Monday, November 7, 2016

ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ…

Sandesh - Ardh Saptahik Purti - 26 Oct 2016

ટેક-ઓફ

સાહિત્યનું નોબલ પ્રાઈઝ જીતી જનાર ગીતકાર-સંગીતકાર-ગાયક બોબ ડિલન માટે ઘણી વાર ‘શેકસપિયર ઓફ્ અવર ટાઈમ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોબ, શેકસપિયર જેટલા મહાન છે તે અર્થમાં નહીં, પણ શેકસપિયરની માફ્ક તેઓ પણ પર્ર્ફાેિંમગ આર્ટિસ્ટ છે, તે અર્થમાં. શેકસપિયરની મોટા ભાગની કૃતિઓ વાંચવા માટે નહીં, પણ સાંભળવા અને જોવા માટે રચાયેલી હતી. બોબ ડિલનનું પણ એમ જ છે.


‘અમેરિકન ગીતોની મહાન પરંપરામાં નાવીન્યપૂર્ણ કાવ્યાત્મક અભિવ્યકિતઓનું સર્જન કરવા બદલ સાહિત્યના નોબલ પુરસ્કાર માટે બોબ ડિલનની પસંદગી કરવામાં આવે છે…’
૧૩ ઓકટોબરે આ સત્તાવાર ઘોષણા થઈ ત્યારે કેટલાય લોકોના મનમાં સવાલ જાગ્યા હતાઃ નોબલ પ્રાઈઝ? બોબ ડિલનને? પણ એ કયાં સાહિત્યકાર છે? એ તો સિંગર છે, મ્યુઝિકલ આલબમો બહાર પાડે છે, સ્ટેજ પર લબૂક ઝબૂક ડિસ્કો લાઈટ્સ વચ્ચે હાથમાં ગિટાર પકડીને પર્ફેર્મન્સીસ આપે છે. પોતાના ગીતો જાતે લખે છે એટલે બહુ બહુ તો એમને ગીતકાર કહી શકાય… પણ આ બધા માટે સાહિત્યનું નોબલ પ્રાઈઝ?
આવા પ્રશ્નો એ લોકોને જ થયા છે જે બોબ ડિલનના કામ અને પ્રદાનને સમજતા નથી. બાકી જાણકારો અને બોબ ડિલનની કરિયરને રસપૂર્વક ફેલો કરનારાઓ તો આ અનાઉન્સમેન્ટથી પુલકિત થઈ ગયા છે. મજા જુઓ. દુનિયાભરના મીડિયાએ ફ્ટાફ્ટ આ સમાચાર ચમકાવ્યા, પણ આ લખાઈ રહૃાું છે ત્યાં સુધી, એટલે કે અનાઉન્સમેન્ટના સાત દિવસ પછીય ખુદ બોબ ડિલને નથી ખુશી જાહેર કરી છે કે ન અસ્વીકૃતિ. નોબલ કમિટી ઘાંઘી થઈને ટેલિફેન પર એમનો સંપર્ક સ્થાપવાની કોશિશ કરતી રહી. આખરે માંડ એમના કોઈ મેનેજર પ્રકારની વ્યકિત સાથે ઇ-મેલ દ્વારા થોડું કોમ્યુનિકેશન થઈ શકયું. ખુદ બોબ ડિલને તો કોઈ જાતની પ્રતિક્રિયા નથી જ આપી.  અતરંગી મિજાજના કલાકારોની વાત જ નિરાળી છે, બીજું શું!
વાત સાહિત્યની હોય કે બીજા કોઈ ક્રિયેટિવ ક્ષેત્રની, સમયની સાથે વ્યાખ્યાઓ બદલાતી રહે છે, સીમાડા નવેસરથી ડિફઈન થતા રહે છે. સાહિત્ય એટલે માત્ર લખાતા અને વંચાતા શબ્દો જ નહીં, પણ શબ્દો સાથે પનારો પાડતાં તમામ ક્રિયેટિવ એકસપ્રેશન્સ, જે માણસના મન અને માંહૃાલા સ્પર્શી શકતા હોય, એની સમજને વધારે વિસ્તારી શકતા હોય, એની ચેતનાને ઊંચે લઈ જઈ શકતા હોય તે સઘળું સાહિત્ય છે! અંગ્રેજી કવિતાની ગંભીર એકેડેમિક ચર્ચા ચાલતી હોય ત્યારે વર્ષોથી બોબ ડિલનનો ઉલ્લેખ થતો આવ્યો છે અને લગભગ દર વખતે બોબને ‘કવિ’ તરીકે સ્વીકાર કરવામાં વિરોધીઓ પોતાનો મત વ્યકત કરતા આવ્યા છે. નોબલ કમિટીના આ બોલ્ડ ડિસિઝન પછી આ વાંકદેખાઓની બોલતી ક્મસે કમ હાલ પૂરતી બંધ થઈ ગઈ છે.

બોબ ડિલન માટે ઘણી વાર ‘શેકસપિયર ઓફ્ અવર ટાઈમ’ એવો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બોબ, શેકસપિયર જેટલા મહાન છે તે અર્થમાં નહીં, પણ શેકસપિયરની માફ્ક તેઓ પણ પર્ર્ફાેિંમગ આર્ટિસ્ટ છે, તે અર્થમાં. શેકસપિયરની મોટા ભાગની કૃતિઓ વાંચવા માટે નહીં, પણ સાંભળવા અને જોવા માટે રચાયેલી હતી. બોબ ડિલનનું પણ એમ જ છે. ભલે બોબની અભિવ્યકિતનું મુખ્ય માધ્યમ તો સંગીત અને ગાયન હોય, પણ એમનાં ગીતો જ્યારે છપાઈને સામે આવે છે ત્યારે કડક વિવેચકોને ય આ રચનાઓના બંધારણ અને લયમાં, ભાષા અને શબ્દોના બહેલાવમાં, સેન્સિબિલિટી અને કૌશલ્યમાં નખશિખ કવિતાનાં દર્શન થાય છે.
બોબ ડિલન જન્મે અમેરિકન છે. રોબર્ટ એલન ઝિમરમન, એમનું સાચું નામ. કોલેજમાં માંડ એકાદ વર્ષ ભણ્યા હશે, પછી આગળ ભણવાનું પડતું મૂકયું ને કામે લાગી ગયા. ૧૯૬૨માં, એકવીસ વર્ષની ઉંમરે તેમનું પહેલુંં મ્યુઝિક આલબમ બહાર પડયું. બોબની તેજસ્વિતા પહેલાં જ આલબમથી પ્રસ્થાપિત થઈ ગઈ હતી.  સાઠના દાયકામાં બોબે લખેલા ગીતો સૌથી અસરકારક પુરવાર થયા, પણ એમના લેટેસ્ટ ગીતો પણ ખાસ્સા પ્રભાવશાળી છે. બોબની કરિઅર અડધી સદી કરતાંય વધારે સમય અંતરાલમાં પ્રસરેલી છે. એમના ગીતોમાં અમેરિકાનો સમકાલીન સામાજિક-રાજકીય માહોલ અને જનતાનો મૂડ સતત ઝિલમિલાતો રહે છે. બોબ એમના ‘પ્રોટેસ્ટ સોંગ્સ’ એટલે કે અન્યાયનો વિરોધ કરતાં વિદ્રોહી ગીતો માટે ખાસ જાણીતા છે.
બોબની કરિઅરના શરૂઆતના વર્ષોમાં જે ગીત સૌથી વધારે ગાજ્યું તે હતું, ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’. તેના કેટલાક અંશોને પહેલાં અંગ્રેજીમાં માણો-
હાઉ મેની યર્સ કેન અ માઉન્ટન એકિઝસ્ટ
બિફેર ઇટ’સ વોશ્ડ ઇન ધ સી?
હાઉ મેની યર્સ કેન સમ પીપલ એકિઝસ્ટ
બિફેર ધે આર અલાઉડ ટુ બી ફ્રી?
હાઉ મેની ટાઈમ્સ કેન અ મેન ટર્ન હિઝ હેડ
એન્ડ પ્રિટેન્ડ ધેટ હી જસ્ટ ડઝન્ટ સી?
હાઉ મેની ઇયર્સ મસ્ટ વન મેન હેવ
બિફેર હી કેન હિઅર પીપલ ક્રાય?
એન્ડ હાઉ મેની ડેથ્સ વિલ ઇટ વિલ ટેક ટિલ હી નોઝ
ધેટ ટૂ મેની પીપલ હેવ ડાઈડ?
ધ આન્સર માય ફ્રેન્ડ ઇઝ બ્લોઇંગ ઇન ધ વિન્ડ
ધ આન્સર ઇઝ બ્લોઇંગ ઇન ધ વિન્ડ.
ગીત યુદ્ધમાં થતી ખાનાખરાબી, રંગભેદ અને અન્યાયની વાત કરે છે. કહે છે, એક પહાડને ઘસાઈ ઘસાઈને દરિયામાં ભળી જવા માટે કેટલાં વર્ષો-સદીઓ જોઈએ? કેટલાં વર્ષનો કારાવાસ ભોગવીએ તો દમનકારીને લાગે કે બસ, હવે બહુ થયું, હવે આને આઝાદ કરી દેવો જોઈએ? કયાં સુધી પીઠ ફેરવીને, નજર હટાવી લઈને જાણે અમારું અસ્તિત્વ જ નથી એવું નાટક કરતા રહેશો? તમારા બહેરા કાનો પર અમારો અવાજ પડે તે માટે અમારે હજુ કેટલું વધારે આક્રંદ કરવું પડશે? હજુ કેટલી વધારે લાશો પડે તો તમને લાગે કે ઘણાં માણસો મરી ગયા છે? આનો જવાબ છે, મારા દોસ્ત,  બ્લોઇંગ ઇન ધ વિન્ડ… બ્લોઇંગ ઇન ધ વિન્ડ.


‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’ એટલે એકઝેકટલી શું? બોબ ડિલનના આ શબ્દપ્રયોગનું જુદા જુદા લોકોએ જુદું જુદું અર્થઘટન કર્યું છે. એક અર્થ એમ છે કે, આ બધી ફ્રિયાદો કરવાનો કશો અર્થ નથી. સત્તાસ્થાને બિરાજેલા લોકો નીંભર છે, સંવેદનહીન છે. તમારી વેદના સાથે એમને કશી લેવાદેવા નથી. તમારા શબ્દો, તમારો આક્રોશ બારીમાંથી જેમ હવા વહી જાય તેમ અદશ્ય થઈ જશે અને કોઈને કશો ફ્રક નહીં પડે. ‘બ્લોઇંગ ઇન ધ વિન્ડ’નો બીજો અર્થ એવો થાય છે કે દુનિયામાં અન્યાયો તો થતા જ રહેવાના, પણ તમારે મસ્ત રહેવાનું, દુઃખી નહીં થવાનું. ત્રીજો મતલબ એવો થાય છે કે જો તમે ઇચ્છતા હો કે આ જે કંઈ ચાલી રહૃાું છે તે બધું બંધ થાય તો તમારે જ પગલાં ભરવા પડશે. યુ બી ધ ચેન્જ!

બોબ ડિલનના ગીતો ઓપન-એન્ડેડ હોય છે, તેના એક કરતાં વધારે વિશ્લેષણ થઈ શકે છે. તેથી જ આટલાં વર્ષોમાં બોબ ડિલનના ગીતોનંુ અર્થઘટન કરનારાઓની આખી કમ્યુનિટી અસ્તિત્વમાં આવી ગઈ છે! બોબના  ગીતોની કેટલીય પંક્તિઓ અથવા એકસપ્રેશન્સ અંગ્રેજી ભાષામાં કહેવત કે રૂઢિપ્રયોગ બની ગયા છે. બોબ ડિલનનું એક બીજું બહુ જ જાણીતું ગીત છે, ‘ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ’.
કમ ગેધર ‘રાઉન્ડ પીપલ વ્હેરેવર યુ રોમ
એન્ડ એડમિટ ધેટ ધ વોટર્સ અરાઉન્ડ યુ હેવ ગ્રોન
એન્ડ એકસેપ્ટ ધેટ સૂન યુ વિલ બી ડ્રેન્ચ્ડ ટુ ધ બોન
ઇફ્ યોર ટાઈમ ટુ યુ ઇઝ વર્થ સેવિંગ
ધેન બેટર સ્ટાર્ટ સ્વિમિંગ
ઓર યુ વિલ સિન્ક લાઈક અ સ્ટોન
ફેર ધ ટાઈમ્સ ધે આર અ-ચેન્જિંગ.
કમ મધર્સ એન્ડ ફધર્સ થ્રુ આઉટ ધ લેન્ડ
એન્ડ ડોન્ટ ક્રિટીસાઈઝ વોટ યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ
યોર સન્સ એન્ડ યોર ડોટર્સ આર બિયોન્ડ યોર કમાન્ડ
યોર ઓલ્ડ રોડ ઇઝ રેપિડલી એજિંગ
પ્લીઝ ગેટ આઉટ ઓફ્ ધ ન્યુ વન
ઇફ્ યુ કાન્ટ લેન્ડ યોર હેન્ડ
ફેર ધ ટાઇમ્સ ધ આર અ-ચેન્જિંગ.
‘ઓ ગાંવવાલો! કાન ખોલ કર સુન લો…’ પ્રકારના મિજાજમાં બોબ ડિલન આ ગીતમાં કહે છે કે સાવધાન, સમય ઝપાટાભેર બદલાઈ રહૃાો છે. પાણીની સપાટી ઉત્તરોત્તર વધી રહી છે. જો તરતા નહીં શીખો તો વહી જશો, પથ્થરની જેમ ડૂબી જશો. દેશના રાજકારણીઓ અને બુદ્ધિજીવીઓને ઉદેશી લીધા પછી અમેરિકાના માતા-પિતાઓને સંબોધીને કહે છે કે, તમારા દીકરાઓ અને દીકરીઓ તમારું કહૃાું બધું જ માની લેશે એવું હવે નહીં બને. જો તમને નવા જમાનાના, નવી પેઢીના તોર-તરીકા સમજાતા ન હોય તો મહેરબાની કરીને ટીકા કરવાનું બંધ કરો અને ચુપ રહો. જો તમે એમની મદદ કરી શકો તેમ ન હો કમસે કમ તેમના માર્ગમાં અવરોધરુપ તો ન બનો! યુદ્ધરેખાઓ ખેંચાઈ ચૂકી છે. આજનો વર્તમાન કાલે અતીત બની જવાનો છે. આજે જે માણસ ધીમો લાગે છે તે આગળ જતાં એવી ગતિ પકડશે કે તમારું માથું ચકરાઈ જશે. આજે જે સૌથી આગળ ઊભો છે તે શકય છે કે આવતી કાલે કતારમાં સૌથી છેલ્લો ખડો હોય… કારણ કે દોસ્તો, જમાનો ઝપાટાભેર બદલાઈ રહૃાો છે!
કેટલું મજાનું ગીત. આવા જોશીલા શબ્દોવાળા અને પોતાનાં મનની વાત ક્રતાં ગીતો પબ્લિકને પાગલ ન કરે તો જ નવાઈ. ઇન્ટરનેટ પર બોબ ડિલનના ગીતોનો આખો ખજાનો ઉપલબ્ધ છે. અગિયાર-અગિયાર ગ્રેમી એવોર્ડ્ઝ અને એક ઓસ્કાર એવોર્ડ જીતીને બેઠેલા બોબ ડિલનને હવે સાહિત્યનું નોબલ પ્રાઈઝ પણ જીતી લીધું છે. જીવનના અંતિમ તબક્કા સુધી ઉત્તમોત્તમ કામ કરતાં રહીને પોતાનાં ક્ષેત્રમાં સતત રિલેવન્ટ રહેવું તે આનું નામ!

0 0 0 

મલ્ટિપ્લેક્સઃ આવતી કાલ વર્ચ્યુઅલ રિયાલિટીની છે?

સંદેશ - સંસ્કાર પૂર્તિ - 6 નવેમ્બર 2016
મલ્ટિપ્લેક્સ
અત્યાર સુધી આપણે ‘અવતાર’ ફેમ જેમ્સ કેમરોન જેવા સુપર ડિરેકટરોના કેસમાં સાંભળતા આવ્યા છીએ કે ફ્લ્મિની કહાણીને કલ્પી હોય અદ્દલ એવી જ રીતે પડદા પર પેશ કરવા માટે તેમણે ખાસ ટેક્નોલોજી વિકસાવી હતી. આ સ્થિતિ હવે આપણે ત્યાં ઘરઆંગણે ઊભી થઈ છે. ‘બાહુબલિ-ટુ’ માટે વિશિષ્ટ પ્રકારના વીડીયો સ્ટિચિંગ સોફ્ટવેર ધરાવતા ખાસ વર્ચ્યુઅલ રિયાલિટી કેપ્ચર કેમેરા વિકસાવવામાં આવ્યા છે.

થોડા દિવસો પહેલાં જ આયોજિત થયેલા મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલમાં ‘બાહુબલિ-ટુ’ની પહેલી ઝલક દેખાડવામાં આવી. આ તો ખેર, રૂટિન વાત થઈ. જે વાતે તરત ધ્યાન ખેંચ્યું તે આ હતીઃ ‘બાહુબલિ’એ અજબગજબની વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી સાથે હાથ મિલાવ્યો છે. ફ્લ્મિ ૨૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ રિલીઝ થશે તેની પહેલાં ‘ધ સ્વોર્ડ ઓફ બાહુબલિ – અ વીઆર એકસપિરીયન્સ’ લોન્ચ કરવામાં આવશે. દેશભરના મહારનગરોમાં પચાસેક જેટલાં મોલ, મલ્ટિપ્લેકસ અને અન્ય એન્ટરટેનમેન્ટ સેન્ટરો પસંદ કરી ત્યાં ખાસ વર્ચ્યુઅલ રિયાલિટી રૂમ ઊભા કરવામાં આવશે. તમારે વર્ચ્યુઅલ રિયાલિટીના ડાબલા જેવાં ચશ્માં આંખ પર ચડાવી લેવાના, કાન પર ઇયરફેન્સ લગાવવાના અને પછી અજીબોગરીબ અનુભવ માટે રેડી થઈ જવાનું.
થિયેટર, ટીવી કે કમ્પ્યૂટર પર ફ્લ્મિ જોતા હોઈએ ત્યારે આપણી અને સ્ક્રીન વચ્ચે સતત એક પ્રકારનું શારીરિક અંતર જળવાયેલું રહે છે. ડિરેકટરે ભલેને ગમે તેટલી ક્રિએટિવિટી નિચોવીને અને રૂપિયા ખર્ચીને આલાગ્રાન્ડ વિઝ્યુઅલ્સ ઊભા કર્યા હોય, આપણે ભલેને આ બધી દ્દશ્યાવલિ જોઈને અભિભૂત થઈ જઈએ ને આફ્રીન પોકારી ઊઠીએ, પણ સ્ક્રીન અને આપણી વચ્ચેનંુ પેલું શારીરિક અંતર કયારેય દૂર થતું નથી. આપણે કયારેય જે-તે સીનમાં ‘સદેહે’ હાજર હોતા નથી, આપણે કયારેય સ્વયં કથાપ્રવાહનો હિસ્સો બનતા નથી. ફ્લ્મિ ગમે તેટલી ગમી જાય તો પણ આપણે આખરે રહીએ છીએ તો ‘દર્શક’ જ. 

વર્ચ્યુઅલ રિયાલિટી એ ટેક્નોલોજી છે, જે આપણી અને સ્ક્રીન વચ્ચેનું પેલું શારીરિક અંતર સદંતર ભૂંસી નાખે છે. તે આપણને ઊંચકીને સીધા ફ્લ્મિના લોકેશન પર મૂકી દે છે, હીરો-હીરોઈન-વિલનની વચ્ચે બેસાડી દે છે. સ્ક્રીન પરની ઘટનાઓ હવે જાણે ક્ે સાચેસાચ તમારી સાથે, તમારી સામે બને છે. તમે જાણે કે બધું જ ફ્ીલ કરી શકો છો, તમે પોતે શૂટિંગ કરી રહૃાા હો અથવા તમે ખુદ વાર્તાનો એક ભાગ હો તેવી અનુભૂતિ કરી શકો છો. તમને એકચ્યુઅલી ખબર હોય કે તમે વર્ચ્યુઅલ રિયાલિટી રૂમમાં એક ખુરશી પર ડાબલાં જેવા ચશ્માં ચડાવીને મારી સીટ પર બેઠા છો, છતાંય રોલરકોસ્ટરની ફ્લ્મિ જોતી વખતે તમને એવી નક્કર લાગણી થાય કે જાણે તમે સાચે જ રાક્ષસી રોલરકોસ્ટરમાં બેઠા છો, જે વીજળીને ઝડપે ઊંધુંચત્તું-આડુંત્રાંસુ થઈ રહૃાું છે અને તમારો શ્વાસ અધ્ધર થઈ ગયો છે.
વર્ચ્યુઅલ રિયાલિટી આમ તો જૂની વાત છે. છેક ૧૯૯૪માં રિલીઝ થયેલી અને માઈકલ ડગ્લાસ – ડેમી મૂરને ચમકાવતી ‘ડિસ્કલોઝર’ નામની ઈરોટિક-થ્રિલરમાં વર્ચ્યુઅલ રિયાલિટીને આવરી લેતી એક લાંબીલચ્ચક સિકવન્સ હતી, યાદ છે? વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી ધરાવતા કેટલાય ગેમિંગ વીડિયો માર્કેટમાં ધૂમ મચાવી ચૂકયા છે. પાયલટને તાલીમ આપવા માટે જે સિમ્યુલેટર તૈયાર કરવામાં આવે છે તેમાં પણ વર્ચ્યુઅલ ટેક્નોલોજી જ ઉપયોગ થાય છેને. તમે સિમ્યુલેટરની બંધ ચેમ્બરમાં બેઠા હો, તમારી આસપાસ અસલી કોકપિટ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હોય અને સામે સ્ક્રીન પર આકાશ ફેલાયેલું હોય. જુદી જુદી પરિસ્થિતિઓ, ખાસ કરીને કટોકટીની ક્ષણો એકદમ સાચુકલી લાગે તે રીતે સિમ્યુલેટ કરવામાં (એટલે કે કૃત્રિમ રીતે ઊભી કરવામાં) આવે અને એ રીતે તાલીમાર્થીને પ્લેન ઉડાડવાની ટ્રેનિંગ આપવામાં આવે.

‘ગેમિંગ વીડિયો કે એવી બે-પાંચ-સાત મિનિટના વર્ચ્યુઅલ રિયાલિટી એકસપિરિયન્સથી મને સંતોષ નહોતો,’ ‘બાહુબલિ’ સિરીઝના ડિરેકટર એસ.એસ. ચંદ્રમૌલિ મુંબઈ ફ્લ્મિ ફેસ્ટિવલની પેલી  ઈવેન્ટમાં કહી રહૃાા હતા, ‘હું સ્ટોરીટેલર છું. મારે તો વાર્તા કહેવામાં વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરવો હતો. બીજું, મેં જોયું કે આપણે ગમે તેટલા ભવ્ય સેટ બનાવીએ, ગમે તેવી ઇફેકટ્સ આપીએ, પણ થિયેટરમાં સીટ પર ગોઠવાઈએ એટલે સ્ક્રીન પર  બધું અસરહીન અને સપાટ જ લાગે છે. આ કમી કેવી રીતે દૂર થાય? તેનો જવાબ મને વર્ચ્યુઅલ રિયાલિટીમાં મળ્યો.’

અલબત્ત, આ આસાન નહોતું. સૌથી પહેલાં તો વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીના અમેરિકન એકસપર્ટ્સ પાસે એ સમજવામાં આવ્યું કે ‘બાહુબલિ’ પ્રકારની ફ્લ્મિમાં વીઆર ફેર્મેટનો ઉપયોગ થઈ શકે કે નહીં, તેના થકી ધાર્યું પરિણામ લાવી શકાય કે નહીં. આ ખરેખર શકય છે તે સમજવામાં અને સ્વીકારવામાં એક વર્ષ નીકળી ગયું. અત્યાર સુધી આપણે ‘અવતાર’ ફેમ જેમ્સ કેમરોન અને ‘ગ્રેવિટી’ ફેમ અલફેન્સો કયુરોન જેવા સુપર ડિરેકટરોના કેસમાં સાંભળતા આવ્યા છીએ કે ફ્લ્મિની કહાણીને કલ્પી હોય અદ્દલ એવી જ રીતે પડદા પર પેશ કરવા માટે તેમણે ખાસ ટેક્નોલોજી વિકસાવી હતી. આ સ્થિતિ હવે આપણે ત્યાં ઘરઆંગણે ઊભી થઈ છે. ‘બાહુબલિ-ટુ’ના વર્ચ્યુઅલ રિયાલિટી એકસપિરીયન્સ માટે વિશિષ્ટ પ્રકારના વીડીયો સ્ટિચિંગ સોફ્ટવેર ધરાવતા વર્ચ્યુઅલ રિયાલિટી કેપ્ચર કેમેરા વિકસાવવામાં આવ્યા, જેને નામ આપવામાં આવ્યું, બીબી ૩૬૦. બીબી એટલે બાહુબલિનું શોર્ટ ફેર્મ. ૩૬૦નો સંબંધ ડિગ્રી સાથે છે. આ એક એવો કેમેરા છે જે ૩૬૦ ડિગ્રીએ દસેય દિશાઓને, સમગ્ર વાતાવરણને કેપ્ચર કરી શકે છે. આઠ-પગાળા ઓકટોપસ જેવા દેખાતા આ નવી નવાઈના કેમેરાએ કેવળ ભારતીય સિનેમામાં જ નહીં, પણ સંભવતઃ વિશ્વસિનેમાના ઇતિહાસમાં એક તેજસ્વી નવા પ્રકરણનો શુભારંભ કરી દીધો છે.
Chris Milk
સિનેમેટિક વર્ચ્યુઅલ રિયાલિટીની વાત નીકળી જ છે તો આ ક્ષેત્રના અન્ય મહત્ત્વના ખેલાડીઓ વિશે ટૂંક્માં જાણી લેવું જોઈએ. સૌથી પહેલું નામ છે, ક્રિસ મિલ્ક. ઇન્ટરેકિટવ ટેક્નોલોજીનો ઉપયોગ કેવળ ગેમિંગમાં નહીં, પણ આપણી માનવીય સંવેદનાઓને જગાડે એવી કહાણીઓ કહેવામાં પણ અસરકારક રીતે થઈ શકે છે તેવું પ્રસ્થાપિત કરવાવાળા સંભવતઃ તેઓ પહેલા આદમી. આ અમેરિકન મહાશય તો ત્યાં સુધી કહે છે કે વર્ચ્યુઅલ રિયાલિટી એ સ્ટોરીટેલિંગનું અંતિમ માધ્યમ બની રહેવાનું છે કેમ કે અહીં ઓડિયન્સ અને સ્ટોરીટેલર વચ્ચે કોઈ અંતર જ રહેતું નથી. ક્રિસ મિલ્કે શરૂઆત મ્યુઝિક વીડિયોઝ બનાવીને કરી હતી. હાલ તેઓ વિધિન નામની વીઆર પ્રોડકશન કંપનીના સ્થાપક અને સીઈઓ તરીકે બિઝી બિઝી રહે છે. તેમણે  ‘વોકિંગ ન્યૂયોર્ક’ અને ‘ધ ડિસપ્લેસ્ડ’ નામની બે ટૂંકી વીઆર ફ્લ્મિો બનાવી છે.
Gabo Arora
ગેબો અરોરા નામના એક એનઆરઆઈ યુનાઈટેડ નેશન્સની ફેરેન રિલેશન્સ કાઉન્સિલની ટીમના સભ્ય,  ક્રિએટીવ ડિરેકટર અને સિનિયર એડવાઈઝર છે. તેઓ કહે છે કે વીઆર ટેક્નોલોજી આવશે એનો અર્થ એવો નથી કે અત્યાર સુધી આપણે જેનાથી ફ્લ્મિો બનાવતા આવ્યા છીએ તે પરંપરાગત કેમેરા આઉટ-ઓફ્-ટેડ થઈ જશે. વીઆર, પરંપરાગત સિનેમા, ટીવી, રેડિયો, રંગભૂમિ આ બધાનું સહઅસ્તિત્વ ટકી રહેશે.
યુનાઈટેડ નેશન્સે યુએનવીઆર નામની વર્ચ્યુઅલ રિયાલિટી એપ બનાવી છે. તેણે ‘કોસ્ટ ઓફ્ કોલ’ નામની વીઆર ફેર્મેટમાં બનેલી ડોકયુમેન્ટરીના અધિકારો ઓલરેડી હાંસલ કરી લીધા છે.  ‘કોસ્ટ ઓફ્ કોલ’ના પ્રોડયૂસર છે, ‘શિપ ઓફ્ થિસિયસ’ નામની બેનમૂન ફ્લ્મિના રાઈટર-ડિરેકટર, આનંદ ગાંધી. ભારતની સર્વપ્રથમ વીઆર નોન-ફ્ક્શિન હોવાનું માન ‘કોસ્ટ ઓફ્ કોલ’ ખાટી જવાની છે. ફ્ૈઝા ખાને ડિરેકટ કરેલી આ ફ્લ્મિમાં કોલસાની ખાણોને લીધે માનવજીવન તેમજ જંગલો પર થયેલી વિપરીત અસરોની ચર્ચા કરવામાં આવી છે.
Anand Gandhi
ક્રિસ મિલ્ક વર્ચ્યુઅલ રિયાલિટીને ‘અલ્ટિમેટ એમ્પથી મશીન’ (અન્ય માણસ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરતું અદ્ભુત યંત્ર) તરીકે વર્ણવે છે. જોકે સમીક્ષકો ચેતવે છે કે પૂરતી તકેદારી રાખવામાં નહીં આવે તો વીઆર ટેક્નોલોજીના વિપરીત પરિણામો પણ આવી શકે છે. એક વાર વીઆર ટેક્નોલોજી પોપ્યુલર બનશે પછી ફ્લ્મિોના  વિષયો કંઈ માત્ર નિરાશ્રિતોની પીડા કે પર્યાવરણ કે રોલરકોસ્ટરનો રોમાંચ કે ઈવન ‘બાહુબલિ-ટુ’  જેવી એડવન્ચર-ફેન્ટસી પૂરતી સીમિત નહીં રહે. હોરર, પોર્નોગ્રાફ્ી અને એકસટ્રીમ ફ્લ્મિોમાં પણ વીઆર ટેક્નોલોજીનો (ગેર)ઉપયોગ થઈ શકે છે. ખેર, આ બધી દૂરના ભવિષ્યની વાતો છે. આજની તારીખે તો સિનેમેટિક સ્ટોરીટેલિંગમાં વર્ચ્યુઅલ રિયાલિટી હજુ પહેલું કદમ માંડ ભર્યું છે. આ કટિંગ-એજ ટેક્નોલોજીને લીધે સરવાળે સિનેમાપ્રેમીઓને તો જલસો જ પડવાનો છે. સવાલ જ નથી!
0 0 0