Showing posts with label પ્રાર્થના. Show all posts
Showing posts with label પ્રાર્થના. Show all posts

Wednesday, April 24, 2019

માગો એટલે મળશે, શોધો એટલે જડશે


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 24 એપ્રિલ 2019
ટેક ઓફ 
ઈશ્વર સાથે થતી વાતચીત એ સંભવતઃ કમ્યુનિકેશનનું સુંદરતમ સ્વરૂપ છે. ઈશ્વર પાસે શું માગવું ને શું ન માગવું એ શી રીતે નક્કી થાય?  


પ્રાર્થના વિશે વાત કરવા માટે કંઈ નિમિત્ત જોઈએ? કોઈ ધાર્મિક તહેવાર કે નવું વર્ષ કે જન્મદિન જેવું કશું હોય તો જ પ્રાર્થના વિશે વાત કરી શકાય એવું કોણે કહ્યું? આપણે આપણા સર્જનહાર સાથે સતત જોડાયેલાં હોઈએ છીએ અને પ્રાર્થના આ સંધાનને એક વિશિષ્ટ સમતલ પર મૂકી આપવાનું કામ કરે છે. પ્રાર્થના ઈશ્વર સાથે સભાનપણે થતું કોમ્યુનિકેશન છે, જે ગમે ત્યાં થઈ શકે છે, ગમે ત્યારે થઈ શકે છે, કામ કરતાં કરતાં, ડ્રાઇવ કરતાં કરતાં, સૂઈને, બેસીને, ચાલતાં ચાલતાં, એકાંતમાં, મંદિરમાં, સમૂહમાં...
પ્રારંભ રવીન્દ્રનાથ ટાગોરની ઓલ-ટાઇમ-ક્લાસિક પ્રાર્થનાથી કરીએ. જેટલી વાર આ પ્રાર્થના વાંચીએ ત્યારે દર વખતે ચિત્તમાં નવા દીવડા પ્રગટી ઉઠે છે. સાંભળો :
'પ્રભુ ! વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઇચ્છું છું. દુઃખતાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાંત્વના ના આપ પણ દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે પણ પોતાનું બળ ન તૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાંમાત્ર વંચના મેળવવા છતાંપોતાનાં મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથીહું તરી શકું એટલી શક્તિ રહે એમ ઇચ્છું છું. ભલે મારો ભાર હળવો કરીને સાંત્વના ન આપે પણ હું એ વેંઢારી શકું એમ ઇચ્છું છું. નમ્ર મસ્તકેસુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ-દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે ત્યારે તારા પર સંશય ન કરું તેમ ઇચ્છું છું...'
પરમ પિતા પાસે સાચા દિલથી કશુંક માગીએ ને એ ન મળે એવું બને ખરું ? ન બને. ખુદ ઈશુ ખ્રિસ્તના શબ્દો છે કે-
'માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલશે, કારણ, જે માગે છે તેને મળે છે, જે શોધે તેને જડે છે, જે ખખડાવે તેને માટે બારણાં ખૂલે છે. તમારામાં એવો કોણ છે, જે પુત્ર રોટી માગે તો પથ્થર આપેતમે ખરાબ હોવા છતાં તમારાં બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છોતો પરમ પિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ જ આપે એમાં શંકા શીતમે સાંકડા દરવાજેથી દાખલ થજો, કારણ કે વિનાશ તરફ જતો માર્ગ પહોળો છેતેનો દરવાજો મોટો છે અને ત્યાં જનારા ઘણા છે પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે, તેનો દરવાજો નાનો છે અને તેને શોધી કાઢનારા ઓછા છે.'
કવિ સુરેશ દલાલે 'મારી પ્રાર્થનાનું વિશ્વનામનું આખું પુસ્તક તૈયાર કર્યું છે, તો  ઈશા-કુન્દનિકાએ 'ઝરૂખે દીવા' નામનો અદભુત સંગ્રહ સંપાદિત કર્યો છે. એમાં મન-હૃદય-વિષાદથી છલકાતાં હોય ત્યારે આખા માંહ્યલાની બેટરી તરત ચાર્જ કરી નાખે એવી પ્રાર્થનાઓ પણ છે. ઉદાહરણ તરીકેહજરત ઈનાયતખાંએ અંતરાત્માને ઉદ્દેશીને કરેલી આ બંદગી. અંતરાત્મા એટલે આપણી ભીતર વસેલા ભગવાનનો અવાજઆપણાં ચારિત્ર્ય માટેનું દિશાસૂચક યંત્ર. ઈનાયતખાં કહે છે કે-
અંતરાત્મા !
તું સમૃદ્ધ દશામાં હો કે દુર્દશામાંતારા સિદ્ધાંતોને જાળવી રાખજે. જીવનની કસોટીઓ અને પરીક્ષાઓમાં તારી શ્રદ્ધા દઢ રાખજે. મિત્રોની ગોપન વાતોને પવિત્ર વિશ્વાસની જેમ સાચવજે. પ્રેમમાં સ્થાયી ભાવ રાખજે. ગમે તેવી આફત આવી પડેવચનભંગ કરીશ નહીં. જીવનની સઘળી પરિસ્થિતિમાંદુનિયાને હાસ્યોથી નવાજજે. તારી પાસે કંઈક હોય ત્યારેજેની પાસે એ નથી તેનો વિચાર કરજે. ગમે તે ભોગે તારું ગૌરવ જાળવજે. બધા જ સંજોગોમાં તારા આદર્શની મશાલ ઊંચી રાખજે. તારા પર જેઓ આધાર રાખે છે તેમની અવગણના કરીશ નહીં.
અંતરાત્મા !
પ્રત્યેક વ્યક્તિની ભાવનાનું માન રાખજે. તારો સમોવડિયો ન હોય તેને પડકાર ફેંકીશ નહીં. તારી ઉદારતાનો દેખાડો કરીશ નહીં. જેઓ આપી શકે તેમ ન હોય તેમની મહેરબાની યાચીશ નહીં. તારી ઊણપોને તારા આત્મગૌરવની ધારથી વીંધજે. વિપત્તિમાં તારા ચિત્તને દીનહીન બનવા દઈશ નહીં.
મારા અંતરાત્મા !
ખોટા દાવાઓ કરીશ નહીં. બીજાઓની ગેરહાજરીમાં તેમની વિરુદ્ધ બોલીશ નહીં. કોઈનાં અજ્ઞાાનનો લાભ લઈશ નહીં. તારાં સારાં કામોની બડાઈ હાંકીશ નહીં. બીજાનું હોય તેના પર હક નોંધીશ નહીં. બીજાઓને ઠપકો આપીને તેની ભૂલો વધુ દૃઢ કરીશ નહીં. જે કામ પૂરું કરવાનું હોય તે કરવામાં સહેજ પણ કસર રાખીશ નહીં. કોઈને ખાડામાં ઉતારીને તારો લાભ શોધીશ નહીં. તારા ફાયદા માટે કોઈને નુકસાન પહોંચાડીશ નહીં.'

ખરેખરઆપણું સદવર્તન એ જ આપણી પ્રાર્થના છે. મંદિરમાં મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહી જવાથી કે ટીલાં-ટપકાં કરવાથી ઈશ્વર સાથે સંવાદ થતો નથી. પ્રાર્થના એક સક્રિય સ્થિતિ છે. સત્ય એક વિરાટ શબ્દ છે જે કેટલીય સંકલ્પનાઓને પોતાનામાં સમાવી લે છેતેથી જ હેનરી ડેવિડ થોરો પ્રભુને કહે છે કેહે ઈશ્વરતું મને પૈસા આપે તે કરતાં, પ્રતિષ્ઠા આપે તે કરતાંપ્રેમ આપે તે કરતાં, સત્ય આપ !
આપણને ક્યારેક થાય કે ભગવાન પાસે માગી માગીને શું માગીએ પણ ફાધર લેસરની માગણીઓ બહુ જ સ્પષ્ટ છેકહે છે :
'ઓ ઈશ્વર !
મને સદા મુક્ત રાખજે... અભિમાન અને વધારે પડતી આત્મસભાનતાથીબીજાઓ મારા મોટી કિંમત આંકે એવી લાલસાથી, બીજાઓ મને ચાહે એવા મોહથી.
મને બચાવજે... બીજાઓ મને શોધતા આવે એવી વૃત્તિથી, બીજાઓ મારું બહુમાન કરે એવી ઇચ્છાથીબીજાઓ મારાં વખાણ કરે એવી ઝંખનાથી.
મને સદાય બચાવજે... બીજાઓ કરતાં મને વધારે પસંદગી આપવામાં આવે એવી ઇચ્છાથીબીજાઓ મારી સલાહ પૂછે એવા મોહથી.

ઈશ્વર પાસે માગવામાં વળી શરમ શાની. આ મામલામાં કન્હનગઢના માતા કૃષ્ણાબાઈનો સ્પિરિટ ગજબનો છે. શી રીતેઆનંદનો મહાસાગર ઉછાળતી એમની પ્રાર્થનામાં તેનો જવાબ છે :
'હે ભગવાન,
તારી સાથે વાત કરવાની મજા, તારી સાથે ચૂપ રહેવાની મજા.
આંખ ખુલ્લી રાખું તો આનંદ, આંખ બંધ રાખું તો પણ આનંદ.
તું કાંઈ આપે તેમાં આનંદ, તું કાંઈ ન આપે તેથી પણ આનંદ.
તારી પાસેથી માગવાની મજા, તારી પાસેથી મેળવવાની મજા.
તારી પાસેથી કાંઈ ન મળે તો પણ આનંદ. તારી અંદર આનંદ. તારી બહાર આનંદ...
ઈશ્વર પાસે શું માગવું અને શું ન માગવું એ નક્કી કરવા માટે વિવેકબુદ્ધિ વાપરવી પડે.  આ વાત નીચેની પ્રાર્થનામાં સરસ રીતે વ્યક્ત થઈ છેઃ
ભગવાન! હું એમ નથી માગતો કે
મારો રસ્તો સરળ બને, મારાં કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને, તો એ સફળતા મને કૃતજ્ઞ બનાવે
અને એમ ન બને, તો એ નિષ્ફળતા મને નમ્ર બનાવે
એ હું માગું છું.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચડું
દરેક પગલે હું થોડોક વધુ તમારી નિકટ આવું
રોજ રોજ, કોઈક સત્કર્મથી મારા હ્રદયમાં રહેલા તમને વ્યક્ત કરું
દુનિયાને મારા થકી થોડી વધુ સુંદર બનાવું
દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ બન્યું છે એમ કહી શકું
એ હું માગું છું.
એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ જીવનમાં ઉમેરાય છે
એ મને યાદ આવે છે કે સમય કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મુલ્યવાન છે, અંત ક્યારે આવશે તેની ખબર નથી
આવતી કાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરું
દરેક દિવસે મારો નવો જન્મ થાય છે તેમ માનું
અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઉજળી રાખીને તમને ધરી દેવા તત્પર રહું
આજે, મારા જન્મદિવસે, ભગવાન!
એ હું તમારી પાસે માગું છું.
0 0 0