Showing posts with label Sab ki Bajegi Band. Show all posts
Showing posts with label Sab ki Bajegi Band. Show all posts

Wednesday, May 20, 2015

મલ્ટિપ્લેક્સ : રિઆલિટી ફિલ્મની અસલિયત

Sandesh - Sanskaar purti - 10 May 2015
મલ્ટિપ્લેક્સ 
જૂઠના પાયા પર ઊભેલી 'સબકી બજેગી બેન્ડ' નામની રેઢિયાળ ફિલ્મનું બોક્સઓફિસ પર જે થવાનું હતું તે થયું, પણ આ આખી સ્ટંટબાજીમાં એક સારું કામ એ થયું છે કે તેને લીધે 'રિયાલિટી ફિલ્મ' નામની જોનર એટલે કે પ્રકાર પર આપણું ધ્યાન કદાચ પહેલી વાર ખેંચાયું.
'Chelsea Girls'

ચ્ચે એક એવી ખબર આવી હતી કે તે સાંભળીને સમાજનો એક વર્ગ કાંપી ઊઠયો હતો. વાત મુંબઈના એક પોપ્યુલર રેડિયો જોકીની છે. આર.જે. અનિરુદ્ધ એનું નામ. એને રેડિયોનો ઇમરાન હાશ્મિ કહેવામાં આવે છે, કેમ કે એને વાતવાતમાં મ્વાહ... મ્વાહ કરીને ચુંબનના બચકારા બોલાવવાની આદત છે. એણે વચ્ચે શહેરની બહાર ફાર્મહાઉસમાં એક પાર્ટી ગોઠવી હતી. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઠીક ઠીક જાણીતા તેમજ અજાણ્યા લોકો ઉપરાંત પેજ-થ્રી સેલિબ્રિટી તરીકે ઓળખતી પ્રજાના કેટલાંક ગ્લેમરસ ચહેરા આ પાર્ટીમાં આવ્યા હતા.
આખી રાત મહેફિલ ચાલી. શરાબની નદીઓ વહી. નશામાં છાકટા થયા પછી સામાન્યપણે જે થતું હોય છે તે બધું જ આ પાર્ટીમાં થયું. લોકોની જીભ ખૂલવા માંડી. ગ્લેમર ઇન્ડસ્ટ્રીનાં રહસ્યો એક પછી એક ખૂલવા માંડયાં. કોને કોની સાથે કઈ જાતના સંબંધ છે, આગળ વધવા માટે કોણે કેવા કેવા કોમ્પ્રોમાઇઝ કર્યાં, કાસ્ટિંગ કાઉચનું કમઠાણ અને એવું બધું. મજાની વાત એ છે કે પાર્ટીમાં હાજર રહેલા કોઈને અંદેશો સુધ્ધાં નહોતો કે આખા ફાર્મહાઉસમાં છૂપા કેમેરા ફિટ કરવામાં આવેલા છે, જે તેમની એકેએક ગતિવિધિ, એકેએક વાતને રેકોર્ડ કરી રહ્યા છે!
પાર્ટી પૂરી થતાં સૌ પોતપોતાને ઘરે રવાના થયા. આરજે અનિરુદ્ધે પછી કેમેરાનું ફૂટેજ જોયું. દારૂગોળા જેવું સ્ફોટક મટીરિયલ હતું એમાં. દારૂના નશા હેઠળ એકમેકના ભરોસે કહેવાયેલી આ બધી વાતો જો બહાર પડે તો હંગામો થયા વગર ન રહે. અનિરુદ્ધે એવું જ કર્યું. એણે જાહેર કર્યું કે મારી પાસે જે ફૂટેજ છે એનો ઉપયોગ કરીને હું એક ફુલલેન્થ ફીચર ફિલ્મ બનાવવાનો છું જે બોલિવૂડના કેટલાય ગંદા રાઝ પર પડદો ઉઠાવશે. બોલિવૂડની આ પહેલી રિયાલિટી ફિલ્મ હશે!
આ સાંભળીને લોકોના કાન સરવા થઈ ગયા. એવાં તો કયાં નવાં ભોપાળાં બહાર આવવાનાં? લોકોને આમેય બીજા લોકોના અંગત જીવન વિશે, ખાસ કરીને તેમની સેક્સલાઇફ વિશે જાણવાની જબરી ચટપટી રહેતી હોય છે. અહીં તો ફિલ્મ અને ટીવી દુનિયાના જાણીતા લોકોની સરેઆમ કૂથલી થવાની હતી.  
એન્ટિ ક્લાઇમેક્સ હવે આવે છે. થોડા દિવસો પહેલાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. ભારે ઉત્સુકતા વચ્ચે લોકોએ તે જોયું ને તેમની નિરાશાનો પાર ન રહ્યો. આ કંઈ અસલી ફૂટેજ નહોતું, પણ પાર્ટીમાં જે કંઈ બન્યું હતું તેનું ડ્રામેટાઇઝેશન એટલે કે નાટયરૂપાંતર હતું. જુદા જુદા એક્ટરોને કાસ્ટ કરીને રીતસર શૂટિંગ કરવામાં આવ્યું હતું. આટલું જાણે ઓછું હોય તેમ એ પાર્ટી ૧ એપ્રિલ,૨૦૧૪ના રોજ રાખવામાં આવી હતી એવુંય પ્રોમોમાં કહેવાયું હતું. મતલબ કે વાસ્તવમાં પાર્ટી-બાર્ટી જેવું કશું થયું જ નહોતું. આ આખી વાત એક પબ્લિસિટી માટેનું ગતકડું હતું. વળી, બે-અઢી મિનિટના પ્રોમામાં જ કલાકારો, ડાયલોગ્ઝ અને ડિરેક્શન એટલાં નબળાં લાગતાં હતાં કે આ કોઈ 'બી' કે 'સી' ગ્રેડની ચીપ ફિલ્મ છે તેવી અસર ઊભી થતી હતી.
ના, વાત અહીં પૂરી થતી નથી. 'સબકી બજેગી બેન્ડ' નામની આ ફિલ્મ ગયા અઠવાડિયે રિલીઝ થઈ એના એક દિવસ પહેલાં ડિરેક્ટર આર. જે. અનિરુદ્ધે છાપામાં ખુલ્લો પત્ર છપાવ્યોઃ "મારી પેલી પાર્ટીમાં જે લોકો આવ્યા હતા તેમની હું માફી માગું છું. હું અસલી ફૂટેજનો ઉપયોગ કરીને ફિલ્મ બનાવવાનો છું એવી ખબર પડતાં તેમાંના કેટલાકે મને કોર્ટમાં ઢસડી જવાની ધમકી આપી હતી. કોઈની માનહાનિ ન થાય તે માટે પછી મેં અસલી ફૂટેજ વાપરવાને બદલે ડ્રામેટાઇઝેશન કરવાનું નક્કી કર્યું ને ઓળખ છુપાવવા અમુક નામ પણ બદલી નાખ્યાં..."
નાટક. આ પણ હળહળતું નાટક. જૂઠના પાયા પર ઊભેલી રેઢિયાળ ફિલ્મનું બોક્સઓફિસ પર જે થવાનું હતું તે થયું, પણ આ આખી સ્ટંટબાજીમાં એક સારું કામ એ થયું છે કે તેને લીધે 'રિયાલિટી ફિલ્મ' નામની જોનર એટલે કે પ્રકાર પર આપણું ધ્યાન કદાચ પહેલી વાર ખેંચાયું. આપણને રિયાલિટી ટીવી અને રિયાલિટી શોઝ એટલે શું એની જાણ છે. ઉદાહરણ તરીકે 'બિગ બોસ' એક રિયાલિટી શો છે, 'નચ બલિયે' એક રિયાલિટી ટેલેન્ટ શો છે. આ પ્રકારના શોઝમાં કેટલું સ્ક્રિપ્ટેડ એટલે કે આગોતરું નક્કી થઈ ગયેલું હોય છે ને કેટલું રિઅલ તે અલગ ચર્ચાનો વિષય થયો. રિયાલિટી શોની માફક રિયાલિટી ફિલ્મ પણ હોઈ શકે છે. ડોક્યુમેન્ટરી અલગ વસ્તુ છે. 'પેરાનોર્મલ એક્ટિવિટી' સિરીઝની ફિલ્મો ભલે એકદમ રિઅલ લાગે તે રીતે શૂટ થઈ હોય, પણ એ રિયાલિટી ફિલ્મ નથી. રીતસર ઝીણવટભર્યું પ્લાનિંગ કર્યા બાદ શૂટ થયેલી પ્રોપર ફિલ્મો છે એ. રિઆલિટી ફિલ્મોનાં મૂળિયાં રિયાલિટી ટીવીમાં જ દટાયેલાં છે. આમાં એક નિશ્ચિત લોકેશન હોય, નિશ્ચિત 'કલાકારો' હોય, કેવી કેવી સિચ્યુએશન ઊભી થશે તેનો અંદાજ હોય. રિહર્સલ કરવાનું હોય નહીં. લાઇટિંગ અને સેટ્સના તામજામ ઊભા કરવાના ન હોય. ટૂંકમાં, તોતિંગ ફિલ્મી બજેટના આ જમાનામાં સાવ ઓછી કિંમતે અને ઓછી મહેનતે આખી ફિલ્મ ઊભી થઈ જાય. સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા.
રિયાલિટી ફિલ્મના ઇતિહાસ વિશે મતમતાંતર છે, પણ છેક ૧૯૬૬માં આવેલી 'ચેલ્સિયા ગર્લ્સ' નામની અમેરિકન ફિલ્મને ઘણું કરીને પહેલી રિયાલિટી ફિલ્મ હોવાનું બિરુદ આપી શકાય. તે વખતે જોકે, 'ચેલ્સિયા ગર્લ્સ' એક્સપેરિમેન્ટલ અન્ડરગ્રાઉન્ડ ફિલ્મ તરીકે ઓળખાઈ હતી. ડિરેક્ટર એન્ડી વોરહોલે ખૂબ બધી આર્ટ ફિલ્મો બનાવ્યા બાદ 'ચેલ્સિયા ગર્લ્સ' બનાવી હતી. ન્યૂ યોર્કમાં એક હોટલ ચેલ્સિયા છે. તેની આસપાસ રહેતી યુવાન છોકરીઓનાં જીવનને કેમેરામાં ઉતારવામાં આવ્યાં હતાં. એક મેરી વોર્નોવ નામની એક્ટ્રેસને જ ખબર હતી કે તેમના પર કેમેરા તકાયેલા છે. કેવળ એ જ પોતાના ડાયલોગ્ઝ યાદ કરીને આવતી. મેરી રટ્ટો મારેલા સંવાદ બોલે છે એની બીજા 'કલાકારો'ને ગંધ સુધ્ધાં નહોતી આવી. સાડા ત્રણ કલાક લાંબી આ ફિલ્મ અડધી કલરમાં હતી,અડધી બ્લેક-એન્ડ-વ્હાઇટમાં. તેમાં સ્પિલ્ટ સ્ક્રીનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. એન્ડી વોરહોલની કરિયરની આ સૌથી સફળ ફિલ્મ. જોકે, ઓડિયન્સ અને સમીક્ષકો તરફથી મિક્સ્ડ રિસ્પોન્સ મળ્યો હતો.
તે પછી સીધી ૨૦૦૨માં 'જેકએસઃ ધ મૂવિ' આવી. આ એમટીવીના 'જેકએસ' નામના શો પર આધારિત હતી. આમાં જાતજાતના પ્રેન્ક્સ, પ્રેક્ટિકલ જોક્સ અને સ્ટંટ હતા. માત્ર પાંચ મિલિયન ડોલરના ખર્ચે બનેલી આ ફિલ્મે પહેલાં જ વીકએન્ડમાં બાવીસ મિલિયન કમાવી આપ્યા. ધીમે ધીમે એકલા અમેરિકામાં કુલ વકરો ૬૪ મિલિયન સુધી પહોંચી ગયો. પછીના વર્ષે 'ધ રિઅલ કેનકન' નામની ફિલ્મ આવી. આ પણ મૂળ તો અમેરિકન રિયાલિટી શોનું જ ફિલ્મી વર્ઝન. આપણે એમટીવી પર 'સ્પિલ્ટ્સવિલા'નામનો જે શો જોઈએ છીએ એવું જ કંઈક આ ફિલ્મમાં હતું. શૂટિંગ માટે સોળ જુવાન છોકરા-છોકરીઓને મેક્સિકોના દરિયાકાંઠે આવેલા કેનકન નામના રૂપકડા ટૂરિસ્ટ સિટીના એક અફલાતૂન એપાર્ટમેન્ટમાં રાખવામાં આવ્યાં. બે દિવસ અને બે રાત દરમિયાન તેમની વચ્ચે જે કંઈ ધમાલમસ્તી, ઝઘડા, રોમાન્સ વગેરે થયાં તે બધું શૂટ કરવામાં આવ્યું. ત્યાર બાદ ફૂટેજને એડિટ કરીને ૯૬ મિનિટની ફિલ્મ બનાવવામાં આવી. ફિલ્મ સુપરફ્લોપ થઈ. એને વર્ષની સૌથી ખરાબ ફિલ્મ તરીકે નવાજવામાં આવી. આ નિષ્ફળતા જોઈને ગભરાટ થઈ ગયો હોય કે બીજું કોઈ કારણ હોય, પણ પેરેમાઉન્ટ સ્ટુડિયોએ 'જેકએસ ૨.૫' નામની સિક્વલ થિયેટરોમાં રિલીઝ કરવાની હિંમત જ ન કરી. એની સીધી જ ડીવીડી બહાર પાડવામાં આવી.
રિયાલિટી ફિલ્મના વાઘા પહેરેલી ફિલ્મો વચ્ચે વચ્ચે બનતી રહે છે, પણ આમ જોવા જાઓ તો રિયાલિટી ફિલ્મ હજુ સુધી ખાસ ન ખેડાયેલો પ્રકાર છે. આપણે ત્યાં તો એના પર જરાય કામ થયું નથી, પણ વિદેશમાંય બહુ ઓછી રિયાલિટી ફિલ્મો બની છે. ફિલ્મમેકિંગની આ એક આકર્ષક અને વળી કિફાયતી શૈલી છે, જે આર.જે. અનિરુદ્ધ જેવા સ્ટંટબાજે નહીં, પણ ક્રિએટિવિટીથી ફાટફાટ થતા નવી પેઢીના હિંમતવાન ફિલ્મમેકરોએ એક્સપ્લોર કરવા જેવી છે.
 
 શો-સ્ટોપર

તમારી ફિલ્મ ફ્લોપ ગઈ હોય તો પહેલા જ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં તમને ખબર પડી જાય. બીજા દિવસથી લોકો તમારા ફોન ઉપાડવાનું બંધ કરી દે. તમે ઓલરેડી જે ફિલ્મોમાં કામ કરતા હો તેના બજેટ પર કાતર ફેરવવાની હિલચાલ શરૂ થઈ જાય. બોલિવૂડમાં નિષ્ફળતાની અસર ઇન્સ્ટન્ટ દેખાય છે.
-          અભિષેક બચ્ચન