Showing posts with label Ideas Unlimited. Show all posts
Showing posts with label Ideas Unlimited. Show all posts

Monday, January 29, 2018

સુખી થવા માટે માણસને કેટલી લાઇક્સ જોઈએ?

કોકટેલ ઝિંદગી - જાન્યુઆરી ૨૦૧૮

‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ નાટક દર્શકને હસાવે છે ને હેબતાવે છે, રડાવે છે ને વિચારતા કરી મૂકે છે. આપણે સૌને ‘લાઇક્સ’ ગમે છે, આપણે સૌને બીજાઓની સ્વીકૃતિ જોઈએ છે. આ લાઇક્સ ઊઘરાવવામાં અને સ્વીકૃતિની લાહ્યમાં આખી જિંદગી નીકળી જાય છે. આપણે ભુલી જઈએ છીએ કે જો આપણે ખુદને લાઇક કરીશું, પ્રેમ કરીશું ને સ્વીકારીશું તો બીજા કોઈની લાઇક્સની જરુર નહીં પડે. ભારતની સર્વપ્રથમ લેડી ડોક્ટરના જીવન પર આધારિત નાટકનો આ સંદેશ સૌને સ્પર્શી જાય એવો છે. 




 ‘ના... ના... હું તમારે પગે પડું છું.... છોડો... કહું છું છોડો મને...’

 તાજી તાજી રજ:સ્વલા થયેલી અગિયાર વર્ષની અસહાય કિશોરી પીડાથી કણસી રહી છે. બાળકીને બિસ્તર પર પટકીને એના પર બળજબરી કરી રહેલો પુરુષ હેવાનિયત પર ઉતરી આવ્યો છે. છોકરી કરતાં એ ઉંમરમાં લગભગ ત્રણ ગણો મોટો છે. છોકરીનો કણસાટ ધીમે ધીમે ચીસોમાં પરિવર્તિત થતી જાય છે:

 ‘મને નથી ગમતું... જવા દ્યો કહું છું... બેનપણીઓ મારી રાહ જુએ છે... ઓહ.... રાક્ષસ છો તમે... મારાં કપડાંં... નહીં... મારાં કપડાં ના કાઢો... હું મારી બાને કહી દઈશ... આઘા હટો... નથી સહન થતું... હું મરી જઈશ... આહ....’

 મંચ પર ભજવાતું આ દશ્ય જોઈને તમે ધ્રૂજી ઉઠો છો. આગની જ્વાળા જેવા લાલ પ્રકાશમાં આકાર લેતું આ દશ્ય જોતી વખતે તમને થાય કે આ જલદી પૂરું થાય તો સારું. મંચ પર માત્ર એક જ પાત્ર છે - કિશોરી. એ આમ તો કિશોરી પણ ક્યાં છે. એ પુખ્ત વયની નાયિકા છે, જે પોતાના બાળપણના કારમા અનુભવો ઓડિયન્સ સાથે શેર કરી રહી છે. એેનો અભિનય અને સમગ્ર અસર એવાં તીવ્ર છે કે તમને ખરેખર થાય કે નીચે પટકાઈને આક્રંદ કરી રહેલી કિશોરીના શરીર સાથે અદશ્ય નરાધમ સાચે જ ક્રૂરતા આચરી રહ્યો છે.

 દમદાર લખાણ, કુનેહભર્યું ડિરેક્શન અને શક્તિશાળી અભિનયનું કોકેટલ બને ત્યારે આવી દર્શકના ચિત્તમાં હંમેશ માટે અંકિત થઈ જાય એવી પાવરફુલ મોમેન્ટ મંચ પર સર્જાતી હોય છે. વાત આઇડિયાઝ અનલિમિટેડ બેનરના લેટેસ્ટ નાટક ‘ડો. આનંદબાઈ... લાઇક કમેન્ટ શેર’ વિશે ચાલી રહી છે. ગીતા માણેકે લખેલા અને ડિરેક્ટર-પ્રોડ્યુસર મનોજ શાહે આકાર આપેલા આ અફલાતૂન નાટકને અભિનેત્રી માનસી જોશીએ જીવંત બનાવી દીધું છે. ગુજરાતી રંગભૂમિ પર ધરાર અલગ શૈલીનાં નાટકો ભજવતા રહેવાનો મનોજ શાહને શોખ છે. અહીં ‘શોખ’ની જગ્યાએ જીદ, પેશન, સ્વાભાવિકતા, વળગણ કે પ્રોફેશન જેવા શબ્દો પણ મૂકી શકો. અલગ શૈલીનાં નાટકો એટલે મેઇનસ્ટ્રીમ કમર્શિયલ માપદંડોને ચાતરી જતાં, અર્થપૂર્ણ, સાહિત્યિકિ સ્પર્શ ધરાવતાં અને કલાત્મક ઊંડાણ ધરાવતાં વિચારપ્રેરક નાટકો. છેલ્લા કેટલાંક વર્ષો દરમિયાન આઇડિયાઝ અનલિમિટેડ તરફથી ‘કાર્લ માર્કસ ઇન કાલબાદેવી’, ‘હું... ચંદ્રકાંત બક્ષી’, ‘મોહનનો મસાલો’, ‘ગઠરિયા’ અને ‘પોપકોર્ન વિથ પરસાઈ’ જેવા મસ્તમજાના વન-મેન શોઝ મળ્યા છે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ આ જ શૃંંખલાની તેજસ્વી કડી.

 કોણ હતાં આ આનંદીબાઈ? એવું તો એમણે શું કર્યું હતું કે એમના જીવન પર આખેઆખું નાટક બનાવવું પડે?  આનંદીબાઈ જોશી ભારતનાં સૌથી પહેલાં લેડી ડોક્ટર હતાં એમ કહીએ તો વિગત તરીકે એટલું બરાબર છે, પણ એનાથી આખું ચિત્ર પકડાતું નથી. આજથી દોઢસો વર્ષ પહેલાંના ભારતમાં દીકરીઓને નિશાળમાં ભણવા મોકલવાને બદલે દસ-અગિયાર-બાર વર્ષની કાચી વયે પરણાવીને સાસરે ધકેલી દેવી સ્વાભાવિક ગણાતું હતું. આવા જમાનામાં આનંદીબાઈ એનાં મા-બાપની ત્રીજી દીકરી, એય રંગે શામળી એટલે માને દીઠી ન ગમે. વાતવાતમાં એને ધીબેડી નાખે. ઢીંગલી સાથે રમવાની ઉંમરે એને એના કરતાં ત્રણ ગણા મોટા પુરુષ સાથે પરણાવી દેવાય એને પોતાને સમાજસુધારક કહેવડાવતો એ ક્રૂર માણસ આ માસૂમ છોકરીને હકથી ચૂંથી નાખે. શરીર પૂરું વિકસે એ પહેલાં એના ગર્ભમાં બીજ રોપાઈ જાય અને ફુલ જેવો દીકરો જન્મતાંની સાથે જ આંખો મીંચી દે. ઠીંગરાઈ જવા માટે, કાયમ માટે કુંઠિત થઈ જવા માટે આટલું પૂરતું નથી શું? પણ આનંદીબાઈ અલગ માટીની બની છે. એની ભીતર કશોક એવો પ્રકાશ છે જે મોટામાં મોટા ચક્રવાત વચ્ચે પણ સતત પ્રજ્વળતો રહે છે. ભયાનક વિષમતાઓની વચ્ચે માર્ગ કરતાં કરતાં આનંદીબાઈ છેક અમેરિકા પહોંચે છે અને હિંદુસ્તાનની સૌથી પહેલી લેડી ડોક્ટર - ક્વોલિફાઈડ ફિઝિશિયન - બને છે!

 - અને પછી વાહવાહી, તાળીઓ, સિદ્ધિઓ, ‘...એન્ડ શી લિવ્ડ હેપીલી એવર આફ્ટર’, રાઇટ? ના. દુર્ભાગ્યના દેવતા હજુ સંતોષ પામ્યા નહોતા. આનંદીબાઈ જીવલેણ ટીબીનો ભોગ બને છે. મેડિકલ પ્રક્ટિસ શરુ કરે પહેલાં જ એના જીવતર પર પૂર્ણવિરામ મૂકાઈ જાય છે. મૃત્યુની ક્ષણે ડો. આનંદીબાઈ જોશીની ઉંમર કેટલી છે? બાવીસ વર્ષ, ફક્ત. ઘટનાપ્રચુર અને અર્થપૂર્ણ જીવન જીવન જીવવા માટે આયુષ્યનો આંકડો કેટલો મોટો હોવો જોઈએ? એક ધક્કા સાથે, એક આઘાત સાથે અચાનક અટકી જતી જીવનરેખા આનંદીબાઈ જેવા સત્ત્વશીલ મનુષ્યજીવને લેજન્ડની ભ્રમણકક્ષામાં મૂકી દે છે.

 ‘બન્યું હતું એવું કે હું મારી ‘કોઈ ગોરી કોઈ સાંવરી’ કોલમ માટે વિષય શોધી રહી હતી,’ લેખિકા ગીતા માણેક કહે છે, ‘આ કોલમમાં હું સંઘર્ષ કરીેને આગળ આવેલી સ્ત્રીઓ વિશે કલમ ચાલવતી. કોલમ માટે વિષયના શોધખોળ દરમિયાન ડો. આનંદીબાઈનું જીવન મારી સામે આવ્યું. એક પ્રચલિત માન્યતા એવી છે કે પતિ ગોપાલરાવ જોશી સમાજસુધારક હતો એટલે આનંદીબાઈ અમેરિકા જઈને મેડિકલ ડિગ્રી મેળવી શકી. હું જેમ જેમ વધારે વાંચતી ગઈ ને એના જીવનકથામાં ઊંડી ઉતરતી ગઈ ત્યારે મને સમજાયું કે આનંદીબાઈ આવા પતિને ‘કારણે’ નહીં, પણ આવો પતિ ‘હોવા છતાં’ આટલું આગળ વધી શકી. આટઆટલી મુશ્રેલીઓ સહીને પણ આનંદીબાઈ એ જમાનામાં અમેરિકા જઈને કેવી રીતે ડોક્ટર બની શકી  હશે! કઈ કક્ષાની આંતરિક તાકાત હશે આ સ્ત્રીમાં! બસ, આ જ બધું મેં આ નાટકમાં રજૂ કરવાની કોશિશ કરી છે.’

 વન-મેન-શો કે વન-વુમન-શો કરવા સહેજ પણ આસાન નથી. ખૂબ બધાં પાત્રોવાળાં સાધારણ નાટકમાં પણ કલાકારે મંચ પર થોડીક વાર માટે એકલા રહેવાનું હોય ત્યારે અંદરથી ડરતો હોય છે કે હું એકલો (કે એકલી) કેવી રીતે પાંચ મિનિટ સુધી ઓડિયન્સને હોલ્ડ કરી શકીશ? જ્યારે ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’માં તો માનસી જોશી એકલાં આખેઆખું નાટક ભજવે છે. અહીં કોઈ સેટ બદલાતો નથી (ઇન ફેક્ટ, આ નાટકમાં કોઈ સેટ જ નથી),  કોસ્ચ્યુમ બદલાતો નથી, વિંગમાં જઈને પીને બે-ત્રણ મિનિટ થાક ખાવાનો મોકો મળતો નથી. કોઈ સાથી કલાકાર નથી, કોઈ ક્યૂ આપવાવાળું નથી, કશીક ભૂલ થાય તો કોઈ સાચવી લેવાવાળું નથી. ટૂંકમાં, કશી જ સપોર્ટ સિસ્ટમ નથી. અહીં તમે છો ને સામે લાઇવ ઓડિયન્સ છે જેમની સેંકડો આંખો તમને સતત વીંધી રહી છે... અને તમારે સવા-દોઢ કલાક સુધી નોન-સ્ટોર પર્ફોર્મ કરીને એમને બાંધી રાખવાના છે! અત્યંત મંજાયેલો અને તગડો કલાકાર જ આ કામ કરી શકે. કાચાપોચાનું કામ નહીં.

 ...અને માનસી જોશીએ જે રીતે આનંદીબાઈના પાત્રને જીવતું કર્યું છે એ પ્રત્યક્ષ જોયા વગર નહીં સમજાય! એ હસે છે, હસાવે છે, રડે છે, રડાવે છે, ચીસો પાડે છે, નાચે છે, ગાય છે અને કૂદતા-ઊછળતા-વહેતા ઝરણાની જેમ પોતાની વાત કહેતી જાય છે. પળે-પળે, આશ્ર્ચર્ય થાય એટલી ત્વરાથી એના ભાવપલટા થાય છે. નવ હજાર કરતાંય વધારે શબ્દોમાં ફેલાયેલી સ્ક્રિપ્ટમાં ગુજરાતી, મરાઠી, અંગ્રેજી, ક્ચ્છી, બંગાળી જેવી ભાષાઓ ને બોલીઓની છાકમછોળ છે. અભિનય, અંગભંગિમાઓ, વોઇસ મોડ્યુલેશન, મૌન - આ તમામ ઓજારો માનસીએ બખૂબી વાપર્યાં છે. આનંદીબાઈનું સુખ, એનું દુખ, એની રમૂજ, એનું કારુણ્ય, એનો કદીય હાર ન માનવાનો જુસ્સો, એનો જિંદગીને જીવી લેવાનો મિજાજ આ બધું જ માનસીએ ગજબની અસરકારકતાથી પેશ કર્યું છે. કલાકારને માનસિક અને શારીરિક બન્ને સ્તરે થકવી નાખે, નિચોવી નાખે એવું નાટક છે આ. એટલે જ માનસીના સ્ટેમિના માટે દર્શકને માન થયા વગર ન રહે.   

 ‘અત્યાર સુધી મેં જે સોલો પર્ફોર્મન્સીસવાળાં નાટકો કર્યાં હતાં એ બધામાં પુરુષ કલાકારો છે,’ મનોજ શાહ કહે છે, ‘આથી મારા થિયેટર ગ્રુપની અભિનેત્રીઓ મને મેણાંટોણાં મારતી હતી કે મનોજભાઈ, તમે તો કર્યા, પણ કોઈ સ્ત્રીપાત્રનું નાટક ન કર્યું, કેમ કે તે કરવા માટે જે સેન્સિટિવિટી જોઈએ એ તમારામાં નથી. તમને સ્ત્રીઓની ગતાગમ નથી! આઇ વોઝ હર્ટ! એટલે મને થયું કે હું દેખાડી દઉં કે મારામાં પૂરતી સેન્સિટીવિટી છે, હું સ્ત્રીઓને સમજું છું, હું સ્ત્રીઓને ઓળખું છું. બસ, આ પૂરવાર કરવા માટે મેં આ નાટક કર્યું!’

 કહેતાં કહેતાં મનોજ શાહ હસી પડે છે. મૂળ આઇડિયા તો સાત અલગ અલગ સ્ત્રીપાત્રો પસંદ કરીને, અલગ અલગ સાત લેખિકાઓ પાસે વીસ-વીસ મિનિટના મોનોલોગ્સ લખાવીને એનો કોલાજ બનાવવાનો હતો. આ સાતમાંની એક મહિલા એટલે આનંદીબાઈ. બીજાં છ પાત્રોને એક યા બીજા કારણસર આકાર જ મળ્યો નહીં. આથી મનોજ શાહે નક્કી કર્યું કે બાકીની છએ સ્ત્રીઓનું સત્ત્વ આનંદીબાઈમાં ઉમેરીને એનું એકનું જ એક ફુલલેન્થ નાટક બનાવવું.

 નાટક હોય કે ફિલ્મ, એનો પાયો છે લખાણ, સ્ક્રિપ્ટ. લેખક જે લખીને લાવે છે અને પછી નિર્માણપ્રક્રિયા દરમિયાન ડિરેકટરનાં સૂચનો અનુસાર જે નવું ઉમેરે છે કે કાંટછાંટ કરે છે એના પર આખું નાટક ઊભું રહે છે. ગીતા માણેકે એકાધિક નવલકથાઓ લખી છે, નાટકો પણ લખ્યાં છે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ એમનાં સર્વશ્રેષ્ઠ સર્જનોમાં હકથી સ્થાન પામશે. વક્રતા જુઓ. ડો. આનંદીબાઈ વિશે મૂળ તો તેઓ કોલમ લખવાના હતા, પણ મહિલા સામયિકને આ વિષય પસંદ ન પડ્યો ને તેને રિજેક્ટ કરી નાખ્યો. ગીતા માણેકના આ લખાણના, રાધર, કથાવસ્તુના નસીબમાં રુટિન કોલમ નહીં, પણ યાદગાર જીવંત નાટક બનવાનું લખાયું હતું!

 ‘નાટકની પ્રક્રિયા શરુ કરી ત્યારે એના ફોર્મ વિશે મારા મનમાં જરાય સ્પષ્ટતા નહોતી,’ મનોજ શાહ કહે છે, ‘મારે આનંદીબાઈ કેવી બનાવવી છે એ સૂઝતું નહોતું. જાતજાતના પ્રોપ્સ વિચાર્યા હતા - ઢીંગલીઓ, પેઇન્ટિંગ્સ... એ જમાનાનું સંગીત શોધી શોધીને સાંભળ્યું હતું. માનસી મારી સાથે જોડાઈ ત્યારે મેં એને કહ્યું કે હું અત્યારે બિલકુલ બ્લેન્ક છું, પણ આપણે કામ શરુ કરીએ, ફંફોસીએ, ચકાસીએ. આ રીતે યાત્રા કરતાં કરતાં જ આપણને આનંદીબાઈ અને નાટકનું ફોર્મ બન્ને જડી આવશે. એવું જ થયું. એક ડિરેકટર તરીકે હું મારા કલાકાર સામે હંમેશાં પારદર્શક રહું છું. મને કોઈ વસ્તુ ન સમજાતી હોય કે હું અસ્પષ્ટ હોઉં તો એના વિશે પૂરેપૂરો પ્રામાણિક હોઉં છું અને મારા એક્ટર સાથે મૂંઝવણ શેર કરું છું. મારી પારદર્શકતા જોઈને મારો કલાકાર પણ પારદર્શક બને છે. બન્ને વચ્ચે વિશ્ર્વાસ જન્મે છે. મને લાગે છે કે આ ટ્રાન્સપરન્સીમાંથી જ નાટકનું ફોર્મ આકાર લે છે. મારી આ જ પ્રોસેસ છે. ‘મરીઝ’ અને ‘જલ જલ મરે પતંગા’ - આ બે નાટકો અપવાદ હતાં. આમાં હું શરુઆતથી જ એમનાં ફોર્મ વિશે સ્પષ્ટ હતો. એને બાદ કરતાં મારાં મોટાં ભાગનાં નાટકો મેં આ જ રીતે ડિસ્કવર કર્યા ં છે - ટ્રાન્સપરન્સીથી, પારસ્પરિક વિશ્ર્વાસથી, યાત્રા કરતાં કરતાં.’

 ઘૂંઘરાળા વાળવાળી આકર્ષક માનસી જોશી આમ તો મરાઠી રંગભૂમિ અને સિનેમાની એક્ટ્રેસ છે. ભૂતકાળમાં એ મનોજ શાહ સાથે ‘હૂતો હૂતી’, ‘અમરફળ’ અને ‘ડાબો પગ’ જેવાં નાટકોમાં અભિનય કરી ચૂકી છે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’માં નાનકડી આનંદી પર એના પતિ દ્વારા થતા મેરિટલ રેપનું દશ્ય સેટ કરવામાં, એ મોમેન્ટનો સાચો સૂર પકડવામાં ડિરેક્ટર-એક્ટ્રેસની જોડીને આઠ દિવસ લાગી ગયા હતા. નાટક ઇન્ટેન્સ અને આકરું છે, પણ મનોજ શાહે એનું સ્વરુપ સભાનતાપૂર્વક હલકુંફૂલકું રાખ્યું છે. હાસ્ય-મુસ્કાનની વચ્ચે ગાલ પર પડતા તમાચા વધારે ચમચમે છે!

 આ કંઈ મહિલાઓને જ અપીલ કરવાના ઇરાદાથી બનેલું ફેમિનિસ્ટ નાટક નથી. આપણે સૌને ‘લાઇક્સ’ ગમે છે, આપણે સૌને બીજાઓની સ્વીકૃતિ જોઈએ છે. આ લાઇક્સ ઊઘરાવવામાં અને સ્વીકૃતિની લાહ્યમાં આખી જિંદગી નીકળી જાય છે. આપણે ભુલી જઈએ છીએ કે અસલી લાઇક તો આપણી ખુદની છે. જો આપણે ખુદને ગમીશું, પ્રેમ કરીશું ને સ્વીકારીશું તો બીજા કોઈની લાઇક્સની જરુર નહીં પડે. ‘ડો. આનંદીબાઈ... લાઇક કમેન્ટ શેર’ નાટકનો આ સંદેશ છે, જે સૌને સ્પર્શે છે.

 ‘હું નાટકથી ખૂબ સંતુષ્ટ છું,’ ગીતા માણેક કહે છે, ‘લખતી વખતે મેં કલ્પ્યું હતું એના કરતાં ઘણું વધારે સુંદર મનોજભાઈએ તે બનાવ્યું છે.’

 મનોજ શાહ નાટકથી ખૂબ ખુશ છે, પણ સંતુષ્ટ નથી. ‘નાટક હંમેશાં સમયની સાથે ઇવોલ્વ થતું હોય છે,’ તેઓ સમાપન કરે છે, ‘અમુક વાક્યો, અમુક ગૂઢાર્થો, અમુક સૂચિતાર્થો રિયાઝ થતો જાય એ પછી જ ધીમે ધીમે ઊઘડે. આ નાટકમાં પણ એવું જ થવાનું. પચાસમા શો પછી મને આ સવાલ પૂછજો. તે વખતે હું કદાચ સંતુષ્ટ હોઈશ!’     

000

Saturday, June 15, 2013

ચંદ્રકાંત બક્ષી જ્યારે ગુજરાતી રંગભૂમિ પર અવતાર ધારણ કરે છે...

As appeared in Gujarati Mid-day - 15 June 2013, Saturday

સતત અને સહજપણે વિવાદો જન્માવતા રહેવા એ શીર્ષસ્થ ગુજરાતી સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની વિશિષ્ટતા હતી. આજથી ઓપન થઈ રહેલા તેમના પરના ગુજરાતી નાટક ‘હું ચંદ્રકાંત બક્ષી...’માં ઘટનાપ્રચુર જીવન જીવી ગયેલા આ ગર્વિષ્ઠ લેખકના તેજાબી વિચારોની રેલમછેલ છે. બક્ષીબાબુને પોતાના લિટરરી ગૉડ માનતા લેખક-પત્રકાર શિશિર રામાવતે આ નાટક લખ્યું છે એટલે મિડ-ડેએ તેમને જ આમંત્રણ આપ્યું આ નાટકનો પરિચય કરાવવાનું. 



‘જીવન એક યુદ્ધ છે અને યુદ્ધ જીતવાનો નિયમ બૉક્સિંગ રિંગનો છે. બૉક્સિંગમાં જે મારે છે તે જીતતો નથી, જે વધારે માર ખાઈ શકે છે તે જીતે છે. જે તૂટતો નથી તે જીતે છે. જે પછડાઈ ગયા પછી ફરી ઊભો થઈને મારે છે તે જીતે છે. જીતની એક ક્ષણ માટે છ મહિના સુધી હારતાં રહેવાનું જક્કીપણું હોય તે જીતે છે.’

આ મર્દાના ભાષા અને આક્રમક મિજાજ સાથે એક તેજસ્વી નામ જોડાયેલું છે - ચંદ્રકાંત બક્ષી. ગુજરાતી સાહિત્યજગત અને છાપાં-સામયિકોના કૉલમ-વિશ્વમાં ટોચનું સ્થાન મેળવનાર બક્ષીબાબુ આજીવન તરંગો જન્માવતા રહ્યા. હવે તેઓ ગુજરાતી રંગભૂમિ પર ત્રાટકી રહ્યા છે. લેખક તરીકે નહીં, પણ સ્વયં કિરદાર બનીને. તેમના જીવન અને કાર્યને આલેખતા આ નાટકનું નામ સૂચક છે - ‘હું ચંદ્રકાંત બક્ષી...’ અહીં એકાક્ષરી ‘હું’ શબ્દનો ધનુષ્યટંકાર મહત્વનો છે. ચંદ્રકાત બક્ષીનું સમગ્ર વ્યક્તિત્વ, તેમનું સઘળું સાહિત્ય આ ‘હું’માંથી પ્રગટ્યું છે. નાટકના પ્રારંભમાં જ એક સંવાદમાં તેઓ ગર્વિષ્ઠ ભાવે કહે છે : 

‘હું... આ એકાક્ષરી શબ્દમાં મને એક વિરાટ અહંનાં દર્શન થાય છે. અહં... ઈગો... અહંકાર! મને ‘અહંકાર’ શબ્દ ‘ઓમકાર’ જેટલો જ સ-રસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. તૂટેલા માણસને એક વસ્તુ ટકાવી રાખે છે - તેનો અહં. ‘અહં બ્રહ્માસ્મિ’નો અર્થ આવો જ કંઈક થતો હશે!’

ચંદ્રકાંત બક્ષી (જન્મ : ૨૦ ઑગસ્ટ ૧૯૩૨, મૃત્યુ : ૨૫ માર્ચ ૨૦૦૬)નું બાળપણ અને તરુણાવસ્થા પાલનપુર તેમ જ કલકત્તામાં એકસાથે, લગભગ સમાંતરે વીત્યાં. તેમની યુવાનીનાં સંઘર્ષમય વર્ષો પર કલકત્તા છવાઈ ગયું હતું. કલકત્તાને તેઓ પોતાનું પિયર કહેતા. અહીંના સોનાગાછી નામના બદનામ વેશ્યા-વિસ્તારમાં, બંગાળી વેશ્યાઓના પાડોશમાં મકાન ભાડે રાખીને તેઓ રહ્યા છે. બક્ષીબાબુના જીવનના પૂર્વાર્ધના ઘટનાપ્રચુર અગુજરાતીપણાએ તેમની કલમને અત્યંત તાજગીભરી અને અનોખી બનાવી દીધી. વતનથી દાયકાઓ સુધી દૂર રહેલા બક્ષીબાબુ આજીવન ગુજરાતને, ગુજરાતી ભાષાને અને ગુજરાતી પ્રજાને દિલ ફાડીને પ્રેમ કરતા રહ્યા. કલકત્તા છોડીને તેઓ સપરિવાર મુંબઈ સેટલ થયા અને પાછલાં વર્ષોમાં અમદાવાદ. મુંબઈ વિશે તેઓ કહે છે :

‘મુંબઈ ક્રૂર શહેર છે, માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે, પણ મારા રક્તમાં પાલનપુર અને કલકત્તા હતાં એટલે મુંબઈ મને તોડી શક્યું નહીં. નહીં તો તૂટી જવાની બધી જ સામગ્રી આ ભૂમિમાં હતી.’



મુંબઈમાં તેમના જીવનની સંભવત: સૌથી મોટી દુર્ઘટનાઓ બની. એક તો તેમની ‘કુત્તી’ નામની વાર્તા માટે ગુજરાત સરકારે કરી દીધેલો અશ્લીલતાનો કેસ, જે ચાર વર્ષ ચાલ્યો અને જેણે બક્ષીને ખુવાર કરી નાખ્યા. બીજો કિસ્સો એટલે સાધના કૉલેજના પ્રિન્સિપાલપદ પરથી થયેલી તેમની હકાલપટ્ટી. આ દુર્ઘટના એક જમાનામાં ફુલ મૅરથૉન-રનર રહી ચૂકેલા કસરતબાજ બક્ષીબાબુ માટે મૅસિવ હાર્ટ-અટૅકનું કારણ બની ગઈ. ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકમાં પાલનપુર, કલકત્તા, મુંબઈ અને અમદાવાદમાં ફેલાયેલા તેમના જીવનનો તબક્કાવાર આલેખ નાટ્યાત્મક શૈલીમાં રજૂ થયો છે.

ચંદ્રકાંત બક્ષીએ અનેક વિષયો પર પુષ્કળ લખ્યું, આજીવન લખ્યું; કોઈની સાડીબારી રાખ્યા વગર, વિવાદોની ચિંતા કર્યા વગર બિન્દાસપણે લખ્યું. તેમનો આ ઍટિટ્યુડ શરૂઆતથી જ રહ્યો હતો. આજથી સાઠેક વર્ષ પહેલાં બક્ષીબાબુ જ્યારે ખુદ ગુજરાતી સાહિત્યમાં નવોદિત લેખક હતા ત્યારે તેમને કેવી સમસ્યાઓ હતી? તે ઉંમરે થોડોક કકળાટ કર્યો છે :

‘ગુજરાતી સાહિત્ય બહુ સીમિત છે. રશિયાના સ્ટાલિનયુગ જેવું. સેક્સ, સેડિઝમ, હત્યા, ઈષ્ર્યા, તીવ્ર ઇચ્છાઓ, હિંસા, શિકાર, જુલમ, ખુનામરકી આ બધું કોઈ વાર્તામાં આવતું નથી. ગુજરાતી વાર્તાજગત એટલું બધું સરસ છે કે આવું કંઈ બનતું જ નથી. ક્યારેક મને લાગે છે કે હું પાગલખાનામાં ઘૂસી ગયેલા સ્વસ્થ માણસ જેવો છું. હું મારી નાયિકાને તેના બેડરૂમમાં પણ બ્લાઉઝ ખોલાવી શકતો નથી, કારણ કે સાહિત્યના બૉસ લોકોને એ પસંદ નથી. તેમને સ્ટવની સામે બેઠેલી મુરઝાયેલી નાયિકા જોઈએ છે. બાજુમાં ત્રણ સુકલકડી બચ્ચાં હોય, જાડો પતિ તડકામાં ઊભો-ઊભો દાતણ કરતો હોય; આ જાતનું ચિત્રણ બુઢ્ઢાઓ માટે છે, જે પચીસ વર્ષોથી લખ-લખ કરીને હજી થાક્યા નથી. મારા માટે તો ઉપરથી ખૂલી ગયેલા બ્લાઉઝવાળી ભરપૂર સ્ત્રી લાપરવાહ રીતે વાળ ઓળી રહી છે. મારો ટ્રક-ડ્રાઇવર ગ્લાસમાં ચા પીતો-પીતો મજબૂત સ્ત્રી સામે જોઈને કૉમેન્ટ કરે છે તો હું તેને રોકતો નથી. તે કોઈ આશ્રમનો અંતેવાસી નથી, તે ભૂદાનનો કાર્યકર નથી. ગુજરાતી સાહિત્યના ‘ટૉપ ડૉગ્ઝ’ને આ બધામાંથી અરુચિકર વાસ આવ્યા કરે એ સ્વાભાવિક છે. મારી પ્રથમ નવલકથા ‘પડઘા ડૂબી ગયા’ તરત જ ‘હિટ’ થઈ, કારણ કે ગુજરાતી ભાષામાં આ જાતનું લખાયું નહોતું. ફિરાક ગોરખપુરીની ભાષામાં કહીએ તો ગુજરાતી સાહિત્યના હમામમાં કોઈ નાગો માણસ કૂદી પડ્યો હતો!’


Manoj Shah, the producer-director of the play (below); (top) Pratik
Gandhi as Chandrakant Bakshi

‘પડઘા ડૂબી ગયા’માં તદ્દન નવી અ-ગુજરાતી દુનિયા ખૂલી ગઈ, જે આ પહેલાં કોઈ ગુજરાતી લેખકે જોઈ નહોતી. એની ભાષા જુદી હતી, પાત્રો અસ્તિત્વવાદી હતાં. એમાં હિંસા હતી, મૂલ્યોના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. ‘પડઘા ડૂબી ગયા’ પછી, બક્ષીબાબુના શબ્દોમાં જ કહીએ તો ગુજરાતી નવલકથા સાહિત્યનું ચક્કર ૩૬૦ ડિગ્રી ફરી ગયું. કદાચ આ પહેલી જ નવલકથાથી તેઓ ગુજરાતી સાહિત્યના બ્લૅક લિસ્ટ પર મુકાઈ ગયા હતા.

ચંદ્રકાંત બક્ષી પાલનપુરી જૈન હતા, પણ તેઓ ખુદને અ-જૈન તરીકે ઓળખાવતા. તેમના તેજાબી હિન્દુત્વવાદી વિચારો જાણીતા છે. બે-મોઢાંળા દંભી સુડો-સેક્યુલરિસ્ટોને તેઓ સતત ફટકારતા રહ્યા. તેમના ચમકાવી મૂકે એવા અણિયાળા વિચારો આ નાટકમાં ચાબુકની જેમ વીંઝાયા કરે છે.

૧૬૧ પુસ્તકોના આ લેખક આ નવા ગુજરાતી નાટકનો વિષય બન્યા છે, પણ મજાની વાત એ છે કે તેમને ખુદને મુંબઈનાં નાટકો પ્રત્યે ભારે ચીડ હતી! તેમણે શબ્દો ર્ચોયા વગર કહ્યું છે:

‘મુંબઈમાં નાટકો બહુ ઓછાં આવે છે, પણ ચેટકોની ભરમાર થઈ ગઈ છે. થોડાં ડૂસકાં, થોડા ટુચકા, થોડા દ્વિઅર્થી વન-લાઇનર્સનું મિશ્રણ હલાવીને ઉપરથી અહિંસક સેક્સ સ્પ્રે કરે એટલે ચેટક તૈયાર! અને જેમ કરિયાણાબજારમાં ઉકાળેલી ચાના ઘરાકો એ જ ચા પીવાના બંધાણી થઈ ગયા છે એમ આ ચેટકો ચાટનારા ચેટકતલબીઓ દુકાન ખૂલે એટલે ગલ્લો છલકાવવા હાજર થઈ જાય! આ છે મુંબઈના ગુજરાતીઓના ચેટકબજારની અસ્મિતા! ચેટકબજારમાં ગલ્લો છલકાવવો બહુ કઠિન કામ નથી, જો તમે તમારા ઘરાકોનો ‘ટેસ્ટ’ સમજી લો તો... જે રીતે બટાટાવડા વેચનારા સમજી લે છે.’

આઇડિયાઝ અનલિમિટેડ બૅનર હેઠળ બનેલા ‘હું ચંદ્રકાંત બક્ષી...’ નાટકના નિર્માતા-નર્દિશક મનોજ શાહ છે. તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘ચંદ્રકાંત બક્ષી એ માણસ છે જેણે ‘મહાજાતિ ગુજરાતી’ શબ્દ આપણી પ્રજાને આપ્યો છે. તેમણે ગુજરાતીઓમાં ગુજરાતીપણાનો, આપણા હોવા વિશેનો ગર્વ તીવ્ર બનાવ્યો છે. કેટલી વિપુલ માત્રામાં ક્વૉલિટી વર્ક કર્યું છે તેમણે. વાર્તાકાર, નવલકથાકાર, ઇતિહાસવિદ, પ્રોફેસર, કૉલમનિસ્ટ... તેમના ગંજાવર કામ તરફ નજર કરીએ તો લાગે કે બક્ષીબાબુ ૭૪ વર્ષ નહીં પણ દોઢસો વર્ષ જીવ્યા હોવા જોઈએ.’

આ એક ફુલ-લેન્ગ્થ નાટક છે, જેમાં મધ્યાંતર નથી. મનોજ શાહ કહે છે તેમ, મળવા જેવા માણસને વિક્ષેપ વગર મળીએ, એકબેઠકે સળંગ મળીએ તો જ દીવા પ્રગટી શકે. ચંદ્રકાંત બક્ષી વિશે નાટક બનાવવું એક જોખમી કામ છે એ બાબતે મનોજ શાહ પૂરેપૂરા સભાન છે. તેઓ ઉમેરે છે. ‘હું જાણું છું કે હું ડેન્જર ઝોનમાં ઊભો છું. મેં અત્યાર સુધીમાં શ્રીમદ્ રાજચંદ્ર, ભરથરી, મણિલાલ નભુભાઈથી લઈને મરીઝ અને કાર્લ માર્ક્સ સુધીનાં કેટલાંય વ્યક્તિવિશેષ પર નાટકો બનાવ્યાં છે; પણ આ બધાં ચાલીસથી લઈને સાડાચારસો વર્ષ પહેલાંનાં પાત્રો છે. તેમના આલેખનમાં હું ઘણી ક્રીએટિવ છૂટછાટ લઈ શકતો હતો, પણ બક્ષી તો હજી હમણાં સુધી આપણી વચ્ચે હતા. લોકોએ તેમને જોયા છે, જાણ્યા છે, સાંભળ્યાં છે, તેમની સાથે ઇન્ટરૅક્ટ કર્યું છે. તેમની પર્સનાલિટી અને ઇમેજને વફાદાર રહીને હું નાટકમાં શું-શું કરી શકું? પ્રેક્ષકોએ તેમને વાંચેલા અને સાંભળેલા છે, છતાંય નાટક જોવા આવે તો તેમને કઈ રીતે કંઈક જુદી, કંઈક નવી અનુભૂતિ થઈ શકે? આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મેં આ ડ્રામામાં બક્ષી અને બક્ષીત્વનું મારી રીતે નાટ્યાત્મક અર્થઘટન કર્યું છે.’

ચાર શહેરોમાં ફેલાયેલા બક્ષીના ઘટનાપ્રચુર જીવન અને તેમની ચિક્કાર લેખનસામગ્રીમાંથી શું લેવું અને કેવી રીતે લેવું એ અમારા માટે મોટો પડકાર બની રહ્યો હતો. આ એકપાત્રી નાટક છે. ચંદ્રકાંત બક્ષીને મંચ પર સાકાર કરનાર તેજસ્વી યુવા અભિનેતા છે પ્રતીક ગાંધી. એક પણ સહકલાકારના સાથ વગર, માત્ર પોતાની અભિનયશક્તિથી દોઢ કલાક કરતાંય વધારે સમય માટે પ્રેક્ષકોને સતત બાંધી રાખવા માટે કેટલી તાકાત અને કૉન્ફિડન્સ જોઈએ!  ‘હું ચંદ્રકાંત બક્ષી...’નું પ્રકાશ-આયોજન અસ્મિત પાઠારેએ અને સંગીત-સંચાલન ઓજસ ભટ્ટે સંભાળ્યું છે.

‘હું ચંદ્રકાંત બક્ષી...’ આજે પૃથ્વી થિયેટરમાં મોડી સાંજે નવ વાગ્યે ઓપન થઈ રહ્યું છે. બીજા બે પ્રીમિયર શો પૃથ્વીમાં જ આવતી કાલે મોડી બપોરે ચાર વાગ્યે અને રાત્રે નવ વાગ્યે યોજાયા છે.           0 0 0