Sandesh - Ardh Saptahik Purti - 30 November 2013
ટેક ઓફ
દુનિયાભરની એરલાઈન કંપનીઓ ફેસબુક અને ટ્વિટર જેવાં સોશિયલ મીડિયાનો શી રીતે અસરકારક ઉપયોગ કરે છે?
દિવાળીના દિવસોમાં યા તો રજાઓમાં લોકોને બહારગામ જવાનું શૂરાતન ચડે છે. છેલ્લી ઘડીએ આઉટસ્ટેશન ટ્રેનોનું રિઝર્વેશન મળવું લગભગ અશક્યવત્ બની જાય છે. લકઝરી બસો પેક જવા માંડે છે. ફ્લાઈટ્સની ટિકિટોના ભાવ પર ફર્ક વર્તાય છે. આપણે ત્યાં ટ્રેનયાત્રા, લકઝરી બસની મુસાફરી અને હવાઈ પ્રવાસ પર સોશિયલ મીડિયાનો પડછાયો ખાસ પડયો નથી, પણ વિદેશમાં ફેસબુક અને ટ્વિટરે એરલાઈન્સ કંપનીઓનો કમ્યુનિકેશન એપ્રોચ બદલી નાખ્યો છે. સોશિયલ મીડિયાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તે બિલકુલ ફ્રી છે. કંપનીઓએ તેનો ઉપયોગ કરવા માટે, ફોર અ ચેન્જ, તોતિંગ એડવર્ટાઈઝિંગ બજેટ ફાળવવું પડતું નથી! વિશ્વની કેટલીક એરલાઈન્સ કંપનીઓ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે ફેસબુક-ટ્વિટરનો કેવી રીતે અસરકારક ઉપયોગ કરે છે?
કેએલએમ નામની ડચ એરલાઈન કંપની ઓનલાઈન પબ્લિક રિલેશનમાં ઉસ્તાદ ગણાય છે. તેણે 'મીટ એન્ડ સીટ' નામની સર્વિસ લોન્ચ કરી છે. ધારો કે તમારે આઠ-દસ-પંદર કલાકની લાંબી ફ્લાઈટ લેવાની છે. આવી સ્થિતિમાં જો સહપ્રવાસી મજાનો (કે મજાની) હોય તો ફ્લાઈટ ઓછી બોરિંગ બને. 'મીટ એન્ડ સીટ' સર્વિસ દ્વારા તમે તમારી આજુબાજુની સીટવાળા હમસફર પસંદ કરી શકો છો. શી રીતે? તેમના ફેસબુક અને લાઇક્ડ-ઈન એકાઉન્ટ ચેક કરીને. જે-તે દિવસની ચોક્કસ ફ્લાઈટમાં પ્રવાસ કરનારાઓનાં નામ અને ડેટા મળી જાય એટલે તમારે માત્ર થોડું ર્સિંફગ કરવાનું રહે. એકસરખા રસ-રુચિવાળા લોકોને અલગ તારવીને તમે એરલાઈનને આગોતરી જાણ કરી દો એટલે તમને અગલબગલની સીટ્સ પર મનગમતા પ્રવાસીઓ મળે. આ સર્વિસ સુપરહિટ પુરવાર થઈ છે. તેના વિશે પ્રવાસીઓએ પુષ્કળ ટ્વિટસ અને રિ-ટ્વિટસ કર્યા છે. કેટલાય લોકો ખાસ આ 'મીટ એન્ડ સીટ' સર્વિસ ટ્રાય કરવા માટે જે કેએલએમ એરલાઈન્સ પસંદ કરે છે.
કેએલએમવાળા આટલેથી અટકી જાય તેમ નથી. તેઓ વચ્ચે વચ્ચે પ્રવાસીઓના સોશિયલ મીડિયા પ્રોફાઈલ ચેક કરીને તેમની રસરુચિ જાણી લે ને પછી સરસ મજાની સરપ્રાઈઝ ગિફ્ટ તૈયાર રાખે. માનો કે તમારા ફેસબુક પ્રોફાઈલ પરથી સ્પષ્ટ વર્તાતું હોય કે તમે બેસ્ટસેલર નવલકથાઓ વાંચવાના શોખીન છો યા તો વિશ્વસિનેમાની ક્લાસિક ફિલ્મો જોવાના રસિયા છો. કેએલએમનો સ્ટાફ તમારા માટે સરસ મજાની કિતાબ કે ડીવીડી ગિફ્ટ-રેપ કરીને રેડી રાખે અને જેવા તમે બોર્ડિંગ પાસ લેવા જાઓ કે તરત મનગમતી ભેટ આપીને તમને સરપ્રાઈઝ કરી દે. આ રીતે ખુશખુશાલ થઈ ગયેલો કસ્ટમર પછી ટ્વિટ કરીને કે ફેસબુક સ્ટેટસ અપડેટ કરીને પોતાનો હરખ આખી દુનિયા સાથે શેર કરવાનો જ છે. સંતુષ્ટ કસ્ટમર દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવતું પ્રમોશન હંમેશાં સૌથી અસરકારક હોવાનું.
સ્પાનએર નામની સ્પેનિશ એરલાઈન કંપનીએ ગિફ્ટવાળા આઈડિયાને જુદી રીતે અજમાવ્યો હતો. ફ્લાઈટમાં જાહેરાત કરવામાં આવે કે લેન્ડ થયા પછી ક્ન્વેયર બેલ્ટ પર તમારાં બેગ-બિસ્તરાંની સાથે એક વધારાની આઈટમ પણ હશે, તે કલેક્ટ કરવાનું ન ભૂલતા. આ વધારાની આઈટમ એટલે સરપ્રાઈઝ ગિફટ. પેસેન્જર પોતાના નામવાળી ભેટને ઊંચકે અને ખોલે તે બધું શૂટ કરી લેવામાં આવે. આનંદિત પ્રવાસીઓની પ્રતિક્રિયાઓને પછી યુ-ટયુબ પર અપલોડ કરવામાં આવે!
અમુક લોકો ફેસબુક- ટ્વિટર-વોટ્સપના એટલા બંધાણી થઈ ગયા હોય છે કે ફ્લાઈટ દરમિયાન કલાકો સુધી મોબાઈલ સ્વિચ-ઓફ રાખવાનું તેમને બહુ ભારે પડી જાય છે. આવા મહાનુભાવો માટે જર્મનીની લુફથાન્સા એરલાઈન્સે 'માયસ્કાયસ્ટેટસ' નામની એપ્લિકેશન તૈયાર કરી છે. એના થકી તમે જમીનથી હજારો ફૂટ અધ્ધર હવામાં તરતા હો ત્યારે પણ સોશિયલ નેટવર્કસ અપડેટ કરી શકો છે. તે માટે ફ્લાઈટ ટેક્-ઓફ કરે તે પહેલાં આ એપ્લિકેશન ઓન કરી દેવાની. ડિપાર્ચર ટાઈમ, એરાઈવલ ટાઈમ, તમે હવામાં કેટલી ઊંચાઈ પર છો, એક્ઝેક્ટલી કયા શહેર કે દેશ ઉપરથી પસાર થઈ રહ્યા છો આ બધું જ આપોઆપ તમારા ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટમાં અપડેટ થતું રહે. સાથે સાથે લુફથાન્સાને તમારા એકાઉન્ટ્સ થકી મફત પબ્લિસિટી પણ મળતી જાય. માનો કે તમે તમારાં લોકેશન વિશે પળેપળની રનિંગ કોમેન્ટરી લોકોને સંભળાવવા માગતા ન હો તો એપ્લિકેશન ઓફ કરી દેવાની. સિમ્પલ.
અમેરિકન એરલાઈન્સે પોતાની ત્રીસમી એનિવર્સરી નિમિત્તે 'ટ્વિટ ટુ વિન ૩૦કે' નામની ટ્વિટર કોન્ટેસ્ટ રાખી હતી. સ્પર્ધા લોન્ચ થઈ એના એક જ અઠવાડિયામાં કોન્ટેસ્ટની લિન્કને ટ્વિટર થકી ૧૮ હજાર ક્લિક મળી. એસ્ટોનિઅન એર કંપનીએ 'એરસ્કોર'નામનો લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. પ્રવાસી એરલાઈનની ફેસબુક એપ પર જઈને ટિકિટ બુક કરે અને પોતાનો અનુભવ શેર કરે એટલે એને પોઈન્ટ્સ મળતા જાય. અમુક પોઈન્ટ્સ થાય એટલે પ્રવાસી હલવાનું નામ ન લેતી કતારમાં સમય વેડફવાને બદલે રોફપૂર્વક ફાસ્ટ-સિક્યોરિટી લેનનો ઉપયોગ કરી શકે. આમ તો આ સાવ સાદી વસ્તુ ગણાય, પણ આ પ્રોગ્રામ લોન્ચ થયો એના દસ જ દિવસમાં એની લાખો ફેસબુક ઈમ્પ્રેશન નોંધાઈ ગઈ હતી.
કોઈ પણ એરલાઈન નવો રૂટ લોન્ચ કરે ત્યારે એના વિશે હાઈપ પેદા કરવામાં બહુ મહેનત કરવી પડતી હોય છે. ફિનએર કંપનીએ એક લાંબો રૂટ શરૂ કર્યો ત્યારે તેના પ્રમોશન માટે નવતર રસ્તો અપનાવ્યો હતો. શરૂઆતની ફ્લાઈટ એન્ગ્રી બર્ડના અઠંગ ચાહકોથી ભરી દેવામાં આવી. પંદર કલાકની ફ્લાઈટ દરમિયાન તેમણે સતત એન્ગ્રી બર્ડની ગેઇમ રમવાની હતી. મુસાફરોને મજા પડી ગઈ. એક તો ફ્રી સરભરા માણવાની ને વધારામાં પોતાની ફેવરિટ ગેઇમ રમવાની. એરલાઈન્સની આ તરકીબ કામિયાબ થઈ અને નવા રૂટ વિશે ફટાક કરતી ખૂબ બધી પબ્લિસિટી થઈ ગઈ.
અમેરિકાની ડેલ્ટા એરલાઈને ૨૦૧૦માં ફેસબુક બુકિંગ એન્જિન લોન્ચ કરી નાખ્યું હતું. ત્યાર બાદ મલેશિયા એરલાઈન્સ અને અલાસ્કા એરલાઈન્સે ફેસબુક દ્વારા બુકિંગ કરવાનું શરૂ કર્યું. વિશ્વની સૌથી મોટી લો-કોસ્ટ કરિયર ગણાતી અમેરિકાની સાઉથ વેસ્ટ એરલાઈન્સ છેક ૨૦૦૬થી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહી છે. આ કંપનીની સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીની દુનિયાભરની કંપનીઓએ નકલ કરી છે. એક અંદાજ પ્રમાણે દર મહિને એક કરોડ ૨૦ લાખ લોકો સાઉથવેસ્ટ એરલાઈન્સની વેબસાઈટની મુલાકાત લે છે. તેના ૧૦ લાખ ટ્વિટર ફોલોઅર્સ છે. કુલ ૧૩ લાખ લોકોએ ફેસબુક પર તેનાં જુદાં જુદાં પેજીસને લાઈક કર્યાં છે. સાઉથવેસ્ટની ફ્લાઈટ્સ સતત મોનિટર થાય છે, પ્રત્યેક કલાકે ફ્લાઈટ્સનાં સ્ટેટસ અપડેટ થાય છે. આટલી બધી ઓનલાઈન એક્ટિવિટી કરવા માટે સાઉથવેસ્ટ એરલાઈન્સે મોટી ફોજ રાખી હશે ખરું? ના, આ સઘળું કામ ફક્ત પાંચ લોકો સંભાળે છે!
લોકો સાથે સીધો પનારો પાડતી કંપનીઓ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવાની જ છે. આપણી એરલાઈન્સ કંપનીઓ આ મામલામાં પાછળ રહી ગઈ છે. ભારતીય રેલવેએ કમસેકમ રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનો માટે સોશિયલ મીડિયાનો ઈનોવેટિવ ઉપયોગ કરવો જોઈએ. આઈઆરસીટીસી ડોટકોમ પરથી ટિકિટ બુક કર્યા પછી ટ્રેનના એરકન્ડિશન્ડ કંપાર્ટમેન્ટમાં લંચ કે ડિનર સાથે અચાનક તમારી ફેવરિટ કેક પીરસવામાં આવે યા તો તમે જે શહેરની મુલાકાત લીધી હોય ત્યાંની પ્રસિદ્ધ જગ્યાની (ઉદાહરણ તરીકે, તાજમહાલ) પ્રતિકૃતિ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપવામાં આવે તો તમારા ચહેરા પર સ્મિત આવે કે નહીં!?
0 0 0