Saturday, September 15, 2012

ફ્રોમ વૂડી વિથ લવ


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 16 સપ્ટેમ્બર 2012 

મલ્ટિપ્લેક્સ
 
વૂડી એલન 76 વર્ષની વયે પણ ફાંકડી ફિલ્મો બનાવી જાણે છે. એમનો થનગનાટ હજુ બીજા પંદર વર્ષ સુધી ઢીલો પડે એવો નથી. સ્ત્રી-પુરુષના સંબંધોને રમતિયાળ ઢબે પડદા પર પેશ કરતા આ ફિલ્મમેકરનું ખુદનું અંગત જીવન  ખાસ્સું ઘટનાપ્રચૂર રહ્યું છે



યુ યુઝ સેક્સ ટુ એક્સપ્રેસ એવરી ઈમોશન્સ એક્સેપ્ટ લવ! 

સ્માર્ટ વનલાઈન જેવો આ ચટાકેદાર સંવાદ ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્ઝ’ ફિલ્મનો છે. એક સ્ત્રી એના પતિને કહી રહી છે કે તું તારી તમામ લાગણીઓ વ્યક્ત કરવા સેક્સનો સહારો લે છે, એક માત્ર પ્રેમને બાદ કરતાં! આ ફિલ્મના યહૂદી રાઈટર-ડિરેક્ટર છે, એલન સ્ટુઅર્ટ કોનિગ્સબર્ગ. અજાણ્યું લાગે છે આ નામ? વેલ, હોલીવૂડના દંતકથા‚પ ફિલ્મમેકર વૂડી એલનનું તે ઓરિજિનલ નામ છે.  ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્સ’ 1992માં રિલીઝ થઈ હતી. તે વર્ષ વૂડી એલનનું અંગત જીવનમાં વિસ્ફોટક પૂરવાર થયું હતું, પણ એની વાત થોડી વાર પછી. આજે આપણે વૂડી એલનની વાત એટલા માટે માંડી છે કે એમની લેટેસ્ટ ફિલ્મ ‘ટુ રોમ વિથ લવ’ ગયાં અઠવાડિયે ભારતમાં ચુપચાપ રિલીઝ થઈ ગઈ. 76 વર્ષના વૂડી એલનની આ ચોપનમી ફિલ્મ છે. એ 47 વર્ષોથી લાગલગાટ ફિલ્મો બનાવી રહ્યા છે. આટલા સમય અંતરાલમાં તેઓ કુલ 23 વખત ઓસ્કર માટે નોમિનેટ થયાં અને એમાંથી ચાર ઓસ્કર જીતી પણ ગયાં - ત્રણ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે અને એક બેસ્ટ ડિરેક્શન માટે. એ વાત જુદી છે કે આ મૂડી માણસ ઓસ્કર સમારંભમાં દર વખતે ધરાર ગેરહાજર રહે છે, એટલું જ નહીં, ટીવી પર જોવાનું પણ ટાળે છે!

ચપટું નાક, જાડાં ચશ્માં, મામૂલી ચહેરો, પાતળિયું, અતિ સ્ફૂર્તિલું શરીર અને મશીનગનથી જેમ ધડધડાટ શબ્દો ફેંકતી વાણી - વૂડી એલનની બાહ્ય પર્સનાલિટીમાં દાયકાઓથી કશો ફર્ક પડ્યો નથી. મૂળ તો એ લેખક. રમૂજ એમનું મુખ્ય શસ્ત્ર. 19 વર્ષની ઉંમરથી એમણે જુદા જુદા ટીવી શોઝ માટે લખવાનું શ‚ કરી દીધું હતું. તે પછી તેઓ સ્ટેન્ડ-અપ કોમેડિયન બની ગયા. સ્ટેન્ડ-અપ કોમેડીને એક કરીઅર તરીકે પ્રસ્થાપિત અને પોપ્યુલર કરવામાં વૂડી એલનનું મહત્ત્વનું યોગદાન છે. તેઓ ટૂંકી વાર્તાઓ લખતા, જે ‘ન્યુયોર્કર’ જેવા મેગેઝિનોમાં પ્રકાશિત થતી. એ પછી એમણે બ્રોડવે માટે નાટકો લખવાનું અને પ્રોડ્યુસ કરવાનું શ‚ કર્યું. ‘પ્લે ઈટ અગેન, સેમ’ નાટકનાં સાડાસારસો કરતાંય વધારે શોઝ થયા, જેમાં એમણે એક્ટિંગ પણ કરી હતી. હવે પછીનું નેક્સ્ટ લોજિકલ સ્ટેપ હતું, હોલીવૂડ. વૂડી એલન જોકે ફિલ્મી દુનિયામાં પગ મૂકે એ પહેલાં જ ‘લાઈફ’ મેગેઝિનનાં કવર પર ચમકી ગયા હતા.

Diane Keaton with Woody Allen in his most popular film, Annie Hall.
Click below for its trailer 
                                      http://www.youtube.com/watch?v=M85gaKOtKVo

હોલીવૂડમાં તેમણે શ‚આત તો લેખક તરીકે જ કરી. પહેલી જ ફિલ્મમાં જ હીરોલોગ વચ્ચે થયેલી હૂંસાતૂંસીને કારણે જે રીતે સંવાદોમાં કત્લેઆમ થઈ અને અમુક લખાપટ્ટી સેટ પર ચાલુ શૂટિંગ દરમિયાન કરવી પડી, એ જોઈને વૂડી એલનને બ્રહ્મસત્ય સમજાઈ ગયું: હું જો કેવળ લેખક રહીશ તો મારાં લખાણ પર મારો કોઈ ક્રિયેટિવ કંટ્રોલ રહેશે નહીં. તેથી એમણે બહુ જ ત્વરાથી પહેલાં ડિરેક્ટર તરીકે અને પછી પ્રોડ્યુસર તરીકે ગતિ શ‚ કરી દીધી. વૂડી એલનને આખી ફિલ્મની લગામ પોતાના હાથમાં જોઈએ - સ્ક્રિપ્ટ, કાસ્ટિંગથી લઈને છેક એડિટિંગ સુધી. ઈવન, સ્ટાર્સ લોકોને પણ માત્ર એમનાં દશ્યોવાળાં જ પાનાં આપવામાં આવે. વૂડીની ફિલ્મો એક તો ફટાફટ બની જાય. મોટા મોટા સિતારાઓ પોતાની નોર્મલ ફી કરતાં ખૂબ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ જાય. હોલીવૂડના ટોપ સ્ટુડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મોની તુલનામાં વૂડી એલનની ફિલ્મો ખૂબ નાની ગણાય. વળી, એનું બજેટ જ એટલું ઓછું હોય કે કોઈએ પૈસા ગુમાવવાનો વારો ન આવે.

‘એની હૉલ’ અને ‘મેનહટ્ટન’ વૂડી એલનની સંભવત: સૌથી વિખ્યાત ફિલ્મો છે. અમેરિકન સિનેમામાં એમણે ત્વરાથી પોતાનું એક ઊંચું સ્થાન બનાવી કાઢ્યું. એ ‘સિનેમાજગતની કિમતી જણસ’ કહેવાયા. સ્ત્રી-પુરુષના સંબંધો અને રમૂજ - વૂડીની ફિલ્મોમાં આ બે તત્ત્વો સામાન્યપણે સૌથી વધારે જોવા મળે. સ્ત્રી-પુરુષના સંબંધોના મામલામાં વૂડી સ્વયં ખાસ્સા અનુભવ-સમૃદ્ધ છે. પહેલી વાર લગ્ન કયાર્ર્ં ત્યારે એ ફક્ત 19 વર્ષના હતા અને કન્યા હતી સોળની. તેમણે કુલ ત્રણ લગ્નો કર્યાં. છૂટક અફેર્સ અને લિવ-ઈન રિલેશનશીપ્સ લટકામાં. મિઆ ફેરો નામની એક્ટ્રેસ સાથે પ્રેમસંબંધ દસ વર્ષ ચાલ્યો. જોકે બન્નેએ ન લગ્ન કર્યાં, ન એક છત નીચે રહ્યાં. મિઆ એક દત્તક દીકરીને ‘આંગળીએ’ લેતી આવી હતી. નામ એનું સૂન-યી પ્રેવિન. મિઆ અને એના આગલા પાર્ટનરે સૂન-યીને અડોપ્ટ કરી હતી. આમ, સંબંધની દષ્ટિએ વૂડી એલન આ છોકરીના પિતાતુલ્ય વ્યક્તિ ગણાય. વૂડી અને મિઆએ બીજાં બે બાળકોને દત્તક લીધાં. એક સગાં સંતાનનાં મા-બાપ પણ બન્યાં. ધરતીકંપ ત્યારે સર્જાયો જ્યારે વૂડી પાસેથી 20 વર્ષીય સૂન-યીની, એટલે કે પ્રેમિકાની દત્તક દીકરીની, નગ્ન તસવીરો મળી આવી. સંબંધમાં ભંગાણ પડ્યું, બન્ને નોખાં પડી ગયાં અને વૂડીએ પોતાનાં કરતાં 34 વર્ષ નાની સૂન-યી સાથે કાયદેસર લગ્ન કરી લીધાં! હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. મિડીયાને જલસો પડી ગયો. વૂડી પર ફિટકાર વરસ્યો. દીકરી સમાન યુવતી સાથે લગ્ન થાય જ કેમ? વૂડીની ઈમેજ ખરડાઈ ગઈ. જોકે વૂડી બહાદૂરીપૂર્વક પોતાના નિર્ણયને વળગી રહ્યા. તેઓ હંમેશા કહેતા રહ્યા, ‘જુઓ, સૂન-યી મારી ભૂતપૂર્વ પ્રેમિકાની દત્તક દીકરી હતી, મારી નહીં. મેં સૂન-યીને ક્યારેય કાયદેસર રીતે ક્યારેય અડોપ્ટ નહોતી કરી. હું એના પ્રેમમાં પડ્યો ને પરણી ગયો. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યું?’

Woody Allen with his wife Soon-Yi and kids


વૂડી અને સૂન-યી હજુય એકમેકની સાથે ટકી રહ્યાં છે. પર્સનલ લાઈફમાં ઊથલપાથલ થતી રહી, પણ વૂડીનું કામ ક્યારેય ન અટક્યું. વૂડી હાડોહાડ ન્યુયોર્કવાસી છે. એમની ફિલ્મોમાં ન્યુયોર્ક શહેર એક મહત્ત્વના કિરદાર તરીકે સતત ઊભરતું રહ્યું છે.  2005માં એમણે ‘મેચપોઈન્ટ’ નામની ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર અમેરિકાની બહારનું કોઈ શહેર - લંડન - લોકાલ બન્યું. આ ફિલ્મ હિટ થઈ અને યુરોપિયન દેશોમાં ફિલ્મો બનાવવાનો  દૌર શ‚ થયો - ‘સ્કૂપ’ અને ‘કેસેન્ડ્રાઝ ડ્રીમ’ (બન્ને લંડન), ‘વિકી ક્રિસ્ટીના બાર્સેલોના’, ‘મિડનાઈટ ઈન પેરિસ’, રોમવાળી લેટેસ્ટ ફિલ્મ વગેરે. શહેરોને એક્સપ્લોર કરવાની એક સુંદર દષ્ટિ વૂડી પાસે છે. એમને વિદેશોમાંથી સતત આમંત્રણો મળતાં રહે છે: મિસ્ટર એલન, તમે અમારે ત્યાં આવો, ફિલ્મ બનાવો, ફાયનાન્સની વ્યવસ્થા થઈ જશે! તેઓ કહે છે કે જો મને ઈન્ડિયાથી આમંત્રણ આવે અને કંઈક ફની પ્લોટ મળી જાય તો હું તો ઈન્ડિયામાં પણ ફિલ્મ બનાવવા તૈયાર છું. વૂડીએ આજ સુધી એક પણ ભારતીય ફિલ્મ જોઈ નથી એ અલગ વાત થઈ. જાતે જ થોપી દીધેલા પ્રલંબ સિનેમેટિક ‘દેશનિકાલ’ પછી એમની હવે પછીની ફિલ્મ નખશિખ અમેરિકન છે. ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં સાત જ અઠવાડિયામાં આખેઆખી ફિલ્મનું શૂટિંગ થઈ જશે.

‘રિટાયરમેન્ટ જેવો શબ્દ જ મારી ડિક્શનરીમાં છે જ નહીં,’ હોલીવૂડના આ દેવ આનંદ કહે છે, ‘પેરેલિસિસ કે હૃદયરોગનો હુમલો આવે ને મારે ઘરે બેસી જવું પડે યા તો પછી મને ફાયનાન્સ મળવાનું બંધ થાય તો અલગ વાત છે. ધારો કે એવું થાય તો ય હું  નવરો તો નહીં જ બેસું. ઘરે બેઠા બેઠા નાટકો ને પુસ્તકો લખીશ. સિમ્પલ!’

શો-સ્ટોપર

ફિલ્મમેકિંગનો સંબંધ પરફેક્શન સાથે નહીં, કોમ્પ્રોમાઈઝ સાથે છે. ક્યાં કેટલું સમાધાન કરી શકાય એમ છે તેની તમને ખબર હોવી જોઈએ. તમે પરફેક્ટ કોમ્પ્રોમાઈઝ કરતા શીખી જાઓ એટલે જંગ જીતી ગયા.  

- આમિર ખાન 

પહેલો હક ભાવનગરનો!


 ચિત્રલેખા - અંક તા.  3 સપ્ટેમ્બર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 

Maharaja Krishnakumar Sinhji of Bhavnagar

                                                                                 
રાત્રિના ૧૧ વાગ્યા છે. દિલ્હીમાં બિરલા હાઉસ સ્થિત નિવાસસ્થાનમાં ગાંધીજી પરવારીને પોતાનાં અંતેવાસી મનુબહેન ગાંધીને ફરી એક વાર તાકીદ કરે છે: ‘દરવાજે સમય કરતાં પાંચેક મિનિટ વહેલી ઊભી રહેજે. મુલાકાતીને બરાબર સારી રીતે આવકાર આપજે.’

મનુબેનને નવાઈનો પાર નથી. એવું તો કોણ મળવા આવવાનું છે? ગાંધીજીને મળવા તો વાઈસરોય સહિતના અનેક મુલાકાતીઓ આવે છે, પણ તેમના માટે પણ ગાંધીજી આવી પૂર્વતૈયારી કરતા નથી! આ આગંતુક છે, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. વર્ષો પહેલાં ગાંધીજી ભાવનગરના મહેલમાં આવ્યા હતા ત્યારે કૃષ્ણકુમારસિંહજી તેર વર્ષના તરૂણ હતા. આજે એ ૩૬ વર્ષના યુવાન બની ગયા છે.  આટલાં સમયમાં ગંગામાં ઘણાં નીર વહી ગયાં છે. દેશ આઝાદ થઈ ચૂક્યો એ વાતને ય ચાર મહિના થઈ ગયા છે.

શું હતું મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આગમનનું પ્રયોજન? અખંડ ભારતમાં ભળવા માટે દેશભરના રજવાડાઓ જ્યારે આનાકાની કરી રહ્યા હતા ત્યારે નોખી માટીના આ રાજવી સામે ચાલીને પોતાની રાજ્યસત્તા અને જાહોજલાલી નિષ્કપટ ભાવથી ગાંધીજીને ચરણે ધરી દેવા આવ્યા હતા. એમણે ગાંધીજીને વિનમ્રભાવે કહ્યું હું રોકડ, મિલકતો વગેરે જવાબદાર રાજતંત્રને સોંપી દઈશ. તમારી સંમતિ હશે એટલી જ ખાનગી મિલકત રાખીશ અને સાલિયાણું પણ તમે નક્કી કરી આપો એટલું જ લઈશ. સૂર્યવંશી ગોહિલકુળના ૭૦૦ વર્ષના શાસનના સંધિકાળે ઈતિહાસે કપરી પરિસ્થિતિ સર્જી નાખી હતી, પણ મહારાજાએ આત્મગૌરવપૂર્વક મૂઠીઉંચેરો નિર્ણય લઈ ગાંધીજી સહિત સૌને આશ્ચર્યચકિત કરી દીધા. તેમનાં આ પગલાએ દેશની અખંડતા અને એકતાને સાકાર કરવાની પ્રક્રિયાને પ્રચંડ વેગ આપી દીધો.

Ghogha Circle (Photo courtesy: Amul Parmar) 

આજનાં પુસ્તકમાં ભાવનગરના આ પ્રજાવત્સલ અને દૂરંદેશી મહારાજા કૃષ્ણકુમારસિંહજીની રસપ્રદ જીવનકથા આલેખાઈ છે. મહત્ત્વની વાત એ છે કે આ કંઈ રાજવી પર ઠાલા ગુણગાનનો વરસાદ વરસાવી દેતું ફરમાસુ પુસ્તક નથી. આ સાહિત્યિક ગુણવત્તા ધરાવતું બહુ-પરિમાણી સર્જન છે. અહીં મહારાજાના સમયનો સંપૂર્ણ રાજકીય અને સામાજિક પરિવેશ રસપ્રદ રીતે વાચક સામે ક્રમશ: ઊઘડતો જાય છે.

Maharaja Bhavsinhji
કૃષ્ણકુમારસિંહજીના પિતા એટલે મહારાજા ભાવસિંહજી (બીજા). સર પ્રભાશંકર પટ્ટણી એમના મિત્ર અને વિચક્ષણ દીવાન. ભાવસિંહજીનાં લગ્ન ૧૯૦૫માં નંદકુંવરબા સાથે થયાં પછી લાંબા સમય સુધી સંતાન ન થયું. તેથી પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવાનું વ્રત લીધેલું. આખરે ૧૯૧૨માં યુવરાજ કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ત્યારે મહારાજા સ્વયં પ્રભાશંકરને વધામણી આપવા વહેલી પરોઢે એમના ઘર ગયા હતા.  કમનસીબે કૃષ્ણકુમારસિંહજીના નસીબમાં માતા-પિતાનું સુખ ઝાઝું લખાયું નહોતું. એ હજુ માંડ સાત વર્ષના થયા ને મસ્તક પરથી મા-બાપ બન્નેની છત્રછાયા જતી રહી. એ પછી કૃષ્ણકુમારસિંહજી તેમજ એમનાથી ય નાનાં એક ભાઈ અને એક બહેન માટે પ્રભાશંકર પટ્ટણી વડીલ સ્વજન બની રહ્યા.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના બહુઆયામી વ્યક્તિત્વને ઉજાગર કરતાં કેટલાય પ્રસંગો પુસ્તકમાં વર્ણવાયા છે. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ એમને મદ્રાસ પ્રાંતના પહેલા ભારતીય રાજ્યપાલ તરીકે  નિયુક્ત કર્યા હતા. ભાવનગરની જનતાને લાગણીશીલ બનાવી દેવા માટે આ સમાચાર  પૂરતા હતા. મહારાજાએ મદ્રાસ જતાં પહેલાંના અંતિમ પ્રવચનમાં હૃદયભીના શબ્દોમાં કહ્યું હતું કે હું ગમે ત્યાં હોઉં, પણ ભાવનગરને ભૂલીશ નહીં. આ જન્મ ભાવનગરની પ્રજા વાસ્તે ભગવાને મને દીધો છે એટલે મારા પર પહેલો હક આપનો છે. જ્યારે આપને મારી જરૂર હશે ત્યારે આ ચાકર તમારી સેવામાં હાજર થઈ જશે.  

Takhteshwar ni Tekri



દક્ષિણ ભારતીયોને આમેય ઉત્તર ભારતના લોકો માટે થોડો અણગમો. એમાંય આ નવા ગર્વનર તો પાછા રાજવી કુળના વંશજ. ન એમને મદ્રાસીઓને ભાષા આવડે કે ન એમની રહેણીકરણીથી પરિચિત. છતાંય કૃષ્ણકુમારસિંહજી પોતાના વર્તાવ અને વ્યક્તિત્વથી ધીમે ધીમે એમના દિલમાં સ્થાન બનાવી શક્યા.

Gangajalia Talav


કૃષ્ણકુમારસિંહજીના ગર્વનરકાળ દરમિયાન એક અકલ્પ્ય ઘટના બની. બૂરી સંગતમાં પડી ગયેલા એમના નાના ભાઈ નિર્મળકુમારસિંહજી રાજકોટ જિલ્લાના રીબ નામના ગામમાં ધાડ કેસમાં સપડાયા. એમની ધરપકડ થઈ. કૃષ્ણકુમારસિંહજી ધારત તો પોતાની વગનો ઉપયોગ કરીને ભાઈને છોડાવી શકત, પણ કાયદાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો એમના સિધ્ધાંતનિષ્ઠ સ્વભાવની વિરુદ્ધ હતું. ભાઈને પૂરા છ વર્ષનો જેલવાસ થયો. મહારાજા ખૂબ દુખી થયા. એમનો સ્વભાવ ક્રોધી અને ચિડીયો થઈ ગયો. ગર્વનર તરીકેના કાર્યકાળના હજુ તો માંડ સાડાત્રણ વર્ષ થયા હતા છતાં એમણે દોઢ વર્ષ વહેલું રાજીનામું આપી દીધું. એ એટલા બધા ઘવાયા હતા કે નાના ભાઈની સજા પૂરી થઈ ગયો પછી પણ બે વર્ષ સુધી એમને મળ્યા નહીં. ખેર, અન્યોની સમજાવટથી આખરે એ ભાઈને ફ્કત એક જ વખત મુલાકાત આપી. એ પછી મહારાજા ૫૩ વર્ષની વયે દેવ થઈ છેક ત્યારે નિર્મળકુમારસિંહજી પહેલી વાર નીલમબાગ પેલેસમાં પધાર્યા હતા.

Neelam Baug Palace


પુસ્તક તૈયાર કરવા પાછળ લેખક ગંભીરસિંહ ગોહિલે લીધેલી જહેમત સ્પષ્ટપણે દેખાય છે. પાને પાને તસવીરો, ચિક્કાર ફૂટનોટ્સ, ટાઈમલાઈમ અને પરિશિષ્ટ રૂપે અપાયેલી કેટલીય સામગ્રીને કારણે પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. રસાળ અને પ્રવાહી શૈલીને કારણે પુસ્તક સહેજે શુષ્ક બનતું નથી. લેખકે લખ્યું છે:

‘જીવનકથાના લેખકે હકીકતોની છાનબીન કરવાની હોય છે, પણ તેથીય વિશેષ હકીકતોના આંતરસત્ત્વને તેણે સમજવું પડે છે. તેવી સમજ મેળવવા જતાં જીવનકથાના ચરિત્રનાયકના ચિત્તતંત્રને પણ તાગવું પડે છે. આવા પ્રયાસો મેં ક્યાંક ક્યાંક કર્યા છે. તે દષ્ટિએ મહારાજાના વાર્તાલાપો કે મનોમંથનો મેં મૂક્યાં છે. તેમાંના કેટલાક ખરેખરા સંદર્ભો પર આધારિત છે. જ્યાં વાસ્તવિક આધાર નથી ત્યાં પણ સંભવિતતાને ધ્યાનમાં લીધી છે.’

લેખકના પ્રયાસો સફળતાને પામ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની આ જીવનકથા એક સંદર્ભગ્રંથ તરીકે પણ ઉપયોગી પૂરવાર થાય એમ છે.                                                                                               000


પ્રજાવત્સલ રાજવી

લેખક: ગંભીરસિંહ ગોહિલ 

પ્રકાશક: રાજવી પ્રકાશન, કાળવીબીડ, ભાવનગર-૨ 

ફોન: (૦૨૭૮) ૨૫૬ ૯૮૯૮ 
કિંમત:  ‚. ૬૦૦ /, પૃષ્ઠ: ૬૩૨

Tuesday, September 11, 2012

આપણને પ્રસન્ન થતાં રોકે છે કોણ?


 ચિત્રલેખા - અંક તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ 

કોલમ: વાંચવા જેવું 
                                                   

‘માણસ ત્રણ ‘વિ’માં જીવે છે. ઘણા માણસો વિદ્રોહમાં જીવે છે, ઘણા માણસો વિનોદમાં જીવે છે અને ઘણા માણસો વિસ્મયમાં જીવે છે.’

ક્યારેક વાક્યની રચના કે વાતને રજૂ કરવાની શૈલી એને કહેનારની ઓળખ બની જતી હોય છે. ઊપરનાં વિધાન વાંચતાની સાથે મનમાં મોરારીબાપુનું ચિત્ર ન ઊપસે તો જ આશ્ચર્ય! આજે જે બે પુસ્તકોની વાત કરવી છે એમાં પહેલાં પાનાંથી છેલ્લાં પૃષ્ઠ સુધી મોરારીબાપુ હાજરાહજૂર એટલા માટે છે કે આ પુસ્તકોનો મુખ્ય આધાર એમની રામકથાઓ છે.

‘આનંદ રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાં મોરારીબાપુ કહે છે કે નંદવાય નહીં તે પ્રસન્નતાનું નામ આનંદ! પ્રસન્નતા ક્યારેય જન્મ લેતી નથી. તે તો સદા હાજર જ છે. પ્રસન્નતાનું તો પ્રગટીકરણ થાય છે. આનંદ તો આપોઆપ ફૂટે છે. પ્રસન્ન એ છે જે સમતામાં જીવે છે. પ્રસન્ન એ છે જે બીજાના અવગુણો નહીં, ગુણો જોયા કરે. એમાં ખોટું શું એ ન જુએ, ખરું કેટલું એ જોયા કરે. મરવાની પણ ફૂરસદ ન હોય એ પ્રસન્ન છે. પોતે અપ્રસન્ન રહેવું અને બીજાને અપ્રસન્ન કરવાં એ બન્ને મોટામાં મોટાં પાપ છે.

પ્રસન્નતાનાં સાત લક્ષણો છે: ગુણગ્રહીતા, આનંદસભરતા, રસસભરતા, હૃદયસભરતા, સમતાસભરતા, કર્મસભરતા અને પ્રેમસભરતા. મોરારીબાપુ હરખ અને પ્રસન્નતા વચ્ચે સુંદર વિભાજનરેખા દોરી આપે છે. એ કહે છે કે, ‘હરખાવું એ પ્રસન્નતા નથી. પ્રસન્ન થવું અને હરખાવું એમાં બહુ અંતર છે. હરખાવું એ મનનું લક્ષણ છે - મનનું ક્ષેત્ર છે, જ્યારે પ્રસન્નતા એ ચિત્તનું લક્ષણ છે. આપણને લાભ થાય અને આપણે જે ખુશી અનુભવીએ એ હરખ કહેવાય. બીજાને લાભ થાય અને આપણને જે ખુશી થાય એને પ્રસન્નતા કહેવાય.’

મોરારીબાપુની ધારદાર રમૂજવૃત્તિ વિખ્યાત છે. એ હળવા સૂરે ઉમેરી દે છે કે, ‘તમને ખાનગીમાં કહી દઉં કે માણસ હસે તોય રૂડો ન લાગેને તો એનો ભરોસો ન કરવો!’



‘સુખ-દુખ આનંદના સહોદર’ વિભાગમાં પ્રારંભમાં જ કહેવાયું છે કે અસ્તિત્ત્વે દુખની વ્યવસ્થા કરી જ નથી. દુખની વ્યવસ્થા માણસના મલિન મને કરી છે. પ્રસન્નતા, સુખ અને આનંદ માટેની પૂર્વશરત છે, શાંતિ. શાંતિ વગર પ્રસન્નતા અને સુખ મળશે નહીં અને મળશે તો ટકશે નહીં. માણસની દુખી થવાની પૂર્વતૈયારી જ એને દુખી કરે છે. જેને દુખી નથી થવું એને ઈશ્વર પણ દુખી કરી શકતો નથી! આટલું કહીને મોરારીબાપુ ઉમેરે છે:

‘સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુખ ઉત્પન્ન કરે છે. આપણા જીવનના મોટા ભાગનાં દુખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુખો ટકાઉ નથી. ભુલ સુધરી, દુખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું સત્ય બોલો તો દુખ ગયું. દુખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુખ ગયું એ સૂત્ર પાકું છે. કોઈ કોઈને સુખ નથી આપતું. કોઈ કોઈને દુખ નથી આપતું. સુખ અને દુખના દાતા કોઈ નથી. સુખ અને દુખ વ્યવહારનું સત્ય છે. પ્રત્યેક વ્યક્તિના સુખનું મૂળ એ છે કે જીવનમાં પ્રામાણિકતા હોય. જીવનમાં સત્ય છે એ જ સુખ છે, બાકી સુવિધા છે.’

મોરારીબાપુની શબ્દોની પસંદગી અને ભાષા પરનું પ્રભુત્વ શ્રોતાને (અને વાચકને) હંમેશાં પ્રસન્ન કરી મૂકે છે. ગુજરાતી ભાષા જાણે સંપૂર્ણ અભિજાત્ય અને ગરિમા સાથે મન મૂકીને મનોહર નર્તન કરી રહી હોય એવું વાતાવરણ મોરારીબાપુ અત્યંત સહજ રીતે સર્જી જાણે છે. આ પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે હળવા ચિંતનાત્મક વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

બીજું પુસ્તક ‘જીવન રાહ બતાવે રામાયણ’ બાર પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જીવન કોને કહેવાય? જીવન એને કહેવાય, જ્યાં કોઈપણ પ્રકારનો અભાવ ન હોય. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. બીજી વ્યાખ્યા છે, જ્યાં પરાધીનતા ન હોય, એનું નામ જીવન. પરાધીનતા જીવનનો પરિચય નથી. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એ સ્થિતિ પણ જીવનની સમાનાર્થી છે. જ્યાં રસિકતા હિલોળે ચડતી હોય અને જ્યાં શાંતિની, ભક્તિની, શક્તિની શોધ ચાલતી હોય એ જીવન!



આ પુસ્તકોમાંથી પસાર થતી વખતે, અચાનક જ, બજારમાં ઉપલબ્ધ પ્રેરણાનાં કેટલાય પુસ્તકો પોલાં લાગવા માંડે છે. એનું કારણ એ છે કે આ પુસ્તકોનો પાયો રામાયણ તેમજ અન્ય ધર્મગ્રંથો છે અને આ શબ્દો કહેનારી વ્યક્તિ એનાં સત્ત્વ-તત્ત્વને પચાવી ચૂકી છે, એનાથી સંપૂર્ણપણે રસાયેલી છેે. મોરારીબાપુ સ્વયં કહે છે કે  મેં પુસ્તકો બહુ વાંચ્યાં નથી, પણ દુનિયાભરમાં ફરીને માણસોનાં મસ્તક ખૂબ વાંચ્યાં છે! વ્યાવહારિકતાના આધારે પર ઊભેલી એમની વાતો સાથે સતત રિલેટ કરી શકાય છે. આ રૂપકડાં પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે જીવનકેન્દ્રી અને સત્ત્વશીલ વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.

 સૂઝપૂર્વક તૈયાર થયેલાં આ પુસ્તકો વાસ્તવમાં અંગ્રેજી સહિત ચાર ભાષામાં પ્રગટ થનારી પાંચ પુસ્તકોની શ્રેણીની પ્રથમ બે કડી છે. સંપાદક-પ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે: ‘બાપુની ૩૦૯ જેટલી કથાઓ, એમણે જુદા જુદા પ્રસંગોએ આપેલાં પ્રવચનો, મુલાકાતો, અખબારી અહેવાલો, અમુક વેબસાઈટ્સ પર મૂકાયેલું ક્ધટેન્ટ, કોલમ, બાપુએ લખેલાં જૂનાં પત્રો વગેરેમાંથી આ પુસ્તકોની સામગ્રીનું ચયન કરવામાં આવ્યું છે. આ શ્રેણી પોણા-બે વર્ષની મહેનતનું પરિણામ છે.’

વેલ, મહેનત લેખે લાગી છે.  વારંવાર વાંચવાં ગમે એવાં સુંદર પુસ્તકો!  0 0 0


 આનંદ રાહ બતાવે રામાયણ / જીવન રાહ બતાવે રામાયણ 

વકતા-લેખક : મોરારિબાપુ
સંપાદક : યોગેશ ચોલેરા
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
વિક્રેતા:  બુકમાર્ક, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
પ્રત્યેક પુસ્તકની કિંમત:   ૧૬૦ /
પૃષ્ઠ: અનુક્રમે ૨૧૦ અને ૧૯૪




Monday, September 10, 2012

બ્લડ કેન્સરથી બરફી સુધી


 દિવ્ય ભાસ્કર-  રવિવાર પૂર્તિ - 9 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

ફિલ્મમેકર અનુરાગ બાસુને બ્લડ કેન્સર ડિટેક્ટ થાય છે. ડોક્ટરોના હિસાબે એમનું આયુષ્ય માત્ર ત્રણેક મહિના જેટલું છે. અનુરાગ હિંમત હાર્યા વિના આ ઘાતક બીમારીનો આત્મવિશ્વાસપૂર્વક મુકાબલો કરે છે. આજે આઠ વર્ષ પછી એ હણહણતા અશ્વ જેવા છે. 



વતા શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ ‘બરફી’નાં બન્ને પાત્રો દુન્યવી દષ્ટિએ નોમર્લ નથી. એક શારીરિક રીતે વિકલાંગ છે, બીજું માનસિક રીતે. નાયક રણબીર કપૂર મૂક-બધિર છે, જ્યારે નાયિકા પ્રિયંકા ચોપડા ઑટિસ્ટિક છે. છતાંય બન્ને જલસાથી જીવે છે. તેઓ જબરાં શરારતી છે, મોજ-મસ્તીમાં રત રહે છે અને કહેવાતા ‘નોર્મલ’ લોકોને ઈર્ષ્યા આવી જાય એવી પ્રસન્ન જિંંદગી જીવે છે. જીવનરસથી છલોછલ આ પાત્રોને રચનાર ડિરેક્ટર-રાઈટર અનુરાગ બસુએ મૃત્યુને પોતાની આંખોની સાવ સામે જોયું છે. વાત વિગતે જાણવા જેવી છે.

2008નું એ વર્ષ. કેટલીટ ટીવી સિરિયલો પછી ‘કુછ તો હૈ’ અને ‘સાયા’ જેવી નબળી અને ‘મર્ડર’ જેવી સુપરહિટ ડિરેક્ટ કર્યા  બાદ અનુરાગ બસુ ‘તુમસા નહીં દેખા’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મ અડધી શૂટ થઈ ગઈ હતી. એક દિવસ અનુરાગ સખત બીમાર પડી ગયા. એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.  જાતજાતના ટેસ્ટ્સને અંતે નિદાન થયું: અનુરાગ બસુ લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરથી પીડાય છે. આટલું જાણે ઓછું હોય તેમ ડોક્ટરે બીજો વિસ્ફોટ કયોર્ર્: પ્રત્યેક સેકન્ડે અનુરાગની તબિયત વધુને વધુ ગંભીર થતી જાય છે. એમનું આયુષ્ય હવે માંડ ત્રણથી ચાર મહિના જેટલું છે, બસ.


પરિવાર આઘાતથી મૂઢ થઈ ગયો. બ્લડ કેન્સર? ચાર મહિના? આવી ભયાનક વાત હોસ્પિટલના બિસ્તર પર પડેલા અનુરાગને કહેવી કેવી રીતે? પત્ની અને અન્ય સ્વજનો સતત અનુરાગની સાથે રહેતાં હતાં, પણ કોઈના મોંમાથી એક શબ્દ સુધ્ધાં નીકળી શકતો નહોતો. પીડાથી એમના ચહેરા કાળા પડી ગયા હતા. એક દિવસ મહેશ ભટ્ટ એમને જોવા હોસ્પિટલ આવ્યા. તેઓ ‘તુમસા નહીં દેખા’ના પ્રોડ્યુસર હતા. એમણે અનુરાગના મસ્તક પર હાથ ફેરવ્યો અને પછી મોટેથી રડી પડ્યા. અનુરાગ ચોંકી ઉઠ્યા. મહેશ ભટ્ટ જેવો મજબૂત માણસ આમ ધ્રૂસકે ધ્રૂસકે રડે? અનુરાગે પૂછ્યું: ભટ્ટસાબ, શું વાત છે? આખરે મહેશ ભટ્ટે કઠણ થઈને કહી દેવું પડ્યું: અનુરાગ, તને બ્લડ કેન્સર છે. અનુરાગ ઘા ખાઈ ગયા, પણ એમણે ચહેરા પરથી કશું કળાવા ન દીધું. પ્રયત્નપૂર્વક હળવા રહીને એમણે કહ્યું: તાવ, શરદી, બ્લડ કેન્સર... શું ફરક પડે છે? મને તો આ હોસ્પિટલના એરકન્ડીશન્ડ કમરામાં મજા આવે છે!

...અને કેન્સર સામે ભીષણ યુદ્ધની શ‚આત થઈ. મહિનાઓ વીત્યા. વર્ષો વીત્યાં. જીવલેણ બીમારી સામે મુકાબલો ચાલતો રહ્યો. આને જબરદસ્ત માનસિક તાકાત કહો, તીવ્ર જીજીવિષાનું પરિણામ કહો, મેડિકલ સાયન્સનો પ્રતાપ કહો  કે ઉપરવાળાના આશીર્વાદ... અનુરાગ બસુ આજે આઠ વર્ષ પછી પણ રાતી રાયણ જેવા છે.

અધૂરી રહી ગયેલી ‘તુમસા નહીં દેખા’ પછી મહેશ ભટ્ટ અને મોહિત સૂરિએ પૂરી કરી નાખી. બીમારીમાંથી પૂરેપૂરા બહાર આવે ન આવે તે પહેલાં જ અનુરાગ બસુ બમણાં જોશથી કામે ચડી ગયા. એમનું વ્યક્તિત્ત્વ વધારે જીવંત બની ગયું. એ વધુ માનવીય, વધુ પ્રેમાળ બની ગયા હતા. કેન્સર સામે લડતા દર્દીઓ માટે અનુરાગ બસુ એક ઉત્તમ ઉદાહરણ ગણાય. કેન્સર એટલે કેન્સલ નહીં, પ્લીઝ. 2006 અને 2007માં અનુરાગે બે ફિલ્મો બનાવી - અનુક્રમે ‘ગેંગસ્ટર’ અને ‘અ લાઈફ ઈન અ મેટ્રો’. બેસ્ટ સ્ક્રીનપ્લે અને ડિરેક્શન માટે એમના પર અવોર્ડઝનો વરસાદ વરસ્યો. એ પછીની હૃતિક રોશનને લઈને બનાવેલી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કાઈટ્સ’ જોકે ફ્લોપ થઈ ગઈ. હવે બે વર્ષે તેઓ ‘બરફી’ લઈને આવ્યા છે.



રણબીર જેવો તગડો એક્ટર હોય, ખૂબસૂરત કહાણી હોય અને ફિલ્મનો હાઈક્લાસ પ્રોમો દિવસમાં કેટલીય વાર ટીવી સ્ક્રીન પર રોટેટ થયા કરતા હોય ત્યારે ઓડિયન્સની ઉત્સુકતાને વળ ચડે જ. અનુરાગ બસુ એક મુલાકાતમાં કહે છે, ‘રણબીરને દશ્ય પોતાની રીતે ભજવવાની આદત છે. હું એને સીન સમજાવું ત્યારે એ ધ્યાનપૂર્વક સાંભળશે, મૂંડી હલાવીને હા-હા કરતો રહેશે, મોંમાંથી એક શબ્દ નહીં ઉચ્ચારે, પણ એક વાર કેમેરા ચાલુ થાય પછી એને એ સમયે જે મનમાં આવે એ જ કરશે! રણબીર એવી કોઈક ચેષ્ટા કરી નાખશે કે કોઈ એક્સપ્રેશન આપી દેશે જે સીનમાં હોય જ નહીં. આ બધું સ્પોન્ટેનિયસ હોય, રણબીરને ખુદને ખબર ન હોય કે કેમેરા ઓન થયા પછી પોતે શું કરવાનો છે. મારે કેેમેરામેનને કહી રાખવું પડે કે ભાઈ, તું સતર્ક રહેજે, રણબીર એક્ટિંગ કરતાં કરતાં ગમે ત્યાં ઉડી જશે, પણ એ ફ્રેમની બહાર જતો ન રહે એનું ધ્યાન તારે રાખવું પડશે! એક ઉદાહરણ આપું. મેં એનાં પાત્ર માટે ચાર્લી ચેપ્લિન જેવાં જેસ્ચર આખી સ્ક્રિપ્ટમાં ક્યાંય નહોતા લખ્યાં. એક વાર અચાનક રણબીરે ચાર્લી ચેપ્લિન જેવું કશુંક કર્યું, મને ગમ્યું અને અમે સેટ પર જ ઈમ્પ્રોવાઈઝ કરતા ગયા. રણબીર ઈઝ અ ગ્ર્ોટ ફન, રિઅલી!’



નવી પેઢીના અદાકારોમાં એક પ્રકારનું આકર્ષક ખૂલ્લાપણું છે. અગાઉ ક્હ્યું તેમ, ‘બરફી’માં પ્રિયંકા ચોપડાએ ઑટિસ્ટિક છોકરી બની છે. ઑટિઝમથી પીડાતા લોકોની બુદ્ધિમત્તા સરસ હોય, પણ એનાં વર્તન-વ્યવહાર મંદ અને વિચિત્ર લાગી શકે એવાં હોય. ‘માય નેમ ઈઝ ખાન’માં શાહ‚ખ ખાનનું પાત્ર ઑટિસ્ટિક હતું. શ‚આતમાં અનુરાગને બિલકુલ ખાતરી નહોતી કે પ્રિયંકા ઑટિસ્ટિક કેરેક્ટર ભજવી શકશે કે કેમ, પણ પ્રિયંકાએ ખાતરી આપી: સર, હું કરી લઈશ. મારા પર ભરોસો મૂકો. અનુરાગ કહે છે, ‘આ કેરેક્ટર એટલું બધું મહત્ત્વનું છે કે માત્ર સ્ટારનું સ્ટેટસ જોઈને એને રોલ આપી શકાય નહીં. હું તો સાવ જ નવી છોકરીને લેવા પણ તૈયાર હતો. ઈન ફેક્ટ, એક તબક્કે મને ખાતરી થઈ ગઈ હતી કે આ ભુમિકામાં તો ઓડિયન્સે ક્યારેય જોઈ ન હોય એવી અજાણી એક્ટ્રેસ જ જોઈએ! પણ પ્રિયંકા કોન્ફિડન્ટ હતી. અમે ત્રણ દિવસની વર્કશોપ રાખી. પ્રિયંકાએ એમાં કમાલ કરી દેખાડી. એની લગની અને ઈન્વોલ્વમેન્ટ એટલાં બધાં હતાં કે ઑટિસ્ટિક છોકરીનો રોલ એને આપવા સિવાય કોઈ છૂટકો નહોતો.’

વેલ, અનુરાગ-રણબીર-પ્રિયંકા અને નવોદિત ઈલેના ડી’ક્રુઝની ટોળકીએ કેવીક સ્વાદિષ્ટ બરફી બનાવી છે એ બહુ જલદી સ્પષ્ટ થઈ જશે. આ પાત્રો જીવંત લાગે તો એમનાં કેરેક્ટરાઈઝેશનમાં અનુરાગે અનુભવેલી મોતની નિકટતાનો ફાળો અવશ્ય હોવાનો.

શો- સ્ટોપર 

મારી આગામી ફિલ્મ ‘બેગમ સમરુ’ માટે મેં કરીના કપૂર, રાની મુખર્જી અને વિદ્યા બાલન ત્રણેયનો અપ્રોચ કર્યો છે. જે મને સૌથી પહેલાં હા પાડશે... ટાઈટલ રોલ એનો! 

- તિગ્માંશુ ધૂલિયા (ડિરેક્ટર)

-----------------

Official Trailer of Barfi

Click here: http://www.youtube.com/watch?v=yZxrao3zou4

Sunday, August 26, 2012

Interaction with the Readers

This one is for personal record.

On 19 August 2012, a function was held at Sports Club, Ahmedabad. It was titled as "Navalkathakar Sathe Samvad" where three Gujarati novelists were invited - Kaajal Oza Vaidya, Mahesh Yagnik and I. We spoke about our writing process. And then there w
as question-answer session with the packed audience. It was such a lively and clued-in audience. This was my first face-to-face interaction with readers who are hooked to my on-going Chitralekha novel, Mane Andhara Bolave... Mane Ajwala Bolave and also who have read my previous novel, Vikrant. I loved the whole experience. 
It was a lot of fun for sure!  

Here are the pics...


Myself - Shishir Ramavat

Kaajal Oza-Vaidya






Mahesh Yagnik






                                                                          0 0 0

Tuesday, August 21, 2012

એક હૈ સલમાન



       દિવ્ય ભાસ્કર-  રવિવાર પૂર્તિ  - ૧૯ ઓગસ્ટ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘એક થા ટાઈગર’ એક સ્માર્ટ ફિલ્મ છે. આમાં સલમાનના ચાહકો પુલકિત થઈ જાય એવો ટિપિકલ સલમાન-બ્રાન્ડ મસાલો તો છે જ, સાથે સાથે યશરાજ બેનરનું સોફિસ્ટીકેશન અને સ્ટાઈલ પણ છે. 



થેન્ક ગોડ, સલમાન ખાન ‘ઢીંક ચીકા’વેડામાંથી બહાર આવ્યો ખરો!  સામાન્યપણે સલમાન મેઈન હીરો હોય એટલે ફિલ્મમેકરને   ટકોરાબંધ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાંથી, વાર્તામાં વ્યવસ્થિત લોજિક ગોઠવવામાંથી અને હાઈક્લાસ ડિરેક્શન કરવામાંથી સમજોને કે લગભગ મુક્તિ મળી જતી હોય છે. સલમાનનો સ્ટારપાવર જ એવો સોલિડ છે કે ચક્રમ જેવી સ્ટોરીવાળી ફિલ્મમાં મારું બેટું કંઈ પણ અણધડ દેખાડો તો પણ ફિલ્મ હિટ થઈ જાય. ઉદાહરણ તરીકે, ‘બોડીગાર્ડ’ અને ‘રેડી’. (‘દબંગ’ની વાત અલગ છે, કારણે કે એ ખરેખર જલસો પડી જાય એવી પૈસા વસૂલ એન્ટરટેનિંગ ફિલ્મ હતી.)

...અને આ દોરમાં ‘એક થા ટાઈગર’ આવે છે, જે ખરું પૂછો તો એક સ્માર્ટ ફિલ્મ છે. આમાં સલમાનના ચાહકો પુલકિત થઈ જાય એવો ટિપિકલ સલમાનબ્રાન્ડ મસાલો તો છે જ, સાથે સાથે યશરાજ બેનરનું સોફિસ્ટીકેશન પણ છે. સલમાનની ફિલ્મોમાં સામાન્યપણે જોવા મળતું ફૂવડપણુ અહીં ગેરહાજર છે. એનું સ્થાન સ્ટાઈલ અને ઉત્તમ પ્રોડક્શન વેલ્યુએ લઈ લીધું છે. ફિલ્મમાં ‘ન્યુ, ઈમ્પ્રુવ્ડ’ સલમાનની સાથે સુરેખ સ્ટોરી છે (જેમાં જોકે ઘણી ક્ષતિઓ છે), ટિ્વસ્ટ્સ એન્ડ ટર્ન્સ છે (જે ભારે સગવડિયાં છે) અને સુપર્બ એક્શન સીન્સ છે.  આ ફિલ્મની ટીમમાં  ડિરેક્ટર નામનું પણ એક વ્યવસ્થિત પ્રાણી સક્રિય હતું એવું વતાર્ય છે!

સલમાન-કેટરીનાની જોડી છેલ્લે નિરાશાજનક ‘યુવરાજ’માં દેખાઈ હતી.  અહીં બન્ને ફુલ ફોર્મમાં છે. એક સીનમાં કેટરીના સલમાનને પૂછે છેઃ તારાં લગ્ન થઈ ગયાં? સલમાન કહે છેઃ ડાયરેક્ટ લગ્ન? મારે ગર્લફ્રેન્ડ છે કે નહીં એ તો પહેલાં પૂછ! કેટરીના કહે છેઃ હોય કંઈ? તારી ઉંમર લગ્ન કરવાં જેવડી છે, ગર્લફ્રેન્ડ રાખવા જેટલી નહીં! સલમાનકેટરીનાના સંબંધના અંગત સમીકરણને કારણે આ ડાયલોગબાજી વખતે ઓડિયન્સને મજા પડી જાય છે. જોકે ફિલ્મમાં બન્નેનો રોમાન્સનો ટ્રેક શરૂ થાય છે ત્યારે, મતલબ કે ઈન્ટરવલ પહેલાં, કથાપ્રવાહ એટલો બધો ધીમો પડી જાય છે કે તમને ટાઈમપાસ કરવા ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ડાઉનલોડ કરેલી કોઈ ગેમ રમવાનું મન થઈ જાય. અલબત્ત, સેકન્ડ હાફમાં ભાગાદોડી અને સ્ટંટ્સને કારણે ફિલ્મ પાછી ગતિ પકડી લે છે.



જે કામ સૈફ અલી ખાનનો એજન્ટ વિનોદ ન કરી શક્યો એ કામ સલમાન ખાનના એજન્ટ ટાઈગરે સારી રીતે કરી દેખાડ્યું. પહેલા જ દિવસે ‘એક થા ટાઈગરે’ 33 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો, જે અપેક્ષિત હતો. આ આંકડો વધતો વધતો ‘દબંગ’-‘બોડીગાર્ડ’-‘રેડી’ના તોતિંગ આંકડાને ઓળંગે છે કે નહીં એ થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

‘એક થા ટાઈગર’ કંઈ મહાન ફિલ્મ નથી. ના રે ના. આ ફક્ત એક વેલમેડ ટાઈમપાસ જોણું છે, જે ખાસ કરીને સલમાનપ્રેમીઓને ખુશ કરી શકે છે. યાદ રહે, સલમાનના ચાહકોમાં મોટાં મોટાં નામો સામેલ છે. આમિર ખાન જેવો આમિર ખાન ‘હું સલમાનનો ફેન છું’ એવી ઘોષણા કરે એ કંઈ નાનીસૂની વાત નથી. એણે વચ્ચે કહેલું, ‘અમારા સૌ હીરોલોગમાં સલમાન અત્યારે સૌથી વધુ પોપ્યુલર છે. મને એની ફિલ્મો જોવાની સખ્ખત મજા આવે છે. એ હંમેશા મારા જેવા મિત્રો માટે પોતાની ફિલ્મોનો પ્રાઈવેટ શોઝ ઓર્ગેનાઈઝ કરતો હોય છે. મને મોઢેથી સીટી વગાડતા આવડતી નથી, પણ સલમાનની ફિલ્મ જોવાની હોય ત્યારે હું ઘરેથી ખાસ પ્લાસ્ટિકની વ્હિસલ ખિસ્સામાં લઈ જાઉં છું. પછી આખા પિક્ચરમાં સીટીઓ વગાડી વગાડીને સૌનું માથું પકવી દઉં છું!’

સલમાનની પર્સનાલિટી અને કરિશ્મા વિશે પણ આમિરે ઈન્ટરેસ્ટિંગ વાત કરેલી. એ કહે છે, ‘કોઈ પાર્ટી હોય અને સલમાન ખાન જેવો હૉલમાં એન્ટર થાય કે તરત સૌનું ધ્યાન એના તરફ ખેંચાય. શું એની ચાલ હોય, શું કોન્ફિડન્સ હોય... એને જોઈને જ લાગે કે યેસ, આ આવ્યો સુપરસ્ટાર! એન્ડ માઈન્ડ યુ, સલમાન કુદરતી રીતે જ આવો છે. એને આ બધા માટે પ્રયત્ન કે દંભ કરવો પડતો નથી. બાકી હું તો કોઈ પાર્ટીમાં એન્ટર થાઉં ત્યારે અંદરથી ફફડતો હોઉં! અંદર ઘુસ્યા પછી સમજ ન પડે કે હવે શું કરું, કઈ તરફ જાઉં. સાચ્ચે, મારામાં સલમાન જેવો કોન્ફિડન્સ નથી.’


 
કેટરીનાની વાત કરીએ તો, ‘એક થા ટાઈગર’માં સલમાન સાથે દેખાયા પછી કેટરિના તરત બાકીના બે ખાન સાથે દેખાશે. યશ ચોપડાના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અને ‘ધૂમ-થ્રી’માં આમિર સાથે. આ ત્રણેય ફિલ્મો યશરાજ બેનરની છે. એનો અર્થ એ થયો કે  યશરાજવાળા આજકાલ કોઈ પણ ખાનને લઈને ફિલ્મ બનાવે ત્યારે એની સામે રૂપ રૂપના અંબાર જેવી કેટરીનાને હિરોઈન તરીકે પટ્ કરતા સાઈન કરી લે છે. કેટરીનાનો કરીઅરગ્રાાફ જોઈને બીજી હિરોઈનો બળીને રાખ થઈ જાય છે એનું કારણ આ જ!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્ેટરીના કૈફની સફળતાની વાત આવે ત્યારે વાંકદેખાઓ તરત સલમાન ફેક્ટરને આગળ કરતા હોય છેઃ સમજ્યા મારા ભઈ. એ તો સલમાનનો જોરદાર સપોર્ટ મળ્યો એટલે કેટરીના ટોપ પર પહોંચી. નહીં તો એને ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઊભું પણ ન રાખત. સલમાને એક ઈન્ટરવ્યુમાં કેટરીનાનો બચાવ કરતાં તાજેતરમાં કહ્યું હતું, ‘મારા સગા ભાઈઓ અરબાઝ ખાન અને સોહિલ ખાન પણ ફિલ્મોમાં એક્ટિંગ કરે છે, પણ તેઓ કંઈ સુપરસ્ટાર નથી. જો મારામાં કોઈને સુપરસ્ટાર બનાવવાની તાકાત હોત તો મેં મારા ભાઈઓને જ સુપરસ્ટાર ન બનાવ્યા હોત? મારી સાથે કેટલીય નવી હિરોઈનોએ કામ કર્યુ છે. એમાંથી કેટલી સુપરસ્ટાર બની? મારો કહેવાનો મતલબ એ છે કે કેટરીના કૈફ આજે જે સ્થાન પર પહોંચી છે એ પોતાના દમ પર, પોતાની મહેનતથી પહોંચી છે.’

સલમાનની દલીલ તાર્કિક છે. સો વાતની એક વાત. સલમાન અને કેટરીના બન્નેનું નસીબ જોરમાં છે. એ બન્નેનો પારસ્પરિક લગ્નયોગ જોર કરે છે કે નહીં એ તો અલ્લાહ જાણે.

શો-સ્ટોપર

‘એક થા ટાઈગર’ના પાર્ટ-ટુ અને પાર્ટ-થ્રી બને તો એનાં ટાઈટલ શું હોઈ શકે? ‘એક હૈ ટાઈગર’ અને ‘એક હોગા ટાઈગર’!

૦૦૦

Friday, August 3, 2012

લગ્નબંધન કે રક્ષાબંધન?


ચિત્રલેખા  અંક તા. ૬ ઓગસ્ટ ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું 





થેલેસીમિયા  બાળકોના લોહી તરસ્યા રાક્ષસ સામે લડતાં બાળકોનાં સંગ્રામની કથાઓ.

આજના પુસ્તકની આ કેચલાઈન છે. આખા પુસ્તકનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. આજે શિક્ષણ વધ્યું છે, લોકોની જાણકારી વધી છે, પણ કોણ જાણે કેમ સમાજમાં થેલેસીમિયા વિશે જોઈએ એટલી જાગૃતિ ફેલાઈ નથી. આવી પરિસ્થિતિમાં થેલેસીમિયાને કેન્દ્રમાં રાખીને ‘આશાકિરણ’ જેવું પુસ્તક લખાય અને લોકો સામે આવે એ મજાની વાત છે. પુસ્તકનું સ્વરુપ વાર્તાસંગ્રહનું છે. જુદી જુદી ૨૧ વાર્તાઓમાં લોહીના આ ગંભીર રોગને કારણે માત્ર રોગીના જીવનમાં જ નહીં, બલકે એના આખા પરિવારમાં પેદા થતી જટિલ પરિસ્થિતિઓનું સંવેદનશીલ ચિત્રણ થયું છે.

‘ખુશી’ વાર્તામાં દમયંતી નામની સ્ત્રીના દીકરાને થેલેસીમિયાનો રોગ લાગુ ડિટેક્ટ થાય છે ત્યારે અવળી કમાણી કરતા પોતાના પતિને એ સંભળાવે છેઃ ‘આ તમારી કાળી કમાણીનું ફળ મળ્યું છે. કેટલાંયની આંતરડી કકળાવી હશે તે ભગવાને આપણને આ દુખ ભોગવવાની સજા કરી છે.’

વૈજ્ઞાનિક સચ્ચાઈ જોકે જુદી છે. પતિદેવ ભ્રષ્ટાચાર કરતા ન હોત તો પણ સંભવતઃ સંતાનને થેલેસીમિયા થાત, કારણ કે આ એક વારસાગત રોગ છે. એના માટે મા અને બાપ બન્ને જવાબદાર છે. થેલેસીમિયાના દર્દીના શરીરમાં હીમોગ્લોબિનનું ઉત્પાદન ઓછ  અને વિકૃત થાય છે. હીમોગ્લોબિનનું કામ છે, લોહીના લાલ કોષોમાં રહીને પ્રાણવાયુનું વહન કરવામાં મદદરૂપ થવાનું. થેલેસીમિયાના દર્દીના શરીરમાં પ્રાણવાયુ વહનની ક્ષમતા ઘટે છે. વળી લાલ કોષો નાના બને છે. તેની આવરદા પણ સામાન્ય લાલ કોષો કરતાં ઓછી હોય છે ૧૨૦ દિવસને બદલે ૪૦ થી ૬૦ દિવસ. આમ, હીમોગ્લોબિનની શૃંખલા નબળી પડવાને કારણે આવાં બાળકો અને રોગીઓને વારંવાર લોહી ચડાવીને જીવાડવાં પડે છે.

‘ખુશી’ વાર્તામાં જ વર્ષો પછી ખુશી નામની યુવતી દમયંતીના દીકરા દર્શિલ સાથે લગ્ન કરવા માગે છે. દર્શિલ થેલીસીમિયા મેજર છે. ખુશી ખુદ  થેલીસીમિયા માઈનર છે. ખુશીનો ડોક્ટર એને સ્પષ્ટપણે કહે છેઃ ‘લગ્ન પછી તું પ્રેગનન્ટ થા અને ગર્ભ જો થેલેસીમિયા માઈનર હોય તો કશું જ જોખમ નથી, પણ જો ગર્ભ થેલેસીમિયા મેજર હશે તો સમયસર અને કાનૂની રીતે ગર્ભપાત કરાવી લેવો પડશે. એ વખતે કોઈ લાગણીવેડા નહીં ચાલે!’



આ મેજર અને માઈનર શું છે? માઈનર એટલે સાદી ભાષામાં, વાહક. જો મા કે બાપ બેમાંથી કોઈ એક થેલેસીમિયાનું લક્ષણ ધરાવતું ન હોય, પણ બીજ  થેલેસીમિયા વાહક હોય તો બાળક પણ થેલેસીમિયા માઈનર બને છે. થેલેસીમિયા માઈનર એક કાયમી પરિસ્થિતિ છે, પણ આવી વ્યક્તિને સામાન્યપણે કોઈ દવા કે સારવારની જરૂર પડતી નથી. પતિપત્ની બન્ને માઈનર હોય તો સંતાન નોર્મલ હોઈ શકે, માઈનર હોય શકે કે મેજર પણ હોઈ શકે. લગ્નવાંચ્છુ તેમજ  સંતાનવાંચ્છુ આ મેજર-માઈનર-નોર્મલનાં જદાં જદાં કોમ્બિનેશન્સ અને તેનાં પરિણામો ખાસ સમજી લેવાં જોઈએ.



ભારતમાં સિંધી, પંજાબી, લોહાણા, ભાનુશાળી, ઠક્કર વગેરે કોમમાં થેલેસીમિયા માઈનરનું પ્રમાણ વધારે જોવા મળે છે. પોતાને થેલેસીમિયા છે કે કેમ એની તપાસ અપરિણિત અવસ્થામાં જ થઈ જવી જોઈએ. જન્મકુંડળી તપાસવાને બદલે છોકરાછોકરીના લોહીની ચકાસણી થવી અનેકગણી વધારે મહત્ત્વનું છે. લેખક લખે છેઃ ‘થેલેસીમિયાની તપાસ કરાવો, જો બેમાંથી એક થેલેસીમિયા માઈનર હોય તો લગ્નબંધન, નહીં તો રક્ષાબંધન!’

‘વિદિશા’ નામની વાર્તામાં ઊભું થતું પરિસ્થિતિનું છળ જઓ. અહીં ન્કયાના પિતા પ્રખર જ્યોતિષ છે, છોકરાના પરિવારમાં બબ્બે ડોક્ટર છે અને છતાં એમને ત્યાં થેલેસીમિયા મેજર સંતાન પેદા થાય છે. શા માટે? કારણ કે પતિને ખબર જ નહોતી કે પત્નીની માફક પોતે પણ થેલેસીમિયાનો વાહક છે!

મહેિને એકથી બે વાર લોહી ચડાવવાનું કામ કેટલું વિકટ હોય છે એ સમજી શકાય એવું છે. શહેરોમાં અને સંપન્ન પરિવારમાં હજય ઠીક છે, પણ ગામડાંના ગરીબ પરિવારમાં જ્યારે થેલેસીમિયા મેજર બાળક અવતરે છે ત્યારે પ્રશ્નોનો પાર રહેતો નથી. આ રોગની કોઈ દવા નથી. એ મટતો પણ નથી. આજીવન રક્તદાનનો ટેકો લેવો પડે છે. લેખક કહે છેઃ ‘થેલેસીમિયા બાળકોને બે માતાની જરૂર પડે છે. એક જન્મદાતા, જે દૂધ પાઈને તેને ઉછેરે છે. બીજી રક્તદાતા સેવા, જે તેમને રક્ત આપીને જીવાડે છે.’ સતત અને વારે વારે લાહી ચડાવતા રહેવાથી જે કોમ્પ્લીકેશન્સ ઊભાં થાય છે એ તો લટકામાં. હા, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થકી થેલેસેમીયામાંથી મુક્તિ મળી શકે ખરી, પણ સવાલ એ છે કે આવી ખર્ચાળ અને જટિલ વિધિ કરાવી શકનારા કેટલાં?



લેખક મહેશ ત્રિવેદી સ્વયં શતકવીર રક્તદાતા છે અને આ દિશામાં જાગૃતિ ફેલાવવા માટે લગભગ ત્રણ દાયકાથી કાર્યરત છે. આ વાર્તાઓ એમના અનુભવો અને સંશોધનોના નીચોડ સમાન છે. આ કહાણીઓમાં માત્ર વ્યથા અને પીડા નથી, બલકે થેલેસીમિયાના દર્દીઓનો જીવન જીવવાનો જસો અને આશા પણ શબ્દસ્થ થયા થયા છે. દેખીતું છે કે નવલિકાના ચુસ્ત સાહિત્યિક માપદંડો અહીં લાગુ પાડવાના ન હોય. એ પ્રકારનું સાહિત્યસર્જન કરવાનો લેખકનો આશય પણ નથી.  ધૂની માંડલિયાએ પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, આ પુસ્તક તો થેલેસીમિયા વિશેનું શબ્દબદ્ધ જાગૃતિ અભિયાન છે.

બેશક, એક ખૂબ ઉપયોગી પુસ્તક.    ૦ ૦ ૦

 આશાકિરણ 



લેખકઃ મહેશ ત્રિવેદી
પ્રકાશકઃ ડો. કુંજબાળા ત્રિવેદી,
જૈન નગર કોર્નર, સંજીવની માર્ગ, પાલડી, અમદાવાદ૭
 ફોનઃ (૦૭૯) ૨૬૬૫ ૨૫૪૮
 કિંમતઃ  રૂ. ૧૬૨ /
 પૃષ્ઠઃ ૧૫૦