Saturday, January 23, 2016

મલ્ટિપ્લેક્સ : બેજોડ બહુરૂપિયો

Sandesh - Sanskar Purti - 24 January 2016
મલ્ટિપ્લેક્સ 
કેઈ સ્ત્રીને ખબર પડે કે જે પતિને એ ચિક્કાર પ્રેમ કરતી આવી છે એ ખરેખર તો પુરૂષના શરીરમાં સપડાયેલી સ્ત્રી છે તો એ શું ક્રે? છેતરાઈ ગયાની લાગણીથી ભાંગી પડે? તોફાન મચાવે? પતિને ધિક્કારે? એને ફરજિયાત પુરૂષ તરીકે જીવવા માટે મજબૂર ક્રે? ત્યજી દે? કે પછી...




'ધ થિયરી ઓફ એવરીથિંગ' ફિલ્મમાં ચકિત થઈ જવાય એવો અફલાતૂન અભિનય કરીને એડી રેડમેઇને ગયા વર્ષે બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી લીધો ત્યારે લખ્યું હતું કે આ સુપર ટેલેન્ટેડ બ્રિટિશ એક્ટરની કરીઅર હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાની આપણને બહુ મોજ પડવાની છે. તે વખતે કલ્પના નહોતી કરી કે આ માત્ર નવ જ મહિનામાં એડી રેડમેઇન ઓસ્કર કક્ષાની ઓર એક ફિલ્મ લઈને ત્રાટકશે. 'ધ ડેનિશ ગર્લ'માં આલા દરજ્જાનો અભિનય કરીનેે એડી આ વખતે ફરી એક વાર ઓસ્કરમાં બેસ્ટ એકટરની દોડમાં શામેલ થઈ ગયો છે. જો કે દર વખતની જેમ આ વખતેય બેસ્ટ એકટરની રેસમાં હરિફાઈ તગડી છે. એડીની સાથે લિઓનાર્દો દ' કેપ્રિયો ('ધ રેવેનન્ટ'), બ્રાયન ક્રેનસ્ટન ('ટ્રુમ્બો'), મેટ ડેમન ('ધ માર્શિઅન') અને માઇકલ ફાસબેન્ડર ('સ્ટીવ જોબ્સ') પણ બેસ્ટ એકટર કેટેગરીમાં નોમિનેટ થયા છે. આમાંથી લિઓનાર્દો હોટ ફેવરિટ ગણાય છે. ખેર, જે કંઈ પરિણામ હશે તે આગામી ૨૮ ફેબ્રુ્રઆરીએ વાજતે-ગાજતે ઓસ્કર સમારોહના માંડવે આવી જશે.
૩૩ વર્ષના એડી રેડમેઇનના બાયડેટામાં સોળ ફિલ્મો બોલે છે જેમાંથી ચાર તો ઓસ્કર મૂવીઝ છે - 'માય વીક વિથ મેરિલીન' (૨૦૧૧), 'લે મિઝેહાબ્લ' (જેનો ઉચ્ચાર આપણે બિન્દાસપણે 'લા મિઝરેબલ્સ' કરીએ છીએ તે, ૨૦૧૨), 'ધ થિયરી ઓફ એવરિથિંગ' (૨૦૧૪) અને હવે 'ધ ડેનિશ ગર્લ'. 'ધ થિયરી ઓફ એવરિથિંગ'માં એડીએ વિખ્યાત વૈજ્ઞાાનિક ડો. સ્ટીવન હોકિંગનો ભયંકર અઘરો રોલ કર્યો હતો. મોટર ન્યુરોન ડિસીઝ (એમએનડી) નામની ખતરનાક બીમારીને લીધે વ્હિલચેરબદ્ધ થઈ ગયેલું કૃષ શરીર, જાણે પડીકું વળી ગયું હોય એવું ધડ, તેના પર એક તરફ ઢળી પડેલું મસ્તક, વંંકાઈને વિકૃત થઈ ગયેલું મોં અને છતાંય જીવંત આંખોમાં ચમકી જતી મસ્તીના તિખારા. 'ધ ડેનિશ ગર્લ'માં પણ એડીનો રોલ કંઈ ઓછો કઠિન નથી. આમાં એ જાતિ પરિવર્તન કરાવીને પુરૂષમાંથી સ્ત્રી બની ગયેલા ગઈ સદીના અસલી ડેનિશ ચિત્રકાર એઇનર વેગનર બન્યો છે. જાતિ પરિવર્તનનું ઓપરેશન કરાવનાર એ દુનિયાની સર્વપ્રથમ વ્યકિત ગણાય છે.

Danish painter Einer Wegener who turned into Lily Elbe after sex reassignment surgery 

'ધ ડેનિશ ગર્લ' ફિલ્મ ડેવિડ ઇબરશોફ નામના અમેરિકન લેખકે લખેલી આ જ નામની ફિકશનલ નોવેલના આધારે બની છે. પુસ્તકને જીવનકથા કહેવાને બદલે ફિકશનલ નોવેલ એટલા માટે કહેવામાં આવે છે કે એઇનર વેગનરના જીવનની વિગતોને લેખક જડબેસલાક વળગી રહૃાા નથી, બલકે તેમાં થોડીઘણી છૂટછાટ લીધી છે અને જરૂર લાગે ત્યાં કલ્પનાના રંગો પણ ઉમેર્યા છે. ફિલ્કમની કહાણી બે સ્તરો પર વહેતી જાય છે. એક તો, એઇનરને ધીમે ધીમે અહેસાસ થવો કે પોતાનું શરીર ભલે પુરૂષનું હોય, પણ એનું મન, એનું હ્ય્દય, એનો માંહૃાલો સ્ત્રીનાં છે. ધીમે ધીમે એનામાં છૂપાયેલી સ્ત્રી સપાટી પર આવતી જાય છે, ક્રમશઃ એની ભાવભંગિમા, વર્તન-વ્યવહાર સ્ત્રી જેવાં થતાં જાય છે ને આખરે સેકસ-ચેન્જ ઓપરેશન કરાવીને એ રીતસર સ્ત્રી બને છે. યાદ રહે, લગભગ ૮૫ વર્ષ પહેલાં એઇનર જ્યારે આ પ્રક્રિયામાંથી પસાર થયો ત્યારે દુનિયામાં કોઈએ સેકસ-ચેન્જ ઓપરેશનનું નામ સદ્ધાં સાંભળ્યું નહોતું. તે જમાનામાં આ સર્જરીને લગતા પારિભાષિક શબ્દોનું ય અસ્તિત્ત્વ નહોતું, દુનિયામાં આવા કોઈ કિસ્સા બન્યા નહોતા અને એઇનર તેમજ એના ડોકટર સામે સમ ખાવા પૂરતોય કોઈ રેફરન્સ પાઇન્ટ નહોતો.
બીજું સ્તર છે, લવસ્ટોરીનું. એઇનર વેગનર પરિણીત પુરૂષ છે, એની પત્ની જર્ડા પણ ચિત્રકાર છે. એમનાં લગ્નને છ વર્ષ વીતી ગયાં છે. બન્ને એકબીજા સાથે ખુશ છે. બન્યું એવું કે જર્ડા સરસ મજાનો કોસ્ચ્યુમ પહેરીને અદાથી સોફા પર બેઠેલી સુંદર સ્ત્રીનું ચિત્ર બનાવી રહી હતી. મોડલ તરીકે પોઝ આપતી યુવતીને એક વાર આવતાં મોડું થઈ ગયું એટલે જર્ડાએ પતિને વિનંતી કરીઃ એઇનર, મારે આ ચિત્ર પૂરુ કરવાનું છે. તું થોડી વાર આ લેડીઝ સેન્ડલ પહેરીને સોફા પર બેસીશ, પ્લીઝ? ફ્રોક પહેરવાની જરૂર નથી, તું ફકત છાતી સાથે વળગાડીને ઝાલી રાખીશ તો ચાલશે. એઇનર તૈયાર થઈને, મોડલ જેવો પોઝ લઈને મસ્તીથી બેઠો... અને એ થોડી મિનિટોમાં એની ભીતર કશુંક ટ્રિગર થઈ ગયું. ફ્રોકનાં મુલાયમ કપડાં પર એની આંગળીઓ નજાકતથી ફરતી રહી અને એના દિલ-દિમાગમાં કોઈ અજાણી લાગણી ઉછાળા મારવા લાગી.


આ શરૂઆત હતી. એક વાર જર્ડાએ શયનખંડમાં જોયું કે એઇનરે શર્ટ-પેન્ટની નીચે પોતાની લેડીઝ નાઇટી પહેરી છે. એ કશું બોલી નહીં, પણ રાત્રે પ્રેમ કરી લીધા પછી સવારે શાંતિથી સૂતેલા એઇનરના એણે બહુ બધા સ્કેચ બનાવ્યા. એકદમ કુમળો અને નજાકતભર્યો ચહેરો લાગતો હતો એનો. જર્ડા પણ ઓછી નહોતી. એક વાર એઇનરને કહેઃ ચાલ, પેલી પાર્ટીમાં આપણે જવાનું છે તેમાં તું સ્ત્રીનો વેશ કાઢીને આવ, મજા આવશે ! એઇનરે પહેલાં ના-ના કરી પણ પછી માની ગયો. જર્ડાએ એને સ્ટાઇલિશ લેડીઝ કોસ્ચ્યુમ પહેરાવ્યો, મેકઅપ કર્યો, વિગ પહેરાવી, સેન્ડલ પહેરાવીને છોકરીની જેમ ચાલતા શીખવ્યું. એઇનરને ગમ્મત થઈ રહી હતી. પાર્ટીમાં લોકોએ જર્ડાને પૂછયુ : આ તારી સાથે ખૂબસૂરત લેડી આવી છે એ કોણ છે ? જર્ડાએ કહૃાું: મારા હસબન્ડની કઝિન છે, લિલી એલ્બે!
વાત વધતી ગઈ. જર્ડાએ કલ્પ્યું નહોતું કે લિલી એના પતિ પર એટલી હદે હાવી થઈ જશે કે એઇનરનું અસ્તિત્ત્વ જ ખતમ થઈ જશે. એક વાર જર્ડા હતાશ થઈને રડી પડે છેઃ એઇનર, આપણે તો ખાલી ટિખળ કરતાં હતાં. મેં તો તને મજાકમાં લિલીનો વેશ કાઢી આપ્યો હતો. હવે પ્લીઝ આ રમત બંધ કર. મને મારો હસબન્ડ પાછો જોઈએ છે. આઇ નીડ હિમ! એઇનર વેદનાથી કહે છેઃ સોરી, આઇ કાન્ટ. આ જ મારી અસલિયત છે. હું આ જ છું - લિલી !

Real and reel: Lily Elbe (left) and Eddie Redmayne

કોઈ સ્ત્રીને ખબર પડે કે જે પતિને એ ચિક્કાર પ્રેમ કરતી આવી છે એ ખરેખર તો પુરૂષના શરીરમાં સપડાયેલી સ્ત્રી છે તો એ શું કરે? છેતરાઈ ગયાની લાગણીથી ભાંગી પડે? તોફાન મચાવે? પતિને ધિક્કારે? એને ફરજિયાત પુરૂષ તરીકે જીવવા માટે મજબૂર કરે? ત્યજી દે? જર્ડા આમાંનું કશું કરતી નથી. એ સંવેદનાથી ભરપૂર સ્ત્રી છે. પતિની લાચારી, એનું ભયાનક માનસિક દ્વંદ્વ એ સમજે છે. એ પતિને જેવો છે એવો સ્વીકારી લે છે એને પહેલાં કરતાંય વધારે પ્રેમ અને વધારે હૂંફ આપે છે, એટલું જ નહીં, એને ડોકટરો પાસે લઈ જાય છે અને એને પુરૂષમાંથી સ્ત્રી બનાવવાની અત્યંત જોખમી વિધિ દરમિયાન સતત એની પડખે ઊભી રહે છે. 'ધ ડેનિશ ગર્લ'માં એઇનરનું લિલીમાં થતાં ક્રમિક ટ્રાન્સર્ફોમેશન કરતાંય પતિ-પત્ની વચ્ચેના લાગણીભર્યા સંબંધનો ટ્રેક વધારે પ્રભાવશાળી રીતે ઊપસ્યો છે.
'ધ ડેનિશ ગર્લ' પુસ્તક ૨૦૦૦ની સાલમાં બહાર પડયું હતું. આવી તગડી કહાણીમાં ફિલ્મેમકરોને મસ્તમજાની સ્ક્રિપ્ટ ન દેખાય તો જ આશ્ચર્ય. ખેર, પુસ્તક હોય, ફિલ્મ હોય કે નાટક - દરેક ક્રિયેટિવ જણસનું એક નસીબ હોય છે એ કયારે કોના દ્વારા કેવી રીતે નવા રૂપરંગ ધારણ કરશે તે કહી શકાતું નથી. ૨૦૦૦ની સાલમાં જ એટલે કે આજથી પંદર વર્ષ પહેલાં નીલ લબ્યુત નામના રાઇટર-ડિરેકટરને આ પુસ્તકમાંથી ફિલ્મ બનાવવા માટે પસંદ કરવામાં આવેલા. પછી હોલિવૂડની સુપરસ્ટાર નિકોલ કિડમેન પ્રોજેકટમાં જોડાઈ. એને આ કહાણી એટલી બધી પસંદ પડી ગઈ કે એ ખૂદ આ ફિલ્મને પ્રોડયુસ કરવા માગતી હતી. એની ઇચ્છા હતી કે એ પોતે પતિ એટલે કે એઇનર-ટર્ન્ડ-લિલીનું પાત્ર ભજવશે. પત્નીના રોલ માટે સૌથી પહેલાં ચાર્લીઝ થેરોનની પસંદગી થઈ હતી. એ જોકે ૨૦૦૮માં પ્રોજેકટમાંથી આઉટ થઈ ગઈ. ત્યારે બાદ એની જગ્યાએ ગ્વિનિથ પેલ્ટ્રો વરણી થઈ. એણેય કૌટુંંમ્બિક કારણસર ફિકમ પડતી મૂકી. પછી એવી વાત ઉડી કે ઉર્મા થર્મન પત્નીનો રોલ કરશે. ત્યાર બાદ ૨૦૧૧માં રેચલ વાઝને ફાયનલાઇઝ કરવામાં આવી. થોડા વખતમાં એનીય બાદબાકી થઈ ગઈ. વર્ષો સુધી નિકોલ કિડમેન પોતાના આ ડ્રીમ પ્રોજેકટ માટે મથામણ કરતી રહી. આખરે એક તબક્કે એ પોતે જ પ્રોજેકટમાંથી બહાર થઈ ગઈ. ડિરેકટરો પણ કેટલાંય બદલાયા.
૨૦૧૨માં આ પ્રોજકટ 'ધ કિંગ્સ સ્પીચ' માટે ઓસ્કર જીતી લેનારા ડિરેકટર ટોમ હૂપર પાસે આવ્યો. અલબત્ત, સ્ક્રિપ્ટ તો એણે છેક ૨૦૦૮માં, કે જ્યારે ફિલ્મ હજુ નિકોલ કિડમેન પાસે હતી, છેક ત્યારે વાંચી લીધી હતી. ચાર વર્ષ પછી ફરતો ફરતો પ્રોજેકટ પાછો ટોમ હૂપર પાસે આવ્યો ત્યારે તેઓ 'લે મિઝેહાબ્લ' નામની મ્યુઝિકલ ફિલ્મનું શૂટિંગ કરી રહૃાા હતા. પુરૂષમાંથી સ્ત્રી બનતા એઇનરના રોલમાં ટોમ હૂપરને એક જ કલાકાર દેખાયો - એડી રેડમેઇન. અગાઉ બન્નેે 'એલિઝાબેથ-વન' (૨૦૦૫) નામની ટીવી સિરીઝમાં કામ કરી ચુકયા હતા અને 'લે મિઝેહાબ્લ' (૨૦૧૨)માં પણ એડીનો નાનો પણ મહત્ત્વનો રોલ હતો. એક દિવસ સેટ પર ટોમ હૂપરે 'ધ ડેનિશ ગર્લ'ની સ્ક્રિપ્ટની ફાઇલ એડીને પકડાવીને કહૃાું: આ સ્ક્રિપ્ટ જરા વાંચી જા તો! પછી મને કહેજે કે તને પુરૂષમાંથી સ્ત્રી બનતા ચિત્રકારનો રોલ કરવામાં રસ પડે કે નહીં. એડી સ્ક્રિપ્ટ વાંચીને દંગ થઈ ગયો. છેલ્લું પાનું પૂરુ થતાં જ વેનિટી વેનમાંથી ઉતરીને સીધો ટોમ હૂપર પાસે દોડયોઃ ટોમ, આઇ એમ ઇન! બોલો, કયારે કામકાજ શરૂ કરવું છે?

Terrific team : (L to R) Tom Hooper, Alicia Vikander and Eddie Redmayne

કામકાજ તો ખેર મોડું શરૂ થયું. દરમિયાન 'ધ થિયરી ઓફ એવરીથિંગ' રિલીઝ થઈ. આ ફિલ્મ માટે એડીએ બેસ્ટ એકટરનો ઓસ્કર જીતી લીધો ને એ હોલિવૂડ તેમજ ઓડિયન્સનો ડાર્લિંગ બની ગયો. એડી ધારત તો કોઈ પણ સારી પણ આસાન ફિલ્મ સિલેકટ કરી શકયો હોત, પણ એ 'ધ ડેનિશ ગર્લ'ને વળગી રહૃાો. મહેનત અને પાક્કું હોમવર્ક કરવામાં એડી કયારેય કચાશ છોડતો નથી. એ કેટલાય ટ્રાન્સસેકસ્યુઅકસ એટલે કે જાતિ પરિવર્તન કરાવી ચુકેલા લોકોને મળ્યો. એમના અનુભવો સાંભળ્યા, એમના હાવભાવ, વર્તણૂક અને માનસિકતાનો અભ્યાસ કર્યો જે એને કેમેરા સામે પર્ફોમ કરતી વખતે ખૂબ કામ આવવાના હતા. એઇનર-ટર્ન્ડ-લિલીના રોલમાં એડીએ ખરેખર જીવ રેડી દીધો છે. અમુક અતિ બોલ્ડ દશ્યો હિંમતભેર અને પૂરેપૂરા કન્વિક્શન સાથે કર્યાં છે. આ પ્રકારની ભૂમિકા પર લાઉડ થઈ જવાનું જોખમ હંમેશાં ઝળુંબતું હોય છે, પણ એડીએ બહુ જ માપી-તોળીને, તમામ સૂક્ષ્મતાઓ જાળવીને યાદગાર અભિનય કર્યો છે. 
ચિત્રકારની પત્નીના રોલમાં એલિસિયા વિકાન્દર નામની ૨૬ વર્ષની પ્રતિભાશાળી એકટ્રેસની વરણી કરવામાં આવી. હોલિવૂડના સ્ટુડિયોવાળાઓની ચાલાકી જુઓ. ફિલ્મમાં એડી રેડમેઇન કરતાંય એલિસિયાને વધુ ડાયલોગ અને સ્ક્રીનટાઇમ મળ્યાં છે. છતાંય એને નોમિનેશન બેસ્ટ એકટ્રેસ કેટેગરીમાં નહીં, પણ બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસની કેટેગરીમાં અપાવવામાં આવ્યું છે. શા માટે ? બેસ્ટ એકટ્રેસ કરતાં બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ કેટેગરીમાં હરિફાઈ થોડી ઓછી હોવાથી ઓસ્કર જીતવાના ચાન્સ વધી જતા હોય છે એટલે !
 'ધ ડેનિશ ગર્લ' જોજો. ફિલ્મ કદાચ ધીમી લાગી શકે, પણ એનાં પાત્રોનું કારુણ્ય અને હિંમત ચિત્તમાં જડાઈ જશે એ તો નક્કી.
શો-સ્ટોપર
કયા તુમ મેરે સાથ સંભોગ કરોગી ?
- શાહરુખ ખાન ('એમ બોલે તો' નામના હલકાફૂલકા ચેટ શોની હોસ્ટ આરજે મલિશ્કાને)

Wednesday, January 20, 2016

ટેક ઓફ : સૌથી સાદાં સત્યો આપણને જીવનમાં સૌથી મોડાં સમજાય છે?

Sandesh - Ardh Saptahik Purti  - 13 Jan 2016
ટેક ઓફ

એ કયું તત્ત્વ છે જે માણસને ખરેખર હેપી અને હેલ્ધી રાખે છે? શું માણસ પાસે ખૂબ બધા પૈસા આવી જાય તો એ સુખી થઈ જાય? શું એ વર્લ્ડફેમસ બની જાય તો એનાં સુખનો પાર ન રહે?



જીવનનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે, તોય કોણ જાણે કેમ આ સત્યો આપણને સમજાતાં નથી. સમજાય છે તો સ્વીકારતાં નથી અને સ્વીકારીએ છીએ તો અમલમાં મૂકતાં નથી. તાજેતરમાં અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકાએટ્રીએ માનવઇતિહાસના સૌથી લાંબા ચાલેલા સર્વેનાં તારણો જાહેર કર્યાં. સર્વેનો વિષય શો હતો? હેપીનેસ, સુખ! એ કયું તત્ત્વ છે જે માણસને ખરેખર હેપી અને હેલ્ધી રાખે છે? શું માણસ પાસે ખૂબ બધા પૈસા આવી જાય તો એ સુખી થઈ જાય? શું એ વર્લ્ડફેમસ બની જાય તો એનાં સુખનો પાર ન રહે? આ સવાલોના જવાબ આ સર્વેનાં તારણોમાંથી મળે છે.
ધ હાર્વર્ડ સ્ટડી ઓફ એડલ્ટ ડેવલપમેન્ટ એવું નામ ધરાવતા આ અભ્યાસ હેઠળ ૭૨૪ પુરુષોનાં જીવન પર લાગલગાટ ૭૫ વર્ષ સુધી નજર રાખવામાં આવી. ઓફકોર્સ, સર્વે શરૂ થયો ત્યારે આ પુરુષો હજુ એડલ્ટ થયા નહોતા... પણ ૭૫ વર્ષ ? પોણી સદી ! માનવઇતિહાસમાં અગાઉ કોઈ સર્વે આટલો લાંબો ચાલ્યો નથી. આ પ્રકારના સરવે બહુ બહુ તો એકાદ દસકો માંડ ચાલે. પછી સર્વે કરનારાઓની ટીમના સભ્યો એક-એક કરતાં ખરતા જાય. કોઈ પ્રોજેક્ટ છોડી દે, કોઈ ગુજરી જાય કાં કોઈનો રસ ઊડી જાય. ધારો કે આવું કંઈ ન થાય તો પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલાં ભંડોળનું તળિયું દેખાઈ જાય. સરવાળે સર્વે પડી ભાંગે. સદ્ભાગ્યે હાર્વર્ડના આ પ્રોજેક્ટની કુંડળીમાં વિધાતાએ લાંબુ આયુષ્ય લખ્યંુ હતું, જેમની આખી જિંદગી પર ચાંપતી નજર રાખવામાં આવી હતી એ ૭૨૪માંથી આજે ૬૦ પુરુષો હયાત છે. આમાંના મોટાભાગના ૯૦ વર્ષ વટાવી ચૂકયા છે.
૧૯૩૮માં સર્વે શરૂ થયો ત્યારે ૭૨૪ પાર્ટિસિપન્ટ્સને બે ગ્રૂમાં વહેંચી દેવામાં આવ્યા હતા. એક ગ્રૂપ હતું હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાજા તાજા દાખલ થયેલા વિદ્યાર્થીઓનું, આ તમામ છોકરાઓએ કોલેજ પૂરી કર્યા બાદ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. બીજું ગ્રૂપ હતું બોસ્ટન શહેરના ગરીબ વિસ્તારમાં હાડમારીભર્યું જીવન જીવી રહેલા છોકરાઓનું. સરવે શરૂ થયો ત્યારે પ્રત્યેક તરુણનાં ઘરે જઈને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા. સૌની મેડિકલ જાંચ કરાવવામાં આવી. એમનાં માતા-પિતા સાથે વિગતવાર વાતચીત થઈ,મોટા થયા પછી છોકરાઓ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવા લાગ્યા. કોઈ ડોક્ટર કે વકીલ બન્યા, કોઈ કારખાનાના કારીગર કે કડિયાકામ કરનારા મજૂર બન્યા. કોઈને દારૂની લત લાગી ગઈ, કોઈ સ્કિઝોફ્રેનિયાનો ભોગ બન્યા. અમુક લોકો જીવનમાં ખૂબ આગળ વધ્યાં, અરે એક જણ અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો! સામે પક્ષે, સફળતાનાં શિખર પહોંચીને ભોંય ભેગા થયા હોય એવાય કેટલાક જણ હતા.

દર બે વર્ષે હાર્વર્ડની ટીમ આ તમામ પુરુષોને ફોન કરીને વિનમ્રતાથી પૂછતા : સર, અમે તમને સવાલોનું લિસ્ટ આગોતરુંં મોકલી આપીએ અને પછી તમે કહો તે સમયે આવીને મળી જઈએ, પ્લીઝ? કેટલાય પુરુષો અકળાઈને જવાબ આપતા : તમને મારામાં આટલો બધો રસ શું કામ પડે છે? મારી જિંદગીમાં સ્ટડી કરવા જેવું છે શું? હાર્વર્ડની ટીમ આ પ્રકારના પાર્ટિસિપન્ટ્સ સાથે ધીરજપૂર્વક કામ લે. એકેએકનાં ઘરે જઈને ઇન્ટરવ્યૂ લે. એમનાં કામ, પરિવાર, તબિયત વિશે સવાલો પૂછે, જવાબો માત્ર કાગળ પર લખી લેવામાં આવે એમ નહીં, વાતચીતનું રીતસર વીડિયો રેર્કોડિંગ થાય. પુરુષો પોતાની પત્ની અને ઘરનાં અન્ય લોકો સાથે સમય વિતાવતા હોય એનુંય શૂટિંગ થાય. પુરુષોના ડોક્ટરોને પણ મળવામાં આવે, એમના મેડિકલ રેકોર્ડ્ઝની કોપી મેળવવામાં આવે. દરેકનાં બ્લડ સેમ્પલ લેવાય, બ્રેઇનનું સ્કેનિંગ થાય, આ રીતે પ્રત્યેક પાર્ટિસિપન્ટનાં જીવન વિશે જે ડેટાબેઝ તૈયાર થયો તે સેંકડો-હજારો પાનામાં ફેલાયેલો હતો.
૭૫ વર્ષ સુધી ચાલેલા આ પ્રચંડ સર્વેનું, દરિયો ભરાઈ જાય એટલી ઇન્ફર્મેશન ભેગી કરવામાં આવી તેનું તારણ શું નીકળ્યું? સર્વેનાં તારણોનો સાર આ એક જ વાકયમાં સમેટી શકાય એમ છે : પ્રેમભર્યા સંંબંધો માણસને ખુશ અને તંદુરસ્ત રાખે છે, બસ, આટલું જ.


આપણને થાય કે આ તો ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. આમાં હાર્વર્ડવાળાઓએ શું મોટી વાત કરી નાખી? એ તો સૌ કોઈ જાણે છે કે સુખી અને સ્વસ્થ જીવન જીવવું હોય તો પારિવારિક અને સામાજિક સંબંધો સારા હોવા જોઈએ, આમાં નવું શું છે ? લેખની શરૂઆતમાં એટલેસ્તો લખ્યું કે જીવનનાં સૌથી મહાન સત્યો સૌથી સરળ હોય છે. આ સત્યો સીધાસાદાં હોવાને કારણે જ આપણે તેને ગંભીરતાથી લેતાં નથી, ગણકારતાં નથી પણ આવો દોસ્તાન સરવેના અંતે પણ આ જ ફેંસલો સુણાવે આવે ત્યારે આપણા કાન બરાબર ખૂલે છે ને વાત ભેજામાં ઊતરે છે.
હાર્વર્ડની ટીમને તારણરૂપે આ ત્રણ સૌથી મહત્ત્વની વાત શીખવા મળી :
૧. હૂંફાળા સંબંધો :

લોકો સાથે બને એટલું વધારે હળવુંમળવું જોઈએ. એકલતા માણસને હણી નાખે છે. આ વાત, અલબત્ત,પશ્ચિમના દેશોને વધુ લાગે પડે છે. અમેરિકનો-યુરોપિયનો કરતાં ભારતીયોમાં પારિવારિક ભાવના ઘણી વધારે મજબૂત હોય છે. એ વાત અલગ છે કે પશ્ચિમીકરણની દોડમાં આપણે પણ વધુ ને વધુ એકલવાયાં બની રહ્યા છીએ. હાર્વર્ડના સરવે પરથી જાણવા મળ્યું કે જે લોકો પરિવાર, મિત્રો અને સમાજ સાથે વધારે હળેમળે છે તેઓ વધારે સુખી હોય છે, તેમની તબિયત વધારે સારી રહે છે અને તેઓ વધારે લાંબું જીવે છે. એકલતા માણસમાં નકારાત્મક લાગણીઓ જન્માવે છે. પસંદગીપૂર્વકનું એકાંત તદ્દન જુદી વસ્તુ છે. તે માણસને આંતરિક રીતે સમૃદ્ધ બનાવે છે પણ અનિચ્છાએ એકલતામાં ધકેલાઈ ગયેલો માણસ ખુશ રહી શકતો નથી. મધ્ય વયે પહોંચે ત્યાં સુધીમાં એની તબિયત ઢીલી થવા માંડે છે, એની બુદ્ધિશકિત વહેલી ક્ષીણ થાય છે અને એ વહેલો મરે છે.
૨. સંંબંધોની ગુણવત્તા મહત્ત્વની છે, સંખ્યા નહીં :

કોણ કહ્યું કે માણસ પત્ની-સંતાનો-સગાં-મિત્રો વચ્ચે ઘેરાયેલો હોય એટલે એને એકલતા ન જ સતાવે ? માણસ ટોળાંમાં પણ એકલો હોઈ શકે છે. લગ્ન થઈ ગયાં હોય પણ જીવનસાથી સાથે મનમેળ ન હોવાને લીધે જે એકલતાનો અહેસાસ થાય છે તે માણસનું સત્ત્વ હણી લે એટલો ભીષણ હોઈ શકે છે. કહેવાનો મતલબ એ છે કે તમારે કેટલા મિત્રો છે તે મહત્ત્વનું નથી, તમે કમિટેડ રિલેશનશિપમાં છો કે કેમ તે પણ એટલું અગત્યનું નથી. મહત્ત્વનું એ છે કે તમારા સંબંધો કેટલા મજબૂત છે ? કેટલા અંતરંગ, આત્મીય અને હૂંફાળા છે ? ચાલીસ-પચાસ દોસ્તો હોય પણ એમાંથી એકેય સાથે દિલની વાત થઈ શકતી ન હોય તો આવી દોસ્તીનો મતલબ શો છે ? એને બદલે એક કે બે જ ગાઢ મિત્ર હોય જેની સામે હ્ય્દય ઠાલવીને હળવાફુલ થઈ શકાતું હોય તો તે સ્થિતિ અનેકગણી ચડિયાતી અને ઇચ્છનીય ગણાય. પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થયા કરતા હોય અને મન ઊંચું રહેતું હોય તો આવો લગ્નસંબંધ સ્વાસ્થ્ય પર બહુ ખરાબ અસર કરે છે. માણસને અંદરથી ખતમ કરી નાખતા ઝેરીલા લગ્નસંબંધને કે પ્રેમસંબંધને ગમે તેમ કરીને નભાવ્યે રાખવા કરતાં છૂટા થઈ જવાનો વિકલ્પ બહેતર છે.
માણસનો બુઢાપો સારો જશે કે ખરાબ જશે તે અગાઉથી કેવી રીતે ખબર પડે ? પચાસ વર્ષની ઉંમરે એનું કોલેસ્ટરોલ લેવલ કેટલું છે એના પરથી ? ના, પચાસ વર્ષની ઉંમરે તે પોતાના સંબંધોમાં કેવોક સુખી અને સંતુષ્ટ છે તેના પરથી. સરવે પરથી જાણવા મળ્યું કે જે પુરુષો પચાસ વર્ષની ઉંમરે પોતાના સંબંધોમાં સૌથી વધારે ખુશ હતા તેઓ ૮૦ વર્ષની ઉંમરે સૌથી વધારે સ્વસ્થ હતા. પ્રેમભર્યા સંબંધોની હૂંફ એમના માટે સુરક્ષાકવચનું કામ કરતી હતી. સૌથી સુખી દંપતીઓને ૮૦ વર્ષની ઉંમરે નાનીમોટી બીમારીઓ સતાવતી હતી તોય ખુશમિજાજ રહેતાં હતાં. સામે પક્ષે, જેમણે ખરાબ સંબંધોનો ભાર વેંઢાર્યો હતો એવાં બુઢાં સ્ત્રી-પુરુષો માટે નાની અમથી બીમારી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હતી.
૩. સલામતીની લાગણી :
પ્રેમ અને સંવાદિતાભર્યા સંબંધો માત્ર શરીરની નહીં, મનની પણ રક્ષા કરે છે. સરવે પરથી જાણવા મળ્યંુ કે પાછલી વયે જો માણસને મનોમન એેવો સધિયારો હોય કે ગમે તેવી પરિસ્થિતિમાં મારી(કે મારો) જીવનસાથી મારી પડખે ઊભી(કે ઊભો) રહેશે, તો એની યાદશકિત વધારે લાંબા સમય સુધી સાબૂત રહે છે. સામે પક્ષે, જો કહેવાતા જીવનસાથી પર વિશ્વાસ નહીં હોય, એ મને ગમે તેવી હાલતમાં સાથ આપશે જ એવી ખાતરી ન હોય, તો માણસની યાદશકિત વહેલી ક્ષીણ થવા લાગે છે. જરૂરી નથી કે 'સારો સંબંધ' ધરાવતાં વયોવૃદ્ધ પતિ-પત્ની કાયમ એકબીજા સાથે પ્રેમની વાતો જ કરતાં હોય. તેઓ એકબીજા સાથે ખૂબ બાખડતાં હોય, એકમેકને ટોકયાં કરતાં હોય, ગુસ્સો કરતાં હોય કે ચીડાતાં હોય તે શકય છે પણ એેમનાં દિલમાં સો ટચના સોના જેવી ખાતરી હોય છે કે આ ડોસો કે ડોસી ભલે ગમે તેટલાં નાટક કરે પણ એ મને છોડીને કયાંય નહીં જાય. મને કંઈક થઈ જશે તો સૌથી વધારે તકલીફ એને થશે અને મારી સૌથી વધારે ચાકરી એ જ કરશે ! એકમેક પર આ પ્રકારનો નક્કર ભરોંસો હોય તો પતિ-પત્ની વચ્ચે ગમે તેટલી તૂ તૂ-મૈં મૈં થાય તો પણ તેમની દિમાગ પર માઠી અસર પડતી નથી.


તાજેતરમાં બીજો એક સર્વે થયો હતો, એમાં પંદર વર્ષનાં તરુણોથી લઈને પચ્ચીસેક વર્ષના જુવાનિયાઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારા માટે જીવનના સૌથી મહત્ત્વનાં લક્ષ્યો કયાં છે? ૮૦ ટકા જુવાનિયાઓએ જવાબ આપ્યો : મારે પુષ્કળ પૈસા કમાવા છે. પચાસ ટકા જુવાનિયાઓએ જવાબ આપ્યો : મારે ફેમસ બનવું છે ! તેઓ માનતા હતા કે જુવાનીમાં રિચ એન્ડ ફેમસ બની જવાથી સુખ મળી જશે અને બાકીની આખી જિંદગી ખુશખુશાલ વીતશે. આની સામે હાર્વર્ડના ૭૫ વર્ષીય સર્વેનાં તારણો પ્રેડિક્ટેબલ હોવા છતાંય ખૂબ મહત્ત્વનાં છે.
સો વાતની એક વાત. ખૂબ બધા પૈસા કમાઈ લેવાથી કે પ્રખ્યાત થઈ જવાથી જિંદગી સુખમાં વીતતી નથી. પોતપોતાનાં કામમાં કે કારકિર્દીમાં નિષ્ઠાપૂર્વક મહેનત કરવાની સાથે સાથે જો પ્રેમભર્યા, હૂંફાળા અને આત્મીય સંબંધો વિકસાવવામાં સમય-શકિત ખર્ચ્યાં હશે તો જિંદગીનાં પાછલાં વર્ષો આનંદમાં વીતશે એ વાતની ગેરંટી. વેલ, ઓલમોસ્ટ !
0 0 0

ટેક ઓફ : ગુજરાતી પુસ્તકોની દુનિયામાં લિટરરી એડિટરો કેમ નથી?

Sandesh - Ardh Saptahik Purti - 20 Jan 2016
ટેક ઓફ 
'લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું?'


ખબાર અને મેગેઝિનની ઓફિસમાં અલગ અલગ એડિટરો હોય એ તો જાણે બરાબર છે પણ પુસ્તકોના એડિટર એટલે ? પ્રકાશકો પાસે લેખક બનવા માગતા ઉત્સાહીઓ પોતાનું લખાણ લઈને પહોંચી જતા હોય છે. લિટરરી એડિટર એટલે, સાદી ભાષામાં કહીએ તો, એવી વ્યક્તિ જે કાચી હસ્તપ્રતો કે પ્રિન્ટઆઉટ્સના ઢગલામાંથી સારાં-નરસાં લખાણ અલગ તારવે, જે છાપવા જેવાં લાગે તેને વારંવાર મઠારે, તેમાં વધુ ને વધુ નિખાર લાવવા માટે લેખક પાસે મહેનત કરાવે અને આ આખી પ્રક્રિયા પૂરી કર્યા પછી જ પુસ્તકને છપાવા માટે મોકલે. અંગ્રેજી પ્રકાશકો પાસે એડિટરોની આખી ફોજ હોય છે. પુસ્તક છપાવાના તબક્કે પહોંચે તે પહેલાં એડિટિંગનાં કેટલાંય રાઉન્ડ્સમાંથી પસાર થાય છે. એડિટિંગની પ્રોસેસને કારણે છપાઈને માર્કેટમાં મુકાતાં પુસ્તકોમાં સામાન્યપણે ગુણવત્તાનું એક મિનિમમ સ્તર જળવાઈ રહે છે. ભાષાની ચોખ્ખાઈ, જોડણી અને ફોર્મેટની દૃષ્ટિએ આ પુસ્તકો શિસ્તબદ્ધ લાગે છે.
તકલીફ થાય એવી વાત એ છે કે ગુજરાતી પ્રકાશનજગતમાં એડિટર નામની પ્રજાતિનું લગભગ અસ્તિત્વ જ નથી. ભાગ્યે જ કોઈક પ્રકાશકસંસ્થામાં કન્ટેન્ટ પર કામ કરવા માટે, લેખકો સાથે લખાણ સંબંધિત ચર્ચા કરવા માટે અલાયદી વ્યક્તિઓની નિમણૂક થાય છે. એડિટરો ન હોવાને લીધે ગુજરાતી પુસ્તકોનાં બજારમાં કાચાં, શિસ્તહીન, ચરબીથી લથપથ અને નકામાં પુસ્તકોના ગંજ ખડાકાતા રહે છે. જોડણી અને ભાષાશુદ્ધિની તો વાત ભૂલી જવાની. છાપાંમાં છપાતી કોલમના લેખોને ભેગા કરીને પુસ્તક બનાવી નાખવાનો આપણે ત્યાં ધમધોકાર ટ્રેન્ડ ચાલે છે. દર અઠવાડિયે લખાતા લેખ અને પુસ્તક સ્વરૂપ બહાર આવતાં લખાણની જરૂરિયાત, શિસ્ત અને અપીલ જુદાં છે. લેખોને સંગ્રહ પ્રગટ કરતાં પહેલાં એકની એક વાતનું વારે વારે થતું પુનરાવર્તન તેમજ બિનજરૂરી ચરબી કાઢી નાખવાનાં હોય, 'ગયા અઠવાડિયે આપણે જોયું કે...' પ્રકારની વાકયરચનાઓ દૂર કરી નાખવાની હોય,જરૂર પડે તો અલગ વિભાગો પાડીને વ્યવસ્થિત ફોર્મેટ કરવાનું હોય, પુસ્તકમાં એક ચોક્કસ રિધમ લાવવાની હોય.
આપણા આળસુ લેખકો છાપાનાં કટિંગ્સના થોકડા અપડેટ કર્યા વિના પ્રકાશકના માથે મારે છે ને પ્રકાશકો તે છાપી નાખે છે. ઘણા લેખકો તો 'વધારાની મહેનત કરવાની જ નહીં, હું તો છાપાંમાં જે છપાયું છે તેમાં એક અક્ષર પણ ફેરફાર કર્યા વગર બેઠું પુસ્તક બનાવી નાખુંં' એવું ગર્વથી કહેતા હોય છે. અશ્વિની ભટ્ટ ધારાવાહિક સ્વરૂપમાં છપાઈ ચૂકેલી તેમની નવલકથાઓને પુસ્તકનાં સ્વરૂપે બહાર પાડતાં પહેલાં એના પર નવેસરથી ખૂબ કામ કરતા, જરૂર લાગે તે પોર્શન રી-રાઇટ કરતા. સૌરભ શાહ એમનાં પુસ્તકોની પહેલી આવૃત્તિ તો ઠીક, નવી આવૃત્તિ થવાની હોય ત્યારે પણ નવેસરથી મઠારવામાં પુષ્કળ મહેનત કરતા હોય છે. આ પ્રકારનો એટિટયૂડ લેખનકળાને ગંભીરતાથી લેતા તમામ લેખકોએ અપનાવવા જેવો છે.
Maxwell Perkins

અંગ્રેજી સાહિત્યની દુનિયામાં લેખક, પ્રકાશક અને વિવેચકની સાથે સાથે લિટરરી એડિટરો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આનું ઉત્તમ ઉદાહરણ મેક્સવેલ પર્કિન્સનું છે. લેખકોનાં જીવન પર અવારનવાર ફિલ્મો બનતી રહે છે પણ પહેલી વાર એવું બની રહ્યું છે કે એક લિટરરી એડિટરનાં જીવન પર હોલિવૂડના ટોચના કલાકારોને લઈને ફિલ્મ બની હોય. આ વર્ષે વિધિવત્ રિલીઝ થનારી જિનિયસ' નામની આ લિટ-ફિક(લિટરરી ફિક્શન)માં કોલિન ફર્થ, જુડ લો અને નિકોલ કિડમેન જેવા ટોચના કલાકારો છે. મેક્સવેલ પર્કિન્સ એ માણસ છે જેણે નોબલ પ્રાઇઝવિનર અર્નેસ્ટ હેમિંગ્વેની ટેલેન્ટ પારખીને એમની નવલકથાઓને નિખારી હતી,જેમણે થોમસ વોફ અને એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ જેવા મોટા ગજાના અમેરિકન લેખકોને સફળતાની ઊંચાઈ સુધી લઈ જવામાં મદદ કરી હતી.
હેમિંગ્વે, વોલ્ફે અને ફિટ્ઝજેરલ્ડ ત્રણેય નવલકથાઓ લખતા. માહિતીપ્રધાન અથવા નોનફિક્શન લખાણને મઠારવું એક વાત છે પણ કાબેલ, જેન્યુઇન અને સુસજ્જ એડિટર કોઈએ લખેલી નવલકથાને પણ નિખારી શકે છે. પર્કિન્સે(જન્મ : ૧૮૮૪, મૃત્યુ : ૧૯૪૭) કરિયરની શરૂઆત 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અખબારના રિપોર્ટર તરીકે કરી હતી, પછી ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ નામની પ્રતિષ્ઠિત પ્રકાશનસંસ્થામાં જોડાયા. એ વખતે ચાર્લ્સ સ્ક્રિબનર્સ સન્સ ઓલરેડી મોટા ગજાના લેખકોનાં પુસ્તકો પ્રકાશિત કરતા હતા. એક વાર પર્કિન્સ પાસે 'ધ રોમેન્ટિક ઇગોઇસ્ટ' નામની નવલકથાની હસ્તપ્રત આવી. કોલેજ પૂરી કરેલા બાવીસ વર્ષના એક છોકરડાએ આ નવલકથા લખી હતી. કંપનીના બીજા એડિટરોને આ નવલકથા જરાય નહોતી ગમી. તેમની નેગેટિવ કોમેન્ટ્સનું કાગળિયું પણ હસ્તપ્રત સાથે બીડેલું હતું. પર્કિન્સે ખુલ્લા દિમાગે વાંચવાનું શરૂ કર્યું. લેખનશૈલી અને કન્ટેન્ટમાં કયાંક કયાંક જે તાકાત વર્તાતી હતી તે જોઈને તેઓ ચકિત થઈ ગયા. તેમણે લેખકનો સંપર્ક કરીને કહ્યું : લખાણ સારુંં છે પણ આટલા ફેરફારો કરવાની જરૂર છે,જો તમને આ સૂચનો યોગ્ય લાગે તો એનો અમલ કરી અમને નવો ડ્રાફ્ટ મોકલી આપજો. એડિટોરિયલ ટીમના બીજા સભ્યોએ પર્કિન્સનો વિરોધ કર્યો : આવા કાચા લેખક પાછળ શા માટે સમય અને શક્તિ વેડફો છો ? પર્કિન્સે કહ્યુંું : લેખક કાચો નથી, એનાં લખાણમાં કયાંક કચાશ રહી ગઈ છે, જો આપણે નવી ટેલેન્ટને પ્રોત્સાહન નહીં આપીએ તો ભવિષ્યમાં ગંભીર પરિણામો આવી શકે. હાલ જે લેખકો લખે છે તે બધા ગુજરી જશે અને નવા લેખકો ઊભા જ નહીં થયા હોય તો આપણે છાપીશું શું ?
પેલો બાવીસ વર્ષનો છોકરડો એટલે એફ. સ્કોટ ફિટ્ઝજેરલ્ડ. પર્કિન્સે એક નહીં પણ બે વાર આખેઆખી નવલકથા ફરીથી લખાવી અને પછી ૧૯૨૦માં શીર્ષક બદલીને 'ધિસ સાઇડ ઓફ પેરેડાઇઝ' નામે છાપી. નવલકથા ખૂબ સફળ થઈ. ફિટ્ઝજેરલ્ડ પહેલા જ પુસ્તકથી સાહિત્યજગતના સ્ટાર બની ગયા. પાંચ વર્ષ પછી એમણે 'ધ ગે્રટ ગેટ્સબાય' નામની નવલકથા લખી, જે આજેય અમેરિકાની ઓલટાઇમ ગે્રટેસ્ટ નોવલ્સમાંની એક ગણાય છે. આ પુસ્તક પરથી હોલિવૂડમાં એક કરતાં વધારે ફિલ્મો બની ચૂકી છે.
Maxwell Perkins and Ernest Hemingway in January 1935

ફિટ્ઝજેરલ્ડે એક વાર પર્કિન્સને વાત કરી : મારો એક દોસ્તાર છે, અમેરિકન છે પણ પેરિસમાં રહે છે અને સરસ લખે છે. મને લાગે છે કે તમને એમાં રસ પડશે. એ છોકરાનું નામ હતું, અર્નેસ્ટ હેમિંગ્વે. પર્કિન્સે હેમિંગ્વેનો કોન્ટેક્ટ કર્યો, એનું લખાણ મગાવ્યું અને તેના પર મહેનત કરી. બે વર્ષ પછી પુસ્તક બહાર પાડયું - 'ધ સન ઓલ્સ રાઇઝિસ'(૧૯૨૬). નવલકથા ખૂબ વખણાઈ અને ફિટ્ઝજેરલ્ડની જેમ ૨૭ વર્ષના હેમિંગ્વેની પણ નામના થઈ ગઈ. આ જ હેમિંગ્વેએ આગળ જતાં સાહિત્યનું નોબલ પ્રાઇઝ જીત્યું. હેમિંગ્વેની મર્દાના શૈલીએ આપણા ચંદ્રકાંત બક્ષી સહિત દુનિયાભરના લેખકોને પ્રભાવિત કર્યા છે. પર્કિન્સ હેમિંગ્વેની કક્ષાના લેખકને કહી શકતા કે ભાઈ, ફલાણા ચેપ્ટરમાં તમે બહુ લાઉડ થઈ ગયા છો, તમારા લખાણને ત્યાં જરા ટોન-ડાઉન કરો તો કેવું !
થોમસ વોફનો કિસ્સો પણ સરસ છે. એમણે 'ઓ લોસ્ટ' નામની ૧,૧૧૪ પાનાંની તોતિંગ નવલકથા લખી હતી. કેટલાય પ્રકાશકો તે રિજેક્ટ કરી ચૂકયા હતા પણ પર્કિન્સે અને વોફે સાથે મળીને મહિનાઓ સુધી કામ કરીને પુસ્તક એડિટ કર્યું, ૯૦,૦૦૦ જેટલા શબ્દો ઓછા કર્યા અને નવલકથાનંુ આખું માળખું બદલી કાઢયું. આ પુસ્તક પછી 'લુક હોમવર્ડ, એન્જલ' ટાઇટલ સાથે ૧૯૨૯માં પ્રકાશિત થયું અને કલાસિક ગણાયું.
આવા ત્રણ ત્રણ જાયન્ટ લેખકો ઉપરાંત બીજા કેટલાય મોડર્ન અમેરિકન સર્જકોની પ્રતિભાને પારખીને, તરાશીને સાહિત્યજગતમાં પ્રવેશ કરાવનારા દીર્ઘદૃષ્ટા મેક્સવેલ પર્કિન્સની પ્રકાશનની દુનિયામાં કેટલી ધાક હશે તે સમજી શકાય એવું છે. અલબત્ત, પર્કિન્સે રાઇટર-એડિટરના સંબંધની ગરિમા અને મર્યાદા હંમેશાં જાળવી, તેઓ કહેતા, 'એડિટર પુસ્તકમાં કશુંય ઉમેરતો નથી, જે કંઈ કરે છે તે લેખક કરે છે. એડિટર બહુ બહુ તો લેખકનો પર્સનલ આસિસ્ટન્ટ બની શકે, આથી એડિટરોએ કયારેય ખોટા ભ્રમમાં ન રહેવું અને ખુદને વધુ પડતું મહત્ત્વ ન આપવું. એડિટર માત્ર લેખકની ક્રિયેટિવ ઊર્જાને દિશા આપી શકે છે. એ ખુદ કશુંય સર્જન કરતો નથી.'
લેખકો સાથે પર્કિન્સની વ્યકિતગત સ્તરે દોસ્તી હતી. તેઓ સાથે ફિશિંગ કરતા, ખાણીપીણી કરતા, બહારગામ ફરવા જતા.ફિટ્ઝજેરલ્ડ એક વાર નાણાભીડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પર્કિન્સે આર્થિક મદદ કરીને તેમનો સમય સાચવી લીધો હતો. હેમિંગ્વે પોતાનાં અંગત જીવનમાં થઈ રહેલી ઊથલપાથલ વિશે પર્કિન્સ સાથે વાતો કરી દિલનો બોજ હળવો કરી શકતા. લેખકો સાથેનો એનો પત્રવ્યવહાર 'એડિટર ટુ ઓથર' નામનાં પુસ્તકમાં સંગ્રહ પામ્યો છે.
અંગ્રેજી સાહિત્યજગતમાં મેક્સવેલ પર્કિન્સ જેવા દીર્ઘદષ્ટિ અને અંતઃસ્ફૂરણાવાળો ક્રિયેટિવ એડિટર પાકયો નથી. તેમની એક સલાહ ઊભરતા લેખકોએ ધ્યાનથી સાંભળવા જેવી છે : 'નવલકથા લખતી વખતે કયારેક હતાશાની લાગણી જાગવી એ કંઈ ખરાબ વસ્તુ નથી. તમને લાગતું હોય કે મજા આવતી નથી, લખાણમાં જોઈએ એવી જમાવટ થતી નથી, તો સમજી લો કે આ લાગણી મહાન લેખકોને પણ જાગતી હોય છે. આજ સુધીમાં મેં એક પણ એવો ઉત્તમ નવલકથાકારને જોયો નથી જે કોઈક ને કોઈક તબક્કે નાહિંમત ન થઈ ગયો હોય, આથી હતાશાને તો ઊલટાનું સારુંં લક્ષણ ગણ્યું છે.'
ગુજરાતી પ્રકાશકો પાસે કાબેલ એડિટરોની વ્યવસ્થિત ટીમ કામ કરતી હોય તેવું સપનું જોવું જોઈએ ? 
0 0 0 

Saturday, January 16, 2016

મલ્ટિપ્લેક્સ : 'ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે'

Sandesh - Sanskaar Purti - 17 January 2016
મલ્ટિપ્લેક્સ 
માણસ પોતાનું શ્રેષ્ઠતમ કામ જીવનનાં કયા દશકામાં કરી નાખતો હોય છે? જાવેદ અખ્તરે સલીમસાહેબ સાથે જોડી બનાવીને 'ઝંજીર', 'શોલે' અને 'દીવાર' જેવી સીમાચિહ્ન બની ગયેલી  ફિલ્માે લખી ત્યારે પૂરા ત્રીસ વર્ષના પણ નહોતા.

જાવેદ અખ્તરે સલીમસાહેબ સાથે દંતકથારુપ જોડી બનાવીને'ઝંજીર', 'શોલે' અને 'દીવાર' જેવી સીમાચિહ્ન બની ગયેલી ફિલ્મો લખી હતી ત્યારે પૂરા ત્રીસ વર્ષના પણ નહોતા થયા. સલીમ ખાન એમના કરતાં દસ વર્ષ મોટા. આજે જાવેદ અખ્તરનો બર્થડે છે. આજે તેઓ ૭૦ પૂરા કરી ૭૧મા વર્ષમાં પ્રવેશ્યા. જાવેદસાહેબ જેટલું સરસ લખે છે એટલું સરસ બોલે પણ છે. એમના ઈન્ટરવ્યુઝ વાંચવાનો કે જોવાનો હંમેશાં જલસો પડે છે. જુદી જુદી મુલાકાતોમાંથી લેવાયેલા આ અંશોમાંથી એમના સર્જક મિજાજની મસ્તમજાની ઝાંખી મળે છે. ઓવર ટુ જાવેદસાહેબ....
           ફિલ્મની સ્ક્રિપ્ટ લખવી મેરેથોન દોડવા બરાબર છે. જો તમારે ભરપૂર ડિટેલિંગ સાથેનો સ્ક્રીનપ્લે લખવો હોય તો પણ રોજની આઠથી દસ કલાકના હિસાબે એક મહિનો લાગી જ જાય. સ્ક્રિપ્ટ કરતાંય ડાયલોગ વર્ઝન લખવાનું કામ વધારે થકવી નાખે એવું છે.
          જો સ્ક્રિપ્ટ લખવાનું કામ મેરેથોન દોડવા બરાબર હોય તો ફિલ્મી ગીત લખવાની પ્રક્રિયા ૧૦૦ યાર્ડ્સની રેસ જેવી છે. ટયુન કોમ્પિલીકેટેડ હોય કે દરેક કડીમાં મીટર બદલતા હોય તો આવું ગીત લખવું સમય માગી લે. સમજોને કે એક-બે કલાક તો થઈ જાય. કેમ? એક-બે કલાક ઓછા લાગ્યા? શબાનાએ મારાં પુસ્તકની એક પ્રસ્તાવનામાં લખ્યું છે કે જો પ્રોડયુસરોને ખબર પડી જાય કે જાવેદ કેટલી ઝડપથી અને કેટલી આસાનીથી ગીતો લખી નાખે છે તો પૈસા આપવાનું જ બંધ કરી દે. આને કહેવાય ઘર કા ભેદી લંકા ઢાયે. થેન્કયુ શબાના, વટાણા વેરી દેવા બદલ!
          ઘણા લોકો પૂછતા હોય છે કે તમને લખવાની પ્રેરણા શામાંથી મળે છે? મારો જવાબ હોય છે, ટેરર, ભય! ડેડલાઈન સાવ સામેે આવી જાય, લખ્યા વગર છટકી શકાય એમ હોય જ નહીં ત્યારે જે ભયંકર ભય અને ફફડાટ પેદા થાય છે એમાંથી જ બધું પેદા થાય છે. મારું દિમાગ ડેડલાઈનનો ફફડાટ અને ભય હોય ત્યારે જ ચાલે છે.
          'એક લડકી કો દેખા તો ઐસા લગા'ની પહેલી કડી મેં આર.ડી. બર્મનના મ્યુઝિક રુમમાં લખી હતી. મેં બર્મનદાને કાગળ આપ્યો, બર્મનદાએ લખાણ પર એક નજર ફેંકી અને પછી એક પણ ફુલસ્ટોપ કે કોમા બદલાવ્યા વગર બીજી જ સેકન્ડે ગીત ગાવા લાગ્યા. આ એ જ ગીત હતું જે બેઠ્ઠું ફિલ્મમાં લેવાયું. આ ગીતની ટયુન બનાવતા પંચમને ફકત અડધી અથવા બહુ બહુ તો એક સેકન્ડ લાગી હતી. પણ આમાં કશું નવું નહોતું. પંચમને આટલી ત્વરાથી ટયુન બનાવતા મેં અગાઉ કેટલીય વાર જોયા હતા. ધેટ મેન વોઝ અ જિનીયસ. આખું ગીત લખાઈ ગયું પછી એવી ચર્ચા ચાલી કે ગીતમાં રેગ્યુલર અંતરો તો છે જ નહીં, આખું ગીત એક ટયુનમાં ચાલ્યા કરે છે. એ વખતે પંચમદાએ કહૃાું કે નહીં, જે છે એ બરાબર છે. આ જ મહાન કલાકારની નિશાની છે. ઊંચા ગજાના કલાકારને ખબર હોય છે કે કેટલું પૂરતું છે. પોતાની કળાને બરાબર સમજતો હોય અને પોતાની જાત પર ભરપૂર કોન્ફિડન્સ હોય એવો કલાકાર જ મિનિમલ (એટલે કે જબરદસ્ત ચોકસાઈવાળું પણ જરુર પૂરતું) કામ કરી શકે છે. અસલામતી અને અનિશ્ચિતતા અનુભવતો કલાકાર અલગ અલગ વર્ઝનો બનાવવામાં ટાઈમ બગાડયા કરશે.

           ફિલ્મમાં ગીતો યોગ્ય જગ્યાએ મૂકાયાં હોય તે ખૂબ મહત્ત્વનું છે. ઊભરતા ફિલ્મલેખકોને એક ટિપ આપવા માગું છું. ફિલ્મમાં ગીત મૂકવાનું પરફેકટ ઠેકાણું છે, ઈન્ટરવલ પછી તરત, ત્રીજી-ચોથી મિનિટે. આઈ પ્રોમીસ યુ, ગીત નબળું હશે તો પણ કોઈ (પેશાબ-પાણી કરવા, સિગારેટ પીવા, મસાલો થૂંકવા) ઊભું નહીં થાય કેમ કે બધાં હમણાં જ પતાવીને બેઠા છે!
            લોકો મને અને સલીમસાહેબને અહંકારી ગણતા. આઈ થિંક, ઈટ વોઝ અન એરોગન્સ ઓફ કલેરિટી. તમારાં મનમાં તમારાં કામ વિશે, તમે જે વાર્તા-ડાયલોગ્ઝ લખ્યાં છે તેના વિશે, તમે રચેલાં પાત્રો વિશે પૂરેપૂરી માનસિક સ્પષ્ટતા હોય ત્યારે બીજાઓની દલીલો કે ભિન્ન મત સાંભળવા જેટલી તમારામાં ઘીરજ ન હોય, તેવું બને. સૌથી પહેલાં તો, મેં અને જાવેદસાહેબે ઓલરેડી ખૂબ બધી ચર્ચા અને દલીલો કરી લીધા પછી જ વસ્તુને કાગળ પર ઉતારી હોય. આથી કોઈ નવેસરથી ચર્ચા છેડવાની કોશિશ કરે ત્યારે શકય છે કે અમે અનુકૂળ રિસ્પોન્સ આપવાને બદલે અમારા મુદ્દાને વળગી રહેતા હોઈએ. આવા વર્તાવને લીધે અમારી ઘમંડી હોવાની છાપ પડી હોય એવું બને, પણ તુમાખી અને એરોગન્સ-ઓફ-કલેરિટી આ બન્ને બહુ અલગ બાબતો છે.
            લખતી વખતે હું કઈ જગ્યાએ કયો શબ્દ વાપરવો તે કેવી રીતે નક્કી કરું છું, એમ? શંુ કોઈએ સચિન તેંડુલકરને કયારેય પૂછ્યું છે કે ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ થઈ રહૃાું હોય ત્યારે બોલને કઈ ટેકિનકથી ફટકારો તે તું કેવી રીતે નક્કી કરે છે?   
           ચાર સુપરડુપર હિટ ફિલ્મો પછી હું અને સલીમસાહેબ નવ મહિના સુધી કામ વગર બેસી રહૃાા હતા. અમે નક્કી કર્યું હતું કે બે લાખ રુપિયા કરતાં ઓછું મહેનતાણું તો નહીં જ લઈએ. એ જમાનામાં લેખક બે લાખ માગે એટલે આજનો રાઈટર એક ફિલ્મ લખવાના વીસ કરોડ માગતો હોય તેવું લાગે. 'શોલે' માટે અમિતાભ બચ્ચનને પણ બે લાખ નહોતા મળ્યા. અમે ફિલ્મો જતી કરી, પણ બે લાખથી ઓછામાં કામ કરવા તૈયાર ન જ થયા. આખરે અમને અમારી પ્રાઈસ મળી જ. તે પછીની ફિલ્મ માટે અમે પાંચ લાખ ચાર્જ કર્યા અને તેનીય પછીની ફિલ્મ માટે સીધા દસ લાખ.
            જાવેદસાબથી છૂટા પડયા પછી મેં ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ કરતાં ગીતો લખવા પર વધારે ધ્યાન આપ્યું, કેમ કે આ કામ મને સંતોષકારક અને અનુકૂળ લાગતું હતું. એક તો, ગીત ફટાફટ લખાઈ જાય, રેકોર્ડ થઈ જાય અને તરત તમને વાહવાહી મળી જાય. ફિલ્મની સ્ક્રિપ્ટ લખતા હો તો વાહવાહી ઊઘરાવવા માટે બે વર્ષ સુધી રાહ જોવી પડે. સ્ક્રિપ્ટ કરતાં ગીતો લખવામાં પ્રશંસાનું પેમેન્ટ બહુ જલદી થઈ જાય છે! વળી, હું બહુ આળસુ માણસ છું. પીઠમાં દુખાવો પણ રહે છે એટલે મારી પાસે વધારે કામ ન કરવાનું વ્યાજબી બહાનું પણ છે, યુ સી!
            જે ઉંમરે લોકો કવિતા લખવાનું બંધ કરે છે તે ઉંમરે મેં કવિતા લખવાનું શરુ કરેલું.
            ડોકયુમેન્ટરી સમાજનું પ્રતિબિંબ ઝીલે છે તે રીતે સિનેમા સમાજનું પ્રતિબિંબ ઝીલતું નથી. સિનેમાનું કામ સમાજનો અહેવાલ આપવાનો નથી. સિનેમા સમાજનાં સપનાં અને મહત્ત્વાકાંક્ષાઓનું પ્રતિબિંબ ઝીલે છે. પડદા પર દેખાતી દુનિયા જેવાં સપનાં જોતો સમાજ કેવો હશે, એનો અંદાજ તમે ફિલ્મો પરથી લગાવી શકો.
            હા, મને 'કુછ કુછ હોતા હૈ' ટાઈટલ વલ્ગર લાગ્યું હતું એટલે મેં તેનાં ગીતો લખવાનું માંડી વાળ્યું હતું. આજે મને અફસોસ છે કે આવી સરસ અને સુપરહિટ ફિલ્મ મેં શા માટે છોડી દીધી, કારણ કે મારા સિવાય કોઈને ટાઈટલમાં અશ્લીલતા ન દેખાઈ! ખેર, યુ વિન સમ, યુ લુઝ સમ. કુછ તો ઉસૂલ રખના ચાહિએ. ફાયદા-નુકસાન તો હોતા રહતા હૈ.

          લોકો ચેઈન-સ્મોકર હોય છે તેમ હું ચેઈન-રીડર હતો. મારી પાસે કાયમ કમસે કમ એક ચોપડી તો હોય જ. લોકલ ટ્રેનમાં મહાલક્ષ્મી સ્ટેશન જવાનું હોય તો આખા રસ્તે હું વાંચતો હોઉં. સ્ટેશને ઉતર્યા પછી ઓછા ટ્રાફિકવાળા રસ્તે જો ચાલતા ચાલતા વાંચી શકાતું હોય તો એમ પણ કરું, નહીં તો કામના સ્થળે જરાક અમથો ટાઈમ મળે કે તરત ચોપડી લઈને બેસી જાઉં. તે વખતે હું થર્ડ આસિસ્ટન્ટ ડિરેકટર કે કલેપર બોય તરીકે કામ કરતો. જેવી ચોપડી પૂરી થાય કે બીજી જ મિનિટે થેલામાંથી નવી ચોપડી કાઢીને વાંચવાનું શરુ કરી દઉં. વાંચન બહુ કામ આવે છે. પુસ્તકમાં રમમાણ થઈ જવાથી હું ભૂલી જતો કે કાલથી મારા પેટમાં અન્નનો એક દાણો સુધ્ધાં પડયો નથી.
         ઘટના અને અનુભવ બન્ને જુદી વસ્તુઓ છે. ઘટનાને અનુભવમાં પરિવર્તિત થતાં થોડો સમય લાગે છે. તમારી સાથે કશુંક બને અથવા તમે કશુંક જુઓ તો તમે તેનો અહેવાલ આપી શકો. એ હજુ તમારો 'અનુભવ' બન્યો નથી, કેમ કે તમે હજુ સુધી'ઘટના'ની અંદર જ છો. સમય વીતે એટલે ઘટના અને તમારી વચ્ચે એક અંતર પેદા થાય અને તે પછી જ તમે ઘટનાને તટસ્થતાથી નિહાળી શકો, એનેલાઈઝ કરી શકો. 'ભૂખ' નામની કવિતા લખી ત્યારે હું પોશ બંગલામાં રહેતો હતો, પણ આ કવિતા હું એટલા માટે લખી શકયો કે ભૂખ અને મુફલિસીમાંથી હું ભૂતકાળમાં પસાર થઈ ચુકયો હતો. વર્ષો બાદ તમે અતીતમાં બની ગયેલી ઘટનાઓ તરફ નજર માંડો છો ત્યારે તમને ઘટનાનો આખો આકાર દેખાય છે, સમજાય છે. તમે તે ઘટનાની એકએક રેખાને નવા પ્રકાશમાં જોઈ શકો છો.
         સંતાનો તમે જે કહો છો તે કરતાં નથી, પણ તમે જે કરો છો તે કરે છે. મારાં બન્ને સંતાનો ફરહાન અને ઝોયાએ નાનપણથી મને અને એમની મા હનીને પુસ્તકો વચ્ચે ઘેરાયેલાં અને વાંચતાં જોયાં છે એટલે તેમને પણ સહજપણે વાંચનનો શોખ લાગ્યો. મારે કબૂલવું પડશે કે એ બન્ને પોતપોતાની ફિલ્મોમાં ખૂબ બિઝી હોય છે તોય આજની તારીખે મારા કરતાં વધારે વાંચે છે.
શો-સ્ટોપર

પૈસે હાં બોલને કે નહીં મિલતે હૈ, પૈસે ના બોલને કે મિલતે હૈ.
- સલીમ ખાન (પ્રોડયુસરો સાથે ફી નગોશિએટ કરવા વિશે)

Wednesday, January 13, 2016

ટેક ઓફ : વેદના... આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

Sandesh - Ardh Saptahik Purti - 6 January 2016
ટેક ઓફ

વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. 


વા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આપણી ભાષાના શ્રેષ્ઠોત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા કરતાં બહેતર બીજું શું હોઈ શકે. સામાન્યપણે સિતાંશુ યશશ્ચંદ્ર 'અઘરા' કવિ ગણાય છે પણ આજે જે કૃતિ વિશે વાત કરવી છે તે જરાય કઠિન નથી. એમના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'વખાર'માં સ્થાન પામેલી આ કવિતા એક રીતે પ્રાર્થનાની ગરજ સારે એવી છે. કવિતા ઈશ્વરને નહીં પણ વેદનાને ઉદ્દેશી લખાયેલી છે. એ વેદના જે આપણા માંહ્યલામાં ટીપે ટીપે જમા થઈ છે અથવા એક જ કારમાં સંઘાત સાથે પેદા થઈ ગઈ છે.
કવિ કહે છે :
વેદના, તું અંધ ના કર. વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે,
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને.
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભીતીચિત્ર દે.
દુઃખ માણસને દિશાહીન બનાવવાની ચેષ્ટા કરે છે. દુઃખના ભારથી બેવડા વળી ગયેલા માણસને શું કરવું ને શું ન કરવું તે સમજાશે નહીં. કયાં જવું, કોની મદદ લેવી તે સૂઝશે નહીં. આવી સ્થિતિમાં કાં તો મૂઢ થઈ જવાય, નિષ્ક્રિય બની જવાય અથવા શકય છે કે ખોટું પગલું ભરાઈ જાય. કવિ કહે છે કે વેદના, તું ભલે આવ, તારુંં સ્વાગત છે, પણ મહેરબાની કરીને મારી આંખો પર બાંધવાની પટ્ટી સાથે ન લાવતી. તું મારી આંખો બંધ કરવાનું નહીં, ખોલવાનું કામ કરજે.
વેદનાનાં આગમન પાછળ કશુંક પ્રયોજન જરૂર હોવાનું. એ જરૂર વિશેષ સંકેતો લઈને આવ્યું હશે. આ પ્રયોજન અને સંકેતો તો જ દેખાશે જો દુઃખ પોતાની સાથે પ્રકાશ પણ લેતું આવે. નવાં સત્યોનો પ્રકાશ. કવિ તો વેદનાને ત્યાં સુધી કહે છે કે તારી જ્યોતથી મને આખોને આખો દીવાની જેમ ઝળહળ પેટાવ. અત્યાર સુધી સુખના ઉજાસમાં ઘણું જોયું, હવે તારા પ્રકાશમાં મારે નવાં સત્યો જોવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, 'ઈશ્વર જો તને વેદના આપે તો પોતાના દોષથી તે વેદનાને વ્યર્થ બનાવીશ નહીં - તેને સફળ કરવા માટે હ્ય્દય-મનને પૂરેપૂરાં તૈયાર કરીને જાગ્રત થજે. મનમાં કહેજે : હું દુર્બળ નથી, કહેજે કે હું હાર નહીં સ્વીકારુંં. કહેજે કે મારાં ક્ષણિક જીવનની પાછળ અનંત જીવનની પૂંજી રહેલી છે. આ જીવનની બધીય જાળજંજાળ એકેએક છેદાઈ જવાની છે, પરંતુ પેલી પૂંજી કદી ખૂટી જવાની નથી. તે સૂર્યના પ્રકાશની પેઠે અક્ષય છે. ઈશ્વરે તારી અંદર જે મહિમાનું સ્થાન કરેલું છે, તેને સંપૂણપણે જો. પોતાની જાતને દીન-દુર્બળ કહીને, ક્ષૂદ્ર કહીને અપમાન કરીશ નહીં, કારણ, એ વાત સાચી છે જ નહીં. તારા અંતરાત્મામાં વિજયલક્ષ્મી બિરાજેલાં છે.'


કુન્દનિકા કાપડિયાએ એક નવલકથા લખી છે - 'પરોઢ થતાં પહેલાં'. બહુ જ સુંદર પણ ખાસ્સી અંડર-રેટેડ કૃતિ છે આ. તેમાં એક જગ્યાએ કુન્દનિકાજીએ લખ્યું છે :
'દુઃખનું પ્રયોજન શું છે ? દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી, તેથી જ તે ફરી ફરીને આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે તો પછી દુઃખની કામગીરી પૂરી થાય, તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે... કદાચ.'
આ જ નવલકથામાં બીજી એક જગ્યાએ કહેવાયું છે :
'જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ. તેનું ઝરણ નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દઃુખ હોય, તેની ગાંઠમાં હ્ય્દયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય છે તો દુઃખ પણ જીવનનું એક સૌંદર્ય બની રહે.'
આઘાત પામીને કુંઠિત થઈ જવું એટલે દુઃખના કારાવાસમાં કેદ થઈ જવું. આ સ્થિતિ ટાળવાની હોય. દઃુખમાં ઊભા રહી જવાને બદલે આગળ વધી જવાનું હોય, તેથી જ સિતાંશુ યશશ્ચંદ્ર વેદનાને
કહે છે :
તું ન કારાવાસ થા, થા એક અણધાર્યો પ્રવાસ,
કયાં જવું, કયાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે,
કોઈ સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.
કોણ હોઈ શકે આ અજાણ જણ ? ઈશ્વર કદાચ ? આપણી ઓથેન્ટિક સેલ્ફ ? વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું તે આપણી સૌથી પહેલી ફરજ છે, જો ખુદવફાઈ એની જગ્યા પર સ્થિર હશે તો જીવનનાં બાકીનાં બધાં સમીકરણો વહેલાં-મોડાં સચવાઈ જશે.
સિતાંશુ યશશ્ચંદ્ર અંતે લખે છે :
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવા સીમાડે,
તે પછી કોઈ સીમાડો કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારુંં સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
કવિ જે સીમાડાની વાત કરે છે તે શું આ જ છે - ખુદવફાઈનો ઈલાકો ? કદાચ. એકવાર ખુદવફાઈનાં વર્તુળમાં પહોંચી ગયા પછી બીજા કોઈ સીમાડા આડા આવતા નથી. વેદના જાણે કોઈ સામર્થ્યવાન દેવીનું સ્વરૂપ હોય તે રીતે કવિ તેની પાસેથી જ્ઞાાની માણસનું ધૂનીપણું માગે છે, ભરપૂર પ્રસન્નતા સાથે આગ-ખેલ કરી શકાય એવી ક્ષમતા પણ માગી લે છે.
તો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે વેદનાથી ભાગીશું નહીં. બે હાથ પહોળા કરીને એને આવકારીશું. આનું આવવાનું પ્રયોજન શું છે તે જાણવાની કોશિશ કરીશું. વેદના જે સંદેશો લાવી છે તે કાન માંડીને સાંભળીશું, તેનો મર્મ સમજીશું અને પછી તે અનુસાર આપણાં વર્તન-વ્યવહારમાં - આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે - જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન લાવીશું.
0 0 0  

Saturday, January 9, 2016

મલ્ટિપ્લેક્સ : નાના પાટેકર : નઠારા, જોખમી અને ડેન્જરસ નટસમ્રાટ!

Sandesh - Sanskaar Purti - 10 January 2016
મલ્ટિપ્લેક્સ 
સંજય ભણસાળીએ કહેલું કે 'ખામોશી'નાં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને એટલો બધો હેરાન કર્યો હતો કે ફિલ્મ બનાવવાની આખી મજા મરી ગઈ હતી. 'પરિંદા'નું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથે એમની છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. સ્વભાવની વિચિત્રતાઓ એક વાત થઈ પણ એક એક્ટર તરીકે નાના પાટેકર ઓડિયન્સને જલસો કરાવે છે એવું એમના દુશ્મનોએ પણ જખ મારીને સ્વીકારવું પડે છે. 

ર્ષના પ્રારંભમાં જ ધ્યાન ખેંચે એવી ઘટના એ બની છે કે નાના પાટેકરની મરાઠી ફિલ્મ 'નટસમ્રાટ' મહારાષ્ટ્ર જ નહીં, ગુજરાતનાં પસંદગીનાં થિયેટરોમાં પણ ધૂમ મચાવી રહી છે. મરાઠી કલાજગતમાં એવી છાપ છે કે જે એક્ટર 'નટસમ્રાટ'નો લીડ રોલ કરે - પછી તે નાટક હોય કે ફિલ્મ - તો તેના પર સંપૂર્ણ અદાકારનો આઈએસઆઈનો માર્કો આપોઆપ લાગી જાય. 'નટસમ્રાટ' જોઈને અમિતાભ બચ્ચન જેવા સિનિયર સુદ્ધાંએ ભરપૂર વખાણ કર્યાં તેથી નાના પાટેકર રાજીના રેડ છે. ફિલ્મ રંગભૂમિના એક સુપરસ્ટારનાં જીવનની ચડતી-પડતી વિશે છે. ફિલ્મ તમને 'બાગબાન' અને 'અવતાર'ની યાદ અપાવશે. મસ્ત રડકુ ફિલ્મ છે એટલે ટિસ્યૂપેપરનું આખું બોક્સ સાથે રાખજો. આજ સુધી એક પણ મરાઠી ફિલ્મ થિયેટરમાં જોઈ ન હોય તેવા દર્શકોએ 'નટસમ્રાટ'થી શરૂઆત કરવા જેવી છે. મરાઠી ભાષા જરાય નહીં આવડતી હોય તો પણ ફિલ્મ માણી શકશો, વળી અંગ્રેજી સબટાઇટલ્સની સુવિધા તો છે જ. 
૬૫ વર્ષીય નાના પાટેકર આ ફિલ્મના ૩૫ ટકા પ્રોડયુસર પણ છે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન એક જગ્યાએ એમણે કહેલું કે, 'નટસમ્રાટ' જોતી વખતે તમારે સબટાઇટલ્સ વાંચવાની પણ જરૂર નથી. કમસે કમ પહેલી વાર જુઓ ત્યારે તો નહીં જ, સિનેમાની કોઈ ભાષા હોતી નથી. સંગીતની જેમ." પાટેકર કદાચ બિન-મરાઠીઓને એમ કહેવા માગતા હતા કે ફિલ્મ બની શકે તો બે વાર જોજો. પહેલી વાર ફકત મારો અભિનય ફોકસ કરજો અને બીજી વાર જરૂર પડે તો સબટાઇટલ્સ પર ! ઉપેન્દ્ર ત્રિવેદીનાં યાદગાર નાટક 'અભિનયસમ્રાટ' અને મહેશ માંજરેકરે ડિરેક્ટ કરેલી આ 'નટસમ્રાટ' વચ્ચે એકસરખાં લાગતાં ટાઇટલ સિવાય બીજો કોઈ સંબંધ નથી. બંને જુદા જુદા મરાઠી લેખકો દ્વારા લખાયેલી બિલકુલ અલગ કૃતિઓ પર આધારિત છે.
'નટસમ્રાટ'ના નાયકની જેમ નાના પાટેકરનું અસલી જીવન પણ ડ્રામા અને મેલોડ્રામાંથી ભરપૂર છે. ટિપિકલ બોલિવૂડ એક્ટરો કરતાં નાના પાટકેરનું વ્યક્તિત્વ અને તાસીર ખાસ્સાં જુદાં છે. કેટલાંય વર્ષ પહેલાં મહારાષ્ટ્ર સરકારના કલાકારો માટેના ક્વોટામાંથી તેમણે સસ્તામાં - ફકત ૧.૧ લાખ રૂપિયામાં - અંધેરીસ્થિત લોખંડવાલા કોમ્પ્લેક્સમાં સાડાસાતસો સ્ક્વેરફૂટનો ફ્લેટ ખરીદ્યો હતો. આજની તારીખે પણ નાના એ જ વન બેડરૂમ-હોલ-કિચનના ફ્લેટમાં રહે છે. ગણેશોત્સવના દશ દિવસો દરમિયાન તો તેઓ માટુંગાની ચાલીમાં આવેલા એક રૂમ-રસોડાનાં ઘરમાં જ પરિવાર સાથે હોય છે. હા, અલીબાગ પાસે આવેલાં એમના વતન મરુડ જંજિરામાં, પુનામાં અને ગોવામાં પણ ઘર ખરીદ્યાં છે ખરાં. એમનું પોતાનું ખેતર પણ છે. મુંબઈમાં ફિલ્મોનાં શૂટિંગ પૂરતા જ રહે છે. શૂટિંગમાંથી નવરા પડતા જ મુંબઈ છોડીને નાસી જાય છે.
નાનાને સાત ભાઈ-બહેન, એ રંગે શામળા પણ ભાઈઓ દેખાવે બહુ રૂપાળા. નાનાને સતત એવું થયા કરે કે હું કાળો છું એટલે મા-બાપ મને ભાઈઓ કરતાં ઓછું વહાલ કરે છે. એમના પાડોશમાં ચાર-પાંચ વર્ષની એક બેબલી રહેતી, એ ઘરે રમવા આવે એટલે ગમ્મતમાં એને પૂછવામાં આવે : બોલ, મોટી થઈને તું કોની સાથે લગ્ન કરીશ - નાના સાથે કે દિલીપ(મોટાભાઈ) સાથે ? બેબલી કહેતી : દિલીપ સાથે. કેમ દિલીપ સાથે ? નાના સાથે કેમ નહીં ? બેબલી કાલી કાલી ભાષામાં જવાબ આપતી : નાના કાળો છે ને દિલીપ ગોરો છે એટલે. આ સાંભળીને બધા મોટેથી હસી પડતાં પણ નાનાને ક્ષોભનો પાર ન રહેતો. નાનાનું બાળપણ તીવ્ર લઘુતાગ્રંથિમાં વીત્યું એનું એક મોટું કારણ એમનો કાળો રંગ અને મામૂલી સિકલ-સૂરત હતાં.

નાનામાં જરા સુધારો થાય તે માટે મા-બાપે એમને ગામડેથી મુંબઈ રહેતી એમની માસીને ત્યાં મોકલી આપ્યા. એક વર્ષમાં માસી ત્રાસી ગયાં. એમણે નાનાને પાછા ગામડે મોકલી આપ્યા. કહૃાું : નાનાને વધારે સમય મારે ત્યાં રાખીશ તો એ તો નહીં સુધરે પણ મારા દીકરા જરૂર બગડી જશે !
નાનાના પિતા કમાવા માટે મુંબઈ ગયેલા. એમને રંગ અને રસાયણોનું સાધારણ કામકાજ હતું. નાટક-ચેટક-તમાશા વગેરે જોવાનો એમને બહુ શોખ. એકવાર ગામમાં 'વાલ્મીકિ' નામનું નાટક ભજવાયું, જેમાં નાનાએ પણ ભાગ લીધો હતો. આ નાટક જોવા પિતાજી ખાસ મુંબઈથી ગામ આવેલા. નાનાનું કામ જોઈને પિતાજીએ એમને ખૂબ શાબાશી આપી. નાનાએ વિચાર્યું : જો પિતાજીનું અટેન્શન મેળવવું હશે તો નાટકોમાં કામ કરતાં રહેવું પડશે. નાના પાટેકરને એક્ટિંગનો કીડો આ રીતે કરડયો.
એ તેર વર્ષના હતા ત્યારે કોઈ સંબંધીએ કાગળિયા પર પિતાજીની સહી કરાવી લીધી. પિતાજીની બધી મૂડી ધોવાઈ ગઈ. પાટેકર પરિવાર ગરીબ થઈ ગયો. બે પૈસા કમાવા માટે નાનાને પાછા મુંબઈ મોકલવામાં આવ્યા. એક જગ્યાએ સિનેમાનાં પોસ્ટરો બનાવવાનું કામ મળ્યું. સવારની સ્કૂલ પતાવીને તેર વર્ષના નાના રોજ માટુંગાથી ચુનાભઠ્ઠી સુધીનું આઠ કિલોમીટરનું અંતર ચાલીને કાપતા. વળતી વખતે ફરી પાછું આટલું અંતર પગપાળા કાપવાનું. મહિને ૩૫ રૂપિયાનો પગાર ને એક ટંક જમવાનું મળતું. રજાના દિવસે રસ્તા પર ઝિબ્રાક્રોસિંગના પટ્ટા રંગવાનું કામ કરતા. ચાર છોકરાની ટોળી સાથે મળીને આ કામ કરતી. એક ઝિબ્રાક્રોસિંગ રંગવાના ચાર રૂપિયા મળે. એક દિવસમાં દસેક સ્પીડબ્રેકર રંગે એટલે ચાલીસ રૂપિયા જેટલી કમાણી થઈ જાય. એ જમાનામાં પંદર પૈસાનું ઉસળ મળતું. ઘરેથી છાપામાં રોટલી બાંધીને લાવ્યા હોય, ઠંડી રોટલી અને ઉસળ એ એમનું લંચ. ગરીબી એટલી ભીષણ હતી કે નાના જમવાના સમયે દોસ્તારનાં ઘરે બહાનું કાઢીને પહોંચી જતા. મનમાં આશા હોય કે દોસ્તારની મા એને પણ જમવા બેસાડી દેશે. આ એવો તબક્કો હતો જ્યારે ડગલે ને પગલે અપમાન થયા કરતું પણ નાનાનો એક જ ઉદ્દેશ હતો : કોઈ પણ ભોગે બે પૈસા કમાઈને પિતાજીને મદદ કરવી છે. એક તરફ લઘુતાગ્રંથિ ઘૂંટાઇ રહી હતી પણ બીજી બાજુ ભૂખ અને અવહેલના જિંદગીના સૌથી કઠિન સબક શીખવી રહી હતી. આ સઘળા અનુભવો ભવિષ્યમાં એમને એક એક્ટર તરીકે કામ આવવાના હતા.
નાના બાન્દ્રા સ્કૂલ ઓફ આર્ટ્સ (જે હવે રાહેજા સ્કૂલ ઓફ આર્ટ્સ તરીકે ઓળખાય છે)માં ભણ્યા હતા ત્યારબાદ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કોમર્શિયલ આર્ટ્સનું ભણ્યા. નાનાને અંગ્રેજી બોલવાનાં ફાંફાં પણ અહીં જીભ નહીં પણ પીંછી ને પેન્સિલ ચલાવવાનાં હતાં. કોલેજ બાદ એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં વિઝ્યુલાઇઝર તરીકે નોકરી શરૂ કરી. આ દરમિયાન તેઓ થિયેટર સતત કરતા રહ્યા. સુલભા દેશપાંડે અને અરવિંદ દેશપાંડેનું આવિષ્કાર થિયેટર ગ્રૂપ એમણે જોઈન કરેલું. એક સમય એવો આવ્યો કે જ્યારે નક્કી કરવાનું હતું કે લાઈફમાં આગળ શું કરવું છે - નોકરી કે થિયેટર ? અંદરથી જવાબ મળ્યો : થિયેટર. નાનાએ વિચાર્યું કે કોઈ છોકરી મારી ટૂંકી કમાણીમાં ઘર ચલાવવા તૈયાર થશે નહીં એટલે લગ્ન તો આમેય થવાનાં નથી.
સદભાગ્યે આવી છોકરી મળી ગઈ - નીલકાંતિ. આ બ્રાહ્મણ છોકરી બેન્કમાં નોકરીની સાથે સાથે થિયેટર પણ કરતી હતી. નાના એ વખતે નાટકોના શો કરીને મહિને માંડ સાતસો - સાડાસાતસો રૂપિયા જેવું કમાતા, જ્યારે નીલકાંતિનો પગાર અઢી હજાર રૂપિયા હતો. બંને પ્રેમમાં પડયાં ને પરણી ગયાં. નાના તે વખતે ૨૭ વર્ષના હતા. નીલકાંતિએ કહૃાું : નાના, તું ઘરની ચિંતા ન કરીશ. હું કમાઇશ. તું થિયેટર કર. આજે નહીં તો કાલે, કયારેક તો તું સરખું કમાતો થઇશને. નાના પાટેકર અભિનયનાં ક્ષેત્રમાં આગળ આવી શકયા એમાં એમની પત્નીનું બહુ મોટું યોગદાન છે. નીલકાંતિએ 'આત્મવિશ્વાસ' નામની એક જ ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સચિન પિલગાંવકર તેના ડિરેક્ટર હતા. આ ફિલ્મ માટે નીલકાંતિને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો.
ડિરેક્ટર-પ્રોડયુસર વિજયા મહેતાનાં પ્રોફેશનલ નાટકોમાં નાના પાટેકર ખૂબ નીખર્યા. એમનાં હમિદાબાઈ ચી કોઠી', 'મહાનગર', 'પુરુષ' જેવાં નાટકો ખૂબ વખણાયાં. નાના રંગભૂમિ પર ખુશ હતા, પણ સ્મિતા પાટિલ તેમને ફિલ્મોમાં ખેંચી લાવ્યાં. બંને નાટકોને લીધે એકમેકના પરિચયમાં હતાં. 'ગમન' નાનાની પહેલી ફિલ્મ, ધીમે ધીમે ફિલ્મી સફર આગળ વધતી ગઈ. 'અંકુશ', 'સલામ બોમ્બે', 'ક્રાંતિવીર', 'થોડા સા રુમાની હો જાએ', 'તિરંગા' જેવી ફિલ્મોમાં ડ્રામેટિક રોલ કર્યા, તો 'વેલકમ' જેવી મસાલા ફિલ્મમાં કોમેડી પણ કરી. ફિલ્મોએ નામ અને દામ બંને આપ્યા તો પણ નાનાએ થિયેટર કરવાનું બંધ નહોતું કર્યું. 'પુરુષ' એમણે સોળ વર્ષ સુધી ભજવ્યંુ હતુંં. આમાં નાનાનું નેગેટિવ કેરેક્ટર હતું પણ તેઓ સ્ટેજ પર જેવો પગમાં મૂકતા કે ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી છલકાઇ જતું. સ્ત્રી પર બળાત્કાર કરવાનાં દૃશ્યમાં પણ તાળીઓ પડતી ! આથી નાનાએ નાટક શરૂ થતાં પહેલાં ઓડિયન્સ સામે આવીને વિનંતી કરવાનું શરૂ કર્યું કે હું ફિલ્મસ્ટાર છું એ વાત ભૂલીને નાટક જોજો અને મહેરબાની કરીને કારણ વગર મને તાળીઓથી વધાવશો નહીં પણ પ્રેક્ષકો તો પ્રેક્ષકો છે. નાનાને સાક્ષાત આંખ સામે જોતાં જ એમનાથી અનાયાસ તાળી પડાઇ જતી. નાનાએ આખરે 'પુરુષ'નું કિરદાર ભજવવાનું બંધ કર્યું.

નાના પાટેકરની સફળતાનો ગ્રાફ ઉપર ચડતો ગયો પણ તેમનું લગ્નજીવન નિષ્ફળ થતું ગયું. પતિ-પત્ની વચ્ચે ઝઘડા વધતા ગયા. ડિવોર્સ તો ન થયા પણ નાના પત્નીથી અલગ રહેવા લાગ્યા. એમનું પહેલું સંતાન અઢી વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યું હતું જ્યારે ભડભાદર થઈ ગયેલો બીજો દીકરો મલ્હાર આજે ફિલ્મોના એક્ટિંગ સિવાયના ડિપાર્ટમેન્ટ્સમાં રસ દેખાડી રહૃાો છે. નાનાનાં જીવનમાં મનીષા કોઈરાલા સહિત ઘણી સ્ત્રીઓ આવી અને ગઈ પણ પત્ની પ્રત્યેનો આદરભાવ કયારેય ભૂંસાયો નહીં. આજની તારીખે અલગ અલગ છત નીચે રહેવા છતાં નાના અને નીલકાંતિ એકમેકની પૂરી તકેદારી લે છે.
નાના પાટેકરના ક્રોધી સ્વભાવના કેટલાય કિસ્સા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાતા રહે છે. આમાંના મોટાભાગના કિસ્સા સાચા છે. હમણાં 'બાજીરાવ મસ્તાની'નાં પ્રમોશન દરમિયાન સંજય ભણસાળીએ કહેલું કે 'ખામોશી'નાં શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મને એટલો બધો હેરાન કર્યો હતો કે ફિલ્મ બનાવવાની આખી મજા મરી ગઈ હતી. આજેય 'ખામોશી'ની વાત નીકળે છે ત્યારે એ બધા કિસ્સા યાદ આવતાં સંજય ભણસાલીનું મોઢું કડવું થઈ જાય છે. 'પરિંદા'ના યાદગાર અભિનય બદલ નાના પાટેકરને કરિયરનો પહેલો નેશનલ એવોર્ડ મળ્યોે પણ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું ત્યારે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડા સાથે એમની છુટ્ટા હાથની મારામારી થઈ ગઈ હતી. 'રાજનીતિ' વખતે પ્રકાશ ઝાને રડાવ્યા હતા. અનુરાગ કશ્યપને એકવાર થપ્પડ મારી દીધેલી. 'ધ વેન્સડે'માં નાના પાટેકરને લેવાની વાત હતી પણ નીરજ પાંડેને ગભરામણ થઈ ગઈ એટલે નાનાને બદલે નસિરુદ્દીન શાહની વરણી કરવામાં આવી. નાના પોતાના લગભગ બધા ડિરેક્ટર-પ્રોડયુસરો સાથે બાખડયા છે. લેખકો અને ઈવન સેટ-ડિઝાઇનરો સામે પણ એમને વાંધા પડતા હોય છે. નાના પાટેકર ખુદ કહે છે કે હા, હું છું નઠારો, જોખમી અને ડેન્જરસ. મારો સીધો હિસાબ છે : કાં સામેવાળો મને કન્વિન્સ કરે અને જો કન્વિન્સ ન કરી શકે તો હું કહું તેનો અમલ કરે ! 
સ્વભાવની વિચિત્રતાઓ એક વાત થઈ પણ એક એક્ટર તરીકે નાના પાટેકર ઓડિયન્સને જલસો કરાવે છે એવું એમના દુશ્મનોએ પણ જખ મારીને સ્વીકારવું પડે છે. ગરીબ ખેડૂત પરિવારો માટે નાના સરસ કામ કરી રહૃાા છે. આખરે બધું ભુલાઈ-ભૂંસાઈ જતું હોય છે, ફકત માણસનું કામ યાદ રહેતું હોય છેે... 
0 0 0