દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 3 ફેબ્રુઆરી 2013
કોલમ: મલ્ટિપ્લેક્સ
સરસ કલાકારો, સુંદર પર્ફોર્મન્સીસ અને આહલાદક શહેરી માહોલ. તાજી તાજી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી’ આપણી ભાષામાં એક સરસ વસ્તુ જોયાનો ભરપૂર સંતોષ જન્માવે છે.
એ મધ્યમવયસ્ક મોડર્ન ગૃહિણી છે. ખૂબ પ્રેમાળ અને માયાળુ છતાંય મક્કમ. અતિ સંવેદનશીલ છતાંય સિદ્ધાંત ખાતર વજ્ર જેવી સખત. ધનાઢ્ય પુુરુષની પત્ની છે, પણ સતત ગુજરાતી સાડી પહેરી રાખે છે. ઈવન, ઈવનિંગ વોક કરતી વખતે પણ સાડી નીચે વોકિંગ શુઝ ચડાવી લે છે. અમેરિકામાં ભણતી અને લાંબા વીકએન્ડ પૂરતી ઈન્ડિયા આવેલી યુવાન દીકરી સાથે એ આત્મીય સખીની જેમ દિલથી અંતરંગ વાતો વાતો શર કરે છે. એને વાતવાતમાં ટપારી પણ લે છે, ‘ભણવામાં ધ્યાન આપજે. ફેસબુક ઓછું કરી નાખજે.’ એ સ્વાતિ છે. ડો. સ્વાતિ સંઘવી.
એ સક્સેસફુલ બિઝનેસમેન છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કરોડો રુપિયાનાં ઈન્વેસ્ટમેન્ટ કરે છે. બિઝનેસ વિસ્તારતા જવામાં એને ભલે સૌથી વધારે ‘કિક’ લાગતી હોય, પણ એનું વ્યક્તિત્ત્વ શુષ્ક બિલકુલ નથી. જરુરતમંદને એ ફટાક કરતો તગડા ચેક પર સહી કરીને આપવાની ચેષ્ટા કરે ત્યારે એમાં સમસંવેદન ઓછું અને રુઆબ વધારે છલકે છે. જોેકે પૈસાએ એને બગાડ્યો નથી. પાક્કો પત્નીવ્રતો છે. બાપ તરીકે પણ એટલો જ પ્રેમાળ. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેટી સાથે વાત કરતી વખતે લાગણીશીલ બની જાય છે. એ સિદ્ધાર્થ છે. સિદ્ધાર્થ સંઘવી.
સ્વાતિ અને સિદ્ધાર્થ આ શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘સપ્તપદી: આઠમું વચન’નાં મુખ્ય પાત્રો છે. અહીં ‘ગુજરાતી’ શબ્દ નીચે જાડ્ડીપાડ્ડી અન્ડરલાઈન કરેલી છે એમ કલ્પી લો. થેન્ક ગોડ, આપણે જેની કલ્પના કરતાં પણ થરથર કાંપી ઉઠીએ છીએ એવી ટિપિકલ અને ભયાનક ગુજરાતી ફિલ્મોથી ‘સપ્તપદી’ જોજનો દૂર છે. ગામડાં, પાઘડાં, રાસડા, ટાયલાં - આમાંનું કશું જ અહીં નથી. આ એક નખશિખ સોફિસ્ટીકેટેડ અને શહેરી ફિલ્મ છે. એનું સાદું કારણ એ છે કે ફિલ્મને બનાવનારી ટીમ સોફિસ્ટીકેટેડ, શહેરી અને ક્રિયેટીવ છે. સરસ મજાની વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાનો આઈડિયા જયા બચ્ચનને આવ્યો અને એક પ્રક્રિયા શરુ થઈ. વાર્તા બોસ્ટનવાસી કવિ-નાટ્યકાર ચંદ્રકાંત શાહનાં છે. એમણે અને સેલિબ્રિટી લેખિકા કાજલ ઓઝા-વૈદ્યે ફિલ્મના સંવાદો લખ્યા છે. મિસ ઈન્ડિયા અને રંગભૂમિ-હિન્દી ટીવી સિરિયલોમાં સુપરહિટ ભુમિકાઓ કરી ચુકેલાં સ્વરુપ સંપટ ફિલ્મનાં નાયિકા છે. સફળતમ ટીવીસ્ટાર્સમાં સ્થાન પામી ચુકેલા માનવ ગોહિલ ‘સપ્તપદી’ના હીરો છે. ફિલ્મના નેશનલ અવોર્ડવિનર ડિરેક્ટર નિરંજન થાડે ફિલ્મ્સ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)ના ગ્ર્ોજ્યુએટ છે. તેઓ ભલે મરાઠી રહ્યા, પણ ગુજરાતી સંસ્કૃતિથી સુપરિચિત છે. સંગીતકાર રજત ધોળકિયાએ ગીતો તૈયાર કયાર્ર્ં છે. પીયૂષ કનોજિયાએ અસરકારક બેકગ્ર્ાઉન્ડ મ્યુઝિક આપ્યું છે.
ફિલ્મની હૃદયસ્પર્શી કહાણી એક કરતાં વધારે સ્તરો પર આગળ વધે છે. પતિ-પત્ની સાપુતારામાં આવેલાં એમના હોલીડે હોમમાં રજાઓ ગાળવા ગયાં છે. (જે કામ ગુજરાત ટુરિઝમ નથી કરી શક્યું એ સંભવત: આ ફિલ્મ કરી બતાવશે. અહીં સાપુતારા એટલું રુપાળું દેખાય છે કે ફિલ્મ પછી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યા ચોક્કસપણે વધી જવાની.) સ્વાતિની મુલાકાત મોહસીન નામા એક મુસ્લિમ કિશોર સાથે થાય છે. દસ-બાર વર્ષના આ નિર્દોષ છોકરો સતત આતંકિત અને ગભરાયેલો રહે છે. બાળમાનસની અભ્યાસુ સ્વાતિ સહજપણે મોહસીન તરફ ખેંચાય છે. ભયાનક દુર્ઘટનાનો સાક્ષી અને શિકાર બની ગયેલા મોહસીનને કોઈ પણ ભોગે સ્વસ્થ કરવો તે સ્વાતિનું મિશન બની જાય છે. સ્વાતિનો આશય ઉદાત્ત છે, પણ એને ક્યાં ખબર હતી કે છોકરાને સાજો કરવાના પ્રયત્નોને કારણે એનાં લગ્નજીવનમાં ભૂકંપ આવી જવાનો છે? એવું તે શું બન્યું હતું મોહસીન સાથે? સ્વાતિ શી રીતે પોતાનાં સ્વમાન અને લગ્નજીવન વચ્ચે સંતુલન સાધે છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
‘સપ્તપદી’ની મજા એ છે કે એણે ગુજરાતી ફિલ્મોની ગંદીગોબરી, લગભગ ડાયનોસોરના જમાનાથી ઢસડાઈ આવેલી દુષ્ટ ફોમ્યુલાની પૂંઠ પર કચકચાવીને લાત મારીને ક્યાંય દૂર ફગાવી દીધી છે. આ ફિલ્મનું ટાર્ગેટ ઓડિયન્સ મલ્ટિપ્લેક્સમાં જતાં અને ઈન્ટરવલમાં મોજથી બર્ગર-પોપકોર્ન-નાચોઝ ખાતા શહેરી દર્શકો છે. શું આ પ્રેક્ષકો ‘સપ્તપદી’ સાથે, એના માહોલ અને પાત્રો સાથે આઈડેન્ટિફાય કરી શકે છે? હા, બિલકુલ. ફિલ્મની આ પહેલી સૌથી મોટી સફળતા છે.
ટ્રોમા અનુભવતા બાળકની સારસંભાળ અને એનું પુનર્વસન - પહેલી નજરે આ વિષય આમ તો ડોક્યુમેન્ટરીનો લાગે. પણ ફિલ્મના બે મુખ્ય પ્લોટ પોઈન્ટ્સમાંનો તે એક છે. ડિરેક્ટરે એકધારાં રહસ્ય અને લગ્નજીવનનાં વિવિધ રંગો સાથે આ મુદ્દાને સરસ રીતે ભેળવીને એક આકર્ષક મિશ્રણ તૈયાર કયુર્ર્ં છે. ફિલ્મ કડક છે, જકડી રાખે છે. પ્રોડક્શન વેલ્યુ પણ મજાની છે. આ આપણે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ તે વાતનું કૌતુક થોડી જ મિનિટોમાં શમી થઈ જાય છે અને પછી તમે કોઈ એક સારી, વેલ-ઈન્ટેશનલ ફિલ્મ જોઈ રહ્યા છો એ જ લાગણી છવાયેલી રહે છે. ‘સપ્તપદી’ની આ બીજી સૌથી મોટી સફળતા છે.
તમામ મુખ્ય કલાકારોએ સરસ અભિનય કર્યો છે. સ્વરુપ સંપટે નિર્વિવાદપણે વધારે ફિલ્મો કરવી જ જોઈએ. મોહસીન બનતા હિત સોમાણી પાસેથી ડિરેક્ટરે સરસ અભિનય કરાવ્યો છે. ખાસ કરીને અંતિમ ઘટસ્ફોટ વખતે. ઉત્કર્ષ મઝુમદાર ખૂબ સરસ. પોલીસ કમિશનરના રોલમાં હોમી વાડિયા થોડી જ મિનિટો માટે પડદા પર આવે છે, છતાંય પ્રભાવશાળી છાપ છોડી જાય છે. ઉત્તમ, ઘડાયેલા કલાકારોની વરણી કરવાનો આ જ ફાયદો છે. ફિલ્મનો હુકમનો એક્કો, અલબત્ત, માનવ ગોહિલ છે. અસરકારક અભિનય, સુંદર ડાયલોગ ડિલીવરી, ચામિર્ંંગ (charming) પર્સનાલિટી અને સુપર્બ સ્ક્રીન પ્રેઝન્સ. થ્રી ચિયર્સ ફોર માનવ ગોહિલ!
અલબત્ત, ‘સપ્તપદી’માં ક્ષતિઓ છે જ. ફિલ્મનો પ્રવાહમાં વચ્ચે અણધાર્યા જમ્પ આવી જાય છે. તેને લીધે કેટલીક બાબતોમાં પ્રસ્થાપિત થઈ શકતી નથી. જેમ કે, આ કપલ મુંબઈનું છે કે અમદાવાદનું? જો તે મુંબઈનું હોય તો હીરો ધુંઆફુંઆ થતો સાપુતારા ધસી આવે છે ત્યારે એની મર્સિડીઝ પર ગુજરાતની નંબરપ્લેટ શા માટે છે? આ તો જોકે નાની વાત થઈ, પણ એકબીજા પર મેનહટ્ટન-મણિનગર ઓવારી જતાં પતિ-પત્ની આટલી ઝડપથી અને આસાનીથી કેવી રીતે વિખૂટાં પડી ગયાં? લગ્નજીવનમાં પેદાં થતી કટોકટી માટે જરુરી બિલ્ડ-અપ અહીં મિસિંગ છે. આતંકવાદી બનતા રાજેન્દ્ર ગુપ્તા ખોટું ગુજરાતી બોલીને મજા બગાડી નાખે છે. આખી ફિલ્મના સંવાદોમાં અંગ્રેજી ભાષાનો પ્રચુર માત્રામાં પ્રયોગ થયો તે બરાબર છે, મોટા ભાગનાં દશ્યોમાં તે સરસ પણ લાગે છે, પણ હીરો દુખી દુખી થઈ ગયો હોય ત્યારે બેકગ્ર્ાઉન્ડમાં એકાએક ‘લોનલીનેસ.... શું છે આ લોનલીનેસ...’ કરતું જે ગીત વાગે છે તે સાવ કૃત્રિમ લાગે છે. ખેર.
થોડા અરસા પહેલાં આશિષ કક્કડે ‘બેટર હાફ’ (ધર્મેન્દ્ર ગોહિલ, નેહા મહેતા) નામની અર્બન માહોલવાળી સરસ ફિલ્મ બનાવી હતી ત્યારે લાગતું હતું કે ચલો, ગુજરાતી સિનેમામાં કંઈક બન્યું ખરું. થોડા શૂન્યાવકાશ પછી અભિષેક જૈને ગયા વર્ષે ‘કેવી રીતે જઈશ?’ નામની અફલાતૂન અને સુપરહિટ બનાવીને આપણને સૌને પુલકિત કરી દીધા. તે પછી, આ જ ઢાળમાં હવે ‘સપ્તપદી’ આવી છે. ‘કેવી રીતે જઈશ?’નું આ તગડું ફોલો-અપ છે.
‘સપ્તપદી’ ભલે પરફેક્ટ ફિલ્મ નથી, પણ એની ક્ષતિઓને અવગણીને તેને માણી શકાય છે. તમે એક સરસ ફિલ્મ જોઈ, અને એ પણ આપણી પોતાની ભાષામાં, તે વાતનો ભરપૂર સંતોષ ‘સપ્તપદી’ જન્માવે છે. આ શુક્રવાર-શનિવાર દરમિયાન તમે આ ફિલ્મ ઓલરેડી જોઈ લીધી હોય તો અલગ વાત છે, બાકી આજે રવિવારે તમારે શાનો પ્રોગ્ર્ાામ બનાવવાનો છે તે કહેવાની જરુર ખરી?
શો-સ્ટોપર
એક વાર અક્ષયકુમારે મને પૂછેલું કે તું કેમ ક્યારેય મારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતો નથી? મેં એને જવાબ આપ્યો કે જો ભાઈ, હું કોઈનો ચમચો નથી. હું કામ માગવા માટે નથી કોઈને આજીજી કરતો કે નથી કોઈ હીરોના પગના તળિયા ચાટતો.
- અનિલ કપૂર