Showing posts with label Patrakar Popatlal. Show all posts
Showing posts with label Patrakar Popatlal. Show all posts

Saturday, November 17, 2012

પોતપોતાનાં સત્યો


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 18 નવેમ્બર 2012

                                                                                                           
 વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા એન્ગ લીની લેટેસ્ટ ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ વિધિવત રિલીઝ થાય એ પહેલાં જ ઓસ્કર સિઝન માટે હોટ ફેવરિટ ગણાવા લાગી છે. એન્ગ લીનું ગુજરાતી કનેક્શન જાણવા જેવું છે... 




ક તરુણ છે. નામ એનું પાઈ પટેલ. પોડિંચેરીમાં મા-બાપ સાથે રહેતો પાઈ છે તો હિન્દુ પણ એ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે, કારણ કે એ ઈશ્વરને ખૂબ ચાહે છે! એના પિતા એક પ્રાણી સંગ્ર્ાહાલય ચલાવે છે. પરિસ્થિતિ એવી સર્જાય છે કે પરિવારે ઘણાંખરાં પ્રાણીઓને વેચીને દેશ છોડીને જતા રહેવું પડે છે. એક જાપાની બોટમાં પટેલ પરિવાર કેનેડા તરફ સમુદ્રયાત્રા શ‚ કરે છે. કમનસીબે, મધદરિયે મોટું તોફાન આવે છે. જહાજ તૂટી જાય છે. પાઈ બેહોશ થઈ જાય છે. એને ભાન આવે છે ત્યારે ખબર પડે છે કે પોતે એક લાઈફબોટ પર છે. એ એકલો નથી. એની સાથે એક ઝરખ, એક ઉરાંગઉટાંગ, એક ઘાયલ ઝેેબ્રા અને એક વાઘ પણ છે. હવે શ‚ થાય છે અસ્તિત્ત્વનો સંઘર્ષ. સૌથી પહેલાં તો ઝરખ પેલા ઝિબ્રાને મારીને ખાઈ જાય છે. એ ઉરાંગઉટાંગને પણ છોડતો નથી. પછી એ ખુદ વાઘનો શિકાર બની જાય છે. છેલ્લે બચે છે પાઈ અને વાઘ. ચારે બાજુ અફાટ દરિયો, એક નોંધારી લાઈફબોટ અને એના પર આ બે જીવો. પાઈ હવે માછલી પકડી પકડીને વાઘને ખવડાવવાનું શ‚ કરે છે કે જેથી એનું પેટ ભરાયેલું રહે અને પોતાનો જીવ સલામત રહે. આ હાલતમાં પાઈ અને વાઘ 227 દિવસ પસાર કરે છે! આખરે એ મેક્સિકોની ભૂમિ પર ઉતરે છે. વાઘ જંગલમાં નાસી જાય છે. કોઈ પાઈની વાત માનવા તૈયાર નથી કે એ એક વાઘ સાથે મધદરિયે સાડાસાત મહિના એકલો રહ્યો હતો! અને પછી...

કેટલી રોમાંચક કથા! યેન માર્ટલ નામના કેનેડિયન લેખકે લખેલી નવલકથા ‘લાઈફ ઓફ પાઈ’નો આ ટૂંકસાર છે. પાંચ-પાંચ પ્રકાશકોએ આ નોવેલને રિજેક્ટ કરી નાખી હતી. આખરે 2001માં નૉફ કેનેડા નામના પબ્લિશરે તે છાપી. પછી તો એની ખૂબ પ્રતિષ્ઠા થઈ. મેન બૂકર પ્રાઈઝ સહિત કેટલાય અવોર્ડઝ મળ્યા. એન્ગ લી નામના વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મમેકર્સમાં સ્થાન પામતા ડિરેક્ટરે આ પુસ્તક પરથી ફિલ્મ પણ બનાવી,  જે આવતા અઠવાડિયે ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ થઈ રહી છે.



દસ વર્ષ પહેલાં આ નવલકથા વાંચી હતી ત્યારથી એન્ગ લીના મનમાં એનાં તત્ત્વો રમ્યાં કરતાં હતાં. જીવન, મૃત્યુ, દરિયો, આકાશ, મનષ્ય, પ્રાણી, ભય, હત્યા, સહજીવન... ‘મને આ વાર્તાને પડદા પર લાવવાનું મન તો ખૂબ થતું હતું, પણ આ આખી વાત જ એટલી ગજબનાક, એટલી માતબર, એટલી સ્પિરિચ્યુઅલ છે કે મારી હિંમત નહોતી ચાલતી,’ 58 વર્ષીય એન્ગ લી એક મુલાકાતમાં કહે છે, ‘વળી, આ ફિલ્મમાં જે પ્રકારનાં વિઝ્યઉલ્સ ઊભા કરવાં પડે તે અત્યંત ખર્ચાળ તેમજ અવ્યવહારુ સાબિત થાય એમ હતાં. જોકે ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સવાળાએ મને ખૂબ કન્વિન્સ કર્યો એટલે આખરે હું આ ફિલ્મ બનાવવા તૈયાર થઈ ગયો. એક વાતે હું બિલકુલ સ્પષ્ટ હતો કે આ વિષય ટુ-ડાયમેન્શનમાં કેપ્ચર શકે જ નહીં. આ કહાણીને તો થ્રી-ડાયમેન્શલ સિનેમા જ પૂરતો ન્યાય આપી શકે.’

સૂરજ શર્મા નામનો દિલ્હીના નવોદિત એક્ટરે પાઈની કેન્દ્રીય ભુમિકા ભજવી છે. એન્ગ લી કહે છે કે આજ સુધીમાં મેં જેટલા એક્ટર્સ સાથે કામ કર્યું છે એ સૌમાં સૂરજ સૌથી અનોખો છે. ઈરફાન ખાન વયસ્ક પાઈ બન્યો છે, જ્યારે તબુએ પાઈની માનો કિરદાર નિભાવ્યો છે. ચુનંદા ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રદર્શિત થઈ ચૂકેલી આ ફિલ્મ આગામી ઓસ્કર સીઝનમાં સપાટો બોલાવી દેશે એવી હવા ઓલરેડી બંધાઈ ગઈ છે. આવી હવા બનવાનું કારણ એ છે કે એન્ગ લીની ફિલ્મોને ઢગલાબંધ ઓસ્કર નોમિનેશન્સ ઊસરડી લેવાની જુની આદત છે. તાઈવાનમાં જન્મેલા અને ઉછરેલા એન્ગ લીની ચોથી ફિલ્મ ‘સેન્સ એન્ડ સેન્સિબિલટી’ (1995)એ સાત નોમિનેશન્સ મેળવીનેે  એક ઓસ્કર જીતી લીધો હતો. 2000માં રિલીઝ થયેલી સુપરડુપર હિટ ફિલ્મ ‘ક્રાઉચિંગ ટાઈગર હિડન ડ્રેગને’ ત્રણ નોમિનેશન મેળવીને બેસ્ટ ફોરેન ફિલ્મનો ઓસ્કર મેળવ્યો. તે પછીની ‘હલ્ક’ એક ટિપિકલ હોલીવૂડ મસાલા ફિલ્મ હતી. ત્યાર બાદ આવી ‘બ્રોકબેક માઉન્ટન’ (2005), જેણે આઠ નોમિનેશન્સ મેળવ્યાં. આ ફિલ્મે એન્ગ લીને બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર અપાવ્યો. બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર જીતનાર એન્ગ લી પહેલી એશિયન વ્યક્તિ બન્યા.



એન્ગ લીની ફિલ્મોમાં નવાઈ લાગે એટલું બધું વૈવિધ્ય હોય છે. જેમ કે ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ જેન ઓસ્ટિને 1811માં લખેલી નવલકથા પરથી બની છે જેમાં એ જમાનાના બ્રિટનનો માહોલ છે. ‘ક્રાઉચિંગ ટાઈગર...’માં વુક્શિયા નામની ટ્રેડિશનલ માર્શલ આર્ટને એક્સપ્લોર કરવામાં આવી છે. ‘બ્રોકબેક માઉન્ટન’, અગેન, એક નવલિકા પર આધારિત છે, જેમાં બે અમેરિકન હોમોસેક્સ્યુઅલ કાઉબોયની પ્રેમકહાણી કહેવાઈ છે. એન્ગ લીએ દુનિયાના જુદા જુદા હિસ્સાના ભિન્ન ભિન્ન સ્થળકાળને ખૂબીથી આત્મસાત કરીને  હૃદયસ્પર્શી રીતે પડદા પર પેશ કરવામાં કમાલની મહારત હાંસલ કરી છે. શું ‘લાઈફ ઓફ પાઈ’ને તેઓ ભારતીય કથા તરીકે નિહાળે છે?

‘ના. આ કેનેડિયન લેખકે લખેલી કથા છે અને એને હું કેનેડિયન કહાણી તરીકે જ જોઉં છું,’ એન્ગ લી કહે છે, ‘જ્યારે પણ કોઈ ફિલોસોફિકલ કે માયાવી તત્ત્વની વાત કરવાની હોય ત્યારે પશ્ચિમના કળાજગતમાં પૂર્વના કલ્ચરનો સંદર્ભ લેવામાં આવતો હોય છે. ‘લાઈફ ઓફ પાઈ’માં જીવનની ભ્રમણાની વાત કરવામાં આવી છે. અહીં પાઈ એવી પરિસ્થિતિમાં મૂકાયો છે કે એ માત્ર પોતાની જાત પર અને ઈશ્વરીય શક્તિ પર જ આધાર રાખી શકે.’

Shyam "Patrakar Popatlal" Pathak with Ang Lee


એન્ગ લી બહુ જ ઓછું બોલે છે. એમનું અંગ્ર્ોજી પણ કામચલાઉ છે. એન્ગ લીનું ગુજરાતી કનેક્શન જાણવા જેવું છે. ‘બ્રોકબેક માઉન્ટન’ પછી એમણે 2007માં ‘લસ્ટ, કોશન’ નામની ફિલ્મ બનાવી હતી, જેમાં ભારતના બે એક્ટરોને કામ કરવાનો મોકો મળ્યો હતો - અનુપમ ખેર અને શ્યામ પાઠક. શ્યામ પાઠક એટલે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં પત્રકાર પોપટલાલનું મજેદાર પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેતા.  ‘લસ્ટ, કોશન’નું પશ્ચાદભૂ બીજા વિશ્વયુદ્ધ વખતનું છે. આ ફિલ્મ ચાઈનીઝ અને અંગ્ર્ોજી બન્ને ભાષામાં બની છે. પ્રતિષ્ઠિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચુકેલા શ્યામ પાઠક કહે છે, ‘કમનસીબે, મારાં લગભગ બધાં સીન એડિટિંગ ટેબલ પર કપાઈ ગયાં અને મારી હાજરી નામ પૂરતી રહી ગઈ, પણ એન્ગ લી સાથે વીસ-પચ્ચીસ દિવસ કામ કરવાનો લહાવો મળ્યો એ મોટી વાત હતી. ઈટ વોઝ અન એમેઝિંગ એક્સપિરીયન્સ. તેમની કામ કરવાની પદ્ધતિ કમાલની છે. વર્લ્ડના ટોપમોસ્ટ ફિલ્મમેકર્સમાં ગણના થતી હોવા છતાં અત્યંત નમ્ર અને ડાઉન-ટુ-અર્થ માણસ છે એ. તેમણે ભરતમુનિનું નામ સાંભળ્યું હતું. એક વખત એમણે કહેલું પણ ખરું કે મારે નવરસ વિશે વધારે જાણવું છે.’

શૂટિંગ પૂરું થયા પછી ભારત પાછા ફરતી વેળાએ શ્યામ પાઠકે તેમને પૂછ્યું: સર, તમારે ઈન્ડિયાના યંગ એક્ટરને એક જ વાત કહેવાની હોય તો તમે શું કહો? એન્ગ લીએ જે જવાબ આપેલો તે શ્યામ ક્યારેય ભુલી નહીં શકે. એન્ગ લીએ કહેલું: શ્યામ, આપણા બધામાં એક બ્રોકબેક માઉન્ટન હોય છે. વી ઓલ શુડ ટ્રાય ટુ સીક ટ્રુથ ઈન અવરસેલ્વ્સ... આપણાં સૌનાં સત્યો આપણે જાતે જ શોધી લેવાનાં હોય છે!

શો-સ્ટોપર

એવું નથી કે મને ડાન્સમાં બહુ રસ પડે છે એટલે હું ‘ઝલક દિખાલા જા’નો જજ બન્યો હતો કે પછી જાતજાતની ટેલેન્ટ જોઈને ચકિત થઈ જવાનું મને બહુ ગમે છે એટલે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ સાથે સંકળાયો છું. હું ટેલીવિઝન ખાસ તો એટલા માટે કરું છું કે એ લોકો પૈસા ચિક્કાર આપે છે. 

- કરણ જોહર (ફિલ્મમેકર) 

Trailer of Life of Pi. Click here:
http://www.youtube.com/watch?v=j9Hjrs6WQ8M