Showing posts with label Irrfan Khan. Show all posts
Showing posts with label Irrfan Khan. Show all posts

Sunday, May 3, 2020

રિશી કપૂર અને ઇરફાન પાસેથી આપણે શું શીખવું જોઈએ?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 3 May 2020 

મલ્ટિપ્લેક્સ

 જિંદગી અનિશ્ચિતતાના નૃત્ય સમાન છે. તેની સામે ન થાઓ, તેને શરણે થઈ જાઓ ને પરમ શક્તિ પર વિશ્વાસ રાખો.

રફાન ખાનનાં પત્ની સુતપા સિકદરે પોતાના બન્ને દીકરાઓને કહ્યુઃ તમે તમારા ફાધર પાસેથી જે કંઈ શીખ્યા છો તેને ફક્ત એક જ વાક્યમાં કહેવું હોય તો તમે શું કહો?’
દીકરાઓએ સરસ જવાબ આપ્યા. મોટા દીકરા બાબિલે કહ્યું, હું પપ્પા પાસેથી એ શીખ્યો કે જિંદગી અનિશ્ચિતતાના નૃત્ય સમાન છે. તેની સામે ન થાઓ, તેને શરણે થઈ જાઓ ને પરમ શક્તિ પર વિશ્વાસ રાખો.  બીજા દીકરા અયાને કહ્યું, હું પપ્પા પાસેથી એ શીખ્યો કે મન પર કંટ્રોલ કરતાં આવડવું જોઈએ. આપણાં મન અને વિચારોની લગામ આપણા જ હાથમાં હોવી જોઈએ, બીજાઓના હાથમાં નહીં.
ઇરફાનના પુત્રોએ ગ્રહણ કરેલી વાતો સાર્વત્રિક સત્યો છે, જે એમના ચાહકોએ પણ શીખવી જોઈએ. ઇરફાન પાસે જીવનનાં સત્યો શીખવાનું માધ્યમ આ એક જ હતું – અભિનય, પોતાનું કામ, જે તેઓ મૃત્યુપર્યુંત  પૂરેપૂરી ઇમાનદારીથી કરતા રહ્યા. એક જગ્યાએ તેમણે કહ્યું હતું કે, આપણે ઘણા એક્ટરોને અદભુત અભિનય કરતાં જોઈએ છીએ. અલગ અલગ પાત્રોમાં તેઓ આશ્ચર્ય થાય એટલી હદે પોતાની જાતને ઢાળી દે છે. આ કંઈ આપોઆપ કે સ્પોન્ટેનિયસલી થતું હોતું નથી. એક્ટરે પોતાની જાત પર બુદ્ધિપૂર્વક કામ કરતાં રહેવું પડે છે. હું જ્યારે અભિનય કરતો ન હોઉં ત્યારે મને મારી જાતનું ફાઇન ટ્યુનિંગ કરતાં, એની મરમ્મત કરતાં આવડવું જોઈએ. તમારે તમારા માંહ્યલાની સંભાળ લેવી જ પડે. માંહ્યલો કામ થકી સમૃદ્ધ થતો હોય છે. જો એમ થતું ન હોય તો સમજી લો કે તમે તમારા કામને પૂરતો ન્યાય આપી રહ્યા નથી.
અભિનય કરી નાખવો તે એક વાત થઈ, પણ અભિનયને કળાની ઊંચાઈ સુધી પહોંચાડવો તે સાવ અલગ વાત થઈ. આ જ બાબત કળાનાં અન્ય સ્વરૂપોને પણ લાગુ પડે છે. કામ ક્ળાની ઊંચાઈ સુધી કેવી રીતે લઈ જઈ શકાય? ઇરફાને આનો સરસ જવાબ આપ્યો છેઃ
કળા ત્યારે જ આકાર લે છે જ્યારે તમે તમારા કામને પર્સનલ બનાવો છો, તેમાં તમારું આંતરિકપણું ઉમેરવાનું શરૂ કરો છો, તમારી આસપાસ જીવાતી જિંદગી વિશે ચિંતન-મનન કરવાનું શરૂ કરો છો. આવું થાય એટલે તમારી આસપાસ બનતી ઘટનાઓ વિશેનાં તમારાં નિરીક્ષણો અને દષ્ટિબિદુંઓ તમારા કામમાં વ્યક્ત થવાનું શરૂ થાય છે, તમારું કામ ક્રમશઃ કળામાં પરિવર્તિત થતી જાય છે. જો આવું ન થાય તો તમે કેવળ એક એન્ટરટેઇનર છો, કલાકાર નહીં.

ખરેખર, ખુદની ક્રિયેટિવ પ્રોસેસને બારીકાઈથી સમજી શકવું ને શબ્દોમાં વ્યક્ત કરી શકવું તે પણ એક કળા છે. નિખાલસ બનવું, પારદર્શક હોવું, જેવા હોઈએ એવા જ દેખાવું – શું આ પણ જીવન જીવવાની એક કળા નથી શું? રિશી કપૂરે આ કળામાં જેટલી મહારત હાંસલ કરી હતી તેટલી બહુ ઓછા લોકો કરી શકતા હોય છે. એમની મુલાકાતો વાંચો-સાંભળો કે એમની આત્મકથા ખુલ્લમખુલ્લામાંથી પસાર થાઓ તો નવાઈ લાગે કે સેલિબ્રિટી હોવો છતાં આ માણસ પોલિટિકલ કરેક્ટનેસથી કેટલી સહજતાપૂર્વક દૂર રહી શક્યા! બે જ વર્ષ પહેલાંના એક ટીવી ઇન્ટરવ્યુમાં અર્ણવ ગોસ્વામીએ એમને મી ટુ કન્ટ્રોવર્સી, બોલિવૂડમાં નેપોટિઝમ (સગાવાદ), રાષ્ટ્રવાદ વગેરે જેવા મુદ્દા પર ખૂબ આકરા સવાલો પૂછ્યા હતા. રિશી કપૂરે  જોરશોરથી ખુદનો બચાવ કર્યો, બન્ને વચ્ચે ખાસ્સી ગરમાગરમી થઈ ગઈ, પણ ઇન્ટરવ્યુ પૂરો થયો પછી રિશી કપૂરે કહ્યું, અર્ણવ, સારું થયું તેં આ બધા સવાલો મને પૂછ્યા. હું આના પર હવે જરૂર વિચાર કરીશ!’
કશી જરૂર નહોતી રિશીને આવું બોલવાની. તેઓ ખુદનો કક્કો ખરો કરી જ શક્યા હોત. એના બદલે તેમણે સ્વીકાર્યું કે હું અત્યાર સુધી જે માનતો આવ્યો છું કે કરતો આવ્યો છું તે કદાચ દર વખતે સાચું ન પણ હોય, હું તેના વિશે ચિંતન કરીશ ને મારા એટિટ્યુડમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરીશ! આને કહેવાય સ્પિરિટ, આને કહેવાય ખુલ્લાપણું. રિશી કપૂર પાસેથી આપણે આ શીખવાનું છે.       
 0 0 0 

Saturday, September 14, 2013

મલ્ટિપ્લેક્સ : અ લંચ વિથ ઈરફાન

Sandesh - Sanskaar Purti - 15 July 2013


મલ્ટિપ્લેક્સ 

'ધ લંચબોક્સફિલ્મમાં ઉષ્માહીન માહોલમાં જીવી રહેલાં બે એકલવાયાં પાત્રો વચ્ચે વિકસતા પ્રેમની વાત છે. ઓસ્કરમાં  સંભવિત ભારતીય એન્ટ્રી તરીકે 'શિપ ઓફ થિસિઅસ'ની સાથે હવે એનું નામ પણ ચર્ચાય છે.

રફાન ખાન અને એની ફિલ્મે ફરી એક વાર ધ્યાન ખેંચ્યું છે. પહેલાં ઈન્ટરનેશનલ ર્સિકટમાં અને હવે ઘરઆંગણે. ફિલ્મનું ટાઈટલ છે, 'ધ લંચબોક્સ' અથવા તો હિન્દીમાં 'ડબ્બા'. રિતેશ બત્રા નામના યુવાને આ ફિલ્મ લખી છે અને ડિરેક્ટ કરી છે. રિતેશને એવોર્ડ વિનિંગ શોર્ટ ફિલ્મ્સ બનાવવાનો અનુભવ છે, પણ 'ધ લંચબોક્સ' એની પહેલી ફુલલેન્થ ફીચર ફિલ્મ છે. સૌથી પહેલાં આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં તેનું સ્ક્રીનિંગ થયું, પછી ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં અને ત્યારબાદ અમેરિકાના ટેલ્યુરાઈડ નામના પ્રમાણમાં ઓછા જાણીતા પણ મહત્ત્વના ફિલ્મ ફેસ્ટિવલમાં તે દેખાડવામાં આવી. હવા બંધાવાની શરૂઆત પહેલાં સ્ક્રીનિંગ વખતથી જ થઈ ગઈ હતી. ટેલ્યુરાઈડ ફેસ્ટિવલમાં એના ચાર શોઝ પ્લાન થયેલા, પણ ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે આયોજકોએ બીજા ત્રણ શોઝ વધારવા પડયા. અનુરાગ કશ્યપે કો-પ્રોડયુસ કરેલી આ ફિલ્મને ભારતમાં કરણ જોહર અને યુટીવી એને આવતા શુક્રવારે રિલીઝ કરી રહ્યા છે.
શંુ છે 'ધ લંચબોક્સ'માં? સાજન (ઈરફાન ખાન) નામનો એક સીધોસાદો આધેડ માણસ મુંબઈની કોઈ ઓફિસમાં કારકુની કરે છે. એ વિધુર છે, એકલો છે. નિવૃત્ત થવામાં હવે એને ઝાઝી વાર નથી. હજારો ઘરોમાંથી ટિફિન કલેક્ટ કરીને આખા મુંબઈમાં ફેલાયેલી ઓફિસોમાં ડિલિવરી કરતા ડબ્બાવાળાનું પરફેક્શન આમ તો દુનિયાભરમાં જાણીતું છે પણ એક વાર સાજન પાસે ભૂલથી બીજા કોઈનું ટિફિન આવી જાય છે. આ લંચબોક્સ ખરેખર તો ઈલા (નિમરત કૌર, જેને તમે કેડબરી ચોકલેટની એડમાં જોઈ છે) નામની કોઈ અજાણી મહિલાએ પોતાના પતિ માટે મોકલ્યું હતું. ઈલાનો પતિ અને લગ્નજીવન બન્ને સરખાં છે - ઉષ્માહીન. લંચબોક્સની ગરબડને લીધે આકસ્મિક રીતે સાજન અને ઈલા એકમેકના સંપર્કમાં આવે છે. આવડા મોટા મહાનગરમાં એકલતા અનુભવતાં આ બે માનવપ્રાણીઓ વચ્ચે એક હૂંફાળો અને સંવેદનશીલ સંબંધ વિકસે છે. ફિલ્મમાં હૃદયસ્પર્શી લાગણીઓના ચઢાવઉતાર છે અને યોગ્ય માત્રામાં હ્યુમર પણ છે. નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મમાં ઈરફાનના સાથી કર્મચારીનો રોલ કરે છે.

ભારત તરફથી આગામી ઓસ્કરમાં જનારી સંભવિત ફિલ્મોનું લિસ્ટ ઉત્સાહીઓ ઓલરેડી તૈયાર કરવા લાગ્યા છે. 'શિપ ઓફ થિસિઅસ' આ લિસ્ટમાં હજુ હમણાં સુધી ટોચ પર હતી. હવે અચાનક 'ધ લંચબોક્સ'નું નામ ચર્ચાવા લાગ્યું છે. 'લંચબોક્સ'નો એક મહત્ત્વનો પ્લસ પોઈન્ટ ઈરફાન ખાન છે. 'સ્લમડોગ મિલિયોનેર', 'ધ નેમસેક', 'લાઈફ ઓફ પાઈ' અને 'ધ અમેઝિંગ સ્પાઈડરમેન' જેવી ફિલ્મો તેમજ 'ઈન ટ્રીટમેન્ટ' જેવી અમેરિકન ટીવી સિરીઝને કારણે ઈરફાનનું નામ, કામ અને ચહેરો ઈન્ટરનેશનલ સર્કિટમાં ઓલરેડી જાણીતાં છે. ગયા વર્ષે ઈરફાનની જ 'પાનસિંહ તોમર' ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે સૌથી લાયક ફિલ્મ હોવા છતાં એનું સિલેક્શન નહોતું થયું. આ વર્ષે 'ધ લંચબોક્સ'નો નંબર લાગે છે કે કેમ એ તો સમય જ બતાવશે. ભારતની સંભવિત ઓસ્કર એન્ટ્રીની રેસમાં 'શિપ ઓફ થિસિઅસ' અને 'ધ લંચબોક્સ'ને હરીફાઈ આપવા કેટલીક ઉત્તમ રિજનલ ફિલ્મો પણ હોવાની.
ઈરફાન ખાન હજુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણી રહ્યા હતા ત્યારે મીરાં નાયરે એમને શોધી કાઢયા હતા. એક ડિપ્લોમા ફિલ્મમાં ઈરફાનનું પર્ફોર્મન્સ જોઈને મીરાંની આંખો ચમકી ઊઠી હતીઃ ધિસ ઈઝ ધ બોય! તેઓ 'સલામ બોમ્બે' (૧૯૮૮)માં ઈરફાનને મેઈન રોલ આપવા માગતાં હતાં, પણ કોઈક કારણસર તે શક્ય ન બન્યું. ઈરફાનના ભાગે આ ફિલ્મમાં કાગળ લખી આપતા માણસનો એક ટચૂકડો રોલ આવ્યો. 'સલામ બોમ્બે' ઈરફાન અને મીરાં નાયર બન્નેની સર્વપ્રથમ ફિલ્મ. 'સલામ બોમ્બે' માં જે નહોતું થઈ શક્યું તે વર્ષો પછી ૨૦૦૭માં 'ધ નેમસેક'માં થયું. મીરાં નાયરે આમાં ઈરફાનને નાયકનો રોલ કરાવીને જ સંતોષ માન્યો.

"સાચું કહું, 'ધ નેમસેક'ના મામલામાં હું શ્યોર નહોતો," ઈરફાન એક ઈન્ટરવ્યૂમાં કહે છે, "આમાં મારો રોલ એક સીધાસાદા પતિ અને પિતાનો હતો, જે મારે એવી રીતે ભજવવાનો હતો કે ફિલ્મમાં આ કિરદારનો સહેજ પણ ભાર ન વર્તાય. આસિફ કાપડિયાની'ધ વોરિયર' (૨૦૦૧) કર્યા પછી ઈન્ટરનેશનલ સર્કિટ માટે હું એ ટાઈપના મર્દાના રોલ્સ કરવા માગતો હતો, જ્યારે 'ધ નેમસેક'ની ભૂમિકા એના કરતાં સાવ વિરુદ્ધ હતી પણ મને મીરાંની કાબેલિયત પર ભરોસો હતો. મારે જમ્પા લાહિરીએ (કે જેમની નવલકથા પરથી આ ફિલ્મ બની હતી) કરેલાં પાત્રાલેખનને ન્યાય આપવો હતો. હું એક એક્ટર તરીકે મીરાંને સંપૂર્ણપણે તાબે થઈ ગયો અને જે પરિણામ આવ્યું તે કમાલનું હતું. 'ધ નેમસેક' જોઈને હું ચકિત થઈ ગયો હતો."
કોઈ ભૂમિકા ઓફર થાય ત્યારે નેરેશન સાંભળીને મન ના પાડતું હોય છતાં પણ એ ફિલ્મ કરીને છેવટે ઊંડા સંતોષની લાગણી અનુભવી હોય એવો અનુભવ અદાકારોને અવારનવાર થતો હોય છે. ઈરફાન ઉમેરે છે, "ઈવન 'ધ લંચબોક્સ' વખતે પણ એવું જ થયું. સ્ટોરી સાંભળીને હું અવઢવમાં હતો કે આ ક્લાર્ક ટાઈપનો રોલ કરવો કે નહીં. મને ઓફિસોના ટિપિકલ નીરસ માહોલથી આમેય ત્રાસ થતો હોય છે. આઈ મીન, એકના એક લોકો સાથે વર્ષો સુધી એકનું એક કામ કર્યે જવાનું... કેટલું બોરિંગ હોય છે આ બધું. મને થતું હતું કે એક્ટર તરીકે આમાં કશું એક્સાઈટિંગ કરવા જેવું તો છે જ નહીં પણ મને વાર્તાના ઈમોશનલ ગ્રાફમાં રસ પડયો, મને લવસ્ટોરીં ગમી ગઈ ને મેં હા પાડી."
The Lunchbox team with the director, Ritesh Batra at Cannes 2013
આ વખતે પણ જે રિઝલ્ટ મળ્યું છે તે એવું કમાલનું છે. માહોલ ગમે તે હોય, પાત્રો ગમે તે ભાષા બોલતાં હોય પણ પ્રેમ, એકલતા અને હૂંફની લાગણીઓ સાર્વત્રિક છે. એની સાથે જેટલો ભારતીય દર્શક કનેક્ટ થશે એટલો જ અમેરિકન-યુરોપિયન કે જાપાનીઝ પ્રેક્ષક પણ આઈડેન્ટિફાય કરી શકશે.
ઈરફાન ખાન એક તગડો અભિનેતા છે તે સૌ સ્વીકારે છે. દેશ-વિદેશની ફિલ્મોમાં એની કરિયર જે રીતે ગતિ કરી રહી છે તે ખરેખર ઈન્ટરેસ્ટિંગ છે. એની આગામી ફિલ્મોમાં એક તરફ 'સિદ્ધાર્થ' અને 'કિસ્સા' જેવી ફેસ્ટિવલ ફિલ્મો છે, તો સામે પક્ષે 'હંગામે પે હંગામા' (ડિરેક્ટર નીરજ વોરા) અને 'ગુંડે' (યશરાજ બેનર) જેવી મસાલા કર્મશિયલ ફિલ્મો પણ છે. ઈરફાનની વર્સેટાલિટી અને રેન્જનું આ ઉદાહરણ છે. 
શો-સ્ટોપર

બસ, બહુ કરી લીધી એક્ટિંગ. હવે મારે પૈસા જોઈએ છે. બોલિવૂડમાં સૌ કોઈ ચિક્કાર પૈસા બનાવી રહ્યા છે તો અમારા જેવા એક્ટરોએ શું ગુનો કર્યો છે?
- મનોજ બાજપાઈ