Showing posts with label William Wyler. Show all posts
Showing posts with label William Wyler. Show all posts

Friday, October 11, 2013

હૉલીવુડ હન્ડ્રેડ : 'બેન-હર’

Mumbai Samachar - Matinee - 11 Oct 2013

હૉલીવુડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો


અય માલિક તેરે બંદે હમ...

ઈશુ ખ્રિસ્તના જમાનાની વાર્તા કરતી ‘બેન-હર’ની ભવ્યતા આજે પણ આંજી નાખે છે. ઉત્તમ ફિલ્મ દરેક ડિપાર્ટમેન્ટમાં ઉત્તમ હોવાની. અગિયાર-અગિયાર ઓસ્કરજીતી લેનારી આ સિનેમાના ઈતિહાસની પહેલી ફિલ્મ છે. બાકીની બે એટલે ‘ટાઈટેનિક’ અને ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિટર્ન ઓફ ધ કિંગ’. 

                                                          


ફિલ્મ-૪૩ - 'બેન-હર'

 
મ તો સર્વકાલિન ક્લાસિક ફિલ્મોની વાત માંડીએ ત્યારે ‘બેન-હર’ને તરત યાદ કરી લેવાની હોય. ‘હોલીવુડ હંડ્રેડ’ સિરીઝની શરૂઆત આપણે ‘બેન-હર’થી નહીં પણ એના ડિરેક્ટર વિલિયમ વાઈલરની ઓર એક ક્લાસિક ‘રોમન હોલીડે’થી કરી હતી. એક જ ડિરેક્ટરની તદ્દન જુદા મિજાજની આ બે અદ્ભુત ફિલ્મો. ‘બેન-હર’ની ચર્ચા આજે કરીએ.

ફિલ્મમાં શું છે?

કથા બહુ જ જૂની, છેક ઈશુ ખ્રિસ્તના જમાનાની છે. જેરૂસલેમમાં જુડાહ બેન-હર (ચાર્લટન હેસ્ટન) નામનો એક ધનાઢ્ય વેપારી રહે છે. રોમન શાસકોનું દમન ખૂબ વધી ગયું હોવાથી ભારેલા અગ્નિ જેવો માહોલ છે. સંભવિત વિદ્રોહીઓ કશુંય કરી શકે તે પહેલાં જ તેમને કચડી નાખવા સમ્રાટ સીઝરે સૈનિકોને છોડી મૂક્યા છે. જુડાહનો નાનપણનો એક દોસ્ત હતો, મેસાલા (સ્ટીફન બોય્ડ). વર્ષો પછી બન્ને મળે તો છે, પણ મેસાલા ઘણો બદલાઈ ચુક્યો છે. એ ક્રૂર, ગણતરીબાજ અને રોમન-તરફી છે. સમ્રાટ સીઝર સામે તે પોતાની વફાદારી પુરવાર કરવા માગે છે. એ જુડાહ પાસેથી છુપા વિદ્રોહીઓ વિશે જાણકારી કઢાવવાની કોશિશ કરે છે, પણ પોતાના માણસો સાથે ગદ્દારી કરે તે જુડાહ નહીં. બન્ને વચ્ચે ઉગ્ર દલીલબાજી થાય છે. દોસ્તી દફન થઈ જાય છે ને બન્ને એકમેકના દુશ્મન બની જાય છે. ક્ષુલ્લક બહાના હેઠળ જુડાહ, તેની બહેન અને માને મેસાલા જેલમાં પૂરી દે છે. જુડાહે હવે આજીવન ગુલામ તરીકે જીવન વિતાવવાનું છે. 



એકવાર રોમન સૈનિકો જુડાહ અને બીજા કેદીઓને સાંકળોથી બાંધીને રણમાંથી પસાર થતા હોય છે. કેદીઓ બિચારા અધમૂઆ થઈ ગયા છે. નાઝરથ નામના ગામડામાંથી પસાર થતી વેળાએ એક દયાળુ છોકરો જુડાહને પાણી પાય છે. એની આંખોમાં કંઈક અજબ ચમક છે. રોમન સૈનિકો નાના છોકરા પર ભડકે છે. છોકરો એમની સાથે જુએ છે ને જાણે ચમત્કાર થાય છે. રોમન સૈનિકો પાછા વળી જાય છે. આવું અગાઉ ક્યારેય નહોતું બન્યું! જુડાહ પોતાનો જીવ બચાવનાર કિશોરને ફરી ફરીને જોતો રહે છે.

વર્ષો વીતે છે ને ઘણું બધું બને છે. કાળનું ચક્કર એવું ફરે છે કે જુડાહ ગુલામીમાંથી મુક્ત થાય છે, એટલું જ નહીં, રોમની ધરતી પર એ પાછો ધનિક અને વગદાર બને છે. એ જોકે કશું જ ભૂલ્યો નથી. મા-બહેન કદાચ મૃત્યુ પામી છે અને હા, નિર્દયી મેસલા પર વેર વાળવાનું હજુ બાકી છે. પ્રતિશોધની આગ દિલમાં ભરીને જુડાહ વતન પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એનો ભેટો એક આરબ શેખ (હ્યુ ગ્રિફિથ) સાથે થાય છે.બન્ને વચ્ચે દોસ્તી થાય છે. શેખને ત્રણ વસ્તુ સમજાય છે. એક, જુડાહ દિલથી પવિત્ર માણસ છે. બીજું, જ્યાં સુધી મેસલા સામે બદલો નહીં વાળે ત્યાં સુધી એને નિરાંત થવાની નથી અને ત્રીજું, એ રથ ચલાવવામાં મહારત ધરાવે છે. શેખ કહે છે: રથદોડની સ્પર્ધા ટૂંક સમયમાં યોજાવાની છે તેમાં મેસલા ભાગ લેવાનો છે. તું પણ સ્પર્ધામાં ઉતર. જુડાહ તૈયાર થઈ જાય છે. 



રથદોડ સ્પર્ધા અતિ મહત્ત્વાકાંક્ષી છે. શ્ર્વાસ અદ્ધર કરી દે તેવી રથદોડ સ્પર્ધા જોવા હજારો લોકો ઊમટી પડે છે. જુડાહના રથ સાથે ચાર સફેદ જાતવાન ઘોડા જોડાયેલા છે, જ્યારે મેસલાનો રથ ચાર કાળા ઘોડા ખેંચી રહ્યા છે. મેસલાના રથનાં પૈડાંની ધરી ભાલા જેવી ધારદાર અણી ધરાવે છે. આ અણીથી બાજુમાંથી ધસમસતા પસાર થઈ રહેલા હરીફના રથનાં પૈડાંના આરા કતરાઈ જાય એટલે એનો રથ ઊથલી પડે એ તો પાક્કું. જુડાહ અને મેસલાના રથ સૌથી આગળ છે. એમની વચ્ચે કેટલીય વાર અથડામણ થાય છે. યેનકેન પ્રકારેણ રેસ જીતી લેવાની વેતરણમાં ઊલટાનો મેસલા જ ગંભીર રીતે ઘવાઈ જાય છે. છેલ્લા શ્ર્વાસ લેતા પહેલાં મેસલા કહે છે: તને એમ છે કે તારી મા અને બહેન મરી ગઈ છે? ના, બન્ને જીવે છે અને રક્તપિત્તથી પીડાઈને મોતની રાહ જોઈ રહી છે. જુડાહ રેસ તો જીતે છે, પણ વિજયનો આનંદ લઈ શકતો નથી. વિષાદમાં ઘેરાઈ ગયેલા જુડાહને શેખ કહે છે: તું મારી સાથે જિસસ ક્રાઈસ્ટનો ઉપદેશ સાંભળવા ચાલ, તારા મનને શાંતિ મળશે, પણ જુડાહને કોઈ વાતમાં રસ નથી. મા અને બહેનને યાદ કરીને એ દુખી થઈ રહ્યો છે. જિસસ ક્રાઈસ્ટ પર ખટલો ચાલી રહ્યો છે. આખું ગામ ત્યાં ગયું છે એટલે જુડાહ પણ જાય છે. ઈશુને ક્રોસ પર લટકાવવાનો આદેશ અપાય છે. વજનદાર ક્રોસને માંડ માંડ ઊંચકીને જઈ રહેલા ઈશુ લથડિયાં ખાતાં ખાતાં આગળ વધતા હોય છે ત્યાં જુડાહ એને ઓળખી કાઢે છે: અરે, તે દિવસે રણમાં મને પાણી પાઈને જીવ બચાવનાર છોકરો આ જ હતો! ભીડમાંથી રસ્તો કરીને એ આગળ વધે છે અને સંતુલન ગુમાવી રહેલા ઈશુને પોતાના ખોળામાં લઈ લે છે, એમને પાણી પાય છે. ઈશુની નિર્મળ દષ્ટિ ફરી એક વાર એમના પર પડે છે. આખરે ક્રોસને વધસ્તંભ પર ચડાવવામાં આવે છે. લોહીલુહાણ ઈશુના શરીરમાંથી ચેતના લુપ્ત થતાં જ આકાશ રંગ બદલે છે, ધરતી ધ્રૂજવા માંડે છે, આકાશમાં વીજળીના કડાકા થાય છે અને એક ઑર ચમત્કાર થાય છે. ગુફામાં છુપાયેલી જુડાહની મા અને બહેનનું રક્તપિત્ત એકાએક અદૃશ્ય થઈ જાય છે. જુડાહ સાથે એમનો ભેટો થાય છે. ઈશુની જ કૃપાને કારણે જ આ બન્યું છે. જુડાહના હૃદયમાં હવે કોઈ ધિક્કારભાવ રહ્યો નથી. આખરે સૌ સારા વાનાં થાય છે. 

કથા પહેલાંની અને પછીની

‘બેન-હર’ ૧૯૨૫માં બનેલી આ જ નામની મૂંગી ફિલ્મની રિમેક છે. લ્યુ વૉલેસ નામના લેખકે છેક ૧૮૮૦માં ‘બેન-હર: અ ટેલ ઓફ ધ ક્રાઈસ્ટ’ નામની નવલકથા લખી હતી. બન્ને ફિલ્મોનો આધાર આ પ૫૦ પાનાંની નોવેલ છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ તે ‘બેન-હર’નું બજેટ ૧૫ મિલિયન ડોલર્સ હતું. ૧૯૬૦ના દાયકામાં આટલી રકમ ખાસ્સી મોટી ગણાય. એમજીએમ સ્ટુડિયો ઓલરેડી ભયંકર આર્થિક ભીંસમાં હતો. છતાંય આટલી ખર્ચાળ ફિલ્મ પ્રોડ્યુસ કરીને સ્ટુડિયોએ રીતસર જુગાર જ ખેલ્યો હતો. સદ્ભાગ્યે જુગાર ફળ્યો. સમજોને કે જુડાહની જેમ ફિલ્મ પર પણ ઈશુ ખ્રિસ્તની કૃપા ઊતરી. ફિલ્મ સુપરડુપર હિટ થઈ. જેટલા ખર્ચ્યા હતા એના કરતાં પાંચ ગણા નાણાં એણે કમાવી આપ્યાં. સ્ટુડિયો તરી ગયો. 



વિલિયમ વાઈલરની ડિરેક્ટર તરીકે એમની પસંદગી થઈ ત્યારે ખાસ્સો ગણગણાટ થયેલો. વાંકદેખાઓનું કહેવું હતું કે આ પ્રકારની ફિલ્મ બનાવી શકે એવો વિલિયમનો મિજાજ છે જ નહીં. બીજાઓ તો ઠીક, ખુદ વિલિયમને પણ શંકા હતી કે પોતે જવાબદારી નિભાવી શકશે કે કેમ. જુડાહનો રોલ પહેલાં પૉલ ન્યુમેનને ઓફર થયેલો, પણ આ પ્રકારની એક માઈથોલોજિકલ ફિલ્મ ઓલરેડી કરી નાખી હતી એટલે એમણે ઓફર ઠુકરાવી દીધી. 

શૂટિંગ રોમના સિનેસિટા સ્ટુડિયોમાં કરવામાં આવ્યું. કુલ નવ મહિના લાગ્યા હતા આખી ફિલ્મને શૂટ કરતા. રથની રેસ માટે ૧૮ એકરની જમીન પર વિરાટ સ્ટેડિયમ જેવો સેટ બનાવવામાં આવેલો. આટલો ભવ્ય સેટ ભૂતકાળમાં ક્યારેય કોઈ ફિલ્મ માટે નહોતો બન્યો. રેસ જોઈ રહેલા પ્રેક્ષકોને દર્શાવવા માટે ૧૫,૦૦૦ જુનિયર કલાકારોનો ઉપયોગ થયો હતો. રેસને માટે ૧૮ રથ બનાવવામાં આવ્યા હતા. રથ-રેસનું ખરેખરું શૂટિંગ સેક્ધડ યુનિટ ડિરેક્ટર એન્ડ્રુ માર્ટન અને મહાન સ્ટંટમેન યાકિમા કેનટે કર્યું હતું. વિલિયમ વાઈલરે માત્ર કેમેરા એંગલ્સ નક્કી કરી આપેલા. તેઓ સુપરવિઝન કરતા. કેમેરામેનની ટીમ ખુલ્લી કારમાં ગોઠવાઈ જતી અને એણે ઘોડાની આગળ રમરમાટ કરવાનું ભાગવાનું હતું. આ ખરેખર ખતરનાક કામ હતું. ઘોડાની ગતિ એટલી જબરદસ્ત હતી કે કાર એની સાથે તાલથી તાલ મિલાવી શકતી નહોતી. જો સલામત અંતર જળવાય નહીં તો અકસ્માત થયો જ સમજો. આ શોટ્સ માટે અલગ ફોકસ ધરાવતા કેમેરાનો ઉપયોગ થયો. રેસમાં જીવ તાળવે ચોંટી જાય એવો એક શોટ છે. તેમાં જુડાહ રથ પરથી રીતસર ઊથલી જાય છે. પછી માંડ માડં લટકતા રહીને એ પાછો રથ પર ચડીને બાજી સંભાળી લે છે. શૂટિંગ વખતે રથ પરથી ઊથલી પડવાનું કોઈ પ્લાનિંગ નહોતું. એ સાચુકલો અકસ્માત હતો! ફૂટેજ જોતી વખતે આ શોટ એટલો બધો અસરકારક લાગ્યો કે પછી જરૂરી ક્લોઝ-અપ વગેરે લઈને તેને સીનમાં વ્યવસ્થિત રીતે વણી લેવામાં આવ્યો. રથ પરથી ઊથલી પડનાર હીરો નહીં, પણ એનો ડુપ્લિકેટ હતો.



ફિલ્મ રિલીઝ થતાં જ તહેલકો મચી ગયો. ઉત્તમ ફિલ્મ દરેક ડિપાર્ટમેન્ટમાં ઉત્તમ હોવાની. આ ફિલ્મ પર ઓસ્કર અને દુનિયાભરના એવોર્ડઝનો વરસાદ વરસ્યો. સિનેમાના ઈતિહાસમાં ૧૧ ઓસ્કર જીતી ચુકેલી ફક્ત ત્રણ જ ફિલ્મો છે. સૌથી પહેલી ‘બેન-હર’, પછી ‘ટાઈટેનિક’ અને છેલ્લે ‘ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિટર્ન ઓફ ધ કિંગ’. યાદ રહે, ‘બેન-હર’ના જમાનામાં ઓસ્કરની આટલી બધી કેટેગરીઓ પણ નહોતી. આ રીતે જોતાં ‘બેન-હર’ની સિદ્ધિ વધારે માતબર ગણાય. ‘બેન-હર’ બાર કેટેગરીમાં નોમિનેટ થયેલી જેમાંથી ફક્ત અડેપ્ટેડ સ્ક્રીનપ્લેની કેટેગરીમાં જ એને ઓસ્કર ન મળ્યો. તે પણ ઘણું કરીને એટલા માટે કે સ્ક્રીનપ્લેના ક્રેડિટના મામલામાં થોડો વિવાદ થઈ ગયેલો. 

સાડાત્રણ કલાકની આ ફિલ્મમાં રથ-રેસની સિકવન્સ નવેક મિનિટ ચાલે છે. આખી ફિલ્મની તે હાઈલાઈટ છે. યુ-ટ્યુબ પર તે ઉપલબ્ધ છે. તે જોશો એટલે આખેઆખી ફિલ્મ જોયા વગર તમે રહી નહીં શકો. 

‘બેન-હર’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્શન : વિલિયમ વાઈલર

મૂળ નવલકથાકાર : લ્યુ વૉલેસ 

કલાકાર : ચાર્લટન હેસ્ટન, સ્ટીફન બોય્ડ, હ્યુ ગ્રિફિથ, જેક હોક્ધિસ 

રિલીઝ ડેટ : ૧૮ નવેમ્બર ૧૯૫૯

મહત્ત્વના એવોર્ડઝ : બેસ્ટ એક્ટર ઈન લીડીંગ રોલ (ચાર્લટન હેસ્ટન), બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (હ્યુ ગ્રિફિથ), ડિરેક્ટર (વિલિયમ વાઈલર), સિનેમેટોગ્રાફી, કોસ્ચ્યુમ ડિઝાઈન, આર્ટ ડિરેક્શન- સેટ ડેકોરેશન, સ્પેશિયલ ઈફેક્ટ્સ, એડિટિંગ, મ્યુઝિક, પિક્ચર અને સાઉન્ડના કુલ ૧૧ ઓસ્કર એવોર્ડ્ઝ.                                        000