ચિત્રલેખા - અંક તા. જાન્યુઆરી ૨૦૧૩
કોલમ: વાંચવા જેવું
દિલ્હીમાં એક યુવતી પર ચાલુ બસે રુંવાટા ખડા થઈ જાય
એવો ભયાનક સામૂહિક બળાત્કાર થયો અને દેશની જનતા, ખાસ કરીને
જુવાનિયાઓ, ગુસ્સાથી પાગલ થઈ ગયા. ચારે
તરફથી બુમરાણ મચ્યું: ગુનેગારોને તાત્કાલિક કડકમાં કડક સજા કરો,
એમની ખસી કરી નાખો, જાહેરમાં ફાંસીએ ચડાવો...
સરકાર કેમ ઠંડી થઈને બેઠી છે? આટલો વિલંબ શા માટે
થાય છે? તકલીફ એ છે કે આપણી ક્ષતિપૂર્ણ ન્યાયપ્રક્રિયાના પ્રતાપે
આ મામલો ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં જાય તો પણ ચુકાદો આવતા અને સજાનો
અમલ થતાં થોડોઘણો વિલંબ તો થવાનો જ. હા, જો કાંગારુ કોર્ટ હોત તો વાત જુદી હતી. કાંગારુ કોર્ટમાં
તો એક ઘા ને બે કટકા જેવો ત્વરિત ન્યાય થાય. આ કાંગારુ કોર્ટ
છે શું, બાય ધ વે? આ પ્રશ્નનો ઉત્તર આજનાં
પુસ્તક ‘શબદ
કીર્તન’માં
વાંચવા જેવો છે.
ગુનેગારોને બચાવનો પૂરો મોકો આપ્યા વિના અવિધિસરની કોર્ટ
ફટાફટ ન્યાય તોળી નાખે અને સજાનો અમલ પણ કરી નાખે એને ‘કાંગારુ
જસ્ટિસ’ કહે છે. આવી કોર્ટને ‘કાંગારુ
કોર્ટ’ કહે છે. કાંગારુ ચાલે નહીં, એ કૂદકા
જ મારે. સર્વપ્રથમ ૧૮૫૩માં ફિલિપ ટેક્સટન નામના લેખકના લેખસંગ્રહમાં
‘કાંગારુ
કોર્ટ’ શબ્દનો પ્રયોગ થયો હતો. કેટલો મજાનો શબ્દપ્રયોગ.
ભાષા વહેતી રહેવી જોઈએ. નદીની જેમ. જો એ બંધિયાર બને તો એમાં લીલ બાઝી જાય,
પાણી ગંધાઈ ઉઠે. અંગ્રેજી આજે વિશ્વભાષા બની છે
એનું એક મોટું કારણ એની લચક અને ફ્લેક્સિબિલિટી પણ છે. સતત પરિવર્તન
પામતા સામાજિક-રાજકીય-સાંસ્કૃતિક માહોલ
પ્રમાણે અંગ્રેજી ભાષા નવાનવા શબ્દો અને શબ્દપ્રયોગો પેદા કરી લે છે. એ પ્રચલિત બનતા જાય છે અને ક્રમશ: શબ્દકોષમાં સ્થાન પણ
મેળવી લે છે. અંગ્રેજી એ રીતે સતત જીવતી અને વિસ્તરતી ભાષા છે.
આ પુસ્તકમાં ‘કાંગારુ કોર્ટ’ જેવા ૪૬ શબ્દપ્રયોગો એની આખેઆખી જન્મકુંડળી ઉપરાંત કેટલાંય ‘એક્સ્ટ્રા
ફીચર્સ’ સહિત જલસો પડી જાય એ રીતે સમજાવવામાં આવ્યા છે.
એક પ્રયોગ છે, ‘હેલિકોપ્ટર
પેરેન્ટ્સ’. વધુ પડતાં ચિંતાખોર વાલીઓ પોતાનાં સંતાનની એકેએક હિલચાલ પર હેલિકોપ્ટરની જેમ
માથે ને માથે ચકરાવા લેતાં રહેતાં હોય છે. એકવીસમી સદીનાં આવાં
મા-બાપને ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’ કહે છે. ડો. હૈમ ગિનોટે નામના મનોચિકિત્સકે
૧૯૬૯માં ‘બિટવીન
પેરેન્ટ્સ એન્ડ ટીનેજર’ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં એક ટીનેજરની
ફરિયાદ ક્વોટ કરવામાં આવી હતી કે, ‘માય મોમ ઈઝ હોવરિંગ લાઈક હેલિકોપ્ટર!’ સંભવત: ‘હેલિકોપ્ટર પેરેન્ટ્સ’ શબ્દપ્રયોગનાં મૂળિયાં અહીં નખાયાં છે.
ડેન્માર્ક-સ્વીડન જેવા ઠંડા
દેશોમાં ‘કર્લિંગ
પેરેન્ટ્સ’ નામનો પ્રયોગ થાય છે. કર્લિંગ એટલે શિયાળામાં બરફાચ્છાદિત
ભૂમિ પર મોટા પથ્થરને એક જગ્યાએ બીજી જગ્યાએ સરકાવવાની રમત. સફાઈ
કામદારો રમત શરુ થાય એ પહેલાં બર્ફીલા રસ્તામાંથી નાના નાના પથ્થર વીણી લે છે કે જેથી
મુખ્ય મોટા પથ્થરની ગતિમાં અવરોધ ઊભો ન થાય. સંતાનના રસ્તામાંથી
સતત કાંટા-કંકર હટાવ્યાં કરતાં મા-બાપને
‘કર્લિંગ
પેરેન્ટ્સ’ કહે છે! ‘લૉન મોવર પેરેન્ટ્સ’ શબ્દપ્રયોગ પણ આ
જ અર્થમાં થાય છે. આ પ્રયોગોનો વિરુદ્ધાર્થી પ્રયોગ છે,
‘સ્લો
પેરેન્ટ્સ’. યાદ રહે, ‘સ્લો પેરેન્ટ્સ’ એટલે સંતાનને સાવ છટ્ટા મૂકી
દેતાં બેદરકાર મમ્મીપપ્પાઓ નહીં, પણ દરેક કાર્ય યોગ્ય ગતિ તેમજ
મોકળાશથી કરવા દેતાં પ્રેમાળ-સમજદાર વાલી.
પશ્ચિમમાં આજકાલ ઊલટી ગંગા વહેવા લાગી છે. પુખ્ત થતાંની સાથે જ ઘર છોડીને સ્વતંત્ર જીવન જીવવાનું શરુ કરી દેતાં સંતાનો
કેટલાંક વર્ષો પછી પાછાં મા-બાપ સાથે રહેવા લાગે છે. લેખકના શબ્દોમાં જ કહીએ તો, લાઈફ બનાવવા નીકળેલા જુવાનિયા
ઘણી વાર વાઈફ સોતા પાછા ફરે છે. ક્યારેક તો ચિલ્ડ્રન પણ સાથે
હોય! મંદી અને બેકારીના આ માહોલમાં એક આખેઆખી પેઢી માટે સ્વતંત્ર
જીવવાનું દુષ્કર બનતું જાય છે. પિતૃગૃહે પરત ફરતી આ પેઢીને ‘બૂમરેન્ગ
જનરેશન’ નામ આપવામાં આવ્યું છે. બૂમરેન્ગ એટલે ૨૦થી ૩૦ ઈંચ લાંબી
કાટખૂણે વળેલી પટ્ટી જેવું હથિયાર, જેને ચોક્કસ રીતે ફેંકવામાં
આવે તો હવામાં ચક્રાકાર ગતિ કરીને પાછું ફેંકનારના હાથમાં પહોંચી જાય છે. સામાન્યપણે બૂમરેન્ગ થતા આ જુવાનિયા વીસથી ત્રીસ વર્ષના હોય છે. એનાથી મોટા પણ હોઈ શકે. લેખકે કોમેડિયન બિલ કોસ્બીનું
સરસ ક્વોટ ટાંક્યું છે:
‘સમગ્ર પૃથ્વી
પર માણસ એક જ એવું પ્રાણી છે કે જે પોતાનાં પુખ્ત સંતાનોને ઘરે પાછાં ફરવાની છૂટ આપે
છે!’
મોબાઈલ અને ઈન્ટરનેટ આધુનિક જમાનાની સંભવત: સૌથી પોપ્યુલર વસ્તુઓ છે. આપણી લાઈફસ્ટાઈલ સાથે એ એટલી
હદે વણાઈ ગઈ છે કે એને લઈને કેટલાય નવા નવા શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષામાં ઉમેરાઈ ગયા
છે. જેમ કે, ‘બટલર લાઈ’. મોબાઈલ પર કોઈને ટાળવા હોય તો ‘શું કહ્યું? સંભળાતું નથી... વાત કપાય છે...ટાવર મળતો નથી...કોઈનો ફોન આવી રહ્યો લાગે છે...
હેલો હેલો હેલો’ કહીને ફોન ડિસકનેક્ટ કરી નાખવો
એ બહુ કોમન ચેષ્ટા છે. મોબાઈલ પર જૂઠ બોલવાની કળાને ‘બટલર લાઈ’ કહે છે. આ શબ્દપ્રયોગની વ્યુત્ત્પત્તિ પણ ઈન્ટેસ્ટિંગ
છે. અમીર લોકો પાસે નોકરચાકરોની આખી ફોજ હોય છે, જેમાં કિચન અને મદિરાલય (ઘર-બાર)
સંભાળતા સિનિયર નોકરને ‘બટલર’ કહે છે. કોઈપણ મુલાકાતી ઘરે આવે તો એ માલિક કે માલિકણને
સીધા ન મળી શકે. પહેલાં બટલર એને મળે, એનાં
નામ-ઠામ જાણે અને માલિકને માહિતી આપે. જો
માણસ મળવા જેવો ન હોય તો બટલર બહાર જઈ, નમ્રતાપૂર્વક જૂઠું બોલી
પેલાને રવાના કરી દે. બસ, આના પરથી શબ્દપ્રયોગ
બન્યો, ‘બટલર
લાઈ’!
કેટકેટલા શબ્દપ્રયોગો. સાયબર-વિડો, વીચ-હન્ટ, ચેક-બૂક જર્નલિઝમ,
કોકટેલ, વાયરસ માર્કેટિંગ, સ્લટ, ફ્લેશમોબ, બનાના રિપબ્લિક...
લેખક પરેશ વ્યાસ શબ્દપ્રેમી છે. સતર્ક પત્રકારની
જેમ એ ચર્ચામાં રહેતા શબ્દપ્રયોગને ઝીલી લે છે, એની સાથે રોમાન્સ
કરે છે અને પછી વાચક સાથે પોતાની મજા share કરતા જાય છે. ‘દિવ્ય ભાસ્કર’માં છપાયેલા
લેખોે આ રુપકડાં પુસ્તકમાં બેઠા છપાયા નથી, બલકે એમને સંવર્ધિત
સ્વરુપ આપવામાં આવ્યું છે. ફન-ફેક્ટ્સ પુસ્તકને
ઓર રોચક બન્યું છે. નિ:શંકપણે વાંચવા જેવું
પુસ્તક. ૦ ૦ ૦
શબદ કીર્તન
લેખક: પરેશ વ્યાસ
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન, રાજકોટ - ૧
વિક્રેતા: બુકમાર્ક, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
કિંમત: ૧૫૦ /
પૃષ્ઠ: ૧૯૦