Showing posts with label The Spirit of Lagaan. Show all posts
Showing posts with label The Spirit of Lagaan. Show all posts

Sunday, August 14, 2016

મલ્ટિપ્લેક્સ: આશુતોષે નિષ્ફ્ળતાને હંમેશાં સ્પ્રિંગ બોર્ડ તરીકે વાપરી છે…



Sandesh - Sanskaar Purti - 14 Aug 2016

મલ્ટિપ્લેક્સ
મોહેન્જો દારો આશુતોષ ગોવારીકરની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય એમનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!



સિનેમાને પૈસા રળી આપતા ધંધા તરીકે નહીં પણ ઉત્તમ કળાસ્વરૂપ તરીકે ટ્રીટ કરતા ફ્લ્મિમેકરો હંમેશાં લઘુમતીમાં હોવાના. આશુતોષ એમાંના એક. હિન્દી ફ્લ્મિ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિભાશાળી, એલિટ અને સૌથી એકસકલુઝિવ ડિરેકટરોનું લિસ્ટ બનાવવામાં આવે તો તેમાં આશુતોષ ગોવારીકરને અનિવાર્યપણે ઊંચા પાયદાન પર મૂકવા પડે. એમણે જિંદગીમાં ફ્કત એક ‘લગાન’ (૨૦૦૧) જ બનાવી હોત અને આના સિવાય બીજું કશું જ કામ કર્યું ન હોત તો પણ હિન્દી સિનેમાનો ઈતિહાસ એમને હંમેશાં યાદ રાખત.
આશુતોષે જોકે ‘લગાન’ની પહેલાં અને પછી બીજું ઘણું કામ કર્યું છે. ‘સ્વદેસ’ (૨૦૦૪) શાહરુખ ખાનની શ્રેષ્ઠતમ ફ્લ્મિોમાંની એક ગણાય છે, જે ‘લગાન’ પછી આવી. ત્યાર બાદ રિતિક રોશન-ઐશ્વર્યા રાયની સુપરહિટ ‘જોધા-અકબર’ (૨૦૦૮) આવી. એમ તો અત્યંત નિરાશાજનક ‘વોટ્સ યોર રાશિ?’ (૨૦૦૯) અને લોકોનાં ચિત્તમાં જેનું ટાઈટલ, એકાદું વિઝ્યુઅલ કે ગીતની એકાદ કડી સુધ્ધાં નોંધાઈ નથી એવી અભિષેક બચ્ચન-દિપિકા પદુકોણની ભયંકર નિષ્ફ્ળ નિવડેલી ‘ખેલેંગે હમ જી જાન સ’ (૨૦૧૦) પણ આશુતોષ ગોવારીકરે જ બનાવી છે. છેલ્લે એમણે પ્રોડયૂસ કરેલી ‘એવરેસ્ટ’ (૨૦૧૫) નામની ટીવી સિરીઝ પાસેથી ઠીક ઠીક અપેક્ષાઓ હતી, પણ આ સીરિયલ પણ આશ્ચર્ય થાય તેટલી હદે મામૂલી સાબિત થઈ. આશુતોષના ચાહકો વિચારમાં પડી ગયેલા કે બાવન વર્ષીય ગોવારીકરસાહેબ પોતાનો મિડાસ ટચ ઉત્તરોત્તર ગુમાવી રહ્યા છે કે શું? શું એમની ક્રિયેટિવિટી અને સફ્ળતાનો ધડાધડ નીચે ઉતરી રહેલો ગ્રાફ્ ‘મોહેન્જો દારો’થી પાછો ઉપર ચડશે? ‘મોહેન્જો દારા’ આ શુક્રવારે ઓલરેડી રિલીઝ થઈ ચૂકી છે એટલે આ સવાલોના જવાબ મહદ્દઅંશે આપણને મળી ચૂકયા હશે.
(તાજા કલમઃ 'મોહેન્જો દારો' રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મે ઓડિયન્સ અને સમીક્ષકો સૌને અપેક્ષાભંગ કર્યો છે. અફ કોર્સ, આશુતોષની છેલ્લી બે ફિલ્મો 'વોટ્સ યોર રાશિ?' અને 'ખેલેંગે હમ જી જાન સે' કરતાં આ ફિલ્મ અનેક ગણી સુંદર છે, હૃતિકે અફલાતૂન પર્ફોમન્સ આપ્યું છે, ફિલ્મ વિઝ્યુઅલી મસ્ત લાગે છે વગેરે, પણ નબળી સ્ટોરીને કારણે ફિલ્મ જમાવટ કરતી નથી. એક્સાઈમેન્ટની જોરદાર કમી છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય પણ વાનગી ખાતાં ખબર પડે કે આમાં તો મારું બેટું મીઠું નાખવાનું જ ભુલાઈ ગયું છે યા તો બહુ ઓછું નમક પડ્યું છે ત્યારે કેવી ફીલિંગ થાય? બસ, 'મોહેન્જો દારો' જોતી વખતે અને જોયા પછી એક્ઝેક્ટલી આવી જ લાગણી જાગે છે.) 
આશુતોષના હવે પછીનાં કરીઅરમાં ગ્રાફ્ વિશે અટકળ બાંધતા પહેલાં એમની કારકિર્દીની શરૂઆતના તબક્કાનું સિંહાવલોકન કરી લેવું જોઈએ. આશુતોષ મૂળ તો અભિનેતા. કોલેજનાં વર્ષોમાં તેમનું ધ્યાન ભણવામાં ઓછું ને નાટક-ચેટક તેમજ ઈન્ટરકોલેજિયેટ કોમ્પિટીશન પર વધારે રહેતું. આવી જ કોઈ એકિટવિટી દરમિયાન ફ્લિમમેકર કેતન મહેતાનું ધ્યાન આ વાંકળિયા વાળવાળા અને બહુ જ કયુટ સ્માઈલ ધરાવતા લંબૂશ છોકરા પર પડી. કેતન મહેતાએ એમને પોતાની ‘હોલી’ (૧૯૮૪) નામની ઓફ્બીટ ફ્લ્મિમાં રોલ આપ્યો. કોલેજમાં થતા રેગિંગના થીમવાળી આ ફ્લ્મિનાં સેટ પર આશુતોષનો ભેટો એક નવાસવા એકટર સાથે થયો. એ છોકરો ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ વગેરે કરતો હતો ને એનેય એકટર બનવાનાં ધખારા હતા. આ છોકરાનું નામ હતું, આમિર ખાન.

આમિર તો ફ્લ્મિી પરિવારનું ફરજંદ હતો એટલે એને ‘કયામત સે કયામત તક’થી રીતસર હીરો તરીકે લોન્ચ કરવામાં આવ્યો. પહેલી જ ફ્લ્મિથી એ સ્ટાર બની ગયો ને સમયની સાથે ઈન્ડસ્ટ્રીમાં એનું સ્થાન મજબૂત બનતું ગયું. આ બાજુ આશુતોષ સફ્ળતા માટે હવાતિયાં મારતા રહૃાા. એમણે ‘સરકસ’ (૧૯૮૯) નામની સીરિયલ કરી (જેમાં એનો ભેટો ઓર એક ટેલેન્ટેડ નવા એકટર સાથે થયો હતો. એ દિલ્હીથી પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવ્યો હતો અને એનું નામ હતું શાહરૂખ ખાન), જે હજુ સુધી ખતમ થવાનું નામ લેતી નથી તે ‘સીઆઈડી’ સીરિયલમાં ય આશુતોષે થોડા એપિસોડ્સ કર્યા (૧૯૯૮). ‘નામ’ (૧૯૮૬), ‘સલીમ લંગડે પે મત રો’ (૧૯૮૯), ‘ચમત્કાર’ (૧૯૯૨), ‘કભી હાં કભી ના’ (૧૯૯૩) જેવી ફ્લ્મિોમાં નાના નાના રોલ્સ કર્યા, ખૂબ કોશિશો કરી, પણ આશુતોષ એક એકટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં ખુદને એસ્ટાબ્લિશ ન જ કરી શકયા.
એકટર તરીકે પોતાનું ખાસ કોઈ ભવિષ્ય નથી તે સત્ય આશુતોષને સમજાઈ ચુકયું હતું, પણ વાઘે લોહી ચાખી લીધું હતું. એમણે નક્કી કરી નાખ્યું હતું કે સિનેમા-ટીવી જ મારી દુનિયા છે. કરીઅર તો હું આ જ લાઈનમાં બનાવીશ. એકટર તરીકે કામ કરતી વખતે સેટ પર આશુતોષને ડિરેકટોને આસિસ્ટ કરવાની ખૂબ મજા પડતી. પોતાનો શોટ પૂરો થતાં જ તેઓ જાણે અનઓફ્શિીયલ આસિસ્ટન્ટ ડિરેકટર બની જતા. બીજા એકટરોને કયૂ આપવી, કલેપ આપવી વગેરે જેવાં કામો તેઓ કરતા રહેતા. ડિરેકટરો અને ટેકનિશીયનોને જાતજાતનાં સવાલો પૂછે, જાણવાની-સમજવાની કોશિશ કરે. આમ, ફ્લ્મિમેકિંગની એ-બી-સી-ડી આશુતોષ અનાયાસે શીખતા ગયા. અમોલ પાલેકર (જેની ‘કચ્ચી ધૂપ’ નામની ટીનેજરો માટેની મસ્ત સીરિયલમાં આશુતોષે અભિનય કરેલો), સઈદ મિરઝા, મહેશ ભટ્ટ, કુંદન શાહ જેવા કાબેલ ડિરેકટરો સાથે આશુતોષે એકટર તરીકે કામ કર્ર્યુ છે. આમ જુઓ તો આમાંનાં કોઈ આશુતોષના ગુરુ નથી. આશુતોષ એકલવ્યની જેમ સીરિયલ તેમજ ફ્લ્મિમેકિંગની પ્રોસેસ શીખ્યા છે. આશુતોષમાં જોકે એકલવ્યભાવ ગેરહાજર હતો. તેઓ માનતા કે હું જ મારો ગુરુ છું, હું બધું આપબળે શીખ્યો છું. આ પ્રકારનો આત્મવિશ્વાસ જ નહીં, તુમાખી પણ એમનામાં હતાં. આશુતોષે પોતાનું ભવિષ્ય નવેસરથી રિ-ડિફઈન કર્યું: એકટર તરીકે આગળ વધી શકાય તેમ નથી તો શું થઈ ગયું, હું ડિરેકટર બનીશ!
સહાયક દિગ્દર્શક તરીકેનો કોઈ નોર્મલ અનુભવ ન હોવા છતાં એકટર તરીકે નિષ્ફ્ળ ગયેલા આશુતોષને ૨૮ વર્ષની ઉંમરે ડિરેકટર તરીકે પહેલો બ્રેક મળ્યો. તે ફ્લ્મિ હતી, ‘પહલા નશા’ (૧૯૯૨). દીપક તિજોરી, રવિના ટંડન અને પૂજા ભટ્ટે એમાં એકિટંગ કરી. આ મર્ડર મિસ્ટરી બોકસઓફ્સિ પર ન ચાલી ને રિવ્યૂઅરોએ તેને ધોઈ નાખી. આશુતોષ ની હિંમત ન થઈ. તેમણે ‘બાઝી’ (૧૯૯૫) નામની બીજી ફ્લ્મિ બનાવી, જે હોલીવૂડની ‘ડાઈ હાડૅ’ પર આધારિત હતી. બોલીવૂડમાં મસ્ત રીતે સેટ થઈ ગયેલા આમિર ખાન તેમાં હીરો હતા. આશુતોષે ધ્યાન રાખ્યું કે ‘બાઝી’ બનાવતી વખતે એક પણ ફ્લ્મિી મસાલો ભુલાઈ જવો ન જોઈએ. મારધાડ, નાચગાના, એકશન-ઈમોશન બધું જ તેમણે સારી પેઠે ભભરાવ્યું. અરે, આમિર પાસે છોકરીનો વેશ ધારણ કરાવીને સેકસી ડાન્સ પણ કરાવ્યો. પરિણામ? ફ્લોપ. આ મસાલા ફ્લ્મિ ન ઓડિયન્સને ગમી, ન વિવેચકોેએ વખાણી. ડિરેકટર તરીકે બનાવેલી બન્ને ફ્લ્મિો ઉપરાછાપરી ફ્લોપ. હવે? એકટરની જેમ ડિરેકટર તરીકેના ભવિષ્ય પણ પણ તાળું લાગી જશે?
આમિરે ‘બાઝી’માં કામ જરૂર ર્ક્યું, પણ એમની સેન્સિબિલિટી સાથે આ ફ્લ્મિ જરાય મેચ થતી નહોતી. ઈવન આશુતોષ પણ ક્રિએટિવ લેવલ પર ‘બાઝી’થી સંતુષ્ટ નહોતા. તેઓ જાણતા હતાં કે મારધાડ ટાઈપના કમર્શિયલ મસાલાનો ઓવરડોઝ હું ફ્ક્ત બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને કરી રહૃાો છું. જોકે ‘બાઝી’ને કારણે એક સરસ વાત બની. આમિરને સમજાયું કે આશુતોષે ‘બાઝી’ બનાવવામાં લોચા માર્યા છે, પણ આ છોકરો છે ભારે તેજસ્વી. આમિર આશુતોષને કહેતા,’આશુ, તું જે કંઈ બનાવી રહૃાો છે તેમાં તું ખુદ કન્વિન્સ્ડ નથી, તો ઓડિયન્સ કયાંથી કન્વિન્સ થવાનું? જો ડિરેકટર તરીકે તારામાં સેલ્ફ્-બિલીફ્ નહીં હોય, જો તું હિંમત નહીં કરે તો તું કયારેય સારો ડિરેકટર નહીં બની શકે.’
આશુતોષને જોકે આવી બધી શિખામણોની જરૂર જ નહોતી. આશુતોષ ખુદ અનુભવે સમજી ચુકયાં હતા કે મારે મારો અપ્રોચ બદલવો પડશે. જે થતું હોય છે તે સારા માટે થતું હોય છે. જો ‘બાઝી’ કે ‘પહલા નશા’ આ બેમાંથી એકાદ ફ્લ્મિ પણ ચાલી ગઈ હોત તો આશુતોષ કયારેય ‘લગાન’ જેવો માસ્ટરપીસ શકયા ન હોત. તેમને નિષ્ફ્ળતાનાં મોટા ઝટકા લાગ્યા ન હોત તો તેઓ ‘બાઝી’ – ‘પહલા નશા’ ટાઈપની મામૂલી ફ્લ્મિો બનાવ્યા કરત. ડિરેકટર તરીકેની પોતાની બન્ને ફ્લ્મિો ઊંધાં મોંએ પછડાઈ એટલે આશુતોષે આત્મમંથન કરવું પડયું, ક્રિએટિવ ગુપ્તવાસમાં જતા રહેવું પડયું. આખરે માનસિક સ્પષ્ટતા થઈ. એમણે નક્કી કર્યું કે હવે હું બોકસઓફ્સિને ધ્યાનમાં રાખીને ફ્લ્મિ નહીં જ બનાવું. આ બધાં ઉધામા મેં કરી લીધા છે ને એનું પરિણામ પણ જોઈ લીધું છે. બોકસઓફ્સિનું કયાં કશું નક્કી હોય છે? ઓડિયન્સને શું ગમશે તેની કલ્પનાઓ કરીને હવામાં તીર ચલાવવાને બદલે મને ખુદને ગમે એવી ફ્લ્મિો કેમ ન બનાવું? હું ટ્રેન્ડને નહીં અનુસરું. રિસ્ક ઉઠાવવું પડે તો ઉઠાવીશ. મહાન ફ્લ્મિમેકરોએ કયારે બોકસઓફ્સિને ગણકારી હતી? પોતાનાં સપનાંની દુનિયામાં વિહરતા કવિની વાત કરતી ‘પ્યાસા’ કે કલકત્તામાં હાથરિક્ષા ચલાવતા ગરીબ માણસની ‘દો બીઘા જમીન’ લેન્ડમાર્ક ફ્લ્મિો બનશે એવું કોણે કહ્યું હતું? તો બસ, હું પણ એવી જ ફ્લ્મિ બનાવીશ, જેમાં મને ખૂદને ભરપૂર શ્રદ્ધા હોય. જેમાં મારું મન માનતું ન હોય તેવી સ્ક્રિપ્ટને હાથ પણ નહીં લગાડું.

આ પ્રકારના ખુન્નસ સાથે આશુતોષે ૧૯૯૬નાં ઓકટોબરમાં સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું. આ સ્ક્રિપ્ટ પરથી જે ફ્લ્મિ બની તે જ ‘લગાન’ (૨૦૦૧). હિન્દી સિનેમાની આ સર્વકાલિન કલાસિક ફ્લ્મિ ખરેખર કેવી રીતે બની તે વિશે આખું પુસ્તક લખાયું છે.
સો વાતની એક વાત. જો ‘મોહેન્જો દારો’ મસ્તમજાની પુરવાર થશે (જે કમનસીબે નથી થઈ) તો એ અપેક્ષિત ગણાશે. ધારો કે તે આશુતોષની છેલ્લી બે ફ્લ્મિોની તે માફ્ક નિરાશાજનક સાબિત થશે તો ય આશુતોષનાં નામનું નાહી નાખવાની જરૂર નથી. આ એવો કલાકાર છે જેનો માંહોલ હજુ સુધી ‘કરપ્ટ’ થયો નથી… અને ચોખ્ખો માંહોલ ધરાવતો ટેલેન્ટેડ માણસ ગમે ત્યારે ચમત્કાર સર્જી શકતો હોય છે!
શો-સ્ટોપર
મને બીજું કોઈ કામ કરતાં કયારેય આવડયું જ નથી. હું જાતજાતનાં  ઉંધામાં કરવાનાં ટ્રાય કરતો, પણ દર વખતે ઊંધા મોંએ પછડાતો એટલે ચુપચાપ પાછો એકિટંગ કરવા માંડતો.
– મનોજ બાજપાઈ

Saturday, July 28, 2012

‘હું સ્તબ્ધ છું!’


દિવ્ય ભાસ્કર  - રવિવાર પૂર્તિ  - ૨૯ જુલાઈ ૨૦૧૨ માટે 

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’નો આજે અંતિમ એપિસોડ પ્રસારિત થઈ રહ્યો છે ત્યારે મળો, શોના ટેલેન્ટેડ ડિરેક્ટર, સત્યજિત ભટકળને...



‘આજે દોઢ-બે વર્ષ પછી પહેલીવાર એવું બન્યું છે કે થોડોક રિલેક્સ છું અને મારા પર કામનું પ્રેશર નથી...’ મુંબઈમાં બાંદરા સ્થિત એમઆઈજી ક્લબની રેસ્ટોરાંમાં પોતાની જિમબેગ બાજુમાં મૂકીને સત્યજિત ભટકળ સ્મિતપૂર્વક વાતચીતની શરુઆત કરે છે. સત્યજિત ભટકળ એટલે સીમાચિહ્નરૂપ બની ગયેલા ટીવી શો ‘સત્યમેવ જયતે’ના ડિરેક્ટર. આજે ‘સત્યમેવ જયતે’નો તેરમો અને અંતિમ એપિસોડ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે ત્યારે તેઓ સમગ્રા અનુભવને નિહાળે છે?

‘આઈ એમ સ્ટન્ડ!’ તેઓ કહે છે, ‘ખરેખર, ‘સત્યમેવ જયતે’એ જે વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એણે કંઈકેટલાય સ્તરો પર જે નક્કર પ્રતિક્રિયાઓ જન્માવી છે એ જોઈને અમે બધા સ્તબ્ધ છીએ. અમારામાંથી કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યુ કે આ શો આટલી ઊંચાઈ પર પહોંચી શકશે.’

આ સિલસિલાની શરૂઆત થઈ હતી બે વર્ષ પહેલાં. એક વાર આમિર ખાન અને સત્યજિત ભટકળ એમ જ વાતો કરતા બેઠા હતા. સત્યજિત અને આમિર બાળપણના દોસ્તો છે. વકીલ તરીકે દસ વર્ષ પ્રેક્ટિસ કર્યા પછી સત્યજિત ‘લગાન’ની ટીમમાં પ્રોડક્શન એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈને ટીમનો અંતર્ગત હિસ્સો બની ગયા હતા. આ ઓસ્કરનોમિનેટેડ ફિલ્મના ઘટનાપ્રચુર મેકિંગ વિશે પછી એમણે ‘ધ સ્પિરિટ ઓફ લગાન’ નામનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું અને ‘ચલે ચલો’ (અથવા ‘મેડનેસ ઈન ધ ડેઝર્ટ’) નામની અફલાતૂન ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી, જેણે નેશનલ અવોર્ડ જીત્યો. એ પછી એમણે ‘બોમ્બે લોયર્સ’ નામની મિની સિરીઝ લખી અને ડિરેક્ટ કરી, જે ખૂબ વખણાઈ. દર્શિલ સફારીને લઈને ‘ઝોક્કોમોન’ નામની એક બાળસુપરહીરોની થીમવાળી ફિલ્મ પણ બનાવી. પેલી અનૌપચારિક મિટીંગમાં આમિરે કહ્યુંઃ સત્યા, મારા મનમાં એક ટીવી શો કરવાનો વિચાર આવી રહ્યો છે. મને ગેમ શો કે એવું કશું આકર્ષતું નથી, પણ હું એવો શો બનાવવા માગું છું જે ટેલીવિઝનના જબરદસ્ત પાવરનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે અને જેનું સ્વરૂપ ટોકશો પ્રકારનું હોય. શું લાગે છે તને?  

સત્યજિતે આમિરને જે આઈડિયાઝ આપ્યા એ એવા હતા કે આ શો એવો હોવો જોઈએ જે આમજનતાને સૌથી વધુ સ્પર્શતા મુદ્દાઓની વાત કરતો હતો. એનું સ્વરૂપ સનસનાટીનું કે આક્ષેપબાજીનું નહીં, પણ ઈન્ક્લુઝિવ એટલે કે સૌને સમાવી લેતું હોય.  એમાં ‘આપણી’ વાત હોય, ‘તમારી’ કે ‘એ લોકોની’ નહીં. કોઈ પણ સમસ્યાનું સ્વરૂપ, એનાં કારણો અને એ નિવારવાના ઉપાયો આ ત્રણેય બાબતોને તે આવરી લેતો હોય. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારી વચ્ચે ઘણી ચર્ચા થઈ. હું તો જોકે પછી એ વાત ભુલી ગયો હતો. પાંચછ વીક પછી અચાનક આમિરે મને કહ્યુંઃ સત્યા, આપણે કામ શરૂ કરી દઈએ. તું તારી ટીમ બનાવવા માંડ.’



સત્યજિતની ટીમના સૌથી પહેલાં સભ્યો હતાં કેટલાંય પ્રતિષ્ઠિત અંગ્રાજી પ્રકાશનોમાં પત્રકાર રહી ચુકેલાં એમનાં પત્ની સ્વાતિ ચક્રવર્તી ભટકળ અને આમિરસત્યજિતનના જૂના સાથી લાન્સી ફર્નાન્ડિઝ. પછી શોના અસોસિએટ ડિરેક્ટર અને લેખક સુરેશ ભાટિયા પણ જોડાયા. સૌએ નક્કી કર્યુર્ં કે શોના ફોર્મેટની ચિંતા કર્યા વગર આપણે પહેલાં તો દેશમાં ફરીએ, આપણને કેવું મટીરિયલ મળે છે એ જોઈએ. આ ટીમે ભારતભરમાં રખડીને રીતસર છ ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી (એમાંની એક સ્ત્રીભ્રૂણહત્યા વિશેની હતી). સત્યજિત કહે છે, ‘આ એક્સરસાઈઝને કારણે અમને ઝાંખો ઝાંખો આઈડિયા મળવા લાગ્યો કે ઓકે, અમારા ટીવી શોનું કન્ટેન્ટ કંઈક આ પ્રકારનું હશે, મટિરીયલને આ રીતે ફ્લો કરી શકાશે. એક વાતે અમે બિલકુલ સ્પષ્ટ હતા કે શો ઈન્ટેસ્ટિંગ બનવો જોઈએ, એકેડેમિક નહીં. એમાં નકરી માહિતીનો ખડકલો નહીં હોય, પણ એ લાગણીઓની ભાષા બોલતો હશે. અમે શોમાં આવરી શકાય એવા ૨૦ વિષયોનું લિસ્ટ બનાવ્યું. એમાંથી આખરે ૧૩ વિષયો ફાયનલાઈઝ કર્યા.’

પછી શરૂ થયું રીસર્ચવર્ક. સેંકડો પુસ્તકો, ન્યુઝપેપરમેગેઝિનનાં હજારો કટિંગ્સ અને ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના ગંજ ખડકાયા. હવે સમય હતો ટીમને વિસ્તારવાનો. સ્વાતિ ચક્રવર્તી ભટકળે દેશભરમાંથી ૮ થી ૯ કોરસ્પોન્ડન્ટ પસંદ કર્યા. ત્રણ દિલ્હીમાં, ચાર મુંબઈમાં અને એક દક્ષિણ ભારતમાં. ‘સત્યમેવ જયતે’માં દેશના ખૂણેખૂણાને જે રીતે આવરી લેવામાં આવ્યા છે એ જોતા દશર્કને સહેજે લાગે કે આમિર પાસે કોરસપોન્ડન્ટ્સની જબરદસ્ત મોટી ફોજ હશે, પણ સચ્ચાઈ તદ્દન વિપરીત છે. આટલું વિરાટ ફિલ્ડવર્ક માત્ર આ ૮ થી ૯ પત્રકારોએ કર્યુર્ં છે! સત્યજિત ભટકળ કહે છે, ‘અમે બધાં જ સખ્ખત ચાર્જડઅપ હતા, ઝનૂની હતા. હું હંમેશા માનતો આવ્યો છું કે મોટા કાફલા કરતાં નાની પણ મજબૂત અને મોટિવેટેડ ટીમ હંમેશા વધારે સારું પરિણામ આપે છે. મારે એવા માણસો જોઈતા હતો જે પોતાના કામને કામ નહીં એક પેશન ગણે.’

આખરે ૨૫ ફેબ્રુઆરીએ યશરાજ સ્ટુડિયોના સાવ સાદા સેટ પર શૂટિંગ શરૂ થયું, જે મેના અંત સુધી ત્રૂટકત્રૂટક ચાલ્યું. વચ્ચેના  ખાલી દિવસોમાં પોસ્ટપ્રોડક્શન તેમજ આગલા એપિસોડની તૈયારીઓ થાય. એક એપિસોડના શૂટિંગ દરમિયાન ચારથી આઠ કલાકનું ફૂટેજ મળે, જેને વ્યવસ્થિત કાપીકૂપીને, એડિટ કરીને ૬૬ મિનિટમાં સમાવી લેવું પડે.

‘સત્યમેવ જયતે’ના પહેલા જ એપિસોડથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતીઃ આ શોમાં કન્ટેન્ટ કેન્દ્રમાં છે, આમિર ખાન નહીં. આમિરે પોતાના ઓડિયન્સને આંજી નાખવાનો કોઈ પ્રયાસ કર્યો નથી. શો જોતી વખતે દર્શકનું ધ્યાન સુપરસ્ટાર આમિર ખાન પર, એની અદાઓ પર કે એના કપડાં પર રહ્યું નહીં, બલકે એ વિષય સાથે વહેતો ગયો. આઘાત, અરેરાટી, કારુણ્ય કે પછી આશા, આનંદ અને જુસ્સાની લાગણીને દર્શક એટલી તીવ્રતાથી અનુભવતો હોય કે આ શોમાં આમિર જેવો સુપરસ્ટાર પણ છે એ હકીકત એકતરફ હડસેલાઈ જાય, લગભગ ભુલાય જાય. શો પર હાજર રહેતા મહેમાનો આમિરથી અંજાયેલા હોય એવું પણ ક્યારેય લાગ્યું નથી.



‘બિલકુલ! આ શોમાં મહેમાનો જ અસલી સ્ટાર હતા, આમિર નહીં,’ સત્યજિત કહે છે, ‘તમે નોંધ્યું હશે કે ૭૦ થી ૭૫ ટકા જેટલી વાતો મહેમાનોએ કરી છે. અમે ટીવી ચેનલોની ચર્ચાઓમાં કાયમ દેખાતા છાપેલા કાટલા જેવા વીસપચ્ચીસ ચહેરાઓથી દૂર જ રહ્યા. અમારા માટે આ શોને ઝાકઝમાળભર્યો બનાવવો સાવ આસાન હતું. અમે ધારત તો કંઈકેટલાય સેલિબ્રિટીઓને આ શોમાં બોલાવીને ગ્લેમર ઉમેરી શક્યા હોત. શોની એન્ટટેનિંગ વેલ્યુ વધારવા માટે આમિરે નથી ક્યારેય પોતાની ફિલ્મનો ડાયલોગ બોલ્યો કે નથી કોઈ ગીત લલકાર્યું. અમે શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે અમારે આ બધામાં પડવું જ નથી.’

શોમાં બે જ જાણીતા ચહેરા દેખાયેલા  જાવેદ અખ્તર, જેમણે પોતાના દારૂના જૂના વ્યસન વિશે વાત કરેલી અને બીજા ગાયક સુખવિન્દર સિંહ, જેણે એક ગીત ગાયું હતું. ‘સત્યમેવ જયતે’નાં ગીતો પણ ખૂબ વખણાયાં છે. સત્યજિત ભટકળ કહે છે, ‘અમારે એવો સંગીતકાર જોઈતો હતો જે આ શો સાથે તીવ્રતાથી જોડાઈ શકે, લાગણીના સ્તરે આ શોને પોતાનો બનાવી શકે. અમારી આ જરુરિયાત રામ સંપટે પૂરેપૂરી સંતોષી છે. એમના કામથી હું અત્યંત ખુશ છું.’  

આમિર જે પ્રોજેક્ટ હાથમાં લે છે એમાં પોતાની જાતને રીતસર ફેંકી દે છે. સત્યજિત કહે છે, ‘છેલ્લા બે વર્ષથી આમિરના સમય પર મારી સંપૂર્ણ મોનોપોલી હતી! મારી એક જ ‘સૌતન’ હતી  આમિરનું ‘ધૂમથ્રી’ માટેનું ત્રણચાર કલાકનું એક્સરસાઈઝ રુટિન! બસ, એ સિવાયનો એનો તમામ સમય ‘સત્યમેવ જયતે’નો!’

આમિરની કામ કરવાની શૈલી વિશે સત્યજિત સરસ વાત કરે છે. એ કહે છે, ‘આમિર મજૂર માણસ છે. એ પોતાના પ્રોજેક્ટસ પર એટલી હદે મહેનત કરે છે કે નવાઈ પામી જવાય. એક ઉદાહરણ આપું. અમે લોકો આખો દિવસ એપિસોડનું શૂટિંગ કરીને, લોથપોથ થઈને રાત્રે બારસાડાબારે છૂટા પડીએ ત્યારે આમિરના ઘરે માર્કેટિંગની ટીમ મિટીંગ માટે રાહ જોઈને બેઠી હોય! એણે મને એકબે વખત આ મિટીંગમાં હાજર રહેવા માટે કહેલું, પણ પછી મારે કહેવું કહ્યું કે આમિર, હું એટલો બધો થાકેલો છું કે... આઈ કેન નોટ ફોકસ! પણ આમિરે આ મિટીંગ માટે પણ પહેલેથી તૈયારી કરી રાખી હોય, એ પૂરેપૂરો એલર્ટ હોય.  આ માણસનું ઈન્વોલ્વમેન્ટ, એનું ડેડિકેશન, એની સજ્જતા, એનું એનર્જી લેવલ... ખરેખર, ખૂબ શીખવા જેવું છે એની પાસેથી.’    
‘સત્યમેવ જયતે’નો જાદુ તમામ ઉંમરના દર્શકોથી લઈને છેક વડાપ્રધાન સુધી છવાયોે. આ શોના નક્કર પ્રભાવની ખબરો મિડીયામાં આવતી રહે છે. સામે પક્ષે, આ શોની અને વ્યક્તિગત રીતે આમિરની ટીકા પણ ખૂબ થઈ છે. આને ‘સત્યમેવ જયતે’ની ટીમ શી રીતે રિએક્ટ કરે છે?



‘વિથ અ સ્માઈલ!’ સત્યજિત હસી પડે છે, ‘જો શોની ટીકા ન થઈ હોત તો અમને ચિંતા થઈ જાત! આમાં તો એવું છે કે તમે ગમે એટલું કરો તો પણ ઓછું જ લાગવાનું. કંઈક ને કંઈક તો બાકી રહી જ જવાનું. જેમ કે, પાણીની તંગીવાળા એપિસોડમાં અમારે ગુજરાતને આવરી લેવાની જરૂર હતી, કારણ કે અહીં રેઈનવોટર હાર્વેસ્ટિંગ પર સરસ કામ થયું છે. જેતે મુદ્દાનું જટિલતા ઘટી ગઈ હોય અને વિષયનું ઓવરસિમ્પિલિફિકેશન (અતિસાધારણીકરણ) થઈ ગયું હોય એવું લગભગ દરેક વખતે બન્યું છે. જોકે એક વાતે અમે સ્પષ્ટ હતા કે આખરે તો આ એક ટીવી શો છે, એનાથી કંઈ ક્રાંતિ આવી જવાની નથી. સમાજની વિષમતા ઓછું કરવાનું કામ સ્વતંત્ર કાર્યકર્તાઓ, સંસ્થાઓ અને ઈવન સરકારો પહેલેથી કરે જ છે. અમે મૂંગે મોઢે કરતાં એ અજાણ્યા ચહેરાઓને પ્રકાશમાં લાવવાનું કાર્ય કર્યુ છે. દારુના દૂષણવાળા એપિસોડમાં અમે ‘આલ્કોહોલિક એનોનિમસ’ નામની સંસ્થાની વાત કરી હતી. એ એપિસોડ ટેલિકાસ્ટ થયો પછી સંસ્થાને ૧ લાખ ૬૦ હજાર કરતાં વધારે ફોન આવ્યા. માની લો કે આમાંથી માત્ર ૧૦ ટકા નશાખોરોને પણ ફાયદો થયો તો પણ એ કેટલી મોટી વાત છે!’

આમિરે તો જાહેર કરી દીધું છે ‘સત્યમેવ જયતે’ની બીજી સિઝન જરૂર આવશે. જોકે સત્યજિત ભટકળ કહે છે કે સામૂહિક નિર્ણય લેવાનો હજુ બાકી છે.

‘આ શોએ અમને આખેઆખા નીચોવી નાખ્યા છે.  પહેલાં તો આ આખો અનુભવ પચાવવો પડશે, એનાથી ડિટેચ થઈને પૃથક્કરણ કરવું પડશે. અમારા પ્લસ પોઈન્ટ્સ, માઈનસ પોઈન્ટ્સ, ભુલો એ બધું સમજવું પડશે... અને એના માટે સમય જોઈશે. છેલ્લા દોઢબે વર્ષમાં મેં માત્ર છ દિવસ રજા લીધી છે. એટલે અત્યારે તો મને એક જ વસ્તુ દેખાય છે.... આરામ!’  

શો-સ્ટોપર

બીજા પ્રોડ્યુસરો પર આધાર રાખ્યા વિના મારી ફિલ્મો હું પોતે જ પ્રોડ્યુસ કરી શકું છું. આહા... આનાથી બહેતર મુક્તિનો અહેસાસ બીજો કોઈ ન હોઈ શકે! 

-  સૈફ અલી ખાન