Wednesday, February 27, 2019

ઇતિહાસના પ્રકાશપૂંજની પેલે પાર


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 27 ફેબ્રુઆરી 2019 
ટેક ઓફ 
તાજેતરમાં જેમને મરણોત્તર ભારતરત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા એ નાનાજી દેશમુખ કોણ હતા? 

26 જૂન 1975ના રાતના સવા બાર. ઇંદિરા ગાંધીએ આજે ભારતમાં કટોકટી લાદી છે. દિલ્હીની દીનદયાળ ઇન્સ્ટિટ્યુટના સૌથી ઉપરના માળે ઓફિસ ગણો તો ઓફિસ અને બેડરૂમ ગણો તો બેડરૂમમાં એક પ્રૌઢ આદમી કશુંક લખી રહ્યા છે. પાતળું શરીર, સફેદ વાળ, આકરા તાપમાં રખડવાને કારણ કાળો થઈ ગેયેલો ચહરો. અચાનક એમનો ફોન રણકે છે. સામેના છેડેથી કોઈક એમને બાતમી આપે છેઃ

‘તમારી પાસે પૂરો એક કલાક પણ નથી. રાત્રે એક વાગે પોલીસ તમારી જગ્યા ચારે તરફથી ઘેરી લેશે. તમે અબ્બીહાલ નીકળી જાઓ.’

પુરુષ રિસીવર મૂકીને ફટાફટ બે-ચાર જણાને ફોન કરીને કશીક મસલત કરી લે છે. પછી એક થેલામાં એકાદ-બે ધોતીયાં, પહેરણ અને બીજી થોડી કામની વસ્તુઓ પેક કરીને તરત બહાર નીકળી જાય છે. પોલીસ હજુ આવી નથી.પરોઢ થાય ત્યાં સુધીમાં અડધોક ડઝન સાથીઓ એમની સાથે જોડાય છે અને પછી ભૂગર્ભમાં તેમનું ‘ઓપરેશન ટેકઓવર’ શરૂ થાય છે. શું ટેકઓવર કરવાનું છે? ઇંદિરા ગાંધીની સરકાર! આ મહાશય એક મહિના સુધી સતત આખા દેશમાં લપાતાછૂપાતા રહે છે. છતાંય 29 જુલાઈ, 1975ના રોજ એમની ધરપકડ થઈને જ રહે છે. આઝાદ ભારતની જેલમાં પૂરાતી વખતે એ યુવાને વિચાર્યું નહીં હોય કે 44 વર્ષ પછી એમને કોઈ પણ ભારતીય નાગરિકને મળી શકતું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થવાનું છે.

આ મહાનુભાવનુ નામ છે, નાનાજી દેશમુખ. થોડા દિવસો પહેલાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એમને મરણોત્તર ભારતરત્નનો ખિતાબના હકદાર ઘોષિત કર્યા. યોગાનુયોગે આજે નાનાજી દેશમુખની પુણ્યતિથિ છે (જન્મઃ 11 ઓક્ટોબર 1916, મૃત્યુઃ 27 ફેબ્રુઆરી 2010). આટલું મોટું સન્માન મેળવનાર આ વ્યક્તિના નામ અને કામથી લોકો ખાસ પરિચિત નથી. ચાલો, જાણીએ.

નાનાજી દેશમુખ એટલે રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ)ના એક બહુ જ મહત્ત્વપૂર્ણ સદસ્ય. ગ્રામ્ય ભારતીયોની સેવામાં જીવન ખર્ચી નાખનાર સાચુકલા સામાજિક કાર્યકર. નાનાજીનો જન્મ મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના કડોલી નામના ગામે થયો હતો. એમનું મૂળ નામ ચંડિકાદાસ અમૃતરાવ દેશમુખ. નિર્ધન માતા-પિતાના મૃત્યુ બાદ મામાના ઘરે ઊછરેલા નાનાજીનું બાળપણ અભાવમાં વીત્યું. ભણવામાં તેજસ્વી, પણ પાઠ્યપુસ્તક ખરીદવાના પૈસા ન હોય. આવી સ્થિતિમાં તેઓ શાકભાજી વેચીને બે પૈસા ઊભા કરી લેતા.

નાનાજી દેશમુખ તેર વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાઈ ગયા હતા. આરએસએસના સ્થાપક ડો. હેડગેવારના વિચારોથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતા. ડો. હેડગેવારે એ અરસામાં 17 સ્વયંસેવકોને સંઘની આજીવન પ્રતિજ્ઞા લેવડાવી હતી. એમાંના એક નાનાજી દેશમુખ પણ હતા. નાનાજીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી પછી આગળ ભણવા માટે ડો. હેડગેવારે એમને રાજસ્થાન જવાની સલાહ આપી. સંઘનું કામ કરવા માટે યુવાન સ્વયંસેવકોને આ રીતે દેશના જુદાં જુદાં રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા. નાનાજીએ પિલાની-રાજસ્થાનની બિરલા કોલેજમાં એડમિશન લઈને ત્યાં સંઘની શાખાઓ ઊભી કરી.

1940માં ડો. હેડગેવારનું મૃત્યુ થયું ત્યાર બાદ સંઘના દ્વિતીય સરસંચાલક મ, સ. ગોળવલકરનો આદેશ માથે ચડાવીને તેઓ ઉત્તર પ્રદેશ ગયા. અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના સંપર્કમાં આવ્યા. પંડિતે એમને ગોરખપુર મોકલ્યા. આવકનું કોઈ સાધન નહીં ને સંઘ તરફથી પણ ખાસ કંઈ આર્થિક મદદ મળે નહીં. આથી નાનાજી ધરમશાળામાં રહેતા. ધરમશાળાનો એવો નિયમ કે સળંગ ત્રણ દિવસ કરતાં વધારે સમય રહી ન શકાય. આથી નાનાજીએ સતત ધરમશાળા બદલ્યા કરવી પડતી. આખરે એક કોંગ્રેસી નેતાએ એમની રહેવાની વ્યવસ્થા કરી. બદલામાં નાનાજીએ એમના માટે રસોઈ કરવી પડતી. આટલાં કષ્ટ વેઠીને પણ નાનાજી સંઘનું કામ કરતા રહ્યા. એમની મહેનતનું પરિણામ એ આવ્યું કે ત્રણ જ વર્ષમાં ગોરખપુરની આસપાસ આરએસએસની અઢીસો જેટલી શાખાઓ શરૂ થઈ ગઈ.

નાનાજી દેશમુખ તરૂણાવસ્થાથી જ એવું માનતા આવ્યા હતા કે ભારતને આઝાદી અપાવવા માટે આરએસએસ જેવું જ કોઈ માધ્યમ જોઈશે. વર્ષો પછી આપેલા એક મેગેઝિન ઇન્ટરવ્યુમાં એમણે કહેલું પણ ખરું કે જો આરએસએસ ન હોત તો મારા મનમાં ન તો દેશપ્રેમની ભાવના જાગી હોત કે ન મેં મારી જીંદગી દેશને સમર્પિત કરી હોત. આજે હું જે કંઈ છું તે આરએસએસને કારણે છું.

1948માં ગાંધીજીની હત્યા પછી આરએસએસ પર એક વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પૂર્વગ્રહયુક્ત કોંગ્રેસી નેતાઓ દ્વારા સંઘના સ્વયંસેવકોની હેરાનગતી થઈ પછી સંઘને કોઈ રાજકીય પક્ષની ઓથની જરૂરિયાત જણાઈ. પરિણામે શ્યામાપ્રસાદ મુખર્જીના નેતૃત્વ હેઠળ ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી. પક્ષના સંગઠન માટે સંઘે કેટલાક પ્રચારકો પૂરા પાડ્યા. નાનાજી દેશમુખ એમાંના એક. એમને ઉત્તર પ્રદેશના જનસંઘના મહામંત્રીનું પદ આપવામાં આવ્યું. 1957 સુધીમાં જનસંઘની હાજરી યુપીના તમામ જિલ્લામાં નોંધાઈ. નાનાજીના પ્રયત્નોથી યુપીમાં પહેલી વાર બિનકોગ્રેસી સરકાર બની. ચૌધરી ચરણસિંહ મુખ્યમંત્રી બન્યા અને નાનાજી કુશળ સંગઠક તરીકે ઊભર્યા.

1971થી 1975 દરમિયાન નાનાજી કેન્દ્રમાં ઇંદિરા ગાંધીની સરકાર સામે લડત ચલાવી રહેલા જયપ્રકાશ નારાયણના સંગાથી બન્યા. એક વાર ઇંદિરા ગાંધીના કુશાસનના વિરોધમાં પટણામાં વિશાળ રેલી નીકળી. પોલીસે દેખાવકારો પર હુમલો કર્યો. જયપ્રકાશ નારાયણ પર પણ લાઠીના પ્રહાર થઈ શક્યા હોત, પરંતુ નાનાજીએ વચ્ચે પડીને ઘા ઝીલી લીધા. પરિણામે એમનો હાથ ભાંગી ગયો. એમની આ ચેષ્ટાની પ્રશંસા મોરારજી દેસાઈએ પણ કરી.

લેખની શરૂઆતમાં વર્ણવ્યું હતું તે પ્રમાણે, ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે નાનાજી સહિત ઘણા દેખાવકારો ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ તબક્કે વિપક્ષોએ સંગઠિત થઈને લોક સંઘર્ષ સમિતિની રચના કરી. નાનાજી તેના પહેલા મહાસચિવ બન્યા. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ ગ્રુપના સંસ્થાપક રામનાથ ગોએન્કા એમના ખાસ દોસ્તાર હતા. નાનાજી દેશમુખને જેલમાંથી છોડવા માટે તેમણે ઇંદિરા ગાંધી પર દબાણ ઊભું કર્યું હતું. આખરે સત્તર મહિનાના જેલવાસ પછી નાનાજી દેશમુખને આઝાદી મળી. એમને 1977ની ચુંટણી લડવાનો આગ્રહ કરનારા પણ રામનાથ ગોએન્કા જ હતા.

તત્કાલીન નવા વડાપ્રધાન મોરારજી દેસાઈએ એમને પ્રધાનમંડળમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું, પણ નાનાજીએ તે સ્વીકારવાને બદલે સક્રિય રાજકારણને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો. એમના આ પગલાએ આશ્ચર્ય સર્જ્યું હતું. વર્ષો પછી નાનાજીએ એક મુલાકાતમાં કહ્યું હતું, ‘આપણે તદ્દન ઊલટી દુનિયાનું સર્જન કરી રહ્યા છીએ. ભારતની સમૃદ્ધિ, માનવધન અન કુદરતી સંપત્તિ બન્ને, આપણાં ગામડાંમાં છે, પણ સરકાર આ હકીકતને અવગણના કરી રહી છે. સરકાર શહેરોનો વિકાસ કરી રહી છે અને ઉપભોક્તાવાદને ઉત્તેજન આપી રહી છે. હું રાજકારણ અને રાજકારણોથી એટલો ઉબાઈ ગયો હતો કે તે બધું છોડી યુવાશક્તિનો ગામડાંના ઉત્થાન માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું.’

નાનાજીએ જયપ્રકાશ નારાયણની સ્મૃતિમાં જયપ્રભા ગ્રામની રચના કરી. 1989માં ચિત્રકૂટ ધામમાં કાયમી વસવાટ કર્યો. નાનાજી કાયમ કહેતા કે એમને રાજા રામ કરતાં વનવાસી રામ હંમેશાં વધારે પ્રિય લાગ્યા છે. 1999માં તેમની રાજ્યસભાના સભ્ય તરીકે વરણી કરવામાં આવી. 1999માં તેમને પદ્મવિભૂષણ ખિતાબથી નવાજવામાં આવ્યા. એપીજી અબ્દુલ કલામે ખુદ એ વખતે કહ્યું હતું કે નાનાજીના પ્રતાપે ચિત્રકૂટની આસપાસનાં 80 ગામોમાં પોલીસ કેસ નોંધાવાનું બંધ થઈ ગયું છે. નાનાજીએ આપણને શીખવ્યું છે કે લોકો અંદરોઅંદર ઝઘડતા રહેશે તો વિકાસ માટે સમય ક્યાંથી બચશે?

એક વાર નાનજી દેશમુખને પૂછવામાં આવ્યું કે શું હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ એ જ તમારો અંતિમ એજન્ડા નથી? શું આરએસએસ મૂળભૂત રીતે જ મુસ્લિમ-વિરોધી નથી? નાનજી દેશમુખનો જવાબ હતો, ‘ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે સમસ્યા છે જ નહીં. જઆ બધું રાજકારણીઓએ ઊભું કર્યું છે. મેં રાજકારણને તિલાંજલિ આપી એનું આ જ તો કારણ હતું.’

2010માં આજની તારીખે નાનાજી દેશમુખનું નિધન થયું. એમણે વસિયતનામામાં લખ્યું હતું તે મુજબ એમનો મૃતદેહને મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યો. આપણે ત્યાં નાનાજી દેશમુખ જેવા એવા કેટલાય નાયકો થઈ ગયા, જે માત્ર લૉ-પ્રોફાઇલ હોવાને કારણે ઇતિહાસના પ્રકાશપૂંજની બહાર રહી ગયા છે. 
0 0 0 



Saturday, February 23, 2019

‘મ્યુનિક’માં શું છે?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 24 ફેબ્રુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
પુલવામામાં આપણા જવાનોનો જીવ લેનાર આતંકવાદી જૂથના એકેએક નરાધમને વીણી વીણીને મારી નાખવા જોઈએ એવો તીવ્ર રોષ જો તમારા મનમાં જાગ્યો હોય તો સ્ટીવન સ્પિલબર્ગની મ્યુનિક  ફિલ્મ જરૂર જોજો.


1972માં જર્મનીના મ્યુનિક શહેર એક એવા ઘટનાક્રમે આકાર લીધો જેણે આખી દુનિયામાં આઘાતના તરંગો ફેલાવી દીધા હતા. 36 વર્ષના લાંબા ગાળા બાદ જર્મની અતિપ્રતિષ્ઠિત ઓલિમ્પિકસ રમતોત્સવનું યજમાન બન્યું હતું. શાનદાર પ્રારંભ બાદ પહેલું અઠવાડિયું તો સરસ વીત્યું, પણ બીજા વીકમાં અકલ્પ્ય બનાવ બની ગયો. પાંચમી સપ્ટેમ્બર 1972ની વહેલી સવારે પેલેસ્ટાઇનના આતંકવાદીઓનું એક આખું ટોળું ખેલાડીઓને રહેવા માટે ઊભા કરવામાં આવેલા ઓલિમ્પિયાડમાં ઘૂસી ગયા. એમના નિશાના પર ઇઝરાયલના ખેલાડીઓ હતા. બે ઇઝરાયલી એથ્લેટ્સને તો આ નરાધમોએ ત્યાં જ ખતમ કરી નાખ્યા ને બીજા નવ ખેલાડીઓને બંદી બનાવ્યા. એમની ડિમાન્ડ હતી કે જો આ નવ ખેલાડીઓને જીવતા ભાળવા હોય તો ઇઝરાયલની જેલોમાં જે 234 પેલેસ્ટીનીઅનો ઉપરાંત બે જર્મન આતંકવાદીઓ પૂરાયેલા છે એમને છોડી મૂકવામાં આવે. વાટાઘાટ પડી ભાંગી. નવેનવ બંદીવાન ઇઝરાયલી ખેલાડીઓનો પણ ભોગ લેવાયો.

આવા ભયાનક હત્યાકાંડ પછી ઇઝરાયલની સરકારે શું કર્યું? પોતાના અગિયાર ખેલાડીઓને શોકાંજલિ આપીને હાથ પર હાથ ધરીને બેસી રહી? ના. લોખંડી જિગર ધરાવતાં ઇઝરાયલનાં તત્કાલીન મહિલા વડાંપ્રધાન ગોલ્ડા મીરે ગુપ્તચર સંસ્થા મોસાદના એજન્ટોની એક ટીમ બનાવીને આદેશ આપ્યોઃ તમે પેલેસ્ટાઇનમાં ઘુસો, આખી દુનિયામાં જ્યાં જરૂર પડે ત્યાં જાઓ... અને આપણા ખેલાડીઓની હત્યા કરનારા આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કરી નાખો! મોસાદના એજન્ટોએ એક્ઝેક્ટલી એવું જ કર્યું. આજે જેના વિશે વાત કરવી છે એ સ્ટીવન સ્પિલબર્ગની મ્યુનિક ફિલ્મ આ ઘટનાક્રમ પર આધારિત છે. તાજેતરમાં પુલવામામાં આપણા જવાનોની થયેલી નિર્દયી હત્યાના આઘાતમાંથી આપણે હજુ પૂરેપૂરા બહાર આવ્યા નથી. આક્રોશના આ માહોલ વચ્ચે કેવળ મ્યુનિક ફિલ્મ વિશે જ ચર્ચા થઈ શકે.     

મ્યુનિક રિલીઝ થઈ 2005માં, પણ અમેરિકન યહૂદી સ્પિલબર્ગના દિમાગમાં તો આ વિષય ક્યારનો ઘર કરી ગયો હતો. 1970ના દાયકામાં આતંકવાદ નામની આખી વસ્તુ આજે જેટલી છે એટલી કોમન નહોતી. પેલેસ્ટીનીઅન આતંકવાદીઓને વીણી વીણીને ઉડાવી દેવાના અત્યંત ગુપ્ત મિશનને ઓપરેશન રેથ ઓફ ગોડ એવું નામ આપવામાં આવ્યું હતું. જ્યોર્જ જોનસ નામના લેખકે એના પરથી વેન્જન્સ (બદલો) નામનું પુસ્તક લખ્યું. મ્યુનિક ફિલ્મનો તે મુખ્ય આધાર. યુવલ અવિવ નામનો મોસાદનો ભૂતપૂર્વ એજન્ટ, કે જે પેલેસ્ટીનીઅન આતંકવાદીઓને ઉડાવી દેનાર ટીમનો લીડર હતો, એ લેખકનો મુખ્ય સોર્સ હતો. એણે શેર કરેલી અંદર કી બાતના આધારે આ પુસ્તક લખાયું છે.

વેન્જન્સ પુસ્તકના અધિકારો ખરીદ્યા બાદ સ્પિલબર્ગે કૂલ ચાર સ્ક્રિપ્ટરાઇટરોને સ્વતંત્રપણે પટકથા લખવાનું કામ સોંપ્યું. આ ચાર પૈકીના બે લેખકો જોડીમાં હતા. સ્પિલબર્ગે પછી એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં આ ફિલ્મ બનાવવાનું કેટલાંય વર્ષ સુધી ટાળ્યા કર્યું હતું, કેમ કે મને એક પણ સ્ક્રિપ્ટમાં મજા જ નહોતી આવતી. મેં મારા ફિલ્મી દોસ્તારો ને બીજા કેટલાય લોકો સાથે આ વિષય પર ચર્ચા કરી હતી, પણ મને સંતોષ થતો નહોતો. આખરે મેં અને મારા સ્ક્રિપ્ટરાઇટર ટોની કશનરે મન મક્કમ કરીને પ્રોજેક્ટ હાથ પર લીધો. વિષય ખરેખર અત્યંત સંવેદનશીલ અને વિવાદાસ્પદ હતો. સ્ક્રિપ્ટમાં કેટલાય સુધારાવધારા કર્યા અને નક્કી કર્યું કે આપણે એવી ફિલ્મ બનાવવી છે જે સંપૂર્ણપણે તટસ્થ હોય અને જેમાં કોઈની સાઇડ લેવામાં આવી ન હોય.

ફાયનલ સ્ક્રિપ્ટ લખાઈ રહી હતી ત્યારે જ નક્કી હતું કે યુવલ અવિવ પર આધારિત મોસાદના મુખ્ય એજન્ટ એન્વરનો રોલ એરિક બાના નામનો એક્ટર કરશે. ફિલ્મમાં ડેનિયલ ક્રેગનો પણ મહત્ત્વનો રોલ છે. ડેનિયલ ક્રેગ પછી લેટેસ્ટ જેમ્સ બોન્ડ તરીકે વર્લ્ડ ફેમસ થયો. સ્પિલબર્ગ મૂળ આ ફિલ્મ 2003-04માં શૂટ કરવા માગતા હતા, પણ ત્યાં જ એમને ખબર પડી કે ટોમ ક્રુઝની તારીખો મળે એમ છે. આથી મ્યુનિકને પાછી અભેરાઈ પર ચડાવી દેવામાં આવી ને સ્પિલબર્ગે ટોમભાઈ સાથે મળીને વોર ઓફ ધ વર્લ્ડઝ (2005) બનાવી નાખી.



મજા જુઓ. ફિલ્મનું ટાઇટલ મ્યુનિક છે, પણ જર્મનીના આ શહેરમાં એક પણ સીનનું શૂટિંગ થયું નથી. મોટા ભાગના સીન હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન બન્ને ભયંકર ઉતાવળમાં કરવામાં આવ્યાં હતાં. સ્પિલબર્ગે પોતાની ટીમને કહી રાખ્યું હતું કે જો આપણે ક્રિસમસ પહેલાં ફિલ્મ રિલીઝ કરી શકીશું તો જ આગામી ઓસ્કરની રેસમાં સામેલ થઈ શકીશું. ટીમના મુખ્ય માથાંઓએ ભેગા મળીને નક્કી કર્યું કે માલ્ટા અને હંગેરીના બાર વીકના શેડ્યુલ દરમિયાન માત્ર શૂટિંગ જ નહીં, એડિટિંગ પણ સમાંતરે પતાવતાં જવું પડશે. એટલે માનો કે સોમવારે જે સીન શૂટ થયો હોય તે બે દિવસમાં એડિટ થઈને સ્પિલબર્ગ પાસે આવી જાય. તેઓ પોતાના તરફથી સુધારાવધારા સૂચવે. પછી ફાયનલ એડિટેડ સીનની બે કોપી બને. એક કોપી બેક્ગ્રાઉન્ડ મ્યુઝિક માટે મોકલવામાં આવે ને બીજી સાઉન્ડ ઇફેક્ટ્સ માટે તાત્કાલિક રવાના કરવામાં આવે. આમ એક સાથે અનેક ઘોડા પર સવાર થઈને સ્પિલબર્ગ અને એમની ટીમે સઘળું કામકાજ પતાવ્યું. શૂટિંગ પૂરું થયું એના બે જ વીકમાં આખી ફિલ્મનો ફર્સ્ટ કટ રેડી હતો!  

ફિલ્મ રિલીઝ થઈ. પ્રતિક્રિયાઓ તદ્દન સામસામા છેડાની મળી. એક મોટો વર્ગ સ્ટીવન સ્પિલબર્ગ પર નવેસરથી ફિદા થઈ ગયો, તો ઇઝરાયલની સરકાર અને જમણેરી ઝોક ધરાવતા ઇરાઝરાયલ-તરફી જુથે સ્પિલબર્ગ પર ટીકાનો વરસાદ વરસાવી દીધો. શા માટે? ફિલ્મમાં પેલેસ્ટીનીઅન આંતકવાદીઓને મારવા નીકળેલા મોસાદના એજન્ટ્સની નૈતિક ગડમથલ દેખાડવામાં આવી છેઃ શું આ અમે બરાબર કરી રહ્યા છીએ? ફિલ્મનો સૂર એવો છે કે ઇઝરાયલની સરકારે ચુન ચુન કે બદલા લેવાની જરૂર જ નહોતી. આતંકવાદીઓ સાથે જેવા સાથે તેવા થવા જઈએ તો સરવાળે વ્યક્તિગત તેમજ સામૂહિક રીતે સૌનું નુક્સાન જ થવાનું છે. મ્યુનિક ફિલ્મના વિરોધનું મુખ્ય કારણ આઇડિયોલોજિકલ હતું. જેમને ફિલ્મ ગમી નથી એમનું માનવું હતું કે આ ફિલ્મ આડકતરી રીતે આપણને એવું કહે છે કે પેલેસ્ટાઇનના આતંકવાદીઓ અને ઇઝરાયલના એજન્ટો વચ્ચે તાત્ત્વિક રીતે ઝાઝો ફરક નથી. બન્ને કામ તો માણસોને મારવાનું જ કરે છેને. સ્પિલબર્ગ આંતકવાદીઓને સાથે મોસાદના એજન્ટોની સરખામણી કરી જ શી રીતે શકે? સ્પિલબર્ગે જોકે આ આખી દલીલ કે ટીકાને વજૂદ વગરની ગણી હતી.

ઇઝરાયલની સરકારે કહ્યું કે ફિલ્મમાં મોસાદની કામગીરીનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે તે સાવ ખોટું છે. અસલમાં જે ઘટનાઓ બની હતી તે આ ફિલ્મમાં દેખાડાય છે તેના કરતાં સાવ જુદી હતી. ઇઝરાયલી સત્તાવાળાઓએ ઘોષણા કરી કે મોસાદમાં યુવલ અવિવ (કે જેના ઇનપુટ્સના આધારે વેન્જન્સ પુસ્તક લખાયું હતું) નામનો કોઈ માણસ ક્યારેય હતો જ નહીં! યુવલે બચાવ કરતાં કહ્યું કે સત્તાવાળાઓએ કાયદેસર રીતે નનૈયો ભણવો જ પડે, આમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. એક તબક્કે ઇઝરાયલ સરકારના પ્રવક્તાએ છેક ત્યાં સુધી કહી દીધું કે સ્પિલબર્ગને કહો કે એ  ડાયનોસોરની ફિલ્મો જ બનાવે, આ પ્રકારના વિષયને અડવાની ગુસ્તાખી ન કરે!

ન્યુઝવીક મેગેઝિને લખ્યું કે મોસાદે પેલેસ્ટીનીઅન આતંકવાદીઓનો વીણી વીણીને મારી નાખ્યા એ વાતમાં ઝાઝો દમ નથી. વાસ્તવમાં મ્યુનિક હત્યાકાંડને અંજામ આપનારા મોટા ભાગના અસલી આતંકવાદીઓ હાથમાં આવ્યા જ નહોતા. જે લોકોને આતંકવાદી ગણીને મારી નખાયા હતા એમને મ્યુનિક હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નહોતી. એમ તો ફિલ્મની છેલ્લી પાંચ મિનિટ દરમિયાન એવું સ્વીકારવામાં પણ આવ્યું છે કે મોસાદે જે આતંકવાદીઓને ઠાર માર્યા એ પૈકીના તમામ મ્યુનિક હત્યાકાંડમાં સીધા સંડોવાયેલા નહોતા.  એવું પણ કહેવાયું કે અસલિયતમાં મોસાદની કોઈ એક નહીં પણ ઘણી બધી ટુકડીઓને આતંકવાદીઓની પાછળ છોડવામાં આવી હતી. વળી, મોરોક્કોમાં એક શૂટઆઉટ દરમિયાન વેઇટર તરીકે કામ કરતો એક નિર્દોષ માણસ મરી ગયો હતો એ ઘટનાનો ફિલ્મમાં કોઈ ઉલ્લેખ જ નથી એની સામે પણ ઘણાને વાંધો પડ્યો.   

ખેર, વિરોધો ને વિવાદો તો થવાના જ. મ્યુનિક ફિલ્મે કમાણી કરી ખરી, પણ સ્પિલબર્ગની અન્ય ફિલ્મોની માફક તે બોક્સઓફિસ પર ધમાલ ન મચાવી શકી. ખેર, કમાણીના આંકડા અલગ વસ્તુ છે, પણ આ ફિલ્મ સ્પિલબર્ગની શ્રેષ્ઠ ફિલ્મો પૈકીની એક ગણાય છે. એને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાઃ બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એડેપ્ટેડ સ્ક્રીનપ્લે, એડિટિંગ અને સ્કોર (સંગીત). આ અફલાતૂન એક્શન થ્રિલર આખેઆખી યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે. પુલવામામાં આપણા જવાનોનો જીવ લેનાર આતંકવાદી જૂથના એકેએક નરાધમને વીણી વીણીને મારી નાખવા જોઈએ એવો તીવ્ર રોષ જો તમારા મનમાં જાગ્યો હોય તો ફિલ્મ જરૂર જોજો.
0 0  



Wednesday, February 20, 2019

હિપ હોપ કલ્ચરઃ આક્રોશમાંથી ફૂટેલું ખરબચડું સત્ય


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 20 ફેબ્રુઆરી 2019 
ટેક ઓફ 
અમેરિકામાં હિપ હોપ સંગીત સમાજના દમિત, શોષિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા ગરીબ વર્ગના અપમાનબોધમાંથી ફાટ્યું હતું. ઇન્ડિયન હિપ હોપ જેવી કોઈ વસ્તુ છે ખરી?

ન્ડિયન હિપ હોપ જેવી કોઈ વસ્તુ છે ખરી? તાજેતરમાં રિલીઝ થયેલી ગલી બોય નામની અફલાતૂન ફિલ્મ અને તેના ગેમ-ચેન્જર પૂરવાર થયેલા સંગીતના પ્રતાપે આ પ્રશ્ન એકાએક સપાટી પર આવી ગયો છે. હિપ હોપ મ્યુઝિકનું ગોત્ર અમેરિકન છે, પણ જે રીતે જીન્સથી માંડીને બર્ગર સુધી અને વેલેન્ટાઇન ડેથી લઈને લિવ-ઇન રિલેશનશિપ સુધીની અસંખ્ય વસ્તુઓ, રીત-રિવાજો અને વ્યવહારો આપણે પશ્ચિમના કલ્ચરમાંથી ઊંચકીને પોતાનાં બનાવી નાખ્યાં છે, તે રીતે હિપ હોપ સંગીત પણ મૂળ અમેરિકન હોવા છતાં એની ઇન્ડિયન છટા વિકસી ગઈ છે.     
હિપ હોપ એ માત્ર સંગીતનો એક પ્રકાર નથી. હિપ હોપ એક કલ્ચર છે. તે અમેરિકાનું સંભવતઃ સૌથી ગતિશીલ પોપ (પોપ્યુલર) કલ્ચર છે. એમાંથી સંગીત ઉપરાંત નવા ડાન્સ મૂવ્ઝ અને નવી ફેશન સ્ટાઇલ પણ ઊભરતાં રહે છે અને જોતજોતામાં તે મેઇનસ્ટ્રીમ બનીને આખી દુનિયામાં ફેલાઈ જાય છે.  હિપ હોપ કલ્ચર માટે અનફિલ્ટર્ડ ટ્રુથ એવો શબ્દપ્રયોગ થાય છે. ગાળ્યાં વગરનું, તોલમાપ કર્યા વગરનું આકરું સત્ય! હિપ હોપ સંગીત રૉ છે. એ ખરબચડું અને ખૂંચે એવું છે. એમાં સુંવાળપ નથી. હિંસા અને દર્દનું તત્ત્વ જેટલું હિપ હોપમાં છે એટલું સંભવતઃ સંગીતના બીજા કોઈ પ્રકારમાં નથી.
હિપ હોપ સંગીત સમાજના દમિત, શોષિત, ગરીબ, હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના દબાયેલા આક્રોશમાંથી ફૂટ્યું છે. હિપ હોપ કલ્ચરનો ઉદભવ 1973માં ન્યુ યોર્કના બ્રોન્ક્સ વિસ્તારમાં થયો હતો. હર્ક નામના એક ડીજે (ડિસ્ક જોકી), જે મૂળ જમૈકન હતો, એણે પોતાની બહેન માટે હેલોવીન ડાન્સ પાર્ટી ગોઠવી હતી. ડીજે હર્કે સંગીત વગાડતાં વગાડતાં કંઈક નવીન અખતરો કર્યો, જે લોકોને એ બહુ ગમ્યો. 
ડીજેનું કામ માત્ર સંગીત મિક્સ-એન્ડ-મેચ કરવાનું નથી. અનુભવી અને હોશિયાર ડીજે ટર્નટેબલ પર ડિસ્ક ફેરવતાં ફેરવતાં ભેગાભેગો કશુંક લયબદ્ધ અને ઝપાટાબંધ બોલતો પણ જાય છે. તે એકદમ સંગીતમય ન હોય, પણ એમાં શબ્દોનો પ્રાસ મળતો હોય, એક પ્રકારનો લય હોય, કોઈ ચોક્કસ મુદ્દા પર વાત કહેવાતી હોય અને શબ્દો ઠાંસી ઠાંસીને ભર્યા હોય. આને રેપ સોંગ કહે છે. (આર-એ-પી રેપ. આર-એ-પે-ઈ રેપ એટલે બળાત્કાર. આ આખા લેખમાં જ્યાં રેપ શબ્દ આવે ત્યાં સંગીત સાથે સંબંધ ધરાવતો આર-એ-પી રેપ શબ્દ મનમાં લાવવો.) રેપ સોંગમાં જાણે મશીનગન ચાલતી હોય એટલી ત્વરાથી શબ્દો ફેંકાતા રહે છે. આથી ત્રણ મિનિટના સામાન્ય ગીત કરતાં એક રેપ સોંગમાં ઘણા વધારે શબ્દો સમાયેલા હોય છે. એક સાદા ગીત કરતાં એક રેપ સોંગ ઘણું વધારે વ્યક્ત કરી શકે છે.  

ડીજે હર્ક માત્ર વિડીયો જોકી નહોતો, તે એમસી પણ હતો. એમસી એટલે માઇક્રોફોન કંટ્રોલર, માઇક્રોફોન ચેકર, મ્યુઝિક કમેન્ટેટર અથવા એવી વ્યક્તિ હુ મૂવ્ઝ ધ ક્રાઉડ.  એક ગીત પૂરું થયા પછી બીજા ગીત પર જતાં પહેલાં વચ્ચેના ભાગમાં એમસી ઝપાટાબંધ રેપ સોંગ ગાય. એમાં આગલા ગીતનું ઇન્ટ્રોડક્શન પણ આવી જાય અને એ સિવાય પોતે જે કંઈ વાત કરવી હોય તેનો સમાવેશ પણ થઈ જાય. એમસી જેટલો વધારે અનુભવી એટલા એના લિરિક્સ (ગીતના શબ્દો) વધારે ઇન્ટરેસ્ટિંગ.
વીજે હર્કના આ સંગીતમય અખતરા લોકોને ગમવા લાગ્યા. એણે પછી તો કેટલીય જગ્યાએ તે અજમાવ્યા. એનું જોઈને બીજા લોકોએ પણ શરૂ કર્યું. નાઇટ ક્લબ્સમાં, ડાન્સ પાર્ટીઓમાં એમસીનાં આ પ્રકારનાં પર્ફોર્મન્સીસ લોકોને વિશેષપણે આકર્ષવા લાગ્યાં. તેમાં બ્રેકડાન્સના અવનવાં સ્ટેપ્સ ઉમેરાયાં. બ્રેકડાન્સર્સ માટે બી-બોય્ઝ અને બી-ગર્લ્સ જેવા શબ્દો ચલણમાં આવ્યા. આ બધી માધ્યમો હતાં, મનની લાગણીઓને વાચા આપવાનાં. એમાં ગ્રાફિટીનો પણ ઉમેરો થયો. ગ્રાફિટી એટલે જાહેર દીવાલો પર કલર સ્પ્રે કરીને લાઉડ ચિત્રો દોરવાં કે લખાણ લખવું. આ પ્રતીકાત્મક ચિત્રો અને લખાણ સામાન્યપણે સોશિયલ કોમેન્ટ્રી પ્રકારનાં હોય. ડિસ્ક જોકી (અથવા એમસી), રેપ સોંગ્સ, બ્રેકડાન્સિંગ અને ગ્રાફિટી - આ ચારેય અભિવ્યક્તિઓનો સરવાળો સંયુક્તપણે હિપ હોપ કલ્ચર તરીકે ઓળખાયો.
હિપ હોપ સંગીતની લોકપ્રિયતાનું એક મોટું કારણ એ છે કે તે રચવા માટે સંગીતની ઊંડી તાલીમ લેવાની કે મોંઘાં ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડતી નથી. તમારો અવાજ અદભુત હોય તે જરૂરી નથી. અરે, તમને ગાતાં ન આવડતું હોય તો પણ ચાલે! રેપ સોંગ્સ લખવા માટે શબ્દો કે ભાષા પર પ્રભુત્વ હોવાની પણ કશી આવશ્યકતા નથી. તમે બોલચાલના શબ્દોથી મનની વાત કહી શકો એટલું પૂરતું છે! સ્નૂપ ડોગ, ડો. ડ્રે વગેરેએ હિપ હોપ સંગીતને એક ઊંચાઈ સુધી લઈ જવામાં મોટો ફાળો આપ્યો છે. આજની તારીખે એમિનેમ, ફિફ્ટી સેન્ટ, જે-ઝી, એકોન (જેણે શાહરૂખ ખાનવાળી ફિલ્મ રા.વનમાં છમ્મકછલ્લો ગીત ગાયું હતું), બ્લેક આઇડ પીઝ, ટી-પેઇન વગેરે સૌથી વધારે પોપ્યુલર હિપ હોપ મ્યુશિયન્સ છે.
હિપ હોપનો સંબંધ મુખ્યત્વે આફ્રિકન-અમેરિકન યુથ સાથે છે. જેમની પાસે પૂરતા નાણાં નથી, કામ નથી, સામાજિક મોભો નથી, જેમણે જીવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવો પડે છે તેઓ પોતાની મનની ભડાસ હિપ હોપ સંગીત રચીને કાઢવા લાગ્યા. અશ્વેત પ્રજાએ આમેય સદીઓથી ખૂબ સંઘર્ષ જોયો છે. તેઓ રંગભેદ અને અમાનવીય ગુલામીપ્રથાનો ભોગ બની ચુક્યા છે. ઇવન આજની તારીખે પણ તેમની રેસીઝમની ફરિયાદ અટકી નથી. ભૂતકાળમાં તદન છેવાડાનું જીવન જીવતા અશ્વેત લોકો મનોરંજન માટે ભેગા થઈને રાઇમિંગ ગેમ્સ એટલે કે પ્રાસ મળે એ પ્રકારના જોડકણાં જેવા ગીતો બનાવીને ગાતા. અત્યારની અશ્વેત પ્રજાને આ અપમાનબોધ તેમજ ઓરલ ટ્રેડિશન વારસામાં મળ્યો છે, જે હવે રેપ સોંગ્સ અને હિપ હોપ કલ્ચરના સ્વરૂપમાં વ્યક્ત થાય છે.
પશ્ચિમમાં, ખાસ કરીને અમેરિકામાં રાજકારણીઓ અને મિડીયાનો એક વર્ગ યુવાવર્ગમાં વિકરી ગયેલી હિંસાવૃત્તિ માટે હિપ હોપ કલ્ચર તરફ આંગળી ચીંધે છે. એક વર્ગ માને છે કે હિપ હોપમાં કળાના નામે જે ફૂવડગીરી પેશ થાય છે તેનાથી સમગ્ર મ્યુઝિક ઇન્ડસ્ટ્રી બદનામ થઈ રહી છે. આની સામે હિપ હોપનો બચાવ કરનારાઓ કહે છે કે આ કલ્ચર યા તો સંગીત કંઈ હિંસાને ગ્લોરીફાય કરતું નથી. અમુક રેપ સિંગર્સ પોતાના રોજિંદા જીવનના સંઘર્ષોની વાત કરતાં કરતાં વચ્ચે વચ્ચે ક્યારેક હિંસાની વાત કરી નાખે છે એટલું જ. આ શાબ્દિક હિંસા શા માટે અને ક્યાંથી આવી છે એ તો તમે જુઓ! સંગીતને સેન્સર કરવાને બદલે આ પોલિટિશીયનો અને ચોખલિયાઓ આર્થિક તેમજ સામાજિક અસમાનતા દૂર કરવાની કોશિશ કેમ કરતાં નથી? સમાજના ગરીબ (વાંચોઃ અશ્વેત) વર્ગને પૂરતું શિક્ષણ, તબીબી સવલત વગેરે મળી રહે તે દિશામાં કેમ પૂરતાં પગલાં ભરતાં નથી?
આની પ્રતિદલીલમાં કહેવાય છે કે ક્યાં સુધી આ લોકો લઘુમતી-લઘુમતી અને અન્યાય-અન્યાયના (લિટરલી) ગાણાં ગાયા કરશે? એમના ઉત્થાન માટે અમેરિકન સરકાર વર્ષોથી કામ કરી જ રહી છે. જેમને મહેનત કરવી છે, જેમનામાં ધગશ છે તે ગરીબીના દલદલમાંથી બહાર આવે જ છે, સફળતા પામે જ છે. અરે, બરાક ઓબામા જેવી અશ્વેત વ્યક્તિ અમેરિકાના પ્રેસિડન્ટપદ સુધી પહોંચી ગઈ. બાકી મહેનત કરવાને બદલે જેમને માત્ર અન્યાયના મંજિરા વગાડવા છે ને વાતવાતમાં વિક્ટિમ કાર્ડ આગળ ધરવું છે એમનું કશું ન થઈ શકે.


હિપ હોપ કલ્ચર સ્વયં એક પ્રકારની આઇડેન્ટિટી ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે. સફળ હિપ હોપ આર્ટિસ્ટને તરત મોટી મ્યુઝિક કંપનીઓ ઊંચકી લે છે. આ આર્ટિસ્ટની લગામ કંપનીના હાઇ પ્રોફાઇલ (મોટે ભાગે ગોરા) સાહેબલોકોના હાથમાં આવી જાય છે. હિપ હોપ સંગીત કેવળ અશ્વેત પ્રજાની વાચા ન બની રહેતાં તે મેઇનસ્ટ્રીમ બને તેમજ દુનિયાભરના લોકોને રસ પડે અને તે માટે તેમાં અન્યાય-આક્રોશ સિવાયના વિષયો પર ઉમેરવામાં આવે છે. જે-ઝી સહિતના બીજા ઘણા ઉત્તમ હિપ હોપ આર્ટિસ્ટોના અમુક વિડીયો તમે જોશો તો એમાં ગ્લેમર, અર્ધનગ્ન કન્યાઓ અને ભૌતિકવાદની રેલમછેલ હોય છે. આવા હાડોહાડ શરીરવાદી ગીતો તેમજ વિડીયો માટે એમની ટીકા પણ થાય છે, કારણ કે હિપ હોપ કલ્ચરનો સંબંધ વૈભવમાં નહીં, પણ વંચિત હોવામાં છે!
અમેરિકાના પ્રભાવમાં આપણે ત્યાં જે હિપ હોપ કલ્ચર વિકસ્યું છે તેમાં પણ પુષ્કળ ગ્લેમર છે. યો યો હની સિંહ, બાદશાહ કે અન્ય ગાયકોનાં અમુક છીછરાં ગીતોમાં પાર્ટી, દારુ અને છોકરીના અંગઉપાંગના વર્ણનોની જમઘટ હોય છે. ગલી બોયના સંગીતથી એકાએક સૌને ભાન થયું છે કે ખરું ઇન્ડિયન હિપ હોપ તો આવું હોય. તેમાં ગરીબ પણ દિલદાર, મહત્ત્વાકાંક્ષી અને મહેનતકશ લોકોના સંઘર્ષનો પડઘો પડતો હોવો જોઈએ. ગલી બોયમાં હીરો રણવીર સિંહ કહે છે, અપના ટાઇમ આયેગા. લાગે છે, ઇન્ડિયન હિપ હોપ કા ટાઇમ ફાઇનલી આ ગયા!  

0 0 0 

Sunday, February 17, 2019

ગુજરાતી સિનેમાનું આ વર્ષ કેવું રહેવાનું?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 ફેબ્રુઆરી 2019
મલ્ટિપ્લેક્સ
ગુજરાતી ફિલ્મમેકર્સમાં નવા નવા, વણસ્પર્શ્યા વિષયો પર આત્મવિશ્વાસપૂર્વક કામ કરવાની હિંમત વિકસી રહી છે એ તો નક્કી!

તો, વાત ચાલી રહી હતી 2019માં રિલીઝ થનારી મોસ્ટ પ્રોમિસિંગ ગુજરાતી ફિલ્મોની. આ રહી બાકીની ફિલ્મો...

મોન્ટુની બિટ્ટુઃ

પ્રેમજી જેવો રિસ્કી વિષય લઈને ફિલ્મી કરીઅરની શરૂઆત કરનાર વિજયગિરિ બાવા આ વર્ષે અમદાવાદની પોળમાં આકાર લેતી એક હલકીફૂલકી પ્રેમકથા લઈને આવી રહ્યા છે, જેનું ટાઇટલ છે, મોન્ટુની બિટ્ટુ. બિટ્ટુ આઇટી સેક્ટરમાં કામ કરતી મસ્તમૌલી નાયિકા છે. મોન્ટુ સાથે એને નાનપણથી ખાસમખાસ દોસ્તી છે. મોન્ટુ આખી પોળ માટે સંકટ સમયની સાંકળ જેવો છે. બિટ્ટુનો પરિવાર એને પરણાવી દેવા માટે આદુ ખાઈને પાછળ પડ્યો છે. બિટ્ટુના જીવનમાં પછી કોણ આવે છે? ફ્રેન્ડઝોનમાં કેદ થઈ ગયેલો મદદગાર મોન્ટુ એને કઈ રીતે સહાય કરે છે? આ અને આના જેવા કેટલાય સવાલના જવાબ માટે આ વષે ઓગસ્ટની આસપાસ રિલીઝ થનારી મોન્ટુની બિટ્ટુ જોઈ લેવાની.

ડિરેક્ટર-પ્રોડ્યુસર વિજયગિરિ બાવા કહે છે, આ વખતે મેં ફેમિલી ઓડિયન્સને ધ્યાનમાં રાખ્યું છે. પોળના લોકો, એમની તાસીર, નાની નાની વાતોને સેલિબ્રેટ કરવાનો એમનો અંદાજ, પ્રાઇવસીની ઐસીતૈસી કરીને જીવાતું સહજીવન, ટૂંકમાં, અમદાવાદની આખું પોળ કલ્ચર આ ફિલ્મમાં આબાદ ઝિલાશે.

મોન્ટુની બિટ્ટુનું શૂટિંગ આવતી કાલથી જ શરૂ થઈ રહ્યું છે. આરોહી પટેલ બિટ્ટુની કેન્દ્રીય ભુમિકા માટે પરફેક્ટ છે. મોન્ટુનો રોલ મૌલિક નાયક કરશે. આ ઉપરાંત ફિલ્મમાં મેહુલ સોલંકી એક અલગ જ અવતારમાં જોવા મળશે. પ્રતિભાશાળી યુવા લેખક રામ મોરીની આ પહેલી ફુલલેન્થ ફિલ્મ છે. મેહુલ સુરતીએ આ ફિલ્મમાં ફ્યુઝન અને ગરબાથી માંડીને મીઠાં પ્રેમગીત સુધીનું સંગીત પિરસ્યું છે. જે કોન્ટેન્ટ કાગળ પર ઊતર્યું છે તે જો એટલી જ અસરકારકતાથી પડદા પર પણ કેપ્ચર થશે તો આ ફિલ્મને હિટ બનતાં કોઈ અટકાવી શકે તેમ નથી.      

ગુજરાત-ઇલેવનઃ

પહેલી ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ હોવાનું માન ખાટી ગયેલી ગુજરાત-ઇલેવન ઓલરેડી ન્યુઝમાં છે. સલમાન ખાનની ડિસ્કવરી (વેલ, ઓલમોસ્ટ) ડેઇઝી શાહને આપણે જય હો અને રેસ-થ્રીમાં જોઈ છે. પોતાની કરીઅરની આ પહેલી ગુજરાતી ફિલ્મમાં એ ભૂતપૂર્વ ફૂટબોલ પ્લેયર બની છે. પરિસ્થિતિવશ એણે સરકારી સ્પોર્ટ્સ ક્વોટામાં મળેલી જોબ ચુપચાપ સ્વીકારી લીધી છે. સંજોગો એવા ઊભા થાય છે કે એનામાં રહેલા ફૂટબોલરનું ઝનૂન પુનઃ જાગૃત થાય છે અને ફૂટબોલરના કોચ તરીકે એ બાળકોની ટીમને સિદ્ધિ અપાવે છે. પ્રતીક ગાંધી આ ફિલ્મમાં ડેઇઝીના બોયફ્રેન્ડ બન્યા છે. બે યારના અતરંગી પેઇન્ટર કવિન દવે પણ ગુજરાત-ઇલેવનમાં દેખાશે.

ડિરેક્ટર જયંત ગિલાટર કહે છે, મેં 2016માં શબાના આઝમી અને જુહી ચાવલા સાથે ચોક એન્ડ ડસ્ટર બનાવી ત્યારથી આ સ્પોર્ટ્સ મૂવીનો વિષય મારા મનમાં રમતો હતો. મૂળ ઈરાદો આ ફિલ્મને હિન્દીમાં કરવાનો હતો, પણ ગયા વર્ષે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે ગુજરાતીમાં નટસમ્રાટ બનાવી અને જે પ્રકારનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો એના પરથી લાગ્યું કે, આ ફિલ્મને ગુજરાતીમાં કેમ ન બનાવી શકાય?’

ગુજરાત-ઇલેવન’નાં ગીતો દિલીપ રાવલે લખ્યાં છે. ફિલ્મનું શૂટિંગ પહેલી માર્ચથી શરૂ થઈ રહ્યું છે. રિલીઝ થશે નવેમ્બરમાં.


મલ્હાર ઠાકરની આગામી ફિલ્મોઃ

સાહેબની પ્રમોશનલ એક્ટિવિટીઝમાંથી પરવારેલા મલ્હાર ઠાકરનું આ વર્ષ પણ સુપર બિઝી પૂરવાર થવાનું છે. મલ્હાર કહે છે, મારી આગામી ફિલ્મોની વાત કરું તો, સૌથી પહેલાં તો રાહુલ ભૌળે (રેવા)ની ફિલ્મ. એને હું કોમેડી નહીં કહું, પણ હળવી હ્યુમરસ ફિલ્મ કહીશ. એક યુવાનના જીવનમાં બનતી ચાર નિર્ણાયક ઘટનાઓની એમાં વાત છે. ફિલ્મમાં ત્રણ નાયિકાઓ છે. રંગમંચ પર પ્રતિભા દેખાડી ચુકેલી અને ઓડિશનનાં રાઉન્ડ્સ પસાર કરી ચુકેલી તદન નવી અભિનેત્રીઓ આ ફિલ્મમાં જોવા મળશે.

મલ્હારની બીજી ફિલ્મ પરેશ વ્યાસે લખી છે, જે શૈલેશ પ્રજાપતિ ડિરેક્ટ કરશે. મુકેશ મહેતા અને મલ્હાર તે સંયુક્તપણે પ્રોડ્યુસ કરશે. ફિલ્મનો વિષય નખશિખ ગુજરાતી છે. એક બિઝનેસ ફેમિલી છે, જેના કુળદીપકને ટિપિકલ શૈલીથી પેઢી ચલાવવામાં બિલકુલ રસ નથી. બે જનરેશનના દષ્ટિકોણ અને અપ્રોચના ટકરાવને કારણે પેદા થયેલી કટોકટીમાં આખો પરિવાર શી રીતે ટકી રહે છે એની આમાં વાત છે.  2019ના અંતિમ મહિનાઓ દરિમયાન રિલીઝ થનારી આ ફિલ્મનું ટેન્ટેટિવ ટાઇટલ સરસ છે - સોમાભાઈ તારાચંદ (ઊંઝાવાળા).

મારી ત્રીજી ફિલ્મ નિર્ભેળ લવસ્ટોરી છે, મલ્હાર ઉમેરે છે, માનસી પારેખ એમાં એક્ટિંગ પણ કરશે અને ફિલ્મનું નિર્માણ પણ કરશે. આ સિવાય હજુ એક ફિલ્મ છે, ગોપી દેસાઈની કેવું કેવું થાય. બોલિવૂડની સુપરહિટ સંગીતકાર જોડી સલીમ-સુલેમાનની આ પહેલી ગુજરાતી ફિલ્મ હોવાની.

ટૂંકમાં, ન્યુ વેવ ગુજરાતી સિનેમાના યંગ સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ચાહકોને આ વર્ષે જલસો પડવાનો છે.


પ્રતીક ગાંઘીની આગામી ફિલ્મોઃ

આ વર્ષે આપણે પ્રતીક ગાંધીને અલગ અલગ તાસીર ઘરાવતી ચાર ગુજરાતી ફિલ્મોમાં જોઈશું. એમાંની એક ફિલ્મનું શૂટિંગ વેલેન્ટાઇન ડેના પ્રેમમય દિવસથી શરૂ થઈ ચક્યું છે અને એનું ટાઇટલ પણ ખાસું પ્રેમમય છે - લવની લવસ્ટોરી. રાઇટર-ડિરેક્ટર, દુર્ગેશ તન્ના. નાયિકાઓ? શ્રદ્ધા ડાંગર, વ્યોમા નાંદી, દીક્ષા જોષી. મસ્ત કાસ્ટિંગ છે.

ટાઇટલ પરથી આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ભલે લાગે, પણ તે એક્ઝેકટ્લી રોમ-કોમ નથી, પ્રતીક કહે છે, એને તમે લવસ્ટોરી કહી શકો અથવા તો પ્રેમના કોમ્પ્લીકેશન્સની કહાણી કહી શકો. ફિલ્મના નાયક પ્રેમ અને જાકારો બન્ને અવારનવાર અનુભવતો રહે છે. ફિલ્મનો સૂર આ છેઃ તમે પ્રેમમાં નિષ્ફળ જઈ શકો, પણ પ્રેમ સ્વયં કદી નિષ્ફળ જતો નથી. લવ નેવર ફેઇલ્સ યુ!’

પાર્થ ઠક્કરના સંગીતવાળી આ ફિલ્મ આ વર્ષે શિયાળામાં રિલીઝ થશે. આ આને તમે પ્રોપર મેઇનસ્ટ્રીમ ફિલ્મ કહો તો પ્રતીકની બીજી ફિલ્મને તમારે સંભવતઃ એક્સપેરિમેન્ટલ સિનેમાના ખાનામાં મૂકવી પડે. એનું ટાઇટલ છે, હરણા. ગિરનાં જંગલમાં શૂટ થયેલી આ ફિલ્મના કેન્દ્રમાં છ-સાત વર્ષની એક ગ્રામ્ય બાળકી છે. એને નિશાળે ભણવા જવાની બહુ હોંશ છે, પણ એના માર્ગમાં એક પછી એક વિઘ્નો આવ્યાં જ કરે છે. ફિલ્મનો નાયક એટલે કે પ્રતીક યેનકેન પ્રકારેણ બાળકીની આ ઇચ્છા પૂરી કરે છે. ઇરાનીઅન ફિલ્મો જેવી ફીલ ધરાવતી હરણા મુંબઇવાસી રાઇટર-ડિરેક્ટર નીતિન ગાવડેએ બનાવી છે. નાનકડી બાળકીની ભુમિકા વડોદરાની શ્રેયાંશી નામની પ્રતિભાશાળી ચાઇલ્ડ આર્ટિસ્ટે ભજવી છે. ફિલ્મનું 80 ટકા શૂટિંગ પૂરું થઈ ગયું છે. દેશી-વિદેશી ફિલ્મ ફેસ્ટિવલ્સની યાત્રા કરીને સમજોને કે 2019ના સેકન્ડ હાફમાં ફિલ્મ થિયટેરોમાં રિલીઝ થશે.

અફ કોર્સ, જયંત ગિલાટરની ગુજરાત-ઇલેવનમાં પણ હું છું જ. આ સિવાય, રાઇટર-ડિરેક્ટર અનીશ શાહની એક અનટાઇટલ્ડ ફિલ્મ છે, જેમાં હું અને દીક્ષા જોશી લીડ એક્ટર્સ છીએ. આને તમે સ્લાઇસ-ઓફ-લાઇફ પ્રકારની એક્સપેરિમેન્ટલ ફિલ્મ કહી શકો.

મેહુલ સુરતીના સંગીતવાળી આ ફિલ્મ આ વર્ષે ઉનાળામાં રિલીઝ થશે. વાત નીકળી જ છે તો ભેગાભેગું કહી દઈએ કે આ વર્ષે પ્રતીક ગાંધીને લીડ હીરો તરીકે ચમકાવતી એક હિન્દી ફિલ્મ પણ રિલીઝ થશે. એક હિન્દી વેબ સિરીઝ પણ આવશે. આ બધાંની વચ્ચે નાટકો તો ખરાં જ. પ્રતીક ગાંધીને આપણે અમસ્તા જ મલ્ટિટાસ્કિંગના મહારાજાનું બિરુદ નથી આપ્યું!

કૃષ્ણદેવ યાજ્ઞિક અને નીરવ બારોટની ફિલ્મોઃ  

સ્ટાર ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક (છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું?’) હવે એક  એક્શન થ્રિલર લઈને આવવાના છે. મારી અત્યાર સુધીની આ સૌથી મોટા બજેટવાળી ફિલ્મ હોવાની, તેઓ કહે છે, હાલ ફિલ્મ કાગળ પર છે, પણ આ વર્ષે દિવાળી પર તેને રિલીઝ કરવાનો ઇરાદો છે

થઈ જશે જેવી મસ્તમજાની ફિલ્મ આપનાર નીરવ બારોટની કાનૂની દાવપેચમાં અટવાઈ ગયેલી કિરણકુમારને ચમકાવતી ફિલ્મ આ વર્ષના મધ્યમાં વ્યવસ્થિત રીતે રિ-રીલીઝ થશે. સમજોને કે, જ્યાં અવતાર અને બાગબાનની કથા પૂરી થાય છે ત્યાંથી આ ફિલ્મની કહાણી શરૂ થાય છે, નીરવ બારોટ કહે છે, આ ઉપરાંત થઈ જશેની સિક્વલનું સ્ક્રિપ્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે. વાર્તા પહેલા ભાગ કરતાં સાવ અલગ છે. પોતાનું સ્ટાર્ટ-અપ (કેફે) ઊભું કરવા જઈ રહેલી બે યુવતીઓએ કેવા કેવા સામાજિક અવરોધોનો સામનો કરવો પડે છે એની એમાં વાત છે.

સંદીપ પટેલની આગામી ફિલ્મોઃ

લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, સંદીપ પટેલ. સુપરહિટ લવની ભવાઈ પછી તેઓ એક નહીં પણ સમાંતરે બે ફિલ્મો પર કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, પ્રેમસંબંધમાં અમુક લાગણીઓ ક્યારેક અવ્યક્ત રહી જાય છે. જો અમુક વાત યોગ્ય સમયે જીભ પર આવી ગઈ હોત તો સંબંધનો નકશો કંઈક અલગ જ બને. સંબંધમાં ક્યારેક પોઝ પણ લેવો પડતો હોય છે. બસ, આ કેન્દ્રીય વિચારની આસપાસ મારી આ આગામી યુથફુલ પણ  મેચ્યોર્ડ લવસ્ટોરી આકાર લે છે. મુખ્ય પાત્રોમાં હું આરોહી (પટેલ) અને મલ્હાર (ઠાકર)ને લેવા માગું છું. મારી બીજી ફિલ્મમાં થોડી મિસ્ટરી છે, થોડી કોમેડી છે. આ બન્ને ફિલ્મો 2020માં રિલીઝ થશે.

ના, 2019ની મોસ્ટ પ્રોમિસિંગ ફિલ્મોની આ કંઈ ફાયનલ સૂચિ નથી. હોઈ શકે પણ નહીં. અહીં સમાવેશ ન થયો હોય એવી સરસ મજાની ફિલ્મો પણ આપણને જોવા મળવાની છે. એમની વાત પછી ક્યારેક.   
 0 0 0 



Saturday, February 9, 2019

આ વર્ષે કઈ ગુજરાતી ફિલ્મો જોશો?


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 10 ફેબ્રુઆરી 2019

મલ્ટિપ્લેક્સ

જો વિષય વૈવિધ્યની વાત કરીએ તો 2019નું વર્ષ ગુજરાતી સિનેમા માટે ખાસ્સું પ્રોમિસિંગ દેખાઈ રહ્યું છે. પેશ છે આવી રહેલી કેટલીક ઇન્ટરેસ્ટિંગ ગુજરાતી ફિલ્મોનું એક ટીઝર.


ચાલો, ગુજરાતી સિનેમાની આ વર્ષની શરૂઆત તો ધમાકેદાર થઈ છે. થેન્ક્સ ટુ, ચાલ જીવી લઈએ!’ વિપુલ મહેતાના ડિરેક્શનમાં બનેલી અને સિદ્ધાર્થ રાંદેરિયા-યશ સોની-આરોહી પટેલના અભિનયવાળી આ ફિલ્મ અત્યારે ન્યુઝમાં છે. આ વર્ષે બીજી એવી કઈ ગુજરાતી ફિલ્મો આવવાની છે જેની રાહ જોવાનું મન થાય? ચાલો, જોઈએ.  

(1)   હેલ્લારોઃ



કેટલું સરસ ટાઇટલ. હેલ્લારો એટલે મોજું. લાગણીનું મોજું, ઉર્જાનું મોજું, અભિવ્યક્તિનું મોજું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા અભિષેક શાહ આ ફિલ્મથી ફુલ-ફ્લેજ્ડ ડિરેક્ટર તરીકે પોતાની કરીઅરના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. હેલ્લારોની કથા કચ્છમાં આકાર લે છે. ટુ બી પ્રિસાઇઝ, 1975ના કચ્છમાં. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે હેલ્લારો સર્જાય છે! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. અલબત્ત, ફિલ્મમાં સંગીત ઉપરાંત એક મનુષ્ય નાયક પણ છે – જયેશ મોરે. પોલીસ ઓફિસર તરીકે ટાઇપકાસ્ટ થવાની લગભગ ધાર પર પહોંચી ચુકેલા જયેશ મોરે આમાં વરણાગી ઢોલી બન્યા છે.  

આ ફિલ્મની સર્જનકથા કદાચ ફિલ્મ જેટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. અભિષેક શાહ કહે છે, કચ્છની પાકિસ્તાન તરફની સરહદ તરફ કુરણ નામનું છેલ્લું ગામ છે. ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે ઇન્ડિયા બ્રિજ છે. આમજનતા માટે ઇન્ડિયા બ્રિજથી આગળ જવાનું પ્રતિબંધિત છે. આ બ્રિજથી જમણી બાજુ અફાટ રણમાં અમે શૂટિંગ માટે પચીસ ઘરોનું રીતસર આખું ગામ ઊભું કર્યું હતું. ઘરના સેટ નહીં, પણ સાચુકલાં, આખેઆખાં ઘર. અમારે 1975ના સમયના કચ્છનો માહોલ ઊભો કરવો હતો. એટલે ભૂંગા અમુક પ્રકારના જ હોવા જોઈએ, આસપાસ ક્યાંય મોબાઇલ ટાવર દેખાતો ન હોવો જોઈએ, વગેરે. 

સવારના સાત વાગે શૂટિંગ શરૂ થઈ શકે એ માટે મહિલા કલાકારોએ મધરાતે ત્રણેક વાગે ઊઠી જવું પડતું કે જેથી કોસ્ચ્યુમ પહેરી, કતારબદ્ધ છુંદણા સહિતનો મેકઅપ કરાવીને રેડી થઈ જવા માટે પૂરતો સમય મળી રહે. સેટથી ખાસ્સે દૂર જે જગ્યાએ યુનિટ માટે રહેવાનો પ્રબંધ કરવામાં આવ્યો ત્યાં રાતે ઘણી વાર લાઇટ જતી રહે. ક્યારેક પાણીના ટેંકરને આવવામાં વહેલા-મોડું થાય તો સવારે નાહવાના નામે નાહી નાખવું પડે. ક્યારેક કિચનમાં લોટ ખતમ થઈ જાય ને આખો દિવસ રોટલી વગર ચલાવી લેવું પડે!

રણના પ્રખર તાપ વચ્ચે લાગલગાટ શૂટિંગ ચાલે એટલે એક સાથે બબ્બે મહિલા કલાકારો બેભાન થઈ ગઈ હોય ને શૂટિંગ અટકી પડ્યું હોય એવુંય બન્યું છે. આટઆટલી તકલીફ હતી, પણ સૌનો સ્પિરિટ એટલો કમાલનો હતો કે કશી ફરિયાદ કર્યા વગર બધા નિષ્ઠાથી કામ કરતા રહ્યા. મને ખાતરી છે કે આ નિષ્ઠા અને પેશન ઓડિયન્સને સ્ક્રીન પર દેખાયા વગર નહીં રહે.     

અભિષેક શાહે સ્વતંત્રપણે આ ફિલ્મની કથા લખી છે અને પ્રતીક ગુપ્તાના સંગાથમાં સ્ક્રીનપ્લે લખ્યો છે. એડિશનલ સ્ક્રીનપ્લે, ડાયલોગ અને ગીત સુપર ટેલેન્ટેડ સૌમ્ય જોશીએ લખ્યા છે. મેહુલ સુરતીએ સંગીત તૈયાર કર્યું છે. ફિલ્મમાં ચાર ગરબા છે જેની કોરિયોગ્રાફી ઢોલી તારો ઢોલ વાગે ફેમ અવોર્ડવિનિંગ જોડી સમીર અને અર્ષ તન્નાએ કરી છે. આયુષ પટેલ, અભિષેક શાહ, મિત જાની અને પ્રતીક ગુપ્તા ફિલ્મના સહનિર્માતાઓ છે. એમણે સ્થાપેલા બેનરનું નામ પણ ઇન્ટરેસ્ટિંગ છે – હરફનમૌલા ફિલ્મ્સ!   

હું આ ફિલ્મ સાથે સતત દોઢેક વર્ષથી જીવું છું,અભિષેક ઉમેરે છે, આખી ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ સહિત સંપૂર્ણપણે રેડી છે. લગભગ ઉનાળામાં ફિલ્મ રિલીઝ કરવાનો અમારો ઇરાદો છે. એની પહેલાં કદાચ અમુક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એનું સ્ક્રીનિંગ થઈ શકે.

જે અફલાતૂન કચ્છી લોકકથા પરથી હેલ્લારો બની છે એના પર ઘણા ફિલ્મમેકરોની નજર લાંબા સમયથી હતી, પણ પહેલો ઘા અભિષેક શાહ નામના આ રાણાએ મારી દીધો છે. ગુજરાતી સિનેમાના આંતરિક વર્તુળોમાં આ કલરફુલ અને વાઇબ્રન્ટ ફિલ્મ વિશે ઓલરેડી બહુ જ સરસ હવા બની ચુકી છે. સિન્ક સાઉન્ડમાં બનેલી અને ગુજરાતની ભાતીગળ સુગંધ ધરાવતી આ ફિલ્મ ખૂબ આશાસ્પદ છે એ તો નક્કી.

(2) 47, ધનસુખ ભવનઃ



ફિલ્મ લાઇનમાં જો સૌથી ખોટી રીતે વપરાતો અને ચવાઈને ચુથ્થો થઈ ગયેલો કોઈ શબ્દ હોય તો તે છે, હટ કે’! બધા કશુંક હટ કે જ કરવા માગતા હોય છે. સિનેમાદેવની કૃપાથી ગુજરાતી પડદે સાવ સાચા અને જેન્યુઇન અર્થમાં એક હટ કે ફિલ્મ આવી રહી છે. અત્યારે કથા કે ટેકનિકલ વિગતો વધારે આપી નહીં શકાય, પણ એટલું જાણી લો કે 47, ઘનસુખ ભવન એક સુપરનેચરલ સસ્પેન્સ ફિલ્મ છે. ન્યુ વેવ ગુજરાતી સિનેમાની આ સંભવતઃ પહેલી સુપરનેચરલ ફિલ્મ હોવાની. અલબત્ત, જે હટ કે તત્ત્વની વાત થઈ રહી છે એને ફિલ્મના સુપરનેચરલ હોવા સાથે કોઈ સંબંધ નથી!

આ ફિલ્મ અમે આ વર્ષે ચોમાસામાં એટલે સમજોને કે જુલાઈ-ઓગસ્ટમાં રિલીઝ કરવા માગીએ છીએ, ફિલ્મના રાઇટર-ડિરેક્ટર-એડિટર નૈતિક રાવલ કહે છે, ફિલ્મમાં ત્રણ જ પુરુષ પાત્રો છે, જે ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર ભજવી રહ્યા છે.

ખૂબ બધી વર્કશોપ્સ પછી ફિલ્મનું શૂટિંગ આજથી જ શરૂ થઈ રહ્યું છે. નૈતિક રાવલના બાયોડેટામાં ઓલરેડી બે ગુજરાતી ફિલ્મો બોલે છે - ચાર (2011) અને મલ્ટિપલ અવોર્ડવિનિંગ જે પણ કહીશ એ સાચું જ કહીશ (2016).  ફિઝીયોથેરાપીનું ભણેલા અને મુંબઈમાં સ્થાયી થઈને કેટલીક હિન્દી સિરિયલો સાથે સંકળાઈ ચુકેલા નૈતિક રાવલ પોતાના જ નામની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. ફિલ્મી દુનિયા અને ફિલ્મમેકિંગમાં રસ ધરાવનારાઓએ આ ચેનલ પર લટાર મારવા જેવી છે.

(3) મૃગતૃષ્ણાઃ
Darshan Trivedi with the lead cast of MrigTrishna

ચાર ટાબરિયાં છે. એક નદીના કિનારે વસેલાં રળિયામણા ગામમાં તેઓ રહે છે. એમના મનમાં સતત કુતૂહલ કૂદાકૂદ કરતું હોય છે કે નદીના સામા કિનારે શું હશે? ક્યારેક તો સામા કાંઠે જવું જ છે. આ એમનું સપનું છે. પોતાનું સપનું સાકાર કરવા માટે તેઓ શું શું કરે છે? ત્યાં ગયા પછી એમને શું જોવા મળે છે?

આ છે મૃગતૃષ્ણા ફિલ્મની સીધી-સરળ વનલાઇન. પંદર-પંદર વર્ષથી આ ફિલ્મના આઇડિયા સાથે જીવી રહેલા રાઇટર-ડિરેક્ટર ડો. દર્શન અશ્વિન ત્રિવેદી કહે છે, સપાટી પર ફિલ્મનું નરેટિવ ભલે સાદું લાગે, પણ એમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી ઘણી સંજ્ઞાઓ અને પ્રતીકો વણાયેલાં છે. આ સંજ્ઞા ઉકેલવાનું કામ ઓડિયન્સે જાતે કરવાનું છે. એક ફિલ્મમેકર તરીકે મેં કશુંય સ્પૂન-ફીડિગ કર્યું નથી.    

રેવા પછી નર્મદા નદી પુનઃ આન, બાન અને શાન સાથે ગુજરાતી પડદા પર મૃગતૃષ્ણામાં પેશ થશે. ફિલ્મનું શૂટિંગ હાંફેશ્વર નજીક થયું છે. વડોદરાથી બે કલાક અને બોડેલીથી એક કલાકના અંતરે આવેલા હાંફેશ્વરની એક તરફ મધ્ય પ્રદેશ છે, બીજી બાજુ મહારાષ્ટ્ર છે અને ત્રીજી બાજુ ગુજરાત. જેમણે મૃગતૃષ્ણાના રફ કટ્સ અથવા વર્ક-ઇન-પ્રોગ્રેસ વર્ઝન જોયા છે તેઓ ફિલ્મની વિઝ્યુઅલ અપીલ અને સિનેમેટિક લેંગ્વેજથી ખાસ્સા પ્રભાવિત થયા છે. પહેલી નજરે તમને કદાચ એવું પણ લાગી શકે કે આ ફિલ્મ ગુજરાતમાં નહીં, કેરળમાં શૂટ થઈ છે!  

ટેલિવિઝન, રેડિયો, થિયેટર સાથે વીસ કરતાંય વધારે વર્ષોથી સંકળાયેલા અને અમદાવાદ સ્થિત માઇકા (મિડીયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ મેનેજમેન્ટ)માં ફેકલ્ટી તરીકે સક્રિય એવા ડો. દર્શન ત્રિવેદી તારક મહેતા કા ઊલટા ચશ્મા ફેમ નીલા ટેલીફિલ્મ્સમાં તાજા તાજા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે જોડાયા છે. ભૂતકાળમાં શોર્ટ ફિલ્મ્સ બનાવી ચુકેલા દર્શનની આ પહેલી ફુલ-લેન્થ ફિચર ફિલ્મ છે.

એકચ્યુઅલી, મૃગતૃષ્ણા ટ્રિલોજીનો પહેલો ભાગ છે, તેઓ કહે છે, બીજો ભાગ ક્ચ્છમાં આકાર લેશે. એનું ટાઇટલ છે, યાયાવર. એનો પહેલો ડ્રાફ્ટ પણ લખાઈ ગયો છે. ત્રીજી ફિલ્મનું લોકાલ હજુ નક્કી થવાનું બાકી છે. આ ત્રણ ફિલ્મોના ઝુમખાને મેં ઇલ્યુઝન ટ્રિલોજી એવું નામ આપ્યું છે. હું મૃગતૃષ્ણાને કે ટ્રિલોજીની બાકીની ફિલ્મોને ગુજરાતી, અર્બન કે નોન-અર્બન કે એવું કોઈ જ લેબલ આપવા માગતો નથી. આ ઇન્ડિયન સિનેમા છે, જેમાં હું ભારતીય દર્શન અને મૂલ્યોને કેપ્ચર કરવાની કોશિશ કરવા માગું છું.

મૃગતૃષ્ણા 2019ના ઉત્તરાર્ધમાં રિલીઝ થશે. એની પહેલાં સંભવતઃ તે નેશનલ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સની યાત્રા કરી ચુકી હશે. ડો. દર્શન અશ્વિન ત્રિવેદી કહે છે, હું બીજું કશું જ ન કરું ને માત્ર આ ઇલ્યુઝન ટ્રિલોજી બનાવું તો પણ એક ફિલ્મમેકર તરીકેની મારી યાત્રા સાર્થક થઈ ગણાશે!’

ના, 2019ની મોસ્ટ પ્રોમિસિંગ ગુજરાતી ફિલ્મોની વાત અહીં પૂરી થતી નથી. સુપરહિટ લવની ભવાઈ પછી સંદીપ પટેલ હવે શું બનાવવામાં બિઝી બિઝી છે? અભિષેક જૈન, કૃષ્ણદેવ યાજ્ઞિક, નીરવ બારોટ? વિજયગિરિ પ્રેમજી બાવા ચુલબુલી આરોહી પટેલ સાથે પેલી જે મસ્તમજાની ફિલ્મ બનાવી રહ્યા છે એનું શું સ્ટેટસ છે? મલ્હારસાહેબ, સોરી, મલ્હાર ઠાકર આ વર્ષે શું લઈને આવવાના છે? આ અને આ સિવાયની બીજી કેટલીય વાતો આવતા રવિવારે.

0 0 0