Saturday, October 16, 2010

ફિલ્મ રિવ્યુઃ નોક આઉટ

મિડ-ડે, તા. ૧૬ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત


નોટ આઉટ


ઊંચી અપેક્ષા વગર સિનેમાહોલમાં એન્ટ્રી મારી હશે તો ઈરફાન ખાનના સુપર્બ પર્ફોર્મન્સવાળી આ ફિલ્મ ગમી શકે એવી છે


રેટિંગ ઃ અઢી સ્ટાર



ઓકે, ‘નોક આઉટ’ હોલીવૂડની હિટ ફિલ્મ ‘ફોનબૂથ’ પરથી પ્રેરિત છે તેની હવે બધાને ખબર છે. તેના નબળા પ્રોમોએ ઓડિયન્સમાં ઝાઝી અપેક્ષા જગાવી નહોતી તે ય સૌ જાણે છે. ગુડ ન્યુઝ એ છે કે જો તમે ‘અંગ્રેજી ફિલ્મની નબળી ઉઠાંતરી’ એવી ઈમેજ સાથે ‘નોક આઉટ’ જોવા બેસશો તો સાનંદાશ્ચર્યનો અનુભવ થશે. મણિ શંકરે લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ વાસ્તવમાં એક સરસ થ્રિલર બની શકી છે.



ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને અમલદારોએ ૬૦ હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું સ્વિસ બેન્કમાં સંતાડી રાખ્યું છે. આ પૈસા ભારતમાં પાછું આવવું જોઈએ તે વાત અવારનવાર ચર્ચાતી રહે છે. ‘નોક આઉટ’માં આ મુદ્દાને લાઉડ બન્યા વગર નાટ્યાત્મક રીતે વણી લેવામાં આવ્યો છે.



છીનાઝપટી



ઈરફાન ખાન એક ઐય્યાશ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. પત્ની છે, ક્યુટ બેબલી છે, પણ હરાયા ઢોરની જેમ તે તક મળે તો મોઢું મારતો ફરે છે. એક દિવસ એ કશાકની ડિલીવરી કરવા પોતાની કારમાં નીકળ્યો છે. અધવચ્ચે અટકીને કોઈકને ફોન કરવા, પોતાની પાસે બબ્બે મોબાઈલ હોવા છતાં, એક પારદર્શક કાચના સ્ટાઈલિશ ફોન બૂથમાં ઘૂસે છે. તે વાત પૂરી કરે ત્યાં જ પબ્લિક ફોન પર કોઈ અજાણ્યો કોલર કોલ કરે છે. તે શાર્પશૂટર સંજય દત્ત છે. ઈરફાન વાત કરે છે અને હવે શરૂ થાય છે મજેદાર છીનાઝપટી. સંજય દત્તની ગન સતત ઈરફાન પર તકાયેલી છે. તે ઈરફાન પાસે જાતજાતનાં કામ કરાવે છે. એને નચાવે છે, ટીવી ચેનલ પર કબૂલાત કરાવે છે અને એવું તો કેટલુંય. સંજય દત્તનો ફોન સતત ચાલુ છે. ફોનબૂથની આસપાસ પોલીસ, પબ્લિક અને મિડીયાની જમઘટ થઈ જાય છે. વાત ઘૂંટાતી જાય છે અને અંતે...



ટુ-ધ-પોઈન્ટ



‘નોક આઉટ’નો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે આમતેમ ફંટાયા વિના નિશ્ચિત દિશામાં એકધારી આગળ વધતી રહે છે. ધરાર ગીતો ઘુસાડવાની જગ્યા હોવા છતાં ડિરેક્ટરે એવી કોશિશ કરી નથી. ક્યાંય કોમેડીનાં અકારણ ટાયલાં પણ નથી. આવી ટુ-ઘ-પોઈન્ટ ફિલ્મો દર શુક્રવારે ક્યાં જોવા મળે છે? ફિલ્મના અંત ભાગમાં થયેલો દેશભક્તિનો વઘાર પણ માપસરનો છે અને તે ફિલ્મને વધારે ટેસ્ટી બનાવે છે.



ચાર ફૂટ બાય ત્રણ ફૂટની જગ્યામાં બંધાઈ રહ્યા પછી અભિનયમાં કેટલું સુંદર વૈવિધ્ય લાવી શકાય અને ઓડિયન્સને બાંધી રાખી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ લાંબા વાંકડિયા વાળવાળો ઈરફાન ખાન પૂરું પાડે છે. ઈરફાનની જગ્યાએ કોઈ ઊતરતો એક્ટર હોત તો ફિલ્મને ઊંધા મોંએ પછડાતાં વાર ન લાગત. સમય જતો જાય છે તેમ તેમ તેના કિરદારના નવા નવા રંગો ઊપસતાં છે વિલાસવૃત્તિ, ચીડ, ખોફ, અસહાયતા, અફસોસ અને છેલ્લે ફના થઈ જવાની તૈયારી.



સંજય દત્તની પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ એનું અડધું કામ કરી નાખે છે. એની ફ્રેન્ચ કટ દાઢીની ઘટ્ટતાની કન્ટિન્યુટી જોકે જળવાઈ નથી. ઈરફાન સાથે તેની કેમિસ્ટ્રી જમાવટ કરે છે. બણે પાત્રો ક્યારેય એકબીજાની સામે આવતાં નથી, પણ ડિરેક્ટરે સ્પ્લિટ સ્ક્રીનનો સરસ ઉપયોગ કરીને તેમની જુગલબંદી સરસ ઊપસાવી છે.



કંગના રનૌત, ફોર એ ચેન્જ, આ ફિલ્મમાં ભૂતડી કે પાગલ બની નથી. તમે ક્યારેય ખુલ્લા ખભાવાળો પોષાક ધારણ કરેલી (ઓકે, પછી તે જેકેટ પહેરી લે છે) અને પગમાં છ ઇંચની હિલ્સવાળા સેન્ડલ પહેરીને આંટા મારતી ટીવી રિપોર્ટર જોઈ છે? ન જોઈ હોય તો ‘નોક આઉટ’માં કંગના રનૌતને ઈન્ડિયા ટીવીની આવી વરણાગી ટીવી રિપોર્ટરના રૂપમાં જોઈ શકશો. (ઈન્ડિયા ટીવીની ઈમેજ સાથે કોઈ પણ પ્રકારનું ચિત્રવિચિત્રપણું મેચ થાય છે.) કંગના આમ તો સારી એક્ટ્રેસ છે, પણ આ રોલમાં તેણે અભિનયના ખાસ અજવાળા પાથરવાના નથી.



ફિલ્મમાં ખૂંચે એવી વાતો ઓછી નથી. પાંચસો કરોડ રૂપિયાની નોટોના બંડલ ખુલ્લા રસ્તા પર કલાકો સુધી એમને એમ પડ્યા રહે તે વાત વાહિયાત છે. સ્વિસ બેન્કમાંથી મની ટ્રાન્સફરની વિધિ સીધીસાદી કોઓપરેટિવ બેન્ક કરતાં પણ આસાન છે! ગાંડાની જેમ ગોળીબાર થતો હોય, કેટલાયના ઢીમ ઢળી જતા હોય તો પણ લોકો સ્થળ પરથી હલવાનું નામ ન લે તે કેવું? ટીવી પર લાઈવ કવરેજ ચાલતું હોવા છતાં વધારાની પોલીસ કે કમાન્ડોઝ સ્થળ પર ફરકવામાં ભવ લગાડી દે છે. સેકન્ડ હાફમાં એકની એક ઘટનાઓ ફરી ફરીને થયા કરતી હોવાથી ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે.



ખેર, આ ક્ષતિઓ સાથે પણ ફિલ્મ સરવાળે સહ્ય છે. આ ફિલ્મની અપીલ મર્દાના છે, તે મહિલા વર્ગને ખાસ આકર્ષે એવી નથી. જો થ્રિલર ફિલ્મો જોવી ગમતી હોય, બહેતર વિકલ્પ ન હોય અને અગાઉ કહ્યું તેમ ઊંચી અપેક્ષા રાખવાની આદત ન હોય તો ‘નોક આઉટ’ જોઈ નાખવામાં બહુ વાંધો નથી.



૦૦૦

Saturday, October 9, 2010

રિવ્યુઃ ‘ક્રૂક’ - ઈટ્સ ગુડ ટુ બી બેડ

મિડ-ડે તા. ૯ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત




વેરી બેડ


ફ્રેશ વિષય પર વાહિયાત ફિલ્મ કેવી રીતે બનાવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે


રેટિંગ ઃ એક સ્ટાર





હેલ્પ! કોઈ તાત્કાલિક ચુલબુલ પાંડેને તેડાવો. જો એનાથી કામ થઈ શકે તેમ ન હોય તો રજનીકાંતના રોબો ચિટ્ટીની બટાલિયનને બોલાવો.... પણ મહેરબાની કરીને આ ક્રૂક એટલે કે બદમાશ ઠગને પકડો અને નજર સામેથી દૂર કરો. સાચ્ચે, નજીકના ભૂતકાળમા મહેશ-મૂકેશ ભટ્ટના બેનરમાં બનેલી કોઈ ફિલ્મે ં આટલા દુખી નથી કર્યા. ઓસ્ટ્રેલિયામાં ભારતીયો પર થતા વાંશિક હુમલા જેવા તાજા અને વર્જિન વિષયને કેટલી ખરાબ રીતે ટ્રીટ કરી શકાય તેના પર ઈન્સટન્ટ પીએચ.ડી. કરવું હોય તો આ ફિલ્મ જરૂર જોવી. પેલા ઈમરાન હાશ્મિને ‘વન્સ અપોન અ ટાઈમ’ પછી લોકોએ માંડ જરાક ગંભીરતાથી લેવાનું શરૂ કરેલું ને ત્યાં આ ‘ક્રૂક’ આવી. આ તો એક ડગલું આગળ વધીને આઠ ડગલાં પાછળ જવા જેવી વાત થઈ. જેવા ઈમરાનના અને ઓડિયન્સના નસીબ.



આતંક હી આતંક



આ ફિલ્મની વાર્તા શું છે, એમ? આ તો અત્યંત કઠિન પ્રશ્ન થયો, છતાં કોશિશ કરીએ. ઈમરાન હાશ્મિ, એની આદત મુજબ, આડી લાઈને ચડી ગયેલો યુવાન છે. એના વાલી ગુલશન ગ્રોવર એને યેનકેન પ્રકારેણ ઓસ્ટ્રેલિયા મોકલી આપે છે. અહીં તેનો ભેટો નવોદિત નેહા શર્મા સાથે થાય છે, જે રેડિયો જોકણ છે અને ઓસ્ટ્રેલિયામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન ચલાવે છે. એક બાજુ આ બણે વચ્ચે લવસ્ટોરી શરૂ થાય છે અને બીજી બાજુ ઈન્ડિયન્સ પર અટેક્સ શરૂ થાય છે. નેહાને જડભરત જેવો મોટો ભાઈ છે, અર્જુન બાવેજા, જેને આપણે ‘ફેશન’ ફિલ્મમાં જોયો હતો. અર્જુન બાવેજા ઓસ્ટ્રેલિયનો સામે ખાર ખાઈને બેઠો છે.

પછી છેને ઓસ્ટ્રેલિયનોની ગેંગ અને અર્જુન ધીંગાણે ચડે છે. એક મિનિટ, કોઈ ગોરી સ્ટ્રિપ ડાન્સર પેલાને પ્રેમ કરે છે એવું પણ કંઈક છે. પછી પેલાનો ભાઈ અને પેલીની બહેન વચ્ચે પેલું થાય છે અને પછી છેેને... ઓહો સ્ટોપ! ઈનફ!



ન ધડ ન માથું



આ ફિલ્મ એટલી અનોખી છે કે વાત ન પૂછો. ઓસ્ટ્રેલિયામાં પંજાબી છોકરાઓનું ટોળું બતાવ્યું છે, જેની સાથે ઈમરાન હાશ્મિ રહે છે. ડિરેક્ટરને થાય કે હાલો હાલો, અહીં કોમેડી નાખીએ. આથી પાઘડીધારી સરદારો ઓચિંતા કોમેડી કરવા માંડે અને બેકગ્રાઉન્ડમાં કરણ જોહરની પંજાબી ફ્લેવરવાળી ફિલ્મોમાં સાંભળવા મળે તેવા ચિત્રવિચિત્ર અવાજો ગાજવા માંડે. પછી ડિરેક્ટરને થાય કે હાલો હાલો, હવે લવસ્ટોરીમાં કંઈક કરીએ. આથી ઈમરાન અને નવોદિત નેહા ધડ્ દઈને ગીતડાં ગાવા માંડે. અચ્છા, ઈમરાન પાસે શું નવું કરાવી શકાય? આઈડિયા! આ વખતે તેને ઈન્ડિયન હિરોઈનને નહી, બલકે ગોરી છોકરીને બચ્ બચ્ બચીઓ ભરતા દેખાડીએ તો? વાહ. ભેગાભેગા ખૂનના બદલાનો એંગલ પણ ઘુસાડીએ તો? આહા. ક્યા બાત.



આ ધડમાથા વગરની ફિલ્મમાં નથી કોઈ કોઈ કેન્દ્રીય વિચાર કે નથી કોઈ દિશા. રંગભેદ અને વંશિય આક્રમણ જેવા સંવેદનશીલ મુદ્દા પર નથી કોઈ પ્રકારનો અભ્યાસ થયો કે નથી તેને સમજવાની કોશિશ કરવામાં આવી. હીરો ઓચિંતા વિલન બની જાય છે અને વિલન ઓચિંતા હીરો. ફિલ્મના અડધોઅડધ ડાયલોગ્ઝ ઇંગ્લિશમાં છે. સ્ક્રીનપ્લે અને કેરેક્ટરાઈઝેશન? ભલા મા’ણા, આવું પૂછાય? ફિલ્મની ક્લાઈમેક્સ તો હસીહસીને બેવડ વળી જવાય એવી છે. સાયકો અર્જુન બાવેજા ‘બહન કે બદલે બહન..’ કરતો કોઈ ગોરી કન્યા પર અત્યાચાર ગુજારતો હોય ત્યાં એક પૂરક પાત્ર (જેનું મુખ્ય કામ તો કોમેડી કરવાનું હતું) હાથમાં પાવડો લઈને આવે અને એને (એટલે કે અર્જુનને) ધીબેડી નાખે. મારતો મારતો એ બોલતો જાયઃ ‘બુરે વો નહીં, બુરે હમ થે.... બૂરે વો નહીં, બૂરે હમ થે!’ એક્સક્યુઝ મી? રાઈટરડિરેક્ટર કયાંક એવું કહેવા તો નથી માગતાને કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને એટલા માટે હુમલા કરવામાં આવ્યા કેમ કે આપણે એ જ લાગના હતા?



આ ફિલ્મના તમામ માઈનસ પોઈન્ટ્સના મૂળમાં છે નિષ્ઠાનો અભાવ. કોઈના અભિનય વિશે વાત કરવાનો અર્થ નથી, કારણ કે પટકથા જ એટલી વાહિયાત છે કે દુનિયાના શ્રેષ્ઠ કલાકારોને લાવો તો પણ આ ફિલ્મમાં કશું જ ઉકાળી ન શકે. બિચારી નેહા શર્મા. અભાગણીને લોન્ચ થવા માટે આ જ ફિલ્મ મળી?



ડિરેક્ટર મોહિત સૂરી અસલી જીવનમાં એકટ્રેસ ઉદિતા ગોસ્વામીના પ્રેમમાં છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે મોટા ઉપાડે કહેલું કે મેં નક્કી કર્યું છે કે ‘ક્રૂક’ હિટ જાહેર થશે તે પછી જ ઉદિતાને લગ્ન માટે પ્રપોઝ કરીશ. અરેરે. મોહિતે હવે કાં તો થૂંકેલું ગળવું પડશે યા તો નવી ઘોડી નવો દાવ રમવો પડશે.



૦૦૦

રિવ્યુઃ દો દૂની ચાર

મિડ-ડે તા. ૯ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત



કમાલ કા કાર-નામા


આ આહલાદક સોશ્યલ-કોમેડી ફિલ્મમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવાની કમાલની તાકાત છે


રેટિંગ ઃ ત્રણ સ્ટાર





આ ફિલ્મની એકેએક ફ્રેમમાંથી મિડલક્લાસ દિલ્હી છલકાય છે. મુખ્ય પાત્ર બાપડો એવો સીધોસાદો અને ગરીબ઼ ગાય જેવો છે કે એના માટે ‘હીરો’ શબ્દ વાપરવાની ઈચ્છા ન થાય. તે ટીચર છે, પ્રાઈવેટ સ્કૂલ અને કોચિંગ ક્લાસમાં ગણિત ભણાવે છે. હિન્દી કમર્શિયલ ફિલ્મોમાં સ્કૂલટીચરને મેઈન હીરો દેખાડવો તે હિંમતનું કામ છે. છેલ્લે આપણે ‘તારે જમીં પર’માં આમિર ખાનને ટીચરના રૂપમાં જોયેલો, ‘દો દૂની ચાર’માં રિશી કપૂર મહિને ટોટલ વીસ હજાર કમાતો માસ્તર બન્યો છે. કશાક નવા ખર્ચની વાત આવે એટલે તેની પત્ની નીતૂ સિંહકપૂર ધડ્ દઈને કહી દે છેઃ આપણો મહિનાનો ખર્ચ ચોવીસ હજાર છે, ઓલરેડી માઈનસમાં ચાલીએ છીએ, હવે આ નવા ખર્ચનું સેટિંગ કેવી રીતે કરવાનું?



આ ફિલ્મનું સૌથી કમાલનું પાસું એનું કાસ્ટિંગ છે. ‘પરંપરાગત’ રીતે વિચારવામાં આવે તો આવી રિયલિસ્ટીક ફિલ્મમાં આધેડ માસ્તરનો રોલ હોય એટલે કાં તો નસીરૂદ્દીન શાહને લેવાય યા તો અનુપમ ખેરની પસંદગી થાય. ઓમ પુરી કે ફારૂખ શેખ પણ ચાલે... પણ રિશી કપૂર? કપૂર ખાનદાનના આ નબીરાએ અંગત રીતે મિડલ ક્લાસ હોવું એટલે શું તે કદી અનુભવ્યું નથી અને ઈવન સ્ક્રીન પર પણ ખાસ ગરીબ રોલ કર્યા નથી. ફિલ્મ શરૂ થતાં જ પાવરફુલ રોમેન્ટિક ઈમેજ ધરાવતા આ કપલને અસલી મિડલક્લાસ લિબાસ અને માહોલમાં જોઈને સૌથી પહેલાં તો આંચકો લાગે, પણ થોડી જ મિનિટોમાં આ આંચકો સુખદ બની જાય છે અને તમે એમની સાથે એવા કનેક્ટ થઈ જાઓ છો કે જાણે તેમને વર્ષોથી ઓળખતા હો.



વસમો વાહનયોગ



દુગ્ગલ ફેમિલી પાસે વાહનના નામે માત્ર ખખડધજ સ્કૂટર છે અને હવે તો એના પર પણ તોફાની છોકરાઓએ વલ્ગર ચિતરામણ કરી મૂક્યું છે. રિશી કપૂરની બહેન રીતસર ધમકી આપે છેઃ મારા જેઠના દીકરાના લગ્નમાં મેરઠ આવો ત્યારે કારમાં જ આવજો, નહીંતર ન આવતા. તમારી પાસે હજુ મોટર આવી નથી અને ઠોઠું સ્કૂટર જ ચલાવ્યા કરો છો તે વાતે મારે સાસરામાં કેટલું નીચાજોણું થાય છે! દિલદાર નીતૂભાભી કહી દે છેઃ ચિંતા ન કર, અમે કારમાં જ આવીશું! બસ, આ કાર ખરીદવાની લાહ્યમાં ઘરમાં અને ઘરની બહાર કેવા કેવા ખેલ થાય છે એની વાત આ ફિલ્મમાં મજા પડી જાય તે રીતે કહેવામાં આવી છે.



રમૂજ અને રિયલિઝમ

‘દો દૂની ચાર’ એક આહલાદક ફિલ્મ છે. ફર્સ્ટટાઈમ રાઈટર ડિરેક્ટર હબીબ ફૈઝલે દેખીતી રીતે નાનકડી લાગતી વાતને વળ ચડાવીને મસ્ત બહેલાવી છે. હબીબ મિડલક્લાસ શહેરીઓની માનસિકતાને ઝીણવટપૂર્વક સમજે છે અને તેને વાર્તામાં વણી લઈ અસરકારક રીતે પડદા પર ઉતારી શક્યા છે.



‘દો દૂની ચાર’નું દુગ્ગલ ફેમિલીનું ઘર ખરેખર ઘર છે, સ્ટુડિયોનો સેટ નહીં. ડિટેલીંગ એટલું બધું સરસ છે કે હાઙ્ખલનો સીન હોય તો દર્શક તરીકે તમને કિચનમાં થતા વઘારની રીતસર વાસ આવે. ખોબા જેવડા બેડરૂમના ડબલબેડની સસ્તી બેડશીટનો સ્પર્શ તમે અનુભવી શકો. મધ્યમવર્ગીય પરિવારની હાડમારીઓ વિશેની આ ફિલ્મ સતત હાસ્યવ્યંગની સપાટી પર તરતી રહે છે. પરિવારના ચારેચાર સદસ્યોનું પાત્રાલેખન સરસ થયું છે. રિશી કપૂર લગ્નમાં પાડોશીની કાર ઉધાર માગીને મહાલવા જાય ત્યારે વર્ષો જૂના ફોર્મલ સૂટ નીચે સ્પોર્ટ્સ શુઝ ઠઠાડે છે. એ આદર્શવાદી શિક્ષક છે, ખોટું કરવાની કલ્પના માત્રથી તેને ગિલ્ટ થવા લાગે છે. બેટિંગના રવાડે ચડી ગયેલા દીકરાને તે તરત માફ કરી દે છે, કારણ કે એક વાત તેને બરાબર સમજાઈ ગઈ છેઃ સંતાનોની માત્ર સ્કૂલ ફી ભરી દેવાથી ફરજ પૂરી થઈ જતી નથી, એમનાં સપનાં પણ પૂરાં થવા જોઈએ.



નીતૂ કપૂર ઝિંદાદિલ ઔરત છે. નણંદને સાસરિયા સંભળાવી ન જાય તે માટે તે સોનાની બંગડી વેંચી નાખતા બે વાર કરતી નથી. એ પતિને ભલે નહોરિયાં ભરાવતી હોય, પણ પતિના આત્મસન્માનની તેને સૌથી વધારે ખેવના છે. કોલેજિયન દીકરી ફાયરબ્રાન્ડ છે. બ્રાન્ડેડ ટીશર્ટની પ્રાઈઝ મળે તે માટે એ ચક્રમ જેવી પ્રમોશનલ કોમ્પિટીશનમાં ભાગ લે છે. પૂરક પાત્રોમાં સીધાસાદા દેખાતા અજાણ્યા કલાકારોને લેવામાં આવ્યા છે, જે ફિલ્મના રિયલિઝમને વધારે તીવ્ર બનાવે છે.



આ યશ ચોપડાનું ગ્લેમરસ દિલ્હી નથી. આ દિલ્હીવાસીઓને ઘણી વસ્તુઓ ‘બેટર’ નહીં, પણ ‘મોર બેટર’ લાગે છે. અહીં શાદીની ધમાલ છે, પણ એમાં ક્યાંય કશુંય ફિલ્મી નથી. હા, એન્ડમાં મેકડોનાલ્ડ્’ઝમાં થતી બર્ગર-ફાઈટ થોડી લાઉડ લાગે છે ખરી, પણ એક આ તો ક્લાઈમેક્સ છે અને પાછી કોમેડી ફિલ્મ છે તેથી તે સિકવન્સ ખાસ ખૂંચતી નથી. ફિલ્મમાં સતત વપરાયેલા દીકરીના વોઈસ-ઓવર બિનજરૂરી છે. તે ફિલ્મમાં કશું ઉમેરતા નથી, બલકે નડ્યા કરે છે. જો વોઈસ-ઓવર રાખવા જ તેવો આગ્રહ હોય તો નીતૂ કપૂરની કોમેન્ટ્રી વધારે એન્ટરટેનિંગ બની શકત.



આપણા વિચારો અને સંસ્કારવર્તુળ પર સ્કૂલના શિક્ષકોની ઊંડી અસર રહી જતી હોય છે. વર્ષો પછી પત્નીબાળકો સાથે જૂના શિક્ષકોને મળવામાં અલગ આનંદ મળતો હોય છે. આ ફિલ્મ પ્રેક્ષકોને જૂના ફેવરિટ ટીચરોની યાદ અપાવશે. સમગ્રપણે, શોબાજી વગરની આ એક હલકૂફુલકી, ખુશનુમા અને સુંદર ફિલ્મ છે. ટેલેન્ટેડ નવા ડિરેક્ટરો દ્વારા બનાવવામાં આવતી આ પ્રકારની સ્મોલબજેટ ફિલ્મોને ઉત્તેજન મળવું જોઈએ અને રિશીનીતૂએ આવી સેન્સિબલ ફિલ્મોમાં કામ કરતા રહેવું જોઈએ. જો તમને ‘ખોસલા કા ઘોસલા’ પ્રકારની ફિલ્મો ગમતી હશે તો ‘દો દૂની ચાર’ ચોક્કસ આનંદિત કરશે. આ અઠવાડિયે આમેય ‘મોર બેટર’ ચોઈસ પણ ક્યાં છે!





૦૦૦

Thursday, October 7, 2010

બિઝનેસ કેવી રીતે કરાય?

ચિત્રલેખા અંક તારીખ 18 ઓક્ટોબર 2010 માં પ્રકાશિત





કોલમ - વાંચવા જેવું



બાયલાઈનઃ શિશિર રામાવત












૧૮૫૭ના ઐતિહાસિક વિગ્રહને હજુ એક વર્ષની વાર હતી ત્યારે નવસારીથી મુંબઈ આવેલો જમશેદજી નસરવાનજી તાતા નામનો સત્તર વર્ષનો પારસી છોકરો એલ્ફિન્સ્ટન કોલેજમાં અંગ્રેજી સાહિત્ય ભણી રહ્યો હતો. ૧૮૬૮માં તેણે ખાનગી વેપારી પેઢી શરૂ કરી ત્યારે કોઈએ કલ્પના સુદ્ધાં કરી હશે ખરી કે આ યુવાન ભારતની ઔદ્યોગિક ક્રાંતિનો જનક બની બની જવાનો છે? ૨૧,૦૦૦ રૂપિયાની મૂડીથી શરૂ થયેલો ધંધો આજે ૨૦૧૦માં તાતા ગ્રુપ નામના ૩,૨૪૮ અબજ રૂપિયાના જાયન્ટ આર્થિક સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયો છે! કેવી રહી આ ભવ્ય ઉદ્યોગયાત્રા? કેવા કેવા ચડાવઉતાર આવ્યા એમાં? આર. એમ.લાલા લિખિત ‘સંપત્તિનું સર્જન’ પુસ્તકમાંથી મળતા આ પ્રશ્નોનો ઉત્તર એટલે હિંદુસ્તાનની એક આંજી નાખતી સક્સેસ સ્ટોરી.



Jamshedji Tata, his son Dorabji, Ratan Tata (not current chairman), R.D. Tata

જમશેદજી પોતાના દેશને તો સારી રીતે પિછાણતા જ હતા, પણ આખી દુનિયા વિશે તેઓ જે જ્ઞાન ધરાવતા હતા તે તેમના જમાનામાં ઘણા ઓછા માણસો ધરાવતા હશે. ૧૮૮૨માં ૪૩ વર્ષની ઉંમરે જમશેદજીએ એક જર્મન ભૂસ્તરશાસ્ત્રીનો રિપોર્ટ વાંચ્યો, જેમાં લખ્યું હતું કે મઘ્યપ્રદેશમાં ચાંદા જિલ્લાના ભૂગર્ભમાં રહેલો કાચા લોખંડનો જથ્થો ખોદવામાં સૌથી અનુકૂળ પડે તેમ છે. ખેર, તે વખતે તો પોલાદનું કારખાનું સ્થાપવાનું શક્ય ન બન્યું, પણ સત્તર વર્ષ પછી અનુકૂળ યોગ ઊભા થયા. તેઓ જાતતપાસ કરવા અમેરિકા ગયા, ફ્રાન્સ જઈને તજજ્ઞોને મળ્યા. નાગપુરથી ૧૪૦ કિલોમીટરના અંતરે દુર્ગ જિલ્લામાં પોલાદનું કારખાનું નાખવાની તૈયારીઓ શરૂ થઈ. ભારતનું આ સર્વપ્રથમ મહાન ઔદ્યોગિક સાહસ હતું અને તે માટે દેશવાસીઓએ તે જમાનામાં ૨.૩૨ કરોડ રૂપિયાની મૂડી એકઠી કરી આપી. હાલ જ્યાં જમશેદપુર શહેર ઊભું છે ત્યાં તે જમાનામાં ઘનઘોર જંગલ હતું. શોરશરાબાથી ઘાંઘા થયેલા હાથીઓ આદિવાસીઓ મજૂરોના ઝૂંપડાં ભોંયભેગા કરી નાખતા. એક રાતે એક રીંછણ રેલવે સુપરિન્ડેન્ડન્ટના ઝૂપડામાં ઘૂસી ગઈ અને ટેબલ નીચે બચ્ચાને જન્મ આપ્યો! રેલવે બોર્ડના પ્રમુખ સર ફ્રેડરિક અપકોટે તો ચોખ્ખું કહી દીધું - શું આ તાતા બ્રિટીશ નમૂનાઓ પ્રમાણે પોલાદના રેલપાટા બનાવશે, એમ? જો તેઓ સફળ થાય તો હું વચન આપું છું કે તેમણે બનાવેલા પાટાનો એકેએક રતલ હું ખાઈ જઈશ! ... પણ ૧૯૧૨ની ૧૬ ફેબ્રુઆરીએ પોલાદની પહેલી લગડી બહાર પડી. સૌ આનંદથી નાચી ઉઠ્યા. પછી તો પહેલા વિશ્વયુદ્ધમાં તાતાએ ૧૫૦૦ માઈલના પોલાદના રેલપાટાની વિદેશમાં નિકાસ કરી. જમશેદજીના પુત્ર સર દોરાબ મોદીએ ત્યારે ટિખળ કરેલીઃ સારું થયું ફ્રેડરિક અપકોટ પોતાનું પ્રોમિસ ભૂલી ગયા, નહીં તો આટલું બધું પોલાદ ખાઈને તેમને અપચો થઈ ગયો હોત!


India's first steel factory at Jamshedpur
 





જોકે દીર્ઘદષ્ટા જમશેદજી આ રેલપાટા જોવા માટે જીવિત ન રહ્યા. ૧૯૦૪માં તેમનું અવસાન થયું ત્યારે તત્કાલિન વાઈસરોય લોર્ડ કર્ઝને ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં અંજલિ આપતા કહ્યું હતું- જમશેદજીનું મૂળભૂત અને શક્તિશાળી ચારિત્ર્ય એવું હતું કે કોઈ પણ વ્યક્તિ પછી ગમે તેટલી મહાન હોય, તેઓ તેના તાબે થતા નહીં, કારણ કે તેઓ પોતે પોતાની રીતે મહાન હતા મોટા ભાગના માણસો વિચારી શકે તેનાથી પણ મહાન. જયપ્રકાશ નારાયણે એક વાર કહેલુંઃ બિહારમાં તાતા સિવાય ક્યારેય કોઈ સફળ થયું નથી - ઈશ્વર પણ નહીં. અરે, ખુદ ગાંધીજીએ કહેવું પડેલું કે, તાતા એટલે સાહસવૃત્તિ. આના કરતાં ચડિયાતાં કોમ્પ્લીમેન્ટ્સ બીજા ક્યા હોઈ શકે?




Hotel Taj in 1903. Gateway of India was not even built then.


મુંબઈની આલાગ્રાન્ડ તાજમહાલ હોટેલ કઈ રીતે અસ્તિત્ત્વમાં આવી તે વાત પણ ભારે ઈન્ટરેસ્ટિંગ છે. એક કથા પ્રમાણે જમશેદજીને મુંબઈની એક હોટેલમાં એટલા માટે પ્રવેશ આપવામાં ન આવ્યો કે તે ફક્ત યુરોપિયનો માટેની હતી. ગર્વીલા જમશેદજીએ મનોમન ગાંઠ વાળી લીધીઃ જેને હું ચિક્કાર ચાહું છું તેવા આ શહેરને એક અનન્ય હોટેલ આપીને જ રહીશ! આ હોટેલ એટલે ભવ્યાતિભવ્ય તાજમહાલ હોટલ. ૧૯૦૩માં ઉદઘાટન થયું અને પહેલા જ દિવસથી તેની ગણના જગતની શ્રેષ્ઠ હોટેલોમાં થવા માંડી. તાજમહાલ હોટલ બની ત્યારે ગેટ વે ઓફ ઈન્ડિયા હજુ બન્યો પણ નહોતો.


Hotel Taj today. With new wing and of course, Gateway of India.
 ભારતમાં સૌથી પહેલો નહાવાનો સાબુ ૧૮૭૯માં ‘મીરત’ એક અંગ્રેજ કંપનીએ ઉત્પાદિત કર્યો હતો. જ્યારે તાતા સાબુના ઉત્પાદનમાં પડ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી લીવર બ્રધર્સ કંપની સાથે સીધી હરીફાઈ કરવાની હતી. સદભાગ્યે ૧૯૩૧માં ગાંધીજીની સ્વદેશી ચળવળે તાતાઓને મદદ કરી. ૧૯૪૦ના દાયકામાં ફ્રાન્સમાં ‘૫૦૦’ નામનો સાબુ જાણીતો હતો. તાતાની ‘ટેમ્કો’ કંપનીના દેશપ્રેમી વડા જાલ નવરોજજી કહેઃ ભારત ફ્રાન્સ કરતાંય સારો સાબુ બનાવી શકે છે. આથી તેમણે જે કપડાં ધોવાનો સાબુ બજારમાં મૂક્યો તેને નામ આપ્યું ‘૫૦૧’! સાથે નહાવાનો સાબુ‘હમામ’ પણ લોન્ચ કર્યો અને આ બન્ને પ્રોડક્ટ ભારતના ઘરેઘરે પહોંચી ગઈ.



તાતા કોસ્મેટિક્સના ફેન્સી દુનિયામાં કેવી રીતે આવ્યા? તેની પણ એક કથા છે. ૧૯૫૦ના દાયકામાં વિદેશી હૂંડિયામણની અછતને લીઘે ભારતમાં વિદેશી સૌંદર્ય પ્રસાધનોની આયાત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. અકળાયેલી ફેશનેબલ મહિલાઓ દિલ્હીમાં દેખાવો કરવા લાગી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સવાલ ર્ક્યોઃ આ પ્રકારનાં કોસ્મેટિક્સ કોઈ ભારતમાં શા માટે બનાવી નથી શકતું? તાતાઓ આગળ આવ્યા અને આ રીતે ‘લેકમે’ની સ્થાપના થઈ!
JRD Tata with Jawaharlal Nehru




JRD Tata with  wife  Thelma
 ૧૯૦૪માં ફ્રેન્ચ માતાના કૂખે જન્મેલા જહાંગીર રતનજી દાદાભોય (જે.આર.ડી.) તાતા જમશેદજીના કઝિનના પુત્ર થાય. જે.આર.ડી. તાતા અને તેમનાં પત્ની થેલ્માને કોઈ સંતાન ન હતું. ઈન ફેક્ટ, તાતા પરિવારમાં સંતાનો બહુ ઓછા જન્મ્યાં છે. જમશેદજીના બન્ને પુત્રોમાંથી કોઈને સંતાન નહોતું. આખરે અનાથાશ્રમમાં ભણી રહેલા ૧૩ વર્ષના નવલ હોરમસજી તાતાને ભારતના આ સૌથી શ્રીમંત પરિવાર દ્વારા દત્તક લેવામાં આવેલા. તાતા ગ્રુપના વર્તમાન ચેરમેન રતન તાતા તેમના જ પુત્ર. રતન તાતા આજીવન અપરિણીત રહ્યા. હવે તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે. ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ માટે વીર સંઘવીને આપેલી મુલાકાતમાં રતન તાતાએ કહેલું- ‘નવો ચેરમેન એવો હોવો જોઈએ જેનામાં હાથમાં લીધેલું કામ પૂરી કરવાની ક્ષમતા હોય... અને તેણે તાતાના નીતિમૂલ્યોમાં માનવું જ રહ્યું.’



Ratan Tata
ઝડપી નફો રળી લેવો, તંગીનો લાભ લેવો, સરકારી નીતિઓને પોતાના અંગત લાભ માટે તોડવી-મરોડવી - આ બધું તાતાઓના સંસ્કારવર્તુળની બહારની બાબતો છે. તાતા માત્ર પૈસા કમાવામાં માનતા નથી. સાયન્સ અને ટેકનોલોજી, મેડિસીન, શિક્ષણ, આર્ટ અને કલ્ચર વગેરે ક્ષેત્રોમાં તાતાઓએ આપેલું યોગદાન ક્યાં અછાનું છે? ‘ભારત પાસે જે હોવું જોઈએ તે તેને આપવું’ તે શરૂઆતથી જ તાતા ગૃહનું મુખ્યુ સૂત્ર બની રહ્યું છે. ભારતની સર્વપ્રથમ હવાઈ સેવા, ભારતની સૌથી પહેલી કાપડ મિલ, ભારતનું સૌથી પહેલું પેન્શન ફંડ... આવાં કેટકટલાંય ‘સર્વપ્રથમ’ તાતાના નામ બોલે છે. તાતાના ધંધાકીય ક્ષેત્રો અને કંપનીઓની સૂચિ એટલી લાંબી છે કે પાનાં ભરાય.



ભારતના સૌથી વિશાળ ઉદ્યોગગૃહના ઈતિહાસને રસાળ રીતે લખવો આસાન નથી. તે માટે ટેક્નિકલ પરિભાષાની જાણકારી ઉપરાંત ચોક્કસ સમજ અને દષ્ટિકોણ પણ જોઈએ. લેખક આ તમામ ગુણો ધરાવે છે. ભોળાભાઈ પટેલે કરેલો અનુવાદ પુસ્તકના વિષયના મોભાને છાજે તેવો પાણીદાર છે. મારિયો મિરાન્ડાનાં આકર્ષક ચિત્રાંકનો પુસ્તકનું ઓર એક આકર્ષણ છે. આ પુસ્તક એવું નથી કે સસ્પેન્સ-થ્રિલરની જેમ તમે તેને અધ્ધર જીવે વાંચી જાઓ, પણ હા, માત્ર બિઝનેસ કરતા કે કરવા માગતા જ નહીં, બલકે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ઈચ્છતા માણસને તે પાનો ચડાવી દે તેવું છે તે તો નક્કી!

(સંપત્તિનું સર્જન

લેખકઃ આર. એમ.. લાલા


અનુવાદકઃ ભોળાભાઈ પટેલ

પ્રકાશકઃ આર. આર. શેઠ એન્ડ કંપની,
‘દ્વારકેશ’, ખાનપુર,અમદાવાદ ૧ અને
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
ફોનઃ (૦૭૯) ૨૫૫૦૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧૩૪૪૧
કિંમતઃ રૂ. ૧૯૫/              
પૃષ્ઠ સંખ્યાઃ ૩૨૪ )

Monday, October 4, 2010

જે.ડી. અને આતિશ : સ્ટેપ બાય સ્ટેપ

દિવ્ય ભાસ્કર રવિવાર પૂર્તિ ૩ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત



કોલમ ઃ મલ્ટિપ્લેક્સ



એવું ક્યું કામ હતું જે અમિતાભ બચ્ચને કરવાનું હતું અને જે.ડી. મજીઠિયાએ કર્યું?


ગુજરાતી નાટકોની ઘોષણા માટે અનિવાર્ય ગણાતા મુંબઈના એક બ્રોડશીટ દૈનિકમાં ગયા રવિવારે એક ધ્યાનાકર્ષક વાત બની. જુદાંજુદાં નાટકોની એડ્સ માટે અલાયદા રાખવામાં આવતાં સામસામેનાં પાનાં પર એક જ સૂર ધરાવતી અલગઅલગ ચાર એડ્સ છપાઈ. એકમાં લખાયું, ‘રંગમંચથી રૂપેરી પરદે... તમારી સંજયદષ્ટિ દેશવિદેશને પામે અને ફિલ્મ બરાબર જામે એવી શુભેચ્છા.’ આ શબ્દો ટોચના પ્રોડ્યુસર-એક્ટર સંજય ગોરડિયાના હતા. રસિક-કેતકી-રિદ્ધિ દવેએ ઉત્કટતાપૂર્વક કહ્યુંઃ ‘ભાઈદાસના પગથિયે એક સપનું જોયું હતું... શુક્રવાર ૧ ઓક્ટોબરે એ સપનું સફળતાપૂર્વક સાકાર થશે... ખૂબ ખૂબ અંતરના અભિનંદન!’ રંગભૂમિના બન્ને પ્રેઝન્ટર તેમજ નિર્માતાઓ કૌસ્તુભ ત્રિવેદી-કિરણ ભટ્ટે જે રીતે ઉમંગ વ્યક્ત કર્યો તેમાં પણ પૂરેપૂરી ઉત્કટતા હતી. વાત અહીં પૂરી થતી નથી. અન્ય અખબારોમાં પણ આ જ સૂરની વિજ્ઞાપનો છપાઈ જેની નીચે વિપુલ અમૃતલાલ શાહ, સિદ્ધાર્થ રાંદેરિયા, ઉમેશ શુક્લ-ભરત ઠક્કર અને સૌમ્ય જોષીનાં નામ હતાં.



આ શુભેચ્છાઓ અને અભિનંદનો ‘ખિચડી - ધ મૂવી’ના પ્રોડ્યુસર જે.ડી. મજીઠિયા તેમજ રાઈટર-ડિરેક્ટર આતિશ કાપડિયા માટે હતાં. આ એક સરસ ચેષ્ટા હતી. જે.ડી. અને આતિશ બણે મુંબઈની રંગભૂમિના ફરજંદ છે એટલે તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઈ તે નિમિત્તે તેમના જૂના સંગીસાથીઓએ જાહેરમાં સગર્વ હરખ કર્યો.



પહેલાં થિયેટર, પછી ટેલિવિઝન અને ત્યાર બાદ સિનેમા કીર્તિ અને કમાણીના સંદર્ભમાં આ ત્રણ લોજિકલ સ્ટેપ્સ થયાં. શાનદાર બાયોડેટા ધરાવતા જે.ડી. અને આતિશ પહેલાં બે પગથિયાં પર ભરચક સફળતા મેળવ્યા બાદ હવે ત્રીજા લેવલ પર એન્ટ્રી મારી ચૂક્યા છે. તેમનું કૌવત જાણતા શુભેચ્છકો-મિત્રોને લાગે છે સિનેમામાં તેમની એન્ટ્રી ઠીકઠીક મોડી કહેવાય. અલબત્ત, આતિશ ભૂતકાળમાં ફિલ્મો લખી ચૂક્યા છે (‘આંખે’, ‘વક્ત’), પણ ડિરેક્ટર તરીકે ‘ખિચડી- ધ મુવી’ તેમની પહેલી ફિલ્મ છે. એક સમયે ‘થેન્ક્યુ કોકિલા’, ‘એકબીજાને ગમતા રહીએ’ અને ‘આવજો વહાલા ફરી મળીશું’ જેવાં સુપરહિટ નાટકો પ્રોડ્યુસ કરનાર હેટ્સ ઓફ્ફ બેનરે ‘ખિચડી -ધ મુવી’ પછીની બીજી ફિલ્મનું પ્લાનિંગ ઓલરેડી શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું નિર્દેશન કરશે હેટસ ઓફ્ફ બેનરની અફલાતૂન કોમેડી સિરિયલ ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’ના ડિરેક્ટર દેવેન ભોજાણી. દેવેન ભોજાણીની પોપ્યુલર ઓળખ એટલે કે ‘બા, બહુ ઔર બેબી’ સિરિયલનો હાફપેન્ટઘારી ગોળમટોળ ગટુ.



હરિભાઈ જરીવાલા (સંજીવ કુમાર), પરેશ રાવલ, નીરજ વોરા, સંજય છેલ, મનોજ જોષી, પ્રકાશ કાપડિયા... ગુજરાતી રંગભૂમિનાં કેટલાંય નામો હિન્દી સિનેમામાં સફળતાનો સ્વાદ માણી ચૂક્યાં છે. એમ તો આમિર ખાને પણ કરીઅરની શરૂઆત ગુજરાતી નાટકોના બેકસ્ટેજથી કરેલી. જે.ડી., આતિશ, વિપુલ શાહ, દેવેન ભોજાણી અને પરેશ ગણાત્રા ગુજરાતી રંગમંચ પર લગભગ એકસાથે વિકસેલા આ પાંચ દોસ્તો વિશે ખૂબ લખાયું છે. તેમાંથી વિપુલ અમૃતલાલ શાહે બોલીવૂડમાં આઠ વર્ષ પહેલાં ‘આંખે’થી ડિરેક્ટર તરીકે એન્ટ્રી મારી દીધી હતી. પ્રોડ્યુસર-એક્ટર જે.ડી. અને ડિરેક્ટર આતિશની સવારી હવે આવી છે.



જીવનની દરેક ઘટના એના પૂર્વનિશ્ચિત સમયે જ બનતી હોય છે? વર્ષો પહેલાં અમિતાભ બચ્ચનની એબીસીએલ કંપની જોરમાં હતી ત્યારે જે.ડી.એ તેની સ્ટારટ્રેક કોન્ટેસ્ટ જીતી લીધી હતી. એબીસીએલ જે.ડી.ને દમામભેર હીરો તરીકે લોન્ચ કરવાની હતી, પણ દુર્ભાગ્યે કંપની પોતે જ બેસી ગઈ. જે.ડી.એ આખરે ખુદને લોન્ચ કર્યા, વર્ષો પછી, ‘ખિચડી ધ મુવી’ંમાં. ‘ખિચડી’ સિરિયલ અને ફિલ્મમાં જે.ડી. કોમેડી કરે છે, પણ ‘આવજો વહાલા ફરી મળીશું’ નાટકના ક્લાઈમેક્સમાં આવતા મોનોલોગમાં તેમનું પર્ફોર્મન્સ જોઈને લોકો રડી પડતા. આ નાટક પરથી બનેલી ફિલ્મ ‘વક્ત’માં જે.ડી.નો રોલ અક્ષયકુમારે કર્યો હતો અને ક્લાયમેક્સના પેલા મોનોલોગવાળા સીનમાં અક્ષય જે.ડી. કરતા પા ભાગની અસર પણ પેદા કરી શકતો નથી. ‘બા, બહુ ઔર બેબી’ સિરિયલમાં જે.ડી.નાં સરિતા જોશી સાથેના ઈમોશનલ દશ્યોમાં મહિલાઓ હિબકે ચડી જતી. જે.ડી.ને માત્ર કોમેડીના ઈમેજવર્તુળમાં કેદ કરી દેવા જેવા નથી.



સ્વતંત્ર દિમાગ ધરાવતા બે ક્રિયેટિવ માણસો વચ્ચે જો પાક્કી સંવાદિતા સર્જાય તો તેમની સંયુક્ત પ્રતિભા સરસ અને નક્કર પરિણામો લાવી શકે. જે.ડી. અને આતિશ કાપડિયા તેનું ઉત્તમ ઉદાહરણ છે.





શો સ્ટોપર



‘દો દૂની ચાર’ માટે હું મારા હસબન્ડ સાથે ત્રીસ વર્ષ પછી કામ કર્યું ત્યારે મને લાગ્યું કે આ માણસ બહુ ટેલેન્ટેડ છે. આવી ફીલિગ મને જિંદગીમાં પહેલી વાર થઈ!



- રિશી નીતૂ કપૂર

Friday, October 1, 2010

ફિલ્મ રિવ્યુઃ અંજાના અંજાની

હાલો આપઘાત-આપઘાત રમીએ



રણબીર અને પ્રિયંકાના અફલાતૂન પર્ફોર્મન્સીસવાળી આ ફિલ્મમાં એ જ બધું જૂનું ને જાણીતું છે



રેટિંગ ઃ અઢી સ્ટાર







િફલ્મના પહેલાં જ સીનમાં રણબીર કપૂર ન્યુ યોર્કના એક ઉચા બ્રિજની ધાર પર હાલકડોલક થતો ઉભો છે. તેણે સોએક માળ જેટલી ચાઈ પરથી નીચે ખાબકવું છે. બાજુમાં બિયરની બાટલી લઈને બેઠેલી પ્રિયંકા ચોપડા એને ટિપ્સ આપી રહી છે અને ચિઅરઅપ કરી રહી છે. આપણને થાય કે ‘ખતરોં કે ખિલાડી’ શો ટીવી પરથી બિગ સ્ક્રીન પર શિફ્ટ થઈ ગયો કે શું. રણબીરને જોકે સ્ટંટ સફળતાપૂર્વક પૂરો કરીને સેફ્ટી બેન્ડ મેળવવામાં કોઈ રસ નથી. એને તો મરવું છે. થોડી મિનિટોમાં આપણને ખબર પડે કે ઘરેથી હાઈક્લાસ તૈયાર થઈને નીકળેલી પ્રિયંકાનો આશય પણ આપઘાત કરવાનો જ છે, પણ ડિરેક્ટર આપણને લાંબીલચ્ચ કથા સંભળાવવાના મૂડમાં હોય એટલે મોત એટલું આસાનીથી કેવી રીતે આવે. બન્ને પોતપોતાના રસ્તે ચાલતાં થાય છે. અને ફિલ્મ પણ.



વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ‘અંજાના અંજાની’. એ અલગ વાત છે કે ફિલ્મમાં અંજાન એટલે કે અજાણ્યું કહી શકાય એવું ખાસ કશું નથી. લોકાલ, લવસ્ટોરી, લેંગ્વેજ સહિતનું મોટા ભાગનું જૂનું ને જાણીતું છે. હા, રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાની જોડી નવી છે, જે સૉલિડ જામે છે.



એક મૈં ઔર એક તૂ



મહત્ત્વાકાંક્ષી રણબીર શેરબજાર ક્રેશ થતાં ખુવાર થઈ જાય છે. પોતે તો ડૂબે છે, સાથે પોતાના દોસ્તોને પણ ડૂબાડે છે. હવે તેણે બ્રિજ પરથી કૂદી પડીને લિટરલી ડૂબવું છે, પણ ત્યાં તેને, આગળ કહ્યું તેમ, પ્રિયંકા ભટકાઈ જાય છે. સતત બડબડ કર્યા કરતી પ્રિયંકા પ્રેમભંગ થઈ છે. બન્ને પોતપોતાનો જીવ લેવાની બહુ ટ્રાય કરે છે પણ મારાં બેટાં દર વખતે બચી જાય છે. તેઓ નક્કી કરે છે કે ઓકે, આજે અગિયાર તારીખ થઈ, વીસ દિવસ ખેંચી કાઢીએ અને થર્ટીફર્સ્ટ ડિસેમ્બરે એક્ઝેટ રાતે બાર વાગે પાછાં પેલા બ્રિજ પર જઈશું ને ઝંપલાવી દઈશું. આ વચ્ચેના વીસ દિવસોમાં તેઓ જાતજાતનાં કારનામાં કરે છે, ખખડધજ લાલ કાર લઈને અમેરિકામાં રોડટ્રિપ પર ઉપડી જાય છે, વગેરે. દરમિયાન નેચરલી, બન્નેને એકબીજા માટે પ્રેમ જાગવા માંડે છે અને આખરે જે થવાનું હોય છે તે થાય છે.



રોમાન્સ-રમૂજની પિડિક્ટિબલ ખીચડી



ઓપનિંગ સિકવન્સ જોઈને જ તમે સમજી જાઓ છો કે ફિલ્મના અંતિમ દશ્યમાં શું થવાનું છે. આ બન્ને બિંદુઓની વચ્ચે રાઈટર-ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે એન્ટરટેનિંગ મસાલા ભરવાની કોશિશ કરી છે. પહેલી નજરે ટિપિકલ લવસ્ટોરી લાગતી આ ફિલ્મ એક રીતે જોખમી છે. કેટલાંય દશ્યો એવાં છે, જેમાં લાગે કે આપણે દ્વિપાત્રી નાટક જોઈ રહ્યાં છીએ છે કે શું. અહીં પૂરક પાત્રો બહુ જ ઓછાં છે. પ્રિયંકાના માતાપિતા, બોયફ્રેન્ડ (ઝાયેદ ખાન), ચીસો પાડ્યા કરતી બહેનપણી અને છોકરાના પક્ષે તેના શેરબજારીયા મિત્રો. આ બધાં હળવા લસરકાની જેમ આવીને જતાં રહે છે. આખી ફિલ્મનો ભાર પ્રિયંકા-રણબીરના ચાર્મ, કેમિસ્ટ્રી અને અભિનય પર આવી પડ્યો છે, જે તેઓ ઉપાડી શક્યાં છે.



પ્રિયંકા અને રણબીર વચ્ચે પરફેક્ટ કેમિસ્ટ્રી ન હોત તો આ ફિલ્મ ધા મોંએ પછડાત. સદભાગ્યે એવું બનતું નથી. ફિલ્મમાં ઘણી અળવીતરી મોમેન્ટ્સ છે. એક દશ્યમાં રણબીર પ્રિયંકા સમક્ષ દિલની વ્યથા વ્યક્ત કરતાં કહે છે કે તે હજુ સુધી વર્જિન રહી ગયો છે અને એ કાચો કુંવારો મરવા માગતો નથી. આ સાંભળીને દાંત કાઢી કાઢીને બેવડી (બન્ને અર્થમાં) વળી ગયેલી પ્રિયંકા પેલાની વજિર્નીટી ભંગ કરાવવા ક્લબમાં લઈ જાય છે. એક વાર રણબીરને મધદરિયે ડૂબકાં ખાતી વખતે વખતે પીપી લાગે છે, તો બીજા એક દશ્યમાં પ્રિયંકાને કોઈ ઉજ્જડ રણ જેવી જગ્યાએ સૂસૂ લાગે છે. હળવા થતાં પહેલાં એ રણબીરને કહે છેઃ તું ધો ફરી જા, આંખો મીંચી દે અને કાન પણ બંધ કરી દે. ડિરેક્ટર જાણે છે કે આ પ્રકારની ફિલ્મમાં રમૂજનો માપસર ડોઝ હોવો જરૂરી છે, જે તેમણે આપ્યો છે. ડિરેક્ટરને પાણી પ્રત્યે જરા વધુ પડતો પ્રેમ લાગે છે. બાપડાં રણબીર-પ્રિયંકાને તેમણે આખી ફિલ્મમાં કોણ જાણે કેટલીય વાર પાણીમાં ઝબોળ્યાં છે.



રણબીર સુપર્બ સ્ટાર-એક્ટર છે તે વાત હવે જૂની થઈ ગઈ. અહીં એ હકીકત ફરી એક વાર ઘૂંટાય છે. ચુલબુલી, ઉત્સ્ફૂર્ત અને સંવેદનશીલ નાયિકાને પ્રિયંકાએ અફલાતૂન રીતે ઉપસાવી છે. આ એવું કિરદાર છે જેમાં તમે પ્રિયંકા સિવાય માત્ર કરીના કપૂરની કલ્પના કરી શકો. (રણબીર કરીનાનો કઝિન થાય એટલે હીરો બદલી નાખવો પડે.) ઈન ફેક્ટ, આ ફિલ્મ તમને ઘણી વાર ‘જબ વી મેટ’ની યાદ અપાવતી રહે છે, ખાસ કરીને સેકન્ડ હાફમાં. જો કે ‘જબ વી મેટ’ ફિલ્મ હવે ઓલમોસ્ટ મોડર્ન ક્લાસિક ફિલ્મોની સૂચિમાં બેસી ગઈ છે. ‘અંજાના અંજાની’માં એવું સત્ત્વ કે એટલી તાકાત નથી.



રણબીર અને પ્રિયંકા બન્ને એક નંબરનાં કડકાં છે, પણ તોય એમની ડિઝાઈનર વસ્ત્રસજ્જા પર ક્યારેય અસર થતી નથી. એનું કારણ છે. ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ યશ ચોપડા-કરણ જોહર સ્કૂલના વિદ્યાર્થી છે. સિદ્ધાર્થ આનંદે અગાઉ ‘સલામ નમસ્તે’ અને ‘બચના અય હસીનો’ ડિરેક્ટ કરી હતી. ગુણવત્તાની દષ્ટિએ ‘અંજાના અંજાની’માં તેઓ પોતાની આગલી ફિલ્મો કરતાં ખાસ વધારે ઉપર ઉઠી શક્યા નથી. ઈન ફેક્ટ, આગલી બે ફિલ્મો આના કરતાં વધારે એન્ટરટેનિંગ હતી. ધરાર અમેરિકામં શૂટ થયેલી ‘અંજાના અંજાની’ને ભારતમાં આસાનીથી પ્લાન્ટ કરી શકાઈ હોત અને રવિ કે. ચંદર જેવા કાબેલ સિનેમેટોગ્રાફર સ્થાનિક લોકેશન્સને પણ એટલાં જ રૂપાળાં દેખાડી શકત. એની વે. ફિલ્મનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ તો એની પ્રિડિક્ટિબિલીટી છે. ક્યાંય કશુંય એવંુ બનતું નથી, જે તમારી અપેક્ષા બહારનું હોય. ફિલ્મની ગતિશીલતા ઓછી પડે છે અને તેથી તે લાંબી લાગે છે. વિશાલ-શેખરનું સંગીત સરસ છે.



‘અંજાના અંજાની’માં માસ અપીલ ભલે ઓછી હોય, પણ જો તમે રણબીર-પ્રિયંકાને ફેન હો યા તો કશુંક રોમેન્ટિક જોવાના મૂડમાં હો તો આ ફિલ્મ જોઈ કાઢવામાં કશું ખોટું નથી.



૦૦૦

ફિલ્મ રિવ્યુઃ રોબો

મિડ-ડે, તા. ૨ ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત


જબરદસ્ત!

ચકિત કરી દે તેવી સ્પેશિયલ ઈફેક્ટ્સવાળી આ સાયન્સ ફિકશન જલસો કરાવે છે. આ અઠવાડિયે રિલીઝ થયેલી આ બેસ્ટ ફિલ્મ છે.

રેટિંગ ઃ ચાર સ્ટાર



થેન્ક ગોડ! આખરે એવી ફિલ્મ આવી ખરી જે જોઈને તેેના નિર્માણ પાછળ ખચાર્યેલા ભયાનક મોટા આંકડા (આ કેસમાં ૧૬૦ કરોડ રૂપિયા) વસમા ન લાગે અને જેની ક્વોલિટી તેની જબરદસ્ત હાઈપ સાથે મેચ થતી હોય. અલબત્ત, રિલીઝ થવાનો વખત આવ્યો ત્યારે ‘રોબો’ની હિન્દી આવૃત્તિ આશ્ચર્ય થાય એટલી હદે લોપ્રોફાઈલ થઈ ગઈ હતી તે અલગ વાત થઈ. સાઉથ ઈન્ડિયન સિનેમાના દેવતા ગણાતા રજનીકાંત ‘રોબો’ થકી હિન્દી ફિલ્મો જોતા ઓડિયન્સને પણ મંત્રમુગ્ધ કરી દેશે. આ ફિલ્મ વાસ્તવમાં અપેક્ષા કરતાંય ઘણો મોટો જલસો કરાવે છે.



ભારતીય સિનેમામાં સાયન્સ ફિકશન ઓછી બને છે ત્યારે ‘રોબો’ એક મહત્ત્વનું પ્રકરણ બની રહેવાની. ઘણું કરીને આપણે ત્યાં બનતી ફિલ્મોમાં કમ્પ્યુટરજનરેટેડ દશ્યો કાં તો બાલિશ લાગતાં હોય છે યા તો ક્ષોભજનક. ‘રોબો’ની સ્પેશિયલ ઈફેક્ટ્સ, ફોર અ ચેન્જ, એટલીં સરસ છે કે આપણને સગર્વ આનંદ અનુભવ થાય. બીજી બાજુ મનમાં છાનો રંજ પણ જાગેઃ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી રજનીકાંત જેવા કેરિશ્મેટિક સ્ટારને કેમ સાચવી ન શકી?



હમ દો હમારે સૌ



મેડિકલ સ્ટુડન્ટ ઐશ્વર્યા રાય બચ્ચનને પ્રેમ કરતા રજનીસર મોટા સાયન્ટિસ્ટ છે. તેમણે લેબોરેટરીમાં અદ્દલ પોતાના જેવો દેખાતો હ્યુમેનોઈડ બનાવ્યો છે, જેનામાં અપાર શક્તિઓ છે. તેનું નામ છે ચિટ્ટી. ચિટ્ટીમાં સો માણસની તાકાત છે, તે ચોસઠે કળાઓમાં પ્રવીણ છે, તે સુપરમેન, બેટમેન, આર્યનમેન સહિતના જાતજાતના ‘મેનો’નું કોમ્બિનેશન છે. ગુરૂ ડેની ડેંગ્ઝપ્પા પોતાના શિષ્ય રજનીકાંતની સુપર સફળતાથી બળી બળીને બેઠા થઈ જાય છે. રજનીકાંત ચિટ્ટી ભારતીય લશ્કરને સોંપી દેવા માગે છે, પણ તે એટલા માટે રિજેક્ટ થઈ જાય છે કે તેનામાં નથી સ્વતંત્ર દિમાગ કે નથી લાગણીઓ. રજનીકાંત તેનામાં હવે લાગણીઓ ‘ઈમ્પ્લાન્ટ’ કરે છે. ખરી મુસીબત હવે શરૂ થાય છે. એક સમયનો ભલોભોળો ચિટ્ટી ઓલમોસ્ટ શેતાનનું રૂપ ધારણ કરી લે છે. આખરે તેનું સર્જન કરનારા રજનીકાંતે આત્યંતિક પગલું ભરવું પડે છે અને....



સ્પેશિયલ ઈફેક્ટ્સનો નવો માપદંડ



ડિરેક્ટર શંકર અને રજનીકાંતના કોમ્બોએ છેલ્લે ‘શિવાજી’ નામની ફિલ્મમાં ધમાલ બોલાવી હતી. આ વખતે તેમણે ભેગા થઈને ઓર મોટો તહેલકો મચાવ્યો છે. રજનીકાંત સીધાસાદા માણસના રૂપમાં બંદૂકની ગોળીને વચ્ચેથી ચીરી શકતા હોય તો કલ્પના કરો કે એ જ્યારે સુપરહીરોના સ્વાંગમાં હોય ત્યારે શું શું ન કરી શકે. ખરેખર, આ ફિલ્મનો હીરો માત્ર અને માત્ર રજનીકાંત જ હોઈ શકે. ચિટ્ટીની નિર્દોષતા, અસહાયતા અને વિનાશકતા તેમણે આબાદ ઉપસાવી છે. ટોલ, ડાર્ક, હેન્ડસમ અને આધેડ ચિટ્ટીનો ચહેરો શરૂઆતમાં યંત્રમાનવ જેવો સપાટ છે, તેની હાલચાલ અક્કડ છે, પણ જેમ જેમ તેનામાં લાગણીઓ પ્રગટતી જાય છે તેમ તેમ ચહેરો પ્રવાહી બનતો જાય છે, બોડી લેંગ્વેજ બદલતી જાય છે. ચિટ્ટીના વ્યક્તિત્ત્વમાં ક્રમશઃ આવતું જતું પરિવર્તન સરસ પસ્યું છે.



રજનીકાંત જેવો સ્ટાર ડબલ રોલ કરે તો પણ તેના ભક્તજનો ભાવવિભોર થઈ જાય છે, જ્યારે અહીં તો સ્ક્રીન પર એકસાથે સોએક જેટલા રજનીકાંત જાતજાતની કરામત કરતા જોવા મળે છે! ફિલ્મનો ક્લાઈમેક્સ અદભુત છે. રજનીકાંતોનું આખું ટોળું ક્યારેક રાક્ષસી એનાકોન્ડાનું રૂપ ધારણ કરીને વાહનોને ગળી જાય તો ક્યારેય મહાકાય ગોડઝિલા બનીને શહેરમાં તોફાન મચાવે છે. ફર્સ્ટ હાફમાં લોકલ ટ્રેનવાળી સિકવન્સ પણ સીટીમાર છે. ‘થ્રી ઈડિયટ્સ’ની પ્રસૂૂતિવાળાં લાઉ઼ડ દશ્યને ટક્કર મારે એવી સિકવન્સ પણ છે. આવું તો ઘણંુ છે. ફિલ્મની કમ્પ્યુટર જનરેટેડ ઈફેક્ટ્સ ‘જુરાસિક પાર્ક’ અને ‘અવતાર’ જેવી ફિલ્મો માટે એનિમેટ્રિક્સ પૂરી પાડનાર સ્ટેન વિન્સ્ટન સ્ટુડિયોની કમાલ છે. એકશન સીન્સ માટે શંકર ‘કિલ બિલ’ અને ‘મેટ્રિક્સ’ જેવી ફિલ્મો માટે કામ કરનાર હોંગકોંગસ્થિત યુએન વૂ પિંગને ઉપાડી લાવ્યા છે. ફિલ્મનું ૪૦ ટકા બજેટ તો આ બે ડિપાર્ટમેન્ટ જ ચાંઉ કરી ગયું છે, પણ સ્ક્રીન પર આ સઘળો ખર્ચ વસૂલ લાગે છે. ફિલ્મના મેકિંગમાં ભલે આટલાં બધાં વિદેશીઓએ ફાળો નોંધાવ્યો હોય, પણ મજા એ વાતની છે કે ફિલ્મની અપીલ અને તેમાં વપરાયેલા જાતજાતના મસાલા સંપૂર્ણપણે ઈન્ડિયન છે.



આ ફિલ્મમા માત્ર સ્પેશિયલ આઈટમો જ નથી, બલકે તેના માટે યોગ્ય જગ્યા બનાવતી અને ચોક્કસ શરૂઆતમધ્યઅંતવાળી વાર્તા પણ છે, ટકરાવ છે, ચડાવઉતાર છે, પુષ્કળ હ્યુમર છે અને સતત વહેતો ઈમોશનલ અંડરકરંટ છે. વાસ્તવમાં વેલડિફાઈન્ડ વાર્તા ન હોત તો ફિલ્મ સ્પેશિયલ ઈફેક્ટ્સના ભારથી તૂટી પડી હોત. અને હા, ફિલ્મમાં ઐશ્વર્યા પણ છે, જેણે રૂપરૂપના અંબાર જેવાં દેખાવાનું છે અને આંખો પહોળી કરીને આશ્ચર્યચકિત થવાનુું છે, ડરવાનું છે યા તો રજનીકાંતના કાળાા રબર જેવા ગાલ પર પપ્પીઓ કરવાની છે. ફિલ્મમાં નાયિકાનું મહત્ત્વ છે જ, પણ આ રોલમાં ઐશ્યર્વા સિવાયની કોઈપણ હિરોઈન પણ ચાલી જાત.



ફિલ્મમાં બોર કરતું કોઈ તત્ત્વ હોય તો તે છે વચ્ચે વચ્ચે નડ્યા કરતાં એ. આર. રહેમાનનાં ગીતો. રજનીકાંતનો પેલો મચ્છરો સાથે વાતો કરતો લાંબોલચ્ચ સીન પણ કંટાળાજનક છે. એક ગીતમાં જોકે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ટીવી શોએ ફેમસ કરી દીધેલાં સ્ટેપ્સ જોવાની મજા આવે છે. એ જે હોય તે, બાકી એનિમેટ્રિક્સના મામલામાં ‘રોબોટે’ ભારતીય સિનેમામાં એક માપંદડ સ્થાપ્યો છે. હવે જોવાનું એ છે કે શાહરૂખ ખાનને સુપરહીરો તરીકે પેશ કરતી આગામી ફિલ્મ ‘રા.વન’ અને હ્યુતિક રોશનની ‘ક્રિશ-થ્રી’માં એ લોકો શું નવીન લાવે છે.



સો વાતની એક વાત. બચ્ચેલોગ અને બડેલોગ સૌને ગમી જાય તેવી ‘રોબો’ મિસ ન કરતા.


૦૦૦