Showing posts with label Shahrukh Khan. Show all posts
Showing posts with label Shahrukh Khan. Show all posts

Saturday, December 29, 2018

શાહરૂખ સિન્ડ્રોમ


દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 30 ડિસેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
ઉત્તમ ટ્રેક-રેકોર્ડ ધરાવતા આનંદ એલ. રાય અને ઇમ્તિયાઝ અલી જેવા સત્ત્વશીલ ડિરેક્ટરો શાહરૂખ સાથે જોડાય છે ત્યારે જબરદસ્ત જાદુ થવાને બદલે ધબડકો કેમ થઈ જાય છે?



આ વર્ષે સલમાન ખાને ‘રેસ થ્રી’માં અને આમિર ખાન ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’માં મૂંડાવ્યું હતું, પણ આપણને આશા હતી કે ચાલો, કમસે કમ શાહરૂખ ખાનની ‘ઝીરો’ ફિલ્મ ખાન-ત્રિપુટીની ઇજ્જત બચાવી લેશે. થયું એનાથી ઊલટું. શાહરૂખે બરાબર ‘ખાન’દાની નિભાવી. ગાળો ખાવાની તો ત્રણેયે સાગમટે ખાવાની!

લેટ્સ બી ફેર. ‘રેસ થ્રી’ અને ‘ઠગ્સ ઓફ હિંદોસ્તાન’ની તુલનામાં ‘ઝીરો’ ક્યાંય ચડિચાતી છે (અથવા કહો કે, ‘રેસ થ્રી’ અને ‘ઠગ્સ...’ કરતાં ‘ઝીરો’ ઘણી ઓછી ખરાબ છે). ‘ઝીરો’ને મોટા ભાગના ફિલ્મ રિવ્યુઅર્સે ધીબેડી નાખી છે, પણ આમ ઓડિયન્સની પ્રતિક્રિયા એટલી બધી આકરી નથી. ઇન ફેક્ટ, ઘણા દર્શકોને ‘ઝીરો’ ખાસ્સી ગમી છે. ‘ઝીરો’ ટુકડાઓમાં તો સૌને પસંદ પડી છે. જેમ કે, ફિલ્મનો શરૂઆતનો મેરઠવાળો હિસ્સો, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને – સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! – કેટરિના કૈફનો રોલ સૌએ એકઅવાજે વખાણ્યો છે. ઇન્ટરવલ પછી ફિલ્મ પકડ અને પ્રામાણિકતા બન્ને ગુમાવી દે છે. એક હકીકત, અલબત્ત, સૌએ સ્વીકારવી પડે કે ‘ઝીરો’એ નિશાન ઊંચું તાક્યું હતું. લિટરલી!

‘ઝીરો’માં શાહરૂખ ખાન એક્ટર તરીકે નિષ્ફળ ગયા નથી. તો શું આનો અર્થ એવો કરવો કે આનંદ એલ. રાય અને હિમાંશુ શર્મા અનુક્રમે ડિરેક્ટર-રાઇટર તરીકે નિષ્ફળ ગયા છે? ‘રાંઝણા’ અને ‘તનુ વેડ્સ મનુ’ સિરીઝ જેવી ઓડિયન્સને જલસા કરાવી દેતી કમર્શિયલી હિટ ફિલ્મો આપનાર આ જોડી ‘ઝીરો’માં કેમ ગોથું ખાઈ ગઈ?

‘ઝીરો’ જોતી વખતે ઇમ્તિયાઝ અલીની ‘જબ હેરી મેટ સેજલ’નો ફિયાસ્કો યાદ આવ્યા કરતો હતો. પ્રેમની સંકુલતાને ઇમ્તિયાઝ જે રીતે પદડા પર બહેલાવી શકે છે એવી આજનો બીજો કોઈ ડિરેક્ટર બહેલાવી શકતો નથી. સહેજે એવી અપેક્ષા હતી કે ઇમ્તિયાઝ-શાહરૂખની જોડી ભેગી થઈને સોલિડ તરખાટ મચાવશે. એવું ન થયું. ‘જબ હેરી મેટ સેજલ’ એટલી બધી કાચી નીકળી કે આ ફિલ્મને ગમાડવાનો મરણિયો પ્રયત્ન કર્યો તો પણ તે ન ગમી તે ન જ ગમી.  
Shahrukh with Anand L. Rai

ઉત્તમ ટ્રેક-રેકોર્ડ ધરાવતા આનંદ એલ. રાય અને ઇમ્તિયાઝ અલી જેવા સત્ત્વશીલ ડિરેક્ટરો શાહરૂખ સાથે જોડાય છે ત્યારે જબરદસ્ત જાદુ થવાને બદલે ધબડકો કેમ થઈ જાય છે? કેમ આ ફિલ્મમેકરો પોતાની સ્વાભાવિકતા ગુમાવી બેસે છે? શું શાહરૂખનું સુપરસ્ટાર તરીકેનો પ્રભાવ એટલો પ્રચંડ છે કે ‘ઓહો, અમારી પાસે સાક્ષાત શાહરૂખ ખાન છે’ એવી સભાનતા આ ફિલ્મમેકરોને ઘાંઘા કરી મૂકે છે? શાહરૂખ જેવા તોતિંગ કમર્શિયલ મેઇનસ્ટ્રીમ સ્ટારની  હાજરીને જસ્ટિફાય કરવાની લાહ્યમાં તેઓ ખુદના કન્વિક્શનનો ભોગ લઈ લે છે? શાહરૂખ ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘ઝીરો’નો પ્રોડ્યુસર પણ છે. શું આ હકીકતે ડિરેક્ટરો પણ વધારાનું પ્રેશર પેદા કરી નાખ્યું હશે?

યાદ રહે, શાહરૂખ માત્ર સ્ટાર નથી, એ ઉત્તમ એક્ટર પણ છે. આ હકીકત ચોવીસ વર્ષ પહેલાં, ‘કભી હાં કભી ના’ (1994)માં પૂરવાર થઈ ગઈ હતી. ‘સ્વદેસ’ (2004) અને ‘ચક દે ઇન્ડિયા’ (2007) જેવી ફિલ્મોમાં ડિરેક્ટર જ્યારે શાહરૂખવેડા પર અંકુશ મૂકવામાં સફળ થયા ત્યારે કેટલું અદભુત પરિણામ આવ્યું હતું એ આપણે જોયું છે. શાહરૂખની કમબ્ખતી એ છે કે એ જ્યારે જ્યારે યશરાજ અને ધર્મા પ્રોડક્શનની ચકચકિત ફિલ્મો અને રાજ-રાહુલની ટિપિકલ ઇમેજમાંથી બહાર નીકળીને કશુંક નવું કરવાની કોશિશ કરે છે ત્યારે (‘સ્વદેસ’, ‘ચક દે ઇન્ડિયા’, ‘દેવદાસ’ જેવા અપવાદોને બાદ કરતાં) ઓડિયન્સ એની ફિલ્મો રિજેક્ટ કરી નાખે છે. પછી એ ‘અશોકા’ (2001) હોય, અમોલ પાલેકરની ‘પહેલી’ (2005) હોય, ‘ફેન’ (2016) હોય કે ‘ડિયર ઝિંદગી’ (2016) હોય. શાહરૂખ એક્ટર તરીકે જોખમ ઉઠાવે ત્યારે કોણ જાણે કેમ સ્ક્રિપ્ટ એનો સાથ અડધેથી છોડી દે છે. જેમ કે, ‘ફેન’ અને ‘ઝીરો’ બન્નેના ફર્સ્ટ હાફ સુંદર છે, પણ જેવી વાર્તા ફોરેન લોકેશન શિફ્ટ થાય છે કે તે સાથે ગળે ન ઉતરે એવો ઘટનાક્રમ શરૂ થઈ જાય છે, ફિલ્મની વાર્તા પોતાનો ઓરિજિનલ સૂર ગુમાવી બેસે છે, જેનું માઠું પરિણામ આખી ફિલ્મે વેઠવું પડે છે.          

પચાસ વર્ષ વટાવી ચુકેલા શાહરૂખે હવે હટ કે ફિલ્મો કર્યા વગર છૂટકો નથી. જોવાનું માત્ર એટલું છે કે ડિરેક્ટરો-રાઇટરો શાહરૂખના સુપરસ્ટારડમથી અભિભૂત થયા વિના પોતાના કન્વિક્શનને વળગી રહીને એનો કેવળ એક એક્ટર તરીકે ઉપયોગ કરી શકે છે કે કેમ. ફિલ્મમેકરો જો શાહરૂખ સિન્ડ્રોમનો ભોગ બનતા રહેશે તો એમની ફિલ્મો દિશાહીન થતી રહેશે, જો ભોગ નહીં બને તો એમની ક્રિયેટિવિટીને નેક્સ્ટ લેવલ પર જતાં કોઈ રોકી નહીં શકે. સિમ્પલ. 

0 0 0 

Saturday, August 12, 2017

‘મારી ભીતર રહેલી સ્ત્રી જ મને મર્દૃાના બનાવે છે'

સંદૃેશ - સંસ્કાર - બુધવાર  - ૧૩ ઓગસ્ટ ૨૦૧૭

કોલમ: ટેક ઓફ 

શાહરુખ ખાન કહે છે કે મારી ફિલ્મોને સારા રિવ્યુ મળે કે ન મળે, કમસે કમ મારા ઇન્ટરવ્યુને તો ફાઇવસ્ટાર રિવ્યુ મળે જ છે! સાચી વાત છે. શાહરુખની ફિલ્મો કરતાં એની મુલાકાતો અનેકગણી વધારે અસરકારક હોય છે.





ચાલો, એક વાત ફરી એક વાર પૂરવાર થઈ ગઈ કે શાહરુખ ખાનના ઇન્ટરવ્યુ એની ફિલ્મો કરતાં અનેકગણા વધારે અસરકારક, મનોરંજક અને જકડી રાખે એવા હોય છે. ‘જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન દૃરમિયાન સિનિયર પત્રકાર અનુપમા ચોપડાને મુલાકાત આપતી વખતે શાહરુખ ખાન ખુદૃ બોલ્યો હતો કે, મારી ફિલ્મોને સારા રિવ્યુ મળે કે ન મળે, કમસે કમ મારા ઇન્ટરવ્યુને તો ફાઇવસ્ટાર રિવ્યુ મળે જ છે! સાચી વાત છે. તો ચાલો, હેરી-સેજલની પિષ્ટિંપજણ કર્યા વગર જેમાં મજા પડવાની ગેરંટી છે એવી શાહરુખની કેટલીક તાજી મુલાકાતોના ચટાકેદૃાર અંશોમાંથી પસાર થઈએ. ઓવર ટુ શાહરુખ -

- હું મારી જાતને રોમેન્ટિક હીરો ગણતો જ નથી. પર્સનલી હું ‘રઇસ', ‘ફેન', ‘ચક દૃે ઇન્ડિયા' પ્રકારની ભુમિકાઓ સાથે વધારે આઇડેન્ટિફાય કરી શકું છું. મને ખબર નથી કે પ્રેમનો અભિનય કેવી રીતે કરાય. મારા આંતરિક વ્યકિતત્ત્વનો એક મોટો હિસ્સો સ્ત્રી જેવો છે. પ્રત્યેક પુરુષમાં કંઇક અંશે એક સ્ત્રી અને પ્રત્યેક સ્ત્રીમાં એક પુરુષ જીવતો હોય છે. મને લાગે છે કે મારામાં રહેલી સ્ત્રી બહુ સ્ટ્રોન્ગ છે. કદૃાચ એટલે જ હું લવરબોયની ભુમિકા વધારે સંવેદૃનશીલતાપૂર્વક નિભાવી શકું છું.

- મને રોમેન્ટિક ડાયલોગ્ઝમાં ગતાગમ પડતી નથી. ‘તુમ નહીં સમજોગી અંજલિ, કુછ કુછ હોતા હૈ...' આ પ્રકારના ડાયલોગમાં એવું તે શું મહાન છે હું સમજી શકતો નથી. ડિરેકટર મને સમજાવે ત્યારે હું એમના દૃષ્ટિકોણ પ્રમાણે  પર્ફોર્મ કરી નાખું છું. મારી ભીતર છુપાયેલી પેલી બળવાન સ્ત્રી આવા બધા ડાયલોગ્ઝ બોલતી વખતે સક્રિય બની જાય છે. મારી અંદૃર છુપાયેલી એ સ્ત્રી જ મને મર્દૃાના બનાવે છે.

- રોમાન્સની મારી પોતાની કોઈ ખાસ સ્ટાઇલ કે બ્રાન્ડ નથી. હું તો માત્ર મારા ડિરેકટરો કહે તે પ્રમાણે કરતો રહું છું કેમ કે પ્રેમ વિશે મારા ખુદૃના કોઈ આઇડિયાઝ છે જ નહીં. યશ ચોપડા, આદિૃત્ય ચોપડા, કરણ જોહર, સંજય લીલા ભણસાલી આ બધા મને ચોકકસ દૃષ્ટિથી જુએ છે, પ્રેમ કે રોમાન્સ વિશે તેઓ નિશ્ર્ચિત વિચારો કે માન્યતાઓ ધરાવો છે ને હું તેમના ચીંધાડેલા રસ્તે ચાલ્યા કરું છું.

 -  મને હંમેશાં લાગ્યું છે કે લવસ્ટોરી જો નાયિકાના દૃષ્ટિકોણથી કહેવામાં આવે તો સરસ બને છે. ‘દિૃલવાલે દૃુલ્હનિયા લે જાયેંગે' આજેય જોવી ગમે છે, કેમ કે એની વાર્તા કાજોલના દૃષ્ટિકોણથી કહેવાઈ છે. ‘મેરે ખ્વાબોં મેં વો આએ...થી વાત શરુ થાય ને પછી સપનોં કા રાજકુમાર એની જિંદૃગીમાં આવે, કાજોલ જે રીતે પરિવારની વાત માને છે, જે રીતે પરંપરાઓનું પાલન કરે છે, જે રીતે પ્રેમીની પડખે ઊભી રહે છે... ટૂંકમાં, આ કાજોલની વાર્તા છે.



 - આટલી બધી લવસ્ટોરી કરવાને લીધે આજે હું સ્ત્રીઓને વધારે સારી રીતે સમજી શકું છું. ના, ‘સમજી શકવું'  ખોટો શબ્દૃપ્રયોગ છે. મને કહેવા દૃો કે હું સ્ત્રીઓને વધારે સારી રીતે ‘ફીલ' કરી શકું છું, તમામ સ્તરે. સ્ત્રીનો દૃેખાવ હવે મારા માટે ગૌણ બની ગયો છે. ‘વાઉ... આનું ફિગર પરફેકટ છે, ટેન આઉટ ઓફ ટેન' આ બધું હવે ભૂતકાળ બની ગયું છે. હું હવે સ્ત્રીઓનો વધારે આદૃર કરું છું. શું હું વધારે સારો પાર્ટનર બન્યો છું? આઈ ડોન્ટ નો.

- હું મારા માટે કોઈ ફિલ્મ ડિઝાઇન કરી શકતો નથી. મારા શુભેચ્છક અને જેની સાથે મેં હજુ સુધી કામ કર્યું નથી એવા એક ડિરેકટર વચ્ચે મને એક પાર્ટીમાં મળી ગયા. મને કહે, યાર શાહરુખ, કંઈક વિચારને...  કુછ હટ કે બનાતે હૈ. મૈં કહ્યું, હું નહીં વિચારું, તમે જ વિચારો. જો તમને લાગે કે તમારા વિઝનમાં હું ફિટ બેસું છું તો મને તમારી ફિલ્મમાં  મને લો, મારી પાસેથી કામ કઢાઓ. મને લાગે છે કે આ જ મારી વર્સેટાલિટી છે.

- રોજ સેટ પર શૂિંટગ કરવા જાઉં ત્યારે એવું કશુંક હોવું જોઈએ જેના માટે એક્સાઈટ થઈ શકાય. જેમ કે, મને થાય કે યાર... આજે હું સેટ પર જઇને ઇમ્તિયાઝ અલીએ જેવી કલ્પના કરી છે અદ્લ એવો હીરો બનીને દૃેખાડીશ. ઇમ્તિયાઝ ઇચ્છે છે એવી એક મોમેન્ટ પણ મારા પર્ફોર્મન્સમાં આવી ગઈ તો હું ખૂબ ખુશ થઈ જઈશ. આખેઆખી અઢી કલાકની ફિલ્મ હું ડિરેકટરની અપેક્ષા પ્રમાણે પર્ફોર્મન્સ આપી શકવાનો નથી, હું એવો દૃાવો પણ કરતો નથી, પણ જો માત્ર પંદૃર સેકન્ડ પણ અસલી આવી ગઈ તો એટલુંય મારા માટે ઘણું છે.

- ધારો કે મને પેલી પંદૃર સેકન્ડ ન મળી તો પણ હું રાજી તો થઈશ જ. માનો કે એક હવેલીનો બંધ કમરો છે, જેમાં તમે ક્યારેય પગ મૂક્યો નથી. કદૃાચ તમે ત્યાં જવા માગતા નથી. તમને ત્યાં જવાની કલ્પના માત્રથી ડર લાગે છે. તમે ધારી લીધું છે કેે એ ઓરડામાંથી ગંદૃી હવડ વાસ આવતી હશે. પણ પછી (હું જ્યારે ટિપિકલ અર્બન, કૂલ, ભણેલાગણેલા લવરબોય પ્રકારની ભુમિકાઓથી વેગળા જઈને ‘ફેન', ‘ચક દૃે ઇન્ડિયા' કે ‘રઇસ' જેવી ફિલ્મો કરું છું ત્યારે) મને થાય છે કે ચાલો, મેં પેલા અજાણ્યા ઓરડાનો દૃરવાજો ખોલીને અંદૃર જવાની કોશિશ તો કરી. શક્ય છે કે મને એ ઓરડો ન ગમ્યો અથવા અંદૃર ઘૂસી જ ન શકયો, પણ તેથી શું? અંદૃર ડોકિયું કરીને જોઈ તો લીઘું.

- હું વિદૃેશી કે ભારતીય ફિલ્મો જોઉં છું ત્યારે કોઈ એકટરનો ઉત્તમ અભિનય જોઈને ‘અરે યાર, આ તો જબરદૃસ્ત એકિટંગ કરે છે...' આવું કરતાં મને ન આવડે એવું વિચારીને વામણાપણું અનુભવતો નથી, કેમ કે હું જાણું છું કે હું સારો એક્ટર નથી. મને પહેલેથી ખબર છે કે અમુક વસ્તુઓ કરતાં મને નથી જ આવડતી. હું સારો એકટર નથી એ કંઈ મારા માટે ન્યુઝ નથી. તમને જ્યારે તમારી મર્યાદૃાઓની ખબર હોય ત્યારે એક એકટર તરીકે, એક પર્ફોર્મર તરીકે તમારી કેટલી પહોંચ છે તે તમે જાણતા જ હો છો.

- એક એકટર તરીકે હું અત્યંત અનશ્યોર હોઉં છું. હા, મને મારા ડાયલોગ્ઝ બરાબર આવડતા હોય છે અને તેને કારણે મારું ગાડું ગબડી જાય છે, પણ જે-તે સીનમાં હું ધારી અસર પેદૃા કરી શકયો કે નહીં એની મને ખબર હોતી નથી. છેલ્લાં દૃસ-પંદૃર વર્ષથી મેં ધારી અસર પેદૃા કરવાની કોશિશ કરવાનું સુધ્ધાં છોડી દૃીધું છે. મને જિંદૃગીમાં ક્યારેય લાગ્યું નથી કે હું અમેઝિંગ એકટર છું. પચીસ વર્ષની મારી કરીઅરમાં મારી તમામ ફિલ્મોના શૂટિંગ દૃરમિયાન હું સતત નવર્સ રહ્યો છું, ભયભીત રહ્યો છું.

- બીજાઓનાં પર્ફોર્મન્સીસ કરતાં બીજાઓનાં લખાણ મને વધારે ચમકાવી મૂકે છે. અમુક લેખકો પાત્રને ઊપસાવવા માટે જે રીતે લખે છે તે વાંચીને મને થાય કે અરે યાર, આવા વિચાર મને કેમ નથી આવતા? આણે કેવી રીતે કિરદૃારમાં આવા શેડ્ઝ, આવી સૂક્ષ્મતાઓ, આવું ઊંડાણ ઉમેર્યું?

- હું મારી જાતને ગંભીરતાથી લેતો નથી એટલે બીજાઓ પણ મને ગંભીરતાથી લેતા નથી! વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યુમાં હું બોલી ગયો હતો કે મને પાંચ જ એકસપ્રેશન્સ કરતાં આવડે છે. આજ સુધી લોકો કહ્યા કરે છે કે આ તો આ પાંચ જ એકસપ્રેશન કરી જાણે છે! મને આજની તારીખેય કેમેરા સામે હસતા આવડતું નથી. બહુ જ અઘરું છે અસલી હાસ્ય કરવું.

- હું એવા લોકોની ફિલ્મો કરવા માગું છું, જેમની સાથે કામ કરવાની મને મજા આવે. હું એમને પૂછતો રહું છું: આપ ખુશ હો ના? મને લાગે છે કે એક્ટરે આટલા જ સ્વાર્થી અને આટલા ઉદૃાર બનવું જોઈએ - પોતાને ગમે એવા લોકો સાથે કામ કરવું અને ડિરેક્ટર ખુશ રહે એવું પર્ફોર્મન્સ આપવું. જો હું ડિરેક્ટરના પ્રેમમાં ન પડી શકું તો એકાવન-બાવન વર્ષની ઉંમરે કામ કરવાનો કોઈ મતલબ નથી.

0 0 0 

Saturday, November 10, 2012

જબ તક હૈ જબાન


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 11 નવેમ્બર 2012

 શાહરુખની જીભ એનું સૌથી આકર્ષક અંગ છે. શાહ‚ખનાં ઈન્ટરવ્યુઝ વાંચવામાં અને જોવામાં એની ફિલ્મો કરતાંય વધારે મજા આવે છે. પેશ છે એસઆરકેનું કેટલુંક બોલ બચ્ચન...


 ‘શાહરુખ ખાને બહુ જલદી મા-બાપ ખોઈ દીધા છે. એટલે એને સતત પ્રેમની જ‚ર પડે છે. પુષ્કળ પ્રેમની. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ત્યાં સુધી એ તમને છોડશે નહીં. એ જાણે કે તમારો કાંઠલો પકડીને કહેશે: જુઓ, હું તમને પ્રેમ આપી રહ્યો છું, ઓકે? હવે મને સામો પ્રેમ આપો! બસ, શાહ‚ખની આ જ ક્વાલિટીએ એને સુપરસ્ટાર બનાવ્યો છે.  એ કેમેરા સામે એક્ટિંગ કરતો હોય કે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતો હોય કે ઈન્ટરવ્યુ આપતો હોય... એ જાણે કે સતત કહેતો હોય છે કે ‘જુઓ,  મારી સામે જુઓ... મને ચાહો, ચાહતા રહો’.  એની પ્રેમની ઝંખના ક્યારેય સંતોષાતી નથી.’

 આ આદિત્ય ચાપડાના શબ્દો છે. પ્રોડ્યુસર અને દોસ્ત હોવાના નાતે એણે શાહ‚ખની પર્સનાલિટીની એક છટા સરસ પકડી છે. હાલના તબક્કે સલમાન કદાચ ત્રણેય ખાનમાં સૌથી પોપ્યુલર ખાન છે, આમિર સંભવત: સૌથી વર્સેટાઈલ અને ચતુર ખાન છે, પણ એક્સ ફેક્ટરના મામલમાં શાહરુખ હંમેશા નંબર વન રહ્યો છે. એક્સ ફેક્ટર એટલે જેને વ્યાખ્યામાં બાંધી ન શકાય એવો કરિશ્મા, કશુંક ચુંબકીય તત્ત્વ. એ ‘ફૌજી’ સિરિયલ કરી રહ્યો હતો ત્યારે પણ એનામાં એક્સ ફેક્ટર હતું. શાહરુખની સૌથી પહેલી રિલીઝ થયેલી ફિલ્મ ‘દીવાના’માં એની એન્ટ્રી વખતે લોકો ચિલ્લાઈ ઉઠતા હતા. ફિલ્મી પડદા પર એનું અચીવમેન્ટ હજુ તો શૂન્ય હતું, તો પણ.      

 શાર્પ દિમાગ અને રમૂજથી છલકાતું વાકચાતુર્ય - શાહરુખના એક્સ ફેક્ટરના મૂળિયાં કદાચ અહીં દટાયેલાં છે. શાહ‚ખનાં ઈન્ટરવ્યુઝ વાંચવામાં અને જોવામાં એની ફિલ્મો કરતાંય વધારે મજા આવે છે. શાહરુખની જીભ એનું સૌથી આકર્ષક અંગ છે!  ‘તમે ક્યારેય સિલ્વર મેડલ જીતતા નથી, તમે ફક્ત ગોલ્ડ મેડલ હારો છો!’ શાહરુખનું આ ક્લાસિક ક્વોટ છે. પેશ છે એના જેવા કેટલાક ઑર ચુનંદા અવતરણો....



 - હું રોલ્સ રોયસ કાર જેવો છું. એન્જિન વગર કેવળ પ્રતિષ્ઠાના જોરે દોડતો રહી શકું છું.

 - હું જે માનું છુંં એ જ કરુ ંછું. જે લોકોને એની સામે વાંધો છે એ મારા માટે મહત્ત્વના નથી. જે લોકો મારા માટે મહત્ત્વના છે, એનેે વાંધો હોતો નથી.

 - ભગવાનને ક્રિકેટ રમવાનું મન થયું અને એેણે સચિન તેંડુલકર બનાવ્યો. ભગવાનને બોલીવૂડમાં એક્ટિંગ કરવાનું મન થયું અને એણે શાહરુખ ખાન બનાવ્યો!

 - દુનિયામાં ફક્ત એક જ ધર્મ છે- પુુરુષાર્થ.

 - હું સારો માણસ નથી, પણ મને સારા માણસ તરીકે જીવન જીવવાના સંસ્કાર મળ્યા છે. ક્રોધે ભરાઈને બીજાઓને ધીબેડતો માણસ ખરાબ નથી. અંદરખાને આપણે બધા જ એવા છીએ. આપણે આપણી જાતને જરા વધારે સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, એટલું જ.

 - મારી પત્ની ગૌરી મારા માટે પ્રેમથી રાંધે છે એવું કહીને ખોટું શું કામ બોલવાનું? ગૌરી જિંદગીમાં ક્યારેય રાંધતા શીખી જ નથી. હા, એ રસોઈયાઓ સારા પકડી લાવે છે.

 - ગૌરી અને હું એકબીજાની સાથે જીવીએ છીએ, એકબીજા માટે જીવતા નથી. જો એણે મારા માટે ત્યાગ કર્યા હોય કે ભોગ આપ્યા હોય તો મને ખબર નથી. એ જો આવું બોલે તો એનો અર્થ એ થયો કે એ ત્યાગ નથી કરતી, બલકે મારા પર ઉપકાર કરે છે.

 - તમે પ્રેમ ખાતર જેની સાથે લગ્ન કર્યાં હોય એનાથી કંટાળી જાઓ તો ગરબડ તમારામાં છે, તમારા જીવનસાથીમાં નહીં.

 - હું પિતા તરીકે કે પતિ તરીકે ક્યારેક નિષ્ફળ જાઉં તો હાઈક્લાસ રમકડાં અને ડાયમંડનાં મોંઘાં ઘરેણાંની મદદ લઉં છું. આ બે વસ્તુ એવી છે જે ક્યારેય નિષ્ફળ જતી નથી!

 - હું માત્ર બે જ જણા પર વિશ્વાસ કરું છું, એક ભગવાન પર અને એક શાહરુખ ખાન પર.

 - હું બહુ શરમાળ માણસ છું. ધારો કે હું બ્રિટિશ એરવેઝમાં મુસાફરી કરતો હોઉં અને એરહોસ્ટેસ ખાવાપીવા અંગે એક-બે સવાલ પૂછે અને મને એનું ઈંગ્લિશ ન સમજાય તો હું ‘નો, થેન્ક્સ’ કહી દઈશ. પછી ભલે આખી ફ્લાઈટમાં મારે ભુખ્યા બેસી રહેવું પડે.

 - હું કેમેરા સામે કોઈ કિરદાર ભજવતો હોઉં અથવા ‘સુપરસ્ટાર શાહરુખ’ તરીકે પેશ થઈ રહ્યો હોઉં ત્યારે જ કોન્ફિડન્ટ હોઉં છું.  મારી જાત સાથે એકલો પડું ત્યારે મારા આત્મવિશ્વાસનું સ્તર નીચે ઉતરી જાય છે.

 - મને નથી લાગતું કે મને સુપરસ્ટારડમ મળી ગયું છે. માણસે આના કરતાં ઘણું વધારે અચીવ કરવાનું હોય. હું ક્યારેક સ્ક્રીન પર મારી એક્ટિંગ જોતો હોઉં ત્યારે મને સવાલ થાય કે મેં આવા ભંગાર શોટ્સ શું કામ આપ્યા હશે. ઓડિયન્સને કે વિવેચકોને આ ખરાબ શોટ્સની ખબર નથી, પણ મને ખબર છે. આ ક્ષણો બહુ પર્સનલ હોય છે.


 - હું કેટલીય વાર લોકોને સામેથી ‘હેલો’ કહેતો નથી. મને ડર હોય કે એ મને નહીં ઓળખે તો!

 - હું બહાર રસ્તા પર નીકળું અને લોકો મને ઓળખે નહીં કે મને ઘેરી ન વળે તો હું આઘાતથી મરી જાઉં. આના માટે તો હું કામ કરું છું.

 - આર્થિક સમૃદ્ધિમાં હું અમુક અંશે માનું છું. મને લાગે છે કે આર્થિક સુખ એ આધ્યાત્મિક સુખ તરફ જવા માટેનું પહેલું પગથિયું છે. જોકે કેટલાક લોકો આનાથી ઊલટું માનતા હોય છે. કદાચ એ સાચા પણ હોય. અલબત્ત, હું જે માહોલમાં મોટો થયો છું, આપણે સૌ જે માહોલમાં મોટા થયા છીએ, એમાં કન્ઝ્યુમરિઝમ એક વાસ્તવિકતા છે.

 - હું પેપ્સીને છોડી દઉં અને કાલે ધારો કે કોકાકોલાવાળા મને અપ્રોચ કરે તો એના બ્રાન્ડ એમ્બેસેડર બનવામાં મને કોઈ વાંધો ન આવે. પેપ્સી અને કોકાકોલાની આઈડિયોલોજી સાથે મારે કશું લાગતું-વળગતું નથી. મને એક કામ સોંપવામાં આવે છે, જે હું કરીશ.

 - મને એવું માનવું ગમે છે કે મારામાં હિટલર અને નેપોલિયનના થોડાક અંશ છે. હું પ્રયત્ન કરું તો ય મહાત્મા ગાંધી કે મધર ટેરેસા જેવો બની શકવાનો નથી.

 - જો મારી પાસે તમને એરકન્ડીશન્ડ અંધકારમાં ત્રણ કલાક સુધી રડાવવાનો અધિકાર છે, તો તમને પણ મને કોઈ પણ પ્રશ્ન પૂછવાનો હક છે.

 -  લોકો કે મિડીયા બુમરાણ મચાવી રહ્યાં હોય ત્યારે ચુપ રહેવું, કશું ન બોલવું સહેલું નથી. આત્મસંયમ, ધીરજ અને પોતાની જાત પ્રત્યે તેમજ પરિવાર પ્રત્યે પ્રેમ હોય તો જ તે શક્ય બને.

 - સ્ટાર ગમે તેટલો મોટો કેમ ન હોય, એનું પતન થઈ શકે છે, એ ભુલ કરી શકે છે. પછી એ શાહરુખ ખાન હોય કે રોનાલ્ડીનો.

 - ભારતમાં સિનેમાનું સ્થાન સવારે બ્રશ કરવા જેવું છે. તમે એનાથી છટકી શકો જ નહીં.

 - મને જ્યારે પણ લાગે કે મારામાં બહુ ઘમંડ આવી ગયું છે તો હું અમેરિકા આંટો મારી આવું છું. ત્યાં એરપોર્ટ પર જ ઈમિગ્ર્ોશન ઓફિસરો મારી બધી હવા કાઢી નાખે છે!

 - હું ટ્રાય-સેક્સ્યુઅલ છું. જે કંઈ સેક્સ્યુઅલ છે એ બધું જ હું ટ્રાય કરું છું!

 - હું ઈન્ટેલિજન્ટ-બીન્ટેલિજન્ટ કશું નથી. હું કેવળ છીછરો માણસ છું, જે બધી જગ્યાએ મિસફિટ છે.

 - હું એક્ટર કરતાં પર્ફોમર વધારે છું. હું દઢતાથી, પ્રામાણિકતાથી, બેશરમીથી માનું છું કે સિનેમાનો ધર્મ લોકોને એન્ટેરટેઈન કરવાનો છે, સંદેશ આપવાનો નહીં. જો તમારે લોકોને સંદેશો જ આપવો હોય તો પોસ્ટ ઓફિસ જાઓ, ઈમેઈલ મોકલો કે એસએમએસ કરો. એ માટે ફિલ્મો શા માટે બનાવો છો?

 - મને ક્યારેય કોઈ બાબતનું ગિલ્ટ થતું નથી.

 -  ફિલ્મસ્ટારોનું રાષ્ટ્રીય સ્તરે કશું મહત્ત્વ નથી, એમના વગર કશું જ અટકવાનું નથી. સિમ્પલ.

 શો સ્ટોપર 

 શાહરુખ ખાન આર્ટ -ઓફ - લિવિંગના હરતા ફરતા કોર્સ જેવો છે. એ રોજ મારા આર્ટ ઓફ લિવિંગના ક્લાસ લે છે. એય સાવ ફ્રીમાં.  

 - કરણ જોહર 


Sunday, October 23, 2011

શાહરૂખ ખાનમાં એવું તે શું છે?


                                                     દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ -  ૨૬ ઓક્ટોબર ૨૦૧૧  

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

શાહરૂખ ખાનમાં કશુંક જબરું તત્ત્વ છે, કશીક ચુંબકીય તાકાત જેવું, જે એની બુદ્ધિમાંથી યા તો એના આંતરિક માળખામાંથી ઝરે છે. એવું તત્ત્વ, જેને એના ફિલ્મસ્ટાર હોવા સાથે કશો સંબંધ નથી.


ભલે એની મોટા ભાગની ફિલ્મો તમને સામાન્ય કક્ષાની લાગતી હોય, ભલે તેની નક્કર અભિનયક્ષમતા  માટે તમારા મનમાં બહુ ઊંચો અભિપ્રાય ન હોય, પણ એક વાત નિશ્ચિત છેઃ શાહરૂખ ખાન છે બડો ઈન્ટરેસ્ટિંગ માણસ. એને એક જ વખત વ્યક્તિગત રીતે મળનારને કે તેની સાથે થોડી વાતચીત કરનારને એક વાત તરત સમજાઈ જતી હોય છે કે આ માણસમાં કશુંક જબરું તત્ત્વ છે, કશીક ચુંબકીય તાકાત જેવું, જે એની બુદ્ધિમાંથી યા તો એના આંતરિક માળખામાંથી ઝરે છે. એવું તત્ત્વ, જેને એના ફિલ્મસ્ટાર હોવા સાથે કશો સંબંધ નથી. ધારો કે એ ફિલ્મોમાં આવ્યો ન હોત અને એમબીએ થઈને કશેક જોબ કરતો હોત તો પણ આ તત્ત્વ આવું જ પ્રભાવી હોત.

મેગાહિટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કામ કરીને શાહરૂખ ઓફિશિયલી સુપરસ્ટાર બન્યો ત્યારે એની ઉંમર માંડ ત્રીસ વર્ષ હતી (શાહરૂખ જો આ ફિલ્મ ન કરત તો આદિત્ય ચોપડા હીરોનો રોલ સૈફ અલી ખાનને ઓફર કરવાના હતા). સિનેમા જેવા ભયાનક સ્પર્ધાત્મક ફિલ્ડમાં શાહરૂખનું આ વીસમું વર્ષ ચાલે છે. બબ્બે દાયકા પછી પણ પોતાના ક્ષેત્રમાં માત્ર રિલેવન્ટ જ નહીં, પણ સતત શિખર પર રહેવું અને જોરદાર ડિમાન્ડમાં રહેવું તે આ નાનીસૂની વાત નથી. શાહરૂખે હવે પોતાની કરીઅરનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે, દિવાળીના દિવસે રિલીઝ થઈ રહેલી ‘રા.વન’ બનાવવામાં ૧૪૦ કરોડ રૂપિયાનું આંધણ કરીને.


‘હું માત્ર એક જ વસ્તુમાં પૈસા વેડફું છું, પિક્ચરો બનાવવામાં!’  શાહરૂખ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘જુઓ, ‘રા.વન’ની એક પણ સ્પેશિયલ ઈફેક્ટ એવી નથી જેને તમે સાવ નવી કે અભૂતપૂર્વ કહી શકો. ઈગ્લિંશ ફિલ્મોમાં આપણે અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ જોઈ જ છે. ‘રા.વન’ની વિશેષતા એ છે કે તેમાં દેખાડેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ સંપૂર્ણપણે ભારતમાં, રાધર, મારા પ્રોડકશન હાઉસમાં તૈયાર થઈ છે. મારા એનિમેટર્સનું સુપરવિઝન કરવા હું ફોરેનથી ઓસ્કરવિજેતા એક્સપર્ટ્સને તેડાવતો. મજા એ વાતની છે કે ‘રા.વન’ના અનુભવને લીધે આ અઢીસો ભારતીય એનિમેટર્સ લગભગ એમના વિદેશી કાઉન્ટરપાટર્સ જેટલા જ કાબેલ બની જવાના.’

‘મુન્નાભાઈ એમબીબીએસ’ની માફક રજનીકાંતવાળી ‘રોબોટ’ ફિલ્મ પણ સૌથી પહેલાં શાહરૂખને ઓફર થઈ હતી. સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રોબોટ’ સુપરડુપર હિટ થઈ ગઈ એટલે હવે ‘રા.વન’ની તુલના તરત એના સાથે થવાની. સહેજ પણ કાચું કપાયું હશે તો લોકો તરત કહેવાનાઃ ના રે ના, આમાં ‘રોબોટ’ જેવી મજા નથી. શાહરૂખે જોકે ‘રા.વન’માં રજનીકાંતને નાનકડા રોલ પૂરતા ખેંચી લાવીને સ્માર્ટ પગલું ભર્યુર્ં છે. જોકે કહેનારાઓ કહે જ છેઃ ‘રા.વન’માં શાહરૂખ મોટે ઉપાડે સુપરહીરો બન્યો હોય, પણ એણે રજનીકાંતની મદદ તો લેવી જ પડી!

કહેનારાઓ તો ખેર, શાહરૂખ માટે ઘણું બધું કહે છે પણ શાહરૂખ સામાન્યપણે મગજ ગુમાવતો નથી. શાહરૂખ એ રીતે જેન્ટલમેન છે. એ કહે છે, ‘કોઈ મારી સાથે બદમાશી કરતું હોય કે મને કોઈ માણસ ગમતો ન હોય તો હું ઊલટાનો એની સાથે વધારે સારું વર્તન કરવા માંડું. આથી પેલો ગૂંચવાઈ જાય. મારા દોસ્તો મને વઢતા હોય છે કે તું સાવ ભીરુ અને ઢીલો માણસ છો. ફલાણો તારી સાથે આટલું ખરાબ વર્તન કરે છે તે તું ચલાવી કેમ લે છે? સામે કશું કહેતો કે કરતો કેમ નથી? મારો જવાબ બહુ સિમ્પલ હોય છેઃ હું  સામેના માણસ સાથે સારો રહી શકું છું એનો અર્થ એમ કે હું તેને અતિક્રમી ગયો છું, હું એનાથી ચઢિતાયો છું. મને ગુસ્સો એવા લોકો પર જ આવે છે, જેમને હું પોતીકા ગણું છું, જેમને પ્રેમ કરું છું, જેમના માટે મારા દિલમાં ફિકર છે. ગુસ્સો તો પ્રેમ અને આત્મીયતા વ્યક્ત કરવાનું ખૂબસૂરત માધ્યમ છે.’


શાહરૂખ સુપર-અચીવર છે. સફળતા, પૈસો, નામ... દુન્યવી સ્તરે જે હોવું જોઈએ તે બધું જ એની પાસે છે. બાંદરામાં દરિયાની સામે ૩૦, ૦૦૦ ચોરસફૂટમાં ફેલાયેલો એનો ‘મન્નત’ બંગલો મુંબઈના ટોપટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આજના બજારભાવ પ્રમાણે આ પ્રાઈમ પ્રોપર્ટીની વેલ્યુ ૧૨૫ કરોડ રૂપિયા જેટલી થાય. શાહરૂખ કહે છે, ‘થોડા દિવસો પહેલાં મેં પેલું બેસ્ટસેલર પુસ્તક ‘ધ સિક્રેટ્સ’ વાંચ્યું હતું. વાંચતી વખતે મને એવું લાગી રહ્યું કે જાણે આ બધું મેં જ લખ્યું છે. હું માનું છું કે માણસની ઈચ્છાઓ એની જરૂરિયાતમાંથી પેદા થવી જોઈએ. જેમ કે, ૨૦૦૬માં હું આ ‘મન્નત’ બંગલો ખરીદવા નીકળ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં ફક્ત ૭૫ લાખ રૂપિયા હતા, પણ મેં કહ્યું કે ડોન્ટ વરી, પૈસાનો મેળ થઈ જશે. અને એવું જ થયું. મને તે વખતે ખરેખર ખબર નહોતી કે આટલું બધું નાણું એક્ઝેક્ટલી ક્યાંથી લાવીશ, પણ મારી જરૂરિયાત સ્પષ્ટ હતી, મારે કેટલી રકમ જોઈએ છે તેની મને જાણ હતી, તેથી રસ્તા આપોઆપ નીકળતા ગયા. લાંબા લાંબા પ્લાનિંગ કરવામાં રમમાણ રહેવાનો કશો અર્થ નથી. જો હું મારી આજને સાચવી લાઈશ તો મારી આવતી કાલ આપોઆપ સચવાઈ જવાની છે...’

વેલ સેઈડ, શાહરૂખ.

શો સ્ટોપર

હવે પછી મારી એક ઇંગ્લિશ ફિલ્મ આવશે જેમાં મેં મ્યુઝિક પણ આપ્યું છે અને એક્ટિંગ પણ કરી છે.  

 - હિમેશ રેશમિયાની ધમકી