Showing posts with label Deepika Padukone. Show all posts
Showing posts with label Deepika Padukone. Show all posts

Thursday, January 17, 2019

‘છપાક’: સ્માર્ટ હિરોઈન... સ્માર્ટ ચોઇસ!


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 13 જાન્યુઆરી 2019
કોલમઃ મલ્ટિપ્લેક્સ
દીપિકા પદુકોણે ફરી એક વાર પૂરવાર કર્યું છે કે એની સ્ક્રિપ્ટ સેન્સ તગડી છે. ‘પદ્માવત’ પછી ‘છપાક’ જેવી ફિલ્મમાં કામ કરવું એ ખરેખર એક સ્માર્ટ ચોઈસ છે.

બહુ ઓછી ફિલ્મો એવી હોય છે જે અનાઉન્સ થતાંની સાથે જ આપણે એની રાહ જોવા માંડીએ. નવાં નવાં શ્રીમતી બનેલાં દીપિકા પદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’ આ પ્રકારની ફિલ્મ છે. ક્રિયિટવ ફિલ્ડમાં આમ તો પહેલા નંબર – બીજા નંબર જેવું ખાસ હોતું નથી, પણ જો ફરજિયાત નંબર આપવા જ પડે એમ હોય તો 33 વર્ષીય દીપિકા હાલ બોલિવૂડની નંબર વન એકટ્રેસ છે. એની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ બન્ને ફુલ ફોર્મમાં છે. આગળ વધતાં પહેલાં દીપિકા પર મા લક્ષ્મીના કેટલાં આશીર્વાદ વરસ્યા છે એ જાણી લઈએ.

વિખ્યાત ‘ફોર્બ્સ’ મેગેઝિન દર વર્ષે સૌથી ધનિક સો સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડે છે. 2018માં ‘ફોર્બ્સ ઇન્ડિયા’ના લિસ્ટના ટોપ ફાઇવમાં પહેલી વાર કોઈ મહિલા સેલિબ્રિટીએ એન્ટ્રી કરી. એ મહિલા એટલે દીપિકા. એની એક વર્ષની આવક 112.8 કરોડ રૂપિયા નોંધાઈ હતી. પતિદેવ રણવીર સિંહ કરતાં પણ એણે વધારે કમાણી કરી હતી. આ લિસ્ટમાં રણવીર આઠમા ક્રમે હતો. અરે, આમિર ખાન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને એમએસ ધોની કરતાંય દીપિકા ઉપર હતી.

‘ફોર્બ્સે’ 2016માં દુનિયાની હાઇએસ્ટ પેઇડ અભિનેત્રીઓની સુચિ તૈયાર કરી હતી એમાં ટોપ-ટેન નામોમાં જેનિફર લોરેન્સ, સ્કારલેટ જ્હોન્સન અને જેનિફર એનિસ્ટન જેવી હોલિવૂડની ટોપ હિરોઈનોની વચ્ચે એક જ ઇન્ડિયન એક્ટ્રેસ સ્થાન મેળવી શકી હતી. ના, પ્રિયંકા ચોપડા નહીં, પણ દીપિકા પદુકોણ. કહે છે કે દીપિકા સંભવતઃ બોલિવૂડની એક માત્ર એવી એકટ્રેસ છે, જે હીરોની ફી એડજસ્ટ કરવા માટે પોતાની ફીમાં બાંધછોડ કરતી નથી. ‘પદ્માવત’માં કામ કરવા માટે એને 12 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.

આટલી સક્સેસફુલ હિરોઈન ‘પદ્માવત’ પછી હવે શું કરશે એ જાણવાની ઇંતજારી સૌને હોય જ. ‘પદ્માવત’ પછીના નેકસ્ટ પ્રોજેક્ટ તરીકે ‘છપાક’ને પસંદ કરીને દીપિકાએ વધુ એક વખત પૂરવાર કર્યું છે કે એની સ્ક્રિપ્ટ સેન્સ ખરેખર હાઇક્લાસ છે. ‘છપાક’ એક સ્માર્ટ ચોઈસ છે. એનાં ડિરેક્ટર છે, મેઘના ગુલઝાર. ‘રાઝી’ જેવી ગયા વર્ષની હિટ અને નોંધપાત્ર ફિલ્મ ડિરેક્ટ કરનાર મેઘનાની કરીઅર પણ અત્યારે ચડતી કળાએ છે. ‘છપાક’ જેવા અફલાતૂન વિષયને મેઘના જેવી કાબેલ ડિરેક્ટર સરસ રીતે ન્યાય આપી શકશે એવી ખાતરી આપણને મળે છે.

શું છે ‘છપાક’માં? 2005માં લક્ષ્મી અગ્રવાલ નામની ટીનેજ કન્યા પર એસિડ ફેંકવામાં આવ્યો હતો, યાદ છે? ભયાનક રીતે દાઝી ગયેલા, વિકૃત થઈ ગયેલા લક્ષ્મીના ચહેરાની તસવીરો જોઈને આખો દેશ હેબતાઈ ગયો હતો. બસ, આ જ છે ‘છપાક’નો વિષય. આ લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે અને દીપિકા એમાં મુખ્ય ભુમિકા ભજવી રહી છે.

એસિડ અટેકનો ઘટનાક્રમ જાણવા જેવો છે. લક્ષ્મી દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારનું ફરજંદ. 2005માં હજુ માંડ પંદરેક વર્ષની એની ઉંમર. એના ભાઈનો એક દોસ્તાર એની પાછળ પડી ગયો હતો. નઈમ ખાન એનું નામ. ઉંમરમાં લક્ષ્મી કરતાં બમણા કરતાંય વધારે મોટો - 32 વર્ષનો. એ વારે વારે લક્ષ્મીને પ્રપોઝ કર્યા કરે. લક્ષ્મી નકારતી રહે. લક્ષ્મીએ ભાવ ન જ આપ્યો એટલે એણે એવું ભયાનક પગલું ભર્યું જેના વિશે કોઈએ કલ્પના પણ નહોતી કરી.

Deepika Padukone, Meghna Gulzar and Vikrant Massey

લક્ષ્મી એક દિવસ તુઘલક રોડ પર ખાન માર્કેટમાં શોપિંગ કરી રહી હતી. ગિન્નાયેલો નઈમ એના બે દોસ્તારો સાથે અચાનક ત્યાં આવી ચડ્યો ને લક્ષ્મીના ચહેરા પર ફળફળતું એસિડ ફેંકીને નાસી ગયો. લક્ષ્મી રસ્તા પર પટકાઈને ચીસો પાડતી રહી. એક ટેક્સી ડ્રાઇવર એની મદદે આવ્યો. લક્ષ્મીને ગાડીમાં નાખીને સફદરજંગ હોસ્પિટલ લઈ ગયો. લક્ષ્મીએ આ દુર્ઘટના પછી દસ વર્ષમાં કુલ નવ ભારે ઓપરેશન્સ કરાવવાં પડ્યાં. છેલ્લા ઓપરેશન વખતે એને ચાર દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

જીવન પણ ગમે તેવા ભયાનક પ્રહારો થયા હોય તો પણ ખુમારીપૂર્વક જીવી શકાતું હોય છે. જો પરિસ્થિતિના ભારથી તૂટી ન પડીએ, મનોબળ અને હકારાત્મકતા ટકાવી રાખીએ તો માત્ર જીવી નહીં, જીતી પણ શકાતું હોય છે. એસિડ અટેકને કારણે લક્ષ્મીનો દેખાવ અત્યંત વિકૃત થઈ ગયો હતો. એનું સપનાં રોળાઈ ગયાં હતાં, પણ હવે એની સામે નવાં લક્ષ્યો હતાં. એણે વિચાર્યું કે જે મારી સાથે થયું એવું બીજી છોકરીઓ સાથે ન થવું જોઈએ. 2006માં એણે 27,000 લોકોની સહી એકઠી કરી અને લોકહિતમાં પિટીશન દાખલ કરી કે દુકાનમાં આસાનીથી થઈ રહેલા એસિડના વેચાણ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. નરાધમોને સહેલાઈથી એસિડ મળી જતો હોવાને કારણે જ સમાજમાં એસિડ એટેકના આટલા બધા કિસ્સા બને છે. લક્ષ્મીના અથાગ પ્રયત્નોને કારણે આખરે 2013માં સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે એસિડના વેચાણનું પાક્કું નિયમન થવું જોઈએ. એસિડ ખરીદવા આવનારે પાક્કું ફોટો આઇડી કાર્ડ બતાવવું પડે ને દુકાનદારે એ વ્યક્તિની વિગતો નોંધવી પડે.

લક્ષ્મી અને એના સાથીઓએ જોયું કે આ નિયમ છતાંય એસિડ છૂટથી વેચાય છે. લક્ષ્મીએ એસિડ અટેકના કિસ્સા રોકવા માટે અને ભોગ બનેલી યુવતીઓની મદદ માટે ‘છાંવ’ નામની સંસ્થા સ્થાપી. ‘સ્ટોપ સેલ એસિડ’ અને અન્ય કેમ્પેઇન ચલાવ્યાં. ‘ઉડાન’ નામના એક ટીવી શોની એન્કર પણ બની. 2014માં લક્ષ્મીને પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ વીમેન ઓફ કરેજ અવોર્ડથી સન્માનિત કરવામાં આવી. અમેરિકાના તત્કાલીન પ્રેસિડન્ટ બરાક ઓબામાનાં પત્ની મિશેલના હાથે લક્ષ્મીએ આ અવોર્ડ સ્વીકાર્યો.

લક્ષ્મીની કહાણીમાં માત્ર ડ્રામા અને મોટિવેશન વેલ્યુ જ નથી, એમાં રોમાન્સ પણ છે. સ્ટોપ એસિડ અટેક નામના કેમ્પેઇન દરમિયાન એની મુલાકાત આલોક દીક્ષિત નામના પત્રકાર-એક્ટિવિસ્ટ સાથે થઈ. બન્ને વચ્ચે પહેલાં દોસ્તી થઈ ને પછી પ્રેમ થયો. તેમણે આજીવન સાથે રહેવાનો નિર્ણય કર્યો. સહજીવન માટે એમને લગ્ન કરવાની જરૂર ન લાગી. લગ્નના તમાશામાં નવવધૂ કેવી દેખાય એની સૌ ચર્ચા કરતા હોય છે. લક્ષ્મી અને આલોકને આ બધામાં પડવું જ નહોતું. આજે તેઓ એક મીઠડી દીકરીનાં માતાપિતા છે. બેબલીનું નામ પડ્યું છે, પિહુ. લક્ષ્મી અને આલોક આજે સાથે મળીને દેશના જુદા જુદા ભાગમાં એસિડ અટેકનો ભોગ બનેલી નિર્દોષ યુવતીઓના ભલા માટે કામ કરે છે.  ‘છપાક’ ફિલ્મમાં આલોકનો રોલ સુપર ટેલેન્ટેડ વિક્રાંત મેસી કરી રહ્યો છે.

એસિડ અટેક પછી લક્ષ્મી જે તીવ્ર યાતનામાંથી પસાર થઈ રહી હતી એ માત્ર શારીરિક નહોતી, માનસિક પણ હતી. એ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. લક્ષ્મીની કથાનો આ એક એવો તંતુ છે, જે દીપિકા પદુકોણને વ્યક્તિગત રીતે સ્પર્શે છે. કરીઅરમાં પ્રચંડ સફળતા પણ માણસને સુખની ગેરંટી આપી શકતી નથી. એ જાણીતી વાત છે કે જ્યારે દીપિકા 2014માં ‘હેપી ન્યુ યર’ જેવી સુપરહિટ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી હતી ત્યારે અસલ જીવનમાં તીવ્ર ડિપ્રેશનથી પીડાઈ રહી હતી. કારણ વગર રડી પડે, શરીરમાંથી જાણે શક્તિ નીચોવાઈ ગઈ હોય એવું લાગે, મન સતત ઉદાસ અને દુખી રહ્યા કરે. દીપિકાએ માનસ ચિકિત્સક પાસે જઈને રીતસર સારવાર લેવી પડી હતી. સદભાગ્યે એ આ તબક્કામાંથી ઝડપથી બહાર આવી ગઈ. દીપિકાએ ડિપ્રેશનવાળી વાત છુપાવી નહીં. એણે દુનિયા સામે હિંમતભેર પોતાનો અનુભવ શેર કર્યો. ડિપ્રેશનનો ભોગ બનવું એ કંઈ શરમની વાત નથી, ગમે તેવું ડિપ્રેશન હોય તો પણ એનો ઇલાજ થઈ શકે છે અને એમાંથી બહાર આવી શકાય છે એવી જાગૃતિ હવે ધીરે ધીરે આપણા સમાજમાં ફેલાઈ રહી છે એમાં દીપિકાનો પણ થોડોઘણો ફાળો છે.  

દીપિકા ‘છપાક’માં લક્ષ્મીનો રોલ કન્વિક્શનથી અને દિલથી નિભાવી શકશે. ‘છપાક’નું કોન્ટેન્ટ તગડું છે. જો સઘળું હેમખેમ પાર પડ્યું તો ‘છપાક’માં એક અત્યંત મહત્ત્વપૂર્ણ ફિલ્મ પૂરવાર થવાનું કૌવત છે એ તો નક્કી.

0 0 0 


Saturday, March 28, 2015

મલ્ટિપ્લેક્સ : ડિપ્રેશન, ડિબેટ અને દીપિકા

Sandesh - Ardh Saptahik Purti - 29 March 2015
મલ્ટિપ્લેક્સ 

દીપિકા પદુકોણે માનસિક દર્દીઓની મદદ માટે એણે જે સંસ્થા સ્થાપી છે એ કેટલી જેન્યુઈન હોવાની?શુ એ મેન્ટલ હેલ્થનો ઝંડો પબ્લિસિટી માટે ફરકાવી રહી છે? વાંકદેખા એવુંય કહેવાના કે આવું કરવાના એને પૈસા મળ્યા હશે.  હકીકત એ છે કે નંબર વન હિરોઈન બન્યા પછી દીપિકા ડિપ્રેશન નામના નર્કમાં જઈને પાછી ફરી છે. એના આશય અને પ્રયત્નો વિશે શંકા-કુશંકા કરવાનો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે એના જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.


થોડા અરસા પહેલાં દીપિકા પાદુકોણે એક એવી અંગત વાત જાહેર કરી હતી કે તે સાંભળીને સૌ ચોંકી ઊઠયા હતા. ૨૦૧૩ એટલે દીપિકાની કરિયરનું બેસ્ટ યર. 'રેસ-૨', 'યે જવાની હૈ દીવાની', 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને 'રામલીલા' જેવી બેક-ટુ-બેક સુપરહિટ ફિલ્મો આપીને એ અધિકારપૂર્વક નંબર વન પોઝિશન પર પહોંચી ગઈ હતી. એણે ઢગલાબંધ એવોર્ડ્ઝ જીત્યા. પર્સનલ લાઇફ પણ સરસ જઈ રહી. આવા યાદગાર વર્ષનું મીઠું હેંગઓવર મહિનાઓ સુધી અકબંધ રહેવું જોઈતું હતું. બન્યું એના કરતાં વિપરીત. ૨૦૧૪ના પ્રારંભમાં જ એ ડિપ્રેશનનો ભોગ બની. ડિપ્રેશન એટલે એક પ્રકારનો માનસિક રોગ, જેમાં માણસને તીવ્ર બેચેની લાગે અને ભયંકર ખાલીપાની લાગણી જીવવું ઝેર કરી નાખે.
સામાન્યપણે માનસિક બીમારીની વાત છુપાવવામાં આવતી હોય છે, કેમ કે આપણા સમાજમાં માનસિક દર્દી એટલે પાગલ એવી એક ભ્રામક છાપ છે. આમ છતાંય નોર્મલ થઈ ગયા પછી દીપિકાએ હિંમતભેર એક અખબારને પોતાના ડિપ્રેશન વિશે ઇન્ટરવ્યૂ આપ્યો. બોલિવૂડ અને આમજનતા સૌ આંચકો ખાઈ ગયાં કે દીપિકા પાદુકોણ જેવી સુપર સક્સેસફુલ અને ટોપ એક્ટ્રેસને કઈ વાતનું ડિપ્રેશન હોઈ શકે? લેટેસ્ટ સમાચાર એ છે કે દીપિકાએ એક ડગલું આગળ વધીને ડિપ્રેશન તેમજ અન્ય માનસિક બીમારીઓના દર્દીઓની મદદ માટે સંસ્થા સ્થાપી છે. એનું નામ રાખ્યું છે, લિવ-લાફ-લવ ફાઉન્ડેશન. તાજેતરમાં એણે એક ટીવી ચેનલ પર ડિપ્રેશનના પોતાના પીડાદાયી અનુભવ વિશે ઝીણવટભેર વાત કરી હતી.
કહેનારાઓ કહેવાના કે દીપિકા આ બધું પબ્લિસિટી ખાતર કરી રહી છે. વાંકદેખા એવુંય કહેવાના કે દીપિકા માનસિક બીમારીના કોઝનો ઝંડો લઈને એટલા માટે ફરી રહી છે કે એને આવું કરવાના પૈસા મળ્યા હશે. એણે જે ફાઉન્ડેશન સ્થાપ્યું છે એ કેટલું જેન્યુઇન છે તે વિશેય શંકા થવાની. ખેર, આ પ્રકારની શંકા-કુશંકાનો આ તબક્કે કશો મતલબ નથી. મેન્ટલ હેલ્થની વ્યાપક સમસ્યા વિશે નક્કરપણે પોતાનાથી થાય એટલું કરવા માગતી દીપિકાના આશયમાં કશી બનાવટ નથી એવું આપણે સ્વીકારી લઈએ છીએ. દીપિકાને ડિપ્રેશન દરમિયાન એક્ઝેક્ટલી શું થયું હતું? આ સવાલનો જવાબ વિગતે જાણવા જેવો છે, કેમ કે દીપિકા જેવી માનસિક બીમારી કોઈને પણ થઈ શકે છે.
"ગયા વર્ષની પંદરમી ફેબ્રુઆરીની વાત છે," દીપિકા પાક્કી તારીખ ટાંકીને વાત કરે છે, "તે સવારે હું રોજની જેમ ઊઠી તો ખરી, પણ ઊઠયા પછી ખબર જ ન પડે કે મારે શું કરવાનું છે, ક્યાં જવાનું છે. એટલી બધી ખરાબ ફીલિંગ થવા લાગી કે હું ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. આ પહેલી વાર નહોતું. આવું મને છેલ્લાં કેટલાય સમયથી થઈ રહ્યું હતું."
દીપિકા મુંબઈમાં એકલી રહે છે. સદ્ભાગ્યે તે દિવસોમાં દીપિકાનાં મમ્મી-પપ્પા અને નાની બહેન અનિશા બેંગલુરુથી મુંબઈ એનાં ત્યાં આવ્યાં હતાં. ઇન ફેક્ટ, તેઓ એ દિવસે પાછાં બેંગલુરુ જવાનાં હતાં. પરિવાર મુંબઈ આવ્યો હોય અથવા દીપિકા બેંગલુરુ ગઈ હોય ત્યારે વિખૂટા પડતી વખતે થોડા ઢીલા પડી જવું સ્વાભાવિક છે, પણ આ વખતે એરપોર્ટ જવાના થોડા કલાકો પહેલાં દીપિકા મમ્મી-પપ્પા પાસે બેઠી હતી ત્યારે હીબકાં ભરીને રડવા લાગી. માંડ શાંત થઈ. થોડી વાર પછી પાછી મોટે મોટેથી રડી પડી. અઢાર વર્ષની ઉંમરથી દીપિકા પોતાના પગ પર ઊભી થઈ ગઈ છે. ખૂબ મજબૂત મનની છોકરી છે એ. તેથી જ આજે એ જે રીતે વારે વારે રડી પડતી હતી તે જોઈને મમ્મીને અજુગતું લાગ્યું. એમણે દીકરીને પાસે બેસાડીને પ્રેમથી પૂછયું કે બેટા, શું વાત છે? કેમ આજે આટલું બધું રડે છે? કોઈએ તને કશું કહ્યું? પર્સનલ લાઇફમાં કોઈ પ્રોબ્લેમ છે? દીપિકાએ કહ્યું કે મમ્મી, કશો જ પ્રોબ્લેમ નથી, બધું જ બરાબર છે. દીપિકાને ખુદને સમજાતું નથી કે આજે એને શું થઈ રહ્યુંં છે. મમ્મીએ ત્વરીત નિર્ણય લઈ લીધો. તેમણે પતિ પ્રકાશ પાદુકોણ (વિખ્યાત બેડમિન્ટન પ્લેયર)ને કહ્યું: દીપિકાની હાલત ઠીક નથી લાગતી. એક કામ કરો, તમે નાની અનિશાને લઈને બેંગલુરુ નીકળો, હું દીપિકા પાસે રોકાઈ જાઉં છું. 

  
"અને મમ્મી એક આખો મહિનો સતત મારી સાથે રહી," દીપિકા કહે છે, "પણ આની પહેલાંના દિવસો ભયંકર હતા. ક્યારેક હું ખુશ હોઉં ને પછી ઓચિંતા રડવા માંડું. સેટ પર એકાએક મારી વેનિટી વેનમાં દોડીને એકલી એકલી રડયા કરું. એરપોર્ટ પર પ્લેનની રાહ જોતી હોઉં ત્યારે પણ આવું થાય. લોકોની નજરથી બચવા વોશરૂમ તરફ દોડીને દરવાજો અંદરથી લોક કરી ફૂટી ફૂટીને રડતી રહું. એક વાર મારે દિલ્હીમાં એક ઇવેન્ટમાં બોલવા જવાનું હતું. લેક્ચર પહેલાં હું હોટલની રૂમમાં એટલું બધું રડી. પછી માંડ માંડ સ્વસ્થ થઈ, મેકઅપ ઠીક કરી, ચહેરા પર સ્માઇલ લાવી ઇવેન્ટમાં પહોંચી. વક્રતા જુઓ, મારે તે દિવસે 'નંબર વન હિરોઇન હોવું એટલે શું' તે વિષય પર બોલવાનું હતું! હું અમેરિકા ફક્ત એક એવોર્ડ લેવા માટે ફંક્શન એટેન્ડ કરવા ગઈ હતી. મને એમ કે મુંબઈના માહોલથી દૂર રહીશ તો જરા ચેઇન્જ જેવું લાગશે. ત્યાં લોકોની વચ્ચે હોઉં ત્યાં સુધી બધું ઠીક લાગતું, પણ જેવી હોટલના કમરામાં એકલી પડું એટલે પાછી એ જ હાલત. મને સમજાતું જ નહોતું કે મને શા માટે આટલું લો ફીલ થાય છે, મને કઈ વાતનું રડવું આવે છે. ભૂખ લાગે પણ જમવા બેસું તો ગળેથી કોળિયા ન ઊતરે. સવારે ઊઠું ત્યારે ભયંકર થાક વર્તાય અને ઊભા થવાની જ ઇચ્છા ન થાય. એ દિવસોમાં એવું લાગતું હતું કે જાણે કોઈએ મને કાળી કોટડીમાં પૂરી દીધી છે અને હું એ કોટડીમાંથી કેમેય કરીને બહાર આવી શકું તેમ નથી."
તે દિવસોમાં દીપિકાની 'હેપી ન્યૂ યર'નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં આપણે દીપિકાને હસતી, નાચતી, કોમેડી કરતાં જોઈએ છીએ, પણ તેના શૂટિંગ દરમિયાન અંદરખાને એ તીવ્ર પીડાદાયી મનોદશામાંથી પસાર થઈ રહી હતી તેવી કલ્પના પણ થઈ શકે છે? મેકઅપ કરીને, કોસ્ચ્યુમ ચડાવીને શોટ આપવાના, લોકો અને મીડિયા સામે મોઢું હસતું રાખવાનું, તમામ કમિટમેન્ટ્સ નિભાવવાના ને પછી એકલા પડતાં જ જાણે કોઈએ ખીણમાં ધક્કો મારી દીધો હોય તેવી માનસિક પરિસ્થિતિમાં ફેંકાઈ જવાનું. દીપિકા કહે છે, "તે દિવસોમાં હું યંત્ર જેવી થઈ ગઈ હતી. જાણે ઓટો-પાઇલટ પર કામ કરતી હતી. હું કોઈ સાથે મનની વાત શેર પણ કરી શકતી નહોતી. એવું નહોતું કે મારે છુપાવવું હતું, પણ હું શું શેર કરું? મને ખુદને સમજાતું નહોતું કે આ ટેમ્પરરી ફેઝ છે કે કાયમી છે?" પણ મમ્મી એક મહિનો પડછાયાની જેમ સાથે રહી અને ચિત્ર બદલાયું. 
દીપિકાની નાની બહેન અનિશાએ જ મમ્મીને સલાહ આપી કે આપણે એનાઆન્ટીની મદદ લઈએ. પ્રોફેશનલ કાઉન્સેલર એના ચંડી પાદુકોણ પરિવારનાં વર્ષોજૂનાં મિત્ર છે. એનાને સમજાતાં વાર ન લાગી કે મામલો સિરિયસ છે. દીપિકા એની સામે એક જ વાત દોહરાવતી હતીઃ આઈ એમ ફીલિંગ એમ્પ્ટી. દીપિકાને મળ્યા પછી એનાએ સાઇકિયાટ્રિસ્ટ પાસે જવાની સલાહ આપી. દીપિકા સતત નકારતી રહી. કેટલીય સમજાવટને અંતે એ માંડ બંગલુરુના ડો. શ્યામ ભટ્ટ નામના માનસ ચિકિત્સક પાસે આવવા તૈયાર થઈ. ડો. ભટ્ટે ડિપ્રેશનનું નિદાન કરી તરત સારવાર શરૂ કરી. દવાદારૂને લીધે દિમાગમાં થઈ ગયેલા કેમિકલ લોચા ધીમે ધીમે દૂર થયા. બે આખા મહિના બેંગલુરુમાં પરિવાર સાથે રહ્યા બાદ એ ડિપ્રેશનની અસરમાંથી પૂરેપૂરી બહાર આવી ગઈ.
"મારા એક ફ્રેન્ડના ફ્રેન્ડે આ જ અરસામાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરીને જીવ ટૂંકાવ્યો." દીપિકા કહે છે, "એટલો ખુશમિજાજ છોકરો. આપણને કલ્પના પણ ન આવે કે અંદરથી તે આટલો બધો રિબાતો હશે. એક હદ કરતાં વધારે એ ડિપ્રેશન સહી ન શક્યો ને એણે સ્યુસાઇડ કરી નાખ્યું. આ ઘટનાએ મને હલાવી દીધી. મેં લિવ-લાફ-લવ ફાઉન્ડેશન સ્થાપવાનો નિર્ણય લીધો એનું એક કારણ આ પણ છે. હું પોતે નરક જેવી યાતના ભોગવીને બહાર આવી છું. જો મારા પ્રયત્નોથી એક માણસનો જાન પણ બચશે તો હું મારી જાતને સફળ માનીશ."

એક અંદાજ પ્રમાણે ભારતની ૩૬ ટકા પ્રજા ડિપ્રેશનથી પીડાય છે. ભારતની ૭૦ ટકા વસતીની ઉંમર ૩૫ વર્ષ કરતાં ઓછી છે. ૧૫થી ૨૯ વર્ષના વયજૂથમાં આત્મહત્યાનું પ્રમાણ આપણા દેશમાં દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં ઊંચું છે. જે રીતે સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં આ પરિસ્થિતિ ભવિષ્યમાં વકરવાની છે. શરીરની જેમ મન પણ બીમાર થઈ શકે છે. એમાં કશું જ અસાધારણ નથી. મેન્ટલ હેલ્થ વિશે લોકોમાં જાગૃતિ વધશે તો જ માનસિક બીમારી સાથે જોડાયેલી શરમ યા તો કલંકની ભાવના ઝાંખી થશે અને ડિપ્રેશન સહિતના દિમાગના રોગોનું પ્રમાણ ઘટશે. દીપિકા પાદુકોણ જેવી સેલિબ્રિટી મેન્ટલ હેલ્થના ક્ષેત્રમાં સક્રિય બને તે સારું જ છે.
0 0 0 

Saturday, September 7, 2013

મલ્ટિપ્લેક્સ : ડેડલી દીપિકા

Sandesh - Sanskar Purti - 8 Sept 2013
મલ્ટિપ્લેક્સ
દીપિકા પદુકોણે સારી ફિલ્મો પણ કરી છે અને 'બોકવાસ' ફિલ્મો પણ કરી છે. છ વર્ષની કરીઅરમાં એ હિન્દી ફિલ્મોની હિરોઇન નંબર વન કેવી રીતે બની ગઇ?


દીપિકા પદુકોણ નવી નવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કલ્પ્યું નહોતું કે હાઇટના મામલામાં બોલિવૂડના કેટલાય હીરોને કોમ્પ્લેક્સ આપતી આ લંબૂસ કન્યા જોતજોતામાં નંબર વન પોઝિશનની દાવેદાર બની જશે. એણે 'ઓમ શાંતિ ઓમ'માં શાહરુખ ખાનની નાયિકા તરીકે શરૂઆત કરી હતી. કેટલી નવોદિત હિરોઇનના નસીબમાં પહેલી જ ફિલ્મમાં શાહરુખની હિરોઇન બનવાનું (અને એ પણ ડબલ રોલમાં) લખાયું હોય છે? છ વર્ષ પછી 'ચેન્નાઈ એક્સપ્રેસ'માં એ બીજી વાર શાહરુખની સામે ચમકી અને જાણે એક વર્તુળ પૂરું થયું. 'ઓમ શાંતિ ઓમ'ની નવોદિત એક્ટ્રેસ 'ચેન્નાઈ એક્સપ્રેસ' આવતાં સુધીમાં બોલિવૂડના ટોપ પોઝિશન પર ગોઠવાઈ ચૂકી હતી.
'રેસ ટુ', 'યે જવાની હૈ દીવાની' અને 'ચેન્નાઈ એક્સપ્રેસ' - આ ત્રણેય ૨૦૧૩ની હિટ ફિલ્મો. દીપિકાએ જે કાબેલિયતથી હેટ ટ્રિક ફટકારી છે તે જોઈને બીજી હિરોઇનો હાંકી બાંકી થઈ ગઈ છે. હજુ હમણાં સુધી કરીના કપૂર, કેટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા નંબર વનના બિરુદ માટે બથ્થંબથ્થા કરી રહી હતી. કરીના પરણી ગઈ એટલે આપોઆપ રેસમાંથી બહાર થઈને અલગ કેટેગરીમાં મુકાઈ ગઈ છે ઐશ્વર્યા રાયની જેમ. કેટરીનાની 'જબ તક હૈ જાન' પાસેથી ઊંચી ઉમ્મીદો હતી. આ ફિલ્મે તો નિરાશ કર્યા જ, પણ એમાં કેટરિનાના પર્ફોર્મન્સે ઓડિયન્સને વિશેષ નિરાશ કર્યા. 'જબ તક હૈ જાન'માં એનો રોલ એવો હતો જેમાં ખૂબ ભાવપ્રદર્શનની જરૂર પડે. કેટી પાસે 'હમ ભી કુછ કમ નહીં' એવું પુરવાર કરવાની ભરપૂર તક હતી. થયું એનાથી ઊલટું. કેટરીનાનું રૂપકડું થોબડું ઇમોશનલ સીનમાંય આપણા પીએમ સાહેબ મનમોહનસિંહની જેમ કોરુંધાકોડ રહ્યું. કેટરિનાની મર્યાદાઓ બહુ ખરાબ રીતે એક્સપોઝ થઈ ગઈ આ ફિલ્મમાં.
પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો એને છાકો પાડી દેવાના ઘણા ચાન્સ મળ્યા હતા. આપણને હતું કે 'સાત ખૂન માફ' અને 'વોટ્સ યોર રાશિ'? જેવી સુપર ડિરેક્ટરોએ બનાવેલી ફિલ્મોમાં પ્રિયંકા કોણ જાણે કેવીય કમાલ કરી દેખાડશે! અહીં પણ બન્યું એનાથી ઊલટું. આ બંને ફિલ્મો ઊંધા મોંએ પછડાઈ. પ્રિયંકા સારી પર્ફોર્મર છે એ સૌ સ્વીકારે છે, પણ એક હદ પછી એના મેનરિઝમમાં અને બોડી લેંગ્વેજમાં કૃત્રિમતા પ્રવેશી જાય છે. 'બરફી'માં એણે સરસ કામ કર્યું, પણ આ ફિલ્મનો સૌથી વધારે ફાયદો રણબીરને જ થયો, જે યોગ્ય પણ હતું. કોણ જાણે કેમ, પણ પ્રિયંકા માટે જાણે એક ફૂટી ચૂકેલી બંદૂક જેવી ફીલિંગ આવ્યા કરે છે. એ જાણે કે પોતાનાં ભાથાંમાં રહેલાં લગભગ બધાં તીર વાપરી ચૂકી છે. એની સારી ફિલ્મો જરૂર આવશે, પણ પ્રિયંકા હવે મોટા પાયે ધમાલ મચાવી મૂકશે એવું લાગતું નથી. વિદ્યા બાલનની અલગ જ ભ્રમણકક્ષા છે, અલગ ઊંચાઈ છે. પોતાની રેસ એ એકલી દોડી રહી છે.
તો પાછળ બચ્યું કોણ? દીપિકા પદુકોણ.

With celebrity sportsman dad, Prakash Padukone

જ્યારે બીજી હિરોઇનો લગ્ન કરી રહી હતી અને સારી-માઠી ફિલ્મો કરીને સફળ-નિષ્ફળ જઈ રહી હતી ત્યારે દીપિકા ચૂપચાપ ધીમે ધીમે પણ મક્કમ રીતે આગળ વધી રહી હતી. ફ્લોપ કે નબળી ફિલ્મો એણેય ઓછી નથી કરી. ( યાદ રાખો 'ચાંદની ચોક ટુ ચાયના', 'દેશી બોયઝ' વગેરે) દીપિકા શ્રેષ્ઠ ફિગર ધરાવતી અને મોટાભાગની ફિલ્મોમાં લગભગ એકસરખી દેખાતી એક ગ્લેમરસ એક્ટ્રેસ હતી. એને ઝાઝી ગંભીરતાથી જોવામાં આવતી નહોતી. અભિનય કે ફિલ્મો કરતાં એ બોયફ્રેન્ડ્ઝને કારણે વધારે ચર્ચામાં રહેતી હતી, પણ એને ઇમ્તિયાઝ અલી અને સૈફ અલી ખાન બરાબર ફળ્યા. પહેલાં 'લવ આજ કલ'માં અને પછી કોકટેલમાં. એમાંય 'કોકટેલ'માં એ દારૂ ઢીંચીને પછી ભાંગી પડે છે તે સીન વળાંકરૂપ સાબિત થયો. એકાએક જાણે ફિલ્મમેકરો અને ઓડિયન્સનું ધ્યાન ગયું કે આ છોકરી કોમ્પ્લેક્સ કેરેક્ટરને બુદ્ધિપૂર્વક આત્મસાત્ કરીને પૂરેપૂરા કન્વિક્શન અને કોન્ફિડન્સ સાથે ભજવી શકે છે. 'કોકટેલ' પછી 'રેસ ટુ' (હિટ) આવી, 'યે જવાની હૈ દીવાની' આવી (સુપરહિટ) અને 'ચેન્નાઈ એક્સપ્રેસ' (સુપરહિટ) આવી. આ તો માત્ર અલ્પવિરામ છે. સંજયલીલા ભણસાલીની 'રામલીલા' અને રજનીકાંત સાથેની સાઉથ ઇન્ડિયન ફિલ્મ તો હજુ આવવાની બાકી જ છે. આ બે પછી શાહરુખ સાથેની ઔર એક ફિલ્મ 'હેપી ન્યૂ યર' આવશે. આ ત્રણેય ફિલ્મો હિટથી સુપરડુપર હિટ સુધીની કોઈ પણ કેટેગરીમાં મુકાઈ શકે એમ છે. ટૂંકમાં, દીપિકાનો સિતારો હજુ એટલિસ્ટ એકાદ વર્ષ સુધી બુલંદી પર ટકી રહેવાનો છે.
Deepika (right) with family

દીપિકા કંઈ માધુરી નથી. એ કાજોલ કે વિદ્યા બાલન પણ નથી. એ મેઇનસ્ટ્રીમ કોર્મિશયલ ફિલ્મો કરી રહેલી સ્ટાર છે, જે ખુદને સ્ટાર-એક્ટ્રેસ તરીકે પ્રસ્થાપિત કરવાની સફળ કોશિશ કરી રહી છે. એ સેલિબ્રિટી સ્પોર્ટ્સમેનની દીકરી છે. એના મગજમાં રાઈ ભરાઈ જાય એવી શક્યતા લગભગ નથી. સંબંધોમાં એ ઓલરેડી ઘણી ભાંગતૂટ જોઈ ચૂકી છે. એટલે અફેરના નામે આંધળુંકિયાં કરે એવી પણ એ નથી. એ હજુ સત્તાવીસ વર્ષની જ છે એટલે ઉંમર એના પક્ષમાં છે. ટૂંકમાં, દીપિકા ઠીક ઠીક સમય સુધી જોરમાં રહી શકે તેમ છે. નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવેલી કન્યાને સટ-સટ-સટ કરતી મેઇન સ્ટ્રીમ બોલિવૂડની ટોચ સુધી પહોંચતી જોવી ગમે છે. 
મોર પાવર ટુ ડિપ્પી.                                                      0 0 0