Showing posts with label એલિઝાબેથ ગિલ્બર્ટ. Show all posts
Showing posts with label એલિઝાબેથ ગિલ્બર્ટ. Show all posts

Monday, June 24, 2019

ક્રિયેટિવ જિંદગી જીવવાની કળા

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 જૂન 201
ટેક ઓફ
મારામાં પૂરતી ટેલેન્ટ નહીં હોય તોલોકો મારા પર હસશે તો? મારી બિલકુલ નોંધ જ નહીં લે તો? ક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવી

------------------------------------------------------------------------------------

સુપરસ્ટાર અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ અત્યારે પાછાં ન્યુઝમાં છે. એમનું લેટેસ્ટ પુસ્તક સિટી ઓફ ગર્લ્સ થોડા દિવસો પહેલાં જ બહાર પડ્યું. આ એક નવલકથા છે, જેમાં જૂના જમાનાના ન્યુ યોર્ક શહેરમાં રહેતી કેટલીક ગ્લેમરસ કન્યાઓની વાત છે. આ કથાનો સૂર એ છે કે સારા માણસ હોવા માટે નૈતિક જીવનશૈલી અપવાવવી જરૂરી નથી. દુનિયાની નજરમાં જે વંઠેલ કે ચારિત્ર્યહીન છે એવાં સ્ત્રી-પુરુષો માણસ તરીકે ઉત્તમ હોઈ શકે છે! 

એલિઝાબેથ ગિલ્બર્ટને આખી દુનિયા ખાસ કરીને એમનાં આત્મકથનાત્મક પુસ્તક ઇટ પ્રે લવ થકી જાણે છે. આ પુસ્તકને એટલી પ્રચંડ સફળતા મળી ચુકી છે કે એલિઝબેથનાં તે પછીનાં પુસ્તકો માટે ઇટ પ્રે લવની સફળતા દોહરાવવી લગભગ અશક્ય બની ગયું છે, પણ તેથી કંઈ એલિઝાબેથ મારાં નેક્સ્ટ પુસ્તકને ઇટ પ્રે લવ જેટલી સફળતા નહીં મળે તો? એવા વિચારથી ડરીને કંઈ નિષ્ક્રિય ન બેસી રહ્યાં. એમણે લખવાનું ચાલુ જ રાખ્યું. 
     
ક્રિયેટિવ જીવન જીવવામાં આપણને જાતજાતના ડર લાગતા હોય છે. એલિઝબેથ ગિલ્બર્ટે બિગ મેજિક નામનું એક અફલાતૂન પુસ્તક લખ્યું છે જે ક્રિયેટિવ મિજાજ ધરાવતા તમામ લોકોએ વાંચવું જોઈએ. ઘણા લોકોને લાગતું હોય છે કે પોતે સારું લખી શકે એમ છે, એક્ટિંગ કરી શકે છે, ગાઈ કે વગાડી શકે એમ છે. તકલીફ એ છે કે આપણે માત્ર આવું વિચારીને બેસી રહીએ છીએ. આપણી અંદરની પ્રતિભાને બહાર લાવવામાં આપણને ગભરામણ થાય છે. જેમ કે આપણને થાય કે મારામાં ટેલેન્ટ છે, પણ તે પૂરતી નહીં હોય તોલોકો મારા પર હસશે તો? બિલકુલ નોંધ જ નહીં લે તોક્રિયેટિવિટીમાંથી બે પૈસા મળવાના ન હોય તો શું કામ ખોટી માથાકૂટ કરવીઓલરેડી કેટલાય ગાયકો-સંગીતકારો-ચિત્રકારો-લેખકો-ખેલાડીઓ અદભુત કામ કરી રહ્યા છે. હું કંઈ એમના કરતાં ચડિયાતું કામ થોડો કરી શકવાનો?

આવા તો અસંખ્ય પ્રકારના ડર હોઈ શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટને ડર અને ક્રિયેટિવિટી કન્જોઈન્ડ ટ્વિન્સ જેવાં ગણે છે. બન્ને એકમેકથી જોડાયેલાં. અમુક અંગ-ઉપાંગ બન્નેમાં કોમન. લેખિકાએ તો ડર માટે રીતસર એક લાંબી વેલકમ સ્પીચ તૈયાર કરી છે. નવો પ્રોજેકટ શરૂ કરવાનો હોય ત્યારે એ ડરને મનોમન કહે છેઃ
'ડિયેરેસ્ટ ડર, જો, હું અને ક્રિએટિવિટીસાથે રોડટ્રિપ પર નીકળવાનાં છીએ. હું માની લઉં છું કે તું પણ અમારી સાથે જોઈન થઈ જ જઈશ. હું કશુંક સરસ કામ કરવાની હોઉં બરાબર ત્યારે જ હો-હોનો દેકારો કરીને મને ગભરાવી મૂકવાની મોટી જવાબદારી તને સોંપવામાં આવી છે ને આ જવાબદારી પૂરી કરવા માટે જીવ રેડી દઈશ તે ય હું જાણું છું. ભલે. હું તો આ રોડટ્રિપ દરમિયાન મારું કામ કરવાની જ છું. શું છે મારું કામપુષ્કળ મહેનત કરવી અને ફોકસ્ડ રહેવું. મારી સાથે ક્રિએટિવિટી પણ એનું કામ કરશે. એનું કામ શું છેઉત્સાહ અને ઉમંગ ટકાવી રાખવા. તું પરિવારનો હિસ્સો છે એટલે તારું માન જરૂર રાખીશ. તને તારું કામ કરવા દઈશ. કારમાં આપણા ત્રણેય માટે પૂરતી મોકળાશ છે એટલે તને બેસવાની જગ્યા દઈશપણ એક વાત કાન ખોલીને સાંભળી લે. આખા રસ્તે તમામ નિર્ણયો તો હું અને ક્રિયેટિવિટી જ લઈશું. કયા રસ્તે જવું, કયાં હોલ્ટ લેવો, કયાંથી બાયપાસ લઈને ફંટાઈ જવું, કયાંથી યુ-ટર્ન મારવોકારમાં એસી કેટલું તેજ રાખવું - આ બધું માત્ર અને માત્ર હું અને ક્રિયેટિવિટી નક્કી કરીશું. તારે સૂચન પણ નહીં કરવાનું. રોડ-મેપ શુંએફએમ રેડિયોને પણ હાથ નહીં લગાડવાનો. કારનું સ્ટિયરિંગ હાથમાં લેવાનું તો વિચારવાનું પણ નહી, સમજ્યો?'

ને પછી લેખિકાક્રિયેટિવિટી અને ડર એકસાથે પ્રવાસ પર નીકળી પડે. પ્રવાસ (એટલે કે પ્રોજેક્ટ)નું પરિણામ ધાર્યું હતું એવું જ મળે છે, ધાર્યા કરતાંય વધારે સુંદર મળે છે કે તદ્દન વાહિયાત મળે છે એ પછીની વાત છેપણ પ્રવાસ રોમાંચક અને ઘટનાપ્રચુર પુરવાર થશે એ તો નક્કી છે. સો વાતની એક વાત એ કે મનગમતું કામ કરવા માગતા હોઈએ ત્યારે ડરના વશમાં થવાનું નથી. એનો સંગાથ અપ્રિય લાગે તો લાગે. જો ડર સાથે પ્રવાસ કરતા નહીં શીખીએ તો કયારેય કોઈ સરસ સ્થળે પહોંચી નહીં શકીએ. લાઈફમાં કયારેય કોઈ ઈન્ટરેસ્ટિંગ કામ કરી નહીં શકીએ.

હું માનું છું કે આ પૃથ્વી પર માત્ર માણસો, પશુપક્ષીઓ, વનસ્પતિ, બેકટરિયા અને વાઈરસ જ વસતા નથી. આ બધાની સાથે સાથે પૃથ્વી પર આઈડિયાઝ પણ વસવાટ કરે છે,' એલિઝાબેથ ગિલ્બર્ટ ‘બિગ મેજિક' પુસ્તક્માં કહે છે, ‘આઈડિયા પાસે શરીર ભલે ન હોય પણ એનામાં આત્મા જરુર હોય છે. ઈચ્છાશકિત તો ચોક્કસપણે હોય છે. આઈડિયાની સર્વોપરી ઈચ્છા એક જ છે - એને વ્યકત થવું હોય છે. આઈડિયા આપણી દુનિયામાં એક જ રીતે વ્યકત થઈ શકે - માણસ સાથે પાર્ટનરશિપ કરીને. જો માણસ પ્રયત્ન  કરે તો અને તો જ માનમોંઘો આઈડિયા અમૂર્ત વિશ્ર્વમાંથી બહાર નીક્ળીને મૂર્ત એટલે કે વાસ્તવિક્ દુનિયામાં પ્રવેશી શકે.

યાદ રહે, અહીં કેવળ કવિતા- વાર્તા-પેઈન્ટિંગના આઈડિયાની વાત નથી. આ આઈડિયા આર્ટિસ્ટિક ઉપરાંત વિજ્ઞાન, વેપારઉદ્યોગ, રમતગમત, ધર્મ, રાજકારણ કે એવા કોઈ પણ ક્ષેત્રને લગતા હોઈ શકે. લેખિકા  ક્હે છે કે આ આઈડિયાઝ આપણી આપસપાસ હવામાં ઘુમરાતા રહે છે અને પોતાને આવકારવા તૈયાર હોય તેવા માણસને શોધતા રહે છે. એને લાગે કે ફલાણો માણસ મને દુનિયામાં અવતારવા માટે સક્ષમ છે તો એનું ધ્યાન ખેંચવાની કોશિશ કરશે.

કોઈ પણ આઈડિયાને તમારામાં યોગ્યતા દૃેખાય એટલે એ શું કરે? સૌથી પહેલાં તો તમને રોમાંચિત કરી  નાખશે. ત્યાર બાદ એક પછી એક એવા સંજોગ સર્જશે કે જેથી એનામાં તમારો ઈન્ટરેસ્ટ જીવંત રહે. જાણે પ્રેત વળગ્યું હોય તેમ હાલતા-ચાલતા-ઉઠતા-બેસતા તમને બસ તે આઈડિયાના જ વિચારો આવતા રહેશે. મધરાતે અચાનક ઊંઘ ઉડે ને ખબર પડે કે સનામાં ય તમે એ જ આઈડિયા વિશે વિચારી રહ્યા હતા. આઈડિયાને ખાતરી થાય કે તમે એના પર પૂરેપુરું ધ્યાન આપવા તૈયાર છો ત્યારે હળવેક્થી તમને પૂછશે:

દોસ્ત, તું મારી સાથે કામ કરવા, મારો પાર્ટનર બનવા તૈયાર છે?'

આ સ્થિતિમાં તમારી પાસે બે વિક્લ્પો હોય. કાં તો તમે હા પાડશો અથવા ના પાડશો. ધારો કે આઈડિયા જે સમયે તમારા થકી જન્મ લેવા માગતો હોય તે વખતે તમે જીવનજંજાળમાં ગૂંચવાયેલા હો, અસલામતીથી પીડાતા હો અથવા ખુદૃની નિષ્ફળતાઓ અને ભુલોનું વિશ્ર્લેષણ કરવામાંથી ઊંચા આવતા ન હો તો શક્ય છે કે પેલો આઈડિયા થોડી મિનિટો, થોડા દિવસો, થોડાં અઠવાડિયાં કે ઈવન થોડાં વર્ષો સુધી તમારી રાહ જોશે. તે પછીય તમે આઈડિયા પર ધ્યાન ન આપો, નિષ્ક્રિય રહો કે ના પાડી દો એટલે એ બાપડો નછૂટકે  કંટાળીને તમને છોડીને એવા કોઈ માણસની શોધમાં જતો રહેેશે જે એની સાથે પાર્ટનરશિપમાં કામ કરવા તૈયાર હોય.          
કેટલી સરસ થિયરી.

-
અને ધારો કે તમે તમારી આસપાસ હવામાં ઘુમરાતા આઈડિયાને અથવા તમારી ભીતર જન્મેલી પ્રેરણાને હા પાડો તો? હવે શું બનશે? તમે પ્રેરણા સાથે કાયદેસર કોન્ટ્રેકટ કરશો. તમારું કામ હવે સરળ પણ બની જશે અને અઘરું પણ બની જશે. હવે તમે જાણો છો કે સઘળી શકિત કઈ દિશામાં લગાડવાની છે. તમે એ આઈડિયાને નક્કર દેહ આપવાની જવાબદારી સ્વીકારી છે. તમે એક ક્રિયેટિવ પ્રોસેસની શરુઆત કરવા તૈયાર થયા છો. આ પ્રક્રિયાને અંતે તમે જબરદસ્ત સફળતા પામો એવું ય બને, તમે સાવ મિડીયોકર પૂરવાર થાય એવું ય બને અથવા ઊંધાં મોંએ પટકાઓ એવું ય બને.

ક્રિયેટિવ જિંદગી જીવવા માગતા સૌએ પોતપોતાની વાસ્તવિક્તા અનુસાર નિર્ણય લેવાનો છે. જોવાનું એટલું જ છે કે ક્રિયેટિવ જિંદગી પ્રસન્નતાથી ભરપૂર હોવી જોઈએ, માનસિક્ તાણ પેદા  કરે એવી નહીં. હંમેશા એલર્ટ રહેવું પડશે કેમ કે કોઈ ગ્રેટ આઈડિયા ગમે ત્યારે પાર્ટનરશિપની ઓફર લઈને તમારી પાસે આવી શકે  છે.

સો વાતની એક વાત. કશુંક ક્રિયેટિવ કરવા માગો છો? તો કરો. પૂરી જવાબદારી લઈને કરો. ડરો નહીં. જો ડર ગયા સો મર ગયા અને ડર કે આગે જીત હૈ એ સૂત્રો હંમેશાં યાદ રાખવાનાં!

0 0 0 


Tuesday, January 1, 2019

હેપીનેસની બરણીઃ તમને આજે કઈ વાતે સૌથી વધારે મોજ પડી?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 2 જાન્યુઆરી 2019
ટેક ઓફ 
મારી આજની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? મેં આજે કઈ વાતે સૌથી વધુ આનંદ અનુભવ્યો? બસ, એ ક્ષણને યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં લખી નાખવાનું ને પારદર્શક બરણીમાં ચિઠ્ઠી નાખી દેવાની. બસ, આટલું જ. આનાથી કરતાં વધારે સરળ અને કષ્ટ વગરની કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી. 

વું વર્ષ શરૂ થાય એટલે આપણે આદત મુજબ જાતજાતના ભવ્ય મક્કમ નિર્ધાર કરવા માંડીએ છીએ. હવેથી હું રોજ સવારે પાંચ વાગે ઉઠી જઈશ. હવેથી હું વીકમાં કમસે કમ ચાર દિવસ જિમમાં કસરત કરીશ. હવેથી હું ગુસ્સો નહીં કરું, વગેરે. આપણો સૌનો અનુભવ છે કે ફેબ્રુઆરી આવતા સુધીમાં આ પ્રકારના ન્યુ યર રિઝોલ્યુશન્સ ખરી પડતા હોય છે, મગજની પાટી પરથી એ એવા ભૂંસાઈ જાય છે કે જાણે ક્યારેય લખાયા જ નહોતા. એટલે જ એલિઝાબેથ ગિલ્બર્ટનો હેપીનેસની બરણીવાળો આઇડિયા આપણને તો બહુ ગમ્યો.
એલિઝાબેથ ગિલ્બર્ટ એટલે ઇટ પ્રે લવ જેવી પ્રચંડ સફળતા મેળવનાર પુસ્તકની બેસ્ટસેલિંગ અમેરિકન લેખિકા.બિગ મેજિક નામનું ક્રિયેટિવિટ પ્રોસેસ વિશે એમણે એક અદભુત પુસ્તક લખ્યું છે. જે લોકો ક્રિયેટિવ મિજાજ ધરાવતા હોય, લેખન-સંગીત-અભિનય જેવી કળાઓમાં જેમની થોડીઘણી ગતિ હોય એમણે બિગ મેજિક અચુક વાંચવું જોઈએ. એલિઝાબેથ આત્મકથનાત્મક પુસ્તકો, નવલકથાઓ ને નિબંધો લખે છે. એ જેટલું સરસ લખે છે એટલું સરસ બોલે પણ છે. એમની લાઇફસ્ટાઇલ જરા વિવાદાસ્પદ છે, પણ એ અલગ મુદ્દો થયો.
એલિઝાબેથ ગિલ્બર્ટ છેલ્લાં કેટલાંક વર્ષથી એક રુટિન પાળે છે. વર્ષની શરૂઆત થાય એટલે એક સરસ મજાની કાચની કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી લે. પછી રોજ રાત્રે સુતાં પહેલાં યાદ કરે કે મારી આજની હેપીએસ્ટ મોમેન્ટ કઈ હતી? આજે એવી કઈ ઘટના બની અથવા તો એવી કઈ પળ આવી જ્યારે મેં સૌથી વધુ આનંદ અનુભવ્યો? બસ, એ ક્ષણને યાદ કરીને કાગળની નાનકડી ચબરખીમાં તે લખી નાખે ને પેલી પારદર્શક બરણીમાં ચિઠ્ઠી નાખી દે. બસ આટલું જ. માંડ એકાદ મિનિટનું કામ. લખવા માટે ફેન્સી કાગળની પણ જરૂર નહીં. છાપાના કે કોઈ બિલનો ખૂણો ફાડીને એની ઉપર પણ લખી શકાય. ધેટ્સ ઇટ.
આનાથી કરતાં વધારે સરળ અને કષ્ટ વગરની કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિ મેં જોઈ નથી, એલિઝાબેથ ગિલ્બર્ટ એક જગ્યાએ કહે છે, માત્ર એક જ મિનિટ ફાળવવાની અને એમાં આખા દિવસમાં તમે જે વાતે ધન્યતા કે કૃતાર્થતા અનુભવી હોય એની લખીને નોંધ લેવાની. તમને આજે કંઈક ગમ્યું હોય તો એ લખવાનું, હું લકી છું એવી ફીલિંગ આવી હોય તો એ લખવાનું. બીજું કંઈ ન સૂઝે તો હું હજુ જીવું છું એવું પણ લખી શકાય.


હસવાની જરૂર નથી. આપણે હજુ જીવતા છીએ અને આપણા શ્વાસ હજુ ચાલે છે એ શું નાની ઘટના છે? દુનિયામાં રોજ દોઢથી બે લાખ લોકો મૃત્યુ પામે છે. આ દોઢ-બે લાખમાં હજુ સુધી આપણો નંબર લાગ્યો નથી એ શું જબરદસ્ત હકીકત નથી? આજે મને અવોર્ડ મળ્યો કે આજે મારી નવી ફેક્ટરીનું ઉદઘાટન થયું કે આજે મારું નવું પુસ્તક છપાઈને આવ્યું કે આજે હું બાપ બન્યો – આ પ્રકારની એવી મોટી મોટી ઘટના જ સુખ આપી શકે એવું કોણે કહ્યું? ત્રીજા માળે રહેતા ખડૂસ અંકલ પહેલી વાર આપણી સામે જોઈને સ્માઇલ કરે, પાર્કમાં બે નવા માણસો સાથે ઓળખાણ થાય, કોઈ લેખ વાંચીને મજા પડી જાય, ગુડ મોર્નિંગના રુટિન ફોરવર્ડમાં કોઈ સુવિચાર સોલિડ ગમી જાય, સખત બિઝી દિવસમાં પત્ની સાથે ફોન પર વાત કરવા માટે દસ મિનિટની મોકળાશ મળે તો આ બધું પણ આનંદનાં કારણ બની શકે છે. એલિઝાબેથ ગિલ્બર્ટ લખે છેઃ
મેં નોંધ્યું છે કે હું ગમે તેવા પીડાદાયી તબક્કામાંથી પસાર થઈ રહી હોઉં તો પણ દિવસમાં એકાદ-બે હેપી મોમેન્ટ તો આવી જ જતી હોય છે. તમે ઉદાસ કે ગુસ્સે હો ત્યારે કોઈ મિત્ર તમને સાંત્વનના બે શબ્દ કહે તો એ તમારી હેપી મોમેન્ટ હોઈ શકે છે. ભરચક બસ કે ટ્રેનમાં તમને બેસવાની જગ્યા મળી જાય તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. તમે ટ્રાફિક સિગ્નલ પાસે પહોંચો ને તે સાથે જ ગ્રીન લાઇટ થતાં તમે સડસડાટ નીકળી જાઓ તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. ફોન પર કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તમારી સાથે વિવેકથી વાત કરે ને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરે તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે. તમારા કહ્યા વિના કોઈ તમારા હાથમાં ગરમાગરમ ચાનો કપ મૂકી દે તો એ હેપી મોમેન્ટ હોઈ શકે છે.
એલિઝાબેથ ગિલ્બર્ટ આગળ કહે છેઃ
હેપીનેસ ઇઝ અ કન્સીક્વન્સ ઓફ પર્સનલ એફર્ટ. સુખ અનુભવવા માટે સહેજ પ્રયત્ન કરવો પડે, સભાન બનવું પડે, જીવનની નાની નાની વાતો પર ધ્યાન આપવું પડે. હેપીનેસની બરણી એ ઈરાદાપૂર્વક એવા પૂરાવાઓ એકઠા કરવાની પ્રક્રિયા છે, જેનાથી તમને ખાતરી થાય કે તમે નસીબવાળા છો, તમારા પર ઉપરવાળાના, વડીલોના ને ગુરૂના આશીર્વાદ છે. જરા આંખ ખોલીને આસપાસ નજર ફેરવો, તમને પૂરાવા દેખાશે જ. આ પુરાવા તોતિંગ હોય તે જરૂરી નથી. હેપીનેસની બરણીમાં રોજ ચિઠ્ઠી નાખવાનો મારો ઉદ્દેશ દુખ સામે સુરક્ષાકવચ ઊભું કરવાનું નથી. જીવનમાં દુખ તો હોવાનું જ છે. અત્યારે નહીં હોય તો ભવિષ્યમાં આવવાનું છે. આ રૂટિન હું એટલા માટે પાળું છું કે જેથી અજબ ચમત્કાર જેવું જે જીવન મને મળ્યું છે એ બદલ હું જીદપૂર્વક ધન્યતા અને કૃતાર્થતા વ્યક્ત કરી શકું.
કેટલી સરસ વાત. આ પ્રવૃત્તિને કારણે દિલ-દિમાગમાં એક પ્રકારની હકારાત્મકતા પેદા થાય છે એ બિલકુલ સમજી શકાય એવું છે. એક વાત તો નિશ્ચિત છે. મન ઉદાસ હોય ત્યારે હેપીનેસની બરણી ખોલીને એક પછી એક ચિઠ્ઠીઓ વાંચવાનું શરૂ કરીએ તો વિષાદ ઓછો થવા માંડે એ તો નક્કી. વર્ષો જૂની બરણી ખોલીને ચિઠ્ઠીઓ પર નજર ફેરવતી વખતે સુખની એ વીતી ગયેલી ક્ષણોમાં નવેસરથી જીવવાની મજા આવે જ આવે. (વર્ષના પહેલાં જ દિવસે દોસ્તારો સિમ્બા જોતી વખતે અજય દેવગણની એન્ટ્રી વખતે જોરજોરથી સીટીઓ પાડવાની બહુ મજા આવી!) હેપીનેસની બરણી આ અર્થમાં ડાયરીની ગરજ પણ સારે છે.
હેપીનેસની બરણી ભરવા માટે નવા વર્ષની રાહ જોવાની પણ જરૂર નથી. આ એક્ટિવિટી તો તમે ગમે ત્યારે શરૂ કરી શકો. નવી ફેન્સી બરણી ખરીદવા માટે બજારમાં કષ્ટ શા માટે લેવાનું? ઘરમાં કોઈ ચા-ખાંડ રાખવાનો જૂનો ડબ્બો પડ્યો હોય તો એ પણ ચાલે. અરે, પ્લાસ્ટિકની જૂની કોથળી પણ ચાલે. એલિઝાબેથ ગિલ્બર્ટ પાસે આવી હેપીનેસની બરણીઓનું આખું કલેક્શન છે. એક વર્ષની એક બરણી. એમના ઇજનથી એમના કેટલાય વાચકોએ પણ આ રીતે હેપીનેસની બરણી ભરવાનું શરૂ કર્યું છે. હેપીનેસની બરણીના આઇડિયામાં દમ તો છે. આ સાઇકોલોજિકલ-કમ-સ્પિરિચ્યુઅલ થેરાપી જેવી ફીલ-ગુડ એક્ટિવિટીનો અખતરો કરવા જેવો છે.  હેપી એક્ટિવિટી. હેપી ન્યુ યર!
 0 0 0 

Tuesday, August 2, 2016

મલ્ટિપ્લેક્સઃ ઈટ, પ્રે, લવ, ડિવોર્સ!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૩ ઓગસ્ટ  ૨૦૧૬

ટેક ઓફ

સાચો લાઈફ-પાર્ટનર અને અદભુત લગ્નસંબંધની મીઠીમધુર અને અંતરંગ વાતો કરતાં ને તે વિશે દુનિયાને સલાહો આપતાં ‘ઈટ, પ્રે, લવ'નાં લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટે એકાએક ડિવોર્સની ઘોષણા કરતાં અનેક સવાલો ખડા થયા છે. એલિઝાબેથ શું ખરેખર એક પ્રામાણિક અને પારદર્શક સ્ત્રી છે? કે પછી તેઓ સ્ક્રિપ્ટની ડિમાન્ડ પ્રમાણે છળભર્યું જીવન જીવી રહ્યાં છે?



મુદ્દા પર આવતા પહેલાં સૌથી પહેલાં તો ઈકારસ નામનાં એક ગ્રીક મનુષ્યપાત્રને ઓળખી લો. ઈકારસના પિતાએ પીંછા અને મીણ વડે એની પાંખો બનાવી આપી હતી. પિતાએ  સૂચના આપી હતી કે દીકરા, તું બહુ નીચે ય ન ઉડતો કે બહુ ઊંચે પણ ન ઉડતો. નીચે ઉડીશ તો દૃરિયાનાં ઊછળતાં મોજાંથી તારી પાંખો ભીની થઈ જશે ને તું સમુદ્રના પાણીમાં પડીને ડૂબી જઈશ. જો તું બહુ ઊંચે ઉડીશ તો સૂરજના આકરા તાપથી તારી પાંખોનું મીણ પીગળી જશે. ઈકારસમાં વધારે પડતું ગુમાન હતું. એણે પિતાની સૂચના કાને ન ધરી. એ આકાશમાં ખૂબ ઊંચે ઉડ્યો. સૂર્યપ્રકાશને લીધે એની પાંખોનું મીણ પીગળી ગયું, એનું ઉડ્ડયન અટકી ગયું ને એ આકાશમાંથી સીધો સમુદ્રમાં ખાબકીને મૃત્યુ પામ્યો. આ પ્રતીકાત્મક વાર્તાનો સૂર એ છે માણસે એકસટ્રીમ પર નહીં જીવવાનું. મધ્યમમાર્ગ પસંદૃ કરવો. સાવ ઢીલાઢાલા થઈને જીવશો તો ય મોત નિશ્ર્ચિત છે અને ઓવર-કોન્ફિડન્સમાં રહેશો તોય મરવાનું પાક્કું છે.

હજુય મુદ્દા પર આવતા પહેલાં જેક ગિલ્બર્ટ નામના અમેરિક્ન કવિનાં એક કાવ્ય પર નજર ઘુમાવો. કવિતાનું શીર્ષક્ છે, ‘ફેઈિંલગ એન્ડ ફ્લાઈંગ' અર્થાત નિષ્ફળ જવું અને ઉડવું. હવે કવિતાનો મુકત ભાવાનુવાદ જુઓ -

બધા ભુલી જાય છે કે ઈકારસ ભલે મોતને ભેટ્યો પણ એ ઉડ્યો હતો જરુર.
પ્રેમ અને લગ્નનું પણ એવું જ છે. 
પ્રેમ ખતમ થઈ જાય અથવા લગ્ન પડી ભાંગે ત્યારે બધા કહેવા લાગે છે કે 
અમને તો પહેલેથી જ ખબર હતી કે આ સંબંધ લાંબો નહીં ટકે.
બન્ને શાણાં અને સમજદૃાર હતાં તોય એમને કેમ સમજાયું નહીં હોય?  
પણ જો દિૃલ કહેતું હોય કે સંબંધ બાંધવો જ છે તો ભરપૂર તીવ્રતા સાથે બાંધવો. 
 ક્યારેક આકાશમાં અમુક તારા એટલા જોરથી પ્રકાશી ઉઠે છે કે 
જાણકાર તરત કહેશે કે આ તારો ટૂંક સમયમાં ખરી પડવાનો. 
હું સવારે એને પથારીમાં ગાઢ નિદ્રામાં જોતો 
ત્યારે એ અત્યંત માસૂમ લાગતી  
જાણે પરોઢિયાનાં ઝાકળિંબદૃુઓ વચ્ચે ઊભેલું હરણ. 
બપોરે એ દૃરિયામાંથી નહાઈને બહાર નીકળતી ત્યારે  
એની પાછળ ફેલાયેલા બ્લુ સમુદ્ર અને વિરાટ આસમાનને હું તાકી રહેતો.  
જમતાં જમતાં એ વાતો કરતી હોય ત્યારે 
હું એને રસપૂર્વક સાંભળતો. 
અમારાં લગ્ન નિષ્ફળ ગયાં છે એવું કેવી રીતે કહી શકાય? 
હું માનું છું કે ઈકારસ ઉડવામાં નિષ્ફળ નહોતો ગયો. 
બસ, એની વિજયક્ષણ પર પૂર્ણવિરામ મૂકાયું, એટલું જ.




એક મહિના પહેલાં અમેરિકાની બેસ્ટસેલર લેખિકા એલિઝાબેઝ ગિલ્બર્ટે પોતાનાં ફેસબુક પેજ પર બહુ જ સંયત શબ્દૃોમાં ઘોષણા કરી હતી:

‘હું અને મારો હસબન્ડ બાર વર્ષનાં લગ્નજીવન બાદૃ આપસી સહમતીથી છૂટા પડી રહ્યાં છીએ. છૂટા પડવાનાં અમારાં કારણો બહુ જ અંગત છે. આ નજુક સમયમાં તમે મારી પ્રાઈવસીને જાળવી રાખવામાં મદૃદૃ કરશો એવી આશા રાખું છું. ધિસ ઈઝ અ સ્ટોરી આઈ એમ લિવિંગ - નોટ અ સ્ટોરી ધેટ આઈ એમ ટેલિંગ. (અર્થાત્, આ કંઈ અગાઉ બની ચુકેલી ઘટના નથી. હું આ ક્ષણે આ ઘટનાને જીવી રહી છું, તેમાંથી પસાર થઈ રહી છું.'

આટલું કહીને લેખિકાએ જેક ગિલ્બર્ટની ઉપર ટાંકેલી ઈકારસવાળી કવિતા ફેસબુક પર શેર કરી. સાથે ઉમેર્યું કે અત્યારે મારી સાથે જે કંઈ બની રહ્યું છે તેમાં ટકી રહેવા માટે આ કવિતા મને ખૂબ મદદ કરી રહી છે.

ડિવોર્સ થવા એ કંઈ નવા નવાઈની વાત નથી, પણ એલિઝાબેથ ગિલ્બર્ટના ડિવોર્સના સમાચારથી દૃુનિયાભરમાં ફેલાયેલા એમના લાખો ચાહકો, પ્રકાશનજગત અને સેલિબ્રિટી સરકિટને આંચકો લાગ્યો તેમજ આશ્ર્ચર્ય, કન્ફ્યુઝન અને છેતરાઈ ગયાની મિશ્ર લાગણી ફેલાઈ ગઈ. આવું બનવું સ્વાભાવિક પણ છે. જે લેખિકાએ ‘ઈટ, પ્રે, લવ' જેવું અફલાતૂન આત્મકથનાત્મક પુસ્તક લખ્યું હોય અને જેેણે પોતાનાં લખાણોમાં, ઈન્ટરવ્યુઝમાં, જાહેર પ્રસંગોમાં અને સોશિયલ મિડીયામાં સતત પોતાનાં અદૃભુત લગ્નજીવન વિશે મધમીઠી વાતો કરી હોય એ ઓચિંતા પોતાના ડિવોર્સની ઘોષણા કરે ત્યારે ઝટકો તો લાગે જ.

‘ઈટ, પ્રે, લવ' વિશે આપણે અગાઉ એકાધિક વખત વાત કરી ચુક્યા છીએ છતાં ફરી એક વાર ટૂંકમાં યાદ કરી લઈએ કે બત્રીસ વર્ષની ઉંમરે પહેલા પતિ સાથે છૂટાછેડા થયેલા ત્યારે એલિઝાબેથ તૂટી ગયાં હતાં (હમણાં થયા તે ડિવોર્સ નંબર ટુ છે). માનસિક રીતે, લાગણીના સ્તરે, આર્થિક સ્તરે, બધી રીતે. એમના પ્રકાશકે એમને ઓફર આપી: તમે અમારા ખર્ચે એક વર્ષ દૃુનિયા ફરો, અનુભવ લો અને પાછા આવીને તમારી આત્મકથા પ્રકારનું પ્રવાસવર્ણન લખો. એલિઝાબેથ પહેલાં ચાર મહિના ઈટાલી રહ્યાં, ખૂબ ખાધું-પીધું, દૃોસ્તો બનાવ્યાં. એમની (પહેલા) ડિવોર્સની પીડા આંશિક રીતે હળવી થઈ. પછીના ચાર મહિના તેઓ મુંબઈ નજીક એક આશ્રમમાં રહ્યાં. અહીં યોગસાધના કરી, આધ્યાત્મિકતાની એબીસીડી જાણી. છેલ્લાં ચાર મહિના બાલી (ઈન્ડોનેશિયા)માં ગાળ્યાં. અહીં એમનો ભેટો પોતાના કરતાં સોળ વર્ષ મોટા ફેલિપ નામના બ્રાઝિલિયન આદૃમી સાથે થયો (સાચું નામ જોઝ નુનીસ). એ ડિવોર્સી હતો. એલિઝાબેથને આ પુરુષ અદૃભુત લાગ્યો. જાણે પોતાનો સૉલ-મેટ મળી ગયો હોય, પોતે જેને મેળવવા માટે આખી જિંદગી ઝંખના કરી હતી તે સાચો પ્રેમ પામી લીધો હોય એવી તીવ્ર અનુભૂતિ એમને થઈ. થોડા સમય પછી એલિઝાબેથ અને ફેલિપ પરણી ગયાં. આમ, એક વર્ષની પેઈડ લીવનો સુંદર અંત આવ્યો.

આ આખી વાત ભારે અરસકારક રીતે અલિઝાબેથ ગિલ્બર્ટે ‘ઈટ, પ્રે, લવ' પુસ્તકમાં લખી છે. પુસ્તકનો સૂર એ છે કે એક સંબંધ તૂટે એટલે કંઈ આખેઆખું જીવન અટકી પડતું નથી. સંબંધ તૂટશે એટલે ભયાનક દૃુખ થશે જ. પેટ ભરાઈને દૃુખી થઈ લેવાનું, પણ પછી ઊભા થઈ જવાનું. આત્મવિશ્ર્વાસ સાથે, ગરિમા જળવીને અને માથું ઊંચું રાખીને દૃુખમાંથી બહાર આવી જવાનું. લઘુતાગ્રંથિ કે ગિલ્ટ કે શરમ બિલકુલ નહીં રાખવાનાં. દૃુનિયા ખૂબ મોટી છે. જો તમે ખુદૃને પ્રેમ કરતા હશો અને જો તમારું નસીબ સાથ આપતું હશે તો તમને હૃદૃયનાં ઊંડાણથી પ્રેમ કરવાવાળો સાચો સાથી યા સોલ-મેટ મળશે જ. ૨૦૦૬માં પુસ્તક બહાર પડતાં જ સુપરડુપર હિટ પૂરવાર થયું. આ પુસ્તકે પ્રેમ કે લગ્નસંબંધમાં પીડા અનુભવી રહેલા તેમજ ડિવોર્સને લીધે દૃુખીદૃુખી થઈ ગયેલા અસંખ્ય લોકોને પ્રેરણા આપી. ત્રીસેક જેટલી ભાષામાં એના અનુવાદૃો થયા. લાખો નકલો વેચાઈ. પુસ્તક પરથી હોલિવૂડના ટોપ સ્ટાર્સને ચમકાવતી ફિલ્મ બની. ‘ટાઈમ' મેગેઝિનના દૃુનિયાનાં ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોનાં લિસ્ટમાં એલિઝાબેથને સ્થાન મળ્યું. અમુક ટુર ઓપરેટરો રીતસર ‘ઈટ પ્રે લવ' ટુરનાં આયોજન કરવા માંડ્યા, જેમાં એલિઝાબેથ ઈટાલી-ઈન્ડિયા-બાલીમાં જ્યાં જ્યાં રહ્યાં હતાં તે સ્થળો કવર કરવામાં આવતાં! હજુ ચાર મહિના પહેલાં જ ‘ઈટ પ્રે લવ મેઈડ મી ડુ ઈટ' નામનું સિક્વલ પ્રકારનું પુસ્તક સુધ્ધાં બહાર પડ્યું, જેમાં ૪૭ સ્ત્રીઓએ એલિઝાબેથની બુકમાંથી પ્રેરણા લઈને શી રીતે પોતાના જીવનને નવેસરથી ઊભું કર્યું એની વાતો લખી છે!


‘ઈટ પ્રે લવ' પુસ્તકે રીતસર એલિઝાબેથની લાઈફ બનાવી નાખી. દૃુનિયાભરમાં ફરવાનું, લેકચર આપવાના, ચાહકોને મળવાનું, બેન્ક બેલેન્સ તગડી બનાવવાની. એમની વાતો, મુલાકાતો અને લખાણો પરથી સતત એ વાત ઘૂંટાતી રહી કે સંબંધમાં એકવાર ભાંગતૂટ થઈ હોય તો પણ સાચો પ્રેમ અને સાચો લાઈફ-પાર્ટનર મળવાે શક્ય છે, લગ્ન પછી પ્રિય પાત્ર સાથે અત્યંત સુમેળભર્યું જીવન જીવવું શક્ય છે. એલિઝાબેથ ખુદ આ વાતનું જીવતુંજાગતું ઉદૃાહરણ બની ગયાં. એક વાર ઓપ્રા વિન્ફ્રેને આપેલા ટીવી ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે હસું-હસું ચહેરે વાત કરી હતી કે, ‘યુ નો વોટ, મારો હસબન્ડ શું કહે છે? એ કહે છે કે સ્ત્રીનું સ્થાન કિચનમાં જ છે. કેવી રીતે? સ્ત્રીએ મસ્ત વાઈનનો ગ્લાસ લઈને કિચનમાં જવાનું, ખુરસી ખેંચવાની અને પછી પગ પર પગ ચડાવીને પોતાના માટે રાંધી રહેલા પુરુષને જોયા કરવાનો! હું સાંજે ઘરે આવું એટલે મારો વર એકઝેકટલી આ જ રીતે મને કિચનમાં બેસાડે છે ને પછી પ્રેમથી કહે કે લિઝ, ચાલ હવે બોલ, આજે આખા દિૃવસમાં શું શું થયું? મને બધી વાત કર. મારે સાંભળવું છે! ને પછી હું વાઈનનાં સિપ લેતી બોલતી જાઉં ને એ રાંધતો રાંધતો ભારે રસપૂર્વક મારી વાતો સાંભળતો રહે...'

આ જ ઈન્ટરવ્યુમાં એલિઝાબેથે આગળ કહેલું, 'મને ઘણી વાર વિચાર આવે છે કે મેં એવું તે શું મહાન કરી નાખ્યું છે કે મને આવો પતિ ને આવું ઉત્કૃષ્ટ જીવન મળ્યું? મારી ફ્રેન્ડે એક વાર મને સમજાવેલું કે લિઝ, તું ખુદૃ તારી જાતને એટલા માન  અને ગરિમાથી ટ્રીટ કરે છે કે તારી આસપાસના લોકો આપોઆપ તને આ રીતે ટ્રીટ કરવા પ્રેરાય છે.'

એક આદર્શ પ્રેમસંબંધ અને આદર્શ લગ્નજીવનની સજ્જડ ઈમેજ બનતી જતી હતી ત્યાં એકાએક, કશા જ પૂર્વસંકેત વગર ધડામ કરતા સમાચાર આવે છે કે એલિઝાબેથ ગિલ્બર્ટ અને જોઝ નુનીસ ડિવોર્સ લઈ રહ્યાં છે!

એલિઝાબેથના ચાહકોનું માથું ચકરાઈ જવું સ્વાભાવિક છે. જો વાત છેક ડિવોર્સ સુધી પહોંચી ગઈ હતી તો એલિઝાબેથ એકધારી લગ્નજીવનની મીઠી મધુરી વાતો કર્યાં કરતાં હતાં તે શું હતું? ડિવોર્સનો નિર્ણય કંઈ રાતોરાત તો નહીં લેવાયો હોય. ધીમે ધીમે બધું બિલ્ડ-અપ થઈ રહ્યું હશે. તો પછી, વાચકો સાથે કાયમ બધી વાતો શેર કરતાં એલિઝાબેથે આ વસ્તુ કેમ છુપાવી? હજુ થોડા મહિનાઓ પહેલાં જ ‘ઈટ, પ્રે, લવ'નાં પ્રકાશનને દસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્પેશિયલ એડિશન બહાર પાડવામાં આવી હતી, દૃુનિયાભરમાં સેમિનાર યોજાયા હતા, પેલું 'ઈટ પ્રે લવ મેડ મી ડુ ઈટ' નામનું નવું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું ને મોટા પાયે તેની પબ્લિસિટી કરવામાં આવી. ટીવી પર કંઈકેટલાય ઈન્ટરવ્યુ આવ્યા હતા. તે વખતે પણ એલિઝાબેથે સુષ્ઠુ સુષ્ઠુ વાતો જ કરી હતી. અરે, હજુ ત્રણ મહિના પહેલાં જ એલિઝાબેથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમારું લગ્નજીવન મસ્ત ચાલી રહ્યું છે... વી આર પ્રીટી સ્ટેડી!

અલિઝાબેથને ટીકાકારોને જલસો પડી ગયો છે. તેઓ કહે છે કે અમે તો ગયા વર્ષે એલિઝાબેથ અને જોઝે એમની દૃુકાન તેમજ ઈટાલિયન શૈલીનું ભવ્ય મકાન વેચવા કાઢ્યાં હતાં ત્યારે જ સમજી ગયા હતા કે કંઈક લોચો છે. એલિઝાબેથ ચહેરા પર સ્માઈલ ચીપકાવીને ડાહી ડાહી વાતો કરતાં રહ્યાં ને સુંદર પ્રેમભર્યું જીવન શી રીતે જીવવું તે વિશે લોકોને સુફિયાણી સલાહો આપતાં રહ્યાં, કેમ કે તે ‘સ્ક્રિપ્ટ કી ડિમાન્ડ' હતી, એમણે ‘ઈટ, પ્રે, લવ મેડ મી ડુ ઈટ' પુ્સ્તક વેચવાનું હતી ને ખૂબ બધી ઈવેન્ટ્સ કરવાની હતી. આથી એમણે ખેંચાય એટલું ખેંચ્યા કર્યુ્ં. ડિવોર્સ એના માટે પર્સનલ નહીં, પણ પ્રોફેશનલ ડિઝાસ્ટર છે. છૂટાછેડાને લીધે ‘ઈટ પ્રે લવ'ની આખી થિયરી જ સમૂળગી ખોટી પડી છે.  



જોકે એલિઝાબેથના વફાદૃાર ચાહકો આવું માનતા નથી. એમનું કહે છે કે સંબંધમાં બંધાયેલી બે વ્યકિત અલગ પડે તેનો અર્થ એવો નહીં કે આખો સંબંધ જ ખોટો હતો. આખરે વાત તો જાત સાથે અને એકબીજા સાથે સચ્ચાઈપૂર્વક વર્તવાની છે. અઠંગ ચાહકો તો એલિઝાબેથે જે શાલીનતાથી ડિવોર્સની વાત જાહેર કરી છે તેનાથી ઑર પ્રભાવિત થયા છે. ઈકારસની જેમ જોઝ સાથેનો સંબંધ ભલે ડૂબી ગયો, પણ બન્નેનું ઉડ્ડયન સાચું હતું, પ્રામાણિક હતું, ભરપૂર પેશનવાળું હતું. આ ઉડ્ડયન ઝાઝું ન ટક્યું તે અલગ વાત થઈ.

ટૂંકમાં, લગ્નના મામલામાં કશું નક્કી નથી હોતું. તમે ખોટી વ્યકિત સાથે પરણો કે સાચી વ્યક્તિ સાથે પરણો, ડિવોર્સ આ બન્ને કેસમાં શક્ય છે! એલિઝાબેથ ગિલ્બર્ટે એકાએક ડિવોર્સની ઘોષણા કરતાં અનેક સવાલો ખડા થયા છે.  શું તેઓ પોતાની ઈમેજના ગુલામ બની ગયાં છે? સફળતાનાં મોજાં પર સતત સવાર રહેવા માટે અને પોતે જે આભા ઊભી કરી છે તેને જાળવી રાખવા માટે છળભર્યું જીવન જીવતાં રહ્યાં છે? તેઓ જે જીવે છે એવું જ લખે છે કે પછી અમુક પ્રકારનું લખી શકાય તે માટે હાથે કરીને અનુભવો 'ઊભા' કરે છે? કે પછી, તેઓ ખરેખર એક પ્રામાણિક અને પારદર્શક સ્ત્રી છે અને ખુદવફાઈને સાચું જીવન જીવવા માટેની પૂર્વશરત ગણે છે? શક્ય છે કે હવે પછી કદાચ એલિઝાબેથ મિસ્ટર રાઈટ સાથેનું લગ્નજીવન પણ કેમ ન ટક્યું તે વિશે ઓર એક નવું સિકવલ ટાઈપનું પુસ્તક લખે અને તેનું શીર્ષક રાખે - ‘ઈટ, પ્રે, લવ, મેરેજ, ડિવોર્સ'!

0 0 0