Wednesday, January 16, 2013

તમે હેલિકોપ્ટર પેરેન્ટ છો કે સ્લો પેરેન્ટ?


ચિત્રલેખા - અંક તા. જાન્યુઆરી ૨૦૧૩

કોલમ: વાંચવા જેવું


                                                                                                                         
દિલ્હીમાં એક યુવતી પર ચાલુ બસે રુંવાટા ખડા થઈ જાય એવો ભયાનક સામૂહિક બળાત્કાર થયો અને દેશની જનતા, ખાસ કરીને જુવાનિયાઓ, ગુસ્સાથી પાગલ થઈ ગયા. ચારે તરફથી બુમરાણ મચ્યું: ગુનેગારોને તાત્કાલિક કડકમાં કડક સજા કરો, એમની ખસી કરી નાખો, જાહેરમાં ફાંસીએ ચડાવો... સરકાર કેમ ઠંડી થઈને બેઠી છે? આટલો વિલંબ શા માટે થાય છે? તકલીફ એ છે કે આપણી ક્ષતિપૂર્ણ ન્યાયપ્રક્રિયાના પ્રતાપે આ મામલો ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં જાય તો પણ ચુકાદો આવતા અને સજાનો અમલ થતાં થોડોઘણો વિલંબ તો થવાનો જ. હા, જો કાંગારુ કોર્ટ હોત તો વાત જુદી હતી. કાંગારુ કોર્ટમાં તો એક ઘા ને બે કટકા જેવો ત્વરિત ન્યાય થાય. આ કાંગારુ કોર્ટ છે શું, બાય ધ વે? આ પ્રશ્નનો ઉત્તર આજનાં પુસ્તક ‘શબદ કીર્તન’માં વાંચવા જેવો છે.

ગુનેગારોને બચાવનો પૂરો મોકો આપ્યા વિના અવિધિસરની કોર્ટ ફટાફટ ન્યાય તોળી નાખે અને સજાનો અમલ પણ કરી નાખે એને ‘કાંગારુ જસ્ટિસ’ કહે છે. આવી કોર્ટને ‘કાંગારુ કોર્ટ’ કહે છે. કાંગારુ ચાલે નહીં, એ કૂદકા જ મારે. સર્વપ્રથમ ૧૮૫૩માં ફિલિપ ટેક્સટન નામના લેખકના લેખસંગ્રહમાં ‘કાંગારુ કોર્ટ’ શબ્દનો પ્રયોગ થયો હતો. કેટલો મજાનો શબ્દપ્રયોગ.



ભાષા વહેતી રહેવી જોઈએ. નદીની જેમ. જો એ બંધિયાર બને તો એમાં લીલ બાઝી જાય, પાણી ગંધાઈ ઉઠે. અંગ્રેજી આજે વિશ્વભાષા બની છે એનું એક મોટું કારણ એની લચક અને ફ્લેક્સિબિલિટી પણ છે. સતત પરિવર્તન પામતા સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક માહોલ પ્રમાણે અંગ્રેજી ભાષા નવાનવા શબ્દો અને શબ્દપ્રયોગો પેદા કરી લે છે. એ પ્રચલિત બનતા જાય છે અને ક્રમશ: શબ્દકોષમાં સ્થાન પણ મેળવી લે છે. અંગ્રેજી એ રીતે સતત જીવતી અને વિસ્તરતી ભાષા છે. આ પુસ્તકમાં ‘કાંગારુ કોર્ટ’ જેવા ૪૬ શબ્દપ્રયોગો એની આખેઆખી જન્મકુંડળી ઉપરાંત કેટલાંય ‘એક્સ્ટ્રા ફીચર્સ’ સહિત જલસો પડી જાય એ રીતે સમજાવવામાં આવ્યા છે.

એક પ્રયોગ છે, ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’. વધુ પડતાં ચિંતાખોર વાલીઓ પોતાનાં સંતાનની એકેએક હિલચાલ પર હેલિકોપ્ટરની જેમ માથે ને માથે ચકરાવા લેતાં રહેતાં હોય છે. એકવીસમી સદીનાં આવાં મા-બાપને ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’ કહે છે. ડો. હૈમ ગિનોટે નામના મનોચિકિત્સકે ૧૯૬૯માં ‘બિટવીન પેરેન્ટ્સ એન્ડ ટીનેજર’ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં એક ટીનેજરની ફરિયાદ ક્વોટ કરવામાં આવી હતી કે, ‘માય મોમ ઈઝ હોવરિંગ લાઈક હેલિકોપ્ટર!’ સંભવત: ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’ શબ્દપ્રયોગનાં મૂળિયાં અહીં નખાયાં છે. 



ડેન્માર્ક-સ્વીડન જેવા ઠંડા દેશોમાં ‘કર્લિંગ પેરેન્ટ્સ’ નામનો પ્રયોગ થાય છે. કર્લિંગ એટલે શિયાળામાં બરફાચ્છાદિત ભૂમિ પર મોટા પથ્થરને એક જગ્યાએ બીજી જગ્યાએ સરકાવવાની રમત. સફાઈ કામદારો રમત શરુ થાય એ પહેલાં બર્ફીલા રસ્તામાંથી નાના નાના પથ્થર વીણી લે છે કે જેથી મુખ્ય મોટા પથ્થરની ગતિમાં અવરોધ ઊભો ન થાય. સંતાનના રસ્તામાંથી સતત કાંટા-કંકર હટાવ્યાં કરતાં મા-બાપને ‘કર્લિંગ પેરેન્ટ્સ’ કહે છે! ‘લૉન મોવર પેરેન્ટ્સ’ શબ્દપ્રયોગ પણ આ જ અર્થમાં થાય છે. આ પ્રયોગોનો વિરુદ્ધાર્થી પ્રયોગ છે, ‘સ્લો પેરેન્ટ્સ’. યાદ રહે, ‘સ્લો પેરેન્ટ્સ’ એટલે સંતાનને સાવ છટ્ટા મૂકી દેતાં બેદરકાર મમ્મીપપ્પાઓ નહીં, પણ દરેક કાર્ય યોગ્ય ગતિ તેમજ મોકળાશથી કરવા દેતાં પ્રેમાળ-સમજદાર વાલી. 

પશ્ચિમમાં આજકાલ ઊલટી ગંગા વહેવા લાગી છે. પુખ્ત થતાંની સાથે જ ઘર છોડીને સ્વતંત્ર જીવન જીવવાનું શરુ કરી દેતાં સંતાનો કેટલાંક વર્ષો પછી પાછાં મા-બાપ સાથે રહેવા લાગે છે. લેખકના શબ્દોમાં જ કહીએ તો, લાઈફ બનાવવા નીકળેલા જુવાનિયા ઘણી વાર વાઈફ સોતા પાછા ફરે છે. ક્યારેક તો ચિલ્ડ્રન પણ સાથે હોય! મંદી અને બેકારીના આ માહોલમાં એક આખેઆખી પેઢી માટે સ્વતંત્ર જીવવાનું દુષ્કર બનતું જાય છે. પિતૃગૃહે પરત ફરતી આ પેઢીને ‘બૂમરેન્ગ જનરેશન’ નામ આપવામાં આવ્યું છે. બૂમરેન્ગ એટલે ૨૦થી ૩૦ ઈંચ લાંબી કાટખૂણે વળેલી પટ્ટી જેવું હથિયાર, જેને ચોક્કસ રીતે ફેંકવામાં આવે તો હવામાં ચક્રાકાર ગતિ કરીને પાછું ફેંકનારના હાથમાં પહોંચી જાય છે. સામાન્યપણે બૂમરેન્ગ થતા આ જુવાનિયા વીસથી ત્રીસ વર્ષના હોય છે. એનાથી મોટા પણ હોઈ શકે. લેખકે કોમેડિયન બિલ કોસ્બીનું સરસ ક્વોટ ટાંક્યું છે:

‘સમગ્ર પૃથ્વી પર માણસ એક જ એવું પ્રાણી છે કે જે પોતાનાં પુખ્ત સંતાનોને ઘરે પાછાં ફરવાની છૂટ આપે છે!’

મોબાઈલ અને ઈન્ટરનેટ આધુનિક જમાનાની સંભવત: સૌથી પોપ્યુલર વસ્તુઓ છે. આપણી લાઈફસ્ટાઈલ સાથે એ એટલી હદે વણાઈ ગઈ છે કે એને લઈને કેટલાય નવા નવા શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષામાં ઉમેરાઈ ગયા છે. જેમ કે, ‘બટલર લાઈ’. મોબાઈલ પર કોઈને ટાળવા હોય તો ‘શું કહ્યું? સંભળાતું નથી... વાત કપાય છે...ટાવર મળતો નથી...કોઈનો ફોન આવી રહ્યો લાગે છે... હેલો હેલો હેલો’ કહીને ફોન ડિસકનેક્ટ કરી નાખવો એ બહુ કોમન ચેષ્ટા છે. મોબાઈલ પર જૂઠ બોલવાની કળાને ‘બટલર લાઈ’ કહે છે. આ શબ્દપ્રયોગની વ્યુત્ત્પત્તિ પણ ઈન્ટેસ્ટિંગ છે. અમીર લોકો પાસે નોકરચાકરોની આખી ફોજ હોય છે, જેમાં કિચન અને મદિરાલય (ઘર-બાર) સંભાળતા સિનિયર નોકરને ‘બટલર’ કહે છે. કોઈપણ મુલાકાતી ઘરે આવે તો એ માલિક કે માલિકણને સીધા ન મળી શકે. પહેલાં બટલર એને મળે, એનાં નામ-ઠામ જાણે અને માલિકને માહિતી આપે. જો માણસ મળવા જેવો ન હોય તો બટલર બહાર જઈ, નમ્રતાપૂર્વક જૂઠું બોલી પેલાને રવાના કરી દે. બસ, આના પરથી શબ્દપ્રયોગ બન્યો, ‘બટલર લાઈ’!



કેટકેટલા શબ્દપ્રયોગો. સાયબર-વિડો, વીચ-હન્ટ, ચેક-બૂક જર્નલિઝમ, કોકટેલ, વાયરસ માર્કેટિંગ, સ્લટ, ફ્લેશમોબ, બનાના રિપબ્લિક... લેખક પરેશ વ્યાસ શબ્દપ્રેમી છે. સતર્ક પત્રકારની જેમ એ ચર્ચામાં રહેતા શબ્દપ્રયોગને ઝીલી લે છે, એની સાથે રોમાન્સ કરે છે અને પછી વાચક સાથે પોતાની મજા share કરતા જાય છે. ‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા લેખોે આ રુપકડાં પુસ્તકમાં બેઠા છપાયા નથી, બલકે એમને સંવર્ધિત સ્વરુપ આપવામાં આવ્યું છે. ફન-ફેક્ટ્સ પુસ્તકને ઓર રોચક બન્યું છે. નિ:શંકપણે વાંચવા જેવું પુસ્તક. ૦ ૦ ૦

                                                                                    
શબદ કીર્તન
લેખક: પરેશ વ્યાસ
       પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન, રાજકોટ - ૧
વિક્રેતા: બુકમાર્ક, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
કિંમત:  ૧૫૦ /
પૃષ્ઠ: ૧૯૦



Tuesday, January 15, 2013

ફિલ્મ નંબર ૫: ‘ધ બાયસિકલ થીફ’: તેરી દો ટકીયા કી નૌકરી...


મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ - તા. ૯ જાન્યુઆરી ૨૦૧૩   

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મોમાં શહેરી જીવનની વિષમતામાંથી જન્મતા કારુણ્યની વાત આવે ત્યારે ‘ધ બાયસિકલ થિફ’ આજેય એક સશક્ત રેફરન્સ પોઈન્ટ તરીકે જોવાય છે. મજાની વાત એ છે કે માસ્ટરપીસ ગણાતી આ ઈટાલિયન ફિલ્મના ડિરેક્ટરે એવા લોકો પાસે એક્ટિંગ કરાવેલી જેમને એક્ટિંગના ફિલ્ડ સાથે કોઈ લેવાદેવા નહોતી.  




 ફિલ્મ નંબર ૫: ‘ધ બાયસિકલ થીફ’
આજની ફિલ્મ ઈટાલિયન છે, જેનું ટાઈટલ ખરેખર તો બહુવચન સૂચક છે. ફિલ્મ અમેરિકામાં ‘ધ બાયસિકલ થિફ’ નામે રિલીઝ થઈ, પણ ઈંગ્લેન્ડમાં રિલીઝ કરતી વખતે લાગતાવળગતાઓએ ટાઈટલ બદલાવીને ‘બાયસિકલ થિવ્ઝ’ કરી નાખ્યું. મૂળ ઈટાલિયન શીર્ષકનો સાચો શાબ્દિક અનુવાદ ‘બાયસિકલ થિવ્ઝ’ જ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના રોમમાં આકાર લેતી આ હૃદયદ્રાવક ફિલ્મે દુનિયાભરના ફિલ્મમેકર્સ પર પ્રભાવ પાડ્યો છે. બિમલ રોયની ‘દો બીઘા જમીન’ અને સત્યજિત રેની ‘પાથાર પાંચાલી’ જેવી મહાન ભારતીય ફિલ્મો પર ‘ધ બાયસિકલ થિફ’ની ઘેરી અસર છે. આજના હોટશોટ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ તો ત્યાં સુધી કહે છે કે કાચી ઉંમરે ‘ધ બાયસિકલ થિફ’ જોયા પછી જ મારા મનમાં પહેલી વાર ડિરેક્ટર બનવાની ખ્વાહિશ જાગી હતી.

 ફિલ્મમાં શું છે?

બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય છે. રોમના ગરીબ વતની એન્તોેનિયો (લામ્બેર્તો માજ્યોરા)ની હાલત કફોડી થઈ ગઈ છે. બાપડો ઘાંઘો થઈને નોકરી શોધી રહ્યો છે કે જેથી જેમતેમ કરીને કુટુંબનું ગુજરાન ચાલી શકે. પરિવારમાં પત્ની મારિયા (લિઆનેલા કરેલ), આઠેક વર્ષનો દીકરો બ્રુનો (એન્ઝો સ્તઈઓલા) અને નાનકડું ભુલકું છે. આખરે એક કામ મળવાના યોગ ઊભા થાય છે. આખાં શહેરમાં ફરી ફરીને દીવાલો પર જાહેરાતના ચોપાનિયાં ચોંટાડવાનું કામ. કઠણાઈ જુઓ કે એન્તોનિયો આ નોકરી સ્વીકારી શકે તેમ નથી, કારણ કે આ કામ માટે સાયકલ જોઈએ અને એની સાયકલ તો ગિરવે મૂકેલી છે. પત્ની અમુક ઘરવખરી એકઠી કરે છે અને એના બદલામાં સાઈકલ છોડાવી લે છે. પત્નીને સાયકલ પર આગળ બેસાડીને એન્તોનિયા રાજી રાજી થતો ઘરે આવે છે. હવે નોકરી મળી જવાની છે એટલે એને તમામ સમસ્યાઓનો અંત આંખ સામે દેખાય છે.



એન્તોનિયોની સુખ જોકે ઝાઝું ટકતું નથી. નોકરીના પહેલાં દિવસે એ નીસરણી પર ચડીને દીવાલ પર ચોપાનિયું લગાવતો હોય છે ત્યાં કોઈ જુવાનિયો એની સાયકલ ઉઠાવીને નાસી જાય છે. એન્તોનિયો એની પાછળ દોટ મૂકે છે, પણ પેલો કોણ જાણે ક્યાં રફૂચક્કર થઈ જાય છે. એન્તોલિયો પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી તો દે છે, પણ પોલીસ આમાં કંઈ ઝાઝું ઉકાળી શકે એમ નથી. એને ખબર પડે છે કે એક ચોક્કસ માર્કેટમાં ચોરીનો માલ-સામાન વેચાવા આવે છે. એન્તોનિયો દીકરા બ્રુનોને લઈને ત્યાં પહોંચી જાય છે. અહીં સાયકલ તો મળતી નથી, પણ પેલો ગઠિયો જરુર દેખાય છે. બાપ-દીકરો પેલાને પકડવાની ઘણી કોશિશ કરે છે, પણ એ પાછો હાથતાળી દઈને જતો રહે છે. એમનો પકડદાવ ખૂબ લાંબો ચાલે છે. દરમિયાન જાતજાતની ઘટનાઓ બનતી રહે છે. એન્તોનિયો ચોરનો પીછો કરતાં કરતાં એ વેશ્યાવાડા સુધી પહોંચી જાય છે. બૂમરાણ મચાવીને એ ટોળું એકઠું કરે છે, પણ લોકો ઊલટો એના પર જ આક્ષેપ મૂકે છે. એન્તોનિયો અપમાનિત થઈને દીકરા સાથે નીકળી જાય છે. 

બન્ને એક સ્ટેડિયમ પાસે પહોંચે છે. અંદર ફૂટબોલની મેચ ચાલી રહી છે અને બહાર પાર્કિંગમાં સાઈકલોની કતાર ખડી છે. એન્તોનિયો જુએ છે કે થોડે દૂર એક સાયકલ નધણિયાતી પડી છે. લાચાર એન્તોનિયો હવે જીવ પર આવી ગયો છે. એ દીકરાને થોડા પૈસા આપીને કહે છે: તું પેલી સ્ટ્રીટકારમાં બેસીને નીકળી જા. આગળ ફલાણી જગ્યા ઉતરીને મારી રાહ જોજે. બ્રુનો જાય છે. એન્તોનિયો હિંમત કરીને પેલી એકલીઅટૂલી પડેલી સાયકલ પર સવાર થઈને રફૂચક્કર થવાની કોશિશ કરે છે.


આ બાજુ સ્ટ્રીટકાર ચુકી ગયેલા બ્રુનોના કાને લોકોની રડારોડ સંભળાય છે. સામેનું દશ્ય જોતાં જ એ સ્તબ્ધ થઈ જાય છે. એ જુએ છે કે લોકો એના પિતાજીને સાયકલ પરથી ખેંચી રહ્યા છે. સાયકલનો માલિક રોષે ભરાઈને એના માથા પરથી હેટ ફેંકી દે છે. એન્તોનિયોને પોલીસ સ્ટેશન તરફ ખેંચી  જવાની પેરવી થઈ રહી છે ત્યાં જ સાયકલના માલિકની નજર બ્રુનો પર પડે છે. હેબતાઈ ગયેલો બ્રુનો બિચારો પપ્પાની હેટ પકડીને ઊભો છે. સાયકલના માલિકને દયા આવે છે. એ એન્તોનિયોને છોડી મૂકે છે.

બાપ-દીકરો ટોળાથી દૂર આવે છે. બ્રુનો પપ્પાને હેટ આપે છે. દીકરાની સામે ભયંકર અપમાનિત થઈ ગયેલો એન્તોનિયો શૂન્ય થઈ ગયો છે. એણે પ્રયત્નપૂર્વક પોતાનાં આંસુ આંખોની પાછળ ધકેલી દીધાં છે. સાયકલચોરની તલાશ કરી રહેલો એન્તોનિયો ખુદ દીકરાની નજરમાં સાયકલચોર બની ગયો છે. દીકરો એનો હાથ પકડે છે. ધીમે ધીમે બન્ને ભીડમાં ખોવાઈ જાય છે.

કથા પહેલાંની અને પછીની

૧૯૪૮માં રિલીઝ થયેલી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ સેઝરે ઝેવેત્તીની નામના લેખકની નવલકથા પર આધારિત છે. ઈટાલિયન સિનેમામાં જે વાસ્તવદર્શી સિનેમાનો દૌર શરુ થયો હતો એમાંની આ શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મમેકર વિત્તોરિયો દી સિકા પાસે આ ફિલ્મ બનાવવાના પૈસા નહોતા, કોઈ મોટો સ્ટુડિયો એને સાથ આપવા તૈયાર નહોતો, આથી ગાંઠના પૈસેથી અને મિત્રો પાસેથી ઉછીઉધારા કરીને આ ફિલ્મ બનાવી. ફિલ્મ નિઓ-રિયલિઝમ શૈલીની હતી એટલે તમામ શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યુંં. વળી, ડિરેક્ટર એક પણ તાલીમબદ્ધ એક્ટરનો ઉપયોગ કરવા માગતા હતા. ફિલ્મની આખી કાસ્ટમાંથી કોઈએ જિંદગીમાં અગાઉ ક્યારેય એક્ટિંગ કરી નહોતી. એન્તોનિયો બનતો નાયક કારખાનાનો કારીગર હતો! બ્રુનો બનતો આઠ વર્ષનો ટાબરિયો અસલી જીવનમાં પોતાના પિતાજી સાથે રસ્તા પર ફુલો વેચવાનું કામ કરતો હતો. બન્યું એવું ફિલ્મનું કંઈક કામકાજ કોઈ જાહેર જગ્યા પર ચાલી રહ્યું હતું ત્યારે અને આ છોકરો ઊભો ઊભો જોઈ રહ્યો હતો. ડિરેક્ટરસાહેબનું એના પર ધ્યાન પડ્યું અને બ્રુનો જેવા મહત્ત્વના પાત્રમાં એને ફિટ  કરી લીધો! ફિલ્મમાં કામ કરનારા મોટા ભાગના લોકો અસલી જિંદગીમાં પણ પોતાનાં કિરદાર જેવા જ હતા તેથી ફિલ્મનું વાસ્તવદર્શી ચિત્રણ ઓર ધારદાર બન્યું.



‘ધ બાયસિકલ થિફ’ ઈટાલીમાં રિલીઝ થઈ ત્યારે એની ટીકા થઈ હતી, કારણ કે ફિલ્મમાં ઈટાલિયનોને નકારાત્મક રીતે ચિતરવામાં આવ્યા છે એવી અસર ઊભી થતી હતી. જોકે ઈટાલીની બહાર એની જબરદસ્ત પ્રશંશા થઈ. ઢગલાબંધ અવોર્ડઝ મળ્યા. એને માસ્ટરપીસનો દરજ્જો મળ્યો. ૧૯૫૦માં એને એકેડેમી ઓનરરી અવોર્ડ આપવામાં આવ્યો. ફિલ્મ રિલીઝ થઈ એના ચોથા જ વર્ષ પછી એને ઓલ-ટાઈમ-ગ્રેટ ફિલ્મોની સૂચિમાં સામેલ કરી દેવામાં આવી. આજની તારીખે પણ સર્વકાલીન મહાનતમ ફિલ્મોની ચર્ચા ‘ધ બાયસિકલ થિફ’ વગર અધૂરી રહી જાય છે. શહેરી જીવનની વિષમતા, એમાંથી જન્મતું કારુણ્ય, માસૂમ સંતાન સામે ગરીબીને કારણે થતું લાચાર બાપનું માનભંગ... આ બધું સંવેદનશીલ દર્શકના મન-મગજમાં હંમેશ માટે કોતરાઈ જાય એવું છે.

 ‘ધ બાયસિકલ થિફ’ ફેક્ટ ફાઈલ 
  
ડિરેક્ટર-પ્રોડ્યુસર : વિત્તોરિઓ દી સિકા
કલાકાર          :  લામ્બેર્તો માજ્યોરા,  લિઆનેલા કરેલ, એન્ઝો સ્તઈઓલા 
મૂળ નવલકથાકાર: સેઝરે ઝેવેત્તીની  
દેશ               : ઈટાલી
રિલીઝ ડેટ        : ૨૪ નવેમ્બર ૧૯૪૮
મહત્ત્વના અવોર્ડઝ : ઓનરરી એકેડેમી અવોર્ડ, બેસ્ટ ફોરેન ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ


Saturday, January 5, 2013

ફ્લેશ ફોરવર્ડ 2013


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 6 જાન્યુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 આ વર્ષે જાતજાતની અને ભાતભાતની ફિલ્મોનો આખેઆખો અન્નકોટ આપણી સામે પેશ થવાનો છે. પેશ છે સૌથી લિજ્જતદાર ફિલ્મોની એક ઝલક. 



આ રહી 2013માં રિલીઝ થનારી ઈમ્પોર્ટન્ટ ફિલ્મોની સૂચિ. યાદ રહે, મહત્ત્વની કહી શકાય એવી તમામે તમામ ફિલ્મોનો નામોલ્લેખ અહીં થયો જ હોય એ જરુરી નથી. વળી, અહીં નોંધાયેલી રિલીઝ ડેટ્સ કે સમયગાળામાં ફેરફાર માટે પૂરો અવકાશ છે. તો પ્રસ્તુત છે...

જાન્યુઆરી 

આપણે સૌ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી વિશાલ ભારદ્વાજની ‘મટરુ કી બીજલી કા મન્ડોલા’ની રાહ જોઈને બેઠા છીએ. આ કોમેડી ફિલ્મમાં પંકજ કપૂર ઉર્ફ મન્ડોલા હરિયાણાના કોઈ ગામનો પૈસાદાર આદમી છે. દીકરી બીજલી (અનુષ્કા શર્મા) અને દારુ બન્ને એને બહુ વહાલાં છે.  મંડોલાનો નોકર મટરુ (ઈમરાન ખાન) ઓક્સફર્ડ યુનિવસિર્ટીમાં ભણી આવેલી બીજલીને દિલ દઈ બેઠો છે. આ ફિલ્મમાં એક ગુલાબી રંગની ભેંસ પણ છે. વિશાલ ભારદ્વાજ કહે છે કે આ ભેંસ તો ફિલ્મની આઈટમ ગર્લ છે. આવતા શુક્રવાર કમલ હસન- ધ ગ્ર્ોટની ‘વિશ્વરુપમ’ પણ રિલીઝ થઈ રહી છે. આ દ્વિભાષી ફિલ્મ એક સ્પાય થ્રિલર છે. ફિલ્મમાં ખૂબ બધા હોલીવૂડ ટેક્નિશીયન્સની ટેલેન્ટ કામે લાગી છે. આ એક અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ છે. તકલીફ એ છે કે કમલ હસન જ્યારે ‘અતિ મહત્ત્વાકાંક્ષી’ ફિલ્મ બનાવે છે ત્યારે આપણને ડર લાગવા માંડે છે. એની ‘દશાવતાર’ આપણે હજુ ભુલ્યા નથી. આશા રાખીએ કે ‘વિશ્વરુપમ’ બીજી ‘દશાવતાર’ સાબિત ન થાય. જાન્યુઆરીના છેલ્લા ફ્રાઈડે અબ્બાસ-મસ્તાનની મલ્ટિસ્ટારર ‘રેસ-ટુ’ આવશે. સૈફ, જોન અબ્રાહમ, અનિલ કપૂર, દીપિકા અને જેક્વેલિનને ચમકાવતી આ ફિલ્મ એક્શન-થ્રિલરના રસિયાઓને બહુ ગમશે.



ફ્રેબ્રુઆરી 

પહેલી તારીખે રિલીઝ થનારી ‘માઈ’માં આશા ભોંસલેએ પહેલી વાર એક્ટિંગ કરી છે. પહેલી અને છેલ્લી વાર. વિધિની વક્રતા જુઓ. આશાતાઈની સગી દીકરી વર્ષાએ થોડા મહિના પહેલા આત્મહત્યા કરીને જીવ ટૂંક્ાવ્યું... અને આ ફિલ્મમાં મા-દીકરીની જ કહાણી છે. આશાજીનાં સાથી કલાકારો છે, પદ્મિની કોલ્હાપુરે અને જાડુડોપાડુડો રામ કપૂર. પછીના શુક્રવારે જામનગરમાં મોટા થયેલા રેમો ડિસૂઝાની ‘એબીસીડી - એનીબડી કેન ડાન્સ’ આવશે. ભારતની આ પહેલી થ્રી-ડી ડાન્સ ફિલ્મ છે. ‘સ્ટેપ અપ’ની યાદ અપાવતી આ ફિલ્મમાં પ્રભુદેવા ઉપરાંત ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ટીવી શોમાં ચમકી ચૂકેલા ધર્મેશસર જેવા કેટલાય ડાન્સિંગ સિતારાઓએ કામ કયુ છે. જલસો પડશે આ ફિલ્મ જોવાની. આ મહિનાની સંભવત: સૌથી મોટી રિલીઝ તો ચેતન ભગતની ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઈફ’ નવલકથા પર આધારિત
‘કાઈ...પો છે!’ છે. ‘રોક ઓન’ ફેમ અભિષેક કપૂરે આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટીવીમાંથી સિનેમામાં એક્સપોર્ટ થયેલો ફિલ્મનો હીરો સુશાંતસિંહ રાજપૂત અત્યારથી હોટ પ્રોપર્ટી ગણાવા લાગ્યો છે. ઘણું કરીને ગુજરાતમાં શૂટ થયેલી આ ફિલ્મ જો ચાલી ગઈ તો સુશાંતની ગાડી ટોપ ગિઅરમાં આવી જવાની. ફેબ્રુઆરીમાં
‘મર્ડર-થ્રી’ (રંદીપ હૂડા, અદિતી રાવ) ઉપરાંત ‘ચશ્મે બદ્દૂર’ની રીમેક પણ રિલીઝ થવાની છે. ‘ચશ્મે બદ્દૂર’ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે એટલે ઓરિજિનલ ફિલ્મની માસૂમિયતનો ખુદડો બોલી જવાનો એ તો નક્કી.

માર્ચ

અફલાતૂન ‘પાનસિંહ તોમર’ પછી તિગ્માંશુ ધૂલિયા ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ સાથે રિટર્ન થઈ રહ્યા છે. મહિનાના પહેલા જ દિવસે રિલીઝ થનારી આ ફિલ્મની કાસ્ટમાં થોડોક ફેરફાર છે. જિમી શેરગિલ અને માહી ગિલ યથાવત છે, પણ રંદીપ હૂડાની જગ્યાએ ઈરફાન ખાન આવી ગયા છે અને લટકામાં સોહા અલી પણ છે. ‘હું ગેરંટી આપું છું કે મારી એક પણ ફિલ્મ ક્યારેય ફ્લોપ નહીં જાય’ એવું છાતી ઠોકીને દાવો કરતા સાજિદ ખાનની ‘હિમ્મતવાલા’ તાથૈયા તાથૈયા ઓઓઓ... કરતી માર્ચના છેલ્લા વીકમાં આવશે. આ રીમેક છે. મતલબ કે જિતેન્દ્રનો રોલ અજય દેવગણ કરશે, જ્યારે શ્રીદેવીવાળા રોલમાં તમન્ના નામની સાઉથ-ઈન્ડિયન એક્ટ્રેસને લેવામાં આવી છે. થંડર થાઈઝધારી શ્રીદેવી ‘હિમ્મતવાલા’ પર સવાર થઈને બોલીવૂડમાં વીજળીની જેમ ત્રાટકી હતી. જોઈએ, તમન્ના કેવાક કડાકા-ભડાકા કરી શકે છે.



એપ્રિલ

‘ઝંઝીર’.... ઓર એક રીમેક. પાક્કા અમદાવાદી અપૂર્વ લાખિયાના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં બચ્ચનનો રોલ રામચરણ કરશે. સાઉથનો હીરો ચિરંજીવી યાદ છે? રામચરણ એટલે એમનો સુપુત્ર. ફિલ્મમાં પ્રિયંકા ચોપડા ચપ્પુ-છૂરીયાં તેજ કરશે, જ્યારે પ્રાણના પઠાણી રોલમાં સંજય દત્ત દેખાશે. ‘વિકી ડોનર’થી બોલીવૂડમાં દમદાર એન્ટ્રી મારનાર વીર્યવાન આયુષ્યમાન ખુરાનાની બીજી ફિલ્મ ‘નોટંકી સાલા’ અિેપ્રલમાં આવી રહી છે (મસ્ત ટાઈટલ છે, નહીં?). ફિલ્મ રોહન સિપ્પીએ ડિરેક્ટ કરી છે. એપ્રિલમાં ઈમરાન હાશ્મિની ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે, જેનું ટાઈટલ ભારે ઈન્ટરેસ્ટિંગ છે- ‘એક થી ડાયન’! આ ટાઈટલ રોલમાં કોંકણા સેન-શર્મા, કલ્કિ કોચલીન યા તો ‘ગેંગ્સ ઓફ વાસેપુર’વાળી હુમા કુરેશીમાંથી કોઈ પણ કન્યા હોઈ શકે છે.



મે-જૂન:

આ ગાળામાં મહિનામાં આપણા બબ્બે સુપર ફેવરિટ સિતારાઓની ફિલ્મ રિલીઝ થશે. એક તો, રણબીર કપૂરની ‘યે જવાની હૈ દીવાની’ જેના ડિરેક્ટર છે ‘વેકઅપ સિડ’વાળા અયાન મુખર્જી તેમજ હિરોઈન લંબૂસ દીપિકા પદુકોણ છે. બીજી, વિદ્યા બાલનની ‘ઘનચક્કર’. માનો યા ના માનો, પણ એનો હીરો કિસિંગકુમાર ઈમરાન હાશ્મિ છે! આ કોમેડી ફિલ્મ ‘નોવન કિલ્ડ જેસિકા’વાળા રાજકુમાર ગુપ્તાએ ડિરેક્ટ કરી છે. બળુકી બાલને પોતાનું સ્ટાન્ડર્ડ એટલું ઊંચું કરી નાખ્યું છે કે હાશ્મિ સાથે અનયુઝઅલ જોડી બનાવ્યા બાદ ઓડિયન્સને ધમાકેદાર એન્ટરટેન્મેન્ટ, એન્ટરમેન્ટ ઔર એન્ટરમેન્ટ પીરસ્યા વગર એનો છુટકો નથી.



જુલાઈ

આ મહિનામાં જે ફિલ્મ રજૂ થવાની છે એ સંભવત: 2013ની સર્વોત્તમ ફિલ્મોમાંની એક બની રહેશે. એ છે, ઓમપ્રકાશ મહેરાની ‘ભાગ મિલ્ખા ભાગ’. દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત આ ફિલ્મના ટાઈટલ રોલ માટે ફરહાન અખ્તરે પુષ્કળ મહેનત કરી છે. ફિલ્મના પ્રોમો સુપર્બ છે. આખેઆખી ફિલ્મ એના ટ્રેલર જેટલી જ અસરકારક નીવડે એટલે ભયો ભયો. બીજી ફિલ્મ છે ‘લૂટેરા’ જે સુપર ટેલેન્ટેડ આદિત્ય મોટવાણે (‘ઉડાન’) ડિરેક્ટ કરી છે. રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાની બ્રાન્ડ-ન્યુ જોડી એમાં છે. આશા રાખીએ કે ગોળમટોળ સોનાક્ષી કમસે કમ આ ફિલ્મથી ‘અભિનયનાં અજવાળાં’ પાથરવાનું શરુ કરશે.

ઓગસ્ટ-સપ્ટેમ્બર

અરવિંદ કેજરીવાલ જેવો જબરો માણસ ફિલ્મી લોકોની નજરથી દૂર કેવી રીતે રહી શકે? ઓગસ્ટમાં રિલીઝ  થનાર પ્રકાશ ઝાના પોલિટિકલ ડ્રામા ‘સત્યાગ્ર્ાહ’માં અજય દેવગણનું કિરદાર કેજરીવાલ પરથી પ્રેરિત છે. ફિલ્મના અન્ય અદાકારો છે બિગ બી, અર્જુન રામપાલ, મનોજ બાજપેયી અને કરીના કપૂર-ખાન. કરીનાના હસબન્ડ સૈફ અલી ખાન ‘બુલેટ રાજા’માં દેખાશે. એની સાથે હશે સોનાક્ષી અને ઈરફાન ખાન. તિગ્માંશુ ધૂલિયાએ ડિરેક્ટ કરી છે એટલે ફિલ્મમાં દમ તો હોવાનો જ. સૈફની જેમ બાપડા શાહિદ કપૂરને પણ હિટની તાતી જરુર છે. એ રાજકુમાર સંતોષીની ‘ફટા પોસ્ટર નીકલા હીરો’ નામની કોમેડી ફિલ્મમાં દેખાશે. એની હિરોઈન છે, ‘બરફી’ગર્લ ઈલેના ડી’ક્રુઝ.



ઓક્ટોબર-નવેમ્બર

બાઅદબ બામુલાહિજા હોશિયાર... ‘ક્રિશ-થ્રી’ની સવારી આવી રહી છે! બચ્ચેલોગ ઉપરાંત બડેલોગ પણ જેને જોવા માટે તલપાપડ થઈને બેઠા છે એવી આ સુપરહીરો ફ્લિકનું લેડીઝ ડિપાર્ટમેન્ટ પ્રિયંકા ચોપડા અને કંગના રનૌતે સંભાળ્યું છે. વિવેક ઓબેરોય વિલન બન્યો છે. ફિલ્મ હિટ થશે (થશે જ!) તો સૌથી વધારે ફાયદો વિવેકને થવાનો. બાદશાહ ખાન શાહરુખની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ આ ગાળામાં રિલીઝ થવી જોઈએ. ફિલ્મમાં શાહરુખનું કિરદાર ટ્રેનમાં મુંબઈથી રામેશ્વર જાય છે. હિરોઈન દીપિકા પદુકોણ સંભવત: એની હમસફર છે. ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે એટલે, નેચરલી, યાત્રા દરમિયાન હાસ્યનાં હુલ્લડ સર્જાતાં રહેશે. શાહરુખને આંકડાની દષ્ટિએ હિટ નહીં, પણ જેને સાચા અર્થમાં પોપ્યુલર અને સર્વસ્વીકૃત કહી શકાય એવી સફળ ફિલ્મની જરુર છે. આ કામ કદાચ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ કરી શકશે. રણબીર કપૂરની વર્ષની બીજી ફિલ્મ ‘બેશર્મ’ આ ગાળામાં રિલીઝ થશે. ડિરેક્ટર છે ‘દબંગ (વન)’ ફેમ અભિનવ કશ્યપ.



ડિસેમ્બર

રણવીર સિંહ-અર્જુન કપૂરની ઈન્ટરેસ્ટિંગ જોડી યશરાજ બેનરની ‘ગુંડે’માં દેખાશે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે. પ્રિયંકા બન્નેની કોમન હિરોઈન છે. 2013નું વર્ષ પ્રિયંકાનું બની રહેવાનું કે શું? 2013નો ધમાકેદાર અંત ‘ધૂમ-થ્રી’થી આવશે. વિજય આચાર્યમાં ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વન-એન્ડ-ઓન્લી આમિર ખાન પહેલી વાર વિલનની ભુમિકામાં દેખાશે. હિરોઈન કેટરીના કૈફ છે. ફિલ્મમાં અફકોર્સ અભિષેક બચ્ચન અને ઉદય ચોપડા પણ છે જ. આમિરની સામે આ બેય જણા બાપડા કેવુંક ઉકાળશે એ સવાલ છે.

લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સલ્લુમિયાં (સલમાન)ની ફિલ્મ ‘શેરખાન’ પણ આ વર્ષના કોઈક સપરમા દહાડે રિલીઝ થશે એ સહેજ.

શો-સ્ટોપર 

સિનેમા ઈઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ફ્રોડ ઈન ધ વર્લ્ડ. 

- ગોડાર્ડ (પ્રતિષ્ઠિત ફ્રેન્ચ-સ્વિસ ફિલ્મમેકર) 

ઁ

Tuesday, January 1, 2013

હોલીવૂડ હંડ્રેડ: ‘ડેડ મેન વોકિંગ’ : અય માલિક તેરે બંદે હમ...



મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) - તા. ૨ જાન્યુઆરી ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
.
નિર્દોષ તરુણી પર બળાત્કાર કરનાર અને એના બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતારી દેનાર માણસ કરુણાને પાત્ર હોઈ શકે? હા કે ના? ‘ડેડ મેન વોકિંગ’ નામની અદભુત ફિલ્મમાં આ વિવાદાસ્પદ મુદ્દાને બહુ જ સ્વસ્થતાથી, તટસ્થતાપૂર્વક અને સહેજ પણ ચાલાકી કર્યા વગર એક્સપ્લોર કરવામાં આવ્યો છે.



ફિલ્મ નંબર ૪: ‘ડેડ મેન વોકિંગ’

દિલ્હીમાં હબકી જવાય એટલા ભયાનક ગેંગરેપનો ભોગ બનનાર યુવતી આખરે મૃત્યુ પામી. દેશ ગુસ્સાથી પાગલ થઈ ગયો. ચારે બાજુથી અવાજ ઉઠ્યો: આ નરાધમોને ફાંસીએ ચડાવો, એમનો એટલી જ ક્રૂરતાથી જીવ લો. આ સંદર્ભમાં ‘ડેડ મેન વોકિંગ’ની વાત કરવી છે. એ ફિલ્મના નાયકે પણ આવી જ કંઈક હેવાનિયત કરી છે. આ ફિલ્મ આગલી ત્રણ ફિલ્મોની જેમ બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનાની નથી. ‘હોલીવૂડ હંડ્રેડ’ કોલમમાં સ્થાન પામતી ફિલ્મોનાં ક્રમનું મહત્ત્વ નથી એ વાત યાદ રાખવી.   

ફિલ્મમાં શું છે?

મેથ્યુ પોન્સીલેટ (શૉન પેન) નામના આદમીએ પોતાના સાગરીતના સંગાથમાં ભયાનક અપરાધ કર્યો છે. એકમેકને પ્રેમ કરતાં સાવ નિર્દોષ તરુણ-તરુણીની એમણે હત્યા કરી છે. આ છોકરો-છોકરીએ કોઈનું કશું જ બગાડ્યું નહોતું. છતાંય આ હેવાનોએ એમનો જીવ લઈ લીધો. ગુનો સાબિત થઈ ચૂક્યો છે. મેથ્યુને દેહાતદંડની સજા થઈ છે, જ્યારે સાગરીત કાર્લને આજીવન કેદ મળી છે. મેથ્યુમાં જેલમાં છ વર્ષ  ઓલરેડી થઈ ચૂક્યાં છે. એ સિસ્ટર હેલન (સુઝન સેરેન્ડન)ને વિનંતી કરે છે કે તમે મારા વતી કોર્ટમાં છેલ્લી વાર અપીલ કરી જુઓ..



સિસ્ટર હેલનના મનમાં હતું કે આ માણસ જડભરત હશે, પોતાના અપરાધનો એને સહેજે અફસોસ નહીં હોય. પણ એ મેથ્યુને પહેલી વાર મળે છે ત્યારે અલગ જ ચિત્ર ઉપસે છે. મેથ્યુ વારંવાર એક જ વાત દોહરાવ્યા કરે છે કે પોતે નિર્દોષ છે. ટીનેજરોની હત્યા તો મારા સાથી કાર્લે કરી હતી, મેં નહીં. સિસ્ટર હેલન હવે ઈચ્છે છે કે મેથ્યુની મોતની સજા ઘટીને આજીવન કારાવાસની થાય. સિસ્ટર હેલન જેલમાં મેથ્યુને અવારનવાર મળવા આવે છે. એમની વચ્ચે એક વિશિષ્ટ સંબંધ સ્થપાય છે. કરુણાનો સંબંધ, સમસંવેદનનો સંબંધ. સિસ્ટર મેથ્યુની માને મળે છે, મૃતકોનાં પરિવારોને મળે છે. મરનાર છોકરા-છોકરીનાં મા-બાપ દઢપણે માને છે કે પોતાનાં સંતાનના હત્યારાનો જીવ લેવામાં  આવે તો જ ખરો ન્યાય મળ્યો ગણાશે. એક વાલી કહે છે: ‘સિસ્ટર, તમે આવા હેવાનની તરફેણ કેવી રીતે કરી શકો? એની બાજુમાં ઊભા રહેવામાં પણ પાપ છે.’ સિસ્ટર કહે છે: ‘હું તો ફક્ત જિસસને અનુસરવાની કોશિશ કરું છું. જિસસે કહ્યું છે કે કોઈ પણ માણસ એણે કરેલા સૌથી જઘન્ય અપરાધ જેટલો ખરાબ હોતો નથી...’

અદાલત સિસ્ટર હેલનની અપીલને નકારી દે છે. મેથ્યુ ઈચ્છે છે કે સિસ્ટર એના સ્પિરિચ્યુઅલ એડવાઈઝર બનીને છેલ્લી ઘડી સુધી સાથે રહે. સિસ્ટર એક વાર એને કહે છે: ‘મેથ્યુ, તું ઈશ્વરનું સંતાન છે.’ મેથ્યુ રડી પડે છે: ‘થેન્ક્યુ સિસ્ટર. આખી જિંદગી લોકોએ મને સન-ઓફ-અ-બીચ કહીને ગાળો આપી છે, આજે પહેલાં કોઈએ મને ઈશ્વરનું સંતાન કહ્યો.’ મૃત્યુનો દિવસ નજીક આવતો જાય છે. સિસ્ટર કહે છે: ‘હું ઈચ્છું છું કે જગતમાંથી વિદાય લેતી વખતે તું છેલ્લો જે ચહેરો જુએ એ પ્રેમનો ચહેરો હોય. આ લોકો તને જીવલેણ ઈંજેક્શન આપતા હોય ત્યારે તું મારી સામે જોજે. તારા માટે એ પ્રેમનો ચહેરો હું છું...’



અંતિમ દિવસ આવી જાય છે. મેથ્યુને  કાચની દીવાલવાળી કેબિનમાં લઈ જવાય છે. એ હજુ સુધી પોતાને નિર્દોષ જ ગણાવ્યા કરતા હતો. સિસ્ટર કહે છે કે મેથ્યુ, તું તારા અપરાધની જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ તો જ તને મુક્તિ મળશે. આખરે સાવ છેલ્લી ઘડીએ મેથ્યુ પોતાનો ગુનો કબૂલી લે છે: ‘સિસ્ટર, મેં તરુણી પર બળાત્કાર કર્યો હતો અને એના બોયફ્રેન્ડની હત્યા કરી હતી...’ મેથ્યુ છોકરાનાં મા-બાપની ક્ષમા માગીને કહે છે કે મારા મરવાથી કદાચ તમારો સંતાપ ઓછો થશે. મેથ્યુને આખરે સ્ટ્રેચર પર સૂવડાવી, એના હાથ-પગ બાંધી ઘાતક ઈંજેક્શન આપવામાં આવે છે. પારદર્શક કાચની દીવાલની બીજી બાજુથી સિસ્ટર હેલન અને મૃતકોનાં વાલીઓ આ પ્રક્રિયા જુએ છે. મેથ્યુના મૃતદેહને વિધિસર દફન કરવામાં આવે છે. મૃતકના પિતા પોતાના દીકરાના હત્યારાની અંતિમ વિધિ વખતે હાજર રહે છે. સિસ્ટર હેલનની સાથે એ પણ મેથ્યુના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે...

કથા પહેલાંની અને પછીની ‘’

‘ડેડ મેન વોકિંગ’ આ જ નામનાં એક નોન-ફિક્શન પુસ્તક પરથી બનાવવામાં આવી છે. ગુનેગારને એની કોટડીમાંથી એક્ઝિક્યુશન ચેમ્બર તરફ લઈ જતા જેલના ગાર્ડ માટે ‘ડેડ મેન વોકિંગ’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બહુ જ જોખમી અને કઠિન છે આ ફિલ્મનો વિષય. નિર્દોષ ટીનેજર પર રેપ કરનાર અને ખૂન કરનાર માણસ કરુણાનો પાત્ર કેવી રીતે હોઈ શકે? આવું વિચારવું પણ ગુનો ગણાઈ જાય. પણ ‘ડેડ મેન વોકિંગ’માં આ વિવાદાસ્પદ મુદ્દાને બહુ જ સ્વસ્થતાથી, તટસ્થતાપૂર્વક અને સહેજ પણ ચાલાકી કર્યા વગર એક્સપ્લોર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ક્રાઈમ છે, માનવીય સંવદેનાઓ છે, આધ્યાત્મિક એંગલ છે અને આ બધું સહેજ પણ બોર ન થવાય એ રીતે જબરી વેધકતાથી રજૂ થતું રહે છે.



રિલીઝ થતાં જ ફિલ્મ ખૂબ વખણાઈ. એને ઓસ્કર સહિત ઘણા અવોર્ડઝ મળ્યા. સુઝન સેરેન્ડન અગાઉ ચાર વખતે બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર માટે નોમિનેટ થઈ ચુકી હતી. આખરે ‘ડેડ મેન વોકિંગ’ માટે એ અવોર્ડ જીતી ગઈ. બ્રુસ સ્પ્રિંગ્સ્ટને ગાયેલાં ટાઈટલ સોંગની ઘણી પ્રશંશા થઈ. આ ફિલ્મમાં નૂસરત ફતેહ અલી ખાને પણ બે ગીત પર્ફોર્મ કર્યાં છે - ‘ફેસ ઓફ ગોડ’ અને ‘ધ લોંગ રોડ’. ફિલ્મ જોતી વખતે બેકગ્રાઉન્ડમાં આ ગીત તેમજ ભારતીય શાસ્ત્રીય વાદ્યોનો ઉપયોગ ખાસ નોંધજો. 



ડિરેક્ટર ટિમ રોબિન્સ માટે આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા એક પારિવારિક ઘટના બની રહી. સુઝન સેરેન્ડન એ વર્ષોમાં એની કંપેનિયન હતી. ટિમના પિતાજી ફિલ્મમાં પાદરી બન્યા છે, માતા સરકારી અધિકારી તેમજ બહેન નર્સ બની છે. ટિમે પોતાના બન્ને દીકરાઓને પણ નાના નાના રોલ આપ્યા છે. ૨૦૦૨માં એમણે ફિલ્મ પરથી નાટક પણ લખ્યું.

કેટલીક ફિલ્મો અને એનાં પાત્રો ફિલ્મ પૂરી થયાં પછી પણ આપણાં ચિત્તમાંથી ખસતાં નથી. ‘ડેડ મેન વોકિંગ’ એ કક્ષાની અદભુત ફિલ્મ છે.                                                                       0 0 0 

‘ડેડ મેન વોકિંગ’ ફેક્ટ ફાઈલ



ડિરેક્ટર-પ્રોડ્યુસર : ટિમ રોબિન્સ  
કલાકાર          :  શૉન પેન, સુઝન સેરેન્ડન  
મૂળ પુસ્તક       : સિસ્ટર હેલન પ્રેજાઁ  
સ્ક્રીનપ્લે          : ટિમ રોબિન્સ
દેશ               : અમેરિકા
રિલીઝ ડેટ        : ૨૯ ડિસેમ્બર ૧૯૯૫
અવોર્ડઝ        : ચાર ઓસ્કર નોમિનેશન- એક જીત (બેસ્ટ એક્ટ્રેસ), ત્રણ ગોલ્ડન   
                            ગ્લોબ નોમિનેશન - એક જીત  (બેસ્ટ સ્ક્રીનપ્લે)