Showing posts with label Madness in the Desert. Show all posts
Showing posts with label Madness in the Desert. Show all posts

Saturday, July 28, 2012

‘હું સ્તબ્ધ છું!’


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૯ જુલાઈ ૨૦૧૨ માટે 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’નો આજે અંતિમ એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે ત્યારે મળો, શોના ટેલેન્ટેડ ડિરેક્ટર, સત્યજિત ભટકળને...



‘આજે દોઢ-બે વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે થોડોક રિલેક્સ છું અને મારા પર કામનું પ્રેશર નથી...’ મુંબઈમાં બાંદરા સ્થિત એમઆઈજી ક્લબની રેસ્ટોરાંમાં પોતાની જિમબેગ બાજુમાં મૂકીને સત્યજિત ભટકળ સ્મિતપૂર્વક વાતચીતની શરુઆત કરે છે. સત્યજિત ભટકળ એટલે સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’ના ડિરેક્ટર. આજે ‘સત્યમેવ જયતે’નો તેરમો અને અંતિમ એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે તેઓ સમગ્રા અનુભવને નિહાળે છે?

‘આઈ એમ સ્ટન્ડ!’ તેઓ કહે છે, ‘ખરેખર, ‘સત્યમેવ જયતે’એ જે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એણે કંઈકેટલાય સ્તરો પર જે નક્કર પ્રતિક્રિયાઓ જન્માવી છે એ જોઈને અમે બધા સ્તબ્ધ છીએ. અમારામાંથી કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યુ કે આ શો આટલી ઊંચાઈ પર પહોંચી શકશે.’

આ સિલસિલાની શરૂઆત થઈ હતી બે વર્ષ પહેલાં. એક વાર આમિર ખાન અને સત્યજિત ભટકળ એમ જ વાતો કરતા બેઠા હતા. સત્યજિત અને આમિર બાળપણના દોસ્તો છે. વકીલ તરીકે દસ વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી સત્યજિત ‘લગાન’ની ટીમમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈને ટીમનો અંતર્ગત હિસ્સો બની ગયા હતા. આ ઓસ્કરનોમિનેટેડ ફિલ્મના ઘટનાપ્રચુર મેકિંગ વિશે પછી એમણે ‘ધ સ્પિરિટ ઓફ લગાન’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું અને ‘ચલે ચલો’ (અથવા ‘મેડનેસ ઈન ધ ડેઝર્ટ’) નામની અફલાતૂન ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી, જેણે નેશનલ અવોર્ડ જીત્યો. એ પછી એમણે ‘બોમ્બે લોયર્સ’ નામની મિની સિરીઝ લખી અને ડિરેક્ટ કરી, જે ખૂબ વખણાઈ. દર્શિલ સફારીને લઈને ‘ઝોક્કોમોન’ નામની એક બાળસુપરહીરોની થીમવાળી ફિલ્મ પણ બનાવી. પેલી અનૌપચારિક મિટીંગમાં આમિરે કહ્યુંઃ સત્યા, મારા મનમાં એક ટીવી શો કરવાનો વિચાર આવી રહ્યો છે. મને ગેમ શો કે એવું કશું આકર્ષતું નથી, પણ હું એવો શો બનાવવા માગું છું જે ટેલીવિઝનના જબરદસ્ત પાવરનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે અને જેનું સ્વરૂપ ટોકશો પ્રકારનું હોય. શું લાગે છે તને?  

સત્યજિતે આમિરને જે આઈડિયાઝ આપ્યા એ એવા હતા કે આ શો એવો હોવો જોઈએ જે આમજનતાને સૌથી વધુ સ્પર્શતા મુદ્દાઓની વાત કરતો હતો. એનું સ્વરૂપ સનસનાટીનું કે આક્ષેપબાજીનું નહીં, પણ ઈન્ક્લુઝિવ એટલે કે સૌને સમાવી લેતું હોય.  એમાં ‘આપણી’ વાત હોય, ‘તમારી’ કે ‘એ લોકોની’ નહીં. કોઈ પણ સમસ્યાનું સ્વરૂપ, એનાં કારણો અને એ નિવારવાના ઉપાયો આ ત્રણેય બાબતોને તે આવરી લેતો હોય. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ. હું તો જોકે પછી એ વાત ભુલી ગયો હતો. પાંચછ વીક પછી અચાનક આમિરે મને કહ્યુંઃ સત્યા, આપણે કામ શરૂ કરી દઈએ. તું તારી ટીમ બનાવવા માંડ.’



સત્યજિતની ટીમના સૌથી પહેલાં સભ્યો હતાં કેટલાંય પ્રતિષ્ઠિત અંગ્રાજી પ્રકાશનોમાં પત્રકાર રહી ચુકેલાં એમનાં પત્ની સ્વાતિ ચક્રવર્તી ભટકળ અને આમિરસત્યજિતનના જૂના સાથી લાન્સી ફર્નાન્ડિઝ. પછી શોના અસોસિએટ ડિરેક્ટર અને લેખક સુરેશ ભાટિયા પણ જોડાયા. સૌએ નક્કી કર્યુર્ં કે શોના ફોર્મેટની ચિંતા કર્યા વગર આપણે પહેલાં તો દેશમાં ફરીએ, આપણને કેવું મટીરિયલ મળે છે એ જોઈએ. આ ટીમે ભારતભરમાં રખડીને રીતસર છ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી (એમાંની એક સ્ત્રીભ્રૂણહત્યા વિશેની હતી). સત્યજિત કહે છે, ‘આ એક્સરસાઈઝને કારણે અમને ઝાંખો ઝાંખો આઈડિયા મળવા લાગ્યો કે ઓકે, અમારા ટીવી શોનું કન્ટેન્ટ કંઈક આ પ્રકારનું હશે, મટિરીયલને આ રીતે ફ્લો કરી શકાશે. એક વાતે અમે બિલકુલ સ્પષ્ટ હતા કે શો ઈન્ટેસ્ટિંગ બનવો જોઈએ, એકેડેમિક નહીં. એમાં નકરી માહિતીનો ખડકલો નહીં હોય, પણ એ લાગણીઓની ભાષા બોલતો હશે. અમે શોમાં આવરી શકાય એવા ૨૦ વિષયોનું લિસ્ટ બનાવ્યું. એમાંથી આખરે ૧૩ વિષયો ફાયનલાઈઝ કર્યા.’

પછી શરૂ થયું રીસર્ચવર્ક. સેંકડો પુસ્તકો, ન્યુઝપેપરમેગેઝિનનાં હજારો કટિંગ્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના ગંજ ખડકાયા. હવે સમય હતો ટીમને વિસ્તારવાનો. સ્વાતિ ચક્રવર્તી ભટકળે દેશભરમાંથી ૮ થી ૯ કોરસ્પોન્ડન્ટ પસંદ કર્યા. ત્રણ દિલ્હીમાં, ચાર મુંબઈમાં અને એક દક્ષિણ ભારતમાં. ‘સત્યમેવ જયતે’માં દેશના ખૂણેખૂણાને જે રીતે આવરી લેવામાં આવ્યા છે એ જોતા દશર્કને સહેજે લાગે કે આમિર પાસે કોરસપોન્ડન્ટ્સની જબરદસ્ત મોટી ફોજ હશે, પણ સચ્ચાઈ તદ્દન વિપરીત છે. આટલું વિરાટ ફિલ્ડવર્ક માત્ર આ ૮ થી ૯ પત્રકારોએ કર્યુર્ં છે! સત્યજિત ભટકળ કહે છે, ‘અમે બધાં જ સખ્ખત ચાર્જડઅપ હતા, ઝનૂની હતા. હું હંમેશા માનતો આવ્યો છું કે મોટા કાફલા કરતાં નાની પણ મજબૂત અને મોટિવેટેડ ટીમ હંમેશા વધારે સારું પરિણામ આપે છે. મારે એવા માણસો જોઈતા હતો જે પોતાના કામને કામ નહીં એક પેશન ગણે.’

આખરે ૨૫ ફેબ્રુઆરીએ યશરાજ સ્ટુડિયોના સાવ સાદા સેટ પર શૂટિંગ શરૂ થયું, જે મેના અંત સુધી ત્રૂટકત્રૂટક ચાલ્યું. વચ્ચેના  ખાલી દિવસોમાં પોસ્ટપ્રોડક્શન તેમજ આગલા એપિસોડની તૈયારીઓ થાય. એક એપિસોડના શૂટિંગ દરમિયાન ચારથી આઠ કલાકનું ફૂટેજ મળે, જેને વ્યવસ્થિત કાપીકૂપીને, એડિટ કરીને ૬૬ મિનિટમાં સમાવી લેવું પડે.

‘સત્યમેવ જયતે’ના પહેલા જ એપિસોડથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતીઃ આ શોમાં કન્ટેન્ટ કેન્દ્રમાં છે, આમિર ખાન નહીં. આમિરે પોતાના ઓડિયન્સને આંજી નાખવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. શો જોતી વખતે દર્શકનું ધ્યાન સુપરસ્ટાર આમિર ખાન પર, એની અદાઓ પર કે એના કપડાં પર રહ્યું નહીં, બલકે એ વિષય સાથે વહેતો ગયો. આઘાત, અરેરાટી, કારુણ્ય કે પછી આશા, આનંદ અને જુસ્સાની લાગણીને દર્શક એટલી તીવ્રતાથી અનુભવતો હોય કે આ શોમાં આમિર જેવો સુપરસ્ટાર પણ છે એ હકીકત એકતરફ હડસેલાઈ જાય, લગભગ ભુલાય જાય. શો પર હાજર રહેતા મહેમાનો આમિરથી અંજાયેલા હોય એવું પણ ક્યારેય લાગ્યું નથી.



‘બિલકુલ! આ શોમાં મહેમાનો જ અસલી સ્ટાર હતા, આમિર નહીં,’ સત્યજિત કહે છે, ‘તમે નોંધ્યું હશે કે ૭૦ થી ૭૫ ટકા જેટલી વાતો મહેમાનોએ કરી છે. અમે ટીવી ચેનલોની ચર્ચાઓમાં કાયમ દેખાતા છાપેલા કાટલા જેવા વીસપચ્ચીસ ચહેરાઓથી દૂર જ રહ્યા. અમારા માટે આ શોને ઝાકઝમાળભર્યો બનાવવો સાવ આસાન હતું. અમે ધારત તો કંઈકેટલાય સેલિબ્રિટીઓને આ શોમાં બોલાવીને ગ્લેમર ઉમેરી શક્યા હોત. શોની એન્ટટેનિંગ વેલ્યુ વધારવા માટે આમિરે નથી ક્યારેય પોતાની ફિલ્મનો ડાયલોગ બોલ્યો કે નથી કોઈ ગીત લલકાર્યું. અમે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે અમારે આ બધામાં પડવું જ નથી.’

શોમાં બે જ જાણીતા ચહેરા દેખાયેલા  જાવેદ અખ્તર, જેમણે પોતાના દારૂના જૂના વ્યસન વિશે વાત કરેલી અને બીજા ગાયક સુખવિન્દર સિંહ, જેણે એક ગીત ગાયું હતું. ‘સત્યમેવ જયતે’નાં ગીતો પણ ખૂબ વખણાયાં છે. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારે એવો સંગીતકાર જોઈતો હતો જે આ શો સાથે તીવ્રતાથી જોડાઈ શકે, લાગણીના સ્તરે આ શોને પોતાનો બનાવી શકે. અમારી આ જરુરિયાત રામ સંપટે પૂરેપૂરી સંતોષી છે. એમના કામથી હું અત્યંત ખુશ છું.’  

આમિર જે પ્રોજેક્ટ હાથમાં લે છે એમાં પોતાની જાતને રીતસર ફેંકી દે છે. સત્યજિત કહે છે, ‘છેલ્લા બે વર્ષથી આમિરના સમય પર મારી સંપૂર્ણ મોનોપોલી હતી! મારી એક જ ‘સૌતન’ હતી  આમિરનું ‘ધૂમથ્રી’ માટેનું ત્રણચાર કલાકનું એક્સરસાઈઝ રુટિન! બસ, એ સિવાયનો એનો તમામ સમય ‘સત્યમેવ જયતે’નો!’

આમિરની કામ કરવાની શૈલી વિશે સત્યજિત સરસ વાત કરે છે. એ કહે છે, ‘આમિર મજૂર માણસ છે. એ પોતાના પ્રોજેક્ટસ પર એટલી હદે મહેનત કરે છે કે નવાઈ પામી જવાય. એક ઉદાહરણ આપું. અમે લોકો આખો દિવસ એપિસોડનું શૂટિંગ કરીને, લોથપોથ થઈને રાત્રે બારસાડાબારે છૂટા પડીએ ત્યારે આમિરના ઘરે માર્કેટિંગની ટીમ મિટીંગ માટે રાહ જોઈને બેઠી હોય! એણે મને એકબે વખત આ મિટીંગમાં હાજર રહેવા માટે કહેલું, પણ પછી મારે કહેવું કહ્યું કે આમિર, હું એટલો બધો થાકેલો છું કે... આઈ કેન નોટ ફોકસ! પણ આમિરે આ મિટીંગ માટે પણ પહેલેથી તૈયારી કરી રાખી હોય, એ પૂરેપૂરો એલર્ટ હોય.  આ માણસનું ઈન્વોલ્વમેન્ટ, એનું ડેડિકેશન, એની સજ્જતા, એનું એનર્જી લેવલ... ખરેખર, ખૂબ શીખવા જેવું છે એની પાસેથી.’    
‘સત્યમેવ જયતે’નો જાદુ તમામ ઉંમરના દર્શકોથી લઈને છેક વડાપ્રધાન સુધી છવાયોે. આ શોના નક્કર પ્રભાવની ખબરો મિડીયામાં આવતી રહે છે. સામે પક્ષે, આ શોની અને વ્યક્તિગત રીતે આમિરની ટીકા પણ ખૂબ થઈ છે. આને ‘સત્યમેવ જયતે’ની ટીમ શી રીતે રિએક્ટ કરે છે?



‘વિથ અ સ્માઈલ!’ સત્યજિત હસી પડે છે, ‘જો શોની ટીકા ન થઈ હોત તો અમને ચિંતા થઈ જાત! આમાં તો એવું છે કે તમે ગમે એટલું કરો તો પણ ઓછું જ લાગવાનું. કંઈક ને કંઈક તો બાકી રહી જ જવાનું. જેમ કે, પાણીની તંગીવાળા એપિસોડમાં અમારે ગુજરાતને આવરી લેવાની જરૂર હતી, કારણ કે અહીં રેઈનવોટર હાર્વેસ્ટિંગ પર સરસ કામ થયું છે. જેતે મુદ્દાનું જટિલતા ઘટી ગઈ હોય અને વિષયનું ઓવરસિમ્પિલિફિકેશન (અતિસાધારણીકરણ) થઈ ગયું હોય એવું લગભગ દરેક વખતે બન્યું છે. જોકે એક વાતે અમે સ્પષ્ટ હતા કે આખરે તો આ એક ટીવી શો છે, એનાથી કંઈ ક્રાંતિ આવી જવાની નથી. સમાજની વિષમતા ઓછું કરવાનું કામ સ્વતંત્ર કાર્યકર્તાઓ, સંસ્થાઓ અને ઈવન સરકારો પહેલેથી કરે જ છે. અમે મૂંગે મોઢે કરતાં એ અજાણ્યા ચહેરાઓને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યુ છે. દારુના દૂષણવાળા એપિસોડમાં અમે ‘આલ્કોહોલિક એનોનિમસ’ નામની સંસ્થાની વાત કરી હતી. એ એપિસોડ ટેલિકાસ્ટ થયો પછી સંસ્થાને ૧ લાખ ૬૦ હજાર કરતાં વધારે ફોન આવ્યા. માની લો કે આમાંથી માત્ર ૧૦ ટકા નશાખોરોને પણ ફાયદો થયો તો પણ એ કેટલી મોટી વાત છે!’

આમિરે તો જાહેર કરી દીધું છે ‘સત્યમેવ જયતે’ની બીજી સિઝન જરૂર આવશે. જોકે સત્યજિત ભટકળ કહે છે કે સામૂહિક નિર્ણય લેવાનો હજુ બાકી છે.

‘આ શોએ અમને આખેઆખા નીચોવી નાખ્યા છે.  પહેલાં તો આ આખો અનુભવ પચાવવો પડશે, એનાથી ડિટેચ થઈને પૃથક્કરણ કરવું પડશે. અમારા પ્લસ પોઈન્ટ્સ, માઈનસ પોઈન્ટ્સ, ભુલો એ બધું સમજવું પડશે... અને એના માટે સમય જોઈશે. છેલ્લા દોઢબે વર્ષમાં મેં માત્ર છ દિવસ રજા લીધી છે. એટલે અત્યારે તો મને એક જ વસ્તુ દેખાય છે.... આરામ!’  

શો-સ્ટોપર

બીજા પ્રોડ્યુસરો પર આધાર રાખ્યા વિના મારી ફિલ્મો હું પોતે જ પ્રોડ્યુસ કરી શકું છું. આહા... આનાથી બહેતર મુક્તિનો અહેસાસ બીજો કોઈ ન હોઈ શકે! 

-  સૈફ અલી ખાન