Showing posts with label ઓશો રજનીશ. Show all posts
Showing posts with label ઓશો રજનીશ. Show all posts

Sunday, December 16, 2018

એક હતા ઓશો...


દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 12 ડિસેમ્બર 2018, બુધવાર 
ટેક ઓફ 
અમેરિકામાં ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!



શો રજનીશ જો જીવતા હોત તો એમના અનુયાયીઓએ ગઈ કાલે એમનો 87 જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હોત. ઓશો (જન્મઃ 11 ડિસેમ્બર 1931, મૃત્યુઃ 19 જાન્યુઆરી 1990) 61મા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. અત્યંત મેધાવી, ઓરિજિનલ અને અસાધારણ ઓશોનું માત્ર જીવન જ નહીં, મૃત્યુ પણ વિવાદાસ્પદ પૂરવાર થયું.

ઓફિશિયલ જાહેરાત તો એવી થઈ હતી કે ઓશોનું મોત હાર્ટ-અટેકથી થયું છે, પણ શું આ સાચું કારણ હતું? નેટફ્લિક્સની જબરદસ્ત વખણાયેલી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી નામની ડોક્યુમેન્ટરી સિરીઝમાં ઓશોનાં મૃત્યુ ફરતે ઘેરાયેલાં પ્રશ્નોનાં વાદળને સ્પર્શવામાં જ આવ્યાં નથી. ઓશોના શંકાસ્પદ મોતને કેન્દ્રમાં રાખીને એકાધિક પુસ્તકો લખાયાં છે. અભય વૈદ્ય લિખિત હુ કિલ્ડ ઓશો?’ અને મા આનંદો (મૂળ નામ સૂ એપલટન) લિખિત વોઝ ભગવાન શ્રી રજનીશ પોઇઝન્ડ બાય રોનાલ્ડ રેગન્સ અમેરિકા?’ – આ બન્ને પુસ્તકોનો સૂર એક જ છેઃ અમેરિકન સત્તાવાળાઓએ ઓશોની હકાલપટ્ટી કરી એની પહેલાં જ્યારે એમને ધીમું ઝેર આપ્યું હતું. આ ઝેર જ ઓશોનાં મોતનું કારણ બન્યું.

ઓશોના મૃત્યુ વિશે, ખેર, ઘણી કોન્સિપરસી થિયરી ઘડાઈ છે. એક સમયે ઓશોથી સૌથી નિકટ ગણાતાં એમનાં પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાથી માંડીને સ્વામી દેવરાજ (પર્સનલ ફિઝિશીયન) અને સ્વામી આનંદ જયેશ (કેનેડિયન માઇકલ ઓબાર્ની, જે ઓશોના કેટલાંય ટ્રસ્ટ સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા હતા) જેવાં ઘણા લોકો તરફ આંગળી ચીંધાઈ, પણ આ તમામ થિયરીમાં ઝેરવાળી થિયરી સૌથી વજનદાર છે. ઓશોના નિધન બાદ એમના પૂનાસ્થિત આશ્રમમાંથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ ઝેરને જ મોતનું કારણ ગણાવવામાં આવ્યું હતું.

એક્ઝેક્ટલી શો હતો આ ઝેરનો મામલો? અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી વકીલાત કરી ચુકેલાં સૂ એપલટન, કે જે પછી ઓશોનાં અનુયાયી બનીને મા આનંદો બની ગયાં હતાં, એમણે પોતાનાં પુસ્તકમાં આ મુદ્દાને માઈક્રોસ્કોપ નીચે મૂકીને ચકાસ્યો છે. અમેરિકામાં રજનીશ અને એમના અનુયાયીઓ વિરુદ્ધ તીવ્ર હવા બની ચુકી હતી ત્યારની આ વાત છે. (ઓશો નામ રજનીશે અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ ધારણ કરેલું.) એમણે કરેલાં કથિત કૃત્યો વિરુદ્ધ સરકાર કડક હાથે કામ ચલાવશે એ સ્પષ્ટ થઈ ચુક્યું હતું. આખરે 28 ઓક્ટોબર 1985ના રોજ નોર્થ કેરોલિના સ્ટેટ સ્થિત શાર્લોટ શહેરમાં રજનીશની ધરપકડ કરવામાં આવી. સરકારી અધિકારીઓએ ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરી કે કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!

એમને સાત દિવસ સરકારી હિરાસતમાં રાખવામાં આવ્યા. રજનીશને પોર્ટલેન્ડ લઈ જવાના છે એવું કહીને 4 નવેમ્બર 1985ના રોજ એમને સશસ્ત્ર પહેરા હેઠળ કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોર્ટલેન્ડ એ અમેરિકાના ઓરેગોન રાજ્યનું સૌથી મોટું શહેર છે. રજનીશપુરમ નામનું રજવાડું ઓરેગોનમાં જ વિકસાવવામાં આવ્યું હતું. શાર્લોટથી પ્લેનમાં પોર્ટલેન્ડ પહોંચતાં માંડ પાંચ કલાક થાય, પણ રજનીશને આટલું અંતર કાપતાં ત્રણ દિવસે લાગ્યા. કેમ આમ થયું? 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન રજનીશ ક્યાં અદશ્ય થઈ ગયા હતા? જો ઝેરવાળી કન્સિપરસી થિયરીને સાચી માનવામાં આવે, તો જે કોઈ કાંડ થયો તે આ ત્રણ દિવસ દરમિયાન થયો હતો. 

રજનીશના વકીલોએ આ ત્રણ દિવસનો હિસાબ માગ્યો ત્યારે અમેરિકાના સરકારી અધિકારીઓએ કશી જ વિગત આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એ તો પાછળથી ઓકલાહોમા સ્ટેટના એક ઓફિસરે માહિતી આપી કે રજનીશને 4 નવેમ્બર 1985ની રાતે ઓકલાહોમાની એક ગ્રામ્ય જેલમાં રાખવામાં આવ્યા હતા. મજા જુઓ. આ જેલના ઇન-ચાર્જે કહી દીધું કે અમારી જેલમાં તે રાતે રજનીશ નામની કોઈ વ્યક્તિ આવી જ નહોતી. રજનીશના વકીલે તંત ન મૂક્યો. એણે જેલના વોલ્ટરૂમમાં જઈને ત્યાં કામ કરતા ક્લર્કને વિનંતી કરી. ખાંખાખોળા કરતાં એક દસ્તાવેજ જડી આવ્યો. એમાં લખ્યું હતું કે 4 નવેમ્બર 1985ના રોજ રાતે 8 વાગીને 35 મિનિટે રજનીશપુરમમાં વસતા ડેવિડ વોશિંગ્ટન નામના માણસને જેલમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે બપોરે સવાત્રણે એને છોડી મૂકવામાં આવેલો. ફોર્મના નીચેના ભાગમાં સહીની જગ્યા ઉપર સફેદ પ્રવાહી લગાડીને એ માણસના હસ્તાક્ષર મિટાવી દેવામાં આવ્યા હતા. પ્રવાહીના સફેદ ડાઘા ઉપર વોશિંગ્ટન ડેવિડ એવું ટાઇપ કરવામાં આવ્યું હતું!  

જેલમાંથી બહાર કાઢ્યા પછી રજનીશને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? ઓકલાહોમાની બહાર ગુનેગારો માટેના સુધારણા-કેન્દ્રમાં. પાંચમી અને છઠ્ઠી નવેમ્બર રજનીશે અહીં ગાળી. રજનીશની યાદશક્તિ કેટલી પ્રચંડ હતી તે આખી દુનિયા જાણે છે, પણ રજનીશને 5 અને 6 નવેમ્બર 1985ની રાત યાદ જ નહોતી! એમને 4 ડિસેમ્બરની ઓકલાહોમાના જેલમાં વીતાવેલી રાત જ યાદ હતી. તેમણે કહેલું કે મને તે રાતે બહુ જ સરસ ઊંઘ આવેલી. બસ, આટલું જ. તે પછીના બે દિવસ અને બે રાતની તમામ વિગતો એમના દિમાગમાંથી સમૂળગી ભૂંસાઈ ગઈ હતી, અથવા કહો કે, ભૂંસી નાખવામાં આવી હતી.

આ ઘટનાક્રમ પછી રજનીશને સખત ચક્કર અને ઉબકા આવવા, માથું દુખવું, ભૂખ ન લાગવી જેવી શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. 14 નવેમ્બર 1985ના રોજ ચોપન વર્ષીય રજનીશને અમેરિકા છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. કેટલાય દેશોમાંથી જાકારો મળ્યા બાદ તેઓ આખરે ભારત પાછા ફર્યા. રજનીશ અગાઉ કડેધડે હતા, પણ હવે એમને નાનીમોટી બીમારીઓ લાગુ પડવા માંડી. વાળ ઊતરવા માંડ્યા, આંખે ઝાંખપ આવવાને કારણે વાંચવાનું ઉત્તરોત્તર ઓછું થતું ગયું, હાથ અને ખભાના સાંધા દુખવા લાગ્યા. 1987ના જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે રજનીશે નાદુરસ્ત તબિયતને કારણે 91 દિવસ પ્રવચન કેન્સલ કરવા પડ્યા.

એક વાર રજનીશના કાનમાં ઇન્ફેક્શન થઈ ગયું. ટ્રીટમેન્ટ શરૂ થયા પછી સામાન્યપણે સાતેક દિવસમાં આ તકલીફ દૂર થઈ જવી જોઈતી હતી. એને બદલે કાન ઠીક થતાં દોઢ મહિનો લાગ્યો. ડોક્ટરો ચેતી ગયા. એમને સમજાયું કે મામલો ગંભીર છે. રજનીશનાં વાળ-લોહી-પેશાબનાં નમૂના, હાડકાંના એક્સ-રે વગેરે લંડન મોકલવામાં આવ્યાં. સારામાં સારી લેબોરેટરીઓમાં કેટલાંય પરીક્ષણો થયાં. તે પછીય ડોક્ટરો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચી ન શક્યા, પણ એમણે ત્રણ સંભાવના જરૂર વ્યક્ત કરીઃ રજનીશનાં શરીરમાં જે લક્ષણો જોવા મળે છે એવા કાં તો કેન્સરને લીધે હોય, કાં રેડિયેશનના સંપર્કના કારણે હોય અથવા થેલિયમ પોઇઝનિંગને કારણે હોય. કેન્સર અને રેડિયેશનના વિકલ્પો બંધ બેસતા નહોતા એટલે બચ્યો માત્ર થેલિયમ પોઇઝનિંગવાળો વિકલ્પ.

થેલિયમને ઉંદર મારવાની દવામાં નાખવામાં આવે છે. ઉંદર જ નહીં, માનવહત્યા માટે પણ દુનિયાભરમાં તેનો ઉપયોગ થાય છે. તે રંગહીન, ગંધહીન તત્ત્વ છે, પાણીમાં આસાનીથી ભળી જાય છે. થેલિયમ માણસની ચેપ વિરુદ્ધની પ્રતિકારક્ષમતા સાવ ઘટાડી નાખે છે. થેલિયમનો હેવી ડોઝ આપવામાં આવે તો એ જીવ ખેંચી લે, પણ નાના નાના ડોઝથી માણસની નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર) ધીમે ધીમે ક્ષીણ થઈને આખરે સાવ ખતમ થઈ જાય. થેલિયમ અપાયું હોય તો પણ ત્રણથી છ મહિના બાદ શરીરમાં એની કોઈ નિશાની પકડાતી નથી. એક લીટર પ્રવાહીમાં થેલિયમની માઇક્રોગ્રામથી કરતાં વધારે માત્રામાં હોય તો જ તેને પકડી શકાય. રજનીશનાં પરીક્ષણો તો અમેરિકા છોડ્યા બાદ બહુ મોડાં શરૂ થયેલાં. દેખીતું છે કે જુદી જુદી ટેસ્ટ્સમાં થેલિયમની હાજરી ન જ વર્તાય. 
  
ધારો કે થેલિયમવાળો વિકલ્પ સાચો હોય તો સવાલ એ ઉઠે કે રજનીશને તે કોણે અને ક્યારે આપ્યું? આનો ઉત્તરમાં માત્ર અટકળ થઈ શકે અને તે એ કે 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન અમેરિકામાં સરકારી તંત્ર દ્વારા રજનીશને જે રીતે ગાયબ કરી દેવામાં આવેલા ત્યારે આ કુચેષ્ટા થઈ હોવી જોઈએ. અમેરિકાના રૂઢિચુસ્ત વર્ગને  રજનીશ આંખના કણાની જેમ ખૂંચતા હતા. રજનીશના ક્રાંતિકારી અને બોલ્ડ વિચારો એમને ખ્રિસ્તી-વિરોધી લાગતા હતા. થેલિયમના ડોઝ સંભવતઃ રજનીશને અપાયેલી ઓફ-ધ-રેકોર્ડ સજા હતી!   

અગાઉ નોંધ્યુ તેમ, રજનીશના અત્યંત નિકટના અનુયાયીઓએ જ એમનો કાંટો કાઢી નાખ્યો હોય એવી થિયરી પણ છે જ. રજનીશનાં નિધનના ફક્ત 41 દિવસ પહેલાં એમની ખૂબ વિશ્વાસુ ગણાતાં કેર-ટેકર મા પ્રેમ નિર્વાણોનું ભેદી સંજોગોમાં મોત થઈ ગયું હતું. મા પ્રેમ નિર્વાણો ફ્કત ચાલીસ વર્ષનાં હતાં ને એકદમ સાજાસારા હતાં.    
  
અમુક પ્રશ્નો અનુત્તર રહી જવા સર્જાયા હોય છે. અચાનક ત્રાટકેલું અથવા અસ્પષ્ટ રહી જતું મોત અસામાન્ય વ્યક્તિનું કદ વધારે લાર્જર-ધેન-લાઇફ બનાવી દેતું હોય છે. ઓશોની જેમ...

0 0 0 

Monday, June 25, 2018

હે ભગવાન!


સંદેશ - સંસ્કાર પૂર્તિ - તારીખ 24 જૂન 2018 

મલ્ટિપ્લેક્સ                   

સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, ભયાવહ અને પીડાદાયી હોઈ શકે છે. ઓશો રજનીશના જીવનના એક વિવાદાસ્પદ પ્રકરણની છણાવટ કરતી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની ડોક્યુ-સિરીઝમાં હબકી જવાય, આંખો પહોળી થઈ જાય એવી ઘટનાઓ જોતી વખતે આપણને થાય કે આ બધું શું ખરેખર બન્યું હતુંઆવું બધું વાસ્તવમાં બનવું શક્ય છે?




તાજેતરમાં દુનિયાભરમાં જબરદસ્ત ગાજેલી કોઈ એક ડોક્યુમેન્ટરીનું નામ લેવાનું હોય તો તે કઈ હોઈ શકે? આનો જવાબ એટલો બધો સ્પષ્ટ છે કે માથું ખંજવાળવાનો કે વિચારવા બેસવાની જરૂર જ નથી. આ ડોક્યુમેન્ટરી છે, 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી', જે નેટફ્લિક્સ પર ત્રણેક મહિના પહેલાં મૂકાઈ. ડોક્યુમેન્ટરી શબ્દ કાને પડે એટલે અસંખ્ય લોકો માટે આજની તારીખે ય કંટાળજનક, નકરી માહિતીનો ઢગલો કરતું શુષ્ક જોણું એવું સમીકરણ ઊપસે છે. આવું માનનારાઓએ તાત્કાલિક આ શ્રેણી જોઈ કાઢવી જોઈએ. ડોક્યુમેન્ટરીની આખી ઇમેજ બદલી જશે.

ઓશો હજુ ભગવાન રજનીશ હતા ત્યારે, 1980ના દાયકામાં, અમેરિકાના ઓરેગોન રાજ્યની એક ઉજ્જડ જગ્યાએ એમના અનુયાયીઓએ રજનીશપુરમ નામની આખેઆખી ટાઉનશિપ ઊભી કરી હતી. આ ટાઉનશિપમાં મેડિટેશન હોલ હતો, કતારબદ્ધ રહેઠાણો હતાં, રેસ્ટોરાંઓ હતી, લેબોરેટરી-કમ-રિસર્ચ સેન્ટર હતું, પ્રાઇવેટ ડેમ હતું અને એક હવાઇપટ્ટી પણ હતી જેના પરથી પ્લેનો ટેક-ઓફ અને લેન્ડિંગ કરતાં હતાં. ઓશો રજનીશના અનુયાયીઓમાં પશ્ર્ચિમના કૂડીબંધ રિચ, ફેમસ અને ઇન્ટેલિજન્ટ લોકોનો સમાવેશ થતો હતો. સુપર ક્વોલિફાઇડ અને પ્રતિભાશાળી લોકો જ્યારે એકઠા થઈને સપનોં કા નગર ઊભું કરે ત્યારે એમાં શી કમી હોય!

રજનીશ 'ન્યુ મેન' એટલે કે આંતરિક સમૃદ્ધિથી ભરપૂર એવા મોડર્ન મનુષ્યોનો આખો સમુદાય વિકસાવવા માગતા હતા. તે ન્યાયે રજનીશપુરમમાં ખરેખર તો મૈત્રી, મહોબ્બત, કરુણા, સદભાવના અને આઝાદીની આબોહવા ઊભી થવી જોઈતી હતી. શરૂઆતમાં એવું વાતાવરણ જામ્યું પણ ખરું, પણ ધીમે ધીમે માહોલ કલ્પી ન શકાય એટલી હદે બદલાતો ગયો. સેક્સ કલ્ટ તરીકે ઓળખાતા આ સમુદાયના લાલ વસ્ત્રધારી સંન્યાસીઓ યા તો રજનીશીઓમાંથી કેટલાય લોકો કાનૂની કેસમાં સંડોવાયા. આક્ષેપો અને અપરાધો પણ કેવા કેવા. સેમી-ઓટોમેટિક હથિયારો ધરાવવા, પાણીમાં ઝેરીલાં તત્ત્વો ભેળવીને પાડોશમાં આવેલી વસતીને ખતમ કરી નાખવાનો કારસો રચવો, માણસને મારે નહીં તો કમસે કમ માંદા પાડી નાખે એવી ભયંકર મિલાવટ ખાદ્ય પદાર્થોમાં કરવી (આ કુચેષ્ટા માટે  અમેરિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય થયો ન હોય તેવો 'બાયો-કેમિકલ ટેરરિસ્ટ અટેક' એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે), ઓરેગોન રાજ્યના યુએસ અટર્નીની હત્યાનો પ્રયાસ કરવો, સ્થાનિક ચૂંટણી મેનિપ્યુલેટ કરવી વગેરે.



આ ક્યા પ્રકારની આધ્યાત્મિકતા હતી? આ કેવો ધર્મ હતો? રજનીશે મા આનંદ શીલા નામની પોતાની અતિ વિચક્ષણ ભક્તાણીને શી રીતે આટલી બધી સત્તા આપી દીધી? પ્રતિપ્રશ્ન એ પણ છે કે શું સંન્યાસીઓ વિરુદ્ધ થયેલા આ આક્ષેપ કે કાનૂની કારવાઈ ખરેખર વ્યાજબી હતાં? કે પછી, અમેરિકન સત્તાવાળાઓ રજનીશ અને એમના અનુયાયીઓની પાછળ પડી ગયા હતા? શું તેઓ યેન કેન પ્રકારણે રજનીશ અને એમના કાફલાને અમેરિકામાંથી ભગાડી મૂકવા માગતા હતા (જેમાં તેઓ સફળ પણ થયા)?

ડોક્યુમેન્ટરીમાં જોન્સટાઉન ટ્રેજેડીનો ઉલ્લેખ વારંવાર થાય છે. જોન્સટાઉન નામના અમેરિકન નગરમાં થયેલી ભયાનક કરુણાંતિકા અમેરિકાની સામૂહિક જનચેતનામાં સજ્જડપણે અંકિત થયેલી છે. જોન્સટાઉનનો ઘટનાક્રમ 1978માં બનેલો, રજનીશપુરમનો ફિયાસ્કો થયો એના થોડાંક જ વર્ષ પહેલાં. બન્યું હતું એવું કે જિમ જોન્સ નામનો એક આધ્યાત્મિક ગુરુ સેંકડો અનુયાયીઓ ધરાવતો હતો. એની દોરવણી હેઠળ અનુયાયીઓને એકસાથે ઝેરી સાઇનાઇડ અપાયું. આને લીધે બસ્સો બાળકો સહિત કુલ નવસો કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો. 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' ડોક્યુ-સિરીઝ જોઈને ખાસ કરીને અમેરિકનોને ઝટકો એ વાતનો લાગ્યો કે જોન્સટાઉનમાં જિમ જોન્સ હતો, તો ઓરેગોનમાં ભગવાન રજનીશ હતા. બન્નેની પાછલ એમના ભક્તો પાગલ હતા. રજનીશપુરમવાળા કિસ્સમાં પણ પોઇઝનિંગનો પ્રયાસ થયો હતો, જે સદભાગ્યે સફળ નહોતો નીવડ્યો. આ સિવાય પણ બીજા કેટલાંય સંગીન અપરાધો થયેલાં. આટઆટલું થયેલું તેમ છતાં અમેરિકા રજનીશપુરમનો આવડો મોટો કાંડ ભુલી કેવી રીતે ગયું?    

'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની આ અંગ્રેજી ડોક્યુમેન્ટરીમાં જુદા જુદા મુદ્દાઓની એવી ગજબનાક શૈલીથી છણાવટ થઈ છે કે જોનારા દંગ થઈ જાય. કહે છેને કે સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, વધારે ભયાવહ, વધારે પીડાદાયી હોઈ શકે છે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' જોતી વખતે આપણને થાય કે આ બધું શું ખરેખર બન્યું હતું? આવું બનવું શક્ય છે ખરું? જવાબ એ છે કે હા, આ બધું જ બન્યું હતું. સ્ક્રીન પણ આપણે જે જોઈએ છીએ તે ડ્રામેટાઇઝેશન (નાટ્યસ્વરૂપ) નથી, પણ અસલી ઘટનાઓનું જેન્યુઇન ફૂટેજ છે. તે ઉપરાંત પડદા પર દેખાતા લોકો અસલી છે જે કેમેરા સામે આવીને પોતપોતાની કેફિયત સુણાવી રહ્યા છે.

જ્યારથી ડિજિટલ એન્ટરટેઇનમેન્ટની બોલબોલા વધી છે ત્યારથી 'બિન્જ વોચિંગ' નામનો શબ્દપ્રયોગ ખાસ્સો વપરાવા લાગ્યો છે. બિન્જીંગ એટલે આંકરાતિયાની માફક ખોરાક પર તૂટી પડવું. બિન્જ વોચિંગ એટલે સ્ક્રીન સામે ખોડાઈને ગાંડાની જેમ કલાકોના કલાકો સુધી શોના એક પછી એક એપિસોડ્સ સળંગ જોઈ કાઢવા તે. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'માં છ એપિસોડ છે. સરેરાશ એક-એક કલાકના છ ભાગ. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' સિરીઝ એટલી હદે રોમાંચક, આઘાતજનક, રસાળ, અંદરથી હલાવી નાખે એવી, વિચારતા કરી મૂકે એવી અને મનોરંજક છે કે દુનિયાભરના ઓડિયન્સે આ સિરીઝ માત્ર જોઈ નહીં, બલ્કે એનું રીતસર બિન્જ-વોચિંગ કર્યું! અરે, એક ફિલ્મ ફેસ્ટિવલમાં તો તમામ એપિસોડ્સનું સળંગ સ્ક્રીનિંગ થયું હતું. આ એક જોખમ હતું. છ-છ કલાક સુધી ડોક્યુમેન્ટરી જોવા કોણ બેસે? પણ ઓડિયન્સ વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રીમાં એટલી હદે રમમાણ થઈ ગયું હતું કે ડોક્યુમેન્ટરીનો ધી એન્ડ ન આવે ત્યાં સુધી સૌ સજ્જડ બેસી રહેલા. 

Osho Rajneesh with Maa Anand Sheela


અદભૂત મેકિંગ છે આ સિરીઝનું. ઇન્ટેવેસ્ટિગેટિવ જર્નલિઝમનું આ ઉત્તમ ઉદાહરણ છે. સિરીઝ જોતી વખતે આપણને થાય કે આ લોકોએ કેટલી બધી મહેનત કરી છે યોગ્ય ફૂટેજ શોધવાની, લોકોના ઇન્ટરવ્યુઝ કરીને એમની પાસેથી વાતો કઢાવવાની, સઘળી સામગ્રીને એક રિધમમાં ગોઠવવાની અને સમગ્ર પેકેજિંગ કરવાની. મજાની વાત એ છે કે ડોક્યુમેન્ટરીના મેકરો કોઈ ચુકાદો તોળતા નથી. રજનીશીઓ સાચા હતા કે ખોટા હતા કે પછી સ્થાનિક અમેરિકનો તેમજ સત્તાધારીઓ સાચા હતા કે ખોટા હતા તે વિશેનું કોઈ મોરલ જજમેન્ટ આપતા નથી. તેઓ ફક્ત આપણી સામે હકીકતો પેશ કરે છે, આખી પરિસ્થિતિની સંકુલતામાં સહેજ પણ પાણી નાખ્યા વગર, તેને શક્ય એટલી રસાળ બનાવીને આપણી સામે રજૂ કરે છે અને જાણે આપણને કહે છે કે જે છે તે આ છે. હવે તમે વિચારો અને તમે નક્કી કરો કે કોણ કેટલું સાચું છે કે ખોટું છે!

આ ડોક્યુ-સિરીઝ બનાવનાર મેક્લેઇન વે અને ચેપમેન વે સગા ભાઈઓ છે. કેવી રીતે આવી અફલાતૂન અને મેચ્યોર્ડ ડોક્યુ-સિરીઝ બનાવી આ પચ્ચીસ-ત્રીસ વર્ષના જુવાનિયાઓએ? એમને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડ્યો આ શ્રેણી બનાવતી વખતે? ભૂતપૂર્વ રજનીશપુરમવાસીઓ અને ઓરેગોનવાસીઓના મોઢેથી એમણે કેવી રીતે આ બધી સ્ફોટક વાતો કઢાવી? આના જવાબ આવતા રવિવારે.   
 
0 0 0 

તા.ક. 

નેટફ્લિક્સ એક્ઝેક્ટલી શું છે તે હજુ ઘણા લોકો જાણતા નથી. સાવ સાદી ભાષામાં કહીએ તો, નેટફ્લિક્સ એક વેબસાઇટ અથવા ઓનલાઇન વિડીયો લાઇબ્રેરી છે, જેમાં દુનિયાભરની સેંકડો ફિલ્મો, ટીવી શોઝ, રજનીશ વિશેની આ ડોક્યુ-સિરીઝ જેવી બીજી કેટલીય ડોક્મેયુન્ટરીઓ વગેરેનો આખો ભંડાર છે. તમારા સમયે અને સગવડે આ ડિજિટલ મનોરંજન માણવા માટે નેટફ્લિક્સનું લવાજમ ભરવું પડે. ભારતમાં હાલ નેટફ્લિક્સનું બેેઝિક  સબસ્ક્રિપ્શન માસિક 500 રુપિયા છે.  


0 0 0