Showing posts with label 'પંચાયત'. Show all posts
Showing posts with label 'પંચાયત'. Show all posts

Saturday, April 25, 2020

તમારે 'પંચાયત' વેબ સિરીઝ શા માટે જોવી જોઈએ


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 26 March 2020

મલ્ટિપ્લેક્સ

વેબ સિરીઝ એટલે ગાળાગાળી, હિંસા અને સેક્સ એવું કોણે કહ્યું? પંચાયત નામનો અફલાતૂન શો આ થિયરીને મસ્ત રીતે ખોટી પાડે છે.   


ક શહેરી જુવાનિયો છે. અભિષેક એનું નામ. એના લગભગ બધા દોસ્તારોને સરસ પૅકેજવાળી કૉર્પોરેટ જૉબ મળી ગઈ છે, પણ અભિષેક સામે હાલ એક જ વિકલ્પ છેઃ ઉત્તરપ્રદેશના ફુલેરા નામના કોઈ અજાણ્યા અંતરિયાળ ગામડામાં પંચાયત સેક્રેટરીની સરકારી નોકરી સ્વીકારી લેવાનો. અભિષેકના ફ્રસ્ટ્રેશનનો પાર નથી. એનો દોસ્તાર કોઈ ફેન્સી મૉલના એસ્કેલેટર પર સરકતાં સરકતાં સમજાવવાનો પ્રયાસ કરે છેઃ યાર, લઈ લે આ જૉબ. સ્વદેસના શાહરૂખ ખાનને યાદ કર. એ અમેરિકામાં નાસા જેવી કંપનીમાં કામ કરતો હતો તોય કેવો ભારત પાછો આવીને ગામડાગામનો ઉદ્ધાર કરે છે! બસ, તને હવે એક્ઝેક્ટલી આવો જ મોકો મળ્યો છે. જરા વિચાર તો કર, પંચાયત સેક્રેટરી તરીકે તું રસ્તાઓ બનાવી શકીશ, ગામનો વિકાસ કરી શકીશ! અભિષેક કહે છેઃ અલ્યા, પગાર તો જો – વીસ હજાર રૂપરડી. આટલો તો તારો દર મહિને ટેક્સ કપાય છે! દોસ્તાર કહે છેઃ તારે ક્યાં ગામડે પરમેન્ટલી સેટલ થવું છે? આને એક સ્ટોપ-ગૅપ અરેન્જમેન્ટ તરીકે જો. આમેય તું એમબીએની તૈયારી કરવાનો છે. તારી પાસે જો રુરલ કામકાજનો આવો નક્કર અનુભવ હશે તો તું વધારે આસાનીથી ઇન્ટરવ્યુ ક્રૅક કરી શકીશ.
ખેર, ક-મને અભિષેક નોકરી સ્વીકારે છે. બાઇક અને બિસ્તરાં-પોટલાં એસટી બસ પર ચડાવીને એ ફુલેરા પહોંચી જાય છે. પછી શું થાય છે? બસ, આનો જવાબ તમારે અમેઝોન પ્રાઇમની અફલાતૂન નવી વેબસિરીઝ પંચાયત જોઈને જાતે શોધી લેવાનો છે.
વેબ સિરીઝ એટલે આડેધડ ગાળાગાળી, સેક્સ અને હિંસા – તમારા મનમાં જો આવી ઇમેજ બની ગઈ હોય (જે ઠીક ઠીક અંશે સાચી પણ છે) તો સાંભળી લો કે પંચાયત, ટિપિકલ ભાષામાં કહીએ તો, તમને તાજગીની લહેરખીનો અનુભવ કરાવશે. સેક્સ, હિંસા ને ગાળાગાળી તો જવા દો, અહીં તો સૉલિડ કૉન્ફિલક્ટ્સ પણ નથી. શોઝ, નાટકો, ફિલ્મો લખનારા ને બનાવનારાઓના મનમાં વર્ષોથી એક વાત સજ્જડપણે  ઘૂસી ગઈ છે કૉન્ફિલક્ટ (એટલે કે પાત્રો અને પરિસ્થિતિઓમાં પેદા થતી જોરદાર ટક્કર) તો જોઈએ જ. તો જ ડ્રામો પેદા થાય ને દર્શકોનો રસ જળવાઈ રહે. ટીવીએફે (ધ વાઇરલ ફિવર) પ્રોડ્યુસ કરેલો પંચાચત શો આ દલીલને મસ્ત રીતે ખોટી સાબિત કરે છે. અહીં નાટ્યાત્મક ઘટનાઓ છે ખરી, પણ કેવી? ઑફિસમાંથી મોનિટર ચોરાઈ જવું, પાસપોર્ટ સાઇઝનો ફોટો પડાવવા માટે સંઘર્ષ કરવો, દીવાલ પર ચિતરેલું સંતતિનિયમનનું સરકારી સ્લોગન વાંચીને ગામવાસીઓનું નારાજ થઈ જવું, વગેરે. સાવ નાની નાની, સાદી સાદી વાતો, પણ તોય એમાંથી એટલી સરસ રીતે રમૂજ પેદા થતી રહે ને વાર્તા આગળ વહેતી રહે કે અડધી-અડધી કલાકના આઠ એપિસોડ ક્યારે પૂરા થઈ ગયા એની ખબર પણ નહીં પડે.

અભિષેકનું પાત્ર પિચર્સ, કોટા ફેક્ટરી જેવા વેબ શોઝ અને શુભ મંગલમ્ જ્યાદા સાવધાન જેવી ફિલ્મમાં ચમકી ચુકેલા જિતેન્દ્ર કુમારે ભજવ્યું છે. જિતેન્દ્ર કુમાર આજનો અમોલ પાલેકર છે. સીધો-સપાટ, ઘરેલુ, ઝીરો ગ્લૅમર ઘરાવતા, નૅક્સ્ટ-ડોર-નૅબર પ્રકારના રોલ આજકાલ જિતેન્દ્ર કુમાર જેટલી સરસ રીતે બીજું કોઈ ભજવતું નથી. નીના ગુપ્તા ગામનાં સરપંચ છે, પણ ફક્ત નામનાં. સરકારે મહિલાઓ માટે ક્વોટા રાખ્યો હતો એટલે એ ચુંટાઈ આવ્યાં છે, બાકી સરપંચ તરીકેનું બધું કામકાજ તો એમના પ્રધાનપતિ રઘુવીર યાદવ જ સંભાળે છે. બન્ને વચ્ચેની નોંકઝોંક અને બોન્ડિંગ જોજો. માત્ર એક લૂકથી કે ચહેરાના હાવભાવથી આ બન્ને કેવી ધારી અસર ઊભી કરી શકે છે‘! નીના ગુપ્તા અને રઘુવીર યાદવ ગજબનાં એક્ટરો છે જ અને જિતેન્દ્ર પણ હવે સર્વસ્વીકૃત અદાકાર બની ચુક્યા છે, પણ તમારું ધ્યાન સૌથી વધુ કોઈ ખેંચતું હોય તો તે છે, ચંદન રૉય. એ પંચાયતની ઑફિસમાં કામ કરતા અતિ ઉત્સાહી આસિસ્ટન્ટનો રોલ કરે છે. આપણે માની જ શકતા નથી કે આ અસલી ગામડિયો નહીં, બલકે કોઈ એક્ટર છે. ઉપ-સરપંચ બનતા ફૈઝલ મલિક પણ કમાલના છે. ક્યાંથી શોધી લાવે છે ટીવીએફવાળા આવા ઉત્તમ એક્ટરોને!
આ શોમાં એક નહીં પણ બે ચંદનોએ ઉત્તમોત્તમ કામ કર્યું છે. એક તો ચંદન રૉય અને બીજા છે, શોના લેખક, ચંદન કુમાર. સાચું પૂછો તો લખાણ જ આ શોનો અસલી હીરો છે. એમ તો ડિરેક્ટર દીપકકુમાર મિશ્રાને પણ આ શોને આટલી સરસ રીતે એક્ઝિક્યુટ કરવા માટે ફુલ માર્ક્સ આપવા પડે. શો જે છે તે સ્વરૂપમાં સરસ જ છે, તોય એવો વિચાર જરૂર આવે કે જિતેન્દ્ર કુમારની દેસી પર્સનાલિટી આમેય અડધાપડધા ગામડિયા જેવી છે. એના બદલે મેઇન લીડમાં ટીવીએફ ટ્રિપલિંગના ચિતવન (અમોલ પરાશર) પ્રકારના કોઈ નખશિખ શહેરી લૂક, ફીલ અને એટિટ્યુડ ધરાવતા એક્ટરને કાસ્ટ કરવામાં આવ્યો હોત તો વાત ઑર ન જામત?
સો વાતની એક વાત. જો તમને માલગુડી ડેઝ, મુંગેરીલાલ કે હસીન સપનેં જેવી સિરીયલો ગમતી હોય તો લગભગ એવી જ તાસીર ધરાવતો પંચાયત શો જોઈ કાઢો. બાકી જો તમારે જો સેક્સ એન્ડ ધ સિટીના અનૌરસ સાઉથ બમ્બૈયા સંતાન જેવો ગ્લેમર, ગાળાગાળી અને સેક્સમાં ડીપ ફ્રાય કરેલો અર્બન મસાલો ચગળવો હોય તો ફોર મોર શોટ્સ પ્લીઝ!’ છે જ.