Showing posts with label Kavi Meenpiyasi. Show all posts
Showing posts with label Kavi Meenpiyasi. Show all posts

Wednesday, July 20, 2016

ટેક ઓફ : હું અલબેલો અલગારી.,,

Sandesh - Ardh Saptahik Purti - 20 July 2016
ટેક ઓફ  
આપણે દાયકાઓથી ક્બૂતરોના ઘૂ-ઘૂ-ઘૂમાં એટલા બધા રમમાણ રહ્યા કે મીનપિયાસીની અન્ય રચનાઓને જાણવા-માણવાની તસદી લેવાનું જ ભુલી ગયા. સુરેન્દ્રનગર પાસે આવેલાં તેમના વતન ચુડાના કોઈ રસ્તા કે ચોક કે જાહેર ઈમારતને શા માટે હજુ સુધી મીનપિયાસીનું નામ અપાયું નથી?


સ્વર્ગસ્થ દિનકરરાય કેશવલાલ વૈદ્યનું નામ ક્દાચ આપણાં આંખ-કાનને અપરિચિત લાગી શકે, પણ મીનપિયાસીને આખું ગુજરાત ઓળખે છે. 'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ, કોયલ કૂજે કૂ કૂ કૂ... પરમેશ્વર તો પહેલું પૂછશે કોઈનું સુખદુખ પૂછ્યું'તું?... દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું'તું?... ગેંગેંફેંફેં કરતા ક્હેશો હેં-હેં-હેં-હેં શું? શું? શું?...ક્બૂતરોનું ઘૂ-ઘૂ ઘૂ...' - મીનપિયાસીએ રચેલું આ અમર કાવ્ય ગુજરાતી પ્રજાને ખૂબ વહાલું છે. તક્લીફ એ થઈ છે કે આપણે ક્બૂતરોના ઘૂઘવાટા પાસે અટકી ગયા છીએ. મીનપિયાસીએ આ સિવાય પણ બીજાં કેટલાંય ઉત્તમ કવ્યો સર્જ્યાં છે, પણ આપણે દાયકાઓથી ક્બૂતરોના ઘૂ-ઘૂ-ઘૂમાં એટલા બધા રમમાણ રહ્યા કે કવિની અન્ય રચનાઓને જાણવા-માણવાની તસદી લેવાનું જ ભુલી ગયા. ગયા અઠવાડિયે આપણે મીનપિયાસીની અંગત ડાયરીનાં સંવેદનશીલ પાનાં ખોલ્યા હતાં.  આજે મીનપિયાસીનાં હાંસિયામાં ધકેલાઈ ગયેલાં કેટલાંક અન્ય માતબર કવ્યોને સેન્ટર-સ્ટેજ પણ લાવવાં છે.  
મીનપિયાસી (જન્મઃ ૧૯૧૦, મૃત્યુઃ ૨૦૦૦) અલગારી માણસ હતા. ખૂબ સરળ, સહજ અને કોઈ પણ પ્રકારના ભાર વગરના. તેઓ ખુદ પોતાનાં વ્યક્તિત્ત્વને આ રીતે શબ્દોમાં બાંધે છેઃ   
હું અલબેલો અલગારી.
ક્દી લૂગડાં લઘરવઘરને ક્દી ફરું શણગારી.
હું એક્લો અલગારી.
ક્દીક નાચું નગરજનોમાં, ક્દીક રાચું રણમાં,
ક્દી હસું છું હજારો વચ્ચે, ક્દી રડું છું વનમાં,
મને જનતામાં નિર્જનતા લાગે, વગડે વસ્તી મારી.
                                     હું એક્લો અલગારી....
દુખ મને બહુ દાંત ક્ઢાવે, સુખમાં રડી પડું છું,
દિનભર હું સૂતો સપનામાં, રાત પડે રઝળું છું,
શરણાઈઓના સૂર વિનાની ચડે શેરીઓ સ્વારી.
                                         હું અલબેલો અલગારી....
દિલનાં ઢોલક ધડૂક્તાં તો દુનિયા ડોલે સારી,
ખુદા ક્હેઃ જા ખુદાબખ્સ છે, ખલક બધી આ તારી,
કેડા જેવી કિંમત તો યે અલ્લાની છે યારી.
                                         હું એક્લો અલગારી....
મોટા માને મૂરખ મુજને, બધા ગણે છે બાઘો,
શંખ ગણે છે શાણા, તેથી રહું હંમેશાં આઘો,
(પણ) શબ્દનાદથી વિશ્વ ગજાવે વિષ્ણુ કરમાં ઘારી.
                                        હું અલબેલો અલગારી...
સુખમાં રડી પડતા ને વેદનાની માયાજાળને પારખીને હસી પડતા કવિને ભીડમાં એક્લતા લાગે છે. એમનો ર્ક્મ્ફ્ટ ઝોન તો વગડો યા તો કુદરત છે. લોકો પોતાને મૂરખ કે બાઘો ગણે તો ય કવિને કયાં ક્શી પરવા છે. તેઓ તો પોતાનાં સપનાંની દુનિયામાં રમમાણ છે. તેઓ અહીંના સમ્રાટ છે અને ક્લ્પના એમની રાણી. તેથી જ તેઓ લખે છે કે-  
હું સ્વપન-ભોમનો રાજા, મધુર ક્લ્પનારાણી મારી
ખોલી દિલ-દરવાજા ક્હેઃ આ જા, પ્રીતમ! આ જા!
                                       હું સ્વપન-ભોમનો રાજા.
રજક્ણમાં નિત રમતી મારી અલકપુરી આખી,
શિશિર સંગ હું સ્નેહ ક્રું ને લૂ-ગમતી વૈશાખી,
વસંત ને વર્ષોની હૂંફે તનમન રાખું તાજાં.
                                           હું સ્વપન-ભોમનો રાજા...
અનંતના પગથારે ઠેકી ઊડું જઈ અવકાશે,
અંધારાને ઉપાડતો હું પહોંચું પ્રકાશ પાસે,
બ્રહ્માંડોના અવકાશો ક્હેઃ આ જા, અહીં સમા જા.
                                           હું સ્વપન-ભોમનો રાજા....
ક્લ્પના કીકી ખોલે છે ભેદ સક્ળ સૃષ્ટિના,
નયનો એનાં નાચ નચાવે નિત્ય નવી દષ્ટિના,
અંતર રાખે સાવ ઉઘાડું મૂકી સર્વમલાજા.
                                         હું સ્વપન-ભોમનો રાજા... 
મીનપિયાસીએ બે કાવ્યસંગ્રહો આપ્યાં - 'વર્ષાજલ' (૧૯૬૬) તથા 'ગુલછડી અને જુઈ' (૧૯૮૬). પક્ષીવિદ્ અને ખગોળવિદ્ તરીકે પણ ખ્યાતિ પામેલા મીનપિયાસી અઠંગ પ્રકૃતિપ્રેમી હોવાથી એમનાં બન્ને સંગ્રહોમાં કુદરતની જુદી જુદી છટાઓના સંદર્ભો સતત આવતા રહે છે. તેમની પાસે એવી ક્માલની સૌંદર્યદષ્ટિ છે કે તેઓ બાવળમાં પણ સુંદરતા જોઈ શકે છે. સાંભળોઃ
રે, બાવળ બહુમૂલ!
કોઈની નજર ફૂલ ચડે ના, સહુ દેખે કં શૂળ?
                            રે, બાવળ બહુમૂલ!
પાન પાન પર પીળાં પીળાં ઝૂમખાં ને ઝૂમખાં ડોલે,
ડાળ ડાળ પર છાલ છલક્તી શ્યામલ છાયાની છોળે,
'આવો, આવો' ક્હી બોલાવે વણબોલ્યાં બેમૂલ.
                                                               રે, બાવળ બહુમૂલ!
બાવળના કંટાને ધરાર જોવા ન માગતા કવિનાં મનમાં પાણીનું માટલું જોઈને કેવાં ક્લ્પનો ટ્રિગર થાય છે? જુઓ-
પાણીનો આ ગોળો. 

સાવ ભલો અને ભોળો!
જ્યાં બેસાડો ત્યાં બેસી રહે - જાણે માનો ખોળો!

પાણી પોચો ખૂબ ટિચાયો, જીવન ચાકે ઘાટ ઘડાયો,
ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકયો,
પાકેલો એ આપવીતીના અનુભવે છે બહોળો,
પાણીનો આ ગોળો...
પાણીનો ગોળો ને માનો ખોળો! ગોળાનું પાણી અંતરને એટલી ટાઢક આપે છે જેટલી નાનપણમાં માના ખોળામાં લપાઈ જવાથી મળતી હતી. કેટલી અદભૂત ક્લ્પના. આ કવિતા  વાંચ્યા પછી માટીના ગોળાને જોવાની આપણી દષ્ટિ હંમેશ માટે બદલાઈ જવાની તે વાતની ગેરંટી!
અભિવ્યકિતની સાદગી એ મીનપિયાસીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. એમને અઘરા અઘરા શબ્દોની પટ્ટાબાજી કરવામાં કે વાચક્ને ગૂંચવી નાખે એવા રુપકોના ઠઠારા કરવામાં રસ નથી. કવિતાકર્મમાં પ્રયોગખોરીથી તેઓ જોજનો દૂર રહ્યા છે. 'વર્ષાજલ' કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં રામપ્રસાદ બક્ષીએ યોગ્ય જ લખ્યું છે કે, 'મીનપિયાસી આધુનિક્તાને અભિમુખ થયા નથી, થવા ઈચ્છતા નથી, થવામાં સાર છે કે નહીં એ વિશે (તેઓ) સાશંક છે.' ભરપૂર સાદગીની સાથે સાથે ગહનતા હોવી અને પાછું મર્મવેધી હોવું - આ ડેડલી કેમ્બિનેશન મીનપિયાસીની કવિતાઓમાં સહજપણે હાજરી વર્તાવતી રહે છે. આ કાવ્યોમાં આબાલવૃદ્ધ સૌને અપીલ કરી શક્વાનું કૌવત છે તેનું કારણ આ જ.  
૪૬ વર્ષની વયે મીનપિયાસી વિધુર થઈ ગયા હતા. પ્રેમાળ પત્ની મનોરમાની ક્વેળાની વિદાય એમનાં જીવનની એક ડિફાઈનિંગ મોમેન્ટ બની રહી. પત્નીની સ્મૃતિમાં એમણે એક બહુ જ હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું છે -  
અવ કોઈ મને ન ટોકે.
જતાં આવતાં આંખ-ઈશારે કોઈ મને ના રોકે.
અવ કોઈ મને ના ટોકે!
હતું પારકું પોતાનું થઈ જીવ્યું'તું સંગાથે,
એ જ જીવનને દીધું જલાવી મેં આ મારા હાથે,
ચિતા સમું આ ચિત્ત હંમેશાં ભડભડ બળતું શોકે.
                                         અવ કોઈ મને ના ટોકે!
'કયાં બેઠા છો? શું જમવું છે? કેમ સુતા છો વારુ?
ઉદાસ છો કાં? કે થાકયા છો?' કોઈ નહીં પૂછનારું!
સ્મરણ-મોતી શાં અશ્રુ આજે સરતાં થોકે થોકે.
                                      અવ કોઈ મને ના ટોકે!
'રહો, કેમ આમેલું? લાવો આ ફાટયું સાંધી દઉં,
મૂકે નિરાશા પડતી, આવો આશામાં બાંધી લઉં,'
એમ પૂછતી હસતી કોઈની આંખો નવ અવલોકે.
                                  અવ કોઈ મને ના ટોકે!
નથી ધબક્તું હૈયું કોઈનું મુજ પદરવના તાલે,
નથી ઊપડતાં મુજ દર્શનથી ખંજન કોઈના ગાલે,
નથી જતું મન મારું કોઈના હૈયા ઝૂલે ઝોકે.
                               અવ કોઈ મને ના ટોકે!
પત્નીના નિધન પછી કોઈ રોક્વા-ટોક્વા નથી તો કોઈ પ્રેમ કરવાવાળું પણ નથી. હું ઘરમાં પ્રવેશતો તો મારાં પગલાંનો અવાજ સાંભળીને એ આનંદિત થઈ જતી. મને જોતાં જ એનો ચહેરો હસી ઉઠતો. એ સ્ત્ર્રી જે લગ્ન પહેલાં પારકી હતી, તે ચાર ફેરા ફરતાં જ પોતાની બની ગઈ ને મૃત્યુ પામી ત્યાં સુધી સુખ આપતી રહી. આ જ સ્ત્ર્રીનાં અચેતન શરીરને મારે ચિતા પર જલાવી દેવી પડી... આ કવિતા વાંચીને મીનપિયાસીના સાહિત્યકાર મિત્ર દિલીપ રાણપુરાનાં પત્ની સવિતા રડી પડયાં હતાં. મીનપિયાસી ઘરે આવ્યા ત્યારે એમણે ક્હેલું, 'શું તમેય તે, મને ખૂબ રડાવી. આવું તે લખાતું હશે.' મીનપિયાસીએ જવાબ આપેલો, 'એક્લવાયા પુરુષની વેદના તમે ન સમજો તો કોણ સમજે! અને એટલે તો તમે દિલીપને સાથ આપ્યો છે...'
નદીકાંઠે બાયનોક્યુલરથી પક્ષીદર્શન કરી રહેલા મીનપિયાસી
પોતાનાં એક્લવાયાં જીવનને મીનપિયાસીએ સાહિત્ય, પક્ષીપ્રેમ, ખગોળ અને વૈદ તરીકેની કામગીરીથી છલોછલ ભરી દીધું હતું. દીકરી વર્ષાને લીધે એમનું અસ્તિત્ત્વ વાત્સલ્યભાવથી સતત લીલુંછમ રહી શકયું. જિંદગીની વિષમતાઓ સામે સતત લડતા રહેવાને બદલે પરમપિતા પરમેશ્વરને આયખાની લગામ સોંપી દેવાથી નિશ્ચિંત થઈ જવાતું હોય છે. મીનપિયાસીએ એટલે જ ભરપૂર શ્રદ્ધાભાવથી લખ્યું છે કે -   
વિભુવર તારી મરજી,
તને ગમ્યું તે સાચું, શીદને કરવી ઠાલી અરજી?
વિભુવર તારી મરજી.
તું જે કર તે સમજી સઘળું
સહુના હિતનું જાણું,
જે બનતું તે બધું બરાબર
ગણી મજા હું માણું,
તેં જ ભલા તારી મરજીથી
સૃષ્ટિ સઘળી સરજી. વિભુવર..
સુખદુખ જે આવે તે
માગ્યાં મેં જ હશે ભૂતકળે મારા હિતને કજે,
સોનું તપાવતો તું ગાળે
હાયવોય ના કરું
રહું ના ફરિયાદે હું ગરજી. વિભુવર...
સર્વોદયની સાચી દષ્ટિ
એક જ તારી પાસે
ઘાટઘાટના ઘડે યોજના
નીરખું ઉજ્જવળ આશે
તારું ધાર્યું તું કરવાનો
આશા એ અમર જી. વિભુવર...
દુખો તો આવે ને જાય. ઠાલી ફરિયાદો ર્ક્યા કરવાથી શું વળવાનું છે? સઘળું ઉપરવાળાની ગ્રાન્ડ ડિઝાઈનને અનુસાર થઈ રહ્યું છે એવી ખાતરી રાખવી જોઈએ. જો માંહૃાલો શુદ્ધ હશે અને ક્દી જાણીજોઈને કોઈનું અહિત ર્ક્યું નહીં હોય તો જે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે સારા માટે થવાનું છે એવું સ્વીકારી લેવું જોઈએ. મીનપિયાસીનાં કાવ્યોમાં ઉભરતા આ આધ્યાત્મિક શેડ્ઝ પણ ભારે રુપાળા છે.
કંઈ કેટલીય સુંદર રચનાઓ છે મીનપિયાસીની, પણ જગ્યાના અભાવે અહીં જ અટક્વું પડશે. એક વાત નિશ્ચિત છે કે ગુજરાતની નવી પેઢી મીનપિયાસી અને એમની કવિતાઓને રી-ડિસ્ક્વર કરી શકે એવો માહોલ ઊભો થવો જોઈએ. પાઠયપુસ્તક ડિઝાઈન કરનાર સમિતિએ મીનપિયાસીની 'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ' સિવાયની કવિતાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. મીનપિયાસીનું સમગ્ર સર્જન નવા રંગરુપમાં ભાવકે સમક્ષ મૂકવું જોઈએ. એમની અંગત ડાયરી હજુ સુધી પુસ્તક સ્વરૂપમાં શા માટે પ્રકાશિત થઈ નથી તે આશ્ર્ચર્યની વાત છે. સુરેન્દ્રનગર પાસે આવેલાં તેમના વતન ચુડાના કોઈ રસ્તા કે ચોક કે જાહેર ઈમારતને શા માટે હજુ સુધી મીનપિયાસીનું નામ અપાયું નથી? ઈટ્સ હાઈ ટાઈમ! આપણા સાક્ષરોની ક્દર આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે?  

 0 0 0 

Wednesday, July 13, 2016

ટેક ઓફ : મીનપિયાસીની ડાયરીનું અંગત અંગત...

Sandesh - Ardh Saptahik Purti - 13 July 2016
ટેક ઓફ 
'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ...' કવિ મીનપિયાસીની એ કવિતા છે જે આપણે સ્કૂલમાં ભણ્યા છીએ, જે રામક્થાઓથી માંડીને અન્યત્ર સતત ગવાતી રહે છે કે ક્વોટ થતી રહે છે, જેને ગુજરાતીઓની એકાધિક પેઢીઓએ ચિક્કાર ચાહી છે અને અને જે સમગ્ર ગુજરાતી પ્રજાના સામૂહિક ક્લાવારસાનો હિસ્સો બની ગઈ છે.આજે મીનપિયાસીની પર્સનલ ડાયરીનાં કેટલાંક પાનાં ખોલવાં છે. એમનાં વ્યક્તિત્વને નજીક્થી ઓળખવાનો પ્રયત્ન કરવો છે. મીનપિયાસીની અંગત નોંધપોથીનાં કેટલાંય પાનાં આજે અહીં પહેલી વાર જાહેર થઈ રહૃાાં છે. 

સૌથી પહેલાં તો કવિ મીનપિયાસીની અમર કવિતાની કેટલીક પંક્તિઓમાંથી પસાર થઈએ. આ એ કવિતા છે જે આપણે સ્કૂલમાં ભણ્યા છીએજે રામક્થાઓથી માંડીને અન્યત્ર સતત ગવાતી રહે છે કે ક્વોટ થતી રહે છેજેને ગુજરાતીઓની એકાધિક પેઢીઓએ ચિક્કાર ચાહી છે અને અને જે સમગ્ર ગુજરાતી પ્રજાના સામૂહિક ક્લાવારસાનો હિસ્સો બની ગઈ છે. સાંભળોઃ 
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
ને ભમરા ગુંજે ગું ગું ગું
ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ...
ચક્લા-ઉંદર ચૂ-ચૂ-ચૂને છછૂંદરોનું છૂ-છૂ-છૂ,
કૂજનમાં શી ક્ક્કાવારીહું કુદરતને પૂછું છું,
ઘુવડસમા ઘુઘવાટા કરતો માનવ ઘૂરકે હું-હું-હું.
                                   ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ...
લખપતિઓના લાખ નફામાંસાચું ખોટું કરવું શું?
ટંક ટંક્ની રોટી માટે રંક જનોને રળવું શું?
હરિ ભજે હોલો પેલોપીડિતનોકેપરભુ તું! પરભુ તું!
                                   ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ...
પરમેશ્વર તો પહેલું પૂછશેકોઈનું સુખદુખ પૂછ્યું'તું?
દર્દભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યુું'તું?
ગેંગેંફેંફેં કરતા કહેશો હેં-હેં-હેં-હેં શુંશુંશું?
                                    ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ...
સાવ સાદગીભર્યા શબ્દો છતાં કેટલી અસરકરક અભિવ્યકિત ને ચોટદાર વાત. દિનકરરાય કેશવલાલ વૈદ્ય ઉફ્ર્ મીનપિયાસીની આ કૃતિને એટલી પ્રચંડ સ્વીકૃતિ મળી છે એના પ્રકાશના ચકચૌંધમાં અન્ય રચનાઓ પર આપણું ધ્યાન ઓછું ગયું છે. મીનપિયાસીએ જોકે ૯૦ વર્ષની ભરપૂર જિંદગી (જન્મઃ ૧૯૧૦મૃત્યુઃ ૨૦૦૦) દરમિયાન ફ્કત બે જ કવ્યસંગ્રહો આપ્યાં છે - 'વર્ષાજલ' (૧૯૬૬) અને 'ગુલછડી અને જુઈ' (૧૯૮૬). મીનપિયાસીએ વિપુલ સર્જન કદાચ એટલા માટે કર્યું નથી કેતેઓ કેવળ કવિ નહોતા. તેઓ ખગોળવિદ્પક્ષીવિદ્ અને થિયોસોફ્સ્ટિ પણ હતા. આ તમામ વિષયો પર એમણે પુસ્તકો લખ્યાં છે. કવિતાર્ક્મ કરતાં સંભવતઃ પ્રકૃતિ એમને વધારે સુખ આપતી. એટલે જ ૨૦ઓક્ટોબર ૧૯૪૪ના રોજ પોતાની અંગત ડાયરીમાં એમણે લખેલું કે, 'પ્રકૃતિને ખોળે હું જેટલો સુખી હોઉં છું તેટલો બીજે કયાંય નથી હોતો.'
આજે મીનપિયાસીની અંગત ડાયરીનાં કેટલાંક પાનાં ખોલવાં છે. એમનાં વ્યક્તિત્વને નજીક્થી ઓળખવાનો પ્રયત્ન કરવો છે. મીનપિયાસીની ડાયરીનાં કેટલાંય પાનાં આજે અહીં પહેલી વાર જાહેર થઈ રહૃાાં છે. શરૂઆત 'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂ'થી જ કરીએ. આ કવિતા સૌથી પહેલાં રેડિયો પર પ્રસારિત થઈ હતી. સુરેન્દ્રનગર પાસે ચુડા ગામે રહેતા મીનપિયાસી ૧૦સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ પોતાની ડાયરીમાં લખે છેઃ 
'આજે રાજકોટ રેડિયો સ્ટેશન જોયું. સાંજના સાડા સાતથી પોણા આઠ સુધી ૧૫ મિનિટ મારાં સ્વ-રચિત કવ્યોનું વાંચન ર્ક્યું. જીવનમાં પહેલી જ વાર રેડિયો પર બોલ્યો. હું એક ઓરડામાં જ બોલતો હતો ને સામે ઈન્દુભાઈ ગાંધી (રેડિયો સ્ટેશનના ડિરેક્ટર) બેઠા હતા.
બહાર નીક્ળતાં જ બહાર બેઠેલા શ્રી અક્બરઅલી જસદણવાળાએ મારા ખભા હલાવીને ક્હૃાું 'વાહ દોસ્ત વાહ! બહુ મજા આવી.ત્યાં શ્રી જયંત પલાણ પણ મળ્યા. તેમણે પણ ખુશી વ્યક્ત કરી. રૂ. ૫૪નો સ્ટેટ બેન્ક્ ઓફ્ ઇન્ડિયાનો એક ચેક સ્ટેશન ડાયરેક્ટરે આપ્યો. બપોર પછી ગોંડલ ગયો. ગોંડલમાં શ્રી મકરંદભાઈ વગેરે મળ્યા. ગોંડલમાં છલોછલ ભરેલા તળાવમાં રમતા 'ખંજન', 'દિવાળી ઘોડાજોઈને ભારે આનંદ થયો.'

મીનપિયાસીનો પક્ષીપ્રેમ જુઓ. તેમને મકરંદ દવે જેવા કવિમિત્રોને મળીને જેટલો આનંદ થાય છે એના કરતાંય ક્દાચ વધારે આનંદ 'ખંજનઅને 'દિવાળી ઘોડાજેવા પક્ષીઓને જોઈને થાય છે! રેડિયો પર કવ્યવાચનના ચાલીસ દિવસ બાદ૩૦ ઓક્ટોબર ૧૯૫૫ના રોજતેઓ ડાયરીમાં નોંધે છેઃ
'પછી તો 'મિલાપસાથે પત્રવ્યવહાર થતાં મારાં રેડિયો પર રજૂ થયેલા તેમજ ત્યાર પછીનાં કાવ્યો એમણે મગાવ્યા. તે મોક્લ્યા. દશ મોકલેલાં તેમાંથી માત્ર બે પાછાં આવ્યાં. પણ 'ઘૂ ઘૂ ઘૂતથા 'ધરતી કોળી...વગેરે કાવ્યો વાંચીને મહેન્દ્રભાઈ મેઘાણી ખુશ થઈ ગયા ને લખે છે કેઆવાં સુંદર કવ્યોના કવિને તો જીવનભર 'મિલાપમોક્લવાનું મન થાય.અને વધુમાં લખે છે કે આપની તાજી છબી (ફોટોગ્રાફ્) સગવડે મોકલાવશો. વાંચીને તો મારી આંખ ભીની થઈ ગઈ. આ જન્મમાં આવું બનશે અને કોઈ તંત્રી સામેથી મારી છબી મગાવશે એ ધાર્યું ન હતું.'
'ક્બૂતરોનું ઘૂ-ઘૂ-ઘૂજેવી આઈકોનિક કવિતા લખનાર મીનપિયાસી ખુદ કેટલા લો-પ્રોફઈલ માણસ હતા તે ઉપરના લખાણમાં દેખાઈ આવે છે. એમના સ્વભાવની આ આકર્ષક સાદગી એમની રચનાઓમાં સતત વર્તાય છે. વ્યવસાયે વૈદ્ય એવા કવિનો પુસ્તક્પ્રેમ આખી ડાયરીમાં ઠેરઠેર વેરાયેલો છે. જેમ કે ૩૦ જુલાઈ૧૯૬૩ની આ વાત. લખે છે - 
'આજે પાર્સલ આવી ગયું. પોસ્ટ ઓફ્સિ જઈને લઈ આવ્યો. નાચવાનું મન થયું. ઓરડો બંધ કરી પાર્સલ ભગવાન પાસે મૂકી આભાર માન્યો. કોણ જાણે કેમ પણ આટલો આનંદ મને કશાથી નહીં થયો હોય એમ લાગે છે. ખૂબ જ મજાનાં પુસ્તકો આવી ગયાં.'
આ એક્ઝેક્ટલી ક્યાં પુસ્તકો હતાં તે સ્પષ્ટ થતું નથીપણ ચોક્કસપણે તે એમનાં રસના વિષયોનાં પુસ્તકો જ હોવાનાં. ૨૩ ડિસેમ્બર,૧૯૬૪ના રોજ નોંધે છેઃ
'આજે 'ધી બુક ઓફ્ ઈન્ડિયન બર્ડ્ઝમાટે  રૂ.૩૦ 'બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી'ને મોક્લ્યા. હવે એ પુસ્તક આવી જાય એટલે મઝા પડી જાય. આવી મુશ્કેલી ને મોંઘવારીમાં આમ કરવું વસમું લાગે છે પણ મારા માનસિક ખોરાક વિના શું કરવું?!'
મીનપિયાસીની ડાયરીનું એક પાનું

દરમિયાન એક સરસ વાત બની. મીનપિયાસીની રચના પાકિસ્તાનની પાઠયપુસ્તક્નો હિસ્સો બની. ૩ નવેમ્બર૧૯૬૪નું લખાણ જુઓઃ 
'કાલે જીવનનો યુગપ્રવર્તક બનાવ બન્યો. ભાઈ ક્સ્મિત કુરેશીએ રૂ.૨૦ મોક્લ્યા અને જણાવ્યું કે પાક્સ્તિાન-કરાંચીના મેટ્રિક ધોરણ ૧૦ના પાઠયપુસ્તક (ટેક્સ્ટબુક)માં મારી 'પાનખરની શી છટાએ કવિતા લેવાઈ છે તેનો પુરસ્કાર છે. અનુમતી માગતો પત્ર આવ્યો. તેમાં સહી કરી મોકલી. મહમદ વગેરેએ ક્હૃાું કે 'એમાં તમારા નામની નીચે 'ચૂડા'નું નામ પણ લખેએમ લખવુંમને આ વાજબી લાગ્યું ને બહુ ગમ્યું. ગમે તે કેમ હોય પણ પોતાના ગામનું ગૌરવ હૈયે હોય એ ખુબ જ સુખદ બીના છે.'
પ્રકૃતિમાં ગજબની તાકાત હોય છે મનને શાતા આપવાની. તેથી જ મીનપિયાસીએ ૧૦ સપ્ટેમ્બર૧૯૬૧ના રોજ લખ્યું હશે ને કે -
'હું જ્યારે વગડામાં ફરતો હોઉં છું કે નદી ક્નિારે એક્લો બેઠો હોઉં છું ત્યારે મને સતત એમ થયા કરે છે કેકુદરતનો સંપર્ક વધુ રાખવો. માણસોનો ઓછો ને જે રાખવો તેમાં આપવાની દૃષ્ટિ જ રાખવીલેવાની નહીં. કુદરતની જેમ.'
ડાયરીમાં મીનપિયાસીનો પ્રકૃતિપ્રેમ, ખગોળપ્રેમ અને પક્ષીપ્રેમ જ નહીં, બલકે પરિવાર પ્રત્યેનો સ્નેહ પર સુંદર રીતે ઊપસ્યો છે. કવિ ૪૬ વર્ષના હતા ત્યારે એમનાં પત્ની મનોરમાનું નિધન થયું હતું. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૭ના રોજ તેઓ ભાવુક થઈને લખે છેઃ

'આજે તારી વરસી વાળવાની છે. મંજુ! મનોરમા! ગમે તે કારણે પણ અંતરમાં આજે વેદનાનો સાગર ઊછળે છે ને એ મોજાંની છાલક આંખમાં આવે છે. આ અક્ષરો દેખાતા નથી. મને સારું લાગ્યું. તારી પાછળ હું રોઈ શકું છું ખરો! છેલ્લા મંદવાડ પછી તારી સાથે ક્ંઈ જ વાતો નથી થઈ શકી. તે જાણે આજે કરી લઉં એમ થાય છે. મને મારી બધી જ વાતોવેદનાઓ તને કહેવાની ટેવ હતી. હવે કોને ક્હુંમારું હસવાનું ઠેકાણું ને રડવાનું ઠેકાણું તું જ હતીમંજુલાતું જ હતી.'
કવિ કાન્તની બે લીટીઓ કેટલી અનુભવથી સભર છે-
નહીં સ્વજન એ સખીસ્વજન એકલી તું હતી.
સહસ્ત્ર શત શલ્યમાં હૃદયની પથારી હતી.
'હૃદયની પથારી'!!! કેવો સુમંગલ શબ્દ.
તને હું ગાઉં એ ગમતું ખરું ને! તારા ક્હેવાથી તારી પાસે બેસી તારો હાથ મારા હાથમાં રાખી બે ગીતો ગાયાં હતાં. એક કવિશ્રી કાગનું 'નંદરાણી તારાં આંગણાંને બીજું 'મારું માખણ મોહન માગે'. ખરું ને!
આપણા પ્રેમજીવનના પુષ્પ સરખી વર્ષા તું મને આપી ગઈ છો. એ મજામાં છે. એને તારી ખોટ કેટલી સાલશે એ ય મને ન સમજાયું. તારા વિના હું એને કેમ સાચવી શકીશપણ એ જરૂર તૈયાર થઈ જશે. ઈશ્વર સહુનો છેને?
એ જ. આજે આટલું ક્હેવાયું. હવે વળી પાછાં કોઈ કાલને કંઠે મળીશું. આવજે!'
૪૬ વર્ષ એ વિધુર થવાની ઉંમર નથી. મીનપિયાસીએ ધાર્યું હોત તો પુનઃ લગ્ન કરી શકયા હોતપણ તેમણે તે પગલું ન ભર્યું. અર્થપૂર્ણ જિંદગી જીવવા માટે દીકરી વર્ષા અને રસના વિષયો પૂરતાં હતાં. જીવનને તેમણે સતત પોઝિટિવ અને ધબક્તું રાખ્યું. ૧૯૪૮ની ૧૯ મે અને ૩૦ જૂને તેઓ પોતાની ડાયરીમાં લખે છેઃ
'બપોરે બેન વર્ષા ગળે વળગી હતી. મેં ક્હૃાુંબેન શું કરે છેતો ક્હે કે 'હેત.આવા સુખના દિવસો પરમાત્માએ ક્યા પુણ્યના બદલામાં આપ્યા હશે?.... મારે દીકરી ન હોય તો મારું શું થાતએની કાલીઘેલી વાતો ને નિર્દોષતા બધું દુઃખ ભુલાવી દે છે. મનને ખૂબ શાંતિ આપે છે. બેન ખૂબ મઝાનું બોલે છે. મારી હાજરીથી ખુશી પણ થાય છે. આટલો સંતોષ! જગતમાં બાળકે ન હોત તો શું થાતબાળકો જેટલું નિર્દોષ ને નિખાલસ જગત ન થઈ શકે!'

સમય વીતતો ગયો. યુવાન થઈ ગયેલી દીકરીને એક દિવસ મીનપિયાસીએ બહુ જ ખૂબસૂરત બર્થડે ગિફ્ટ આપીઃ
'૪ ઓગસ્ટ૧૯૬૫.
ચિ. વર્ષાનો ૧૯મો જન્મદિવસ. તેની ઇચ્છાથી એને આપેલી 'રુપમબોલપેનથી ઉપયોગી થાય તેવું ક્ંઈક લખ્યું છે.
'સૌથી પહેલું તો એ કેજીવનમાં ગમે તેવી વસમી પરિસ્થિતિ આવે તો પણ માતા કરતાં પણ વધારે કાળજી અને વાત્સલ્યથી ઈશ્વર આપણી સંભાળ રાખે છે તે શ્રદ્ધા ખોવી નહીં. કારણ કે તે હકીકત છે. મૃત્યુ આવે તો પણ નહીં. કારણ કે મૃત્યુમાં પણ આપણે એનેે ખોળે જ હોઈએ છીએ. એટલે એના વિના આપણું કે વિશ્વનું અસ્તિત્ત્વ શકય નથી.
બીજુંસુખ અને દુખ મોટે ભાગે મનની અવસ્થા છે. અને દુઃખ જ્યારે આવે છે ત્યારે આપણા ક્લ્યાણ માટે જઆપણને કંઈક શીખવવાનેઆપણી છૂપી શકિતઓને બહાર લાવવા માટે હોય છે. વળીઆપણે જ ભૂતકાળમાં ઊભા કરેલાં ર્ક્મોને પરિણામે આવે છે. એનું વાળણ કરવાં સારાં ર્ક્મો કરવાં એ જ રસ્તો છે. દુખથી મૂંઝાઈને વધારે ભૂલો ન કરવી.
ત્રીજુંમરણ છે જ નહીં. મૃત્યુ એ તો વિશાળ અને વધારે સ્વતંત્ર જીવનનું દ્વાર છે. માટે કુદરતી રીતે આવે ત્યારે ગભરાઈ  ન જવું.'

મીનપિયાસીએ પોતાનાં આખા જીવનની ફિલોસોફી આ પત્રમાં ઠાલવી દીધી છે. મીનપિયાસી વિશે હજુ ઘણી વાતો કરવી છે. એમનાં કાવ્યોને માણવા છે. આવતા બુધવારે.
0 0 0