Monday, October 31, 2011

આસિત મોદી એટલે કે...

દિવ્ય ભાસ્કર - Diwali issue - ઉત્સવ



૭૦૦ એપિસોડ્સ પછીય હોટ-એન્ડ-હેપનિંગ ગણાતી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના નિર્માતા આસિત મોદી મળવા જેવા માણસ છે. આ સિરિયલની જન્મકથા તેનાં પ્રોડ્યુસર અને પાત્રો જેટલી જ રસપ્રદ છે.



(ટૂંક સમયમાં પ્રકાશિત થનારા શિશિર રામાવતના ‘ઊંધાં ચશ્માંથી ઉલટા ચશ્મા’ પુસ્તકમાંથી)
 
રાબર એક દાયકા પહેલાં, ૨૦૦૧ની એક સાંજે, દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના આ પ્રિય હાસ્યકાર તારક મહેતાના ઘરે ટેલિફોનની ઘંટડી વાગે છે. શ્રીમતીજી ઈન્દુબહેન રિસીવર ઊંચકે છે.



‘હલો?’



ફોન મુંબઈથી છે. પોતાનું નામ આપીને સામેની વ્યક્તિ કહે છે, ‘મારે તારક મહેતાનું કામ હતું.’



‘મહેતા તો અત્યારે સુતા છે. બોલો, શું કામ હતું?’



‘હું ટીવી પ્રોડ્યુસર છું. સિરિયલો બનાવું છું. મને ‘દુનિયાના ઊંધા ચશ્માં’માં રસ છે. તેના વિશે જ વાત કરવી હતી.’



‘પણ મહેતા અત્યારે વાત કરી શકે તેમ નથી. એક કામ કરો. તમે એક ફોન નંબર લખી લો અને સિરિયલ વિશે જે કંઈ વાત કરવી હોય તે એ ભાઈ સાથે કરો.’



‘સારું. પણ તમે જેનો નંબર આપી રહ્યા છો તે કોણ છે તે કહી શકશો?’



‘મહેશ વકીલ. ઘરનો જ માણસ છે. તમે નંબર લખો.’



ઈન્દુબહેન મહેશ વકીલનો કોન્ટેક્ટ નંબર લખાવે છે. તારક મહેતાના અઠંગ ચાહકમાંથી પારિવારિક મિત્ર બની ગયેલા સુરતવાસી બિલ્ડર મહેશ વકીલ. મહેશ વકીલે ખુદ ‘દુનિયાનાં ઊંધા ચશ્માં’ પરથી ટીવી સિરિયલ બનાવવાનું સપનું જોયું હતું અને તે પૂરું કરવાની કોશિશ પણ કરી હતી. વાત પૂરી કરીને પેલી વ્યક્તિ આભાર માને છે. એ ફોન મૂકે તે પહેલાં અચાનક ઈન્દુબહેન પૂછે છે, ‘એક મિનિટ. તમારું નામ શું કહ્યું ભાઈ? સોરી, જરા ફરીથી કહેશો?’



સામેની વ્યક્તિ પાછી પોતાની ઓળખ આપે છે. ઈન્દુબહેન રિસીવર ક્રેડલ પર મૂકે છે અને બાજુમાં પડેલી ડાયરી ઊંચકે છે. પછી પેનનું ઢાંકણું ખોલી ફોન કરનાર માણસનનું નામ અને વિગતો નોંધી લે છેઃ



આસિત મોદી. નીલા ટેલિફિલ્મ્સ. મુંબઈ.



ઈન્દુબહેનને ખબર નથી કે મહેશ વકીલનું સપનું ભાગ્યવિધાતાએ આસિત મોદી નામના આ માણસની કુંડળીમાં સાકાર કરવાનું નિધાર્યું છે...



ઈન્દુબહેનને એવી કલ્પના પણ ક્યાંથી હોય કે આ એ માણસ છે, જે તારક મહેતાને અને તેમની પાત્રસૃષ્ટિને આખી દુનિયામાં મશહૂર કરી દેવાનો છે!





કહાની આસિત મોદી કી...





કોમડી સિરિયલો બનાવીને આખા દેશને હસાવનાર આસિત હસમુખલાલ મોદીને રુદન સામે કદાચ જન્મજાત વાંઘો છે. લીટરલી! એટલે જ ૧૯૬૬ની ૨૪ ડિસેમ્બરે પુનાની એક હોસ્પિટલમાં તેઓ જ્ન્મ્યા ત્યારે સહેજ પણ રડ્યા નહોતાને! આસિત મોદીના બાળપણનાં શરૂઆતના વર્ષો દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં આવેલી ચાલીમાં દસ બાય દસની નાનકડી રૂમમાં વીત્યું.



‘મારા પિતાજી શાંત, સરળ અને બેફિકરા માણસ,’ આસિત મોદી કહે છે, ‘ એ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી કરતા. કવિતા લખવામાં અને લોકો સાથે સંબંધો બાંધવામાં ને જાળવવામાં એમને ખૂબ રસ પડે. પગાર તો ચોવીસપચ્ચીસ તારીખે ખલાસ થઈ જાય. પછી મમ્મી પોતાની રીતે ગાડું ગબડાવે. આમ, અમારું સંઘર્ષમય મિડલક્લાસ જીવન હતું એમ કહી શકાય. મમ્મીપપ્પાએ જોકે અમને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. અમે ઝાઝું માગ્યું પણ નથી. ચાલીમાં હું નાટકો કરતો, એમાં એક્ટિંગ કરતો, જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આગળ પડતા ભાગ લેતો. એટલે જ તારક મહેતાના ટપુડા સાથે હું મારી જાતને આઈડેન્ટિફાય કરી શકું છું, એનેે સારી રીતે ઓળખી શકું છું...’



અગિયારમું-બારમું ધોરણ તેમણે અંધેરીમાં આવેલી શ્રી ચિનાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કર્યું. કોલેજમનાં વર્ષોર્માં જ એમને નાટકોની લત લાગી ગઈ હતી. આજના પ્રોડ્યુસર આસિત મોદીએ શરૂઆત એકિંટગથી કરેલી. થર્ડ યરમાં હતા ત્યારે મિલમજૂરોની વ્યથા વ્યક્ત કરતા ‘બંધુઆ’ નામનું હિન્દી નાટક ભજવીને ઈન્ટરકોલેજ કોમ્પિટીશનમાં બેસ્ટ એક્ટર ઘોષિત થયા હતા. કોલેજ પછીનાં વર્ષોમાં થિયેટર જોકે છૂટી ગયું હતું. બેત્રણ જગ્યાઓ રૂટીન નોકરીઓ કર્યા પછી ૧૯૯૧માં આસિત મોદી ટીવી નિર્માત્રી સુશીલા ભાટિયા સાથે જોડાયા. તે પછી જયેશ ચોક્સીનું અકિક ચિત્ર નામનાં પ્રોડકશન હાઉસ જોઈન કર્યું અને બે સિરિયલનું માર્કેટિંગ સંભાવ્યું. તે વખતે અકિક ચિત્ર એકમાત્ર એવું પ્રોડકશન હાઉસ હતું, જેની એક સાથે બબ્બે સિરિયલો ઓનએર હોય!



અનુભવની સારી એવી સમૃદ્ધિ જમા થઈ ગઈ પછી સમય આવ્યો મુક્ત ઉડ્ડયન કરવાનો. ‘હમ સબ એક હૈ’ આસિત મોદીએ સ્વતંત્ર નિર્માતા તરીકે પ્રોડ્યુસ કરેલી પહેલી સિરિયલ. એક સંયુક્ત પરિવારમાં અલગ અલગ ત્રણ ભાષા બોલતી વહુઓની વાત હતી. ફેમિલીના વડા તરીકે જતિન કાણકિયાને કાસ્ટ કરવામાં આવ્યા હતા. તેમના ત્રણ દીકરાઓના રોલમાં રાકેશ બેદી, દિલીપ જોશી અને દેવેન ભોજાણીને લેવામાં આવ્યા હતા. પંજાબી, બંગાળી અને ગુજરાતી પુત્રવધૂની ભુમિકા કરી અનુક્રમે ડોલી બિન્દ્રા, મોહિની અને ડિમ્પલ શાહે. કોલેજકાળના પોતાના સિનિયર રહી ચૂકેલા દિલીપ જોશી સાથે આસિત મોદીનો એકટર-પ્રોડ્યુસરનો સંબંધ બંધાયો.



૧૯૯૪માં લોન્ચ થયેલી અને લાગલગાટ ત્રણ વર્ષ ચાલેલી ‘હમ સબ એક હૈં’ સિરિયલ ખૂબ જોવાઈ અને ખાસ્સી વખણાઈ. એક જ પરિવેશમાં જુદીજુદી ભાષા, રીતરિવાજ અને રહેણીકરણી ધરાવતા લોકોનું સહઅસ્તિત્ત્વ, તેમની વચ્ચે રચાતો પ્રેમનો સેતુ, તેમની વચ્ચે થતી નોંકઝોંક અને તેમાંથી નિષ્પન્ન થતું રમૂજ. સહેજ પણ દંશ વગરની આ સરળ હ્યુમરમાં એટલી નિર્દોષતા અને અપીલ રહેતી કે પરિવારના જુદાંજદાં વયજૂથના તમામ સભ્યો તેને સાથે બેસીને માણી શકતા હતા.



સફળતાની આ એ રેસિપી આવનારાં વર્ષોમાં આસિત મોદીની સિગ્નેચર ફોર્મ્યુલા બની જવાની હતી!



આ રીતે રોપાયું સિરિયલનું બીજ!



‘હમ સબ એક હૈં’ માટે જતિન કાણકિયાનો અપ્રોચ કરવામાં આવેલા ત્યારે તેમણે આસિત મોદીને જણાવેલુંઃ આસિત, મને સુરતના એક પ્રોડ્યુસર તરફથી ઓફર આવી હતી. મહેશ વકીલ એમનું નામ. મજાના માણસ છે. તારક મહેતાના ટપુડા પરથી ‘લો કર લો બાત!’ નામની સિરિયલ બનાવવા માગે છે. મને જેઠાલાલનો રોલ ઓફર થયો, જે મેં સ્વીકારી લીધો છે. હજુ તો જોકે પાઈલટ સહિતના ત્રણ એપિસોડ માંડ શૂટ થયા છે. સિરિયલ હજુ અપ્રુવ થઈ નથી. એ લોકો અત્યારે ચેનલો સાથે માથાકૂટમાં જ પડ્યા છે.

‘હમ સબ એક હૈં’નું શૂટિંગ શરૂ થયું. જતિન કાણકિયા સાથે દોસ્તી એટલે ‘લો કર લો બાત!’ના સ્ટેટસ વિશ આસિત મોદીને અપડેટ મળતા રહે. સોની ચેનલ સાથે વાત આગળ વધી રહી છે એવી માહિતી મળી અને ત્યાર બાદ વાત પાછી અટકી પડી છે તેવા સમાચાર પણ મળ્યા. એક દિવસ જતિન કાણકિયાએ એક દિવસ આસિત મોદીને કહ્યુંઃ મહેશભાઈ બહુ સારા માણસ છે, પણ કોણ જાણે કેમ ચેનલ સાથે ક્મ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ રહ્યા છે. એ સુરત-બેઝડ છે એટલે કદાચ આમ થતું હશે. આસિત, ‘લો કર લો બાત!’ એકચ્યુઅલી તારે ટેકઓવર કરી લેવી જોઈએ. તું મુંબઈમાં છો, અનુભવી છો, તું આખા મામલાને સારી રીતે હેન્ડલ કરી શકીશ...

૧૯૯૯માં જતિન કાણકિયાનું અણધાર્યુર્ અવસાન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં આસિત મોદીના દિમાગમાં તારક મહેતાની હાસ્યલેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પરથી સિરિયલ બનાવી શકાય એવા આઈડિયાનું બીજ અભાનપણે રોપાઈ ગયું હતું!



૨૦૦૦ની સાલમાં સોની ચેનલે આસિત મોદીને નવી સિરિયલ બનાવવાની ઓફર મૂકી અને આ રીતે ‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ બની. આ સિરિયલમાં એક રેસિડેન્શિયલ કોલોની છે, જેમાં જુદી જુદી ભાષા બોલતા અને રીતિરિવાજ પાળતા અનેક પરિવારો વસે છે. દિલીપ જોશી લુંગીધારી સાઉથ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સટીચર લંબુદ્રી બનેલા. અહીં પણ જુદાં જુદાં કિરદારો વચ્ચે દોસ્તી થાય છે, ઝઘડા થાય છે અને તેમાંથી રમૂજ ફૂટતી રહે છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ની જેમ જ. સ્વરૂપ અને કન્ટેન્ટની દષ્ટિએ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ને જો નવલકથા કહીએ તો ‘ યે દુનિયા હૈ રંગીન તેની પ્રસ્તાવના સમાન હતી. ‘દુનિયા હૈ રંગીન’ને ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ માટેની નેટ પ્રેક્ટિસ કહો તો એ અતિશયોક્તિવાળું સત્ય ગણાય.



‘ફ્રેન્કલી, ‘યે દુનિયા હૈ રંગીન’ની પ્રેરણા મને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’માથી મળી હતી,’ આસિત મોદી સ્વીકારે છે, ‘એમાં જોકે ટપુ ન હતો. સિરિયલ ઘણી જુદી હતી, પણ તેના પર ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ની અસર જરૂર હતી.’



‘યે દુનિયા હૈ રંગીન’ સિરિયલ એક વર્ષ ચાલી, પણ તે પછી બાલાજી ટેલીફિલ્મ્સની ‘કયૂંકિ સાસ ભી કભી બહૂ થી’ની ગજબનાક સફળતાએ સાસબહૂ સિરિયલ્સનો જબરદસ્ત ટ્રેન્ડ જન્માવી દીધો અને કોમેડી સિરિયલોનો લગભગ એકડો નીકળી ગયો!



...અને આ તબક્કે આસિત મોદી તારક મહેતાની ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ સફળ હાસ્યશ્રેણી પરથી સિરિયલ બનાવવાનો સૌથી પહેલી વાર ગંભીરતાપૂર્વક વિચાર કરે છેઃ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ જેવું જબરદસ્ત દમદાર સર્જન હજુ સુધી વણખેડાયેલું અને ટેલીવિઝનના માધ્યમથી જોજનો દૂર રહ્યું છે. તેના પરથી સિરિયલ બનાવવાની એકવાર કોશિશ થઈ હતી, પણ તે સફળ ન થઈ... પણ હવે હું આના પરથી સિરિયલ બનાવવાની કોશિશ કેમ ન કરી શકું?



સિરિયલનું સગપણ અને ચેનલોનું ચલકચલાણું



‘ફ્રેેન્કલી, હું તારક મહેતાને પહેલી વાર મળવા અમદાવાદ જવા રવાના થયો ત્યારે અંદરથી બિલકુલ પોઝિટિવ નહોતો...’ આસિત મોદી કહે છે, ‘પણ અંદરખાને હું જેટલો અસ્થિર હતો તેટલાં જ તારકભાઈ, મહેશભાઈ અને ઈન્દુબહેન સ્વસ્થ હતાં.’



પણ ધીમે ધીમે આસિત મોદીની આશંકા અને ડર ઓગળવા માંડ્યા. તારક મહેતાનું વ્યક્તિત્ત્વ જ એટલું હુંફાળું અને હળવુંફુલ છે કે સામેની વ્યક્તિને તેનો ચેપ લાગ્યા વગર રહે જ નહીં. આસિત મોદી ધીરે ધીરે ખૂલવા લાગ્યા. ઘણી વાતો થઈ. મિટીંગ સરસ રીતે આગળ વધી રહી હતી. તારક મહેતા, ઈન્દુબહેન અને મહેશ વકીલ ત્રણેયને એક વાતની પ્રતીતિ એક સાથે થઈ રહી હતીઃ આ માણસ છે તો જેન્યુઈન અને ડાઈનટુઅર્થ. ગ્લેમરની દુનિયામાં આટલાં વર્ષોથી છે પણ એનામાં છીછરાપણું પ્રવેશ્યું લાગતું નથી. એની સાથે સંધાન થઈ શકે છે. સૌથી મહત્ત્વનું તો એ કે, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’નાં પાત્રોનો એ પ્રેમી છે. આ પાત્રસૃષ્ટિનું મૂલ્ય તે સમજે છે.



થોડા સમય પછી બીજી મિટીંગમા ટર્મ્સ અને કંડીશન્સ નક્કી થયાં. આસિત મોદીએ એ જ વખતે તારક મહેતાને ટોકન સુપરત કરીને કહ્યુંઃ આ સિરિયલ ક્યારે ઓનએર થશે તેના વિશે આ ઘડીએ મને કશી ખબર નથી, પણ વર્ષદોઢ વર્ષ રાહ જોવી પડશે...

મહેતાસાહેબ પરિવારના વરિષ્ઠ સદસ્યની માફક સ્થિર હતા. મહેશ વકીલની માનસિક અવસ્થા સગાઈ થયેલી કન્યાના જવાબદાર મોટા ભાઈ જેવી હતી. ઠેકાણું તો સારું મળ્યું છે, પણ બધું બરાબર તો થશે ને? ઈન્દુબહેન વિચારી રહ્યાં હતાં, એ તો નીવડ્યે વખાણ! ...અને આસિત મોદી આનંદ અને ઉચાટ બણે એકસાથે અનુભવી રહ્યા હતા.



આ તો માત્ર સગાઈ થઈ હતી. સગાઈ અને લગન્ વચ્ચેનું લાંબુ અંતર કાપવાનું હજુ બાકી હતું!



‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળાના સ્વરૂપાંતરણ વિશેની માનસિક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન આસિત મોદીને સોની ટેલિવિઝન તરફથી ફરી સિરિયલ બનાવવાની ઓફર મળી. આ સિરિયલ એટલે ‘મેરી બીવી વંડરફુલ’. આમ, નીલા ટેલિફિલ્મ્સની લાગલગાટ ત્રીજી વીક્લી સિરિયલ સોની પર ટેલિકાસ્ટ થઈ, જે ૨૦૦૩માં પૂરી થઈ. બસ, હવે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ને ટીવી પર અવતારવાનો વારો આવી ગયો હતો, પણ તે પહેલાં નીલા ટેલિફિલ્મ્સની ઓર એક સિરિયલે ઓવરટેક કર્યુર્. સ્ટાર પ્લસ પર સપ્ટેમ્બર ૨૦૦૪માં આફ્ટરનૂન સ્લોટમાં ‘સારથિ’નું ટેલિકાસ્ટ શરૂ થયું. અલબત્ત, ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ માટે ચેનલોના સાહેબનો સામે પ્રેઝન્ટેશન આપવાની કવાયત તો ક્યારથી પૂરજોશમાં ચાલી રહી હતી. સોની, સબ, ડિઝની ચેનલ, નાઈન એક્સ, સહારા, સ્ટાર વન... વાત ક્યાંય જામતી નહોતી. ૨૦૦૧ના ઉત્તરાર્ધમાં તારક મહેતા સાથે પહેલી વાર મુલાકાત થઈ હતી અને ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ના અધિકારો મેળવ્યા પછી સાતેક જેટલી ચેનલો વચ્ચે નોનસ્ટોપ ચલકચલાણું રમાયું, કેટેકેટલાં પ્રેઝન્ટેશન્સ થઈ, ગણી ગણાય નહીં એટલી મિટીંગ્સ યોજાઈ... હાસ્ય લેખમાળાના અધિકારોથી શરૂ થઈને ચેનલના અપ્રુવલ સુધીની સફર સાતસાત વર્ષ સુધી લંબાઈ જશે એવી તો કલ્પનાય ક્યાંથી હોય? આખરે ૨૦૦૮માં સબ ટીવીએ ગ્રાીન સિગ્નલ દેખાડ્યું.



ફિલ્મસિટીમાં ગોકુલધામ સોસાયટીનો ભવ્ય સેટ ઊભો થાય છે. ઈન્ટિરીયરનાં દશ્યો માટે કાંદિવલીની એક સ્કૂલના આખા ફ્લોર પર સેટ તૈયાર કરવામાં આવે છે. શૂટિંગ પૂરજોશમાં શરૂ થાય છે. છ એપિસોડ્સ એડિટ થઈને રેડી થાય છે ત્યાં સુધીમાં તો સિરિયલ ટેલિકાસ્ટ થવાનો દિવસ આવી જાય છે ૨૮ જુલાઈ ૨૦૦૮, સોમવાર.



‘ઊધાં ચશ્માં’ પર કલંક?



‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’નો પહેલા જ એપિસોડમાં એક ડ્રીમ સિકવન્સથી છે. જેઠાલાલ કઠેડામાં ખડા છે અને વિરુદ્ધ છાવણીમાં આખી સોસાયટી છે.



‘ચિત્રલેખા’માં છપાતી હાસ્યલેખમાળાથી પરિચિત મોટા ભાગના ગુજરાતી ઓડિયન્સને આંચકો લાગે છે. આ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ છે? પાઉડર ગલીના માળાને બદલે આ બધા કોર્ટમાં શું કરે છે? તારક મહતા તોફાની ટપુડા વિશે કેટલું બધું લખે છે, પણ સિરિયલમાં બાળકો તો દેખાતાં જ નથી. ગુજરાતી વર્ગ પહેલા એપિસોડ સાથે સંધાન કરી શકતો નથી. નોનગુજરાતી દર્શકો પાસે સરખામણી કરવા માટે લેખમાળાનો સંદર્ભ નથી તે ખરેખર તો સારું છે. તેમના માટે આ તમામ પાત્રો તદ્દન નવાં છે, પણ સમગ્રાપણે પહેલો એપિસોડ નિષ્પ્રાણ પૂરવાર થાય છે...



પહેલા અઠવાડિયાના ચાર એપિસોડ પછી કહેવાતા મિત્રો અને હિતશત્રુઓ મૂછમાં મલકીને ચુકાદો આપી દે છેઃ સિરિયલમાં દમ નથી. જોઈએ, કેટલી ચાલે છે!



ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિભાવ મળી રહ્યા છે. આ મિશ્રણમાં જોકે સારા પ્રતિભાવ કરતાં ખરાબ પ્રતિભાવનું પ્રમાણ વધારે છે. આસિત મોદી નેગેટિવ ફીડબેક પછી પણ શાંત છે. તેમણે આવી જ અપેક્ષા રાખી હતી. ‘તારક મહેતા...’ની ક્રિયેટિવ ટીમ વચ્ચે સતત ચર્ચા થયા કરે છે. જેઠાલાલનું કિરદાર નિભાવી રહેલા દિલીપ જોષી એક્ટર હોવા ઉપરાંત હાર્ડકોર વ્યુઅર પણ છે. તેઓ સ્પષ્ટપણે કહે છે, ‘‘ચિત્રલેખા’માં તારક મહેતાને વાંચતી વખતે મજાની જે ફીલિંગ આવે છે તે એપિસોડ્સ જોઈને નથી જ આવતી.’



જો દિલીપ જોષીને ખુદને આવી લાગણી થતી હોય તો વર્ષોથી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ વાંચતા અને તેના પાત્રોને ભરપૂર પ્રેમ કરનારાઓની મનઃસ્થિતિ કેવી હશે?



ત્રીજો એપિસોડ ટેલિકાસ્ટ થતાં જ ‘ચિત્રલેખા’ની ઓફિસ પર સિરિયલને ગાળો આપતા ફોનકોલ્સ, ઈમેલ્સ અને પત્રોનો વરસાદ વરસવાની શરૂઆત થઈ જાય છે. આમાંના મોટા ભાગના વાચકોએ એવું જ માની લીધું છે કે સિરિયલ ચિત્રલેખા ગ્રુપે પ્રોડ્યુસ કરી છે! વાંચકોનો સૂર એક જ છેઃ આ તમે શું કરવા બેઠા છો ટીવી પર? આટલી સફળ હાસ્યલેખમાળાની આવી હાલત કરી નાખી? અમે આટલાં વર્ષોથી ટપુડાને વાંચીએ છીએ, અમારા મનમાં ચોક્કસ ચિત્ર હતું આ તમામ પાત્રોનું, પણ સિરિયલે ધડ્ દઈને ઈમેજ તોડી નાખી. સિરિયલ જોયા પછી અમને ‘ચિત્રલેખા’માં હાસ્યલેખ વાંચવાની ય મજા નહીં આવે. મહેરબાની કરીને બંધ કરો આ સિરિયલ!



‘ચિત્રલેખા’ પર આવતા પત્રો અને ઈમેલ્સના પ્રવાહને તંત્રી ભરત ઘેલાણી નીલા ટેલિફિલ્મ્સ અને અમદાવાદ તારક મહેતાના ઘરે એમ બણે દિશામાં ડાયવર્ટ કરે છે. આસિત મોદી અને તારક મહેતા બણે તમામ પત્રો તેમજ ઈમેઈલ ધ્યાનપૂર્વક વાંચે છે. જે વાચકવર્ગને પોતે દાયકાઓથી પોષ્યો છે અને જેમનો અપાર પ્રેમ સતત મળતો રહ્યો છે તેમની નારાજગી તારક મહેતાને અસ્વસ્થ કરી મૂકે છે.



રોષે ભરાયેલો એક વાંચક હદ કરી નાખે છે. તે કાગળમાં લખે છેઃ સબ ટીવીએ શરૂ કરેલી આ સિરિયલ તો ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પર કલંક સમાન છે...



કોઈ પણ સર્જકને આત્યંતિક ભાષામાં વ્યક્ત થયેલી આવી પ્રતિક્રિયા અસહ્ય લાગે. તારક મહેતા વ્યથિત થઈને ‘ચિત્રલેખા’ની ઓફિસે ફોન જોડે છે. ‘ભરત...’ તેઓ વ્યગ્ર સ્વરે કહે છે, ‘જાતી જિંદગીએ ટપુડો મને બદનામ ન કરી નાખે તો સારું...’



ટર્નંિગ પોઈન્ટ


Entire TMKOC team at Tarak Mehta's home


કોઈ પણ પ્રોડ્યુસરને વિચલિત કરી દે તેવી આકરી આ ટિપ્પણી છે. આસિત મોદીને ‘ચિત્રલેખા’ના વાચકોની ગાળો અને આ ભાષા વસમી જરૂર લાગે છે, પણ તેઓ અસ્થિર થતા નથી.તેમણે નિર્માતા તરીકે પોતાનો પોઝિટિવ એટિટ્યુડ અને આત્મવિશ્વાસ અકબંધ રાખ્યા છે. દસેય દિશાઓમાંથી મળી રહેલા એકેએક પ્રતિક્રિયામાંથી એ અને તેમની ટીમ કંઈકને કંઈક શીખી રહ્યા છે.

લોકોને કેમ આવું લાગે છે? એવી કઈ ભુલો છે જે આપણા ધ્યાન બહાર રહી ગઈ હતી?



આસિત મોદી અનુભવે સમજ્યા છે કે કોઈ પણ સિરિયલ લોન્ચ થતાંની સાથે રાતોરાત હિટ થઈ જતી નથી, તેને સ્વીકૃતિના સ્તર સુધી પહોંચવામાં થોડો સમય તો લાગે છે. તેમને લાગે છે કે તારકભાઈની મૂળ વસ્તુમાં ભરપૂર હ્યુમર છે, તેથી સિરિયલમાં હ્યુમર આવવું તો જોઈએ જ. સિરિયલમાં માહોલને મોડર્નાઈઝ કરીએ કે ગમે તે કરીએ, ઓડિયન્સને હસવું આવે તે અગત્યનું છે. એક વાર હાસ્યનું આવરણ ‘ક્રેક’ થઈ જાય એટલે ગંગા નાહ્યા, પછી બીજું બધું તો મેનેજેબલ છે...



... અને હાસ્યનું કપરું આવરણ ‘ક્રેક’ થાય છે ચંપકલાલની એન્ટ્રીથી.



ચંપકલાલના મુંબઈગમનનો વાર્તાપ્રવાહ સરસ રીતે ડિફાઈન થયેલો છે. આ સિકવન્સમાં બે મહત્ત્વનાં એલીમેન્ટ્સ પણ ઈન્ટ્રોડ્યુસ થયાં છે જે બહુ નજીકના ભવિષ્યમાં હિટ આઈટમ બની જવાનાં છે દયાનું ‘હે મા... માતાજી!’ અને તેની ગરબા કરવાની અજબ શૈલી. ટૂંકમાં, ચંપકલાલની એન્ટ્રીવાળા એપિસોડ્સમાં હ્યુમરનો નિશ્ચિત સૂર પકડાયો છે.



યેસ્સ... ધીસ ઈઝ ઈટ! તો આપણે આ રીતે વાર્તા કહેવાની છે! આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમની આંખ સામેના અસ્પષ્ટતાના વાદળ હટવાની શરૂઆત થઈ ચૂકી છે.

૨૩ ઓગસ્ટ ૨૦૦૮. આ તારીખે જન્માષ્ટમી છે. જનમાષ્ટમીવાળો એપિસોડ ટીવી પર ટેલિકાસ્ટ થયા પછી આસિત મોદી તારકભાઈનો અભિપ્રાય માગે છે.



‘એપિસોડ ખરેખર સારો હતો આસિત,’ તારક મહેતા કહે છે, ‘લેડીઝ લોકો મટકી ફોડે છે અને એ બધું જોવાની મજા આવે એવું હતું, પણ બધો મસાલો એકમાં જ કેમ વાપરી નાખ્યો?’



‘એટલે? હું સમજ્યો નહીં તારકભાઈ...’



‘એટલે એમ કે તારી પાસે સારો વિષય હતો, સારું મટિરિયલ હતું તો તે બધું એક જ એપિસોડમાં કેમ વણી લીધું? પ્રસંગોને વધારે બહેલાવીને એકને બદલે બે એપિસોડ કર્યા હોત તો વધારે મજા આવત...’



તારકભાઈએ સાવ સીધાસાદા શબ્દોમાં સો ટચના સોના જેવી વાત કહી દીધી છે. વાર્તા ઉતાવળે કહી દેવાની ન હોય, તેને બહેલાવવાની હોય, વધારે એક્સાઈટિંગ બનાવવાની હોય. રમૂજનો ખજાનો એકસામટો ખુલ્લો નહીં મૂકી દેવાનો, બલકે તેને હળવે હળવે ખર્ચવાનો. વાર્તા ભલે ખેંચાય, પણ સ્ક્રીનપ્લે પણ વધારે મહેનત કરવાની, તેને વધારે એક્સાઈટિંગ બનાવવાનો! ચંપકલાલની એન્ટ્રીવાળી સિકવન્સથી વાર્તાને રમૂજી રીતે શી રીતે કહેવી તેની રીત સમજાઈ હતી. આજે તારકભાઈની વાત સાંભળીને વાર્તાને કેવી રીતે બહેલાવવી તે સમજાયું!



એ જ વખતે સોની ટેલિઝિનના વડા એન.પી. સિંહનો એસએમએસ આવે છેઃ સુપર્બ જન્માષ્ટમી એપિસોડ... વેલડન!



સિંહસાહેબ જેન્યુઈન માણસ છે, તેઓ ક્યારેય કશુંય અમસ્તા કે કહેવા ખાતર નહીં કહે. પહેલાં તારકભાઈના સ્વીકૃતિભર્યા શબ્દો અને હવે એન.પી. સિંહનો આવો ઉત્સાહજનક મેસેજ.. જાણે પોતે પરીક્ષામાં પાસ થઈ ગયા હોય તેવી નક્કર લાગણી આસિત મોદીના મસ્તિષ્કમાં જાગે છે. જી હાં, પપ્પુ શાયદ પાસ હો ગયા... સિરિયલ લોન્ચ થઈ તેના એક મહિના પછી, ફાયનલી!



શાનદાર શતક ઃ સ્ટાર્સ આર બોર્ન!


Celebration Time...


૫ ફેબ્રુઆરી ૨૦૦૯. સ્થળ ક્લબ મિલેનિયમ, જુહુ. અવસર છે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના ૧૦૦ એપિસોડ્સનું ગ્રેન્ડ સેલિબ્રેશન.



સિરિયલનો સૌથી પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો હતો ત્યારે આ જ રીતે સેલિબ્રેશન થયું હતું અને સૌએ સાથે મળીને અવસર ઉજવ્યો હતો. તે વખતે, ખેર, ઉમંગની સાથે ઉચાટ પણ હતો પણ આજની ભાવસ્થિતિ જુદી છે. આજે ઉચાટનું સ્થાન આત્મવિશ્વાસે લઈ લીધું છે. આંખોની ચમક વધી છે. સ્મિત વધારે પહોળા થયા છે. ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના કેટલાય જાણીતા ચહેરા આમતેમ ઘુમી રહ્યા છે, હસીને વાતો કરી રહ્યા છે, ઘ્રુજારીદાર સંગીતના તાલે ઝુમી રહ્યા છે. મિડીયા તેના રસાલા સાથે ઉપસ્થિત છે. ચારે બાજુ ફ્લેશ લાઈટ્સની છોકમછોળ છે. ‘તારક મહેતા....’ના આર્ટિસ્ટોને આજે જુદી રીતે કેમેરાનો સામનો કરી રહ્યા છે. સામે માઈક લઈને ઊભેલા ટીવી રિપોર્ટરો સાથે વાત કરવામાં તેમને મોજ પડી રહી છે.



તારક મહેતા પોતાના વરિષ્ઠ પત્રકાર મિત્ર કાન્તિ ભટ્ટ સાથે સોફા પર બિરાજીને સંતુષ્ટ નજરે માહોલને નિહાળી રહ્યા છે. મહેમાનો સાથે હળતીભળતી વખતે અને મિડીયા સાથે વાતો કરતી વખતે પણ આસિત મોદીનું ધ્યાન તારક મહેતા પરથી હટતું નથી. તેઓ જુએ છે કે તારક મહેતા ખુશ છે. આ જ તો સૌથી મોટી સફળતા છે...



એક ઉજવણી તો રંગેચંગે પાર પડી. હજુ બીજી ઉજવણી બાકી છે. આસિત મોદીને ઈન્દુબહેનનો ફોન આવે છે, ‘મહેતાનો ૮૦મો જન્મદિવસ આવી રહ્યો છે. નવભારતવાળા આ નિમિત્તે મહેતાના ૮૦ પુસ્તકો એકસાથે બહાર પાડવાના છે. અમેરિકાથી ઈશાની અને ચંદ્ર (દીકરીજમાઈ) પણ આવી રહ્યાં છે. વિમોચન નરેન્દ્ર મોદીના હાથે થશે, જો એમનું શેડ્યુલ બરાબર ગોઠવાશે તો. આસિત, મને લાગે છે કે આ પ્રસંગ આપણે યાદગાર બનાવવો જોઈએ. તમે સિરિયલની ટીમ લઈને અમદાવાદ આવો તો કેવું?’



ઉત્તમ!



અમદાવાદ પહોંચીને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ટીમ પ્રેસ કોન્ફરન્સને સંબોધે છે અને બીજે દિવસે એટલે કે ૧ માર્ચ ૨૦૦૯ના રોજ ટાઉન હોલમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે. આ જ કાર્યક્રમમાં પ્રવચનો ઉપરાંત નાટક પણ પર્ફોર્મ થવાનું છે. રવિવારની સવારે સિરિયલની ટીમ ટાઉન હોલ પહોંચે છે ત્યારે માનવમેદની જોઈને છક્ક થઈ જાય છે. ચીફ મિનિસ્ટર આવવાના છે એટલે સિક્યોરિટીનો જડબેસલાક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લગભગ બારસો સીટ્સની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ પેક થઈ ગયું છે, લોકો ચાલવાની જ્ગ્યા પર, પગથિયે કે જ્યાં જગ્યા મળે ત્યાં ખીચોખીચ ઊભા રહી ગયા છે છતાં બીજા કેટલાય માણસ અંદર આવવા પડાપડી કરી રહ્યા છે. ટીમના સભ્યો તો પાછલા દરવાજેથી ગ્રીન રૂમમાં પહોંચી ગયા, પણ તારક મહેતા મુખ્ય એન્ટ્રેન્સ પાસે ભીડમાં અટવાઈ ગયા છે. પપ્પાનો હાથ પકડીને ઊભેલાં ઈશાની શાહે મોટે અવાજે બોલવું પડે છે, ‘અરે આ તારક મહેતા પોતે છે, આ ફંકશન જેમના માટે યોજાયું છે એ લેખક... અમને તો અંદર જવા દો!’



હકડેઠઠ જમા થયેલી જનતાનો પ્રતિસાદ ગજબનાક છે. અમદાવાદની જનતા પોતાનાં પ્રિય પ્રાત્રોને જીવતાજાગતાં, પોતાની આંખોની સામ નિહાળીને ઉન્માદ અનુભવી રહ્યા છે. કાર્યક્રમના ઉત્તરાર્ધમાં નાટક રજૂ થાય છે, જેમાં સિરિયલના બધા જ કલાકારોએ ભાગ લીધો છે.



નરેન્દ્ર મોદી થોડી વહેલી વિદાય લઈ લે છે. તે સાથે સલામતી વ્યવસ્થા માટે રચાયેલા અભેદ્ય કોઠા ગાયબ થઈ જાય છે અને લોકોએ અત્યાર સુધી જાળવી રાખેલો સંયમ તૂટે છે. કાર્યક્રમ પૂરો ઘોષિત થતાં જ જાણે ગાડુંતૂર પૂર આવ્યું હોય તેમ લોકોનાં ટોળાં અદાકારોને ઘરી વળે છે. કોઈને હાથ મિલાવવા છે, કોઈને ઓટોગ્રાફ લેવો છે, કોઈને તેમની સાથે ફોટો પડાવવા છે તો કોઈને માત્ર તેમને નજીકથી જોવા છે, સ્પર્શવા છે. આ બિલકુલ અણધાર્યું છે. આ ઉન્માદ અકલ્પ્ય છે. આવા પ્રતિસાદની અપેક્ષા કોઈએ નહોતી રાખી.



એક વાત આજે સૌને સમજાઈ ગઈ છે ઃ સલામતીના પાક્કા બંદોબસ્ત વગર હવે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના આર્ટિસ્ટો માટે જાહેરમાં આવવું મુશ્કેલ છે. એક હકીકત આજે સ્ફોટ સાથે ઊછળીને સપાટી પર આવી ગઈ છે ઃ માત્ર સાત જ મહિનામાં આ સિરિયલના કલાકારો સ્ટાર બની ગયા છે. સિનિયર એક્ટરોથી માંડીને બાળકલાકારો સુધીના બધા જ!



...અને એક પ્રતીતિ આ સમગ્ર ઘટનાક્રમના હિસ્સેદાર બનેલા તારક મહેતા નક્કરપણે થઈ રહી છે આસિતને મારી લેખમાળા પરથી સિરિયલ બનાવવાના રાઈટ્સ આપીને મેં કોઈ ભુલ કરી નથી!



અને હવે...



સુપર સક્સેસફુલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ હવે તો ૭૦૦ એપિસોડ્સનો આંકડો વટાવી ચૂકી છે અને હજુય પહેલાં જેટલી જ હોટએન્ડહેપનિંગ છે. સફળતા તો ઘણી સિરિયલોને મળે છે, પણ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ને મળ્યો છે એવો જનતાનો ચિક્કાર પ્રેમ બહુ ઓછી સિરિયલના નસીબમાં લખાયેલો હોય છે....

0 0 0











ફિલ્મ, ફેસ્ટિવલ અને ફન

દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - ૩૦ ઓક્ટોબર ૨૦૧૧




સ્લગઃ મલ્ટિપ્લેક્સ



ફિલ્મ ફેસ્ટિવલમાં દુનિયાભરના દેશોમાંથી આવેલી અદભુત ફિલ્મો પણ હોવાની અને કલાના નામે કરવામાં આવતા વાહિયાત જોણાં પણ હોવાનાં. આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી ૨૦૦ જેટલી ફિલ્મોમાં વિષયવૈવિધ્યનો સમુંદર લહેરાઈ ગયો.





ક્રતા જુઓ. એક બાજુ આપણે હોલીવૂડ જેવી હાઈફાઈ ફિલ્મ બનાવવાના ધખારામાં સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રા.વન’ બનાવીએ છીએ અને બીજી બાજુ વિદેશીઓ મારા બેટા તદ્દન ઊલટી ગુલાંટ મારીને બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનામાં પહોંચી જાય છે અને મૂંગી ફિલ્મ બનાવે છે! વાત છે ‘ધ આર્ટિસ્ટ’ નામની ફ્રેન્ચ ફિલ્મની, જે તાજેતરમાં મુંબઈમાં યોજાઈ ગયેલા ‘મામી’ (મંુબઈ એકેડેમી ઓફ મુવિંગ ઈમેજીસ) ફિલ્મ ફેસ્ટિવલમાં સિનેમાપ્રેમીઓએ દિલ ભરીને માણી.



કહાણી કંઈક આવી છે. ૧૯૨૭નું વર્ષ છે. સિનેમાની શોધ થઈ એ ઘટનાને હજુ માંડ પચ્ચીસ વર્ષ થયા છે. ફિલ્મો મૂંગી અને શ્વેતશ્યામ બને છે. મ્યુઝિક સિનેમાહૉલમાં લાઈવ વગાડવામાં આવે છે. આ જમાનાનો હોલીવૂડનો એક છેલછોગાળો હીરો ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મનો નાયક છે. ફિલ્મોમાં એક્સ્ટ્રા તરીકે કામ કરતી એક ખૂબસૂરત અને સ્ટ્રીટસ્માર્ટ યુવતી ‘ધ આર્ટિસ્ટ’ની નાયિકા છે. હીરોનો સિતારો બુલંદીમાં છે એ અરસામાં ટેકનોલોજી વિકસે છે અને મૂંગી ફિલ્મો બોલતી થાય છે. હીરો ખિખિયાટા કરે છેઃ આ શું મજાક છે? આવી ફિલ્મો તે કંઈ ચાલતી હશે? નાયક સમયને પારખવામાં ભૂલ કરી બેસે છે અને ફેંકાઈ જાય છે. નાયિકા એકસ્ટ્રામાંથી સુપરસ્ટાર બની જાય છે. પછી શું થાય છે? એનો જવાબ તો આ રોમેન્ટિક કોમેડી જોઈને જ મેળવવો પડે. ડિરેક્ટર માઈકલ હઝાનેવિશસે એટલો ખુશનુમા માહોલ ઊભો કર્યો છે કે ઓડિયન્સના મોંમાંથી સતત ‘આહ!’ અને ‘વાહ’ નીકળ્યા કરે. તમારી માનસિક ડાયરીમાં અત્યારે જ નોંધી લોઃ ‘ધ આર્ટિસ્ટ’ ફિલ્મ રિલીઝ થાય ત્યારે બિલકુલ મિસ કરવાની નથી!





‘ધ આર્ટિસ્ટ’ આ વખતે મામી ફિલ્મ ફેસ્ટિવલમાં સવાર્ધિક પોપ્યુલર બનેલી ફિલ્મોમાંની એક છે. મજાનું હોય છે ફિલ્મ ફેસ્ટિવલ્સનું વાતાવરણ. ગળામાં લાલ રિબનવાળું ઓળખપત્ર પહેરીને ફરતા સિનેમાપ્રેમીઓ, જુદી જુદી ઈન્સ્ટિટ્યુટ્સમાં ડિરેક્શન-સ્ક્રિપ્ટરાઈટિંગ-સિનેમેટોગ્રાફી વગેરે શીખી રહેલા સ્ટુડન્ટ્સ, દુનિયાભરમાંથી પોતાની ફિલ્મો પ્રદર્શિત કરવા આવેલા ફિલ્મમેકર્સ અને અદાકારો તેમજ મિડીયાના પ્રતિનિધિઓની ચહલપહલથી માહોલમાં એનર્જી છલકછલક થતી હોય છે. આ વખતના મામી ફેસ્ટિવલની વાત કરીએ તો, મુખ્ય સેન્ટર સિનેમેક્સ (અંધેરી)માં પૂરા આઠ દિવસ માટે થિયેટરની તમામ છએ છ સ્ક્રીન ફિલ્મ ફેસ્ટિવલ માટે અલાયદી રાખવામાં આવી હતી. આ સિવાય શહેરનાં અન્ય બે થિયેટરોની બબ્બે સ્ક્રીન્સ પણ ફેસ્ટિવલ માટે ફાળવવામાં આવી હતી. સવારે દસ વાગ્યાથી દસેય સ્ક્રીન પર શોઝ શરૂ થઈ જાય. રોજના કમસેકમ પાંચ શો. મતલબ કે રોજની પચાસ ફિલ્મો, જે રિપીટ પણ થાય. આ વખતે કંઈકેટલીય ભાષાઓમાં બનેલી ૨૦૦ કરતાં વધારે ફિલ્મોનું સ્ક્રીનિંગ થયું. જોઈ લો તમારામાં તાકાત હોય એટલી ફિલ્મો!


Mariam d'Abo, heroine of The Living Daylights - a James Bond movie, at Cinemax, Mumbai during MAMI 2011



ફિલ્મ ફેસ્ટિવલ્સનું વાતાવરણ ખૂબ ઈન્ફોર્મલ હોય છે. એક વાર મામૂલી રકમ ભરીને નામ નોંધાવી દો પછી તમે ગમે ત્યારે ગમે તે ઓડિટોરિયમમાં જઈને ગમે તે સીટ પર બેસીને ફિલ્મ જોઈ શકો. ફિલ્મમાં મજા ન આવે તો ઊભા થઈને જતા રહો બાજુની સ્ક્રીનમાં. ઓડિટોરિયમ ફુલ થઈ ગયું હોય તો પગથિયાં પર બેસીને ફિલ્મ માણો. આ વખતે જોકે સલામતીના કારણોસર પેસેજમાં બેસવાની પરવાનગી આપવામાં નહોતી. તેથી ‘ધ આર્ટિસ્ટ’ જેવી અમુક હોટ-એન્ડ-હેપનિંગ ફિલ્મોના સ્ક્રીનિંગ વખતે ગેટ બહાર બબ્બે કલાક પહેલાં લોકો સર્પાકારે લાઈનો લગાવીને ખડા થઈ જતા. ઈન ફેક્ટ, મોટા ભાગનાં સ્ક્રીનિંગ્સ વખતે આવી જ હાલત થતી. સિનેમેક્સવાળા બાપડા બઘવાઈ ગયા હતા. આટલી ભીડ એ લોકોએ ‘દબંગ’માં પણ જોઈ નહોતી!



ફિલ્મ ફેસ્ટિવલ્સની ફિલ્મોમાં વિષય વૈવિધ્યની તમામ સીમાઓ તૂટી જાય છે. ‘ઓર’ નામની હૃદયભેદક ઈઝરાયલી ફિલ્મમાં એક આધેડ વયની સડકછાપ વેશ્યાની વાત છે. સ્કૂલમાં ભણતી એની તરૂણ દીકરી માનો ધંધો છોડાવવા ઘણી મહેનત કરે છે, રેસ્ટોરાંમાં મજૂરી કરે છે, પણ આખરે એના નસીબમાં પણ વેશ્યા બનવાનું જ લખાયું છે. નોર્વેની ‘ધ માઉન્ટન’ ફિલ્મમાં લેસ્બિયન કપલની વાત છે. ઓછામાં ઓછામાં શબ્દોમાં, માત્ર અછડતા ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે કે બે પૈકીની એક મહિલા વીર્યદાન વડે માતા બની હતી અને બાળક ચારેક વર્ષનું થયું ત્યારે મૃત્યુ પામ્યું હતું. માતા આખરે માતા છે, એની પીડા નિર્ભેળ છે. સ્ત્રીની મા તરીકેની વેદનાને તેની સેક્સ્યુઆલિટી સાથે કોઈ સંબંધ નથી! ‘માઈકલ’ નામની ઓસ્ટ્રિયન ફિલ્મમાં દસ વર્ષના છોકરાનું અપહરણ કરી, પોતાના ઘરમાં બંદીવાન બનાવી તેની સાથે શરીરસુખ માણતા વિકૃત માણસની વાત છે. ‘ધેટ સમર’ નામની ફ્રેન્ચ ફિલ્મમાં એક પેઈન્ટર છે જેને રૂપજીવિનીઓની સંગત કરવામાં કોઈ છોછ નથી, પણ એની એક્ટ્રેસ પત્ની જ્યારે પરપુરુષના પ્રેમમાં પડી તેને ત્યજી દે છે ત્યારે એનાથી સહન થઈ શકતું નથી અને તે આત્મહત્યા કરી લે છે. કોરિયાની સુપર-સ્ટાઈલિશ એક્શન-પેક્ડ ફિલ્મ ‘ધ યેલો સી’ જોતી વખતે પહેલો વિચાર એ આવે કે આપણો કયો વીર બોલીવૂડવાળો આ ફિલ્મની ઉઠાંતરી કરવાની દોડમાં બાજી મારી જવાનો! ફેસ્ટિવલમાં ફીચર ફિલ્મો ઉપરાંત પાંચ-પાંચ મિનિટની શોર્ટ ફિલ્મો અને ફુલલેન્થ ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ હતી. જેમ કે, ‘પિના’ નામની મ્યુઝિકલ ડોક્યુમેન્ટરીમાં જર્મનીની પિના બોશ નામની નૃત્યાંગનાને તેના સ્ટુડન્ટ્સ અંજલિ આપે છે અને સ્ક્રીન પર થ્રી-ડાયમેન્શનમાં આપણે અગાઉ ક્યારેય જોયાં ન હોય તેવા અદભુત નૃત્યો પેશ થાય છે.



ક્યારેક બહુ ગાજેલા ફિલ્મમેકરની હાઈપ્રોફાઈલ ફિલ્મ એટલી બધી અટપટી નીકળે કે તમે માથું ખજવાળતા રહી જાઓ. ‘એન્ટિક્રાઈસ્ટ’વાળા ડેનિશ ડિરેક્ટર લાર્સ વોન ટ્રિઅલની ‘મેલેન્કોલિઆ’ ફિલ્મમાં ઘણા પ્રેક્ષકોને આવો અનુભવ થયો. ફિલ્મ ફેસ્ટિવલમાં સારા સિનેમાની સાથે કચરપટ્ટી ફિલ્મો પણ ઘણી હોય છે. આર્ટ યા તો પેરેલલ સિનેમાના નામે બનાવવામાં આવેલી આ વાહિયાત ફિલ્મોમાં કોઈ જાતના ઢંગધડા હોતા નથી. ગરીબડી નાયિકા રસોઈ કરતી હોય અને તપેલી પર પાંચ મિનિટ સુધી કેમેરા ધરી રાખવામાં આવે તેમાં કોઈ જાતની કળા નથી. ખેર, આ પણ સિનેમાનો એક રંગ છે. જાતજાતની ફિલ્મો જોવાનો રસ ધરાવતા રસિકોએ ફિલ્મ ફેસ્ટિવલનો અનુભવ લેવા જેવો ખરો.



શો સ્ટોપર


કોઈ મારા ખભે હાથ મૂકીને ગંભીરતાથી એમ કહે કે બોસ, તારી ફિલ્મ જોઈને મને ખૂબ ગર્વ થયો છે, તો એનો સાદો અર્થ એ થયો કે ફિલ્મ પીટાઈ ગઈ છે!

- શાહરૂખ ખાન







Sunday, October 23, 2011

શાહરૂખ ખાનમાં એવું તે શું છે?


                                                     દિવ્ય ભાસ્કર -  રવિવાર પૂર્તિ -  ૨૬ ઓક્ટોબર ૨૦૧૧  

સ્લગઃ મલ્ટિપ્લેક્સ

શાહરૂખ ખાનમાં કશુંક જબરું તત્ત્વ છે, કશીક ચુંબકીય તાકાત જેવું, જે એની બુદ્ધિમાંથી યા તો એના આંતરિક માળખામાંથી ઝરે છે. એવું તત્ત્વ, જેને એના ફિલ્મસ્ટાર હોવા સાથે કશો સંબંધ નથી.


ભલે એની મોટા ભાગની ફિલ્મો તમને સામાન્ય કક્ષાની લાગતી હોય, ભલે તેની નક્કર અભિનયક્ષમતા  માટે તમારા મનમાં બહુ ઊંચો અભિપ્રાય ન હોય, પણ એક વાત નિશ્ચિત છેઃ શાહરૂખ ખાન છે બડો ઈન્ટરેસ્ટિંગ માણસ. એને એક જ વખત વ્યક્તિગત રીતે મળનારને કે તેની સાથે થોડી વાતચીત કરનારને એક વાત તરત સમજાઈ જતી હોય છે કે આ માણસમાં કશુંક જબરું તત્ત્વ છે, કશીક ચુંબકીય તાકાત જેવું, જે એની બુદ્ધિમાંથી યા તો એના આંતરિક માળખામાંથી ઝરે છે. એવું તત્ત્વ, જેને એના ફિલ્મસ્ટાર હોવા સાથે કશો સંબંધ નથી. ધારો કે એ ફિલ્મોમાં આવ્યો ન હોત અને એમબીએ થઈને કશેક જોબ કરતો હોત તો પણ આ તત્ત્વ આવું જ પ્રભાવી હોત.

મેગાહિટ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કામ કરીને શાહરૂખ ઓફિશિયલી સુપરસ્ટાર બન્યો ત્યારે એની ઉંમર માંડ ત્રીસ વર્ષ હતી (શાહરૂખ જો આ ફિલ્મ ન કરત તો આદિત્ય ચોપડા હીરોનો રોલ સૈફ અલી ખાનને ઓફર કરવાના હતા). સિનેમા જેવા ભયાનક સ્પર્ધાત્મક ફિલ્ડમાં શાહરૂખનું આ વીસમું વર્ષ ચાલે છે. બબ્બે દાયકા પછી પણ પોતાના ક્ષેત્રમાં માત્ર રિલેવન્ટ જ નહીં, પણ સતત શિખર પર રહેવું અને જોરદાર ડિમાન્ડમાં રહેવું તે આ નાનીસૂની વાત નથી. શાહરૂખે હવે પોતાની કરીઅરનો સૌથી મોટો જુગાર ખેલ્યો છે, દિવાળીના દિવસે રિલીઝ થઈ રહેલી ‘રા.વન’ બનાવવામાં ૧૪૦ કરોડ રૂપિયાનું આંધણ કરીને.


‘હું માત્ર એક જ વસ્તુમાં પૈસા વેડફું છું, પિક્ચરો બનાવવામાં!’  શાહરૂખ એક ઈન્ટરવ્યુમાં કહે છે, ‘જુઓ, ‘રા.વન’ની એક પણ સ્પેશિયલ ઈફેક્ટ એવી નથી જેને તમે સાવ નવી કે અભૂતપૂર્વ કહી શકો. ઈગ્લિંશ ફિલ્મોમાં આપણે અજબગજબની સ્પેશિયલ ઈફેક્ટ્સ જોઈ જ છે. ‘રા.વન’ની વિશેષતા એ છે કે તેમાં દેખાડેલી સ્પેશિયલ ઈફેક્ટ્સ સંપૂર્ણપણે ભારતમાં, રાધર, મારા પ્રોડકશન હાઉસમાં તૈયાર થઈ છે. મારા એનિમેટર્સનું સુપરવિઝન કરવા હું ફોરેનથી ઓસ્કરવિજેતા એક્સપર્ટ્સને તેડાવતો. મજા એ વાતની છે કે ‘રા.વન’ના અનુભવને લીધે આ અઢીસો ભારતીય એનિમેટર્સ લગભગ એમના વિદેશી કાઉન્ટરપાટર્સ જેટલા જ કાબેલ બની જવાના.’

‘મુન્નાભાઈ એમબીબીએસ’ની માફક રજનીકાંતવાળી ‘રોબોટ’ ફિલ્મ પણ સૌથી પહેલાં શાહરૂખને ઓફર થઈ હતી. સ્પેશિયલ ઈફેક્ટ્સથી ભરપૂર ‘રોબોટ’ સુપરડુપર હિટ થઈ ગઈ એટલે હવે ‘રા.વન’ની તુલના તરત એના સાથે થવાની. સહેજ પણ કાચું કપાયું હશે તો લોકો તરત કહેવાનાઃ ના રે ના, આમાં ‘રોબોટ’ જેવી મજા નથી. શાહરૂખે જોકે ‘રા.વન’માં રજનીકાંતને નાનકડા રોલ પૂરતા ખેંચી લાવીને સ્માર્ટ પગલું ભર્યુર્ં છે. જોકે કહેનારાઓ કહે જ છેઃ ‘રા.વન’માં શાહરૂખ મોટે ઉપાડે સુપરહીરો બન્યો હોય, પણ એણે રજનીકાંતની મદદ તો લેવી જ પડી!

કહેનારાઓ તો ખેર, શાહરૂખ માટે ઘણું બધું કહે છે પણ શાહરૂખ સામાન્યપણે મગજ ગુમાવતો નથી. શાહરૂખ એ રીતે જેન્ટલમેન છે. એ કહે છે, ‘કોઈ મારી સાથે બદમાશી કરતું હોય કે મને કોઈ માણસ ગમતો ન હોય તો હું ઊલટાનો એની સાથે વધારે સારું વર્તન કરવા માંડું. આથી પેલો ગૂંચવાઈ જાય. મારા દોસ્તો મને વઢતા હોય છે કે તું સાવ ભીરુ અને ઢીલો માણસ છો. ફલાણો તારી સાથે આટલું ખરાબ વર્તન કરે છે તે તું ચલાવી કેમ લે છે? સામે કશું કહેતો કે કરતો કેમ નથી? મારો જવાબ બહુ સિમ્પલ હોય છેઃ હું  સામેના માણસ સાથે સારો રહી શકું છું એનો અર્થ એમ કે હું તેને અતિક્રમી ગયો છું, હું એનાથી ચઢિતાયો છું. મને ગુસ્સો એવા લોકો પર જ આવે છે, જેમને હું પોતીકા ગણું છું, જેમને પ્રેમ કરું છું, જેમના માટે મારા દિલમાં ફિકર છે. ગુસ્સો તો પ્રેમ અને આત્મીયતા વ્યક્ત કરવાનું ખૂબસૂરત માધ્યમ છે.’


શાહરૂખ સુપર-અચીવર છે. સફળતા, પૈસો, નામ... દુન્યવી સ્તરે જે હોવું જોઈએ તે બધું જ એની પાસે છે. બાંદરામાં દરિયાની સામે ૩૦, ૦૦૦ ચોરસફૂટમાં ફેલાયેલો એનો ‘મન્નત’ બંગલો મુંબઈના ટોપટેન બંગલાઓમાં સ્થાન પામે છે. આજના બજારભાવ પ્રમાણે આ પ્રાઈમ પ્રોપર્ટીની વેલ્યુ ૧૨૫ કરોડ રૂપિયા જેટલી થાય. શાહરૂખ કહે છે, ‘થોડા દિવસો પહેલાં મેં પેલું બેસ્ટસેલર પુસ્તક ‘ધ સિક્રેટ્સ’ વાંચ્યું હતું. વાંચતી વખતે મને એવું લાગી રહ્યું કે જાણે આ બધું મેં જ લખ્યું છે. હું માનું છું કે માણસની ઈચ્છાઓ એની જરૂરિયાતમાંથી પેદા થવી જોઈએ. જેમ કે, ૨૦૦૬માં હું આ ‘મન્નત’ બંગલો ખરીદવા નીકળ્યો હતો ત્યારે મારા ખિસ્સામાં ફક્ત ૭૫ લાખ રૂપિયા હતા, પણ મેં કહ્યું કે ડોન્ટ વરી, પૈસાનો મેળ થઈ જશે. અને એવું જ થયું. મને તે વખતે ખરેખર ખબર નહોતી કે આટલું બધું નાણું એક્ઝેક્ટલી ક્યાંથી લાવીશ, પણ મારી જરૂરિયાત સ્પષ્ટ હતી, મારે કેટલી રકમ જોઈએ છે તેની મને જાણ હતી, તેથી રસ્તા આપોઆપ નીકળતા ગયા. લાંબા લાંબા પ્લાનિંગ કરવામાં રમમાણ રહેવાનો કશો અર્થ નથી. જો હું મારી આજને સાચવી લાઈશ તો મારી આવતી કાલ આપોઆપ સચવાઈ જવાની છે...’

વેલ સેઈડ, શાહરૂખ.

શો સ્ટોપર

હવે પછી મારી એક ઇંગ્લિશ ફિલ્મ આવશે જેમાં મેં મ્યુઝિક પણ આપ્યું છે અને એક્ટિંગ પણ કરી છે.  

 - હિમેશ રેશમિયાની ધમકી


Friday, October 21, 2011

ડેડલી ડીપ્રેશનથી છૂટકારો શક્ય છે?

ચિત્રલેખા - અંક તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૧


કોલમઃ વાંચવા જેવું





‘છેલ્લા એક મહિનાથી હું સૂતી નથી. હું ખૂબ જ અસ્વસ્થતા અનુભવું છ . રાતના બેથી ત્રણ વચ્ચે મને કોઈ અશુભ ભ્રાંતિ થયા કરે છે. દર વખતે સ્વપ્નમાં એક કદરૂપી વૃદ્ધા દેખાય છે, જેની આંખમાં ઘૃણા હોય છે. મને ખતમ કરી નાખવા તે મારી નજીક આવે છે. લકવો થઈ ગયો હોય તેમ હું પડી રહું છ . જરા પણ હલનચલન કરી શકતી નથી!’



આ માંદલા શબ્દો લોખંડી મહિલા તરીકે ખ્યાતિ પામેલાં ભારતનાં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના છે તે વાત માની શકો છો? પણ આ હકીકત છે! મનની આવી નકારાત્મક યા તો હતાશાજનક સ્થિતિને મેડિકલ સાયન્સ ‘ડીપ્રેશન’ તરીકે ઓળખે છે. બે ભાગમાં વહેંચાયેલા આજના પુસ્તકમાં ડીપ્રેશનનું અથથી ઈતિ સમાવી લેવામાં આવ્યું છે. ‘ગુજરાત સમાચાર’માં લેખકની ‘માનસ’ નામની કોલમમાં પ્રકાશિત થયેલા ૮૬ લેખોનો અહીં સંગ્રહ છે.



લેખક નોંધે છે કે આપણે ત્યાં માત્ર ૧૫ થી ૨૦ ટકા માનસિક દર્દીઓ જ માનસચિકિત્સની સારવાર લે છે, બાકી ૮૦ ટકા ભગવાન ભરોસે હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રિપોર્ટ અનુસાર આગામી બે દાયકામાં માનવજાતને રિબાવનારા અને મૃત્યુનું કારણ બનનારા રોગોની યાદીમાં ડીપ્રેશન બીજા ક્રમે હશે! દર સોએ ત્રણ પુરુષો અને પાંચથી નવ સ્ત્રીઓ ડીપ્રેશનથી પીડાતાં હોય છે. મતલબ કે આ રોગનો ભોગ બનવામાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ બમણું છે. સામાન્યપણે ૨૫ થી ૪૫ વર્ષ વચ્ચે આ બીમારી વિશેષ જોવા મળે છે.



ડીપ્રેશન એક બાયોલોજિકલ એટલે કે જૈવિક રોગ છે. વધુ પડતી ચિંતા કે નિષ્ફળતાથી પેદા થતું ડીપ્રેશન હળવું અને ટૂંકા ગાળાનું હોય છે. તેને રિએક્ટિવ ડીપ્રેશન કહે છે. સામાન્યપણે મગજમાં નોરએપીનેફ્રીન અને સિરોટોનીન નામનાં અંતઃસ્ત્રાવો યા તો કેમિકલ ઓછાં થઈ જાય ત્યારે એન્ડોજીનસ ડીપ્રેશન પેદા થાય છે, જે પ્રમાણમાં વધારે ગંભીર છે. ઘણી વાર ટીબી, કેન્સર, એઈડ્ઝ જેવી લાંબો સમય ચાલતી બીમારીઓ તેમજ દવાઓ ડીપ્રેશનને જન્મ આપતી હોય છે.



માણસને ડીપ્રેશનમાં છે તે શી રીતે ખબર પડે? આ રહ્યાં મુખ્ય લક્ષણોઃ ઊંઘ ન આવવી અથવા વધારે પડતી ઊંઘ આવવી, ભૂખ ન લાગવી અથવા વધારે પડતી ભૂખ લાગવી, સતત અનુભવવા, આનંદઉત્સાહ ઓછા થઈ જવા, સેક્સ માણવાની ઈચ્છા ન થવી, યાદશક્તિ ઘટી જવી, વજન ઘટી જવું, કોઈની સાથે વાત કરવાનું મન ન થવું, નાની નાની વાતે મગજની કમાન છટકવી, રડવું આવવું, મરી જવાના અને આત્મહત્યાના વિચાર આવવા. ડીપ્રેશનનું એક બહુ જ અગત્યનું ચિહ્ન છે, માથામાં દુખાવો થવો. ડીપ્રેશનનો દર્દી લાંબા સમયથી ફક્ત માથું દુખવાની ફરિયાદ કરતો હોય છે. વચ્ચે વચ્ચે ક્યારેક સારું પણ થઈ જાય. દર્દીને માથાના દુખાવા સિવાયનું બીજ એક પણ લક્ષણ જોવા મળતું ન હોય તેમ પણ બને. આ સિવાય કાનમાં તમરાં બોલવા અથવા સિસોટી વાગવી, કબજિયાત રહેવી, ગભરામણ થવી, છાતીમાં થડકારા થવા, પરસેવો વળવો, હાથપગમાં ખાલી ચડી જવી, કળતર થવી વગેરે શારીરિક અવસ્થાઓ પણ ડીપ્રેશનની સંભાવના તરફ આંગળી ચીંધે છે.



આત્મહત્યા અને ડીપ્રેશન વચ્ચે દેખીતી રીતે જ નજીકનો સંંબંધ છે. વચ્ચે વિદેશમાં ૩૯ માણસોએ વિચિત્ર કારણસર સામૂહિક આત્મહત્યા કરીને તરંગો જન્માવ્યા હતા. કોઈ અજાણ્યા અવકાશી પદાર્થ સાથે એકરૂપ થવા તેમણે પોતાનાં શરીરોને એકસાથે ત્યજી દીધા હતા! ડીપ્રેશન અનુભવતો માણસ આત્મહત્યા કરે તે સમજાય, પણ એ શું કોઈનું ખૂન કરી શકે ખરો? હા, કરી શકે. ૨૦૦૧માં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં ૩૬ વર્ષની એન્ડ્રિયા યેટ્સ નામની મહિલાએ પોતાનાં પાંચેય સગાં સંતાનોને વારાફરતી બાથટબમાં ડુબાડીને મારી નાખ્યાં અને પછી જાતે પોલીસ સ્ટેશન જઈ પોતાનો ગુનો કબૂલી લીધો. ભૂતકાળમાં તેણે આપઘાતનો પ્રયાસ કરવાની કોશિશ પણ કરેલી. મુદ્દે, તે ચોથા અને પાંચમા બાળકની પ્રસૂતિ પછી તીવ્ર ડીપ્રેશનનો ભોગ બની હતી. દર સોમાંથી વીસ પ્રસૂતાઓ સંતાનના જન્મ પછી વત્તેઓછે અંશે ડીપ્રેશનનો અનુભવ કરતી હોય છે. એન્ડ્રિયાને આજીવન કારાવાસની સજા થઈ. નાસામાં કમ્પ્યુટર એન્જિનીયર તરીકે કામ કરતો તેનો પતિ આ ભયાનક હત્યાકાંડથી આતંકિત ન થયો, બલ્કે એણે પત્નીની સજા હળવી કરાવવાના પ્રયત્નો આદરી દીધા. તેનું કહેવું હતું કે ખૂન કરતી વખતે એન્ડ્રિયા વાત્સલ્યભરી માતા નહીં, પણ ડીપ્રેશનથી પીડાતી રોગી હતી. એન્ડ્રિયાને આખરે ૨૦૦૭માં મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. લેખક નોંધે છેઃ ‘આપણે ત્યાં પતિદેવો ડીપ્રેશનથી પીડાતી પોતાની પત્નીને સહાનુભૂતિ આપવાની વાત તો દૂર રહી, પણ ‘ઢોંગ કરે છે’, ‘ટેવ પડી ગઈ છે’, ‘દવાઓનો શોખ છે’, ‘ખોટા વિચારો છોડી દેવાના’, ‘સ્વભાવ સુધારી લેવાનો’ વગેરે સલાહો આપતા હોય છે.’



ભૂતકાળની દુખદ યાદો પીડા અને ડીપ્રેશન પેદા કરતી હોય તો શું કરવું? વિશેષજ્ઞો કહે છે કે જૂની યાદોને ભુલવા માટે મગજને સતત કાર્યરત રાખો. મગજમાં સતત નવું ઉમેરતા રહો. રોજિંદા જીવનને નાનામોટા રોમાંચથી ભરતા રહો. મગજને કામ આપો. કામનું વૈવિધ્ય આપો. ગુડ ન્યુઝ એ છે કે ડીપ્રેશનમાંથી બહાર આવી શકાય છે. અબ્રાહમ લિંકન યુવાનીમાં ડીપ્રેશનનો શિકાર બન્યા હતા, પણ તેમાંથી બહાર આવીને તેઓ અમેરિકાના લાડલા પ્રેસિડન્ટ બની શક્યા હતા.



લેખક ડો. હંસલ ભચેચ ક્વોલિફાઈડ અને અનુભવી મનોચિકિત્સક છે. તેથી તેમના લખાણમાં સતત અધિકૃત વજન વર્તાય છે. માનસિક રોગીઓને અપાતા ઈસીટી (શૉક) તેમજ દવાઓની ઉપયોગિતા વિશે સતત વિવાદો સર્જાતા રહ્યા છે, પણ લેખકે આ બન્નેની તરફેણમાં નિશ્ચિત સ્ટેન્ડ લીધું છે. પુસ્તકમાં ‘તમને ડીપ્રેશન હોવાની શક્યતાઓ છે?’ શીર્ષક હેઠળ મજાની ટેસ્ટ પણ છે. સંપુટનો વિષય ભારેખમ છે, પણ લેખકની શૈલી સરળ અને રસાળ છે. પુસ્તકમાં જોકે અમુક મુદ્દાનું પુનરાવર્તન થયા કરે છે. લેખોને ચુસ્ત રીતે એડિટ કરીને બિનજરૂરી ચરબી ઓગાળી શકાઈ હોત. ખેર, પુસ્તકની ઉપયોગિતાની તુલનામાં આ ક્ષતિઓ નાની છે. ચોક્કસપણે વાંચવું અને વંચાવવું ગમે તેવું પુસ્તક.




(ડીપ્રેશન અંગે ટૂંકુટચ અને સીધુંસટ

લેખકઃ ડો. હંસલ ભચેચ

પ્રકાશકઃ નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧ અને મુંબઈ-૧

ફોનઃ (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩, (૦૨૨) ૨૨૦૧ ૭૨૧૩

બે ભાગની સંયુક્ત કિંમતઃ રૂ. ૨૫૦ /

કુલ પૃષ્ઠઃ ૩૨૦)

૦ ૦ ૦

Friday, October 14, 2011

તહોમતનામું ઃ અરવિંદ જોશી, સુજાતા મહેતા, પુરુષોત્તમ ઉપાધ્યાય હાઝિર હો....


           

ગુરૂવાર, ૧૩ ઓક્ટોબર ૨૦૧૧ની સાંજે એક સરસ અને પ્રોગ્રામ મુંબઈમાં યોજાઈ ગયો. રંગભૂમિના વિખ્યાત અદાકાર-દિગ્દર્શક અરવિંદ જોશી, જાણીતા અભિનેત્રી સુજાતા મહેતા અને સુગમ સંગીતના શહેનશાહ પુરુષોત્તમ ઉપાધ્યાય સામે જાહેરમાં તહોમતનામું મૂકાયું. ત્રણેય સામે સ્ટેજ પર રીતસર કોર્ટમાર્શલ થયું. તેમની તરફેણમાં અને વિરોધમાં ઉગ્રા દલીલો થઈ, ખૂબ ગરમાગરમી થઈ. કાર્યક્રમને અંતે, અફ કોર્સ, ત્રણેય કલાકારો વધારુ ઊજળા, વધારે સન્માનનીય બનીને ઊભર્યાં. એ જ તો આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો.



કાર્યક્રમ નોનફિકશનલ હતો, પણ કોઈપણ નાટકને ટક્કર મારે એટલો તે એક્સાઈટિંગ પૂરવાર થયો. ખૂબ બધું હાસ્ય, ટેન્શન, ગીતસંગીત અને તેમાંય તે સઘળું રંગભૂમિસંગીતજગતના સ્ટાર્સ દ્વારા. અભિનય સમ્રાજ્ઞી સરિતા જોશીને મંચ પર જે રીતે ખીલે છે તે એક લહાવો છે, ખરેખર. સગપણમાં સગા દિયર અને કરીઅરમાં પોતાના હીરો અને ડિરેક્ટર રહી ચૂકેલા અરવિંદ જોશીને સોલિડ ગ્રિલ કરવા તેઓ આવ્યાં હતાં! ઓડિયો-વિઝયુઅલ્સનો પણ સરસ ઉપયોગ થયો હતો. ઓડિયન્સને એટલી બધી મજા પડી ગઈ કે તેમના આગ્રાહને કારણને કાર્યક્રમને ઓર અડધો-પોણો કલાક લંબાવવામાં આવ્યો.

મને આ કાયર્ક્રમના હિસ્સો બનવાનો મોકો મળ્યો હતો. મારું કામ હતું ત્રણેય આરોપીઓ વિરુદ્ધ તહોમતનામા અને તેમના પૂછાનારા અણિયાળા પ્રશ્નો તૈયાર કરવાનું. આ કામમાં મને ઘણા લોકોના ઈનપુટ્સ મળ્યા  વરિષ્ઠ નાટ્યલેખક પ્રવીણ સોલંકી (કે જેમણે શોના સારથિ હતા અને તેમણે કાયર્ક્રમનો સરસ રીતે નાટ્યાત્મક ઉઘાડ કરી આપ્યો), અવિનાશ પારેખ, મધુ રાય, સંગીતકારગાયક સુરેશ જોશી અને ઉદય મઝુમદાર, વગેરે. સવાલો ખરેખર અણિયાળા અને વાગે એવા હતા, પણ ત્રણેય આરોપીઓએ ગજબની સ્પોટર્સમેનશિપ દેખાડી અને સહેજ પણ ઓફેન્ડ થયા વિના દિલથી જવાબો આપ્યા.

અરવિંદ જોશી, સુજાતા મહેતા અને પુરુષોત્તમ ઉપાધ્યાય વિરુદ્ધ રજૂ થયેલાં તહોમતનામાં અને કાચું માળખું અહીં પેશ કરું છું. સવાલો સાંભળીને કલ્પી લેજો કે જવાબો કેવા જોરદાર હશે!

     આરોપી નંબર વન ઃ અરવિંદ જોશી  


પબ્લિક પ્રોસિક્યુટર (સુરેશ રાજડા) :  
 આજની અદાલતમાં તેમજ મુંબઈની સંસ્કારી અને કલાપ્રિય જનતાની સમક્ષ સૌથી પહેલા      ગુનેગાર પેશ કરવામાં આવે છે... તેઓ ગુજરાતી તખ્તાના વરિષ્ઠ રંગકર્મી છે અને તેમનું      નામ છે,  શ્રી અરવિંદ જોશી...

   (અરવિંદ જોશીની એન્ટ્રી)

પબ્લિક પ્રોસિક્યુટરઃ 


અરવિંદ જોશી સામે આરોપ છે કે તેમણે ગુજરાતી રંગભૂમિ પર ઓછી મૂડીએ વધારે વેપાર કરવાની     કોશિશ કરી છે, નવા માલનું ઉત્પાદન કરવાને બદલે જૂનાં નાટકોને નવાં વાઘાં પહેરાવીને પ્રેક્ષકોને     અસંતુષ્ટ રાખ્યા છે અને પોતાની પાસે કલમની મૂડી હોવા છતાં ભેદી કારણોસર તેનો ઓછામાં ઓછો     ઉપયોગ કર્યો છે... 

   શ્રી અરવિંદ જોશી સામેના આ આરોપોની પુષ્ટિ કરવા માટે હું અદાલતમાં હાજર કરવા માગું છું,     અભિનયજગતનાં  ધુરંધર અભિનેત્રી સરિતા જોશીને. (એન્ટ્રી)

   નામદાર, શ્રી અરવિંદ જોશીના બચાવ પક્ષમાં છે, વરિષ્ટ અભિનેતા અરવિંદ રાઠોડ. હું એમને પણ     અદાલતમાં ઉપસ્થિત કરવા માટે નામદારની પરવાનગી માગું છું. (એન્ટ્રી)

જજઃ  
કાર્યવાહી શરૂ કરવામાં આવે.

પબ્લિક પ્રોસિક્યુટર ઃ
નામદાર, મારી વિનંતિ છે કે કાર્યવાહી શરૂ કરતાં પહેલાં ગુનેગારના કામ અને કારકિર્દીની એક ઝલક     પેશ કરવામાં આવે.

જજઃ  
પરમિશન ગ્રાન્ટેડ.
 
   ઓડિયો વિઝયુઅલ અને ત્યાર બાદ કાર્યવાહી, જેમાં સરિતા જોશી અને સુરેશ રાજડાએ અરવિંદ જોશી પર જે સવાલોની ઝડી વરસાવી તે આ રહી.

૧. અરવિંદભાઈ, પ્રવીણ જોશીનાં દેહાંત પછી તમે એમનાં નાટકો વારંવાર રિવાઈવ કેમ કર્યા? તમે તમારા ભાઈ કરતાં જરાય ઊતરતા નહોતા એવું લોકોને દેખાડી દેવા માટે? તમે પ્રવીણ જોશી કરતાં સવાયા છો તેવું પૂરવાર કરવા માટે?

૨. તમે ‘ખેલંદો’ નાટકને ‘......, અક્સા બીચ’ નામે રિવાઈવ કર્યું અને પ્રવીણભાઈવાળો રોલ તમે કર્યો. એ તો જાણે ઠીક, પણ તમે મધુ રાયની જે અદભુત લેખિની હતી, તેને ઈસ્ત્રી કેમ કરી નાખી? મધુભાઈનાં લખાણમાંથી જે ખૂબસૂરત સ્પંદનો ફૂટતાં હતાં તેેને પર  બમ્બૈયા ભાષાનો વઘાર કેમ કરી નાખ્યો?  

૩. સાત સમુંદર પારના એક માણસે તમારા પર આક્ષેપ મૂક્યો છે કે તમે તમારા લેખકોને લવ, લાડુ અને લિકરથી બગાડી મૂકતા હતા. લેખકોને વધારે પડતું વહાલ કરીને, જાતજાતના પકવાન ખવડાવીને અને પ્રકાર પ્રકારના દારૂ પાઈને તેમને ફટવી મારતા હતા. તમારા આવા વર્તાવને કારણે લેખકો પ્રમાદી બની જતા અને લખવાનું બંધ કરી દેતા હતા. આવું પાપ તમે શું કામ કર્યુર્, અરવિંદભાઈ?

૪. અરવિંદભાઈ, ભરપૂર જીવન જીવ્યા પછી શરીર ધીમું પડે તે સમજી શકાય તેવું છે. શરીર સાથ ન આપે એટલે સ્ટેજ પર અભિનય ન થાય તે તો સ્વીકાર્ય છે, પણ તમે લખવાનું પણ કેમ બંધ કરી દીધું છે? તમે કહો છો કે તમે હાલ એક નાટક લખી રહ્યા છો, પણ એવું તો તમે વર્ષોથી કહી રહ્યા છો. તમે તમારામાં રહેલા લેખક અરવિંદ જોષીને તેજીલા તોખારની જેમ હણહણતો રાખવાની જવાબદારી કેમ બરાબર ઉઠાવી નહીં?

પ. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બર સિંહે તમને ગોળી મારી અને તમે ઢળી પડ્યા. ફક્ત ફિલ્મમાં જ ઢળી પડ્યા ત્યાં સુધી વાંધો નહોતો, પણ તમે તો હિન્દી ફિલ્મોમાં પાછા ક્યારેય સજીવન જ ન થયા. ગબ્બરસિંહની ગોળીની આટલી બધી અસર?

૬. હિન્દી ફિલ્મોનો હીરો બનવાની તમારી અધૂરી વાસના તમે દીકરા શર્મન થકી પૂરી કરી રહ્યા છો. અને તેથી જ તમે તમારા સુપર ટેલેન્ટેડ દીકરાને ગુજરાતી રંગભૂમિથી દૂર રાખો છો, રાઈટ?


આરોપી નંબર બે ઃ સુજાતા મહેતા 



વિરોધ પક્ષ ઃ વિપુલ મહેતા, સંગીતા જાશી
 બચાવ પક્ષ ઃ લતેશ શાહ


 સુજાતા મહેતા સામે આરોપ છે કે એમણે પોતાની ફાટ ફાટ અભિનયની ભયાનક અવગણના કરી છે. ગુજરાતી    રંગભૂમિને સમૃદ્ધ બનાવવાને બદલે પોતાના અયોગ્ય વર્તાવ અને વિચિત્ર સ્વભાવથી રંગભૂમિને રાંક થવાના રસ્તે ધકેલમામાં મદદ કરી છે... 

૧. ‘અમે બરફનાં પંખી’માં તમે બાળકલાકાર હતાં ત્યારેય સુજાતા મહેતા હતાં... અને આજે, આટલાં વર્ષો પછી પણ સુજાતા મહેતા જ છો. ક્યાં સુધી આ એકની એક સરનેમ રાખવાનો ઈરાદો છે?

૨. ‘અમે બરફનાં પંખી’માં બાળકલાકાર હતાં. આ નાટક પછી તમે ભુમિકાઓ વયસ્ક માણસોની કરી, પણ મનથી અને વર્તનથી તો તમે વર્ષો સુધી બાળકલાકાર જ રહ્યાં, નહીં?

૩. ‘ચિત્કાર’ ગુજરાતી રંગભૂમિનું એક સીમાચિહ્વરૂપ નાટક છે, કબૂલ. તેમાં તમે યાદગાર ભુમિકા અદા કરી એ ય કબૂલ, પણ પછી શું? ક્યાં સુધી ‘ચિત્કાર’નાં નામના ચિત્કાર કર્યા કરશો? ‘ચિત્કાર’ પછી તમે ગુજરાતી રંગભૂમિ પર એક્ઝેક્ટલી શું અચીવ કર્યું?

૪. તમે ‘પ્રતિઘાત’ જેવી હિટ ફિલ્મમાં પાવરફુલ રોલ કરીને સૌને મહાઈમ્પ્રેસ્ડ કરી દીધા. આ ફિલ્મને પણ લોકો આજેય યાદ કરે છે... પણ પછી તો તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સાવ ગાયબ જ થઈ ગયાં. શું ગરબડ થઈ ગઈ?

૫. ટીવી પર પણ તમે એવું જ કર્યું. એક સરસ સિરિયલ કરી, ‘શ્રીકાંત’ અને પછી ગાયબ. કેમ આમ થયું?

૫. સાચું પૂછો તો તમે વન-પ્લે, વન-ફિલ્મ, વન-ટીવી સિરિયલ વંડર છો. કોઈ પણ માધ્યમમાં તમે યાદગાર વસ્તુ કરી ને પછી હા....શ કરીને બેસી જવાનું! નિષ્ક્રિય થઈ જવાનું. તમે આટલા ઓછાથી સંતુષ્ટ કેમ થઈ જાઓ છો? મહાન કલાકારની કરીઅરમાં ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્નેનો સંગમ થવો જોઈએ. તમારા કેસમાં ઉત્તમ વસ્તુઓની ક્વોન્ટિટી જેવું છે નહીં. તમારી કરીઅરમાં સાતત્યનો આટલો ભયાનક અભાવ શા માટે છે, સુજાતાબહેન?

૬. તમારું ધાર્યુર્ં કરાવવા ડિરેક્ટરોથી માંડીને લેખક સુધીના સૌને સલાહો આપવામાં તમે ઘણું ગુમાવ્યું છે એવું તમને પણ નથી લાગતું?

૭. તમારા સલાહકારો કોણ છે, સુજાતાબહેન? એ તમને સાચો રસ્તો બતાવવાને બદલે તમને ગુમરાહ વધારે કરી રહ્યા છે એવું સૌને કેમ લાગે છે?

૮. તમે કારણ વગર જાતજાતની ટોપીઓ પહેરો છો અને ફેશનના ડિંડક ચલાવો છે, એ શું છે?

આરોપી નંબર ત્રણ ઃ પુરુષોત્તમ ઉપાધ્યાય 



વિરોધ પક્ષ ઃ નિરંજન મહેતા, સરેશ જોશી
બચાવ પક્ષ ઃ વિનયકાંત ત્રિવેદી, ડો. અજય કોઠારી

 શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય સામે આરોપ છે કે એમણે સુગમ સંગીતની સરળતાનો નાશ કર્યો છે. સુગમ સંગીતને    અટપટું બનાવી દઈને ગુજરાતની પ્રજાને આટલા મહાન કળાવારસાથી વિમુખ કરી દીધી છે. સુગમ સંગીતમાં    ભાષણો અને ટુચકાઓ ઉમેરી દઈને એને અશુધ્ધ બનાવી મૂક્યું છે... 

૧. પુરુષોત્તમભાઈ, તમને ગાવા માટે આમંત્રણ મળે છે ત્યારે વાણીવિલાસ વધારે કરો છો. અને વકતવ્ય આપવા માટે નિમંત્રવામાં આવે છે ત્યારે ગાવા માંડો છો. આ આરોપમાંથી, ખાસ કરીને, પહેલો ભાગ વધારે ગંભીર છે. સંગીત એ કમ્યુનિકેશનનો જ એક પ્રકાર છે. તો પછી, તમારી વાત કે લાગણીઓ ઓડિયન્સ સુધી પહોંચાડતી વખતે ગાયનની વચ્ચે આટલું બધું બોલો છો શું કામ?

૨. સુગમ સંગીત, બાય ડેફિનેશન ઈટસેલ્ફ, સુગમ એટલે કે સરળ હોવી જોઈએ. એને બદલે તમારી રચનાઓ આટલી બધી અટપટી અને ન સમજાય તેવી કેમ હોય છે?

૩. અવિનાશ વ્યાસ પ્રત્યે તમને ભારોભાર આદર છે તે બરાબર છે, પણ તમારાં કાર્યક્રમોમાં તમે અવિનાશ વ્યાસનાં ગીતોની ભરમાર કરી દો છો. કહો ને કે, તમારા પ્રોગ્રામમાં ૧૦માંથી ૪ થી પાંચ ગીતો અવિનાશભાઈનાં હોય છે. તમારા શોઝમાં પૂરેપૂરા પુરુષોત્તમભાઈ કેમ ગાયબ હોય છે?
૪.  તમે ઉત્કૃષ્ટ સંગીતકાર છો. તમારા કાર્યક્રમોમાં ગાયક પુરુષોત્તમ ઉભરે છે, પણ ક્રિયેટર પુરુષોત્તમ, કમ્પોઝર પુરુષોત્તમ કેમ રસિકોને મળતા નથી? તમે છેલ્લી રચના કેટલાં વર્ષો પહેલા કરી હતી? તમે તમારું સાહિત્ય શી રીતે પસંદ કરો છો? કવિતાઓ કે ગીતો પસંદ કરવાના તમારા માપદંડો ક્યા હોય છે? તમારી નવી રચનાઓ લોકો સુધી પહોંચતી કેમ નથી?

૫. પુરુષોત્તમભાઈ, તમે વિદેશમાં વધારે ગાઓ છો. આનું શું કારણ છે? ફોરેનની આબોહવા તમને વધારે માકફ આવે છે, એટલે? ત્યાંની સાઉન્ડ સિસ્ટમ આપણા કરતા વધારે સારી હોય છે એટલે? કે પછી, ત્યાંનું ઓડિયન્સ તમારા જોક્સ પર વધારે તાળીઓ પાડે છે એટલે?  આપણું યુથ પુરુષોત્તમભાઈથી અજાણ રહી જાય તે ચલાવી લેવાય એવું નથી. આખરે તમારા વિદેશના ઓબ્સેશનનું કારણ શું છે?

૬. મંગેશકર બહેનો માટે કહેવાતું કે તેમણે હિન્દી ફિલ્મ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં નવાં વિકલ્પો ઊભા થવા ન દીધા. અરે, લતા મંગેશકર પર તો સતત એવો આરોપ થતો રહ્યો છે કે તેમણે પોતાની સગી બહેન આશા ભોંસલેને દબાવી દેવાની કોશિશ કરી હતી. પુરુષોત્તમભાઈ, તમે ગુજરાતી સુગમ સંગીત જગતના ખૂબ સિનિયર હસ્તી છો. તમે પણ ગુજરાતી સુગમ સંગીતમાં સેકન્ડ જનરેશન કેમ ખાસ ઊભી થવા ન દીધી? અથવા તો, શા માટે સમાંતર નામો, સમાંતર પર્યાયો પેદા થવા ન દીધા?

૭. નાનપણમાં તમે એક્ટિંગ પર કરતા હતા. એ કેમ બંધ કરી દીધી? એક્ટિંગ ઈન્ડસ્ટ્રીને અને ઓડિયન્સને તમારી આ ટેલેન્ટથી વંચિત કેમ રાખી?

૮. તમે કહેતા હો છો કે ગુજરાતી ભાષા મારી મા છે અને અન્ય ભાષા મારી માસી છે. તો પછી તમે લતા મંંગેશકર, મોહમ્મદ રફી અને બેગમ અખ્તર જેવાં પરભાષી કલાકારો પાસે ગીતો યા તો ગઝલો કેમ ગવડાવ્યાં? મોટા નામો થકી પ્રસિદ્ધિ હાંસલ કરવા માટે તમે માનું મહત્ત્વ ઓછું કરી નાખ્યું?

૯. આગલા સવાલજવાબના અનુસંધાનમાં ઓર એક સવાલ. તમે રફીલતાબેગમ અખ્તર પાસે શરૂઆતમાં તો ગીતો-ગઝલો ગવડાવ્યાં પણ પછી કેમ બંધ કરી દીધાં? એક્ઝેક્ટલી બન્યું શું હતું તમારી વચ્ચે?

૧૦. તમારી બન્ને દીકરીઓ વિરાજ અને બીજલે હંમેશા ભેગાં જ ગીતો ગાયાં. બન્નેમાં પૂરતું પોટેન્શિયલ હોવા છતાં તમે એમની પાસે સોલો કેમ ન ગવડાવ્યાં?

૦૦૦

Thursday, October 6, 2011

શ્રીનાથજીઃ ભક્તિગ્રંથ... પ્રસાદીગ્રંથ!

                                                                                  ચિત્રલેખા - અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧



‘બાવરી કે શ્રીનાથજી’ નામના ભવ્ય પુસ્તકમાં રૂપા બાવરીએ રચેલાં શ્રીનાથજીનાં ચિત્રો તેમજ ભજનોનું સુંદર કોમ્બિનેશન થયું છે.

Rupa Bawri                                                                                            (Photograph by Vijayan Raghavan)

ગવાન શ્રીનાથજીના ગરદનથી છેક પગની પાની સુધી ફૂલોની તેમજ સોનાની રત્નજડિત માળાઓ ઝુલી રહી છે, કેસરી રંગનાં ગોળ કાચણીનાં સુંદર વાઘા ધારણ કર્યાં છે, માથે મુકુટ, હાથમાં બંસરી અને લાંબી ચોટી છે. પગ પાસે એક તરફ પાનનાં બીડાં અને લાડુ ભરેલું પાત્ર છે તો બીજી બાજ યમુનાજીનું જળ છે. શ્રીનાથજીનાં આવાં તો કેટલાંય મનમોહક સ્વરૂપો છે, શૃંગારો છે. ઉષ્ણ મંગલાના શૃંગારમાં તેમણે કમર પર માત્ર સફેદ વસ્ત્ર વીંટાળ્યું છે તો શીતકાલ કા શયન શૃંગારમાં લીલી રજાઈથી એવી રીતે ઓઢી લીધી છે કે માત્ર મુખારવિંદનાં દર્શન થાય. હોળી ડોલોત્સવ શૃંગારમાં ગુલાલની છાકમછોળ ઉપરાંત રંગો ભરેલી પોટલીઓ સુધ્ધાં છે.

Sheet Mangala


શ્રીનાથજીની આ અદભુત છટાઓ અને શૃંગારોનાં સાગમટા દર્શન ભાવકને હવે એક દળદાર પુસ્તક સ્વરૂપમાં થવાનાં છે. પુસ્તકનું નામ છે, ‘બાવરી કે શ્રીનાથજી’. બાવરી એટલે શ્રીનાથજીનાં પદો રચીને, ભજનો ગાઈને અને ભગવાનનાં પેઈન્ટિંગ્સ બનાવીને કીર્તિ પામેલાં રૂપા બાવરી. પુસ્તક સાથે એક સીડી પણ બીડેલી છે, જેમાં રૂપા બાવરીની કુલ ૬૫ રચનાઓ સંગ્રહ પામી છે. આમ, પુસ્તકમાં રૂપા બાવરીની ચિત્રકળા, લેખનકળા અને ગાયકી ત્રણેયનો સંચય થયો છે. મુંબઈમાં ૧૧ ઓકટોબરે યોજાનારા એક સંગીતમય કાર્યક્રમમાં કોકિલાબેન અંબાણીની ઉપસ્થિતિમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ‘બાવરી કે શ્રીનાથજી’નું વિમોચન કરશે. કોકિલાબહેને પુસ્તકની પ્રસ્તાવના પણ લખી છે.



પોતાના વાલકેશ્વર સ્થિત ફ્લેટમાં રૂૂપા બાવરી વાત માંડે છે, ‘આ પુસ્તકનો આઈડિયા મારા હસબન્ડનો છે. કોફીટેબલ બુક્સનું ચલણ તો હમણાં વધ્યું, પણ એ તો વીસેક વર્ષથી કહેતા હતા કે તારાં ભજનો અને ચિત્રજીનું એક પુસ્તક કરવું છે. મને થાય કે મારું પુસ્તક તે વળી શા માટે કરવાનું હોય? એમનો જવાબ હોય કે ભગવાને તને જે આપ્યું છે તેને મારે સાચવવું છે. શરૂઆતથી આમ જ રહ્યું છે ઠાકોરજી પ્રેરણા આપે, મારા હસબન્ડ મારા વતી સપનાં જએ અને તે સપનાં હું પૂરાં કરી શકું તેવું વાતાવરણ પણ એ જ રચી આપે. હું તો ફક્ત બધો જશ ખાટી જાઉં છું, એટલું જ.’


Yugal Swarup


રૂપા બાવરી પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આટર્સનાં સ્નાતક છે. એ કહે છે, ‘સાચું કહું, મને જે.જે. સ્કૂલ ઑફ આટર્સમાં ભણવા જવામાં જરાય રસ નહોતો. પેઈન્ટિંગ મારું પૅશન હતું જ નહીં. અમારા ઘરમાં પહેલેથી જ સંગીત અને સાહિત્યનો માહોલ. પપ્પાનું કહેવું હતું કે સંગીત તો તું શીખે જ છે, બાકીનો સમય તું ચિત્રકળાને આપ. જે.જે.માં હું ક્યારેય સારી વિદ્યાર્થિની ગણાઈ નથી! છેલ્લું એટલે કે પાંચમું વર્ષ બાકી હતું ત્યારે લગ્ન થઈ ગયાં. ભણવાનું પૂરું થઈ ગયા પછી મને લાગતું હતું કે જિંદગીમાં હવે પછી ક્યારેય હું બ્રશ પકડવાની નથી!’



જો કે ફાઈન આટર્સના ગ્રેજ્યુએટ થયા પછી, છેક અગિયાર વર્ષે, ૧૯૮૬માં, રૂપાબહેને પહેલી વાર પેઈન્ટ બ્રશ પકડ્યું. તેમના પતિ અશોક મહેતાએ કહ્યુંઃ આપણા રૂમ માટે શ્રીનાથજીનું એક ચિત્ર તો બનાવ! રૂપાબહેને માત્ર તેમના કહેવાથી એક પેઈન્ટિંગ તૈયાર કર્યું. અશોકભાઈની ખ્વાહિશ આગળ વધીઃ તું શ્રીનાથજીનાં ઑર ચિત્રો બનાવ, આપણે તારાં પેઈન્ટિંગ્સનું એેક્ઝિબિશન રાખવું છે! ત્રણ વર્ષ પછી મુંબઈની સિમરોઝા આર્ટ ગેલેરીમાં રૂપાબહેને તૈયાર કરેલાં શ્રીનાથજીનાં પેઈન્ટિંગ્સનું પહેલું ચિત્રપ્રદર્શન યોજાયું. તેઓ કહે છેઃ



‘તે વખતે મારામાં ખાસ ભક્તિભાવ જેવું નહોતું. મને હતું કે આવાં ચિત્રો લોકો થોડાં ખરીદવાનાં છે? પણ તે એક્ઝિબિશનના અનુભવે મારી દષ્ટિ બદલી નાખી. ગેલેરીની બહાર લોકોની લાઈન લાગી. લોકો જાણે મંદિરમાં આવતા હોય તેમ ચપ્પલ ઉતારીને ગેલેરીમાં પ્રવેશતા અને ભગવાનની ઝાંખી કરીને ભાવવિભોર બની જતા. વૃદ્ધાઓ પેઈન્ટિંગ્સ જોઈને રડી રડે, મારા હાથ ચૂમી લે. આ પ્રતિક્રિયાઓ તદ્ન અણધારી હતી. એમની શ્રદ્ધા જોઈને હું દ્રવી ઉઠી. પેઈન્ટિંગ ખરીદીને કોઈએ સહી માટે સામે ધર્યું ત્યારે હું એકદમ અટકી ગઈ. મને અનુભૂતિ થઈ કે ભગવાનના ચિત્રજી પર સહી કરવાવાળી હું વળી કોણ? શરૂઆતથી જ હું ચિત્રજીની ઉપર નહીં, પણ તેની પાછળ સહી કરતી આવી છું.’


Gokul Chandrama


રૂપા બાવરી ભગવાનનાં ચિત્રને ‘ચિત્રજી’ કહે છે. પહેલાં એક્ઝિબિશનનું સૌથી પહેલું અને સૌથી મોટું પેઈન્ટિંગ ખરીદ્યું હતું કોકિલાબહેન અંબાણીએ. બન્ને મહિલાઓ વચ્ચેના લાંબા સંબંધની આ શરૂઆત હતી. રૂપા બાવરી કહે છેઃ ‘કોકિલાબેનની એસ્થેટિક સેન્સ ગજબની છે. મારા એ કડકમાં કડક ટીકાકાર છે. એ મને વઢે, મારું કામ જોઈને જે કંઈ લાગે તે તરત મોઢે પરખાવે. એમનો શ્રીનાથજી પ્રત્યેનો ભક્તિભાવ મને એમના તરફ ખેંચે છે.’


પહેલાં એક્ઝિબિશનનાં તમામ ચિત્રો વેચાઈ ગયાં અને પછી તો ડિમાન્ડ ઊભી થઈ.

‘પણ મને મારી ક્ષમતાની ખબર હતી. આટલાં બધાં ચિત્રજી હું કેવી રીતે બનાવું? પહેલાં પ્રદર્શનનાં પેઈન્ટિંગ્સ કેવી રીતે તૈયાર થઈ ગયાં હતાં તે પણ મને સમજાતું નહોતું. એ ચિત્રજી ભગવાનની કૃપાથી જ બનેલાં. મને સમજાયું કે ચિત્રજી જો હું ન બનાવતી હોઉં અને હું નિમિત્ત માત્ર હોઉં તો શ્રદ્ધાળુઓને ના પાડવાવાળી હું કોણ? હું ચિતરતી ગઈ તેમ તેમ મને ઠાકોરજીની કૃપાનો વધુને વધુ અનુભવ થતો ગયો. મને સમજાવવામાં આવ્યું કે આ કામને ચિતરવું ન કહેવાય, આને સેવા કહેવાય. બીજાઓની શ્રદ્ધાથી મારી ભીતર કશુંક જાગી ગયું હતું. મારું વાંચન વધતું ગયું, સમજણ વધતી ગઈ અને એક પછી એક ચિત્રજી બનતાં ગયાં...’


Gulabi Ghata


૧૯૯૪ અને ૨૦૦૦માં રૂપા બાવરીના પુનઃ સોલો એક્ઝિબિશન્સ થયાં. વકીલ પ્રિન્ટર્સે આ પેઈન્ટિંગ્સના કેલેન્ડર બહાર પાડવાનું શરૂ કર્યું જે ખૂબ લોકપ્રિય બન્યાં. ચાલીસ-પચાસ હજારનાં ઓરિજિનલ ચિત્રો આમઆદમીને ન પોસાય તો તેમના લાભાર્થે ૨૦૦૮માં આર્કાઈવલ કેન્વાસની લિમિટેડ એડિશન બહાર પાડવામાં આવી અને પ્રદર્શન પણ યોજાયું. ભગવાનનાં ચિત્રો તૈયાર કરતી વખતે ઝીણી ઝીણી કેટલીય બાબતોને ધ્યાનમાં લેવી પડે. પ્રત્યેક શણગાર અને સામગ્રી પાછળ કશોક ગૂઢાર્થ હોય. જો વિગતદોષ રહી જાય તો ભાવકોની ધાર્મિક લાગણી દુભાતા વાર ન લાગે. રૂપા બાવરી કહે છે, ‘શ્રીનાથજીના ૩૬૫ દિવસના જુદા જુદા શણગાર હોય છે. શું તેમના વાઘા, શું તેમના શણગાર! ટોચના ફેશન ડિઝાઈનરોના દિમાગ કામ ન કરે એવાં કલર કોમ્બિનેશન્સ અને એક્સેસરીઝ હોય છે. આ તો સમુદ્ર જેવો વિશાળ વિષય છે અને મેં તો હજ એક ટીપા જેટલું કામ પણ કર્યું નથી.’



ચિત્રયાત્રાની જેમ લેખનયાત્રા પણ અણધારી શરૂ થઈ. શ્રીનાથજી પ્રત્યેની કૃતાર્થતા વ્યક્ત કરવા રૂપાબહેને એક ભજન લખ્યું, જેની પહેલી કડી હતીઃ



મૈં તો ‘બાવરી’ શ્રીનાથજી
તેરે દરસ કી પ્યાસી
આઈ હૂં તેરે દ્વાર પે
અબ ક્યા મથુરા કાશી?



આ શબ્દમાં વપરાયેલો ‘બાવરી’ તેમનું ઉપનામ બની ગયું અને રૂપા મહેતા, રૂપા બાવરી બની ગયાં. અત્યાર સુધીમાં તેમના રૂપા બાવરીનાં નવ આલબમ્સ બહાર પડી ચૂક્યાં છે અને દેશવિદેશમાં ૩૦૦ કરતાં વધારે સ્ટેજ શોઝ યોજાઈ ચૂક્યા છે. રૂપા બાવરી વ્રજ ભાષામાં પદ રચે અને તેને સ્વરબદ્ધ કરવાની પ્રક્રિયા પણ સાથે સાથે જ ચાલે. ‘બાવરી કે શ્રીનાથજી’ પુસ્તક આ આલબમ્સનાં ટાઈટલ અનુસાર આઠ ભાગમાં વહેંચાયેલું છે પ્રસાદી, ચરણામૃત, શ્રીજી ઉત્સવ, અંગીકાર, પરમ કૃપા, અનુભૂતિ, બિરહન અને સર્વસ્વ સમર્પણ. રૂપા બાવરી કહે છેઃ



‘મારું ‘પાલન ઝુલો શ્યામ’ નામનું આલબમ પણ છે પણ પુસ્તકમાં મેં કૃષ્ણના બાળસ્વરૂપને સામેલ નથી કર્યું. પુસ્તકનું શીર્ષક ‘બાવરી કે શ્રીનાથજી’ છે એટલે કે તેમાં મારી અભિવ્યક્તિ છે. મારામાં ગોપીભાવ છે. કૃષ્ણને હું માતૃભાવથી પ્રેમ કરતી નથી. મારાં પદો એ પ્રભુ સાથેના મારા સંવાદો છે, એમાં મારાં હૃદયની વાત છે.’

Rupa Bawri at work


પુસ્તકમાં પ્રત્યેક ડાબી બાજનાં પાને શ્રીનાથજીનું ચિત્ર છે અને સામે આનુષાંગિક ભજન છપાયું છે. આમ, આખા પુસ્તકમાં કુલ ૫૭ પેઈન્ટિંગ્સ અને એટલાં જ વ્રજભાષી ભજનો છેે. નવી પેઢી સુધી પહોંચી શકાય તે આશયથી હર્ષ દેહેજીયા દ્વારા પ્રત્યેક ભજનનો અંગ્રેજીમાં સુંદર ભાવાનુવાદ પણ છપાયો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રોડક્શન વેલ્યુ ધરાવતું આ પુસ્તક અશોક મહેતાએ જ પ્રકાશિત કર્યું છે. ૫,૯૯૯ રૂપિયાના મૂલ્યનું આ પુસ્તક મુંબઈમાં ઈમેજ પબ્લિકેશન, સ્ટ્રેન્ડ બુક શોપ અને નાલંદા બુક શોપમાં પ્રાપ્ય બનશે. પ્રકાશકનો rupabawri@gmail.com મેઈલ આઈડી પર સંપર્ક પણ કરી શકાય છે.



રૂપા બાવરીના હવે પછીનાં એકિઝબિશનમાં શ્રીનાથજીનાં સાત સ્વયંભૂ સ્વરૂપોનું ચિત્રણ હશે. રૂપા બાવરી માત્ર શ્રીનાથજીનાં જ ચિત્રો બનાવે, ફક્ત એમના જ ભજનો લખે. એમના આંતરિક વિશ્વમાં જાણે કે શ્રીનાથજી સિવાય બીજા કોઈને પ્રવેશ કરવાની અનુમતી જ નથી. એ સમાપન કરતાં કહે છેઃ ‘અલબત્ત, હું એક પત્ની છું, મારે દીકરોવહુ અને સાડાસાત વર્ષનો પૌત્ર છે. ઘરની જવાબદારીઓથી દૂર ભાગવાની વાત જ નથી. કોઈ પણ સંસારી મહિલા જેવું નોર્મલ મારું જીવન છે... પણ હા, મારી અંદરની મોસમ જદી છે. હું મારી જાતને ચિત્રકાર કે કવયિત્રી કે મહાન ભક્ત માનતી જ નથી. હું તો બાવરી છ અને મારે મારા શ્રીનાથજીની સેવા કરવી છે, તેમને પ્રસન્ન કરવા છે, બસ!’



૦૦૦૦૦૦૦૦૦૦

ગાંધીબાપુએ બકાને શું કહ્યું?


                                                                 ચિત્રલેખા -  અંક ૧૭ ઓક્ટોબર ૨૦૧૧

ચિત્રકાર અતુલ ડોડિયાનાં લેટેસ્ટ આર્ટ એક્ઝિબિશનમાં સાહિત્યકાર લાભશંકર ઠાકરનાં
લખાણને કમાલની કલાત્મક અભિવ્યક્તિ મળી છે.

                            Atul Dodiya                                                                                   (photograph by Vijayan Raghavan) 

                                                                                 
બીજા દિવસે બાપુ આવીને બેઠા કે મે પૂછ્યું,
 ‘બાપુ બીજાની ઊંઘ તે ઊંઘ જ હોયને?’   
‘હાસ્તો.’
‘બીજાની ઊંઘ ઊંઘ ના હોય?’
‘ઊંઘ જ હોય બકા.’
‘તો બકાની ઊંઘ બકાની ઊંઘ કરીને બકાને પૉલ્શન (એટલે કે માખણ) કેમ મારો છો?’
‘તારી ઊંઘમાં રહેવું ગમે છે બકા એટલે.’
‘એટલે પૉલ્શન મારો છો?’
‘એમ જ હશે બકા.’
‘હશે એટલે? ‘છે’-ની વાત કરોને.’
‘બકા, આમ ધમકાવ નહીં મને.’
‘તો પછી બકાને પૉલ્શન નહીં મારવાનું.’
‘પણ બકા એમાં શું બગડી ગયું તારું?’
‘ઊંઘ.’
‘સારું બકા. સોરી, લાય રબ્બર. પૉલ્શનના ડાઘા ભૂંસી નાખું.’

આ સંવાદ આકાર લે છે, મહાત્મા ગાંધી અને દસબાર વર્ષના એક ઉત્સુક કિશોર વચ્ચે. ૨૦૦૪માં પ્રતિષ્ઠિત સાહિત્યકાર લાભશંકર ઠાકર (લાઠા)નું ‘બકો છે. કલ્પો’ નામનું એક પુસ્તક પ્રકાશિત થયેલું. આ સંવાદ તે પુસ્તકનો એક અંશ છે. પુસ્તકમાં ગાંધીજી અને બકા વચ્ચે આવા ઘણા સંવાદો થાય છે. સાત વર્ષ પછી આ પુસ્તકને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે ગાંધીજી, બકો અને આ સંવાદો પુસ્તકના પાનાં પરથી ગતિ કરીને હવે કેન્વાસ પર ઊભર્યા છે. આ કમાલનું સ્વરૂપાંતર કર્યું છે, ભારતના સર્વશ્રેષ્ઠ સમકાલીન ચિત્રકારોમાં અધિકારપૂર્વક સ્થાન પામતા અતુલ ડોડિયાએ. મુંબઈની ‘કેમોલ્ડ’ આર્ટગેલેરીમાં ‘બકો એક્ઝિસ્ટ્સ. ઈમેજિન’ શીર્ષક હેઠળ યોજાઈ ગયેલાં કળાપ્રદર્શનનાં ૧૨ પેઈન્ટિંગ્સમાં અતુલ ડોડિયાની ઓર એક સર્જનાત્મક છટા સુંદર રીતે ઝીલાઈ.



લાકડાના સ્ટેન્ડ પર માઉન્ટ કરવામાં આવેલાં વિશાળ કદનાં આ પેઈન્ટિંગ્સ પહેલી નજરે તો સ્કૂલના બ્લેકબોર્ડ જેવાં લાગે. અતિ વપરાશને કારણે બ્લેકબોર્ડની કાળી સપાટી ક્યાંક ક્યાંકથી ઘસાઈને જાણે ઊખડી ગઈ છે. તેના પર સફેદ ચોકથી અત્યંત સુઘડ અંગ્રજી અક્ષરોમાં બાપુબકાનું લખાણ લખવામાં આવ્યું છે. ડસ્ટરથી લૂછવાને કારણે રહી ગયેલા આછા સફેદ ડાઘ તેમજ અક્ષરોની આસપાસ ચોકના વેરાઈ ગયેલા ઝીણા કણો પણ ચોખ્ખા દેખાય છે. લખાણની આસપાસ અને નીચે જુદી જુદી ઈન્ટરેસ્ટિંગ આકૃતિઓ છે. ક્લાસરૂમનાં કાળા પાટિયાં જેવી આબાદ અસર ઊપજાવતાં બ્લેક કેનવાસ પર અતુલ ડોડિયાએ ઓઈલ, ઓઈલ સ્ટિક, વોટરકલર, એક્રેલિક અને માર્બલ ડસ્ટનો ઉપયોગ કર્યો છે.

બાવન વર્ષીય મુંબઈવાસી અતુલ ડોડિયા ચિત્રલેખાને કહે છે, ‘હું આકાર અને અક્ષરો વચ્ચે ભેદ જોતો નથી. લખાણ પણ દશ્યકળાનો જ એક ભાગ છે. હું જમણેરી છું , પણ આ પેઈન્ટિંગ્સ પરનું લખાણ તૈયાર કરવા માટે મેં ડાબો હાથ વાપર્યો હતો કે જેથી ફોન્ટ્સને સુનિશ્ચિત ઘાટ મળે. અગાઉ પણ મેં લિપિસંબંધિત, ટેક્સ્ટબેઝડ ઘણું કામ કર્યું છે. આ કૃતિઓને જોઈને કલારસિકને સવાલ થવો જોઈએ કે મારે આને જોવાનું કે વાંચવાનું? જોનાર મૂંઝાય, સમજવાની મથામણ કરે, એને અવઢવ થાય, હું જે કહેવા માગું છું તે યથાતથ સાંભળી લેવાને બદલે પોતાની કથા ઘડવાના પ્રયત્ન કરે... આ બધામાં મને બહુ રસ પડે છે.’

અતુલ ડોડિયાને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ જાણીતો છે. ૨૦૦૩માં તેમણે ‘એન્ટલર એન્થોલોજી’ શીર્ષક હેઠળ આઠ આધુનિક ગુજરાતી કવિઓની રચનાઓનો વિનિયોગ કરીને વિશાળ કદનાં એક ડઝન ચિત્રો તૈયાર કર્યાં હતાં. લાભશંકર ઠાકર લિખિત ‘બકો છે. કલ્પો’માં તેમના અતિ પ્રિય પાત્ર મહાત્મા ગાંધીજી જુદા જ અંદાજમાં પેશ થાય છે. ભૂતકાળમાં અતુલ ડોડિયાની કૃતિઓમાં ગાંધીજી અનેક વખત પ્રગટ થઈ ચૂક્યા છે. અલબત્ત, આ વખતનાં ચિત્રો ફક્ત ગાંધી વિશેનાં નથી એમ કહીને અતુલ ડોડિયા ઉમેરે છે, ‘લાઠાનાં આ પુસ્તકમાં ગાંધીજી અને બકો બે દોસ્તારોની જેમ સહજપણે વાતો કરે છે. ગાંધીજીની વાતચીતમાં સ્વાતંત્ર્યસંગ્રામ, અહિંસા કે સત્યાગ્રહ આવતાં નથી. આ એબ્સ્ટ્રેક્ટ વાતો છે. પુસ્તકમાં વચ્ચે વચ્ચે આવતા આ કાલ્પનિક ગદ્યખંડોમાં બકાનું વિસ્મય અને ઉત્સુકતા સરસ ઝીલાયાં છે. પુસ્તક વાંચ્યું ત્યારે બકાની માનસિકતા સાથે હું મારી ખુદની કિશોરાવસ્થાને રીલેટ કરી શક્યો. દસબાર વર્ષની ઉંમરે મારા મનમાં ખુદના ગમાઅણગમા વિશે તેમજ કળાપ્રેમ વિશે સ્પષ્ટતાઓ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. મારે આ વિષયને લઈને કેનવાસ પર કશુંક ઊતારવું હતું. આખરે આ ટેક્સ્ટ-બેઝડ ફૉર્મ વિશે માનસિક સ્પષ્ટતા થતાં પેઈન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું.’


બાપુ બકાના સપનાંમાં નહીં, પણ ઊંઘમાં મળે છે. સપનું બહુરંગી હોઈ શકે, પણ ઊંઘનો શેડ ડાર્ક છે, ઘેરો કાળો છે. તેથી કેનવાસનું  બેકગ્રાઉન્ડ સ્કૂલનાં બ્લેકબોર્ડ જેવું કાળું છે. વળી, કાળા પશ્ચાદભૂને બેઝ યા તો ધરી નથી. ગુરુત્વાકર્ષણવિહીન સ્થિતિમાં વસ્તુઓ તરતી હોય તેમ અહીં જુદાં જુદાં એલીમેન્ટ્સ અને આકૃતિઓ ફ્લોટ કરી રહ્યાં છે. આ કૃતિઓ બહોળા વર્ગ સુધી પહોંચી શકે તે માટે લાઠાની ટેક્સ્ટનું અંગ્રજીમાં ભાષાંતર કરવામાં આવ્યું. આ કામ કર્યું નાટ્યકારલેખક નૌશિલ મહેતા તેમજ કવયિત્રી અરુંધતી સુબ્રમણ્યમે. અલબત્ત, આ ચિત્રોને લાઠાનાં લખાણનું ચિત્રસ્વરૂપ ગણીને મર્યાદિત દષ્ટિકોણથી જોવાની ભૂલ કરવા જેવી નથી. લેખકના લખાણને આત્મસાત કરીને, તેને પોતાના ચિત્તનો એક હિસ્સો બનાવીને ચિત્રકારે પોતાના મિજાજ પ્રમાણે કરેલું આ આત્મકથનાત્મક અર્થઘટન છે.

Installation- Meditation (with open eyes)


 આ એક્ઝિબિશનમાં માત્ર ચિત્રો જ નહોતાં, પણ ‘મેડિટેશન (વિથ ઓપન આઈઝ)’ નામનું બહુ જ રસપ્રદ આર્ટ ઈન્સ્ટોલેશન પણ હતું. ઈન્સ્ટોલેશન એટલે, સાદી ભાષામાં, મ્યુઝિયમના ઓરડામાં કે ખુલ્લામાં અલગ અલગ ચીજવસ્તુઓેની કરવામાં આવતી કલાત્મક ગોઠવણી. અતુલ ડોડિયાએ અહીં નવ જેટલાં લાકડાંના કબાટ લગોલગ ગોઠવ્યા હતા. તેમાં હાથેથી અનાજ દળવાની ઘંટીના તોતિંગ પડ, ગરમ પાણીથી શેક કરવાની કોથળી, વિષ્ણુના દશાવતારમાંથી સાતેક જેટલા અવતારની મૂર્તિઓ, એક પર એક ગોઠવાયેલા ડસ્ટરનો સ્તંભ, જૂના જમાનાની ઘડિયાળ જેવી કંઈકેટલીય વસ્તુઓ છે. તે સિવાય સત્યજિત રાય, ફ્રેન્ચ ફિલ્મમેકર ફ્રાન્સવા ત્રુફો, અમેરિકન પેઈન્ટર જાસ્પર જોન્સ આદિની તસવીરો તેમજ ‘આનંદ’ ફિલ્મનો સ્ટિલ ફોટોગ્રાફ સુદ્ધાં છે. આ બધાની સૂઝપૂર્વક થયેલી ગોઠવણી વિશિષ્ટ અસર ઊપજાવે છે.

 અતુલ ડોડિયા સમાપન કરે છે, ‘આ મારાં બાળપણનાં પ્રતીકો છે અને હું જેમનાથી પ્રભાવિત થયો છ  એવા મારા હીરોઝ છે. આર્ટ એક્ઝિબિશનનો આ મહત્ત્વનો હિસ્સો છે. જો બકો ન હોત તો આ ઈન્સ્ટોલેશન પણ ન હોત.’

 અતુલ ડોડિયાનાં અગાઉનાં પ્રદર્શનોની માફક આ એક્ઝિબિશન પણ કળાજગતમાં સ્પંદનો પેદા કરશે એ તો નક્કી.

0 0 0 

Sunday, October 2, 2011

ફ્લાયઓવર બ્રિજ નીચે વહેતું ઝરણું


                                                                                 
શું મને મારાં કોઈ જર્નલિસ્ટિક કામ માટે પુલિત્સર પ્રાઈઝ એનાયત થયું છે?

શું મેં એવી કોઈ મહાન નવલકથા લખી નાખી છે યા તો એવી કવિતાઓ, નવલિકાઓ કે બીજું કોઈ સાહિત્ય રચી નાખ્યું છે જેને લીધે હું સાહિત્યના નોબલ પ્રાઈઝ માટે મજબૂત દાવેદાર ગણાતો હોઉં?

શું મેં એવી કોઈ મહાન ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે જેને લીધે ઓસ્કરમાં મારું નોમિનેશન પાકું હોય?

ફેન્ટસીના લેવલ પર આ ત્રણેય સવાલોના જવાબ છેઃ હા. ફેન્ટસીમાં તો, ખેર, મારા ઘરની શેલ્ફ પર આ ત્રણ સિવાયના પણ બીજા કેટલાય ભવ્ય પારિતોષિકો હું કાયમ જોઉં છું!

પણ હકીકત જુદા અંતિમ પર  ઊભી છે.

અને છતાંય હું ‘લેખક’ તો છું જ. ગર્વિષ્ઠ અને આત્મસન્માનથી પુષ્ટ લેખક. ગૌરવ અને સંતોષની આ લાગણી ભીતરમાંથી, જેને આપણે માંહ્યલો કહીએ છીએ તેમાંથી, ઝરે છે.

જેમ ખુમચાવાળા માટે પાણીપુરી બનાવવી એક કામ છે, કેશકર્તનકાર માટે કેશકર્તન કરવું એક કામ છે, તેમ લેખક માટે લખવું એક કામ છે. અલબત્ત, ખુમચાવાળાએ કે કેશકર્તનકારે કામ કરતી વખતે માત્ર પોતાનું કૌશલ્ય બતાવવાનું હોય છે, એને પોતાની જાતને ‘એક્સપ્રેસ’ કરવાના અબળખા હોતા નથી. લેખકનું ખાતું જરા જુદું છે. પોતાનાં વિચારો-લાગણીઓ-ક્રિયેટિવિટીને વાચક સુધી પહોંચાડવાની તેની ઝંખના હોય છે. શ્રોતા વગરનો વક્તા અપ્રસ્તુત છે તેમ વાચક વગરનો લેખક અપ્રસ્તુત બની જાય છે. લેખક અથવા તો લખાણનો મહિમા થવા માટે વાચકનું હોવું જરૂરી. છતાંય એક હદ પછી લેખકની લેખકવૃત્તિ બાહ્ય વેલિડેશન પર આધારિત ન રહે, તે શક્ય છે. કમરાના એકાંતમાં સિતાર કે પિયાનો કે કોઈપણ વાદ્ય પર લીન થઈને રિયાઝ કરી રહેલા કે સંગીતનું સજર્ન કરી રહેલા કલાકારનો આનંદ, સેંકડો-હજારો શ્રોતાઓની દાદ ઝીલી રહેલા કલાકારના આનંદ કરતાં માત્ર જુદો હોય છે, ચડિયાતો કે ઉતરતો નહીં. કલાકારનો યા તો લેખકનો નિજાનંદ ક્યાં સુધી વિસ્તરતો હોય છે અને સ્વીકૃતિની અપેક્ષાનો ઈલાકો ક્યાંથી શરૂ થઈ જતો હોય છે?

                                                                    ૦ ૦ ૦

નિજાનંદ ને અભિવ્યક્તિ ને સર્જનપ્રક્રિયા ને એવા બધા ભારેખમ શબ્દોથી પરિચિત થવાની વાર હતી ત્યારે, કોલેજનાં વર્ષોમાં, લખવું એ અનાયાસે જ મારા માટે એક એવું દોરડું બની ગયું હતું, જેના થકી લટકતા રહીને ઊંડી ખીણમાં ફંગોળાઈ જતા બચી શકાય. સ્કૂલજીવનમાં ભણતર એ ગર્વનો અને સ્વપરિચયનો સૌથી મોટો સ્ત્રોત હતો, પણ એન્જિનીયરિંગ કોલેજમાં પ્રવેશતાંની સાથે જ, જાણે એક ક્ષણમાં સ્વિચ પટાક્ કરતી ઓનમાંથી ઓફ્ થઈ જાય તેમ, ભણતર એકદમ જ ભયાનક આઈડેન્ટિટી ક્રાઈસિસનું કારણ બની ગયું. જીવનનો એ સૌથી પીડાદાયી તબક્કો હતો. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ હતી કે વડોદરાના પોલિટેક્નિક કેમ્પસમાં મારી હોસ્ટેલ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર હું રાત્રે એકલો જતો અને રેલિંગ પાસે ઊભા રહીને નીચે આવજા કરી રહેલી ટ્રેનોને જોતો, મનોમન ટ્રેનોના સમય નોંધતો અને પ્લાનિંગ કરતોઃ માત્ર એક જ છલાંગ, બસ. શરીર સીધું નીચે બે પાટા વચ્ચે પટકાશે એટલે જીવ આમેય જતો રહેશે. ધારો કે ન ગયો તો બીજી જ મિનિટે ધસમસતી ટ્રેન શરીરનો ખુદડો બોલાવી દેશે. વાત પૂરી.

પણ વાત હંમેશા અધૂરી રહી જતી. હું ફ્લાયઓવર બ્રિજ પરથી પાછો વળી જતો અને હોસ્ટેલના દોસ્તોની ધમાલમસ્તીમાં ચુપચાપ સામેલ થઈ જતો.

એ વર્ષોમાં ટકી રહેવા માટે આ બે જ આધારો હતા-  હોસ્ટેલના બંદરછાપ દોસ્તો  અને બીજી ડાયરી. અંગત ડાયરી. મિત્રો મારા જેટલા જ અપરિપક્વ અને બિનઅનુભવી હતા તે કારણ હતું અથવા કદાચ તેમની પાસે હૈયું ઠાલવી શકવાનો માહોલ ઊભો થઈ શકતો નહોતો. ઘરના લોકો સાથે બિલકુલ વાત કરી શકું તેમ નહોતો. તેથી તમામ પીડાઓ, અસ્પષ્ટતાઓ, માનસિક સંઘર્ષો, તારણો અને સંકલ્પો ડાયરીનાં પાનાં પર ઠલવાતાં. ઓરડાના એકાંતમાં ભીષણ એકાગ્રાતાથી મારી કલમ સડસડાટ ચાલતી. ભયાનક દબાણ અનુભવતું કૂકર વિસ્ફોટ સાથે ફાટી પડે તે પહેલાં વ્હીસલ વાગે અને પ્રેશર હળવું થઈ જાય તેમ ડાયરીનાં પાનાં પર ખાલી થઈ ગયા પછી હું શાંત થઈ જતો. કશુંક ધાર પાસે આવીને અટકી જતું અને પાછું ભીતર લપાઈ જતું. મારી ડાયરી પેલી આત્મઘાતી વૃત્તિનાં ઝેરીલાં અંકૂરોને ખબર ન પડે તેમ વાઢી નાખતી. હું ટકી જતો.

મારી ડાયરી  મારી ઓક્સિજન-માસ્ક હતી. ડાયરીમાં થતું આ લેખન મારી થેરાપી હતી. સેલ્ફથેરાપી. આ એવું લખાણ હતું જે ક્યાંય છપાવાનું નહોતું. જેને હું ક્યારેય કોઈને વાંચવા આપવાનો નહોતો. જેને વાહવાહી કે શાબાશી કે વ્યાપક સ્વીકૃતિ સાથે કોઈ સંબંધ નહોતો. પણ એ લખાણ લખાવું મારા માટે અત્યંત નિર્ણાયક હતું.


Chandrakant Bakshi
તીવ્ર માનસિક કટોકટીનો આ તબક્કો તો ખેર, એક બિંદુ પછી શમી ગયો, પણ ડાયરી વફાદાર પ્રિયતમાની જેમ સતત સાથે રહી. એન્જિનીયરિંગના વર્ષોમાં એન્જિનીયરિંગનાં પુસ્તકો સિવાયનું બીજું બધું જ વંચાતું. એમ. એસ. યુનિવર્સિટીની એચ. એમ. લાઈબ્રેરીમાં મોટા ઉપાડે વાંચવા તો જતો, પણ અડધી જ કલાકમાં માઈક્રોપ્રોસેસર્સ અને ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સનાં થોથાંનાં સ્થાને હાથમાં ચંદ્રકાન્ત બક્ષીની ‘આકાર’ કે પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ આવી જતાં. કોલેજના અધૂરાં એસાઈન્મેન્ટ્સ બેગમાં જ રહી જતાં અને ‘પરબ’ કે ‘ગદ્યપર્વ’ જેવાં સાહિત્યિક સામયિકોમાં બિઝી થઈ જવાતું.  
Madhu Rye







હોસ્ટેલમાં મોડી રાત સુધી જાગીને પ્રેક્ટિકલ્સની જર્નલ બને કે ન બને, પણ ‘અભિયાન’માં પ્રગટ થતી બક્ષીની ‘વિકલ્પ’, મધુ રાયની ‘નીલ ગગન કે તલે’ કોલમ, સૌરભ શાહના ‘આડી લાઈને ચડેલાઓને...’ જેવા લેખો તેમજ ‘સમકાલીન’ની ‘વરાયટી’ પૂર્તિમાંથી હસમુખ ગાંધીની કોલમનાં પાનાં ફાડીને એની વ્યવસ્થિત ફાઈલો જરૂર બનતી. આ સઘળા  વાંચનને કારણે મનમાં કંઈ કેટલુંય ટ્રિગર થતું, પાર વગરનાં તરંગો જન્મતાં જે પછી શબ્દરૂપે યા તો ‘વિચારકણિકા’ રૂપે ડાયરીમાં અવતરતાં. (ડાયરી એટલે બસ્સો પાનાંના પાકાં પૂઠાવાળાં ફુલસ્કેપ ચોપડાં જ.) જે કંઈ વંચાતું એમાંથી ‘નોંધવા જેવાં’ અવતરણો રસપૂર્વક લખાતાં. આમ, ડાયરી કેવળ વિષાદ કે માનસિક યાતનાનો દસ્તાવેજ ન રહી, બલકે તેમાં કંઈકેટલાંય પ્રફુલ્લિત અને ક્રિયેટિવ રંગો ઉમેરાતા ગયા.


Saurabh Shah

લખવાનો શોખ પહેલેથી હતો. બાળપણમાં ‘ચંપક’, ‘ફૂલછાબ’, ‘ફૂલવાડી’ વગેરેમાં ઝીણું ઝીણું બચ્ચા જેવું લખતો હતો અને નામ છપાયેલું જોઈને રાજી રાજી થઈ જતો હતો, પણ સાચા અર્થમાં લખવાનો નક્કર રિયાઝ આ ડાયરીને કારણે થયો. ડાયરીની એકધારી દોસ્તીને લીધે લખાણ ધીમે ધીમે સફાઈદાર થવા માંડ્યું. તે શુદ્ધ અને પ્રવાહી બનતું ગયું. ભાષાની સમજ, ભાષાની લીલા, ભાષાની મસ્તી પકડમાં આવતી ગઈ. સમજાયું કે લખવું એટલે માત્ર વ્યક્ત થવું એમ નહીં, લખતી વખતે લેખક પોતાની જાતને છુપાવવાનું કામ પણ કરી શકતો હોય છે! ગુજરાતી સામયિકો અને અખબારોની દુનિયા વધુને વધુ વશીભૂત કરી રહી હતી. કોલેજનાં વર્ષોમાં જ ‘પરબ’ અને ‘કંકાવટી’ જેવાં પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં નવલિકાઓ સ્વીકારાઈ અને છપાઈ એટલે બાપુ રાજીના રેડ થઈ ગયા. આ પિરીયોડિકલ્સમાં વાર્તા પ્રગટ થવી એટલે જાણે કે તમારા પર લેખક હોવાનો આઈએસઆઈનો માર્કો લાગી જવો!


Hasmukh Gandhi
આજે પણ ક્યારેક કોઈ લેખ લખવો હોય ત્યારે પંદરવીસ વર્ષ જૂની ડાયરીઓના થોકડા કાઢીને બેસું છું, પાનાં ફેરવું છું અને જરૂરી મસાલો અચૂકપણે મળી જાય છે. ઉદાસ કરી મૂકે તેવાં પાનાંને સ્ટેપલર વડે પિન કરી દીધાં છે કે જેથી એમાંથી નવેસરથી પસાર થવંુ ન પડે. જે કંઈ થયું હતું એનો પૂર્ણ સ્વીકાર છે, તે અનુભવોએ મજબૂતી બક્ષી છે તે સત્યનો પૂરો આદર છે. છતાં નથી કરવી એ યાદોને રિફ્રેશ. નથી જીવવી એ ક્ષણોને ફરીથી.

હું જે અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયો છું તે પરથી કહી શકું છું કે મારા માટે લખવું એટલે માત્ર પત્રકારત્વનાં ન્યુઝફીચર્સ લખવાં કે વાર્તા-નવલકથા-નાટક લખવાં કે અન્ય કોઈ પ્રોફેશનલ રાઈટિંગ કરવું એમ નહીં. લખવું એટલે એકત્રિત કરેલી માહિતી કે પોતાના વિચારો-લાગણીઓ ક્રિયેટિવિટીને લોકો સામે રજૂ કરવાં કેવળ એમ પણ નહીં. બીજાઓનો સંદર્ભ તો પછી આવે અથવા ન પણ આવે. મારા કિસ્સામાં લખવું એટલે ભગવાને આપેલાં મન-મગજ-દિલમાં જે હોબાળો ચાલી રહ્યો છે તેને સમજવો. કશુંક અસ્પષ્ટ છે, અધૂરું છે, કશાકનો તાળો મળી રહ્યો નથી કે કશુંક હવામાં અધ્ધર લટકે છે તેવું આઈડેન્ટિફાય કરવું, સમજવું અને સ્વીકારવાની કોશિશ કરવી. માંહ્યલા સામે પ્રામાણિક બનવાનો પ્રયત્ન કરવો.  

મારી ડાયરીએ મારું ઘડતર કર્યુ છે. મને જીવતો રાખ્યો છે. લખવું એટલે શું એ પ્રશ્નનો સૌથી પહેલો નક્કર જવાબ મને ડાયરીના રૂપમાં, જીવન ટકાવી રાખવાના ઓજારના રૂપમાં મળ્યો છે. મારી નજરમાં લેખનપ્રક્રિયાની આ સૌથી સુંદર અને સૌથી મૂલ્યવાન ઓળખાણ છે.

                                                          ૦ ૦ ૦

વ્યું. પછી તો બધું જ આવ્યું. પત્રકારત્વમાં પ્રવેશ્યા પછી યુએનઆઈ-પીટીઆઈના અંગ્રોજી સમાચારોના અનુવાદોથી લઈને  આવતા રવિવારે ફલાણા સ્થળે છગનભાઈ મગનભાઈનું જાહેર પ્રવચન પ્રકારની નગરનોંધથી લઈને છાપાં-મેગેઝિનનાં ફિક્સ ફોર્મેર્ટ ધરાવતા વિભાગો માટેનાં લખાણોથી લઈને ઘાટઘાટનાં પાણી પીધેલા જાતજાતના લોકોના ઈન્ટરવ્યુઝ-ક્વોટ્સ લીધા પછી તૈયાર થતા લેખોથી લઈને કોલમ્સથી લઈને ધારાવાહિક નવલકથા સુધીનું બધું જ લખવાનું આવ્યું.

એન્જિનીયરિંગમાં વર્ષો સુધી દબાયેલી રહેલી મારી સ્પ્રિન્ગ ૧૯૯૫માં પત્રકારત્વમાં પ્રવેશતાની સાથે જ તીવ્રતાથી ઉછળી. શરૂઆત ‘જન્મભૂમિ’થી થઈ. સવારે સાત વાગે શરૂ થયેલી ઓફિશીયલ ડ્યુટી બપોરે બે વાર પૂરી થઈ જતી, પણ પછી મારી ‘હિપ્ હિપ્ હુર્રે’ સપ્લીમેન્ટ માટે કામ ચાલતું. મુંબઈમાં ‘સમાંતર પ્રવાહ’ અને ‘મિડ-ડે’ જેવાં જોશીલા ટેબ્લોઈડ્સ નવાં નવાં લોન્ચ થયાં હતાં અને તેની સામે ‘જન્મભૂમિ’ જેવું સિનિયર અને ગંભીર અખબાર આ સપ્લીમેન્ટનાં રૂપમાં યુથફુલ છટા ધારણ કરી રહ્યું હતું. એમાંય હસમુખ ગાંધીએ એમના તંત્રીલેખમાં આ સપ્લીમેન્ટની પોઝિટિવ નોંધ લીધી એટલે સમજોને કે પુલિત્ઝર પ્રાઈઝ મળવાનો આનંદ કેવો હોઈ જોઈએ તેનો પાક્કો અંદાજ જર્નલિઝમમાં આવ્યાને ત્રીજા જ મહિને મળી ગયો! મુંબઈ જેવું મારા માટે સાવ નવું શહેર અને આ પૂર્તિ માટે નવા નવા લોકોને મળવાનું, ઈન્ટરવ્યુઝ કરવાના, રોકટોક વગર ખૂબ બધું મૌલિક અને મનગમતું લખવાનું, ઢગલાબંધ બાઈલાઈન્સ જોવાની... એટલો બધો આનંદ આવતો હતો કે મને ખરેખર સવાલ થતો કે ઓફિસ મને કઈ વાતનો પગાર ચૂકવે છે? આટલી બધી મજા કરવા દેવા ખરેખર  તો મારે સામેથી કંપનીને ફી ચૂકવવી જોઈએ! એન્જિનીયરિંગના વર્ષોમાં સાવ પાતાળમાં પહોંચી ગયેલું આત્મસન્માન અને સ્વઓળખ ઝપાટાભેર ઊંચકાઈને નોમર્લ સપાટી પર આવી રહ્યાં હતાં. હવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પરથી નીચે નજર કરતી વખતે છલાંગ લગાવવાનો વિચાર નહોતો આવતો, પણ ધડધડાટ દોડતી લોકલ ટ્રેનોનું મીઠું મેટ્રોપોલિટન મ્યુઝિક સંભળાતું હતું...

‘જન્મભૂમિ’ પછી અનક્રમે ‘સમાંતર પ્રવાહ’, ‘ચિત્રલેખા’, ‘મિડ-ડે’ અને પછી ‘અભિયાન’નો સ્ટાફર બન્યો. જવાબદારીઓ વધતી ગઈ. અગાઉનાં પ્રકાશનો કરતાં ‘ચિત્રલેખા’ની કામગીરી જુદી હતી. અહીં હું  ‘ડેસ્કનો માણસ’ નહીં, રિપોર્ટર હતો. મારી વર્ક પ્રોફાઈલ અને ટેમ્પરામેન્ટ એવાં રહ્યાં છે કે જો ‘ચિત્રલેખા’માં જોડાયો ન  હોત તો નક્કર ફિલ્ડવર્કનો જે ટૂંકો અનુભવ મળ્યો છે તે કદાચ કદી ન મળ્યો ન હોત. હાલ ‘અહા! જિંદગી’ના એડિટોરિયલ કન્સલ્ટન્ટ તરીકે તેમજ ‘ચિત્રલેખા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સાથે કોલમિસ્ટ તરીકે સંકળાયેલો છું.

પત્રકાર હોવાની સૌથી ‘પૈસા વસૂલ’ એક્ટિવિટી જો કોઈ હોય તો એ છે અલગ અલગ ક્ષેત્રોની વ્યક્તિઓનો વનટુવન ઈન્ટરવ્યુ  લેવાનો આવ્યો છે. પાંચદસ લીટીના ક્વોટ નહીં પણ ફુલફ્લેજ્ડ ઈન્ટરવ્યુ. જીવતાજાગતા માણસને મળવું, તેની સાથે સંધાન કરી શકવું, તેની ભીતર ઝાંકવાની કોશિશ કરવી, તેનાં મન-હ્યદય-વિચારોને ક્રમશઃ અનાવૃત્ત થતાં નિહાળવા... આ આનંદ મહામૂલો છે. મુલાકાત લેનાર જો ઠીકઠીક પર્સેપ્ટિવ હોય તો અમુક ન કહેવાયેલી વાતો પણ જોઈસાંભળી-સ્પર્શી શકતો હોય છે. ઈન્ટરવ્યુ લીધા પછી તે લખવાની પણ મજા છે.

પત્રકાર ડેડલાઈનનો માણસ છે અને જ્યાં સુધી ડેડલાઈનનું પ્રેશર ન આવે ત્યાં સુધી એની કલમ હલવાની તસ્દી લેતી નથી તે એક સર્વસ્વીકૃત વાત છે. આ પુસ્તકમાં ઘણાએ આ ‘જર્નલિસ્ટિક સત્ય’ ટાંક્યું હશે, આઈ એમ શ્યોર! કોઈ બહાનું બચ્યું ન હોય, સાવ ભીંતસરસા ચંપાઈ ગયા હોઈએ અને સહેજ પણ ચસકી શકાય તેમ ન હોય, આમતેમ નજર કરીએ ત્યારે ભાગી છૂટવા માટે નાનું બાકોરું પણ દેખાતું ન હોય, આર્ટિકલ સબમિટ કરવા માટેનો બેર મિનિમમ સમય બચ્યો હોય છેક ત્યારે લખવા બેસવાનું અમને લોકોને ગમતું હોય છે. ચાલુ ભાષામાં કહીએ તો ‘નીચે રેલો આવે’ ત્યારે જ રિપોર્ટ-લેખ-કોલમ-ફિલ્મ રિવ્યુ કે કંઈપણ લખવાની મજા આવતી હોય છે! ડેડલાઈનનું જોરદાર દબાણ હોય ત્યારે એકાગ્રાશક્તિ (અને કદાચ લેખનશક્તિ પણ) ખીલે, શબ્દો ફ્ટાફટ સૂઝવા માંડે અને કાગળ અથવા તો કમ્ય્યુટર કીબોર્ડ પર ફરતી આંગળીઓ મહત્તમ સ્પીડ ધારણ કરી લે. આ રીતે લખાયેલો આર્ટિકલ ફાઈલ થઈ ગયા પછી જે નિરાંત થાય... આહા!

પણ છેલ્લી ઘડી સુધી લખવાનું ઠેલ્યા કરવાનું જોખમી નિવડી શકે છે. આ વાત ‘અભિયાન’માં ‘વિક્રાંત’ ધારાવાહિક લખી રહ્યો હતો ત્યારે બરાબર સમજાઈ રહી હતી. ‘વિક્રાંત’ મારી પહેલી જ નવલકથા. બે આંગળીના વેઢા પણ માંડ થાય એટલી જે નવલિકાઓ લખી હતી તે છેક પૂર્વજન્મમાં, કોલેજનાં વર્ષોમાં. આથી એવું પણ નહોતું કે આ પ્રકારનું ક્રિયેટિવ લખવાનો મહાવરો હતો. ‘અભિયાન’માં હવે પછીની ધારાવાહિક મારે લખવાની છે તે એકદમ જ નક્કી થયું. એક તો ‘અભિયાન’નુ સંપાદન અને એક્ઝિક્યુશન કરવાનું પુષ્કળ સમય માગી લેતું જવાબદારીભર્યુ કામ. તેમાં દર અઠવાડિયે ‘વિક્રાંત’ના હપ્તા લખવાનું એટલું જ વજનદાર વધારાનું કામ ઉમેરાયું.  આદર્શ રીતે તો દસેક હપ્તા તૈયાર થાય પછી નવલકથા શરૂ કરવી જોઈએ, પણ એટલો સમય અને મોકળાશ લાવવા ક્યાંથી. અને ડેડલાઈનના પ્રેશર વગર દસદસ હપ્તા લખાય પણ કેમ. માંડ ત્રણ લખાયા અને નવલકથા છપાવાની શરૂ થઈ ગઈ. બુધવારે ઈશ્યુ પેક કરવાનો હોય એટલે નવલકથાનાં પાનાંવાળું ફોર્મ મોડામાં મોડા સોમવારે પ્રોસેસમાં જતું રહેવું જોઈએ. છેલ્લી ઘડી સુધી ‘વિક્રાંત’નો હપ્તો લખાતો રહે. પાંચપાંચસાતસાત પાનાં લખીલખીને કંપોઝમાં મોકલતો રહું અને છેલ્લે છેલ્લે ઈન્ટરકોમ પર ઓપરેટરને પૂછતો રહુંઃ હજુ કેટલાં પાનાં જોઈશે?

હપ્તો લખાતો હોય ત્યારે સાથે સાથે રૂટિન કામ તો ચાલતાં જ હોય   મુબઈના અને બહારના રિપોર્ટરો સાથે સતત ફોન પર સંપર્કમાં રહેવું, ડેસ્કના સ્ટાફ અને બીજા ડિપાર્ટમેન્ટ્સ સાથે કો-ઓર્ડિનેટ કરવું, ઈમેઈલ્સ ચેક કરતા રહેવું, બીજા લેખો-વિભાગોનું એડિટિંગ કરતા રહીને તેનાં પાનાં ફાઈનલાઈઝ કરતાં જવાં વગેરે. માનસિક મોકળાશ કે નો ડિસ્ટર્બન્સ  કે એકાંત કે રાઈટર્સ બ્લોકની લકઝરી એટલે શું વળી?  એક વીક્લીની જે રુટિન ધમાલ હોય એમાં કશી બાંધછોડ કરવાનો સવાલ જ નહોતો. તે જ પ્રમાણે, નવલકથાની સુરેખતા, પ્રવાહીતા, અપીલ તેમજ જરૂરી રિસર્ચ કરવું પડે તો તેમાં પણ કશી બાંધછોડ ન હોય. અગાઉ કહ્યું તેમ, આ રીતે પહેલી નવલકથા લખવી કેટલી જોખમી છે તે મને સમજાઈ રહ્યું હતું. એક્સિડન્ટ-બેક્સિડન્ટ થયો ને હાથ ભાંગી ગયો તો? બે મહિનાનો ખાટલો થઈ ગયો તો? ગુજરી ગયા તો? ધારો કે આવું કશું ન થાય, પણ નવલકથામાં કેવી રીતે આગળ વધવું તે સમજાતું ન હોય તો? કશીક ક્રિયટિવ ક્રાઈસિસ ઊભી થઈ તો?

પણ થેન્ક ગોડ આવું કશું ન થયું. દીકરા, ચિંતા ન કર, ઉપર હું બેઠો છું એવું હજાર હાથવાળાએ ફરી એકવાર પૂરવાર કર્યુ! ‘વિક્રાંત’ લખાઈ, સરસ રીતે લખાઈ, પૂરો સંતોષ થાય તે રીતે લખાઈ. વાચકોએ તેને દિલપૂર્વક પસંદ કરી. પછી તો તે પુસ્તકરૂપે પણ પ્રકાશિત થઈ. ‘વિક્રાંત’ વાંચીને વાચકો હજુય પત્ર-એસએમએસ-ફેસબુસ મેસેજ રૂપે સંપર્ક કરે અને ફીડબેક આપે છે ત્યારે હોઠના બન્ને ખૂણા કાનને સ્પર્શી જાય એટલું મોટું સ્મિત ચહેરા પર આવી જાય છે.

‘મિડ-ડે’ માટે હિન્દી ફિલ્મોના રિવ્યુઝ લખવાની વાત આવી ત્યારે પહેલો વિચાર એ આવ્યો હતો કે હું તો રહ્યો કેવળ સિનેમાનો પ્રેમી, સિનેમાની સમીક્ષા કરવા માટે જે અભ્યાસ, એક્સપોઝર અને પાંડિત્ય  જોઈએ તે ક્યાંથી લાવવાં? સદભાગ્યે મને આપવામાં આવેલી બ્રિફ પ્રમાણે મારે કોઈ પણ પ્રકારની પંડિતાઈના ભાર વગર આમદશર્કના પોઈન્ટ-ઓફ-વ્યુથી રિવ્યુ લખવાના  હતા. રિવ્યુ લખવાનો હોય એટલે ગમે તેટલી ખરાબ હોય તો પણ ફિલ્મ આખેઆખી જોવી પડે અને પાછી ધ્યાનપૂર્વક જોવી પડે, તમે અડધેથી નાસી ન શકો, નસકોરાં બોલાવતાં સૂઈ પણ ન શકો! જોકે ફિલ્મ જેટલી ખરાબ હોય, કચકચાવીને રિવ્યુ લખવામાં એટલી વધારે મજા આવે. રિવ્યુઝ માટે લાગલગાટ બે વર્ષ સુધી દર અઠવાડિયે બબ્બે, ત્રણત્રણ અને ક્યારેક તો ચારચાર હિન્દી ફિલ્મો જોવાની ફળશ્રુતિ એ કે, મા કમસ,  સહનશીલતા ગજબની વધી ગઈ છે!

                                                                 ૦ ૦ ૦
સાહિત્યમાં રસ હોય, લખવાનો શોખ હોય એટલે પત્રકારત્વમાં જવું એવું એક સાદું સમીકરણ આગાઉ પણ હતું, આજે ય છે. આ જરા નાજુક બાબત છે. સાહિત્ય અને જર્નલિઝમ બન્નેનો સંબંધ કલમ સાથે છે એ ખરું, પણ પત્રકારત્વમાં તો જ આવવું જોઈએ જો પત્રકારત્વમાં રસ હોય.  પત્રકાર બન્યા પછી આગળ જતાં તમે કોલમિસ્ટ બનો અને સાથે સાથે જો સાહિત્યની ‘સેવા’ પણ કરી શકો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. આની સામે બીજી વાત પણ છે. ફુલટાઈમ પત્રકાર બન્યા પછી એના પડકારોમાં, એના અલગ જ પ્રકારના આનંદ અને સંતોષમાં, તેના બીબાંઢાળ રૂટિનમાં તમારી  સાહિત્યપ્રીતિ સૂકાવા માંડે કે સાહિત્ય તરફ તમે જે થોડીઘણી ગતિ કરી હતી એ તદ્દન જ અટકી જાય તે બિલકુલ શક્ય છે. સાહિત્યનું સર્જન તો ઠીક, સાહિત્યનું વાંચન પણ સદંતર બંધ થઈ જાય તેમ પણ બને. કેટલાય પત્રકારો સાથે આવું બન્યું છે અને સતત બનતું રહે છે. આ જોખમસ્થાન બરાબર સમજી લેવું જોઈએ. ‘કેમ? હરીન્દ્ર દવે, ભગવતીકુમાર શર્મા અને હરકિસન મહેતા ફુલટાઈમ પત્રકાર હોવા છતાંય સાહિત્યકાર હતા જ ને?’  આવી દલીલ હંમેશા કરવામાં આવે છે. આ બધા મજાનાં અને અપવાદરૂપ ઉદાહરણો છે. બધા સાહિત્યસર્જનવાંછું પત્રકારો કંઈ દવે-શર્મા-મહેતા જેવું કોમ્બિનેશન અચીવ કરી શકવાના નથી.

નિર્ભેળપણે જર્નલિસ્ટ હો એટલે ટ્વેન્ટીફોર-બાય-સેવન ‘એક્સાઈટિંગ સ્ટફ’ કરતા રહેવું એમ નહીં, પ્લીઝ. આંખમાં જર્નલિઝમનું ગ્લેમર આંજીને બેઠેલાં છોકરાછોકરીઓએ આ બાબત સમજી લેવી જોઈએ. પત્રકાર તરીકે તમે કેટલાંય એક્સાઈટિંગ લોકોને મળો છો, તેમની સાથે ઈન્ટરેક્ટ કરો છો તો સાથે સાથે તમે અંદરથી બુઠ્ઠા કરી નાખે તેવી બીબાઢાંળ કામગીરી પણ કરો છો. તમે મજ્જા પડી જાય તેવા લેખો લખવાની સાથે માત્ર રેવન્યુ જનરેટ કરવાના ઉદેશ સાથે બહાર પાડવામાં આવતી માર્કેટિંગની મહાબોરિંગ પૂરવણીઓ પણ તૈયાર કરો છે. પત્રકાર એક પ્રોફેશનલ રાઈટર છે અને તેને માટે નિજાનંદનું ગણિત જરા પેચીદું હોય છે. પત્રકારત્વ એક પેકેજ ડીલ છે, કોઈપણ નિકટની વ્યક્તિ કે ઘનિષ્ઠ સંબંધની જેમ, જેને આખેઆખું સ્વીકારવું પડે.

ખેર, આ બધું અનુભવે સમજાતું જાય છે, શીખાતું જાય છે. સમય બદલાય છે, પત્રકારત્વનાં નીતિમૂલ્યો તેમજ સમીકરણો બદલાય છે અને તમે પણ બદલાઓ છો. પાણીનું ઝરણું જેમ દિશાઓ બદલતું વહેતું જાય તેમ તમે તમારી આંતરિક શક્તિ અને ઝંખના અનુસાર પોતાનો માર્ગ કરતા આગળ વધતા રહો છો.
                                                            ૦ ૦ ૦

લેખક માટે ‘સામૂહિક ક્રિયેટિવ પ્રોસેસ’ જેવી પણ કોઈ વસ્તુ હોય શકે તે ભાઈદાસ-તેજપાલ જેવી કમર્શિયલ અને પૃથ્વી થિયેટર જેવી નોન-કમર્શિયલ રંગભૂમિના અનુભવ પરથી સમજાયું. આ ક્ષેત્ર સાથેનો સંબંધ હજુ તો નવો છે, પણ આ એક અલગ દુનિયા છે અને બહુ મજાની દુનિયા છે. સિનેમાનું માધ્યમ તીવ્રતાથી આકર્ષેં છે, પણ હજુ સુધી તેની સાથેનો નાતો કેવળ એક સિનેમા-લવર તરીકેનો જ રહ્યો છે. ખેર, ઝરણું પોતાની ગતિ, શક્તિ અને મસ્તી પ્રમાણે વહેતું રહેશે. ઝરણું કઈ દિશામાં કેવી રીતે આગળ વધશે તેની આગાહી ક્યાં કરી શકાતી હોય છે?

આગાહી આમ તો ફેન્ટસીનો જ એક પ્રકાર થયો કહેવાયને !                                                    
                                                                 
0 0 0




(કૌશિક મહેતા દ્વારા સંપાદિત પુસ્તક લખવું એટલે કે...માટે)