Showing posts with label Woody Allen. Show all posts
Showing posts with label Woody Allen. Show all posts

Monday, June 30, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : ફિલ્મ ૭૭ : મેનહટન


Mumbai Samachar - Matinee - 27 June 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો


વૂડી એલન બડા એડિક્ટિવ માણસ છે. એમની ફિલ્મોને વીણી વીણીને જોવાનો રીતસર ચસકો લાગી જાય છે. રોમેન્ટિક કોમેડી બનાવવામાં એમણે મહારત હાંસલ કરી છે. વૂડીની શ્રેષ્ઠ ફિલ્મોમાં સ્થાન પામતી ‘મેનહટન’માં પ્રેમના રમૂજી શેડ્ઝ ઉપરાંત એકલતા અને અધૂરપની લાગણી પણ સરસ ઊભરી છે.

 ફિલ્મ 78 : મેનહટન



મૈંને પ્યાર ક્યૂં કિયા?


વૂડી એલનની ‘ઍની હૉલ’ ફિલ્મ વિશે આપણે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. પ્રચુર માત્રામાં ફિલ્મો બનાવતા આ વિચક્ષણ અમેરિકન ફિલ્મમેકરની ઑર એક ક્લાસિક અને જલસો પડી જાય તેવી ફિલ્મ વિશે આજે વાત કરીએ.

ફિલ્મમાં શું છે?

પાક્કો ન્યૂયોર્કવાસી આઈઝેક ડેવિસ (વૂડી એલન) ફિલ્મનો મુખ્ય નાયક છે. ટીવી પર કોમેડી સિરિયલો લખે છે. ટિપિકલ વૂડી એલન ફિલ્મોની જેમ આમાં પણ નાયકને ખૂબ બોલવાની, સતત બોલતા રહેવાની આદત છે. ૪૨ વર્ષની ઉંમરમાં એના બબ્બે વાર ડિવોર્સ થઈ ચૂક્યા છે. એક સંતાન પણ છે જે પહેલી પત્નીની સાથે રહે છે. બીજી પત્ની જિલ (મેરિલ સ્ટ્રીપ) ઓચિંતા લેસ્બિયન નીકળી.

પોતાની પ્રેમિકા ખાતર એણે આઈઝેકને છોડી દીધો છે. આટલું જાણે ઓછું હોય તેમ જિલ એક આત્મકથનાત્મક પુસ્તક લખી રહી છે, જેનું ટાઈટલ રાખ્યું છે - ‘મેરેજ, ડિવોર્સ એન્ડ સેલ્ફહૂડ’. એમાં એ આઈઝેક સાથેની સેક્સલાઈફ સહિતની બધ્ધેબધ્ધી વાતોના વટાણા વેરી દેવાની છે. આઈઝેક એને બહુ સમજાવે છે કે તું આપણી, ખાસ તો મારી પર્સનલ લાઈફના આમ જાહેરમાં ઘજાગરા કરવાનુું રહેવા દે, પણ જિલ સાંભળે તોને.

                                            



શું બબ્બે ડિવોર્સ પછી આઈઝેક હવે સંબંધોથી દૂર રહે છે? ના રે ના. એને ટ્રેસી (મેરીલ હેમિંગ્વે) નામની સરસ મજાની ગર્લફ્રેન્ડ પણ છે જે એના કરતાં પચ્ચીસ વર્ષ નાની છે. સત્તર વર્ષની ટ્રેસી હજુ તો હાઈસ્કૂલમાં ભણે છે. એવું નથી કે આઈઝેક એના ભોળપણનો ગેરલાભ ઉઠાવી રહ્યો છે. એ સતત ટ્રેસીને કહ્યા કરે છે કે તું તારી ઉંમરના છોકરાઓ સાથે હર-ફર, એમની સાથે દોસ્તી કર, તને લંડનની એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લેવામાં રસ છે તો એમ કર, કારણ કે આપણી રિલેશનશિપનું કોઈ ભવિષ્ય નથી. જોકે ટ્રેસી આ સંબંધમાં બહુ ખુશ છે. એને બીજા છોકરાઓમાં રસ લેવાની જરાય જરૂર લાગતી નથી.

આઈઝેકનો એક પ્રોફેસર દોસ્ત છે, યેલ (માઈકલ મર્ફી). બન્ને બાળપણના મિત્રો છે. યેલને એમિલી નામની સુંદર અને સમજદાર પત્ની છે, છતાંય એ મેરી (ડિએન કીટન) નામની ડિવોર્સી સાથે એકસ્ટ્રામેરિટલ અફેર ચલાવે છે. મેરીની પહેલાં પણ એ બીજી મહિલાઓ સાથે લફરાં કરી ચૂક્યો છે. એમિલી પતિનાં કારનામાં જાણે છે, પણ કોમ્પ્રોમાઈઝ કરીને લગ્નજીવન ટકાવી રાખવામાં એને ખાસ કંઈ વાંધો નથી.

                                             




એક વાર આઈઝેક-ટ્રેસી અને યેલ-મેરી કશેક આકસ્મિકપણે ભેગાં થઈ જાય છે. મેરી એક નંબરની સ્યુડો-ઈન્ટેલેક્ચ્યુઅલ મહિલા છે. એ સાહિત્ય, કળા, ફિલોસોફી અને ઈતિહાસની ઊંચી ઊંચી, અઘરી અઘરી અને માથામેળ વગરની વાતો કર્યા કરશે. આઈઝેક એનાથી કંટાળી જાય છે. એ પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડને કહે છે પણ ખરો કે યેલ કાયમ આવી વિચિત્ર બાઈઓ તરફ જ શા માટે એટ્રેક્ટ થતો હશે?

આઈઝેક ચક્રમ જેવી કોમેડી સિરિયલો લખીને ત્રાસી ગયો છે. એક વાર તોરમાં આવીને એ નોકરી છોડી દે છે. આ બાજુ શાદીશુદા યેલ પોતાની પ્રેમિકા સાથે બ્રેક-અપ કરી લે છે. એ આઈઝેકને કહે છે કે મેરી સાથે હવે મારે કોઈ સંબંધ નથી, તું શું કામ એની સાથે દોસ્તી કરતો નથી? મેરીને તારા માટે માન છે. આઈઝેક અને મેરી ધીમે ધીમે હળવામળવાનું શરુ કરે છે.

મેરી ફર્સ્ટ ઈમ્પ્રેશન જરાય સારી નહોતી પડી, પણ પછી ધીમે ધીમે દોસ્તી થતી જાય છે. આઈઝેક એની સાથે કલાકો સુધી નોનસ્ટોપ વાતો કરતો રહે છે. મેરી સાથે રિલેશનશિપ આગળ વધારી શકાય છે એવું લાગતા એ ટીનેજ ટ્રેસીને એક વાર નિખાલસતાપૂર્વક કહી દે છે કે મારી લાઈફમાં હવે કોઈક છે. આપણે હવે સંંબંધ પર પૂર્ણવિરામ મૂકીએ. ટ્રેસી રડી પડે છે. આઈઝેક એને સમજાવે છે કે તને શરૂઆતમાં અઘરું લાગશે, પણ તું દુનિયા એક્સપ્લોર કરીશ એટલે એટલા સરસ-સરસ લોકો મળશે કે તું મને જરાય મિસ નહીં કરે.

                                              



મેરી હવે આઈઝેકની સાથે રહેવા લાગે છે. મેરી એકાદ વાર ચેતવે પણ છે કે હું ડિફિકલ્ટ સ્ત્રી છું, મારી સાથે રિલેશનશિપ બાંધવી સહેલી નથી. એક વાર યેલ એકાએક મેરીને ફોન કરે છે: મારે તને મળવું છે. યેલ અને મેરી બન્નેને હવે લાગે છે કે આપણે બ્રેકઅપ કરીને ખોટું કરી નાંખ્યું, આપણે તો હજુય એકબીજાના પ્રેમમાં છીએ. મેરી આઈઝેકને સાચેસાચું કહી દે છે. આઈઝેકને ઝટકો લાગે છે. એ યેલ સાથે ઝઘડી પડે છે. યેલ કહે છે: પણ મેરી તારા પહેલાં મારી ગર્લફ્રેન્ડ છે, એની સાથે તારી ઓળખાણ મેં જ તો કરાવી હતી!

તરછોડાયેલા આઈઝેકને પાછી પોતાની ટીનેજ ગર્લફ્રેન્ડ સાંભરે છે. એને થાય છે કે ટ્રેસી જ બેસ્ટ છે. એને અળગી કરીને મેં ભયંકર ભૂલ કરી નાખી છે. એ ગાંડાની જેમ દોડતો દોડતો ટ્રેસીના ઘરે જાય છે. એ હવે અઢાર વર્ષની થઈ ગઈ છે. ટ્રેસી બેગબિસ્તરાં સાથે ટેક્સીમાં બેસીને એરપોર્ટ તરફ રવાના થાય એટલી જ વાર છે. આઈઝેક ઘાંઘો થઈને કહે છે કે આઈ એમ સોરી. તું પ્લીઝ, લંડન જવાનું માંડી વાળ. ટ્રેસી કહે છે: પણ મેં ઓલરેડી એડમિશન લઈ લીધું છે, લંડનમાં ભાડાનું મકાન નક્કી કરી નાંખ્યું છે... અને હું ક્યાં કાયમ માટે લંડન જઈ રહી છું. છ મહિનામાં તો પાછી આવી જઈશ. આપણે એકબીજાને પ્રેમ કરતા હોઈએ તો છ મહિના દૂર રહેવાથી શું ખાટુંમોળું થઈ જશે? આઈઝેક કહે છે: ના ના, છ મહિનામાં તો ઘણું બધું થઈ શકે છે. તું કેટલાય જુવાનિયાઓના સંપર્કમાં આવીશ, એક્ટરોને મળીશ, ડિરેક્ટરોને મળીશ. ટ્રેસી કહે છે: હું કરપ્ટ નહીં થાઉં... અને તારે માણસો પર ભરોસો કરતાં શીખવું પડશે, આઈઝેક.

ટ્રેસી લંડન જતી રહે છે. અનિશ્ર્ચિતતા અને અસલામતી વચ્ચે આઈઝેક પાછો એકલોઅટૂલો થઈ જાય છે...

કથા પહેલાંની અને પછીની


જે ફિલ્મ બનાવીને એના ડિરેક્ટર-રાઈટરને ભયંકર અસંતોષ રહી ગયો હોય અને ફિલ્મ બહુ જ ખરાબ બની છે એવું પોતે દૃઢપણે માનતા હોય તે જ ફિલ્મ આગળ જતાં ઓલટાઈમ ગ્રેડ ફિલ્મોની જુદી જુદી સૂચિઓમાં સ્થાન પામે, એવું બને? ચોક્કસ બને.‘મેનહટન’ના કિસ્સામાં આવું જ થયું છે. ૧૯૭૭માં ‘ઍની હૉલ’ નામની ઓસ્કરવિનિંગ ફિલ્મ બનાવી ચૂકેલા વૂડી એલને બે વર્ષ પછી ‘મેનહટન’ બનાવી. આ ફિલ્મથી તેઓ એટલા અસંતુષ્ટ હતા કે એમણે યુનાઈટેડ આર્ટિસ્ટ્સ સ્ટુડિયોના માલિકોને કહી દીધું હતું કે તમે આ ફિલ્મને રિલીઝ કર્યા વિના માળિયે ચડાવી દો, આના બદલામાં હું તમને બીજી કોઈ સારી ફિલ્મ મફતમાં ડિરેક્ટ કરી આપીશ! મજા જુઓ. વૂડીની ખુદની સૌથી અપ્રિય ફિલ્મ બોક્સઓફિસ પર સૌથી વધારે સફળ થઈ. વર્ષો સુધી વૂડી કહેતા રહ્યા કે મને હજુય સમજાતું નથી કે ‘મેનહટન’ કેવી રીતે ચાલી ગઈ!


                                            


વૂડી એલન નખશિખ ન્યૂયોર્કપ્રેમી માણસ છે. તેઓ પોતાના ફેવરિટ શહેરને એકદમ ક્લાસી રીતે શૂટ કરવા માગતા હોવાથી ફિલ્મ બ્લેક-એન્ડ-વ્હાઈટમાં શૂટ કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં ન્યૂયોર્કના કેટલાંય લેન્ડમાર્કસનો લોકેશન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મ રિલીઝ થઈ પછી ૧૭ વર્ષની છોકરીને પોતાના બાપની ઉંમરના પુરુષના પ્રેમમાં પડેલી દેખાડી છે તે બદલ થોડીઘણી ટીકા જરૂર થઈ હતી. ‘ઍની હૉલ’ દરમિયાન વૂડી એલન અસલી જીવનમાં સ્ટેસી નેલકીન નામની ટીનેજ એક્ટ્રેસના પ્રેમમાં પડી ચૂક્યા હતા. એ બન્ને વચ્ચે પણ પચ્ચીસ વર્ષનો ગાળો હતો. તેમનો રોમાન્સ બે વર્ષ ટકેલો. ટ્રેસીનું પાત્ર આ સ્ટેસી પરથી જ આવ્યું છે. ટ્રેસીની ભૂમિકામાં વૂડીની ઈચ્છા જુડી ફોસ્ટરને લેવાની હતી, પણ આખરે મેરીલ હેમિંગ્વે નામની ટીનેજ એક્ટ્રેસને કાસ્ટ કરવી પડી. તરુણી હોવા છતાં મોટેરાઓ કરતાં વધારે મેચ્યોરિટી અને ઊંડાણ ધરાવતી ટ્રેસીનું પાત્ર મેરીલે બહુ જ સહજતાથી ભજવ્યું છે. તેથી જ તો એ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઓસ્કર જીતી ગઈ. એ વર્ષે બેસ્ટ એકટ્રેસનો એવૉર્ડ મેરિલ સ્ટ્રીપને ‘ક્રેમર વર્સસ ક્રેમર’ માટે મળ્યો હતો. મેરિલે ‘મેનહટન’માં વૂડીની લેસ્બિયન એક્સ-વાઈફનો રોલ પણ કર્યો છે. જોકે આમાં એણે અભિનયના કોઈ અજવાળાં પાથરવાના નહોતા. એના ભાગે ચારેક સીન માંડ આવ્યાં છે. ૧૯૭૯માં મેરિલ સ્ટ્રીપની એક ઑર ફિલ્મ રિલીઝ થઈ હતી- ‘ધ સિડક્શન ઓફ જા ટાઈનેન’. મેરી બનેલી ડિએન કીટન સાથે વૂડીએ કુલ આઠ ફિલ્મો કરી છે. વૂડી એલન બધી ફિલ્મોમાં વૂડી એલન જ હોય છે અને તેઓ દર વખતે એકનું એક પાત્ર ભજવ્યા કરે છે એવું હંમેશાં કહેવાતું રહ્યું છે. વાતમાં તથ્ય છે. રાઈટર-એક્ટર વૂડી એલનમાં આંખો ચાર થઈ જાય એવી વર્સેેટાલિટી નથી જ. છતાંય સ્ક્રીન પર વૂડીને જોવાનો ક્યારેય કંટાળો આવતો નથી. બલકે, એમનું બંધાણ થઈ જાય છે. અમિતાભ બચ્ચનને વર્ષો સુધી એન્ગ્રી યંગ મેનના અવતારમાં જોઈને આપણે થાકતા નહોતા, એમ.

                                           



વૂડી એલન આ ફિલ્મને પોતાની આગલી ફિલ્મો ‘ઍની હૉલ’ અને ‘ઈન્ટીરિઅર્સ’ની ભેળપુરી જેવી ગણાવે છે. ભેળપુરી ખરેખર ખૂબ ટેસ્ટી છે. ક્યારેક ખડખડાટ હસાવી દે તો ક્યારેક મરકાવી દે તેવા મસ્તમજાના ડાયલોગ્ઝ અને સ્માર્ટ વનલાઈનર્સ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે (ફિલ્મ જોતી વખતે સબટાઈટલ્સનું ઓપ્શન ઑન રાખવાનું છે). ફિલ્મના પ્લોટ પરથી ધારો કે બોક્સઓફિસ પર ચાલે એવી કોમેડી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી થાય અને ડિરેકશન અનીસ બઝમી પ્રકારના મેકરને સોંપવામાં આવે તો તે કેવી બને? મોટે ભાગે તો સ્થૂળ અને વાહિયાત. વૂડીએ ‘મેનહટન’માં ઝીણું નક્શીકામ કર્યું છે. તે માત્ર ટાઈમપાસ રોમેન્ટિક-કોમેડી બનીને અટકી જતી નથી. એમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ અને લાક્ષણિકતાઓ ભારે ખૂબસૂરતીથી ઝિલાઈ છે. અહીં પ્રેમ કરતાં ખાસ તો એકલતા અને અધૂરપની વાત છે. ફિલ્મ નથી ક્યારેય સેન્ટિમેન્ટલ બનતી કે નથી કોમિક દૃશ્યોમાં ક્યારેય લાઉડ બનતી. વળી, ન્યાયાધીશ બનીને નૈતિક મૂલ્યો વિશે કોઈ ઉપદેશ આપવાની ચેષ્ટા પણ થઈ નથી.

ફિલ્મ ન જોઈ હોય તો ખાસ જોજો. અગાઉ કહ્યું તેમ, વૂડી એલન એડિક્ટિવ છે. ‘મેનહટન’ જોયા પછી તમે વૂડી એલનની બીજી ફિલ્મોને વીણી વીણીને જોવાનો ચસકો લાગી જાય તો કહેતા નહીં કે અમે તમને ચેતવ્યા નહોતા!


‘મેનહટન’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્શન : વૂડી એલન    



સ્ક્રીનપ્લે : વૂડી એલન - માર્શલ બ્રિકમેન

કલાકાર : વૂડી એલન, ડિએન કીટન, મેરીલ હેમિંગ્વે, માઈકલ

મર્ફી, મેરિલ સ્ટ્રીપ

રિલીઝ ડેટ : ૨૫ એપ્રિલ ૧૯૭૯

મહત્ત્વના એવૉર્ડ્ઝ : બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (મેરીલ હેમિંગ્વે) માટેનો ઓસ્કર એવૉર્ડ, બેસ્ટ સ્ક્રીનપ્લે માટેનું ઓસ્કર નોમિનેશન

Sunday, February 23, 2014

મલ્ટિપ્લેક્સ: વેર, વિવાદ અને વૂડી


Sandesh - Sanskaar Purti - 23 Feb 2014
મલ્ટિપ્લેક્સ
ઓસ્કર એવોર્ડ્ઝની ઘોષણાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે હોલિવૂડના ગ્રેટ ફિલ્મમેકર વૂડી એલન અપ્રિય વિવાદમાં ફસાઈ ગયા છે. શું એમણે ખરેખર પોતાની સાત વર્ષની દત્તક દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું?

આપણી નિસબત કોની સાથે હોવી જોઈએ - આર્ટ સાથે કે આર્ટિસ્ટ સાથે? આપણે કોના પર ફોકસ કરવું જોઈએ - કલાકાર પર કે એણે સર્જેલી કલાકૃતિ પર? માણસ આખરે શાનાથી ઓળખાય છે - પોતાની ટેલેન્ટ અને સિદ્ધિઓથી કે એના અંગત જીવનથી? આ પ્રશ્નો સતત ચર્ચાતા આવ્યા છે. ધારો કે એકાએક આપણને ખબર પડે કે અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં અત્યંત કુટિલ, ભયાનક ઝેરીલા, એક નંબરના કૌભાંડિયા માણસ છે અને ખાનગીમાં કેટલીય સ્ત્રીઓ સાથે આડા સંબંધ ધરાવે છે, તો શું એક કલાકાર તરીકેની તેમની મહાનતા ઓછી થઈ જશે? આપણે એમને પ્રેમ કરવાનું બંધ કરીને ધિક્કારવા માંડીશું? માઈકલ જેકશન જેવા દંતકથારૂપ કલાકાર બહુ ઓછા પાકે છે. એના પર ખરેખર ચાઈલ્ડ મોલેસ્ટેશન એટલે કે બાળકોનું જાતીય શોષણ કરવાના આરોપ લાગ્યા હતા. ઇતિહાસ એને કેવી રીતે યાદ રાખશે? સંગીત-નૃત્યની દુનિયામાં ક્રાંતિ લાવનાર ઊંચા દરજ્જાના આર્ટિસ્ટ તરીકે કે એક વિકૃત પુરુષ તરીકે?
આ ચર્ચા અત્યારે ફરી જાગી છે અને આ વખતે વિવાદના કેન્દ્રમાં છે હોલિવૂડના માસ્ટર ફિલ્મમેકર વૂડી એલન. ૭૮ વર્ષના આ રાઈટર-ડિરેક્ટર-એક્ટરના બાયોડેટામાં ૪૦ કરતાં વધારે ફિલ્મો બોલે છે. એમાં 'એની હોલ' અને 'મેનહટન' જેવી યાદગાર ફિલ્મો પણ આવી ગઈ. પચાસ વર્ષની કરિયરમાં તેમને ચોવીસ વખત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે અને ચાર ઓસ્કર અવોર્ડ્ઝ જીત્યાં છે. ત્રીજી માર્ચની વહેલી સવારે આપણે જેનું લાઈવ ટેલિકાસ્ટ જોવાના છીએ તે ઓસ્કર સમારોહમાં આ વખતે એમની 'બ્લૂ જાસ્મિન' નામની ફિલ્મ ત્રણ કેટેગરીમાં નોમિનેટ થઈ છે- બેસ્ટ સ્ક્રીનપ્લે, બેસ્ટ એકટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ. હવા એવી બની છે, રાધર, બની હતી કે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર આ વખતે 'બ્લૂ જાસ્મિન'ની હિરોઈન કેટ બ્લેન્ચેટ જ લઈ જશે. હજુ ગયા મહિને ગોલ્ડન ગ્લોબ ફંક્શનમાં હોલિવૂડ ફોરેન પ્રેસ અસોસિયેશને વૂડી એલનને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ઘોષિત કર્યો હતો. ઓસ્કરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું ને ત્યાં આ મોકાણ સર્જાઈ.
Wood Allen and Mia Farrow with children Dylan and Ronan in January 1988

આ મહિનાના પ્રારંભમાં 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ' અખબારના બ્લોગ પર એક લેખ મુકાયો. એનું મથાળું હતું, 'અન ઓપન લેટર ફ્રોમ ડાયલન એલન.' ડાયલન એટલે વૂડી એલનની દત્તક દીકરી. આ ખુલ્લા પત્રમાં ડાયલને વૂડી પર ખળભળી જવાય એવા આક્ષેપો કર્યા. એ સાત વર્ષની હતી ત્યારે કેવી રીતે વૂડી એલને એને ઘરનાં માળિયાં પર લઈ જઈને સેકસ્યુઅલી અબ્યુઝ કરી હતી એનું ઉકળી જવાય એવું ઝીણવટભર્યું વર્ણન કર્યું. ડાયલન અત્યારે ૨૯ વર્ષની છે. એ લખે છે કે મારા બાપે મારી સાથે દુષ્કર્મ કરીને મને એવી તોડી નાખી કે આટલાં વર્ષો પછી હું એની અસરમાંથી બહાર નથી આવી. આ બધું વાંચીને એક ત્વરિત પ્રતિક્રિયા રૂપે એવો વિચાર આવ્યા વિના ન રહે કે આખી દુનિયાએ જેને મહાન ફિલ્મમેકર... મહાન ફિલ્મમેકર કહીને માથે ચડાવ્યો છે એ માણસ આટલી હદે વિકૃત?
યાદ રહે, આ વાત સાવ નવી નથી. ૧૯૯૨માં વૂડી અને એની તે સમયની પાર્ટનર મિઆ ફેરોના સંબંધનો અંત આવ્યો અને બાળકોની કસ્ટડી માટે મામલો કોર્ટમાં ગયો હતો. મિઆએ પહેલી વાર વૂડી પર આક્ષેપ મૂક્યો હતો કે એણે અમારી નાનકડી દત્તક દીકરીનું શોષણ કર્યું છે. વૂડીની કેટલીય ફિલ્મોમાં મિઆ હિરોઈન રહી ચૂકી છે. વૂડી અને મિઆનો સંબંધ બાર વર્ષ રહ્યો. મિઆના આક્ષેપનાં પગલે કાનૂની છાનબીન થઈ. વૂડી લાઈ ડિટેક્ટર ટેસ્ટમાંથી હેમખેમ પસાર થયા. મિઆને પણ લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવાનો આગ્રહ થયો, પણ એણે ધરાર ટેસ્ટ ન જ આપી. વૂડીએ દીકરી સાથે દુષ્કૃત્ય કર્યું હોવાના કોઈ પુરાવા ન મળ્યા. મામલો આમ તો ત્યાં પૂરો થઈ ગયો હતો, પણ આટલાં વર્ષ પછી ડાયલને ઓચિંતા આ ખુલ્લો પત્ર લખીને કબરમાં દટાયેલાં મડદાં પાછાં બહાર કાઢયાં છે. ડાયલને પહેલી વાર મોં ખોલ્યું એટલે જૂની સ્ટોરીને નવો એન્ગલ મળ્યો છે.
Dylan and Mia Farrow as on today
સવાલ આ છેઃ મિઆ ફેરોએ પોતાના પ્રેમી અને પાર્ટનર રહી ચૂકેલા વૂડી એલન પર જે ભયાનક આક્ષેપ મૂક્યા હતા તેમાં કેટલું તથ્ય હતું? હમણાં સુધી મૌન રહેલી ડાયલનની વાચા કેમ અત્યારે એકાએક ફૂટી?
આગળ વધતાં પહેલાં રંગીલા વૂડી એલનની કોમ્પ્લિકેટેડ લવલાઈફ અને ચક્કર આવી જાય એવા ફેમિલી સ્ટ્રક્ચરની ઝલક લઈ લઈએ. બે લગ્ન અને બે ડિવોર્સમાંથી પસાર થયા પછી વૂડીભાઈના જીવનમાં મિઆ ફેરો આવી. બાર વર્ષની રિલેશનશિપ દરમિયાન તેમણે લગ્ન ન કર્યાં અને પોતપોતાનાં અલગ ઘર પણ જાળવી રાખ્યાં. વૂડી સાથે સંબંધમાં બંધાઈ ત્યારે મિઆ ત્રણ દત્તક બાળકોને આંગળીએ સાથે લેતી આવી હતી. એમાંની એક દીકરીનું નામ સૂન-યી. વૂડી અને મિઆએ બીજાં બે બચ્ચાં દત્તક લીધાં - ડાયલન અને મોઝીસ. મિઆએ વૂડીથી, ફોર અ ચેન્જ, એક બાયોલોજિકલ દીકરો પણ જણ્યો. ટૂંકમાં, તારાં-આપણાં-દત્તક-સગાં એમ બધાં મળીને એલન દંપતી કુલ પાંચ બાળકોનાં માબાપ બન્યાં. આમ તો મિઆ ફેરોએ આખા જીવનમાં અલગ અલગ પુરુષોથી કુલ ચાર બાળકો જણ્યાં છે અને નવ દત્તક લીધાં છે.
પહેલો બોમ્બ બાવીસ વર્ષ પહેલાં પડયો. મિઆના હાથમાં સૌથી મોટી સાવકી દીકરી સૂન-યીનાં નગ્ન ફોટોગ્રાફ્સ આવી ગયા. સૂન-યી તે વખતે ૧૯ વર્ષની હતી. આ તસવીરો ખેંચી હતી વૂડી એલને, જે તે વખતે ૫૬ વર્ષના હતા. મિઆ પર પહાડ તૂટી પડયોઃ વૂડી મારી પીઠ પાછળ મારી જ દત્તક દીકરી સાથે છિનાળાં કરે છે?! વૂડી સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જવું સ્વાભાવિક હતું.

Woody Allen with Soon-Yi
એક તરફ મિઆની એક્ઝિટ થઈ અને બીજી તરફ વૂડીએ દત્તક દીકરી સાથે લગ્ન કરી લીધાં! વૂડીના આ પગલાંથી મોટો હોબાળો મચી ગયો. વૂડી કહેઃ મને સૂન-યી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે મેં લગ્ન કર્યાં. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યું? સૂન-યીએ પણ કહ્યું: વૂડી મને ક્યારેય ફાધર કે ફાધર ફિગર લાગ્યા જ નથી. હું તો અમેરિકન પણ નથી. મને મિઆ અને એના એક્સ-પાર્ટનર એન્દ્રે પ્રેવીને દત્તક લીધી હતી. હું એન્દ્રેને જ મારા પિતા ગણું છું. વૂડીના પક્ષે આશ્વાસનરૂપ બાબત એ હતી કે સૂન-યીને મિઆએ કાયદેસર અડોપ્ટ કરી હતી, વૂડીએ નહીં. સૂન-યી મિઆ સાથે 'પેકેજ ડીલ' તરીકે આવી હતી.
વૂડીથી અલગ પડતી વખતે બાળકોની કસ્ટડીનો મામલો કોર્ટમાં ગયો. બસ, તે વખતે મિઆએ આક્ષેપ મૂક્યો હતો કે વૂડી પર્વર્ટ માણસ છે અને એણે અમારી સાત વર્ષની ડાયલનને પણ છોડી નથી.
ડાયલનનો ઓપન લેટર 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં પ્રગટ થયો પછી એ જ અખબારમાં વૂડીનો સામો જવાબ આપતો પત્ર પણ છપાયો. વૂડી, એની ટીમ અને એના સમર્થકો જે દલીલો કરે છે તેનો સૂર આ છેઃ વૂડીએ દત્તક દીકરી સાથે સંબંધ બાંધીને જે ભયાનક બેવફાઈ કરી હતી તેનો મિઆ બદલો લઈ રહી છે. એના જીવને આટલાં વર્ષો પછી પણ શાંતિ થઈ નથી અને એ હજુ પણ ખુન્નસ ખાઈને બેઠી છે. વૂડી-એન્ડ-પાર્ટીનું કહેવું છે કે જાતીય શોષણવાળી આખી વાત જ ઉપજાવી કાઢેલી છે. મિઆએ માસૂમ ડાયલનનું આટલાં વર્ષોમાં સખ્ખત બ્રેઈનવોશ કરી નાખ્યું છે, એના મનમાં વૂડી વિરુદ્ધ ભયંકર ઝેર ભરી દીધું છે. સાત વર્ષના બાળકનું મન બહુ જ કુમળું હોવાનું. એ ઉંમરે એના મનના ફલક પર જે કંઈ અંકિત કરી દેવામાં આવે તે જિંદગીભર ભુલાતું નથી. આટલાં વર્ષોમાં મિઆએ દીકરીના મનમાં વૂડીના કથિત શોષણ વિશે એટલું બધું ભૂસું ભરાવી દીધું હશે કે ડાયલનને એ બધું હવે સાચું જ લાગે છે. એણે ઓપન લેટરમાં આબેહૂબ દૃશ્ય ઊભું કરતું જાતીય શોષણનું જે વર્ણન કર્યું છે તે આ 'ફોલ્સ મેમરી'નો પ્રતાપ છે. ટૂંકમાં, વૂડીની ઇમેજ બગાડવા, એનું ચારિત્ર્યહનન કરવા મિઆ દીકરીનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે. વૂડીના સમર્થકો ઉમેરે છે કે તમે ટાઇમિંગ જુઓ. ઓસ્કર ફંક્શન પાસે આવી રહ્યું છે, વૂડીની ફિલ્મને એક કરતાં વધારે અવોર્ડ મળે તેવી શક્યતા ઊભી થઈ છે ત્યારે જ આખો માહોલ બગાડવા લાગ જોઈને મિઆએ ડાયલન પાસે પેલો ખુલ્લો કાગળ લખાવ્યો છે.
મામલો ગૂંચવાયેલો છે. કોણ કેટલું સાચું બોલે છે ને કેટલું જૂઠ ચલાવે છે તે નક્કી કરવું મુશ્કેલ છે. વૂડી ઓલરેડી એક દત્તક દીકરી (સૂન-યી) પર નજર બગાડીને એને પરણી ચૂક્યા છે તે વાત લોકો ભૂલ્યા નથી. વૂડીના જીવનમાં નૈતિક સાતત્ય જળવાયું નથી તે વાત સ્વીકારવી પડે. અલબત્ત, નૈતિકતા કોને ગણવી? તેની વ્યાખ્યા શી? તે કોણ નક્કી કરે? આ પાછી સાવ અલગ ચર્ચા થઈ.
વૂડી એલન પરનો આરોપ ક્યારેય પુરવાર થયો નથી, પણ રોમન પોલન્સ્કી પર તો ૧૩ વર્ષની છોકરી પર બળાત્કાર કરવા બદલ જેલવાસ ભોગવી ચૂક્યા છે. 'રોઝમેરીઝ બેબી' જેવી કેટલીય યાદગાર ફિલ્મો બનાવનાર રોમન પોલન્સ્કી પણ વિશ્વના મહાન ફિલ્મમેકર્સની સૂચિમાં બોલે છે. ચાર્લી ચેપ્લિન - એક ઔર દંતકથારૂપ ફિલ્મી હસ્તી - તેમણે ચાર લગ્નો કરેલાં. એમની ચાર પૈકીની ત્રણ પત્નીઓ લગ્ન વખતે સગીર વયની હતી. બે સોળ-સોળ વર્ષની અને એક સત્તરની!
હોલિવૂડમાં પર્સનલ લાઇફના વિવાદોને કારણે કોઈ ફિલ્મમેકરની કરિયર રોળાઈ ગઈ હોય તેવું બન્યું નથી. ટૂંકમાં, વાત પાછી ત્યાં જ આવીને ઊભી રહે છેઃ આપણી નિસબત કોની સાથે હોવી જોઈએ - આર્ટ સાથે કે આર્ટિસ્ટ સાથે? આપણે કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ - કલાકાર પર કે એણે સર્જેલી કલાકૃતિ પર? તમે શું કહો છો?
0 0 0 

Saturday, July 6, 2013

હોલીવૂડ હંડ્રેડ: ઍની હૉલ : પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ...

 મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - ૫ જુલાઈ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. વૂડી એલનની સર્વશ્રેષ્ઠ ગણાતી ‘ઍની હૉલ’ નામની કોમેડી ફિલ્મનો આ મુખ્ય સૂર છે. 



ફિલ્મ નંબર ૨૯. ઍની હૉલ 

‘હોલિવૂડ હન્ડ્રેડ’ કોલમમાં આજે વૂડી એલનની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. વૂડી એલન ફક્ત મહત્ત્વના ક્ધટેમ્પરરી અમેરિકન ડિરેક્ટર જ નથી, તેઓ એક્ટર, લેખક અને પ્રોડ્યુસર પણ છે. તેમની ફિલ્મો રમૂજથી છલછલતી, હલકીફૂલકી અને જીવાતા જીવનથી નિકટ હોય છે. એમાંય  સંબંધો વિશેની ફિલ્મો બનાવવામાં એમની માસ્ટરી છે. આજે એમની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાતી ‘ઍની હૉલ’નો વારો.

ફિલ્મમાં શું છે?

ફિલ્મની શરુઆત ઓડિયન્સની આંખોમાં આંખ પરોવીને કબૂલાત કરી રહેલા એલ્વી સિંગર(વૂડી એલન)ના ક્લોઝ-અપથી થાય છે. એલ્વી ન્યુયોર્ક વસતો અને ચાલીસનો થવા આવેલો યહૂદી સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. નાનપણથી જ એ મહાવિચિત્ર છે. એકવાર સ્કૂલમાં એણે લેસન કરવાનું બંધ કરી દીધું હતું. શા માટે? બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે અને ભવિષ્યમાં એનો નાશ થઈ જવાનો છે એવી ખબર પડવાથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો એટલે! હજુ ટીનએજર પણ થયો નહોતો ત્યારે એ ક્લાસની છોકરીઓના ગાલ પર બચ્ચી ભરી લેતો. છોકરીઓ ભેંકડો તાણતી. ટીચર એલ્વીને ઊભો કરીને ખખડાવતા. મોટા થયા પછી એલ્વીએ બે વાર લગ્ન કર્યાં, બન્ને વખત ડીવોર્સ થઈ ગયા. ત્યાર બાદ ઍની હૉલ (ડીએન કીટન) નામની ગર્લફ્રેન્ડ બની. એની સાથેના સંબંધ પણ એક વર્ષ પહેલાં પૂર્ણવિરામ મૂકાઈ ગયું. એલ્વીને સમજાતું નથી કેમ એની રિલેશનશિપ્સ, લવલાઈફ અને સેક્સલાઈફ સ્થિર કેમ રહી શકતા નથી. ફિલ્મની પહેલી દસ જ મિનિટમાં એલ્વીનું ઉત્પાતીયું, અધીરું, નિરાશાવાદી છતાંય રમૂજી વ્યક્તિત્ત્વ સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ જાય છે.

વાર્તા હવે ફ્લેશબેકમાં ગતિ કરે છે. એક રાતે એલ્વી પ્રેમ કરવાના મૂડમાં છે, પણ ઍની રસ દેખાડતી નથી. બન્ને એલ્વીની પૂર્વ પત્નીઓ વિશે ચર્ચા કરવા લાગે છે. પહેલી પત્ની સાથેની સેક્સલાઈફમાં ક્યારેય જમાવટ થઈ જ નહોતી. બીજી વધારે પડતી બૌદ્ધિક હતી. એની સાથે પણ લગભગ એવું જ થયું. પછી ઍની મળી. બન્નેની પહેલી મુલાકાત ટેનિસ કોર્ટ પર થઈ હતી. શરુઆતમાં ઍની બહુ નર્વસ રહેતી,  એનામાં આત્મવિશ્વાસની કમી હતી. બન્ને પ્રેમમાં પડ્યાં ને સાથે રહેવા લાગ્યાં. ઍની આગલી બન્ને સ્ત્રીઓ કરતાં જુદી હતી. સેક્સની ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્ને હવે તર-બ-તર થઈ જવાય એવા હતા. એલ્વી જોકે માત્ર શરીર-કેન્દ્રી નહીં પણ ‘અર્થપૂર્ણ સંબંધ’  વિકસાવવા ઈચ્છતો હતો. એણે ધરાર ઍનીને કોલેજમાં કોઈક કોર્સ કરવા દાખલ કરી. મોટા થયા પછીય કંઈક ભણવાનું ચાલુ રાખીએ તો બુદ્ધિની ધાર નીકળતી રહે એવો તેનો તર્ક હતો. એેક વાર એલ્વીએ ઍનીને એના પ્રોફેસરના હાથમાં હાથ પરોવીને જતી જોઈ. પત્યું. એલ્વીએ દલીલ કરી કે આપણે એકબીજા સાથે ‘ફ્લેક્સિબલ’ રહેવાનું નક્કી કર્યું હતું, પણ ફ્લેક્સિબિલીટીનો અર્થ એવો નહીં કે તું પરપુરુષ સાથે ફર્યા કરે. બન્ને વચ્ચે બ્રેક-અપ થઈ જાય છે.



એલ્વી પાછો એકલો પડે છે. ફરી પાછું ડેટિંગ, ફરી નવા સંબંધોના અખતરા.  બાપડો ક્યાંય ઠરતો નથી. એક વાર મધરાતે અચાનક ઍનીનો  ફોન આવે છે: અબ્બી હાલ મારા ઘરે આવી જા. ઍની સખત ગભરાયેલી છે. એલ્વી ભાગે છે. ગયા પછી ખબર પડે છે કે ઍનીના બાથરુમમાં કરોળિયો ઘૂસી ગયો હતો તેથી એ ગભરાઈ ગયેલી! બન્ને વચ્ચે પાછા બુચ્ચા થઈ જાય છે. બન્ને નક્કી કરે છે કે ગમે તે થાય, આપણે હવે અલગ નહીં જ પડીએ. કમનસીબે એમની કુંડળીમાં સહજીવન લખાયું જ નથી. બન્નેને પ્રતીતિ થાય છે કે આપણી રિલેશનશિપમાં કંઈક ખૂટે છે. એમાં હવે પહેલાં જેવી મજા રહી નથી. બન્ને પાછાં અલગ પડે છે. ઍની બીજા શહેરમાં શિફ્ટ થાય છે, કરીઅર બનાવે છે. એલ્વી એક વાર જઈને એેને મળે છે. એના મનમાં હજુય આશા છે. એ ઍની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. ઍની ના ુપાડી દે છે. એલ્વી પોતાની બળતરા એક નાટક લખીને ઠાલવે છે. નાટક ઍની સાથેના એના સંબંધ પર આધારિત છે. નાટકમાં જોકે નાયિકા હીરોને હા પાડી દે છે. સમય વીતતો જાય છે. બન્ને પોતપોતાનાં જીવનમાં આગળ વધી ચુક્યાં છે. કદાચ બન્નેને નવા પાર્ટનર મળી ગયા છે. એલ્વીને સમજાય છે કે પ્રેમ નામની વસ્તુ ગમે એટલી અવળચંડી, વાહિયાત અને ત્રાસદાયક કેમ ન હોય, પણ જીવનમાં સાલું એના વગર ચાલતું નથી. બસ, એલ્વીના આ બ્રહ્મજ્ઞાન પર ફિલ્મ પૂરી થયા છે.

કથા પહેલાંની અને પછીની 

‘ઍની હૉલ’ની પહેલા વૂડી એલન નિતાંતપણે કોમેડી ફિલ્મો બનાવતા હતા. ઈટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિનીની ‘એઈટ એન્ડ અ હાફ’થી ખૂબ પ્રભાવિત થઈને (આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં વાત કરી ચુક્યા છીએ. જુઓ ‘મુંબઈ સમાચાર’, ૮ મે ૨૦૧૩) તેમણે પોતાની આગલી ફિલ્મમાં રમૂજનો ડોઝ થોડો ઓછો કરવાનો તેમજ માનવસ્વભાવની વિચિત્રતાઓ અને સૂક્ષ્મતાઓ પર ફોકસ કરવાનું નક્કી કર્યું. સહલેખક માર્શલ બ્રિકમેન સાથે તેઓ એકાંતરે ચર્ચા કરતા, નવા આઈડિયા વિચારતા, રિજેક્ટ કરતા. ફિલ્મનો પહેલો ડ્રાફ્ટ વૂડી એલને ચાર દિવસમાં લખી નાખ્યો હતો. મૂળ વાર્તામાં મર્ડર મિસ્ટરી કેન્દ્રમાં હતી જેના પર રમૂજ અને રોમાન્સ સારી પેઠે ભભરાવવામાં આવ્યા હતા. પછી રહસ્યમય ખૂનવાળો પ્લોટ ગાળી નાખવામાં આવ્યો. વૂડી એલને પછી તેને ‘મેનહટન મર્ડર મિસ્ટરી’ નામની ફિલ્મમાં ઉપયોગમાં લીધો. ફિલ્મનું ટાઈટલ પણ ખૂબ બદલ્યું. પહેલાં નામ રાખવામાં આવ્યું હતું, ‘એન્હેડોનિયા’ (મતલબ કે ખુશ થઈ શકવાની અક્ષમતા). પછી ‘ઈટ હેડ ટુ બી જ્યુ’, ‘મી એન્ડ માય ગોડ’, ‘એન્ઝાઈટી’ અને‘એલ્વી એન્ડ મી’ જેવાં ટાઈટલ્સ વિચારાયાં. આખરે ‘ઍની હૉલ’ ટાઈટલ ફાયનલાઈઝ કરવામાં આવ્યું.



‘ઍની હૉલ’નાં પાત્રો ખાતાં, પીતાં, સૂતાં, પ્રેમ કરતાં કરતાં, ચાલતાં ચાલતાં, બગીચાના બાંકડે બેસીને, સીધા કેમેરાની સામે જોઈને વાતો જ કરતાં રહે છે. શોટ્સ પણ લાંબા લાંબા હોય. ૧૯૭૦ના દાયકાની હોલીવૂડની ફિલ્મોમાં એવરેજ શોટની લંબાઈ ૪ થી ૭ સેક્ધડ જેટલી રહેતી, જ્યારે ‘ઍની હૉલ’ના શોટ્સની સરેરાશ લંબાઈ ૧૪.૫ સેક્ધડ છે. વાર્તા કહેવાની શૈલીમાં વૂડી એલને કેટલાય અખતરા કર્યા છે. જેમ કે, નાયક ઓચિંતા સૂત્રધાર બની જાય. હિરોઈન સાથે વાત કરતાં કરતાં એ અચાનક ઓડિયન્સ સાથે વાતો કરવા લાગે. એકદમ જ એનિમેશન ફિલ્મ જેવી ચિત્રપટ્ટી શરુ થઈ જાય. હીરો-હિરોઈન મોઢેથી એેક વસ્તુ બોલતાં હોય, પણ મનમાં બીજું કંઈક ચાલતું હોય તો એમની મૂંઝવણ કે ગૂંચવણ ‘મેન્ટલ સબટાઈટલ્સ’ રુપે પડદા પર ફ્લેશ થવા માંડે. હવે તો જોકે આ ટેક્નિક્સ ખૂબ સામાન્ય બની ગઈ છે.

ઓસ્કર ફંકશનમાં ‘ઍની હૉલ’ અને ‘સ્ટાર વોર્સ’ વચ્ચે તગડો મુકાબલો હતો. સૌએ માની લીધું હતું કે તમામ મહત્ત્વના ઓસ્કર અવોર્ડ્ઝ ‘સ્ટાર વોર્સ’ તાણી જશે, પણ એવું બન્યું નહીં. ‘ઍની હૉલે’ બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર જીતી લઈને સપાટો બોલાવી દીધો. ‘ઍની હૉલ’ વૂડી એલનની કરીઅર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ફિલ્મ  એવરગ્રીન ક્લાસિક ગણાય છે, પણ એલનને અસંતોષ રહી ગયો છે. તેઓ કહે છે કે, ‘મેં તો પ્રેમ અને સંબંધોને લઈને હીરોના મનમાં જે સતત ગડમથલ ચાલતી રહે છે તેને ફોકસમાં રાખ્યું હતું, આ ફિલ્મ તેના વિશે જ છે, પણ લોકો સુધી આ વાત બરાબર પહોંચી નહીં. તેમને હીરો-હિરોઈનના લવઅફેરમાં વધારે રસ પડી ગયો! હીરોનું માનસિક દ્વંદ્વ એકબાજુ રહી ગયું. મારી નિરાશાનું કારણ આ જ છે.’



ઐસા ભી હોતા હૈ. ક્લાસિક ફિલ્મનો મેકર સ્વયં પોતાનાં સૌથી મશહૂર સર્જનથી નાખુશ હોઈ શકે છે! ખેર, આપણને તો ‘ઍની હૉલ’ જોવાની ખરેખર બહુ મજા પડે છે. ફિલ્મની રમૂજ, સતત બબડાટ કરતા રહેતા હીરોની વિચિત્રતાઓની સાથે સાથે  સ્માર્ટ લખાણ, ધારદાર નિરીક્ષણો - આ બધામાં એન્ટરટેઈનમેન્ટ ઉપરાંત ઊંડાણ પણ છે. વૂડી એલનની ફિલ્મો એડિક્ટિવ છે, એની આદત લાગી જાય છે. એમની અન્ય યાદગાર ફિલ્મો વિશે ફરી ક્યારેક.

‘ઍની હૉલ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : વૂડી એલન

સ્ક્રીનપ્લે          : વૂડી એલન, માર્શલ બ્રિકમેન
કલાકાર           : વૂડી એલન, ડીએન કીટન  
રિલીઝ ડેટ        : ૨૦ એપ્રિલ ૧૯૭૭

મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ ડિરેક્ટર, ફિલ્મ, ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને એકટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડ્ઝ ૦૦૦

Saturday, September 15, 2012

ફ્રોમ વૂડી વિથ લવ


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 16 સપ્ટેમ્બર 2012 

મલ્ટિપ્લેક્સ
 
વૂડી એલન 76 વર્ષની વયે પણ ફાંકડી ફિલ્મો બનાવી જાણે છે. એમનો થનગનાટ હજુ બીજા પંદર વર્ષ સુધી ઢીલો પડે એવો નથી. સ્ત્રી-પુરુષના સંબંધોને રમતિયાળ ઢબે પડદા પર પેશ કરતા આ ફિલ્મમેકરનું ખુદનું અંગત જીવન  ખાસ્સું ઘટનાપ્રચૂર રહ્યું છે



યુ યુઝ સેક્સ ટુ એક્સપ્રેસ એવરી ઈમોશન્સ એક્સેપ્ટ લવ! 

સ્માર્ટ વનલાઈન જેવો આ ચટાકેદાર સંવાદ ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્ઝ’ ફિલ્મનો છે. એક સ્ત્રી એના પતિને કહી રહી છે કે તું તારી તમામ લાગણીઓ વ્યક્ત કરવા સેક્સનો સહારો લે છે, એક માત્ર પ્રેમને બાદ કરતાં! આ ફિલ્મના યહૂદી રાઈટર-ડિરેક્ટર છે, એલન સ્ટુઅર્ટ કોનિગ્સબર્ગ. અજાણ્યું લાગે છે આ નામ? વેલ, હોલીવૂડના દંતકથા‚પ ફિલ્મમેકર વૂડી એલનનું તે ઓરિજિનલ નામ છે.  ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્સ’ 1992માં રિલીઝ થઈ હતી. તે વર્ષ વૂડી એલનનું અંગત જીવનમાં વિસ્ફોટક પૂરવાર થયું હતું, પણ એની વાત થોડી વાર પછી. આજે આપણે વૂડી એલનની વાત એટલા માટે માંડી છે કે એમની લેટેસ્ટ ફિલ્મ ‘ટુ રોમ વિથ લવ’ ગયાં અઠવાડિયે ભારતમાં ચુપચાપ રિલીઝ થઈ ગઈ. 76 વર્ષના વૂડી એલનની આ ચોપનમી ફિલ્મ છે. એ 47 વર્ષોથી લાગલગાટ ફિલ્મો બનાવી રહ્યા છે. આટલા સમય અંતરાલમાં તેઓ કુલ 23 વખત ઓસ્કર માટે નોમિનેટ થયાં અને એમાંથી ચાર ઓસ્કર જીતી પણ ગયાં - ત્રણ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે અને એક બેસ્ટ ડિરેક્શન માટે. એ વાત જુદી છે કે આ મૂડી માણસ ઓસ્કર સમારંભમાં દર વખતે ધરાર ગેરહાજર રહે છે, એટલું જ નહીં, ટીવી પર જોવાનું પણ ટાળે છે!

ચપટું નાક, જાડાં ચશ્માં, મામૂલી ચહેરો, પાતળિયું, અતિ સ્ફૂર્તિલું શરીર અને મશીનગનથી જેમ ધડધડાટ શબ્દો ફેંકતી વાણી - વૂડી એલનની બાહ્ય પર્સનાલિટીમાં દાયકાઓથી કશો ફર્ક પડ્યો નથી. મૂળ તો એ લેખક. રમૂજ એમનું મુખ્ય શસ્ત્ર. 19 વર્ષની ઉંમરથી એમણે જુદા જુદા ટીવી શોઝ માટે લખવાનું શ‚ કરી દીધું હતું. તે પછી તેઓ સ્ટેન્ડ-અપ કોમેડિયન બની ગયા. સ્ટેન્ડ-અપ કોમેડીને એક કરીઅર તરીકે પ્રસ્થાપિત અને પોપ્યુલર કરવામાં વૂડી એલનનું મહત્ત્વનું યોગદાન છે. તેઓ ટૂંકી વાર્તાઓ લખતા, જે ‘ન્યુયોર્કર’ જેવા મેગેઝિનોમાં પ્રકાશિત થતી. એ પછી એમણે બ્રોડવે માટે નાટકો લખવાનું અને પ્રોડ્યુસ કરવાનું શ‚ કર્યું. ‘પ્લે ઈટ અગેન, સેમ’ નાટકનાં સાડાસારસો કરતાંય વધારે શોઝ થયા, જેમાં એમણે એક્ટિંગ પણ કરી હતી. હવે પછીનું નેક્સ્ટ લોજિકલ સ્ટેપ હતું, હોલીવૂડ. વૂડી એલન જોકે ફિલ્મી દુનિયામાં પગ મૂકે એ પહેલાં જ ‘લાઈફ’ મેગેઝિનનાં કવર પર ચમકી ગયા હતા.

Diane Keaton with Woody Allen in his most popular film, Annie Hall.
Click below for its trailer 
                                      http://www.youtube.com/watch?v=M85gaKOtKVo

હોલીવૂડમાં તેમણે શ‚આત તો લેખક તરીકે જ કરી. પહેલી જ ફિલ્મમાં જ હીરોલોગ વચ્ચે થયેલી હૂંસાતૂંસીને કારણે જે રીતે સંવાદોમાં કત્લેઆમ થઈ અને અમુક લખાપટ્ટી સેટ પર ચાલુ શૂટિંગ દરમિયાન કરવી પડી, એ જોઈને વૂડી એલનને બ્રહ્મસત્ય સમજાઈ ગયું: હું જો કેવળ લેખક રહીશ તો મારાં લખાણ પર મારો કોઈ ક્રિયેટિવ કંટ્રોલ રહેશે નહીં. તેથી એમણે બહુ જ ત્વરાથી પહેલાં ડિરેક્ટર તરીકે અને પછી પ્રોડ્યુસર તરીકે ગતિ શ‚ કરી દીધી. વૂડી એલનને આખી ફિલ્મની લગામ પોતાના હાથમાં જોઈએ - સ્ક્રિપ્ટ, કાસ્ટિંગથી લઈને છેક એડિટિંગ સુધી. ઈવન, સ્ટાર્સ લોકોને પણ માત્ર એમનાં દશ્યોવાળાં જ પાનાં આપવામાં આવે. વૂડીની ફિલ્મો એક તો ફટાફટ બની જાય. મોટા મોટા સિતારાઓ પોતાની નોર્મલ ફી કરતાં ખૂબ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ જાય. હોલીવૂડના ટોપ સ્ટુડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મોની તુલનામાં વૂડી એલનની ફિલ્મો ખૂબ નાની ગણાય. વળી, એનું બજેટ જ એટલું ઓછું હોય કે કોઈએ પૈસા ગુમાવવાનો વારો ન આવે.

‘એની હૉલ’ અને ‘મેનહટ્ટન’ વૂડી એલનની સંભવત: સૌથી વિખ્યાત ફિલ્મો છે. અમેરિકન સિનેમામાં એમણે ત્વરાથી પોતાનું એક ઊંચું સ્થાન બનાવી કાઢ્યું. એ ‘સિનેમાજગતની કિમતી જણસ’ કહેવાયા. સ્ત્રી-પુરુષના સંબંધો અને રમૂજ - વૂડીની ફિલ્મોમાં આ બે તત્ત્વો સામાન્યપણે સૌથી વધારે જોવા મળે. સ્ત્રી-પુરુષના સંબંધોના મામલામાં વૂડી સ્વયં ખાસ્સા અનુભવ-સમૃદ્ધ છે. પહેલી વાર લગ્ન કયાર્ર્ં ત્યારે એ ફક્ત 19 વર્ષના હતા અને કન્યા હતી સોળની. તેમણે કુલ ત્રણ લગ્નો કર્યાં. છૂટક અફેર્સ અને લિવ-ઈન રિલેશનશીપ્સ લટકામાં. મિઆ ફેરો નામની એક્ટ્રેસ સાથે પ્રેમસંબંધ દસ વર્ષ ચાલ્યો. જોકે બન્નેએ ન લગ્ન કર્યાં, ન એક છત નીચે રહ્યાં. મિઆ એક દત્તક દીકરીને ‘આંગળીએ’ લેતી આવી હતી. નામ એનું સૂન-યી પ્રેવિન. મિઆ અને એના આગલા પાર્ટનરે સૂન-યીને અડોપ્ટ કરી હતી. આમ, સંબંધની દષ્ટિએ વૂડી એલન આ છોકરીના પિતાતુલ્ય વ્યક્તિ ગણાય. વૂડી અને મિઆએ બીજાં બે બાળકોને દત્તક લીધાં. એક સગાં સંતાનનાં મા-બાપ પણ બન્યાં. ધરતીકંપ ત્યારે સર્જાયો જ્યારે વૂડી પાસેથી 20 વર્ષીય સૂન-યીની, એટલે કે પ્રેમિકાની દત્તક દીકરીની, નગ્ન તસવીરો મળી આવી. સંબંધમાં ભંગાણ પડ્યું, બન્ને નોખાં પડી ગયાં અને વૂડીએ પોતાનાં કરતાં 34 વર્ષ નાની સૂન-યી સાથે કાયદેસર લગ્ન કરી લીધાં! હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. મિડીયાને જલસો પડી ગયો. વૂડી પર ફિટકાર વરસ્યો. દીકરી સમાન યુવતી સાથે લગ્ન થાય જ કેમ? વૂડીની ઈમેજ ખરડાઈ ગઈ. જોકે વૂડી બહાદૂરીપૂર્વક પોતાના નિર્ણયને વળગી રહ્યા. તેઓ હંમેશા કહેતા રહ્યા, ‘જુઓ, સૂન-યી મારી ભૂતપૂર્વ પ્રેમિકાની દત્તક દીકરી હતી, મારી નહીં. મેં સૂન-યીને ક્યારેય કાયદેસર રીતે ક્યારેય અડોપ્ટ નહોતી કરી. હું એના પ્રેમમાં પડ્યો ને પરણી ગયો. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યું?’

Woody Allen with his wife Soon-Yi and kids


વૂડી અને સૂન-યી હજુય એકમેકની સાથે ટકી રહ્યાં છે. પર્સનલ લાઈફમાં ઊથલપાથલ થતી રહી, પણ વૂડીનું કામ ક્યારેય ન અટક્યું. વૂડી હાડોહાડ ન્યુયોર્કવાસી છે. એમની ફિલ્મોમાં ન્યુયોર્ક શહેર એક મહત્ત્વના કિરદાર તરીકે સતત ઊભરતું રહ્યું છે.  2005માં એમણે ‘મેચપોઈન્ટ’ નામની ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર અમેરિકાની બહારનું કોઈ શહેર - લંડન - લોકાલ બન્યું. આ ફિલ્મ હિટ થઈ અને યુરોપિયન દેશોમાં ફિલ્મો બનાવવાનો  દૌર શ‚ થયો - ‘સ્કૂપ’ અને ‘કેસેન્ડ્રાઝ ડ્રીમ’ (બન્ને લંડન), ‘વિકી ક્રિસ્ટીના બાર્સેલોના’, ‘મિડનાઈટ ઈન પેરિસ’, રોમવાળી લેટેસ્ટ ફિલ્મ વગેરે. શહેરોને એક્સપ્લોર કરવાની એક સુંદર દષ્ટિ વૂડી પાસે છે. એમને વિદેશોમાંથી સતત આમંત્રણો મળતાં રહે છે: મિસ્ટર એલન, તમે અમારે ત્યાં આવો, ફિલ્મ બનાવો, ફાયનાન્સની વ્યવસ્થા થઈ જશે! તેઓ કહે છે કે જો મને ઈન્ડિયાથી આમંત્રણ આવે અને કંઈક ફની પ્લોટ મળી જાય તો હું તો ઈન્ડિયામાં પણ ફિલ્મ બનાવવા તૈયાર છું. વૂડીએ આજ સુધી એક પણ ભારતીય ફિલ્મ જોઈ નથી એ અલગ વાત થઈ. જાતે જ થોપી દીધેલા પ્રલંબ સિનેમેટિક ‘દેશનિકાલ’ પછી એમની હવે પછીની ફિલ્મ નખશિખ અમેરિકન છે. ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં સાત જ અઠવાડિયામાં આખેઆખી ફિલ્મનું શૂટિંગ થઈ જશે.

‘રિટાયરમેન્ટ જેવો શબ્દ જ મારી ડિક્શનરીમાં છે જ નહીં,’ હોલીવૂડના આ દેવ આનંદ કહે છે, ‘પેરેલિસિસ કે હૃદયરોગનો હુમલો આવે ને મારે ઘરે બેસી જવું પડે યા તો પછી મને ફાયનાન્સ મળવાનું બંધ થાય તો અલગ વાત છે. ધારો કે એવું થાય તો ય હું  નવરો તો નહીં જ બેસું. ઘરે બેઠા બેઠા નાટકો ને પુસ્તકો લખીશ. સિમ્પલ!’

શો-સ્ટોપર

ફિલ્મમેકિંગનો સંબંધ પરફેક્શન સાથે નહીં, કોમ્પ્રોમાઈઝ સાથે છે. ક્યાં કેટલું સમાધાન કરી શકાય એમ છે તેની તમને ખબર હોવી જોઈએ. તમે પરફેક્ટ કોમ્પ્રોમાઈઝ કરતા શીખી જાઓ એટલે જંગ જીતી ગયા.  

- આમિર ખાન