Showing posts with label Ritesh Batra. Show all posts
Showing posts with label Ritesh Batra. Show all posts

Tuesday, December 11, 2018

ફિલ્મ, ફોટોગ્રાફ અને દર્પણ


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 9 ડિસેમ્બર 2018
કોલમઃ મલ્ટિપ્લેક્સ
ફિલ્મ બનાવતી વખતે ડિરેક્ટર પ્રામાણિક રહ્યો હતો કે બનાવટ કરી રહ્યો હતો તે ઓડિયન્સ શી રીતે પકડી પાડે છે?  

એક સુંદર સાંજે રિતેશ બત્રા ટ્વિટર પર જાહેરાત કરે છે કે મારી આગામી ફિલ્મ ‘ફોટાગ્રાફ’નું પ્રિમીયર અમેરિકામાં 24 જાન્યુઆરી, 2019થી શરૂ થનારા દસ દિવસીય સન્ડેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાવાનું છે. આ ટ્વિટ ન્યુઝ બની જાય છે એનું કારણ છે. રિતેશ બત્રાએ લખેલી અને ડિરેક્ટ કરેલી ‘ધ લન્ચબોક્સ’ નામની હૃદયસ્પર્શી ફિલ્મ આપણને હજુય બરાબર યાદ છે અને લાંબા સમય સુધી યાદ રહેવાની છે. ઇરફાન ખાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી આ ફિલ્મ વિદેશમાં સૌથી વધારે કમાણી કરનારી 2013ની ત્રીજા નંબરની ફિલ્મ હતી (પહેલી બે ફિલ્મો હતી, ‘ધૂમ થ્રી’ અને ‘ચેન્નાઈ એક્સપ્રેસ’). કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવી લૉ-બજેટ, સીધીસાદી ફેસ્ટિવલ ફિલ્મ વિદેશમાંથી હંડ્રેડ કરોડ કરતાંય વધારે રૂપિયા કમાવી આપશે.  

‘ધ લન્ચબોક્સ’ રિતેશ બત્રાની કરીઅરની સૌથી પહેલી ફુલલેન્થ ફિચર ફિલ્મ. કલ્પના કરો, આ એક જ ફિલ્મના જોરે રિતેશને બબ્બે હોલિવૂડની ફિલ્મો ડિરેક્ટ કરવાની ઓફર મળે છે - ‘ધ સેન્સ ઓફ એન્ડિંગ’ અને ‘અવર સોલ્સ એટ નાઇટ’. બન્ને નવલકથા પર આધારિત. બન્નેમાં ખમતીધર કલાકારો. બન્ને ગયા વર્ષે મર્યાદિત થિયેટરોમાં રિલીઝ થઈ અને બન્નેની તારીફ થઈ. આ પ્રકારનું ઇન્ટરનેશનલ કરીઅર ધરાવતા આ ફિલ્મમેકરની હવે પછીની ફિલ્મ વિશે જાણવામાં ફિલ્મરસિયાઓને રસ હોય જ. બીજું કારણ એ પણ છે કે ‘ફોટોગ્રાફ’માં નવાઝુદ્દીન સિદ્દીકી મેઇન રોલમાં છે. નવાઝુદ્દીન એક એવા સ્ટાર-એક્ટર છે જેનો ચાહકવર્ગ રાત્રે ન વઘે એટલો દિવસે વધી રહ્યો છે. 

શું છે ‘ફોટોગ્રાફ’માં? મુંબઇનો એક સ્ટ્રગલિંગ ફોટોગ્રાફર (નવાઝુદ્દીન) મુખ્ય નાયક છે. એનાં દાદીમા એને પરણાવવા માટે ભારે ઉતાવળાં થયાં છે. દાદીમાની કટ-કટથી કંટાળેલા નવાઝુદ્દીનનો ભેટો એક તદ્દન અજાણી અને શરમાળ યુવતી (સાન્યા મલ્હોત્રા) સાથે થાય છે. નવાઝુદ્દીન એને કન્વિન્સ કરે છે કે તું દાદીમા સામે મારી ફિયાન્સે હોવાનું નાટક કર. બાકીનું બધું હું સંભાળી લઈશ. આ રીતે નવાઝુદ્દીન અને સાન્યા વચ્ચે પરિચય થાય છે. બન્નેમાંથી કોઈને અંદાજ નથી કે એમનો સંબંધ માત્ર દાદીમા સામે નાટક કરવા પૂરતો સીમિત રહેવાનો નથી, બલ્કે હંમેશ માટે પલટાઈ જવાનો છે!

રિતેશ બત્રા અને નવાઝુદ્દીન અગાઉ ‘ધ લન્ચબોક્સ’માં સાથે કામ કરી ચુક્યા છે. નવોદિત સાન્યા મલ્હોત્રા પાસે માત્ર ‘દંગલ’નો અનુભવ હતો. ‘બધાઈ હો’ અને ‘ફટાકા’ને હજુ ઘણી વાર હતી. ‘ફોટોગ્રાફ’માં નવાઝુદ્દીન જેવા દમદાર એક્ટર સાથે કામ કરવાનું હોવાથી એની નર્વસનેસનો પાર ન હતો.    

એમ તો ‘ધ લન્ચબોક્સ’ બનાવતાં પહેલાં રિતેશ બત્રાની હાલત પણ સાન્યા જેવી જ હતીને! અગાઉ એમણે માત્ર ત્રણેક શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. ફુલલેન્થ ફિલ્મ લખવાની ને ડિરેક્ટ કરવાની ઇચ્છા ઘણી, પણ શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી? રિતેશે જાણકાર ફિલ્મમેકરોને મળીને એમની પાસેથી સમજવાની કોશિશ કરી. રિતેશને કહેવામાં આવ્યું કે, દોસ્ત, જસ્ટ બી યોરસેલ્ફ. તારા કામમાં તારું અસલી વ્યક્તિત્ત્વ છતું થવું જોઈએ. રિતેશ મૂંઝાયાઃ બી યોરસેલ્ફ સૂત્ર બરાબર છે, પણ મારે એક્ઝેક્ટલી કરવાનું શું છે? કામમાં મારું અસલી વ્યક્તિત્ત્વ કેવી રીતે છતું થાય? રિતેશ કેટલાક વધુ લોકોને મળ્યા. નવી શીખામણ મળીઃ રિતેશ, તારે એ જ લખવાનું જેના વિશે તને ખબર હોય. રિતેશ વધારે મૂંઝાયાઃ પણ મને તો કશી ખબર નથી. તો હું શું લખું?

Ritesh Batra

આમાંને આમાં બે વર્ષ જતાં રહ્યાં. એક દિવસ અચાનક રિતેશના દિમાગમાં બત્તી થઈઃ મારો નાયક ચોર, ડાકુ, ગેંગસ્ટર, રાજકારણી કે ગાંધી-મંડેલા ન જ હોઈ શકે. આ લોકોની લાર્જર-ધેન-લાઇફ દુનિયા કેવી હોય છે તે હું જાણતો નથી. હું તો આમઆદમીના જીવનથી પરિચિત છું. સીધાસાદા, રુટિન જીવન જીવતા, આપણાં મમ્મી-પપ્પા-કાકા-કાકી-મામા-માસી-પાડોસી જેવા સાધારણ લોકો. તેઓ રોજેરોજ, વર્ષો સુધી, દાયકાઓ સુધી એકસરખું બીબાંઢાળ જીવન જીવ્યે જ જાય છે, કેમ કે તેમના પર પરિવાર અને પ્રિયજનોની જવાબદારી છે. રિતેશે નક્કી કરી લીધું કે બસ, મારી ફિલ્મના કિરદારો આવાં જ હશે. સાધારણ, રુટિન, મારા-તમારા જેવાં.

આટલી માનસિક સ્પષ્ટતા થયા બાદ રિતેશે ‘ધ લન્ચબોક્સ’ના સ્ટોરી-સ્ક્રીનપ્લે લખવાનું શરૂ કર્યું. એક વિધુર ક્લર્ક છે, એક દુખી ગૃહિણી છે. બન્ને એકાકી છે. તેમની વચ્ચે સંબંધ વિકસે છે ને એક આશાભર્યા બિંદુ પર વાર્તા પૂરી થાય છે. રિતેશને લગભગ ખાતરી હતી કે મારી ફિલ્મ જોવા મારી મમ્મી સિવાય બીજું કોઈ નહીં આવે! બોરિંગ જીવન જીવતાં પાત્રોને સ્ક્રીન પર જોવા માટે કોઈ શું કામ સમય-શક્તિ ને પૈસા બગાડે? પણ ‘ધ લન્ચબોક્સ’ના નસીબમાં સફળતા અને યશ બન્ને લખાયા હતા.

સફળતા હજુ તાજી તાજી હવામાં હતી ત્યારે, 2013માં, રિતેશ એક વાર કારમાં કશેક જઈ રહ્યા હતા. એફએમ રેડિયો પર એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેમાં શ્રોતાઓ ફોન કરી કરીને એમના મતે વર્ષની જે શ્રેષ્ઠ ઘટના હતી તેના વિશે પોતાના વિચારો જણાવતા હતા. ઘણા લોકોએ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ વિશે પણ વાત કરી. એમાંના કેટલાયે ‘ધ લન્ચબોક્સ’ને 2013ની બેસ્ટ ફિલ્મ ગણાવી. કોઈએ કહ્યું કે આ ફિલ્મ જોઈને મને મારી માની યાદ આવી ગઈ. એક અંધ શ્રોતાએ કહ્યું કે મેં આ ફિલ્મ થિયેટરમાં જઈને માત્ર સાંભળી તો પણ મને બહુ મજા પડી. એક સ્ત્રીએ કહ્યું કે મેં આ ફિલ્મ જોયા પછી બીજા જ દિવસે મારા બેવફા પતિને ત્યજી દીધો. કોઈએ કહ્યું કે આ ફિલ્મ મારી ભૂખ ભડકાવી દે છે. મેં તે ત્રણ વાર ને ત્રણેય વાર દબાવીને ખાધું!

રિતેશને આ બધું સાંભળીને જબરું આશ્ચર્ય થયું. એને થયું કે મારી ફિલ્મમાં એવું તે શું છે જેનાથી ટ્રિગર થઈને લોકો આ રીતે પોતાની અંગત વાતો રેડિયો પર શેર કરી રહ્યા છે? રિતેશના દિમાગમાં પાછી બત્તી થઈ કે ફિલ્મ લખતી વખતે અને બનાવતી વખતે હું પ્રામાણિક રહ્યો હતો. આ જ વાત ઓડિયન્સ સુધી પહોંચી છે. મારી ફિલ્મમાં પ્રામાણિકતા વર્તાય થાય છે એટલે જ લોકો અત્યારે પ્રામાણિક બનીને રિએક્ટ કરી રહ્યા છે!     

રિતેશ પોતાનાં એક વકતવ્યમાં કહે છે, ‘આ વાત માત્ર સિનેમા પૂરતી સીમિત નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં હો,  કોઈ પણ વ્યવસાય કરતા હો, પણ જ્યારે તમે એમાં તમારી જાતને રેડી દો છો ત્યારે તમારું કામ જાણે કે એક અરીસો બની જાય છે. તમારા કામમાં લોકો પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે. તેઓ તમારી સાથે સચ્ચાઈથી કનેક્ટ થાય છે. તમારી પ્રામાણિક અભિવ્યક્તિ જોઈને લોકોને પણ તમારી સામે પ્રામાણિકપણે વ્યક્ત થવાનું મન થાય છે. મારા માટે આ બહુ મહત્ત્વનો પદાર્થપાઠ હતો, જે હું ‘ધ લન્ચબોક્સ’ લખતી વખતે કે શૂટિંગ કરતી વખતે નહીં, પણ તે રિલીઝ થઈ ગયા પછી શીખ્યો.’ 

રિતેશની આગામી ફિલ્મ ‘ફોટોગ્રાફ’માં આપણને આવાં જ પાત્રો ને કહાણી જોવા મળવાનાં એ તો નક્કી.

0 0 0

Saturday, December 21, 2013

મલ્ટિપ્લેક્સ : ફ્લેશબેક ૨૦૧૩


Sandesh - Sanskar Purti - 22 Dec 2013

મલ્ટિપ્લેક્સ 

આ વર્ષે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઈ ટેલેન્ટ્સ ઊભરી? કોણે ધ્યાન ખેંચ્યું? કોણે લાંબી રેસના ઘોડા હોવાનો ભરોસો પેદા કર્યો? પેશ છે એક સિંહાવલોકન.

સમયને જતાં ક્યાં વાર લાગે છે. હજુ હમણાં ૨૦૧૩ની શરૂઆતમાં અતરંગી 'મટરૂ કી બીજલી કા મન્ડોલા' આવી હતી ને લો, જોતજોતામાં વર્ષ પૂરું પણ થઈ ગયું. વેલ, ઓલમોસ્ટ. ૨૦૧૩માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કઈ ટેલેન્ટ્સ ઊભરી? કોણે ધ્યાન ખેંચ્યું? કોણે લાંબી રેસના ઘોડા હોવાનો ભરોસો પેદા કર્યો? ચાલો, સિંહની જેમ પાછળ ગરદન ઘુમાવીને વીતેલાં વર્ષ પર નજર ફેરવીને જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ. આજે ફક્ત બિહાઈન્ડ-ધ-સ્ક્રીન તરખાટ મચાવનાર અથવા તો તરખાટ મચાવવાની કોશિશ કરનાર કલાકારોની વાત કરીશું. શરૂઆત કરીએ, ૨૦૧૩ના બ્રાન્ડ-ન્યૂ ડિરેક્ટર્સથી.
આનંદ ગાંધી : 

હિન્દી સિનેમાના ઇતિહાસમાં કદાચ કોઈ આર્ટ ફિલ્મનું થયું ન હોય એવું ભવ્ય અને ગ્લેમરસ સ્વાગત મુંબઈના આ સુપર ટેલેન્ટેડ ગુજરાતી યુવાનની સર્વપ્રથમ ફીચર ફિલ્મ'ધ શિપ ઓફ થિસિઅસ'નું થયું. એક મિનિટ. 'ધ શિપ ઓફ થિસિઅસ' પર આર્ટ ફિલ્મનું લેબલ ચીટકાડીને એની અપીલને સીમિત કરી નાખવાની ભૂલ કરવા જેવી નથી. વિચારશીલ દર્શકને સતત જકડી રાખે અને અંદરથી ઝંકૃત કરી દે એવી આ ફિલ્મ વિશ્વસ્તરે પોંખાઈ અને ઘરઆંગણે પણ ખૂબ જોવાઈ. આનંદ ગાંધી નામના આ વિચક્ષણ યુવાને પુષ્કળ આશાઓ જન્માવી છે. એના પ્રોડક્શન હાઉસમાં બનેલી આગામી ફિલ્મ 'તુમ્બાડ'ની ક્વોલિટી ફિલ્મના ચાહકો અધ્ધર શ્વાસે રાહ જોઈને બેઠા છે.
રિતેશ બત્રા : 

મૂળ તો એ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર, પણ એમની પહેલીવહેલી ફીચર ફિલ્મ 'ધ લંચબોક્સે' જબરી હવા ઊભી કરી. પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે અને પછી ઘરઆંગણે. એક વિધુર ક્લર્ક (ઈરફાન ખાન) અને રૂટિન જીવન જીવી રહેલી સીધીસાદી હાઉસવાઈફ (નિમરત કૌર)ની આ અનોખી લવસ્ટોરી સહેજ ઓવરરેટેડ ખરી, પરંતુ ભારતની આ વખતની ઓસ્કર એન્ટ્રી તરીકેનું નોમિનેશન એને મળશે એવું લાગતું હતું. એની તીવ્ર હરીફાઈ 'ધ શિપ ઓફ થિસિઅસ' સાથે હતી, પણ કોણ જાણે શું ભેદભરમ થયા કે આ બેય સહિત કેટલીય લાયક ફિલ્મોને પાછળ રાખીને 'ધ ગૂડ રોડ' નામની ફિલ્મ ઓસ્કર રેસમાં આગળ થઈ ગઈ. ખેર.
Kannan ઐયર :

વિશાલ ભારદ્વાજે પ્રોડયુસ કરેલી સુપરનેચરલ ફિલ્મ 'એક થી ડાયન'ને મિશ્ર પ્રતિસાદ મળ્યો. ફર્સ્ટટાઈમ ડિરેક્ટર Kannan ઐયરે ફિલ્મનો પૂર્વાર્ધ મસ્ત જમાવ્યો, પણ સેકન્ડ હાફમાં ગરબડ કરી નાખી. કોંકણા સેન શર્માનું પરફોર્મન્સ આ ફિલ્મનો મોટો પ્લસ પોઈન્ટ છે. Kannan ઐયરના કૌવતનું ખરું માપ એમની હવે પછીની અને જુદા પ્રકારની ફિલ્મો પરથી નીકળશે.
અજય બહલ : 


વચ્ચે 'બીએ પાસ' નામની સહેજ વિવાદાસ્પદ ફિલ્મ આવી હતી. ફિલ્મનું ટાઈટલ ભલે શૈક્ષણિક રહ્યું પણ કન્ટેન્ટ પૂરેપૂરું સેક્સ્યુઅલ હતું. મા-બાપ વગરનો, મામૂલી દેખાવ ધરાવતો, બીએ ભણતો છોકરો (શાદાબ કમલ) એક કામુક આન્ટી (શિલ્પા શુક્લા) થકી સેક્સ રેકેટમાં ઊંડો ઊતરતો જાય છે. આખરે એનો અંજામ અતિ કરુણ આવે છે. ફેસ્ટિવલ ફિલ્મ જેવી ફીલ ધરાવતી અને બોલ્ડ દૃશ્યોની ભરમારવાળી આ ફિલ્મની ઠીક ઠીક તારીફ થઈ હતી. મહેશ ભટ્ટ આ નવા નિશાળિયા ડિરેક્ટરથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. અજય બહલની આગામી ફિલ્મ એક જપાની નોવેલ પર આધારિત છે. મર્ડર મિસ્ટરીની થીમ ધરાવતી આ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઈટલ છે, 'ઈન્ફોર્મર'.
સોનમ નૈયર : 

એક જાડ્ડીપાડ્ડી ગોળમટોળ ટીનેજરની વાત કરતી 'ગિપ્પી' નામની સ્વીટ, સિમ્પલ આ વર્ષે ફિલ્મ આવી હતી. મહિલા ડિરેક્ટર સોનમ નૈયરે ઉંમરમાં આવી રહેલી તરુણીની સમસ્યાઓને હળવાશથી રજૂ કરી હતી. સોનમના બાયોડેટામાં'વેકઅપ સિડ'નું નામ પણ બોલે છે. આ ફિલ્મમાં અલબત્ત, તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી હતી.  
વિશેષ ભટ્ટ :

મૂકેશ ભટ્ટના સુપુત્ર અને મહેશ ભટ્ટના ભત્રીજા વિશેષે ડિરેક્ટ કરેલી 'મર્ડર-થ્રી' હાડોહાડ કમર્શિયલ ફિલ્મ હતી. મર્યાદિત બજેટમાં ઉપરાછાપરી હિટ ફિલ્મો આપતાં મહેશ-મૂકેશ ભટ્ટનાં વિશેષ ફિલ્મ્સ બેનરનું નામ આ પાટવી કુંવર પરથી તો પડયું છે. રણદીપ હૂડા, અદિતી હૈદર અને સારા લોરેન નામની નવી કન્યાને ચમકાવતી 'મર્ડર-થ્રી'ને એની આગલી પ્રિકવલ્સ સાથે ટાઇટલને બાદ કરતાં નહાવાનિચોવવાનોય સંબંધ નહોતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર વિજયપતાકા ફરકાવી નથી, પણ વિશેષ ભટ્ટ આગળ જતાં બહેતર ફિલ્મો આપી શકશે એવી આશા જરૂર બંધાય છે.
અશિમા છિબ્બર :


'મેરે ડેડ કી મારુતિ' નામની લો-બજેટ કોમેડી ફિલ્મ જોઈ હતી તમે? દિલ્હીના ટિપિકલ પંજાબી પરિવારમાં દીકરીનાં લગ્ન છે. જમાઈને દહેજમાં યા તો ભેટમાં મારુતિ કાર આપવાનું નક્કી થયું છે, પણ બહેનનો અપલખણો ભાઈ કાર ગાયબ કરી નાખે છે. જોકે અણીના સમયે ગાડી હાજર પણ કરી દે છે. ૨૦૧૩ની આ સરપ્રાઈઝ હિટ છે. ટાઈમપાસ માટે ટીવી પર જોવા જેવી ખરી.
અહિશોર સોલોમોન જેવું કેમેય કરીને યાદ ન રહે એવું નામ ધરાવતા ફર્સ્ટ-ટાઈમરની ફિલ્મ પણ ખાસ યાદ રાખવાને લાયક નથી - 'જોન ડે'. તેમાં નસિરુદ્દીન શાહ અને રણદીપ હૂડા જેવા કલાકારો હતા, તો પણ. આ વર્ષે 'ફુકરે' નામની સરપ્રાઈઝ હિટ આવી હતી. એના ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાનું નામ પહેલી વાર પ્રકાશમાં આવ્યું, પણ આ તેમની પહેલી ફિલ્મ નહોતી. ભૂતકાળમાં 'તીન થે ભાઈ' નામની સુપરફ્લોપ ફિલ્મ તેઓ બનાવી ચૂક્યા છે. તે જ પ્રમાણે ડિરેક્ટર-બેલડી કૃષ્ણા ડી.કે. અને રાજ નિદીમોરુ ભલે ઝોમ્બી ફિલ્મ 'ગો ગોવા ગોન'થી જરા લાઈમલાઈટમાં આવ્યાં, પણ તેઓય અગાઉ 'નાઈન્ટીનાઈન' નામની ફિલ્મ બનાવી ચૂક્યાં છે. 
Bhoomi Trivedi
હવે પડદા પાછળના થોડા ઔર કલાકાર કસબીઓની નોંધ લઈ લઈએ. સંજય ભણસાલીની 'રામ-લીલા' થકી ત્રણ ટેલેન્ટેડ યંગસ્ટર્સની કરિયરની શરૂઆત થઈ છે. એક છે, આપણા વડોદરાની અને બુલંદ સ્વરની માલિકણ ભૂમિ ત્રિવેદી, જેણે 'રામ chahe લીલા chahe' આઈટમ સોંગ ગાયું છે. આ ફિલ્મની લેખકજોડીનું નામ છે સિદ્ધાર્થ અને ગરિમા. તેમણે સંજય ભણસાલી સાથે સ્ક્રીનપ્લેનું સહલેખન કર્યું છે, ડાયલોગ્ઝ લખ્યાં છે અને ફિલ્મનાં ઘણાં ખરાં ગીતો પણ લખ્યાં છે. 
Ankit Tiwari
આ વર્ષે 'આશિકી-ટુ'નું એક ગીત બહુ જ ચગ્યું છે- 'સુન રહા હૈ...' તે અંકિત તિવારી નામના કાનપુરના યુવાને ગાયું છે. ભૂતકાળમાં 'દો દૂની ચાર' અને 'સાહબ બીવી ઔર ગેંગસ્ટર'નું મ્યુઝિક એમણે કમ્પોઝ કર્યું હતું, પણ ખરી પ્રસિદ્ધિ 'આશિકી-ટુ'ના આ મસ્તમજાના ગીતની ગાયકીથી જ મળી. 
                                               0 0 0 

Saturday, September 14, 2013

મલ્ટિપ્લેક્સ : અ લંચ વિથ ઈરફાન

Sandesh - Sanskaar Purti - 15 July 2013


મલ્ટિપ્લેક્સ 

'ધ લંચબોક્સ' ફિલ્મમાં ઉષ્માહીન માહોલમાં જીવી રહેલાં બે એકલવાયાં પાત્રો વચ્ચે વિકસતા પ્રેમની વાત છે. ઓસ્કરમાં  સંભવિત ભારતીય એન્ટ્રી તરીકે 'શિપ ઓફ થિસિઅસ'ની સાથે હવે એનું નામ પણ ચર્ચાય છે.

ઈરફાન ખાન અને એની ફિલ્મે ફરી એક વાર ધ્યાન ખેંચ્યું છે. પહેલાં ઈન્ટરનેશનલ ર્સિકટમાં અને હવે ઘરઆંગણે. ફિલ્મનું ટાઈટલ છે, 'ધ લંચબોક્સ' અથવા તો હિન્દીમાં 'ડબ્બા'. રિતેશ બત્રા નામના યુવાને આ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. રિતેશને એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો અનુભવ છે, પણ 'ધ લંચબોક્સ' એની પહેલી ફુલલેન્થ ફીચર ફિલ્મ છે. સૌથી પહેલાં આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું, પછી ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં અને ત્યારબાદ અમેરિકાના ટેલ્યુરાઈડ નામના પ્રમાણમાં ઓછા જાણીતા પણ મહત્ત્વના ફિલ્મ ફેસ્ટિવલમાં તે દેખાડવામાં આવી. હવા બંધાવાની શરૂઆત પહેલાં સ્ક્રીનિંગ વખતથી જ થઈ ગઈ હતી. ટેલ્યુરાઈડ ફેસ્ટિવલમાં એના ચાર શોઝ પ્લાન થયેલા, પણ ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે આયોજકોએ બીજા ત્રણ શોઝ વધારવા પડયા. અનુરાગ કશ્યપે કો-પ્રોડયુસ કરેલી આ ફિલ્મને ભારતમાં કરણ જોહર અને યુટીવી એને આવતા શુક્રવારે રિલીઝ કરી રહ્યા છે.
શંુ છે 'ધ લંચબોક્સ'માં? સાજન (ઈરફાન ખાન) નામનો એક સીધોસાદો આધેડ માણસ મુંબઈની કોઈ ઓફિસમાં કારકુની કરે છે. એ વિધુર છે, એકલો છે. નિવૃત્ત થવામાં હવે એને ઝાઝી વાર નથી. હજારો ઘરોમાંથી ટિફિન કલેક્ટ કરીને આખા મુંબઈમાં ફેલાયેલી ઓફિસોમાં ડિલિવરી કરતા ડબ્બાવાળાનું પરફેક્શન આમ તો દુનિયાભરમાં જાણીતું છે પણ એક વાર સાજન પાસે ભૂલથી બીજા કોઈનું ટિફિન આવી જાય છે. આ લંચબોક્સ ખરેખર તો ઈલા (નિમરત કૌર, જેને તમે કેડબરી ચોકલેટની એડમાં જોઈ છે) નામની કોઈ અજાણી મહિલાએ પોતાના પતિ માટે મોકલ્યું હતું. ઈલાનો પતિ અને લગ્નજીવન બન્ને સરખાં છે - ઉષ્માહીન. લંચબોક્સની ગરબડને લીધે આકસ્મિક રીતે સાજન અને ઈલા એકમેકના સંપર્કમાં આવે છે. આવડા મોટા મહાનગરમાં એકલતા અનુભવતાં આ બે માનવપ્રાણીઓ વચ્ચે એક હૂંફાળો અને સંવેદનશીલ સંબંધ વિકસે છે. ફિલ્મમાં હૃદયસ્પર્શી લાગણીઓના ચઢાવઉતાર છે અને યોગ્ય માત્રામાં હ્યુમર પણ છે. નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મમાં ઈરફાનના સાથી કર્મચારીનો રોલ કરે છે.

ભારત તરફથી આગામી ઓસ્કરમાં જનારી સંભવિત ફિલ્મોનું લિસ્ટ ઉત્સાહીઓ ઓલરેડી તૈયાર કરવા લાગ્યા છે. 'શિપ ઓફ થિસિઅસ' આ લિસ્ટમાં હજુ હમણાં સુધી ટોચ પર હતી. હવે અચાનક 'ધ લંચબોક્સ'નું નામ ચર્ચાવા લાગ્યું છે. 'લંચબોક્સ'નો એક મહત્ત્વનો પ્લસ પોઈન્ટ ઈરફાન ખાન છે. 'સ્લમડોગ મિલિયોનેર', 'ધ નેમસેક', 'લાઈફ ઓફ પાઈ' અને 'ધ અમેઝિંગ સ્પાઈડરમેન' જેવી ફિલ્મો તેમજ 'ઈન ટ્રીટમેન્ટ' જેવી અમેરિકન ટીવી સિરીઝને કારણે ઈરફાનનું નામ, કામ અને ચહેરો ઈન્ટરનેશનલ સર્કિટમાં ઓલરેડી જાણીતાં છે. ગયા વર્ષે ઈરફાનની જ 'પાનસિંહ તોમર' ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે સૌથી લાયક ફિલ્મ હોવા છતાં એનું સિલેક્શન નહોતું થયું. આ વર્ષે 'ધ લંચબોક્સ'નો નંબર લાગે છે કે કેમ એ તો સમય જ બતાવશે. ભારતની સંભવિત ઓસ્કર એન્ટ્રીની રેસમાં 'શિપ ઓફ થિસિઅસ' અને 'ધ લંચબોક્સ'ને હરીફાઈ આપવા કેટલીક ઉત્તમ રિજનલ ફિલ્મો પણ હોવાની.
ઈરફાન ખાન હજુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણી રહ્યા હતા ત્યારે મીરાં નાયરે એમને શોધી કાઢયા હતા. એક ડિપ્લોમા ફિલ્મમાં ઈરફાનનું પર્ફોર્મન્સ જોઈને મીરાંની આંખો ચમકી ઊઠી હતીઃ ધિસ ઈઝ ધ બોય! તેઓ 'સલામ બોમ્બે' (૧૯૮૮)માં ઈરફાનને મેઈન રોલ આપવા માગતાં હતાં, પણ કોઈક કારણસર તે શક્ય ન બન્યું. ઈરફાનના ભાગે આ ફિલ્મમાં કાગળ લખી આપતા માણસનો એક ટચૂકડો રોલ આવ્યો. 'સલામ બોમ્બે' ઈરફાન અને મીરાં નાયર બન્નેની સર્વપ્રથમ ફિલ્મ. 'સલામ બોમ્બે' માં જે નહોતું થઈ શક્યું તે વર્ષો પછી ૨૦૦૭માં 'ધ નેમસેક'માં થયું. મીરાં નાયરે આમાં ઈરફાનને નાયકનો રોલ કરાવીને જ સંતોષ માન્યો.

"સાચું કહું, 'ધ નેમસેક'ના મામલામાં હું શ્યોર નહોતો," ઈરફાન એક ઈન્ટરવ્યૂમાં કહે છે, "આમાં મારો રોલ એક સીધાસાદા પતિ અને પિતાનો હતો, જે મારે એવી રીતે ભજવવાનો હતો કે ફિલ્મમાં આ કિરદારનો સહેજ પણ ભાર ન વર્તાય. આસિફ કાપડિયાની'ધ વોરિયર' (૨૦૦૧) કર્યા પછી ઈન્ટરનેશનલ સર્કિટ માટે હું એ ટાઈપના મર્દાના રોલ્સ કરવા માગતો હતો, જ્યારે 'ધ નેમસેક'ની ભૂમિકા એના કરતાં સાવ વિરુદ્ધ હતી પણ મને મીરાંની કાબેલિયત પર ભરોસો હતો. મારે જમ્પા લાહિરીએ (કે જેમની નવલકથા પરથી આ ફિલ્મ બની હતી) કરેલાં પાત્રાલેખનને ન્યાય આપવો હતો. હું એક એક્ટર તરીકે મીરાંને સંપૂર્ણપણે તાબે થઈ ગયો અને જે પરિણામ આવ્યું તે કમાલનું હતું. 'ધ નેમસેક' જોઈને હું ચકિત થઈ ગયો હતો."
કોઈ ભૂમિકા ઓફર થાય ત્યારે નેરેશન સાંભળીને મન ના પાડતું હોય છતાં પણ એ ફિલ્મ કરીને છેવટે ઊંડા સંતોષની લાગણી અનુભવી હોય એવો અનુભવ અદાકારોને અવારનવાર થતો હોય છે. ઈરફાન ઉમેરે છે, "ઈવન 'ધ લંચબોક્સ' વખતે પણ એવું જ થયું. સ્ટોરી સાંભળીને હું અવઢવમાં હતો કે આ ક્લાર્ક ટાઈપનો રોલ કરવો કે નહીં. મને ઓફિસોના ટિપિકલ નીરસ માહોલથી આમેય ત્રાસ થતો હોય છે. આઈ મીન, એકના એક લોકો સાથે વર્ષો સુધી એકનું એક કામ કર્યે જવાનું... કેટલું બોરિંગ હોય છે આ બધું. મને થતું હતું કે એક્ટર તરીકે આમાં કશું એક્સાઈટિંગ કરવા જેવું તો છે જ નહીં પણ મને વાર્તાના ઈમોશનલ ગ્રાફમાં રસ પડયો, મને લવસ્ટોરીં ગમી ગઈ ને મેં હા પાડી."
The Lunchbox team with the director, Ritesh Batra at Cannes 2013
આ વખતે પણ જે રિઝલ્ટ મળ્યું છે તે એવું કમાલનું છે. માહોલ ગમે તે હોય, પાત્રો ગમે તે ભાષા બોલતાં હોય પણ પ્રેમ, એકલતા અને હૂંફની લાગણીઓ સાર્વત્રિક છે. એની સાથે જેટલો ભારતીય દર્શક કનેક્ટ થશે એટલો જ અમેરિકન-યુરોપિયન કે જાપાનીઝ પ્રેક્ષક પણ આઈડેન્ટિફાય કરી શકશે.
ઈરફાન ખાન એક તગડો અભિનેતા છે તે સૌ સ્વીકારે છે. દેશ-વિદેશની ફિલ્મોમાં એની કરિયર જે રીતે ગતિ કરી રહી છે તે ખરેખર ઈન્ટરેસ્ટિંગ છે. એની આગામી ફિલ્મોમાં એક તરફ 'સિદ્ધાર્થ' અને 'કિસ્સા' જેવી ફેસ્ટિવલ ફિલ્મો છે, તો સામે પક્ષે 'હંગામે પે હંગામા' (ડિરેક્ટર નીરજ વોરા) અને 'ગુંડે' (યશરાજ બેનર) જેવી મસાલા કર્મશિયલ ફિલ્મો પણ છે. ઈરફાનની વર્સેટાલિટી અને રેન્જનું આ ઉદાહરણ છે. 
શો-સ્ટોપર

બસ, બહુ કરી લીધી એક્ટિંગ. હવે મારે પૈસા જોઈએ છે. બોલિવૂડમાં સૌ કોઈ ચિક્કાર પૈસા બનાવી રહ્યા છે તો અમારા જેવા એક્ટરોએ શું ગુનો કર્યો છે?
- મનોજ બાજપાઈ