Showing posts with label Yuval Ginor. Show all posts
Showing posts with label Yuval Ginor. Show all posts

Thursday, May 11, 2017

બેકપેકર્સઃ અકેલે અકેલે કહાં જા રહે હો...

 સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૦ મે ૨૦૧૭ 

ટેક ઓફ

‘બેક્પેકર્સનો સાદૃો નિયમ છે - હોટલોમાં પૈસા નહીં બગાડવાના. હોસ્ટેલ કે ડોરમેટરીમાં જ રહેવાનું. બેક્પેકરનું એક ટિપિકલ લક્ષણ એ છે કે એ ગરીબ જ હોવાનો! એ જેટલો વધારે ગરીબ હોય એટલો વધારે સારો, વધારે ઓથેન્ટિક બેક્પેકર ગણાય! લાંબા પ્રવાસ દૃરમિયાન પૈસા ખતમ થઈ જાય તો કોઈ નાનીમોટી જોબ શોધીને પૈસા ઊભા કરી લેવાના.'



Yuval Ginor

નું નામ છે યુવલ. યુવલ ગિનોર. દૃેશ ઇઝરાયલ. ઉંમર હશે બાવીસ-ત્રેવીસ વર્ષ. પાતળો બાંધો, ઊંચું કદૃ.  એની તેજસ્વી આંખોમાં સતત ઉત્સુકતા અંજાયેલી રહે છે. મસ્તીખોર ટીનેજર જેવા એના ગોરા મિડલ-ઈસ્ટર્ન ચહેરા પર થોડા દિૃવસોની વધી ગયેલી સોનેરી દૃાઢી ચમકયા કરે છે. એ મોટે ભાગે ઢીલુંઢાલું હેરમ પેન્ટ અને મેિંચગ ટીશર્ટ પહેરી રાખે છે. એ બેક્પેકર છે. કમસે કમ, અત્યારે તો આ જ એની સાચી અને પ્રમાણભૂત ઓળખ છે.

બેક્પેકર એટલે બન્ને ખભા પર મોટો થેલો ભરાવીને દૃેશ-દૃુનિયામાં અલગારી રખડપટ્ટી કરવી નીકળી પડેલો બિન્દૃાસ પ્રવાસી. તોતિંગ સુટકેસોમાં સામાન ઠાંસીને, હોટલોના રુમ અને પિક-અપ કાર સહિતનું બધું જ અગાઉથી બુક કર્યા પછી જ પ્લેન કે ટ્રેન પકડતા, નક્કી કરી રાખેલા ટાઈમટેબલને જડતાથી વળગી રહેતા અને શરીરને જરાય કષ્ઠ ન પડે તે રીતે સાચવીસાચવી ફરવા નીકળેલા ટિપિકલ ટુરિસ્ટ કરતાં બેક્પેકર્સની તાસીર ઘણી જુદૃી હોય છે. પેરિસમાં પાતરાં કે રોમમાં રસપુરી ખાવાનો તેમનો ઉપક્રમ હોતો નથી. તેમને ઓછામાં ઓછા વૈભવ વચ્ચે વધુમાં વધુ ફરવું હોય છે. દૃુનિયાભરના દૃેશોમાંથી અસંખ્ય બેક્પેકર્સ પંખીઓનાં ટોળાંની જેમ ભારતમાં ઉતરી આવે છે અને દિૃવસો-અઠવાડિયાં-મહિનાઓ સુધી પહાડો પર, દૃરિયાકિનારે, દૃક્ષિણમાં, દૃેશના ખૂણેખૂણે ફરતા રહે છે.

યુવલ આ વિદૃેશી બેક્પેકર્સ કમ્યુનિટીના પરફેક્ટ પ્રતિનિધિ છે. એ નવ મહિનાથી ફરી રહ્યો છે. અહીં આવતા પહેલાં એ રશિયા, ચીન, કંબોડિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ જેવા સાત દૃેશોમાં રખડપટ્ટી કરી ચુક્યો છે. ભારતમાં આ એનો ત્રીજો મહિનો છે.



બારમા ધોરણ પાસ કર્યા પછી તમામ છોકરા-છોકરીએ ફરજિયાત ત્રણ વર્ષ માટે મિલીટરીમાં દૃાખલ થવું પડે છે.  યુવલે પણ ત્રણ લશ્કરી તાલીમ લીધી છે. એણે કોમ્બેટ ફોટોગ્રાફીમાં સ્પેશિયલાઈઝેશન કર્યું છે. ‘આમાં તમારા હાથમાં ઘાતક ગન હોય, ગળે કેમેરા લટકતો હોય અને તમારે શૂટ કરવાનું હોય - ક્યારેક ગનથી તો ક્યારેક કેમેરાથી!' હિમાચલપ્રદૃેશના મેકલોડગંજમાં વિપશ્યના કેન્દ્રમાં મેડિટેશન કરવા આવેલો યુવલ કહે છે, ‘મારે જોેકે ક્યારેય બંદૃૂક ચલાવવાની જરુર નહોતી પડી, પણ મારા ઘણા ફ્રેન્ડ્ઝે ગનથી સાચુકલું શૂિંટગ કર્યું છે. તમારા ઇન્ડિયાની જેમ અમારે ઇઝરાયલમાં પણ સરહદૃ પર અથડામણો ચાલ્યાં જ કરતી હોય છે.'

મિલીટરીનાં ત્રણ વર્ષ પૂરાં થયાં પછી યુવલનાં મમ્મીપપ્પાએ એને કોલેજમાં દૃાખલ કરી દૃેવાની જરાય ઉતાવળ ન કરી. યુવલે એક વર્ષ સુધી નાનીમોટી જોબ કરી, પૈસા જમા કર્યા અને પછી નીકળી પડ્યો દૃુનિયા ઘુમવા.

ભારતીય સમાજમાં જુવાનીમાં પગ મૂકી રહેલાં છોકરાછોકરીઓ પર ભણવાનું અને કરીઅર બનાવવાનું એકધારું પ્રેશર રહેતું હોય છે. ચોવીસ-પચ્ચીસ વર્ષે  પણ યુવાન ગ્રેજ્યુએટ થયો ન હોય તો જાણે એના પર કલંક લાગી ગયું હોય એવો માહોલ ઊભો થાય છે. હાઈસ્કૂલ કે જુનિયર કોલેજનું ભણતર પૂરું કરનાર સત્તર-અઢાર વર્ષની કાચી ઉંમરે પોેતે જિંદૃગીમાં શું કરવા માગે છે અને કયાં ક્ષેત્રમાં આગળ વધવા માગે છે એની સ્પષ્ટતા કેવી રીતે હોય? જિંદૃગીનો આટલો મોટો નિર્ણય લેવા માટે  અનુભવ જોઈએ, પરિપકવતા જોઈએ, જે સોળ-સત્તર વર્ષનાં છોકરાછોકરીમાં ન જ હોય. આથી મા-બાપના કહેવાથી કે તેમના દૃબાણથી કે દૃોસ્તોને જોઈને તેઓ અમુકતમુક લાઈન પકડી લે છે. લાઈન તાસીરને અનુકૂળ હોય તો ઠીક છે, નહીં તો છોકરો હેરાનપરેશાન થઈ જાય છે. થોડીઘણી જાગૃતિ હશે તો જુવાનીનાં કિમતી વર્ષો વધારે વેડફાય તેની પહેલાં એ પોતાની પ્રકૃતિ અને પ્રતિભાને અનુરુપ ક્ષેત્રમાં જતો રહેશે, અન્યથા જીવનભર અણગમતાં ક્ષેત્રમાં સબડતો રહશે.



લાઈન પસંદૃ કરતા પહેલાં જુવાન માણસ ઘરનું સલામત વાતાવરણ છોડીને જરા બહાર ફરે, ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોને મળે, ખુદૃને નવી નવી પરિસ્થિતિઓમાં મૂકે, પોતાનાં વ્યકિતત્ત્વના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ અને ગમા-અણગમા વિશે જાણે અને તે રીતે  જીવનમાં આગળ શું કરવું ગમશે કે શું ક્રવું નહીં જ ગમે તે વિશે અત્યંત મૂલ્યવાન કહી શકાય તેના વિશે સ્પષ્ટતા કેળવે તો એના જેવું ઉત્તમ બીજું કશું નથી. બેગપેકિંગ તમને આ તક્ આપે છે.

‘પ્રવાસ દૃરમિયાન પોતાની જાત વિશે જેટલું જાણવા મળે છે એટલું બીજું કોઈ રીતે જાણવા મળતું નથી,' યુવલ કહે છે, ‘મારા પપ્પા અને મોટો ભાઈ પણ નખશિખ બેક્પેકર્સ છે. બન્ને ઇન્ડિયામાં મહિનાઓ સુધી રહી ચુક્યા છે. જોબ કરતો હતો તે દૃરમિયાન મેં પુષ્કળ રિસર્ચ કર્યું હતુંં, અનુભવી દૃોસ્તારો સાથે ચર્ચાઓ કરી હતી અને કયા ક્યા દૃેશોમાં શું શું જોવું છે એની એક કાચી ગાઈડલાઈન બનાવી નાખી... ને બસ, નીકળી પડ્યો!'

ખભે થેલો ભરાવીને મહિનાઓ સુધી વિદૃેશની અજાણી ધરતી પર ફરવા નીકળી પડવું તે સંભવત: પશ્ર્ચિમની જીવનશૈલીનો ભાગ છે, પણ આપણે આ રીતે કામ-ધામ છોડીને મહિનાઓ સુધી નીકળતા નથી, નીકળી શકતા નથી. અમેરિકનો-યુરોપિયનોને ભારતમાં ફરવું ખૂબ સસ્તુ પડે છે, કેમ કે તેમને ડોલર-પાઉન્ડ-યુરોમાં કરેલી કમાણીને રુપિયામાં વાપરવાની હોય છે. આપણે પશ્ર્ચિમમાં જઈએ ત્યારે મામલો ઊલટો થઈ જાય છે.    



‘અમારે ત્યાં બે-ત્રણ મહિના માટે વિદૃેશ ફરવા નીકળી જવું કોમન છે,' યુવલ કહે છે, ‘પણ મારી જેમ નવ-નવ મહિના રખડનારા બેક્પેકર્સ તો અમારે ત્યાં પણ ઓછા જ હોય છે.'

ઓછામાં ઓછા સામાન લઈને વધુમાં વધુ શી રીતે ફરવું તે આ બેક્પેકર્સની જમાત પાસેથી શીખવા જેવું છે. યુવલ ઘરેથી નીકળ્યો ત્યારે એના થેલામાં કપડાંનાં નામે ફકત બે જીન્સ અને એક ટીશર્ટ હતું. આ સિવાય એક કેમેરા, એક ડાયરી અને બીજી કેટલીક અનિવાર્ય કહેવાય એવી ઝીણી ઝીણી ચીજો. હા, એને ગીતો લખવાનો અને કંપોઝ કરવાનો શોખ છે એટલે સાથે ગિટાર પણ લીધું હતું જે હજુ સુધી હેમખેમ છે.

‘અમે જ્યાં જઈએ ત્યાં રહેવા માટે સસ્તામાં સસ્તી જગ્યાઓ શોધીએ છીએ,' યુવલ કહે છે, ‘બેકપેકિંગનો આ સાદૃો નિયમ છે - પૈસા ટ્રાવેિંલગમાં, વધુમાં વધુ સ્થળો જોવામાં ખર્ચવાના. હોટલોમાં પૈસા નહીં બગાડવાના. હોસ્ટેલ કે ડોરમેટરીમાં જ રહેવાનું. ઇન્ડિયામાં જોકે મુંબઈ અને દિૃલ્લી સિવાય હોસ્ટેલ (જ્યાં એક રુમ ચારેક જણા શેર કરતા હોય છે) સિસ્ટમ નથી. બેક્પેકરનું ટિપિકલ લક્ષણ એ છે કે એ ગરીબ જ હોવાનો! એ જેટલો વધારે ગરીબ હોય એટલો વધારે સારો, વધારે ઓથેન્ટિક બેક્પેકર ગણાય! વી આર નોટ સુટકેસર્સ, વી આર બેક્પેકર્સ. લકઝરી અમને પોસાય જ નહીં. લાંબા પ્રવાસ દૃરમિયાન પૈસા ખતમ થઈ જાય એવુંય બને. આવી સ્થિતિમાં કોઈ નાની મોટી જોબ શોધીને પૈસા ઊભા કરી લેવાના. જેમ કે, મારા એક બેક્પેકર ફ્રેન્ડના પાસે પૈસા ખલાસ થઈ ગયા તો જે હોસ્ટેલમાં અમે ઊતર્યા હતા ત્યાં જ એણે રિસેપ્શનિસ્ટ તરીકે થોડા દિૃવસ કામ કર્યું. બદૃલામાં તેેનું લોિંજગ-બોર્ડિંગ ફ્રી કરી દૃેવામાં આવ્યું. બેક્પેકર બનીને નીકળ્યા હો ત્યારે રાત્રે સ્ટેશન પર સૂઈ જવાની તૈયારી પણ રાખવી પડે. મારો એક આઈરિશ બેક્પેકર દૃોસ્ત દૃક્ષિણ ભારતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં હતો ને નોટબંધી દૃાખલ થઈ ગઈ. ત્યાં ન તો કોઈ બેન્ક હતી કે ન કોઈ એટીએમ. બાપડા પાસે સમ ખાવા પૂરતુંય કેશ નહોતું એટલે ખાવાના સાંસા થઈ ગયેલા. થોડા દિૃવસો ખૂબ હેરાન થયો એ. બેક્પેકર બનીને નીકળ્યા હોઈએ ત્યારે આ પ્રકારની અણધારી પરિસ્થિતિઓને શી રીતે હેન્ડલ કરવી એ જ તો શીખવાનું છે.

બેક્પેકર્સ એકબીજાની તકલીફોને સારી રીતે સમજતા હોવાથી તરત એકમેકની મદૃદૃ પહોંચી જતા હોય છે. દિૃવસો સુધી નહાયા-ધોયા વગર ગાંજો પીને પડ્યા રહેતા હિપ્પીઓ અલગ જમાત છે. વિદૃેશીઓને કુલુ-મનાલી-ધરમશાલા જેવાં ટુરિસ્ટ સ્પોટ્સ ખૂબ ગમે છે એનું એક મોટું કારણ એ પણ છે કે અહીં ગાંજો બહુ સારો મળે છે. આખા ભારતમાં હિમાચલ પ્રદૃેશનો ગાંજો શ્રેષ્ઠ ગણાય છે! ગોવામાં નશીલી ડ્રગ્ઝ આસાનીથી મળી રહે છે.

‘હા, અમુક્ ફોરેનર્સને ઇન્ડિયાનું ગાંજા ટુરિઝમ આકર્ષે છે તે હકીકત છે,' યુવલ કહે છે, ‘યુરોપમાં એમ્સટરડેમ ગાંજા માટે પ્રખ્યાત છે. ઇટ્સ ઓકે! ઇન્ડિયા પાસે તો ફોરેનર્સને ઓફર કરવા માટે ખૂબ બધું છે - આધ્યાત્મિકતા, કુદૃરતી સૌંદૃર્ય, સાંસ્કૃતિક વૈવિધ્ય... હજુ સુધી મને એવો એક પણ બેક્પેકર મળ્યો નથી જે ભારતના પ્રેમમાં ન હોય.'
Arjun Nair


આપણે ધારો કે બેક્પેકર બનીને યુરોપ-અમેરિકા ન રખડી શકીએ, પણ ભારતભ્રમણ તો કરી જ શકીએને. ભારતના એવા કેટલાય હિસ્સાઓ અને અંતરિયાળ વિસ્તારો છે જે આપણે હજુ જોયા નથી. બેક્પેકર જેવો સ્પિરિટ ધરાવતા ભારતીય જુવાનો પણ મળી જાય છે. જેમ કે, મૂળ કેરળનો પણ બેંગલુરુમાં સ્થાયી થયેલો ૨૯ વર્ષીય એડવોકેટ અર્જુન નાયર આઠ દિૃવસ માટે હિમાચલ પ્રદૃેશ આવ્યો છે.

‘મેં હમણાં જ મારી કોર્પોરેટ જોબ છોડી,' અર્જુન કહે છે, ‘નવી જોબ જોઈન કરતાં પહેલાં મારે થોડું એક્લા ફરવું હતું, થોડું આત્મમંથન કરવું હતું. આઈ નીડેડ માય ‘મી-ટાઈમ! મારી વાઈફને મારે ધન્યવાદૃ આપવા પડે કેમ કે એણે મને એકલા ફરવા જવાની તરત પરમિશન આપી દૃીધી!'

જો સ્માર્ટ પ્લાનિંગ કરીએ તો આપણા માટે પશ્ર્ચિમના દેશોમાં પણ રખડપટ્ટી કરવાનું બિલકુલ શક્ય છે. ફિલ્મ અને ટેલીવિઝન લાઈનમાં એડિટર તરીકે કામ કરતો દીપક શિરસત નામનો તરવરિયો યુવાન હમણાં જ ફ્રાન્સ અને જર્મનીનો બાવીસ દિવસનો પ્રવાસ કરી આવ્યો.  'અને તે પણ માંડ સિત્તર હજાર રુપિયામાં, ક્યાંય બિનજરૂરી કોમ્પોમાઈઝ કર્યા વિના,  કેન યુ બિલીવ ઇટ?' દીપક ઉત્સાહપૂર્વક કહે છે, 'જો તમે મહિનાઓ પહેલાં પ્લાનિંગ શરુ કરી દો તો સસ્તી એરટિકિટ મળી જતી હોય છે. airbnb.com જેવી ઓનલાઈન હોસ્પિટાલિટી સર્વિસ વડે તમને કિફાયતી દરે હોમ-સ્ટે માટેનાં સારાં ઠેકાણાં શોધી શકો છો. ઇટ્સ સુપર ફન!'

Deepak Shirsat

હોમ-સ્ટે એટલે મામૂલી ફી ચૂકવીને સ્થાનિક લોકોના ઘરમાં પેઈંગગેસ્ટની જેમ રહેવું. couchsurfing.com  નામની ઇન્ટરેસ્ટિંગ વેબસાઈટ દ્વારા તો તમે પૈસાની સહેજ પણ લેવડદેવડ વગર દુનિયાભરનાં શહેરોમાં યજમાન શોધી શકો છો, જોકે couchsurfingને શંકાની નજરે જોતા પ્રવાસીઓને આ ફ્રી સર્વિસ કરતાં વધારે ભરોસાપાત્ર લાગે છે.

યુવલ, અર્જુન અને દીપક આ ત્રણેયનાં  વ્યક્તિત્ત્વ હળવાફૂલ છે. તેઓ સહજપણે નવા અજાણ્યા માણસો સાથે ચપટી વગાડતાં દૃોસ્તી કરી શકે છે. માણસ બહિર્મુખ, વાતોડિયો અને રમૂજી હોય તો એના એકલપ્રવાસો ઓર ઇન્ટરેસ્ટિંગ બની જતા હોય છે. અલબત્ત, અંતર્મુખ અને શરમાળ પ્રકૃતિની વ્યકિત માટે પણ એકલપ્રવાસો ભરપૂર સંતોષકારક પૂરવાર થાય જ છે. શરત એટલી જ કે એનામાં નવું જાણવા-જોવાનો ઉત્સાહ અને ઉત્સુકતા હોવા જોઈએ.  



‘જોખમ? નો વે! જો તમે સાવચેત અને સતર્ક હો તો કોઈ જોખમનો સામનો કરવો પડતો નથી,' યુવલ સમાપન ક્રે છે, ‘વિપશ્યનાની શિબિર પૂરી કર્યા પછી હું શું કરીશ અને ક્યાં જઈશ તે વિશે મને અત્યારે તો કશી જ ખબર નથી.   કદૃાચ નેપાળ જઈશ. મારે સાઉથ ઇન્ડિયા જોવું હતું, પણ ગરમીની સિઝન છે એટલે આ વખતે નહીં જાઉં. નેકસ્ટ ટાઈમ! ઇન્ડિયા બીજી વાર આવવા માટે કશુંક બાકી પણ રાખવું જોઈએને!'

0 0 0