Sunday, August 26, 2012

Interaction with the Readers

This one is for personal record.

On 19 August 2012, a function was held at Sports Club, Ahmedabad. It was titled as "Navalkathakar Sathe Samvad" where three Gujarati novelists were invited - Kaajal Oza Vaidya, Mahesh Yagnik and I. We spoke about our writing process. And then there w
as question-answer session with the packed audience. It was such a lively and clued-in audience. This was my first face-to-face interaction with readers who are hooked to my on-going Chitralekha novel, Mane Andhara Bolave... Mane Ajwala Bolave and also who have read my previous novel, Vikrant. I loved the whole experience. 
It was a lot of fun for sure!  

Here are the pics...


Myself - Shishir Ramavat

Kaajal Oza-Vaidya






Mahesh Yagnik






                                                                          0 0 0

Tuesday, August 21, 2012

એક હૈ સલમાન



       દિવ્ય ભાસ્કર-  રવિવાર પૂર્તિ  - ૧૯ ઓગસ્ટ ૨૦૧૨ 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

‘એક થા ટાઈગર’ એક સ્માર્ટ ફિલ્મ છે. આમાં સલમાનના ચાહકો પુલકિત થઈ જાય એવો ટિપિકલ સલમાન-બ્રાન્ડ મસાલો તો છે જ, સાથે સાથે યશરાજ બેનરનું સોફિસ્ટીકેશન અને સ્ટાઈલ પણ છે. 



થેન્ક ગોડ, સલમાન ખાન ‘ઢીંક ચીકા’વેડામાંથી બહાર આવ્યો ખરો!  સામાન્યપણે સલમાન મેઈન હીરો હોય એટલે ફિલ્મમેકરને   ટકોરાબંધ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાંથી, વાર્તામાં વ્યવસ્થિત લોજિક ગોઠવવામાંથી અને હાઈક્લાસ ડિરેક્શન કરવામાંથી સમજોને કે લગભગ મુક્તિ મળી જતી હોય છે. સલમાનનો સ્ટારપાવર જ એવો સોલિડ છે કે ચક્રમ જેવી સ્ટોરીવાળી ફિલ્મમાં મારું બેટું કંઈ પણ અણધડ દેખાડો તો પણ ફિલ્મ હિટ થઈ જાય. ઉદાહરણ તરીકે, ‘બોડીગાર્ડ’ અને ‘રેડી’. (‘દબંગ’ની વાત અલગ છે, કારણે કે એ ખરેખર જલસો પડી જાય એવી પૈસા વસૂલ એન્ટરટેનિંગ ફિલ્મ હતી.)

...અને આ દોરમાં ‘એક થા ટાઈગર’ આવે છે, જે ખરું પૂછો તો એક સ્માર્ટ ફિલ્મ છે. આમાં સલમાનના ચાહકો પુલકિત થઈ જાય એવો ટિપિકલ સલમાનબ્રાન્ડ મસાલો તો છે જ, સાથે સાથે યશરાજ બેનરનું સોફિસ્ટીકેશન પણ છે. સલમાનની ફિલ્મોમાં સામાન્યપણે જોવા મળતું ફૂવડપણુ અહીં ગેરહાજર છે. એનું સ્થાન સ્ટાઈલ અને ઉત્તમ પ્રોડક્શન વેલ્યુએ લઈ લીધું છે. ફિલ્મમાં ‘ન્યુ, ઈમ્પ્રુવ્ડ’ સલમાનની સાથે સુરેખ સ્ટોરી છે (જેમાં જોકે ઘણી ક્ષતિઓ છે), ટિ્વસ્ટ્સ એન્ડ ટર્ન્સ છે (જે ભારે સગવડિયાં છે) અને સુપર્બ એક્શન સીન્સ છે.  આ ફિલ્મની ટીમમાં  ડિરેક્ટર નામનું પણ એક વ્યવસ્થિત પ્રાણી સક્રિય હતું એવું વતાર્ય છે!

સલમાન-કેટરીનાની જોડી છેલ્લે નિરાશાજનક ‘યુવરાજ’માં દેખાઈ હતી.  અહીં બન્ને ફુલ ફોર્મમાં છે. એક સીનમાં કેટરીના સલમાનને પૂછે છેઃ તારાં લગ્ન થઈ ગયાં? સલમાન કહે છેઃ ડાયરેક્ટ લગ્ન? મારે ગર્લફ્રેન્ડ છે કે નહીં એ તો પહેલાં પૂછ! કેટરીના કહે છેઃ હોય કંઈ? તારી ઉંમર લગ્ન કરવાં જેવડી છે, ગર્લફ્રેન્ડ રાખવા જેટલી નહીં! સલમાનકેટરીનાના સંબંધના અંગત સમીકરણને કારણે આ ડાયલોગબાજી વખતે ઓડિયન્સને મજા પડી જાય છે. જોકે ફિલ્મમાં બન્નેનો રોમાન્સનો ટ્રેક શરૂ થાય છે ત્યારે, મતલબ કે ઈન્ટરવલ પહેલાં, કથાપ્રવાહ એટલો બધો ધીમો પડી જાય છે કે તમને ટાઈમપાસ કરવા ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને ડાઉનલોડ કરેલી કોઈ ગેમ રમવાનું મન થઈ જાય. અલબત્ત, સેકન્ડ હાફમાં ભાગાદોડી અને સ્ટંટ્સને કારણે ફિલ્મ પાછી ગતિ પકડી લે છે.



જે કામ સૈફ અલી ખાનનો એજન્ટ વિનોદ ન કરી શક્યો એ કામ સલમાન ખાનના એજન્ટ ટાઈગરે સારી રીતે કરી દેખાડ્યું. પહેલા જ દિવસે ‘એક થા ટાઈગરે’ 33 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો, જે અપેક્ષિત હતો. આ આંકડો વધતો વધતો ‘દબંગ’-‘બોડીગાર્ડ’-‘રેડી’ના તોતિંગ આંકડાને ઓળંગે છે કે નહીં એ થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

‘એક થા ટાઈગર’ કંઈ મહાન ફિલ્મ નથી. ના રે ના. આ ફક્ત એક વેલમેડ ટાઈમપાસ જોણું છે, જે ખાસ કરીને સલમાનપ્રેમીઓને ખુશ કરી શકે છે. યાદ રહે, સલમાનના ચાહકોમાં મોટાં મોટાં નામો સામેલ છે. આમિર ખાન જેવો આમિર ખાન ‘હું સલમાનનો ફેન છું’ એવી ઘોષણા કરે એ કંઈ નાનીસૂની વાત નથી. એણે વચ્ચે કહેલું, ‘અમારા સૌ હીરોલોગમાં સલમાન અત્યારે સૌથી વધુ પોપ્યુલર છે. મને એની ફિલ્મો જોવાની સખ્ખત મજા આવે છે. એ હંમેશા મારા જેવા મિત્રો માટે પોતાની ફિલ્મોનો પ્રાઈવેટ શોઝ ઓર્ગેનાઈઝ કરતો હોય છે. મને મોઢેથી સીટી વગાડતા આવડતી નથી, પણ સલમાનની ફિલ્મ જોવાની હોય ત્યારે હું ઘરેથી ખાસ પ્લાસ્ટિકની વ્હિસલ ખિસ્સામાં લઈ જાઉં છું. પછી આખા પિક્ચરમાં સીટીઓ વગાડી વગાડીને સૌનું માથું પકવી દઉં છું!’

સલમાનની પર્સનાલિટી અને કરિશ્મા વિશે પણ આમિરે ઈન્ટરેસ્ટિંગ વાત કરેલી. એ કહે છે, ‘કોઈ પાર્ટી હોય અને સલમાન ખાન જેવો હૉલમાં એન્ટર થાય કે તરત સૌનું ધ્યાન એના તરફ ખેંચાય. શું એની ચાલ હોય, શું કોન્ફિડન્સ હોય... એને જોઈને જ લાગે કે યેસ, આ આવ્યો સુપરસ્ટાર! એન્ડ માઈન્ડ યુ, સલમાન કુદરતી રીતે જ આવો છે. એને આ બધા માટે પ્રયત્ન કે દંભ કરવો પડતો નથી. બાકી હું તો કોઈ પાર્ટીમાં એન્ટર થાઉં ત્યારે અંદરથી ફફડતો હોઉં! અંદર ઘુસ્યા પછી સમજ ન પડે કે હવે શું કરું, કઈ તરફ જાઉં. સાચ્ચે, મારામાં સલમાન જેવો કોન્ફિડન્સ નથી.’


 
કેટરીનાની વાત કરીએ તો, ‘એક થા ટાઈગર’માં સલમાન સાથે દેખાયા પછી કેટરિના તરત બાકીના બે ખાન સાથે દેખાશે. યશ ચોપડાના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે અને ‘ધૂમ-થ્રી’માં આમિર સાથે. આ ત્રણેય ફિલ્મો યશરાજ બેનરની છે. એનો અર્થ એ થયો કે  યશરાજવાળા આજકાલ કોઈ પણ ખાનને લઈને ફિલ્મ બનાવે ત્યારે એની સામે રૂપ રૂપના અંબાર જેવી કેટરીનાને હિરોઈન તરીકે પટ્ કરતા સાઈન કરી લે છે. કેટરીનાનો કરીઅરગ્રાાફ જોઈને બીજી હિરોઈનો બળીને રાખ થઈ જાય છે એનું કારણ આ જ!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્ેટરીના કૈફની સફળતાની વાત આવે ત્યારે વાંકદેખાઓ તરત સલમાન ફેક્ટરને આગળ કરતા હોય છેઃ સમજ્યા મારા ભઈ. એ તો સલમાનનો જોરદાર સપોર્ટ મળ્યો એટલે કેટરીના ટોપ પર પહોંચી. નહીં તો એને ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઊભું પણ ન રાખત. સલમાને એક ઈન્ટરવ્યુમાં કેટરીનાનો બચાવ કરતાં તાજેતરમાં કહ્યું હતું, ‘મારા સગા ભાઈઓ અરબાઝ ખાન અને સોહિલ ખાન પણ ફિલ્મોમાં એક્ટિંગ કરે છે, પણ તેઓ કંઈ સુપરસ્ટાર નથી. જો મારામાં કોઈને સુપરસ્ટાર બનાવવાની તાકાત હોત તો મેં મારા ભાઈઓને જ સુપરસ્ટાર ન બનાવ્યા હોત? મારી સાથે કેટલીય નવી હિરોઈનોએ કામ કર્યુ છે. એમાંથી કેટલી સુપરસ્ટાર બની? મારો કહેવાનો મતલબ એ છે કે કેટરીના કૈફ આજે જે સ્થાન પર પહોંચી છે એ પોતાના દમ પર, પોતાની મહેનતથી પહોંચી છે.’

સલમાનની દલીલ તાર્કિક છે. સો વાતની એક વાત. સલમાન અને કેટરીના બન્નેનું નસીબ જોરમાં છે. એ બન્નેનો પારસ્પરિક લગ્નયોગ જોર કરે છે કે નહીં એ તો અલ્લાહ જાણે.

શો-સ્ટોપર

‘એક થા ટાઈગર’ના પાર્ટ-ટુ અને પાર્ટ-થ્રી બને તો એનાં ટાઈટલ શું હોઈ શકે? ‘એક હૈ ટાઈગર’ અને ‘એક હોગા ટાઈગર’!

૦૦૦

Friday, August 3, 2012

લગ્નબંધન કે રક્ષાબંધન?


ચિત્રલેખા  અંક તા. ૬ ઓગસ્ટ ૨૦૧૨

કોલમઃ વાંચવા જેવું 





થેલેસીમિયા  બાળકોના લોહી તરસ્યા રાક્ષસ સામે લડતાં બાળકોનાં સંગ્રામની કથાઓ.

આજના પુસ્તકની આ કેચલાઈન છે. આખા પુસ્તકનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. આજે શિક્ષણ વધ્યું છે, લોકોની જાણકારી વધી છે, પણ કોણ જાણે કેમ સમાજમાં થેલેસીમિયા વિશે જોઈએ એટલી જાગૃતિ ફેલાઈ નથી. આવી પરિસ્થિતિમાં થેલેસીમિયાને કેન્દ્રમાં રાખીને ‘આશાકિરણ’ જેવું પુસ્તક લખાય અને લોકો સામે આવે એ મજાની વાત છે. પુસ્તકનું સ્વરુપ વાર્તાસંગ્રહનું છે. જુદી જુદી ૨૧ વાર્તાઓમાં લોહીના આ ગંભીર રોગને કારણે માત્ર રોગીના જીવનમાં જ નહીં, બલકે એના આખા પરિવારમાં પેદા થતી જટિલ પરિસ્થિતિઓનું સંવેદનશીલ ચિત્રણ થયું છે.

‘ખુશી’ વાર્તામાં દમયંતી નામની સ્ત્રીના દીકરાને થેલેસીમિયાનો રોગ લાગુ ડિટેક્ટ થાય છે ત્યારે અવળી કમાણી કરતા પોતાના પતિને એ સંભળાવે છેઃ ‘આ તમારી કાળી કમાણીનું ફળ મળ્યું છે. કેટલાંયની આંતરડી કકળાવી હશે તે ભગવાને આપણને આ દુખ ભોગવવાની સજા કરી છે.’

વૈજ્ઞાનિક સચ્ચાઈ જોકે જુદી છે. પતિદેવ ભ્રષ્ટાચાર કરતા ન હોત તો પણ સંભવતઃ સંતાનને થેલેસીમિયા થાત, કારણ કે આ એક વારસાગત રોગ છે. એના માટે મા અને બાપ બન્ને જવાબદાર છે. થેલેસીમિયાના દર્દીના શરીરમાં હીમોગ્લોબિનનું ઉત્પાદન ઓછ  અને વિકૃત થાય છે. હીમોગ્લોબિનનું કામ છે, લોહીના લાલ કોષોમાં રહીને પ્રાણવાયુનું વહન કરવામાં મદદરૂપ થવાનું. થેલેસીમિયાના દર્દીના શરીરમાં પ્રાણવાયુ વહનની ક્ષમતા ઘટે છે. વળી લાલ કોષો નાના બને છે. તેની આવરદા પણ સામાન્ય લાલ કોષો કરતાં ઓછી હોય છે ૧૨૦ દિવસને બદલે ૪૦ થી ૬૦ દિવસ. આમ, હીમોગ્લોબિનની શૃંખલા નબળી પડવાને કારણે આવાં બાળકો અને રોગીઓને વારંવાર લોહી ચડાવીને જીવાડવાં પડે છે.

‘ખુશી’ વાર્તામાં જ વર્ષો પછી ખુશી નામની યુવતી દમયંતીના દીકરા દર્શિલ સાથે લગ્ન કરવા માગે છે. દર્શિલ થેલીસીમિયા મેજર છે. ખુશી ખુદ  થેલીસીમિયા માઈનર છે. ખુશીનો ડોક્ટર એને સ્પષ્ટપણે કહે છેઃ ‘લગ્ન પછી તું પ્રેગનન્ટ થા અને ગર્ભ જો થેલેસીમિયા માઈનર હોય તો કશું જ જોખમ નથી, પણ જો ગર્ભ થેલેસીમિયા મેજર હશે તો સમયસર અને કાનૂની રીતે ગર્ભપાત કરાવી લેવો પડશે. એ વખતે કોઈ લાગણીવેડા નહીં ચાલે!’



આ મેજર અને માઈનર શું છે? માઈનર એટલે સાદી ભાષામાં, વાહક. જો મા કે બાપ બેમાંથી કોઈ એક થેલેસીમિયાનું લક્ષણ ધરાવતું ન હોય, પણ બીજ  થેલેસીમિયા વાહક હોય તો બાળક પણ થેલેસીમિયા માઈનર બને છે. થેલેસીમિયા માઈનર એક કાયમી પરિસ્થિતિ છે, પણ આવી વ્યક્તિને સામાન્યપણે કોઈ દવા કે સારવારની જરૂર પડતી નથી. પતિપત્ની બન્ને માઈનર હોય તો સંતાન નોર્મલ હોઈ શકે, માઈનર હોય શકે કે મેજર પણ હોઈ શકે. લગ્નવાંચ્છુ તેમજ  સંતાનવાંચ્છુ આ મેજર-માઈનર-નોર્મલનાં જદાં જદાં કોમ્બિનેશન્સ અને તેનાં પરિણામો ખાસ સમજી લેવાં જોઈએ.



ભારતમાં સિંધી, પંજાબી, લોહાણા, ભાનુશાળી, ઠક્કર વગેરે કોમમાં થેલેસીમિયા માઈનરનું પ્રમાણ વધારે જોવા મળે છે. પોતાને થેલેસીમિયા છે કે કેમ એની તપાસ અપરિણિત અવસ્થામાં જ થઈ જવી જોઈએ. જન્મકુંડળી તપાસવાને બદલે છોકરાછોકરીના લોહીની ચકાસણી થવી અનેકગણી વધારે મહત્ત્વનું છે. લેખક લખે છેઃ ‘થેલેસીમિયાની તપાસ કરાવો, જો બેમાંથી એક થેલેસીમિયા માઈનર હોય તો લગ્નબંધન, નહીં તો રક્ષાબંધન!’

‘વિદિશા’ નામની વાર્તામાં ઊભું થતું પરિસ્થિતિનું છળ જઓ. અહીં ન્કયાના પિતા પ્રખર જ્યોતિષ છે, છોકરાના પરિવારમાં બબ્બે ડોક્ટર છે અને છતાં એમને ત્યાં થેલેસીમિયા મેજર સંતાન પેદા થાય છે. શા માટે? કારણ કે પતિને ખબર જ નહોતી કે પત્નીની માફક પોતે પણ થેલેસીમિયાનો વાહક છે!

મહેિને એકથી બે વાર લોહી ચડાવવાનું કામ કેટલું વિકટ હોય છે એ સમજી શકાય એવું છે. શહેરોમાં અને સંપન્ન પરિવારમાં હજય ઠીક છે, પણ ગામડાંના ગરીબ પરિવારમાં જ્યારે થેલેસીમિયા મેજર બાળક અવતરે છે ત્યારે પ્રશ્નોનો પાર રહેતો નથી. આ રોગની કોઈ દવા નથી. એ મટતો પણ નથી. આજીવન રક્તદાનનો ટેકો લેવો પડે છે. લેખક કહે છેઃ ‘થેલેસીમિયા બાળકોને બે માતાની જરૂર પડે છે. એક જન્મદાતા, જે દૂધ પાઈને તેને ઉછેરે છે. બીજી રક્તદાતા સેવા, જે તેમને રક્ત આપીને જીવાડે છે.’ સતત અને વારે વારે લાહી ચડાવતા રહેવાથી જે કોમ્પ્લીકેશન્સ ઊભાં થાય છે એ તો લટકામાં. હા, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ થકી થેલેસેમીયામાંથી મુક્તિ મળી શકે ખરી, પણ સવાલ એ છે કે આવી ખર્ચાળ અને જટિલ વિધિ કરાવી શકનારા કેટલાં?



લેખક મહેશ ત્રિવેદી સ્વયં શતકવીર રક્તદાતા છે અને આ દિશામાં જાગૃતિ ફેલાવવા માટે લગભગ ત્રણ દાયકાથી કાર્યરત છે. આ વાર્તાઓ એમના અનુભવો અને સંશોધનોના નીચોડ સમાન છે. આ કહાણીઓમાં માત્ર વ્યથા અને પીડા નથી, બલકે થેલેસીમિયાના દર્દીઓનો જીવન જીવવાનો જસો અને આશા પણ શબ્દસ્થ થયા થયા છે. દેખીતું છે કે નવલિકાના ચુસ્ત સાહિત્યિક માપદંડો અહીં લાગુ પાડવાના ન હોય. એ પ્રકારનું સાહિત્યસર્જન કરવાનો લેખકનો આશય પણ નથી.  ધૂની માંડલિયાએ પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, આ પુસ્તક તો થેલેસીમિયા વિશેનું શબ્દબદ્ધ જાગૃતિ અભિયાન છે.

બેશક, એક ખૂબ ઉપયોગી પુસ્તક.    ૦ ૦ ૦

 આશાકિરણ 



લેખકઃ મહેશ ત્રિવેદી
પ્રકાશકઃ ડો. કુંજબાળા ત્રિવેદી,
જૈન નગર કોર્નર, સંજીવની માર્ગ, પાલડી, અમદાવાદ૭
 ફોનઃ (૦૭૯) ૨૬૬૫ ૨૫૪૮
 કિંમતઃ  રૂ. ૧૬૨ /
 પૃષ્ઠઃ ૧૫૦