Sandesh - Sanskaar Purti - 7 July 2012
Column : મલ્ટિપ્લેક્સ
'ભાગ મિલ્ખા ભાગ' માટે ફરહાન અખ્તરે પોતાના શરીર પર જે ગજબનાક કર્યું છે તે જોઈને સૌ ચકિત થઈ ગયા છે. આ છ મહિનાની જબરદસ્ત શારીરિક મહેનત, સ્ટ્રિક્ટ ડાયટિંગ,તગડું મનોબળ અને પાક્કી શિસ્તનું પરિણામ છે.
ફાઇનલી... ૨૦૧૩માં જેની સૌથી વધારે તીવ્રતાથી રાહ જોવાઈ રહી છે તેવી ફિલ્મોમાંની એક 'ભાગ મિલ્ખા ભાગ' આવતા શુક્રવારે રિલીઝ થઈ જવાની! ફરહાન અખ્તરે ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ એવી ઇમેજ ઊભી કરી દીધી છે કે તેની પાસેથી ઉત્તમ કરતાં ઓછાની અપેક્ષા રાખી શકતાં નથી. આ એક ઇચ્છનીય અને આદરણીય સ્થિતિ છે કોઈ પણ કલાકાર માટે. સામે પક્ષે, 'ભાગ મિલ્ખા ભાગ'ના ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરાનો બાયોડેટા મિશ્ર લાગણી જન્માવે છે. 'અક્સ' (ખરાબ), 'રંગ દે બસંતી' (ખૂબ સુંદર), 'દિલ્હી-સિક્સ' (નિરાશાજનક) અને 'તીન થે ભાઈ' (હા, આવા ટાઈટલવાળી પણ એક અતિ નબળી ફિલ્મ બે વર્ષ પહેલાં આવીને જતી રહી, જેના પ્રોડયુસર રાકેશ મહેરા હતા) એમના નામ પર બોલે છે. રાકેશ મહેરા ધાર્યું નિશાન પાર પાડશે જ એવી કોઈ ગેરંટી હોતી નથી, છતાં ફરહાન અખ્તર જેવો સુપર ટેલેન્ટેડ માણસ 'ભાગ મિલ્ખા ભાગ' સાથે સંકળાયેલો હોવાથી ફિલ્મ પાસેથી ઊંચી ઉમ્મીદ બાંધવાનું આપણને મન થાય છે.
ફિલ્મના પ્રોમો જ્યારથી રિલીઝ થયા છે ત્યારથી ફરહાને જે રીતે પોતાના શરીર પર ગજબનાક કામ કર્યું છે તે જોઈને સૌ ચકિત થઈ ગયા છે. 'ભાગ મિલ્ખા ભાગ' વિખ્યાત ભારતીય દોડવીર મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે તે આપણે જાણીએ છીએ. કોમનવેલ્થ ગેઇમ્સ (૧૯૫૮) અને એશિયન ગેઇમ્સ(૧૯૫૮, ૧૯૬૨)માં ગોલ્ડમેડલ જીતી લાવેલા આ સ્પ્રિન્ટર જોકે ૧૯૬૦માં રોમમાં યોજાયેલા ઓલિમ્પિક્સમાં જરાક માટે બ્રોન્ઝ મેડલ જીતતાં જીતતાં રહી ગયા હતા. ખૂબ જવાબદારીભર્યું કામ હોય છે કોઈ પણ ક્ષેત્રના લેજન્ડ પર ફિલ્મ, ટીવી શો કે નાટક બનાવવું. એક્ટર માટે તો ખાસ. આ ફિલ્મ માટે મૂળ અક્ષયકુમારની પસંદગી થઈ હતી, પણ પછી કોણ જાણે શું થયું કે એના સ્થાને ફરહાન ગોઠવાઈ ગયો. રાકેશ મહેરાએ ફરહાનને 'રંગ દે બસંતી' પણ ઓફર કરેલી. તે વખતે ફરહાનની ફક્ત એક જ ફિલ્મ આવી હતી, 'દિલ ચાહતા હૈ' જે તેણે ડિરક્ટ કરેલી. એક્ટર તરીકેની કરિયર દૂર ક્ષિતિજમાં પણ દેખાતી નહોતી, પણ રાકેશ મહેરાને તે વખતે પણ લાગ્યા કરતું હતું કે આ છોકરો કેમેરાની પાછળ જ નહીં, કેમેરાની સામે પણ સરસ કામ કરી શકે એમ છે.
Milkha Singh : Reel and Real |
'ભાગ મિલ્ખા ભાગ' માટે ફરહાને પોતાના સીધાસાદા શરીરને ઓલિમ્પિક કક્ષાના એથ્લેટિક જેવું બનાવવાનું હતું. આ સૌથી મોટી ચેલેન્જ હતી. સીધીસાદી દોડ લગાવવી એક બાબત છે અને પ્રોફેશનલ સ્પ્રિન્ટર બનવાની તાલીમ લેવી તે તદ્દન જુદી વસ્તુ છે. રાકેશ મહેરાએ પોતાની ટીમને એક જ બ્રિફ આપેલીઃ આપણે એક એક્ટરને તૈયાર નથી કરી રહ્યા, આપણે એક એથ્લેટને તૈયાર કરવાનો છે, જે આગામી ઓલિમ્પિક્સમાં ગોલ્ડમેડલ જીતવા માટે જી-જાન લગાડી દેવાનો છે!
મિલ્ખાના રોલ માટે ફરહાને છ મહિના માટે જબરદસ્ત મહેનત કરી. સવારે પોણાસાત વાગ્યાથી એની ટ્રેનિંગ શરૂ થઈ જતી. સેન્ટ્રલ રેલવેના એથ્લેટ્સને તૈયાર કરતા મેલ્વિન નામના ટ્રેનર એને ટ્રેનિંગ આપતા. પછી ફરહાનનો પર્સનલ ટ્રેનર સમીર જઉરા એને તાલીમ આપે. દિવસ દરમિયાન કુલ છ કલાક એ આઉટડોર અને ઈન્ડોર એક્સરસાઈઝ કરતો. શૂટિંગ નિકટ આવતું ગયું તેમ એક ઓલિમ્પિક ટ્રેનરને રોકવામાં આવ્યો, જે ફરહાનની સાંજની સેશન સંભાળતો. રનિંગ સિવાય પણ જાતજાતની એક્ટિવિટીઝ કરવાની રહેતી જેમ કે, હાઈપર ટ્રોફી, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ફંક્શન ટ્રેનિંગ, ક્રોસ-ફિટ ટ્રેનિંગ, કિક બોક્સિંગ વગેરે.
માત્ર શારીરિક તાલીમ પૂરતી નથી, ડાયટિંગ પણ સ્ટ્રિક્ટ રાખવું પડે. આ છ મહિના ફરહાન લો-સુગર, લો-સોડિયમ ડાયટ પર હતો. રોટલી અને ભાત સામે જોવાનું પણ નહીં. બ્રેકફાસ્ટમાં ચાર ઈંડાંની આમલેટ, ઓટમીલ અથવા મુસલી અને સ્કિમ્ડ મિલ્ક. બે કલાક પછી પ્રોટીન શેક અને ફ્રૂટ્સ. લંચમાં સ્ટીમ્ડ ચિકલ બ્રોકોલી, બીન્સ અને મશરૂમ્સ. બે કલાક પછી ફરી એક વાર પ્રોટીન શેક. સાંજે એક ફળ. ડિનરમાં ફિશ અને ફ્રાઈડ શાકભાજી. આખા દિવસમાં ચારથી પાંચ લિટર પાણી પીવાનું ફરજિયાત. ફરહાને ગજબનાક શિસ્તથી એક્સરસાઈઝ તેમજ ખાવાપીવાનું રૂટિન એકધારું જાળવ્યું. કોઈ ઠાગાઠૈયા નહીં, કોઈ બહાનાંબાજી નહીં. આ કક્ષામાં નિષ્ઠા હોય ત્યારે પરિણામ પ્રભાવિત કરી દે તેવું આવવાનું જ. રાકેશ મહેરા ત્યાં સુધી કહે છે કે મિલ્ખાના રોલ માટે આ છોકરાએ એટલો બધો પરિશ્રમ કર્યો છે કે એના પર આખેઆખું પુસ્તક લખી શકાય!
મિલ્ખા સિંહ હાલ ૭૭ વર્ષના છે. અત્યંત ઘટનાપ્રચુર રહી છે એમની જિંદગી. ૧૧ વર્ષના હતા ત્યારે એમના આખા પરિવારની કતલ થઈ ગઈ હતી. નાનપણમાં એ ચોરી કરતા, ચાકુ ચલાવતા, પછી આર્મીમાં જોઇન થયા, દોડવીર બન્યા, દુનિયાભરમાં ૮૦ જેટલી રેસ દોડીને કેટલીય સિદ્ધિ મેળવી, પણ જીવનની સૌથી મહત્ત્વની મેચમાં જ પરાજય પામ્યા.
ફરહાન ફિલ્મની તૈયારીના ભાગરૂપે મિલ્ખા સિંહને એક કરતાં વધારે વખત મળ્યો હતો. ફરહાન કહે છે, "તમે આ પ્રકારનો રોલ કરતા હો ત્યારે જે-તે વ્યક્તિના દેખાવની કે હાવભાવની મિમિક્રી કરવાની ન હોય, બલકે તેના વ્યક્તિત્વની ખૂબીઓને સમજીને આત્મસાત્ કરવાની હોય. હું મિલ્ખા સિંહને મળ્યો ત્યારે મેં પ્રશ્નોનો મારો નહોતો ચલાવ્યો,બલકે તેઓ પોતાની લાઇફ વિશે બોલતા ગયા ને હું ફક્ત ધ્યાનપૂર્વક સાંભળતો રહ્યો. માણસ પોતાની જીવનકિતાબનાં પાનાં ખોલતો હોય ત્યારે તમને ખબર પડે કે કઈ વાત કરતા એમની આંખો ભીની થાય છે, શું યાદ કરતી વખતે એમના ચહેરા પર સ્માઇલ આવી જાય છે, એની બોડીલેંગ્વેજ કેવી રીતે બદલાય છે, વગેરે. આ બધું હું મનોમન નોંધતો ગયો, જે શૂટિંગ દરમિયાન એક્ટિંગ કરતી વખતે મને કામ આવ્યું."
રાકેશ મહેરાએ તાજેતરમાં મિલ્ખા સિંહના પરિવાર માટે 'ભાગ મિલ્ખા ભાગ'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ ગોઠવ્યં હતું. જ્યારથી ફિલ્મ જોઈ છે ત્યારથી મિલ્ખા સિંહ ફરહાનનાં વખાણ કરતા થાકતા નથી. ગીતકાર તરીકે જાણીતા એડમેન પ્રસૂન જોશીએ સ્ક્રિપ્ટમાં મિલ્ખા સિંહની જીવનકથા આલેખતી વખતે જરૂર પડે ત્યાં ક્રિએટિવ લિબર્ટી લીધી છે. એમાં કશં ખોટું પણ નથી. પ્રસૂન જોશી પાસે એટલું બધું મટીરિયલ એકઠું થઈ ગયું છે કે તેઓ આ ફિલ્મની સિકવલ બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં પ્રોફેશનલ ગોલ્ફર પુત્ર જીવ સાથેના મિલ્ખા સિંહના સંબંધની વાત હશે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રસૂન ખુદ કરવા ધારે છે.
અલબત્ત, આ બધું તો શક્ય બને જો 'ભાગ મિલ્ખા ભાગ' હિટ થાય. મિલ્ખા સિંહની જીવનકથામાં એટલું બધું કૌવત છે કે જો 'ભાગ મિલ્ખા ભાગ' લક્ષ્યવેધ કરી શકશે તો તે સીમાચિહ્નરૂપ બની જશે. - ફરહાન, મહેરા અને પ્રસૂનની કરિયર માટે જ નહીં, પણ હિન્દી સિનેમા માટે પણ.
અલબત્ત, આ બધું તો શક્ય બને જો 'ભાગ મિલ્ખા ભાગ' હિટ થાય. મિલ્ખા સિંહની જીવનકથામાં એટલું બધું કૌવત છે કે જો 'ભાગ મિલ્ખા ભાગ' લક્ષ્યવેધ કરી શકશે તો તે સીમાચિહ્નરૂપ બની જશે. - ફરહાન, મહેરા અને પ્રસૂનની કરિયર માટે જ નહીં, પણ હિન્દી સિનેમા માટે પણ.
ટચવૂડ! 0 0 0
ઇટ ઇઝ રિયલી નાઈસ ફિલિગ્સ ટુ નો અબાઉટ ધ સ્ટોરી બીફોર એન્ડ આફ્ટર ધ ફિલ્મ ફ્રોમ યુ શિશિરભાઈ! થેન્ક્સ અ લોટ! યુ આર ઓલ્વેય્સ ધ લાઈહાઊસ ઓફ માઈન.
ReplyDelete"તમે આ પ્રકારનો રોલ કરતા હો ત્યારે જે-તે વ્યક્તિના દેખાવની કે હાવભાવની મિમિક્રી કરવાની ન હોય, બલકે તેના વ્યક્તિત્વની ખૂબીઓને સમજીને આત્મસાત્ કરવાની હોય" મારા માટે આખા આર્ટીકલમાં સૌથી વધુ સ્પર્શેલી વાત આ હતી , કારણ કે એક અભિનેતા તરીકે હું પણ આમ જ માનું છું અને એથી જ ફરહાનના વિઝન પ્રત્યે ખુબ માન ! ફરહાન ની આટલી મહેનત રંગ તો ચોકકસ લાવશે પણ માત્ર ૫૦ % , બાકી નો ૫૦ % શ્રેય એમની મિલ્ખાભાઈ સાથે ની મુલાકાતો ને ! વેરી ઇન્ટરેસ્ટીગ આર્ટીકલ શિશિરભાઈ
ReplyDeleteA big slap on all the Shishir Ramavat and Salil Dalal types film writers by Urvish Kothari. Read this editorial in Gujarat Samachar:
ReplyDelete------
રીવ્યુનો રીવ્યુ
ફિલ્મોના રીવ્યુની પ્રથા પણ લગભગ ફિલ્મો જેટલી જ જૂની છે. ૧૯૩૫માં ફિલ્મોમાં પાર્શ્વગાયન- પ્લેબેકની પ્રથા શરૃ થઇ અને એ જ વર્ષે ‘ફિલ્મઇન્ડિયા’ સામયિક શરૃ થયું. તેના તંત્રી બાબુરાવ પટેલ દ્વારા લખાતા ફિલ્મોના રીવ્યુ ભાષાની મૌલિકતા, શૈલી અને આક્રમકતા માટે ઘણા વખણાયા અને ચર્ચાયા. બાબુરાવનું અંગ્રેજી એટલું હિંસક હતું કે મંટો જેવા ધુરંધર ઉર્દુ સાહિત્યકારે તેમાં રહેલી વિશિષ્ટ કટુતા ‘બીજા કોઇને નસીબ થઇ નથી’ એવું નોંધ્યું હતું. દાયકાઓ પછી બાબુરાવના રીવ્યુનો નવેસરથી રીવ્યુ કરીએ તો તેમાં રહેલી આત્યંતિકતા અને કૃપા કે કોપ સાથે વરસી પડવાની વૃત્તિ ઉડીને આંખે વળગે છે. તેના કારણે રીવ્યુ વાંચવાની ગમે તેટલી મઝા આવે તો પણ એ રીવ્યુ પરથી ફિલ્મ વિશે અભિપ્રાય બાંધવાનું અશક્ય બની જાય છે. બાબુરાવના રીવ્યુથી ફિલ્મો તરી કે ડૂબી જતી હતી, એવું એમના પ્રશંસકો માનતા હતા. પરંતુ ૧૯૩૦-૪૦-૫૦ના દાયકામાં કેટલા ભારતીય અંગ્રેજી સામયિકમાં- અને એ પણ ફિલ્મ સામયિકમાં- આવેલા રીવ્યુના આધારે અભિપ્રાય બાંધતા હશે, એ કલ્પી શકાય છે.
ફિલ્મો વિશે લખનારાની એક તાસીર વર્ષોથી રહી છેઃ તેમાં લખનાર પોતાની જાતને કંઇક વધારે પડતી જ ગંભીરતાથી લે છે- જાણે કહેતા હોય, ‘જુઓ, જુઓ, હે અજ્ઞાાનીઓ. હું કેટલો જ્ઞાાની છું કે ફિલ્મ જેવા વિષય ઉપર પણ હું મારા જ્ઞાાનનાં પોટલાં ઠાલવું છું અને જાતજાતની ફિલસૂફીઓ ઝાડું છુ. જુઓ, જુઓ. મને ફિલ્મમાં કેટલી ખબર પડે છે..જુઓ, જુઓ, હું બધા ફિલ્મ બનાવનારા કરતાં પણ વધારે હોંશિયાર છું…જુઓ, જુઓ, મેં ફિલ્મમાંથી જે શોધી કાઢ્યું છે એ તો કદાચ એના ડાયરેક્ટરને પણ ખબર નહીં હોય…મારા રીવ્યુ વાંચો અને મને એવા ભ્રમમાં રહેવા દો કે મારા રીવ્યુ વાંચીને લોકો ફિલ્મ વિશે અભિપ્રાય બાંધે છે…તમે ફિલ્મ જુઓ કે ન જુઓ, પણ મારા રીવ્યુ વાંચો અને મારી પંડિતાઇ પર વારી-ઓવારી જાવ..વાંચો, વાંચો, હે અજ્ઞાાનીઓ, મારા ફિલ્મના રીવ્યુ વાંચો અને સિનેમાઇ મોક્ષ પ્રાપ્ત કરો.’
ફિલ્મી રીવ્યુ પહેલાં મુખ્ય ધારાનાં અખબાર-સામયિકોમાં અને ચર્ચામાં એક ખૂણે રહેલી ચીજ હતી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં રીવ્યુ પ્રવૃત્તિએ જબરો ઉપાડો લીધો છે. ફિલ્મો વિશે ચાલતી ચર્ચા અને તેની તીવ્રતા જોઇને ક્યારેક એવું લાગે કે જાણે દેશદુનિયાના સાંપ્રત જીવનમાં ચર્ચા કરવાનો મુખ્ય મુદ્દો ફિલ્મો ને બસ, ફિલ્મો જ છે. દરેકને પોતપોતાનો અભિપ્રાય આપવાનો લોકશાહી અધિકાર છે. એ વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય, પણ ફિલ્મના રીવ્યુ જેવી બાબતમાં લોકો જે જાતના જુસ્સા અને અધિકાર સાથે, પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના કે જાતે જ પોતાની પાત્રતા નક્કી કરી દઇને જે ઝૂડાઝૂડ-ફેંકાફેંક કરે છે એ કરૃણ ન લાગે તો હાસ્યાસ્પદ લાગે છે.
ક્રિકેટની જેમ ફિલ્મ વિશે લખવા માટે કશી વિશેષ પાત્રતાની જરૃર પડતી નથી. ઉલટું, એ ચર્ચામાં રહેવાનો સૌથી ટૂંકો, અસરકારક અને ગળચટ્ટો રસ્તો છે. ઉમદા ક્રિકેટલેખકોની જેમ ઉમદા ફિલ્મવિષયક લેખકોનો વર્ગ છે જ. એવા લોકો માસ્તરગીરીમાં સરી પડયા વિના કે પોતાના અભિપ્રાયોથી જાતે જ અભિભૂત થવાની આત્મરતિથી બચીને, સજ્જતાપૂર્વક ચુનંદી ફિલ્મો વિશે કે ફિલ્મી વિષયો અંગે લખે છે. તેમને દર બીજી ફિલ્મ વિશે ઢસડમપટ્ટી કરીને ‘ફિલ્મોના ભાષ્યકાર’ તરીકે ઓળખાવાની વાસના હોતી નથી.
વ્યાવસાયિક રીવ્યુકારોને સમયના અભાવે અને ફિલ્મોની મોટી સંખ્યાને લીધે અનેક પ્રકારનાં પાપ કરવાં પડે છે. અંગ્રેજીમાં રીવ્યુ લખનાર કેટલાંક જાણીતાં નામ પણ હોલિવુડની ફિલ્મોના રીવ્યુની તફડંચી માટે કે ‘વ્યવહારુ’ રીવ્યુ માટે કુખ્યાત થયાં હતાં. ગુજરાતીમાં ફિલ્મ વિશેનાં મોટા ભાગનાં લખાણ ભાવવિભોર પ્રકારનાં કે સમજણને બદલે આત્મરતિના આયનામાં પડેલાં પ્રતિબિંબ જેવાં, તો કેટલાંક અત્યંત એકેડેમિક પ્રકારનાં હોય છે. ‘અમે ફિલ્મ વિશે નહીં લખીએ તો પ્રજા અમારા કિમતી અને પવિત્ર અભિપ્રાયોથી વંચિત રહી જશે. અમે એમનું આવું અહિત થવા નહીં દઇએ’ એવા ભવ્ય ભ્રમમાં રહેવું એ ફિલ્મો વિશે ફેંકાફેંક કરવા માટેની પહેલી શરત છે. માનસિક રીતે પુખ્ત વયના લોકો આ સમજે છે. એટલે તે રીવ્યુથી દોરવાતા નથી અથવા રીવ્યુ લખનારાની ગંભીરતા વિશે રમૂજ અનુભવીને આગળ વધી જાય છે.
------
Rakesh Chavda, More than anything else, I am amused by your comment. What big slap? Everybody is free and entitled to express his or her views about anything. Urvish has expressed his views on film-review activity. I even agree with some of his observations. So?
ReplyDeleteInteresting article. ફરહાન અખ્તરની હજી સુધી એક જ ફિલ્મ જોઈ છે ZNMD પણ બહુ મજા પડેલી (અફકોર્સ એમની એક્ટિંગ માટે જ). He is a power house. પ્રસૂન જોશીએ સુધારા વધારા કર્યા છે એટલે થોડી વધુ આશા જાગી છે કે સફળ થશે. પણ ઉપર કોઈએ કહ્યું એ તો ચોક્કસ છે, ફરહાનની મહેનત 50 % બાકીના 50 % મિલ્ખા સિંઘના. જે હોય તે સફળ જાય એવી પ્રાર્થના, જેથી કરીને સારા કલાકારે કરેલી મહેનતની કદર થાય અને બીજો ભાગ પણ જોવા મળે.
ReplyDeleteShishirbhai... Very good articel, keep it up...
ReplyDelete