Showing posts with label Swami Sacchidanand. Show all posts
Showing posts with label Swami Sacchidanand. Show all posts

Friday, June 26, 2015

વાંચવા જેવું: રાજપૂત મારી જાણે, ચારણ મરી જાણે!

ચિત્રલેખા - અંક તા. 22 જૂન ૨૦૧૫ માટે

કોલમ: વાંચવા જેવું

શૂરવીરતાને એક શાપ છે અવિચારીપણાનો. રાજપૂતો એટલે શૂરવીરતાનું પ્રતીક. રાજપૂતોની વીરરસભરી કથાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છેપણ આવા રાજપૂત ભારતને સાચવી ન શક્યા. દેશ તો ઠીકધર્મ અને મંદિરો પણ ન સચવાયાં. અરેરાજપૂતાણીઓને પોતાનું શિયળ બચાવવા જૌહરવ્રતમાં ભસ્મ થઈ જવું પડ્યું. રાજપૂતો સિવાય બીજી કોમમાં જૌહર થયાનું સાંભળ્યું નથી.
    

                                                                                                                

સૌરાષ્ટ્ર અને શૂરાતન - આ બે શબ્દ સાથે સાંભળીએ કે તરત આપણને ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસધારની અદભુત કથાઓ યાદ આવે. મૂળ કથામાં જ્યારે નવું અને તાજગીભર્યું અર્થઘટન ઉમેરાય ત્યારે એની સોડમ કેટલી આહલાદક રીતે બદલી જાય છે એનું ઉત્તમ ઉદાહરણ એટલે આજનું પુસ્તક. સ્વામી સચ્ચિદાનંદે સૌરાષ્ટ્રનું શૂરાતનમાં મેઘાણી તેમજ અન્ય લેખકોએ લખેલી વાર્તાઓમાં પોતાની દષ્ટિ તેમજ વિચારોના રંગ ઉમેરીને સરસ ટ્વિસ્ટ આપ્યો છે. 

સૌરાષ્ટ્રમાં ઋષિઓથી માંડીને મહાત્મા ગાંધી સુધીના કેટલાય મહાન માનવરત્નો પેદા થયા જ છે. મજાની વાત એ છે કે અહીં મહાન બહારવટિયા પણ પેદા થયા છે! સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે જેટલા બહારવટિયા સૌરાષ્ટ્રમાં પેદા થયા છે તેટલા કદાચ આખા દેશમાં પેદા થયા નહીં હોય. ચંબલના ડાકુની તુલના સૌરાષ્ટ્રના બહારવટિયા સાથે ન કરી શકાય, કેમ કે બન્નેના ચારિત્ર્યમાં આકાશપાતાળનું અંતર છે.

આજનાં પુસ્તકનો હેતુ પ્રજાને સાચી દિશામાં શૂરવીર થવાની પ્રેરણા આપવાનો છે. કેટકેટલી કથાઓ. એમાંની એકની જ ટૂંકમાં વાત કરીએ. જામનગરના તાબાનું લોંઠિયા ગામના પાદરે વહેતી સસોઈ નદીના સામે કાંઠે ચારણોનો નેસડો વસેલો. એક વાર એક વૃદ્ધ ચારણ ડોશીમા બેઠાંબેઠાં માળા ફેરવતાં હતાં. ઓચિંતું એક લોહીલુહાણ સસલું એમના ખોળામાં આવી પડ્યું. કશેક જાનમાં જઈ રહેલા રાજપૂત જાનૈયાથી  જીવ બચાવીને સસલું ભાગેલું. જુવાન જાનૈયા દેકારો કરતાં પાછળ પાછળ આવી પહોંચ્યા. ડોશીમાને કહે, ‘આઈ, અમારો શિકાર અમને આપી દો.આઈએ મક્કમતાથી કહ્યું, ‘ના! શિકાર તમારો હશે, પણ શરણાગત મારો છે. પ્રાણના ભોગે શરણાગતનું રક્ષણ કરવું એ અમારો અને તમારો પણ ધર્મ છે.

દારુના નશામાં છાકટા થયેલા જાનૈયાઓમાંથી એક ઝપટ મારીને ડોશીમાના હાથમાં સસલો પડાવી લીધો અને એની ડોક મરડીને મારી નાખી. આઈથી આઘાત જીરવાયો નહીં. એમણે ચિતા ખડકીને એના પર ચડી બેઠાં. આઈનું બલિદાન જોઈને નેસડાની બધી ચારણ બાઈઓને ચાનક ચડ્યું. જોતજોતામાં બાવીસ ચારણ બાઈઓએ અગ્નિમાં ઝંપલાવી દીધું. રાજપૂત મારી જાણે ને ચારણ મરી જાણે! આ બાજુ પેલા જુવાન જાનૈયા શેકાયેલા સસલાને ખાવા અંદરોઅંદર લડી પડ્યા. જોતજોતામાં બધા તલવારોના ઝટકે વેતરાઈ ગયા. આજે પણ સસોઈ નદીના એક કિનારે રાજપૂતોના પાળિયા છે, તો સામે કાંઠે નેહડામાં બાવીસ બાઈઓના પાળિયા છે.



સહેજે સવાલ થાય કે ક્ષુલ્લક કારણસર આટલી ભયાનક ખાનાખરાબી? સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે શૂરવીરતા સૌથી મોટો ગુણ મનાય છે, પણ શૂરવીરતાને એક શાપ છે અવિચારીપણાનો. રાજપૂતો એટલે શૂરવીરતાનું પ્રતીક. રાજપૂતોની વીરરસભરી કથાઓ આજે પણ લોકોને પ્રેરણા આપે છે, પણ આવા રાજપૂત ભારતને સાચવી ન શક્યા. દેશ તો ઠીક, ધર્મ અને મંદિરો પણ ન સચવાયાં. અરે, રાજપૂતાણીઓને પોતાનું શિયળ બચાવવા જૌહરવ્રતમાં ભસ્મ થઈ જવું પડ્યું. રાજપૂતો સિવાય બીજી કોમમાં જૌહર થયાનું સાંભળ્યું નથી. આવી મહાન કોમના માથે ત્રણ દોષ લાગેલા છે: એક, પરસ્પરની પ્રબળ ઈર્ષ્યા. બે, નાની-નાની તુચ્છ બાબતોને મોટું રુપ આપી લડી મરવું અને ત્રણ, એકતાનો અભાવ. સૌરાષ્ટ્રના શૂરવીરો ઉપર વારી જાવાનું મન થાય, પણ શૂરવીરતા બતાવવાના કારણ તરફ નજર કરીએ તો હસવું આવે, કરુણા છૂટે. નાની અને તુચ્છ વાતો ઉપર મોટાં ધીંગાણાં રચાયાં! ભારતનું શૂરાતન એળે ખર્ચાયું તેની ચિંતા થાય. સૌરાષ્ટ્રની શૂરવીરતા જેટલી પરસ્પર અથડાઈ છે તેટલી સીમાડા ઉપર નથી અથડાઈ. લશ્કરમાં કાઠી દરબારોની કોઈ રેજીમેન્ટ નથી.  

પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદના ક્વોટેબલ ક્વોટ્સની રેલમછેલ છે. સ્વામીજી પાસે તટસ્થ અવલોકનશક્તિ અને આગવો દષ્ટિકોણ છે. પ્રકરણે-પ્રકરણે વેરાયેલાં એમનાં મૌલિક અવતરણો પુસ્તકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ રહ્યાં કેટલાંક ઉદાહરણ:

- પરમપદથી ભાગી છૂટનારા ભગતડાં તો થાય, પણ પરમપદના અધિકારી ન થાય. ભારતમાં મોટા ભાગના પડકારોથી ભાગી છૂટનારા પરમપદના દાવેદાર થતા રહ્યા છે, જેમણે ભગતડાંની બહુ મોટી ફોજ તો ઊભી કરી છે, પણ આ ફોજે કોઈ ધીંગાણું જીત્યું દેખાતું નથી.

- માણસ તો ઘણા મળે પણ મર્દો ઓછા મળે. તલવારની મર્દાનગી કરતાં સંબંધની મર્દાનગી ઘણી મોટી હોય કહેવાય. વિપતકાળમાં પણ જે સંબંધમાં અડીખમ રહે અને નિભાવે તે અસલી મર્દ. એને વારેવારે વંદન કરીએ. દેવદર્શન કરતાં પણ મર્દદર્શન વધુ દુર્લભ કહેવાય.

- બાપમુખી પતિ નમાલો હોય. મામુખો પતિ માવડિયો હોય અને પત્નીમુખો પતિ ઘેલો હોય. આવા પતિ સાથે જેનું પનારું પડ્યું હોય તે તેજસ્વી પત્ની કદી સુખી ન થાય. સ્વમુખી પતિ જ પતિ કહેવાય.

- જે બધા પર તરત વિશ્ર્વાસ મૂકી દે, બધાને સજ્જન સમજે ને પછી છેતરાય એને ભોળો માણસ કહેવાય.  જે વારંવાર છેતરાયા કરે, અનુભવ પરથી કોઈ બોધપાઠ ન શીખે એને ભોટ કહેવાય. સામેના માણસની દાનત સમજીને તે  પ્રમાણે સંબંધ બાંધી વ્યવહાર કરે એ ચતુર. એ કોઈને છેતરે પણ નહીં અને ખુદ ક્યારેય છેતરાય પણ નહીં. લુચ્ચો એને કહેવાય, જે હંમેશા બીજાને છેતરતો રહે. એનામાં નર્યો સ્વાર્થ હોય અને એ જીંદગીભર દુર્જન તેમજ અવિશ્ર્વાસુ થઈને રહે. 

- વફાદારી જીવનનું ફિલામેન્ટ છે. ફિલામેન્ટ ઉડી જાય તો બલ્બ ટકાનો થઈ જાય. આ રીતે સંબંધોમાં પણ વફાદારીનું ફિલામેન્ટ હોય ત્યાં સુધી જ તેની કિંમત હોય છે. માણસની વફાદારીનું ફિલામેન્ટ ઊડી જાય તો તે માત્ર નકામો જ નથી થઈ જતો, તે વિશ્ર્વાસઘાતી થઈને દુશ્મન થઈ જતો હોય છે. જેમ વફાદારી વિપત્તિમાં પરખાય છે, તેમ વિશ્ર્વાસઘાત પણ વિપત્તિમાં જ પ્રગટે છે.

સ્વામી સચ્ચિદાનંદના ચાહકોને જ નહીં, બલ્કે સૌ કોઈને જલસો પડી જાય એવું સુંદર પુસ્તક!

0 0 0 

સૌરાષ્ટ્રનું શૂરાતન       
લેખક: સ્વામી સચ્ચિદાનંદ

 પ્રકાશક: ગૂર્જર સાહિત્ય પ્રકાશન,  અમદાવાદ-૬
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
કિંમત:   ‚. ૧૫૦ /
પૃષ્ઠ: ૨૫૬


 0 0 0 

Sunday, October 27, 2013

આપણે શા માટે આપણી નબળાઈનું ઘમંડ કરીએ છીએ?

 ચિત્રલેખા - સપ્ટેમ્બર ૨૦૧૩ 

કોલમ: વાંચવા જેવું



વાત સિંગાપોરની છે. એંસીના દાયકામાં અહીંના એક પ્રધાન પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો. તેની સામે પ્રથમદર્શી કેસ દાખલ કરવામાં આવ્યો. પોતે આ આરોપમાંથી બચી શકે એમ છે કે કેમ તેની ચર્ચા કરવા પ્રધાન વડાપ્રધાનને મળ્યો. વડાપ્રધાને સ્પષ્ઠ શબ્દોમાં કહી દીધું કે તમારી પોલિટિકલ કરીઅર હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તમને સજા થશે તે નિશ્ર્ચિત છે અને તમે ભવિષ્યમાં કદી ચૂંટણી લડી નહીં શકો. પ્રધાન ઘરે પાછો ફર્યો. પિસ્તોલની ગોળીથી લમણું વીંધીને એણે આત્મહત્યા કરી નાખી. આ ઘટનાથી સિંગાપોરના તમામ રાજકારણીઓને સંદેશ મળ્યો કે ભ્રષ્ટાચારને નહીં જ સાંખી લેવાય.

 સિંગાપોર પ્રકારની સ્થિતિ આપણે ત્યાં કલ્પી શકાય છે? ભ્રષ્ટ નેતા આત્મહત્યા કરી લે એવું આપણે ન ઈચ્છીએ, પણ  કમસેકમ એ પોતાની નફ્ટાઈ અને બેશરમી ઓછી કરે એવી અપેક્ષા પણ આપણે રાખી શકીએ એમ છીએ ખરા? આજે જેની ચર્ચા કરી રહ્યા છીએ તે ‘નહીં માફ નીચું નિશાન’ પુસ્તકમાં એન. આર. નારાયણ મૂર્તિએ સિંગાપોરનો કિસ્સો ટાંક્યો છે. આ પુસ્તક એટલે એમણે છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન દુનિયાભરમાં આપેલાં ૩૮ ચુનંદા વકતવ્યોનો સંગ્રહ. નારાયણ મૂર્તિ પ્રતિષ્ઠિત આઈટી ઈન્ડસ્ટ્રીઅલિસ્ટ છે, ઈન્ફોસિસ કંપનીના કો-ફાઉન્ડર છે. દેશના સૌથી આદરણીય અને બુદ્ધિમાન વ્યક્તિઓમાં એમનું સ્થાન છે. તેથી જ એ જ્યારે ગંભીરતાપૂર્વક કશુંક કહી રહ્યા હોય ત્યારે કાન દઈને સાંભળવાનું હોય.



ભ્રષ્ટાચારના મામલે નારાયણ મૂર્તિ આશાવાદી છે. એ માને છે કે જો જુદીજુદી કામગીરીમાંથી સરકારની સીધી દરમિયાનગીરી દૂર કરવામાં આવે તો કમસે કમ સરકારી સેવા ક્ષેત્રે ચાલતો ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે. દાખલા તરીકે, અગાઉ નાની ઈલેક્ટ્રોનિક કંપનીઓ ભ્રષ્ટાચારનો સૌથી વધુ ભોગ બનતી હતી, પણ સરકારે જેવું કમ્પ્યુટરના આયાત પરથી લાઈસન્સિંગ દૂર કર્યંુ કે તરત ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સમાં ચાલતો ભ્રષ્ટાચાર બંધ થઈ ગયો. પાન નંબર ફાળવવાની પ્રક્રિયા સરકારે યુટીઆઈને સોંપી પછી કામગીરી ઝડપી પણ બની હતી અને ભષ્ટાચાર પણ દૂર થયો હતો. સરકાર અવનવી સ્કીમ બહાર પાડ્યે રાખે છે, જેના કારણે વ્યવસાયો માટે સરકારી મંજૂરીની આવશ્યકતા રહે છે. નારાયણમૂર્તિનું સૂચન છે કે ભ્રષ્ટાચાર પર અંકુશ લગાડવા કેટલીક સેવા સરકારમાંથી ખસેડીને અર્ધસરકારી કે ખાનગી સંગઠનોને સોંપી દેવી જોઈએ.

 નારાયણ મૂર્તિના કેટલાક વિચારો સ્વામી સચ્ચિદાનંદને યાદ અપાવે એવા છે. આંખ-કાન બંધ કરીને ‘મેરા ભારત મહાન... મેરા ભારત મહાન’ના ગીતડાં ગાતાં રહેતા લોકોને નારાયણ મૂર્તિ લપડાક લગાવતા કહે છે:

 ‘મેં ઘણો પ્રવાસ ખેડ્યો છે, પરંતુ મેં એવો એક પણ સમાજ નથી જોયો, જેણે ભારતની માફક આટલી ઓછી પ્રગતિ કરી હોવા છતાં વિકસિત સમાજોની નિંદા કરતો હોય. વર્તમાનમાં બહુ ઓછી સિદ્ધિ હાંસી કરી હોવા છતાં આપણે ભવ્ય ભૂતકાળને યાદ કરીકરીને બડાઈ હાંકયા કરીએ છીએ. પ્રગતિશીલ સમાજનું સૌથી અગત્યનું પરિબળ છે, આપણા કરતાં વધારે સફળતા મેળવનાર લોકોને આદરની દષ્ટિથી જોવું તેમ જ તેમની પાસેથી કશુંક શીખવાની અપેક્ષા સેવવી. આપણો બૌદ્ધિક ઘમંડ સમાજ માટે મદદરુપ નથી. આપણે આપણું વલણ બદલવું પડશે. આપણા કરતાં વધારે સારો દેખાવ કરનાર લોકોનું સાંભળવું પડશે, તેમની પાસેથી શીખવું પડશે અને તેના કરતા બહેતર દેખાવ કરવો પડશે. આપણે આપણી નિષ્ફળતા છાવરવા તર્કસંગત દલીલો આપ્યે રાખીએ છીએ. આવું કૌશલ્ય દુનિયાના બીજા કોઈ દેશ પાસે નથી!’ 

સમસ્યાનો ઉકેલ સામે દેખાતો હોવા છતાં આપણે શા માટે એનો અમલ કરતા નથી? આપણી  ઉદાસીનતા પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે? નારાયણ મૂર્તિ કહે છે કે હજાર કરતાં વધારે વર્ષોથી વિદેશીઓએ આપણા પર શાસન કર્યું છે તેથી આપણી કદાચ એવી માનસિકતા બની ગઈ છે કે જાહેર કે સામાજિક પ્રશ્ર્નો બીજા કોઈના છે, તે ઉકેલવાની જવાબદારી આપણી નથી! પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની આપણી જવાબદારીમાંથી છટકવા માટે આપણે નસીબને દોષ દઈએ છીએ. અહમ, દંભ અને ઉપેક્ષા જેવા દુર્ગુણોએ આપણને સેંકડો વર્ષોથી ભીંસમાં લીધા છે.





 નારાયણ મૂર્તિનું એક નિરીક્ષણ ઈન્ટરેસ્ટિંગ છે. એ કહે છે કે ભારતીય સમાજે વર્ષો સુધી પરિવાર પ્રત્યેની નિષ્ઠાને સમાજ પ્રત્યેની નિષ્ઠા કરતાં વધારે પ્રાથમિકતા આપી હતી. બીજી તરફ, પશ્ર્ચિમી સમાજે કુંટુંબ કરતાં સમાજ તરફની નિષ્ઠાને વધારે પ્રાધાન્ય આપ્યું હતું. આ બન્ને સમુદાયોની સારી બાજુઓનું સંયોજન કરવાથી આપણે અપેક્ષિત ઉકેલ સુધી પહોંચી શકીશું. પશ્ર્ચિમમાં તમે ગમે તે હોદ્દા પર હો, પરંતુ તમે જે પ્રવૃત્તિ કરો છો, એ માટે માત્ર તમે જ જવાબદાર ગણાઓ છો. ભારતમાં તો તમે જેટલી  ‘મહત્ત્વની’ વ્યક્તિ હો એટલી તમારી જવાબદારી ઓછી. શ્રમનું મહત્ત્વ એ પશ્ર્ચિમી મૂલ્ય-વ્યવસ્થાનું ઓર મહત્ત્વનું પાસું છે. પશ્ર્ચિમમાં લોકો પોતાનાં કાર્ય પ્રત્યે ગર્વ અનુભવતા હોય છે. ભારતમાં શારીરિક શ્રમને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે.

નારાયણ મૂર્તિના મૂળિયાં ભારતીય છે અને દષ્ટિકોણ ગ્લોબલ છે. એ આપણા દેશની વાસ્તવિકતાને આંતરરાષ્ટીય પરિમાણોથી ચકાસી શકે છે. આ દેશમાં ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકવાનો એકમાત્ર ઉપાય નોકરીની વધુ તકો સર્જવાનો છે અને તે માટે ઉદ્યોગ-સાહસિકતાને ઉત્તેજન આપવું આવશ્યક છે એવું એ દઢપણે માને છે. એમણે કહેલી એક વાત સૌએ ગાંઠે બાંધી લેવા જેવી છે: ‘આપણે જટિલ યુગમાં જીવી રહ્યા છીએ. સફળ થવા માટે એક કરતાં વધારે યોગ્યતા અને ખંતની જરુર પડે છે.’

 નારાયણ મૂર્તિનાં પ્રવચન કરતી વખતે જરુરી આંકડા ટાંકે, મહાપુરુષો-વિચારકોનાં અવતરણો ટાંકે, પોતાના અનુભવોને વણી લે અને એ રીતે ગંભીર વિષયને પણ રસપ્રદ બનાવી દે. દેશવિદેશના વિદ્યાર્થીને કરાયેલાં ઉદબોધન, ગંભીર રાષ્ટ્રીય પ્રશ્રો, શિક્ષણ, નેતૃત્વ સામેના પડકાર વગેરે જેવે કેટલાય વિષયો પણ વ્યક્ત થયેલા એમના મૌલિક તેમજ અભ્યાસપૂર્ણ વિચાર વાંચવા જેવા છે. હેતલ સોંદરવાએ સમજપૂર્વક કરેલો ગુજરાતી અનુવાદ આ પુસ્તકનો પ્લસ પોઈન્ટ છે. સુંદર, વિચારશીલ અને ઉપયોગી પુસ્તક.                                                       0 0 0 

નહીં માફ નીચું નિશાન 

લેખક: એન. આર. નારાયણમૂર્તિ
 અનુવાદક: હેતલ સોંદરવા
 પ્રકાશક: આર.આર. શેઠ એન્ડ કંપની, અમદાવાદ-૧, મુંબઈ-૨
 ફોન: (૦૭૯) ૨૫૫૦ ૬૫૭૩, (૦૨૨) ૨૨૦૧ ૩૪૪૧
 કિંમત:  ૨૨૫ /- # પૃષ્ઠ: 266                                                                       

                                      ૦ ૦ ૦



Tuesday, July 9, 2013

ટેક ઓફ : આસ્થાના ઇલાકામાં કશું જ ઓવરરેટેડ હોતું નથી!

Sandesh - Ardh Saptahik Purti - 10 July 2013

Column : ટેક ઓફ 

'જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે!'


ત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી હજુ હવામાં છે. મૃતક્ો અને લાપતા વ્યકિતઓના આંક્ડા હજુ વીંઝાયા કરે છે. આ દૃેવોની ભૂમિને પુન: નિર્માણ થાય ત્યારે ખરું, પણ આ ઘટનાની પશ્ર્ચાતઅસરના કાળા પડછાયા લંબાયા કરવાના. એ સુભાષિત જુઓ: 

ગંગા તરંગ હિમશીકર શીતલાનિ
વિદ્યાધરાધ્યુષિતતારુ શિલાતલાનિ
સ્થાનાનિ કિં હિમવતઃ પ્રલયં ગતાનિ
યત્સાવમાનપરપિંડરતા મનુષ્યાઃ

અર્થાત્ ગંગા નદીના બરફ જેવા ઠંડા છાંટાથી જે શીતળ થયા છે અને જે સુંદર શિલાતલ ઉપર વિદ્વાન લોકો બેઠેલા છે તેવા હિમાલયનાં સ્થાનોનો શું પ્રલય થઈ ગયો છે કે મનુષ્યોને અપમાનિત થઈને પારકાનાં અન્ન પર આધારિત રહેવું પડે?
ભર્તૃહરિએ સદીઓ પહેલાં આ સુભાષિત કયા સંદર્ભમાં લખ્યું હતું એ તો ખબર નથી, પણ ત્રણ સપ્તાહ પહેલાં બનેલી ઉત્તરાખંડની દુર્ઘટનામાં લોકો અન્ન અને પાણી માટે મોહતાજ થઈ ગયા હતા અને કેટલાય લોકોએ ભૂખથી જીવ ગુમાવ્યો હતો. આ સંદર્ભમાં ભર્તૃહરિનું સુભાષિત કરુણ રીતે સાચું પડી ગયું છે. ઉજ્જૈનના રાજા ભર્તૃહરિ, વિક્રમાદિત્યના સાવકા ભાઈ થાય. પત્ની પિંગળાના પ્રેમમાં ગળાડૂબ હતા ત્યારે ભર્તૃહરિએ 'શૃંગારશતક' લખ્યું. પિંગળાએ દગાબાજી કરી નાખી એટલે રાજપાટ અને સંસાર છોડીને એ સાધુ બની ગયા. પછી તેમણે 'વૈરાગ્યશતક' લખ્યું. આ સિવાય એક 'નીતિશતક' પણ છે. ભર્તૃહરિની ત્રણેય કૃતિઓ અમર બની છે.
ચાર ધામની યાત્રા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે કે કેમ તે શ્રદ્ધાનો વિષય છે. ચાર ધામની યાત્રાથી પુણ્ય મળે કે ન મળે, પણ આ વખતે ચાર ધામના યાત્રાળુઓને અને ઉત્તરાખંડના અસંખ્ય સ્થાનિકોને જિંદગીભર ચાલે એટલી પીડા તો મળી જ ગઈ છે. ભર્તૃહરિ જ્ઞાની માણસોને તીર્થયાત્રા માટે લગભગ નિષેધ ફરમાવી દે છે. એક સુભાષિતમાં લખ્યું છે કે, 

'વેદ-ઉપનિષદના જ્ઞાતાઓ,ભાષ્યકારો, જ્ઞાનીઓ બ્રહ્મતત્ત્વના જાણકાર હોવા છતાં હંમેશાં એક તીર્થથી બીજા તીર્થ ભટકતા જોવા મળે છે. માર્ગમાં દુઃખ સહન કરવું પડવું હોવા છતાં તેઓ ભટકવાનો સ્વભાવ છોડી શકતા ન હોવાથી મને ખરેખર ખેદ થાય છે! તીર્થસ્થાનોમાં વસવામાત્રથી નથી પાપો નાશ પામતાં કે નથી પુણ્ય પ્રાપ્ત થતું. કેમ? વેદોમાં કહેવાયું છે કે આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર બ્રહ્મવિદ્યા વડે કરવો. આત્મ સ્વરૂપનો પરિચય કરાવતી બ્રહ્મવિદ્યા તીર્થસ્થાનોમાં રહેલી છે તે બરાબર છે, છતાં પણ લોકો ત્યાં રહીને તપ કરવા ઇચ્છે છે તે આશ્ચર્ય ઉપજાવે છે.'
એક ઔર સુભાષિતમાં ભર્તૃહરિએ આ વાત ઔર ઘૂંટી છેઃ '

આપણું મન સ્વયં નિર્મળ જ્ઞાનરૂપી અમૃતથી ભરેલા સરોવર જેવું છે. આમ છતાં વિવેકહીન દુર્બુદ્ધિ બ્રાહ્મણો અને અન્યો તેમાં સ્નાન કરવાને બદલે તીર્થયાત્રાની ઇચ્છાથી દુઃખી થઈને જંગલોમાં આડાઅવળા ભટકે છે. છેવટે તો તેમણે દુઃખના ખાણરૂપી આ સંસારસમુદ્રમાં જ ડૂબી મરવું પડે છે. આ આખી વાત કેટલી કષ્ટદાયક છે.'
તીર્થભૂમિ પર આપણા ઋષિ-મુનિઓએ કઠિન આરાધના કરી હતી, તેથી આદર્શ રીતે તો આપણને અહીં સાત્ત્વિક સ્પંદનોનો અનુભવ થવો જોઈએ. હકીકતમાં થાય છે કશુંક જુદું જ. આ જ પાવક ધરતી પર બજારુ ઢોંગીઓ પૂજાપાઠ અને ક્રિયાકર્મ કરાવી આપવાના નામે યાત્રાળુ પર તીડનાં ટોળાંની જેમ તૂટી પડીને આતંક મચાવી દે છે. ભીખમંગાઓનો ત્રાસ અને ગંદકીનું તો પૂછવું જ શું! આ બધામાં પેલાં સાત્ત્વિક સ્પંદનોનો કચ્ચરઘાણ વળી જાય છે. ભર્તૃહરિએ લખ્યં છેઃ
'અરે ભાઈ! હે મિત્ર! કોઈ શાંત પર્વતના શિખર પર જઈને અથવા તો ઉનાળામાં કોઈ શાંત ગુફામાં બેસીને ઈશ્વરની આરાધના કરવાની તને ઇચ્છા હોય તો ત્યાં નહીં જતો. તું જ્યાં છે એ જગ્યાએ આવું કોઈ શાંત સ્થળ શોધી લઈ, મનને ભ્રમિત કરતા મહામોહરૂપી અનર્થકારક વિશાળ વૃક્ષને જડમૂળથી ઉખાડી નાખ.'
ભર્તૃહરિનાં શતકો નીલેશ મહેતાએ સરળ ભાષામાં અનુદિત કરી નાની પુસ્તિકાઓમાં સંપાદિત કર્યાં છે. સ્વામી સચ્ચિદાનંદે 'ભર્તૃહરિનાં બે શતકો' નામનું સુંદર પુસ્તક લખ્યું છે. સ્વામીજી વેદાંતનો અભ્યાસ કરવા લગભગ ૧૧ વર્ષ કાશીમાં રહ્યા હતા, પણ બન્યું એવું કે તેઓ ભણતા ગયા તેમ તેમ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો અને કોન્સેપ્ટ્સથી વિમુખ થતા ગયા. વેદાંત કહે છે કે તમામ દૃશ્ય અને અદૃશ્ય બ્રહ્માંડો માયાના તમોગુણથી રચાયાં છે. જો બધું જ તામસિક તત્ત્વોથી રચાયું હોય તો તીર્થક્ષેત્રો પણ તામસિક ગણાય. સ્વામી સચ્ચિદાનંદ પ્રશ્ન કરે છે કે તો આ તીર્થસ્થળોની સાત્ત્વિકતાનું શું? શું એનો અર્થ એ થયો કે આપણાં પવિત્ર ચાર ધામ પણ તામસિક છે?


'વૈરાગ્યશતક'નું એક સુભાષિત સમજાવતાં સ્વામી સચ્ચિદાનંદ કહે છે કે પ્રલયકાળનો અગ્નિ પ્રગટે છે ત્યારે તેના પ્રચંડ પ્રહારથી સ્વયં મેરુ પર્વત પણ ઢળી પડે છે. આ અગ્નિપ્રલય છે. જે સમુદ્રમાં વિશાળ મગરો આદિ રહે છે તે સમુદ્ર પ્રલયકાળના વાયુમાં સુકાઈ જાય છે. સમગ્ર જળરાશિ પાણીની સાથે ઊડી જાય છે, આને વાયુપ્રલય કહે છે. પૃથ્વી પર્વતોનાં ચરણોથી દબાયેલી હોવાથી સ્થિર રહે છે. ભર્તૃહરિએ પર્વત માટે 'ધરણીધર' શબ્દ વાપર્યો છે. એટલે કે ધરતી પર્વતને નહીં, બલકે પર્વત ધરણીને એટલે કે પૃથ્વીને ધારણ કરે છે. આમ કહેવા પાછળનો તર્ક એ હોઈ શકે છે પર્વતોનું અસ્તિત્વ છે તો પૃથ્વીનું સંતુલન બની રહેવામાં, ઋતુચક્ર જળવાઈ રહેવામાં મદદ મળે છે. પૃથ્વીના પટ પર પહાડો જ ન રહે તો ઋતુચક્ર ખોરવાઈ જાય. ઉત્તરાખંડમાં થયેલી ટ્રેજેડી પાછળનું એક મોટું કારણ પહાડોને અતિ મૂર્ખતાથી કોતરી નાખવામાં આવ્યા છે, તે છે.
સો મણનો સવાલ આ છેઃ શું ચાર ધામની યાત્રા ઓવરરેટેડ છે? એને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે? ખેર,શ્રદ્ધાની વાત આવે ત્યાં આ પ્રકારના પ્રશ્નો અપ્રસ્તુત થઈ જાય છે. આસ્થામાં ઇલાકામાં કશું જ 'ઓવરરેટેડ' કે 'વધારે પડતું' હોતું નથી!          0 0 0

Friday, January 7, 2011

વાંચવા જેવું પુસ્તક ઃ સુખને એક અવસર તો આપો

ચિત્રલેખા અંક તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૧૧માં પ્રકાશિત


જિંદગી... એક ફરજિયાત રણસંગ્રામ

કોલમ ઃ વાંચવા જેવું





જો મારા આવેશ પર મારો અંકુશ નહીં હોય તો હું ક્યારેય સુખી નહીં થઈ શકું. મારી ગાડી પર એકાદ ઘસરકો થવાને કારણે કે ઘરમાં થોડી ચણભણ થવાને કારણે, કે કામમાં આવતી નાની મુશ્કેલીને કારણે, કે ધાર્યા પ્રમાણે પરિણામ ન આવ્યું હોય ત્યારે, કે ગડી વગરનાં ચૂંથાયેલાં કપડાંને કારણે જો મારો આખો દિવસ બગડતો હોય તો હું કદી સુખી નહીં થઈ શકું. જો હું મારી લાગણીઓનો શિકાર હોઉં, અને વધુ પડતી અપેક્ષાઓનો બંદી હોઉં તો હું ક્યારેય સુખી નહીં થઈ શકંુ.



શું આ વાત તમને ધારદાર અને ચોટડુક લાગી? ગાડી પર ઘસરકો પડે ને દિમાગ જાય, કપડાંને ઈસ્ત્રી થઈ ન હોય તો કમાન છટકે, ઘરમાં સહેજ અમથો કકળાટ થાય અને સંસાર અસાર લાગવા માંડે... આ પ્રકારની લાગણીઓ બીજાઓની જેમ તમે પણ પ્રસંગોપાત અનુભવો છો? બસ, તો ફિલ બોસમન્સ લિખિત આ પુસ્તક તમારા માટે જ છે એવું માનો.



અઘરું અઘરું વાંચતા, ઊંચી ઊંચી ભાષામાં વિચારતા અને ક્લિષ્ટ ફિલોસોફી ઝાડતા રહીને તાત્ત્વિક ચર્ચાઓ કર્યા કરતા સ્યુડો બૌદ્ધિક વર્ગમાં એક ફેશન ચાલી છે સરળ ભાષામાં લખાયેલાં પ્રેરણાદાયી પુસ્તકોને હસી કાઢવાની, તેમને નિરર્થક ગણાવવાની. આ ચાંપલા વર્ગને ગણકારવા જેવો નથી. હકીકત એ છે કે ભલે બે ઘડી તો બે ઘડી પણ નિરાશાની પળોમાં તમને સધિયારો આપે, તમારો આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધારે તેમજ સાવ નવાં જ સત્યો શું કામ, તમે ઓલરેડી જાણતા હો તેવી સચ્ચાઈ નીચે નવેસરથી અન્ડરલાઈન કરે એવું કોઈ પણ વાંચન ઉત્તમ છે, શુભ છે, ઈચ્છનીય છે. ‘સુખને એક અવસર તો આપો’નું એકેએક પાનું પોઝિટિવિટીની પ્રતીતિ કરાવે છે. આજના પીડાદાયી સમયની આ જ તો માંગ છે. તે સિવાય દુનિયાભરની કંઈકેટલીય ભાષાઓમાં અનૂદિત થયેલું આ પુસ્તકની લાખો લોકોના દિલને શી રીતે સ્પર્શે?

લેખક ફિલ બોસમન્સ બેલ્જિયમના વતની છે. તેમણે આ પુસ્તક ફ્લેમિશ ભાષામાં લખ્યું છે. તેઓ કહે છેઃ ‘તમને હ્યદયમાં ઊંડો જખમ થયો હોય અને તમે જો એના વિશે ફરિયાદ કરો તો તમે નિરાશાવાદી નથી, અથવા જ્યારે સમસ્યાઓનો સમુદ્ર ઘૂઘવતો હોય ત્યારે તમે પછડાટ ખાધાની ફરિયાદ કરો તો પણ તમે નિરાશાવાદી નથી. નિરાશાવાદી તો એને કહેવાય જે પોતાની આખી જિંદગી ડાર્કરૂમમાં વિતાવે નેગેટિવ ડેવલપ કર્યા કરે. નિરાશાવાદી એ છે જે બધું જ સમુંસૂતરું ચાલતું હોય ત્યારે એ કહ્યા કરે કે આ કાંઈ લાંબો સમય ચાલશે નહીં. કોઈ એના પ્રત્યે દયામાયા કે મૈત્રી દેખાડે ત્યારે શંકાકુશંકા કર્યા કરે એ નિરાશાવાદી છે.’



જિંદગી છે તો સમસ્યાઓ છે. જિંદગીનું હોવું માત્ર પ્રશ્નો પેદા થવા માટે પર્યાપ્ત છે. એટલે જ લેખક કહે છે કે ‘લગ્ન, શિક્ષણ, ઉછેર, લોકો સાથે પનારો, કામધંધા આ બધા પ્રશ્નો છે જે તમારે સ્વીકારવા જોઈએ. કોઈ પણ પ્રકારની અવઢવ વિના તમારે એમાંથી પસાર થવું જોઈએ, હિંમત અને તાકાતથી. તમે જો એનાથી ભાગી છૂટશો તો એ તમારો પીછો કરશે અને તમને પછાડશે. તમારે જિંદગીમાં બાણશય્યા પર સૂવાનું છે એનાથી વીંધાયા વિના... તમે તમારી પીઠ પર આખેઆખો ભૂતકાળ લાદીને ફરો છો અને તમે ભવિષ્યનો ભાર પણ વેંઢારો છો. તમારા માટે આ બોજો વધુ પડતો કહેવાય. તમારો જન્મ આને માટે નથી થયો. આમ કરશો તો એ ભારણ તમને મારી નાખશે. ’



લેખક જિંદગીને એક ફરજિયાત સાહસ કહે છે. કેટલી સરસ વ્યાખ્યા. કેવી રીતે જીવનને એની તમામ વિષમતાઓ સાથે સ્વીકારી શકાય? કેવી રીતે પાર વગરની પીડાઓ વચ્ચે પણ સ્વસ્થ રહી શકાય? સાંભળોઃ



‘તમને બધું જ ઉદાસ લાગે છે, તમને લાગવા માંડે છે કે તમે કોઈને જ ગમતા નથી, એક નહીં જેવી બાબતથી તમે ખળભળી ઉઠો છો, તમે એવું અનુભવો છો કે આ તો આમ ને આમ જ ચાલ્યા કરશે, આ દશા ક્યારેય બદલાશે નહીં. અને ફરી એક વાર તમને આનું કારણ સમજાતું નથી. કદાચ તમે ખૂબ થાકી ગયા છો. તમને સમજાતું નથી કે આવું શા માટે થાય છે? વાસ્તવમાં કારણ એ છે કે માણસ પણ આખરે પ્રકૃતિનો અંશ છે. એ વસંત અને પાનખરની આવનજાવનનો હિસ્સો છે, ગ્રીષ્મ અને શરદની હૂંફ અને શીતળતાનો ભાગ છે. માણસનું મન પણ સાગરના તરંગોની જેમ હિલોળા લે છે ભરતી અને ઓટ અનુભવે છે. જો આ સત્ય તમને સમજાઈ જાય તો તમે હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધી શકશો... ચડતી અને પડતીના ચડાવઉતાર વચ્ચે જીવી શકશો, વધુ સારી રીતે અને આનંદથી.’



આપણામાં એક શબ્દપ્રયોગ છે ‘બોલીને બગાડવું’. શરીર પર થયેલા ઘાને રુઝ આવશે, પણ શબ્દોથી થયેલા પ્રહારો કેમે કરીને મટતા નથી. લેખક એટલે જ કહે છે કે -

‘કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો. શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે, જેને કારણે અનેક મહાભારત સર્જાય છે... એક કઠોર શબ્દ, એક ધારદાર વાગ્બાણ કોઈના દિલને લાંબો સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એક કાયમી જખ્મ. સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે, જુદી રીતે વિચારે છે, જુદી રીતે વર્તે છે, કંઈક જુદું જ અનુભવે છે અને બોલે છે. થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રુઝાવો. જિંદગી બહુ ટૂંકી છે અને આપણી દુનિયા કુરુક્ષેત્ર બનાવવા માટે બહુ નાનકડી છે.’



ધૂમકેતુની યાદગાર નવલિકા ‘પોસ્ટઓફિસ’માં પેલું સુંદર વાક્ય છેઃ ‘માણસ પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ, તો અરધું જગત શાંત થઈ જાય.’ આપણે અપેક્ષાઓ રાખીએ છીએ, આક્ષેપો કરીએ છીએ, પણ સ્વકેન્દ્રીપણું છોડીને વિચારતા નથી. ફિલ બોસમન્સ એક જગ્યાએ ઘારદાર સવાલ કરે છેઃ ‘તને તો મારી જરાય પડી નથી આમ કહેતાં પહેલાં વિચારો તો ખરા કે તમે કદીયે તમારી જાતને કોઈના માટે સર્વસમર્પિત કરી છે ખરી?’

આમ કહીને તેઓ ઉમેરે છેઃ ‘તકેદારીથી તોળેલોમાપેલો પ્રેમ એ પ્રેમ નથી, પણ ગણિત અને ગણતરી છે. આમ કરીને તમે આનંદ ગુમાવો છો. આવો પ્રેમ સુખ નથી આપતો... કોઈકને કંઈક આપતા રહેવું ખૂબ જ મહત્ત્વનું છે પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે. આ જિંદગીમાં જે કંઈ છે એમાં બે વસ્તુ મહત્ત્વની છે સમજણ અને ક્ષમા. જો માણસ એટલું સમજે કે બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે અને ક્ષમા આપવા તૈયાર હો તો જ સાથે રહેવું શક્ય બને.’



સ્વામી સચ્ચિદાનંદે આ પુસ્તક વિશે કહ્યું છે તેમ, અહીં માનવસંબંધોની વાત છે પણ ક્યાંય સ્વચ્છંદતાને પ્રોત્સાહન અપાયું નથી.

ફિલ બોસમન્સ લખે છેઃ ‘સ્વતંત્રતા પ્રેમના વાતાવરણમાં અર્થપૂર્ણ, મૂલ્યવાન અને આનંદદાયક હોય છે. આ જગતમાં સ્વતંત્રતા કરતાં પ્રેમનું મૂલ્ય અધિક છે... કામેચ્છા કોઈને આપોઆપ સલામતી નથી આપતી. ફક્ત સાચા પ્રેમના સાન્નિધ્યમાં ઉત્તમ કામેચ્છા ઊઘડે છે અને અર્થપૂર્ણ બને છે.’

 આ પુસ્તક જાણે કે સંતવાણી છે. તે વાંચતા એવું લાગે કે આ લેખક તમને સમજે છે, એ જાણે છે કે તમે કઈ વાતે મંૂઝાઈ રહ્યા છો, એને ખબર છે કે તમે શું સાંભળવા માગો છો. પાનાં ફરતાં જાય એમ લેખક તમારો શુભચિંતક છે એવી ખાતરી થતી જાય છે, તમને એના પર વિશ્વાસ બેસતો જાય છે. માત્ર શબ્દોના માધ્યમથી એક માણસ (એટલે કે લેખક) સાવ અજાણ્યા એવા બીજા માણસ (એટલે કે વાચક)ને આવી પ્રતીતિ કરાવી શકે તે નાનીસૂની વાત નથી. રમેશ પુરોહિતે કરેલો આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ (ખરેખર તો અનુસર્જન) એટલો તો અફલાતૂન છે કે તે એક આગવું, પોતીકું વાતાવરણ રચે છે. બહુ ઓછાં પુસ્તકો એક ભાષામાંથી બીજી ભાષામાં આટલી ખૂબીપૂર્વક પરિવર્તિત થતું હોય છે.

માત્ર વાંચવા જેવું જ નહીં, પણ મિત્રોસંબંધીઓને ભેટમાં આપી ગમતાને ગુલાલ કરવા જેવું સુંદર પુસ્તક!

(સુખને એક અવસર તો આપો


લેખકઃ ફિલ બોસમન્સ


અનુવાદકઃ રમેશ પુરોહિત


પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે,
ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧


વિક્રેતાઃ બુકમાર્ક, ૭એ, ચીનુભાઈ ટાવર્સ, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯


ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, ૨૨૧૩ ૨૯૨૧
કિંમતઃ રૂ. ૧૦૦/
કુલ પૃષ્ઠ સંખ્યાઃ ૧૨૦)

Saturday, August 28, 2010

સ્વામી સચ્ચિદાનંદની લેટેસ્ટ બુક કેવી છે?

ચિત્રલેખા અંક તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત

કોલમઃ વાંચવા જેવું

સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ



શહીદોની ક્રાંતિગાથાઓ

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

 
ઠંડા લોહીવાળી પ્રજા ડાહી થઈને વ્યાપારધંધો કરીને પેટ ભરવાના કામમાં લાગેલી રહી છે. તે પેટભરા ભૂંડ જેવા મોટી ફાંદ તો વધારી શકે છે, પણ ક્રાંતિની જ્વાળા પ્રગટાવી શકતા નથી. અરે, સમય આવ્યે ક્રાંતિની મશાલમાં બે પળી તેલ પણ રેડી શકતા નથી.



આવી તીખી તમતમતી ભાષા સ્વામી સચ્ચિદાનંદની જ હોય! સાઠેક જેટલા જાણીતાઓછા જાણીતાઅજાણ્યા ક્રાંતિકારીઓ વિશેના આ પુસ્તકમાં સ્વામીજી ખૂબ ખીલ્યા છે. ભારતને આઝાદી અપાવનાર શહીદો વિશે ખૂબ લખાયું છે, સતત લખાયું છે, પણ આ પુસ્તક અલગ ભાગ ઊપસાવે છે. તેનું કારણ એ છે કે અહીં માત્ર ઈતિહાસની શુષ્ક વિગતોનો ખડકલો નથી. અહીં વાત ચોક્કસ દષ્ટિકોણ સાથે અને વિશિષ્ટ પરિપ્રેક્ષ્યમાં વાચક સામે મૂકાઈ છે. ક્રાંતિકારીઓ વિશે વાત કરતાં કરતાં સ્વામીજી પોતાની લાક્ષાણિક શૈલીમાં ટિપ્પણીઓ કરતા જાય છે, જે પુસ્તકને જીવંત અને ખૂબ રસપ્રદ બનાવી મૂકે છે.



ક્રાંતિકારીઓ અંગ્રેજ કાળમાં જ કેમ પેદા થયા? સ્વામીજી આના ત્રણ સંભવિત કારણો બતાવે છે. એક તો, ભારતની પ્રજા શિક્ષિત બની અને વિલાયત ગઈ. વિલાયત ગયેલા આપણા વિદ્યાર્થીઓ અંગ્રેજી શિક્ષણની સાથે આઝાદીનો પવન પણ લેતા આવ્યા. ગુલામી વિલાયતથી આવી તો આઝાદી પણ વિલાયતથી જ આવી! બીજું કારણ, ધાર્મિક તેમજ સામાજિક સુધારાઓ થવા લાગ્યા અને ત્રીજું, અંગ્રેજોની દેશી રજવાડાંઓને ખાલસા કરવાની નીતિને કારણે ખૂબ અસંતોષ પેદા કર્યો. કેટલાંય રજવાડાં માટે ક્રાંતિના માર્ગે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.



સરદાર ભગતસિંહ વિશેના પ્રકરણમાં લેખક એક આડવાત કરતાં કરે છે, ‘સ્વામી દયાનંદ સરસ્વતી મૂળ ગુજરાતના, પણ ગુજરાત તેમને ઓળખી ન શક્યું. પચાવી ન શક્યું. ગુજરાતને બહારના ધર્મગુરૂઓ કોઠે પડી ગયા છે... સ્વામીજી પછી ગુજરાત આવ્યા હતા અને બે વાર પથરા ખાઈને પાછા પંજાબ ચાલ્યા ગયા હતા. કદાચ એટલે જ કહેવાયું હશે કે ‘ઢોંગી કો ગુજરાત’. ઉત્તમમાં ઉત્તમ બીજ પણ ઉત્તમ ધરતીની અપેક્ષા રાખે છે. એવું લાગે છે કે ફરીથી સ્વામીજી ગુજરાત આવ્યા નહીં. ગુજરાતને તેનો કદી અફસોસ થયો જાણ્યો નથી.’



અંગ્રેજોને વાંધો હતો ક્રાંતિકારીઓથી, ભારતની તથાકથિત અધ્યાત્મિકતામાં રત રહેનારાઓથી નહીં. ક્રાંતિકારીઓનો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’નો નારો ‘અહં બ્રહ્માસ્મિ’ કરતાં વધુ ખતરનાક હતો. ‘આત્માવાળા ક્રાંતિકારીઓથી દૂર રહેતા હતા,’ એમ કહીને સ્વામીજી ઉમેરે છેઃ ‘આ આત્માવાળોઓને તો આપણે ભલા ને આપણો આત્મા ભલો, કોઈ ખતરો તો નહીં. આત્માના નામે જલસા કરો. સંસારને ભાંડતા જાવ અને મન મૂકીને ભોગવતા જાવ. આ થયું અધ્યાત્મ. આવું અધ્યાત્મ તો દુશ્મનોને જ ગમે.’



આઝાદીની લડતમાં માત્ર સવર્ણ હિંદુઓ જ ફાંસીએ ચડ્યા નથી. કેટલાક આદિવાસીઓ પણ આ યજ્ઞવેદીમાં આહૂતિ પામ્યા છે. દેશ ગુલામ હતો ત્યારે ઝારખંડમાં આઝાદી માટેની ચળવળ શરૂ થયેલી. અહીં મુંડા નામની આદિવાસી જાતિમાં બિરસાનો જન્મ થયો હતો. તેનાં માબાપ વટલાયેલાં ખ્રિસ્તીઓ હતાં. બાહ્ય સંપર્ક વિનાની આદિવાસી પ્રજા સ્થગિત થઈ ગઈ હતી. ત્યાં શૂન્યાવકાશ સર્જાયો, જેનો લાભ ખ્રિસ્તી મિશનરીઓએ લીધો... પણ આદિવાસી
બિરસા મુંડાએ યુવાનવયે જ પાછો હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો. તેનાં આ પગલાંથી આદિવાસીઓમાં એક મોજું ફેલાઈ ગયું. અંગ્રેજો અને બિરસાની આદિવાસી ટુકડી સામસામે આવી ગયા. અંગ્રેજોની તોપો અને બંદૂકોએ ચારસો જેટલા મુંડાઓનો જીવ લઈ લીધો. સ્વામી સચ્ચિદાનંદે દંતાલી ખાતેના એમના નવા મંદિરની પ્રદક્ષિણામાં બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે!



ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરતાથી આપણે વાકેફ છીએ, પણ મધ્યભારતના રામગઢ સ્ટેટની રાણી અવંતીબાઈ તેના કરતાં સહેજે ઓછી બહાદૂર નહોતી. કમનસીબે તેને લક્ષ્મીબાઈ જેટલી પ્રસિદ્ધિ ન મળી. લક્ષ્મીબાઈના તોપચીની પત્ની ઝલકારીને પણ ક્યાં ખાસ યાદ કરાય છે? ૧૮૫૭ના વિદ્રોહ દરમિયાન ઝલકારી લક્ષ્મીબાઈ પાસે પહોંચી ગઈ અને નમ્રતાથી કહ્યું, ‘બાઈસાહેબ, તમારું અને કુંવરનું રક્ષણ થાય તે બહુ જરૂરી છે. આપનાં વસ્ત્રો, મુગટ વગેરે મને પહેરાવો. એક દરવાજેથી હું તમારું રૂપ ધારણ કરીને નીકળંુ અને બીજા દરવાથેથી સાદાં વસ્ત્રોમાં તમે વિદાય થઈ જાવ...’ આ યોજનાનો અમલ કરવામાં આવ્યો. પછી તો ઝલકારી પોતેય પણ ખૂબ લડી. તોપચી પતિને ગોળી વાગતા ઝલકારીએ તોપ સંભાળી અને ‘જય ભવાની...!’ની ગર્જના કરતાં કરતાં એવા ગોળા છોડ્યા કે અંગ્રેજ સેનામાં હાહાકાર મચી ગયો.



ઝલકારી જેવી ‘મર્દ’ સ્ત્રીઓ ઉપરાંત સ્ત્રી જેવા દેખાવ ધરાવતા મર્દ વસંતકુમાર વિશ્વાસની કથા પણ જાણવા જેવી છે. દહેરાદૂનમાં વનવિભાગમાં પટાવાળાની નોકરી કરતો વસંતકુમાર વિશ્વાસને જુઓ તો જાણે કોઈ છોકરીએ પુુરુષનો કપડાં પહેરી લીધા હોય તેવું લાગે. એક વાર દિલ્હીમાં હાથી પર વાઈસરોય લોર્ડ હાર્ડંિગની ભવ્ય સવારી નીકળી. સાથે પત્ની પણ હતી. આ સવારી જોવા ટોળે વળેલી મેદનીમાં વસંતકુમાર બુરખો પહેરીને ભળી ગયો મોકો જોઈને વાઈસરોય પર હાથબોમ્બ ફેંક્યો! નાસભાગ થઈ ગઈ. હાર્ડંિગ અને તેની પત્ની તો બચી ગયાં, પણ અંગરક્ષકના રામ રમી ગયા. વસંતકુમારની ધરપકડ થઈ અને તેને ફાંસીએ ચડાવી દેવામાં આવ્યો. તે વખતે તેની ઉંમર હતી ફક્ત ૨૩ વર્ષ!



દક્ષિણ ભારતમાં ક્રાંતિકારીઓ પ્રમાણમાં ઓછા પેદા થયા છે, પણ
વાંચી અય્યર તેમાં અપવાદરૂપ છે. પંચમ જ્યોર્જ શહેનશાહ ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે ક્રાંતિકારીઓએ તેમને જોરદાર આંચકો આપવાનું નક્કી કર્યું. ટીનેવેલી નગરનો અત્યાચારી કલેક્ટર રોબર્ટ વિલિયમ એશ એક વાર ટ્રેનના ફર્સ્ટ ક્લાસના સલૂન જેવા ડબામાં રૂઆબથી બેઠો હતો ત્યારે વાંચી અય્યરે તેના પર રિવોલ્વરની બે ગોળી છોડી. રોબર્ટ એશનું ત્યાં જ ઢીમ ઢળી ગયું. અંગ્રેજોના હાથે પકડાવું ન પડે તે માટે અય્યરે નાળચું પોતાના લમણા પર તાક્યું અને ટ્રિગર દબાવી દીધું. આત્મહત્યા મહાવીરતા કે મહાબલિદાન પણ હોઈ શકે છે!



પુસ્તકમાં આવા કેટલાય અજાણ્યા જાબાંઝોની દાસ્તાન આલેખાયેલી છે. ગુજરાતના શહીદો વિશે અલાયદું પ્રકરણ છે. સ્વામીજી પાસે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ તેમજ વૈશ્વિક સત્યોના પાક્કા સંદર્ભો છે, રસાળ ભાષાશૈલી છે અને મૌલિક ચિંતન છે. તેમનાં અમુક નિરીક્ષણો ખાસ ધ્યાન ખેંચે છેઃ ‘ક્રાંતિમોજાંને ઠંડું પાડવામાં સરકારી દમને જે કામ કર્યું તેથી વધુ ગાંધીજીના પ્રભાવે કામ કર્યું... કડવું સત્ય તો એ છે કે અંગ્રેજો સિવાય ક્યાંય ગાંધીવાદી આંદોલનો સફળ થયાં ન હતાં, એટલે ગાંધીવાદી સફળતામાં અંગ્રેજો પોતે પણ તેટલા જ કારણરૂપ છે.’



પુસ્તકમાં ક્યારેક એક જ વાતનું અવારનવાર પુનરાવર્તન થતું જરૂર લાગે, જેને ટાળી શકાયું હોત. સાવ સાદી પ્રોડકશન વેલ્યુ ધરાવતું આ વિચારોત્તેજક પુસ્તક તમારા અંગત પુસ્તકાલયનું આભૂષણ બની રહેવાનું.



(શહીદોની ક્રાંતિગાથાઓ

લેખકઃ સ્વામી સચ્ચિદાનંદ

પ્રકાશકઃ ગૂર્જર સાહિત્ય ભવન,
રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ,
અમદાવાદ ૩૮૦૦૦૧
ફોનઃ (૦૭૯) ૨૨૧૪૪૬૬૩, ૨૬૫૬૪૨૭૯
કિંમતઃ રૂ. ૧૦૦/
પૃષ્ઠ સંખ્યાઃ ૨૬૪)

૦૦૦૦