Showing posts with label શાંતનુ નારાયણ. Show all posts
Showing posts with label શાંતનુ નારાયણ. Show all posts

Wednesday, November 27, 2019

મને જૂની લડાઈઓમાં નહીં, નવાં યુદ્ધોમાં રસ છે!


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 27 Nov 2019 બુધવાર 
ટેક ઓફ 
'નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.

પણે હજુ ભારતીય કુળના સુપર સીઈઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર)ની વાત માંડી જ હતી ત્યાં ઑર એક સરસ ન્યુઝ આવ્યા છે. પ્રતિષ્ઠિત ફૉર્ચ્યુન મૅગેઝિને માઇક્રોસોફ્ટના હૈદરાબાદી સીઇઓ સત્યા નડેલાને બિઝનેસપર્સન ઑફ ધ યર 2019 ઘોષિત કર્યા છે. થોડા દિવસો પહેલાં હાર્વર્ડ બિઝનેસ રિવ્યુએ વર્લ્ડક્લાસ કંપનીઓ ચલાવતા દુનિયાના સો સર્વશ્રેષ્ઠ સીઈઓની સૂચિ બહાર પાડી હતી, જેમાં ત્રણ નૉન રેસિડન્ટ ઇન્ડિયન્સ ટૉપ-ટેનમાં સ્થાન પામ્યા છે -   અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). અજય બંગાના સક્સેસ ફન્ડા વિશે આપણે ગયા બુધવારે વિગતે વાત કરી હતી. આજે બાકીના બે સીઈઓનો વારો.
કમ્પ્યુટર સાથે પનારો પડતો હશે તે વાચકો ફોટોશોપ સોફ્ટવેર અને પીડીઓફ ફાઇલથી સારી રીતે પરિચિત હોવાના. આ બન્ને અડોબી કંપનીની પ્રોડક્ટ્સ છે. આ સિવાય ઇલસ્ટ્રેટર, પેજમેકર, ઇનડિઝાઇન, પ્રીમિયર પ્રો જેવાં અડોબી કંપનીનાં બીજાં કેટલાંય સોફ્ટવેર્સ દુનિયાભરમાં લોકપ્રિય છે. 2007માં અડોબીના સીઇઓ બનેલા શાંતનુ નારાયણનો સૌથી મોટો સિદ્ધાંત આ છેઃ પ્રિઝર્વીંગ સ્ટેટસ કૉ ઇઝ નોટ અ વિનિંગ બિઝનેસ સ્ટ્રૅટેજી. આનો અર્થ છે, જે છે, જેટલું છે એટલું સાચવીને બેસી રહેવાથી જંગ જીતી શકાશે નહીં. સમયની સાથે બદલાવ તો લાવવો જ પડે.
શાંતનુ સીઈઓ બન્યા તે પહેલાં પણ અડોબી કંપની ફોટોશોપ, પેજમેકર જેવા સોફ્ટવેર વેચતી જ હતી. એક વાર ગ્રાહકને સોફ્ટવેરનું બૉક્સ વેચીને પછી ભૂલી જવાનું. માત્ર અડોબી જ નહીં, સોફ્ટવેર બનાવતી તમામ કંપનીઓ આમ જ કરતી હતી. અડોબીના વડા બન્યા પછી શાંતનુએ નિર્ણય લીધો કે આપણે પ્રોડક્ટ્સ નહીં, પણ સબસ્ક્રિપ્શન (લવાજમ) વેચીશું. ગ્રાહકો લવાજમ ભરે એટલે અમુક સમયગાળા માટે જ તેઓ આપણા ફોટોશોપ અને અન્ય સોફ્ટવેર વાપરી શકે. આપણે ગ્રાહકો સાથે સતત રિમોટલી જોડાયેલા રહેવાનું. સમયમર્યાદા પૂરી થાય એટલે ગ્રાહકો નવેસરથી લવાજમ ભરવું પડે. લવાજમ ન ભરે તો તેઓ સોફ્ટવેર ન વાપરી શકે.

અગાઉ આવું કોઈએ ક્યારેય કર્યું નહોતું. સોફ્ટવેર્સનાં વેચાણની આખેઆખી સ્ટ્રૅટેજીને ધરમૂળથી બદલી નાખવામાં ખૂબ મોટું જોખમ હતું, પણ શાંતનુએ પોતાની ટીમને કન્વિન્સ કરી. નિર્ણય અમલમાં મૂકાયો. અડોબીએ દાખલ કરેલું આ સબસ્ક્રિપ્શન મૉડલ એટલું બધું સફળ નીવડ્યું કે સોફ્ટવેરની દુનિયા ખળભળી ગઈ. ડિજિટલ માર્કેટિંગની આખી નવી બજાર ખૂલી ગઈ. માઇક્રોસોફ્ટ જેવી આઇટી સેક્ટરની જાયન્ટ કંપનીએ સુધ્ધાં આ મોડલ અપનાવવું પડ્યું. શાંતનુએ વર્ષો પહેલાં ભવિષ્ય ભાખેલું કે આવનારો સમય ડિજિટલ માર્કેટિંગનો હશે. એમની ભવિષ્યવાણી યથાતથ સાચી પડી છે.
શાંતનુ નારાયણ ડિસેમ્બર 2007માં અડોબીના સીઈઓ બન્યા તે પછી કંપનીના શેરમાં 600 ટકા ઉછાળો નોંધાયો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 24 બિલિયન ડૉલર હતું. શાંતનુએ સંચાલન સંભાળ્યું પછી આ આંકડો વધીને 125 બિલિયન ડૉલર (8960 અબજ રૂપિયા)ને સ્પર્શી ગયો છે.
શાંતનુ નાના હતા ત્યારથી એમનામાં પાર વગરની કુતૂહલવૃત્તિ હતી. તેમની ઇચ્છા પત્રકાર બનવાની હતી. તેઓ જોકે બન્યા એન્જીનિયર, પણ એમની કુતૂહલવૃત્તિ આજ સુધી યથાવત્ રહી છે. તેઓ કહે છે, અમે તો છીએ જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના બિઝનેસમાં. ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી (બૌદ્ધિક ઉત્સુકતા)ને, નવા પ્રયોગોને અને અખતરાઓને અમે ખૂબ પ્રોત્સાહન આપીએ છીએ. 
શાંતનુ નારાયણે ગયા વર્ષે લાસ વેગાસમાં અડોબી કંપનીના તેર હજાર કર્મચારીઓ માટે એક વિરાટ સંમેલન યોજ્યું હતું. તેમાં એમણે કહેલી એક વાત સોફ્ટવેર સિવાયની પ્રોડક્ટ્સને પણ લાગુ પડે તેવી છે. તેમણે કહ્યું હતું કે, એક જ પ્રકારની વસ્તુ જુદી જુદી કેટલીય કંપનીઓ બનાવતી હોય છે. આ બધી પ્રોડક્ટસની ગુણવત્તામાં કંઈ ઝાઝો ફર્ક હોતો નથી. આજે લોકો એક્સપિરીયન્સ ખરીદે છે, પ્રોડક્ટ નહીં. તમારી પ્રોડક્ટ વાપરતી વખતે ગ્રાહકને મજા આવવી જોઈએ. તેમને પ્રોડક્ટ વિશેની અમુક જ વિગતો યાદ રહેશે, પણ પ્રોડક્ટ વાપરવાનો અનુભવ તેઓ નહીં ભુલે. કોઈ પણ બ્રાન્ડ સાથે આ જ રીતે ગ્રાહકનું સંધાન થતું હોય છે. તમારી પ્રોડક્ટની ડિઝાઇન જેટલી ઉત્તમ હશે, ગ્રાહકનો અનુભવ એટલો જ સુખદ પૂરવાર થવાનો.
છેલ્લે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાની વાત કરીએ. દુનિયામાં જબરદસ્ત ટેકનોલોજીકલ ક્રાંતિ આણીને આપણા સૌની લાઇફસ્ટાઇલ પર તીવ્ર અસર પેદા કરનારી સૌથી મહત્ત્વની કંપનીઓમાં માઇક્રોસોફ્ટનું નામ મોખરે ગણાય. બિલ ગેટ્સ તો માઇક્રોસોફ્ટ સ્થાપના કરીને, કંપનીને ઊંચાઈ પર પહોંચાડીને સીઈઓના પદ પરથી 2000ની સાલમાં રિટાયર થઈ ગયા હતા. સ્ટીવ બમર નામના મહાશયને નવા સીઇઓ બનાવવામાં આવ્યા ને તે સાથે જ માઇક્રોસોફ્ટની અધોગતિ શરૂ થઈ. 2014માં જ્યારે સત્યા નડેલાને નવા સીઇઓ તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે કંપનીની અતિ વિચિત્ર અવસ્થામાં હતી. માઇક્રોસોફ્ટે નોકિયા કંપની સાથે કરેલું મોંઘુંદાટ જોડાણ નિષ્ફળ પૂરવાર થયું હતું. માઇક્રોસોફ્ટની ખુદની પ્રોડક્ટ વિન્ડોઝ-એઇટને સાવ ઠંડો આવકાર મળ્યો હતો. કંપનીના શેર ગગડીને ભયજનક સપાટીએ પહોંચી ગયા હતા. માઇક્રોસોફ્ટની આભા ઝાંખી પડી ગઈ હતી. ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં થયેલી નવી નવી કેટલીય લોકપ્રિય શોધો (સોશિયલ મીડિયા વગેરે)ની બસ માઇક્રોસોફ્ટ ચુકી ગયું હતું. આવી સ્થિતિમાં કંપનીના વડા બનવું કેટલું પડકારજનક હોવાનું તે સમજી શકાય છે.

સત્યાએ એક જગ્યાએ સરસ કહ્યું છે, મને જૂની લડાઈઓમાં રસ નથી. મારે નવાં યુદ્ધો લડવાં છે. સત્યાએ સીઈઓની પોસ્ટ સંભાળ્યા બાદ કેટલાક કપરા નિર્ણયો લીધા. સૌથી પહેલાં તો નોકિયા સાથેનું જોડાણ રદ કર્યું. જે બસ ચૂકાઈ ગઈ છે એની પાછળ દોડવાને બદલે ક્લાઉડ સર્વિસ  જેવા નવા ઊભરી રહેલા માર્કેટ તરફ નજર દોડાવી. ત્રણ વર્ષમાં જાણે જાદુ થયો. માઇક્રોસોફ્ટનો આર્થિક વિકાસ 84 ટકા જેટલો વધી ગયો. કંપનીના શેરનો ભાવ એટલો ઊંચકાઈને એવી સપાટીએ પહોંચ્યો જેટલો બિલ ગેટ્સ વખતે પણ નહોતો પહોંચ્યો. છેલ્લા આર્થિક વર્ષમાં માઇક્રોસોફ્ટે કરેલી ચોખ્ખી આવકનો આંકડો જ 39.2 બિલિયન ડોલર (2810 અબજ રૂપિયા) જેટલો છે. સત્યાના રાજમાં માઇક્રોસોફ્ટ બ્રાન્ડ માત્ર આળસ મરડીને માત્ર બેઠી નથી થઈ, બલકે, ધમધમાટ કરતી દોડવા લાગી છે. માઇક્રોસોફ્ટની મૂળ તાસીર નવી નવી ટેકનોલોજી શોધવાની છે. વચ્ચેનાં વર્ષોમાં કંપનીનો આ મિજાજ કોણ જાણે ક્યાંક દબાઈ ગયો હતો. કંપનીના વાતાવરણમાં એક પ્રકારનું બંધિયારપણું આવી ગયું હતું, અમલદારશાહી ચલણમાં આવી ગઈ હતી. સત્યાએ સીઈઓની ખુરસી પર બેસતાંની સાથે જ આ માહોલ બદલાઈને ગતિશીલ થવા માંડ્યો. સત્યાને માઇક્રોસોફ્ટના તારણહારનું બિરુદ અમસ્તું મળ્યું નથી.
સત્યા નડેલા એક જગ્યાએ કહે છે, વચ્ચેનાં વર્ષોમાં માઇકોસોફ્ટની છાપ એવી પડી ગઈ હતી કે જાણે અમને બધી ખબર છે. મેં કંપનીના આ નો-ઇટ-ઑલ માઇન્ડસેટને બદલીને લર્ન-ઇટ-ઑલકલ્ચર દાખલ કરવાની કોશિશ કરી. અમને બધું આવડે છે એમ નહીં, પણ અમારે બધું શીખવું છે, એમ.
કશુંક નવું શીખતા હોઈએ કે કરતાં હોઈએ ત્યારે નિષ્ફળ પણ જવું પડે. સત્યા કહે છે, નિષ્ફળતા એ મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે નિષ્ફળતામાંથી તમે શું શીખ્યા. હું તો કહું છું કે સફળતાની જેમ નિષ્ફળતાને પણ સેલિબ્રેટ કરવી જોઈએ.
સત્યાને વાંચનનો પુષ્કળ શોખ છે. નવું શીખવા માટે, નવી પ્રેરણાઓ મેળવવા માટે તેઓ પુસ્તકોને  પોતાની પ્રેરણાનો મુખ્ય સ્રોત ગણાવે છે. સત્યાની સફળતામાં ઇગો વગરના એમના સૌમ્ય સ્વભાવનો પણ મોટો ફાળો છે. સત્યાએ સ્વયં હિટ રિફ્રેશ નામનું સુંદર પુસ્તક લખ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયા ન હોય એવાં લોકોને પણ ખૂબ મજા પડે એવું આ પુસ્તક વાંચવા જેવું છે.
 0 0 0 

Wednesday, November 20, 2019

સુપર સીઈઓના સક્સેસ ફન્ડા


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 Nov 2019 બુધવાર
ટેક ઓફ 
મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. યાદ રાખો, તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો.

રા વિચારો. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ નામનું પ્રતિષ્ઠિત અમેરિકન મૅગેઝિન પાક્કા સર્વે અને ટકોરાબંધ માપદંડોના આધારે દુનિયાની મોટામાં મોટી કંપનીઓ ચલાવતા એકસો શ્રેષ્ઠતમ ચીફ એક્ઝિક્યુટિવ્ઝ ઓફિસર (સીઈઓ)ની સૂચિ તૈયાર કરે છે. આ લિસ્ટના ટૉપ ટેનમાં ત્રણ ભારતીય નામ ઉપસે છે અને આ ત્રણેય જણા હૈદરાબાદની એક જ સ્કૂલમાં ભણ્યા છે! આ ત્રણ સુપર સીઇઓ એટલે ફોટોશોપ, પીડીએફ જેવાં કેટલાંય કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરતી કંપની અડોબીના વડા શાંતનુ નારાયણ (છઠ્ઠા ક્રમે), માસ્ટરકાર્ડના વડા અજય બંગા (સાતમા ક્રમે) અને માઇક્રોસોફ્ટના વડા સત્યા નડેલા (નવમા ક્રમે). આ ત્રણેય જણા હૈદરાબાદ પબ્લિક સ્કૂલ (એચપીએસ)ના વિદ્યાર્થી છે.
અમેરિકાવાસી અજય બંગાના પિતાજી ઇન્ડિયન આર્મીમાં જનરલ હતા. તેઓ પિતાજીની માફક ફૌજી તો ન બન્યા, બલ્કે આઇઆઇએમ-અમદાવાદમાંથી એમબીએ કરીને ક્રમશઃ માસ્ટરકાર્ડના સીઈઓ થયા. માસ્ટરકાર્ડ બ્રાન્ડના ક્રેડિટ કાર્ડ્સ દુનિયાભરના લોકો વાપરે છે. આજની તારીખે માસ્ટરકાર્ડ કંપનીની ટોટલ ઇક્વિટી 497 બિલિયન ડોલર એટલે કે 35,649 અબજ રૂપિયા જેટલી છે. કંપનીના આ ઠાઠમાઠનો જશ યોગ્ય રીતે જ અજય બંગાની ટકોરાબંધ લીડરશિપને અપાય છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની સલાહકાર સમિતિના સભ્ય રહી ચુકેલા અજય બંગાની સુપર સક્સેસનું રહસ્ય શું છે? તેઓ કેવી રીતે સાડાતેર હજાર જેટલા કર્મચારીઓ ધરાવતી આટલી વિરાટ મલ્ટિનેશનલ કંપનીને સફળતાપૂર્વક સંચાલન કરે છે? મિડીયાને આપેલા કંઈકેટલાય ઇન્ટવ્યુઝ, જાહેર ઇવેન્ટ્સ, કોલેજ-યુનિવર્સિટીઓના પદવીદાન સમારંભમાં આપેલાં પ્રવચન વગેરેમાં તેઓ પોતાની ફિલોસોફી અને કાર્યપદ્ધતિ વિશે અવારનવાર વાત કરતાં રહે છે. એમની વાતો મોટી કંપનીના મોટા સાહેબોને જ નહીં, પણ કોઈ પણ ટીમ લીડરે ધ્યાનપૂર્વક સાંભળવા જેવી છે. કપડાંના શોરૂમમાં પાંચ માણસો કામ કરતા હોય તો શોરૂમનો માલિક આ પાંચ માણસોનો ટીમ લીડર છે. 
અજય બંગાએ એક જગ્યાએ કહેલું, આર્મીમાં જનરલ જેવા ઊંચા હોદ્દા પર રહી ચુકેલા મારા પપ્પા બધા સાથે એકસરખી સહજતાથી હળીભળી શકતા. એમની સામે કોઈ સિનિયર ફૌજી ઓફિસર હોય કે એમનો ડ્રાઇવર હોય, એમના વર્તાવમાં કશો ફર્ક ન પડતો. નાનામોટાનો ભેદભાવ કર્યા વગર તેઓ સૌને એકસરખું માન આપે. મારી કંપનીમાં મેં આવું જ કલ્ચર વિકસાવ્યું છે. અમારી ન્યુ યોર્ક સ્થિત હેડઑફિસમાં મારા સૌથી પાક્કા દોસ્તાર કોણ છે, ખબર છે? છાપાં નાખવા આવતા છોકરાઓ! હું રોજ સવારે એમની સાથે દુનિયાભરની વાતો કરું છું.

અજય બંગા દાઢી-પાઘડીધારી શિખ છે. જ્યાં પણ જાય ત્યાં તરત અલગ પડી જાય. ખાસ કરીને અહીં અમેરિકામાં અને પશ્ચિમના બીજા દેશોમાં, અજય બંગા કહે છે, મેં બહુ જલદી સમજી લીધું હતું કે જ્યાં સુધી હું મારા દેખાવ સાથે, મારી જાત સાથે, મારાં મૂળિયાં સાથે પૂરેપૂરો કમ્ફર્ટેબલ નહીં થાઉં ત્યાં સુધી કરીઅરમાં સફળ થઈ શકવાનો નથી. જ્યાં સુધી હું ખુદના બેકગ્રાઉન્ડનો પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે સ્વીકાર નહીં કરું ત્યાં સુધી અન્ય માહોલમાં, અન્ય કલ્ચરમાં હું સારી રીતે નહીં જ ગોઠવાઈ શકું. યાદ રાખો, તમારું કામ એ તમારી ઓળખ છે, તમારું બેકગ્રાઉન્ડ એ તમારી ઓળખ નથી. તમારા બેકગ્રાઉન્ડ વિશે તમે જેટલા વધારે નિખાલસ રહેશો એટલા લોકોને વધારે ગમશો. એમને તમારા વર્તન અને આશય સાથે નિસબત છે, તમે કઈ જ્ઞાતિના છો કે કયા ગામ કે શહેરથી આવો છો એવી બધી વાતોમાં નહીં.
નિષ્ફળતા કોને ગમે? અજય બંગા કહે છે કે સમસ્યાઓ કે મોકાણના સમાચારથી દૂર નહીં ભાગવાનું, એમને આવકારવાના. તમને સમસ્યા વિશે ખબર જ નહીં હોય તો એને નિવેડો કેવી રીતે લાવશો? ક્યારેય ખરાબ સમાચાર લાવનારને શિક્ષા નહીં કરવાની. ડોન્ટ શૂટ ધ મેસેન્જર! અજય બંગાએ પોતાના સ્ટાફને કહી રાખ્યું છે કે તમે મને ગુડ ન્યુઝ આરામથી આપશો તો ચાલશે, પણ બેડ ન્યુઝ ફટાફટ આપી દેવાના!
ટીમ લીડર પાસે દરેક વખતે પોતાના પ્રોજેક્ટ કે કામ વિશેનો બધ્ધેબધ્ધો ડેટા, બધ્ધેબધ્ધી માહિતી ન પણ હોય. આગળ વધવા માટે ડેટા અપૂરતો હોય તો પણ ઘણી વાર કોઠાસૂઝના આધારે નિર્ણયો લેવા પડતા હોય છે, ગણતરીપૂર્વકનું જોખમ ઉઠાવવું પડતું હોય છે. એવુંય બને કે ટીમ લીડરના નિર્ણય ટીમના તમામ સભ્યોને ન પણ ગમે. ટીમ લીડરે ક્યારેક અળખામણા પણ બનવું પડે. ઉત્તમ લીડર સાંભળે બધાનું, પણ કરે એ જ જે ખુદને ઠીક લાગે છે અને જે કંપનીના હિતમાં છે. અજય બંગા કહે છે, અમે માસ્ટરકાર્ડમાં એક નિયમ કર્યો છે. ધારો કે અમારી કંપનીની દુનિયાભરની કોઈ પણ શાખાનો મેનેજર હેડક્વાર્ટરને કશીક રિકવેસ્ટ કે પ્રપોઝલ મોકલે અને જો બે વીકમાં હેડક્વાર્ટર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળે તો જે-તે પ્રપોઝલ સ્વીકારાઈ ગઈ છે એવું માનવું!’     
ધારો કે તમે જે પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો તે સફળ ન થયો તો? તમારી કંપની કોઈ ચોક્કસ પ્રોડક્ટ બનાવતી હોય, પણ નવી ટેકનોલોજીને કારણે કે બીજા કોઈ પણ કારણસર તમારી પ્રોડક્ટની ડિમાન્ડ સાવ ઘટી ગઈ તો? મોબાઇલ આવ્યા એટલે પેજર નકામાં થઈ ગયાં, સીડી આવી એટલે કેસેટ નકામી થઈ ગઈ એવું કંઈક. આવી સ્થિતિમાં શું કરવું? અજય બંગા કહે છે કે ઝપાટાભેર બદલાતા આજના જમાનામાં તમારી પૈસા વૈકલ્પિક પ્લાનિંગ હોવું જ જોઈએ. તમારી પાસે પ્લાન બી જ નહીં, પ્લાન સી અને પ્લાન ડી પણ તૈયાર હોવો જોઈએ.

બાહોશ સીઈઓને સમસ્યાનું પિષ્ટપિંજણ કરવામાં નહીં, બલકે ઉકેલ શોધવામાં રસ હોવાનો. એમને સપાટી ઉપરની છીછરી વિગતોમાં નહીં, પણ મામલામાં ઊંડા ઉતરીને સચ્ચાઈ જાણવામાં રસ હોવાનો. અજય બંગાએ એક સરસ કિસ્સો શૅર કર્યો છે. એક વિદેશી બેન્ક ફડચામાં જવાની તૈયારીમાં હતી. માસ્ટરકાર્ડ કંપનીને આ બેન્ક સાથે ખાસ્સો પનારો પડ્યો હતો. સવાલ એ ઊભો થયો કે બેન્ક ઉઠી જાય ત્યાં સુધી કંપનીમાં કોઈને ખબર જ ન પડી? અજય બંગાને કહેવામાં આવ્યું કે આ ફલાણા મેનેજરની ભુલ છે. એણે જો કામમાં બરાબર ધ્યાન આપ્યું હોત તો આપણે વેળાસર ચેતી ગયા હોત. જો કોઈ સામાન્ય સીઈઓ હોત તો આવું ફીડબેક મળતાંની સાથે જ એણે મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હોત. અજય બંગાએ શું કર્યું? એમણે સમસ્યાને સમજવામાં ચાર-પાંચ દિવસ ફાળવ્યા. તેમને ધીમે ધીમે સમજાતું ગયું કે પેલા મેનેજરની કશી ભુલ નહોતી. એણે કટોકટીને રોકવા માટે પોતાનાથી બનતું શ્રેષ્ઠ કર્યું જ હતું. ઇન ફેક્ટ, એની જગ્યાએ જો ખુદ અજય બંગા હોત તો પણ આ પરિસ્થિતિ પેદા થયા વગર ન રહી હોત. લોકોના આશ્ચર્ય વચ્ચે અજય બંગાએ પેલા મેનેજરને કાઢી તો ન મૂક્યો, બલકે એને સ્પેશિયલ બોનસ આપ્યું!         
આ તો થઈ વિશ્વના બેસ્ટ પર્ફોર્મિગ સીઈઓના ટોપ ટેન લિસ્ટમાં સ્થાન પામેલા ત્રણ ભારતીય સીઈઓમાંના એકની વાત. બાકીના બે મહાનુભાવો એટલે કે અડોબીના શાંતનુ નારાયણ અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલાના સક્સેસ ફન્ડા વિશેની વાતો હવે પછી.
000