Showing posts with label Aarti Patel. Show all posts
Showing posts with label Aarti Patel. Show all posts

Monday, July 20, 2015

વાંચવા જેવું : શોર્ટ એન્ડ સ્વીટ

 ચિત્રલેખા - અંક તા. જુલાઈ ૨૦૧૫

કોલમ: વાંચવા જેવું 

‘ઝિંદગી એક્સપ્રેસ’ની ટૂંકી વાર્તાઓમાં ભાષાના કોઈ આડંબર નથી કે પ્રયોગખોરીના ધખારા નથી. વાર્તાઓ સાદગીભરી અને લાઘવયુક્ત છે. એનું વિશેષ કારણ એ છે કે આ વાર્તાઓ પરંપરાગત અર્થમાં લ-ખા-ઈ નથી. લેખિકા આરતી પટેલ માય એફએમ રેડિયો પર લગભગ ત્રણ વર્ષથી ‘ઝિંદગી એક્સપ્રેસ’ નામનો શો ચલાવે છે. એમાં અઠવાડિયાના પાંચ દિવસ રોજ એક નવી પોતાના વાર્તા સમક્ષ પેશ કરે છે. વચ્ચે વચ્ચે ગીતો અને વિજ્ઞાપનો ટાપુની જેમ આવતાં જાય અને વાર્તા તેને કૂદાવતી કૂદાવતી આગળ સરકતી જાય. આ શોની સૌથી વધારે વખણાયેલી કહાણીઓ અહીં શબ્દસ્થ થઈ છે. 

 
                                                                                 


ક નાનકડી છોકરી. છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતી હશે. એક વાર ક્લાસના એક છોકરાને એણે બરાબરનો ધીબેડી નાખ્યો. કેમ? એ ચોરીછુપીથી છોકરીના દફતરમાંથી લંચબોક્સ બહાર કાઢીને નાસ્તો કરી રહ્યો હતો, એટલે. પ્રિન્સિપાલે છોકરીની મમ્મીનું ધ્યાન દોર્યું. છોકરીને એમ કે મમ્મી હવે બરાબરની વઢશે, પપ્પાને વાત કરશે. એવું કશું ન થયું. મમ્મીએ ફક્ત હોટ ચોકલેટના બે ગ્લાસ તૈયાર કર્યા, એક દીકરીને આપ્યો અને એટલું જ પૂછ્યું:

‘બહુ માર્યો નહીં બિચારાને?’

‘પણ મમ્મી, એણે મારો નાસ્તો લઈ લીધેલો.’

‘કેમ લઈ લીધો હશે એનો તને વિચાર ના આવ્યો?’

પછી ખબર પડી કે છોકરાની માને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘરે કોઈ નાસ્તો બનાવી આપી શકે એવું કોઈ નહોતું એટલે બિચારાએ ભૂખના માર્યા છોકરીના દફતરમાંથી નાસ્તાની ચોરી કરવાની કોશિશ કરી હતી. મમ્મીએ છોકરીને સજા કરી: જ્યાં સુધી છોકરાની મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછી ન આવી જાય ત્યાં સુધી હું રોજ એના માટે પણ નાસ્તો પક કરી આપીશ અને તારે રોજ એને રિસેસમાં નાસ્તો કરાવવાનો!

તે દિવસે મમ્મીએ છોકરીને માત્ર હોટ ચોકલેટનો ગ્લાસ જ નહીં, સંસ્કારનું દ્રાવણ પણ પાયું હતું. જ્યારે જ્યારે દીકરીને તકલીફમાં જુએ, મમ્મી હોટ ચોકલેટના ગ્લાસ લઈને એની પાસે પહોંચી જાય. એને કંઈક એવી સરસ વાત કરે કે છોકરી કાં તો હળવીફુલ થઈ જાય અથવા એને સાચી દિશા મળી જાય. દીકરી પરણીને સાસરે ગઈ ત્યાં સુધી મમ્મી એને હોટ ચોકલેટના ગ્લાસની સાથે સાથે જિંદગી જીવવાની ટિપ્સ આપતી રહી. મા મૃત્યુ પામી પછી યુવાન પુત્રીએ આ પરંપરા આગળ વધારી. આજે હવે એ પોતાનાં સંતાનને મૂંઝાયેલું કે અપસેટ જુએ ત્યારે અચૂક બૂમ પાડે છે, ‘ચાલ, આપણે બન્ને હોટ ચોકલેટ પીએ.’    

કેટલી મજાની વાર્તા. શોર્ટ એન્ડ સ્વીટ. આજે જે પુસ્તકની વાત કરવી છે એ ‘ઝિંદગી એક્સપ્રેસ’માં આવી ૪૫ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ થયો છે. દરેક લખાણ પાંચ-છ પાનાંનું. માંડણી થતાંની સાથે જ કથા રમરમાટ કરતી વહેવાનું શરુ કરી દે, પાત્રો આકાર પકડતાં જાય, ઘટનાઓ બનતી જાય અને આખરે એક સરસ બિંદુ પર વાત પૂરી થાય. અહીં ભાષાના કોઈ આડંબર નથી કે પ્રયોગખોરીના ધખારા નથી. વાર્તાઓ સાદગીભરી અને લાઘવયુક્ત છે. એનું વિશેષ કારણ છે. આ વાર્તાઓ પરંપરાગત અર્થમાં લ-ખા-ઈ નથી. લેખિકા આરતી પટેલ માય એફએમ રેડિયો પર લગભગ ત્રણ વર્ષથી ‘ઝિંદગી એક્સપ્રેસ’ નામનો શો ચલાવે છે. એમાં અઠવાડિયાના પાંચ દિવસ રોજ એક નવી પોતાના વાર્તા સમક્ષ પેશ કરે છે. વચ્ચે વચ્ચે ગીતો અને વિજ્ઞાપનો ટાપુની જેમ આવતાં જાય અને વાર્તા તેને કૂદાવતી કૂદાવતી આગળ સરકતી જાય. આ શોની સૌથી વધારે વખણાયેલી કહાણીઓ અહીં શબ્દસ્થ થઈ છે.


‘જિયો દિલ સે’ એ માય એફએમનું સ્લોગન છે એ ન્યાયે ‘ઝિંદગી એક્સપ્રેસ’ની વાર્તાઓની બહુમતી વાર્તાઓ સ્વભાવે રોમેન્ટિક છે. કામઢા પ્રેમીની બેગમાં ગુપચુપ સ્પિનેચ કોર્ન સેન્ડવિચનાં પેકેટ્સ સરકાવી દેનાર ‘આઈરિશ કોફી વિથ ક્રીમ’ની રિદ્ધિ હોય, ‘ઈશ્કવાલા લવ...’નાં સુનીતા ને રોહન હોય કે ‘પ્રેમની પરફેક્ટ ક્લિક’નાં રાહિલ-શાલિની હોય, સૌ અહીં પ્રેમના રંગે રંગાયેલાં છે. સામે છેડે ‘કેપિટલ એબીસીડી’ અને ‘૩૦ ટકા પાર્ટનરશિપ’ જેવી કથાઓ પણ છે, જેમાં રોમાન્સ સિવાયનાં લાગણીઓ-ભાવો સરસ રીતે ઊપસ્યાં છે.

આ કાલ્પનિક વાર્તાઓમાં લેખિકા જે વિશ્ર્વ ઊભું કરે છે એમાં નિર્દોષતા, માધુર્ય અને ગરિમા છે. અહીં કશું જ અ-સુંદર, હિંસક કે અપ્રિય લાગે એવું નથી. એકાદ-બે અપવાદને બાદ કરતાં બાકીની બધી વાર્તાઓ મૌલિક વાર્તાઓ છે. લેખિકા આરતી પટેલ ‘ચિત્રલેખા’ને કહે છે:

‘ક્યારેક એવું કશુંક બની જાય અથવા આકસ્મિકપણે ધ્યાનમાં આવી જાય કે એ લાંબા સમય સુધી મનમાં ઘુમરાયા કરે. એ પછી વાર્તાના જન્મનું કારણ બને. જેમ કે, એક વાર મેં એક શાંત લોકાલિટીમાં જૂની શૈલીનું સરસ મજાનું બંધ મકાન જોયું હતું.  એકાએક એ ઘરમાંથી મને ટેલિફોનની રિંગ સંભળાઈ.  જૂના લેન્ડલાઈન ફોનમાં સાંભળવા મળતી એવી રિંગ. થોડી વાર વાગીને એ બંધ થઈ ગઈ. એ ઘર અને એ રિંગ મારાં મનમાં રહી ગયાં. મને વિચાર આવ્યો કે ધારો કે આ ઘર કાયમ બંધ રહેતું હોય અને છતાંય રોજ ચોક્કસ સમયે એમાં કોઈનો ટેલિફોન આવતો હોય તો? બસ, આવા વિચારમાંથી ‘હલ્લો, કોણ?’ નામની વાર્તા બની. રોજ વાર્તા લખતા સમજોને કે મને આઠેક કલાક થાય, પણ એનું રકોર્ડિંગ કરવામાં પૂરી વીસ મિનિટ પણ ન થાય!’

લેખિકા મૂળ વાર્તા લખે રેડિયોના શ્રોતાઓને સંભળાવવા માટે. સંભળાવવા માટે સર્જાતી વાર્તાનું ભાષાકર્મ જુદું હોય, એના વાક્યોની રિધમ અલગ હોય. રેડિયો પર ટેલિકાસ્ટ થતી વાર્તાને ધ્વનિ અને સંગીતનો સાથ મળે, જ્યારે કાગળ પર છપાયેલું લખાણ એકાકી હોવાનું. જે વાર્તા સાંભળવામાં સારી લાગે એ વાંચવામાં પણ સારી લાગે ખરી? ‘જિંદગી એક્સપ્રેસ’નો પ્લસ પોઈન્ટ એ છે કે આ વાર્તાઓ વાંચવામાં પણ એટલી જ અસરકારક છે. પ્રત્યેક કથા સ્પષ્ટ આદિ, મધ્ય અને અંતવાળી વા-ર-તા તો બને જ છે. ઈન ફેક્ટ, જો જાણ કરવામાં ન આવે તો વાચકને કદાચ અંદેશો પણ ન આવે કે આ વાર્તાઓનું મૂળ માધ્યકમ કંઈક જૂદું હતું! લેખિકાએ ભલે વાર્તાઓમાં પ્રયોગો ન કર્યા હોય, પણ રેડિયો પર પ્રસારિત થયેલી વાર્તાઓને પુસ્તકનો ઘાટ મળવો એ સ્વયં એક પ્રયોગ છે.

‘ઝિંદગી એક્સપ્રેસ’ વિવેચકો માટે નથી. આ કથાઓ એ વાચકો માટે છે જેમને સરળ અને રસાળ કથાઓમાં રસ છે. આજે નવલિકાઓ પ્રમાણમાં ઓછી લખાય છે ત્યારે વધાવી લેવાનું મન થાયએવું સુંદર પુસ્તક.  0 0

 ઝિંદગી એક્સપ્રેસ
લેખિકા: આરતી પટેલ
પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૨૧૩ ૯૨૫૩
કિંમત:  ‚. ૩૭૫ /
પૃષ્ઠ: ૨૪૨


૦ ૦ ૦