ્ટિક જેવી આઈટમો વેચી છે. કાયમ હસતા-હસાવતા રહેતા અરશદની બોલીવૂડે સાચી કદર થવાની હજુ બાકી છે.  




રશદ વારસીને જો દુશ્મનો હોય તો એ પણ કબૂલશે કે બોલીવૂડે એની પૂરતી કિંમત કરી નથી. સરસ અદાકાર છે, એક જમાનામાં એ ખુદ કોરિયોગ્ર્ાાફર રહી ચુક્યો છે એટલે ફાંકડો ડાન્સ કરી જાણે છે, દેખાવમાં ય ઠીકઠાક છે પણ કોણ જાણે કેમ હિન્દી ફિલ્મોમાં અરશદ એક અફલાતૂન સેકન્ડ લીડ બનીને અટકી ગયો છે. હીરોના દોસ્તારના રોલમાં અરશદ જીવ પૂરી દે છે. જેમ કે, મુન્નાભાઈ સિરીઝનું સરકીટનું યાદગાર કેરેક્ટર. યા તો પછી ‘ગોલમાલ’ અને ‘ધમાલ’ જેવી મલ્ટિસ્ટારર ફિલ્મોમાં એ ચક્રમ ટોળકીનો હિસ્સો બનશે.  આ શુક્રવારે રિલીઝ થયેલી ‘જોલી એલએલબી’માં એ ‘સહર’ નામની ફ્લોપ ફિલ્મ પછી લગભગ આઠ વર્ષ બાદ પહેલી વાર સોલો હીરો તરીકે ચમક્યો છે.

પોતે એકલો જ હીરો હોય તેવી ઓછી ફિલ્મો કરનાર અરશદનું બાળપણ ખાસ્સું એકલવાયું પસાર થયું છે. આઠ વર્ષનો થયો ત્યારે એનાં મમ્મી-પપ્પાએ એને નાસિક પાસે આવેલા દેવલાલીના એક boarding- હાઉસમાં  મૂકી દીધો હતો. વેકેશન પડે ત્યારે જ ઘરે આવવાનું. મતલબ કે વર્ષમાં ફક્ત બે વાર. દિવાળીમાં અને ઉનાળાની રજાઓમાં. નિયમ એવો હતો કે નાની-મોટી રજાઓ વખતે માબાપે boarding-હાઉસના વોર્ડનને ચિઠ્ઠી લખવી પડતી: મારા દીકરા (કે દીકરી)ને ઘરે મોકલવા વિનંતી. ઓફિશિયલ લેટર આવે તો જ ઘરે જવાની પરમિશન મળે. અરશદનાં માબાપ કેટલીય વાર ચિઠ્ઠી મોકલવાનું ભુલી જતાં. એમને યાદ જ ન હોય કે દીકરાને હવે રજાઓ પડવાની છે. આખું boarding હાઉસ ખાલી થઈ ગયું હોય અને નાનકડો અરશદ એકલોઅટૂલો ભીંતો સાથે વાતો કરતો હોય. એ પોતાને ને પોતાને કાગળો લખતો: અરશદ, કેમ છે તું? મજામાં તો છેને? પ્યુન બહાર જઈને કાગળ પોસ્ટ કરે. ટપાલમાં એનો એ કાગળ પાછો આવે. અરશદ વાંચે, રાજી થાય. boardingના હાઉસ-માસ્ટર અરશદના આ નાટકને જોયા કરતા.

‘ફિલ્મોમાં મા-દીકરાનાં ઈમોશનલ સીન જોતી વખતે મારી આંખો કોરીકટ રહી જાય છે,’ અરશદ એક મુલાકાતમાં કહે છે, ‘એ લાગણી, મા-દીકરા વચ્ચેનું એ  bonding મને ક્યારેય સમજાયાં નથી. ઘણાં છોકરા-છોકરીઓ જ્યારે કહેતાં હોય કે મમ્મી-પપ્પા વગર હું રહી ન શકું ત્યારે મને થાય કે આ લોકો શું વાતો કરી રહ્યાં છે?’ આટલું કહીને અરશદ ઉમેરે છે,  ‘સંતાનને boarding-હાઉસમાં મોકલ્યું હોય વાલીએ એને નિયમિત કાગળ લખતા રહેવું જોઈએ, કમ્યુનિકેટ કરતા રહેવું જોઈએ. તું અમને ખૂબ વહાલો છે એવી લાગણી સતત બચ્ચા સુધી પહોંચતી રહેવી જોઈએ. નહીં તો એને ચોક્કસપણે એવું ફીલ થવાનું કે મમ્મીપપ્પાએ છૂટકારો મેળવવા પોતાને આટલે દૂર boarding-હાઉસમાં ધકેલી દીધો છે.’





અરશદનાની મૂળ અટક ખાન છે, પણ એના પપ્પા વારસી પાક નામના પવિત્ર સૂફી સંતને બહુ માનતા. વારસી પાકના અનુયાયીઓ ‘વારસી’ કહેવાયા. આ રીતે અરશદ ખાન, અરશદ વારસી બની ગયો. એના પિતાજી આમ તો પૈસાદાર માણસ હતા. સાઉથ બોમ્બેમાં એમની માલિકીની બબ્બે બિલ્ડિંગ્સ હતી. જુહુમાં બંગલો હતો, પણ પરિસ્થિતિ પલટાઈ. જાહોજલાલી ભૂતકાળ બનતી ગઈ. પરિવાર એક કમરાના ખોબા જેવડા ઘરમાં શિફ્ટ થયો. અરશદ તે વખતે હજુય boarding-હાઉસમાં હતો. એ 14 વર્ષનો થયો ને પપ્પા હાડકાંના કેન્સરથી પીડાઈને ગુજરી ગયા. બે વર્ષ પછી બન્ને કિડની ખરાબ થઈ જતાં મમ્મી પણ મૃત્યુ પામી. અરશદ દસમું ધોરણ ભણીને ઉઠી ગયો. પેલું ખોબા જેવડું ઘર પણ વેચી નાખવું પડ્યું. ભાઈ-બહેનો નાની ખોલીમાં રહેવા ચાલ્યા ગયા. ખોલી એટલી નાની હતી કે હાથ પહાળા કરીને આળસ મરડે તો ભીંત સાથે ભટકાઈ જવાય. અરશદ મહેનત કરવા લાગ્યા. જાતજાતનાં કામ કર્યાં. ફૂટપાથ પર લાલી-લિપસ્ટિક-નેઈલ પોલિશ વેચી. બોરીવલીથી બાંદરા વચ્ચે લોકલ ટ્રેનમાં ફરીને ઝીણી ઝીણી આઈટમો વેચી. જે કંઈ કમાણી થતી તે મમ્મીની ટ્રીટમેન્ટમાં ખર્ચાઈ જતી.

અરશદે આ જ વર્ષોમાં મહેશ ભટ્ટને ‘કાશ’ અને ‘ઠિકાના’ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા. એના જીવનમાં વણાંક આવ્યો અકબર સામીના ડાન્સિંગ ક્લાસમાં જોડાયા પછી. એને સમજાયું કે પોતાનામાં ડાન્સની ટેલેન્ટ છે. એ ખુદને કહ્યા કરતો કે દુખના આ દિવસો કાયમ રહેવાના નથી. સારો સમય પાછો આવશે જ. ડાન્સિંગમાં એ જબ્બર ખંત સાથે મચી પડ્યો. એણે એટલી બધી મહેનત કરી કે લંડનમાં યોજાયેલી વર્લ્ડ ઈગ્લિંશ જાઝ ડાન્સિંગ કોમ્પિટીશનમાં એ ચોથો નંબર લાવ્યો. તે વખતે એની ઉંમર હતી 21 વર્ષ. એણે જુદા જુદા ડાન્સ ફોર્મ્સ શીખ્યા. કોરિયોગ્ર્ાાફી શરુ કરી. મુંબઈના અંગ્ર્ોજી થિયેટરમાં અરશદ જાણીતો બનતો ગયો. અલેક પદમસી અને ભરત દાભોલકરનાં કેટલાય અંગ્ર્ોજી મ્યુઝિકલની કોરિયોગ્ર્ાફી અરશદે કરી. બમન ઈરાની પણ એ જમાનામાં અંગ્ર્ોજી નાટકો કરતા. બન્નેની પહેલી મુલાકાત આ જ અરસામાં થઈ હતી.

‘એક દિવસ ફિલ્મ ડિરેક્ટર જોય ઓગસ્ટિન મને મળ્યા,’ અરશદ કહે છે, ‘એણે મને લોકોને હસાવતા અને એન્ટરટેઈન કરતા જોયા હતા.  એમણે ‘તેરે મેરે સપને’માં હીરોનો રોલ ઓફર કર્યો. મેં ના પાડી. તે વખતે કોરિયોગ્ર્ાાફર તરીકે હું એસ્ટાબ્લિશ થઈ ચુક્યો હતો. મને ડર હતો કે કોરિયોગ્ર્ાાફીની દુકાન બંધ કરી દઉં ને પછી ફિલ્મોમાં ના ચાલ્યો તો? હું નહીં ઘરનો રહું કે ન ઘાટનો... પણ એક દિવસ જયા બચ્ચનનો ફોન આવ્યો. કેન યુ બિલીવ ઈટ? જયા બચ્ચન ખુદ ફોન પર હતાં! એમનો અવાજ સાંભળીને મને લાગ્યું કે હું બેહોશ થઈને ઢળી પડીશ! કોણ જાણે એમણે મારામાં શું જોયું. એક્ટિંગ સાથે મને નહાવા-નિચાવવાનો ય સંબંધ નહોતો. પણ આ વખતે મેં હા પાડી દીધી. આ રીતે એબીસીએલની ‘તેરે મેરે સપને’થી મારી ફિલ્મી કરીઅર શરુ થઈ.’

1996માં રિલીઝ થયેલી ‘તેરે મેરે સપને’માં અરશદ ઉપરાંત ચંદ્રચૂડ સિંહ નામનો બીજો હીરો પણ હતો. ફિલ્મ સારી ચાલી. એનાં ગીતો હજુય ક્યારેક કાને પડી જાય છે. અરશદનું કામ વખાણાયું. ફિલ્મો પણ મળવા લાગી. દર વર્ષે એની એક-બે ફિલ્મો રિલીઝ થઈ જતી, પણ હરામ બરાબર એક પણ ચાલી હોય તો. વળી પાછા ત્રણ વર્ષ એવાં આવ્યાં કે અરશદ પાસે બિલકુલ કામ નહોતું.   એની પત્ની મારિયા એમટીવી અને એનડીટીવી ગુડ ટાઈમ્સ ચેનલ પર વીજે તરીકે કામ કરતી, કમાતી અને અરશદ ઘર સંભાળતો.



ફરી પાછો વણાંક આવ્યો ‘મુન્નાભાઈ એમબીબીએસ’થી. એના ડિરેક્ટર રાજુ હિરાણી અને જોય ઓગસ્ટિન મિત્રો છે. રાજુ ‘તેરે મેરે સપને’નું એડિટિંગ જોવા આવતા. એ જ વખતે એની નજરમાં અરશદ વસી ગયો ગયો. સાત વર્ષ પછી રાજુએ જ્યારે ડિરેક્ટર તરીકે પોતાની પહેલી સુપરડુપર ફિલ્મ બનાવી - ‘મુન્નાભાઈ એમબીબીએસ’ - ત્યારે સરકિટ નામના ક્યુટ ટપોરીના રોલમાં અરશદને કાસ્ટ કરી લીધો. આ ફિલ્મે તો ઈતિહાસ રચ્યો.

અરશદને વચ્ચે પ્રોડ્યુસર બનવાના ધખારા પણ ઉપડેલા. 2010માં એણે ‘હમ તુમ ઔર ઘોસ્ટ’ નામની ફિલ્મ બનાવી. ફિલ્મ ઊંધે માથે પછડાઈ. અરશદ કબૂલે છે, ‘આઈ એમ અન ઈડિયટ, સ્ટુપિડ પ્રોડ્યુસર. હું ગાંડાની જેમ મચી પડ્યો હતો. મેં એટલા બધા પૈસા વેડફ્યા અને ગુમાવ્યા છે કે ન પૂછો વાત. નવ નવ મહિના હું ઘરથી દૂર રહ્યો, જેની અસર મારા લગ્નજીવન પર પણ પડી. મારી ટીમ મારા ખર્ચે અને જોખમે જલસા કરતી હતી. આખરે જે ફિલ્મ બની તે તદ્દન વાહિયાત સાબિત થઈ. બટ ઈટ્સ ઓકે. હું ભવિષ્યમાં વહેલા મોડો ફિલ્મ પ્રોડ્યુસ તો કરીશ જ. હા, મેં જે ભુલો કરી છે તે રિપીટ નહીં થાય એની ગેરંટી.’

નજીકના ભવિષ્યમાં અરશદની એક ઈન્ટરેસ્ટિંગ ફિલ્મ આવી રહી છે - ‘દેઢ ઈશ્કિયા’. નસીરુદ્દીન શાહ અને માધુરી દીક્ષિત એના  કો-સ્ટાર્સ છે. ‘ઈન્ડસ્ટ્રીમાં કોઈએ મને પહેલી વાર સાચી રીતે પારખ્યો હોય તો એ છે જયા બચ્ચન,’ અરશદ કહે છે, ‘એમણે કહેલું કે અરશદ, તું કોમેડી ફિલ્મો વધારે કરે છે ને આખો દિવસ જોકરવેડા કરતો રહે છે પણ એ તો તારો મુખવટો છે. તું તારા વિષાદને ઢાંકવા, તારી પીડા અને સેન્સિટિવીટીને લોકોથી છુપાવવા મજાકમસ્તીનું મહોરું પહેરી રાખે છે...’

અરશદે જીવનમાં ઘણું દુખ જોયું છે. ઘણી સ્ટ્રગલ કરી છે. રીતસર સડક પરથી એ આગળ આવ્યો છે. એક કલાકાર તરીકેની અને માણસ તરીકેની એની ઈમાનદારી અકબંધ રહી તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એની સાચી કદર થવાની જ.


શો સ્ટોપર 

ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલર લેખક જેફ્રી આર્ચરે ગયા સોમવારે મુંબઈમાં એક ઈવન્ટ દરમિયાન ‘લગાન’ને ખૂબ વખાણી. ‘ઈટ વોઝ અન અમેઝિંગ ફિલ્મ,’ એમણે કહ્યું. એ જ દિવસે, લગભગ એ જ કલાકો દરમિયાન મુંબઈના બીજા ખૂણે વિખ્યાત ફિલ્મમેકર સ્ટીવન સ્પિલબર્ગ કહી રહ્યા હતા, ‘મેં વધારે હિન્દી ફિલ્મો જોઈ નથી, બટ આઈ લવ્ડ ‘થ્રી ઈડિયટ્સ’’.

 શાબાશ, આમિર!


Tuesday, March 12, 2013

હોલીવૂડ હંડ્રેડ: ઈ.ટી. : આસમાન સે આયા ફરિશ્તા


 મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - હોલીવૂડ હંડ્રેડ - તા. ૧૩ માર્ચ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

સ્ટીવન સ્પીલબર્ગની આ ફિલ્મે દસ-દસ વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો વિશ્વવિક્રમ ટકાવી રાખ્યો. આખરે આ રેકોર્ડ જુરાસિક પાર્કે તોડ્યો. આ ફિલ્મ બનાવનારા પણ સ્પીલબર્ગ જ હતા. આને કહેવાય સાતત્ય! 



ફિલ્મ નંબર ૧૪: .ટી. - ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ 

સ્ટીવન સ્પીલબર્ગ શા માટે મહાન કહેવાય છે એનાં અનેક કારણોમાંનું એક કારણ એટલે આજની ફિલ્મ, .ટી. - ધ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીઅલ અથવા ટૂંકમાં .ટી. સ્પીલબર્ગના કેટલાંય મહત્ત્વના ટ્રેડમાર્કસ આ ફિલ્મમાં છે - બાળકો, અજીબોગરીબ પ્રાણી (યા તો એલિયન), હૃદય ભીંજવી દેતી લાગણીઓ અને આંખો પહોળી કરી દેતી સ્પેશિયલ ઈફેક્ટ્સ. લાંબી પ્રસ્તાવના બાંધ્યા વગર સીધા ફિલ્મ પર આવી જઈએ

ફિલ્મમાં શું છે?

અમેરિકાનાં એક નાનકડાં નગરમાં એેક દિવસ અજબગજબની ઘટના બને છે. દૂર અવકાશમાંથી એક અજાણ્યું સ્પેસશિપ અચાનક અહીં ઉતરી આવે છે. એમાંથી કેટલાક એલિયન્સ એટલે કે પરગ્રહવાસીઓ ઉતરે છે. તેઓ કદાચ પૃથ્વી પરથી નમૂના લેવા આવ્યા છે. અચાનક કેટલાક માણસોનું ટોળું આવી ચડતાં પરગ્રહવાસીઓ ગભરાઈને પાછા સ્પેસશિપમાં ચડીને અવકાશભેગા થઈ જાય છે. બન્યું એવું કે એક એલિયન ફરતો ફરતો થોડો દૂર જતો રહ્યો હતો. ધમાલ અને ઉતાવળમાં એના સાથીઓ એને લીધા વગર જ પાછા જતા રહ્યા. એકલો પડી ગયેલો એલિયન નજીકની વસાહતમાં કોઈક ઘરના પાછલા વરંડામાં છુપાઈ જાય છે.



આ ઘર ઈલિયટ (હેનરી થોમસ) નામના દસ વર્ષના છોકરાનું છે. એના પરિવારમાં મા છે, ટીનેજર ભાઈ માઈકલ (રોબર્ટ મેકનોટન) છે અને નાનકડી ક્યુટ બહેન ગર્ટી (ડ્રુ બેરીમોર, જે મોટી થઈને હોલીવૂડની સફળ હિરોઈન બની) છે. મમ્મી મેરી (ડી વૉલેસ) એકલી છે. પપ્પા સૌને છોડીને મેક્સિકો જતા રહ્યા છે. ઈલિયટ ઠીંગુજી એલિયનને જોઈને ફફડી ઉઠે છે. એલિયન પણ ટાબરિયાને જોઈને ભયભીત થઈને પાછું જંગલમાં નાસી જાય છે. ઈલિયેટ ઘરમાં સૌને એના વિશે વાત કરે છે, પણ આવી ચક્રમ જેવી વાત કોઈ કેવી રીતે માને? ઈલિયેટ ઘરની બહાર બેઠો હોય છે ત્યારે પેલો એલિયન પાછો એની પાસે આવે છે. આ વખતે બન્ને એકમેકથી ડરતા નથી. આ વખતે ઈલિયેટ એને ધ્યાનથી જુએ છે. વિચિત્ર કાર્ટૂન જેવો એનો દેખાવ. બદામી રંગનું લીસ્સુ વાળ વગરનું નીચું શરીર, ઘાટઘૂટ વગરનું તોતિંગ માથું, મોટી મોટી આંખો અને થઈ શકતી ગરદન. ઈલિયટ એને ફોસલાવીને પોતાના કમરામાં લાવી છુપાવી દે છે.



બીજા દિવસે તાવનું બહાનું કરીને ઈલિયટ સ્કૂલ બંક કરીને આખો દિવસ એલિયન સાથે ગાળે છે. એને જુદી જુદી વસ્તુઓ બતાવે છે, એની સાથે વાતો કરવાની કોશિશ કરે છે. એલિયન પણ એને સરસ રિસ્પોન્સ આપે છે. ઈલિયટને સમજાય છે કે એલિયન તો મારો બેટો ભારે રમતિયાળ અને મજા પડે એવો છે. સાંજે પોતાના ભાઈ માઈકલ અને ગર્ટીને વારાફરતી કહે છે: હું તમને એક વસ્તુ બતાવીશ, પણ પ્રોમીસ કરો કે તમારે એના વિશે કોઈને કશું જ કહેવાનું નહીં! તેઓ હા પાડે છે એટલે તેમની સામે એલિયનને પેશ કરવામાં આવે છે. આ વખતે એલિયન પોતાની જાદુઈ શક્તિનો પરચો બતાવે છે. ઘરમાં એક મુરઝાયેલો ઈન્ડોર પ્લાન્ટ પડ્યો હતો. એલિયન કંઈક એવો જાદુ કરે છે કે ફુલ અને પાંદડાં પાછાં ખીલી ઉઠે છે. બચ્ચાઓને નવાઈનો પાર નથી. ગર્ટી એને બોલતા શીખવવાની કોશિશ કરે છે. ઈલિયટ એને નામ આપે છે - .ટી. મતલબ કે એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીઅલનું શોર્ટ ફોર્મ. .ટી. કોઈક રીતે એને સમજાવે છે કે એને એક એવું મશીન બનાવવું છે જેના થકી એ મારા ગ્રહના લોકો સાથે કમ્યુનિકેટ કરી શકે. મમ્મીને હજુ ખબર પડી નથી કે છોકરાઓએ ઘરમાં એક વિચિત્ર જીવ છુપાવી રાખ્યો છે



ગામમાં હેલોવીનનો તહેવાર આવે છે. આ તહેવારમાં લોકો જાતજાતના વેશ કાઢે એવો રિવાજ છે. મોકાનો લાભ લઈને ઈલિયટ ઈ.ટી. પર કપડું ઢાંકીને ગામની બહાર જંગલમાં લઈ જાય છે. અહીં ઈ.ટી. કમ્યુનિકેશન માટેનું મશીન બનાવી સંદેશો રવાનો કરે છે. રાત પડી જાય છે, પણ એના હોમ-પ્લેનેટ પરથી કોઈ સંદેશો આવતો નથી. ઈલિયટ થાકીને સૂઈ જાય છે. બીજે દિસવે એની ઊંઘ ઉડે છે ત્યારે જુએ છે કે ઈ.ટી. ગાયબ છે. એ ઘરે પણ નથી. ઈલિયટ આખી રાત ગાયબ રહ્યો હતો એટલે મમ્મીને ચિંતા કરી કરીને અડધી થઈ ગઈ હતી. ઈલિયટ માઈકલ ઈ.ટી.ને જંગલમાં એક ખાબોચિયા પાસેથી અધમૂઈ હાલતમાં શોધી કાઢે છે. .ટી.ને જોઈને મમ્મી છળી ઉઠે છે. ઈલિયટ કહે છે કે મમ્મી, તું ડર નહીં. .ટી. તો બહુ મજાનો માણસ છે. એ મરી રહ્યો છે. એને ટ્રીટમેન્ટની જરુર છે. ટ્રીટમેન્ટની જરુર તો ઈલિયટને પણ છે, કારણ કે બીમાર તો એ પણ પડી ગયો છે.

એ જ વખતે અચાનક સ્પેસ સુટ પહેરેલા માણસો ઘરમાં ઘૂસી આવે છે. એ સરકારી માણસો છે, જે લાંબો સમયથી ઈલિયટના ઘરની એકેએક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા. એમણે આખા ઘરને સીલ કરી નાખ્યું છે. સરકારને ડર છે કે આ પરગ્રહવાસી માનવજાત માટે ખતરારુપ હશે તો? પૃથ્વી વિરુદ્ધ કોઈ ષડયંત્રના ભાગરુપે તે અહીં આવ્યો હશે તો? તાત્કાલિક ધોરણે ઘરમાં મેડિકલ સેટ-અપ ઊભું કરવામાં આવે છે. ઈલિયટ ચીસો પાડતો રહે છે કે ઈ.ટી. મને સોંપી દો, હું એની સંભાળ રાખીશ, પણ માંદા છોકરાનું કોણ સાંભળે? આ ધમાલ દરમિયાન ઈ.ટી. પ્રાણ ત્યજી દે છે. ઈલિયટને થોડો સમય ઈ.ટી.ના મૃતદેહ સાથે એકલો છોડવામાં આવે છે. છોકરો એને વળગીને ખૂબ રડે છે. એ જ વખતે જાણે ચમત્કાર થાય છે. ઈલિયટને ખબર પડે છે કે ઈ.ટી. મર્યો નથી, એ તો જીવે છે! .ટી. સંકેતથી સમજાવે છે કે મારા ગ્રહ પરથી મને લેવા માટે અવકાશયાન આવી રહ્યું છે. હવે ઈ.ટી.ને ચુપચાપ ઘરમાંથી બહાર કાઢીને જંગલમાં પેલું કમ્યુનિકેશન મશીન ગોઠવેલું છે ત્યાં લઈ જવાનો છે



હવે શરુ થાય છે જોરદાર ધમાચકડી. ઈલિયટ અને માઈકલના દોસ્તોની સાઈકલધારી ગેંગ ઈ.ટી.ને લઈને નાસે છે, પાછળ પોલીસના માણસો દેકારો બોલાવતા પીછો કરે છે. આખરે ઈ.ટી.ને જેમતેમ કરીને એના સ્પેસશિપ સુધી પહોંચાડવામાં આવે છે. હવે એને વિદાય આપવાની છે. ઈલિયટનું દિલ તૂટી જાય છે. આટલા દિવસોમાં ઈલિયટ અને ઈ.ટી. વચ્ચે લાગણીનો ગાઢ સંબંધ બંધાઈ ચૂક્યો હતો. .ટી. જતાં જતાં પેલો પ્રસિદ્ધ ડાયલોગ બોલે છે: આઈ વિલ બી રાઈટ હિઅર... મતલબ કે ઈલિયટ, હું તારા દિલમાં રહીશ, તારા વિચારોમાં રહીશ. આખરે ઈ.ટી.ને લઈને સ્પેસશિપ દૂર અવકાશમાં અદશ્ય થઈ જાય છે.

કથા પહેલાંની અને પછીની   

સ્ટીવન સ્પીલબર્ગ  રેઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્કનું શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સ્ક્રિપ્ટ-રાઈટર મેલિસા મેથિસનને પોતે અગાઉ વિચારેલી એક વાર્તા વિશે વાત કરી. વાર્તામાંથી એવું હતું કે માથાભારે એલિયન્સની ટોળકી એક પરિવારના સભ્યોને હેરાનપરેશાન કરી મૂકે છે. અંતમાં એલિયન્સ પૃથ્વી છોડીને જતા રહે છે, માત્ર એક એલિયન પાછળ રહી જાય છે. આ એલિયન સજ્જન છે, માણસોનો દોસ્ત છે. સ્ટીવને મેલિસાને કહ્યું કે તું આ છેડો પકડીને એક નવી વાર્તા બનાવ. મેલિસાએ આઠ અઠવાડિયામાં સ્ક્રિપ્ટ લખી કાઢી. સ્પીલબર્ગને સંતોષ થયો. બે ઓર ડ્રાફ્ટ બન્યા અને .ટી. કાગળ પર રેડી થઈ ગઈ

સૌથી મોટો પડકાર ઈ.ટી. બનાવવાનો હતો. લખખૂટ ખર્ચે ઈ.ટી.ના એનિમેટ્રોનિક્સ બનાવવામાં આવ્યા. સ્પીલબર્ગની એક જ સૂચના હતી: .ટી.નો દેખાવ એવો ઘાટઘૂટ વગરનો હોવો જોઈએ કે જેની પાસે માનું દિલ હોય એને જ એના માટે વહાલ થાય! માનો યા ન માનો, પણ ઈ.ટી.નો ચહેરો બનાવવા માટે વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વેની તસવીરોને રેફરન્સ તરીકે ઉપયોગ કરવામાં આવી હતી! .ટી.નાં દશ્યોને શૂટ કરવા માટે બે સાચુકલા ઠીંગુજી અને પગ વગર જન્મેલા બાર વર્ષનાએક છોકરાનો ઉપયોગ કરવામાં આવેલો. એેમના માથા પર ઈ.ટી.ની માસ્ક પહેરાવી દેવામાં આવતી. આઈડિયા ચોરાય ન જાય એ માટે અ બોયઝ લાઈફ ટાઈટલથી ફિલ્મનું શૂટિંગ શરુ કરવામાં આવ્યું. ૬૧ દિવસમાં આખી ફિલ્મ શૂટ થઈ ગઈ.



ફિલ્મ રિલીઝ થતાં જ ધમાલ મચી ગઈ. ઓડિયન્સ અને સમીક્ષકો બન્ને પરગ્રહવાસીનાં ઊંધેકાંધ પ્રેમમાં પડી ગયા. દોસ્તી, કરુણા, સહિષ્ણુતા તેમજ મનુષ્ય અને પરગ્રહવાસી વચ્ચેના પ્રેમની વાત કરતી આ ફિલ્મ અત્યંત હૃદયસ્પર્શી પૂરવાર થઈ. છેલ્લે ઈ.ટી. વિદાય લે છે એ દશ્ય વખતે ઈલિયટની સાથે પ્રેક્ષકો પણ રડી પડતા. આ ફિલ્મ ૨૯ વર્ષ પહેલાં બનેલી છે, છતાંય એની સ્પેશિયલ ઈફેક્ટસ તેમજ ટેક્નિકલ પરફેક્શન આજે પણ પ્રભાવશાળી લાગે છે. .ટી.એ બોક્સઓફિસના તમામ રેકોર્ડસ તોડી નાખ્યા. આ ફિલ્મે એટલી બધી કમાણી કરી કે આગલા દસ વર્ષ સુધી બીજી કોઈ ફિલ્મ એની સફળતાને આંબી ન શકી. આખરે તેનો વિક્રમ જુરાસિક પાર્કએ તોડ્યો. આ ફિલ્મ પણ સ્ટીવન સ્પીલબર્ગે જ બનાવી હતી! .ટી.ને ચાર-ચાર ઓસ્કર અવોર્ડ મળ્યા. બેસ્ટ ફિલ્મનો અવોર્ડ, અલબત્ત, રિચર્ડ એટનબરોની ગાંધી જીતી ગઈ. જોકે એટનબરોએ ખુદ પછી કબૂલ્યું હતું કે આ અવોર્ડ ખરેખર તો .ટી.ને જ મળવો જોઈતો હતો

હૃતિક રોશનની કાઈ મિલ ગયામાં .ટી.ના કેટલાય આઈડિયાઝ અને દશ્યોની બેઠી ઉઠાંતરી કરવામાં આવી હતી તે સૌ જાણે છે, પણ તમને  એ ખબર છે કે મહાન બંગાળી ફિલ્મમેકર સત્યજિત રેઅે સ્પીલબર્ગ પર ઉઠાંતરીનો આક્ષેપ લગાવ્યો હતો? એમની ધ એલિયન નામની ફિલ્મની સ્ક્રિપ્ટ હોલીવૂડમાં કેટલાય લોકોના હાથમાં ફરી હતી. આ ફિલ્મ ભલે ક્યારેય બની નહીં, પણ સત્યજિત રેનું કહેવું હતું કે જો ધ એલિયન લખાઈ ન હોત તો .ટી.નો જન્મ ક્યારેય થયો ન હોત. સિનિયર ફિલ્મમેકર્સ માર્ટિન સ્કોર્સેઝી અને રિચર્ડ એટનબરોએ પણ કહ્યું હતું કે .ટી.ની વાર્તા પર સત્યજિત રેની સ્ક્રિપ્ટની તીવ્ર અસર છેસ્પીલબર્ગ જોકે આ આક્ષેપોને નકારી કાઢે છે. સાચું ખોટું ભગવાન જાણે, બાકી .ટી. જેટલી વાર જોઈએ ત્યારે દર વખતે જોરદાર જલસો પડે છે તે હકીકત છે.

.ટી. ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર-પ્રોડ્યુસર : સ્ટીવલ સ્પીલબર્ગ 
સ્ક્રીનપ્લે         : મેલિસા મેથિસન 
કલાકાર           : ડી વૉલેસ, હેનરી થોમસ, ડ્રુ બેરીમોર, રોબર્ટ મેકનોટન 
સંગીત            : જોન વિલિયમ્સ
રિલીઝ ડેટ        : ૧૧ જૂન, ૧૯૮૨
મહત્ત્વના અવોર્ડઝ: ઓરિજિનલ સ્કોર, સાઉન્ડ, સાઉન્ટ ઈફેક્ટ એડિટિંગ અને વિઝ્યુઅલ ઈફેક્ટસ માટેના ઓસ્કર અવોર્ડઝ

Sunday, March 10, 2013

સૂર્ય, સિનેમા ઔર પોલિટિક્સ


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 10  માર્ચ 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

બેકારીના દિવસોમાં ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ એક કૂતરો પાડ્યો હતો અને એને ‘એક્શન’ એવું નામ આપ્યું હતું. કૂતરાને બોલાવવાના બહાને દિવસમાં કેટલીય વાર ‘એક્શન... એક્શન...’ પોકારીને તેઓ પોતાની ડિરેક્ટર તરીકેની ભૂખ ભાંગતા!  




1999-2000ના અરસામાં સ્ટાર પ્લસ ચેનલ પર ‘સ્ટાર બેસ્ટસેલર્સ’ નામનો એક સરસ વીક્લી શો આવતો હતો. એક કલાકનો શો હોય, સાહિત્યિક મૂલ્ય ધરાવતી જુદી જુદી ભાષાઓની ટૂંકી વાર્તા પરથી એક આખો એપિસોડ બનાવવામાં આવ્યો હોય. તેમાં ચંદ્રકાંત બક્ષીની અફલાતૂન નવલિકા ‘એક સાંજની મુલાકાત’ પર આધારિત એક એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. રસિક યુવાન, ભીરુ પત્ની અને જે ઘરમાં તેઓ ભાડે રહે છે તે મકાનની નખરાળી માલિકણ. માલિકણ આધેડ છે, પણ એની જુવાની હજુ શાંત થઈ નથી. એનાં નખરાં અને ઈશારાથી યુવાનના અરમાન ખીલી ઉઠ્યા છે. બસ, તક મળે એટલી વાર છે. આખરે વાર્તાના અંત ભાગમાં મોકો મળે છે. માલિકણ થનગન થનગન થઈ રહેલા યુવાનને એકાંતમાં મળે છે અને બોમ્બ ફોડે છે: હું તમને કેટલાય દિવસોથી એક વાત કહેવાની કોશિશ કરી રહી છું... તમે દુકાને જાઓ પછી તમારી પીઠ પાછળ રોજ બપોરે કોઈ પુરુષ તમારી પત્નીને મળવા આવે છે... ચેતજો!

 બેવકૂફ બની જતા લોલુપ યુવાનનું પાત્ર ઈરફાન ખાને ભજવેલું. ઈરફાન તે વખતે હજુ ઈરફાન નહોતો બન્યો. તિસ્કા ચોપડા (કે જેણે ‘તારે જમીં પર’ના બાળકલાકારની મમ્મીનો રોલ ભજવેલો) છૂપી રુસ્તમ પત્ની બની હતી અને નખરાળી મકાન-માલિકણનો રોલ હિમાની શિવપુરીએ ભજવેલો. એપિસોડના ડિરેક્ટર તરીકે એક નવું અને અજાણ્યું નામ હતું - તિગ્માંશુ ધુલિયા. ‘બેસ્ટસેલર્સ’ના આ સિવાયના પણ બીજા કેટલાક એપિસોડ્સ એમણે ડિરેક્ટ કરેલા. સાહિત્યકૃતિ વાંચવામાં અને એને પડદા પર જોવામાં બન્નેમાં એકસરખો જલસો પડે એવું બહુ ઓછું બનતું હોય છે. ‘એક શામ કી મુલાકાત’માં એવું બનેલું. પુત્રનાં લક્ષણ પારણામાં. આ ડિરેક્ટર દાદો માણસ છે એવી પ્રતીતિ બાર-તેર વર્ષ પહેલાં જ કરાવી ચુકનાર તિગ્માંશુ ધુલિયાએ આગળ જતાં ‘પાનસિંહ તોમર’ જેવી અદભુત ફિલ્મ બનાવી. ઓસ્કરની બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરી માટે ‘પાનસિંહ તોમર’ જેવી ઓરિજિનલ અને અફલાતૂન ભારતીય સોડમ ધરાવતી ફિલ્મ પસંદ કરવાને બદલે નિર્ણાયકોએ ‘બરફી!’ને મોકલીને મૂર્ખતા અને બદમાશીનું પ્રદર્શન કર્યું. ખેર, તિગ્માંશુને આ પ્રકારના અપસેટ કોઈ નવાઈ નથી. પોતાની કરિઅરમાં તેઓ આવું ઘણું જોઈ ચુક્યા છે.

અલાહાબાદમાં જન્મેલા અને ઊછરેલા તિગ્માંશુને મૂળ બનવું હતું એક્ટર, પણ દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ત્રણ વર્ષની ટ્રેનિંગ દરમિયાન સમજાઈ ગયું કે એક્ટિંગ આપણું કામ નહીં. જોકે અભિનયના જે થોડાઘણા કીડા સિસ્ટમમાં બાકી રહી ગયા હતા તે વર્ષો પછી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં એમણે સંતોષ્યા ખરા! તિગ્માંશુ સુશિક્ષિત પરિવારના ફરજંદ છે. એમના પિતાજી અલાહાબાદ હાઈકોર્ટમાં જજ હતા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે  સંકળાયેલા હતા. મમ્મી સંસ્કૃતનાં પ્રોફેસર. તિગ્માંશુનું નામ એમનાં મમ્મીએ જ પાડ્યું હોવું જોઈએ. સંસ્કૃત ભાષામાં ‘તિગ્માંશુ’ શબ્દના બે અર્થ થાય છે - તીક્ષ્ણ આંખ ધરાવતી વ્યક્તિ અને સૂર્ય. બહુ સુંદર નામ છે આ. એમના બે મોટા ભાઈઓ પૈકીનો એક આગળ જતા નેવીમાં જોડાયો. બીજો પપ્પાની જેમ ન્યાયાધીશ બન્યો. નાના હતા ત્યારે રોજ રાત્રે ડિનર લેતી વખતે ડાઈનિંગ ટેબલ પર મમ્મી-પપ્પા અલકમલકની વાતો કરતાં. આ વાતોએ તિગ્માંશુનું નક્કર ઘડતર કર્યું.



પહેલાં તિગ્માંશુ અલાહાબાદ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે સ્ટુડન્ટ્સ મુવમેન્ટમાં જોડાયા હતા. પાનો ચડાવતાં ગીતો લખે, સ્ટ્રીટ-પ્લેઝ કરે. સ્ટુડન્ડ પોલિટિક્સનો એમણે ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ લીધો, જે તેમની પહેલી ફિલ્મ ‘હાસિલ’ (2003)માં સરસ રીતે ઉતર્યો. ‘હાસિલ’ એક અસરકારક ફિલ્મ હતી. ‘ચરસ’ (2004) એમની બીજી ફિલ્મ. એ રિલીઝ થયા પછીનાં લાગલગાટ સાત વર્ષ સુધી તિગ્માંશુ એક પણ ફિલ્મ ન આવી. સેટ પર ‘એક્શન...!’ કહેવાનો મોકો નહોતો મળતો એટલે આ ભૂખ ભાંગવા તેમણે એક કૂતરું પાડ્યું અને તેને નામ આપ્યું ‘એક્શન’. આ રીતે કૂતરાને બોલાવવાને બહાને તેઓ દિવસમાં કેટલીય વાર ‘એક્શન... એક્શન..’ પોકારી શકતા! ત્યાર બાદ, નબળો પૂરવાર થયેલા સમયગાળાનું સાટું વાળી નાખવું હોય તેમ 2011-12 દરમિયાન દસ મહિનામાં ધડાધડ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ગઈ - નાના પાટેકરને ચમકાવતી ‘શાગિર્દ’ (સાધારણ), ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’ (સરસ) અને ‘પાનસિંહ તોમર’ (અતિ સરસ). સાચું પૂછો તો ‘પાનસિંહ તોમર’ તિગ્માંશુની સૌથી પહેલી ફિલ્મ હોવી જોઈતી હતી, કારણ કે તેમના મનમાં આ આઈડિયા 1991થી ઘુમરાયા કરતો હતો. તેમણે શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ માટે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરેલું. આ ફિલ્મનું ચંબલની ભુલભુલૈયા જેવી કોતરોમાં ખૂબ શૂટિંગ થયેલું. તિગ્માંશુ ત્યારથી આ વિસ્તારથી પરિચિત હતા. ‘પાનસિંહ તોમર’ આ જ લોકાલમાં આકાર લે છે.

તિગ્માંશુ સામાન્યપણે ખરબચડા અને હાર્ડ-હિટિંગ વિષયો તરફ આકર્ષાય છે. એમની ફિલ્મો સાચા અર્થમાં ‘દેસી’ હોય છે. તેઓ નવી પેઢીના તેજસ્વી ફિલ્મમેકર્સમાંના એક ગણાય છે. એ ડિરેક્ટર ઉપરાંત લેખક અને હવે તો પ્રોડ્યુસર પણ છે. જોકે જતે દહાડે તેમને રાજકારણમાં ઝંપલાવવાની ખ્વાહિશ છે. એક મુલાકાતમાં એ કહે છે, ‘તમે કંઈ ફિલ્મો બનાવીને સમાજમાં પરિવર્તન લાવી ન શકો. ફિલ્મો બનાવવી તો સહેલી છે. જો ખરેખર સિસ્ટમ બદલવી હોય કે કશુંક નક્કર કરવું હોય તો રાજકારણમાં ઝંપલાવવું પડે.’

એક જ્યોતિષે એમને કહ્યું છે કે 16 ફિલ્મો બનાવી લઈશ પછી તારો રાજકારણ-પ્રવેશનો યોગ ઊભા થશે. તિગ્માંશુ હસતા હસતા કહે છે, ‘જુઓને,  મારી છ ફિલ્મો તો થઈ ગઈ. હવે દસ બાકી રહી!’

45 વર્ષના તિગ્માંશુની છઠ્ઠી ફિલ્મ એટલે આ શુક્રવારે રિલીઝ થયેલી ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’. આ ફિલ્મ કેવીક છે અને બોક્સઓફિસ પર કેવોક કરી કમાલ દેખાડી શકે એ તો નીવડ્યે વખાણ. હવે પછી આવનારી ફિલ્મોનાં ટાઈટલ છે, ‘બુલેટ રાજા’ અને ‘મિલન ટોકીઝ’. સૈફ અલી ખાન, જિમી શેરગિલ અને સોનાક્ષી સિંન્હાને ચમકાવતી ‘બુલેટ રાજા’, અગેન, એક ગેંગસ્ટર ફિલ્મ છે. એનું અમુક શૂટિંગ કચ્છમાં પણ થયું છે. ‘મિલન ટોકીઝ’માં પ્રિયંકા ચોપડા અને ઈમરાન ખાન દેખાશે. એમાં એક નાનકડા નગરનું સિંગલ-સ્ક્રીન થિયેટર તે ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે અને તેમાં પાયરસીના મુદ્દાને હલકીફુલકી શૈલીમાં સ્પર્શવામાં આવ્યો છે. ટૂંકમાં, તિગ્માંશુની ફિલ્મોમાં મેઈનસ્ટ્રીમ એ-લિસ્ટ કલાકારો દેખાશે ખરા.



તિગ્માંશુના મનમાં એક ઓર ડ્રીમ સબ્જેક્ટ લાંબા સમયથી ઘુમરાયા કરતો હતો- ‘કિલિંગ ઓફ અ પોર્ન ફિલ્મમેકર’! એક ચક્રમ આદમી છે, જે વાહિયાત પોર્ન ફિલ્મો બનાવે છે અને એને લાગે છે કે ગયા ભવમાં પોતે એડોલ્ફ હિટલર હતો! તિગ્માંશુ અને ઈરફાન એનએસડીના જમાનાથી મિત્રો છે. તિગ્માંશુની પહેલી ચોઈસ મોટે ભાગે ઈરફાન જ હોય. ઈરફાન ખાનને લઈને એમણે ‘કિલિંગ ઓફ અ પોર્ન ફિલ્મમેકર’ પર કામ કરવાનું શરુ પણ કર્યું, પણ કોઈક કારણસર કામકાજ અટકી પડ્યું. દોઢેક વર્ષ પહેલાં ‘જય રામજી’ નામની ફિલ્મ શરુ કરી, જેમાં ઈરફાન ઉપરાંત અર્જુન રામપાલ અને પ્રીતિ ઝિન્ટા પણ છે. આ પ્રોજેક્ટ પણ અત્યારે તો સ્થગિત થઈ ગયો છે.

ખેર, બોલીવૂડમાં આવું બધું સામાન્ય કહેવાય. ભલભલા સુપરસ્ટાર્સ અને સુપર ડિરેક્ટરોની ફિલ્મો અટકી પડતી હોય ત્યારે તિગ્માંશુ ધુલિયા જેવા ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ના પ્રોજેક્ટમાં વિઘ્નો ન આવે તો જ નવાઈ.

શો-સ્ટોપર

પ્રેમ વિશે મારા મનમાં કોઈ ફુલગુલાબી ખ્યાલો નથી. મને સમજાઈ ગયું છે કે આપણે રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ એમાંનું કશું જ રિઅલ લાઈફમાં બનતું હોતું નથી.

- અનુષ્કા શર્મા        




‘’

Wednesday, March 6, 2013

13. ‘કાસાબ્લાન્કા’: કૈસી હૈ યે જિંદગાની... હમારી અધૂરી કહાની


મુંબઈ સમાચાર- તા. ૬ માર્ચ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

કાસાબ્લાન્કાને જો હેપી એન્ડિંગ આપવામાં આવ્યો હોત તો તેની ગણના આજે ક્લાસિક તરીકે ન થતી હોત! કાસાબ્લાન્કા પરફેક્ટ ફિલ્મ ગણવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં રોમાન્સ, દેશપ્રેમ, રહસ્ય અને આદર્શવાદ જેવા તત્ત્વોનું અફલાતૂન કોમ્બિનેશન થયું છે



ફિલ્મ નંબર ૧૩: કાસાબ્લાન્કા

ક્લાસિક વિદેશી ફિલ્મોની વાત માંડી હોય ત્યારે કાસાબ્લાન્કાની ચર્ચા ખરેખર તો પ્રારંભમાં કરી લેવાની હોય, પણ આ શ્રેણીમાં ક્રમને મહત્ત્વ અપાયું નથી એટલે એટલે આ અદભુત અમેરિકન ફિલ્મને આપણે આજે માણીશું. તો પેશ છે...

ફિલ્મમાં શું છે?

બીજા વિશ્વયુદ્ધની શરુઆતના દિવસો છે. મોરોક્કોમાં કાસાબ્લાન્કા નામનું એક નાનકડું શહેર છે. જર્મન નાઝીઓથી પીડિત યુરોપિયન રેફ્યુજીઓનાં ટોળેટોળાં ઉમટી પડે છે. એ સૌ અમેરિકા જતા રહીને શાંતિનું જીવન જીવવાના સપનાં જુએ છે. કાસાબ્લાન્કા યુરોપ છોડીને અમેરિકા જવા માટેનાં પ્રવેશદ્વાર જેવું છે. જોકે અમેરિકા જવું એટલું આસાન નથી. તમારી પાસે લેટર ઓફ ટ્રાન્ઝિટ હોય તો જ પ્લેનમાં સવાર થઈને વાયા લિસ્બન થઈને યુએસએ તરફ પ્રયાણ કરી શકો. કાસાબ્લાન્કામાં એક કેફે અમેરિકન નામની સ્ટાઈલિશ નાઈટ-ક્લબ છે, જેનો માલિક છે રિક બ્લેઈન (હમ્ફ્રી બોગર્ટ). ફિલ્મનો તે મેઈન હીરો છે. પહેલી નજરે એ  સ્વકેન્દ્રી અને એકલપટો લાગે. જોકે વાસ્તવમાં એવો છે નહીં. હૃદયથી એ કોમળ છે અને ભૂતકાળમાં એ ખાસ્સો આદર્શવાદી (એટલે કે રહી ચુક્યો છે. એના કબ્જામાં કોઈક રીતે પેલો મહામૂલો લેટર ઓફ ટ્રાન્ઝિટ આવી ગયો છે. મૂળ પ્લાન તો એવો હતો કે જે કોઈ સૌથી ઊંચી બોલી લગાવે એને આ લેટર વેચી મારવો, પણ બને છે કશુંક જુદું.



એક રાતે રિકની નાઈટ-ક્લબમાં ખૂબસુરત ઈલ્સા લુન્ડ (ઈન્ગ્રિડ બર્ગમેન) પોતાના પતિ વિક્ટર લાઝ્લો (પૉલ હેનરીડ) સાથે એન્ટ્રી મારે છે. વિક્ટર સ્વાતંત્ર્યવીર છે, નાઝીવિરોધી જૂથનો નેતા છે અને સાક્ષાત નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી માંડ માંડ જીવ બચાવીને નાસી છૂટ્યો છે. એ કાસાબ્લાન્કા તો પહોંચી ગયો, પણ અમેરિકા જવા માટે જરુરી લેટર એની પાસે નથી. ઈલ્સાને જોઈને રિક ખળભળી ઉઠે છે, કારણ કે ભૂતકાળમાં બન્ને રહી ચૂક્યાં છે. એમની મુલાકાત પેરિસમાં થઈ હતી. ઈલ્સા થોડી રહસ્યમય સ્ત્રી છે. એણે રિકને કહેલું કે તારે મને કોઈ સવાલો નહીં પૂછવાના, મારા અતીત વિશે જાણવાની ક્યારેય કોશિશ નહીં કરવાની. એક સાંજે બન્ને પેરિસ છોડીને સલામત જગ્યાએ જતાં રહેવાનું નક્કી કરે છે. રિક તો નિશ્ચિત સમયે રેલ્વે સ્ટેશન પહોંચી ગયો, પણ ઈલ્સાને બદલે એની ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે સોરી રિક, હું તારી સાથે નહીં આવી શકું. હું કોઈ ખુલાસો પણ નહીં કરી શકું. અલવિદા...



રિકનું દિલ ભાંગી જાય છે. ખેર, એ સેમ (આર્થર વિલ્સન) નામના પોતાના દોસ્ત સાથે પેરિસ છોડીને જતો રહે છે. વર્ષો વીત્યાં ને વિશ્વાસઘાતી ઈલ્સા અચાનક સામે આવી ગઈ, પોતાના પતિ સાથે. પતિ-પત્ની બન્ને જાણે છે કે લેટર-ઓફ-ટ્રાન્ઝિટ રિકના તાબામાં છે. એ રાતે ઈલ્સા એને એકલી મળે છે અને લેટરની માગણી કરે છે. રિક ચોખ્ખી ના પાડી દે છે. ઈલ્સા એને ગન દેખાડે છે: લેટર આપ નહીં તો તને વીંધી નાખીશ. રિક કહે છે: ચલાવ બંદૂક. ખુશીથી મારી નાખ મને. ઈલ્સા ભાંગી પડે છે. જે સ્પષ્ટતા આટલાં વર્ષોમાં નહોતી થઈ તે હવે કરે છે. એ કહે છે કે હું તને પહેલી વાર મળી ત્યારે વિક્ટર સાથે મારાં લગ્ન થઈ જ ગયેલાં. એ નાઝીઓના હાથમાં ઝડપાઈ ગયો અને મને કહેવામાં આવ્યું કે એ મરી ગયો છે. દરમિયાન હું તને મળી અને તારા પ્રેમમાં પડી. તે સાંજે હું પેરિસ રેલ્વે સ્ટેશને તારી પાસે આવી જ રહી હતી તે જ વખતે મને સમાચાર મળ્યા કે વિક્ટર જીવે છે, ઘાયલ છે અને એને મારી જરુર છે. હું લાચાર હતી. પતિ પાસે ગયા વગર મારો છૂટકો નહોતો... 



ઈલ્સાની જૂની લાગણીઓની તીવ્રતાથી ફરી સપાટી પર આવી જાય છે. કહે છે, રિક, હું તને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું. સાચું શું ને ખોટું શું છે તે સમજવાની શક્તિ મારામાં રહી નથી. હવે તું જ નિર્ણય લે... આપણા બન્ને માટે, આપણા ત્રણેયને માટે. રિક મનોમન કશુંક વિચારી લે છે. પછી કહે છે: સારું. તારા વરને આપણે અમેરિકા મોકલી દઈશું. પછી તું અને હું અહીં સાથે રહીશું, કાસાબ્લાન્કામાં...

દરમિયાન રેનોલ્ટ નામનો ભ્રષ્ટ નાઝી ઓફિસર વિક્ટરને નાના અમથા ગુનાસર જેલમાં પૂરી દે છે. રિક રેનોલ્ટને કહે છે: આના પર તો ગંભીર આરોપ લગાડવો જોઈએ. આના પર ટ્રાન્ઝિટ લેટર ધરાવવાનો અપરાધ હેઠળ કામ ચલાવ. રિક અહીં ચાલાકી કરે છે. એ બંદૂકના નાળચે રેનોલ્ટ પર દબાણ કરે છે કે તું વિક્ટરને પ્લેનમાં બેસાડી દે. એરપોર્ટ પર એ વિલન બની રહેલા એક નાઝી ઓફિસરની રિક હત્યા કરે છે. એ ઈલ્સાને કહે છે: તેં મને કહેલું કે હું આપણા ત્રણેય માટે સાચો નિર્ણય લઉં. મેં નિર્ણય કરી લીધો છે. તું પણ તારા વર સાથે અમેરિકા જઈ રહી છે. હમણાં જ. મારી આ વાત તને અત્યારે આકરી લાગશે, પણ પછી તને સમજાશે કે મેં જે કર્યું છે તે બરાબર કર્યું છે.... અને આપણી પાસે પેરિસની યાદો તો છે જ! આમ, રિક પ્રેમનું બલિદાન આપે છે અને ઈલ્સા આંસુભરી આંખે પતિની સાથે વિદાય લે છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મનાં મૂળિયાં એક ન ભજવાયેલાં નાટકમાં રોપાયેલાં છે. નાટકનું નામ હતું, એવરીબડી કમ્સ ટુ રિક્સ. માનો યા ન માનો, પણ એ જમાનામાં દરેક મોટો સ્ટુડિયો એવરેજ અઠવાડિયામાં એક ફિલ્મ બનાવતો. મતલબ કે વર્ષની પચાસ ફિલ્મો. કાસાબ્લાન્કા ૧૯૪૩માં રિલીઝ થઈ ત્યારે આવી પચાસમાંની જ એક રેગ્યુલર ફિલ્મ હતી. કોઈને કલ્પના પણ નહોતી કે આ ફિલ્મ આગળ જતાં વિશ્વની સર્વકાલીન મહાનતમ ફિલ્મોના ટોપ-હન્ડ્રેડ શુંં, ટોપ-ટેન લિસ્ટમાં હકથી સ્થાન જમાવી દેશે!



વોર્નર બ્રધર્સ સ્ટુડિયોના માલિકોની ઈચ્છા હતી કે આ ફિલ્મ વિલિયમ વાઈલર ડિરેક્ટ કરે (કે જેણે વર્ષો પછી રોમન હોલીડે અને બેન-હર બનાવી), પણ એ અવેલેબલ નહોતા એટલે માઈકલ કર્ટિઝને કેપ્ટન-ઓફ--શિપ બનાવવામાં આવ્યા. આખી કાસાબ્લાન્કા સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવી છે. તે વખતે બીજું વિશ્વયુદ્ધ હજુ ચાલતું હતું એટલે એરપોર્ટ પર શૂટિંગ કરવાની મનાઈ હતી. આથી ક્લાઈમેક્સમાં સાચુકલાં પ્લેનને બદલે પ્લેનનાં કટઆઉટ્સ મૂકી દેવામાં આવ્યા. ઠીંગણા એકસ્ટ્રા કલાકારોને વીણી વીણીને એની આસપાસ ફરતા દેખાડવામાં આવ્યા કે જેથી પ્લેન મોટું દેખાય!

હીરો તરીકે રોનાલ્ડ રેગનને (જે પછી અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા) લેવાની વાત ફેલાઈ હતી, પણ આ રોલ મળ્યો હમ્ફ્રી બોગર્ટને. હિરોઈન ઈન્ગ્રિડ બર્ગમેનને એની હાઈટને કારણે ખૂબ પ્રોબ્લેમ થતા હતા, કારણ કે તે હીરો કરતાં બે ઈંચ ઊંચી હતી. આથી બન્નેના સજોડે સીન હોય ત્યારે બોગર્ટને ટચૂકડા સ્ટૂલ પર ખડો કરી દેવામાં આવતો યા તો ઓશિકા ઉપર બેસાડવામાં આવતો! આખી ફિલ્મમાં બોગર્ટ હિરોઈનને વહાલથી કહેતો રહે છે, હિઅર્સ લૂકિંગ એટ યુ, કિડ! આ ડાયલોગ હજુય ખૂબ પોપ્યુલર છે. પ્લે ઈટ અગેન, સેમ! ડાયલોગને સામાન્યપણે કાસાબ્લાન્કા સાથે જોડવામાં આવે છે. હકીકતમાં ફિલ્મમાં ઈન્ગ્રિડ પિયાનોવાદક પ્લે ઈટ, સેમ! એમ કહે છે.



ફિલ્મ ક્લાસિક હોય એટલે એનું મેકિંગ પણ ક્લાસિક અને પરફેક્ટ જ હશે એવું માનવાની ભુલ કરશો નહીં. કાસાબ્લાન્કામાં રોજ સેટ પર ડાયલોગ્ઝ બદલવામાં આવતા. એ તો ઠીક, ફિલ્મનો અંત શું રાખવો છે તે વિશે છેક સુધી સ્પષ્ટતા નહોતી! ઈન્ગ્રિડ સતત ડિરેક્ટરને અને લેખકોનું માથું ખાધા કરતી: એન્ડમાં મારે કોની સાથે જવાનું છે? હસબન્ડ સાથે કે લવર સાથે? લેખકો કહેતા: શાંતિ રાખ. જેવી અમને ખબર પડશે એટલે તરત તને જાણ કરવામાં આવશે! ખેર, બહુ મથ્યા પછી લેખકોએ નક્કી કર્યું કે ઈન્ગ્રિડ અને બોગર્ટને ભેગા કરીને ખાધું પીધું ને રાજ કીધું જેવો રોમેન્ટિક એન્ડ લાવીશું તો મજા નહીં આવે. ભલે બોગર્ટ પોતાના પ્રેમનો ત્યાગ કરે. ભલે એમની  લવસ્ટોરી અધૂરી રહી જાય. એમ જ કરવામાં આવ્યું. ફિલ્મનો વિષાદમય અંત સચોટ પૂરવાર થયો. ફિલ્મી પંડિતો કહે છે કે વાર્તાને જો હેપી એન્ડિંગ આપવામાં આવ્યો  હોત તો કાસાબ્લાન્કાની ગણના આજે ક્લાસિક તરીકે ન થતી હોત! કાસાબ્લાન્કા પરફેક્ટ ફિલ્મ ગણવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં રોમાન્સ, દેશપ્રેમ, રહસ્ય અને આદર્શવાદ જેવા તત્ત્વોનું અફલાતૂન કોમ્બિનેશન થયું છે

મસ્ત મજાનું સ્ટોરીટેલિંગ, તમામ ભુમિકાઓમાં કાસ્ટ કરવામાં આવેલા કલાકારોનો તગડો અભિનય અને ઈન્ગ્રિડ બર્ગમેનનું રુપ જોવા માટે આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ અચુક માણવા જેવી છે.   

કાસાબ્લાન્કા ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર           
માઈકલ કર્ટિઝ 
મૂળ નાટ્યલેખક    
મુર્રે બ્રુનેટ, જોન એલિસન
સ્ક્રીનપ્લે         
જુલિયસ ઈપ્સટાઈન, ફિલીપ ઈપ્સટાઈન, હાર્વર્ડ કોચ
કલાકાર            
હમ્ફ્રી બોગર્ટ, ઈન્ગ્રિડ બર્ગમેન, પૉલ હેનરીડ  
રિલીઝ ડેટ          
૨૩ જાન્યુઆરી, ૧૯૪૩
મહત્ત્વના અવોર્ડઝબેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે માટેના ઓસ્કર અવોર્ડઝ