Saturday, June 18, 2011

હિટલરને હિટલર કોણે બનાવ્યો?

ચિત્રલેખા 
અંક તા. ૨૭ જૂન ૨૦૧૧માં પ્રકાશિત






કોલમઃ વાંચવા જેવું


                                                                                                           


મોરારજી દેસાઈ બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વલ્લભવિદ્યાનગરની એન્જિનીયરિંગ કોલેજના એક ફંકશનમાં મુખ્ય મહેમાન બન્યા. પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યા પછી પ્રશ્નોત્તરી શરૂ થઈ. મોરારજી દેસાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ડર્યા વિના કોઈ પણ સવાલ મને પૂછી શકો છો. એક સ્ટુડન્ટે ઊભા થઈને છાપાંમાં છપાતાં અહેવાલોના આધારે સવાલ કર્યોઃ તમારા બાંધકામ ખાતાના પ્રધાન ભ્રષ્ટાચાર આદરી પૈસા બનાવી રહ્યા છે તેનાથી આપ માહિતીગાર છો? આ અણિયાળો સવાલ સાંભળીને મોરારજીભાઈ રાતાપીળા થઈ ગયા. ઉપસ્થિત શિક્ષકોએ વિદ્યાર્થીનો બચાવ કર્યો તો મોરારજીભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ ટેવવશ ગરજ્યાઃ ‘બેજવાબદાર વિદ્યાર્થી અને આ અશિષ્ટ પ્રોફેસરોને અહીંથી બહાર કાઢો. શું વિદ્યાર્થીઓને અહીં આવા સંસ્કાર અપાય છે?’

કોલેજના પ્રિન્સિપાલ એસ.વી. જનરકર ઊભા થયા અને મક્કમ અવાજે બોલ્યાઃ ‘આદરણીય મુખ્યમંત્રી, વિદ્યાર્થી કે કોઈએ અશિષ્ટ વર્તન કર્યું નથી. આપની આજ્ઞા પછી જ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો છે, આપ એથી ઉશ્કેરાયા છો. હું આ વિદ્યાલયનો માસ્તર છ .મારા વિદ્યાર્થીઓનું માન જળવાય એ મારી ફરજ છે. હું આપને વધારે બોલવા દેવાની નમ્રતાપૂર્વક મનાઈ કરું છ . સભા હવે બરખાસ્ત થાય છે.’ અને આચાર્ય અતિથિને બહાર દોરી ગયા.


Vinod Bhatt
 આ અફલાતૂન કિસ્સો પ્રતિષ્ઠિત હાસ્યકાર વિનોદ ભટ્ટનાં પુસ્તક ‘સોટી વાગે ચમચમ’માં નોંધાયો છે. અગાઉના જમાનાથી  લઈને આજની સ્કૂલો તેમજ વિદ્યાર્થીજીવનનું લેખકે આબાદ વિહંગાવલોકન કર્યું છે અને પછી તેને પોતાની નર્મમર્મથી ભરપૂર રસાળ શૈલીમાં રજૂ કર્યું છે.  (લટકામાં ઉમેરી દઈએ કે લેખકનું ‘વિનોદકથા’ નામનું પુસ્તક પણ આ સાથે જ પ્રગટ થયું છે, જે હાસ્યવ્યંગથી ભરપૂર ટચૂકડી કથાઓનું સુંદર સંકલન છે.)

લેખની શરૂઆતનો કિસ્સો વાંચીને એવું સહેજે ધારી ન લેવું કે અગાઉની સ્કૂલકોલેજોમાં બધું સુષ્ઠુ સુષ્ઠુ જ હતું તેમ લેખક કહેવા માગે છે. તેઓ તો લખે છે કે, ‘આમ તો અંગ્રેજી શબ્દ ‘ટુ ટીચ’નો અર્થ ભણાવવું એવો થાય છે, પણ આ ‘ટીચ’ શબ્દનો અર્થ ટીચી નાખવું પણ થતો હોવો જોઈએ, કેમ કે અગાઉના વખતમાં સ્કૂલો પોલીસસ્ટેશન જેવી હતી, અડફેટે ચડતા છોકરાને ટીચી નખાતો.’

હિટલરને એક ખલનાયક બનાવનાર તેનો શિક્ષક હતો એવું ખુદ હિટલરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. આપણે ત્યાં જૂના જમાનામાં શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર ફટકારતા નહોતા, સાથે અવનવી અને મૌલિક ગાળો પણ બોલતા. લેખકનો તર્ક છે કે કદાચ આ પ્રકારની અમૃતવાણી સાંભળીને જ ગાંધીજીથી માંડીને એમના ખુદના કાન મોટા થઈ ગયેલા! એમાંય જો છોકરું સુરતની શાળામાં ભણતું હોય અને માસ્તર તેને પચીસત્રીસ સારી ગાળ પણ ન શીખવી શકે તો એ કેળવણી અધૂરી ગણાય.



મહેતો મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવી એક કહેવત છે. લેખક લખે છે, ‘આજે મહેતો મારે છે ખરો, પણ ભણાવતો નથી.  ભણવાની જો ગરજ હોય તો અમારું ટ્યુશન રાખવું પડશે. બાકી સ્કૂલમાં તો એકડો ઘૂંટતા શીખવું હશે તો એની ફી અલગ થશે. સ્કૂલની ફી તો છોકરાને સાચવવા માટેની છે, ભણાવવાની નહીં... ઘણા શિક્ષકો શાળાની નોકરી પર પત્ની જેવો અૌપચારિક અને ટયૂશન પર પ્રિયતમા જેવો દિલી પ્રેમ રાખતા હોય છે. વિજ્ઞાન પ્રવાહનો શિક્ષક ટયૂશનમાંથી લાખો રૂપિયા ઘરભેગા કરી લે છે. હવે માસ્તર બિચારો બાપડો નથી.’


સમયની સાથે માસ્તરોનું સ્તર ભયજનક નીચે નીચે આવી ગયું છે અને આવી રહ્યું છે તે હકીકત છે. ‘એક પ્રતિષ્ઠિત ગણાતી શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ભણાવ્યું હતું કે માઈકલ જેક્સન વૈજ્ઞાનિક હતો. કોલમ્બસ એક નહીં, બબ્બે થઈ ગયા. શાળાના સંચાલકો આ બધું જાણવા છતાં આ શિક્ષકનું કશું બગાડી શકતા નથી. અને શિક્ષણખાતું!’ આટલું લખીને લેખક અહીં ધારદાર વાત કરી નાખે છેઃ ‘એ તો છોકરાનાં ભણતર સિવાય કોઈનું કશું બગાડી શકે એમ જ નથી.’

વિનોદ ભટ્ટ ‘ચિત્રલેખા’ને હસતા હસતા કહે છે, ‘પાછળ ફરીને મારા વિદ્યાર્થીકાળ તરફ જોઉં છ  ત્યારે સમજાય છે કે સ્કૂલ સુધરી ગઈ છે, પણ મારામાં કશો ફેરફાર નથી થયો. આજે પણ હું વિદ્યાર્થી તરીકે ‘ઢ’ જ છ !’ ખુદને અને આસપાસની પરિસ્થિતિઓને ગંભીરતાથી ન લઈને તેના પર રમૂજનો ઢોળ ચડાવતા રહેવો તે વિનોદ ભટ્ટની લાક્ષાણિકતા છે. હકીકત એ છે કે આ પુસ્તકમાં માત્ર હાસ્ય કે ઠઠ્ઠા નથી, બલકે શિક્ષણતંત્રના એકધારા થતા જતાં અવમૂલ્યન બાબતે આક્રોશમિશ્રિત પીડાનો ઝીણો અન્ડરકરંટ પણ છે. આ પ્રકારનું સંયોજન એક સિદ્ધહસ્ત લેખકથી જ શક્ય બને.   

વેકેશન પૂરું થઈ ગયું છે અને સ્કૂલકોલેજોનાં નવાં સત્ર શરૂ થઈ રહ્યાં છે એવી મોસમમાં ‘સોટી વાગે ચમચમ’ પુસ્તક વાંચવાની ચોક્કસ મોજ પડશે.

 સોટી વાગે ચમચમ

લેખકઃ વિનોદ ભટ્ટ

પ્રકાશકઃ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
અમદાવાદ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમતઃ  રૂ. ૧૦૦ /
પૃષ્ઠઃ ૧૭૪



-----------------------------------બોક્સ આઈટમ----------------------------------------

નામ તેવાં ગુણ

હાલ તમે જે વાંચી રહ્યા છો તે ‘વાંચવા જેવું’ કોલમ વિનોદ ભટ્ટે છ વર્ષ પહેલાં શરૂ કરી હતી અને જબરદસ્ત જમાવી હતી. આ કોલમમાં પ્રકાશિત થયેલા ૭૨ લેખો હવે પુસ્તક સ્વરૂપે સંગ્રહ પામ્યા છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રકાશિત કરેલાં આ પુસ્તકનું નામ છે, ‘આંગળી ચીંધ્યાનું પુણ્ય’. ૨૨૨ પાનાંનું અને દોઢસો રૂપિયાનું મૂલ્ય ધરાવતાં આ પુસ્તકમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલાં ઉત્તમ પ્રકાશનોની રસાળ સમીક્ષાઓ ગાગરમાં સાગરની જેમ સમાઈ ગઈ છે. વસાવવા લાયક પુસ્તકોની વાત કરતું આ પુસ્તક પોતાનાં શીર્ષકને સાર્થક કરે છે.   


000000000000000000000

Saturday, June 11, 2011

બેસૂરો રાગ દરબારી

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૧૨ જૂન ૨૦૧૧માં પ્રકાશિત


કોલમ ઃ મલ્ટિપ્લેક્સ

ઈસ્માઈલ દરબાર પાસે ભરપૂર પ્રતિભા છે પણ સાતત્ય, સંતુલન અને સોફિસ્ટીકેશનનો અભાવ છે. આ સુરતી લાલા આજકાલ ઘાંઘા થયા છે. બાર વર્ષમાં બે જ ફિલ્મોમાં સુપરહિટ સંગીત આપવા છતાં સારી એવી પ્રતિષ્ઠા મેળવનાર ઈસ્માઈલભાઈએ એ.આર. રહેમાન વિરુદ્ધ અધ્ધરતાલ બખાળા કાઢીને દાટ વાળ્યો છે.





અલ્લાહ માફ કરે, મૈં અપને સામને કિસી કો કુછ સમજતા નહીં હૂં... અૌર મુઝ મેં કોઈ ઘમંડ નહીં હૈ.



આ વિરોધાભાસી શબ્દો ઈસ્માઈલ દરબારના છે. તે આજકાલના નથી, છ વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યુમાં ઉચ્ચારેલા છે. એ.આર. રહેમાને ઓસ્કર અવોર્ડ્ઝ પૈસા દઈને ખરીદ્યા છે, તેની ટ્યુન્સ ચોરેલી છે અને મારી પાસે એના પૂરાવા છે એવાં તાજેતરમાં ઢોલનગારાં વગાડીને પછી પાણીમાં બેસી ગયેલા સુરતી મ્યુઝિક ડિરેક્ટર ઈસ્માઈલ દરબારનો પ્રોબ્લેમ શો છે? એ કેમ આવા ઘાંઘા થયા છે? એમની મિડલાઈફ ક્રાઈસિસ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે કે શું? મિડલાઈફ ક્રાઈસિસ એટલે આધેડ વયે જીવનમાં સજાર્તી અંધાધૂંધી યા તો કટોકટી. દિશાહીનતા અનુભવાય, જાત પ્રત્યે શંકા જાગે, અડધાથી વધારે જીવન વીતી ગયું હોવા છતાં કરીઅરમાં ધાર્યા નિશાન પાર પડ્યાં ન હોય એટલે ધીરજનું તળિયું દેખાવા લાગે, ‘હાય રે! બધા જતા રહ્યા અને હું બસ ચૂકી ગયો...’ એવો રઘવાટ જાગે, અંગત જીવન વેરવિખેર થવા માંડે, તીવ્ર હતાશામાંથી પાર વગરની નેગેટિવિટી પેદા થાય. એમાંય માણસ જો સિનેમા, કળા કે મિડીયા સાથે સંકળાયો હોય તો લોકોનું ધ્યાન ખેંચવા ગાંડાની જેમ હવાતિયાં મારે એવુંય બને. શું આ બધાં લક્ષણો કે અપલક્ષણો ઈસ્માઈલ દરબારને બરાબર લાગુ પડે છે?



એ.આર. રહેમાન સામેનો એમનો વાંધો કંઈ આજકાલનો નહીં, વર્ષો જૂનો છે. સુભાષ ધઈની ફલોપ ફિલ્મ ‘કિસ્ના’ (૨૦૦૫)માં ઈસ્માઈલ દરબારે છ અને રહેમાને બે ગીતો કંપોઝ કરેલાં. આ ફિલ્મનું ટાઈટલ સોંગ ઠીકઠીક વખણાયું હતું, જે ઈસ્માઈલ દરબારનું હતું. દરબારે તે વખતે હુંકાર કરેલોઃ ‘વાત માત્ર ‘કિસ્ના’ની નથી, મારું સંગીત કાયમ રહેમાન કરતાં સારું હોય છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’નું મ્યુઝિક ‘તાલ’ કરતાં ચડિયાતું હતું અને ‘દેવદાસ’નું સંગીત ‘સાથિયા’ કરતાં ચડિયાતું હતું.’


Ismail Darbar and AR Rehman


આ બન્ને સંગીતકારોની શૈલી સાવ જુદી છે અને આ ચારેય ફિલ્મોનું મ્યુઝિક પોતપોતાની રીતે ઉત્તમ છે એટલે સીધી સરખામણી તો કેવી રીતે થાય. અલબત્ત, ‘હમ દિલ...’ અને ‘દેવદાસ’નાં ગીતો વધારે પોપ્યુલર બન્યાં છે તે દાવામાં તથ્ય છે. બન્યું એવું કે ૧૯૯૯માં બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરના મોટા ભાગના મહત્ત્વના અવોડર્ઝ રહેમાન ‘તાલ’ માટે તાણી ગયા. ૨૦૦૨માં દરબાર અને રહેમાન પાછા સામસામા ટકરાયા ત્યારે રહેમાન નવેસરથી ‘સાથિયા’ માટે બધા ઈમ્પોર્ટન્ટ પુરસ્કારો ઉસરડી ગયા અને દરબારસાહેબ હાથ ઘસતા રહી ગયા. રહેમાન વિરુદ્ધ તેઓ જે બખાળા કાઢી રહ્યા છે તેનાં મૂળિયાં અહીં દટાયેલાં છે.



ઈસ્માઈલ દરબાર કહે છે કે ખુદ (સ્વ.) કે. આસિફ મારી પાસે આવે અને ‘મુગલે આઝમ’ ઓફર કરે તો પણ હું ન ગભરાઉં. પોતાની ટેલેન્ટમાં કોન્ફિડન્સ હોવો તે સારી વાત છે, પણ હકીકત એ છે કે ઈસ્માઈલભાઈ એક સંજય ભણસાલી સિવાય બીજા કોઈ ફિલ્મમેકર સાથે ખીલ્યા કે ખૂલ્યા નથી. ૧૨ વર્ષમાં માત્ર બે ફિલ્મોમાં સુપરડુપર હિટ સંગીત અને બીજાં બેચાર છૂટાંછવાયાં ગીતો એક મેઈનસ્ટ્રીમ સંગીતકાર માટે આ સ્કોર કંગાળ હેવાય. સફળ પ્રોફેશનલ મ્યુઝિક ડિરેક્ટરે સતત, એકધારા હિટ ગીતો આપતાં રહેવું પડે, અનેક ફિલ્મમેકર્સ અને બેનર્સ સાથે સંવાદિતાપૂવર્ક કામ કરવું પડે. રહેમાનની જેમ. અલબત્ત, રહેમાનનાં તમામ ગીતો કંઈ ઝુમાવી દે તેવાં નથી હોતાં, પણ તેમનાં કામમાં સાતત્ય છે અને પશ્ચિમમાં પણ તેમની કરીઅર ખાસ્સી વિસ્તરી છે.

Ismail Darbar and Sanjay Bhansali


રહેમાન પાસે પ્રતિભા ઉપરાંત જરૂર પૂરતું સોફિસ્ટીકેશન પણ છે, જે ભાતભાતની ખોપડી ધરાવતા દુનિયાભરના ડિરેક્ટરો સાથે કામ કરવામાં તેમને મદદરૂપ બને છે. ઈસ્માઈલભાઈની પર્સનાલિટીનાં પેકેજિંંગમાં ગરબડ છે. તેઓ રહ્યા દેસી માણસ અને સ્વભાવે પાછા જડભરત. તેમની સાથે પનારો પાડવા અને તેમની પાસેથી ઉત્તમ કામ કઢાવવા માટે જે અપાર ધીરજ તેમજ મ્યુઝિકલ તાસીર જોઈએ તે સરેરાશ ડિરેક્ટર ક્યાંથી લાવવાનો? આખાબોલા હોવું તે કંઈ ગુનો નથી, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેટલાય મુંહફટ લોકો છે જે સફળ પણ છે... પણ ઈસ્માઈલભાઈએ ‘રહેમાન ધૂનો ચોરે છે તેના મારી પાસે પૂરાવા છે’ અને ‘મણિ રત્નમ અને સુભાષ ધઈ પણ રહેમાનની અસલિયત જાણે છે’ એવી અધ્ધરતાલ વાતો કરીને દાટ વાળ્યો છે. એક ઊંચાઈ પર પહોંચી ચૂકેલા માણસને છંછેડવો અને પછી એના રિએકશનની રાહ જોવી (‘જો રહેમાન સાચો હોય તો જવાબ કેમ આપતો નથી?’) તે ચીપ હરકત છે. ઈસ્માઈલ દરબારે બે હિટ ફિલ્મોમાં યાદગાર સંગીત આપીને જે પ્રતિષ્ઠા મેળવી હતી તેના પર આ નિમ્ન કક્ષાની વર્તણૂકથી પાણી ફરી વળ્યું છે.



આ હોબાળા પછી તરત ન્યુઝ આવે છે કે ઈસ્માઈલ દરબાર રાજકારણમાં જોડાઈ રહ્યા છે. લાગે છે, પોલિટિક્સમાં હોવા માટેની આવશ્યક ‘યોગ્યતાઓ’ ઈસ્માઈલભાઈ કેળવી ચૂક્યા છે....



શો સ્ટોપર

હું એ.આર. રહેમાનના સંગીતનો જ નહીં, તેમની માણસાઈનો પણ મોટો ફેન છું.

- મણિરત્નમ

0000000000000

Link to Divya Bhaskar

http://www.divyabhaskar.co.in/article/MAG-multiplex-shishir-ramawat-ismail-darbar-2179815.html











Friday, June 10, 2011

‘જીવનને પીડા આપતી પરિસ્થિતિઓ જાગૃતિથી રૂઝાય, ગિલ્ટથી નહીં’

અહા! જિંદગી - જૂન  ૨૦૧૧માં પ્રકાશિત

કોલમઃ ફલક

‘કોઈને સંપૂર્ણપણે અને હંમેશ માટે માફ કરી દેવાનું કદાચ અઘરંુ લાગે, પણ તે માણસને શું હું આ એક ક્ષણ પૂરતો માફ ન કરી શકું?’




 હ્યુ પ્રેધર જાણીતા અમેરિકન ચિંતક છે. સેલ્ફહેલ્પનાં પુસ્તકોનાં માર્કેટને હજુ ગરમાગરમ થવાને ઘણી વાર હતી તે વર્ષોમાં તેમણે ‘નોટ્સ ટુ માય સેલ્ફ’ નામનું સદાબહાર પુસ્તક લખ્યું. દુનિયાભરમાં તે ખૂબ વંચાયું અને વેચાયું છે. આ પુસ્તકની સુપર સફળતા પછી હ્યુ પ્રેધરનાં બીજાં પુસ્તકો પણ આવ્યાં પણ ‘બોસ, ‘નોટ્સ ટુ માય સેલ્ફ’ જેવું પાછું કંઈક લાવો’ તે પ્રકારની ટિપિકલ ડિમાન્ડ પ્રકાશકો અને વાચકો બણે તરફથી સતત થતી રહી.


Hugh Prather
હ્યુ પ્રેધર કહે છે, ‘મને ‘૩૬૫ દિવસના ૩૬૫ વિચારો’ એ પ્રકારનું પુસ્તક લખવાનું  કહેવામાં આવેલું પણ આ ડિમાન્ડને હું સતત ખાળતો રહ્યો. તેનું કારણ એ કે માર્કેટમાં આ ફોર્મેટનું ઢગલાબંધ ચિંતનાત્મક સાહિત્ય ઠલવાઈ ચૂક્યું હતું... પણ અમુક અરસા પછી મેં નોંધ્યંુ કે અમુક વિચારો ઊઠતાની સાથે જ મારા મનનો કબજો જમાવી લે છે. ધીમે ધીમે આ વિચારો સ્થિર થવા માંડ્યા અને પછી તો તેની સાથે હું એટલો કમ્ફર્ટેબલ થવા માંડ્યો જાણે એ જૂનું શર્ટ ન હોય.’


આખરે પુસ્તક લખાયું અને છપાયું ‘મોર્નિઁગ થોટ્સઃ ૩૬૫ મેડિટેશન્સ ટુ વેક અપ વિથ’. પેશ છે તેના કેટલાક અંશો. ક્ષમા વિશે હ્યુ પ્રેધરના શા વિચારો છે? જુઓ...    


ક્ષમા સ્પોન્ટેનિયસ હોય છે. કોઈને માફ કરવા માટે ‘સારા જજમેન્ટ’ની જરૂર નથી.

ક્ષમા કરવા માટેના ઉત્તમ સમય જેવું કશું હોતું નથી. સામેની વ્યક્તિ ‘સીધી ચાલે’ ત્યાં સુધી રાહ જોઉં અને પછી જ એને માફી આપું એવું પણ કશું હોતું નથી. કોઈને માફ કરી દેવું એ તો ખુદની માનસિક સ્થિરતા જાળવી રાખવાની ક્રિયા થઈ. કોઈના અયોગ્ય કૃત્યને લીધે મને ક્રોધ ચડ્યો હોય અને તેના કારણે મારા દિમાગને નુક્સાન પહોંચી રહ્યું હોય તો આ નુક્સાની અટકાવવાના પ્રયાસરૂપે  ક્ષમા આપોઆપ અપાઈ જવી જોઈએ.

*

સામેના માણસને ક્ષમા આપવી એટલે મારા પોતાના સુખ માટે તૈયાર થવું. 

‘હે ભગવાન, હું ફલાણાને માફ કરી શકું તે માટે મને મદદ કર’ એવી પ્રાર્થના હું કદી નહીં કરું. સામેના માણસ માટે મેં જે વિચારી લીધું હતું કે નક્કી કરી લીધું હતું તેમાંથી તેને આઝાદ કરી દેવાની તીવ્ર ઈચ્છામાંથી જ ક્ષમા પ્રગટશે. જે વ્યક્તિએ કે જે ઘટનાએ મને માનસિક સ્તરે ખળભળાવી મૂક્યો હતો તેને હું જ માફ કરીશ. મારી માનસિકતાને બદલવાની જવાબદારી મારી છે, ભગવાનની નહીં. ભગવાનની મદદ માગવાનો અર્થ એ થયો કે હું સામેના માણસને માફ કરવાનું પાછળ ધકેલી રહ્યો છું અને મારી જાત સાથે હું જે કરી રહ્યો છું એનો ભોગ બનતા રહેવાનું ચાલુ રાખું છું. મને ખુદને અમુક બાબતની તીવ્ર ઈચ્છા થઈ રહી ન હોય તો ભગવાન કંઈ તે માટે મારા પણ દબાણ નહીં કરે.


 ક્ષમા આપવી હંમેશાં શક્ય છે -  વર્તમાનમાં.



કોઈને સંપૂર્ણપણે અને હંમેશ માટે માફ કરી દેવાનું કદાચ અઘરંુ લાગે, પણ તે માણસને શું હું આ એક ક્ષણ પૂરતો માફ ન કરી શકું? મારી માનસિક શાંતિને સહેજ પણ ખલેલ પહોંચાડ્યાં વગર શું તેની છબી વર્તમાનની એક પળ પૂરતી હું પકડી ન શકું? કમસે કમ મારે આટલો પ્રયત્ન તો કરવો જ જોઈએ.

*

કોઈને માફ કરતાં પહેલાં સૌથી પહેલાં તો મારે મારી જાત સાથે પ્રામાણિક બનવું પડે. 

કોઈને ક્ષમા આપીને આપણે વાસ્તવિકતાને બદલી નાખવાની કોશિશ કરી રહ્યા હોઈએ એવું ક્યારેક લાગે પણ ક્ષમા આપવાનો સાદો મતલબ છે શાંતિ તરફ પાછા ફરવું. કોઈ માણસને લીધે હું  વિહ્વળ થઈ ગયો હોઉં તો મારે મારા અસ્થિર મનને ચગદી નાખવાનું ન હોય. મારે માત્ર શાંતિભર્યા મન તરફ ગતિ કરવાની હોય કે જ્યાં કશુંય સુધારવાની કે બદલાવવાની જરૂર ન હોય. તે માટે મારે સૌથી પહેલાં તો મને ડિસ્ટર્બર્ કરી રહેલી પેલી વ્યકિત અને પરિસ્થિતિની કલ્પના કરવી પડે અને તેના પર ફોકસ કરવું પડે.  ના, આનો મતલબ એ નથી કે હું જેતે માણસે જે કંઈ કર્યું તેને વખોડી રહ્યો છું, આનો અર્થ ફક્ત એટલો જ કે મને તકલીફ આપી રહેલા મારા મનના એ ચોક્કસ હિસ્સા સાથે હું કામ પાર પાડી રહ્યો છું.

જે લોકો માફ કરી શકતા નથી, તેમણે હજુ સુધી જીવવાનું શરૂ જ કર્યું નથી.
ક્ષમા કરવાના ઘણા લાભ છે અને આ લાભ તો જ સમજાય જો તમે ખરેખર ક્ષમા કરવાનું શરૂ કરી દો. ક્ષમા કર્યા વિના ક્ષમા વિશે શીખવું એ તો શ્વાસ લીધા વિના શ્વાસોચ્છવાસની પ્રક્રિયા વિશે જાણવા જેવું થયું.



*

જીવનને પીડા આપતી પરિસ્થિતિઓ જાગૃતિથી રૂઝાય, ગિલ્ટથી નહીં.

સાચું પૂછો તો, માણસની બિહેવિયર પેટર્ન એના જીવનના મ્યુઝિયમમાં મુકાયેલી કલાકૃતિઓ જેવી છે. આપણી બિહેવિયર પેટર્ન આપણી આત્મકથાના નાના નાના ટુકડાઓ છે, જેને વિસ્તારથી સમજવાનું મન થાય. તમારી જાતને પૂછોઃ આ પેટર્ન કેવી રીતે રચાય છે? કેવી રીતે નાશ પામે છે? કેવી રીતે ટકી રહે છે? એની સાથે સામાન્યપણે શું શું સંકળાયેલું હોય છે? ના, પોતાની ભૂલોને મનોમન ચૂંથતા રહેવાની આ વાત નથી, આ તો આ ભૂલોને શક્તિહીન કરી દેવાની કોશિશ છે. 

*

ક્ષમા ક્યારેય અપ્રામાણિક ન હોય.

કોઈને ક્ષમા આપવી એ કંઈ નિરર્થક સુષ્ઠુ સુષ્ઠુ ક્રિયા નથી કે જેના થકી સરવાળે આપણે પોતાની જાતને છેતરતા હોઈએ છીએ. જે કોઈ ઘટના બની તેના વિશે મેં ઓલરેડી નકારાત્મક અર્થઘટન કર્યું હતું. ક્ષમા આપવાનો અર્થ એ નથી કે પેલા નકારાત્મક અર્થઘટનને હું ભૂંસી નાખીશ અને તેની ઉપર, એ જ ઘટનાનું નવેસરથી કરેલું હકારાત્મક અર્થઘટન થોપી દઈશ.  ક્ષમા એક ભેટ છે, જે હું મારી જાતને આપું છું. આ ભેટ થકી હું મારા વર્તમાન તરફ પાછો ફરી શકીશ અને ભગવાને મને જે બનાવ્યો છે તેવો બની શકીશ.

0 0 0

Saturday, June 4, 2011

આમિર ખાનની પ્રતિષ્ઠામાં પંચર?

                                         દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ  ૫ જૂન ૨૦૧૧માં  પ્રકાશિત

                                              મલ્ટિપ્લેક્સ


આમિર ખાને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘દિલ્હી બેલી’નાં ગીતોમાં ગાળોનો આડકતરો પ્રયોગ થયો છે. ભયસ્થાન એ છે કે આ ગીતો અને ફિલ્મ હિટ થઈ ગયાં તો બોલીવૂડમાં ગીતોમાં છૂટથી ગાળો વાપરવાનો ટ્રેન્ડ શરૂ થઈ જશે. 
 



એક બ્રાન્ડ-ન્યુ કન્ટ્રોવર્સી માટે રેડી થઈ જાઓ.  વિવાદના કેન્દ્રમાં છે, આમિર ખાને પ્રોડ્યુસ કરેલી અને પહેલી જુલાઈએ રિલીઝ થનારી ફિલ્મ ‘દિલ્હી બેલી’નાં ગીતો. આ ફિલ્મનો હીરો આમિરનો ભાણિયો ઈમરાન ખાન છે, જે ક્રાઈમ રિપોર્ટરનો રોલ ભજવે છે. કુનાલ રોય કપૂર નામનો એક જાડિયો દાઢીવાળો ન્યુકમર ફોટોગ્રાફર બન્યો છે. એક દશ્યમાં રિપોર્ટિંગ દરમિયાન એવું કશુંક બને છે કે બન્નેએ જીવ બચાવીને ભાગવું પડે છે. ભાગમ્ભાગી શરૂ થાય છે અને બેકગ્રાઉન્ડમાં ગીત ગૂંજે છેઃ ‘ભાગ ભાગ ડી.કે. બોઝ, ડી.કે. બોઝ...’

વાંચવામાં આ શબ્દો કદાચ નોર્મલ લાગે, પણ તમે પ્રોમોમાં ગીત જોયું હશે તો ગીતકાર આ શબ્દો વડે ઓડિયન્સને ખરેખર શું ‘સંભળાવવા’ માગે છે તે સમજતા વાર નહીં લાગે. જુવાનિયાઓને કદાચ આ શબ્દોથી ટિખળ થાય છે, પણ મોટેરાઓની સુરૂચિનો ભંગ થયા વગર રહેતો નથી.

વાત અહીં અટકતી નથી. આ જ ફિલ્મનાં બીજાં એક ગીતમાં ઈમરાન, કુનાલ અને ત્રીજો હીરો વીર દાસ સ્ટેજ પર કવ્વાલી ગાવાના ચાળા કરે છે. ગીતની મુદ્રા રમૂજી છે અને તેના શબ્દો છેઃ ‘તેરી તીરછી નઝરને દિલ કો કર દિયા પેન્ચર....’

અહીં પણ મસ્તી શબ્દોના ફોનેટિક્સ એટલે કે ઉચ્ચારણમાં છે. ‘પંચર’ શબ્દનો ઉચ્ચાર ઈરાદાપૂવર્ક ‘પેન્ચર’ કરવામાં આવ્યો છે. ઈમરાન જે રીતે હોઠ પહોળા કરીને ‘પેન્ચર પેન્ચર પેન્ચર...’ ગાય છે ત્યારે ઓડિયન્સને કશુંક ભળતું જ સંભળાય છે. ફિલ્મમેકરનો એ જ તો આશય છે. લોકો આમિર ખાનનું નામ ક્વોલિટી સિનેમા સાથે જોેડે છે. તેથી જ આ ગીતો તેમને વધારે શોકિંગ લાગે છે. તેમના મનમાં સહેજે સવાલ થાય છેઃ આમિરે આ શું માંડ્યું છે? ગીતોમાં રીતસર ગાળોનો ઉપયોગ કરવા માંડ્યો?



Pencher...Pencher...Pencher..


આમિરની તરફેણમાં દલીલ થઈ શકે કે શરૂઆતથી જ એણે ‘દિલ્હી બેલી’ને એડલ્ટ કોમેડી તરીકે પ્રમોટ કરી છે, ફેમિલી એન્ટરટેઈનર તરીકે નહીં. એડલ્ટ કોમેડીમાં તો કંઈ પણ હોય. જેમને વાંધો ન હોય તે જુએ, બાકીના દૂર રહે. આની પ્રતિદલીલ એ છે કે જો આ એડલ્ટ કોમેડી હોય તો તેનાં વાંધાજનક ગીતો ટેલિવિઝન જેવાં ઘરેલુ માધ્યમ પર શા માટે એકધારા દેખાડદેખાડ કરીને તે બાળકો સુધ્ધાંની જીભે ચડી જાય તેવી ચેષ્ટ કરવી જોઈએ?

દેખીતી રીતે જ આ ગીતોમાં વિવાદ પેદા કરવા માટે પૂરતો દારૂગોળો છે. મિડીયામાં આ ગીતો ખૂબ ગાજે, ન્યુઝ ચેનલો પર તેના વિશે ગરમાગરમ પેનલ ડિસ્કશન્સ થાય અને ગીતો પર સ્ટે આવે તો સહેજે નવાઈ પામવા જેવું નથી. આ ગીતો થકી આમિર એન્ડ પાર્ટી સંભવતઃ સારી એવી ફ્રી પબ્લિસિટી ઉસરડી લેશે જેનો સીધો પડઘો બોક્સઓફિસ કલેકશન પર પડશે. વચ્ચે આમિરે ટીવી પર સાઉન્ડબાઈટ આપતી વખતે મસ્તી કરી હતી કે સેન્સરબોર્ડ આ ગીતો સામે કોઈ વાંધો લીધો નથી, ઊલટાની તેમને તો ગીતોમાં મજા આવી ગઈ હતી!



Aamir Khan

હજુ થોડા સમય પહેલાં ‘દમ મારો દમ’નું ટાઈટલ સોંગ રિમિક્સ થયું તેની સામે જ ઘણાને વાંધો પડ્યો હતો અને એમાંય તેમાં ચક્રમ જેવા શબ્દો વપરાયા એટલે તેઓ ઓર દુખી દુખી થઈ ગયા (આજ આંખ સેક રહા હૈ, કલ હાથ સેકેગા... આજ મેરે લિયે ચેર ખીંચ રહા હૈ, કલ મેરા સ્કર્ટ ખીંચેગા... ઊંચે સે ઊંચા બંદા, પોટી પર બૈઠા નંગા...). નવાઈની વાત એ હતી કે આ ગીત ‘કંપની’, ‘ખોસલા કા ઘૌસલા’ અને ‘ચક દે ઈન્ડિયા’ જેવી ઉત્તમ ફિલ્મોના સ્ક્રીનપ્લે રાઈટર જયદીપ સાહનીએ લખ્યું હતું. 

હિન્દી સિનેમામાં વલ્ગર યા તો વાંધાજનક ગીતો કે ચેનચાળાવાળાં ગીતોની કોઈ નવાઈ નથી. દાયકાઓ પહેલાં શમ્મી કપૂરના ‘કિસકો પ્યાર કરું’ ગીતની શરૂઆતમાં ‘કિસ્સઅઅઅ....’ શબ્દને અલગ કરીને ખૂબ ખેંચવામાં આવેલો. આટલી અમથી મસ્તીથી પણ આખા દેશનાં મમ્મીપપ્પાઓ થથરી ઉઠ્યાં હતાં. ‘ખલનાયક’ ફિલ્મનાં ‘ચોરી કે પીછે ક્યા હૈ’ ગીતે સૌને ચોંકાવી દીધા હતા. સુપરહિટ થઈ ગયેલાં આ ગીત પર પ્રેરાઈને પછી તો ચોલીના ખૂબ બધા વેરિએશન્સ આવ્યા. આ ગીતને લીધે ઈલા અરૂણની સિંગિંગ કરીઅર એકદમ ઊંચકાઈ ગઈ હતી અને તેમણે ઘણાં સારાંખરાબ ગીતો ગાયાં હતાં. કરિશ્મા કપૂર સાથે બે સેક્સી ગીતો સંકળાયેલા છે ‘સેક્સી સેક્સી સેક્સી મુઝે લોગ બોલે’ અને ‘સરકાઈ લો ખટિયા’. ‘સરકાઈ લો...’માં કરિશ્મા સાથે ગોવિંદા હતો અને એ સમયગાળામાં ગોવિંદાએ ભારે ઉપાડો લીધો હતો. ‘સેક્સી સેક્સી...’ ગીતથી હોબાળો વધ્યો એટલે તેની જગ્યાએ ‘બેબી બેબી બેબી’ કરી નાખવામાં આવ્યું હતું. ડેવિડ ધવનનો સિતારો જોરમાં હતો ત્યારે તેમની ફિલ્મોમાં ઠીક ઠીક વલ્ગર ગીતો જોવા મળતા. કાં તો ગીતના શબ્દોમાં ગરબડ હોય યા તો કોરિયોગ્રાફી ચીપ હોય. 

આ તો ખેર, ભૂતકાળની વાત થઈ. અત્યારે માલમો ‘દિલ્હી બેલી’નો છે. ભયસ્થાન એક જ છે. આમિર ખાન ટ્રેન્ડસેટર છે. આમિરે આજે એ સ્તર પર પહોંચી ગયો છે કે આખી ઈન્ડસ્ટ્રીના લોકો તેની નકલ કરવા પ્રેરાય છે. આમિરે ગીતોમાં કરેલો આડકતરી ગાળોનો પ્રયોગ અને ફિલ્મ હિટ થઈ ગયાં તો બીજા પ્રોડ્યુસરો-ડિરેક્ટરો તેમની ફિલ્મોનાં ગીતોમાં ભૂંડાબોલી ગાળોની ભરમાર કરી દેશે.

ઓવર ટુ સેન્સર બોર્ડ... 

શો સ્ટોપર

‘રેડી’ના પ્રમોશન દરમિયાન સલમાન ખાન બધી જ પબ્લિસિટી તાણી ગયો અને હું સાઈડમાં રહી ગઈ, પણ એનો મને કોઈ અફસોસ નથી.

 - અસિન


















Friday, June 3, 2011

પ્રવાસ કરવાની કળા

 ચિત્રલેખા -  અંક તા. ૧૩ જૂન ૨૦૧૧માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું


Istanbul


                                                                                                       
‘જો આખી દુનિયા એક જ દેશ હોત તો ઈસ્તાનબુલ એનું પાટનગર હોત.’

આ શબ્દો નેપોલિયન બોનાપાર્ટના છે. નેપોલિયન શા માટે ટર્કી અથવા તો તુર્કના આ સૌથી મોટા શહેર પર આફરીન પોકારી ગયા હતા? આ સવાલના સંદર્ભમાં સંગીતા જોશી અને ડો. સુધીર શાહે સંયુક્તપણે લખેલું ‘ટર્કી અને અન્ય દેશોમાં’ પુસ્તક વાંચી જાઓ. અફલાતૂન જવાબ મળી જશે! વાર્તાનવલકથાના રસિયા તો ઠીક, જાતજાતનું નોનફિકશન વાંચવાનો શોખ ધરાવતા વાચકોે પણ સામાન્યપણે પ્રવાસવર્ણનો વાંચવા માટે ખાસ ઉત્સુક હોતા નથી. પણ આ પુસ્તકની વાત નિરાળી છે. તે બિલકુલ શક્ય છે કે આખેઆખું રસપૂર્વક વાંચી ગયા પછી તમે એકદમ નવાઈ પામીને યાદ કરો કે ‘અરે... આ પુસ્તક તો મેં જસ્ટ પાનાં ફેરવી જવાના ઉદેશ સાથે હાથમાં લીધું હતું...!’

૭ લાખ ૮૦ હજાર ચોરક કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા ટર્કીની વસતી સાડાછ કરોડની છે. વિશ્વના સૌથી મોટા ‘ઓપર એર મ્યુઝિયમ’ તરીકે ઓળખાતો આ દેશ એશિયા અને યુરોપ વચ્ચેના સેતુ સમાન છે. અહીં અરારતનો જ્વાળામુખી છે, ૩૬૦૦ કિલોમીટરનો વ્યાસ ધરાવતો વેન લેક છે અને યુફેરિક્સ તેમજ ટાયગ્રીસ જેવી વિશ્વની સૌથી મોટી નદીઓમાં સ્થાન પામતી નદીઓ પણ છે. લેખકબેલડી કહે છે કે તમારે માત્ર એક દિવસ માટે પણ ઈસ્તાનબુલ જવાનું થાય તો હિપ્પોડ્રમ, બ્લુ મોસ્ક, હાગિયા સોફિયા અને ટોપાકાપી પેલેસ  આ ચાર ચીજો ચોક્કસ જોવી. તેઓ લખે છે, ‘તમને આવી અદભુત, માનવે એકબીજાને અડખેપડખે ખડી કરેલી, અવર્ણનીય, કલાત્મક કૃતિઓ બહુ ઓછી જગ્યાએ જોવા મળશે. તમારામાંના ઘણા કહેશે કે આપણા દેશમાં પણ કળાકારીગીરી, સંસ્કૃતિ અને સુંદરતાના અવ્વલ નમૂનાઓ છે. એ વાત સાચી છે. પણ દરેક કળાકૃતિની આગવી વિશેષતા હોય છે. એક કળાકૃતિ બીજી વિશેષ ચડિયાતી છે એમ કહેવું યોગ્ય નથી.’



Blue Mosque
 કાપાડોકિયા ચમત્કારિક ભૌગોલિક રચનાઓ છે, જે લાખો વર્ષો દરમિયાન લાવારસ ઓકતા પર્વતોના ઘસારાથી સર્જાઈ છે. કાપોડોકિયાના પહાડો, ગુફાઓે અને ભૂગર્ભમાં નવનવ માળ સુધી માનવોએ કોતરીને બનાવેલો શહેરો ખાસ જોવા જેવા છે. ઈન ફેક્ટ, લેખકો જે હોટલમાં રહેલાં તે પેરીકોવ હોટલ કાપાડોકિયાના કુદરતી ડુંગરા અને તેમાં પડેલા છેદોમાં ફલાયેલી હતી. હોટલના રૂમો ગુફાઓની અંદર હતા. સવારના પ્હોરમાં ટર્કીની વિખ્યાત એપલ ટી અને ટોસ્ટબટરનો બ્રેકફાસ્ટ કરતા હો ત્યારે તમારા માથા પર સફરજન લટકતા હોય,  બાજુ વેલાઓમાં દ્રાક્ષના ઝુમખા ટીંગાતા હોય અને બેકગ્રાઉન્ડમાં પક્ષીઓનો ઝીણો કલરવ સંભળાતો હોય. આવો નૈસર્ગિક માહોલ મોંઘીદાટ ફાઈવસ્ટાર હોટલમાં પણ કેવી રીતે મળવાનો!



Cappadocia

લોકપ્રિય કિરદાર મુલ્લા નસિરુદ્દીન (જેમનું જન્મસ્થળ ટર્કી હતું), ટર્કિશ કોફી, ટર્કી સંબંધિત પુસ્તકો તેમજ ફિલ્મો અને એવા કેટલાય વિષયો પર મૂકાયેલાં માહિતીસભર બોક્સ આઈટમ્સને લીધે પ્રકરણો ઓર સમૃદ્ધ બન્યાં છે. ટર્કી ઉપરાંત મ્યુનિક (જર્મની), થાઈલેન્ડ, જપાન, ઈન્ડોનેશિયા વગેરેના પ્રવાસઅનુભવોને પણ સુંદર રીતે આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકની મજા એ છે કે અહીં શુષ્ક માહિતીનો ખડકલો નથી બલકે અનુભવો, અનુભૂતિઓ અને અવલોકનોનું ઉત્કટ બયાન છે. ડો. સુધીર શાહની કુંડળીમાં ભાગ્યવિધાતાએ પ્રલંબ અને શક્તિશાળી વિદેશયોગ રચ્યો છે. ૧૯૭૯માં તેમણે પહેલી વાર સોવિયેત રશિયાની યાત્રા કરી હતી. તે પછી આજ સુધીમાં તેઓ દુનિયાભરમાં ચિક્કાર ફર્યા છે, એક જ દેશોની એકથી વધારે વખત મુલાકાતો લીધી છે. જીવનસંગિની અને સહલેખિકા સંગીતા જોશી પણ હરવાફરવાનું એવું જ પેશન ધરાવે છે. બન્નેમાં ગમતાંને ગુલાલ કરવાની પોઝિટિવ લાગણી છે, જે આ પુસ્તકમાં સતત છલકાતી રહે છે. લેખકજોડીના ખુદના વ્યક્તિત્વ અને પારસ્પરિક સંબંધના આકર્ષક રંગો બેકગ્રાઉન્ડમાં ઉઘડતા જાય છે, જે પ્રવાસવર્ણનને વધારે આત્મીય બનાવે છે.

લેખકોનાં નિરીક્ષણો અને ટિપ્સ પણ મજાનાં છે. આપણે નવા સ્થળે જઈએ ત્યારે સૌથી પહેલાં ત્યાંના ટેક્સી ડ્રાઈવર અને હોટલ રિસેપ્શનિસ્ટના સંપર્કમાં આવીએ છે. તેથી જેતે દેશની ફર્સ્ટ ઈમ્પ્રેશન કેવી પડે છે તેનો સઘળો આધાર આ બન્નેનાં વ્યવહારવર્તણૂક પર અવલંબે છે! વિદેશ જતી વખતે આપણા દેશની નાનીનાની ગિફ્ટ આઈટમ્સ સાથે લઈ જવી. લેખકો કહે છે કે અજાણી વ્યક્તિ સાથે ઓળખાણ કરવાનો સૌથી સરળ રસ્તો છે, એને પોતાના દેશની કોઈ ચીજ ભેટમાં આપવાનો. આ ચેષ્ટા પાછળ ઈરાદો માત્ર ખુશી આપવાનો હોવાથી તમે નવા જૂથમાં આનંદભેર સ્વીકૃતિ પામો છો.

ડો. સુધીર શાહ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘આ પુસ્તક લખતી વખતે મનોમન ટર્કીનો નવેસરથી પ્રવાસ તો કર્યો જ, સાથે સાથે બીજા દેશોમાં  પણ માનસિક સ્તરે પાછાં ફરી આવ્યાં. તેથી આ પ્રવાસવર્ણન લખવાનો આનંદ, પ્રવાસના આનંદ કરતાંય વિશેષ પૂરવાર થયો. વિદેશપ્રવાસોના મારા વર્ષોના અનુભવોના આધારે હું શીખ્યો છ  કે પરદેશ ગયા હોઈએ ત્યારે કશુંક અણધાર્યું બને કે અપ્રિય પરિસ્થિતિ ઊભી થાય તો તેનો આનંદ માણતા પણ શીખી જવું જોઈએ. ફ્લેક્સિબલ તો રહેવું જ પડે. પ્રવાસ દરમિયાન તમે કોઈપણ ઉંમર કે સ્ટેટસની વ્યક્તિને મળો ત્યારે તેના પોઈન્ટઓફવ્યુથી જોઈવિચારી શકો તો તેની કંપની એન્જોય કરી શકશો.’

પુસ્તકના મોટા માઈનસ પોઈન્ટ છે તસવીરોની ક્ષતિયુક્ત છપાઈ અને નબળા લેઆઉટ્સ. એસ્થેટિક્સના સ્તરે પુસ્તક અનેકગણું બહેતર બની શક્યું હોત. વળી, ખૂબ બધી અંગત તસવીરો મૂકવાને બદલે જેતે સ્થળોના ફોટોગ્રાફ્સને વધારે મહત્ત્વ આપવાની આવશ્યકતા હતી. ખેર, આ ખામીઓ સહિત પણ પુસ્તક એટલું પાવરફુલ છે કે તે વાંચતી વખતે કેટલીય વાર તમને ફટાફટ બેગ પેક  કરીને કોઈ પણ રીતે ટર્કી પહોંચી જવાનું ઝનૂન જાગશે! અહીં ઉલ્લેખ પામેલા દેશોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરનારાઓ માટે આ પુસ્તક ‘મસ્ટ રીડ’ છે. ઈવન પ્રવાસકથાઓમાં રસ ન ધરાવનારાઓને પણ તે ખૂબ ગમી જવાનું.

 ટર્કી અને અન્ય દેશોમાં

લેખકોઃ સંગીતા સુધીર શાહ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, 
મુંબઈ-૧ અને અમદાવાદ-૧

ફોનઃ (૦૨૨) ૨૨૦૧૭૨૧૩, (૦૭૯) ૨૨૧૪૦૭૭૦
કિંમતઃ  રૂ. ૩૨૫ /
પૃષ્ઠઃ ૩૮૪

મોહમાયા અને જીવનરસ : ગર્ભથી શ્રાદ્ધ સુધી

‘અહા! જિંદગી’  - જૂન ૨૦૧૧માં પ્રકાશિત


જીવનમાંથી મોહતત્ત્વની બાદબાકી કરી નાખો તો એની રસિકતા મંદ પડી જવાની.  માતાના ગર્ભથી વંશજો દ્વારા થતાં શ્રાદ્ધકર્મ સુધી જીવનરસ માણસ સામે અવનવાં સ્વરૂપે પ્રગટતો રહે છે...




માણસને મોહતત્ત્વનો પહેલો સ્પર્શ અમૂર્તરૂપે થાય છે, એક કલ્પના કે વિચાર સ્વરૂપે. માણસ હજુ ગર્ભરૂપે આરોપિત પણ થયો નથી ને મોહની એક પ્રલંબ શંૃખલાની પહેલી કડી આકાર લઈ લે છે. અમૂર્તથી શરૂ થયેલી સફર આખરે અમૂર્ત સ્વરૂપે જ અંત પામે છે. આ મહાયાત્રાને જુદાજુદા તબક્કાઓમાં વિભાજિત કરી દઈએ...

પહેલો તબક્કો ઃ કલ્પના અને ફેન્ટસી

માણસના મોહતત્ત્વ સાથેના સંબંધની શરૂઆત ક્યારથી થાય છે? તે માતાના ઉદરમાં આકાર લેવાનું શરૂ કરે ત્યારથી? ના. શારીરિક સંદર્ભની બહુ પહેલાં કલ્પનાનો પ્રદેશ વિસ્તરી ચૂકે છે. માણસનો મોહતત્ત્વ સાથેનો પહેલો સંપર્ક કલ્પનાના ફલક પર થાય છે.
 - મને માન્યામાં નથી આવતું... વી આર એક્ચ્યુઅલી ગેટિંગ મેરિડ!
 - લિસન, અત્યારથી કહી દઉં છું. મેરેજ કર્યાં પછી બચ્ચું પેદા કરવામાં આપણે બિલકુલ વાર લગાડવાની નથી.
 - મને પણ મારી ડ્રીમ ગર્લને મળવાની જોરદાર ઉતાવળ છે, સ્વીટહાર્ટ.
 - ડ્રીમ ગર્લ? એ વળી કોણ?
 - આપણી દીકરી! આપણી એક દીકરી હોવી જોઈએ, નાની નાની, બ્યુટીફુલ...
 - દીકરીનો મોહ બહુ સારો નહીં. એ પરણીને વિદાય લેશે ત્યારે દુખી થઈ જઈશ.
 - આઈ ડોન્ટ કેર! પહેલું સંતાન તો દીકરી જ, બસ!

બીજો તબક્કો ઃ ગર્ભનાળ જોડાય તે પહેલાં...

પુરુષના શુક્રકોષ અને સ્ત્રીના અંડકોષનું મિલન થાય, ગર્ભમાં માનવદેહનો પિંડ બંધાવાની શરૂઆત થાય અને અત્યાર સુધી કલ્પનામાં ઘૂમરાયા કરતાં મોહને એક નિશ્ચિત આકાર મળવા લાગે.

 પ્રિય સંતાન,

 આજે અમે તને પહેલી વાર જોયો. મેં અને તારા ડેડીએ. તું મારા પેટમાં પોણા ચાર મહિનાથી છો. આજે સોનોગ્રાફી કરાવવા ગયાં ત્યારે હું બેડ પર સૂતી હતી, ડેડી બાજુમાં ઊભા હતા અને સામે મોનિટર પર તું હતો. તું બહુ જ સુંદર છો. એકદમ નાનો નાનો. નાજુક રમકડા જેવો. તારી લંબાઈ કેટલી છે, ખબર છે? સાડા ત્રણ સેન્ટિમિટર! અને વજન? ૪૮ ગ્રામ! પણ તોય સોનોગ્રાફી માટેના મોનિટર પર અમે તને ચોખ્ખો નિહાળ્યો. તું પીઠ પર સૂતો હતો અને એટલો રમી રહ્યો હતો કે ન પૂછો વાત. જાણે પાંચછ મહિનાનું બાળક સ્તનપાન કરી લીધા પછી હાથપગ ઊંચાનીચા કરતું, સંતોષપૂર્વક કિલકારીઓ કરતંુ ન હોય! તારો એક પગ ઊંચો હતો અને એ તું હલાવી રહ્યો હતો. એક હાથને પણ ઊંચોનીચો કરી રહ્યો હતો. નાનું ટપકા જેવડું તારંુ હૃદય ધક્ ધક્ કરી રહ્યું હતું. તારી પાંચેપાંચ આંગળીઓ, કરોડરજ્જુ બધું જ સ્પષ્ટ દેખાતું હતું. તને જોયા પછી અમને શું લાગ્યું, ખબર છે? તું દીકરી નહીં; પણ દીકરો છે! ખબર નહીં શું કામ! તને જોઈને મારી આંખો છલકાઈ આવી હતી, તારા ડેડી પણ ઈમોશનલ થઈ ગયા હતા. સાજોનરવો રહેજે, બેટા... માત્ર મારા પેટમાં જ નહીં, પણ તું જન્મીને આ પૃથ્વી પર આવીશ અને લાંબું જીવન જીવીશ ત્યારે પણ એકદમ સ્વસ્થ અને સુખી રહેજે. તારે એક બહુ જ સુંદર મનુષ્ય બનવાનું છે... બનીશ ને?
 તારા મોહમાં આસક્ત
તારી મમ્મી

ત્રીજો તબક્કો ઃ બચપન કે દિન




માણસ જન્મે એ પહેલાં જ એનાં માબાપના મોહપાશમાં જકડાઈ ચૂક્યો હોય છે. નવજાત શિશુને હજુ ભાષાની સમજ નથી, લાગણીઓની સમજ નથી. તેની વર્તણૂક ફક્ત ઇન્દ્રિયજન્ય છે. ક્રમશઃ એ ચહેરા અને સ્પર્શ ઓળખવાનું શરૂ કરે છે. તેનું વર્તન ધીમેધીમે પ્રતિક્રિયાત્મક બનવા લાગે છે. તેને હવે અમુક વસ્તુઓ ગમે છે. ‘ઘોડિયા’માં લટકાવેલા ગોળ ગોળ ફરતા લાલ રંગના ઘુમ્મટને તે ‘તાકી રહે છે.’ મનગમતાં રમકડાં તરફ એ ભાખોડિયાં ભરતો ‘ખેંચાય છે.’ કેરીનો રસ એને ‘ભાવે છે.’ ગમવું, તાકી રહેવું, ખેંચાવું, ભાવવું... બાળકમાં મોહતત્ત્વનાં આરોપણની શરૂઆત આ ક્રિયાઓ દ્વારા જ થઈ જતી હોય છે!
- બાબો દાદીનો બહુ હેવાયો છે, નહીં?
- બહુ જ. દાદીને એનો મોહ છે એના કરતાં એને દાદીનો વધારે મોહ છે. દાદી સિવાય આખો દિવસ એને ખોળામાં લઈને બેસી કોણ રહે?
- માસીએ લંડનથી આ રિમોટકંટ્રોલવાળો જોકર મોકલ્યો છે. એની સામે નજર પણ કરતો નથી, પણ રસ્તા પરથી લીધેલા ત્રીસ રૂપિયાના ડોગી માટે એને કેટલો મોહ છે, જો તો!

બર્થડે કેક પર કેન્ડલ્સની સંખ્યા વધતી જાય છે તેમ તેમ બચ્ચાનો મોહ વધુ ને વધુ વેલ  ડિફાઈન્ડ થતો જાય છે. પાડોશના પિન્ટુ પાસે છે એવી જ કાર એને જોઈએ છે. એને મોલમાં શોપિંગ કરવા મમ્મીપપ્પાની સાથે આવવું પસંદ છે, કારણ કે એને શોપિંગ ટ્રોલીમાં બેસીને ફરવાનો મોહ છે. એને સનફીસ્ટ બ્રાન્ડનાં જ બિસ્કિટ જોઈએ છે, કારણ કે બિસ્કિટના પેકેટની સાથે આવતી નાનકડી ફ્રી ગિફ્ટ (પ્લાસ્ટિકની ટચૂકડી જીપ, સાઈકલ, હેલિકોપ્ટર)નો એને મોહ છે. અતરંગી આઈટમો એને જરાય ભાવતી નથી, પણ તોય મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાઈ ગયા પછી મેક્ડોનાલ્ડઝમાં જવાની જીદ કરે છે, કારણ કે અહીં હેપી મિલ સાથે બચ્ચેલોગ માટે એકાદું રમકડું પણ ‘સર્વ’ કરવામાં આવે છે એવું તેણે ટીવી પર જોયું છે.
બાલ્યાવસ્થાનો મોહ વધારે બોલકો અને સ્પષ્ટ હોય છે. બાળકોને મોહિત કરવાં આસાન છે, ઉપભોક્તાવાદની આબોહવામાં ફૂલીફાલી રહેલી પેલી કંપનીઓ આ સત્યનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

ચોથો તબક્કો ઃ ફર્સ્ટ ક્રશથી થર્ડ લવ સુધી

મોહ, માયા, આકર્ષણ, લાલચ, આસક્તિ, ચાહના, વાસના, ઝંખના ઈવન પ્રેમ... આ બધી એકબીજાંની પાસેપાસેની સગોત્રી લાગણીઓ છે. આ એકાકી કે સ્ટેન્ડઅલોન ફિલિંગ્સ નથી. મોહ છે ત્યાં બે ભિન્નભિન્ન અસ્તિત્વો છે અને એકની બીજા તરફની ગતિ છે. મોહ પોતાની સાથે કદાચ અનેક લાગણીઓને ખેંચી લાવે છે. કિશોરાવસ્થા ઓળંગીને તરુણાવસ્થામાં પગ મૂક્યા પછી ઘર અને સ્કૂલ સિવાયની દુનિયા ખૂલવા લાગે છે. દોસ્તીનો અર્થ સમજાવા લાગે છે. જીવનમાં મૈત્રીના સંબંધનો રંગ સ્પષ્ટપણે ઉમેરાતો જોઈ શકાય એટલી સજ્જતા કેળવાતી જાય છે. ભાઈબંધો સાથે વધારે ને વધારે સમય પસાર કરવાનો મોહ વધતો જાય છે. બ્રહ્મવૈવર્તપુરાણ કહે છે કે આ વિશ્વમાં ત્રણ પ્રકારના સંબંધ છે ઃ વિદ્યાથી નીપજતો, યોનિમાંથી નીપજતો અને પ્રીતિમાંથી ઉત્પન્ન થતો. પ્રીતિમાંથી ઉત્પન્ન થતા સંબંધોમાં મૈત્રીનો સંબંધ દુર્લભ છે. આ દુર્લભ સંબંધનાં મૂળિયાં ક્યારે બાળપણમાં નખાઈ જતાં હોય છે. રમેશ પારેખે લખ્યું છે ઃ
મારા ચારપાંચ મિત્રો છે એવા 
કેવા?
આમ લુચ્ચા પણ ચુંબનની ઢગલી
જેવા.

શરીરમાં હોર્મોન્સની ઊછળકૂદ શરૂ થાય એટલે ભાઈબંધો સાથે શોર્ટ કટથી ટ્યૂશન ક્લાસમાં પહોંચી જવાને બદલે લાંબો રૂટ પસંદ થવા લાગે છે? શા માટે? એ રસ્તે ગર્લ્સ સ્કૂલ છે અને પેલી ઊંચી, બોબ્ડ હેરવાળી છોકરીની એક ઝલક મેળવવાનો મોહ છૂટતો નથી. એ છોકરી તમારો પહેલો ‘ક્રશ’ છે. ‘ક્રશ’ એ મોહનું શારીરિક આવેગોમાં ઝબોળાયેલું ગમતીલું સ્વરૂપ છે...

ફર્સ્ટ લવમાં કેટલું મોહતત્ત્વ ઓગળેલું હોય છે? પ્રેમ એક કરતાં વધારે લાગણીઓનું ઝૂમખું છે અને એમાં મોહનું વજન ખાસ્સું એવું છે. સેકન્ડ, થર્ડ, ફોર્થ લવમાં બીજી બધી લાગણીઓનું જે થતું હોય તે પણ મોહનું એલિમેન્ટ ઉત્તરોત્તર ઘટતું જ જતું હોય છે! પ્રેમમાં પડવું અથવા પ્રેમમાં હોવું એટલે મોહભંગ થવા માટે રેડી રહેવું! ‘ઓફિશિયલી’ દિલ તૂટે કે ન તૂટે, પણ ગાઢ સંબંધમાં નિભ્રરન્ત થવાની ક્ષણ તો આવે જ છે. આવું થાય અને તમારામાં અને તમારા પાર્ટનરમાં થોડીઘણી સમજદારી હોય તો સામસામા બેસીને તમે ભારે ચહેરે ‘કમ્યુનિકેટ’ કરવા બેસો છોઃ

- આર યુ શ્યોર કે તું મને પહેલાં જેટલો જ પ્રેમ કરે છે?
 -અફકોર્સ!
 -આ સવાલ હું તને એકલાને નહીં; મારી જાતને પણ પૂછી રહી છું...
 - એટલે?
 - એમ કે... આઈ ડોન્ટ નો, પણ મને લાગી રહ્યું છે કે તારા પ્રત્યેની મારી ફિલિંગ્સ પણ પહેલાં જેટલી ઈન્ટેન્સ નથી રહી.
 - ડોન્ટ વરી, સ્વીટહાર્ટ.
 - ડોન્ટ વરી એટલે?
 - જો, સંબંધ વડે જોડાયેલી બે વ્યક્તિઓ વચ્ચે એક સરહદરેખા કાયમ અંકાયેલી રહે છે. સંબંધ ગમે તેટલાં પરિપક્વ, ઊર્ધ્વગામી અને કલ્યાણકારી કેમ ન હોય, એક પરાકાષ્ઠા પછી બન્ને વ્યક્તિઓ એકાકી બની જ જાય છે. એક હદ સુધી જ લાગણીઓ અને વિચારોનાં આદાનપ્રદાન શક્ય છે. એ હદ આવી જાય પછી બન્નેએ ફરજિયાત એકલા પડી જવું પડે...
 - કદાચ તું સાચું કહે છે... બાકી આપણા બેનો એકબીજા પ્રત્યેનો મોહ જે રીતે ઘટી રહ્યો છે એ જોઈને હું તો ચિંતામાં પડી ગઈ હતી.
 - ચિંતા કરવા જેવું કશું નથી. ચલ, ફૂડ ઓર્ડર કર...

પાંચમો તબક્કો ઃ વસમું વ્યક્તિત્વઘડતર





મોહના આલંબનથી બંધાવા માટે બીજી વ્યક્તિની જરૂર પડે જ એ જરૂરી નથી, પોતાની જાત પ્રત્યેના મોહનું વર્તુળ ઘણું મોટું હોય છે અને જીવનના અંત સુધી તે વિસ્તરતું રહે છે. સ્કૂલકોલેજમાં હંમેશાં ફર્સ્ટ આવવાનો મોહ, ખુદને સ્કૂલ/કોલેજ/સોસાયટી/હોસ્ટેલમાં ‘હીરો’ તરીકે સ્થાપિત કરવાનો મોહ, ખુદને એક અતિ સફળ વ્યક્તિ તરીકે જોવાનો મોહ, પોતાની જાતને આદર્શ પુત્ર (કે પુત્રી)/આદર્શ પતિ(કે પત્ની)/આદર્શ પિતા(કે માતા) તરીકે સ્થાપિત કરવાનો મોહ...

આ બધા ‘પોઝિટિવ’ મોહ છે!

સ્વપ્રતિમા કે સેલ્ફઈમેજ પણ આમ તો માયા જ છે. સેલ્ફઈમેજના મોહમાં પડવું એટલે ખુદના પડછાયાને પકડવાની ચેષ્ટા કરવી. અમૃતા પ્રીતમે એમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’માં લખ્યું છે ઃ
‘Create an idealised image of yourself and try to resemble it... આ શબ્દો કજાન્તજાકિસે પોતાની પ્રેયસીને પહેલી મુલાકાતમાં કહ્યા હતા. હું એમ નથી કહેતી કે આ શબ્દોનો મર્મ મારી પકડમાં આવી ગયો છે  કેવળ એટલું કે આખી જિંદગી એ મારા સહાયક રહ્યા છે... એનો મર્મ જ કદાચ એ વાતમાં છે કે પોતાનો ચહેરો જ્યારે પણ કલ્પિત પ્રતિમા સાથે મળતો આવવા માંડે છે કે તરત કલ્પિત પ્રતિમા (એટલે કે સેલ્ફઈમેજ) વધુ સુંદર થઈને દૂર જઈને ઊભી રહે છે. કેવળ એટલું કહી શકું કે આખી જિંદગી એના સુધી પહોંચવા મથતી રહું છું.’

પ્રસિદ્ધિનો મોહ પ્રચંડ હોય છે અને એ ક્યારેક મર્યા પછી પણ છૂટતો નથી! ખેર, ખ્યાતનામ બનવાનો મોહ અંકુશમાં રહે તો એ માણસની શક્તિઓને યોગ્ય દિશા આપી શકે. વિશ્વની સૌથી ધનિક સ્ત્રીઓમાં સ્થાન પામતી અમેરિકાની વિખ્યાત ટીવી પર્સનાલિટી ઓપરાહ વિન્ફ્રેએ બાર વર્ષની ઉંમરે જ એના ફાધરને કહી દીધું હતું કે ડેડી, મારે મોટા થઈ ફેમસ થવું છે અને એનું પ્લાનિંગ મેં અત્યારથી શરૂ કરી દીધું છે!
પ્રસિદ્ધિ અને કીર્તિમાં ફર્ક છે. પ્રસિદ્ધ માણસ સત્ત્વશીલ હોય તે ફરજિયાત નથી, પણ કીર્તિ પામેલા માણસમાં અનિવાર્યપણે એક પ્રકારની ગરિમા અને સત્ત્વશીલતા હોવાનાં. એક સંસ્કૃત સુભાષિતમાં કહેવાયું છેઃ ‘પ્રથમ અવસ્થામાં વિદ્યા, બીજી અવસ્થામાં ધન અને ત્રીજી અવસ્થામાં કીર્તિ ન મેળવે એ માણસ ચોથી અવસ્થામાં (એટલે કે વૃદ્ધાવસ્થામાં) શું કરવાનો?’

 - આ બધી વાત સાચી, બોસ, પણ ધનવાન અને કીર્તિવાન બનવા માટે પ્રોપર પ્લેસ જોઈએ.
 - પ્રોપર પ્લેસ મતલબ?
 - બિગ સિટી... બોમ્બે જેવું! સિટી ઓફ ડ્રીમ્સ... સિટી ઓફ મિરેકલ્સ! મોહમયી નગરી મુંબઈ... હિયર આઈ કમ!

છઠ્ઠો તબક્કો ઃ જન્મભૂમિથી કર્મભૂમિ


ચંદ્રકાંત બક્ષી એમની આત્મકથા ‘બક્ષીનામા’માં લખે છે ઃ
‘...અને એક દિવસ દરેક છોકરાએ મર્દ બનવા માટે ઘર છોડવું પડે છે. એક દિવસ ગુમાન શબ્દનો અર્થ શોધવો પડે છે. એક દિવસ ગુલામીના કાયદા સમજવા પડે છે... છોકરાઓની દુનિયા જુદી છે. પ્યારથી જિંદગીના સબક શિખાતા નથી. એક જ માર્ગ શીખવાનો, જિંદગીને અને માણસોને સમજવાનો ઃ અપમાનબોધ. રોમાન્સ પછી આવે છે, રોટી પહેલી આવે છે. જેણે બેકારી જોઈ છે એને ત્યાગનું મહત્ત્વ સમજાવતા બાવાસાધુઓની જરૂર નથી... દરેક છોકરીએ બીજા ઘરમાં જવાનું છે, દરેક છોકરાએ પહેલું ઘર છોડવાનું છે. ઘર છોડવાનું છે એટલે ઘર બહાર નીકળવાનું છે, નવી હવા, નવા સંજોગો, નવા સંબંધો, નવો પરિવેશ...’

સ્થળ કે શહેર સાથે મોહાસક્ત થતાં ક્યાં વાર લાગે છે? તમારે બોરીવલી, કાંદિવલી કે મલાડ છોડવું નથી, કારણ કે તમને ગુજરાતી લોકાલિટીનો મોહ છે. મુંબઈની લાઈફ ગમે તેટલી હાર્ડ કેમ ન હોય, તમને આ મોહમયી નગરીનો મોહ છૂટવાનો નથી. પોતાની જન્મભૂમિ સાથે જ નહીં, કર્મભૂમિ સાથે પણ મોહમાયાનાં બંધનમાં જકડાઈ જવું સ્વાભાવિક છે.

એઝરા પાઉન્ડ નામના અમેરિકન કવિએ લખેલી એક કવિતામાં પોતાના શહેર પ્રત્યેની ચાહના કેટલી તીવ્રતાથી વ્યક્ત થઈ છે તે જુઓ. ‘ન્યુયોર્ક’ શીર્ષક ધરાવતી આ કૃતિને ઉત્પલ ભાયાણીએ અનુવાદિત કરી છે ઃ

મારંુ શહેર, મારી પ્રેયસી, મારી શ્વેતા! આહ કેવી નમણી!
સાંભળ! મને સાંભળ અને હું મારા શ્વાસથી તારામાં પ્રાણ પૂરીશ.
નજાકતથી વાંસળીમાં હવા પુરાય, તું મારામાં જીવ રાખ
હવે હું બરાબર જાણું છું કે હું પાગલ છું,
કારણ કે અહીં ભીડ સાથે તોછડા બની ગયેલા
લાખો લોકો છે
આ કોઈ આયા નથી અને
મારી પાસે કોઈ વાસંળી હોત તો એ વગાડવી
મારા માટે શક્ય પણ નથી.
મારંુ શહેર, મારી પ્રેયસી
તું તો સ્તન વગરની આયા છે.
તું તો બંસરી જેવી નમણી છે.
મને સાંભળ, મારી સંભાળ રાખ!
અને હું મારા શ્વાસથી તારામાં પ્રાણ પૂરીશ
અને તું અમર બની જશે.

ગૃહસ્થાશ્રમ પરિવાર બનાવવાનો, પૈસા બનાવવાનો, સ્ટેટ્સ બનાવવાનો સમય છે અને આ તબક્કામાં મોહવૃત્તિ એની પરાકાઠાએ પહોંચે છે. મોટી ગાડી લેવાનો મોહ, મોટું ઘર લેવાનો મોહ, સપરિવાર યુરોપની ટૂર કરી આવવાનો મોહ, લાખોનું દાન આપીને વતનમાં જ્ઞાતિના છોકરાઓ માટે બોર્ડંિગ ઊભી કરી અને પોતાનું કે સ્વર્ગસ્થ બાનું કે બાપુજીનું નામ આપવાનો મોહ, દીકરા કે દીકરી માટે સમાજમાં વટ પડી જાય એવું હાઈક્લાસ ઠેકાણું શોધવાનો મોહ... આ સૂચિ અંતહીન હોઈ શકે છે.

સાતમો તબક્કો ઃ વાનપ્રસ્થાશ્રમ અને વૈરાગ્ય



વાનપ્રસ્થાશ્રમ એટલે આમ તો મોહમાયામાંથી મન વાળવાની શરૂઆત કરવાનો તબક્કો... પણ એમ મોહમાયામાંથી મુક્તિ મેળવવી ક્યાં સહેલી છે? સંતાનો પરણી ગયાં છે અને તેમના ઘરે પણ પારણાં બંધાઈ ગયાં છે... હવે મુદ્દલ કરતાં વ્યાજ વધારે વહાલંુ હોવાનું જ ને!
 - મારા અમિતના બાબાને મારા વગર એક ઘડી પણ ન ચાલે. આખો દિવસ ‘દાદી...દાદી’ કરતો હોય.
 મારેય એવું જ છે ને! જિજ્ઞેશની બેઉ બેબીને મમ્મી વગર ચાલે, પણ મારા વગર ન ચાલે. એને સ્કૂલ લઈ આવવામૂકવાનું કામ મારંુ જ.
 - મારી એકતાના ઘરે પારણું બંધાઈ જાય એટલે ભયોભયો. ચોથી પેઢીનું મોઢું જોવાઈ જાય એટલે પછી બધી મોહમાયા ત્યજી દેવી છે, બસ.

પણ આ ‘બસ’ ક્યારેય થતું નથી. મોહને ટાંગવા માટેની નવીનવી ખીંટીઓ મળી જ રહે છે.
મોહનો વિરુદ્ધાર્થી શબ્દ ત્યાગ છે? ત્યાગ અને વૈરાગ્ય તરફ ગતિ કરવાથી આપોઆપ મોહમાંથી મુક્તિ મળી જતી હોય છે અને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આસાની થઈ જતી હોય છે? કુંદનિકા કાપડિયા એમની ‘પરોઢ થતાં પહેલાં’ નવલકથામાં લખે છેઃ

‘ત્યાગ અને વૈરાગ્યમાંથી જો અંદર અજવાળું ન થતું હોય, જંગલમાં ઊછળતાં, વહેતાં, ગાતાં ઝરણાં જેવો બંધનહીન આનંદ ન પ્રગટતો હોય તો એ ત્યાગ અને વૈરાગ્ય ખોટા છે...’

જીવનના સામા કાંઠા નજીક પહોંચી રહ્યા હોઈએ એટલે વૃત્તિઓને સંકોરતા જઈને મોહમુક્ત, નિર્લેપ જિંદગી જીવવા માંડવી જોઈએ? કે પછી, જીવનને અંતિમ ક્ષણ સુધી એના તમામ રંગોમાં ભરપૂરપણે જીવી લેવું જોઈએ? વીતતા જતા દાયકાઓ સાથે મોહતત્ત્વને હેન્ડલ કરવાની ક્ષમતા પણ વધતી જતી હોય છે? કદાચ. સહજ વિરક્તિ પામી લેતા વિરલાઓની વાત જુદી છે, બાકી સામાન્ય માણસ માટે તો જિંદગી નામના પુસ્તકમાં મોહ કદી ખતમ ન થતું પ્રકરણ છે. વચ્ચે વચ્ચે નિર્લેપ હોવાનાં છૂટાંછવાયાં પાનાં આવી જાય, બાકી મોહનું અનુસંધાન છેક સુધી મળતું રહે છે, અનિવાર્યપણે, સતત, અંતિમ પૃષ્ઠ સુધી.



આઠમો તબક્કો ઃ મૃત્યુને પેલે પાર


મૃત્યુ જિવાયેલાં જીવનની તમામ ઘટનાવલીઓનો લોજિકલ અંત છે. એક પૂર્ણવિરામ. મૃત્યુને કારણે કદાચ બીજું બધું અટકી જતું હશે પણ મોહતત્ત્વ પર હજુય ‘ધી એન્ડ’નું પાટિયું ઝૂલતું નથી, હજુય તેના પર પૂર્ણવિરામ મુકાતું નથી.

આપણામાં માણસ મરી જાય ત્યારે કહેવાય છે કે તેણે ‘દેહ છોડ્યો’. અર્થાત્ ‘તે’ અને ‘દેહ’ બન્ને એક નથી. મૃત્યુ પામેલા માણસનો આત્મા અતૃપ્ત હોઈ શકે છે, પાછળ છોડી દીધેલા કુટુંબીજનોમાં એનો જીવ અટકી રહ્યો હોય તેવું બની શકે છે. નશ્વર દેહ છોડી ચૂકેલા આપણા સ્વજનો અને પૂર્વજો માટે આપણે શ્રાદ્ધકર્મ કરીએ છીએ, દર વર્ષે કાગવાસ નાખીએ છીએ. નાનું બાળક દૂર અગાસીની પાળી પર બેઠેલા કાગડાને જોઈને નિર્દોષતાથી પૂછે છે ઃ ડેડી, પેલો કાગડો દાદાજી છે? તમે કહો છો ઃ હા બેટા, દાદાજીને પૌત્ર રમાડવાનો બહુ મોહ હતો, પણ તારો જન્મ થયો એ પહેલાં જ એ ભગવાનના ઘરે જતા રહ્યા; એટલે અત્યારે તને મળવા કાગડો બનીને આવ્યા છે...

પૂર્વજોના આત્માની શાંતિ-અશાંતિ કે તૃપ્તિ-અતૃપ્તિનો સીધો, આડકતરો કે આંશિક સંબંધ તેમની મોહવૃત્તિ સાથે જરૂર હોવાનો. અવકાશમાં વિહાર કરતા આત્માઓને હજુય તેમની આગલી પેઢીઓના વારસદારોના જીવનને સ્પર્શ કરવાનો મોહ રહેતો હશે? લખચોર્યાશીનો ફેરો કદાચ મોહતત્ત્વ વગર શક્ય નહીં બનતો હોય! એક વાત સ્પષ્ટ છે. માતાના ગર્ભથી વંશજોના શ્રાદ્ધકર્મ સુધી મોહતત્ત્વ માણસને મુક્ત કરતંુ નથી.