Sunday, February 28, 2016

મલ્ટિપ્લેક્સ : લિઓ-મેનિયા.... પાર્ટ ટુ?

Sandesh - Sanskaar Purti - 28 Feb 2016
મલ્ટિપ્લેક્સ 
તો કઈ ફિલ્મ આ વખતે ડંકો વગાડશે? કયો અભિનેતા બેસ્ટ એક્ટરનો એવોર્ડ તાણી જશે? જે પ્રકારની હવા બની છે તેના પરથી લાગે છે કે, બેસ્ટ એક્ટરની ટ્રોફી આ વખતે લિઓનાર્ડોના ફાળે જાય એવા ભરપૂર ચાન્સ છે. 'ધ રેવેનન્ટ' ફિલ્મ અને એમાં લિઓનાર્ડોનું પર્ફોર્મન્સ જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. જો લિઓનાર્ડો કે 'ધ ડેનિશ ગર્લ'વાળો એડી રૈડમેઈન સિવાયનો ત્રીજો કોઈ એક્ટર (મેટ ડેમન, માઈકલ ફાસબેન્ડર કે બ્રાયન ક્રેન્સ્ટનમાંથી કોઈ એક) ઓસ્કાર જીતશે તો અપસેટ થયો ગણાશે.

કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયું છે. અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં આજે રવિવારે સાંજે ઓસ્કર એવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત થશે અને અહીં ભારતમાં શોખીનો ટીવી પર એનું લાઈવ ટેલિકાસ્ટ જોવા ટીવી સામે ગોઠવાઈ જશે ત્યારે આવતી કાલના સવારના એટલે કે સોમવારના સાડાપાંચ વાગ્યા હશે. ભલે પ્રસંગોપાત વિવાદો જાગતા રહે,પણ સમગ્રપણે ઓસ્કાર અવોર્ડ્ઝે પોતાનો ચાર્મ સતત જાળવી રાખ્યો છે એ તો કબૂલવું પડે.
તો કઈ ફિલ્મ આ વખતે ડંકો વગાડશે? કયો અભિનેતા બેસ્ટ એક્ટરનો એવોર્ડ તાણી જશે? શ્રેષ્ઠ અભિનેતાની રેસમાં આ વખતે બે એક્ટર સૌથી આગળ છે - લિઓનાર્ડો ડિકેપ્રિયો ('ધ રેવેનન્ટ') અને એડી રેડમેઈન ('ધ ડેનિશ ગર્લ'). એડી રેડમેઈન અને એની ફિલ્મ વિશે આપણે આ જ જગ્યાએ અગાઉ વાત કરી ચૂકયા છીએ ('સંસ્કાર' પૂર્તિ, ૨૪ જાન્યુઆરી ૨૦૧૬). આજે લિઓનાર્ડો ડિકેપ્રિયોનો વારો. જે પ્રકારની હવા બની છે તેના પરથી લાગે છે કે, બેસ્ટ એક્ટરની ટ્રોફી આ વખતે લિઓનાર્ડોના ફાળે જાય એવા ભરપૂર ચાન્સ છે. 'ધ રેવેનન્ટ' ફિલ્મ અને એમાં લિઓનાર્ડોનું પર્ફોર્મન્સ જોઈને દુનિયા દંગ થઈ ગઈ છે. ભારતમાં આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ. જો લિઓનાર્ડો અને એડી સિવાયનો ત્રીજો કોઈ એક્ટર (મેટ ડેમન, માઈકલ ફાસબેન્ડર કે બ્રાયન ક્રેન્સ્ટનમાંથી કોઈ એક) ઓસ્કાર જીતશે તો અપસેટ થયો ગણાશે.
૪૨ વર્ષના લિઓનાર્ડો ડિકેપ્રિયોને અત્યાર સુધીમાં પાંચ-પાંચ વખત ઓસ્કર નોમિનેશન મળી ચૂકયાં છે - 'વોટ્સ ઈટીંગ ગિલ્બર્ટ ગ્રેપ' (૧૯૯૩, બેસ્ટ સપોર્ટિંગ એકટર), 'ધ એવિએટર' (૨૦૦૫), 'બ્લડ ડાયમન્ડ' (૨૦૦૭) અને 'ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ' (૨૦૧૪). અભિનય માટેના આ ચારેય નોમિનેશન એ હારી ગયો હતો. 'ધ વુલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ'નો એ પ્રોડયુસર પણ હતો. આ ફિલ્મે જો બેસ્ટ પિકચરનો એવોર્ડ જીતી લીધો હોત તો કમસે કમ નિર્માતા તરીકે એના નામે એક ઓસ્કાર બોલતો હોત. કમનસીબે આ કેટેગરીમાં પણ એ હારી ગયો. આથી હોલિવૂડમાં લિઓનાર્ડોના નામે કેટલીય જોક પ્રચલિત થઈ છે. જેમ કે એક રમૂજ એવી છે કે, લિઓનોર્ડોને આ ભવમાં તો ઓસ્કાર મળે એવું લાગતું નથી. હા, પચાસેક વર્ષ પછી કદાચ કોઈ લિઓનાર્ડોના જીવન પર ફિલ્મ બનાવે તો, એનું પાત્ર ભજવનાર એક્ટર ઓસ્કાર જીતી જાય તે શકય છે! બીજી રમૂજ એવી છે કે, માણસ ગમે તેવી નિરાશા પછીય પોતાનો જુસ્સો ટકાવી રાખીને જીવનમાં આગળ વધી શકે છે. કેમ, લિઓનાર્ડો દર વખતે ઓસ્કાર હારી જવા છતાંય કામ કરતો જ રહે છે ને!
ઓસ્કાર મળે કે જીતે, લિઓનાર્ડો આજે દુનિયાના સૌથી ટેલેન્ટેડ અને સૌથી ભરોસાપાત્ર એક્ટરોમાંનો એક ગણાય છે તે પણ કંઈ નાનીસૂની સિદ્ધિ થોડી છે. લિઓનાર્ડોનો જન્મ જ હોલિવૂડના પિયર ગણાતા લોસ એન્જલસ શહેરમાં થયો છે. એના પપ્પા કોમિક્સની ચોપડીઓ છાપીને વેચતા. લિઓનાર્ડો હજુ પેટમાં હતો ત્યારે એનાં જર્મન મમ્મી એક વાર આર્ટ મ્યુઝિયમમાં વિખ્યાત ચિત્રકાર લિઓનાર્ડો દ વિન્ચીનું પેઈન્ટિંગ જોઈ રહૃાાં હતાં. બરાબર તે જ વખતે ગર્ભમાં રહેલાં બાળકે પહેલી વાર લાત મારી. પતિ-પત્નીએ નક્કી કર્યું કે, જો દીકરો આવશે તો એનું નામ આપણે લિઓનાર્ડો રાખીશું. એવું જ થયું.

લિઓનાર્ડો એક વર્ષનો થયો ત્યારે એમનાં મા-બાપના ડિવોર્સ થઈ ગયા. નાનકડો લિઓ મમ્મી પાસે રહ્યો. ખુદનું ને દીકરાનું ભરણપોષણ કરવા માઁ જાતજાતની નોકરીઓ કરતી. લોસ એન્જલસના પછાત વિસ્તારમાં ગુંડા-મવાલી અને ગંજેરીઓથી છલકાતા પાડોશમાં લિઓનું બાળપણ વીત્યું. લિઓ ભલે પિતા સાથે એક છત નીચે ન રહ્યો, પણ એને પિતાનો પ્રેમ અને હૂંફ સતત મળ્યાં છે. લિઓના ઉછેરની વાત આવે ત્યારે એનાં માતા-પિતા બધી અંગત કડવાશ ભૂલીને એકમેકને પૂરો સાથ-સહકાર આપતાં.
લિઓનાર્ડો નાનપણમાં અતિ ચંચળ અને હાઈપર એકિટવ. એના ધમપછાડા અને કૂદાકૂદ સતત ચાલતાં જ હોય. એ ત્રણ વર્ષનો હતો ત્યારે પપ્પા એને એક નાના અમથા મ્યુઝિક કોન્સર્ટમાં લઈ ગયેલા. બન્યું એવું કે સાજિંદાઓને આવતા વાર લાગી. ઓડિયન્સ અકળાવા લાગ્યું. ટાબરિયા લિઓને શું સૂઝ્યું કે એ સ્ટેજ પર ચડીને માંડયો ટેપ-ડાન્સ કરવા. ઓડિયન્સને મજા આવી ગઈ. ઘરે મહેમાનો આવે ત્યારે લિઓ એમની વાત કરવાની સ્ટાઈલ અને ચાલઢાલનું નિરીક્ષણ કરે અને જેવા એ જાય એટલે એમની અદ્દલ નકલ કરીને મમ્મી-પપ્પાને ખૂબ હસાવે. પુત્રનાં લક્ષણ પારણામાંથી! મા-બાપ કળી ગયાં કે નક્કી આ છોકરો મોટો થઈને પર્ફોર્મર બનવાનો.
પાંચ વર્ષની ઉંમરે એણે એક ટીવી સિરિયલમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પહેલી વાર એકિટંગ કરી હતી, પણ સેટ પર એવા ઉધામા મચાવ્યા કે ડિરેક્ટરે એને કાઢી મૂકવો પડયો! લિઓનો સાવકો ભાઈ ટીવીની એડમાં કામ કરતો, એટલે એનાં પગલે એણે પણ ૧૪ વર્ષની ઉંમરે એક ટીવી એડમાં પહેલી વાર કામ કર્યું. પછી તો એણે ખૂબ બધી એડ અને એજ્યુકેશનલ ફિલ્મ્સમાં કામ કર્યું. એ મમ્મી-પપ્પા સામે રીતસર જીદ કરતોઃ ફલાણી જગ્યાએ ઓડિશન લેવાય છે, મને ત્યાં લઈ જાઓ, મારેય ઓડિશન આપવું છે! એમાંય આર્થિક તંગી વચ્ચે ઉછરેલા લિઓને જ્યારે ખબર પડી કે ઓડિશનમાં પાસ થઈ જઈએ અને કેમેરા સામે પર્ફોર્મ કરવાનો ચાન્સ મળે તો આ લોકો પૈસા પણ આપે છે.
એને ઓર મજા આવી ગઈ. એણે નાનપણમાં જ નક્કી કરી નાંખ્યું હતું કે, મોટા થઈને કરવું તો આ જ કામ કરવું. આમાં મજાય આવે ને ઉપરથી પૈસા પણ મળે!

એની પહેલી ફિલ્મ હતી 'ક્રિટર્સ-થ્રી'. આ સાય-ફાય હોરર ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એની ઉંમર માંડ પંદર વર્ષ હતી. લિઓ નસીબનો બળિયો ખરો. રોબર્ટ દ નીરો ની 'ધિસ બોય્ઝ લાઈફ' નામની ફિલ્મમાં એક બેઘર છોકરાના રોલ માટે સારા ટીનેજરની જરૂર હતી. ચારસો જેટલા છોકરાઓએ ઓડિશન આપેલંુ. આમાંથી ખુદ રોબર્ટ દ નીરો જેવા મહાન એક્ટરે લિઓને પસંદ કર્યો. ફિલ્મ ૧૯૯૨માં રિલીઝ થઈ. લિઓનાર્ડોની કરીઅરની આ પહેલી મહત્ત્વની ફિલ્મ.
ફિર કયા થા. લિઓનાર્ડો ડિકેપ્રિયો કી ગાડી ચલ પડી. એ કહે છે, 'મારાં મમ્મી-પપ્પાએ મારા પર કયારેય કોઈ વાતનું દબાણ કર્યું નથી. બલકે તેઓ મને હંમેશાં એવો અહેસાસ કરાવતા કે બેટા, તું જે કોઈ સપનાં જુએ છે તેમાંનું કશું જ તારાં ગજા બહારનું નથી,તું જે કંઈ વિચારે છે તે બધંુ જ ખરેખર થઈ શકે તેમ છે. આજે હું વિચારું છું ત્યારે લાગે છે કે આમ હું ભલે છૂટાછેડા લીધેલાં મા-બાપનું સંતાન ગણાઉં, પણ મને એ બન્ને તરફથી જે કક્ષાનો પ્રેમ અને પ્રોત્સાહન મળ્યાં છે એના અંશ માત્ર કેટલાય 'સો-કોલ્ડ'નોર્મલ અને પૈસાદાર પરિવારમાંથી આવતાં છોકરા-છોકરીઓને મળ્યાં હોતાં નથી.'
લિઓનાર્ડોને 'કેચ મી ઈફ યુ કેન'માં ડિરેક્ટ કરનાર સ્ટીવન સ્પીલબર્ગ કહે છે કે લિઓનાર્ડોના પપ્પા જેવો ઠરેલ અને વેલ-રેડ માણસ મેં કયાંય જોયો નથી. સિનિયર ડિકેપ્રિયોએ દીકરાને નાનપણથી એક વાત શીખવી હતી કે, ચીલાચાલુ કામ ન કરવું, લોકો જેને સેફ ગણે છે એવાં કામથી દૂર રહેવું. રિસ્ક લેવું. કશુંક નવું કરવું. એમની આ ફિલોસોફીનો લિઓનાર્ડો પર ઊંડો પ્રભાવ પડયો. ૨૩ વર્ષની ઉંમરે એણે 'ટાઈટેનિક'ની પાગલ કરી મૂકે એવી પ્રચંડ સફળતા જોઈ. બીજો કોઈ હોય તો કાં તો છકી ગયો હોત અથવા ટિપિકલ બ્લોકબસ્ટર ફિલ્મો ધડાધડ સાઈન કરવા માંડયો હોત. એને બદલે લિઓનાર્ડો 'ટાઈટેનિક' પછી બે વર્ષ સુધી ઘરે બેસી રહ્યોે. 'સ્ટાર વોર્સ' અને 'સ્પાઈડરમેન' જેવી ફિલ્મોની ઓફર ઠુકરાવી ને ડેની બોયેલની 'ધ બીચ' નામની ઓફબીટ ફિલ્મ પસંદ કરી. લિઓનાર્ડોએ હંમેશા તગડા ડિરેક્ટરો સાથે કામ કરવાનું પસંદ કર્યું છે. ખુદના ઓલ-ટાઈમ-ફેવરિટ માર્ટિન સ્કોેર્સેઝી સાથે એણે ચાર-ચાર ફિલ્મો કરી છે. હવે એણે 'બર્ડમેન' જેવી ગજબનાક ફિલ્મ બનાવીને ઓસ્કર જીતી જનાર અલજેન્દ્રો ઈનારીટુનો હાથ ઝાલ્યો છે. અલજેન્દ્રો એટલે 'ધ રેવેનન્ટ'ના ડિરેકટર.

રેવેનન્ટ એટલે મોતના મુખમાંથી પાછો ફરનાર માણસ. આ એક સત્યઘટના પર આધારિત સર્વાઈવલ ફિલ્મ છે. ઓગણીસમી સદીના અમેરિકામાં ફરતો એક વેપારી શી રીતે પ્રકૃતિના કોપથી, જંગલી રીંછના લગભગ જીવ ખેંચી લે એવા હુમલાથી, પોતાને મરવા માટે એકલો મૂકીને, નાસી ગયેલા સાથીઓના છળથી ગમે તેમ બચીને જીવતો પાછો આવે છે એની રૃંવાંડાં ઊભા કરી દે એવી વાત આ ફિલ્મમાં છે. 'ધ રેવેનન્ટ' અત્યંત કઠિન પરિસ્થિતિમાં અને વિષમ વાતાવરણમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મમાં કેટલાય ભયંકર જોખમી સીન લિઓનાર્ડોએ ડુપ્લિકેટની મદદ લીધા વિના જાતે કર્યા છે. ફિલ્મમાં લિઓનાર્ડો સાથે કામ કરનાર ટોમ હાર્ડી નામનો બ્રિટિશ એક્ટર કહે છે, 'લિઓના મોઢે તમને કયારેય કોઈ વાતની ફરિયાદ સાંભળવા નહીં મળે. એ પોતાની જાતને રોલમાં રીતસર હોમી દે છે, એટલું જ નહીં, પોતાની આસપાસના લોકો પણ એ કક્ષાની નિષ્ઠા તેમજ કૌવત દેખાડી શકે એવો માહોલ પેદા કરે છે. ગજબનો પરફેક્શનિસ્ટ માણસ છે આ. જ્યાં સુધી એ શ્રેષ્ઠતાના ઊંચામાં ઊચાં સ્તર સુધી પહોંચશે નહીં, ત્યાં સુધી જંપીને બેસશે નહીં.'
'ટાઈટેનિક' રિલીઝ થઈ પછી દુનિયાભરમાં લિઓનાર્ડોનો એવો ક્રેઝ ફાટી નીકળ્યો હતો કે, મીડિયાએ 'લિઓ-મેનિયા' નામનો નવો શબ્દ કોઈન કરવો પડયો હતો. 'ધ રેવેનન્ટ'ની ગજબનાક અદાકારી બદલ એને જો બેસ્ટ એક્ટરનો ઓસ્કાર મળશે તો એક નવા પ્રકારનો લિઓ-મેનિયા પેદા થયા વગર રહેશે નહીં. વેલ, લિઓનાર્ડોને પાંચ-પાંચ વાર હાથતાળી આપનાર ઓસ્કાર આ વખતે તાબે થાય છે કે નહીં એનો જવાબ આપણને થોડી કલાકોમાં મળી જવાનો છે. કાઉન્ટડાઉન હેઝ ઓલરેડી બિગન!
 શો સ્ટોપર

'ધ રિવોલ્યુશનરી રોડ'માં મારે અને લિઓનાર્ડોએ સેક્સ સીન કરવાનો હતો. ડિરક્ટર મારો હસબન્ડ સેમ મેન્ડીસ હતો. કેમેરા શરૂ કરતાં પહેલાં મેં બન્નેને બોલાવીને કહ્યું કે લૂક, મને બહુ વિચિત્ર લાગી રહ્યું છે. તમે બન્ને ઠીક તો છો ને? બન્નેએ કહૃાું, ઓહ યેસ,વી આર ફાઈન. એમની આવી પ્રતિક્રિયા મને ઓર વિચિત્ર લાગી!
- કેટ વિન્સલેટ ('ટાઈટેનિક'ની હીરોઈન)
તાજા કલમઃ લિઓનાર્ડો 'ધ રેવેનન્ટ' માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી ગયો. ફાયનલી. 

Thursday, February 25, 2016

એક મિડ-વે એક્ટર.... નામે હિતેનકુમાર

Sandesh - Sanskaar Purti - 14 February 2016

મલ્ટિપ્લેક્સ

હિતેનકુમાર એક બિગ-સિટી-બોય છે. અંગત વ્યવહારમાં એમની તાસીર અને સેન્સિબિલિટી મહાનવગરવાસીની છે. હંમેશા હતી. તેઓ પાક્કા બમ્બૈયા છે. બમ્બૈયા સોફિસ્ટીકેશન એમનાં આખાં વ્યકિતત્ત્વમાંથી સતત છલકાતું રહે છે. તેથી જ અગાઉનું ગુજરાતી સિનેમા અને ન્યુ વેવ ગુજરાતી સિનેમા વચ્ચે પુલ બની શકવાનું અને સફળતાપૂર્વક ક્રોસ-ઓવર કરી શકવાનું કૌવત જો કોઈમાં દેખાતું હોય તો એ હિતેનકુમાર છે.



'ચંદ્રકાંત બક્ષીએ કયાંક લખ્યું છે કે દરેક પુરુષને એક વ્યસન તો હોવું જ જોઈએ!'

આમ કહીને હિતેનકુમાર લિજ્જતથી વધુ એક સિગારેટ સળગાવે છે. તમે એમના ચહેરા પર ગિલ્ટનો ભાવ શોધવાની વ્યર્થ કોશિશ કરો છો. 'બહુ કોશિશ કરી છોડવાની,' તેઓ ઉમેરે છે, 'પણ હજુ સુધી તો છૂટી નથી!'
અગાઉનું ગુજરાતી સિનેમા અને ૨૦૧૨ પછીનું ન્યુ વેવ ગુજરાતી સિનેમા એવા બે સ્પષ્ટ ભાગ પાડવામાં આવે તો હિતેનકુમાર ટેકિનકલી અગાઉના ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર ગણાય. તેઓ'અગાઉના' ખરા પણ પાઘડી-ચોરણી- કેડિયાધારી સુપરસ્ટાર નહીં. હિતેનકુમારનાં કિરદાર સ્ક્રીન પર જીન્સ-ટીશર્ટ પહેરે છે અને પ્રમાણમાં ઠીક ઠીક સહજ કહી શકાય એવી સારી ગુજરાતી ભાષા બોલે છે. 'મારી પહેલી સ્ટ્રગલ જ એ હતી કે ગુજરાતી હીરો ચોરણી-કેડિયું કાઢીને પેન્ટ-શર્ટ પહેરતો થાય,' તેઓ કહે છે. અલબત્ત, સ્ટાઈલિશ મલ્ટિપ્લેકસમાં 'છેલ્લો દિવસ' કે 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' કે 'બે યાર' જેવી નવી ગુજરાતી ફિલ્મને ભરપૂર એન્જોય કરી રહેલા અને ઈન્ટરવલમાં સ્માર્ટફોન પર મેસેજીસ ચેક કરતાં કરતાં કાઉન્ટર પરથી પોપકોર્ન અને પેપ્સી ખરીદતા ગુજરાતી પ્રેક્ષક સાથે કદાચ હિતેનકુમારનું ખાસ સંધાન થયું નથી. કમસે કમ, હજુ સુધી તો નહીં. પણ કદાચ આ જ એક રસપ્રદ અને ઉત્સુકતા પેદા કરે તેવી સ્થિતિ છે. અગાઉનું ગુજરાતી સિનેમા અને ન્યુ વેવ ગુજરાતી સિનેમા વચ્ચે પુલ બની શકવાનું અને સફળતાપૂર્વક ક્રોસ-ઓવર કરી શકવાનું કૌવત જો કોઈમાં દેખાતું હોય તો એ હિતેનકુમાર છે.
એનું કારણ છે. હિતેનકુમાર એક બિગ-સિટી-બોય છે. અંગત વ્યવહારમાં એમની તાસીર અને સેન્સિબિલિટી મહાનવગરવાસીની છે. હંમેશા હતી. તેઓ પાક્કા બમ્બૈયા છે. બમ્બૈયા સોફિસ્ટીકેશન એમનાં આખાં વ્યકિતત્ત્વમાંથી સતત છલકાતું રહે છે. ગુજરાત એમની કર્મભૂમિ છે, ગુજરાતમાં તેમણે બંગલો પણ લઈ રાખ્યો છે, પણ મુંબઈને તેઓ છોડી શકતા નથી. એમનો આ જ મિજાજ સંભવતઃ એમને આવનારાં વર્ષોમાં ન્યુ વેવ ગુજરાતી સિનેમાના એક મહત્ત્વના ખેલાડી બનાવી શકે તેમ છે. આજકાલ તેઓ ખૂબ બિઝી-બિઝી છે કેમ કે 26 ફેબ્રુઆરીએ એમની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે - 'પ્રેમરંગ'.
'છેલ્લાં ત્રણેક વર્ષથી 'અર્બન ગુજરાતી સિનેમા' એવો શબ્દપ્રયોગ સતત થઈ રહૃાો છે,' મુંબઈમાં જોગેશ્વરી સ્થિત પોતાની ઓફિસમાં સતત આવતા-જતા મુલાકાતીઓની વચ્ચે હિતેનકુમાર વાતચીતનો દોર આગળ વધારે છે, 'પણ તમે જાણો છો કે આપણે જેને અર્બન ઓડિયન્સ કહીએ છીએ એ ગુજરાતી ફિલ્મોના કુલ ઓડિયન્સના માત્ર ૨૦ ટકા ભાગ રોકે છે? શહેરથી માત્ર સોળ ક્લિોમીટરના અંતરે આવેલા ગામડાના ઓડિયન્સને અર્બન ગુજરાતી સિનેમા નામની ઘટના સ્પર્શી શકતી નથી! આપણે શા માટે ગુજરાતી ફિલ્મો જોતાં એ ૮૦ ટકા પ્રેક્ષકોને અવગણવા જોઈએ કે ગુમાવવા જોઈએ? '


હિતેનકુમારના ઘેરા અને રણકતા અવાજમાં એક સ્પર્શી શકાય તેવી હૂંફ છે. તેઓ આગળ વધે છે, 'અર્બન અને નોન-અર્બન એવા ભાગલા માત્ર આપણે ત્યાં જ પડયા છે. તમે અર્બન મરાઠી ફિલ્મ કે અર્બન બંગાળી ફિલ્મ કે અર્બન તેલુગુ ફિલ્મ એવું કયારેય સાંભળ્યું છે? ફિલ્મ એ ફિલ્મ છે જે સમગ્ર પ્રજા માટે છે. 'લગાન' એક ઓસ્કર કક્ષાની ફિલ્મ છે, જેનું લોકાલ ગામડું હતું. પ્રિયદર્શન જેવો સફળ ફિલ્મમેકર 'વિરાસત' અને 'માલામાલ વીકલી' જેવી સ્માર્ટ ફિલ્મો બનાવે છે, જેનું લોકાલ પણ ગામડું છે, પણ આ ફિલ્મોની સ્ક્રિપ્ટ, પ્રોડકશન વેલ્યુ, ગીત-સંગીત અને આખો અપ્રોચ એવાં છે જે સૌને એકસરખાં અપીલ કરે. મને લાગે છે કે ગુજરાતી ફિલ્મો એવી બનવી જોઈએ જે ધ્રાંગધ્રાના ઓડિયન્સને પણ ગમે અને અમદાવાદ તેમજ બોસ્ટનના એનઆરઆઈ પ્રેક્ષકોને પણ અપીલ કરે. પ્રોડયુસરે કમાવું પડશે. જો એ કમાશે નહીં તો એક-બે ફિલ્મ બનાવીને અટકી જશે.'
હિતેનકુમારની ભાષાશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિ તરત ધ્યાન ખેંચે છે. એનું કારણ કદાચ એ છે કે ટૂંકા ગાળા માટે ગુજરાતી પત્રકારત્વ કરી ચુકેલી હિતેનકુમાર એક અદાકાર તરીકે મુંબઈની મેઈનસ્ટ્રીમ ગુજરાતી રંગભૂમિનું ફરજંદ છે. કદાચ એટલે જે બેનરના તેઓ'ક્રિએટિવ કેપ્ટન' છે તેનું નામ પ્લેઈંગ ડ્રામા એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એવું રાખ્યું છે.
'પણ આપણી થિયેટર સરકિટમાં મારી છાપ એવી પડી ગયેલી કે હિતેન એકિટંગ કરતો હશે તો નાટક ગમે તેટલું સારું હશે તોય ૯૦, ૯૫, ૯૬ શો પર અટકી જશે... તે ૧૦૦ શો પૂરા તો નહીં જ કરે!' હિતેનકુમાર હસી પડે છે, '૧૯૯૭માં મને 'ઊંચી મેડીના ઊંચા મોલ' નામની ફિલ્મમાં વિલનનો રોલ કરવાની તક મળી. તે વખતે ઈન્ડસ્ટ્રી લગભગ મૃતઃપ્રાય થઈ ગઈ હતી. મેં બાર-તેર દિવસ શૂટ કર્યું હશે. આ ફિલ્મે તે જમાનામાં એક કરોડનો બિઝનેસ કર્યો. એક વર્ષ પછી ગોવિંદ પટેલે મને 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા' ફિલ્મમાં મને હીરોનો રોલ ઓફર કર્યો. સવારે દસ વાગ્યે મુહૂર્ત હતું અને પોણા દસ સુધી હું નક્કી નહોતો કરી શકતો કે આ ફિલ્મ કરવી કે નહીં. છેક છેલ્લી ઘડીએ તૈયાર થયો. આ ફિલ્મ સુપરડુપર હિટ થઈ. વીસ કરોડનો બિઝનેસ કર્યો. મુંબઈમાં પણ આ ફિલ્મ સરસ ચાલી હતી. ૨૦૦૧માં જશવંત ગાંગાણીની 'મૈયરમાં મનડું નથી લાગતું' આવી. આ ફિલ્મે બાર કરોડનો ધંધો કર્યો. ઈવન સૂરજ બડજાત્યાએ આ ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા હતા.'
... અને આમ, ગુજરાતી રંગભૂમિ પર બુંદિયાળ ગણાતો હિતેન નામનો એ જુવાનિયો ગુજરાતી ફિલ્મો માટે લકી મેસ્કોટ બની ગયો. આ ઓગણીસ વર્ષમાં તેમણે કરેલી ફિલ્મો ૧૧૧ના આંકડાને સ્પર્શી ગયો છે. જોકે આ સફર એકધારી આનંદદાયક પૂરવાર થઈ નથી. દર ત્રણ-ચાર વર્ષે ગુજરાતી સિનેમાની ગતિવિધિઓને લીધે તેઓ લગભગ ડિપ્રેશન જેવી માનસિક અવસ્થામાં ધકેલાઈ જતા. સરકારની સબસિડી હડપી જવાના ઈરાદાથી ફકત પાંચ લાખ રુપિયામાં આખી ફિલ્મ બનાવી નાખનારા લેભાગુઓ ફૂટી નીકળ્યા હતા. બાર દિવસમાં તો આખી ફિલ્મ બની જાય! આખા ગુજરાતને બદલે સૌરાષ્ટ્ર, પંચમહાલ એમ જુદા જુદા ટુકડાઓને ધ્યાનમાં લઈને ફિલ્મો બનાવવાનો ચાલ પણ શરુ થઈ ગયો હતો. આ બધું તકલીફદેહ હતું, પણ હિતેનકુમાર આ બધાની વચ્ચે પોતાનાં પાત્રોમાં બને એટલું વૈવિધ્ય લાવતા રહૃાા.
 'હું 'જન્મદાતા'માં સાઠ વર્ષનો વૃદ્ધ બન્યો હતો. બાર-પંદર ફિલ્મોમાં મારી હિરોઈન રહી ચુકેલી મોના થીબાનો હું આ ફિલ્મમાં બાપ બન્યો હતો અને હિતુ કનોડિયા, જે મારા કન્ટેમ્પરરી એકટર ગણાય, એમનો હું સસરો બન્યો હતો. લોકોએ આને આત્મઘાતી પગલું ગણાવ્યું. કહેનારાઓએ તો એવુંય કહ્યું કે મારી કરીઅર હવે ખતમ થઈ જવાની. સદભાગ્યે ઓડિયન્સે મારું આ રુપ સ્વીકાર્યું. હીરોગીરીથી કંટાળ્યો છું ત્યારે ખલનાયક પણ બન્યો છું. ૨૦૧૧માં 'ચાર' નામની ફિલ્મ કરી જે સાવ શરુઆતની ગણીગાંઠી અર્બન ગુજરાતી ફિલ્મોમાંની એક હતી. પીપલ લવ્ડ ઈટ. જોકે શહેરી ઓડિયન્સ સુધી તે જોઈએ એવી પહોંચી શકી નહીં.'


ગુજરાતી સિનેમાને ભરપૂર ઉત્તેજન મળે એને તેની દિશા અને દશા પલટી નાખે એવી નક્કર પોલિસી તાજેતરમાં ગુજરાત સરકારે ઈન્ટ્રોડયુસ કરી છે. નવી બનનારી ગુજરાતી ફિલ્મોને એ, બી, સી અને ડી એમ ચાર ગ્રેડ પ્રમાણે વહેંચી નાખીને અનુક્રમે પચાસ લાખ, પચ્ચીસ લાખ, દસ લાખ અને પાંચ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
'ઈટ્સ અ બ્રિલિયન્ટ મૂવ,' હિતેનકુમાર કહે છે, 'બહુ જ સમજીવિચારીને, નાનું છિદ્ર પણ ન શોધી શકાય એવી જડબેસલાક પોલિસી સરકારે બનાવી છે. હવે ક્રિયેટિવ ટેલેન્ટ્સ આગળ આવશે. ધારો કે કોઈએ વીનેશ અંતાણીની 'પ્રિયજન' નવલકથા પરથી ફિલ્મ બનાવવી હોય તો એ હિંમત કરી શકશે. 'શ્વાસ' જેવી મરાઠી ફિલ્મ (જે ૨૦૦૪માં ઓસ્કર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી હતી) માત્ર બાવીસ લાખમાં બની હતી. હવે કોર્પોરેટ્સ અને બોલિવૂડના પ્રોડયુસરો પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ આકર્ષાશે. આ ઘટના જરુરી હતી. બસ, ગ્રેડ નક્કી કરનારી કમિટી નિષ્પક્ષ રહેવી જોઈએ.'
'ઘટના' હિતેનકુમારનો પ્રિય શબ્દ છે. એમની વાતોમાં તે સતત પુનરુકિત પામ્યા કરે છે.
'એક સમયે આપણે ત્યાં પાંચસો જેટલા સિંગલ સ્ક્રીન થિયેટર હતા જે આજે માંડ સો જેટલાં બચ્યાં છે,' હિતેનકુમાર સમાપન કરે છે, 'નવી ગતિવિધિઓમાં સિંગલ સ્ક્રીન થિયેટરોનું વધારે દુર્લક્ષ ન થવું જોઈએ. નવા જનતા થિયેટર પ્રકારના સોંઘા થિયેટરો ગુજરાતભરમાં ઊભા થવાં જોઈએ કે જ્યાં સ્વચ્છતા હોય, સુવિધા હોય અને જે વ્યવસ્થિતપણે મેન્ટેઈન થતાં હોય. સારા કન્ટેન્ટવાળી ફિલ્મોની સાથે જો આ ઘટના પણ બને તો ગુજરાતી સિનેઉદ્યોગના વિકાસને પુષ્કળ વેગ મળશે તે નિશ્ચિત છે.'
હિતેનકુમારની પોતાની આગામી ફિલ્મ 'પ્રેમરંગ' એક નાજુક લવસ્ટોરી છે. ચાંદની ચોપડા અને પરી તેમની નાયિકાઓ છે. રફિક પઠાણે ડિરેકટ કરેલી આ ફિલ્મને હિતેનકુમાર મિડ-વે સિનેમા તરીકે ઓળખાવે છે. 'પ્રેમરંગ' નવી અને જૂની ગુજરાતી સિનેમેટિક સેન્સિબિલિટી વચ્ચે નક્કર બ્રિજનું કામ કરી શકે તો સારું જ છે. હિતેનકુમારની આગામી ફિલ્મો પાસેથી આ અપેક્ષા હંમેશાં રહેવાની.
શો-સ્ટોપર

કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા
કહીં જમીં તો કહીં આસમાં નહીં મિલતા
- સ્વ. નિદા ફાઝલી (ફિલ્મ 'આહિસ્તા આહિસ્તા')

Saturday, February 6, 2016

મલ્ટિપ્લેક્સ : બડી ચોટ ખાઈ... જવાની પે રોએ

Sandesh - Ardh Saptahik Purti - 7 Feb 2016
મલ્ટિપ્લેક્સ 
'જિંદગીમાં મને ખૂબ દુખ મળ્યું છે અને થોડી ઘણી સુખની ક્ષણો પણ મળી છે. જો જમા-ઉધારનો તાળો મેળવવામાં આવે તો સિલકમાં મને કડવાશ વધારે દેખાય છે. આ કડવાશને મેં બળપૂર્વક દિલના કોઈ ખૂણે ભંડારી દીધી છે, કેમ કે જો એ બહાર આવે તો એની વેદના અસહૃા બની જાય. એ વાત સાચી છે કે જિંદગીના દરેક અનુભવમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, પણ કોઈક અનુભવ એટલી હદે પીડાદાયી હોય છે કે એના આઘાતમાંથી કયારેય બહાર આવી શકાતું નથી.'

ધુબાલાને જો વેન્ટ્રીકયુલર સેપ્ટલ ડિફેકટ નામની બીમારી ન હોત અને જો એમની કુંડળીમાં દીર્ઘ આયુષ્ય લખાયું હોત તો ૧૪ ફેબ્રુઆરીએ તેઓ ૮૩ વર્ષ પૂરાં કરીને ૮૪મા વર્ષમાં પ્રવેશ કરત. મધુબાલાનો મૃત્યુદિન પણ આ જ મહિનામાં આવે છે - ૨૩ ફેબ્રુઆરી. દર પાંચસોમાંથી એક બાળક વેન્ટ્રીકયુલર સેપ્ટલ ડિફેકટ સાથે, અથવા સાદી ભાષામાં કહીએ તો, હ્ય્દયમાં છિદ્ર સાથે જન્મતું હોય છે. આ સ્થિતિમાં શરીરમાં શુદ્ધ અને અશુદ્ધ લોહીની ભેળસેળ થતી રહે છે. જો યોગ્ય સમયે યોગ્ય ઉપચાર ન થાય તો આ સ્થિતિ ઘાતક નીવડી શકે છે. આજે તો બાળક સાવ નાનું હોય ત્યારે જ સર્જરી કરીને હ્ય્દયનું છિદ્ર પૂરી નાખવામાં આવે છે, પણ મધુબાલા નાનાં હતાં ત્યારે આવી કોઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નહોતી. તેઓ આ બીમારી સાથે મોટાં થતાં ગયાં અને કામ કરતાં રહૃાાં. પરિવારના સભ્યો સિવાય બહુ ઓછા લોકોને આ બીમારી વિશે ખબર હતી. ૧૯૫૪માં 'બહુત દિન હુએ' નામની ફિલ્મના શૂટિંગ દરમિયાન ૨૧ વર્ષીય મધુબાલાને સેટ પર લોહીની ઉલટી થઈ ત્યારે દુનિયાને પહેલી વાર જાણ થઈ કે સ્ક્રીન પર હસતી-ગાતી રહેતી આ સુપર હિરોઈનની તબિયત કેટલી નાજુક છે.
માત્ર શરીર જ નહીં, મધુબાલાનું અંગત પણ તંદુરસ્ત નહોતું રહી શકયું. નવ વર્ષના પ્રેમસંબંધ બાદ દિલીપકુમાર સાથે બ્રેક-અપ થતાં જ આ સંબંધ ખરેખર શા માટે તૂટયો તે વિશેની જાતજાતની થિયરીઓ વહેતી થઈ હતી. મોટા ભાગની થિયરીઓમાં મધુબાલાના અતિ રુઢિચુસ્ત પિતા અતાઉલ્લા ખાન વિલન તરીકે ઊભરતા હતા. દીકરીને તેમણે નાનપણથી અત્યંત કડક ચોકીપહેરા હેઠળ રાખી હતી. ઘરથી શૂટિંગ અને શૂટિંગથી સીધા ઘર. કામ સિવાય બીજી કોઈ વાત નહીં. ફિલ્મી પાર્ટીઓ કે ઈવેન્ટ્સ અટેન્ડ કરવાની નહીં. કોઈના ઘરે જવાનું નહીં. કોઈને ઘરે બોલાવવાના નહીં. મધુબાલાની ફી નક્કી કરવી, આ પૈસાના કયાં ઈન્વેસ્ટ કરવા, કયાં વાપરવા આ સઘળું અતાઉલ્લા ખાન નક્કી કરતા. તેમણે ખુદ પ્રોડકશન કંપની શરુ કરેલી. મધુબાલાના પૈસે એમણે જે થોડીઘણી ફિલ્મો પ્રોડયુસ કરેલી તે સઘળી ફ્લોપ થતાં પુષ્કળ નુકસાન સહેવું પડયું હતું.
કહે છે કે અતાઉલ્લા ખાન નહોતા ઈચ્છતા કે દિલીપકુમાર એમના જમાઈ બને. જોકે આ વાતનો રદીયો ખુદ દિલીપકુમારે આપ્યો હતો. એમણે કહેલું, 'અતાઉલ્લા ખાનની પોતાની પ્રોડકશન કંપની હતી. હું એમની દીકરી સાથે લગ્ન કરું એની સામે એમને શા માટે વિરોધ હોય. એમના માટે તો આ સારી બિઝનેસ ડીલ હતી. મધુબાલા અને દિલીપકુમાર જેવા ટોચનાં સ્ટાર્સ ઘરમાં જ હોય એટલે એ તો જિંદગીભર એમના માટે કામ કરતાં રહેવાનાં.'
અતાઉલ્લા ખાને દિલીપકુમારને કહેલું કે જો તમે મારી સાથે એક એકટર તરીકે પ્રોફેશનલ કોન્ટ્રેકટ કરો તો જ હું મારી દીકરીને તમારી સાથે પરણાવવા રાજી થાઉં. કોન્ટ્રેકટની વાતથી દિલીપકુમાર સર્તક થઈ ગયા. એક જગ્યાએ એમણે કહ્યું છે, 'હું દૂરનું ભવિષ્ય જોઈ શકતો હતો. આ કોન્ટ્રેકટ કરવાથી ભવિષ્યમાં એવી સ્થિતિ પેદા થઈ શકે તેમ હતી કે મારી ઈચ્છા ન હોય તો ય ધરાર અતાઉલ્લા ખાનની ફિલ્મોમાં કામ કરવું પડે. આટલી મહેનત અને નિષ્ઠાથી જે કરીઅર બનાવી છે તેની લગામ હું બીજા કોઈના હાથમાં કેવી રીતે સોંપી દઉં? આખરે મેં મધુબાલા સાથે લગ્ન ન કરવાનું મુનાસિબ માન્યું.'
મધુબાલા-દિલીપકુમારના કથળી રહેલા પ્રેમસંબંધ પર હંમેશ માટે પૂર્ણવિરામ મૂકવામાં 'નયા દૌર' ફિલ્મ નિમિત્ત બની હતી. 'નયા દૌર'માં અગાઉ મધુબાલાને સાઈન કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં એમણે શૂટિંગ કરવાનું પણ શરુ કરી દીધું હતું, પણ ગરબડ ત્યારે થઈ જ્યારે શૂટિંગ માટે ગ્વાલિયર નજીકના કોઈ લોકેશન પર જવાની વાત આવી. મારી દીકરી મુંબઈની બહાર શૂટિંગ નહીં કરે એવો અતાઉલ્લા ખાનનો હંમેશા આગ્રહ રહેતો. આથી આઉટડોર શૂટિંગની વાતથી તેઓ ભડકયા. મધુબાલાની જગ્યાએ વૈજયંતિમાલાને રિપ્લેસ કરવામાં આવ્યાં. મધુબાલાવાળાં દશ્યોનું શૂટિંગ નવેસરથી કરવું પડયું હોવાથી પ્રોડયુસર-ડિરકેટર બી.આર. ચોપડાને ઘણું નુકસાન ગયું. બાપ-દીકરી સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો. કેસની કાર્યવાહી દરમિયાન દિલીપકુમારે પ્રોડયુસરની તરફેણ કરી અને બાપ-દીકરી વિરુદ્ધ જુબાની આપી. અતાઉલ્લા ખાને મધુબાલાને ટોણા મારવાનું શરુ કર્યું: દિલીપકુમાર તને પ્રેમ કરે છે, એમ? તો પછી તારી વિરુદ્ધ કોર્ટમાં જુબાની શું કામ આપી?
with Dilip Kumar in Mughal-e-Azam

મધુબાલા-દિલીપકુમારનો સંબંધવિચ્છેદ થયો ત્યારે 'મુગલ-એ-આઝમ'નું શૂટિંગ હજુ પૂરું થયું નહોતું. શહેજાદા સલીમ અત્યંત કુમાશથી પ્રેમિકા અનારકલીના ગાલ પર મોરનું પીછું ફેરવે છે તે અવિસ્મરણીય રોમેન્ટિક સીન ભજવાયો ત્યારે મધુબાલા અને દિલીપકુમાર ઓલરેડી એકબીજા માટે અજનબી થઈ ચુકયાં હતાં.
આખું હિંદુસ્તાન મધુબાલા પાછળ પાગલ હતું, પણ મધુબાલાએ અંગત જીવનમાં બહુ ઓછું સુખ જોયું. એક ઈન્ટરવ્યુમાં એમણે કહેલું, 'જિંદગીમાં મને ખૂબ દુખ મળ્યું છે અને થોડી ઘણી સુખની ક્ષણો પણ મળી છે. જો જમા-ઉધારનો તાળો મેળવવામાં આવે તો સિલકમાં મને કડવાશ વધારે દેખાય છે. આ કડવાશને મેં બળપૂર્વક દિલના કોઈ ખૂણે ભંડારી દીધી છે, કેમ કે જો એ બહાર આવે તો એની વેદના અસહૃા બની જાય. એ વાત સાચી છે કે જિંદગીના દરેક અનુભવમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે, પણ કોઈક અનુભવ એટલી હદે પીડાદાયી હોય છે કે એના આઘાતમાંથી કયારેય બહાર આવી શકાતું નથી.'
દિલીપકુમાર સાથેના સંબંધવિચ્છેદની પ્રતિક્રિયારુપે મધુબાલાએ કિશોરકુમાર સાથે સંબંધ બાંધ્યો. એમ તો ભારત ભૂષણ અને પ્રદીપકુમારે પણ પ્રપોઝ કરી જોયું હતું, પણ મધુબાલાને કિશોરકુમાર વધારે ગમ્યા. કિશોરકુમાર એને હસાવી શકતા. એમની ગાયકી પણ મધુબાલાને ખૂબ ગમતી. કિશોરકુમારનાં એકટ્રેસ-સિંગર રુમાદેવી સાથેનાં લગ્ન તૂટી ચુકયાં હતાં અને ડિવોર્સની પ્રક્રિયા શરુ થઈ ચુકી હતી. 'ચલતી કા નામ ગાડી' અને 'હાફ ટિકિટ'માં મઘુબાલા-કિશોરકુમાર હીરો-હિરોઈન હતાં. આ બે ફિલ્મોના મેકિંગ દરમિયાન તેમનો સંબંધ વિકસતો ગયો. ત્રણ વર્ષની રિલેશનશીપ બાદ ૧૯૬૦માં બન્ને પરણી ગયાં. મધુબાલા તે વખતે ૨૭ વર્ષનાં હતાં. મધુબાલાના પરિવારે કિશોરકુમારને સમજાવેલા કે અમે મધુબાલાને ઈલાજ માટે લંડન લઈ જવા માગીએ છીએ,ત્યાંથી પાછા ફરીએ ત્યાર બાદ તમે લગ્ન ગોઠવજો. કિશોરકુમાર ન માન્યા. તેઓ એક જ વાત કરતા રહૃાા કે તમે ખોટી ચિંતા કરો છો. મધુબાલા રાતી રાયણ જેવી છે. એને કંઈ નહીં થાય!
with Kishore Kumar

અલબત્ત, લગ્નના થોડા અરસા બાદ વરઘોડિયા લંડન ફરવા ગયા ત્યારે કિશોરકુમારે એક અંગ્રેજ ડોકટર પાસે પત્નીનું નિદાન જરુર કરાવ્યું. ડોકટરે સ્પષ્ટ કહી દીધું: મધુબાલા પાસે હવે ઝાઝો સમય નથી. બહુ બહુ તો બે વરસ, બસ.
લંડનથી પાછા ફર્યા બાદ કિશોરકુમાર મધુબાલાને એમના પિયર મૂકી આવ્યા. કહૃાું: 'મારે અવારનવાર બહારગામ જવાનું થાય છે. મધુબાલા ભલે તમારી પાસે રહી. મારા કરતાં તમે એનું વધારે સારી રીતે ધ્યાન રાખી શકશો.' અતાઉલ્લા ખાને કહૃાું કે ફુલટાઈમ નર્સ રાખી લો. કિશોરકુમાર તૈયાર ન થયા. મઘુબાલા મૃત્યુમર્યંત પિયરમાં જ રહૃાાં. કિશોરકુમાર બે મહિને એકાદ વાર આવીને મળી જતા. તેમનું લગ્નજીવન થોડાં જ અઠવાડિયામાં પડી ભાંગ્યું હતું. બીમાર પત્નીને હૂંફ અને સધિયારો આપવામાં કિશોરકુમાર સદંતર નિષ્ફળ નીવડયા.
આ મામલામાં પણ ઘણી થિયરીઓ સંભળાય છે. કોઈ કહે છે કે મઘુબાલા જાણતાં હતાં કે તે વધારે જીવવાનાં નથી. એ કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાનાં હતાં, પણ આમ કરતાં પહેલાં સારું ઠેકાણું જોઈને પરણી જવા માગતાં હતાં. કોઈ કહે છે કે અતાઉલ્લા ખાનને કિશોરકુમાર સામે પણ વાંધો હતો, પણ આ વખતે દીકરીનો વિરોધ કરવાની નૈતિક તાકાત એમનામાં નહોતી. કહેનારાઓ એવુંય કહે છે કે કિશોરકુમારના પરિવારે કયારેય મધુબાલાનો ખુલ્લા દિલે સ્વીકાર ન કર્યો. કિશોરકુમારના મોટા ભાઈ અશોકકુમારે એક ઈન્ટરવ્યુમાં કહેલું, 'મધુબાલાનો સ્વભાવ બીમારીને કારણે બહુ ચીડીયો થઈ ગયો હતો. તે કિશોર સાથે ઝઘડયા કરતી ને પછી રિસાઈને પિયર ચાલી જતી. લગ્ન પછીનો મોટા ભોગનો સમય એણે પિયરમાં જ પસાર કર્યો.'
મધુબાલાનાં લગ્નનાં થોડાં વર્ષ પછી દિલીપકુમારે પણ નાજુકનમણી સાયરાબાનો સાથે લગ્ન કરી લીધાં. મધુબાલા આ સમાચાર સાંભળીને શરુઆતમાં તો ઉદાસ થઈ ગયેલાં પણ પછી પોતાની બહેનોનો કહેલું, 'ઉનકે નસીબ મેં વો (સાયરાબાનો) થી, મૈં નહીં... પણ સાયરા સરસ છોકરી છે. એમના (દિલીપકુમારને) પ્રત્યે વફાદાર રહેશે અને ખુશ રાખશે. ચાલો, હું રાજી છું કે તેઓ પણ ઠરીઠામ થઈ ગયા.'

જિંદગીના અંતિમ દિવસોમાં માંદગીના બિછાને પડેલી મધુબાલા વીસીઆરમાં 'મુગલ-એ-આઝમ', 'બરસાત કી રાત', 'ચલતી કા નામ ગાડી' અને 'મહલ' જેવી પોતાની ફેવરિટ ફિલ્મો જોયાં કરતાં. એમાંય 'પ્યાર કિયા તો ડરના કયા' ગીત તો એણે કમસે કમ પાંચસો વાર જોયું હશે.
છત્રીસ વર્ષની કાચી ઉંમરે મધુબાલાનું નિધન થયું. અપાર પ્રતિભા, અપાર સફળતા, અપાર કીર્તિ, અપાર વેદના અને કસમયનું મૃત્યુ... એક લેજન્ડ બનવા માટે આના કરતાં વિશેષ બીજું શું જોઈએ!
શો-સ્ટોપર

રુલા કે ગયા સપના મેરા... બૈઠી હૂં કબ હો સવેરા....
('જ્વેલથીફ'નું ગીત જે મધુબાલાને અત્યંત પ્રિય હતું. તેમને લાગતું કે આ ગીત એમના જીવનની કહાણી કહે છે)

Wednesday, February 3, 2016

ટેક ઓફ : જીવનમાં દિવ્ય અનુભૂતિ કઈ ઉંમરે થઈ શકે?

Sandesh - Ardh Saptahik purti - 3 Feb 2016
ટેક ઓફ 
આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે? આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે?

ગળ વધતાં પહેલાં સૌથી પહેલાં તો, દિવ્ય અનુભૂતિ કે આત્મજ્ઞાાન કે એન્લાઈટન્મેન્ટ જેવું ખરેખર કશુંક હોય છે એવું આપણે સ્વીકારી લઈએ. દુન્યવી વાસ્તવની સપાટીથી ઉપર ઉઠીને પરમ ઈશ્વરીય શકિત સાથે સંધાન થવું માણસ માટે શકય છે એવી પૂર્વધારણા બાંધી લઈએ. હવે પહેલો સવાલઃ આધ્યાત્મિકતા અને ઉંમર વચ્ચે શો સંબંધ હોય છે? શું માણસ પચાસ-પંચાવન-સાઠ વર્ષની ઉંમરે સાંસારિક જવાબદારીઓમાંથી ક્રમશઃ મુકત થઈ રહૃાો હોય ત્યારે આપોઆપ આધ્યાત્મિક થવા માંડે છે? અથવા આ તબક્કે એને આધ્યાત્મિક બનવાનું વધારે ફાવે છે?
બુદ્ધને બોધિવૃક્ષની નીચે જ્ઞાાનોદય થયો હતો. કાલિભકત સ્વામી રામકૃષ્ણ પરમહંસની દિવ્ય અનુભૂતિ વિશે અનક કથા પ્રચલિત છે. આત્મજ્ઞાાનની પ્રાપ્તિ કે એન્લાઈટન્મેન્ટ થવું એ સંભવતઃ આધ્યાત્મિક સફરની ચરમ સીમા છે, અંતિમ લક્ષ્ય છે. હવે બીજો સવાલઃ દિવ્ય અનુભૂતિના સ્તરે પહોંચવા માટે કેટલાં વર્ષોની કઠિન તપસ્યા જરુરી છે? શું આ મામલામાં કોઈ 'શોર્ટ કટ' હોઈ શકે ખરો? આ સંદર્ભમાં આધ્યાત્મિક ક્ષેત્રે જાણીતી બનેલી કેટલીક સમકાલીન વ્યકિતઓના અનુભવો જાણવા જેવા છે.  
આધ્યાત્મિક ગુરુ જગ્ગી સદગુરુના અનુયાયીઓમાં આમજનતાથી માંડીને સેલિબ્રિટીઓ સુધીની મોટી રેન્જ જોવા મળે છે. ૫૭ વર્ષીય સદગુરુના લેખો-પુસ્તકો અને વિડીયો કિલપિંગ્સ વાંચવા-જોવા ગમે તેવાં હોય છે. સદગુરુ સાઉથ ઈન્ડિયન ડોકટર-પિતાના દીકરા છે. એમનું મૂળ નામ જગદીશ. નાનપણથી સ્વભાવે અલગારી. જંગલોમાં અને પહાડો પર રખડપટ્ટી કરવી એમને બહુ ગમે. ઓગણીસ વર્ષની ઉંમરે એક યોગીએ જગદીશને સાદાં યોગાસનો શીખવ્યાં, જે તેઓ એક પણ દિવસ પાડયા વગર નિયમિત કરતા. અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએશન કરી રહૃાા હતા તે વર્ષોમાં જગદીશ ઘણી વાર દોસ્તો સાથે બાઈક પર મૈસૂર નજીક આવેલી ચામુંડી હિલ પર ફરવા જતા.
આ પહાડી પર આવેલી એક વિશાળ ચટ્ટાન જગદીશની પ્રિય જગ્યા હતી. એક બપોરે જગદીશ આ ખડક પર એકલા બેઠા હતા. આંખો ખુલ્લી હતી. સમય શાંતિથી વહેતો રહૃાો. 'થોડી મિનિટો પછી કશુંક થયું. મને એ વાતની સભાનતા જ ન રહી કે હું કયાં બેઠો છું,' સદગુરુએ વર્ષો પછી તે પ્રસંગ વર્ણવતા એક વખત કહેલું, 'તે ક્ષણ પહેલાં હું હંમેશાં એમ જ માનતો આવ્યો હતો કે આ 'હું' છું અને 'તે' બીજું કોઈ છે, પણ તે દિવસે પહેલી વાર મને અહેસાસ થયો કે હું ખરેખર શું છું અને શું નથી તેની મને કશી ખબર જ નથી. જાણે કે 'હું' મારામાંથી નીકળીને ચારે બાજુ ફેલાઈ રહૃાો હતો. મને એમ કે પાગલપણના જેવી માનસિક દશા પાંચ-દસ મિનિટ ચાલી હશે, પણ હું એકાએક ભાનમાં આવ્યો ત્યારે સમજાયું કે સાડાચાર કલાક પસાર થઈ ચુકયા છે. હું જાગ્રત અવસ્થામાં, આંખો ખુલ્લી રાખીને, એ જ ખડક પર, એ જ પોઝિશનમાં બેઠો હતો. સમજણો થયો પછી હું કયારેય રડયો નહોતો, પણ તે દિવસે મારી આંખોમાંથી આંસુનો એવો પ્રવાહ વહી રહૃાા હતા કે મારું આખું શર્ટ પલળી ગયું હતું.'
તેમને શંકા ગઈ કે પોતે કયાંક પાગલ તો નથી થઈ રહૃાાને. પાગલપણું તો પાગલપણું, પણ તેઓ આ અવસ્થામાંથી બહાર આવવા માગતા નહોતા. તેઓ માની શકતા નહોતા માણસને આવી સુંદર અનુભૂતિ થઈ શકે છે. સદગુરુ હંમેશાં એક ખુશમિજાજ અને પોતાની રીતે સફળ યુવાન હતા, પણ આ પ્રસંગ બન્યો ત્યારે તેમણે જે દિવ્ય આનંદ અનુભવ્યો તે કંઈ જુદો જ, શબ્દોમાં મૂકી ન શકાય એવો અદભુત હતો.
થોડા દિવસ પછી આ અનુભૂતિનું પુનરાવર્તન થયું. આ વખતે તેઓ એકલા નહોતા, બલકે ડાઈનિંગ ટેબલ પર ઘરના સભ્યો સાથે જમી રહૃાા હતા. એમને થયું કે માંડ બે મિનિટ પસાર થઈ હશે, પણ વાસ્તવમાં તેઓ એક જ જગ્યાએ સાત કલાક સુધી જાગ્રત અવસ્થામાં બેસી રહેલા! પછી આવંુ અવારનવાર બનવા લાગ્યું. એક વખત આ અનુભૂતિ લાગલગાટ તેર દિવસ સુધી નિરંતર ચાલી હતી.

'પહેલી વાર અનુભૂતિ થઈ તે પછીનાં છ અઠવાડિયાં દરમિયાન જાણે કે હું કોઈ નવો માણસ બની ગયો હતો,' સદગુરુ કહે છે, 'મારો અવાજ, મારી આંખોનો આકાર બદલાઈ ગયો હતો. મારા શરીરમાં, મારા દેખાવમાં ફેરફાર થઈ રહૃાા હતા. મારે કશુંક કરવું હતું, પણ શું કરવું તે સમજાતું નહોતું. મારી ભીતર જાણે દિવ્ય આનંદના ફુવારા ઉડી રહૃાા હતા. એક વાત હું સ્પષ્ટપણે સમજી રહૃાો હતો કે જો આ અનુભવ મને થઈ શકતો હોય તો કોઈને પણ થઈ શકે છે. માણસમાત્રનાં આંતરિક તત્ત્વો આખરે તો એક જ છે.'
આધ્યાત્મિક ગુરુ આનંદમૂર્તિ ગુરુમા (ઉંમર ૪૯ વર્ષ)ને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે પુખ્ત પણ બન્યાં નહોતાં. તેઓ ધાર્મિક માહોલમાં મોટાં થયાં છે. મા સાથે તેઓ નિયમિતપણે સત્સંગ, ધાર્મિક પ્રવચનો વગેરેમાં જતાં. એમના ઘરે સાધુસંતોનો આવરોજાવરો ખૂબ રહેતો. ગુરુમા એમને કઠિન પ્રશ્નો પૂછીને મૂંઝવી નાખતાં.
'મને દિવ્ય અનુભૂતિ થઈ ત્યારે હું સોળ વર્ષની હતી,' ગુુરુમાએ એક મુલાકાતમાં કહે છે, 'આ અનુભૂતિ થવા પાછળ કયાં ગૂઢ કારણો હશે તે હું જાણતી નથી. દિવ્ય અનુભૂતિ પછી પણ હું પહેલાંની જેમ સ્કૂલે જતી, સ્પોર્ટ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લેતી. આ બધી ઈતર પ્રવૃત્તિ કોલેજનાં વર્ષોમાં પણ ચાલતી રહી. દિવ્ય અનુભૂતિ પછી મારી જીવનશૈલીમાં કોઈ ખલેલ નહોતી પહોંચી નહોતી. તેથી જ હું કહું છું કે દિવ્ય અનુભૂતિ માટે જુવાનિયાઓ શ્રેષ્ઠ ઉમેદવારો છે.'
આધ્યાત્મિકતા પર કંઈ કેવળ પૂર્વનો એકાધિકાર નથી. મૂળ જર્મન પણ કેનેડામાં સ્થાયી થયેલા ૬૭ વર્ષીય એકહાર્ટ ટોલનો કિસ્સો પણ સાંભળવા જેવો છે. તેમને 'ધ મોસ્ટ સ્પિરિચ્યુઅલી ઈન્ફ્લ્યુન્શીઅલ પર્સન ઈન ધ વર્લ્ડ' તેમજ 'ધ મોસ્ટ પોપ્યુલર સ્પિરિચ્યુઅલ ઑથર ઈન ધ યુનાઈટેડ સ્ટેટ્સ' જેવા ખિતાબ મળી ચુકયા છે. એમણે લખેલી 'ધ પાવર ઓફ નાઉ' અને 'અ ન્યુ અર્થ' નામનાં પુસ્તકોના વેચાણનો આંકડો પચાસ લાખ નકલોને વટાવી ચુકયો છે. 
એકહાર્ટ બાર વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. પિતા જર્મનીથી સ્પેન જતા રહૃાા. સ્કૂલમાં જરાય મજા નહોતી આવતી એટલે એકહાર્ટે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. અલબત્ત, તેમનું ભણતર ચાલતું રહૃાંું. તેઓ પુષ્કળ વાંચતા. બપોરે અને સાંજે લેંગ્વેજ કલાસ અટેન્ડ કરતા. સ્કૂલના ટેન્શનથી મુકત રહીને એકહાર્ટે જાતજાતના કોર્સ કર્યા. ૧૯ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા. ફોર્મલ એજ્યુકેશન લીધું ન હોવા છતાં તેમને એક જગ્યા જર્મન અને સ્પેનિશ ભાષા શીખવવાની નોકરી મળી ગઈ.
જુવાન થઈ ગયેલા ઈકહાર્ટ અવારનવાર ડિપે્રશનમાં સરી પડતા. એમને એમ કે કદાચ યુનિવર્સિટીના પ્રોફેસરો મારી મૂંઝવણો દૂર કરી શકશે. તેમણે યુનિવર્સિટીમાં એડમિશન લઈ ભણવા માંડયું, પરીક્ષાઓ સુધ્ધાં પાસ કરી, પણ હતાશા દૂર ન થઈ. યુનિવર્સિટીના એક પ્રોફેસર માટે એમને ખૂબ માન હતું. કશાક કારણસર તે પ્રોફેસરે આત્મહત્યા કરી નાખી. ઈકહાર્ટની હતાશા ઓર ઘૂંટાઈઃ જે માણસને હું ખૂબ સમજદાર અને પરિપકવ સમજતો હતો એણે પણ જો આપઘાત કરવો પડતો હોય તો બીજાઓની શું વાત કરવી?
૨૯ વર્ષના થયા ત્યાં સુધીમાં એકહાર્ટનું ડિપ્રેશન ખૂબ તીવ્ર બની ચુકયું હતું. એક રાતે અચાનક તેઓ ઊંઘમાંથી ઝબકીને જાગી ગયા. તેમનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયેલું. છાતીના ધબકારા વધી ગયેલા. કશાક અજાણ્યા ભયથી તેઓ થરથર કાંપતા હતા. જોરજોરથી માથું ધૂણાવીને તેઓ ખુદને કહેવા લાગ્યાઃ 'નહીં... આ રીતે હું મારી જાત સાથે વધારે સમય રહી નહીં શકું.'

એકાએક તેઓ સભાન બન્યા. તેમને થયું: આ હમણાં મને કેવો વિચાર આવી ગયો? 'હું મારી જાત સાથે વધારે રહી નહીં શકું' એટલે? શું 'હું' અને 'મારી જાત' બન્ને અલગ અલગ વ્યકિતઓ છે? એકહાર્ટના મનમાં વિચારોનું તાંડવ શરુ થઈ ગયું: હું કોણ છું?અને જેની સાથે હું રહી શકું તેમ નથી તે મારી જાત કોણ છે?
એકહાર્ટને સમજાયું કે એક 'હું' છે જે શુદ્ધ અને નિર્ભેળ છે અને બીજી 'મારી જાત' છે જે સતત આસપાસની પરિસ્થિતિઓ તેમજ લોકોથી પ્રભાવિત થતી રહે છે. એકહાર્ટને લાગ્યું કે તેઓ જાણે કોઈ જબરદસ્ત આંતરિક ઊર્જાના સ્રોત તરફ ધકેલાઈ રહૃાા છે. આ અનુભૂતિને લીધે એક તરફ એમને ડર લાગી રહૃાો હતો તો બીજી તરફ અજબ મુકિતનો અહેસાસ થઈ રહૃાો હતો. માંહૃાલામાંથી એક અવાજ સતત એને કહી રહૃાો હતોઃ 'વહેતો જા...કશાયને રોકીશ નહીં!'
આ નિર્ણાયક રાત્રિએ એકહાર્ટનું આખું જીવન પલટી નાખ્યું. બીજે સવારે તેઓ ઉઠયા ત્યારે નવી જ વ્યકિત બની ગયા હતા. એમની સમગ્ર દષ્ટિ બદલાઈ ચુકી હતી. બધું નવું નવું અને જાણે પહેલી વાર જોઈ રહૃાા હોય તેવું લાગતું હતું. માત્ર મન-હ્ય્દયમાં જ નહીં, બલકે આસપાસ તમામ ચીજવસ્તુ-વ્યકિતઓમાં અજબ શાંતિ વર્તાતી હતી. એકહાર્ટ ધીમે ધીમે ધાર્મિક શિક્ષણ તરફ વળ્યા અને ક્રમશઃ સ્પિરિચ્યુઅલ વ્યકિત તરીકે જાણીતા થતા ગયા.  
આમ, સદગુરુ, આનંદમૂર્તિ ગુરુમા અને એકહાર્ટ ટોલ આ ત્રણેયને નાની ઉંમરે દિવ્ય અનુભૂતિ થઈ હતી. મધ્યવય કે ઉત્તરાવસ્થા આધ્યાત્મિકતા માટે વધારે અનુકૂળ છે તે કેવળ એક માન્યતા છે, સચ્ચાઈ નહીં. ગુરુમા કહે છે તેમ, આધેડ વ્યકિતઓ અને વૃદ્ધોની તુલનામાં જુવાનિયાઓ દિવ્ય અનુભૂતિ માટેને વધારે યોગ્ય ઉમેદવાર છે!
0 0 0